ભારતીય ન્યાયતંત્રનું એક મહત્ત્વનું અને અનોખું અંગ પી.આઈ.એલ. (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન) કે જાહેરહિતની અરજીઓ છે. આ એક એવું કાયદાકીય અને ન્યાયિક ઉપકરણ છે જેના દ્વારા મોંઘા ન્યાયથી વંચિત, સમાજના નબળા વર્ગો સામાજિક-આર્થિક ન્યાય મેળવી શક્યા છે. સાચો, સટીક, સસ્તો ન્યાય તેના દ્વારા સુલભ થયો છે. જનહિતની અરજીઓ પરના દેશની સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ચુકાદાઓમાં અદાલતોની ન્યાયિક સક્રિયતાનો વિસ્તાર જોવા મળે છે. સામાન્ય અદાલતી મુકદ્દમાથી અલગ, જેમાં જાહેર હિત કે જનહિત સમાયેલું હોય તેવી આ અરજી, અદાલતોમાં ન માત્ર પીડિત પક્ષ દાખલ કરી શકે છે, કોઈ પણ નાગરિક, સંસ્થા-સંગઠન કે ખુદ અદાલત જાતે પણ પીડિતના પક્ષે દાખલ કરી શકે છે.
જનહિત યાચિકાનો મૂળ ખ્યાલ અમેરિકાનો છે પણ ભારતમાં તેનો જે વિકાસ અને ઉપયોગ થયો છે તેનો દુનિયામાં ક્યાં ય જોટો જડે તેમ નથી. ભારતના બંધારણમાં કે કોઈ કાયદામાં પી.આઈ.એલ.ની સ્પષ્ટ પરિભાષા નથી. પણ બંધારણના અનુચ્છેદ ’૩૯-એ’માં તેના મૂળ જોઈ શકાય છે. સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ ૩૨ અને હાઈકોર્ટોમાં ૨૨૬ મુજબ જાહેર હિતની અરજી દાખલ થઈ શકે છે. જસ્ટિસ પી.એન. ભગવતી પી.આઈ.એલ.ના જનક છે. જાહેર હિતની અરજી દ્વારા વંચિતો અને કમજોર મનાતા વર્ગોને ન્યાય મળ્યો છે. પી.આઈ.એલ.ને કારણે ખુદ અદાલતોની ભૂમિકા અને ચેતનાનો વિસ્તાર થયો છે. મૂળભૂત આધિકારોનું ક્ષેત્ર વિસ્તૃત થયું છે. નવા મૌલિક અધિકારો ઉમેરાયા છે કે જૂના વ્યાખ્યાયિત થયા છે. પી.આઈ.એલ.ને લીધે સરકારી તંત્ર લોકોના કામ માટે અને વિધાનગૃહો તે પ્રમાણેના કાયદા માટે બાધ્ય થયા છે.
લોકોના કલ્યાણ અને અધિકારોને સરકાર નકારે કે લોકોની ઈચ્છાને અનુરૂપ કામ ન કરે તો અદાલતમાં દાખલ થતી જનહિત યાચિકાઓ દ્વારા અનેક મહત્ત્વના સુધારા થઈ શક્યા છે અને ન્યાય મળ્યો છે. દેશમાં પહેલી પી.આઈ.એલ. તો ૧૯૭૬માં દાખલ થયેલી પણ ૧૯૭૯માં બિહારની જેલોની દયનીય હાલત, ખાસ તો ત્યાં કાચાકામના કેદીઓની સ્થિતિ પરની પી.આઈ.એલ.નો અદાલતી ચુકાદો, પ્રથમ મનાય છે. એક પી.આઈ.એલ.ને કારણે બિહારની જેલોમાં સબડતા ચાળીસ હજાર કેદીઓની મુક્તિ શક્ય બની હતી. તે પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો છે અને અનેક મહત્ત્વના ફેરફારો થઈ શક્યા છે. એસિડ એટેકની પીડિતાઓ, કામનાં સ્થળે યૌન હિંસાનો શિકાર બનેલી સ્ત્રીઓ, હાથથી મળસફાઈના કામમાં જોતરાયેલા દલિતો, સમલૈગિકો, બળાત્કારની પીડિતાઓ, અત્યાચારનો ભોગ બનેલા દલિત-આદિવાસીઓ, આતંકનો ભોગ બનેલા નિર્દોષો, વેઠિયા મજૂરો, બાળ મજૂરો, સેક્સ વર્કર્સ, કામદારો-કિસાનો અને વિદ્યાર્થીઓને જાહેર હિતની અરજી દ્વારા સામાજિક-આર્થિક ન્યાય અને અધિકારો મળ્યાં છે.
ભારતની અદાલતોએ જાહેરહિતની અરજીઓ પર અનેક પ્રગતિશીલ અને દૂરોગામી અસર ધરાવતા ચુકાદા આપીને બેજુબાનોની જુબાન બનવાનું કામ કર્યું છે. રાજધાની દિલ્હીમાં આજે જોવા મળતાં સી.એન.જી. વાહનો, કાર્ય સ્થળે મહિલાઓ પરની જાતિય હિંસા અટકાવવા માટેનું વિશાખા જજમેન્ટ, એન્કાઉન્ટર અને કસ્ટોડિયલ ડેથની તટસ્થ તપાસ અને વળતર, ગટર કામદારો અને માથે મેલું ઉપાડવા મજબૂર દલિતોના પુનર્વસન અને વળતર, માહિતી અને શિક્ષણનો અધિકાર તથા ખાધ્ય સુરક્ષા, અકસ્માત પછી તરત સારવાર, ગ્રાહકોના અધિકારો, પર્યાવરણ અને જંગલોનું રક્ષણ, ગંગા શુદ્ધિકરણ, વિસ્થાપિતોના અધિકારો અને કોમી રમખાણોના ભોગ બનેલાને ન્યાય; મહિલા કેદી માટે અલગ કસ્ટડી અને સાંજ પછી મહિલાઓને પોલીસ સમક્ષ ન બોલાવવાની જોગવાઈ, ભૂમિસંપાદન પછી ખેડૂતોને યોગ્ય વળતર – જાહેરહિતની અરજીઓ પરના ચુકાદાઓના કારણે શક્ય બન્યાં છે.
કાયદા થકી સમાજમાં બદલાવ આણવા માંગતા લોકો માટે જનહિતની અરજી એક અસરકારક અને શક્તિશાળી સાધન છે. અદાલતોમાં રજૂ થતી પી.આઈ.એલ. પૈકીની ૩૦થી ૬૦ ટકા જ સ્વીકારાય છે. જો કોર્ટને અરજીમાં જાહેરહિત સંકળાયેલું ન લાગે કે મુદ્દો મહત્ત્વનો ન હોય તો તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. વળી બધી જ પી.આઈ.એલ. તરત અદાલતો સુનાવણી માટે હાથ પર લે તે પણ શક્ય નથી. જે પી.આઈ.એલ.માં માનવ અધિકારનો ભંગ થતો હોય કે કોઈ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી બાબત હોય તો જ તેની તરત સુનાવણી થાય છે. અન્યથા યથા સમયે તે કોર્ટ સમક્ષ આવે છે.
જેમ દરેક બાબતના સારાનરસાં પાસાં હોય છે તેવું જાહેરહિતની અરજી બાબતે પણ છે. જાહેર હિતની અરજીના દુરુપયોગની પણ ઘણી ફરિયાદો છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાનના અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા વીસ હજાર કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ સામેની જાહેર હિતની અરજી નકારતાં જણાવ્યું હતું કે ‘જનહિતની અરજીઓ આમ નાગરિકના બંધારણીય અધિકારોના રક્ષણ માટે છે. કોર્ટની એ ફરજ અને જવાબદારી છે કે તે સરકારના નિર્ણયને કારણે સામાન્ય નાગરિકના કાનૂની અને બંધારણીય અધિકારો જોખમાય નહીં તેની કાળજી લે. પરંતુ આજકાલ પી.આઈ.એલ.નો ઉપયોગ સરકારો પ્રત્યે અસંમતિ દર્શાવવા માટે કરવામાં આવે છે.’ અગાઉ ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત હિતની અને અપ્રાસંગિક એવી જનહિત યાચિકાઓની ટીકા કરી, પી.આઈ.એલ. સ્વીકારના દિશાનિર્દેશો જારી કર્યા હતા.
અદાલતોએ જનહિતની ખોટી અરજીઓ અંગે કડક અને દંડનીય વલણ પણ અપનાવ્યું છે. હરિયાણાના એક આયુર્વેદ તબીબે તેમણે શોધેલી કોરોનાની દવાનો સરકાર ઉપયોગ કરે તે અંગે અદાલતી આદેશ માંગતી પી.આઈ.એલ. દાખલ કરી ત્યારે આ માંગણીને સંપૂર્ણ અયોગ્ય ગણી પી.આઈ.એલ.ના દુરુપયોગ માટે રૂ. ૧૦,૦૦૦/- દંડ કર્યો હતો. રામજન્મભૂમિ સ્થળના પાયા ખોદવાનું કામ પુરાતત્વ વિભાગની દેખરેખમાં કરવા અને પાયામાંથી મળનારી કલાકૃતિઓનું સંરક્ષણ કરવાની માંગણી ફગાવતા અદાલતે યાચિકાકર્તાને એક લાખ દંડ કર્યો હતો. થમ્સઅપ અને કોકાકોલા એ બે ઠંડાં પીણાં આરોગ્ય માટે હાનિકારક હોવાની પી.આઈ.એલ.ને કશા તકનિકી આધારો વિનાની ગણાવી અરજદારને ૫ લાખનો દંડ ફટકાર્યો હતો.
જાતભાતની અને ઢંગધડા વગરની જાહેર હિતની અરજીઓ પર પણ અદાલતમાં દાદ મંગાય છે. મધ્ય પ્રદેશની ધારાસભા ચૂંટણીની સાધન સામગ્રીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી તેનો યોગ્ય નિકાલ ન કરવો, ભોળા કે મૂર્ખ લોકો માટે વપરાતી કહેવત ‘અલીબાગ સે આયા હૈ ક્યા’ને અપમાનજનક ગણાવતી અલીબાગના રહેવાસીની અરજી, કોરોનાકાળમાં પૂજા સ્થળો ખોલવા, રાષ્ટ્રીય ફૂલ કમળને ભા.જ.પા.ના ચૂંટણી પ્રતીક તરીકેની બંધી, જાનવરોને વધુ કષ્ટદાયક હલાલને બદલે ઓછા કષ્ટદાયક ઝટકાથી જ મારવા અને ઝટકા માંસને જ મંજૂરી આપવા, ૭૫ વરસથી વધુ ઉંમરના અને સ્નાતક ન હોય તેમને ચૂંટણીમાં ઉમેદવારી કરવા પર પ્રતિબંધ, તમિલનાડુના દિવંગત મુખ્ય મંત્રી જયલલિતાને ભારતરત્ન આપવા, અરબી સમુદ્રનું નામ હિંદ મહાસાગર રાખવા, ભારતનું રાષ્ટ્રગાન બદલવા, દેશનું નામ ભારતને બદલે હિંદુસ્તાન કરવા – જેવી જાહેર હિતની અરજીઓ અદાલતો સમક્ષ આવી હતી.
પી.આઈ.એલ.નો ઘણીવાર વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે અને વ્યાપારિક કે રાજકીય હિતો માટે ઉપયોગ થવાની પણ ફરિયાદો છે. સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવતા પેન્શન અંગેની પી.આઈ.એલ. લગભગ એક દાયકાથી પડતર છે. સમાન શિક્ષણ માટે સમગ્ર દેશમાં એક સમાન અભ્યાસક્રમ અને પરીક્ષા બોર્ડ દાખલ કરવા, જટિલ, ક્લિષ્ટ અને રહસ્યમય ભાષાને બદલે સરળ અને અસંદિગ્ધ ભાષામાં કાયદા અને સરકારી નિયમો બનાવવા પણ જનહિતની અરજી થયેલી છે. સરકારી ભ્રષ્ટાચાર અને કૌભાંડો પી.આઈ.એલ. દ્વારા જ ઉજાગર થયા છે. કેદી પતિ-પત્નીની મુલાકાત સમયે જેલ અધિકારીની હાજરીથી દાંપત્યના અધિકાર પર તરાપ, હેટસ્પીચ, ફેકન્યૂઝ, પેડ ન્યૂઝ્, સોશ્યલ મીડિયા પર કાયદાકીય લગામ અને ચૂંટણી, પોલીસ તથા વહીવટી સુધારા માટેની વિવિધ પી.આઈ.એલ. પણ અદાલતોની વિચારણા હેઠળ છે.
સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ, પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ, નેશનલ એડવાઈઝ ફોર પીપલ્સ મુવમેન્ટ, નર્મદા બચાવો આંદોલન, બંધુઆ મુક્તિ મોર્ચા, લોક અધિકાર સંઘ અને અન્ય સંસ્થાઓએ પી.આઈ.એલ.ના ક્ષેત્રે ગણનાપાત્ર કામ કરીને આમ આદમીના અવાજને વાચા આપી ન્યાય મેળવ્યો છે.
જાહેર હિતની અરજીઓ લોકતંત્રમાં શ્વાસ લેવાની જગ્યા અને લોકવિશ્વાસ કાયમ રાખવાનું સાધન છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આમ આદમીનો અવાજ પી.આઈ.એલ. મારફતે વ્યક્ત થઈને અદાલતી ન્યાય મેળવે છે. અનેક જાહેર હિતની અરજીઓ પર અદાલતોએ મહત્ત્વના ચુકાદા આપીને ભારે સરાહનીય કામ કર્યું છે. એટલે તેનો સમુચિત ઉપયોગ થાય તે સૌના હિતમાં છે. ભારતની અદાલતો હજારો અને લાખો પડતર કેસોથી ઉભરાય છે ત્યારે બિનજરૂરી પી.આઈ.એલ.નો બોજ અદાલતો પર નાંખવાથી બચવું જોઈએ. આડેધડ પી.આઈ.એલ. દાખલ થવાથી ન્યાય વ્યવસ્થા પર અનાવશ્યક દબાણ ઊભું થવાની કે વાસ્તવિક અને પ્રાસંગિક કેસોના નિકાલમાં વિલંબ થવાની શક્યતાઓ ઊભી થાય થાય છે તે દિશામાં પણ વિચારવું રહ્યું. બિન-મહત્ત્વની પી.આઈ.એલ. સામાન્ય ન્યાય પ્રક્રિયામાં બાધા ન બની રહે તેમ પણ કરવું રહ્યું. જાહેર રાજકીય મુદ્દાઓ પર જનહિત યાચિકા દાખલ કરીને ન્યાયની દેવડીએ દસ્તક દેવા તે ગેરબંધારણીય કે અનૈતિક નથી. પરંતુ તેમાં યોગ્ય વિવેકની જરૂર છે. જન આંદોલનનો વિકલ્પ પી.આઈ.એલ. ન બની જાય તે પણ જોવાની જરૂર છે. જાહેર હિતની અરજીઓ પ્રગતિશીલ લોકતાંત્રિક વ્યવસ્થાનો પ્રાણ છે. પણ તેનો દુરુપયોગ રોકવો પણ એટલો જ જરૂરી છે. યોગ્ય પદ્ધતિથી તેને નિયંત્રિત કરવામાં નહીં આવે તો તે રાજકીય સ્વાર્થનું હથિયાર પણ બની શકે છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


આજથી દાયકા પછી, હોલીવૂડમાં મનુષ્ય અને રાક્ષસો વચ્ચે લડાઈની ફિલ્મ બનશે, તો તેમાં વિલન તરીકે કોરોના વાઈરસ હશે, તેવી કલ્પના અસ્થાને નથી. ફિલ્મસર્જકોએ અનેક વેમ્પાયર અને ઝોમ્બીની કલ્પના કરી છે. કોરોનાએ તેમાં વધુ એક સંભાવનાનો ઉમેર્યો કર્યો છે, પણ ફિલ્મસર્જકો તેને જીવતા રાક્ષસ તરીકે કલ્પે, તે પહેલાં કોરોના વાઈરસે વૈજ્ઞાનિક સમજને પણ પડકાર ફેંક્યો છે તેની વાત કરીએ.
ડાયસ્પોરાનો એટલે કે વિદેશગમન અને વિદેશવાસનો ઇતિહાસ બહુ મોટો છે. યહૂદી પ્રજાએ જે રીતે અસહિષ્ણુ અને ધર્માન્ધ ત્રાસવાદીઓથી બચવા પોતાનાં ઘરબાર, માલ મિલ્કત અને દેશ છોડીને રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરાની વિભાવના શરૂ થઈ. એના મૂળમાં યહૂદીઓની સ્વદેશ પાછા જવાની ઝંખના હતી. યહૂદીઓ પર જે જુલમ થયો તે આજે ઓછા વત્તા પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર થઈ રહ્યો છે. આજે નિરાશ્રિતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદીઓની કોઈ કમી નથી. દુઃખની વાત એ છે કે ચોક્કસ આવી રહેલા ક્લાઈમેટ ચેન્જ, નવા પેન્ડેમિક્સ, અને ઠેર ઠેર દેખાતા સંકુચિત રાષ્ટ્રવાદ — નેશનાલિઝમને – કારણે આ નિરાશ્રિતો સંખ્યા વધતી જશે.