Opinion Magazine
Number of visits: 9754728
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારી મિલકતોનું કંપનીકરણ

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|1 September 2021

આર્ત્મનિભર આ રીતે થવાય? :

કેન્દ્ર સરકારે તેની માલિકીની મિલકતો ભાડે કે ભાડાપટે આપીને ૨૦૨૪-૨૫ સુધીમાં રૂ. ૬ લાખ કરોડ મેળવવાનું નક્કી કર્યું છે. ચાલુ વર્ષે રૂ. ૮૮,૦૦૦ કરોડ આ રીતે મેળવવામાં આવશે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નાણાં પ્રધાને જાહેર કર્યું છે કે સરકાર પોતાની માલિકીની જમીનો કે અસ્કામતો (assets) વેચી રહી નથી પણ તે રસ્તા, વિદ્યુત મથકો, વિમાની મથકો, સ્ટેડિયમ, વખારો, ગેસની પાઈપલાઈન, રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાંથી આ રીતે ભાડાની આવક ઊભી કરી રહી છે. સરકારના આ કાર્યક્રમનું નામ જ Asset Monetisation Plan છે. એટલે તેમાં અસ્કામતો કે મિલકતો (properties) વેચવાની નથી પણ મિલકતોનો ઉત્પાદક ઉપયોગ કરવાનો છે એવો સરકારનો દાવો છે. નીતિ આયોગ દ્વારા જે National Monetization Pipelineનો આરંભ કરાયો છે તેના ભાગરૂપે આ કામ થઈ રહ્યું છે.

કેન્દ્ર સરકાર આ મિલકતો સ્વદેશી અને વિદેશી રોકાણકાર કંપનીઓને ભાડે કે ભાડાપટે આપશે એમ કહેવામાં આવે છે. સરકાર તેમ કર્યા પછી તેના પર દેખરેખ પણ રાખશે એમ કહેવામાં આવે છે. દેશની કંપનીઓને આ મિલકતો અપાય ત્યાં સુધી તો સમજ્યા, પણ જો એ વિદેશી કંપનીઓને આપવામાં આવે તો તે આર્ત્મનિભર ભારત ઊભું કરવાની દિશાનું પગલું કેવી રીતે કહેવાય? નાણાં પ્રધાને પોતે જ કહ્યું છે કે વિદેશી રોકાણ પણ આ માટે મેળવવામાં આવશે. એનો અર્થ તો એવો થાય કે દેશની ઘણી સરકારી મિલકતો વિદેશી કંપનીઓના હાથમાં ઓછાવત્તા પ્રમાણમાં જતી રહેશે. આ કંપનીઓ કંઈ દેશની કે દેશના લોકોની સેવા કરવા ભારતમાં આવતી નથી પણ નફો કરવા આવે છે. દેશ આ રીતે આર્થિક રીતે વધુ ગુલામ બની શકે છે.

જો કે, એમ પણ કહેવામાં આવે છે કે સંસ્થાકીય રોકાણકારો એટલે કે ICICI, IDBI, LIC વગેરે જેવી નાણાં સંસ્થાઓ આ નીતિને પરિણામે લાંબા ગાળાનું રોકાણ માળખાગત સવલતો માટે કરશે અને તેમાં કાર્યક્ષમતા પણ આવશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં ૧૨ મંત્રાલયો અને ૨૦ પ્રકારની અસ્કામતો સામેલ છે. રાજ્ય સરકારોને પણ આવા જ કાર્યક્રમ માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપશે. ૨૬ જેટલી રાજ્ય સકારોએ તેને માટે નોડલ એજન્સીની વ્યવસ્થા પણ કરી છે. એમાં માત્ર ભા.જ.પ.ની જ સરકારો છે એવું નથી, પણ કૉન્ગ્રેસ સહિત બધા પક્ષોની રાજ્ય સરકારો છે. જો રાજ્ય સરકાર આ રીતે પોતાની કોઈક મિલકત ખાનગી કંપનીને ભાડે કે ભાડાપટે આપશે તો તેને કેન્દ્ર સરકાર તે રકમના ૩૩ ટકા રકમ પ્રોત્સાહન તરીકે પણ આપશે એમ પણ જણાવવામાં આવે છે. જો કેન્દ્ર સરકાર વિદેશી કંપનીને આ માટે જોતરી શકે તો રાજ્ય સરકારો પણ જોતરી જ શકે. પરંતુ જો કેન્દ્ર સરકાર રૂ. ૬ લાખ કરોડ આ રીતે મિલકતોમાંથી ભેગા કરી શકે તો બધી રાજ્ય સરકારો પણ એટલી રકમ તો ભેગી કરી જ શકે. તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આપવા માટે તેના ૩૩ ટકા જેટલી રકમ એટલે કે બે લાખ કરોડ રૂપિયા ક્યાંથી લાવશે? જે કેન્દ્ર સરકાર – વળતરની રકમ આપવાનાં ધાંધિયા કરે છે એની પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવશે? 

આમેય દેશમાં હાલ ૩,૮૦૦ કરતાં વધુ વિદેશી કંપનીઓ કામ કરે જ છે અને વધુ ને વધુ વિદેશી કંપનીઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વિદેશી રોકાણ આકર્ષવા માટે લાલ જાજમ બિછાવીને બોલાવે જ છે. આમ જુઓ તો આ ધંધો ૧૯૯૧ની કૉન્ગ્રેસી સરકારની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિથી શરૂ થયેલો છે. દેશના રાજકારણનું વધુ ને વધુ કંપનીકારણ થઈ રહ્યું છે કારણ કે સરકારી મિલકતોનું કંપનીકરણ થઈ રહ્યું છે!

આ યોજના માટે નીતિ આયોગ દ્વારા ત્રણ મુદ્દા જણાવવામાં આવે છેઃ (૧) માળખાગત સવલતોના સંચાલન અને કામગીરીમાં ફેરફાર કરવો અને તેની કાર્યક્ષમતા વધારવી તેવો તેનો ઉદ્દેશ છે. (૨) માળખાગત સવલતોમાં મૂડીરોકાણ થાય તે માટે સંસ્થાકીય રોકાણકારો માટે વિકલ્પો ઊભા કરવા. (૩) નાના રોકાણકારો પણ તેમાં રોકાણ કરી શકે તે માટે InvTs (Infrastructure Investment Trusts) નામનાં સાધનો પણ વિકસાવવામાં આવશે.

સરકાર પાસે પૈસા નથી? :

એમ પણ કહેવામાં આવે છે કે સરકારને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્‌સ માટે નાણાં જોઈએ છે તે આ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્‌સ ભાડાપટે આપીને ઊભાં કરવામાં આવશે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્‌સ એટલે એવા પ્રોજેક્ટ્‌સ કે જેમાં બધું કામ નવેસરથી જ કરવાનું હોય. બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્‌સ એટલે એવા પ્રોજેક્ટ્‌સ કે જેમાં હાલ જે માળખાગત બાંધકામ છે તેમાં જ નવું કામ કરવાનું હોય. એનો અર્થ એ થયો કે સરકાર પાસે નવા પ્રોજેક્ટ્‌સ માટે પૈસા છે જ નહિ અથવા તો બહુ જ ઓછા પૈસા છે અને તેથી તે પોતાની મિલકતો ખાનગી કંપનીઓને નિશ્ચિત સમયગાળા માટે આપવા માંગે છે.

આમ જુઓ તો, સરકાર પોતે જ આ મિલકતોનો વિકાસ કરી શકે એમ છે. સરકાર એટલી તો સક્ષમ છે જ. એનું ચાલુ વર્ષનું બજેટ રૂ. ૩૪.૮૩ લાખ કરોડનું છે. આ કામ માટે ખાનગી કંપનીઓની અને તેમાં પણ વિદેશી કંપનીઓની શી આવશ્યકતા છે? સરકાર પાસે જે કંઈ વિકાસ કરવો છે તેને માટે પૈસા ના હોય તો દેશની બેંકો પાસે તા. ૨૬-૦૩-૨૦૨૧ના રોજ રૂ. ૧૫૧ લાખ કરોડની થાપણો છે જ અને સરકાર તે વ્યાજે લઈ શકે છે. વળી, દેશના ૧૦ કરોડ પરિવારો પાસે પણ બેંક બચત છે જ એટલે જો સરકાર ઈચ્છે તો તે વ્યાજે માગી શકે છે. ભલે સરકારનું દેવું વધે, ભારત સરકારના આંતરિક દેવાની ચિંતા કરવાની જરૂર છે જ નહિ. એક જાણીતા અર્થશાસ્ત્રી એ.પી. લર્નર તો કહે જ છે કે “આંતરિક દેવું એ દેવું છે જ નહિ” અને તેથી તેની ચિંતા કરવાની જરૂર પણ નથી. પણ સરકાર એમ કરતી નથી એ બતાવે છે કે સરકારનો ઈરાદો જ ગમે તે ભોગે પોતાની મિલકતોનું ખાનગીકરણ કરવાનો છે. જેમ વધુ વિદેશી કંપનીઓ આવશે તેમ વિદેશી દેવું વધશે એ નક્કી છે. તા. ૩૧-૩-૨૦૨૧ના રોજ ભારતનું વિદેશી દેવું ૫૭૦ અબજ ડોલર હતું કે જે ૨૦૧૯માં ૫૪૩ અબજ ડોલર હતું. વળી, રસપ્રદ બાબત એ પણ  છે કે ૨૦૨૦-૨૧ના બજેટમાં કેન્દ્ર સરકારની કંપનીઓએ રૂ. ૬.૪૫ લાખ કરોડ આપ્યા હતા. એટલે સરકારી કંપનીઓ બિન-ઉત્પાદક છે એવું કહી શકાય તેમ નથી.

શું સરકાર દેવળિયા થઈ ગઈ છે માટે આ મિલકતો હવે વેચવા કે ભાડાપટે આપવા માટે કાઢવામાં આવી છે? કોરોના કાળ દરમ્યાન રાજકોષીય ખાધ ઘણી વધી છે એ એક હકીકત છે. ચાલુ વર્ષે પણ રૂ. ૧૫ લાખ કરોડની રાજકોષીય ખાધ અંદાજવામાં આવી છે કે જે ગયા વર્ષે લગભગ રૂ. ૧૯ લાખ કરોડની હતી તેવો સુધારેલો અંદાજ છે. એટલે સરકારને આ મિલકતોમાંથી નાણાં ઊભાં થાય તો વધુ દેવું લેવું ના પડે એમ બની શકે. પણ ખાધનો તો તે બહુ જ ઓછો હિસ્સો દૂર કરી શકે તેમ છે. એટલે ખાધ દૂર કરવી છે એ તો મિલકતોનું આ રીતે આંશિક ખાનગીકરણ કરવાનું એક બહાનું લાગે છે. સરકારે બજેટમાં આ વર્ષે રૂ. ૧.૭૫ લાખ કરોડની આવક સરકારી કંપનીઓના શેર વેચાણમાંથી થશે એવો અંદાજ મૂકેલો જ છે. સરકારને હજુ વધારે કેટલું વેચવું છે?  

માળખાગત સવલતોમાં શિક્ષણ અને આરોગ્ય ખરું કે નહિ? :

નાણાં પ્રધાન એમ કહી રહ્યાં છે કે દેશમાં જે રૂ. ૧૧૦ લાખ કરોડની માળખાગત સવલતોના વિકાસની યોજના બનાવવામાં આવી છે તેને માટે આ નાણાં ખર્ચવામાં આવશે. આ રકમ રૂ. ૧૦૦ લાખ કરોડની છે એમ હજુ હમણાં જ આઝાદી દિને વડા પ્રધાને તેમના લાલ કિલ્લા પરના ભાષણમાં જાહેર કર્યું હતું. સાચો આંકડો કયો? આ યોજનામાંથી મળનારી રકમ તો કુલ રકમના પાંચ ટકા જેટલી માંડ થાય છે. તો બાકીની રકમ ક્યાંથી આવશે? ભારત સરકારનું ૨૦૨૧-૨૨નું બજેટ તો રૂ. ૩૪.૮૩ લાખ કરોડનું જ છે. એટલે ચાલુ વર્ષ સહિત આગામી બીજાં બે વર્ષનાં બજેટ માત્ર માળખાગત સવલતોના વિકાસ માટે જ વપરાય તો મેળ પડે! એટલે આ રકમ પોતે જ એક જુમલો લાગે છે. વાસ્તવમાં, થોડીક મિલકતો વેચીને કે ૨૫ કે ૫૦ કે ૯૯ વર્ષ જેવા અત્યંત લાંબા ગાળા માટે ભાડાપટે આપીને પૈસા ઊભા કરવામાં આવશે.

માળખાગત સવલતોની વાત કરવામાં આવે છે ત્યારે ટેલિકોમ, રેલવે, રસ્તા અને બંદરો અને વિમાની મથકો વગેરેની જ વાત મોટે ભાગે કરવામાં આવે છે. તેમાં મહદંશે શિક્ષણ અને આરોગ્યની સવલતો વિષેની પ્રાથમિકતા આવતી જ નથી. શું જે રૂ. ૬ લાખ કરોડ ઊભા થશે તેમાંથી દેશની ૬ લાખ શાળાઓને શિક્ષકો સાથે આધુનિક બનાવી શકાય કે નહિ? સરકાર એ માર્ગે વિચારી શકે કે નહિ? એવી એની દાનત છે કે નહિ? સરકારની બજેટની ખાધ આ છ લાખ કરોડ રૂપિયાથી થોડી ઓછી થઈ શકે છે પણ તેથી સામાન્ય લોકોની જિંદગીમાં કશો મોટો તફાવત ઊભો થાય એમ લાગતું નથી.

આ યોજના હેઠળ રસ્તા અને રેલવે વગેરેના કિસ્સામાં જે મિલકતો ભાડે કે ભાડાપટે ખાનગી કંપનીઓને આપવામાં આવે તેમાં તેમનો ઈજારો ઊભો થઈ શકે છે અને તેથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે કારણ કે બજારમાં હરીફાઈનું તત્ત્વ ના હોય તો ગ્રાહકનું શોષણ થાય છે એમ અર્થશાસ્ત્રની સીધી-સાદી માન્યતા છે. આ યોજના માટે કોઈ નિયમનકારી સંસ્થા કે વ્યવસ્થા હજુ સુધી ઊભી કરવામાં આવી નથી અને તે અંગે કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી એ એક હકીકત છે. 

મિલકતના મૂલ્યની આકારણીમાં પારદર્શિતા અને પ્રામાણિકતા :

જે મિલકતો તદ્દન બિન-ઉપજાઉ હોય તે ભાડે કે ભાડાપટે અપાય તો તેની સામે વાંધો ના જ હોઈ શકે. જેમ કે મારી પાસે ચાર રૂમનું ઘર હોય અને તેમાં એક રૂમ બહુ વપરાતો જ ના હોય તો હું એક રૂમ ભાડે આપીને તેમાંથી આવક ઊભી કરું. સરકાર પણ આવું કરે તો કશો વાંધો ના હોય. પરંતુ તે કોને, કયા ભાવે, કેટલા સમયગાળા માટે ભાડે અપાય છે તે મહત્ત્વનું બને છે. તેમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન મિલકતોના મૂલ્યની આકારણીનો છે. રૂ. ૧૦૦ કરોડની મિલકતનું ભાડું રૂ. ૧૦ કરોડ આવી શકે તેમ હોય પણ તે રૂ. બે કરોડના ભાડામાં કોઈક દેશી-વિદેશી કંપનીને ખૂબ લાંબા સમયગાળા માટે પધરાવી દેવામાં આવે એમ પણ બની શકે છે. વ્યૂહાત્મક વેચાણ (strategic sale)ને નામે જ્યારે કેટલીક સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓને આખેઆખી વેચી દેવામાં આવી ત્યારે આવું બન્યું જ હતું તેમ ભારતનો ખાનગીકરણનો ૧૯૯૧ પછીનો તરતનો ઇતિહાસ બોલે છે. એટલે આ વેચાણમાં પારદર્શિતા અને પ્રામાણિકતા કેટલી રહેશે તે મોટો સવાલ છે. આ માટેની કોઈ જ વ્યવસ્થા આખી યોજનામાં ક્યાં ય દેખાતી નથી.

PPP મોડેલમાં પારદર્શિતાનો અભાવ :

સરકાર એમ પણ કહી રહી છે કે તે PPP (Public Private Partnership) એટલે કે જાહેર ખાનગી ભાગીદારીના મોડેલ પર આ મિલકતો ભાડે કે ભાડાપટે આપશે. જે કંપનીઓ આ મિલકતો ભાડે કે ભાડાપટે લેશે તેઓ નફો કરવાના ઈરાદાથી જ લેશે. કોઈ કંપની ટ્રેન ભાડાપટે લેશે તો એ ટ્રેનમાં થતા પ્રવાસનાં ભાડાં વધશે કે નહિ? જે રેલવે સ્ટેશન ખાનગી કંપની લેશે તે કેવી રીતે એમાંથી નફો કમાશે? એ સ્ટેશનના પ્લેટફોર્મ પર મફત પીવાનું પાણી મળશે કે નહિ? એવું જ રસ્તા માટે પણ થશે. ખાનગી બનેલા રસ્તા પર ટોલટેક્સ કેટલો અને કેટલાં વર્ષો સુધી લાગશે? દેશમાં કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે જ્યાં પણ PPP મોડેલ પર મિલકતો ભાડે કે ભાડાપટે આપી છે તે મિલકતો પાછી સરકારને માલિકી ધોરણે મળી હોવાનો કોઈ દાખલો જાણમાં નથી. જેમ કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે. આ એક્સપ્રેસ વે પરનું ભાડું તો વરસોવરસ વધતું જ જાય છે એ એક હકીકત છે. આ એક્સપ્રેસ વે ક્યારે સરકારની માલિકીનો થવાનો છે?

કંપનીઓ સાથેના આવા PPPના કરારોની વિગતો પણ જાહેર કરવામાં આવતી નથી. વળી, સરકાર પાસે માહિતીના અધિકાર હેઠળ અરજી કરીને પણ આવા કરારોની વિગતો માંગવામાં આવે છે ત્યારે તે આપવામાં આવતી નથી. કેટલાને ખબર છે કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે જે કંપનીએ બનાવ્યો છે તે રસ્તો ક્યારે સરકારની માલિકીનો બનશે, તેમાં ભાડું ક્યારે ક્યારે કેટલું વધારી શકાય? એટલે સરકાર જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા વિકાસનું કામ કરે છે ત્યારે તેમાં પારદર્શિતાનો સદંતર અભાવ રહે છે એ એક સામાન્ય અનુભવ રહ્યો છે. વાત સુશાસનની થાય છે પણ એ ક્યાં ય સમ ખાવા પૂરતું પણ સુશાસન નજરે પડતું નથી. શું સરકાર આ આખી યોજનામાં સરકારી મિલકત કોને, કયા ભાવે અને કેટલાં વર્ષ માટે ભાડે કે ભાડાપટે આપવામાં આવી તે જાહેરખબર આપીને જાહેર કરશે ખરી? સ્વપ્રશસ્તિની મસમોટી જાહેરખબરો આપવામાંથી સરકાર નવરી પડે તો જ તેને આ સૂઝે!

મહ્‌ત્ત્વનો મુદ્દો એ પણ છે કે ભા.જ.પ.ના લોકો સતત એમ કહી રહ્યા છે કે છેલ્લાં ૭૦ વર્ષમાં દેશમાં કશું થયું જ નથી. જો ખરેખર થયું જ નથી તો જે મિલકતો ઊભી થઈ છે તે કેવી રીતે થઈ કે આજે વેચવા માટે કાઢવામાં આવી છે? વળી, જ્યારે આ મિલકતો ખાનગી કંપનીઓને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેને માટે કોઈ માપદંડ ઘડવામાં આવ્યો જ નથી અને તેનો શો હેતુ છે તે પણ સ્પષ્ટ નથી. ઉપરાંત, રેલવેની મિલકતો જો ભાડે કે ભાડાપટે આપવાની હોય અને ટ્રેનો કે રેલવે સ્ટેશનો જો ભાડે આપવાનાં હોય તો તે સંબંધમાં રેલવે કર્મચારીઓનાં મંડળો સાથે પણ કોઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી નથી.

સરકારી મિલકત એટલે કયા લોકોની મિલકત? :

યાદ રાખો, આ મિલકતો દેશના લોકોના કરવેરા અને લોકોએ સરકારને આપેલા દેવાંમાંથી ઊભી થઈ છે. સરકારની મિલકત એટલે લોકોની મિલકત. જો સરકાર એ મિલકતો ભાડે કે ભાડાપટે આપે તો લોકોને તે મિલકત મળવી જોઈએ. સરકાર લોકોને આ મિલકત પાછી આપવાના રસ્તા શોધી શકે છે પણ તે શોધતી નથી. સરકાર એમ કહી રહી છે કે જે તે ખરીદાર કંપનીએ જે તે મિલકત અમુક સમય પછી સરકારને પાછી આપવાની રહેશે. જો એમ જ હોય તો એનો સમયગાળો કેટલો રહેશે? જે તે મિલકતને વધુ આધુનિક બનાવવાનું કામ સરકાર પોતે કરી શકે છે, પણ સરકાર એમ સમજે છે કે સરકાર પોતે જ બિન-કાર્યક્ષમ છે, સરકાર નકામી છે!

વાસ્તવમાં, સરકારી મિલકત કોના હાથમાં કયા ભાવે, શા માટે અને કેટલા સમય માટે જાય છે તે વધારે મહત્ત્વનું છે. હા, સરકારે ONGC કે IOC વગેરે જેવી અનેક કંપનીઓના શેર અગાઉ વેચ્યા અને હવે LICના પણ વેચવા જઈ રહી છે. એવું ચોક્કસ કહી શકાય કે સરકારની મિલકત લોકોના હાથમાં જ આવી રહી છે. પણ સવાલ એ છે કે આ લોકો કોણ છે કે જેમના હાથમાં સરકારની આ કંપનીઓના શેર આવ્યા છે? દેશમાં શેર બજારમાં રોકાણ કરનારા સક્રિય લોકોની સંખ્યા ત્રણ કરોડથી વધારે તો નથી જ. શું આ રોકાણકારો દેશના સામાન્ય લોકો છે? સામાન્ય લોકોને તો શેર બજાર શું છે એની ખબર સુદ્ધાં નથી. આ રીતે PPP એ ખરેખર તો ઘણી વાર Public Private Patnership રહેતી નથી પરંતુ Private Private Partnership બની જાય છે. બસ, બરાબર આવું જ આ Asset Monetisationનું પણ થશે જ. સરકારની મિલકત થોડા લોકોની કે થોડી કંપનીઓની ખાનગી મિલકત બની રહી છે અને સરકારની આ યોજનાથી એ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 09-11

Loading

કૃષ્ણના નામે ફરાળી વાતો!

વિજય ભટ્ટ|Opinion - Opinion|1 September 2021

જય  શ્રીકૃષ્ણ!

આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. કૃષ્ણના નામે ઉપદેશ આપવાની સીઝન!!

મને થયું હું કેમ રહી જાઉં, ઉપદેશ આપ્યા વગર? હવે આજે નોમ તો થઈ! માત્ર પાંચ-છ દિવસ બાકી રહ્યા શ્રાવણ ને પૂરો થવામાં. આવી તક છેક હવે વરસ પછી આવશે.

મને પણ બધા જ્ઞાનીમાં ગણે. મને પણ ફોરવર્ડ કરે. મને લાઈક કરે, તેથી થયું આ પ્લેટફોર્મ સારું છે. બધા મિત્રો જ છે. એટલે વાહ વાહ થશે અને નામ થશે! કહ્યું જ છે ને કે અહં બ્રહ્માસ્મિ ! હું જ બ્રહ્મ છું તો પછી બતાવી દઉં મારું જ્ઞાન આજે.

તો ચાલો, હું પણ કૃષ્ણ-જ્ઞાનીઓ શાહ સાહેબ, વસાવડા સાહેબ, ત્રિવેદી સાહેબ, વૈદ સાહેબ અને પેલા જોશી સાહેબની કોમ્પિટિશન કરું. સહેજ કોપી પણ કરું. ઓશોની થાય છે જ ને?

આ તો ભાઈ શ્રાવણ મહિનો છે! જે ફરાળી હોય તે બધું જ  ચાલે!

લ્યો શરૂ કરું મારું લોક-ઉદ્ધારક જ્ઞાન પ્રવચન?

આ સાંભળ્યા પછી હવે તમે જ કહેશો કે “વિજયભાઈ, આ મોંઘા અને વ્યસ્ત સેલિબ્રિટી વક્તાઓને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપી અને બોલાવીએ તેને બદલે તમે એમ જ કરો ને …. તમે તો યુ.એસ.એ.માં જ છો તેથી તમને પોષાય. તમારી જાતે જ તમારી ટિકિટ લઇ ને આવી જાવ અમારા શહેરમાં. અમારામાંથી કોઈ એકના ઘરે પોતાનું સમજીને જ રહેજો, એર-બી-એન-બી કે હોટલમાં રહેવાની જરૂર નથી. અમારા ઘરે શુદ્ધ ગુજરાતી ભોજન અને સાંજે અમારી ક્લબમાં તમારું ભાષણ. ભાષણ પછી તાળીઓ અને ફોટા પડાવીશું. બીજે દિવસે તમને થોડું અમારા શહેરની આજુબાજુ ફેરવીશું. વળી લોકલ ન્યૂઝપેપર, ઇન્ડિયન ટી.વી., ઇન્ડિયન ન્યૂઝપેપર વગેરે જો છાપશે તો તમને એક્સપોઝર પણ મળશે. બીજે કોઈ ફરીથી તમને બોલાવશે, તે નફામાં!"

આમ લ્યો પ્રસ્તાવ મેં જ આપ્યો. આપજો આમન્ત્રણ મને.

ચાલો હવે મારી કૃષ્ણસભર, કૃષ્ણથી તરબોળ, કૃષ્ણ-પ્રેરિત વિદ્વતાનું પ્રદર્શન કરું. આ લ્યો કરું શરૂ? પણ હા એક રાધા-કૃષ્ણનો ફોટો પણ મૂકજો મારી પાછળ. હં!  વળી હું તો હીંચકા ઉપર બેસીને જ બોલીશ, જેથી વીડિયો સારો લાગે. બાજુમાં સરસ કૃષ્ણની મૂર્તિ, સાથે એક મોર પીંછનો ફોટો રાખજો. પાછળ મોટા સાહિત્યિક વડીલોના ફોટા અને પેલા એવોર્ડ્સનું કાચનું કબાટ પણ સરસ લાગશે,  કેમ?

ઓકે! તો આઈ એમ રેડી!

રમેશ, કેમેરા બરોબર સેટ કર આઈ-ફોન નો. અને હા, પેલો મારા ઝભ્ભા પરનો પિતામ્બર કલરનો ખેસ લાવો ને. સાહિત્ય કે સંગીતના કાર્યક્રમમાં ગાયકો અને સંચાલકો હંમેશાં સરસ અને પ્રસંગને અનુરૂપ ખેસ પહેરે છે એવો જ!

વળી, પેલા બીજા ભાઈ તો હવે કાનમાં નાનું કુંડળ પણ પહેરે છે. અને નાની ચોટલી પણ સરસ રાખે છે, પણ મારી પત્ની મને એ નહીં કરવા દે. જવા દો!

હા, તો આપણે ક્યાં હતા? હા, આઈફોનનો કેમેરા .. – હા એક જ સ્ટેન્ડ પર ના મુકીશ, રમેશ. થોડો આમ તેમ ફેરવજે. મારો ક્લોસ અપ પણ લેવાય ને. અને જો પિચ્ચર ઈન પિચ્ચર હોય તો તો કૃષ્ણનો ફોટો હંમેશાં મારા ચહેરાની ઉપરની બાજુ આવે એમ ગોઠવજે.

લ્યો, આ ખેસ પણ આવી ગયો! હવે શ્રીમતીજી એક કપ ચા આપે એટલે મારું ઐતિહાસિક ઉપદેશાત્મક કૃષ્ણ-સમર્પિત જ્ઞાન હું  ઉચરીશ!

અરે એક વાત તો રહી ગયી, આ યુટ્યૂબ ઉપર મુકાશે ને? વધારે લોકોને લાભ મળે ને! બિચારાઓનું ભલું થાય એમ જ મારો ઉદ્દેશ છે!

ચાલો હવે શરૂ કરું? ઓકે! સાઇલન્સ, કેમેરા, એક્શન!

કૃષ્ણ એટલે કૃષ્ણ ! જે રાધા સમું કૃષ્ણમય તે બધું જ કૃષ્ણ ! હું, મારું અસ્તિત્વ, મારું હોવાપણું, મારાં શ્વાસ, મારું જીવન એટલે કૃષ્ણ જ! હું જે પાણી પીવું છું તેને હું જમનાનું જળ ગણું .બસ તમે પણ ધારો કે તમે રાધા છો, તમે ગોવાળ છો, તમે ગોપી છો … પછી કૃષ્ણ આપોઆપ તમારી સમક્ષ પ્રગટ થશે.

કટ! એ રમેશ, તું યાર કેમેરા ક્યારેનો ખાલી પકડી ને ઊભો છે, થોડો ક્લોસપ લે. મારા એક્સપ્રેશન આવે. આગળ ચાલવું? હા, ઓકે.

એક વાર તમે કૃષ્ણમય થયા પછી તમને સર્વત્ર વાંસળી જ સંભળાશે. બધે જ કૃષ્ણ સાથે રાસલીલા કરશો, અરે, હશો વઢવાણમાં  પણ વૃંદાવનમાં છો એમ જ લાગશે! રણ લીલાં છમ લાગશે, વિચારોમાં વૃંદાવન આવશે, ગીતમાંથી ગોકુળ ગૂંજશે, ભૂલકાંઓનાં વાળમાં મોરપીંછ દેખાશે, અરે તમને તમારા પટાવાળા મગન ભાઈમાં માધવના દર્શન થશે!  બધું જ કૃષ્ણપૂર્વક થશે.  

તમને પેલા ગુજરાતી કવિઓ શ્રી સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર થી માંડી ને આજકાલના બધા જ કવિઓના કૃષ્ણગીતો આત્મસાત થશે. પછી તો તમે પોતે જ રાધા અને તમે જ પોતે કૃષ્ણ એવી કૃષ્ણસભર લાગણી તદ્દન સહજ! દ્વૈત અને અદ્વૈત બધું જ તમારામાં !  જરા પ્રયત્ન તો કરો, મિત્રો, કૃષ્ણ તમને ગેંડીદડો રમવા બોલાવે છે … તમે ક્રિકેટનું બેટ લઇને ન જાવ પણ હૃદય નો દડો કૃષ્ણને  ધારો!

પત્ની બોલી:

“કટ! .. કટ !..  કહું છું, ખરાબ ન લગાડતા, પણ મારે તો સાચું કહેવું જ પડે, નહીં તો બહારના લોકો હસશે.

 તમારી  એક પણ વાતમાં મને જરા પણ સમજણ ના પડી. વળી એમ થયું કે મારે ખરેખર કરવાનું શું? કેવી રીતે કૃષ્ણમય થવાય? કૃષ્ણપ્રેરિત એટલે? કૃષ્ણપૂર્વક એટલે શું? કૃષ્ણ સમર્પિત એટલે? મને તો મારાં ફુઆ કૃષ્ણકાન્ત ફુઆ જ યાદ આવ્યા. બધું જ ઉપરથી ગયું, પણ એમ લાગ્યું તમે બહુ સરસ શબ્દો બોલ્યા, પણ અર્થ કૈં જ ના સમજાયો. મારે કરવા નું શું? સમજવાનું શું? "

અરે ગાંડી! યાર! એ જ તો મઝા છે આ કૃષ્ણ-ફરાળી વાતોની! આ તો માત્ર વાણી વિલાસ છે.

કશો મતલબ કે સમજણની વાત હોત તો હું ભૂગોળ ઉપર ભાષણ ન કરત?

આ તો કૃષ્ણની વાત છે કૃષ્ણની. કહેવાતા જ્ઞાનીઓ એને અઘરી કરી કરીને આ રોતે લોકોને સમજાવ્યા કરે છે, પણ તેમાં સમજવાનું કે કરવાનું કશું હોતું જ નથી. કૃષ્ણની વાતોના  રૂપકો અને શબ્દોનાં ગતકડાં, વિરોધાભાસવાળા શબ્દો એક બીજાની બાજુમાં મુકીએ એટલે કૈંક નવું, ન સમજણ પડે તેવું લાગે તેથી જે લોકો પોતાને ઇન્ટેલેક્ટયુઅલ ગણતા હોય તેમને થાય કે સાલી સમજણ નથી પડતી પણ કૈંકે સારું જ હોય તેમ લાગે છે, માટે હશે જ, અને આપણને ગમે છે એમ કહો. એટલે લોકો પણ ખુશ અને જ્ઞાનીઓ પોતે પણ ખુશ કે 'કેવી આધ્યાત્મિક, સાહિત્યિક અને કલાત્મક રજૂઆત! બતાવી આપ્યું કે જ્ઞાની છીએ! અધ્યાત્મનાં નામે મનોરંજન.

થોડી લાઈક મળે, થોડી વાહ વાહની કૉમેન્ટ્સ મળે, થોડા અંગત મિત્રો, કે જેમને મેં પહેલાં નવાજ્યા હોય, તેઓ થોડું સરસ લખે મારા માટે … એટલે આપણું કામ પત્યું!  
અહો રૂપમ્મ્‌ અહો ધ્વનિ!

મને આવડી ગયું છે હવે. દરેક વાર-તહેવાર અને ઉત્સવ આવે એટલે મોટી મોટી આદ્યાત્મિક વાત કરીને લોકોને આંજી નાંખીશ મારાં વાણીવિલાસથી.  
હિન્દુસ્તાનમાં કેટલા બધા બાવાઓ, એક્ટરો, સેલીબ્રીટીસ અને એન્ટરટ્રેનર  છે? 
સાલું .. બધાનું ચાલે છે! તો મારું પણ ચાલશે!

કૃષ્ણના નામની બધી જ ફરાળી વાતો ચાલે, ભલે પચે નહીં!


જય શ્રીકૃષ્ણ!

e.mail : vijaybhatt01@gmail.com

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (5)

સુમન શાહ|Opinion - Literature|1 September 2021

(અનેક મિત્રોના સૂચનને વશ થઈ હવેથી દરેક લેખમાં એક જ મન્તવ્ય રજૂ કરીશ.)

ટૂંકીવાર્તામાં શું શું હોવું જોઇએ એ અંગે જાત જાતની વાતો અને સલાહો સાંભળવા મળે છે.

જેમ કે, “ચેખવ’સ ગન”-ની વાત. જેમ કે, ’પ્રૅગ્નન્ટ મૉમેન્ટ’-ની વાત. જેમ કે, ટૂંકીવાર્તામાં ટેલિગ્રામના તાર જેવી ‘બ્રીફનેસ’ હોવી જોઇએ. જેમ કે, ટૂંકીવાર્તામાં ‘એપિક ટેનર’ હોવી જોઇએ. જેમ કે, વાર્તાકાર મિત્રોને હું સલાહ આપતો હોઉં છું કે જીવનની નકલ નહીં પણ જીવનનો પીછો કરો, પછી શું કરવું તે માટે પોતાની સર્જકતાને પૂછો. વગરે વગેરે.

પણ ફોડ પાડીને કોઇ ભાગ્યે જ સમજાવે છે, એવી પૂર્વધારણાને કારણે, કે વાર્તાકારો બધું સમજે છે. પણ કોઈ કોઇ વાર્તાકારો સમજવા માગતા જ નથી, એમને એમ હોય છે કે – મારે સલાહની ક્યાં જરૂર છે, મારું તો વરસોથી સરસ મજાનું ચાલે છે.

આમ, આવી સલાહો નહીં વપરાયેલાં અથવા ઓછાં વપરાયેલાં શસ્ત્રોની જેમ આપણા વિવેચનસાહિત્યમાં પડી રહી છે. કોઈકે સમીક્ષા કરવી જોઈશે કે આવુંતેવું અતિ ઉપયોગી છે છતાં કયાં કારણોથી આપણે ત્યાં અધબોબડું રહી ગયું છે.

આજે, ચેખવ’સ ગન વિશે કહું :

૧૨ : ટૂંકીવાર્તામાં ચેખવ’સ ગન :

ચેખવે કથાલેખકને સલાહ આપેલી કે જો તમે પહેલા પ્રકરણમાં એમ બતાવો કે દીવાલ પર બંદૂક લટકે છે, તો બીજા કે ત્રીજા પ્રકરણમાં એ ફૂટવી જોઈએ. જો ફૂટવાની ન હોય તો એને લાવશો જ નહીં. નાટક માટે પણ કહેવાવા લાગ્યું કે પહેલા અંકમાં બંદૂકને દીવાલ પર બતાવી હોય તો બીજા કે ત્રીજા અંકમાં એ ફૂટવી જોઈએ.

મતલબ એટલો જ છે કે વાર્તાની કોઈપણ વીગત ફન્કશનલ હોવી જોઈશે – એટલે કે બંદૂક ફૂટે એમ એ વીગતે પોતાનું કામ કરવું જોઈશે. નહિતર એ વીગત ન લાવો. કશું પણ, કામ વગરનું નહીં ચાલે; ઘુસાડશો, તો દેખાડો લાગશે. પ્રત્યેક એકમ અખિલનો અંશ હોવો જોઈશે. વાર્તાકારે ઉચિત શબ્દ પર ઉચિત શબ્દ જોડીને વાર્તાની ઇમારત ચણવાની હોય છે. અપ્રસ્તુત, ફાલતુ વસ્તુ ન લાવો, માત્ર અને માત્ર અનિવાર્ય હોય એને જ લાવો. નહિતર, ઇમારતનો વિકાસ નહીં થાય, વાર્તામાં ઝોલ પડી જશે, વાચકો કંટાળશે. અનિવાર્ય જ કારગત નીવડશે. વસ્તુગુમ્ફનમાં કે પાત્રના આલેખનમાં બિનજરૂરી વીગતો લાવશો તો સમય-વ્યય સિવાય જુદું કશું થાય નહીં. નાની કે મોટી અનિવાર્ય વીગત જ વાર્તાના વિકાસમાં ઉપકારક પુરવાર થાય છે. એથી વાર્તા સર્વથા સુસંગત અનુભવાય છે.

વાર્તા કલાસૌન્દર્ય માટે છે. સૌન્દર્યને સુસંગતિ ખપે છે. મધ્યકાલીન કવિઓ સુન્દરીને વર્ણવવા ‘ગ્રીવા કપોત સરીખડી’-થી માંડીને એનાં અંગાંગને વર્ણવવા ઉપમાનો પર ઉપમાનો ખડક્યે જતા. એવો ‘કવિસમય’ હતો – ધાટી, પ્રથા. આપણો શામળ ભટ્ટ ‘નંદબત્રીસી’-માં રાજાએ ‘બેઠી દીઠી ત્યાં કામિની, એવી નહિ ભૂતળ ભામિની’-થી શરૂ કરીને, એને ગજગામિની તો કહે છે, પણ એના મુખને પૂનમનો ચન્દ્ર, નયનના આકારને અંબુજદલ, કટિના લાંકને સિંહાકાર તથા પાયને પોયણપાન સરીખા ને એની શ્રીકાયને કરેણકાંબ સરીખી કહે છે. ઉપમાનો સારાં, પણ સુસંગત નથી. એક જ સુન્દરીનું દરેક અંગ આવું ‘રૂપાળું’ હોય તો એ કેવી લાગે? એ ઉપમાનોથી સૌન્દર્યઘાતક વિસંગતિ અનુભવાય છે.

પ્રદ્યુમ્ન તન્નાએ એ મધ્યકાલીન સુન્દરીને, એક જ સુન્દરીના દેહને, એવાં બધાં ઉપમાનો સાથે ચીતરી બતાવેલી – ભયાનક દેખાતી’તી. એ ચિત્ર બચુભાઈએ ‘કુમાર’માં છાપેલું એમ યાદ આવે છે.

Picture Courtesy : TARDISLOCK – wordpress.co

સંસ્કારનગરી વડોદરામાં, પાંત્રીસેક વર્ષ પહેલાં, દર વર્ષે એકાંકી નાટ્યસ્પર્ધાનું સપ્તાહ ઉજવાતું હતું. રોજનાં ચાર કે પાંચ એકાંકી ભજવાય ને છેલ્લે દિવસે નિર્ણયો જાહેર થાય. એમાં મારે ત્રણ-ચાર વાર બે નિર્ણાયકો ઉપરાન્તના ત્રીજા નિર્ણાયક રૂપે જવાનું થયેલું. એક એકાંકીમાં ઑફિસનું દૃશ્ય હતું. ટેબલ પર ફાઇલો વગેરે હોય તે તો બરાબર પણ એના મોટા મોટા થોકડા ગોઠવેલા. પોતે બરાબર દેખાય તે માટે સાહેબ એને ખસેડ્યા કરતા’તા. લાલ, વાદળી ને કાળો એમ ત્રણ ત્રણ ફોન ગોઠવેલા. પ્યૂનને બોલાવવા માટેના બે બેલ રાખેલા – બન્નેના આકાર અલગ. પાત્રે ડોરબેલ વગાડીને દાખલ થવાનું. શી જરૂર? ઘર થોડું હતું? કારણ વગરનો આ ભભકો ચાડી ખાતો’તો કે દિગદર્શક પ્રૉપનો ઠઠાડો કરે છે પણ કલામાં નથી સમજતો. અમે નિર્ણાયકો મશ્કરી કરતા કે આમાં ફોનના અને બેલના કોઈ વેપારીઓને સંડોવ્યા હશે …

મજાની વાત એ છે કે ચેખવ’સ ગન વિશે વીસેક મિનિટની ફિલ્મ બની છે – ચેખવની એ સલાહનું પિક્ચરાઈઝેશન. એમાં એક પાત્ર ગન શોધી લાવે છે ને એ ફૂટે ત્યાં લગી મંડ્યો રહે છે. ફિલ્મ એક ક્વોટ છે, ક્વોટમાં પાત્રચેખવ બંદૂક ફોડવા આડો મરડાય છે, બીજાં પાત્રો એમાં સહાયક પ્રૉપ્સની ભૂમિકા ભજવે છે.

આમ તો, ચેખવ’સ ગનની વાત કોઈ પણ કલાસર્જનને લાગુ પડે છે. કેમ કે કલા, ન તો અલ્પોક્તિ સહી લે છે, ન તો અતિશયોક્તિ. ગઝલના સર્જકને રદીફ-કાફિયાનો મોટો હારડો સૂઝી શકે, પણ, એથી કરીને એ શેઅર પર શેઅર ઠોક્યે રાખે, તે કેમ ચાલે? આલાપમાં સૂરને અનાવશ્યકપણે લંબાવનારો ગાયક આપણને ચીડવે છે. એનો એ ચાળો આગળના ગાયનને વણસાડી મૂકે છે. કલામાં કશું પણ પ્રદર્શાનાર્થે નથી નભતું. ઊલટાનું એ એમ દર્શાવે છે કે તમે રાચો છો, અણઘડ છો, કલાકાર નથી.

= = =

(September 1, 2021: USA)

Loading

...102030...1,8341,8351,8361,837...1,8401,8501,860...

Search by

Opinion

  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત
  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved