Opinion Magazine
Number of visits: 9572127
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કસ્તૂરબા વિશેનાં પુસ્તકો: થોડું લખ્યું, ઝાઝું કરી વાંચવું

દીપક મહેતા|Gandhiana|9 April 2021

‘સમય મળશે તો (કસ્તૂરબા વિષે) વિસ્તૃત લખવાની મારી ધારણા છે.’ ૧૯૪૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે ગાંધીજીએ આ વાક્ય લખ્યું હતું. શબ્દો તોળી-જોખીને વાપરવાની ગાંધીજીની પ્રકૃતિનો પરિચય આ સાવ નાનકડા વાક્યમાંથી પણ મળી રહે. લખે છે : ‘ધારણા છે.’ ‘ઇચ્છા છે’ એમ લખતા નથી. અને એ ધારણા પણ બિનશરતી નથી. ‘સમય મળશે તો.’ પણ પછીનાં લગભગ ત્રણ વરસમાં ગાંધીજીને સમય મળ્યો નહિ, અને તેઓ તેમની ધારણા પૂરી કરી શક્યા નહિ. જો ગાંધીજીએ કસ્તૂરબા વિષે વિસ્તૃત રીતે લખ્યું હોત તો બીજા લખનારાઓનું કામ ઓછું મુશ્કેલ બન્યું હોત. સેજલ-સોનલની જોડીએ આ લેખ લખવા કહ્યું ત્યારે પહેલો પ્રતિભાવ તો એ હતો કે કસ્તૂરબા વિષે તો બહુ ઓછું લખાયું છે. બે-ચાર પુસ્તકો કરતાં વધુ નહિ હોય. પણ પછી જેમ જેમ અમે ત્રણેએ ખાંખાંખોળાં કર્યાં તેમ વધુ ને વધુ પુસ્તકોની ભાળ મળતી ગઈ. જો કે, બધાં પુસ્તકો મેળવી શકાયાં હોવાનો દાવો નથી જ. પણ આ બધાં પુસ્તકો વાંચ્યા પછી પણ લાગે છે કે કસ્તૂરબા વિષે મૌલિક, પોતીકું, આગવું, તો ઓછું જ લખાયું છે.

કસ્તૂરબા વિષે લખતી વખતે સૌથી મોટી મુશ્કેલી છે ગાંધીજી. વિભૂતિરૂપ પતિના પડછાયામાં સતત જીવનાર સ્ત્રીના વ્યક્તિત્વને પામીને ઉઘાડવાનું અશક્ય નહિ તો ય ઘણું કપરું કામ તો છે જ. અને આવું કપરું કામ ભાગ્યે જ કોઈ કરી શક્યું છે. કેટલાક લેખકોએ તો સહેલો રસ્તો જ અપનાવ્યો છે : ગાંધીજીના જીવનના મુખ્ય પ્રસંગો વર્ણવતા જવા અને તેની સાથે કસ્તૂરબાની વાત સાંકળતા જવી, અને તે પણ મુખ્યત્વે ગાંધીજીની આત્મકથાને આધારે. પોતીકા પરિચય અને અનુભવોને આધારે લખાયાં હોય તેવાં તો બે જ પુસ્તકો જોવા મળ્યાં છે: વનમાળા દેસાઈ અને સુશીલા નૈયરનું પુસ્તક ‘અમારાં બા’. બંને લખાયાં છે સ્વતંત્ર રીતે પણ આજ સુધી ગુજરાતીમાં પ્રગટ થતાં રહ્યાં છે એક પુસ્તક રૂપે. શરૂઆતમાં ગાંધીજીનું જે વાક્ય ટાંક્યું છે તે પણ આ પુસ્તકની પ્રસ્તાવનાનું છે.

અલબત્ત, કસ્તૂરબા વિશેનાં આ પહેલાં પુસ્તકો નથી. કસ્તૂરબાનું અવસાન થયું એ જ વરસે, ૧૯૪૪માં, બે પુસ્તક પ્રગટ થયાં, એક અંગ્રેજી અને એક ગુજરાતી. દયાશંકર ભ. કવિનું ‘ભારતજનની કસ્તૂરબા’ મુંબઈની એન.એમ. ઠક્કરની કંપનીએ પ્રગટ કરેલું. કસ્તૂરબા વિશેનું આ પહેલું ગુજરાતી પુસ્તક. તેની એક વિશિષ્ટતા એ છે કે તેમાં કસ્તૂરબાના ફોટા ઉપરાંત કનુ દેસાઈ અને ચાંદવડકરનાં ચિત્રો મૂક્યાં છે, એટલું જ નહિ, કસ્તૂરબાના હસ્તાક્ષરમાં બે પત્રો પણ છાપ્યા છે. આ જ લેખકે કેપ્ટન લક્ષ્મી અને સરદાર વલ્લભભાઈ પટેલ વિષે પણ પુસ્તકો લખ્યાં છે અને કેટલીક બંગાળી કૃતિઓના અનુવાદ પણ આપ્યા છે.

Sati Kasturba : A Life-sketch પુસ્તકનું સંપાદન આર.કે. પ્રભુએ કર્યું છે, આમુખ લખ્યું છે એમ.આર. મસાણીએ. આ મીનુ મસાણી એ વખતે મુંબઈના મેયર હતા. આઝાદીની લડતમાં સક્રીય ભાગ લઈને જેલમાં પણ ગયેલા. લડત દરમ્યાન જવાહરલાલ નેહરુના મિત્ર એવા મસાણી આઝાદી પછી નેહરુની સમાજવાદી વિચારણાથી દૂર થતા ગયા અને એટલે રાજાજી સાથે મળીને તેમણે ‘સ્વતંત્ર પાર્ટી’ સ્થાપેલી. મુંબઈના ‘હિન્દ કિતાબ્સ’ નામના પ્રકાશકે આ પુસ્તક પ્રગટ કરેલું. કસ્તૂરબાનું અવસાન ફેબ્રુઆરીની ૨૨મી તારીખે થયેલું અને મસાણીની પ્રસ્તાવના એ જ વરસની ૧૧મી માર્ચે લખાઈ છે, એટલે કે વીસેક દિવસમાં આ પુસ્તક તૈયાર થયેલું. તેમાં કસ્તૂરબાની જીવનકથા ટૂંકમાં આલેખી છે. પણ આ પુસ્તકની ઉપયોગિતા એ છે કે એ વખતની અગ્રગણ્ય વ્યક્તિઓએ, દેશ અને દુનિયાનાં કેટલાંક છાપાંઓએ આપેલી અંજલિઓ અહીં સમાવી છે. એટલે આજે હવે દસ્તાવેજી દ્રષ્ટિએ આ પુસ્તક મહત્ત્વનું બની રહે છે.

વનમાળા દેસાઈ અને સુશીલા નૈયર બંનેનાં પુસ્તકનું લેખન સ્વતંત્ર રીતે થયું છે, પણ એ બંને એક પુસ્તક રૂપે ૧૯૪૫માં પ્રગટ થયેલાં. નૈયરનું પુસ્તક મૂળ હિન્દીમાં લખાયેલું. એનો અંગ્રેજી અનુવાદ ૧૯૪૮માં અમેરિકાથી પ્રગટ થયેલો. નવજીવન પ્રકાશન મંદિરે પ્રગટ કરેલ ‘અમારાં બા’માં નૈયરના લખાણનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે તે જણાવ્યું નથી. વનમાળા બહેનના પુસ્તકમાં ૧૧૦મા પાના ઉપર નૈયરના પુસ્તકનો ઉલ્લેખ છે એટલે વનમાળાબહેનના પુસ્તક કરતાં કંઈ નહિ તો તેની હસ્તપ્રત તો વહેલી તૈયાર થઈ ગઈ હોવી જોઈએ. એટલે આ અનુવાદ વનમાળાબહેને જ કર્યો હોય એ બનવાજોગ છે. બીજું, કસ્તૂરબા વિશેનું આ એક જ પુસ્તક એવું છે જેની પ્રસ્તાવના ખુદ ગાંધીજીએ લખી છે. એટલે કે, પરીખ અને નૈયરનાં લખાણ ગાંધીજી વાંચી ગયા છે ને તેને પ્રગટ કરવાની અનુમતિ તેમણે આપી છે. આ બંને લેખિકા ગાંધીજી અને કસ્તૂરબાનાં નિકટવર્તી. વનમાળાબહેન આશ્રમવાસી નરહરિ પરીખનાં દીકરી. સસરા વાલજી ગોવિંદજી દેસાઈ પણ ચુસ્ત ગાંધીવાદી અને આશ્રમવાસી. ગાંધીજીના આશ્રમમાં ઘણાં વરસ રહેલાં એટલે અનુભવો તો ઘણા હોય. છતાં કોણ જાણે કેમ, તેમણે પણ ગાંધીજીની આત્મકથા પર ઘણો મદાર રાખ્યો છે. પિતા નરહરિભાઈનું જીવનચરિત્ર લખવા ઉપરાંત વનમાળાબહેને મેડલિન સ્લેડ ઉર્ફે મીરાંબહેનની આત્મકથાનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. સુશીલા નૈયર વ્યવસાયે ડોક્ટર, ઘણાં વરસ ગાંધી આશ્રમમાં રહેલાં. કસ્તૂરબાની છેલ્લી માંદગી અને અવસાન વખતે પણ તેઓ તેમની સારવાર માટે આગાખાન જેલમાં તેમની સાથે જ હતાં. આઝાદી પછી તેઓ સક્રીય રાજકારણમાં પડ્યાં હતાં અને ૧૯૫૨થી ૧૯૫૫ અને ૧૯૬૨થી ૧૯૬૭ સુધી તેઓ કેન્દ્ર સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહ્યાં હતાં. તેમનાં ગાંધીજી વિશેનાં દસેક પુસ્તકો અંગ્રેજીમાં પ્રગટ થયાં છે. ગાંધી જન્મશતાબદી વખતે ૧૯૬૯માં નૈયરના પુસ્તકના લખાણને આધારે હિન્દીમાં કોમિક રૂપે કસ્તૂરબાનું જીવન ચરિત્ર પ્રગટ થયું હતું. એરિક ફ્રાન્સિસ દ્વારા તૈયાર થયેલું આ પુસ્તક મુંબઈના પુરોહિત એન્ડ સન્સ નામના પ્રકાશકે પ્રગટ કરેલું. તો ૧૯૪૬માં પ્રગટ થયેલું પુરાતન બૂચનું ‘આપણાં કસ્તૂરબા’ મુખ્યત્વે ‘અમારાં બા’ પુસ્તકને આધારે ઓછું ભણેલી સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને સીધી સાદી ભાષામાં લખાયું છે. 

ગણપત રાયના અંગ્રેજી પુસ્તક Gandhi and Kasturba : The Story of their lifeમાં તેની પ્રકાશન સાલ છાપી નથી, પણ પુસ્તક અર્પણ કર્યું છે ગાંધીજીને તેમના ૭૬મા જન્મ દિવસે. એટલે તે ૧૯૪૫ના અરસામાં પ્રગટ થયું હોય. કસ્તૂરબા મેમોરિયલ પબ્લિકેશન્સ તરફથી તે પ્રગટ થયું છે. ગણપત રાયે ગાંધીજી, જવાહરલાલ નેહરુ, અને આચાર્ય જે.બી. કૃપલાની વિષેનાં અંગ્રેજી પુસ્તકોનું પણ સંપાદન કર્યું છે. કસ્તૂરબા વિશેના તેમના પુસ્તકની પ્રસ્તાવના જાણીતાં મહિલા કાર્યકર અને નેહરુ કુટુંબમાં પરણેલાં રામેશ્વરી નેહરુએ લખી છે. પુસ્તક વાંચવાનું શરૂ કરતાં પહેલે કોળિયે જ કાંકરો આવે છે. કસ્તૂરબાનો જન્મ ૧૮૬૯માં રાજકોટ રાજ્યના પાટનગર પોરબંદરમાં થયો હતો એમ લેખક કહે છે! પણ આ પુસ્તકમાંની કેટલીક દસ્તાવેજી સામગ્રી આજે પણ ઉપયોગી થાય તેવી છે. છેલ્લી માંદગી વખતે કસ્તૂરબા જેલમાં હતાં ત્યારે તે અંગે, તેમની તબિયત અંગે, તેમને જેલમાંથી છોડી મૂકવા અંગે બ્રિટિશ પાર્લામેન્ટમાં જે સવાલો પૂછાયા હતા અને ગ્રેટ બ્રિટનની સરકારે જે જવાબો આપેલા તે અહીં શબ્દશઃ રજૂ કર્યા છે. તેવી જ રીતે આ અંગેનો ગાંધીજી અને હિન્દુસ્તાનની સરકાર વચ્ચેનો પત્રવ્યવહાર પણ આપ્યો છે. આ પુસ્તક જ્યારે પ્રગટ થયું ત્યારે ‘ગાંધીજીનો અક્ષરદેહ’નાં પુસ્તકો પ્રગટ થયાં નહોતાં. અને ગૂગલદેવની મદદથી બ્રિટિશ પાર્લામેન્ટના સવાલ-જવાબ મેળવી શકાય એવી સગવડ નહોતી. એટલે આ સામગ્રી વધુ નોંધપાત્ર બને છે.

ગાંધીજીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીના પુસ્તક ‘ધ ફરગોટન વુમન’નો અત્યંત પ્રવાહી, વાંચતાં અનુવાદ છે એમ ન લાગે એવો અનુવાદ ‘બા : મહાત્માનાં અર્ધાંગિની’ સોનલ પરીખ પાસેથી મળ્યો છે. તેની પહેલી આવૃત્તિ ૨૦૧૬માં અને બીજી ૨૦૧૭માં પ્રગટ થઈ. ૧૯૪૪માં કસ્તૂરબાનું અવસાન થયું ત્યારે અરુણભાઈની ઉંમર દસેક વરસની. છતાં દાદી કસ્તૂરબાના જીવન અને વ્યક્તિત્વ વિષે ઘણી રસપ્રદ અને કેટલીક નવી માહિતી આ પુસ્તકમાંથી મળી રહે છે. ગાંધીજીની આત્મકથા અને તેમનાં બીજાં લખાણો ઉપરાંત લેખકે મૌખિક ઇતિહાસ – oral historyનો આશરો લીધો છે. કસ્તૂરબાના પરિચયમાં આવી હોય તેવી વ્યક્તિઓને શોધી શોધીને તેમની મુલાકાતો રેકર્ડ કરી. આ પુસ્તક અંગે એક રસપ્રદ વાત એ છે કે તેની અંગ્રેજી આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં જર્મન અને સ્પેનિશ આવૃત્તિ પ્રગટ થઈ હતી. કારણ અંગ્રેજી પુસ્તકોના પ્રકાશકો તો લેખકને કહેતા : ‘કસ્તૂરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વિષે કેમ નથી લખતા?’ અરુણ ગાંધીનું પુસ્તક વાંચ્યા પછી આવો સવાલ પૂછવાની જરૂર ન રહે.

૨૦૧૮માં બે પુસ્તક મળે છે. Kasturba Gandhi : A Bio-fiction અને Kasturba Gandhi : The Silent Sufferer.  તેમાં પહેલું પુસ્તક ૨૦૧૬માં હિન્દીમાં પ્રગટ થયેલ ગિરિરાજ કિશોરની જીવનચરિત્રાત્મક નવલકથાનો મનીષા ચૌધરીએ કરેલો અનુવાદ છે. દેખીતી રીતે જ અહીં નવી સામગ્રીને ઝાઝો અવકાશ નથી. અગાઉ પ્રગટ થયેલાં પુસ્તકોની માહિતીમાં થોડા કલ્પનાના રંગો ઉમેરીને આ પુસ્તક લખાયું છે. N.C. Beoharનું પુસ્તક Kasturba Gandhi : The Silent Sufferer કસ્તૂરબાને મૂંગે મોઢે સહન કરી લેતી એક અબૂઝ, અસહાય સ્ત્રી તરીકે રજૂ કરે છે, જે હકીકતથી સાવ વેગળું છે. મુખ્યત્વે હરિલાલ, અને તે ઉપરાંત બીજા પુત્રો સાથેના ગાંધીજીના વર્તનને તેમણે કેવું મૂંગે મોઢે સહી લીધું તે બતાવવાનો લેખકે પ્રયત્ન કર્યો છે.

તો ૨૦૨૦માં પ્રગટ થયેલું બી.એમ. ભલ્લાનું પુસ્તક Kasturba Gandhi : A Biography સામે છેડે જઈને ગાંધીજી સાથે ખભે ખભો મિલાવીને કસ્તૂરબા પહેલાં દક્ષિણ આફ્રિકામાં અને પછી હિન્દુસ્તાનમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળમાં, અને ખાસ કરીને નારીમુક્તિની ચળવળમાં,  સમભાગી થયા હતા એવું ઠસાવવાનો પ્રયત્ન કરે છે.

૨૦૨૦માં ફેબ્રુઆરી અને માર્ચમાં જેની ઉપરાઉપરી બે આવૃત્તિ પ્રગટ થઈ હોવાનું પુસ્તકમાં નોંધાયું છે તે Kasturba Gandhi : An Embodiment of Empowerment મુંબઈના ગાંધી સ્મારક નિધિ દ્વારા પ્રગટ થયું છે. તેના લેખક સિબી કે. જોસેફ વર્ધાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીયન સ્ટડીઝમાં અભ્યાસ અને સંશોધન વિભાગના ડીન છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે : This book is not a comprehensive biography of Kasturba. My primary attempt has been to present Kasturba Gandhi in a nutshell as an embodiment of empowered women who had an identity of her own. એટલે કે કસ્તૂરબા એક પરાવલંબી પત્ની કે અબળા નારી નહિ, પણ પોતાની આગવી ઓળખાણ ધરાવનાર સશક્ત સ્ત્રી હતાં એમ બતાવવાનો લેખકે અહીં પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની એક વિશેષતા એ છે કે એમાં પરિશિષ્ટ તરીકે કસ્તૂરબાએ આપેલાં ચાર પ્રવચનનો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. અલબત્ત, દરેક પ્રવચનને મથાળે નોંધ્યું છે કે પ્રવચન કસ્તૂરબાએ પોતે આપ્યું નહોતું. તેમના વતી કોણે રજૂ કરેલું તે પણ જણાવ્યું છે. આ પ્રવચનો વાંચતાં મનમાં એક પ્રશ્ન થાય : આવાં પ્રવચનો લખવા જેટલી કસ્તૂરબાની સજ્જતા હતી ખરી? પ્રવચનો ખરેખર કસ્તૂરબાએ લખ્યાં હશે, કે પછી તેમના વતી કોઈએ લખ્યાં હશે?

આ બધાં પુસ્તકો વાંચ્યા પછી કેટલાક સવાલ મનમાં ઊઠ્યા વગર રહે નહિ. એક : વનમાળા દેસાઈ લખે છે કે કસ્તૂરબા નિયમિત રીતે ડાયરી લખતાં. તો એ ડાયરીઓ ક્યાં છે? પ્રગટ થઈ છે કે નહિ? બીજું, કેટલાક લોકો માને છે કે કસ્તૂરબા સાવ અભણ હતાં. હા, લગ્ન થયાં ત્યારે હતાં. પણ પછી ધીમે ધીમે લખતાં વાંચતાં શીખેલાં, પહેલાં ગુજરાતી અને પછી થોડું અંગ્રેજી પણ. વનમાળા દેસાઈ કહે છે કે આપણાં જાણીતાં લેખિકા, પત્રકાર, અને આઝાદી માટેની ચળવળમાં સક્રિય ભાગ લેનાર લાભુબહેન મહેતા અને કસ્તૂરબા એક જ જેલમાં સાથે હતાં ત્યારે કસ્તૂરબા નિયમિત રીતે લાભુબહેન પાસેથી અંગ્રેજી શીખતાં.

કસ્તૂરબા વિષે લખતી વખતે એક વાત ઘણી વર ધ્યાનમાં રહેતી નથી એમ લાગે છે, અને તે છે એમનાં સ્થળ-કાળનો સંદર્ભ. તેમનાં વિચાર-વાણી-વર્તનને આજનાં ધોરણે જોવા-આલેખવાનું ઉચિત ન ગણાય. ઓગણીસમી સદીની ત્રીજી પચ્ચીસીમાં પોરબંદર જેવા કોઈ રીતે પ્રગતિશીલ ન કહી શકાય એવા દેશી રાજ્યમાં જન્મ અને ઉછેર. તેમના જન્મ સુધી પોરબંદરમાં નહોતું એકે છાપખાનું કે નહોતું પ્રગટ થતું એક પણ અખબાર. કન્યા કેળવણી નહિવત હતી. બાળલગ્નો સામાન્ય હતાં. આ બધી મર્યાદાઓ હોવા છતાં કસ્તૂરબા પોતાની ઇચ્છાશક્તિથી અને ગાંધીજીનાં પ્રેરણા અને સહકારથી તેમાંની કેટલીક મુશ્કેલીઓને ઓળંગી ગયાં. છતાં આજનાં ધોરણે તેમના જીવનની મૂલવણી કરવી યોગ્ય ન ગણાય.

વાતની શરૂઆત આપણે કસ્તૂરબા વિશેના ગાંધીજીના શબ્દોથી કરી હતી. અંતે પણ તેમના શબ્દો પાસે જ જઈએ. ‘બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો … તેણે મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે ને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કાર્યમાં સમાઈ જવામાં જ માન્યો.’

નોંધ: આ લેખ લખાઈ ગયા પછી જાણવા મળ્યું કે કસ્તૂરબાએ લખેલી ડાયરી સચવાઈ રહી છે અને તેનો અંગ્રેજી અનુવાદ તુષાર ગાંધી કરી રહ્યા છે. ટૂંક સમયમાં એ પ્રગટ થશે એવી આશા છે.

પુસ્તકસૂચિ

૧૯૪૪. ભારતજનની કસ્તૂરબા/દયાશંકર ભ. કવિ. એન.એમ. ઠક્કરની કંપની, મુંબઈ.

૧૯૪૪. Sati Kasturba: A Life-Sketch with Tributes/Ed. R.K. Prabhu. Hind Kitabs, Mumbai.

૧૯૪૫. અમારાં બા/વનમાળા દેસાઈ, સુશીલા નૈયર. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.

૧૯૪૫. Kasturba: A Personal Reminiscence/Sushila Nayar. Navjeevan Publishing House, Ahmedabad.

૧૯૪૫? Gandhi and Kasturba: The Story of Their Life/Ganpat Rai. Kasturba Memorial Publications, Lahore

૧૯૪૬. આપણાં કસ્તૂરબા/પુરાતન બુચ. હંસ પ્રકાશન, અમદાવાદ.

૧૯૬૯. કસ્તૂરબા (હિન્દીમાં, બાળકો માટે કોમિકરૂપે)/સુશીલા નૈયર, એરિક ફ્રાન્સિસ. પુરોહિત એન્ડ સન્સ, મુંબઈ.

૨૦૧૬. બા: મહાત્માનાં અર્ધાંગિની (The Forgotten Womanનો અનુવાદ/લેખક અરુણ ગાંધી, અનુ. સોનલ પરીખ. નવજીવન, અમદાવાદ.

૨૦૧૮. Kasturba Gandhi: A Bio-Fiction/Giriraj Kishore, Trans. Manisha Chaudhry (હિન્દીમાંથી અનુવાદિત). Niyogi Books, New Delhi.

૨૦૧૮. Kasturba Gandhi: The Silent Sufferer/N.C. Beohar. Notion Press, Chennai.

૨૦૨૦. Kasturba Gandhi: A Biography/B. M .Bhalla. The Lotus Collection, New Delhi.

૨૦૨૦. Kasturba Gandhi: An Embodiment of Empowerment/Siby K. Joseph. Gandhi Smarak Nidhi, Mumbai.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “પ્રબુદ્ધ-જીવન” માસિક, માર્ચ 2021

Loading

75 વર્ષનું આયુ હું માગું, બસ વધુ નહીં.

આશા બૂચ|Opinion - Opinion|9 April 2021

માર્ચ 2020થી કોરોનાનો કેર વર્તાયો. લોકડાઉન શરૂ, વ્યવસાયો અને પ્રવૃત્તિઓ બંધ. વીડિયો કોલ અને ઝૂમ દ્વારા વાર્તાલાપ શરૂ, પ્રત્યક્ષ પરિવાર મિલન બંધ. આવી સ્થિતિમાં વાંચવાનું વધુ બન્યું. સ્વાભાવિક છે કે માંદગી, રોગ અને મૃત્યુના સમાચારોથી વાતાવરણ ઉદાસીથી છવાયેલું રહ્યું. તેવામાં જીવનનો હેતુ શો, કેટલું જીવવું હિતાવહ છે, મૃત્યુ કેવા સંયોગોમાં આવે તે ઇચ્છનીય છે, જો પથારીવશ થઈએ તો શું થાય, વગેરે જેવા વિચારોએ મન પર કાબૂ જમાવ્યો. તેમાં ય ઓન્કોલોજીસ્ટ અને બાયોએથિલિસ્ટ ડૉ. એઝેકીલ જે. ઇમન્યુએલનો Why I hope to die at 75 એ લેખ વાંચવામાં આવ્યો, અને મન ચકરાવે ચડ્યું.

‘હું 75 વર્ષની વયે મૃત્યુ પામવા ઈચ્છું છું.’ એવું જો આપણામાંથી કોઈ કહે, તો વડીલો કહેશે અમારા ‘શતમ્‌ જીવ શરદઃ’ના આશિષનું શું થશે? ભાઈઓ-બહેનો કહેશે, એવી ઉતાવળ શાને માટે? તબિયત તો સારી રહે છે. સંતાનો કહેશે, મા, પાપા, હજુ તમારે દુનિયામાં ઘણું જોવાનું બાકી છે, અમારાં સંતાનોને તમારા જીવનની વાર્તાઓ કહેવાની બાકી છે, આવો વિચાર જ કેમ આવે છે તમને? આમ કહી તેઓ શાકભાજીનો ભાવતાલ કરે તેમ આપણને 75ને બદલે 85 કે 95 વર્ષના આયુ સુધી જિજીવિષા લંબાવવાની આજીજી પણ કરે કદાચ!

મૃત્યુ જે વ્યક્તિને આપણી વચ્ચેથી છીનવીને લઇ જાય છે તેમની ખોટ બાકીના પરિવારજનોને જરૂર પડે છે. જનારને કેટલીક મધુર અનુભૂતિઓ, કેટલાક માઇલ્સ સ્ટોન્સ અને પ્રિયજનો સાથે ગાળવાની ગમતી ક્ષણો અધૂરી રહી જાય છે એ ખરું. જેઓ એવા સ્વજનો સાથે પ્રયાણ નથી કરતા તેમના જીવનમાં એક ન પુરાય તેવો અવકાશ સર્જાય છે એ વધુ સાચું છે. પરંતુ આપણામાંથી કેટલા એવું વિચારશે કે કુદરતની ઈચ્છાથી વધુ લાંબા સમય સુધી જીવન લંબાવાથી પણ ખોટ જાય છે?

કોઈ કહી શકશે કે આ તે કેવી બેહૂદી વાત છે? આ હકીકત આપણે જાણીએ છીએ કે અમુક ઉંમરની સીમા પાર કરીએ ત્યારે જો શરીર અપંગ અવસ્થા ન ભોગવવા લાગે તો પણ જરૂર તેની ક્ષમતાઓ ઓછી થવા લાગે એ પૂરેપૂરું સંભવ છે. એ અવસ્થા મૃત્યુ જેવી દુઃખદ નથી, પણ તેમ એ આપણને ઘણી પ્રવૃત્તિઓથી વંચિત પણ કરનારી હોય છે. આપણે પરિવાર કે સમાજમાં કોઈ અર્થપૂર્ણ ફાળો આપી નથી શકતા. લોકોની આપણા તરફ જોવાની દ્રષ્ટિ બદલાય, એ લોકોનો આપણી સાથેનો વ્યવહાર બદલાય એ તો આપણા કરતાં વધુ વયસ્ક લોકો સાથેના અન્યોના વ્યવહાર ઉપરથી ઘણાએ નોંધ્યું જ હશે. જો જીવનને આધુનિક દવાઓ, ઓપરેશન્સ અને કૃત્રિમ સાધનોથી જીવિત રાખવાની ઘડી આવે તો આપણા સ્વજનો આપણને તન અને મનથી સ્વસ્થ, તેજસ્વી, અને હસતા બોલતા હોય તેવા પ્રિય જનની બદલે અશક્ત અને દુઃખી વ્યક્તિ તરીકે જ યાદ રાખી શકે. તે શું કોઈને પણ ગમે ખરું?

હિન્દુ ધર્મના સિદ્ધાંતો મુજબ માનવ જીવન ચાર આશ્રમોમાં વહેંચાયેલું છે. એ હિસાબે 75 વર્ષે મોટા ભાગનાં સ્ત્રી અને પુરુષોએ પોતાનાં સંતાનોને આર્થિક અને વ્યવસાયિક રીતે સ્થિર થયેલ જોઈ લીધાં હોય છે અને તેમના પછીની પેઢીને પણ ઉછરતી જોઈ લીધી હોય છે; જેને આપણે લીલી વાડી જોઈ તેમ કહીએ છીએ. તેમણે મન ભરીને પ્રેમ વહેંચ્યો હોય છે, તો સામે પક્ષે સહુના આદર-માનને પાત્ર પણ બન્યાં હોય છે. ઘણા ભાગના લોકોએ પોતે નિર્ધારેલ કાર્યો કરીને સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરીને પોતાનો ફાળો આપ્યો હોય છે. સામાન્ય રીતે આ ઉંમરે પહોંચેલ વ્યક્તિને મોતનો ડર નથી હોતો, તેમને શારીરિક કે માનસિક ઉપાધિઓનો ભય સતાવતો હોય છે કેમ કે તેનાથી તેઓ પરાવલંબી બની જાય અને દયનીય સ્થિતિ તેમની ગરિમા છીનવી લે તેની ચિંતા સતાવતી હોય છે. આ ઉંમરે જો કમભાગ્યે કોઈને જીવલેણ રોગ કે માંદગીનો ભોગ બનવું પડે તો મૃત્યુ એ યાતનામાંથી છુટકારો અપાવનાર બની રહે કેટલાકના સદ્ભાગ્યે શરીર અને મન સાબૂત હોય અને કિરતારનું તેડું આવે તો નિકટના પરિવારજનોને ઘણો આઘાત લાગે, પરંતુ વિદાય લેનાર માટે તેનાથી રૂડું શું? દરેક કમાનાર વ્યક્તિ દિવસના છ-આઠ કલાક કામ કરે ત્યાર બાદ ઘેર જાય છે ને? તો બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થાશ્રમની તમામ ફરજો બજાવીને તેમને સ્વધામ જવાનો હક્ક હોય જ ને? 

જન્મ અને મૃત્યુ કુદરતના હાથમાં છે એ સુપેરે જાણીએ છીએ. જ્યારે આ દુનિયા છોડવાનો સમય આવશે ત્યારે એક પળ પણ વધુ માંગી ન શકીએ એ નક્કી છે અને તેને ટૂંકાવવા માટે પણ કોઈ પ્રયાસ ન કરવો જોઈએ. સવાલ એ છે કે આધુનિક મેડિકલ સગવડોનો ઉપયોગ કરીને જીવન વધુ પડતું લંબાવવું ઉચિત છે?  જેને કોઈ હઠીલું દર્દ કે અપંગ કરી દેનારી અન્ય કોઈ તકલીફો ન હોય તેમણે આ વિચારો કરવાનો શો અર્થ? આ કોઈ હતાશ, નિરાશ કે પોતાની જાત પરનો કાબૂ ગુમાવીને પરવશ થઇ ગયેલ વ્યક્તિનો છટપટાટ નથી. તો આ વિચારોને પ્રગટ કરવા પાછળનો આશય કંઈક હોય.

ખરેખર તો આ લેખનું મથાળું ‘હું કેટલું લાંબુ આયુષ્ય ઇચ્છું છું’ એ હોવું જોઈતું હતું. જિંદગીના અમુક તબક્કે પહોંચ્યા બાદ જીવનને ટકાવવા અને સાજું રાખવા માટે કેટલાં ઉપકરણોનો આધાર લેવો, કેટલી દવાઓ લેવી, કેટલાં ઓપરેશનો કરાવવાં એ ઊંડો વિચાર માંગી લેતો વિષય છે. એ તમામ સારવાર અને ઉપચારોને અંતે જો જીવન પૂર્વવત્‌ થવાની સંભાવના હોય તો પણ મારા અસ્તિત્વને ટકાવવા પાછળ આટલાં બધાં સંસાધનોનો ઉપયોગ; કહોને કે ખર્ચ કરવાનો મને શો અધિકાર છે? કદાચ આપણે એ સગવડો કોઈ વધુ યુવાન અને જરૂરિયાતમંદ વ્યક્તિને મળતી અટકાવતા તો નથી, જેને હજુ પૂરી જિંદગી જીવવાની બાકી છે, જેમણે પોતાના પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી છે અને સમાજને ઉપયોગી થવાનો તેનો કોલ હજુ પૂરો નથી થયો? જીવનને કોઈ પણ ભોગે લંબાવવાનું પાગલપન કેટલે અંશે યોગ્ય ગણાય?

આપણામાંના ઘણાએ નોંધ લીધી હશે કે આગલી પેઢીના વડીલો કહેતા હોય છે, ‘તમારા જેવડા અમે હતા ત્યારે આટલું આટલું કામ કરતા, પણ થાકી ન જતા અથવા અમને એવી કોઈ માંદગી નહોતી આવતી.’ ચેપી રોગોથી થતા મૃત્યુ નિવારી શકાય છે તેથી આયુષ્ય મર્યાદા વધી, પણ તેથી કરીને શું બધાની તંદુરસ્તી સારી થઇ કે વધુ ને વધુ દવાઓ ઉપર અવલંબિત થયાં ? ઘણાં વર્ષો જીવવું ઇચ્છવા યોગ્ય છે, પરંતુ એ છેલ્લાં વર્ષોમાં જીવનની ગુણવત્તા એટલી જ ઉચ્ચ રહેવા પામશે? 

મારા-તમારા વડદાદાના જમાનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું હતું. ચેપી રોગો થતા અટકાવવા માટેની રસી, એન્ટિબાયોટિક દવાઓ અને સારવાર પદ્ધતિમાં આવેલ સુધારાઓને કારણે બાળમરણનું પ્રમાણ ઘટ્યું, આયુષ્ય મર્યાદા વધી એ ખરું. પરંતુ 1960નો દાયકો વટાવ્યા બાદ નાની ઉંમરના લોકોની જિંદગી બચાવવાની હાલતમાં ઝાઝો ફેર નથી પડ્યો, પણ 60થી વધુ ઉંમરના લોકોની જિંદગાની લંબાઈ છે. 

એક એવી માન્યતા છે કે આપણું આયુષ્ય જો 80 કે 90 વર્ષ સુધી લંબાય તો અપંગ પરિસ્થિતિનો સામનો પણ એટલી મોડી વયે કરવો પડે અને આપણે વધુ વર્ષો તંદુરસ્ત રહી શકીએ. તો શું ખરેખર આપણે પૂરી જિંદગી સાવ સજા નરવા રહી શકીએ અને અચાનક એક દિવસ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા જઈ શકીશું? કોઈ જાતના દુખાવા, પીડા કે અસહાયતાનો અનુભવ નહીં થાય શું? માનવી અમરત્વ મેળવવા ઝંખે છે એનું આ એક સ્વપ્ન માત્ર છે, જેને સાચું પાડવા અનેક પ્રકારની સારવાર અને શરીરના કથળી ગયેલાં અંગોપાંગને બદલીને નવા બેસાડવાની પદ્ધતિઓ વિકસી છે.

આયુષ્ય મર્યાદા 50થી વધીને 70 વર્ષની થઇ છે, તો શું લોકો વધુ સ્વાસ્થ્યપ્રદ રહે છે? એવું જોવા મળે છે કે 65 વર્ષીય પિતા બગીચામાં કામ કરીને પૌત્રની સાથે ફૂટબોલ રમી શકે, અને 40 વર્ષનો પુત્ર બ્લડ પ્રેશર વધી ન જાય તે માટે દવાઓ લેતો હોય. તો એ પુત્ર જરૂર 90 વર્ષ સુધી જીવી જશે, પણ એ જરૂરી નથી કે તેને કોઈ શારીરિક ઉપાધિઓ નહીં નડે, ફર્ક માત્ર એટલો કે એ ઉપાધીઓને ટાળવા કે ભૂલવા દર્દ શામક, કહોને કે દર્દ મારક દવાઓ અને કૃત્રિમ હૃદય, કિડની, ફેફસાં વગેરે અંગોને શરીરમાં સ્થાપિત કરીને તેને આધારે જીવતો હશે. આજના યુગના નિવૃત્ત થયેલા લોકો તેમના પૂર્વસૂરિઓ કરતાં વધુ હલન ચલન કરી શકે છે, ઓછા અપંગ અવસ્થામાં જોવા મળે છે એ કદાચ ખરું, પણ એ તો આજથી પચાસેક વર્ષ પહેલાં જીવાદોરી ટૂંકી હતી એ પણ કારણ ન હોઈ શકે? આજે દિવ્યાંગ અને ડિસેબલ્ડ લોકોની સંખ્યામાં જરૂર વધારો થયેલો જોવા મળે છે. લંબાયેલ આયુષ્ય અને વૃદ્ધોના સ્વાસ્થ્ય અને જાતની સંભાળ રાખવાની શક્તિ વિષે અનેક અભ્યાસો થયા, જેનું તારણ એ નીકળ્યું કે આયુષ્ય મર્યાદા વધી, પણ તે કોઈને કોઈ પ્રકારના રોગ સાથે અને નિરોગી આયુષ્યની મર્યાદા ઘટી.

આ તો થઇ માત્ર શારીરિક મર્યાદાઓ અને માંદગી કે રોગગ્રસ્ત થવાની વાત. માનસિક રોગ જેવા કે હતાશા, ડિમેન્શિયા અને આલઝહાઇમર વગેરેથી પીડાતા વરિષ્ઠ નાગરિકો સમાજ માટે મોટી જવાબદારી રૂપ બની ગયા છે એનો પણ વિચાર  કરવી ઘટે. જીવનનાં વર્ષો લંબાય, પણ તેની ગુણવત્તા પૂર્વવત્‌ ન રહી શકે એ અનુભવાય છે. 

આજે જો કોઈને હાર્ટ એટેક આવે તો (જો તેની પાસે નાણાં પૂરતા પ્રમાણમાં હોય તો) તમને કાર્ડિયાક કેથેટરાઇઝેશન અને છેવટ બાયપાસ કરીને જીવિત રાખી શકાય. એવા દરદીઓ કેટલીક પ્રવૃત્તિઓ પૂર્વવત્‌ કરી શકે, પોતાના ઘરમાં સ્વતંત્ર રીતે જીવી શકે અને તેથી તેઓ ખુશ પણ હોય, પરંતુ તેમની ગતિ ઓછી થઇ જાય, મનની પ્રસન્નતા જતી રહે અને પરાવલંબન વધતું જાય એ સંભવ છે. એનો અર્થ એ કે આધુનિક સારવાર પદ્ધતિએ મૃત્યુની પ્રક્રિયા ધીમી કરી, પણ ઉંમરની વૃદ્ધિની પ્રક્રિયા ઓછી નથી કરી શકી. સામાન્ય રીતે હૃદય રોગ, કેન્સર, લકવાનો હુમલો, ડાયાબિટીસ કે આલઝઈમર જેવા રોગ કે બીમારીથી મૃત્યુ નીપજે તેને બદલે આપણે મોતને પાછું ઠેલીએ છીએ. લકવાનો દાખલો લઈએ. આપણે એટલી પ્રગતિ કરી છે કે લકવાને લીધે થતાં મૃત્યુમાં ઘણો ઘટાડો થયો છે. પણ તેનું બીજું પાસું એ છે કે જે લોકો મોતના મુખમાંથી બચી જવા પામે તેમાંના મોટા ભાગના કોઈ ન કોઈ અપંગ અવસ્થાના પિંજરમાં પુરાઈ જવા પામે છે. વાચા, દ્રષ્ટિ  કે શારીરિક હલનચલન અથવા એ બધું જ  ગુમાવીને પથારીવશ થઇ જતા હોય છે. આધુનિક રહેણીકરણી એવી છે કે જેમ જેમ નિદાન અને સારવાર પદ્ધતિમાં સંશોધનો વધ્યા અને સાધનો ઉપલબ્ધ થયાં તેમ તેમ લકવા અને અન્ય બીમારીઓને કારણે વધતી અપંગ અવસ્થામાં પણ વધારો થતો રહેશે તેવી આગાહી છે. આપણે આપણી આગલી પેઢી કરતાં વધુ વર્ષો જીવી શકીએ, પણ શરીર અને કદાચ મગજ પણ વધુ પરાધીન બને, તો એવું ઇચ્છવા યોગ્ય ખરું? સદનસીબે જો વ્યક્તિને ડિમેન્શિયા કે આલઝહાઇમર જેવી માનસિક બીમારી ન આવી પડે, તો પણ ઉંમર વધવાની સાથે મગજની વિચારવાની, નિર્ણય લેવાની અને પરિસ્થિતિને માપવાની શક્તિ ધીમી અને ઓછી થાય. યાદશક્તિ ઘટે. કોઈ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા મદદની જરૂર પડે. આપણી કોઈ કામ પર ધ્યાન આપવાની શક્તિ ઘટે, તો સામે પક્ષે કોઈ બાબતમાં જલદીથી ધ્યાન જતું પણ રહે. આ બધું જ સાબિત થઇ ચૂક્યું છે.

એક બીજો મુદ્દો ધ્યાનમાં લેવા યોગ્ય છે. વય વધતાની સાથે આપણી માત્ર શારીરિક અને માનસિક કાર્યોમાં ગતિ ધીમી પડવા લાગે છે એવું નથી, આપણી ક્રિયાશીલતા, નવું શીખવાની કે બનાવવાની શક્તિઓ પણ ક્ષીણ થવા માંડે છે. જો કે એમાં રવીન્દ્રનાથ ટાગોર અને વિનોબાજી જેવા અપવાદો જરૂર હોવાના. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહેલું કે જો કોઈ વ્યક્તિએ વિજ્ઞાનના ક્ષેત્રમાં તેની 30 વર્ષની ઉંમર સુધીમાં કોઈ મહત્ત્વનું પ્રદાન ન કર્યું હોય તો સમજી લેવું કે એ કદી નહીં કરી શકે. જો કે તેમની આ માન્યતા તદ્દન ખરી નથી ઊતરી. Dean Keith Simontonના સંશોધનના તારણ મુજબ સામાન્ય રીતે વ્યક્તિની કારકિર્દીની શરૂઆત થતાં જ વીસેક વર્ષ સુધી તેની ક્રિયાશીલતા ઝડપથી વિકસવા લાગે છે. તેની 40-45 વર્ષની ઉંમર થતાં એ વિકાસની ગતિ ધીમી પડવા લાગે. નોબેલ પુરસ્કાર માટે શોધખોળ કરનારાઓની (પુરસ્કાર મેળવનાર નહીં) ઉંમર સામાન્ય રીતે 48ની આસપાસ હોવાનું નોંધાયું છે. જો કે વિજ્ઞાન, સાહિત્ય અને કલાના ક્ષેત્રોમાં જુદી જુદી ઉંમરે આવી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. કેટલાક નસીબવંતા લોકો 75ની આયુ વટાવ્યા બાદ લખતા રહે, પુસ્તકો પ્રગટ કરે, ચિત્ર અને શિલ્પ કલામાં પારંગત થાય કે સંગીતમાં અદ્વિતીય સર્જન કરે એવા ય ઉદાહરણો છે, પરંતુ ઉંમર વધવાની સાથે ક્રિયાશીલતાનું ક્ષીણ થવું એ દરેક સમાજમાં પરાપૂર્વથી બનતી આવેલ કુદરતી પ્રક્રિયા છે. 

સરેરાશ માનવીની દિમાગની શક્તિનો ⅔ ભાગ વણ વપરાયેલો રહે છે. મગજની જે શક્તિઓનો ઉપયોગ થાય તે તાજી રહે અને તેમાં વધારો થતો રહે અને બાકીની શક્તિઓ સમયાંતરે ક્ષીણ થઈને નાશ પામે. વય વધવાની સાથે આપણે ભૂતકાળના અનુભવો, વિચારો, લાગણીઓ અને ઘટનાઓ સાથે વધુ અનુસંધાન કરવા લાગીએ છીએ. નવા કાર્યો કે પ્રવૃત્તિઓ ન કરતા હોવાને લીધે કોઈ નવી સ્મૃતિ ઉદ્દભવતી નથી હોતી. અને તેથી જ તો હળવે હળવે નવા જોડાણો થવાની સીમા આવતી જાય.

પરંતુ જો દિમાગની એ શક્તિઓ ઓછી થાય તો આપણા પછીની પેઢીને બીજી રીતે માર્ગદર્શન આપીને ઉપયોગી થઇ શકાય, હંમેશ પોતે જ સક્રિય રહીને કોઈ ચોક્કસ પદ ઉપર કામ કરતા રહેવું જ શું જરૂરી છે?

આપણને ખ્યાલ પણ ન આવે એ રીતે સમય જતાં આપણે પોતાની શક્તિની મર્યાદામાં હોય તેવી જ પ્રવૃત્તિઓ હાથ ધરીએ અને જેમાં સફળતા નહીં મળે તેમ લાગે તે ઓછી કરતા જઈએ એવું બને છે. અને એમાં જ આપણે સંતોષ લઈએ તેમ બને. આપણે સ્વતંત્ર રીતે જીવન જીવતાં હોઈએ, પણ આપણું ફલક નાનું ને નાનું થતું જતું હોય છે. એક સમયે પોતાના વ્યવસાયમાં સફળ બનેલ વ્યક્તિ નિવૃત્તિ બાદ તરવા જવું, સાઇકલ ચલાવવી, પ્રવચનો આપવાં, પાર્ટીઓમાં જવું, નવા શોખ કેળવવા વગેરે જેવી નવી પ્રવૃત્તિઓમાં ખૂબ આનંદ લૂંટતા જોવા મળે. એ જ વ્યક્તિને થોડા સમય બાદ શારીરિક અને કદાચ માનસિક મર્યાદાઓ વધતાં પોતાના બગીચામાં બેસીને પુસ્તક વાંચતા, સંગીત સંભાળતા નથી જોયા? સદા યુવાન દેખાવું કે સતત ક્રિયાશીલ રહેવું એ જ એક માત્ર જીવનનો મકસદ નથી. પોતાના સંતાનો, અને તેમના પરિવારને શીળી છાયા આપવી એ પણ એક સતકર્મ છે.

વધુ પડતું લાંબુ આયુષ્ય ભોગવવાની લાલસા પાછળ આર્થિક પાસાનો પણ વિચાર કરવો રહ્યો. સાત કે આઠ દાયકાની જિંદગીનો આનંદ માણી લીધેલ હોય છતાં તેમની શતાયુ થવાની ઈચ્છા પૂરી કરવા તેમના પછીની પેઢીને તેના પોતાના સંતાનોનો ઉછેર તથા પ્રગતિ અને પોતાના વડીલોના સ્વાસ્થ્યની જાળવણી એ બે ફરજો વચ્ચે પસંદગી કરવાની આવે, જેમાં સમતુલા રાખવી કાયમ આસાન નથી હોતું. જો પોતાના માતા-પિતા તરફથી ત્રાસ ભોગવવો ન પડ્યો હોય તો કોઈ સંતાન તેમનું મૃત્યુ થાય એમ ન જ ઈચ્છે. તેમની વિદાયથી કદી પૂરી ન શકાય તેવી મોટી ખોટ પડે, આ બધું સાચું, પણ માતા-પિતાની હયાતી સંતાનો પર મોટો ઓછાયો બની રહેતી હોય છે એ પણ એટલું જ સાચું છે. મોટા ભાગના માતા-પિતા ઘણાં પ્રેમાળ હોવા છતાં સંતાનો પાસે કેટલીક અપેક્ષાઓ રાખે, પોતાના નિર્ણયોનું વ્યાજબીપણું દર્શાવે, પોતાનો મત ઠોકી બેસાડે કે તેમના જીવનમાં દખલગીરી કરે અને પુખ્ત વયના સંતાનોના જીવનમાં સત્તાવાહી વાદળ પેઠે મંડરાયા કરતા હોય તેવું પણ બનતું હોય છે. એ સ્થિતિ આનંદદાયક હોઈ શકે, મૂંઝવણ પેદા કરનારી પણ હોઈ શકે કે કૌટુંબિક સંબંધોમાં તણાવ પેદા કરનારી પણ બની શકે. જ્યાં સુધી માતા-પિતા હયાત હોય ત્યાં સુધી આમાંની જે પરિસ્થિતિ તમારે ભાગે સહેવાની આવી હોય તેનાથી છુટકારો મળવો સંભવ નથી. જો કે મોટા ભાગના સંતાનો મા-બાપ તેમને બોજા રૂપ લાગે છે એમ તેઓની હયાતી દરમ્યાન કે તેમના અવસાન બાદ પણ સ્વીકારવા તૈયાર નથી હોતા, પણ માતા-પિતાની વિદાય બાદ તેમની અપેક્ષાઓ અને માંગણીઓ પૂરી કરવાનું ભારણ ઓછું જરૂર થતું અનુભવાય છે.  

પોતાનું  જીવન પોણી સદી પછી પૂરું થાય તેવું ઇચ્છનારા શું આત્મહત્યા કરવા માંગે છે કે કોઈની સહાયથી જીવનનો અંત લાવવા વિચારે છે? એ લોકો શું હિંમત હારી ગયેલા હોય છે? ના, હરગિજ નહીં. એ લોકો વ્યક્તિગત અને નૈતિક એવા બે પાસાઓનો વિચાર કરતા હોય છે. 75 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા બાદ એ લોકોનો સ્વાસ્થ્યની જાળવણી વિશેનો અભિગમ બદલાયેલો જોવા મળે. અહીં જાણી જોઈને જીવનનો અંત લાવવાની વાત નથી, તેમ પ્રયત્નપૂર્વક તેને ટકાવી રાખવાના વલખાં મારવાની પણ જરૂર જણાતી નથી. આજે તો ડૉક્ટર જીવાદોરી લંબાવવા કોઈ પણ પ્રકારની સારવાર કે દવા લેવાનું સૂચવે તો ઘડીનો પણ વિચાર કર્યા વિના મોટા ભાગના લોકો સ્વીકારી લેતા હોય છે. 

એક વલણ તેનાથી તદ્દન વિપરીત દિશાનું પણ જોવા મળે છે. કેટલાક લોકો એ ઉંમરે ડોક્ટર પાસે જવાની કે કોઈ જાતના રૂટિન ટેસ્ટ કરાવવા કે પીડારહિત હોય તેવી પણ સારવાર લેવાના વિરોધમાં હોય છે. તેમના મતે વૃદ્ધાવસ્થામાં ન્યુમોનિયા થાય એ તો જાણે તેના મિત્રનું તેડું આવ્યા બરાબર લાગે જેથી તેઓ બીમારીથી પીડાતા બિછાનામાં આત્મસન્માન ગુમાવીને પડ્યા રહે તે સ્વાનુભવ અને સ્વજનો માટે ચિંતા કરાવવાની હાલતમાંથી બચી જવા પામે. એવા સમયે રોગ અટકાવવા માટે કોઈ પરીક્ષણો કે જીવન લંબાવવા માટે સઘન અને ખર્ચાળ સારવાર અને મોટાં ઓપરેશનો કરાવવાનો અસ્વીકાર કરીને માત્ર પાલીએટિવ સંભાળ સ્વીકારવું વધુ લાભદાયી હોય છે તેમ મને લાગે છે. 

સાત દાયકાની મજલ કાપ્યા પછી કેન્સર, હૃદયની બીમારી કે અન્ય પ્રાણઘાતક રોગની સારવાર લેવાનો મકસદ શો હોઈ શકે? પેઇસમેકર મુકાવવું, બાયપાસ સર્જરી કરાવવી, ઇમ્પ્લાન્ટ કરાવવાં વગેરે સારવાર તો તો જ સાર્થક થાય જો તેને પરિણામે દરદીનું જીવન બે-ચાર દાયકા સુધી પૂર્વવત્‌ સ્વસ્થ બનીને પરિવાર અને સમાજને ઉપયોગી જીવન જીવી શકે. હા, શ્વાસ લેવામાં પડતી તકલીફ નિવારવા જરૂરી સારવાર લેવી હિતાવહ છે, પણ નિર્મિત પળોને વધુને વધુ પાછી ઠેલવામાં કોઈ લાભ કે ડહાપણ નથી.  

પશ્ચિમી જગતમાં મોટાભાગના વિકસિત દેશોમાં વયસ્ક નર-નારીઓને ફ્લ્યુની રસી અપાય છે. હાલમાં કોરોનાની રસી પણ વરિષ્ઠ વયના સમુદાયને પહેલાં અપાઈ. કેમ? કારણ કે એ રોગ મોટી ઉંમરના લોકોને ગળે વહેલો પડે અને તેમની એ દુષ્મન સામે લડવાની શક્તિ ઓછી હોવાને કારણે રામ શરણ થવાની સંભાવના વધુ હોય. એન્ટિબાયોટિક્સ હવે પ્રમાણમાં ઓછી કિંમતે અને પૂરતા પ્રમાણમાં મળતી હોવાને લીધે તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. ખરું જોતાં આવા વાયરસની રસી યુવા વર્ગ અને ઉછરતી પેઢીને પહેલાં આપીને તેમને સુરક્ષિત કરવામાં ડાહપણ સમાયેલું છે કેમ કે આવતા દસકાઓ, સૈકાઓ સુધી આ દુનિયા તેમની મહેનત અને કાર્યો પર ટકી રહેવાની છે, નહીં કે પથારીમાં સુતેલા 80/90 વર્ષના વડ નાના કે વડ દાદીના શ્વાસોચ્છ્વાસ ધબકતા રહેવાથી. ખરું જુઓ તો ચેપી રોગથી વ્યક્તિ પ્રમાણમાં ઓછો પીડાય અને યાતનામાંથી તરત છુટકારો મેળવતો હોય છે. ક્રોનિક પરિસ્થિતિથી પીડાતા દરદીઓની યાતના અસહ્ય બનતી હોય છે. એવી સ્થિતિમાં સૌ પહેલાં જે રોગ થાય કે માંદગી આવે એ પોતાને ઈશ્વરના ધામમાં લઇ જાય તેવી ઘણાની પ્રાર્થના હોય છે. 

આયુષ્ય મર્યાદા અને સ્વાસ્થ્યની ગુણવત્તાને સાંકળવામાં આવે છે. જપાન આયુષ્ય મર્યાદાની બાબતમાં મોનેકો અને મકાઉ બાદ ત્રીજા નંબરે આવે છે (84.4 વર્ષનું સરેરાશ આયુ) અને અમેરિકા 42માં નંબરે (79.5 વર્ષનું સરેરાશ આયુ). 75 વર્ષથી વધુ આયુષ્ય મર્યાદા હાંસલ કરી લીધી હોય તેવા દેશોને જપાન સાથે સ્પર્ધામાં ઉતરવાની જરૂર નથી, હા, જો રંગ, લિંગ કે જાતિભેદને કારણે જીવન ઓછું-વધતું લંબાતું હોય તો તેઓ ઉપાય જરૂર થવો ઘટે. શતાયુ થવાના પ્રયાસોની એક બીજી બાજુ પણ છે. ડિમેન્શિયા અને આલઝહાઈમર જેવા વ્યક્તિને અશક્ત અને પરવશ બનાવી દેતા રોગો પર વિશેષ સંશોધનો થવાં જરૂરી છે, નહીં કે મૃત્યુને આઘેરું ઠેલવાની પ્રક્રિયામાં મચ્યા રહેવાની જરૂર છે. જો કે આવું કહેનારને લોકો વૃદ્ધ લોકોના વિરોધી માને અને વૃદ્ધાવસ્થાને અપમાન ભરી નજરે જોનાર પણ માને. 

જે લોકો બની શકે તેટલું લાંબુ જીવવા માંગે છે તેઓના પ્રયાસો અનૈતિક નથી. શારીરિક કે માનસિક મર્યાદાઓ છતાં જે લોકો એ સ્થિતિમાં જીવન ટકાવી રાખવા માંગે છે તેમના વિષે અવમાનના સેવવાનું કોઈ કારણ નથી. ખરેખર તો ઉપલબ્ધ હોય તેવી ઉત્તમોત્તમ સ્વાસ્થ્યની સેવા લેવામાં કોઈ હરકત નથી, એ વ્યક્તિનો અધિકાર છે અને સ્વસ્થ રહીને સ્વજનોને ભાર રૂપ ન બનવાની તેમની ફરજ પણ છે.

ભાવિ પેઢી માટે સ્વાસ્થ્યના સંસાધનો બચાવવા માટે વૃદ્ધો માટે તેનું રેશનિંગ કરવું કે સરકારી નીતિઓમાં ફેરફાર કરવા માટે વયસ્ક લોકોએ અમુક વર્ષથી વધુ જીવાદોરી ન લંબાવવી જોઈએ એ તેનો સાચો માર્ગ નથી. વિચારવાનું એ રહે છે કે કૃત્રિમ સાધનોના સહારે શરીરના અંગોને પરાણે ચાલતા રાખીને અને તદ્દન પરાવલંબી બનીને પોતાના ઘર કે નર્સીંગ હોમના એક કમરાની છતને તાકતા રહીને દર વર્ષે જન્મદિવસે એક વધુ કેઈક કાપવાની મનોકામના સેવવી કેટલી વ્યાજબી છે?

ઉત્ક્રાંતિના આદિ કાળમાં માનવી અને અન્ય જીવો ખૂબ અલ્પ આયુ ભોગવતા. હવે આરોગ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રતાપે તેમાં ઘણો સુધારો થાઓ, તો જેમ બને તેમ વધુ વર્ષો જીવવાની ઈચ્છા કુદરતી જ ગણાય ને? આપણે જીવન, મૃત્યુ કે મૃત્યુ બાદ શું મૂકી જઈશું તેનો સતત વિચાર નથી કરતા હોતાં. જ્યારે વૃદ્ધાવસ્થાને આરે આવીને ઊભા રહીએ ત્યારે અચાનક જીવનનો હેતુ શો છે એ વિચારવા લાગીએ. જ્યારે માંદગી કે રોગ બારણે ટકોરા મારે ત્યારે જિજીવિષા બળવત્તર બને. 

ડૉ. ઇમેન્યુઅલ 75 વર્ષની આયુ બાદ વિદાય લેવા ઈચ્છે છે, જેથી કરીને પોતાના અંતિમ સમય વિષે વિચારી શકે, પોતાના સંતાનો, સમાજ અને દેશ માટે શું મૂકી જવા માંગે છે તેની તૈયારી કરી શકે અને આપણે જે કઇં સુવિધાઓ ખુદને ખાતર વાપરીએ છીએ તે આપણા પ્રદાનની બરોબરી કરતી હોય છે તે જોવાની પણ તક આપે છે. આ નક્કી કરેલ મુકામ પર પહોંચ્યા બાદ કોઈ નાની મોટી સારવાર કરાવીને કે પીડાઓમાંથી પસાર થઈને મૃત્યુની રાહ જોવાની સ્થિતિમાં રહેવાનું તેમને પસંદ નથી. 

પોતે શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય, પરિવાર અને મિત્રોની હાજરીનો આનંદ માણી શકે તેટલું જ આયુષ્ય ભોગવવાની ઈચ્છા મોટા ભાગના લોકોને હોય છે. જો સાડા સાત દાયકા વટાવ્યા પછી પણ ક્રિયાશીલ રહી શકાય એવી શક્યતા હોય તો એ ઉંમરે પહોંચેલ દરેક વ્યક્તિને હજુ થોડાં વધુ વર્ષો આસપાસના લોકોને કઈંક આપી જવાનો કે તેમની પાસેથી વધુ ખુશી મેળવવાનો વાંધો નથી હોતો. એવા લોકો લોકભારતી સણોસરાના અધ્યાપક અને ગુજરાતીના હાસ્ય લેખક સ્વ. નટવરલાલ બૂચ કહેતા તેમ ‘જવા માટે તૈયાર છું અને રહેવામાં વાંધો નથી.’ એવી મનોદશામાં આપણી વચ્ચે અસ્તિત્વ ધરાવતા જોવા મળશે.

e.mail : 71abuch@gmail.com

Loading

પત્રકારત્વની દશા અને દિશા [બહુઆયામી માધ્યમો − સ્વતંત્રતા, સ્વચ્છંદતા, સંમોહન અને દમન]

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|9 April 2021

1973માં મારો સૌથી પહેલો લેખ છપાયો હતો, જ્યારે મારી ઉમર હતી અગિયાર વર્ષની. એ વખતે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ‘ઇંદ્રજાળ કૉમિક્સ’ છાપતું હતું. મને તે બહુ ગમતું – મહાબલિ વેતાલ અને ગુરન અને ડાયના; મેન્ડ્રેક, લોથર અને નારદા, અને ફ્લેશ ગોર્ડન, ડેલ, અને ઝાર્કોવ – એ બધાની દુનિયામાં હું ગળાડૂબ હતો. એક દિવસ એમાં છેલ્લે પાને મેં એક લેખ વાંચ્યો – ગ્લોરિયસ ટ્રેલ – જેમાં  ક્રિકેટ ખેલાડી રણજી પર એક નાનો અમથો નિબંધ હતો. મેં વાંચ્યો અને એમાં મેં બે ભૂલ જોઈ. મેં મારી મમ્મીને કહ્યું, ‘આવું તો હું ય લખી શકું અને તે પણ એક્કેય ભૂલ વગર.”

મારી મમ્મી સંસ્કૃત કહેવતો બોલવાવાળી, એટલે એણે તો ‘શુભસ્ય શિઘ્રમ્‌’ નિયમ પ્રમાણે મને કહ્યું – ચાલ, લખવા માંડ.

અને મેં પડ્યો બોલ ઝીલી લીધો, અને અંગ્રેજીમાં લેખ લખ્યો, સર ડોનાલ્ડ બ્રેડમેન વિષે. અને મારા પપ્પાએ એને ફટાફટ ટાઈપ કરી આપ્યો અને અમે ટાઈમ્સમાં મોકલ્યો. પપ્પાને બહુ મન હતું કે આ લેખની નીચે મારી ઉંમર લખે પણ મમ્મીએ ચોખ્ખી ના પાડી – ‘એ લોકો વાંચશે જ  નહિ અને વાંચશે તો માનશે જ નહિ – અને છેવટે નહિ છાપે,’ એણે કહ્યું.

બે અઠવાડિયા પછી, આખરે લેખ છપાયો – હું ખૂબ ખુશ થયો – પરીક્ષામાં પહેલો આવ્યો, એવું લાગ્યું. એ પછી મારી મમ્મી મને ટાઈમ્સને દફતરે લઇ ગઈ અને ત્યાંના ઇંદ્રજાળના તંત્રી સાથે મારું ઓળખાણ કરાવ્યું. તંત્રી સાહેબને બહુ જ નવાઈ લાગી. મને ચા અને બિસ્કિટ આપ્યા, અને કહ્યું, બેટા, લખતો રહેજે.

અને મારી કલમ ચાલવા મંડી.

*

હું મુંબઈની ગુજરાતી માધ્યમની જૂની અને જાણીતી ન્યુ ઇરા સ્કૂલમાં ભણ્યો હતો, અને એ દરમ્યાન બીજા બે-ચાર લેખ લખ્યા – ‘જન્મભૂમિ પ્રવાસી’માં બાલપૂર્તિમાં ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જુલિયસ ન્યેરેરે વિષે, ‘ફ્રી પ્રેસ બુલેટિન’માં અંગ્રેજીમાં અમારા સમાજ વિજ્ઞાન શિબિર વિષે, અને એકાદ-બે વિજ્ઞાનના વિષયો પર, જ્યારે મને વિજયગુપ્ત મૌર્ય અને ધીરુબહેન પટેલ તરફથી પ્રોત્સાહન મળ્યું. સ્કૂલમાં મારા મિત્ર કાર્તિકેય ભગત સાથે એક ભીંતપત્ર ચાલુ કર્યું – જેનું નામ અમે આપ્યું ‘પ્રત્યંચા’ – એ સમયે અમે સુરેશ જોશી, સિતાંશુ યશશ્ચન્દ્ર અને ગુલામ મુહમ્મદ શેખનાં કાવ્ય અમે વાંચતા અને એમની જેમ લખવાની ઘેલછા હતી. પછી સિડ્નહૅમ કોલેજમાં ત્યાંનું વિદ્યાર્થી મેગેઝીન Rapport ત્રણ વર્ષ ચલાવ્યું અને વાર્ષિક સામાયિકના એડિટર તરીકે નિમાયો. એક પત્રકારત્વનો મહોત્સવ પણ ઉજવ્યો, જ્યાં ડોમ મોરાઇસ, વિનોદ મેહતા, ડેરિલ ડીમૉન્ટે અને શોભા દે એ સૌને નિમંત્રિત કર્યા. અઠવાડિયા પછી હું શોભાને મળવા ગયો, અને મેં કહ્યું કે મારે તો એમના મેગેઝીનમાં લખવું છે.

શું લખીશ તું? એમણે  મને પૂછ્યું.

મેં કહ્યું એક નવી ગુજરાતી ફિલ્મ આવી છે, શું હું એના દિગ્દર્શકની મુલાકાત લઇ શકું?

ફિલ્મનું નામ હતું ‘ભવની ભવાઈ’, અને દિગ્દર્શક હતા કેતન મેહતા.

શોભા યુવાન પેઢીને પ્રોત્સાહન આપવામાં માને.

અને મારો દાવ ચાલુ થયો; હજુ નોટ આઉટ છું.

*

આજે આપણે મળ્યા છીએ પત્રકારત્વ વિષે વાતો કરવા. તો પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે, કે પત્રકારત્વ એટલે શું?

આ વિષય પર મારો એક પૂર્વગ્રહ છે, જે ચોખવટ સારી – પત્રકારત્વ એટલે પત્ર પર લખાય તે  – કાગળ અને પેન્સિલ – સહી અને પોથી – નાનું અમથું નોટપેડ અને બોલપોઈન્ટ પેન. આ છે પત્રકારત્વના શસ્ત્ર. એમાં કોઈ વીડિયો કેમેરાની વાત નથી કે નથી એનું કોઈ સ્થાન. નથી જરૂર કોઈ સૂત્રધારની કે નથી કોઈ છટાદાર વાકચાતુર્યથી પ્રભાવ કરવા તત્પર ભૂખ્યા અભિનેતાની.

પણ જો આપણે આજે પ્રશ્ન પૂછીએ કે આજે ભારતના જાણીતા પત્રકાર કોણ, તો તરત નામ યાદ આવે અર્ણબ ગોસ્વામી, રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, કરણ થાપર, રવીશ કુમાર, રજત શર્મા કે રાહુલ કનવલ, નાવિકા કુમાર, અથવા રાહુલ શિવશન્કર – આજે એ બધા વિખ્યાત થયા છે કારણ કે એ સંધ્યા ટાણે આપણે ઘરે વગર આમંત્રણે આવી પડે છે અને ક્યારેક તો ગજબનો ઘોંઘાટ મચાવી દે છે. લોકડાઉનને લીધે એકલતા વધે ખરી, પણ એ વિષમ સમયે મનોરંજન તો કોઈ આપે? પણ આ બધા નીકળ્યા ટેલિવિઝનના સિતારા; એમાં તમને એ પત્રકારના નામ ન મળે કે જે વર્તમાનપત્ર કે સામાયિકોમાં લખે – જેમ કે નેહા દીક્ષિત, સમર હલર્ણકર, સુપ્રિયા શર્મા, રઘુ કર્નાડ, મીના બઘેલ, સુચેતા દલાલ, રાણા અયુબ, રાહુલ ભાટિયા, સમંત સુબ્રમણ્યમ, નિરંજન તાકલે …. આ બધા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર નીકળ્યાં – અને એ પત્રકારોને ઊથલપાથલ કરી સત્યની શોધ કરવી ગમે કારણ કે ક્યાંક, ક્યારેક, કોઈક સત્ય છુપાવી રહ્યું છે.

જે પત્રકારત્વમાં મને રસ છે, જે મને સમજાય છે, એ પત્રકારત્વ હંમેશ શાંતિપૂર્વક વાતાવરણમાં થાય છે; એ લખવા જરૂર હોય છે એક ઓરડી, એક મેજ, એક કલમ, અને કાગળની – અને એ એકાંત =માં વિચારવિમર્શ થતો હોય છે અને સ્વાનુકૂળ રીતે વાચક અને લેખક વચ્ચે એક મનોમન સંવાદ રચાય છે.

ઘણાને એ પ્રશ્ન થતો હશે કે પત્રકાર બનવું હોય તો કઈ લાક્ષણિકતા આવશ્યક છે? તો  સૌથી પહેલી જરૂરી છે જિજ્ઞાસા – બીજું, નવું જાણવાની ઉત્સુકતા – અને એક  પ્રકારની નમ્રતા – કે આપણને બધું ખબર નથી હોતું, એટલે જ સવાલ પેદા થાય છે, અને એટલે જ એના ઉત્તરની ખોજમાં આપણે પડીએ છીએ. અને ઊંડાણ અને મૂળ સુધી પહોંચવાની ધગશ – કે વાર્તા લઇ જવી ત્યાં સુધી, જ્યાં સુધી ઘટના આપણને લઇ જાય – એમાં કોઈ મરી મસાલો ભભરાવો નહિ, કોઈ સનસનાટી ઉપજાવવી નહિ, અને વાચકની બુદ્ધિ અને સમજશક્તિનું અપમાન ન કરવું.

અને એ વાચક કોણ? તો એ વાચક એ, કે જે હકીકત સમજવા ઉત્સુક છે, જેની પાસે સંપૂર્ણ માહિતી નથી, પણ સમજદાર છે, અને એને બધી સામગ્રી આપો તો એ જ પોતાની મેળે સત્ય શોધી શકશે.

લગભગ 1988માં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ને દોઢસો વર્ષ પૂરા થયા. અને એ વખતે ટાઇમ્સના માલિક જૈન કુટુંબને બ્રહ્મ જ્ઞાન થયું કે એમનો ધંધો સમાચાર વિતરણનો નથી પણ જાહેરાત વેચવાનો છે. ઘણા વર્ષો પહેલા એક અંગ્રેજ માલિકે – (હું માનું છું તેમ લોર્ડ થોમ્સન) – કહ્યું હતું કે ‘ન્યુઝ ઇઝ ધ સ્ટફ બિટ્વિન ધી એડ્સ’ – સમાચાર એ તો જાહેરાતો વચ્ચેની જગ્યા પુરવા માટેનો મસાલો – કે કચરો – છે. એનો અર્થ કે છાપાં છાપવાનો ઉદ્દેશ તો જાહેરાતો છાપી કમાણી કરવાનો છે. અને એ તો જોવા મળ્યું જ – આજકાલ તો મુખપૃષ્ટ વેચાઈ ગયું છે. જાહેરાતો સાપની માફક શબ્દો અને ફકરાઓ વચ્ચેથી રસ્તો શોધી સરકવા માંડી છે અને પ્રાઇવેટ ટ્રીટીને બહાને જાહેરાત અને હકીકત વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ  છે. જો દિખતા હૈ વો બિકતા હૈ ને બદલે જો બિકતા હૈ વો હી હમ લીખતા હૈ – એવું થઇ ગયું છે.

ભ્રષ્ટાચાર પણ વધ્યો – પત્રકારો ધમકી આપી પૈસાની ઉઘરાણી કરવા મંડ્યા, કેટલાક પત્રકારો બેફિકર ભેટ લેવા માંડ્યા – મને યાદ છે 1988માં હું મુંબઈમાં ‘ઇન્ડિયા ટુડે’નો પત્રકાર હતો, અને તાજ મહાલ હોટલમાં એક પ્રેસ કોન્ફ્રન્સમાં ગયો હતો – ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિયેશન તરફથી કોન્ફ્રન્સ હતી. જ્યારે કોન્ફ્રન્સ પતી અને હું નીકળતો હતો ત્યારે એક અધિકારીએ મને ભેટ આપી – એક ભૂરા રંગની બાલદી. મેં કહ્યું કે અમે ભેટ ન લઈએ – તો એ ભાઈ તો મારી પાછળ પડ્યા અને હું જલદીથી દાદર ઊતરતો હતો અને એ મારી પાછળ દોડતા હતા.

વળી એક વાર એ જ હોટલમાં વિજય માલ્યાની એક કોંફ્રન્સ હતી જેમાં નીકળતી વખતે એક સુંદર યુવતીએ મને એક બેગ આપી – બેગમાં હતી એક વીસ્કીની બાટલી.

મને સિંગલ મૉલ્ટ તો ભાવે ઘણી, પણ મફતમાં ન લેવાય, એટલે મેં ના પાડી.

વિજય માલ્યાએ પહેલી આંગળીથી ઈશારો કરી મને બોલાવ્યો – કેમ, એક બાટલી ઓછી છે?

મેં કહ્યું ના, તમે મને કોન્ફ્રન્સ માં બોલાવ્યો તે ઘણું સારું પણ મારાથી આવી ભેટ ન લેવાય.

તો માલ્યાએ એમના સાથીદારને પૂછ્યું – આ કોણ છે?

એમણે  માલ્યા સાહેબને કહ્યું – એ ‘ઇન્ડિયા ટુડે'ના છે; એમણે કહ્યું એમને જવા દો ….

એક રમૂજી ટુચકો યાદ આવે છે – એક વાર કોઈકે તમિળ સામાયિક ‘તુઘલક’ના તંત્રી ચો રામાસ્વામીને કહ્યું કે પત્રકારો તો આરામથી ખરીદી શકાય – બે બાટલી આપો એટલે તમે કહો તે લખવા તૈયાર હોય છે.

તો ચો સાહેબે કહ્યું – ના, ના, કેટલાક પત્રકાર તો એક બાટલીમાં પણ તમારા સુરનું ગીત ગઈ શકે છે! 

ચો વ્યંગ માટે વિખ્યાત હતા, અને એમના મંતવ્યમાં અતિશયોક્તિ ખરી, પણ સત્ય પણ ખરું.

આવી પરિસ્થિતિમાં પોતાની સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા જાળવવી એજ  આજનો પડકાર છે. આપણે ઝીલવો જ રહ્યો, તો જ આપણે વાચકોનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકીશું. 

આજે જે અધોગતિ થઇ છે એ વાત સાંભળીને દુઃખ તો થાય જ. પત્રકારો શેરબજારની ટીપ મેળવવા ભૂખ્યા હોય છે, સરકાર પાસેથી જમીન મેળવવા ઊંચાનીચા થતા હોય છે, રાજ્ય સભામાં પદ મેળવવા તરસ્યા હોય છે, પદ્મ પુરસ્કારની લાલચમાં બેસે છે, અને વડા પ્રધાન સાથે સેલ્ફી પડાવવા માટે બેબાકળા થઇ કૂદાકૂદ કરે છે, અને જો મોદી સાહેબની મુલાકાત લેવાનો મોકો મળે તો આવા અગત્યના સવાલો પૂછે છે:

તમે ફકીર છો?

કેરી કેવી રીતે ખાવ છો કાપીને કે ચૂસીને?

તમારામાં આટલી શક્તિ ક્યાંથી?

ખેર, દોસ્તી બની રહે, એટલે નામ નથી લેતો કોઈના ….

*

મારે હિસાબે આજે પત્રકારત્વનું સ્તર નીચું ગયું છે એના ઘણા કારણ છે – 

એક, કે સત્ય અને અસત્યની છેદરેખા ભૂંસાઈ રહી છે. જે દંતકથાઓ લોકો એક બીજાને કાનમાં છાનીમાની કહેતા એ આજે twitter અને whatsapp પર ઠેર ઠેર પ્રસરે છે. અને એને અવગણવાને બદલે ટેલિવિઝન અને છાપાંઓ એને છંછેડ્યા કરે છે અને નવા વાયરા આપી એનું સમર્થન કરે છે. 

વર્તમાનપત્ર અને સામયિક પર ભરોસો એટલો ઘટી ગયો છે કે લોકો જે નથી છપાતું એને સાચું માને છે, અને એટલે તંત્રીઓ પણ અફવાઓને છપાવા દે છે … ફેક ન્યુઝ અને ન્યુઝનો ફરક એટલો ઘટી ગયો છે કે જ્યારે વાચકને કોઈ સમાચાર ન ગમે તો એકે ફેક ન્યુઝ કહી દે છે. એમ નહિ કે આ સમાચાર સાથે હું સહમત નથી, પણ આ સમાચાર ખોટા છે – એનો અર્થ કે વાચક હવે એ જ વાત સાચી માને છે જે એના પૂર્વગ્રહને મળતી હોય. હકીકત અને અભિપ્રાય વચ્ચેનો ફરક ભૂંસાઈ ગયો છે. એટલે જ લોકો કરોના વાઇરસ બાબત ડોક્ટર કરતા whatsappની માહિતીને માનવા તૈયાર છે, આરતી કરે છે, હળદર અને ચ્યવનપ્રાશ ખાય છે, પણ મોં પર બુકાની નથી પહેરતા અને હક્ડેઠઠ ભીડ હોય ત્યાં બેફિકર જાય છે.

બીજું, કે નિઃસ્વાર્થી અને નિષ્પક્ષ પત્રકારત્વ ભુલાઈ ગયું છે. પત્રકારો પોતાને ત્રિરંગામાં લપેટી દેશપ્રેમને નામે ઘોંઘાટ કરી રહ્યા છે. કોઈ ભારતના સૈનિક સરહદ પર દેશની રક્ષા કરતા મૃત્યુ પામે એ દુઃખદ ઘટના છે, અને એ સૈનિકના ત્યાગ અને કુરબાની વિષે તંત્રીસ્થાનેથી કરુણપ્રશસ્તિ લખાય એનો વાંધો નહિ – પણ સમાચારના પાનામાં એને શહિદ કે braveheart કહેવું એ લાગણીવેડાનું પ્રદર્શન  કહેવાય – અમુક ખબરપત્રીઓ એ જ સૈનિકનું પાર્થિવ શરીર ઘરે પહોંચે ત્યારે નિઃસંકોચે શરમ વગર એના પિતાને કે એની બહેન કે પત્નીને સવાલો પૂછે – આપ કો કૈસા લગા, કે પાકિસ્તાન કો અબ મોદીજી કો ક્યાં કરના ચાહિયે? 

સંવેદનશીલતા ક્યાં જતી રહી? 

ત્રીજું, પાકિસ્તાન સાથે કોઈ પણ છમકલું થાય કે ભારતીય પત્રકારો ફ્લેકજેકેટ અને fatigues પહેરી પોતાને સૈનિક માની શોરબકોર કરવા માંડે છે. એ ઘડીએ આકરા અને જટિલ પ્રશ્ન પૂછવાનું અઘરું પડી જાય છે. જ્યારે વર્તમાનપત્ર દેશપ્રેમ સાથે વીંટળાઈ જાય ત્યારે કપરા સવાલ પૂછવાનું મુશ્કેલ બને અને ખોટી સર્વાનુમતિ ઊભી થાય – તો પછી ત્યારે “રાજાએ કપડાં પહેર્યા જ નથી,” એવું નિખાલસપણે કોણ બુલંદ અવાજે કહેશે?

જ્યારે વર્તમાનપત્રો પ્રગટ થવા મંડ્યા ત્યારે તંત્રીઓ પ્રત્યેક અભિપ્રાય છાપતા – એટલા માટે નહિ કે એમને  સ્વાતંત્ર્ય કે તટસ્થતા વહાલી હતી, પણ એટલા માટે કે એમને દરેક પ્રકારના વાચકને આકર્ષવો હતો. અને જો દરેક વાચકને આકર્ષવો હોય તો દરેક અભિપ્રાય પ્રચલિત થવા દેવા જોઈએ.

પણ એક વખત માર્કેટિંગ ગુરુઓ આવીને સેગ્મેન્ટેશન – એટલે કે બજારનું વિભાજન – જેવા શબ્દ બોલવા મંડ્યા ત્યારે માલિકો અને અમુક તંત્રીઓ માટે તો ભાવતું’તું ને વૈદે કહ્યું, એવુ થયું. તટસ્થતા એમણે ફંગોળી દીધી અને પૂર્વગ્રહ અને લક્ષ્મી તરફ પગપાળા પ્રવાસ શરૂ કર્યો અને તેમણે સરકારની ચાપલુસી કરવા માંડી. હકીકતને બદલે મંતવ્ય, અને broadcasting ને narrowcasting થવા માંડ્યું અને ઇન્ટરનેટના પ્રવાહને  કારણે આ પ્રકારનું વિભાજન ખૂબ સહેલું થઇ ગયું.

ચોથું કારણ છે પ્રજાના મતને ઘડવો, એને વળાંક આપવો, influence કરવો, એમાં એક ઢાળ આપવો, એને ઘાટ આપવો, લોકોને લલચાવવા, આ પ્રકારની તરકીબો તેમણે અજમાવા માંડી – ઈંગ્લેન્ડમાં Brexit, અમેરિકામાં Trump, ભારતમાં વૉટ્સએપ ફોરવર્ડ, મ્યાનમારમાં ખૂનામરકી – આ બધી ઘટનાઓ પાછળ ઓનલાઇન ઝુંબેશનો ફાળો ઘણો, અને એને કારણે વાસ્તવિકતા પર અસર થઇ. જેનું પરિણામ કોઈ કોઈ જગ્યાએ હિંસા અને લોહીની નદીઓ. એમાં પત્રકારોની જવાબદારી તો ખરી જ.

પત્રકારોએ આજે સહભાગી થવાની જરૂર નથી, પણ નિષ્પક્ષ રીતે નિરીક્ષણ કરી વાચકને પૂરતી માહિતી આપવી એ તો એમની ફરજ છે, જેથી વાચક સરખો નિર્ણય લઇ શકે. ટૂંકમાં પત્રકારે અણસાર આપવાનો છે, અને વાચકે બિંદુઓ જોડી ચિત્ર સમજવાનું છે. પણ આજે એ વાતમાં પત્રકારો નિષ્ફ્ળ રહ્યા છે – પોતે દેશપ્રેમી છે, આતંકવાદનો વિરોધ કરે છે, સરકારનું સમર્થન કરે છે, એમને એવો ભ્રમ થઇ ગયો છે કે પોતે ફોન કરે તો મંત્રીઓ એમનું મંતવ્ય જાણવા તતપર હોય છે: અને પોતાના જ પ્રચારને તેઓ પોતે સાચો માની રહ્યા છે.

જ્યારે અર્ણબ ગોસ્વામી કેદમાંથી રિહા થયા, અને જેને લીધે કારણ વગર બિચારી રિહાની ધરપકડ થઇ, ત્યારે જે તમાશો થયો હતો એ જોઈને કોઈ પણ પ્રામાણિક પત્રકારને શરમ આવે.

એક જૂનો નિયમ છે કે પત્રકારે એવી રીતે નિષ્ઠાપૂર્વક પોતાનું કર્મ નિભાવવું રહ્યું કે એ પોતે કોઈ દિવસ કોઈ પણ અહેવાલનો વિષય ન બને. પણ આજકાલના ટેલિવિઝનના એન્કર તો પોતાને જ નેતા માની બેઠા છે!

પાંચમું કારણ અભિમાન – ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના એક તંત્રીએ એક વખત કહ્યું હતું કે ભારતમાં પ્રધાન મંત્રી પછી સૌથી મહત્ત્વનો હોદ્દો એમનો છે. એવું ઘમંડ જોઈને દુઃખ તો થાય, પણ દયા પણ આવે. આજે તો કદાચ કહેવું પડે કે અર્ણબ જેવા એન્કરનો હોદ્દો ભારતના પહેલા પાંચ હોદ્દામાંનો એક ગણાય – બીજા ચાર કયા? મારે મતે તો મોદી સાહેબ, જે કોઈ હોદ્દો અમિત શાહનો હોય તે, મૂકેશ અંબાણી, અને કદાચ વિરાટ કોહલી …. ભારતની વિદ્વાન, કાબેલ, અને પ્રતિભાશાહિલ બહેનોને મારી માફી – હું તો જે જોઉં છું, સાંભળું છું, એની રજૂઆત કરું છું. 

અર્ણબ એની ચેનલ પર એક પક્ષીય કાર્યકર્મ રચે છે, પોતાના મહેમાનો સામે ઘૂરકી ઘૂરકીને જુએ છે અને ઘાંટા પાડી બધાને ચૂપ કરી દે છે – પોલીસ પણ એ જ, ઇન્વેસ્ટિગેટિવ એજન્સી પણ એ જ, ફરિયાદી વકીલ પણ એ જ, અને ન્યાયાધીશ પણ એ જ અને ચુકાદો પણ આપે એ જ. અને આ બધાને જ કારણે  આજે લોકોની પત્રકારત્વ પ થી વિશ્વસનીયતા ઘટી ગઈ છે.

છઠ્ઠુ કારણ એ કે છાપાના માલિકોએ ખર્ચ ઓછો કરવાની નીતિ અપનાવી અને એટલી કઠોર કરી દીધી, કે ખબરપત્રીઓ ઘટાડયા અને પેટા-સંપાદકો, એટલે કે સબ એડિટર અથવા કોપી એડિટર, જે ખબરપત્રીઓને પ્રશ્નો પૂછે અને એમના અહેવાલમાં ખૂટતી માહિતી શોધે, અથવા ખબરપત્રી પાસે વધારે મહેનત કરાવે, એ બધાને નોકરીમાંથી બરતરફ કરી દીધા. અને  એટલે જ હવે એક નવો ગૃહ ઉદ્યોગ શરૂ થયો છે – fact-checking અથવા હકીકત તપાસણી – જ્યાં ખબરપત્રી બરોબર કામ કરતા હોય અને ઉપ-સંપાદકો તીક્ષ્ણ નજરે અહેવાલ પર ધ્યાન આપે ત્યાં આવી તપાસણીની શી જરૂર? પણ જ્યારે ન્યૂઝરૂમ જર્જરિત અને કંગાળ થઇ ગયો હોય ત્યારે આવા જ હાલ થાય ને?

મૈં આઝાદ હું ફિલ્મમાં જાવેદ અખ્તરે લખ્યું જ છે કે જ્યારે એક માલિક તંત્રીને એક પ્રકારનો અહેવાલ લખવાનું કહે છે, અને  તંત્રી પત્રકારના અહેવાલમાં ફેરફાર કરવાની ના પાડે છે, અને માલિક એને કાઢી મૂકે છે, ત્યારે તંત્રી કહે છે – સાહેબ, આપણા દેશમાં પોસ્ટ ઓફિસ પાસે મુન્શી બેઠો હોય છે – જે કહો તે લખી આપે – લહિયો કહેવાય – તો તમને મુન્શીની જરૂર છે, પત્રકારની નહિ.

પત્રકાર માટે આજે એ જ પ્રશ્ન છે – આપણે લેખક બનવું છે કે લહિયા?

*

મારો  પહેલો લેખ 48 વરસ પહેલા છપાયેલો, અને 39 વરસથી મેં લખ્યા કર્યું છે. 1975-1982 મુંબઈ દૂરદર્શન પર સંતાકૂકડી અને યુવદર્શન કાર્યક્રમનું સંચાલન પણ કર્યું છે. આજકાલની ભારતીય ચેનલ પર મેં ભાગ્યે જ ભાગ લીધો છે. ગુજરાતી લખવાનું લગભગ છોડ્યું હતું પણ હવે પાછું શરૂ કર્યું છે. યુવાનીમાં ‘નિખાલસ’, ‘ચિત્રલેખા’, ‘જન્મભૂમિ પ્રવાસી’ અને ‘સમકાલીન’માં થોડાઘણા લેખ લખ્યા હતા, અને છેલ્લા 3-4  વર્ષમાં ‘નિરીક્ષક’માં લેખ અને કવિતા, અને ‘એતદ્દ’માં મારાં કાવ્યો પ્રકાશિત થયાં છે. પણ હું ગુજરાતી પત્રકારત્વ પર જે કહું એ તો કોઈ પ્રવાસી કહેતો હોય કે પ્રેક્ષક કહેતો હોય, એ રીતે જ જોવાય.

પણ ગુજરાતી નાટ્યદ્રશ્ય અંગ્રેજી કે હિન્દી પત્રકારત્વથી જુદું નથી. એટલું જ હતાશાજનક લાગે છે.

અરૂંધતી રોયે એક વખત લખ્યું હતું કે The role of a writer is to afflict the comfortable and comfort the afflicted. એટલે કે લેખકની ભૂમિકા તો એ છે કે પીડિતને દિલાસો દેવો કે સાંત્વન આપવું અને તાલેવંતને અસ્વસ્થ કરવા.

તો પત્રકારની ભૂમિકા છે જે પ્રશ્ન પૂછવાની કોઈની હિમ્મત નથી એ પ્રશ્ન પૂછવા; જે કઈં બન્યું હોય એમાં કોને ફાયદો થયો એ શોધવું અને પરોપકાર કરનાર વ્યક્તિ – ધનવાન હોય કે નેતા – એનો ઉદ્દેશ શું છે એ શોધવું – કારણ કે પ્રત્યેક વ્યક્તિ મહાત્મા ગાંધી નથી હોતી – અને પ્રત્યેક ઘટનાને સમજવા એને કાચા કાંદાની જેમ ઉકેલવી, અને ગમે એટલી અગવડતા થાય અને આંખે આંસુ આવે તો ય એ છાલ અને એ સ્તર ઉકેલ્યા કરવા જેથી છુપાયેલું સત્ય બહાર આવે – નીચી મુન્ડી ન કરાય –

વિપિન પરીખની એક કવિતા હતી – 

એ લોકોએ સોક્રેટીસને ઝેર પાઇ માર્યો
એ લોકોએ ઈશુને ખીલ ઠોકીને માર્યો 
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો 
મને નહિ મારી શકે 
કારણ કે હું એ લોકોની જેમ સત્ય બોલવાનો આગ્રહ નથી રાખતો

આવી છે દશા. એમાં કઈ દિશા શોધવી? 

શક્તિવિહીન વ્યક્તિના અવાજને ટેકો દેવો અને શક્તિશાળી વ્યક્તિને કઠિન પ્રશ્ન પૂછવા –  આ રહી પત્રકારની ફરજ. હવે તમે જ વિચાર કરો, કેટલા પત્રકાર આ કસોટી પાર પાડશે?

ઘણા પત્રકારો ઘણું સરસ કામ કરી રહ્યા છે – શીલા, ચિરંતના, અને રાજ તો ખરાં જ, પણ એમ જ જોઈએ તો બકુલ ટેલર, ઉર્વીશ કોઠારી, રમેશ ઓઝા, દીપક સોલિયા, આકાર પટેલ, પારસ ઝા, બિનીત મોદી,  રોક્સી ગાગડેકર, પ્રશાંત દયાળ, આ બધા પત્રકારો – અને બીજા ઘણા જ – ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે. આજે ‘ભૂમિપુત્ર’ તો ન હોય પણ ‘એતદ્દ’, ‘નિરીક્ષક’, ‘પરબ’, ‘સાર્થક જલસો’ જેવાં સામયિક એક વખતના ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘ક્ષિતિજ’ અને ‘ઊહાપોહ’ની પરંપરા ને પગલે પગલે ચાલી રહ્યાં છે.

મોટા શહેરોમાં નામાંકિત છાપાં એક બીજાનો રોજબરોજ વિરોધ કરે, એક દલિતનો અવાજ ઉઠાવે અને એક સવર્ણનો, પણ કૌરવ-પાંડવની જેમ કોમી રમખાણ વખતે “આપણે તો એકસો પાંચ” કહી ભેગા થઇ જાય, ત્યાં સ્વાતંત્ર્યની અપેક્ષા કેમ કરી રખાય? જમાનો પણ એવો આવ્યો છે કે ધોરણો નબળાં થઇ ગયાં છે – અને દિલચસ્પ કટાર લેખકોને ફિલસૂફ માનવા માંડીએ છે; છીછરાપણાંથી આપણે પ્રભાવિત થઇ જઈએ છીએ, અને એમના લેખોમાં તથ્ય કેટલું અને દાવા કેટલા એ મૂંઝવણમાં પડી જઈએ છીએ. એમના વાકચાતુર્યથી અંજાઈ જઈએ છીએ અને એવા લેખકોને અપ્રતિમ ગણીને સિંહાસન પર બિરાજમાન કરીએ છીએ – ત્યારે પ્રશ્ન ઉદ્દભવે તે સ્વાભાવિક છે – કે ગુજરાતી પ્રજાને ખુશ કરતી memes અને રમૂજી ટુચકા, ગુજરાતના ગૌરવના viral વીડિયો, અને rap સંગીત સાથે હિન્દી-અંગ્રેજીના મિશ્રણ વાળી કઢંગી ભાષામાં ગુજરાતીઓની પીઠ થાબડે અને એને જો એ જ પ્રજા આવી ક્ષણભંગુર કૃતિઓને સર્જનાત્મક સિદ્ધિ ગણે, ત્યારે શું કહેવું રહ્યું?

મને તો મકરંદ દવે યાદ આવે:

એ દેશની ખાજો દયા!

હરીન્દ્ર દવે પણ યાદ આવે છે. હું તો હરીન્દ્રભાઈ ને ઓળખુ કવિ તરીકે – એમણે પત્રકારત્વની શોભા વધારી, સાહિત્ય અને પત્રકારત્વનું સંમેલન કરાવ્યું. નિષ્પક્ષ પત્રકાર તરીકે એમણે વર્તમાનપત્રને સમાજ સામે અરીસાની જેમ ધર્યું. શાણાને સાન, મૂરખને ડફણાં – એ કહેવત એ સમજતા – પોતાના વાચકને શાણા માનતા – અને સૂક્ષ્મતા અને સૌમ્યતાથી ઈશારો આપતા – 

જાણીબૂઝીને અમે અળગા ચાલ્યાને છતાં 
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી 
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે

પત્રકારનું કામ એ ઈશારો આપવાનું છે, અને વાચકે ચોંકવાનું છે.

આજકાલ પત્રકારો ઉશ્કેરાઈને ઉછળકૂદ કરે છે – અને વાચકો પડખું ફરીને ઝોકું ખાઈ લેતા હોય છે.

કોણ જગાડશે? જાગ્યા ત્યારથી સવાર!  

[‘રજતરાણ પડાવે ઓપિનિયન’ અવસરે, રવિવાર, 04 ઍપ્રિલ 2021ના દિવસે યોજાયેલા અવકાશી પરિસંવાદમાંની લેખિત રજૂઆત] 

e.mail : salil.tripathi@gmail.com

Loading

...102030...1,9401,9411,9421,943...1,9501,9601,970...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved