Opinion Magazine
Number of visits: 9680524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—70

દીપક મહેતા|Opinion - Opinion|14 November 2020

હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંના દીવાથી ઝગમગતું મુંબઈ

ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ઉમટે

મરાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરાના મૂળમાં ગુજરાતી માસિક  

ઓગણીસમી સદીના મુંબઈમાં દિવાળી

દિવાળીના દિવસોમાં મુંબઈમાં જેટલો ઉત્સાહ જોવા મળે છે તેટલો આખી દુનિયામાં બીજે ક્યાં ય જોવા મળતો નહિ હોય. આ ઉત્સવ સતત પાંચ દિવસ ચાલે છે અને એ જોવા લોકો દૂર દૂરથી મુંબઈ આવતા હોય છે. જાતજાતનાં ચિત્રો, અરીસા, હાંડીઓ, ઝુમ્મર વગેરેથી ઘરોનાં દિવાનખાના, પેઢીઓ, વગેરે એટલાં તો શણગારાય છે કે તેની સામે શ્રીમંતોના આરસમહેલ તો પાણી ભરે. કિલ્લામાં, બજારોમાં, રસ્તાઓ અને ગલ્લીઓ પર, ઘરોમાં અને ઘરોની બહાર, હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંનાં દીવા ઝગમગતા જોવા મળે છે. આ જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડે છે અને ઠેર ઠેર ઘોડા ગાડીઓની લાંબી હાર જોવા મળે છે. ચોપડા પૂજનની સાંજે તો પેઢીઓમાં જે ઉજવણી થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે. નવા આણેલા ચોપડાઓનું પૂજન દરેક પેઢીમાં થાય છે. તે સાંજે તો કોટ અને બજાર વિસ્તારમાં એટલા લોકો હોય છે કે તેમની ગાડીઓની લાંબી લાંબી કતાર જાણે નદીમાં પૂર આવ્યું હોય તેમ આગળ ને આગળ ધપતી જોવા મળે છે.

તે દિવસે ગુજરાતી ઘોડાવાળાઓ એક સરખો પોશાક પહેરી એકઠા થાય છે અને પગે ઘૂઘરા અને કમ્મરે કમરબંધ બાંધી, હાથમાં બે બે લાકડી લઈ ઘરે ઘરે જઈ નાચતા હોય છે અને ગાતા હોય છે. તેમને આઠ આના-રૂપિયાની બક્ષીસ આપીને લોકો રાજી કરતા હોય છે. બલિપ્રતિપદા એ ગોવાળિયાઓ માટે બહુ મોટો તહેવાર હોય છે. તે દિવસે પોતાનાં ગાય-ભેંસને શણગારીને તેઓ પંચવાદ્ય વગાડતા ઘરે ઘરે ફરે છે. લોકો પંચારતી (પાંચ દીવાવાળી આરતી) કરીને તેમને વધાવે છે. 

દિવાળીના દિવસોમાં અડોશપડોશનાં બૈરાંઓ સાંજે ભેગાં મળીને કેવળ મોજ ખાતર જાતજાતનાં ગીતો ગાય છે. જેમ કે,

મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં રસ્તાનો નહિ પાર.
બંને બાજુ ઘર છે મોટાં, શોભે નકશીદાર.
ઘરને રંગ્યાં અનેક રંગે, રંગોનો શણગાર.
મુંબઈ તો છે ભપકાદાર, મુંબઈ તો છે ઠસ્સાદાર.
મુંબઈ શે’રની મોજ માણવા ..

મુંબઈમાં તો અલી! જુઓ ને શોભે તૈણ બજાર,
ભાયખળામાં શાક સવારે, ફૂલ, ફળોની હાર,
માર્કેટની બાજાર, તહીં કીડિયારું અપરંપાર.
માળી ઘરે ન આવતા, મુંબઈ શે’ર મોઝાર.
ફૂલ લાવવા જવું પડે બઈ ઠેઠ ચીરાબાઝાર.
ગુલાબ દેશી, વેલાતી ચંપો,
આસોપાલવનાં તોરણની ઠેર ઠેર છે હાર.
મુંબઈ શે’રની મોજ માણવા ..

મુંબઈમાં તો એક નહિ, પણ બબ્બે છે દરબાર,
ટંકશાળમાં સિક્કા ને નોટોની છે લંગાર,
ટૌન હોલમાં જહાં જુઓ ત્યાં ચોપડીઓની હાર.
મુંબઈના દરિયાને કાંઠે બંદર તો છે સાત,
બોરીબંદર, ચીંચબંદર, કોયલાબંદર,
ઉરણબંદર ચાર,
માહિમનું ને ભાયખળાંનું બંદર,
અને સાતમું ભાઉચા ધક્કાનું બંદર
છે મુંબઈ મોઝાર.  
મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં રસ્તાનો નહિ પાર.

(૧૮૬૩માં પ્રગટ થયેલ ગો.ના. માડગાંવકરના મરાઠી પુસ્તક ‘મુંબઈચે વર્ણન’માંથી મુક્ત અનુવાદ)

મુંબઈની દિવાળી ગાંધીજીની નજરે

હવે દિવાળી આવી પહોંચી. શહેરની શેરીઓ બધી આંખને આંજી નાખનારી રોશનીથી ઝળાંહળાં થઈ રહી છે. અલબત્ત, જેણે લંડનના રિજન્ટ સ્ટ્રીટ અથવા ઓક્સફર્ડ સ્ટ્રીટ જોયાં જ નથી તેને જ એ આંજી નાખનારી લાગે, અને તેની સરખામણી ક્રિસ્ટલ પેલેસ પર જે પ્રમાણમાં રોશની કરવામાં આવે છે તેની સાથે કરવાની હોય નહિ. મુંબઈ જેવાં મોટાં શહેરોની વાત વળી જુદી છે. પુરુષો, સ્ત્રીઓ, અને બાળકો પોતાનાં સારામાં સારાં વસ્ત્રો પહેરી ફરવા નીકળે છે. એ વસ્ત્રોના રંગોની વિવિધતાનો પાર નથી. તેથી અદ્ભુત એવી ચિત્રવિચિત્ર અસર પેદા થાય છે ને બધાં વસ્ત્રો એકઠાં મળી સુમેળવાળું અખંડ રંગબેરંગી સુંદર દૃષ્ય ઊભું કરે છે. વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા પણ આજે રાતે કરવાની હોય છે. વેપારીઓ ત્યારે નામાનો પહેલો આંકડો પાડી નવા ચોપડા શરૂ કરે છે. પૂજા કરાવનારો સર્વવ્યાપી બ્રાહ્મણ પૂજામાં થોડા શ્લોકો બબડી જઈ દેવી સરસ્વતીનું આવાહન કરે છે. પૂજા થઈ રહે એટલે છેક અધીરાં થઈ ગયેલાં બાળકો દારૂખાનું ફોડવા મંડી પડે છે અને આ પૂજાનું મુહૂર્ત આગળથી નક્કી થયેલું હોવાથી શહેરની બધી શેરીઓ ફટાકડાઓના અને બીજા દારૂખાનાના ફૂટવાના ફટફટ ને સૂ સૂ અવાજોથી ગાજી ઊઠે છે. ધાર્મિક વૃત્તિના લોકો પછી મંદિરોએ દર્શને જાય છે પણ ત્યાંયે આ રાતે તો આનંદ અને ઉત્સાહ આંજી નાખનારી રોશની અને જાતજાતની શોભા વગર બીજું કંઈ જોવામાં આવતું નથી.

– ગાંધીજી

(લંડનના સામયિક ‘ધ વેજિટેરિયન’ના એપ્રિલ ૪, ૧૮૯૧ના અંકમાં લખેલા લેખના અનુવાદના સંકલિત અંશો)

***

ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ઉમટે

જરા મોટપણે જોયેલા ચીનાબાગના ઓચ્છવ-જમણવારો પણ મને બરાબર યાદ છે. દિવાળી ટાણે ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ચાર દિવસ ઉમટે. ચીનાબાગમાં જમણ હોય. ગીરગામમાં એકજથ્થે સેળભેળ વસતાં અને મોરારજી ગોકુળદાસની નોકરીઓ કરતાં અમારા પાંચ-સાત દખણી ગુજરાતી કુટુંબોને સાકટમે નોતરાં હોય. જમણ પછી નાના શેઠિયાઓને હાથે પુરુષવર્ગને અને ધનીમા તરફથી પાછળ બૈરાંઓને નવાજેશો થાય. બંગલાના કિમતી પર્શિયન ગાલીચા બિછાવેલા મોટા હોલમાં મખમલ મશરૂથી મઢેલાં કોચ ગાદીતકિયા પર, કપાળે કેસરપીળ કાઢેલા નાના શેઠિયાઓ અઢેલીને પૂર દમામથી બેસે, ને અમારા મહેતા-કારકૂન કુટુંબોના વડીલો બધા બેઉ બાજુ ધોળી ફૂલ ખોળો ચઢાવેલી ઊજળી દૂધ ગાદીઓની બિછાયતો પર ઠેઠ દેશી પોશાકોમાં (અહીંની જ નવાજેશોમાં મળેલાં પાઘડી, અંગરખા, ઉપરણા ને ત્રણ આંગળ પહોળી લાલ રેશમી કિનારનાં નાગપુરી ધોતિયામાં) હારબંધ બેસે. અમે નાના છોકરાઓ બધા તેમની આગલી બાજુએ અદબપૂર્વક બેસીએ.

પછી અકેક કુટુંબનો વડીલ ઊઠીને અકેક છોકરાને અગાડી કરે. લાવીને શેઠિયાઓ સન્મુખ ઊભો રાખે, ને દર વખતે નવેસર ઓળખ કરાવે! અમને તો આ પ્રસંગે કેમ ઊભા રહેવું, કેમ જવાબ દેવા, કેમ લળીલળીને હાથ જોડવા, શેઠિયાઓ આપે તે ભેટની વસ્તુ કેવી નમનતાઈથી નીચા નમીને લેવી, ને કપાળે અડકાડી પાછે પગે પોતાની જગાએ જઈને કેમ બેસવું, એવી અકેક બાબતની દિવસોના દિવસો અગાઉથી અમારા ઘરોમાં તાલીમ અપાઈ હોય, ને રિહરસલો પણ કરાવી હોય! વરસોવરસનો આ ક્રમ તે મુજબ જ બધું કરવાનું.

પછી ભરજરીના તોરાવાળી નવીનકોર લાલ ચણોઠી જેવી પાઘડીઓ અને કોરી કડકડતી બાસ્તા જેવી ધોળી જગન્નાથનાં ચૂડીદાર ટૂંકા અંગરખાં પહેરેલા સતારા મામલેસરના ધિપાડ ધિંગા ઘાટીઓને હાથે પાનબીડાંના થાળ ફરે. સોનવાણી ગુલાબદાનીઓમાંથી ગુલાબજળ છંટાય. મોંઘા અત્તરના મઘમઘાટથી હોલ બહેકી ઊઠે, ને અમને દરેકને અમારા નાના શેઠિયાઓને હાથે સપરમા દિવસની નવાજેશો થાય. ઘરની મિલોના વણાટની કોરી ધોતલીઓના જોટા, ઝીકભરતની કે રેશમી ભરતની ગોળ મખમલ-ટોપીઓ, રેશમી રૂમાલ, સાવલિયાં, ને વડીલ વર્ગને મિલનાં કે નાગપૂરી હાથવણાટનાં કિમતી ધોતી જોટા, લાલ પાઘડીપાગોટાં, જગન્નાથીના તાકા, — એવું એવું મળે.

પાછલી પરસાળે ધનીમા કુંવારકા છોકરીઓને ચણિયાઓઢણી, અને મોટાંને બબ્બે છાયલ ને ચોળખણ આપે. વડીલ બઈરાંઓને દખણી હાથવણાટનાં ને કાળી કે લાલ સળીનાં સોલાપૂરી લૂગડાં, ને ક્યારેક શાલજોડી મળે. સોભાગવતીની ઓટી પુરાય. હલદીકંકુના પડા, ને ક્યારેક કાળી ચંદ્રકળાઓ પણ મળે.

(નોંધ: સ્વામી આનંદની પોતીકી જોડણી વ્યવસ્થા હતી, અને તેના તેઓ આગ્રહી હતા. એટલે ઉપરના લખાણમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે રાખ્યાં છે.)

(સ્વામી આનંદ કૃત નિબંધ ‘ધનીમા’માંથી)

મરાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરા

આજે તો મરાઠીમાં દર વર્ષે લગભગ દોઢ સો જેટલા દિવાળી અંક પ્રગટ થાય છે. તેમાં માસિક-સાપ્તાહિકના વિશેષાંકો તો ખરા જ પણ વરસમાં એક જ વાર પ્રગટ થતા હોય તેવા દિવાળી અંકોની સંખ્યા ઘણી મોટી. મરાઠી દીવાળી અંકોની પરંપરાને આ વરસે ૧૧૧ વરસ પૂરાં થયાં. ૧૯૦૯ની દિવાળી વખતે ‘મનોરંજન’ માસિકનો દિવાળી અંક પ્રગટ થયો તે મરાઠીનો પહેલો દિવાળી અંક. કાશીનાથ રઘુનાથ આજગાંવકર (મિત્ર) નામના ૨૩ વરસના છોકરડાએ ૧૮૯૫ના જાન્યુઆરીમાં ૧૨ પાનાંનો ‘મનોરંજન’ માસિકનો પહેલો અંક મુંબઈથી બહાર પાડ્યો. પણ આવો વિચાર તેને સૂઝ્યો કઈ રીતે? આપણી ગુજરાતી ભાષામાં મુંબઈથી પ્રગટ થતું ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક જોઈને. બીજી ઘણી બાબતોની જેમ હળવું (હલકું નહિ) મનોરંજન આપતાં સામયિકોની બાબતમાં પણ પારસીઓએ પહેલ કરી હતી. છેક ૧૮૮૫ના ફેબ્રુઆરીની પહેલી તારીખે જીજીભાઈ ખરશેદજી કાપડિયાએ ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક મુંબઈથી શરૂ કર્યું હતું. લગભગ ત્રણ વરસ તેમણે તે ચલાવ્યું અને પછી તે વખતના ખૂબ જાણીતા પ્રકાશક જાંગીરજી બેજનજી કરાણીની કંપનીને વેચી દીધું. મરાઠી માસિક શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં તો આજગાંવકરે તેનું નામ ‘માસિક મૌજ’ રાખવાનું નક્કી કર્યું હતું. એ નામવાળાં જાહેરાતનાં હેન્ડ બિલ પણ વહેંચ્યાં હતાં. પણ આ નામ પોતાના સામયિકને ઘણું મળતું આવે છે એમ જણાવી જહાંગીર કરાણીએ મરાઠી સામયિકનું નામ બદલવા જણાવ્યું. એટલે પછી નામ રાખ્યું ‘મનોરંજન.’ પોતાનું પાક્ષિક વેચી દીધા પછી જીજીભાઈએ ૧૮૯૦માં ‘ગમ-ગોસાર’ નામનું માસિક કાઢેલું. આ ઉપરાંત ‘એ તે બૈરી કે …’ ‘વેલાતી મલાઉન’ નામનાં કથાત્મક પુસ્તકો પણ તેમણે લખેલાં. 

ત્યારથી શરૂ થયેલી મરાઠી દિવાળી અંકોની પરંપરા આજે તો ઘણી સમૃદ્ધ થઈ છે. છેલ્લાં કેટલાંક વરસથી છાપેલા અંકની સાથોસાથ તેની ડિજિટલ આવૃત્તિ પણ ઘણાં દિવાળી અંકોએ શરૂ કરી છે, તો કેટલાક હવે માત્ર ડિજિટલ આવૃત્તિ જ પ્રગટ કરે છે. બીજો એક નવતર પ્રયોગ પણ શરૂ થયો છે, ઓડિયો દિવાળી અંકોનો. આનો લાભ એક બાજુથી ઘડપણને લીધે વાંચવાની તકલીફ હોય તેવા લોકો લઈ શકે છે, તો બીજી બાજુ અંગ્રેજી માધ્યમને કારણે મરાઠી ભાષા લખી-વાંચી શકતા નથી, પણ સમજી અને બોલી શકે છે તેવા યુવક-યુવતી લે છે. અને મરાઠી દિવાળી અંકોમાં માત્ર કવિતા, વારતા, લેખ, વગેરે જ હોય છે એવું ય નથી. કુટુંબજીવન, લગ્નજીવન, કમ્પ્યુટર શિક્ષણ, સમતોલ આહાર, સ્ત્રીઓના પ્રશ્નો, ઇતિહાસ, વિજ્ઞાન જેવા કોઈ એક વિષય પરના લેખો અને માહિતી આપ્યાં હોય એવા દિવાળી અંકો પણ દર વરસે પ્રગટ થાય છે અને સારા એવા વેચાય છે પણ ખરા. ગિરગામ, દાદર, પાર્લા ઇસ્ટ, જેવા વિસ્તારોમાં આવેલી સરક્યુલેટિંગ લાઈબ્રેરીઓમાંથી પાંચ-છ મહિના સુધી લાવીને દિવાળી અંકો વાંચનારો પણ મોટો વર્ગ છે. દર વરસે પ્રગટ થયેલા દિવાળી અંકોની સ્પર્ધા પણ થાય છે, અને ઇનામો અપાય છે. પણ આં સમૃદ્ધ પરંપરાના મૂળમાં એક પારસી નબીરાએ શરૂ કરેલું ગુજરાતી સાપ્તાહિક રહેલું છે એ હકીકત આજે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2020

Loading

પીઢ નારીવાદીના નારીવાદો સાથેના પોતીકા સંબંધો: (નારીવાદ એક નથી અનેક છે એટલે નારીવાદો ….)

કમલા ભસીન : હિંદી • બકુલા ઘાસવાલા : ગુજરાતી|Opinion - Opinion|13 November 2020

નારીવાદ તૃણમૂળ કાર્ય છે, વિચાર છે, ઝનૂન છે
એ અમારી પૂર્વજ માતામહીઓની ભેટ છે
નારીવાદ સમાનતા અને અધિકાર છે
એ આઝાદી અને અસ્મિતાનો પોકાર છે 
એ પિતૃસત્તા સામે જોશીલો લલકાર છે 
એ સદીઓથી પરંપરાગત ચાલી આવેલો હાહાકાર છે 

નારીવાદ જીવનશૈલી છે 
બરાબરી, ઈન્સાફ, આઝાદી મેળવીને પ્રસરાવવાં માટેની રીત છે 
નારીવાદીઓ સાથે મળીને વિચારવિમર્શ કરવો 
ચાલવું, જીવવું એ જ તો મારા નારીવાદ છે 
હું નારીવાદી ઉદ્ગાર, વાચા અને અવાજ છું 
અને નારીવાદ મારો ઉદ્ગાર, વાચા અને અવાજ છે 
એ મારી તરફડતી સ્થિતિનો રખેવાળ છે
નારીવાદ મારી જિંદગીનો સાજ છે 
એ મારી ઓળખ અને મારાં સ્ત્રીત્વમાં ઝળહળતું અગ્નિતત્ત્વ છે. 

ક્યારેક નારીવાદ હોય છે ખેડૂતો અને શ્રમજીવીઓના પ્રસ્વેદમાં
તો ક્યારેક કવિ-કલાકારોનાં સીનામાં … 
એના તો કંઈકેટલાં પ્રકાર ને રૂપસ્વરૂપ છે 
દર ચોરેચૌટે ને નારીવાદની ગુંજ ને દરકાર છે 

જ્યાં જ્યાં પિતૃસત્તા છે ત્યાં ત્યાં નારીવાદ હોવા જ જોઈએ 
પછી તે ઘરપરિવાર હોય, બજાર હોય, 
શાળામહાશાળા કે કચેરીઓ કેમ ન હોય! 
મંદિર,મસ્જિદ,દેવળ કે ગુરુદ્વારા 
અત્રતત્રસર્વત્ર બઘે જ એની જરૂર છે 

એ તો કરે છે જડબેસલાક સવાલ 
પહેલાં તો એ મને જ કઠેરામાં ઊભી રાખીને કરે છે ઊલટતપાસ 
પછી કુટુંબ હોય કે સમાજ, ધર્મ હોય કે સંપ્રદાય કોઈને છોડે નહીં 
એ દરેકની રગરગ જાણે છે

મારા નારીવાદ તો લટકમટક મચકાય પણ છે અને બદલાય પણ છે 
જિંદગીને પગલે પગલે સાથે ને સાથે ચાલતા રહે છે 
ક્યારેક એમાં ઊભરાય તો ક્યારેક એ શાંત પણ પડી જાય છે 
અમને તો એ ગમે છે પણ ઘણાંને એ ખૂંચે છે 

ક્યારેક એ સીધીસાદી વાત છે તો ક્યારેક જાણે ટોણો 
ક્યારેક યાત્રા તો ક્યારેક અચલ ને અડગ
 
હા,નારીવાદ લડાઈ છે તો પ્રેમ પણ છે 
ક્યારેક શીતળ તો ક્યારેક તેજતર્રાર
ક્યારેક શાંત સમુદ્ર તો ક્યારેક જુવાળ 
ક્યારેક નર છે પણ મોટાભાગે છે નાર 

નારીવાદી વાતો કોઈ નવી તો કોઈ છે પુરાણી 
ક્યારેક હોય છે વાસ્તવ તો ક્યારેક કલ્પના 
ક્યારેક શાશ્વત તો ક્યારેક આવનજાવન તો ક્યારેક ફાની 
એમાં લાભ અને ગેરલાભ બન્ને છે 
એમાં મોજમસ્તીની સાથે નાની યાદ કરાવી દે એવો તરખાટે છે

ક્યારેક એ રાબિયા તો એ હોય છે કદીક મીરા 
એ સાવિત્રી અને ફાતિમા હમશીરારૂપે પણ હોય 
બૌદ્ધ ભિખ્ખુણીયે હોય તો વળી મેરી વર્ડ નન પણ હોય 
શિક્ષિકા, વૈજ્ઞાનિક, દાર્શનિક કે મારાં-તમારાં જેવી સ્ત્રીઓ પણ હોય.

કોણ જાણે કેટલા નારીવાદોની ઝપટમાં હું આવી જાઉં છું
જો કે પડું છું ત્યારે એ જ મને ઉઠાડે છે 
નિસ્વાર્થ પ્રેમથી મને સંભાળે છે, પંપાળે છે 
સમજાવી પટાવીને મને આગળ લઈ જાઈ છે 

વાતઘડિયો (વાતગડિયો) બનીને નારીવાદ સંબંધો બાંધવામાં સહાય કરે છે
એક સરખા વિચારવાળા લોકો મેળવી આપે છે 
એમને દોસ્ત કે હમસફર બનાવે છે 
નારીવાદી સંગઠનો આમ વિસ્તરે છે 
જે ખાસમખાસ બહેનપણીઓ કે દોસ્તો આપણને મળ્યાં છે 
એ નારીવાદના દરવાજેથી જ પ્રવેશ્યાં છે 

હવે જેવા છે તેવા નારીવાદ મારા છે 
હવે તો રાતદિન બધું એને નામે છે 
હવે તો જીવનપર્યંત એના સંગ જ જીવીશું 
તમે મને એની સાથે ને સાથે જ જોશો 

મારો નારીવાદ મારી શક્તિ અને ભક્તિ છે 
એ જ મારું ઝનૂન અને તાકાત છે 
ક્યારેક એ મારી વિરુદ્ધ તો ક્યારેક મારી સાથે સહમત હોય છે
પણ એને કારણે જ મને હિંમત મળે છે 

નારીવાદ વિચાર છે અને આચાર પણ 
દરેક મુદ્દાનું એ ગહન પ્રતિબિંબ છે 
એ સ્વ અને સમસ્ત પણ છે 
એ સ્થાનિકથી વૈશ્વિક છે 
શરૂઆતથી જ મારા નારીવાદ આંતરવિભાગીય છે 

નારીવાદ મંઝિલ અને માર્ગ છે 
દરેક માણસ અને દરેક વાત સાથે એનો સંબંધ છે 
ક્યારેક નારીવાદ હાર અને ક્યારેક જીત હોય છે 
તો ક્યારેક એ આંસુ અને નાભિનાદની ગુંજ હોય છે 
ક્યારેક એ નિર્ભય તો ક્યારેક ભયભીત હોય છે 
એ મારી આસ્થા,મારી સમતા અને મારી રીત છે  

ક્યારેક મૌન તો ક્યારેક જોશીલું ગીત છે નારીવાદ 
ક્યારેક એ સમજાય છે તો ક્યારેક કઠિન સવાલોથી સતાવે પણ છે
ક્યારેક એ અંદાજ તોફાની તો ક્યારેક તદ્દન શાંત થઈ જવાનો છે
કદી એ બુલંદ નારાબાજી તો કદી એ ફક્ત બહાનું છે. 
તો આ છે મારા નારીવાદ ………

—

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

જો બાઈડન સામેના પડકારો

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|13 November 2020

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ૪૦ લાખ મતની સરસાઈથી જો બાઈડન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અમેરિકાની પ્રજાએ ચાર વર્ષ પછી ટ્રમ્પ અને તેના રાજકીય સરકસને જાકારો આપ્યો છે એ.બી.સી. ન્યૂઝના મુખ્ય ઍંકરમેનના શબ્દોમાં કહું તો “અમેરિકા અને ખાસ તો અમે મીડિયાના માણસોને હાશકારો અનુભવાયો છે; વાસ્તવમાં તો સમગ્ર વિશ્વે હાશકારો અનુભવ્યો છે. ટ્રમ્પના રોજ નીતનવા આધારવિહીન ષડ્‌યંત્રોનાં ગતકડાં, વિરોધીઓને જેલમાં પૂરી દેવાની ધમકીઓ, પોતાની જ સરકારનાં ખાતાંઓના વડાઓને છુટ્ટા કરી દેવા, સન્માનીય જીવતા કે મૃત નેતાઓ વિશે હલકા શબ્દો વાપરવા, લશ્કરી નેતાઓનું અપમાન કરવું, મુખ્યધારાની મીડિયાને રોજરોજ “ફેઇક મીડિયા”નું નામ આપી પોતાના ગપ્પા ચલાવવાં. આ બધાંથી કંટાળેલી અને ત્રાસેલી પ્રજાએ ટ્રમ્પને ફાયર કર્યા છે. જો કે આ લખું છું ત્યારે પણ હજુ ટ્રમ્પનું રાજકીય સરકસ ચાલુ છે. વીસમી જાન્યુઆરીએ બાઈડન પ્રમુખ તરીકેના શપથ લેશે, ત્યાં સુધીમાં તો ટ્રમ્પ હજુ કાંઈ ખેલ પાડશે.

જો બાઈડન ને કમલા હેરિસ સામે ખાસ્સા મોટા પડકારો છે. દેશને અસાધારણ સ્થિતિમાંથી સામાન્ય-નૉર્મલ બનાવવો, શિષ્ટતા ને શાલીનતાને રાજકારણમાં પાછી આણવી. દેશને સંગઠિત કરી એકતા લાવવી, કોવિડ-૧૯ને અંકુશમાં લાવવો. કથળતી અર્થવ્યવસ્થાની ગાડી પાછી પાટે ચડાવવી, જાતિગત ભેદભાવ સામે લડવું, પર્યાવરણ સુધારવું. રિપબ્લિકન પડકારોને ડેમોક્રેટિક પાર્ટીના અંદરુની પડકારો ઉકેલવા આમ અનેક પડકારો છે.

અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં ૨,૩૭,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે. હજુ આજનો આંકડો છે કે એક જ દિવસમાં વધુ ૧,૨૭,૦૦૦ લોકો સંક્રમિત થયાં છે. કેટલાંક રાજ્યોમાં હૉસ્પિટલમાં પથારીઓ ભરાઈ ગઈ છે. અંદાજ છે કે આવતા બે મહિનામાં મૃત્યુઆંક ત્રણ લાખે પહોંચશે. કોરોનાને નાથવામાં ટ્રમ્પની અણઆવડતને બાઈડનને મુખ્ય મુદ્દો બનાવેલો. પેન્ડેમિક શરૂ થયાને એક વર્ષ થવા આવ્યું, છતાં ટ્રમ્પ પાસે તેને નાથવા માટે કોઈ યોજના નથી. કોરોના ટાસ્કફોર્સનું સંચાલન કોણ કરે છે, તે પણ નક્કી નથી થઈ શકતું. ક્યારેક ઉપપ્રમુખ પેન્સ ક્યારેક ટ્રમ્પના જમાઈ તો ક્યારેક ટ્રમ્પ પોતે તે અંગે અવૈજ્ઞાનિક માહિતી આપે છે. અમેરિકા પાસે વિશ્વના ઉત્તમ ડૉક્ટર્સ હોવા છતાં કોઈની સલાહ નથી લેવાતી. નિષ્ણાતોની સતત અવગણના, એટલું જ નહિ, તેમને જાહેરમાં ઉતારી પાડવા સિવાય ટ્રમ્પની કોઈ યોજના નથી.

બાઈડને ચૂંટણીપ્રચાર શરૂ કર્યો તે દરમ્યાન જ ઓબામા સરકારના સર્જન જનરલ વિવેકમૂર્તિને સલાહકાર બનાવી અમેરિકાની જાણીતી યુનિવર્સિટીઓના નિષ્ણાત ડૉક્ટર્સની સમિતિ બનાવેલી. ચૂંટાયા પછીની સભામાં ભાષણ આપવા તેમણે જાહેરાત કરી કે તેઓ ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકોને આરોગ્યનીતિના નિષ્ણાતોને બોલાવીને કોવિડ સામે લડવાનો પ્લાન બનાવશે. ૨૦મી જાન્યુઆરીથી જ આ પ્લાન અમલમાં આવશે.

ટ્રમ્પ કોરોનાને ડેમોક્રેટિક રાજ્યોને રિપબ્લિકન રાજ્યોનાં ચશ્માંથી જોતા માસ્ક પહેરે તે ડેમોક્રેટિક રાજ્યને ના પહેરે તે રિપબ્લિકન!! બાઈડને જાહેર કર્યું છે કે તેમનો પ્લાન રાષ્ટ્રીય હશે ને તે માટે તે સૌ ગવર્નર્સ સાથે કામ કરશે અને જો કોઈ રાજ્યના ગવર્નરને વાંધો હશે. તો જે-તે શહેરના-ગામના સત્તાધીશો સાથે સીધો સંપર્ક કરીને પ્લાન અમલમાં મૂકશે. સૌથી પહેલાં જે વૅક્સિન સફળ થશે. તેને સમગ્ર અમેરિકામાં પહોંચાડવાનું આયોજન પણ હાથ ધરાયું છે.

પેન્ડેમિકને પરિણામે કથળેલી અર્થવ્યવસ્થા બીજી મોટી સમસ્યા છે. છેલ્લાં વર્ષમાં કોરોનાને કારણે ૧૧૦ લાખ નોકરીઓ જતી રહી છે. લાખો લોકો એવા છે જેમની નોકરીઓ છે પણ પગાર ૩૦થી ૫૦ ટકા કપાઈ ગયો છે. લગભગ વાર્ષિક ૬૦૦ બિલિયનની જી.ડી.પી. ગુમાવાઈ છે. ટ્રમ્પ સરકારનું ઊજળું પાસું એ હતું કે તેમની આર્થિક નીતિઓને કારણે શૅર બજાર ખાસ્સું ઉપર રહેલું. છેલ્લા કેટલાક સમયથી માર્કેટ ઊંચકાયું છે, પણ બેરોજગારીમાં નહિવત્‌ ફેર પડ્યો છે. ગરીબ-અમીર વચ્ચેની અસમાનતા વધી છે.

બાઈડન માટે આર્થિક ક્ષેત્રે તત્કાલ બે પડકારો છે એક તો કૉંગ્રેસનાં બંને ગૃહોને સાથે રાખી નવું સ્ટિમ્યુલસ પૅકેજ લોકો સુધી પહોંચાડવું. બીજું રોજગારી વધારવી. બાઈડને જાન્યુઆરીના અંત સુધીમાં બંને ગૃહોને પૅકેજ પર સંમતિ સાધી પૅકેજ તૈયાર કરવાનો અનુરોધ કર્યો છે. છેલ્લા બે દિવસમાં બાઈડનની આર્થિક યોજનાની વધુ વિગતો બહાર આવી છે. મૂડીના જણાવ્યા પ્રમાણે જો રિપબ્લિકન પાર્ટી સેનેટમાં બહુમતી રાખશે. તો તેમની યોજના પ્રમાણે અમેરિકાનો સરેરાશ વૃદ્ધિદર ૩.૫ ટકાને ૧૧૬ લાખ નોકરીની તકો ઊભી થશે. આ ઉપરાંત તેમણે પેન્ડેમિક રોજગારી યોજનાને પેન્ડેમિક બેરોજગારી વીમા યોજના બનાવવાની જાહેરાત કરી છે.

જાતિભેદ એ બાઈડન સરકાર સામેનો ત્રીજો મોટો પડકાર છે. બાઈડનની જીતમાં અશ્વેત મતદારોનો મોટો હિસ્સો છે. પેન્સિલવેનિયા મિશિગન, વિસ્કોન્સિન, નેવાડા, એરિઝોના ને જ્યૉર્જિયાના ફિલાડેલ્ફિયા, ડિટ્રોઇટ ને એટલાન્ટા જેવાં શહેરોમાં જ્યાં અશ્વેતોની વસતી ૩૦-૪૦ ટકા છે તેમણે મોટા પાયે બાઈડેનની તરફેણમાં મતદાન કર્યું. એક મોજણી પ્રમાણે ૮૭ ટકા અશ્વેત મતદારોએ બાઈડનને અને ૧૩ ટકાએ ટ્રમ્પને મત આપ્યા. વિશેષ કરીને અશ્વેત યુવા મતદારોએ બાઈડનને મત આપ્યા.

છેલ્લા ચાર મહિનાથી જ્યોર્જ ફ્લોઈડની પોલીસ દ્વારા હત્યા પછી બ્લેક લાઈવ્સ મેટર આંદોલન ચાલ્યુ તેણે અશ્વેત મતદારોને ઉદ્યુક્ત કર્યા. વિશેષ કરીને યુવા અશ્વેત મતદારોને.

બાઈડન ચૂંટાયા પછીના પોતાના પ્રવચનમાં અશ્વેત સમર્થનનો વિશેષ ઉલ્લેખ કર્યોને ઉમેર્યું કે અમેરિકામાંથી સ્ટ્રક્ચરલ રેસિઝમને નાબૂદ કરવું પડશે. અમેરિકી ન્યાયતંત્રે જાતિવાદને પોસવાનું કામ કર્યું છે. દસકાઓથી અશ્વેત પ્રજા તેનો શિકાર બની છે. ૧૯૯૪માં ગુનાખોરી ડામવાનો જે કાયદો બનાવાયો તેણે જાતિવાદને વકરાવ્યો છે, નોંધવું રહ્યું કે ૯૪ના બાઈડને તે કાયદાને ટેકો આપેલો. જ્યૉર્જ ફ્લોઇડ અને બ્રોઓના ટેલરની પોલીસ દ્વારા હત્યા થઈ તે અમેરિકી ન્યાયપ્રથામાં રહેલા જાતિવાદનાં ઉદાહરણો છે. અમેરિકાની જેલોમાં અન્ય કોઈ લોકતાંત્રિક દેશો કરતાં વધુ કેદીઓ છે. તેમાં મોટા ભાગના કેદીઓ અશ્વેત છે, ન્યાયાધીશો પણ શ્વેતની સરખામણીમાં અશ્વેતને વધુ સજા કરે છે. માનવાધિકારની વાતો કરતાં દેશમાં જ માનવાધિકારનું હનન થાય છે. સ્ટ્રકચરલ રેસિઝમનું આ એક પાસું છે.

અમેરિકાની અશ્વેત પ્રજાએ બ્રીધ ઍક્ટ ઘડવાની માંગ કરી છે. આ કાયદા હેઠળ પોલીસદળનું લશ્કરીકરણ અટકાવાશે. જંગી કારાગૃહોને સ્થાને સામુદાયિક જાહેર સલામતી સંસ્થાઓ રચવામાં આવશે. અત્યારે અમેરિકાના ૬૦ લાખ લોકો મતાધિકારથી વંચિત કરાયા છે, કેમ કે તેમના પર કોઈ અપરાધ સર ખટલો ચાલ્યો છે ને સજા થઈ છે. આવા લોકો મતાધિકાર ગુમાવે છે.

આટલું પૂરતું ના હોય તેમ જો મતાધિકાર પાછો જોઈતો હોય, તો દંડની રકમ ભરવી પડે છે. બ્રીધ ઍક્ટ મતાધિકાર પાછો અપાવશે. બ્રાઈડન સરકાર સામે અશ્વેત પ્રજાની આ મોટી માંગ છે. જો અશ્વેત પ્રજા નિરાશ થશે, તો આવતી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને તેમનો સાથ લેવો મુશ્કેલ પડશે.

બાઈડને અશ્વેત નાના વેપારીઓને ઓછા વ્યાજે લોન આપવાની ને પોતાનું ઘર વસાવવા માટે સહાય આપવાની યોજના જાહેર કરી છે. અશ્વેત કૉલેજ અને યુનિવર્સિટીઓને અનુદાન આપવાની પણ જાહેરાત કરી છે.

બાઈડન સામે ચોથો મોટો પડકાર પર્યાવરણનો છે. ટ્રમ્પે છેલ્લાં ચાર વર્ષમાં ઓબામાએ પર્યાવરણ-જાળવણીના જે કાર્યક્રમો, યોજનાઓ ને કાયદાઓ બનાવેલા તેને વિઘટિત કરી નાંખ્યા છે. તોડીફોડી નાંખ્યા છે. ૨૦૧૭ની પહેલી જૂને ટ્રમ્પે જાહેરાત કરેલી કે અમેરિકા પૅરિસ-સમજૂતીમાંથી નીકળી જાય છે. ‘વૉશિંગ્ટન પોસ્ટે’ ચૂંટણીપૂર્વે આપેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે પર્યાવરણને લગતા ૧૨૫ કાયદાઓને કાં તો હટાવી નાંખ્યા છે કે બુઠ્ઠા કરી નાંખ્યા છે. ટ્રમ્પે અલાસ્કના જંગલના ૯૩ લાખ એકરમાં વૃક્ષછેદનની છૂટ આપી છે. આ જંગલનાં કેટલાંક વૃક્ષો હજાર વર્ષ જૂનાં છે. છેલ્લા થોડા મહિનાઓમાં ટ્રમ્પે ઍન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીને સૂચના આપી છે કે જાન્યુઆરી ૨૦૨૧ પહેલાં પર્યાવરણના કાયદા એટલી હદે બદલી નાંખે કે આવનારી ડેમોક્રેટિક સરકારને તેને સુધારતાં વર્ષો લાગે.

બાઈડને જાહેરાત કરી છે કે જાન્યુઆરીની વીસમી તારીખે પ્રમુખપદ સંભાળ્યા પછી પ્રથમ દિવસે જ તે અમેરિકાના પુનઃપ્રવેશ માટે અરજી કરશે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રગતિશીલ જૂથનો, ગ્રીન ન્યૂડીલનો મુસદ્દો બ્રાઈડને નથી સ્વીકાર્યો પણ જાહેરાત કરી છે કે ૨૦૫૦ સુધીમાં અમેરિકા ૧૦૦ ટકા સ્વચ્છ ઊર્જાવાળું અર્થતંત્ર બનશે. બાઈડન ઓબામા સમયના જે કાયદાઓ ટ્રમ્પે રદ્દબાતલ કરાવ્યા છે, તેને ઍક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા પુનઃ અમલી બનાવશે.

પાંચમો મોટો પડકાર રિપબ્લિકનની પાર્ટી સાથે કામ કરવાનો છે. ગયા શનિવારના ‘હિન્દુસ્તાન ટાઇમ્સે’ અમેરિકાની આજની રાજકીય સ્થિતિને દર્શાવતું પહેલે પાને મથાળું મારેલું ડિવાઈડેડ સ્ટેટ્‌સ ઑફ અમેરિકા!! બાઈડનને ચૂંટણી જીત્યાનો આજે ત્રીજો દિવસ છે. પણ હજુ ગણ્યાગાંઠ્યા રિપબ્લિકન નેતાઓ સિવાય અન્ય રિપબ્લિકન નેતાઓએ અભિનંદન આપવાનું ટાળ્યું છે. સેનેટના બહુમતી નેતા મીચ મેક્કોનલ અને નીચલા ગૃહના લઘુમતી નેતા કેવિન મેકકાર્થી મૌન છે. સૌ ટ્રમ્પના કેસની રાહ જોઈને બેઠા છે, ટ્રમ્પના સમર્થકોના દેખાવો હજુ ચાલુ છે. આ ચૂંટણી પછી સેનેટમાં બંને પક્ષો પાસે ૪૮-૪૮ બેઠકો છે. જ્યૉર્જિયા રાજ્યની બે બેઠકો પર ફેરચૂંટણી થશે ને સેનેટમાં કયો પક્ષ બહુમત મેળવશે તેના પર બાઈડનનો એજન્ડા આધાર રાખે છે. સેનેટમાં અત્યારે રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. બાઈડનના કૅબિનેટના સભ્યોને બહાલી આપવાનું કામ સેનેટ કરશે.

જો સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી રહેશે, તો બાઈડને સેનેટ સાથે સમાયોજિત થઈને કામ કરવું પડશે. છેલ્લા એક દસકાથી આ સમાયોજન જોજન દૂર છે. ઓબામા ચૂંટાયા ત્યારે મેક્કોનલે કહેલું કે હું તેમને કેવળ એક ટર્મના પ્રમુખ રાખીશ. બાઈડનની એકતા માટેની અનેક હાકલ છતાં ખંધા રાજકારણી તરીકે જાણીતા મેક્કોનલે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

બાઈડનનો રાજકીય પડકાર કેવળ રિપબ્લિકન પાર્ટી પૂરતો સીમિત નથી. તેમના પોતાના પક્ષ ડેમોક્રેટિક પાર્ટીમાં બોલકા ડાબેરી પ્રગતિશીલ જૂથ સાથે તેમણે કામ પાડવાનું છે. પ્રમુખપદના પૂર્વઉમેદવાર બર્ની સેન્ડર્સ જૂથના એક યુવાસભ્ય બહેને ચૂંટણીના બીજા જ દિવસે ‘ન્યુયૉર્ક ટાઇમ્સ'ને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે અમે કેવળ ચૂંટણી સાથે શાંત હતા. અમારી માંગ છે કે કૅબિનેટમાં ઉચ્ચ હોદ્દાઓ પર અમારા માણસ હોય ને જો તેમ નહીં થાય, તો ૨૦૨૨ની મધ્યસત્ર ચૂંટણીનું પરિણામ અલગ હશે. બાઈડને ડેમોક્રેટિક અધિવેશનમાં તેમને સમર્થન આપતા રિપબ્લિકન નેતાઓને બોલવા દીધાં તે સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે. બાઈડને આ જૂથને સાચવીને ચાલવું મુશ્કેલ એટલા માટે પડશે કે તેમણે સેનેટ સાથે કામ પાર પાડવા રિપબ્લિકન પાર્ટી સાથે સમજૂતિ કરવી પડશે ને આ જૂથ સમજૂતિના મૂડમાં નથી.

‘ટાઈમ’ સામયિકના એડિટર એટ લાર્જ, ઇયાન બ્રેમરે પાંચમી નવેમ્બરે પોતાના લેખમાં લખ્યું છે કે અમેરિકા અત્યારે એટલું વિભાજિત છે કે વિશ્વતખતા પર પોતાનું સ્થાન પુનઃ પ્રાપ્ત કરવું મુશ્કેલ છે વિશ્વના ઔદ્યોગિક લોકતાંત્રિક દેશોમાં ક્યાં ય અમેરિકા જેટલું રાજકીય વિભાજન નથી. ચૂંટણીનાં સ્પષ્ટ પરિણામ પછી પણ હારેલ ઉમેદવાર કે તેમનો પક્ષ હાર કબૂલ ના કરે તે કેવળ વ્યક્તિગત નબળાઈ નથી. તે અમેરિકી રાજ્યપ્રથાની માળખાકીય-સ્ટ્રક્ચરલ નબળાઈ છે. એનો અર્થ એ નથી કે અમેરિકા સરમુખત્યારશાહી ભણી જઈ રહ્યું છે. તેની રાજકીય સંસ્થાઓમા છેલ્લાં ચાર વર્ષોમાં એટલી નબળી બની ગઈ છે કે તે એક સાચી કાર્યરત પ્રતિનિધિત્વ ધરાવતી લોકશાહીનું એક મૉડેલ નથી રહી, જે અર્થમાં કૅનેડા કે જર્મની છે. કાંઈક અંશે તે અત્યારના હંગેરી કે ટર્કી જેવું છે. તેમનો દાવો છે આ નબળાઈને કારણે અમેરિકા વિશ્વમાં પર્યાવરણના મુદ્દે કે આંતરરાષ્ટ્રીય વાણિજ્યના મુદ્દે ચીન સામે ઊભું રહી શકે તેમ નથી બાઈડન ચૂંટાયા પછી પણ આ મુશ્કેલી રહેવાની કેમ કે ઘરઆંગણે રિપબ્લિકન પક્ષ તેમના આંતરરાષ્ટ્રીય એજન્ડાને કેટલી હદે કારગત થવા દેશે. તે નક્કી નથી. આવતાં ચાર વર્ષ કદાચ આ અર્થમાં ગયાં ચાર વર્ષ જેવાં હશે ગયાં ૫૦ વર્ષ જેવાં નહિ – ધ્યાન બ્રેયરનું લખાણ નજર અંદાજ કરીએ તો પણ એક વાત નક્કી છે કે છેલ્લાં ચાર વર્ષમાં ટ્રમ્પે જે રીતે અમેરિકાના મિત્રદેશો સાથે વ્યવહાર કર્યો તે તો તે સૌને અમેરિકા વિશે ફેરવિચારણા કરતાં કરી મૂક્યાં છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોને તો જાહેરમાં કહ્યું છે કે યુરોપે હવે અમેરિકાની સાથે અને જરૂર પડે, તો અમેરિકાની સામે રહીને જીવતા શીખવું પડશે. યુરોપીય મિત્રરાજ્યોને ભીતિ છે કે ટ્રમ્પ ગયા છે પણ ‘ટ્રમ્પવાદ’ રહ્યો છે અને અમેરિકામાં એ ફરી ક્યારે કયા સ્વરૂપમાં બહાર આવશે, તે નક્કી નથી.

ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’નીતિને કારણે યુરોપીય સંઘ ને નાટો રાજ્યો દૂર થતાં ગયાં. પેન્ડેમિકને કારણે તે આ દેશો વિશેષ દૂર ગયા.

વૈશ્વિક મંદી દરમિયાન ઓબામાએ બધાં રાષ્ટ્રોને સાથે રાખીને વૈશ્વિક માર્ગ કાઢવાનો પ્રયત્ન કરેલો. ટ્રમ્પમાં ન તો એવી સમજ હતી કે ન તો દાનત. અમેરિકા અગ્રેસર બની વૈશ્વિક રસ્તો બનાવવામાં નિષ્ફળ ગયું ને શૂન્યાવકાશમાં ચીનને પ્રવેશવાનો માર્ગ સરળ બની ગયો. આજે ટર્કી ને ગ્રીસની સમસ્યા વખતે અમેરિકા મૌન છે. યુરોપીય મિત્રરાજ્યોને બીજો ડર એ છે કે ૭૭ વર્ષના બાઈડન વચગાળાના પ્રમુખ છે. ૨૦૨૧માં કોણ આવશે તે નક્કી નથી. જો કે બાઈડને કહ્યું છે કે તેઓ અમેરિકાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સઘળાં લોકતાંત્રિક રાષ્ટ્ર સાથે કામ કરશે.

છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાંમાં ભારતીય મીડિયામાં બાઈડનના અમેરિકા અને ભારત વિશે ઘણું લખાયું છે. ચીન પર અંકુશ રાખવા બંને રાષ્ટ્રોને એકબીજાંની જરૂર છે. ભારતીય વડા પ્રધાન અને ટ્રમ્પ બંને જમણેરી નેતાઓ છે ને બંને માટે પોતપોતાના દેશની લોકશાહી પોતાથી મહત્ત્વની નથી. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન અમેરિકાના ભારતીય મીડિયામાં ટ્રમ્પ સાથેની પોતાની મૈત્રીનો ભરપૂર ઉપયોગ કર્યો. એક જાહેરાતમાં તમે ફ્લોરિડાના એક ભાઈ બંદૂક સાથે ઊભા રહીને ટ્રમ્પને ટેકો જાહેર કરતા હતા. ને પ્રશ્વાદભૂમાં ‘હાઉડી મોદી’માં વડા પ્રધાનનું વિવાદસ્પદ વિધાન બોલાતું હતું ‘અબકી બાર, ટ્રમ્પસરકાર’, ધ્યાન રહે કે અમેરિકી ધરતી પર અન્ય રાજકીય પક્ષના નેતાઓની હાજરીમાં વડા પ્રધાને સઘળા પ્રોટોકોલ કોરાણે મૂકી જાહેરાત કરેલી કે ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’, ડેમોક્રેટિક પાર્ટી આ ભૂલી નથી. બાઈડન સામે અત્યારે એટલા બીજા પડકારો છે કે ભારત-અમેરિકા મૈત્રી થોડા મહિના પાછળ રહેશે પણ એ નક્કી છે કે આ બંને દેશોના સંબંધોમાં બાઈડન સરકાર માટે માનવાધિકાર ને લઘુમતીનો મુદ્દો મહત્ત્વનો રહેશે.

અમેરિકી લોકતંત્ર સામેના પડકારો અને આવતાં મહિનાઓમાં અને વર્ષોમાં બંને પક્ષો કેવા હશે, તેની ચર્ચા હવે પછી.

નવેમ્બર ૯, ૨૦૨૦

તા.ક.

પ્રમુખ ટ્રમ્પે છેલ્લા બે દિવસમાં અમેરિકામાં સંરક્ષણ મંત્રાલયમાં જે રીતે ફેરફારો કર્યા છે તેથી અનેક અટકળો શરૂ થઈ છે. પહેલાં તો સંરક્ષણ મંત્રીને બરતરફ કર્યાને આજે અન્ય હાઉરેજિંગ અધિકારીઓને કાઢ્યા અને એવા લોકોને બેસાડ્યા જે તેમને અંગત રીતે વફાદાર હોય.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2020; પૃ. 06-08

Loading

...102030...2,1222,1232,1242,125...2,1302,1402,150...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved