Opinion Magazine
Number of visits: 9677546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઈ પકડી રાખવી કે છોડવી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 July 2021

આપણને એક જ જિંદગી મળી છે અને એમાં આપણે નક્કી કરવાનું છે કે તે કઈ રીતે જીવવી. આપણાં સંતાનને પણ એક જ જિંદગી મળી છે, અને એક મા-બાપ તરીકે જો કોઈ શિખામણ આપવાની હોય તો વિચારવું પડશે કે તેને તે કેવી જિંદગી જીવે એવી શિખામણ આપવી. જ્યારે શિખામણ આપશો ત્યારે તમારી પાસે પોતે નહીં જોયેલો અને નહીં અનુભવેલો, પણ કોઈકે કહેલો ભૂતકાળ (ઇતિહાસ) છે, તમે પોતે જોયેલો અને અનુભવેલો વર્તમાન છે અને તમારાં સંતાનને જેમાં જીવવાનું છે એવો ભવિષ્યકાળ છે. યાદ રહે, તમારી પાસે અને તમારાં સંતાનો પાસે જિંદગી એક જ છે અને તેમાં મૂલ્યવાન આયખું કેમ જીવવું એ અંગેનો મહત્ત્વનો નિર્ણય તમારે લેવાનો છે. 

નિર્ણય એ વાતનો લેવાનો છે કે માણસાઈના ગુણોને અપનાવીને, આત્મસાત કરીને, તેને હજુ વધુ સમૃદ્ધ કરીને ટકોરાબંધ માણસ બનવું અને સંતાનને માણસ બનવાનું કહેતા જવું કે પછી જેવા સાથે તેવા થવું અને સંતાનને એ જ શિખામણ આપતા જવું. આ જગતમાં એક પણ માણસ એવો નહીં મળે જેણે આ યક્ષપ્રશ્ન વિષે નિર્ણય લેવો ન પડ્યો હોય. કુટુંબની અંદર સગા ભાઈ સાથેના વહેવારમાં પણ આ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અપનાવવો પડતો હોય છે. માણસાઈ પકડી રાખવી કે માણસાઈ છોડવી? 

આપણા નિર્ણયને ત્રણ ચીજો પ્રભાવિત કરતી હોય છે. એક તો આપણો સ્વભાવ. દરેક વ્યક્તિમાં સત્, રજસ અને તમસ એ ત્રણ ગુણનો માત્રાફેર હોય છે અને તેની માત્રા માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. સાંખ્ય અને યોગદર્શન કહે છે કે માણસ જો ધારે તો માત્રાફેર કરી શકે છે. આ ફેરફાર મુશ્કેલ છે પણ અસંભવ નથી. તામસી માણસ સાત્ત્વિક બની શકે છે. તેની સાથે બીજી ચીજ છે સહિયારો સાંસ્કૃતિક વારસો. આ વારસો સહિયારો છે અને માટે અનેક રસાયણોનો બનેલો હોય છે. વરસો વહેતાં જાય છે એમ એવો પીંડ રચાય છે જેમાંથી ઘટક તત્ત્વોને અલગ તારવવાં મુશ્કેલ હોય છે. વરસ અને વારસો એક જ ધાતુના શબ્દો હોય એવો ભાસ થશે, પણ એવું નથી. એ વારસો મને મળેલો છે, મારો છે, મારાં સંતાનોને મારે આપતા જવાનો છે; પણ છે સહિયારો. એ મારો છે, પણ આપણો છે. આ સહિયારા સાંસ્કૃતિક વારસાએ રચેલો માનસપીંડ માણસના નિર્ણયને પ્રભાવિત કરે છે. ત્રીજી ચીજ છે, અનુભવ અને અનુભવકથન. આમાંથી પ્રત્યક્ષ અનુભવ તો બહુ ઓછો હોય છે, માંડ ચાર-પાંચ દાયકાનો, પણ અનુભવકથન હજારો વર્ષનું હોય છે. આ કહેવાતું અનુભવકથન એટલે કહેવાતો ઇતિહાસ. કહેવાતો એટલા માટે કે એ કોઈકે કહેલો છે.

એક તો માણસ માત્ર ત્રિગુણીય સ્વભાવ સાથે જન્મતો હોય છે તેમ જ તેની ગુણમાત્રા અલગ અલગ હોય છે અને એમાં એણે નિર્ણય લેવાનો હોય છે કે માણસાઈ પકડી રાખવી, તેને વધુ સમૃદ્ધ કરવી કે તેને છોડવી અને જેવા સાથે તેવા થવું? જો આપણે માણસાઈને જાળવી રાખવાનો પહેલો વિકલ્પ પસંદ કરીએ તો સહિયારો સાંસ્કૃતિક વારસો ઘણે અંશે ઉપયોગી થશે અને જો માણસાઈને ફગાવીને જેવા સાથે થવું હોય તો કોઈક દ્વારા કહેવાયેલું અનુભવકથન અથવા ઇતિહાસ ઉપયોગી થશે. વીતેલા યુગના ટકોરાબંધ પ્રમાણ કોઈ પાસે નથી એટલે તેનો લાભ લઈને આપણને આજે માફક આવે એ રીતે ગઈકાલની વાત કહી શકાય છે. જગત આખામાં ઇતિહાસકારો આજે માફક આવે એ રીતે ઇતિહાસ લખે છે; પછી તે ઇતિહાસકાર સામ્યવાદી હોય, રાષ્ટ્રવાદી હોય, કોમવાદી હોય કે વંશવાદી હોય. તટસ્થ ઇતિહાસ અને તટસ્થ ઇતિહાસકાર જેવું કશું હોતું નથી. દરેક ઇતિહાસકારને એમ લાગે છે કે મારે ઇતિહાસ એ રીતે કહેવો જોઈએ કે જે વર્તમાનમાં વાચકની વર્તણુકને પ્રભાવિત કરે. ઇતિહાસલેખનમાં એજન્ડા હોય જ છે, એજન્ડામુક્ત ઇતિહાસલેખન હોતું નથી.

હવે જો આપણે માણસાઈને જાળવી રાખવી હોય, તેને વધારે સમૃદ્ધ કરવી હોય અને માણસાઈનો વારસો આગલી પેઢીને આપીને જવો હોય તો આપણે ત્રિગુણમાત્રામાં શક્ય એટલો ફેરફાર કરીને વિવેક કેળવવો પડશે. ખુલ્લી આંખે દુનિયાને જોતાં શીખવું પડશે. કોઈકનું સારું અપનાવવું પડશે અને આપણું જે કાંઈ કલંકરૂપ હોય તેને છોડવું પડશે. આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાને વિવેકપૂર્વક અપનાવવો અને છોડવો પડશે. એ વારસાનું સહિયારાપણું પણ સ્વીકારવું પડશે અને એ તો પહેલી શરત છે. બીજા માટેનો તિરસ્કાર છોડવો પડશે અને આપણા શ્રેષ્ઠત્વનું ગુમાન છોડવું પડશે. બીજાની નિંદા નહીં કરવાનું કોઈ કહેતું નથી, પણ આપણે આપણી ઉણપ પણ જોવી પડશે અને બીજાનું સારાપણું પણ જોવું પડશે. વળી આ બધું આજે જ અને આપણે જ કરવું પડશે, કારણ કે જિંદગી તો એક જ મળી છે જે આજે જીવી રહ્યા છીએ અને તે તમારી છે. કરો અથવા ન કરો, આમાં ત્રીજો વિકલ્પ જ નથી. જો માણસાઈના પક્ષે નિર્ણય લેશો તો માર્ગ પણ એક જ છે અને તે છે સદ્સદ્ વિવેકનો. 

અને જો તમારો નિર્ણય માણસાઈને છોડીને જેવા સાથે તેવા થવાનો હોય તો ‘આજની જરૂરિયાત’ માટે ‘કોઈકે લખેલો ઇતિહાસ’ હાથવગો છે. કોઈકે લખેલો ઇતિહાસ સાચો માનીને માણસાઈને છોડવાનો નિણર્ય લેતા પહેલાં આજની જરૂરિયાત કોની છે અને કેવી છે એ સમજી લેજો. એના લાભાલાભની વાત અત્યારે બાજુએ મૂકો, પણ તમને કમ સે કમ એટલી જાણ તો હોવી જ જોઈએ કે તમે કોની અને કેવી આજની જરૂરિયાત માટે મૂલ્યવાન આયખું ખર્ચવાના છો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2021

Loading

જાસૂસી અને રાજકારણઃ મેરા તુઝસે હૈ પહેલે કા નાતા કોઇ ….

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 July 2021

એક નાનકડું સ્પાયવેર શું કરી શકે છે તેના વિચાર માત્રથી મોટાં માથાઓને અથવા તો જેમના કબાટમાં જાતભાતના કંકાલતંત્ર છે તેમને કંપારી છૂટી જાય

આપણી ડિક્શનરીમાં છેલ્લા બે વર્ષમાં જાતભાતના શબ્દો ઉમેરાયા છે. આપણે આલ્ફા અને બિટા વેરિયન્ટથી માંડીને રેમડેસેવીર જેવા શબ્દો ગૂગલ કરીને ઘણું બધું જરૂરી બિન જરૂરી જાણ્યા કરીએ છીએ. એમાં હવે છેલ્લા એક અઠવાડિયાથી આપણે સાંભળીએ છીએ પેગાસસ અને સ્નૂપિંગ વિશે. આપણું શબ્દભંડોળ વધુ સમૃદ્ધ કરનારા પેગાસસને રોગચાળા સાથે કોઇ સબંધ નથી, પણ રાજકારણીઓની જાસૂસી કોઇ નવી વાત નથી. પેગાસસનું વાવાઝોડું એકદમ નવું નક્કોર છે અને આ પહેલાં ભારતીય રાજકારણમાં સ્નૂપિંગ એટલે કે જાસૂસીનાં કાંડ થયાં જ છે પણ પેગાસસ સ્પાયવેરથી થયેલું સ્નૂપિંગ સૌથી સોફેસ્ટિકેટેડ કહી શકાય, જેમાં ટેક્નોલૉજીનો એટલી સટિકતાથી ઉપયોગ થયો છે કે એક નાનકડું સ્પાયવેર શું કરી શકે છે તેના વિચાર માત્રથી મોટાં માથાઓને અથવા તો જેમના કબાટમાં જાતભાતના કંકાલતંત્ર છે તેમને કંપારી છૂટી જાય.

પેગાસસની પધરામણી નિમિત્તે જો આપણે આ પહેલાં થયેલા જાસૂસી કાંડ યાદ કરીએ તો તેમાં સરકારો પડી ભાંગી છે, મુખ્ય મંત્રીઓએ રાજીનામાં ધરી દેવા પડ્યા છે, સી.બી.આઇ.ની તપાસ બેસાડાઇ છે અને સુપ્રિમ કોર્ટને ય હચમચાવી દેવાયો છે. જાસૂસ અને જાસૂસીની આપસાપસ એક ભેદ ભરમનું જાળું હંમેશાંથી રહ્યું છે. કાળી હેટ અને લાંબા ઓવરઓલ્સ, કાળાં ચશ્માંથી માંડીને ટેલિફોનના થાંભલે ચઢીને વાયરો આઘાપાછા કરીને લોકોની વાત સાંભળનારા જાસૂસો આપણે ફિલ્મો અને ટેલિવિઝનમાં જોયા છે. ફોન ટેપિંગ જે જાસૂસીનું સૌથી જૂનું શસ્ત્ર છે તેમાં સમયાંતરે આપણે સ્માર્ટ સોફ્ટવેર્સના ઉપોયગ તરફ વળ્યા છીએ. ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસ હવે સ્માર્ટ ફોનને ક્રેક કરવા માટેનો સર્વોત્તમ વિકલ્પ સાબિત થઇ ચુક્યું છે, ત્યારે આપણે ટેલિકોમના ઇતિહાસ જેટલા જ જૂના ગણાતા ફોન ટેપિંગ દ્વારા થયેલી જાસૂસીના સૌથી જાણીતા કિસ્સાઓ અને અન્ય પ્રકારની જાસૂસીની જાહેર થઇ ગયેલી વાતો પર નજર કરીએ.

એંશીના દાયકામાં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘને ડર હતો કે રાષ્ટ્રપતિ ભવનના કેટલા ઓરડાઓમાં બગિંગ થયેલું છે, એટલે કે ત્યાં એવું ઉપકરણ છે જેનાથી ત્યાં થતી વાતચીત અને ફોન કૉલ્સ ટૅપ થઇ શકે. તેમને ડર હતો કે તત્કાલિક વડા પ્રધાન રાજીવ ગાંધીના કહ્યે આ ફોન ટૅપિંગ કરાવાતું હતું. ૧૯૮૮માં કર્ણાટકમાં ફોન ટૅપિંગના આરોપ ગંભીર વળાંકે જઇને ખડો રહ્યો. તત્કાલિક મુખ્ય મંત્રી રામકૃષ્ણે હેગડેએ આ વિવાદને પગલે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. વી.પી. સિંઘના જન મોરચા સાથે રામ કૃષ્ણે હેગડેની જનતા પાર્ટીનો એક હિસ્સો ભળી ગયો હતો અને દેવે ગૌડા અજીત સિંહ સાથે બાકીના જનતા પક્ષ સાથે જ રહ્યા હતા. દેવે ગૌડા અને અજીત સિંઘ વચ્ચેની વાતચીત ટૅપ કરવામાં આવી હતી. ૧૯૯૧માં હરિયાણાના બે ઇન્ટેલિજન્સ પુરુષો રાજીવ ગાંધીના રહેવાસની બહાર દેખાયા હતા, અને તેમણે બાદમાં કબૂલ્યું હતું કે રાજ્ય સ્તરના કયા રાજકારણીઓ રાજીવ ગાંધીને મળવા આવે છે, તે ચકાસવા તેઓ અહીં જાસૂસી કરી રહ્યા હતા. આ કારણે ચંદ્ર શેખરે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. સમાજવાદી પક્ષના અમર સિંઘે ૨૦૦૬માં દાવો કર્યો હતો કે તેમના ફોન દિલ્હી પોલીસ દ્વારા ટૅપ કરાય છે તો ૨૦૦૯માં મમતા બેનર્જીના લેન્ડ લાઇન ફોન અને મોબાઇલ ફોન પર થતી વાતચીત પર ચાંપતી નજર રખાઇ રહી છે. ૨૦૦૭માં દિગ્વિજય સિંહની વાતચીત ટૅપ કરાઇ હતી જેમાં તે ૨૦૦૭ની સી.ડબલ્યુ.સી.ની ચૂંટણી માટે પંજાબના ઉમેદવારો અંગે એક કૉન્ગ્રેસના નેતા સાથે વાત કરી રહ્યા હતા. ૨૦૧૦માં તાતા અને નીરા રાડિયા ટેપ્સ સ્કેન્ડલની ચર્ચાથી પણ આપણે વાકેફ છીએ. જાસૂસીના કૌભાંડોમાં મોટે ભાગે વિરોધી પક્ષની વાતો ખુલ્લી પાડવાનો હેતુ રહેતો. ૨૦૧૧માં તત્કાલિન નાણાં મંત્રી પ્રણબ મુખર્જીએ મનમોહન સિંઘને પત્ર લખ્યો હતો કે તેમની ઑફિસ બગ્ડ છે તેવી પોતાને શંકા છે. આ પત્ર ખાનગી હતો પણ છતાં ય તે જાહેર થઇ ગયો હતો. ફેબ્રુઆરી ૨૦૧૨માં એક ઇન્ટેલિજન્સ ઑફિસરની તપાસમાં બહાર આવ્યું કે ડિફેન્સ મિનીસ્ટર એક એન્ટોનીની ઑફિસમાં કોઇ મોનિટરી ડિવાઇસ ફિટ કરાયેલું છે. આ સમયે યુ.એસ.એ.ના મીડિયા રિપોર્ટ્સમાં આવ્યું હતું વૉશિંગ્ટન ડી.સી.માં ભારતીય દૂતાવાસ યુ.એસ. એજન્સી દ્વારા નજર રખાતી હોય તેવા મિશન્સની યાદીમાં હતો. આ વર્ષે આંધ્રના રાજકારણીઓએ હેકર્સના ડરથી સ્માર્ટ ફોન્સ પર ઇ.મેઇલ ચેક કરવાનું બંધ કરી દીધું હતું.

વળી સ્નૂપિંગને મામલે સાહેબને આડકતરો અનુભવ પણ છે કારણ કે ગુજરાતમાં ૨૦૧૩માં થયેલા સ્નૂપગેટ કાંડમાં અમિત શાહે એક યુવા આર્કિટેક્ટ મહિલાના ફોન પર સર્વેલન્સ કર્યો હોવાના સમાચાર ન્યૂઝ વેબસાઇટે બ્રેક કર્યા હતા. આ ઉપરાંત શરદ પવાર અને આઇ.પી.એલ. ચીફ લલિત મોદી વચ્ચેની વાતચીત ૨૦૧૦માં ટૅપ થઇ હતી તો સી.પી.એમ.ના પ્રકાશ કરાતનું ફોન ટૅપિંગ ઇન્ડો યુ.એસ. ન્યુક્લિયર ડીલની વ્યૂહરચના સમજવા માટે કરાયું હતું. વરિષ્ઠ કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનાં રહેઠાણને બગ કરાયું હતું અને આ માટે બહુ જ ઉચ્ચ કક્ષાનું લિસનિંગ ડિવાઇસ ત્યાં ગોઠવવામાં આવ્યું હોવાની ચર્ચા પણ ચાલી હતી. જો કે રાજકારણીઓના આ સ્નૂપિંગમાં સાસુ વહુનો ખટરાગ પણ એક વાર ચર્ચાએ ચઢ્યો તેમાં ય સાસુ જ્યારે ઇંદિરા ગાંધી હોય અને પુત્રવધૂ મેનકા ગાંધી હોય ત્યારે વહુનો આક્ષેપ આવે તો વિચાર તો કરવો પડે.

ભારતના સ્નૂપગેટ સામે અમેરિકાના વૉટરગેટ કૌભાંડનો ઉલ્લેખ પણ કરવો રહ્યો, જ્યારે સિત્તેરના દાયકામાં પ્રેસિડન્ટ રિચાર્ડ નિક્સને વિરોધ પક્ષના ફોન કૉલ્સ ટૅપ કરાવ્યા હતા અને અમુક દસ્તાવેજોની ચોરી પણ કરાવી હતી. જો કે આમાં પોલીસે આ ચોર જાસૂસોને રંગે હાથ પકડી પાડ્યા હતા, છતાં ય નિક્સન ફરી ચૂંટાયા હતા અને તેમણે પ્રેસિડન્ટ બન્યા પછી આ આખી વાત દાબી દેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બે પત્રકારોને કારણે આખી વાત બહાર આવી અને જેમણે સ્વતંત્ર યુ.એસ.એ.ના ઇતિહાસમાં રાજીનામું આપ્યું હોય તેવા તે એક માત્ર પ્રમુખ છે.

ભારતમાં દસ કેન્દ્રીય એજન્સીઝ છે જેમને ફોન ટૅપિંગ કે કોઇ પણ પ્રકારના સ્નૂપિંગની છૂટ મળેલી છે, એ સિવાય થતી જાસૂસી ગેરકાયદે ગણાય. તેઓ આતંકવાદથી માંડીને રાજકારણીઓના બેકગ્રાઉન્ડ ચેક્સ પણ કરતા હોય છે. જે રીતે પેગાસસ જેવા સ્પાયવેરથી સટિકતાથી જાસૂસી થઇ રહી છે, જેમાં પત્રકારો અને માનવતા અધિકાર માટે લડનારાઓ પણ બાકાત નથી તે દર્શાવે છે કે ભારતમાં સર્વેલિયન્સની પદ્ધતિઓ તથા મર્યાદાઓ પર આકરા પગલાં લેવાવા જરૂરી છે.

બાય ધી વેઃ

જાસૂસી કરાઇ હોવાનો આ પહેલો બનાવ નથી, પણ સરમુખત્યાર નેતાઓ જે પહેલેથી જ પોતાના વિરોધીઓ પર યેનકેન પ્રકારેણ નજર રાખતા આવ્યા છે તેમાં ક્યાંક રિસોર્સિઝનો દુરુપયોગ પણ દેખાઇ આવે છે. લોકશાહી દેશમાં પત્રકારો અન માનવાધિકાર માટે લડત ચલાવનારાઓની જાસૂસી કરાવવી કેટલી યોગ્ય ગણાય? ફોન ટૅપિંગ અને ફોનની તમામ વિગતોનું હાઇજેકિંગ બે જુદી બાબતો છે, અને આપણને ખબર છે કે બીજી બાબત જોખમી છે. સ્પાયવેરથી ગુનાખોરી અને ષડયંત્રનું કોકડું વધુ ગુંચવાય અને કોઇને ખોટી રીતે સાણસામાં લેવા હોય તે પણ આનાથી કરવું સહેલું થઇ પડે છે. વળી ભૂતકાળમાં લોકોએ જાસૂસી કરાવનારા નેતાઓને વખોડ્યા છે, તેમને રાજીનામા ધરી દેવા પડ્યા છે પણ પેગાસસને મામલે આમ જનતાનો પ્રતિભાવ પહેલાં કરતાં મોળો રહ્યો છે. સરમુખત્યાર ઇંદિરા ગાંધી જેમ ‘વિદેશી હાથ’ પર દોષ ઢોળતાં તેમ અત્યારે સરકાર દેશનાં નહીં પણ પોતાના વિરોધીઓને ટાર્ગેટ કરી રાષ્ટ્રવાદનું કાર્ડ દેખાડી દેશે. પોપ્યુલિસ્ટ માનસિકતા, સરમુખત્યાર શાહી, દેશપ્રેમ નહીં પણ વાદને મળતું જોર, સરકારની ટીકા નહીં સાંખી લેવાની માનસિકતાની વચ્ચે પેગાસસનો ઉપયોગ જેમની જાસૂસી કરવામાં થયો છે તે લોકશાહીને માથે તોળાતા ગિલોટીનનું દ્રશ્ય સ્પષ્ટ કરે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  25 જુલાઈ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—105

દીપક મહેતા|Opinion - Opinion|24 July 2021

મુંબઈમાં વિડલાઈ પાડલાઈ ક્યાં આવ્યું, ખબર છે?

ઇતિહાસ રચ્યો બે એરોપ્લેને અહીં ઊતરીને

ગાંધીજીનો એ પ્રખ્યાત ફોટો ક્યાં લેવાયેલો?

શનિવાર, ૧૫ ઓક્ટોબર, ૧૯૩૨. વિલે પાર્લેનો ઘોડ બંદર રોડ વહેલી સવારથી ધમધમતો હતો. કારણ આજે અહીં ઇતિહાસ રચાવાનો હતો. માત્ર વિલે પાર્લે માટે નહિ, માત્ર મુંબઈ શહેર માટે નહિ. આખા દેશના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરે લખાવાનો હતો. ઘોડ બંદર રોડની પશ્ચિમે ૧૯૨૮માં તૈયાર થઈ હતી એક નાનકડી, સાંકડી, કાચી માટીની બનેલી હવાઈ પટ્ટી. એ વખતે નવી શરૂ થયેલી બોમ્બે ફ્લાઈંગ ક્લબ વિમાન કેમ ઉડાડવું તેની તાલીમ ત્યાં આપતી હતી. એટલે ઘણા લાંબા વખત સુધી લોકો એને ‘ફ્લાઈંગ ક્લબ એરોડ્રોમ’ તરીકે ઓળખતા. ૧૯૩૨ સુધીમાં હવાઈ પટ્ટી થોડી સુધરી હતી. નક્કી થયેલા સમયે આકાશમાં જાણે મોટું મગતરું ઊડતું હોય એવું દેખાયું. એ જેમ જેમ પાસે અને નીચે આવતું ગયું તેમ તેમ મોટું ને મોટું લાગવા માંડ્યું. હવાઈ પટ્ટીને છેડે એક ઝૂંપડું હતું. માથે છાપરું, તો કે તાડનાં સૂકાં પાંદડાંનું. એ ઝૂંપડાની બહાર એક પાટિયું લટકતું હતું: Tata Air Services.

અને થોડી વાર પછી મગતરું ધીમે ધીમે વિમાન પટ્ટી પર ઊતર્યું. એ હતું હેવીલેન્ડ નામની કંપનીએ બનાવેલું એક એન્જિનવાળું પુસ મોથ વિમાન. કરાચીથી આ વિમાન વહેલી સવારે ઊપડ્યું હતું, એક રસ્તાને રન-વે બનાવીને. વચમાં અમદાવાદ રોકાઈને તે જુહુ એરપોર્ટ પર ઊતર્યું હતું. તેમાંથી ઊતર્યો એક ૨૮ વરસનો તરવરતો પારસી યુવાન. સાથે લાવ્યો હતો આજના ૨૫ કિલો જેટલી ટપાલ ભરેલા કોથળા. એ યુવાન એટલે જે.આર.ડી. તાતા, આપણા દેશની વિમાન સેવાના જનક. ૧૯૦૪ના જુલાઈની ૨૯મી તારીખે પેરિસમાં જન્મ. પિતા રતનજી દાદાભાઈ તાતા અને માતા હતાં ફ્રેંચ બાનુ નામે સુન્ની. ૧૯૨૯ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે એક ઇન્સટ્રક્ટરની સાથે સાડા ત્રણ કલાક વિમાન ઉડાડ્યા પછી પાઈલટ તરીકેનું લાઈસન્સ મેળવ્યું હતું. ૧૯૨૯માં ફ્રેંચ નાગરિકત્વનો ત્યાગ કરીને જહાંગીરજી હિન્દુસ્તાન આવ્યા અને આ દેશના નાગરિક બન્યા.

જૂહુ એરોડ્રોમ પર ઊતર્યા પછી જે.આર.ડી. તાતા અને સાથીઓ

દેશની પહેલવહેલી વિમાની કંપની તાતા એર સર્વિસિસનાં વિમાનોએ પહેલે જ વરસે  ૨,૫૭,૪૯૫ કિલોમિટર જેટલી ઉડાનો ભરી હતી. ૧૫૫ મુસાફરોની હેરફેર કરી હતી અને ૧૦ ટન જેટલી ટપાલને દેશના જુદા જુદા ખૂણે પહોંચાડી હતી. એ જ વરસે તેની સૌથી લાંબા અંતરની વિમાની સેવા કરાચી અને ત્રિવેન્દ્રમ વચ્ચે શરૂ થઈ. તેમં ફક્ત છ મુસાફર બેસી શકતા, અને એ પણ ટપાલના કોથળા પર! બીજો કોઈ દેશ હોત તો આ ઐતિહાસિક પ્રસંગની યાદગીરીમાં વિલે પાર્લેમાં મોટું મ્યુઝિયમ બાંધ્યું હોત. વિમાન નહિ તો તેનું મોડેલ મૂક્યું હોત. પણ … જવા દો. તાતા એર સર્વિસિસની એ ઝૂંપડી ચોક્કસ કયે સ્થળે આવેલી એની ય આજે ખબર નથી. અરે, આ એરોડ્રોમ દેશનું સૌથી પહેલું એરોડ્રોમ છે એવું એકાદ પાટિયું પણ ક્યાં ય લગાડવાની તસ્દી આપણે લીધી નથી.

આજના ભારતનું પહેલવહેલું એરોડ્રોમ જ્યાં આવેલું છે એ વિલે પાર્લેનો પણ જે થોડો ઘણો ઇતિહાસ જળવાયો છે તે ભાતીગળ છે. મૂળ તો સાંતા ક્રુઝ પછીનાં બે ગામડાં. એકનું નામ પાડલે અને બીજાનું નામ ઇડલે. આજે જે ઈર્લાનું નાળું છે તે મૂળ તો હતી નાનકડી નદી. એ આ બે ગામડાંને જૂદાં પાડે. નદીની દક્ષિણે પાડલે, ઉત્તરે ઇડલે. આજે પણ વિલે પાર્લેની હદ નાળાની દક્ષિણે પૂરી થાય છે અને ઉત્તરે ઈર્લાની હદ શરૂ થાય છે જે અંધેરીનો એક ભાગ બની ગયું છે. મૂળ વસ્તી માછીમાર કોળીઓની અને ભંડારી અને આગરી જેવા ખેડૂતોની. તેમાંના મોટા ભાગના ખ્રિસ્તી. આજે પણ વિલે પાર્લે વેસ્ટમાં ખ્રિસ્તી દેવળો અને શિક્ષણ સંસ્થાઓ સારી એવી સંખ્યામાં જોવા મળે છે, અને અમુક વિસ્તાર પણ ખ્રિસ્તી વાડા તરીકે ઓળખાય છે.

મુંબઈમાં પ્લેગની મહામારી ફેલાઈ ત્યારે જેમ તળ મુંબઈથી લોકો સાંતાક્રુઝ રહેવા આવ્યા તેમ પાડલે અને ઈડલે એ બે ગામડાંમાં પણ રહેવા આવ્યા. ૧૯૦૬માં જ્યારે બી.બી.સી.આઈ. રેલવેએ સ્ટેશન બાંધ્યું ત્યારે તેનું નામ હતું ‘વિડલાઈ પાડલાઈ’! પછી વખત જતાં તેમાંથી થયું વિલે પાર્લે. તો બીજા મત પ્રમાણે આ નામ અહીંનાં બે મંદિરો પરથી પડ્યું છે: વિરલેશ્વર અને પાર્લેશ્વર. ખેર, ધીમે ધીમે અહીંની વસ્તીનું સ્વરૂપ બદલાતું ગયું. પશ્ચિમમાં ગુજરાતી વસ્તી વધતી ગઈ અને પૂર્વમાં મરાઠી, મુખ્યત્વે પૂણેકર મરાઠીઓની વસ્તી વધતી ગઈ. જો કે ઘણા વિસ્તારોમાં બંનેની વસ્તી જોડાજોડ પણ રહી. પાર્લા ઇસ્ટમાં સ્ટેશનની સામે એક મહેલ જેવો બંગલો ૧૯૦૪મા બંધાયો, નામ મોર બંગલો. નાનપણમાં ટ્રેનની બારીમાંથી મોર બંગલો ઘણી વાર જોયાનું આ લખનારને યાદ છે. એ બંધાવેલો ગોરધનદાસ ગોકુલદાસ તેજપાલે. બંગલાને માથે હતો રંગબેરંગી કાચની કપચીથી મઢેલો ઘુમ્મટ, અને તેને માથે હતો પિત્તળનો વિશાળકાય મોર. એટલે મોર બંગલો નામ. તેની આસપાસની ઘણી જમીન પણ ગોકુલદાસ તેજપાલ ઘરાણાની. ૧૯૪૨માં વારસદારોએ બંગલો, જમીન-જાયદાદ જૂદા જૂદા લોકોને વેચી દીધાં. છતાં ૧૯૫૭ સુધી, ભલે ભગ્નાવસ્થામાં, પણ મોર બંગલો હયાત હતો. આજે એ જગ્યાએ દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ અને મ્યુનિસિપલ માર્કેટ આવેલાં છે. બાકીની કેટલીક જગ્યા પર તેજપાલ સ્કીમની ઇમારતો ઊભી છે.

જૂહુને કિનારે પૌત્ર સાથે ગાંધીજી

તો બીજે છેડે પાર્લા વેસ્ટમાં જૂહુના દરિયા કિનારે આવેલો એક બંગલો અનેક રૂપાંતરો પછી પણ નામ અને મહત્ત્વ જાળવી રહ્યો છે, જાનકી કુટિર. બજાજ કુટુંબે આ બંગલો બંધાવીને જમનાલાલ બજાજનાં પત્નીનું નામ એ બંગલાને આપ્યું. જમનાલાલ બજાજને એ વખતે ઘણા ગાંધીજીનો પાંચમો દીકરો કહેતા. જાનકી દેવી (૧૮૯૩-૧૯૭૯) પણ ગાંધીવાદી રંગે રંગાયેલાં હતાં. ગાંધીજી મુંબઈ આવતા ત્યારે ઘણી વાર આ જાનકી કુટિરમાં ઉતરતા. અહીં હોય ત્યારે નજીકના જૂહુ કિનારે સાંજે જાહેર પ્રાર્થના સભામાં પ્રવચન કરતા. ગાંધીજીનો એક ફોટો ખૂબ જાણીતો છે. દરિયા કિનારે ગાંધીજી લાકડી લઈને ચાલે છે. લાકડીનો એક છેડો તેમના હાથમાં છે, બીજો એક નાનકડા છોકરાના હાથમાં – જાણે ગાંધીજીને દોરીને લઈ જતો ન હોય! આ ફોટાને ઘણી વાર દાંડી કૂચ વખતના ફોટા તરીકે ઓળખાવવામાં આવે છે. પણ હકીકતમાં આ ફોટો જૂહુના દરિયા કિનારે લેવાયો હતો. ૧૯૩૭માં માંદગી પછી આરામ લેવા ગાંધીજી જાનકી કુટિરમાં રહેલા એ વખતનો છે. અને ફોટામાંનો છોકરો એ ગાંધીજીનો પૌત્ર કનુ રામદાસ ગાંધી છે.

પૃથ્વીરાજ કપૂર અને પૃથ્વી થિયેટરના માનમાં ટપાલ ટિકિટ

મોર બંગલાની જગ્યાએ આજે દીનાનાથ ઊભું છે, તો જાનકી કુટિરના પરિસરમાં પૃથ્વી થિયેટર ઊભું છે. દીનાનાથ મરાઠી રંગભૂમિનું કેન્દ્ર, તો પૃથ્વી પરંપરાગત નહિ તેવી રંગભૂમિનું કેન્દ્ર. ‘પૃથ્વી થિયેટર’ એ મૂળ તો ૧૯૪૨માં શરૂ થયેલી પૃથ્વીરાજ કપૂરની નાટક મંડળીનું નામ. પણ એનું કોઈ કાયમી સરનામું નહોતું. નાટકો ભજવવા માટે પૃથ્વીરાજ આખા દેશમાં ફર્યા કરતા. શરૂઆત કરેલી કવિ કાલિદાસના જગવિખ્યાત નાટક શાકુન્તલથી. એ પછી ભજવ્યાં દીવાર, પઠાણ, ગદ્દાર, આહુતિ, કલાકાર, પૈસા, કિસાન જેવાં નાટકો. સાથોસાથ કોઈ ને કોઈ ઉમદા કામ માટે ફંડફાળો પણ ઉઘરાવતા. ખેલ પૂરો થાય ત્યારે પૃથ્વીરાજ પોતે હાથમાં મોટી ચાદર લઈને બારણા પાસે ઊભા રહેતા. કોઈ પાસે પૈસા માગવાના નહિ. જે સ્વેચ્છાએ ઝોળીમાં પડે તે આંખ-માથા પર. પોતે ફિલ્મોમાં જે કમાતા એ આ નાટકો પાછળ ખરચતા. પોતાની નાટક મંડળીને માટે કાયમી જગ્યા હોય એવું સપનું. ૧૯૬૨માં આ જાનકી કુટિર વિસ્તારમાં જમીનનો નાનકડો ટુકડો લીઝ પર મેળવ્યો. ૧૯૭૨માં તેમનું અવસાન થયું અને એ જ વરસે પ્લોટનું લીઝ પણ પૂરું થયું. શશી કપૂર અને જેનિફર કેન્ડલે એ પ્લોટ ખરીદી લીધો. ત્યાં બંધાયેલા પૃથ્વી થિયેટરનું ઉદ્ઘાટન ૧૯૭૮ના નવેમ્બરની પાંચમી તારીખે જી.પી. દેશપાંડેના ઉધ્વસ્ત ધર્મશાળા નાટકના પ્રયોગથી થયું.

જુહુ એરોડ્રોમ પર મગતરા જેવું એરોપ્લેન ઊતર્યું એ ઐતિહાસિક ઘટનાની વાતથી શરૂઆત કરેલી. એ જ જૂહુ એરોડ્રોમ પર એક મહાકાય એરોપ્લેન ભૂલથી ઊતરી ગયેલું એ દુર્ઘટનાથી આજની વાત પૂરી કરીએ. ૧૯૭૨ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખ. રવિવારની સવારનો સમય. આપણા બહુ મોટા ગજાના લેખક ગુલાબદાસ બ્રોકર ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘરના વરંડામાં કોફી પીવા બેઠા છે. કોફીના કપની બાજુમાં ચાંદીની નાની પ્લેટમાં બે બિસ્કિટ. કોફીનો કપ મોઢે માંડ્યો ન માંડ્યો ને કાનના પડદા ચીરી નાખતી ઘરઘરાટી, સાવ નજીકથી. સામે જોયું. એક વિશાળકાય એરોપ્લેન ગાંડા થયેલા હાથીની જેમ ધસમસતું આવતું હતું. ઘરની બરાબર સામે, ઘોડ બંદર રોડની સામી બાજુએ આવેલા જુહુ એરોડ્રોમના નાનકડા રન વે પર.

જુહૂ એરોડ્રોમ પર ભૂલથી ઊતરેલું વિમાન

મોત હાથવેંતમાં. ‘ભાગો, ભાગો’ એવી બૂમો પાડતા ઘરની અંદર દોડ્યા. પણ બે-ચાર ક્ષણમાં ઘરઘરાટી થંભી ગઈ. રન વે પૂરો થતો હતો ત્યાં પાણીના નિકાલ માટેની નાનકડી ખાઈ હતી. પછી એર પોર્ટની દિવાલ. પછી રસ્તો. પેલા ધસમસતા પ્લેનનું આગલું પૈડું એ ખાઈમાં ફસાઈ ગયું અને ન છૂટકે પ્લેન ઊભું રહી ગયું. જાપાન એર લાઈન્સ, ફ્લાઈટ નંબર ૪૭૨. લંડનથી ઉપડીને ફ્રેંકફર્ટ, રોમ, બૈરુત, તહેરાન, બોમ્બે, બેંગકોક, અને હોંગકોંગ થઈને ટોકિયો જવાનું હતું. ભૂલથી પાઈલટે સાંતા ક્રુઝ એરપોર્ટને બદલે જુહુ એરપોર્ટ પર ઉતારી દીધું. એક પણ જીવ ગયો નહિ, ઘણાને નાની મોટી ઈજાઓ થઈ. એ પ્લેનનો પ્રવાસ ત્યાં જ પૂરો થયો પણ ‘વિડલાઈ પાડલઈ’નો આપણો પ્રવાસ પૂરો નથી થયો.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2021       

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

Loading

...102030...1,8441,8451,8461,847...1,8501,8601,870...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved