Opinion Magazine
Number of visits: 9574640
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અક્ષર બિરાદરી જોગ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 September 2020

ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનું મારું ભાવાત્મક સંધાન સંભારું છું ત્યારે માનસપટ પર ઊભરતી પહેલી છબી ૧૯૫૫માં ગોવર્ધનરામના શતાબ્દીવર્ષે નડિયાદમાં મળેલી પરિષદના અહેવાલોએ ઝિલાયેલી છે. કાલિદાસની સર્ગશક્તિ હોય મારી કને તો સિંહના દાંત ગણવા કરતા શિશુ ભરત શું નાટ્યચિત્ર આલેખું, પણ હમણાં તો એટલું જ કહું કે કનૈયાલાલ મુનશીની એકચક્રી પકડ સામે સંસ્થામાં લોકશાહી ખુલ્લાશ વાસ્તે પડકાર – મુદ્રામાં ઉમાશંકર જાણે કે અવિધિસરના મેન ઑફ ધ મૅચ રૂપે સૌ સમક્ષ આવ્યા હતા.

અલબત્ત, પરિષદ સાથેનું પહેલું પ્રત્યક્ષ સંધાન તો તે પછી નવા બંધારણને ધોરણે અમદાવાદમાં કાકા કાલેલકરની અધ્યક્ષતામાં મળેલા યશસ્વી અધિવેશન વેળાનું. તે પછી નાનાવિધ સત્ર ને સભામાં સામેલ થવાનું કદાપિ છૂટ્યું નથી – ને છેલ્લા ત્રણ દાયકાથી તો મધ્યસ્થ સમિતિ, કારોબારી, પ્રકાશનમંત્રી, મહામંત્રી (વહીવટી મંત્રી), ઉપપ્રમુખ સહિતને હોદ્દે જવાબદારી સંભાળવાનું બન્યું છે, તો વિભાગીય અધ્યક્ષ તરીકે નિર્વહણ કરવાનું પણ બન્યું છે. ઉશનસ્‌, જયન્ત પાઠક, રઘુવીર ચૌધરી, બકુલ ત્રિપાઠી, નિરંજન ભગત, ધીરુબહેન પટેલ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર આદિ પ્રમુખોના કાળમાં યથાસંભવ સહભાગી થવાનું સહજ ક્રમે થતું રહ્યું છે. આમાં જે સીમાચિહ્નો બની આવ્યાં તેમાં જો હું યશભાગી હોઉં તો સહિયારી જવાબદારીને ધોરણે મારે હિસ્સે મર્યાદાઓ પણ બેલાશક હોય જ. છેલ્લાં દસપંદર વરસમાંથી નમૂના દાખલ બે ઉલ્લેખો કરું તો નારાયણ દેસાઈના પરિષદપ્રવેશમાં અને સ્વાયત્તતાને મુદ્દે સ્ટૅન્ડ બાબતે મેં કંઈક ઠીક ભૂમિકા ભજવી છે.

રણજિતરામનું અસ્મિતાસ્વપ્ન, નટરાજની પેઠે અંગાંગ ઉત્સ્ફૂર્ત ચૈતન્યે પલટાતા સમયમાં ઉત્તરોત્તર શોધનવર્ધનપૂર્વક ચરિતાર્થ થતું રહે એ માટે કોઈ પણ સહૃદય અક્ષરકર્મીને સહજ એમ મારી રીતેભાતે મથતો રહ્યો છું. આજની તારીખે ગુજરાતના અક્ષરજીવન અને જાહેરજીવનના સાર્થક પારસ્પર્યની સંગમભૂમિએ ઊભી જે સમજવાનું છે તે એ કે સાહિત્ય પરિષદ કોઈ હી ઑલ્સો રેન જેવી ઇત્યાદિ પ્રકારની સંસ્થા નથી, પણ નીરક્ષરવિવેકપૂર્વક નરવાનક્કુર અવાજ અને નીરમ ને નેજાશી એની કાર્યભૂમિકા છે.

પરિષદનું આ પ્રજાસૂય, રિપીટ, પ્રજાસૂય દાયિત્વ, આંતરબાહ્ય સ્વાયત્તતા અને શુચિતાની આ જે જદ્દોજહદ, એમાં કંઈક અગ્રભાગી-કંઈક સહભાગી થવાની આ દાયકાઓમાં મારી કોશિશ રહી છે અને એના અનુસંધાનમાં મારી ઉમેદવારી છે, એમ હું સમજું છું.

૧૯૬૮-૬૯માં ‘વિશ્વમાનવ’ની સંપાદકીય જવાબદારી સ્વીકારી, ૧૯૭૧માં ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી’ સાથે સંકળાયો તે પછી વિધિવત્‌ અધ્યાપન સહજ ક્રમે છૂટતું ગયું અને જાહેરજીવનલક્ષી લોકશિક્ષણને અગ્રતા મળતી ગઈ. કટોકટીના કારાવાસ પછી બહાર આવી સહજક્રમે એના જ અગ્રસંધાન રૂપે ‘જનસત્તા-લોકસત્તા’ અખબારોમાં વરિષ્ઠ તંત્રી તરેહની ભૂમિકા સંભાળવાનું બન્યું, તો ‘દિવ્ય ભાસ્કર’ના આરંભકાળે સંપાદકીય સલાહકાર પણ રહ્યો. ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારમાં નિમિત્ત બન્યો તો એપ્રિલ ૧૯૯૨થી ‘નિરીક્ષક’નું દાયિત્વ પણ (હવે તો રજતવર્ષો વટીને) સંભાળું છું.

સંપાદકીય કામગીરી દરમિયાન લખવાનું અને ગ્રંથસ્થ કરવાનું પરસ્પર વ્યસ્ત સંબંધમાં રહ્યું છે. પાંત્રીસેક વરસ પર દિલીપ ચંદુલાલ, ડંકેશ ઓઝા અને ચંદુ મહેરિયાએ ત્યાં સુધી લખાયેલા લેખોમાંથી સ્થાયી મૂલ્યવત્તા ધરાવતા ‘વ્યક્તિ અને વિચાર’ તરીકેના ત્રણેક ગ્રંથોની સામગ્રી તારવી આપી હતી. હમણાં પાંચ-સાત વરસ પર ઉર્વીર્શી કોઠારી ને ચંદુ મહેરિયાએ તે પછીના વિપુલ લેખરાશિમાં સહેજે ત્રણ ગ્રંથો જેટલી પસંદગીલાયક સામગ્રી જોઈ હતી. દસ વરસમાં જે કેટલીક વ્યાખ્યાનમાળાઓ થઈ, જેમ કે ‘ટૉલ્સ્ટોયથી ગાંધી’, ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ-એક માનવી જ કાં ગુલામ’, ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’, ‘સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં’, ‘ભારતવર્ષની સ્વરાજસાધના’, એ પ્રત્યેક સ્વતંત્ર પુસ્તક પેઠે સામગ્રીસમ્પન્ન છે. આ એક નાનીશી તપસીલ.

તેમ છતાં, આજની તારીખે મારું કથયિત્વ બલકે પ્રતિપાદન એ છે કે પ્રજાકીય સંસ્થારૂપે પરિષદની એક ચોક્કસ કાર્યભૂમિકા છે અને એને અંગે ન તો મેદાન છોડી શકાય, ન તો હાથ ઊંચા કરી દઈ શકાય. અને વાતનો બંધ વાળું તે પૂર્વે રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’ના વાર્તિક રૂપે ઉમાશંકરનું એ ટિપ્પણ સંભારું કે શ્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે … ગોવર્ધનરામના સાક્ષરજીવનની નવ્ય આવૃત્તિ જાણે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 09

Loading

મતદારો જોગ

હરિકૃષ્ણ પાઠક|Opinion - Opinion|14 September 2020

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ઉમેદવારી સંદર્ભે મારે જે કહેવું, અનિવાર્ય ગણાય તે ટૂંકમાં કહું છું.

પરિષદના દ્વારકા ખાતેના જ્ઞાનસત્રમાં ૧૯૬૬માં ભાગ લીધો, ત્યારથી પરિષદ સાથે સતત સંકળાયેલો રહ્યો છું અને ૧૯૯૪થી ૨૦૧૭ સુધી સુધી કારોબારીમાં સક્રિય રહ્યા સાથે અનુક્રમે પ્રસારમંત્રી, વહીવટીમંત્રી અને ઉપપ્રમુખ તરીકે યોગદાન કર્યું છે પૂરી સક્રિયતા સાથે, જેથી કેટલુંક કામ જે કરવા જેવું હતું તે થયું. પરિષદના પ્રમુખપદ માટે મારું નામ સૂચવાયું તે તબક્કે એક આપદ્‌ ધર્મ તરીકે મેં સંમતિ આપી છે.

જે મિત્રોએ સામે ચાલીને મને સહકારનું વચન આપ્યું છે અને જેઓએ મારી સાથે જ હોવાનો અહેસાસ અને વિશ્વાસ કરાવ્યો છે, તે સહુનો હું આભારી છું. મિત્રો પોતાની રીતે સહકાર આપી શકે, પરંતુ ઉમેદવાર હું છું તેથી મતદાતાઓને અપીલ પણ મારે જ કરવી ઘટે તેવી સમજ અને વિવેકથી મને મત આપવા આપને અપીલ કરું છું. પરિષદે આજ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીને પુનઃ પૂર્વવત્‌ સ્વાયત્ત બનાવવા જે ઉપક્રમ રચ્યો છે, તે બરકરાર રહે અને સંવાદથી આગળ વધે, તે માટે પ્રયત્નો થશે ને થતા રહેશે. શબ્દસેવીઓનો ઉત્તમ સહકાર મળતો રહેશે તેવો વિશ્વાસ છે. અલબત્ત, આ કારણે પરિષદે કરવાં ઘટે તેવાં કામોમાં ઓટ કે મંદતા ન આવે તે પણ જોવું રહ્યું. વળી, સ્વાયત્તતાનો પ્રશ્ન માત્ર પરિષદનો જ નથી, સમગ્ર સાહિત્યજગતનો છે, એને રાજકીય રૂપે જોવાનુંયે ઇષ્ટ નથી.

પરિષદ લોકશાહી ઢબે પ્રવર્તી રહેલી, શતાધિક વર્ષોની ઊજળી પરંપરા ધરાવતી પ્રજાકીય સંસ્થા છે. તેનાં ગૌરવ અને ગરિમા જળવાઈ રહે તે માટે, તેને આત્મનિર્ભર બનાવવા જરૂર પડે, તો લોકમોજાર જવાનું હું પસંદ કરું. આ સંસ્થાના પાયામાં આપણા જે આદરણીય મહાનુભાવો, સર્જકો, સમાજનિષ્ઠો અને પ્રજાપુરુષોનું તપ પડ્યું છે, તેનું પુણ્ય હજી તપે છે.

જે પ્રશ્ન છે તે પરિષદે જ કરવી પડે તેવી પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાઈ રહે તે માટે ચુસ્ત-દુરસ્ત, પારદર્શી સહયોગધર્મી અને કરકસરભર્યા વહીવટનો છે. આ જવાબદારી સ્વીકારવા હું રાજી થયો છું તેના પાયામાં સચિવાલયમાં નાયબસચિવ સુધીના પદની કામગીરીના અનુભવની મૂડી પડેલી છે અને તેનો લાભ પરિષદને અગાઉ પણ મળ્યો છે.

સ્વસ્થ લોકશાહીમાં ગુપ્ત-મુક્ત મતદાન એ મતદાતાનો આગવો અધિકાર છે અને તેનો સ્વવિકાનુસાર ઉપયોગ થઈ શકે છે, થવો જોઈએ. સર્વ મતદારોના વિવેકમાં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે મારે કહેવાનું તો એટલું જ છે કે – Now or Never – આજે અથવા ક્યારે ય નહીં.

તા.ક. મારો પરિચય ડીસાના અખબાર ‘રખેવાળ’માંથી થોડા સંક્ષેપરૂપે આ સાથે સાભાર ઉદ્ધૃત કરુ છું.

°°°°°°°°°

સર્જક-પરિચય / શિલ્પી બુરેઠા

‘અખંડ આનંદ’ના વિભાગ કાવ્યકુંજમાં પોતાની રચનાઓ મોકલતા, સાહિત્યસર્જકોને રચના ના સ્વીકાર કે અસ્વીકારની જાણ તરત અને સરસ રીતે કરતા રહ્યા છે, એવા સંપાદક તરીકેનો અનુભવ તો કવિઓને થયો જ હશે.

હરિકૃષ્ણ પાઠકનો જન્મ તા. ૫/૮/૧૯૩૮ના રોજ થયો હતો. ૧૯૬૩થી ગુજરાત સરકારના સચિવાલયમાં જોડાયા. ૧૯૯૬માં સરકારી સેવામાંથી નાયબસચિવ(કૅબિનેટ)ના પદ પરથી નિવૃત્ત થયા. હાલ તેઓ ગાંધીનગરમાં જ રહીને અનેક રીતે પ્રવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જો કે તેઓ સરકારી સેવામાં હતા, ત્યારે પણ નવોદિતો માટે શિબિરોનું સંચાલન કરીને સતત પ્રવૃત્તિશીલ રહેતા. ‘ગાંધીનગર સાહિત્યસભા’ના સ્થાપક પ્રમુખ અને ‘બુધ કવિતાસભા’ દ્વારા સતત કાર્યરત રહ્યા. તો, આ સિવાય ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સાથે સંકળાયેલા રહ્યા. કવિતા ઉપરાંત સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં લેખન, સર્જન કર્યું. લેખકનાં પુસ્તકો નીચે મુજબ છે.

સર્જન-વિવેચન : (૧) સૂરજ કદાચ ઊગે (કાવ્યસંગ્રહ) ૧૯૭૪, (૨) ગુલાબી આરસની લગ્ગી (કિશોરકથા) ૧૯૭૯, (૩) કોઈનું કંઈ ખોવાય છે (બાળકાવ્યો) ૧૯૮૧, (૪) અડવાપચ્ચીસી (કટાક્ષકાવ્યો) ૧૯૮૪, (૫) મોરબંગલો (વાર્તાસંગ્રહ) ૧૯૮૮ (૬) દોસ્તારીની વાતો (બાળકો સાથે ગોષ્ઠિ) ૧૯૯૩, (૭) ગલીને નાકેથી (વિવેચન) ૧૯૯૩, (૮) જળના પડઘા (કાવ્યસંગ્રહ) ૧૯૯૫, (૯) હલ્લો-ફલ્લો (બાળકાવ્યો) ૨૦૦૪, (૧૦) રાઈનાં ફૂલ (હાસ્યકટાક્ષ પ્રતિભાવનાં કાવ્યો, ૨૦૦૫, (૧૧) હળવી હવાની પાંખે (પ્રવાસકથા) ૨૦૦૫, (૧૨) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ, ગાફિલ’ (પરિચયરેખા) (૧૩) નટુભાઈને તો જલસા છે (વાર્તાસંગ્રહ) ૨૦૦૮, (૧૪) અંગત અને સંગત (નિબંધસંગ્રહ) ૨૦૦૯, (૧૫) ઘટનામાટે (કાવ્યસંગ્રહ) ૨૦૦૯, (૧૬) સાક્ષર બોતેરી (કડીબદ્ધ લઘુચરિત્રકાવ્યો) ૨૦૧૧, (૧૭) સ્વૈરકથા (હાસ્યકથા) ૨૦૧૮, (૧૮) જળમાં લખવાં નામ (સમગ્ર કવિતા) ૨૦૧૧.

સંપાદન : (૧) નગર વસે છે (ગાંધીનગરના કવિઓનાં કાવ્યોનો સંગ્રહ) ૧૯૭૮, (૨) કવિતાચયન (૧૯૯૪નાં કાવ્યો) ૧૯૯૬, (૩) ગૂર્જર અદ્યતન નવલિકા (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૯૮, (૪) ગૂર્જર નવલિકાસંચય (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૯૮, (૫) કલાપીનાં કાવ્યો – આપની યાદી ૧૯૯૯, (૬) સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય ચંદ્રકાન્ત શેઠ સાથે, ૨૦૦૨, (૭) મુકુન્દરાય પારાશર્ય સ્મૃતિગ્રંથશ્રેણી (સંપાદન : કનુભાઈ જાની તથા દિલાવરસિંહ જાડેજા સાથે) ૧. સ્મૃતિદર્શન (૨૦૧૦), ૨. છીપે પાક્યાં મોતી (૨૦૧૦), ૩. પારાશર્યનું ભાવવિશ્વ (૨૦૧૦), (૮) બાલમુકુન્દ દવેનું સમગ્ર સાહિત્ય, ૧. બૃહદ્દ પરિક્રમા – (સમગ્ર કવિતા) ૨૦૧૦, (૨) અલ્લક-દલ્લક (સમગ્ર બાલગીતો-કાવ્યો) ૨૦૧૧, (૩) પ્યાસ અને પરબ (કાવ્ય-આસ્વાદ તથા સાહિત્યિક લેખો) ૨૦૧૧, (૪) ઘટઘટમાં ગંગા (પ્રૌઢ નવશિક્ષિતો માટેના ચરિત્રાત્મક આલેખો) ૨૦૧૧.

ઍવૉડ્‌ર્સ/પારિતોષિક : (૧) ‘કુમારચન્દ્રક’ (૧૯૬૭ના વર્ષનાં કાવ્યો માટે, (૨) ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રસ્તુત પાંચ પુસ્તકો (૧) સૂરજ કદાચ ઊગે, (૨) ગુલાબી આરસની લગ્ગી, (૩) કોઈનું કંઈ ખોવાય છે, (૪) દોસ્તારીની વાતો, (૫) ગલીના નાકેથી, (૩) નર્મદચન્દ્રક – શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ, જળના પડઘા માટે (૧૯૯૩થી ૧૯૯૭ના સમયનો), (૪) જયંત પાઠક કવિતા-પુરસ્કાર (‘જળના પડઘા’ માટે) ૧૯૯૫, (૫) ધનજી કાનજી ગાંધી સુવર્ણચન્દ્રક – (ગુજરાતી સાહિત્યસભા તરફથી) ૨૦૧૦. (૬) ક્રિટિક્સ ઍવૉર્ડ (છાંદસ કાવ્ય ‘ટાપુ’ માટે) ૧૯૮૪, (૭) ચન્દ્રશેખર ઠક્કર પારિતોષિક (‘વડ, લીમડા ને આમલી’-૧૯૭૨), અને ‘મારે તો’ – ૧૯૭૭ માટે, (૮) કવિશ્રી દલપતરામ ઍવૉર્ડ (વર્ધમાન વિકાસ ટ્રસ્ટ, વઢવાણ દ્વારા) ૨૦૧૧, (૯) નરસિંહ મહેતા ઍવૉર્ડ (સીતારામટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા) ૨૦૧૩.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 08-09

Loading

ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 September 2020

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સર્વોચ્ચ અદાલતના નહીં, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અર્થાત્ ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાવવામાં આવે છે, એના પરથી ખ્યાલ આવશે એ હોદ્દો કેટલો મોટો છે અને એનાથી પણ વધુ એનું ગૌરવ કેટલું મોટું છે. પ્રોટોકોલની યાદીમાં મુખ્ય ન્યાયમૂર્તિ અનુક્રમે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (જો હયાત હોય તો) પછી પાંચમાં ક્રમે આવે છે. આમાં નિવૃત્ત રાષ્ટ્રપતિને અપાયેલો ચોથો ક્રમ એક આદર માત્ર છે એટલે સત્તા ધરાવનારાઓમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ વડા પ્રધાન પછી તરત જ ચોથા ક્રમે આવે છે.

તમને યાદ હશે કે ૨૫મી એપ્રિલ ૨૦૧૬ના રોજ દેશના ચોથા ક્રમના હોદ્દેદાર, મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર દેશના ત્રીજા ક્રમના હોદ્દેદાર વડા પ્રધાન નામે નરેન્દ્ર દામોદાર મોદીની હાજરીમાં જાહેરમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓ રીત સર હીબકા ભરતા ભરતા વડા પ્રધાનને કહી રહ્યા હતા કે હવે દેશનું ન્યાયતંત્ર પડી ભાંગ્યું છે. એને બચાવો. સરકાર જ એને બચાવી શકે એમ છે. પ્લીઝ ન્યાયતંત્રને ચુસ્ત-દુરુસ્ત કરો. ન્યાયતંત્ર નહીં બચે તો દેશમાં કાયદાનું રાજ્ય પડી ભાંગશે.

કાયદાનું રાજ્ય. સામાન્ય જનોનું કાયદાના રાજ્યમાં કેટલું હિત જળવાયેલું છે એનું લોકોને અને ખાસ કરીને ભક્તોને ભાન નથી. ધોળે દિવસે દીકરીનું અપહરણ થશે ત્યારે રડતાં માં-બાપને ક્યાંયથી ન્યાય મળવાનો નથી. જે ન્યાય આપનાર છે એ જ શાસક પાસે કરગરે છે કે પ્લીઝ ન્યાયતંત્રને બચાવો.

તમને કદાચ જાણ નહીં હોય કે ૧૮૧૮માં પેશ્વાઓના રાજનો અંત આવ્યો અને તેની જગ્યાએ અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે પેશ્વાઓની રૈયતે ઘરને ટોડલે દીવાઓ પ્રગટાવીને દિવાળી ઉજવી હતી. શા માટે? કારણ કે કાયદાનું રાજ નહોતું. ઘાસીરામ કોટવાલો પેશ્વાઓના શ્રીમંત સરદારો માટે કે તેના લંપટ સગાંઓ માટે ગમે તેની મા-બહેનોને ઉઠાવી જતા હતા. ફરિયાદ ક્યાં કરો અને કોને કરો? વિજય તેંડુલકરે ‘ઘાસીરામ કોટવાલ’ નાટક લખ્યું અને ભજવાયું ત્યારે મહારાષ્ટ્રના દેશપ્રેમી સંસ્કૃતિ-રક્ષક બ્રાહ્મણોને મરચાં લાગ્યાં હતાં અને નાટક ન ભજવાય એ માટે ધમપછાડા કર્યા હતા. ખેર, એ વાત જવા દઈએ. પેશ્વાઓની રૈયતે દીવા કરીને દીવાળી ઉજવી હતી એ વાત તમને ગળે ન ઉતરે એવું બને.

મને ખાતરી છે કે તમે આપણા કવિ દલપતરામની પેલી જાણીતી કવિતા ‘હરખ હવે તું હિન્દુસ્તાન’! તો સાંભળી જ હશે. હરખ કઈ વાતનો હતો એ તો મનહર છંદમાં લખાયેલી કવિતા વાંચશો એટલે ખબર પડી જશે. કવિતા આ મુજબ છે :

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

કવિતા ઘણી લાંબી છે એટલે આખી ઉતારતો નથી (આખી કવિતા ઈંટરનેટ પર ઉપલબ્ધ છે), પણ હજુ વચ્ચેથી બે પંક્તિ ટાંકુ છું :

ઈગ્લીશ નેજા નીચે તારાં તનુજ કરે ગુલતાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

આ કવિતા પરથી ખ્યાલ આવશે કે કાયદાના રાજ માટે પ્રજા કેટલી વલખાં મારતી હતી. દલપતરામ તો શિક્ષિત બ્રાહ્મણ હતા અને છતાં અંગ્રેજોના રાજનું સ્વાગત કરતા હતા તો કલ્પના કરો કે દેશી રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કેવી હશે! લગભગ દરેક રાજ્યમાં ઘાસીરામ કોટવાલો જ રાજ કરતા હતા. દલપતરામની કવિતા વાંચીને કદાચ તમને ખાતરી થશે કે મહારાષ્ટ્રમાં પ્રજાએ પેશ્વાઓના રાજના અંતનો અને અંગ્રેજોના રાજના આરંભનો કેવો ઉત્સવ મનાવ્યો હશે.

હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે દરેક કુકર્મોનો બચાવ કરનારાઓને એક સવાલ પૂછવાનું મન થાય છે. દલપતરામ ડાહ્યાભાઈ આપણી ભાષાના આધુનિક યુગના આદ્યકવિ છે. નર્મદ કરતાં ઉંમરમાં મોટા હતા અને નર્મદ જેટલા જ આધુનિક હતા એટલે હું તેમને આધુનિક યુગના આદ્યકવિ કહું છું. વળી નર્મદ તો પાછલાં વર્ષોમાં બદલાયો હતો, જ્યારે દલપતરામ જેટલા આધુનિક હતા એટલા જીવનભર રહ્યા હતા. એક છેડેથી બીજે છેડે નહોતા ગયા. આ દલપતરામ ૧૯મી સદીમાં ભારતીય શાસકોને અને તેમના આંગળિયાતોને કાળા કેર કરનારાઓ તરીકે ઓળખાવે છે. બકરી અહીં દીકરી-વહુ તેમ જ ગરીબ લાચાર પ્રજાના પ્રતિકરૂપે છે. પાછું દેશીરાજ્યોથી મુક્તિને તેઓ આવકારે છે અને અંગ્રેજ રાજ્યનું સ્વાગત કરીને પ્રજાને હરખાવાની સલાહ આપે છે.

તમને નથી લાગતું કે કવિ દલપતરામ આધુનિક ગુજરાતના આદ્યકવિ ભલે હોય, સૌ પહેલા તો તેઓ આધુનિક ગુજરાતના આદ્યદેશદ્રોહી હતા? આવું કહેવાતું હશે, હરખ હવે તું હિન્દુસ્તાન! આ લખનાર જેવા તો દલપતરામના દેશદ્રોહી નાનાં છોરું કહેવાય. મહારાષ્ટ્રમાં આપણા પોતાના, પાછા હિંદુ અને હિન્દુમાં પણ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ એવા પેશ્વાઓનું રાજ જાય તો હરખાવાનું હોય! કોઈ દેશપ્રેમ અને હિંદુગૌરવ જેવી ચીજ ખરી કે નહીં? ૧૮૧૮માં જે જે ઘરોમાં ટોડલે દીવા પ્રગટ્યા હતા એને પાછલી મુદ્દતથી દેશદ્રોહી જાહેર કરવા જોઈએ.

હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે કુકર્મોનો બચાવ કરનારાઓને એ પણ જણાવી દઉં કે અફઘાન પ્રજાને જ્યારે તાલેબાનોથી મુક્તિ મળી ત્યારે ત્યાં પણ પ્રજાએ હરખ મનાવ્યો હતો અને ત્યાં પણ કોઈ દલપતરામે હરખ હવે તું અફઘાનિસ્તાન કવિતા લખી હશે. તમને ખબર નથી કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. હિંસા તમારે ઉંબરે આવશે, બહેન-દીકરીને સાંજ પડ્યા પછી ઘરની બહાર નીકળતા ડર લાગશે અને ગાયબ થઈ ગયેલો દીકરો ક્યારે ય ઘરે પાછો નહીં ફરે કે નહીં તેની લાશ મળે ત્યારે ભાન થશે કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. છેલ્લાં સો વરસમાં આ ધરતી ઉપર સોએક જેટલા દેશોએ કમકમાં આવે એવી અરાજકતા વેઠી છે. એને જઈને પૂછો કે ધર્મ, વંશ અને ભાષાની અસ્મિતાઓ કરતાં કાયદો કેટલો મહાન છે અને કેટલો જીવનાવશ્યક છે. જીવનાવશ્યક દવા તો માત્ર આપણી જિંદગી બચાવે છે; જ્યારે કાયદો અને કાયદા આધારિત રાજ્ય તમારી, તમારા પરિવારની અને તમારા વહાલાં સંતાનોની જિંદગી બચાવે છે. એના થકી તમે રાતના ઊંઘી શકો છો.

માટે ૨૦૧૬માં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરનાં જાહેરમાં, કેમેરાની સામે બધાં બંધનો તૂટી પડ્યા હતાં અને હીબકા ભરતાં ભરતાં દેશના વડા પ્રધાનને કહ્યું હતું કે ન્યાયતંત્રને ઉગારો. તેનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે. જગતનો ઇતિહાસ આની સાક્ષી પૂરે છે. આ વાતને ચાર વર્ષ થઈ ગયાં છે. આ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બની હતી. તેમણે ન્યાયતંત્રને ઉગારવા શું કર્યું? કાંઈ જ નહીં. ઊલટું, એક ધક્કા ઔર દોની નીતિ અપનાવી છે.

પણ એ પહેલાં દેશના ન્યાયતંત્રની આવી અવસ્થા થઈ શેના કારણે એનું વિવેચન કરીશું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1762,1772,1782,179...2,1902,2002,210...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved