Opinion Magazine
Number of visits: 9680427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉખડેલા આંબા આભે પૂગ્યાં! —

નટવર ગાંધી|Diaspora - Features|20 April 2021

ઓપિનિયનની રજત જયંતી—2021 : “લિટલ મેગેઝીન”નો ચમત્કાર

ઓપિનિયન વિચાર પત્રને પચીસ વર્ષ પૂરાં થયાં એ વર્તમાન ગુજરાતી પત્રકાર જગતની એક અસાધારણ ઘટના તો છે જ, પરંતુ સાથે સાથે બૌદ્ધિક ગુજરાતી ડાયસ્પોરા વિશ્વનું પણ એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. ગુજરાતી ભાષામાં કોઈ પણ સામયિક પચીસ વરસ સુધી એકધારું ચલાવવું એ જેવાતેવાનું કામ નથી. એમાં તો ભેખ લેવો પડે. ગાંઠનું ગોપીચંદન કરવું પડે અને અસાધારણ પરિશ્રમ કરવો પડે. આ ભગીરથ કામ વિપુલભાઈ અને કુંજબહેને આટલો લાંબો સમય નિષ્ઠાથી કર્યું છે અને હજી પણ કર્યે જાય છે તેને માટે આપણે સહુ એમનાં ઋણી છીએ.

આવા કપરા કામના ગુજરાતી પત્રકાર જગતમાં બહુ દાખલા નથી, પણ ઓપિનિયન મેગેઝીન મને અમેરિકાના I. F. Stone’s Weeklyની યાદ આપે છે. વર્ષો સુધી આ ભડવીર પત્રકારે એકલે હાથે આ વીકલી ચલાવીને અમેરિકન વિચારજગત પર એક અનોખી છાપ પાડી હતી. Time અને Newsweek જેવા mass circulation magazines આવી છાપ નહોતી પાડી શક્યા. આ છે લિટલ મેગેઝીનનો ચમત્કાર. 

ઓપિનિયનની આ રજતજ્યંતી સમયે વિપુલભાઈને અભિનન્દન. અને આશા રાખીએ કે ડાયસ્પોરા ગુજરાતી પત્રકાર જગતને એ પોતાની ડિજિટલ કલમથી સમૃદ્ધ કર્યા કરે.   

[શબ્દ સંખ્યા 173]

•••••

અમેરિકાનો ઇન્ડિયન ડાયસ્પોરા

ડાયસ્પોરાનો એટલે કે વિદેશગમન અને વિદેશવાસનો ઇતિહાસ બહુ મોટો છે. યહૂદી પ્રજાએ જે રીતે અસહિષ્ણુ અને ધર્માન્ધ ત્રાસવાદીઓથી બચવા પોતાનાં ઘરબાર, માલ મિલ્કત અને દેશ છોડીને રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરાની વિભાવના શરૂ થઈ. એના મૂળમાં યહૂદીઓની સ્વદેશ પાછા જવાની ઝંખના હતી. યહૂદીઓ પર જે જુલમ થયો તે આજે ઓછા વત્તા પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર થઈ રહ્યો છે. આજે નિરાશ્રિતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદીઓની કોઈ કમી નથી. દુઃખની વાત એ છે કે ચોક્કસ આવી રહેલા ક્લાઈમેટ ચેન્જ, નવા પેન્ડેમિક્સ, અને ઠેર ઠેર દેખાતા સંકુચિત રાષ્ટ્રવાદ — નેશનાલિઝમને – કારણે આ નિરાશ્રિતો સંખ્યા વધતી જશે. 

બે વરસ પહેલા મિડલ ઇસ્ટમાંથી હજારો લોકો પહેર્યે કપડે નીકળી પડયા હતા. માઈલોના માઈલો સુધી બાળબચ્ચાંઓ સાથે ચાલીને આ નિરાશ્રિતોએ યુરોપનાં બારણાં ખખડાવ્યાં હતાં. તેવી જ રીતે આજે સેન્ટ્રલ અમેરિકામાંથી હજારો લોકો અસહ્ય હાડમારીઓ ભોગવીને પણ અમેરિકા આવી રહ્યા છે.  

વર્તમાન ટેક્નોલોજીએ વસુધૈવ કુટુંમ્બકમ્‌ની વૈદિક કલ્પનાને સાચી કરી બતાવી છે. કમ્યુનિકેશનના વિવિધ સાધનોએ તેમ જ એરટ્રાવેલની સગવડતાએ દુનિયાને નાની બનાવી દીધી છે. વર્લ્ડવાઈડ વેબને કારણે જગતનો કોઈ પણ ખૂણો હવે નથી અજાણ્યો કે નથી અંધારો.  કોરોના પેન્ડેમિક ભલે ચીનના એક પ્રાંતમાં શરૂ થયો, પણ તે ત્યાં અટક્યો નથી. આખી દુનિયામાં પ્રસર્યો છે.

જો ટેક્નોલોજીએ આંતરરાષ્ટ્રીય સરહદો તોડી છે, તો મનુષ્ય સહજ વહેમ, સ્વાર્થ અને પૂર્વગ્રહોનો લાભ લઈ સત્તાભૂખ્યા નેતાઓએ દેશેદેશના દરવાજા પણ બંધ કર્યા છે. આ કારણે દુનિયામાં હાલ તુરત 80 મિલિયન નિરાશ્રિતો ઘરબાર વગરના રઝળે છે. આવી હૃદયદાવક પરિસ્થિતિમાં એક જગત કે જય જગતની વાત કરવી યોગ્ય લાગતી નથી.

અમેરિકન ડાયસ્પોરાના મૂંઝવતા પ્રશ્નો

અમેરિકન ઇતિહાસમાં દુઃખે દાઝેલી અને ભૂખે ભાંગેલી ઈમિગ્રન્ટ પ્રજાઓનું જે ચિત્ર છે, તે ભારતીય ઈમિગ્રન્ટ પ્રજાનું ચિત્ર નથી. જે દશામાં દોઢસો-બસો વર્ષો પહેલા રશિયન, ઇટાલિયન, આઈરીશ લોકો અહીં આવ્યા હતા અને આજે અસંખ્ય હિસ્પાનિક લોકો આવી રહ્યા છે, તે દશામાં આ ભારતીયો નથી આવ્યા. અહીં આવનારા ભારતીયો મોટા ભાગે દેશમાં સાધનસંપન્ન હતા. એ કાંઈ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા આવ્યા છે અને. અહીંના સુંવાળા જીવનથી ટેવાઈ ગયા છે. એમાંથી ભાગ્યે જ કોઈ પાછું જવાનું નામ લે છે.

અમેરિકાના લાંબા વસવાટ પછી આ ભારતીય ઈમિગ્રન્ટ્સને એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે આપણે હવે અહીં અમેરિકામાં જ રહેવાનું છે. દેશમાં તો વરસે બે વરસે આંટો મારવા જવાય એટલું જ, બાકી તો અમેરિકા જ આપણો દેશ અને એ જ આપણું ઘર. 1960 અને 1970ના ગાળામાં બહુ મોટી સંખ્યામાં જે ભારતીયો અહીં આવ્યા તે હવે નિવૃત્ત થવા લાગ્યા છે. તેમના છોકરાંઓને ઘરે છોકરાંઓ રમે છે. ફૂટબોલ, એમ.ટી.વી., આઈફોન, પીઝા અને કોકાકોલા ઉપર ઊછરેલ આ બીજી ને ત્રીજી પેઢી અંશેઅંશ અમેરિકન છે. અપૂર્વ કે સોના જેવાં એમનાં કર્ણપ્રિય નામ કે એમનો ઘઉંવર્ણો વાન જ ભારતીય છે, બાકી બીજી બધી દૃષ્ટિએ એ પ્રજા અમેરિકન છે.

પ્રશ્ન એ છે કે આ નવી પેઢીની અસ્મિતા કઈ? એમનું સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય કેવું હશે? એમના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંનાં? એમનું ધર્માચરણ કેવું હશે? આખી દુનિયામાંથી આવેલી ભાતીગળ પ્રજાઓના વૈવિધ્યને જે રીતે અમેરિકન ભઠ્ઠી (મેલ્ટીંગ પૉટ) ધીમે ધીમે ઓગાળીને એકરસ કરી દે છે, તેવી જ દશા આપણી અહીં વસતી ભારતીય પ્રજાની થવાની છે? કે પછી આ પ્રજા ભારતની ભવ્ય સંસ્કૃતિનો વૈભવ અને વારસો જાળવી રાખીને પોતાની વિશિષ્ટતાનો ધ્વજ ફરકાવશે? વૃદ્ધ વડીલો સાથે એમનો સંબંધ કેવો હશે? આવા અનેક પ્રશ્નો અહીંના ભારતીયોના મનમાં ભારેલા અગ્નિની જેમ ભરાઈને પડ્યા છે.

ત્રણ તબક્કામાં ભારતીયોનું આગમન

અમેરિકામાં ભારતીયો ત્રણ તબક્કામાં આવ્યા. ૧૮૨૦થી માંડીને ૧૯૬૫ સુધીનો પહેલો તબક્કો.  ૧૯૬૫થી 1990 સુધીનો બીજો. ત્યાર પછી આજ સુધીનો ત્રીજો. પહેલા તબક્કામાં મોટા ભાગે પંજાબી ખેડિયા કામગારો આવેલા. ઓછા પગારે અને કેડતોડ કામ કરીને આ મજૂરો અમારી રોજગારી લઈ લેશે એવા ભયે હિન્દુસ્તાનીઓ અને અન્ય એશિયનો અમેરિકા ન આવી શકે એવા કાયદાઓ પસાર થયા.

૧૯૬૫માં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં ધરખમ ફેરફારો થયા. ઇમિગ્રન્ટ્સ ક્યાંથી આવે છે, તેને બદલે તેની શી લાયકાત છે, એની શી આવડત છે એ વાત ઉપર ભાર મૂકવાનું નક્કી થયું. વધુમાં એ જો ડૉક્ટર, નર્સ, એન્જિનિયર, ફાર્મસિસ્ટ, પ્રૉફેસર, વગેરે હોય તો તો એને ખાસ આવવા દેવા જોઈએ. કારણ કે અમેરિકામાં આવા કુશળ લોકોની ખૂબ જરૂર છે. આમ 1965માં જ્યારે અમેરિકન ઈમિગ્રેશનનાં બારણાં ઊઘડ્યાં ત્યારે ઘણા પ્રોફેશનલ ભારતીયો આવ્યા. આ એમનો બીજો તબક્કો.

1990-2000ના ગાળામાં અમેરિકામાં “વાય-ટુ-કે” ટેક્નોલોજીનો અત્યંત જટિલ પ્રશ્ન ઊભો થયો. તેનો ઉકેલ કરવા માટે દેશમાંથી લાખોની સંખ્યામાં ટેક્નોલોજીના નિષ્ણાત લોકો લવાયા. આમ ભારતીય ઇમિગ્રેશનનો ત્રીજો તબ્બકો શરૂ થયો.

1965ના મોકળા કાયદાને કારણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી મોટા પ્રમાણમાં જે ઈમિગ્રન્ટ્સ આવ્યા તેમને અનુસરીને એમના કુટુંબો પણ આવ્યા. આ કારણે અમેરિકાના રંગ રોગાન એકાએક જ બદલાવા લાગ્યા. બિનગોરાઓની વસ્તી કૂદકે અને ભૂસકે વધવા માંડી. પરિણામે સેન્સસની ગણતરી મુજબ 2045માં અમેરિકામાં ગોરાઓની બહુમતિ નહીં રહે! 

આગવું સ્થાન

અમેરિકામાં અત્યારે ચારેક મિલિયન ભારતીયો વસે છે. વિકસિત દેશોનો વિચાર કરીએ તો વધુમાં વધુ વિદેશવાસી ભારતીયો (એન.આર.આઈ.) અમેરિકામાં છે.  અહીંની લગભગ 350  મિલિયનની વસ્તીમાં સંખ્યાની દૃષ્ટિએ અહીંના ભારતીયોનું પ્રમાણ બહુ જ ઓછું ગણાય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઍકાઉન્ટિંગથી માંડીને ઝૂઓલૉજી સુધીના અનેક ક્ષેત્રોમાં આપણા ભારતીયો અત્યારે અગત્યનું કામ કરી રહ્યા છે. ઘણાયને તો આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી ચૂકી છે. વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આ ભારતીયોમાંથી ભવિષ્યના નોબેલ પ્રાઈઝના વિજેતાઓ નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે. છેલ્લાં પચાસ વર્ષોમાં વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં જે જે ભારતીઓને નોબેલ પ્રાઈઝ મળેલું છે તે બધાએ એમનું અગત્યનું કામ મુખ્યત્વે અમેરિકામાં કરેલું છે.

આજે કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ તમને જરૂર જોવા મળે. અમેરિકામાં ભાગ્યે જ એવી હૉસ્પિટલ હશે કે એમાં ભારતીય ડૉક્ટરો ન હોય, કે કોરોના વાયરસની વિશેના ટી.વી. ઉપર આવતા ભાગ્યે જ કોઈ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડોક્ટર ન હોય,  કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રૉફેસરો ન હોય. અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં હોય જ. અમેરિકાની મોટેલોની ત્રીજા ભાગની આપણા વાણિજ્ય કુશળ પટેલ ભાઈઓએ કબજે કરી છે, તો ઘણી બધી નાની ફાર્મસીઓ પણ આપણા ભારતીયોના હાથમાં છે. વેપાર ધંધે હૂંશિયાર ભારતીય એન્જિનિયરોએ પોતાની નાની મોટી કન્સલ્ટિંગ કંપનીઓ ખોલી છે. ટી.વી., રેડિયો, એપલાયન્સ, ગ્રોસરી, ન્યૂઝસ્ટોલ, ધોબી, ઘરેણાં, સાડીઓ, આઈસ્ક્રીમ, કન્સ્ટ્રક્શન, ઇન્સ્યોરન્સ, રીઅલ એસ્ટેટ,  વગેરેના નાનામોટા ધંધાઓમાં ભારતીયો, મુખ્યત્વે ગુજરાતીઓ, ખૂબ આગળ આવ્યા છે. 

આ ભારતીયોની આર્થિક સિદ્ધિઓ એટલી તો નોંધપાત્ર છે કે ભણતર, આવક, મિલકત, અને સામાજિક માનસન્માનની દૃષ્ટિએ એમની ગણતરી અહીંના ટોપ વન પર્સન્ટમાં થાય છે. અહીં બે લાખથી યે વધુ ઇન્ડિયન મિલિયોનેર વસે છે. તો અમેરિકાના 400 અત્યંત ધનિકોમાં, —બિલિયોનેર્સમાં — નવ ભારતીય છે. આ લિસ્ટમાં બે તો ભારતીય મહિલાઓ છે! અત્યારે માસ્ટર કાર્ડ, માઈક્રોસોફ્ટ, આઇ.બી.એમ., હારમન ઇન્ટરનેશનલ અને ગૂગલ જેવી મહાન આંતરરાષ્ટ્રીય કંપનીઓના ચેરમેન ભારતીય ઇમિગ્રન્ટ્સ છે.

આ બધું પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજાથી શક્ય બન્યું એ એક અસાધારણ ઘટના છે. વર્ષો સુધી અમેરિકામાં રહેલા કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીએ વિદેશવાસની વ્યથા વ્યક્ત કરતા લખેલું કે “ઉખડેલા નહીં આંબા ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે.” પ્રથમ પેઢીના ભારતીયોની અમેરિકામાં થયેલી આ અસાધારણ ઉન્નતિ જોતાં એમ લાગે છે કે શ્રીધરાણીની નિરાશાજનક આગાહી અહીંના ભારતીય ઈમિગ્રન્ટ્સને લાગુ ન પડે!

પહેલી પેઢીની સામાજિક વ્યથા

આપણા ભારતીયો જો આર્થિક રીતે અહીં ઠરીઠામ થયા છે, તો સામાજિક દૃષ્ટિએ અકળામણ અનુભવે છે. અમેરિકામાં આવેલી બધી ઈમિગ્રન્ટ પ્રજાની પ્રથમ પેઢીની દશા ત્રિશંકુ જેવી હોય છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એમ પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજા જન્મભૂમિની મમતા મૂકે નહીં અને અમેરિકાનું આકર્ષણ છોડે નહીં. અને જો અમેરિકા ન છોડી શકાતું હોય તો પેલી દરિયાપારની  જન્મભૂમિને કોઈ ચમત્કારથી અમેરિકા લાવી શકાય કે? પરદેશવાસની આ સામાજિક વ્યથાને કારણે આપણને ન્યૂ યૉર્કમાં ‘લિટલ ઈટલી’ કે માયામીમાં ‘લિટલ હવાના’ જોવા મળે છે. આ જ પ્રમાણે આજે શિકાગોમાં ડેવન એવન્યુ, ન્યૂ યોર્કમાં જેક્સન હાઈટ્સ અને ન્યૂ જર્સીમાં ઓક ટ્રી રોડ વગેરે “લિટલ ઇન્ડિયા” તરીકે ઓળખાય છે.

અમેરિકામાં ઉછરેલી પેઢી

જો કે પરદેશવાસનો આ જે તરફડાટ છે તે પહેલી પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયોનો છે. અહીં ઊછરતાં એમનાં સંતાનો તો અંશેઅંશ અમેરિકન જ છે. આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુના અમેરિકન વાતાવરણને આત્મસાત્ કરે છે. એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતિ—એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટી.વી. જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે. ટી.વી.થી શરૂ થયેલું એનું અમેરિકનાઈઝેશન પાડોશ અને સ્કૂલમાં આગળ વધે છે. ખાસ કરીને તો સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન અસ્મિતા મળે છે. એ કિશોરને પૂછશો તો એ ગર્વથી પોતાનું અમેરિકન અસ્તિત્વ જાહેર કરશે.

ભારતીય માબાપોનાં આ અમેરિકન સંતાનોને ભારત સાથે બહુ લાગતુંવળગતું નથી. અમેરિકન અસ્મિતાનાં બાહ્ય લક્ષણો એમને જેટલાં સહજ છે, તેટલાં ભારતીય જીવનનાં પ્રતીકો એમને સહજ નથી. આ સંતાનો પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વ્યક્ત કરવામાં પણ કોઈ સંકોચ નથી રાખતા.  લગ્નજીવન, પ્રણય, જાતીય સંબંધો, કૌટુંબિક સંબંધો, કારકિર્દી વગેરેના તેમના ખ્યાલો અને વિચારો બહુધા અમેરિકન જ છે, અને તે ભારતીય વિચારસરણીથી ઘણા જુદા પડે છે.

આનો અર્થ એ નથી કે આ પ્રજા સ્વચ્છંદી કે અવિવેકી છે. પ્રથમ પેઢીની લાક્ષણિકતાઓ એમનાં સંતાનોમાં પણ ઊતરી આવી છે. મોરનાં ઈંડાં કંઈ ચીતરવાં પડતાં નથી. આ અહીં ઉછરેલી પેઢીની સિદ્ધિઓ અસાધારણ છે. જેમ કે અત્યાર સુધીમાં લુઇઝિઆના અને સાઉથ કેરોલિનામાં બે ઇન્ડિયન્સ ગવર્નર થઈ ચૂક્યા છે. હાલ તુરત અમેરિકન કોંગ્રેસમાં ચાર ઇન્ડિયન અમેરિકન બેસે છે. તો જે એક સેનેટર તરીકે ચૂંટાયેલ હતાં તે કમલા હેરિસ આજે અમેરિકાના ઉપપ્રમુખ છે! અને ભવિષ્યમાં એ અમેરિકાના પ્રમુખ બનશે એવી શક્યતા છે. અત્યારના પ્રમુખ જોસેફ બાયડનના એડ્મીનિસ્ટ્રેશનમાં લગભગ પચાસેક ઇન્ડિયન અમેરિકન ઊંચી કક્ષાના હોદ્દાઓ સંભાળે છે. આ તો માત્ર વોશિંગટનની ફેડરલ ગવર્નમેન્ટની વાત થઈ. સ્ટેટ અને લોકલ ગવર્નમેન્ટમાં, યુનિવર્સિટીઓમાં, ફાઉન્ડેશનોમાં, સચિવાલયોમાં, જ્યુડિસરીમાં, સાહિત્ય, સંગીત અને અન્ય કલાક્ષેત્રે — આમ વિધવિધ જગ્યાઓએ બીજી પેઢીના ઇન્ડિયન અમેરિકોની સિદ્ધિઓ ખૂબ જ નોંધપાત્ર છે.

અમેરિકાનો મેલ્ટીંગ પ્લોટ

દેશમાંથી ઊછરીને અમેરિકામાં આવી વસેલા ભારતીયો પોતાનાં મૂળિયાં પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે, પણ તેઓ જ્યારે અહીં ઊછરતી પેઢીને ભારતીય બનાવવા મથે છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઊપજે છે. અમેરિકામાં ઊછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે. આવા પ્રયત્નો જરૂર થયા છે, પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે.

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અમેરિકામાં વસતા ભારતીયોનું ભવિષ્ય શું ? અન્ય ઇમિગ્રન્ટ પ્રજાનો ઇતિહાસ એમ કહે છે કે અહીં વસતા ભારતીયોની ભવિષ્યની પેઢીઓ ભારતીય નહીં હોય પણ અમેરિકન હશે. એમના આચાર અને વિચાર, સંસ્કાર, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ હશે. એનો અર્થ એ નથી કે એ પેઢીઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની અન્ય ઇમિગ્રન્ટ પ્રજા પોતાના પૂર્વજોનાં મૂળ — રૂટ્સ — શોધવા એમની જન્મભૂમિની યાત્રાએ જાય છે તેવી જ રીતે અહીં ઉછરેલા ભારતીયો પણ તેમના પૂવર્જોની સંસ્કૃતિ અને જીવન વિશે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે.

દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે એમના જુદા રંગો— એમની ભારતીયતા — હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાં ય એકાકાર થઈ ગઈ હશે. અન્ય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. અમેરિકનાઈઝેશનના આ ઐતિહાસિક સત્યને અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું જ પડશે.

[શબ્દ સંખ્યા 1731]

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

e.mail : natgandhi@yahoo.com

Loading

સ્ત્રીને ડાકણ ઠેરવી મારી નાંખવાની માનસિકતાનો અર્થ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 April 2021

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલ મુજબ ૧૯૯૧થી ૨૦૧૦ સુધીમાં અંધશ્રદ્ધાના કારણે, ડાકણના નામે દેશમાં ૧,૭૦૦ સ્ત્રીઓની હત્યાઓ થઈ હતી. ૨૦૦૧થી ૨૦૧૪માં ૨,૨૯૦ અને ૨૦૧૫થી ૨૦૨૦માં ૬૫૬ સ્ત્રીઓને ડાકણ ઠેરવી મારી નાંખવામાં આવી હતી. છેલ્લાં પંદર વરસોમાં સૌથી વધુ ૪૬૪ સ્ત્રીઓની ઝારખંડમાં, ૪૧૫ની ઓડિશામાં અને ૩૮૩ની આંધ્ર પ્રદેશમાં હત્યાઓ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડાઓ મુજબ ૧૯૮૭થી ૨૦૧૩માં ૨,૫૫૬ સ્ત્રીઓનાં ખૂન ડાકણ ગણીને થયાં હતાં. ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, બિહાર, અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ગુજરાત, મણિપુર, ત્રિપુરા અને આંદામાન નિકોબારના આદિજાતિબહુલ ૬૦ જિલ્લાઓમાં સ્ત્રીઓને ડાકણ ગણી કુટુંબ અને ઘર-ગામની બહાર તગેડી મૂકવાના, અમાનવીય અત્યાચાર કરવાના અને મારી નાંખવાના બનાવો બને છે. એકવીસમી સદીના ત્રીજા દાયકાના આરંભે પણ આ કલંકિત પ્રથા અકબંધ છે.

સ્ત્રીને ડાકણ ગણી પ્રતાડિત કરવાની આ કુપ્રથા સદીઓથી ચાલે છે. કાલાજાદુની રાજધાની તરીકે કુખ્યાત અસમના મોરીગાંવમાં સૌ પહેલાં સ્ત્રીને ડાકણ ગણવાનો બનાવ બન્યો હતો. રાજસ્થાન ડાકણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હતું. હવે તેનું સ્થાન ઝારખંડને મળ્યું છે. શિક્ષણ અને આરોગ્ય સેવાના અભાવથી પીડાતા ગ્રામીણો અંધશ્રદ્ધાને કારણે ભૂવા કે દોરાધાગાના સહારે પોતાના રોગ મટાડવા પ્રયત્ન કરે છે. તેમાં નિષ્ફળ જતા ભૂવાઓ ગામની કોઈ નિર્દોષ અને લાચાર સ્ત્રીને ડાકણ ઠેરવી દે છે. એટલે લોકો પણ ભૂવાઓની વાત માની એ સ્ત્રીને દોષિત માને છે.

ભૂવાઓ અને વગવાળાઓના લીધે ડાકણ ઠરેલી સ્ત્રીનો બહિષ્કાર કરવામાં આવતો અને મારી પણ નંખાતી. ધીરેધીરે આ કુપ્રથા વધુ બળવત્તર બનતી ગઈ. ગામડાંઓમાં કોઈ કુદરતી આફત આવે, આકસ્મિક મોત થાય, કોઈ સાજુંમાંદું રહે, ગામના કૂવામાં પાણી સુકાઈ જાય, ગાય –ભેંસ દૂધ આપતી બંધ થઈ જાય એ સઘળાનો દોષ કોઈ ડાકણ માની લેવાયેલી સ્ત્રીના માથે ઢોળી દેવાય છે. માત્ર ભારતમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ આ કુપ્રથા જોવા મળે છે. ‘ડાયનગાથા’ કિતાબના લેખક પ્રો. સંજય બસુએ નોંધ્યું છે તેમ, પંદરમીથી અઢારમી સદી દરમિયાન યુરોપમાં એક લાખ સ્ત્રીઓને ડાકણનાં નામે જીવતી બાળી કૂટી હતી.

ડાકણ માની લેવાયેલી સ્ત્રી સાથે ક્રૂર અને અમાનવીય વર્તન કરવામાં આવે છે. તેને ગામની બહાર મોકલી દેવાય છે. ખાવા-પીવાનું આપ્યા સિવાય રીબાવવામાં આવે છે. અવારનવાર માર મારવામાં આવે છે. જ્યારે કોઈ આકસ્મિક મોત કે કુદરતી ઘટના માટે આવી સ્ત્રીને ડાકણ ઠેરવી દેવાય છે ત્યારે ગામનું ટોળું તેના પર હિંસક હુમલો કરે છે. તેને અર્ધનગ્ન કે નગ્ન કરી, માથે મૂંડન કરી, મોઢું કાળું કરી, મળમૂત્ર પિવડાવી, તેની આજીજીઓ ધ્યાનમાં લીધા સિવાય  જાહેરમાં ક્રૂર રીતે માર મારીને મારી નાંખવામાં આવે છે. મોટે ભાગે પ્રૌઢ, વિધવા, લાચાર, નિરાધાર કે એકલી રહેતી ગરીબ સ્ત્રીઓ ભોગ બને છે. જ્યારે સમગ્ર ગામ આવી હિંસા આચરતું હોય ત્યારે તેમને રોકનાર કે સમજાવનાર પણ કોઈ હોતું નથી.

આદિવાસી મહિલાઓને ડાકણ ઠેરવી દઈ મારી નાંખવાનું, બહિષ્કાર કરવાનું કે રંજાડવાનું સામાન્ય કારણ તો અંધશ્રદ્ધા અને અભણપણું ગણાવાય છે. પરંતુ તે ઉપરાંતના ગંભીર કારણો પણ છે. આદિવાસી સમાજમાં જમીન માલિકી મોટે ભાગે સ્ત્રીઓની હોય છે. જ્યાં સ્ત્રીઓ જમીન માલિક નથી ત્યાં જમીન પ્રત્યેનો તેમનો લગાવ અને સજગતા પુરુષોની તુલનામાં આધિક હોય છે. એટલે જમીન ઝૂંટવી લેનારા કે ખરીદી લેનારા માટે આડખીલી રૂપ સ્ત્રીને ડાકણ ઠેરવી દેવાય છે. મિલકત, સંપત્તિ અને વારસાઈનો વિવાદ, આર્થિક ઝઘડા, યૌનશોષણ, માનસિક બીમારી, ગરીબી, સામાજિક સંઘર્ષ અને પિતૃસત્તાક માનસિકતા આ કુપ્રથાનાં મહત્ત્વનાં કારણો છે.

માતૃસત્તાક અને સ્ત્રી સમાનતામાં માનતા આદિવાસી સમાજમાં ડાકણ જેવી ઘાતકી પ્રથાનું અસ્તિત્વ આઘાત અને આશ્ચર્યજનક છે. આવી કુપ્રથા આદિવાસી સંસ્કૃતિનો ભાગ નથી. એટલે બાહ્ય તત્ત્વોની અસરને કારણે આ પ્રથા જન્મી હોવાનું કહેવાય છે. પ્રેમ અને સામૂહિકતા આદિવાસી સંસ્કૃતિના કેન્દ્રમાં હોય ત્યારે સ્ત્રીને ડાકણ ગણી, સામૂહિક રીતે થતી નિર્દય હત્યાઓ સામાજિક અને મનોવૈજ્ઞાનિક કોયડો છે. આદિજાતિ સમાજ સામૂહિકતામાં જીવતો સમાજ છે. તેના રોજગારીના સાધનો પણ સામૂહિક છે. જંગલો અને જમીનો ઝૂંટવાતાં તેની સામૂહિકતા ખતમ થઈ રહી છે અને વ્યક્તિગત રીતે જીવતો સમાજ બની રહ્યો છે. તેને લીધે પણ આ કુપ્રથા હોવાનું માની શકાય.

કાયદા થકી ડાકણ પ્રથા ડામવાના પ્રયાસો જરૂરી છે. આઝાદી પૂર્વે છેક ૧૮૫૩માં રાજસ્થાનના ઉદેપુર પંથકમાં આ પ્રથાને ગેરકાયદે ઠેરવવામાં આવી હતી. દેશમાં ડાકણ પ્રથાને અટકાવવાનો કાયદાકીય પ્રયાસ આઝાદી બાદ સૌ પહેલાં બિહારમાં થયો હતો. ૧૯૯૯નો ધ પ્રિવેન્શન ઓફ વીચ (ડાયન) પ્રેકટિસ એકટ ઘડાયા પછી અન્ય રાજ્યો પણ તેને અનુસર્યા હતા. જો કે તમામ રાજ્યોમાં અને કેન્દ્ર કક્ષાએ ડાકણ નિષેધના અસરકારક કાયદાનો હજુ અભાવ છે. રાજ્યોના કાયદાઓમાં આજીવન કારાવાસ અને દંડની સજાની જોગવાઈ છે. ડાકણ ઠેરવેલી સ્ત્રીને વળતરની જોગવાઈ કરતો અસમનો કાયદો કઠોર જોગવાઈઓ ધરાવે છે. જો કે ડાકણની હત્યાના બનાવો ભીડ કે ટોળાંની હિંસા દ્વારા આચરવામાં આવતા હોઈ દોષિતોને શોધવાનું અને સજા અપાવવાનું મુશ્કેલ છે.

સ્વાતંત્ર્યના પંચોતેર વરસ, સાક્ષરતાનો ઊંચો દર, સામાજિક જાગ્રતિની ગુલબાંગો અને બંધારણમાં નાગરિકની વૈજ્ઞાનિક સમજને વિકસાવવાના દાવા વચ્ચે ડાકણ જેવી પ્રથાના નામે મહિલાઓના અસ્તિત્વને કચડવાના પ્રયાસો શોચનીય છે. સામાજિક જાગ્રતિ અને સમાજ સુધારણાના પ્રયાસો જ આવી પ્રથાને ડામી શકે તેમ છે, જેનો આજે દેશમાં અભાવ છે. દેશના કેટલાક ભાગોમાં આજે પણ વરસે સોથી અઢીસો સ્ત્રીઓને ડાકણનાં નામે મારી નંખાય તે સભ્ય કહેવડાવતા સમાજની નાલેશી અને બૌદ્ધિક નિર્ધનતા છે.

ડાકણ ઠેરવી ભારે અત્યાચારોનો ભોગ બન્યા પછી તેમાંથી મુક્તિ મેળવી આજે આ કુપ્રથા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહેલા ઝારખંડના છૂટની મહતો અને અસમના બીરુ બાલા જેવાં મહિલાઓ આપણી પ્રેરણા બનવાં જોઈએ. ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ ડાકણ પ્રથા નાબૂદી અભિયાન ચલાવી રહ્યાં છે. ઝારખંડ સરકારે ધો ૬થી ૮ના પાઠ્યક્રમમાં ડાકણ પ્રથા વિરોધી પાઠ સામેલ કરી વિદ્યાર્થીઓને બાળપણથી જ આ પ્રથા વિરુદ્ધ જાગ્રત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

જે પ્રથાઓ અને પરંપરાઓ ભેદભાવ અને પછાત માનસિકતાના દ્યોતક હોય તેમાંથી સત્વરે મુક્તિ મેળવવી જોઈએ. ડાકણ પ્રથા માટે જવાબદાર આદિવાસી સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાના મૂળમાં રહેલો આરોગ્ય અને શિક્ષણ સેવાનો અભાવ દૂર કરવાની સમજ લોકશાહી સરકારો અને વહીવટી તંત્રમાં હોવી જોઈએ. પોતાની આગવી ન્યાય

પ્રણાલી અને ખૂન કા બદલા ખૂનની સમાંતર સરકાર જેવી ચડોતરાની પ્રથા હોય કે ડાકણ પ્રથા, ગ્રામીણ, ગરીબ, પછાત અને આદિવાસી સમાજે તેનાથી મુક્ત થઈ, આધુનિક સભ્ય સમાજ તરફ પગરણ માંડવા હવે હરણફાળ ભરવાની છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

મેળો બંધ, પણ મેળાવડા ચાલુ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 April 2021

કોઈ પણ સરકાર કે તંત્ર મૂરખ નથી, પણ તે મૂરખ બનાવી શકે છે. લોકો એ સમજતાં નથી એવું નથી, પણ તેમાં કેટલાક મતલબી, મૂરખ અને મવાળ હોય છે, એ પ્રતિક્રિયા ખૂણેખાંચરે આપતાં હોય છે ને તે સરકાર સુધી પહોંચતી નથી એટલે તેને એમ લાગે છે કે જે ચાલી રહ્યું છે તે પ્રજાને માન્ય છે. વધારામાં આવા લોકો શાસક પક્ષ પ્રેરિત ધાર્મિકતાનો શિકાર હોય છે. આ ધર્મ ઘરમાં ઓછો ને બહાર વધુ ફેલાયેલો હોય છે. એમાં આસ્થા હોય તો આનંદ થાય, પણ એ કોઈ પક્ષ પ્રેરિત હોય ત્યારે એની ગણતરી લાભ ઉઠાવવાની જ હોય છે.

ધાર્મિક લાગણી ન દુભાય એટલે સરકારે કુંભમેળો યોજાવા દીધો. એ સાચું કે તે બાર વર્ષે આવે છે, પણ આ વખતે કોરોનાએ જે કહેર વરસાવ્યો એ જોતાં તે લોકહિતમાં બંધ રહેવો જોઈતો હતો, પણ ઉત્તરાખંડના મુખ્ય મંત્રીની એવી ધારણા હતી કે કોરોના જેવું કૈં નથી એટલે કુંભમેળો યોજાયો. શાહી સ્નાન થયાં તેમાં બે તબક્કે 35 લાખ અને 14 લાખ લોકોએ સ્નાન કર્યું. આ મેળા દરમિયાન જ હજારથી વધુ સંતો ને ભક્તો સંક્રમિત હતા. એ સંખ્યા વધતી ગઈ ને પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ ત્યારે વડા પ્રધાને અપીલ કરવી પડી કે બબ્બે શાહીસ્નાન પૂરાં થયાં છે તો હવે મેળો સંકેલી લેવો જોઈએ. એ અગાઉ પણ અમુક અખાડાએ મેળો બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે બીજા કેટલાકને તેનો વાંધો પડ્યો હતો, કોઇકે તો ચૂંટણીમાં થતી ભીડ રોકવાની સલાહ પણ આપેલી, પણ વડા પ્રધાને અપીલ કરી તો સૌએ માન રાખીને મેળો બંધ થવાની જાહેરાત કરી. હવે બધું ખાલી થયું છે ત્યારે સંતો કહે છે કે મેળા કરતાં લોકોનું જીવન વધારે મહત્ત્વનું છે. આ જ્ઞાન, અજ્ઞાનથી ચડે એવું છે.

હવે મેળામાંથી પરત થયેલા ભક્તો કેટલાને કોરોનાનો પ્રસાદ વહેંચશે તે તો સમય કહેશે, પણ હરિદ્વારથી એક ટ્રેન ગુજરાત આવી તેમાં 49 સંક્રમિતો નીકળ્યાં. ગુજરાતના મુખ્ય મંત્રીએ તો જાહેરાત કરી જ છે કે કોઈ પણ યાત્રી ટેસ્ટ વગર ઘરે નહીં જઈ શકે. આપણા મુખ્ય મંત્રી ઉત્સાહી બહુ છે. કોરોનાની પાછળ પાછળ રાજકોટ, સુરત, પાટણ પણ પહોંચી જાય છે અને જાહેરાતો કરતાં રહે છે. જાહેરાતમાં દેખાવું અને જાહેરાત કરતાં રહેવું એ એમનાં “પ્રધાન” લક્ષણો છે. એમણે જાહેરાત કરી છે કે એક પણ દરદી રેમડેસિવિર ઇન્જેક્શન વગર નહીં રહે. એ જુદી વાત છે કે દરદીઓ ઇન્જેક્શનો વગર, ઓક્સિજન વગર, બેડ વગર, તરફડે છે ને ઘણા તો સારવાર વગર જ જીવવું છોડી દે છે. એક તરફ સાધનોની ભારે તંગી છે ને બીજી તરફ લોકો ઇન્જેકશનોના કાળાબજાર કરતાં શરમાતા નથી. એમ્બ્યુલન્સ તો છોડો, શબવાહિનીઓ ખૂટી પડી છે ને એકમાં જ એકથી વધુ મૃતદેહો ખડકીને સ્મશાને પહોંચાડવા પડે છે. આ સ્થિતિને નિવારવા કેટલીક જૂની એમ્બ્યુલન્સને શબવાહિનીમાં પણ ફેરવવી પડી છે. એમ્બ્યુલન્સને શબવાહિનીમાં ફેરવવી પડે એટલો વિકાસ તો થયો છે આપણો ! મુખ્ય મંત્રીએ જ જાહેરાત કરેલી કે પ્રદેશ પ્રમુખે સ્મશાનમાં ટ્રકો ભરી ભરીને લાકડાં મોકલ્યાં છે. કેવી ભવ્ય મદદ ! કૈં નહીં તો મરનાર લાકડાં તો પામ્યો. બળવા માટે લાકડાં મળી રહે એટલે તો સત્તા આપી હતી લોકોએ ! સાહેબે સિટિસ્કેનના ભાવની જાહેરાત પણ કરી. વડોદરાના એક નામી તબીબે સિટિસ્કેનના 2,500 રૂપિયાથી વધુ ન લેવાનો અનુરોધ કર્યો ને વડોદરામાં 2,500નો જ ભાવ ફાઇનલ કર્યો, તો મુખ્ય મંત્રીએ જાહેરાત કરી 3,000ની. 2,500ના 3,000 કેમ થયા તે નથી ખબર, પણ વડોદરાને 2,500 માન્ય હોય તો 3,000 ન કર્યા હોત તો ચાલતે, એવું નહીં?

ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 18 લાખને પાર પહોંચવામાં છે ને શનિવારે જ 2.60 લાખ નવા કેસ ઉમેરાયા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, અને છત્તીસગઢમાં જ દેશના 58 ટકાથી વધુ કેસ નોંધાયા છે. શનિવારે જ 1,492 મૃત્યુ દેશમાં કોરોનાને કારણે થયાં છે. ગુજરાતમાં શનિવારે 9,541 કેસ નવા ઉમેરાયા છે અને 97 લોકો મૃત્યુ પામ્યાં છે. સૌરાષ્ટ્રમાં 178 મોત થયાં છે. અહીં સવાલ એ થાય કે ગુજરાતમાં 97 મૃત્યુ નોંધાયા હોય તો સૌરાષ્ટ્રમાં 178 મોત કેવી રીતે થયાં? સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે તે તો ખરુંને? જો કે, ગુજરાતના આંકડાઓ પર તો હાઇકોર્ટને પણ ભરોસો નથી. એણે તો સરકારને સાચા આંકડાઓ જાહેર કરીને પ્રજાને વિશ્વાસમાં લેવાની તાકીદ પણ કરી છે, મગર વો દિન કહાં કિ ….

એક વાત સ્પષ્ટ છે કે આપણે અત્યારે કેવળ અરાજકતાનો શિકાર છીએ. એમાં તંત્રોથી વધુ જવાબદાર પ્રજા છે. તંત્રો ઢીલાશ દાખવે એમાં ચોક્કસ ગણતરી હોય. એણે ધાર્મિક, આર્થિક, રાજકીય કારણોસર લાચાર થવું પડે, પણ પ્રજા તરીકે ગાઈડલાઇનનું પાલન કરવામાં શી મુશ્કેલી છે એ નથી સમજાતું. પંચમહાલના કોઈ નેતાના દીકરાનાં લગ્નમાં ઢગલો માણસો નાચતાં દેખાયાં. ડી.જે.ને તાલે નાચવાનું સરકાર નથી કહેતી, કોઈએ ચોખા નથી મૂક્યા કે સભા-રેલીમાં જોખમ વહોરવા દોડવું જ પડે. કરફ્યુની જાહેરાત થાય કે લોકડાઉનની બીકે, ચીજવસ્તુઓ મળવાની જ ન હોય એમ બજારો પર કે લારીઓ તૂટી પડવાનું સરકાર કહે છે? તો, કેમ આપણે, આપણી સલામતી માટે ઘરમાં નથી રહી શકતા? જેમને ઘર નથી એમને તો લાચારી છે, બહાર રહેવાની, જેમને છે એમને કેમ ઘર નથી દેખાતું? આ શરમજનક છે ને જેમને સાચવવાના છે એમની મશ્કરી કરવા જેવું પણ છે.

એવી જ મજાક સરકાર અને તંત્રો, પ્રજાની પણ કરે છે. ચૂંટણી પંચ જો પોતાને વફાદાર હોય તો એ કડક રીતે કામ કરી જ શકે, પણ એવું ઓછું જ છે. રાજકીય પક્ષો ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો પ્રતિબંધ મૂકવાની પંચ ધમકી આપે છે. અહીં પૂછવાનું થાય કે પાલન થતું નથી તે દુનિયાને દેખાય છે તો તમારી નજર જ કેમ કમજોર છે? પંચે શું નથી જોવાનું તે, તે બરાબર જુએ છે. તાજેતરમાં જ પંચે ફતવો બહાર પાડ્યો કે સાંજે 7થી સવારે 10 સુધી રેલી – સભા પશ્ચિમ બંગાળમાં યોજી શકાશે નહીં. પંચને ખબર છે કે રેલીઓ મોડી રાત્રે ને વહેલી સવારે નથી યોજાતી એટલે સાંજે 7 થી સવારે 10નો સમય નક્કી કર્યો. ફતવો એવી કાળજીથી બહાર પડાયો કે પ્રચારને ઊની આંચ ન આવે ને એમ પણ લાગે કે પંચ જવાબદારીપૂર્વક કામ કરી રહ્યું છે. તંત્રો આટલી હદે પ્રજાને મૂરખ સમજવાનું બંધ કરે, કારણ આ મૂરખ પ્રજા જ પગ નીચેથી જમીન ખેંચી લે છે એ ભૂલવા જેવું નથી.

વડા પ્રધાનને કોરોના યાદ આવે છે ત્યારે એ મુખ્ય મંત્રીઓ કે અધિકારીઓ સાથે બેઠક કરી લે છે. એમણે શનિવારે સાંજે બેઠક કરીને તાગ મેળવી લીધો કે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓની શી સ્થિતિ છે. સાથે જ સંતવાણી પણ ઉચ્ચારી કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટનો કોઈ વિકલ્પ નથી. બહુ વખતે યાદ આવ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આનંદ થાય કે વડા પ્રધાન દેશ માટે આટલું તો કરે છે, બાકી કોણ આ જમાનામાં આટલી ચિંતા કરે છે ! તેમણે તંત્રોને સંવેદનશીલ બનવાનું પણ કહ્યું. આની સામે વડા પ્રધાન પણ થોડા સંવેદનશીલ બને તો કેવું સારું?

વડા પ્રધાનની આસાનસોલની શનિવારની રેલીમાં લોકો એટલી મોટી સંખ્યામાં ઊમટી પડ્યા કે તેમણે કહેવું પડ્યું કે આવી સભા પહેલીવાર જોઈ છે. લોકોએ એવી તાકાત દેખાડી છે કે ચારે તરફ લોકો જ દેખાઈ રહ્યાં છે. લોકોએ કમાલ કરી દીધી. એ જોઈને હરખ થાય કે વડા પ્રધાનને માનનારો મોટો વર્ગ છે. એમની સભામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એનો સહજ આનંદ આમ જ વ્યક્ત થઈ શકે, પણ કોરોના કાળમાં આ પ્રશંસા ઘણા અનર્થ સર્જી શકે. આમાં કોઈ ગાઈડલાઇનનું પાલન ન જ થયું હોય એ નક્કી છે. આવે વખતે ચૂંટણી પંચે એ ભૂલી જ જવાનું હોય કે પ્રતિબંધની કોઈ વાત એણે કોઈ કાળે કરેલી. આંખ આડા કાન કરવાની આ સસ્તી યુક્તિ પકડાઈ જાય એવી છે.

એક તરફ વડા પ્રધાન ગંભીરતાથી અધિકારીઓને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટની તાકીદ કરતા હોય ને બીજી બાજુ ભીડ કરવા બદલ લોકોને પ્રોત્સાહિત કરતાં હોય તો આ ભીડ, પાછળથી કોરોનાની ટ્રીટમેન્ટ માટે તો ભેગી નથી કરાઈને એવો સવાલ થાય. રેલીમાં ભેગા થાવ તો વખાણ થાય ને લગ્નમાં ભીડ કરો તો દંડ થાય એ કેવું? રસ્તે માસ્ક વગર નીકળો તો ચલણ ફાટે, પણ મેળા કે મેળાવડામાં ભીડ કરો તો પીઠ થાબડવામાં આવે, એ કોઈ પણ રીતે યોગ્ય નથી.

સરકાર ભલે એવા ભેદ કરે, પણ કોરોના કોઈની શરમ રાખતો નથી. પશ્ચિમ બંગાળ અને કુંભમેળો લોકોને પોક ના મૂકાવે એવી પ્રાર્થના જ કરવાની રહે છે. કૈં થયું તો એવા લોકો વેઠવાના છે જે જવાબદાર નથી. આવનારી પેઢી આપણને માફ કરે એવી થોડી જગ્યા તો રહેવા દઈએ.

સબ કો સન્મતિ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ઍપ્રિલ 2021

Loading

...102030...1,9641,9651,9661,967...1,9701,9801,990...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved