Opinion Magazine
Number of visits: 9572127
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખલીલ ધનતેજવી : ખેતરનો માણસ શહેરમાં સૂઈ ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 April 2021

—————————-

અબ મૈં રાશન કી કતારોં મેં નજર આતા હૂં
અપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂં

ગયા રવિવારે [04 ઍપ્રિલ 2021], ૮૨ વર્ષની વયે જન્નતનશી થયેલા ગુજરાતી ગઝલના અંતિમ પહેરદાર, ખલીલ ધનતેજવીની જો કોઈ આત્મકથા કે જીવનચરિત્ર્ય હોય, તો તેનું શીર્ષક 'ખેત સે રાશન તક' એવું રાખી શકાય. તેમની જિંદગીની સફર એટલી જ છે; ગામના ખેતરમાંથી શરૂ થાય છે, અને રાશનપાણી માટે શહેરમાં ખતમ થાય છે. વચ્ચે કવિતા અમસ્તી જ આવી ગઈ!

કવિતા કેવી રીતે આવી તે તેમણે લખ્યું પણ છે. ૨૦૧૬માં, ખલીલભાઈએ તેમની કારકિર્દીની કથા નામે 'સોગંદનામું' લખ્યું હતું. તેમણે આત્મકથા લખવાનું ટાળ્યું હતું. કેમ? તેમના શબ્દોમાં, "આત્મકથા લખવા માટે પોતાની આસપાસનું ઝીણું-જાડું, સારું-નરસું, ગમતું-અગમતું બધું જ સમેટી લેવું પડે! કેટલાક માણસોએ પ્રોત્સાહિત કર્યો હોય ને કેટલાકે પજવ્યો પણ હોય તો એ બધાનાં નામોલ્લેખ સાથે કોણે કયારે ક્યા પ્રકારની પજવણી કરી એ બધું સ્પષ્ટ લખવું પડે, ને એમાં મોટા ભાગે નિકટના જ માણસો આવી જતા હોય. એટલા માટે આત્મકથા લખવાનું પડતું મુક્યું. પજવનારાઓને ય પડતા મુક્યા."

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફળિયાવાળા, ભેંસોવાળા, હાથેથી દળવાની ઘંટીવાળા, ચુલાવાળા, નદીએ બેડાં ભરવાવાળા, છાણ-વાસીદુંવાળા અને ખેતરમાં ચાર કાપવાવાળા ધનતેજ ગામમાં સૂર્યોદય પહેલાં ખલીલભાઈનો જન્મ. "મારા જન્મ પછી જ સૂરજ ઊગ્યો હતો." ખલીલભાઈ લખે છે, "અર્થાત્‌ હું અંધારામાંથી અજવાળામાં આવ્યો, એ પછી જ જગતને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થયો હતો." એ ૧૨ ડિસેમ્બર, ૧૯૩૫ની રોજ હતી.

તેમનું નામ ખલીલ તેમના દાદા તાજ મહંમદે પાડ્યું હતું. તેમના મૌલવીને ખલીલ અધૂરું લાગ્યું, એટલે પાછળ ઈબ્રાહીમ જોડ્યું; ખલીલ ઈબ્રાહીમ. ખલીલ એટલે મિત્ર અને ઈબ્રાહીમ એટલે હજરત મોહમંદ પયગંબરના પુરોગામી સત્તરમી પેઢીના પયગંબર ઈબ્રાહીમ. ખલીલભાઈ કહે છે, "સમય જતાં ઈબ્રાહીમ અને ખલીલ છૂટા પડી ગયા. વર્ષો પછી ખલીલની આભા નીચે ઈબ્રાહીમ ઢંકાઈ ગયો અને ખલીલ પંકાઈ ગયો."

ખલીલભાઈ પંકાયા કવિતા-ગઝલથી. ખલીલભાઈ ગુજરાતના આટલા મોટા શાયર થયા, તેની પાછળ સાહિત્યની કેટલી બધી સમૃદ્ધિ હશે એવો આપણને વિચાર આવે, પણ હકીકત એ છે કે તેમના બેકગ્રાઉન્ડમાં દૂર-દૂર સુધી સાહિત્યનાં સગડ નથી. ખલીલભાઈ લખે છે, "મારા ગામમાં પાંચ હજાર વર્ષ પૂર્વેય કોઈ લેખક કે કવિ થયો હોવાની કોઈ ભાળ મળતી નહોતી! મારા સમવયસ્કો કે સમકાલીનોમાં ય કોઈ લેખક-કવિ નહોતો!"

તેમણે કિશોરાવસ્થામાં એક વાર તેમના દાદાને ચાર પંક્તિઓ સંભાળવી હતી, તો દાદાએ ખુશ થઈને પૂછ્યું, "ક્યાંથી ઉતારી લાવ્યો છે?"

"ઉતારી નથી!" કિશોર ખલીલે કહ્યું, "આપમેળે જ ઉતરી છે!"

દાદા વિસ્મયથી જોતા રહી ગયા, અને રહસ્ય ખોલ્યું, "તારા બાપાને પણ શાયરીનો શોખ હતો. એણે શાયરીની આખી ડાયરી ભરી છે." એ ડાયરી જડી તો તેમાં મિર્ઝા ગાલિબ, મોહમ્મદ ઈબ્રાહીમ ઝૌક, મીર-તકી-મીર, મિર્ઝા મોહમ્મદ રફી સૌદા જેવા ધુરંધર શાયરોની શાયરીઓ હતી.

ખલીલભાઈ (ઉપર જે શેર લખ્યો છે તે પ્રમાણે) ખેતરના માણસ. બીજું કશું ન આવડે, પણ જે આવડતું હતું એમાં તેમનો એટલો ઝપાટો હતો કે ગામમાં એ સૌથી તેજ યુવાન કહેવાતા. એમાં કવિતા કેવી રીતે આવી, તેનું વિસ્મય તેમને પણ છે. એ લખે છે –

"ગામમાં મને સૌથી નોખો તારવી આપતી બાબતોમાં એક તો ખેતરમાં સીધા ચાસ કાઢવાની બાબત, નદીના પૂરમાં તરવાની બાબત અને જાનમાં સૌથી મોખરે ડમણિયું લઈ જવાની બાબત! આમાં ચોથી બાબત ઉમેરાય છે, તે છે કવિતા! કવિતા મારામાં અણધારી અને ઓચિંતી આવી હતી. કવિતાની પહેલી પંક્તિ આવી ત્યારે હું ખેતરના શેઢે ચાર વાઢતો હતો અને મારા હાથમાં કલમને બદલે દાતરડું હતું! હું કવિતાને ઓળખતો નહોતો એટલે કવિતાને શોધવા પણ ગયો નહતો! કવિતાની મને જરૂર પણ નહોતી. ખેતર, ખેતરનો શેઢો, ચાર વાઢવાની તલ્લીનતા અને દાતરડું! આમાં કવિતાનું ગૌત્ર મારે ક્યાં શોધવું!"

કદાચ અંગત અને સહિયારા જીવનમાં તેમણે અકસ્માતો અને ગરીબી બહુ જોઈ હતી, એટલે એ વેદના શબ્દો મારફતે વ્યક્ત થઇ હશે. બાર વર્ષની ઉંમરે, ચોથું ધોરણ પાસ કરીને, તેઓ ખેતરમાં જોતરાઈ ગયા હતા. એ લખે છે, “બાળપણ તો હું ક્યારનું ગુમાવી ચુક્યો હતો. કિશોરાવસ્થાને પણ એને જોઈતી ધીંગામસ્તી હું આપી શક્યો નહીં. ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નહીં. સમય કરતાં થોડો વહેલો હું મોટો થઇ ગયો! મારું બાળપણ ખેતરમાં રગદોળાયું! નદીના પૂરમાં તણાયું! મારી કિશોરાવસ્થા દામ્પત્યજીવનની રજાઈમાં ઢબુરાઈ ગઈ! હું ભરપૂર રીતે બાળપણને માણી શક્યો નહીં! કિશોરાવસ્થાને ઓળખવાનો ય સમય મળ્યો નહીં અને ઊંચકીને લગ્નજીવનના સમુદ્રમાં ધકેલી દેવાયો! કિશોરાવસ્થામાં જ હું પ્રૌઢ પુરુષ બની ગયો!”

એ જીવનને પાટે ચઢાવવા માટે ખલીલભાઈ શબ્દોના સહારે પૈસા કમાવા માટે વડોદરા આવ્યા, અને ખેતર છૂટી ગયું. તેમણે અખબારમાં કામ કર્યું, સામાયિક શરૂ કર્યું, વાર્તાઓ લખી, ગઝલ સંગ્રહો બહાર પાડ્યા, નાટકો લખ્યાં ફિલ્મો (ખાપરો-ઝવેરી, ડોકટર રેખા, છૂટાછેડા, નગરવધુ, તુલસી જેવી દીકરી. ચુંદડી ચોખા) બનાવી. આ વ્યવસાયિક જદ્દોજહદ (તેમણે ગામેગામ ફરીને કાપડ પણ વેચ્યું હતું) અને બીમારીઓ થતા પ્રિયજનોની વસમી વિદાઈની પીડાઓ તેમની ગઝલોમાં વ્યક્ત થતી રહી.

ખલીલભાઈ લખે છે, “વેદનાને વિસારે પાડવા કલમનો સહારો લીધો. જાત વિશે વિચારવાને બદલે કવિતા માટે વિચારવા માંડ્યું. એમાં ય પેલું દુઃખ ડોકિયાં કરી જાય છે. મેં કવિતાથી શરૂઆત કરી હતી, પણ ત્યાં સીમિત ન રહ્યો. મેં ‘જાસાચિઠ્ઠી’ સિવાય બધું જ લખ્યું છે. હું મારા મનમાં રૂંધાતી વેદનાને વ્યક્ત કરવા લખું છું. અજાણ્યા અને અણધાર્યા વળાંકો મારા માર્ગમાં એક પછી એક આવતા ગયા અને હું એ વળાંક ઓળંગીને આગળ વધતો જ રહ્યો.”

ગયા રવિવારે ખલીલભાઈ છેલ્લા વળાંક પરથી ગાયબ થઇ ગયા!

વર્ષો પહેલાં પેલી ગઝલમાં તેમણે બીજો પણ એક શેર લખ્યો હતો :

અપની નીંદો કા લહૂ પોંછને કી કોશિશ મેં
જાગતે જાગતે થક જાતા હૂં સો જાતા હૂં

સૌજન્ય : લેખકની ફેઈસબૂક દિવાલેથી સાભાર

Loading

હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2021

ગયા સપ્તાહથી આપણે હિંદુ રાષ્ટ્રની ચર્ચા આરંભી છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓને એમ લાગે છે કે આઝાદી પછી આપણા વડવાઓએ ભારતીય રાષ્ટ્રની સ્થાપના કરી એ મોટી ભૂલ હતી, તેમણે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈતી હતી. હિન્દુત્વવાદી હિંદુ ભાઈઓને તેમનો અભિપ્રાય ધરાવવાનો, તેને વ્યક્ત કરવાનો, તેને માટે પ્રચાર કરવાનો અને તેને સાકાર કરવા માટે રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરવાનો અધિકાર છે. તેમણે આ બધું કર્યું પણ છે અને સત્તા સુધી પહોંચી ગયા છે. યાદ રહે, તેમને આ બધું કરવાની મોકળાશ ભારતીય રાષ્ટ્રે આપી હતી અને એ આપે તો જ તેને ભારતીય રાષ્ટ્ર કહી શકાય. નાગરિક અધિકાર, લોકતંત્ર, સેક્યુલરિઝમ અને કાયદાના રાજ વગરનું ભારતીય રાષ્ટ્ર ન હોઈ શકે. બાકી આઝાદી પછી ભારતીય રાષ્ટ્રના પહેલી પેઢીના શાસકો પાસે એટલી તાકાત હતી અને એટલી લોકચાહના હતી કે તેઓ ધારત તો હિન્દુત્વવાદીઓને ઘોડિયામાં જ દૂધ પીતા કરી શક્યા હોત.

તો પહેલી વાત તો એ કે અત્યારના હિંદુ રાષ્ટ્રના મશાલચીઓને ભારતીય રાષ્ટ્રે મોકળાશ આપી હતી અને એ મોકળાશ એટલી હતી કે તેઓ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા સત્તા સુધી પહોંચી શક્યા છે. હવે ઉપર કહ્યો એ સવાલ આવે છે કે હિંદુ રાષ્ટ્ર જ્યારે સ્થાપવા જ માગો છો અને સ્થાપવાની સ્થિતિમાં પણ છો તો એ કેવું હશે? શક્તિશાળી કે માથાભારે? હિંદુ રાષ્ટ્ર કેવા હિંદુઓને પેદા કરશે, શક્તિશાળી કે માથાભારે? હિંદુ રાષ્ટ્રનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત હશે, શક્તિશાળી હિંદુઓના હાથમાં કે માથાભારે હિંદુઓના હાથમાં? મહાન હિંદુ દેશનો જગતમાં જયજયકાર શક્તિશાળી હિંદુઓ દ્વારા થશે કે માથાભારે હિંદુઓ દ્વારા? જગતનો ઇતિહાસ શું કહે છે? મહાન રાષ્ટ્રો, સામ્રાજ્યો અને સભ્યતાઓને શક્તિશાળી પ્રજાએ આકાર આપ્યો છે કે માથાભારે પ્રજાએ?

હિંદુ રાષ્ટ્ર જ્યારે સ્થાપવા નીકળ્યા જ છો ત્યારે તમારે આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે. ખાસ કરીને જો તમે સાચા હિંદુ હો, જો તમને ભારતવર્ષ કે આર્યાવર્ત માટે સાચો પ્રેમ હોય અને જો તમે તમારાં સંતાનને તમારી છાતી ગજગજ ફૂલે એવા હિંદુ રામરાજ્યમાં સુખચેનમાં જીવતા જોવા માગતા હો તો તમારે આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે. શક્તિશાળી બનવામાં લાભ છે કે માથાભારે? સેક્યુલર હિંદુઓની ચિંતા કરવાની જરૂર નથી, એ જાય ભાડમાં. એ એમનું ફોડી લેશે. આપણાં અસલી હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે? લાભાલાભની સમજ તો અસલી હિંદુઓ ધરાવતા જ હશે એમ હું માની લઉં છું.

એક નજર આપણા બાપદાદાઓએ અપનાવેલા વલણ ઉપર કરી લઈએ.

દેશમાં આઝાદીની લડત ચાલતી હતી ત્યારે એ સમયના આપણા બાપદાદાઓ એ સમયના આપણા નેતાઓને પૂછતા હતા કે તમે આઝાદીની વાત તો કરો છો, પણ પહેલા એ તો કહો કે આઝાદ ભારત કેવું હશે? એમાં શું હશે અને શું નહીં હોય? તેમને કહેવામાં આવ્યું હતું કે આઝાદ ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં પણ તે ભારતીય રાષ્ટ્ર હશે. શા માટે ભારતીય રાષ્ટ્ર? શા માટે હિંદુ રાષ્ટ્ર નહીં? એ સમયના સંસ્કૃત અને ભારતીય દર્શનના કેટલાક દિગ્ગજ પંડિતોએ આ પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે સ્પષ્ટ ભાષામાં ફોડ પાડવામાં આવ્યો કે આઝાદ ભારત ભારતીય રાષ્ટૃ હશે ત્યારે દરેક પ્રજાએ સવાલ કર્યા હતા કે તો પછી એ પણ બતાવો કે તેમાં શું હશે અને શું નહીં હોય? આ તો જોઈએ જ અને આ તો નહીં જ જોઈએ એવા આગ્રહ રાખવામાં આવ્યા હતા. તેમના અધિવેશનો મળતા હતા, ચર્ચાઓ થતી હતી, ઠરાવો થતા હતા, પ્રતિનિધિમંડળો નેતાઓને મળતા હતા, આવેદનો-નિવેદનો આપવામાં આવતાં હતાં, તેમની પત્રિકાઓ નીકળતી હતી, પ્રચાર-પ્રસાર થતા હતા, વગેરે બધું જ.

ટૂંકમાં આઝાદી પહેલાં આપણા બાપદાદાઓએ એ સમયના નેતાઓને ભારતીય રાષ્ટ્ર વિષે અનેક સવાલ પૂછ્યા હતા અને ખુલાસા માગ્યા હતા. ઇતિહાસ તપાસી જુઓ, આપણા એ સમયના નેતાઓનો અડધો સમય તો ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે ખુલાસા કરવામાં જતો હતો. થકવી દીધા હતા. ગાંધીજી દ્વારા સંપાદિત સામયિકોની ફાઈલો જોઈ લો; એમાં એક અંક એવો જોવા નહીં મળે જેમાં આઝાદ ભારત કેવું હશે એ વિષે ગાંધીજી પાસે કોઈને કોઈ સમાજે કે વાચકે પ્રશ્ન પૂછીને ખુલાસો ન માગ્યો હોય. આમ હું જવાબદારીપૂર્વક ગેરંટીથી કહું છું. એક અંક એવો જોવા નહીં મળે જેમાં ગાંધીજી પાસે ખુલાસો માગવામાં ન આવ્યો હોય.

આપણા એ સમયના અભણ કે અલ્પશિક્ષિત વડીલોને એટલી સમજ હતી કે દેશમાં કશુંક નવું થઈ રહ્યું છે તો એ કેવું હશે અને તેમાં શું હશે અને શું નહીં હોય એ સમજી લેવું જોઈએ. આપણું અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય દાવ પર લાગવાનું છે. અત્યારે દેશમાં ફરી એક વાર કશુંક નવું થઈ રહ્યું છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓ ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે ત્યારે તેમણે તેમના નેતાઓને પ્રશ્ન પૂછવા જોઈએ કે હિંદુ રાષ્ટ્ર કેવું હશે, તેમાં શું હશે અને શું નહીં હોય?

તમને આશ્ચર્ય થશે, હમણાં કહ્યું એમ ગાંધીજીનાં મુખપત્રોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં પ્રશ્નકર્તાએ ગાંધીજી પાસે આઝાદ ભારતના સ્વરૂપ વિષે ખુલાસો ન માગ્યો હોય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્રોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં હિંદુ રાષ્ટ્રના સ્વરૂપ વિષે કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને ખુલાસો આપવામાં આવ્યો હોય!

પણ તમને પ્રશ્ન પૂછતા ન આવડતું હોય કે તમે પ્રશ્ન ન પૂછો એટલે પ્રશ્ન મટી નથી જતો. પ્રશ્ન તો બચે જ છે કે હિંદુ રાષ્ટ્ર શક્તિશાળી હિંદુઓનું હશે કે માથાભારે હિંદુઓનું? તમારો પોતાનો, તમારા સંતાનોનો, હિંદુ રાષ્ટ્રનો અને હિંદુ પ્રજાનો ફાયદો શેમાં હશે?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઍપ્રિલ 2021

Loading

લૉકડાઉન અને વાઇરસની એકધારી ઘટમાળનો થાક તમને હંફાવી ન દે તે જરૂરી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 April 2021

સાઇબર શ્રિંક્સથી દૂર રહેવું જરૂરી છે કારણકે માત્ર પૉઝિટીવીટીના ડૉઝીસથી જિંદગી નથી જીવી શકાતી

૧૯૯૩માં એક અંગ્રેજી ફિલ્મ આવી હતી, ‘ગ્રાઉન્ડહૉગ ડે’. હેરોલ્ડ રેમિસે ડાયરેક્ટ કરેલી આ ફેન્ટસી કૉમેડી ફિલ્મમાં બિલ મરી અને એન્ડી મૅકડૉવેલ મુખ્ય પાત્રો ભજવતાં હતાં. બિલ મરી એક ચેનલમાં ‘મોસમ કી જાનકારી’ આપવાનું કામ કરનારો જર્નાલિસ્ટ ફિલ છે જેણે પેન્સિલવેનિયામાં ઉજવાતા ગ્રાઉન્ડહૉગ ડેનું લાઇવ રિપોર્ટિંગ કરવાનું હોય છે. સંજોગોવસાત્‌ તે ટાઇમ લૂપમાં ફસાઇ જાય છે, અને સતત તે ૨જી ફેબ્રુઆરીએ જે ઘટનાઓ ઘટી હતી તેમાં જીવ્યા જ કરે છે, તેના અથાક પ્રયત્નો ચાલ્યા કરે છે જેથી એ પેટર્નમાંથી તે બહાર આવી શકે પણ કમનસીબે એવું કંઇ થતું નથી. એકવાર તેને સમજાઇ જાય છે કે તે આ ટાઇમ લૂપમાંથી નહીં નિકળી શકે એટલે તે તેમાં જ કોઇ મોજ મસ્તી શોધી લે છે. સતત ખાતા રહેવું, વન નાઇટ સ્ટેન્ડ કરવા, નાનકડી ચોરી સુધ્ધાં કરવી વગેરે કારણ કે તેને દરેક આવનારા દિવસે શું થવાનું છે તેની બરાબર ખબર રહેતી અને તે જાણકારી તેણે પોતાને એન્ટરટેઇન કરવાના હેતુથી એક્સપ્લોઇટ કરવાની શરૂઆત કરી. એક તબક્કે કંટાળેલા ફિલે જાતભાતની રીત અપનાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો, પણ તેમાં ય તેની કોઇ કારી ન ફાવી. તે પોતાની પ્રોડ્યુસર મિત્ર રીતાને આખો મામલો ગંભીરતાથી સમજાવે છે જે તેને કહે છે કે ફિલે આ ક્ષણોને આશીર્વાદ માનીને જીવવી જોઇએ. ફિલ બીજા દિવસથી લોકોને મદદ કરવાનું શરૂ કરે છે કારણ કે કોને મદદની જરૂર હશે તે તેને પહેલેથી જ ખબર હતી. તે સર્જનાત્મક વસ્તુઓ કરે છે, પિયાનો શીખે છે, આઇસ સ્ક્લ્પચર બનાવતા શીખે છે, ફ્રેંચ બોલતા શીખે છે – છતાં ય એક ગરીબગુરબાં માણસને તે બચાવી નથી શકતો. સ્વિકારની ભાવના ફિલને બહેતર ઇન્સાન બનાવે છે અને અંતે તે રીતા સામે પોતાના પ્રેમનો એકરાર પણ કરે છે. અને આખરે તે ટાઇમ લૂપની ચુંગાલમાંથી બહાર આવે છે.

આ ફિલ્મની સ્ટોરી અહીં વિગતવાર લખવાનું કારણ એટલું જ કે, જે રીતે ગ્રાઉન્ડહૉગ ડે ફિલ્મનો હિરો ટાઇમ લૂપમાં ફસાઇ જાય છે અને એકની એક જિંદગી રોજ જીવે છે, માળું એવું જ કંઇ આપણી સાથે આ વાઇરસને કારણે થઇ રહ્યું છે. વાઇરસની બીજી લહેર જોખમી સાબિત થઇ રહી છે અને કડક લૉકડાઉનના ભણકારા કંપારી છોડાવી દે. પહેલું લૉકડાઉન તો સોશ્યલ મીડિયાની રમતોમાં, વાસણો ઘસવામાં અને રસોઇ કરવામાં આપણે કાઢ્યું, સહેજ કળ વળી અને ગણતરીના મહિનાઓમાં પહેલાં જેવી જ હાલત ફરી માથે મરાશેનો ડર આપણને અકળાવી રહ્યો છે. આપણે ડિપ્રેશન, એન્ક્ઝાઇટી, સ્ટ્રેસ, ઇન્સોમ્નિયા જેવા શબ્દોને જિંદગીમાં સાહજિક બનાવી દીધાં છે. સંબંધો સુધરવા અને વણસવાની વાત નથી પણ એકધારાપણાનો થાક વર્ણવી શકાય તેવો નથી. જ્યારે વાઇરસનું દુનિયામાં નામો નિશાન નહોતું ત્યારે ય એમ હતું કે આપણે બધાં એક ઘટમાળમાં જ જીવતા હતા. કામ કરવું, સમય મળે તો બહાર જવું, મિત્રોના ખબરઅંતર પૂછવા, તેમને મળવું વગેરે. પરંતુ અત્યારે જે એકધારાપણું છે એ સાવ અણધાર્યું છે. માળું ક્યારે કોના માઠા સમાચાર આવે, ક્યારે કોને વાઇરસનું સંક્રમણ થાય જેવો એક ડર અથવા તો ચિંતા આપણા મનમાં ક્યાંક ધરબાયેલી હોય જ છે.

આ પરિસ્થિતિ અંગે અમદાવાદ સ્થિત ગુજરાતના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણીનું કહેવું છે, “સૌથી મોટી સમસ્યા છે સોશ્યલ મીડિયા પર માનસિક સ્વાસ્થ્યની સલાહ આપતા લોકો. પૉઝિટીવીટીના ડૉઝ લઇને જીવી નથી શકાતું એમાં નક્કરતા ઉમેરવાની તસ્દી લેવી જ પડે. સોશ્યલ મીડિયા પર બધાં કંઇ પણ સલાહ આપે છે પણ તેમને આ વિશે લગીરેક જાણકારી નથી. સાઇબર ટોળાંશાહીની અસરો સાવ ખોટી પડે છે. જે તમને મેડિટેશન કે પ્રાણાયામ કરવાની સલાહ આપતું હશે તે સાઇબર શ્રીંકને એ નથી ખબર કે કોઇ વ્યક્તિને IOP – ઇન્ટ્રા ઓપ્યુલર પ્રેશર હોય તો તે પ્રાણાયામ ન કરી શકે, પણ અહીં કોણ આ બધી બાબતોની ગણતરી ય કોણ કરે છે.”

તેમણે જણાવ્યું કે રોગચાળાને પગલે ગુજરાતમાં આત્મહત્યાના રોજના ૨૦ બનાવ બને છે. આજથી ૧૦૨ વર્ષ પહેલાં જે સ્પેનિશ ફ્લુ ફેલાયો હતો તે પછી પણ આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું હતું. વળી WHOના મતે દરેક સાતમો ભારતીય માનસિક રોગી છે. આ આંકડા કંઇ નાનાસૂના નથી. બેરોજગારીની તલવાર રોજ ધાર કાઢે છે, કામ છે તો તે ધાર્યા પ્રમાણે થઇ નથી શકતું, એકધારી ઘટમાળનો થાક અને કંટાળો મનને સતત સતર્ક કે પ્રફુલ્લિત રહેવામાં ય આડાં આવે છે.

ડૉ. પ્રશાંત ભીમાણીનું કહેવું છે કે, “આવા સંજોગોમાં તમે બિંજ વૉચ કરો તો તેની પસંદગી પણ જાળવીને કરો. તમારા મનને બહેતર ફીલ કરાવે તેવી ડૉક્યુમેન્ટ્રીઝ જુઓ, સત્ય રમણીય હશે ત્યારે તેમાંથી આશા જન્મશે. તમારા માઇન્ડસેટને ચેન્જ કરવામાં આવી નાની પસંદગીઓ બહુ પ્રભાવી કામ કરતી હોય છે કારણ કે તેની હાકારાત્મક અસર ન્યુરોપ્લાસ્ટિસિટી પર થાય છે. તમારે રોજ એક જૂના મિત્ર સાથે વાત કરવી જોઇએ અને એક નવા મિત્ર સાથે વાત કરવી જોઇએ, કારણ કે જૂના મિત્ર સાથેની વાતચિત કેથાર્ટિંક હોય, તેમાં મનનો ઘણો ઊભરો ઠલવાઇ જાય અને નવાસવા મિત્ર સાથે વાત કરો તો જરા જાળવીને મર્યાદામાં વાત થાય એટલે બે પ્રકારના સામાજિક વહેવારનું સંતુલન થાય. તમારી પોતાની આગવી કોઇ ડિશ હોય તે બનાવો તો પણ તમારા મનને સારું લાગશે.”

મેન્ટલ હેલ્થની વાત તાણ થઇ જાય તે રીતે કરવાનો અર્થ નથી. વાઇરસ એક ન ગમે એવું સત્ય છે અને તે સ્વીકારવા સિવાય છૂટકો નથી. કંટાળો જીવનનો ભાગ છે પણ તે જીવન ન બની જાય તેની તકેદારી રાખ્યા સિવાય છૂટકો નથી. આ પીડામાં આપણે સાથે છીએ, એ એક માત્ર વિચાર જો થોડી રાહત આપતો હોય તો એમ. પૉઝિટીવીટીનું વેક્સિન પણ ઉપરછલ્લું લાગે જો આપણે વિચારોની પેટર્નને ન તોડીએ તો. તમે બધાં જ આ વૈચારિક એકધારાપણાને તોડવામાં સારી પેઠે સફળ થાય તેની શુભેચ્છા.

બાય ધી વેઃ

રોગચાળા દરમિયાન ડૉ. ભીમાણીએ જાતભાતનાં કેસિઝ જોયા. બાળકોમાં ડર છે કે તે પોતાના મા-બાપ ખોઇ બેસશે અને એ ડરને કારણે તેઓ પેરન્ટ્સને નજરની સામેથી ખસવા જ નથી દેતા – સેપરેશન એન્ક્ઝાઇટીના કિસ્સા વધ્યા છે. અચાનક જ એક ટીનએજ છોકરીને લાગવા માંડ્યું કે તેના માતા-પિતાની અપેક્ષા પ્રમાણે તે જીવી નથી રહી એટલે તે મિસફિટ છે અને તેણે મરી જવું જોઇએ. પતિ-પત્નીના સંબંધોમાં સંદિગ્ધતા આવવા માંડી જેમ કે એક મહિલાને બ્રેન સ્ટ્રોક આવ્યો, તેની સારવાર ખડે પગે કરાઇ, તેનો પતિ સતત તેની સાથે હતો પણ તે સાજી થઇ તો તેણે સૌથી પહેલાં તેની એક્સ બૉયફ્રેન્ડને જાણ કરી જેની સાથે તે પહેલાંથી જ સંપર્કમાં હતી અને પછી આ આખી વાતમાંથી છૂટવા ડૉમેસ્ટિક વાયલન્સનો ઉપયોગ કરાયો. આવા કેસિઝ વગર રોગચાળાએ પણ થતા હતાં, પણ તેનું પ્રમાણ અને પ્રકાર વધારે ગુંચવાયેલા બન્યા છે. ફ્રોઇડ અનુસાર જેની ના હોય તે કરવાનું મન થાય એ માણસનો સ્વભાવ છે. આપણને ખબર છે શું નથી કરવાનું અને શું કરવાનું છે પણ એ અનુસરવું અઘરું તો છે પણ પેલું કહે છે, ‘બહુત કઠિન હૈ ડગર પનઘટ કી ..’ રસ્તા છે જ અને તેની પર ચાલવું જ રહ્યું, ભલે ગ્રાઉન્ડહૉગ ડે જેવી જિંદગી જતી હોય પણ ઘટમાળમાં રાહત શોધે જ છૂટકો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  11 ઍપ્રિલ 2021 

Loading

...102030...1,9381,9391,9401,941...1,9501,9601,970...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved