Opinion Magazine
Number of visits: 9573594
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાર્થક જલસો-૧૪

———, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|2 November 2020

વિશિષ્ટ વાચનઃ 

ગુજરાતી વાચનમાં જુદી ભાત પાડનાર છમાસિક ‘સાર્થક જલસો’નો સળંગ ૧૪મો અંક પ્રકાશિત થયો છે. તેમાં રાબેતા મુજબનું આશ્ચર્યજનક વિષયવૈવિધ્ય જોવા મળે છે. અનોખાપણાનો અને વિવિધતાનો ખ્યાલ આપતા કેટલાક લેખઃ બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં ત્રણ દાયકાની કામગીરી (હસમુખ પટેલ), અંગકોરવાટનું પ્રવાસવર્ણન (છાયા ઉપાધ્યાય), મહેમદાવાદમાં સેવાભાવે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજ ઊભી કરવાની સંઘર્ષકથા (બિપીન શ્રોફ), પિતા નીરવ પટેલ સાથેનાં સંસ્મરણો (ઋચા નીરવ પટેલ), ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં કેટલાક મહાન ફિલ્મ- કલાકારોને સામાન્ય ચાહકો તરીકે મળવાના વિશિષ્ટ અનુભવો (બીરેન કોઠારી – ઉર્વીશ કોઠારી), બાલી અને ઇઝરાઇલમાં કોરોનાકાળ પહેલાં, તહેવારને કારણે થતા ‘લૉકડાઉન’ના અનુભવો (હેતલ દેસાઈ), કોરોના-સંદર્ભે રોગચાળા અંગે વર્તમાન અને ભૂતકાળની વિશિષ્ટ જ્ઞાનસામગ્રી (ડૉ. દુર્ગેશ મોદી), ચા વિશેનાં દેશપરદેશનાં સંભારણાં (કૅપ્ટન નરેન્દ્ર), શૈશવથી જીવનસંધ્યા સુધી દવાખાનાંના અનુભવો (ચંદુ મહેરિયા), તકિયા-કલામ વિશે (સલિલ દલાલ), ફૉરેસ્ટ ઑફિસર તરીકેનાં સંભારણાં (ચંદ્રશેખર પંડ્યા) …

આ ઉપરાંત રજનીકુમાર પંડ્યાનો આત્મકથનાત્મક અંશ અને દીપક સોલિયા, નરેશ મકવાણા, અમિત જોશી, નિશા પરીખ-સંઘવી, કિરણ જોશી તથા ડૉ. અશ્વિનકુમારના વિશિષ્ટ લેખ સામેલ છે. નડિયાદના જાણીતા (હવે દિવંગત) તસવીરકાર મનહર ચોકસીએ ખેંચેલી પંડિત નહેરુ, રવિશંકર મહારાજ જેવા અગ્રણીઓની અને પૃથ્વીરાજ કપૂર જેવા ફિલ્મ-કલાકારોની યાદગાર તસવીરોનું ફોટોફીચર પણ આ અંકમાં જોવા મળે છે.

મે, ૨૦૨૦નો અંક કોવિડ-૧૯ને કારણે પ્રગટ થઈ શક્યો ન હતો. માટે, આ વખતનો અંક સામાન્ય રીતે આવતાં ૧૪૪ પાનાં- કિંમત રૂ.૮૦ને બદલે, ૧૭૬ પાનાં અને કિંમત રૂ.૧૦૦નો છે.

(સાર્થક જલસો-૧૪, સાર્થક પ્રકાશન, ફોન-વૉંટ્‌સએપઃ કાર્તિક શાહ, ૯૮૨૫૨ ૯૦૭૯૬)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 15

Loading

ઑનલાઇન કળાપરિચય

જ્યોતિ ભટ્ટ|Opinion - Opinion|2 November 2020

એક સમયે પોતાના અંગત મંત્રીને કોઈ પુસ્તક વાંચતાં જોઈ તે અંગે પૂછપરછ કરી ગાંધીજીએ કહ્યું હતું કે તેમણે એ પુસ્તકનાં વખાણ સાંભળ્યાં હતાં અને તે વાંચવાની ઇચ્છા પણ ધરાવતા હતા. એ પછી તેમણે ઉમેર્યું કે, આપણને આવી સાહ્યબી માટે સમય આપવાનો અધિકાર જ નથી. આપણી ક્ષણેક્ષણ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા જરૂરી લોકજાગૃતિ લાવવાના કાર્ય માટે ખર્ચવાની છે.

હાલમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનેલા  નિરીક્ષકના તંત્રીની સ્થિતિ પણ ઉપર્યુક્ત વાતને સમાંતર કહી શકાય તેવી છે. મને લાગતું રહ્યું છે કે દેશ અને સમાજની પરિસ્થિતિ ઉપરાંત વ્યાવહારિક મર્યાદાઓને કારણે રસ અને સમજ ધરાવતા હોવા છતાં તંત્રીએ સાહિત્ય તથા અન્ય લલિતકળાઓને પરાણે ‘સાહ્યબી’ માનવી પડે છે. (વડોદરાના એક સ્મશાનની ભીંત પર દુર્યોધનના મોઢે બોલાયેલા શબ્દો લખેલા જોવા મળેલા : ધર્મ શું છે તે જાણતો હોવા છતાં મારાથી તેનું આચરણ થઈ શકતું નથી.)

જો કે કળા તો નહીં પણ કળાસર્જકો અંગે ક્યારેક, મુખ્યત્વે તેમના નિધન અંગેની નોંધ લેવાતી રહી છે ખરી.

સાહિત્ય પરિષદના સ્થાપક સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતા ભર્તૃહરિએ નીતિશતકમાં કહેલી વાત-સાહિત્ય, સંગીત અને કળામાં રસ ન ધરાવનાર, પૂંછડી અને શિંગડાં વિનાનો પશુ છે – તે જાણતા હતા તથા તેની સાથે સહમત હતા તેમ માની શકાય. એકસોથી વધુ વર્ષ પહેલા તેમણે ધ્યાન દોરેલું કે, આપણે સાહિત્યને પોષવા, ઉછેરવામાં મશગૂલ છીએ પરંતુ સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ પણ આપતા નથી.

વીસમી સદીના પૂર્વાર્ધ સુધી-સાચી-નિસબત, ધરાવતા લોકોએ પણ સમયની આવી કટોકટી અનુભવવી પડેલી નહોતી. પોતાની વ્યાવસાયિક, કૌટુંબિક તથા લૌકિક જવાબદારીઓ નિભાવવા છતાં વિવિધ કળાઓથી તેઓ માહિતગાર રહી શકતા હતા અને રહેતા પણ હતા. વ્યાવહારિક તેમ જ આર્થિક કારણોસર કે તે બહાને, ઘણાં સામયિકો તથા અખબારોમાં હવે કળા સંબંધી લખાણો માટે પહેલાં ફાળવાતી જગ્યામાં કટૌતી થઈ છે અથવા સદંતર બંધ કરાઈ છે. જો કે, સદ્‌ભાગ્યે તેના વિકલ્પે, ઇન્ટરનેટ જેવી સગવડોને લીધે કળાઓમાં કે પોતાને મનગમતા વિષયોમાં રસ લેવા તથા તેને સમજવા ઇચ્છતા લોકો માટે ઉપયોગી ઢગલાબંધ સામગ્રી ઉપલબ્ધ પણ થઈ છે અને મેળવવી સરળ પણ બની છે. વળી, છાપકામની મર્યાદાઓ તો જરાયે નડતી ન હોવાથી રંગીન, દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપે મળે છે. આનો લાભ લેવા માટે આપણે વૉટ્‌સએપ્પ, ફેસબૂક તથા અન્ય પોપ્યુલર મીડિયા જેવી અનેક વ્યસન જેવી સુવિધાઓમાંથી થોડો સમય આપવા સિવાય અન્ય કશું જ ગુમાવવાનું હોતું નથી.

૧૯૫૪માં તત્કાલીન કેન્દ્રસરકારે રાષ્ટ્રીય સ્તરે ‘સાહિત્ય, સંગીત નાટક તથા લલિતકલા અકાદમી’ નામે ત્રણ સંસ્થાઓ સ્થાપી હતી. આ ત્રણેય સંસ્થાઓ પરસ્પર સંકલિત રીતે સક્રિય રહી શકે તે માટે, ત્રણ પાંખો ધરાવતી એક મોટી ત્રણમાળી ઇમારત પણ તૈયાર કરાવી આપેલી. અને તેને, ત્રણેય કળાપ્રકારોમાં મહત્ત્વનું પ્રદાન કરનાર રવીન્દ્રનાથ ટાગોરની યાદમાં રવીન્દ્રભવન નામ અપાયું. ત્યાર બાદ ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં પણ અકાદમીઓ સ્થપાઈ. કોવિદ-૧૯, કોરોનાકાળમાં જેમ એકાદ-બે સ્થળ તેની અસરથી મુક્ત રહી શક્યાં તેમ આ બધી અકાદમીઓમાંથી ચંડીગઢ લ. ક. અકાદમી જ મૂળ ઉદ્દેશ તથા કાર્યક્ષેત્રને અનુરૂપ કાર્ય કરતી રહી શકી છે. વળી, માત્ર રાજ્ય ધોરણે અને મર્યાદિત શ્રોતા – પ્રેક્ષકોની હાજરીમાં પ્રયોજાયેલા, સચિત્ર વ્યાક્યોની લાભ કળાપ્રત્યે અભિરુચિ  ધરાવતા બધા લોકોને મળી શકે તે માટે ‘યુટ્યૂબ’ પર ઉપલબ્ધ કરાયાં છે.

આધુનિક તેમ જ સાંપ્રત અનુઆધુનિક કળા પ્રકારો સાથે સંકળાયેલા અનેક પ્રમુખ કળાકારોના વાર્તાલાપો તેમ જ કળા-આલોચકો સાથેના, પ્રશ્નોત્તરી પ્રકારના, ૪૫થી ૬૦ મિનિટના અનેક વીડિયો તેમાં જોઈ શકાય છે. વળી, એનું ધોરણ પણ ઉત્તમ અને પૂરેપૂરું ‘પ્રોફેશનલ’ હોય છે.

૧૯૬૮માં રાષ્ટ્રીય લ. ક. અકાદમીએ આંતરરાષ્ટ્રીય ત્રિવાર્ષિકી કળા પ્રદર્શન આરંભેલ. અગિયાર પ્રદર્શનો યોજ્યાં પણ પછી, તે બંધ થઈ ગયાં. મોટા ભાગે રવીન્દ્રનાથના એક કાવ્યમાં, પોતે આથમી જાય પછી રાત્રે લોકોને પ્રકાશ કોણ આપશે તેની ચિંતા કરતા સૂર્યને એક નાનકડું કોડિયું કહે છે : મહારાજ! તે માટે મારાથી શક્ય તેટલું  હું જરૂર કરીશ.

ભારતીય કળાક્ષેત્રે ખૂબ સરસ અને ઉપયોગી પુરવાર થયેલ એક પ્રદર્શન બલકે મહોત્સવ છેલ્લાં ૧૨ વરસથી દેશના દક્ષિણ ખૂણે આવેલ નાનકડા રાજ્ય કેરળમાં જીવિત કરાતો છે. રાજ્ય સરકારની તેમ જ સહૃદયી કળા પ્રેમીઓની સહાયથી ‘કોચિ આંતરરાષ્ટ્રીય દ્વિ-વાર્ષિકી’ કળાપ્રદર્શન યોજાવા લાગ્યાં છે. આ દ્વિ-વાર્ષિકી અંગેની વિવિધ દૃશ્યમાહિતી પણ ગૂગલ અને યુટ્યૂબ પર જોઈ-સાંભળી શકાશે.

આના સંદર્ભે મારા મનમાં એક પ્રશ્ન તરવાર્યા કરે છે : ગયા વરસે ભયંકર વરસાદી પૂરપ્રકોપથી તારાજ થઈ ગયેલા કેરળવાસીઓને સહાય-રૂપ થવા દેશભરના કળાકારોએ સહર્ષ આપેલી કળાકૃતિઓના વેચાણાર્થે યોજાનાર પ્રદર્શન માટે દિલ્લીની રાષ્ટ્રીય લ. ક. અકાદેમીએ પોતાની વિથિ (ગૅલેરી) આપવા કરેલ ઇન્કારનું કારણ એ તો નહીં હોય કે પોતે જેને જિવાડી ન શક્યા અને પડતું મૂક્યું તે કાર્ય કેરળમાં ફિનિક્સ પંખી જેમ બલકે વધુ સારી અને સફળ રીતે જીવિત થયું? જો કે કળાકારો અન્ય સ્થળે પ્રદર્શન યોજીને પણ ત્રણ કરોડ રૂપિયા એકઠા કરી ધારેલી મદદ કરી શકવા સફળ રહ્યા હતા.

મુખ્યત્વે સાહિત્યને સમર્પિત સામાયિકમાં દૃશ્ય તેમ જ અન્ય કળાઓની ‘ઑનલાઇન’ રજૂઆત માટે મારા મનમાં એક ઉપાય બલકે તે માટેનો વિચાર ઘૂમરાયા કરે છે. દરેક અંકમાં બેત્રણ સારા કાર્યક્રમોનો માત્ર થોડી પંક્તિઓમાં પરિચય આપી તેની સાથે લિંક જોડવી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 11

Loading

ડિજિટલ નિરીક્ષક

વિપુલ કલ્યાણી|Opinion - Opinion|2 November 2020

ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાએ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અભૂતપૂર્વ ઇતિહાસ સર્જી બતાવ્યો છે. એ બન્ને પડછંદા મિત્રોએ આજ લગી કોઈએ ન કર્યું હોય તેવું મોટા ગજાનું કામ કર્યું છે. અને તે ય પાછું સામે પૂરે તરતાં રહીને; વળી, શાસકોની ખબર લેવાનું ય આ બહાદુર મનેખ લગીર ચૂક્યા નથી. મસ્તક ગૌરવભેર એમને નમે છે.

તમે માનશો ? ૦૨ એપ્રિલ ૨૦૨૦થી ૦૫ જૂન ૨૦૨૦ના સમયગાળામાં એમણે ડિજિટલ દૈનિકની કુલ મળીને ૬૫ અંકોમાં લેખનસામગ્રીના આશરે સાડાચારસો ઉપરાંત પાનાંનું સાહિત્ય આપણને ધર્યું છે. અને તે પછીને ગાળે, ૦૫ જુલાઈ ૨૦૨૦થી આજ સમેત એટલે કે ૨૬ ઑક્ટોબર દરમિયાન સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિના સત્તર અંકો આપ્યા છે. અને પરિસ્થિતિવસાત્‌ આ અંકથી આ બેલડી વિરામ લે છે, ત્યારે, સમજીએ, આ સત્તર અંકોમાં જ ૨૭૨ પાનનું સાહિત્ય એમણે ઠોસબંધ પિરસ્યું છે.

એકંદરે, આછોપાતળો તો આછોપાતળો, પણ ‘પ્રિન્ટેડ મીડિયા’ [મુદ્રિત સમસામયિક], ’ઇલેકટૃિનિક મીડિયા’ [વીજળિક સમસામયિક], તેમ જ ‘સોશિયલ મીડિયા’ [પારસ્પરિક સમસાયિક] જોડેનો એક અનુભવ મને ય રહ્યો છે. આ ત્રણેય જગતને સામે રાખીને ચાલીએ તો ય આસાનીથી તારવી લેવાય કે આ એક અનોખો પ્રયોગ હતો. અને તેમાં પણ એ બન્નેએ નિર્વિવાદ આગેવાની કરી છે. ગાંડા બાવળની પેઠે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ‘ફેઇક ન્યૂઝ’નું પણ જબ્બર ઊગાણ થયું છે. તેને નીંદતાં રહી, આ પ્રયોગ વાટે, “નિરીક્ષકે”, સતતપણે, હકીકત પેશ કરવાની રાખી છે. આ વામનનું વિરાટ પગલું હોય તેમ સમજાય છે. 

મને તો થાય, પત્રકારત્વ શીખવાડતું હોય તેવું કોઈ પણ વિશ્વવિદ્યાલયનો વિભાગ આ માતબર સામગ્રીને કેન્દ્રમાં રાખીને કોઈ કને સંશોધન આધારિત કામ કરાવે. ભારે મજબૂત સામગ્રી એમાં પડી છે. પૂછવાનું મન કરું : કોઈ હૈ લેને હારા ?

મહાત્મા ગાંધીએ, સન ૧૯૪૮માં, કરેલી કદાચ છેલ્લી નોંધમાંની એકનો ઉલ્લેખ, ૧૯૫૮માં પ્રકાશિત, પ્યારેલાલકૃત ‘લાસ્ટ ફેઇઝ’ના બીજા ગ્રંથમાંના ૫૬મા પાન પર થયો છે. ‘ગાંધીજીનું તાવીજ’ તરીકે તે જાણીતો બન્યો છે. ગાંધીજીની આ નોંધ આમ છે :

"હું તમને એક તાવીજ આપું છું. ક્યારે ય તમને શંકા થાય કે અહમ્‌ તમને પીડવા માંડે ત્યારે આ ઉપાય અજમાવવો.

"તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?

"ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્‌ ગાયબ થઈ રહ્યાં હશે.”

આ બન્ને ભાઈબંધોએ, બસ, આ છેવાડે નજર ચોંટી રાખેલી જ હોય તેમ વર્તાયા કર્યું છે. કોરોના કેર સામે શાસન શિથિલ રહ્યું છે તો તે દાખલા દલીલો અને વિગતો આપીને તેમને સજાગ રાખવાનો જબ્બર પ્રયાસ એ બંધુઓએ કર્યો છે. દલિત, આદિવાસી, નીચલા થરના જૂથો, લધુમતીઓને જ્યારે જ્યારે અન્યાય થયાનું દેખાયું છે તો એ મિત્રોએ પોતાની કલમને સતત સજાવે રાખી છે. એમની નજર ફક્ત ગુજરાત ભણી જ રહી નથી, એમણે જગતભરે પથરાયા ગુજરાતી આલમને જ્યાં જ્યાં ઝૂઝવાનું થયું છે તે મુલકની દાસ્તાં પણ માંડી છે.

ઉર્વીશભાઈ, ચંદુભાઈ, દૂર બેઠા બેઠા વિશેષ તો શું કહી શકું ? તમારા બને થકી “નિરીક્ષક” વધુ ઊજમાળું થયું છે. તમારા બન્નેને આથી પૂરા ઓશિંગણભાવે જૂહારી લઉં છું.

હેરૉ, ૨૬ ઑક્ટોબર ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 15

Loading

...102030...2,0972,0982,0992,100...2,1102,1202,130...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved