Opinion Magazine
Number of visits: 9674844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—107

દીપક મહેતા|Opinion - Opinion|7 August 2021

અંધેરીમાં આવેલી સાડા છ કરોડ વરસ જૂની ટેકરી

૫૦૦ વરસ જૂનું ચર્ચ, ૨૨૦૦ વરસ જૂની ગુફાઓ

૧૯૭૭ની એક ચાંદની રાતે ચર્ચમાં ભૂતનો પરચો?

૧૯૭૭ના વરસની એક ચાંદનીએ ચીતરેલી મધરાત. આવે અસૂરે ટાણે પણ અંધેરી ઇસ્ટમાં આવેલી સેન્ટ જોન્સ બાપ્તિસ્ટ ચર્ચમાં ઘણા બધા ખ્રિસ્તી આસ્થાળુઓ ભેગા થયા છે. લોકો કહે છે કે આ ચર્ચમાં તો ભૂતનો વાસ છે. એટલે કોઈ અહીં ભાગ્યે જ આવે છે. પણ ચર્ચના પાદરીએ નક્કી કર્યું છે કે આજની રાતે ભૂત, પલિત, ચુડેલ, જે કોઈ હોય તેને ભગાડવું છે. પાદરી પવિત્ર બાઈબલમાંથી વાંચવાનું શરૂ કરે છે. હજી માંડ બે-પાંચ લીટી વાંચી હશે ત્યાં તો કોઈનું અટ્ટહાસ્ય સંભળાય છે. અને એ પણ કેવું? જાણે કોઈ પાગલ માણસ કરતો હોય તેવું. પછી બે-ચાર પળની શાંતિ. આસ્થાળુઓને હાશકારો થાય તે પહેલાં તો સંભળાય છે હૃદયદ્રાવક રુદન. થોડી વાર પછી રુદન પણ શમી ગયું. પણ એ જ વખતે ચર્ચ નજીક આવેલા તળાવમાં જાણે ભેખડો ધસી પડતી હોય એવો અવાજ આવ્યો. હવે અહીં રોકાવાની કોઈની હિંમત નહોતી. પાદરી સુધ્ધાં સૌ દોડીને બહાર નીકળી ગયાં. કોનું હતું એ હાસ્ય? કોનું હતું એ રુદન? કોની હતી એ ચીસ? પાદરીએ પછીથી કેટલાક શ્રધાળુને કહ્યું કે એક નવપરિણીત યુવતીની રૂહ હજી અહીં ભટકી રહી છે તેનાં હતાં એ હાસ્ય, રુદન, ચીસ. આશરે ૩૦૦ વરસ પહેલાં એ યુવતીનું અહીં મોત નિપજ્યું હતું. આપઘાત? ખૂન? અકસ્માત? ખબર નથી. બીજે દિવસે સવારે ચોકીદારે જોયું કે તળાવમાંની બધી માછલીઓ મરી ગઈ છે, અને સપાટી પર તરી રહી છે. આજે હવે એ ચર્ચ ખંડિયેર બની ગયું છે. સહેલાણીઓ પણ ભાગ્યે જ ત્યાં જાય છે. થોડે દૂર નવું ચર્ચ પણ બંધાઈ ગયું છે. અલબત્ત, ભૂતમાં માનવું, ન માનવું એ દરેક વ્યક્તિની મુનસફીની વાત છે.

સેન્ટ જોન્સ બાપ્તિસ્ટ ચર્ચ

આ ચર્ચ ફાધર મેન્યુઅલ ગોમ્સે બંધાવેલું, ૧૫૭૯માં. આ ફાધર ‘એપોસ્ટલ ઓફ સાલસેટ’ તરીકે ઓળખાતા. કોન્ડિટા નામના ગામડાની ટેકરાળ જમીન પર તેમણે આ ચર્ચ બંધાવેલું. આ ચર્ચ ડેડીકેટ કરેલું સેન્ટ જોન ધ બાપ્તિસ્ટને. પણ ૧૮૪૦માં એ ગામડામાં કોઈ અજાણ્યો જીવલેણ રોગ ફેલાયો. ત્યારે ચર્ચને નજીકના મરોલ ખાતે ખસેડવામાં આવ્યું. કોન્ડિટાનું ચર્ચ ખંડિયેર થતું ચાલ્યું. દિવાલો ધરાશાયી થઈ. ઊભા રહ્યા માત્ર ત્રણ દરવાજા. ભલે બિસ્માર હાલતમાં, પણ આજે ય ઊભા છે. પહેલાં દર વરસે એક વાર, મે મહિનામાં શ્રદ્ધાળુઓ અહીં આવતા. પણ પછી ચર્ચની આસપાસની બધી જમીન સરકારે સિપ્ઝ માટે લઈ લીધી ત્યારથી વરસે એક વાર આવવાનું પણ બંધ થયું. પણ સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને વશ થઈને ૨૦૦૩માં સરકારે એ જમીન ચર્ચને પાછી સોંપી. છતાં સલામતી ખાતર આ ચર્ચમાં કોઈને જવા દેવામાં આવતા નથી. વરસમાં માત્ર એક જ વખત, મે મહિનાના બીજા શનિવારે તે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે.

પાંચ સો વરસ જૂનાં ચર્ચની વિદાય લઈને હવે જઈએ ૨૧૦૦ વરસ જૂની ગુફાઓ જોવા. જ્યાં ‘બુદ્ધં સરણમ્ ગચ્છામિ’ મંત્ર સતત ગુંજતો રહેતો હતો તે અંધેરીની મહાકાળી ગુફાઓ. પણ આ અંધેરી નામ પડ્યું શા માટે? કેટલાક કહે છે કે દિવસે પણ જ્યાં અંધારું રહેતું એવું ગાઢ જંગલ અહીં હતું એટલે નામ પડ્યું અંધેરી. પણ ના. છેક ૧૪મી સદીમાં મરાઠીમાં ‘મહિકાવતીચી બખર’ નામનો ગ્રંથ કેશવાચાર્યે લખ્યો છે. બખર કહેતાં તવારીખનો પ્રકાર મરાઠીમાં સારો એવો ખેડાયો છે. આ ગ્રંથમાં મહિકાવતી અને તેની આસપાસના વિસ્તાર વિષે પુષ્કળ માહિતી મળે છે. આ મહિકાવતી નગરી ક્યાં આવેલી એ અંગે જાણકારોમાં મતભેદ છે. પહેલાં કેટલાક કહેતા કે આ મહિકાવતી તે મુંબઈનું એક પરું માહિમ. ના. આ મહિકાવતી તે થાણે જિલ્લામાં આવેલું માહિમ. એ કેળવે-માહિમ તરીકે પણ ઓળખાય છે. ઈ.સ. ૧૧૪૧ના અરસામાં બિંબ વંશની એ રાજધાની. એટલે એનું બીજું નામ બિંબસ્થાન. આ વિસ્તારનાં ૧૬૮ જેટલાં સ્થળ નામો વિષે આ ગ્રંથમાંથી માહિતી મળે છે. આપણે અત્યારે જે વિસ્તારમાં ફરી રહ્યાં છીએ તેનાં કેટલાંક નામ અહીં જોવા મળે છે, જેમ કે: યેસાવં (વેસાવે, વર્સોવા), આંબોલી, ઈળે (ઈર્લા), પાટળે (પાર્લે), ખારી (ખાર), દાંડે, જુહૂં, વગેરે. તેમાંનું એક નામ છે આંધેરી. આ વિસ્તારનાં ઘણાં નામ ત્યાંનાં ટેકરી કે ડુંગર પરથી પડ્યાં છે. જેમ કે કન્હેરી (કૃષ્ણગિરિ), ડોંગરી, પહાડ (ગોરેગાંવ નજીક), વગેરે. આ આંધેરી નામ પણ પડ્યું ત્યાંની એક ટેકરી પરથી. ટેકરીની ઊંચાઈ ૨૫૦ ફૂટ કરતાં થોડી ઓછી. છતાં આખા વિસ્તારનું નામ તેના પરથી પડે એવું તે શું છે ત્યાં? આજે જે મહાકાળી ગુફાઓ તરીકે ઓળખાય છે એ ગુફાઓ આ ટેકરી પર આવેલી છે, આજના અંધેરી ઇસ્ટમાં. અગાઉ અંગ્રેજ સંશોધકોએ એને કોન્ડીવટી ગુફાઓ તરીકે ઓળખાવેલી. કારણ એ નામના ગામડા નજીક એ આવેલી છે. કુલ ૧૯ ગુફા. તેમાંની ૧૫ એ ટેકરીની આગ્નેય (સાઉથ-ઇસ્ટ) બાજુએ આવેલી છે અને ચાર વાયવ્ય (નોર્થ-વેસ્ટ) દિશામાં આવેલી છે. આ ગુફાઓ ઈ.સ. પૂર્વે પહેલી સદીથી માંડીને ઈ.સ.ની છઠ્ઠી સદી સુધીમાં ટેકરીના પથ્થર કોતરી કોતરીને બનાવેલી છે. તેમાં ૯ નંબરની ગુફા સૌથી મોટી છે. તેમાં બુદ્ધની સાત પ્રતિમા ઉપરાંત બૌદ્ધ દંતથાઓનાં કેટલાંક પાત્રોની આકૃતિઓ કોતરી છે. આ ઉપરાંત ઘણી ગુફામાં પાલી ભાષામાં લખાણ કોતરેલાં છે. ૧,૨,૩ નંબરની ગુફાઓ એકબીજી સાથે જોડાયેલી છે. વચલી મોટી ગુફાની બે બાજુ એક-એક નાની ગુફા છે. વચલી ગુફામાં સ્તૂપ છે. ચાર નંબરની ગુફા ‘વિહાર ગુફા’ એટલે કે બુદ્ધ સાધુને રહેવા માટેની ગુફા છે. તેમાં નાની નાની ઓરડી બનાવેલી છે અને વચમાં સભાખંડ (હોલ) છે. પાંચ નંબરની ગુફા ચૈત્ય ગુફા છે અને આ સમૂહની સૌથી મહત્ત્વની અને સૌથી જૂની ગુફા છે.

મહાકાળી ગુફા, નંબર ૧,૨,૩

એક જમાનામાં મુંબઈની આસપાસના વિસ્તારમાં બૌદ્ધ ધર્મની સારી એવી બોલબાલા હોવી જોઈએ. કારણ પશ્ચિમ ભારતમાં આજે જે બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે તેમાંની ઘણી મુંબઈની આસપાસ આવેલી છે. સૌથી વધુ જાણીતી એલિફન્ટા કે ઘારાપુરીની ગુફાઓ. પછી કન્હેરી કે કૃષ્ણગિરિની ગુફાઓ, જોગેશ્વરીની ગુફાઓ, બોરીવાલી નજીક મંડપેશ્વરની ગુફાઓ. સદીઓ સુધી આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મની બોલબાલા રહી, પણ પછી ધીમે ધીમે પશ્ચિમ ભારતમાં એ ધર્મનો અસ્ત થયો. આ બધી ગુફાઓમાંથી કન્હેરી ગુફાઓમાં ઈ.સ. ૯૯૯ના ડિસેમ્બરની બીજી તારીખે સહેલાણીઓ તરીકે ૧૭ પારસીઓએ પગ મૂક્યો હતો. મુંબઈની ધરતી પર પડેલા આ પારસીઓનાં પહેલવહેલાં પગલાં. તેમણે પોતાનાં નામ એક ગુફાની દિવાલ પર પહેલવી ભાષામાં કોતર્યાં છે. પણ આનો અર્થ એ થયો કે ત્યાં સુધીમાં એ ગુફાઓ બૌદ્ધ સાધુઓ દ્વારા વપરાતી બંધ થઈ ચૂકી હતી અને સહેલાણીઓની મુલાકાત માટેનું એક સ્થળ બની રહી હતી. મહાકાલીની ગુફાઓની સ્થિતિ પણ એ અરસામાં આવી જ હોવાનો સંભવ છે. અને છતાં, આંખો બંધ કરીને, મનને શાંત કરીને સાંભળશો તો તમને દૂર દૂરથી આવતો હોય એવો ઘોષ કાને પડશે : બુદ્ધમ્ શરણમ્ ગચ્છમિ. 

ગિલબર્ટ હિલ, ૧૯મી સદીમાં

પણ પાંચ સો વરસ જૂનું ચર્ચ કે ૨૧૦૦ વરસ જૂની ગુફાઓ જેની આગળ નાનું બચ્ચું લાગે એવી એક જગ્યા છે અંધેરીમાં. પણ એ માટે આપણે અંધેરી ઇસ્ટથી અંધેરી વેસ્ટ જવું પડશે. આખી દુનિયામાં આવી બીજી બે જ જગ્યા છે. એ જગ્યા આજથી ૬ કરોડ ૬૦ લાખ (બે-પાંચ લાખ વરસની ભૂલચૂક લેવીદેવી) વરસ પહેલાં અસ્તિત્વમાં આવી, આપણા અંધેરીમાં! ત્યારે આપણી આ દુનિયામાં નહોતું માણસ જાતનું અસ્તિત્ત્વ, કે નહોતું આજના ભારત દેશનું અસ્તિત્વ. ત્યારે પૃથ્વી પર ડાયનોસોર અને એવાં બીજાં પ્રાણીઓ હરતાં-ફરતાં. ભારત એ દરિયામાં તરતો – હા, તરતો – એક ટાપુ હતો. એવે વખતે કોઈ વિશાળ જ્વાલામુખી ફાટ્યો અને એના લાવારસમાંથી બની એક ૨૦૦ ફૂટ ઊંચી ટેકરી, જે આજે ગિલ્બર્ટ હિલ તરીકે ઓળખાય છે. ગ્રોવ કાર્લ ગિલ્બર્ટ નામના ભૂસ્તરશાસ્ત્રીના નામ પરથી આ નામ પડ્યું છે. આવી બીજી ટેકરી છે અમેરિકાના કેલિફોર્નિયામાં, જે ‘ડેવિલ્સ પોસ્ટપાઈલ’ તરીકે ઓળખાય છે. ત્રીજી ટેકરી છે અમેરિકાના જ વ્યોમિંગ રાજ્યમાં જે ‘ડેવિલ્સ ટાવર’ તરીકે ઓળખાય છે. અમેરિકન સરકારે આ બંનેને ‘નેશનલ મોન્યુમેન્ટ’ જાહેર કર્યાં છે અને તેની જાળવણી પાછળ દર વરસે પુષ્કળ ખરચ કરે છે. બંનેને ઊની આંચ ન આવે એવી રીતે સહેલાણીઓ એ જોવા-ચડવા જઈ શકે એવી વ્યવસ્થા કરી છે. એટલે ખરચની સામે આવક પણ થાય છે.

ગિલબર્ટ હિલ, આજે

આપણો આ ગિલ્બર્ટ હિલ બચાડો છે માત્ર ‘ગ્રેડ ટુ મોન્યુમેન્ટ’. અને તે ય કહેવા પૂરતો. બાંધકામ કરનારાઓ તેના મજબૂત પથ્થર તોડી તોડીને લઈ ગયા છે. ટેકરીને મથાળે મંદિર છે એટલે લોકોનો સતત આવરો-જાવરો રહે છે. એટલે જ્યાં જુઓ ત્યાં કચરો. મંદિર સુધી જવાનાં પગથિયાં ઘસાઈ કે તૂટી જાય ત્યારે સિમેન્ટ, ચૂનો, લાદીઓ, જે હાથ આવ્યું તેનાથી સમારાઈ જાય. અને સૌથી વધુ તો એની અડખે પડખે ઊંચાં ઊંચાં મકાનો બંધાઈ ગયાં છે. એટલે તમે સાવ નજીક જાવ નહિ ત્યાં સુધી ગિલ્બર્ટ હિલ કદાચ તમને દેખાય પણ નહિ! પણ આવું તો ક્યાં ક્યાં નથી, આપણા દેશમાં! એનો હરખશોક શો કરવો!

બસ, બૂમો પાડી પાડીને દુનિયાને કહેવું : ‘મેરા ભારત મહાન!’

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 07 ઑગસ્ટ 2021

Loading

ભણવા કરતાં પણ પ્રવેશ મેળવવો અને પરીક્ષા આપવી એટલો જ અર્થ શિક્ષણનો બચ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 August 2021

અપવાદો હશે જ, પણ એક સમયે મોટે ભાગની શાળા-કોલેજોમાં 15 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ જ જતું અને દિવાળીની આસપાસ એ સત્ર પૂરું પણ થતું. એવું જ બીજા સત્રમાં ફેબ્રુઆરી-માર્ચ સુધી શિક્ષણ કાર્ય ચાલતું ને માર્ચ- એપ્રિલ પરીક્ષામાં જતો. લગભગ બધી સ્કૂલો-યુનિવર્સિટીઓ એ પ્રમાણે પરીક્ષાનું શિડ્યુયલ ગોઠવતી ને વિદ્યાર્થીઓ તેને અનુસરતા. આજે એ વ્યવસ્થા લગભગ પડી ભાંગી છે. કોરોનાએ દોઢ વર્ષ શિક્ષણનું બગાડયું છે અને ઓગસ્ટનું સપ્તાહ થવા આવ્યું છે, છતાં પ્રવેશ અને પરીક્ષાઓનું ઠેકાણું પડતું નથી. નવી શિક્ષા નીતિ લાગુ કરી દેવાઈ છે ને એમાં ઘણું બધું સારું હોવા છતાં તે હાલના સંજોગોમાં લાગુ થાય એમ નથી ને ધારો કે લાગુ થાય તો પણ તેની અસરકારકતા ન જણાય તેવી સ્થિતિ છે. ગયે વર્ષે ઓનલાઈન શિક્ષણ લાગુ કરવું જ પડે એમ હતું, પણ તે બધે લાગુ થઈ શક્યું નથી. ભણવા – ભણાવવા કરતાં વિદ્યાર્થીઓ ને સ્કૂલો પરીક્ષામાં વધુ વ્યસ્ત રહ્યાં છે. પરીક્ષાઓ લગભગ ઓપન બુક એક્ઝામ જેવી રહી છે ને બોર્ડ દ્વારા તો પરીક્ષાઓ જ નથી લેવાઈ, છતાં તેના એ1, એ2 ગ્રેડ અપાયાં છે. સી.બી.એસ.ઈ.નાં એક પરિણામમાં તો 500માંથી 498 ગુણ અપાયા છે ને તેમાં ય અંગ્રેજી ને સંસ્કૃત જેવાંમાં 100માંથી 100 અપાયા છે. કોણ જાણે કેમ પણ, ભાષામાં આ પ્રકારનું માર્કિન્ગ સમજાતું નથી. ગણિત, વિજ્ઞાનમાં 100 આવે તે સમજાય, પણ ભાષામાં 100 સમજાતા નથી. એ પછી પણ વિદ્યાર્થીઓની ભાષા કેવી હોય છે તે સૌ જાણે છે.

સ્કૂલો કે કોલેજોમાં ઓનલાઈન શિક્ષણને બાદ કરતાં વર્ગખંડમાં શિક્ષણ ખાસ થયું નથી. ઓનલાઈન શિક્ષણે વર્ગખંડનાં શિક્ષણનું મહત્ત્વ સ્પષ્ટ કરી આપ્યું છે. એ સિવાય વિદ્યાર્થીઓનો ઘણો સમય પરીક્ષાઓ આપવામાં જ ગયો છે. કોલેજોમાં પણ પરીક્ષાઓ થઈ છે, પણ તેમાં ભલીવાર બહુ રહ્યો નથી. કોરોનાએ એટલું તો સાબિત કરી આપ્યું છે કે ભણ્યા વગર કે પરીક્ષા વગર પણ 90-95 ટકા તો આરામથી લાવી શકાય છે. નર્મદ યુનિવર્સિટીમાં પણ પરીક્ષાને મામલે ઘણી અસ્પષ્ટતાઓ છે. સ્નાતક કક્ષાનું પરિણામ આવ્યું નથી અને અનુસ્નાતક કક્ષાના પ્રવેશની વાત શરૂ થઈ ગઈ છે. આવનારા સમયમાં વિદ્યાર્થી 12મું પહેલાં પાસ કરે અને પછી 10માંમાં પ્રવેશ લે કે એમ.એ. પહેલાં થાય ને બી.એ.નું ફોર્મ પછી ભરાય એમ બને. સરકારો ચૂંટણીલક્ષી કામો સિવાય બીજાં કામો ઓછાં જ જુએ છે. કૈં બગાડવાનું હોય તો પહેલાં શિક્ષણ યાદ આવે છે. બને તો, સરકારે કોઈ તટસ્થ એજન્સીઓને સર્વેનું કામ સોંપીને એ જાણવા જેવું છે કે અંદાજે કેટલા દિવસો કે મહિનાઓ ટર્મ શરૂ થયા પછી એડમિશન આપવામાં જાય છે? એવી જ રીતે સ્કૂલોમાં ને કોલેજોમાં જુદી જુદી પરીક્ષાઓમાં કેટલા દિવસ વિદ્યાર્થીઓ ને શિક્ષકો કે અધ્યાપકો વીતાવે છે? એ ખબર પડે તો એની પણ ખબર પડે કે ખરેખરું શિક્ષણ કાર્ય એક ટર્મમાં કેટલા દિવસ થાય છે? કોરોનાનું તો બહાનું છે, પણ સામાન્ય સંજોગોમાં પણ વર્ગખંડમાં અપાતાં શિક્ષણના દિવસો કપાતા જ આવે છે તે કહેવાની જરૂર નથી.

ઓગસ્ટનું સપ્તાહ પૂરું થવામાં છે ત્યારે કેટલીક કોલેજોમાં પ્રથમ વર્ષનું પ્રવેશ કાર્ય ઘોંચમાં પડ્યું છે. આ વખતે પ્રવેશ લંબાવાનું ચોક્કસ કારણ ખાનગી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી એ છે. વનિતા વિશ્રામ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સહિત ચારેક યુનિવર્સિટીઓ આ વર્ષે જન્મી અને સ્પષ્ટતાઓના અભાવમાં ગ્રાન્ટેડ કોલેજની હાલત ન ઘરના, ન ઘાટનાં જેવી થઈ છે.

સુરતની જ વાત કરીએ તો આ વર્ષે વનિતા વિશ્રામ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો તે સાથે તેમની સાથે જોડાયેલી ગ્રાન્ટ ઇન એડ કોલેજોનાં જોડાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ, સાર્વજનિક અને વનિતા વિશ્રામ ખાનગી યુનિવર્સિટી થતાં જ પોતાની સાથે જોડાયેલી એ સંસ્થાઓની કોલેજોનું જોડાણ રદ્દ કર્યું, કારણ 22 મે, 2021ને રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલાં ગેઝેટથી – ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટીસ એક્ટ, 2009ની કલમમાં કરાયેલા સુધારા મુજબ, વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોની સંલગ્નતા 22મે, 2021થી પાછી ખેંચવામાં આવી હતી. બીજા શબ્દોમાં નર્મદ યુનિવર્સિટી સાથેનું, ખાનગી યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોનું જોડાણ રદ્દ થઈ ગયું. એ રીતે સુરત બારડોલીની જે તે યુનિવર્સિટી સાથેની સેલ્ફ ફાયનાન્સ કોલેજો તો એ ખાનગી યુનિવર્સિટી સાથે રહી, પણ જે ગ્રાન્ટેડ કોલેજો હતી એમનાં જોડાણનો પ્રશ્ન ઉપપસ્થિત થયો.

વાત તો એવી પણ છે કે વનિતા વિશ્રામની જે ગ્રાન્ટેડ કોલેજ હતી તેનું જોડાણ નર્મદ યુનિવર્સિટી સાથે ચાલુ રહ્યું ને માત્ર ખાનગી કોલેજ જ વનિતા વિશ્રામ સાથે રહી. એવું સાર્વજનિક યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજ માટે પણ થઈ શક્યું હોત ને તેની કોલેજો પણ નર્મદ યુનિવર્સિટી સાથે જોડાયેલી રહી હોત, પણ એવું બન્યું નહીં ને તેની ગ્રાન્ટેડ કોલેજો પણ સાર્વજનિક યુનિવર્સિટી સાથે જ રહે એમ માનીને નર્મદ યુનિવર્સિટી એ ગ્રાન્ટેડનું જોડાણ ગેઝેટને આધારે રદ્દ કરી દીધું. ગમ્મત એ છે કે સાર્વજનિકે તો માત્ર ખાનગી કોલેજો જ પોતાની સાથે રહે એ શરતે ખાનગી યુનિવર્સિટીની માંગ કરેલી, છતાં, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ખાનગી યુનિવર્સિટીનો પ્રસ્તાવ લઈને સરકાર પાસે ગઈ ત્યારે તેણે વિચારવું જોઈતું હતું કે વર્ષોથી પોતાની સાથે જોડાયેલી એમ.ટી.બી., કે.પી., વી.ટી. ચોક્સી, એસ.પી.બી. જેવી ગ્રાન્ટેડ કોલેજો, પોતે ખાનગી યુનિવર્સટીમાં ફેરવાય તો તેમનું ભાવિ શું હશે? સાર્વજનિક યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ કોલેજો ન જોડવા બાબતે સોસાયટી સ્પષ્ટ હતી, કારણ ગ્રાન્ટેડના અધ્યાપકોના પગાર અને વિદ્યાર્થીઓની ફી સરકાર ચૂકવે છે ને તે જો સાર્વજનિકની જવાબદારી બને તો તે તેને પરવડે એ શકય જ ન હતું. વારુ, સરકારે સાર્વજનિક યુનિવર્સિટીને રોકડું પરખાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટી તરીકેની માન્યતા પ્રાપ્ત થયા પછી સરકાર ફૂટી કોડીની પણ મદદ નહીં કરે. આવું હોય તો સાર્વજનિક યુનિવર્સિટી ગ્રાન્ટેડ કોલેજોની જવાબદારી કઈ રીતે સ્વીકારે? ખાનગી તરીકે જોડાવા ગ્રાન્ટેડ કોલેજો તૈયાર નહીં થાય કારણ, ખાનગીની વધારે ફી, વિદ્યાર્થીઓને અને ઓછો પગાર, અધ્યાપકોને ન પરવડે. એ જ રીતે ગ્રાન્ટેડ કોલેજને સમાવવા સાર્વજનિક યુનિવર્સિટી તૈયાર ન થાય, કારણ એ વધારે ફી ને વધારે પગાર કાઢી ન શકે.

આ બધાંમાં દક્ષિણ ગુજરાતની નવેક કોલેજો અટવાઈ પડી છે. સાર્વજનિક યુનિવર્સિટી એ ગ્રાન્ટેડ કોલેજોનું પ્રવેશ કાર્ય ચાલુ કરવાનો પત્ર નર્મદ યુનિવર્સિટીને લખ્યો પણ છે, પણ તે નર્મદ યુનિવર્સિટી તરીકે પ્રવેશ આપવા તૈયાર નથી. નર્મદ યુનિવર્સિટી જે તે પ્રવેશ જે તે યુનિવર્સિટી વતી આપવા તૈયાર છે. જેમ કે એમ.ટી.બી.નો વિદ્યાર્થી હોય તો તેને પ્રવેશ નર્મદ યુનિવર્સિટી આપે, પણ રસીદ પર નર્મદ યુનિવર્સિટીને બદલે નામ સાર્વજનિક યુનિવર્સિટીનું આવે. એ કામ તો સાર્વજનિક યુનિવર્સિટી પણ કરવા તૈયાર છે, જો સરકાર લેખિતમાં આપે કે ગ્રાન્ટેડના વિદ્યાર્થીઓની ને અધ્યાપકોની જવાબદારી ઉપાડવા તે તૈયાર છે.

સરકાર પણ રમે છે.

સરકાર કહે તો છે કે ખાનગી સાથે જોડાનાર વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવી પડે ને અધ્યાપકોના પગાર તથા અન્ય લાભોની જવાબદારી સરકાર ઉપાડશે. સરકારે પ્રાઈવેટ યુનિવર્સિટી હેઠળની અનુદાનિત કોલેજોનાં જોડાણ અંગેનો જુદા જુદા 14 મુદ્દાઓની સ્પષ્ટતા કરતો પરિપત્ર યુનિવર્સિટીઓને મોકલ્યો છે, એમાં 11માં મુદ્દામાં આમ કહ્યું છે – રાજ્ય સરકારશ્રી દ્વારા તા. 22-05-2021થી પ્રસિદ્ધ કરવામાં આવેલ (Gujarat Act No. 15 Of 2021) ગેઝેટથી ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટીસ એક્ટ, 2009ની કલમ: 3 (૧) (૫)માં સુધારો કરી કલમ ૩ (૨) (૭) “The Universities shall not receive any grant-in-aid or the Central Government.” શબ્દો દૂર કરવામાં આવેલ હોઈને અનુદાનિત કોલેજોના કર્મચારીઓને પગાર-પેન્શન અગાઉ મુજબ સરકારશ્રી દ્વારા યથાવત રહેતા હોઈ, કોઈ જ પ્રશ્ન ઉદ્દભવી શકે એમ નથી.

ખાનગી યુનિવર્સિટી સાથે જોડાનાર ગ્રાન્ટેડ કોલેજની ગ્રાન્ટ સરકાર ચૂકવે છે અને સ્ટાફને પગાર એ ગ્રાન્ટમાંથી જ ચૂકવાય છે તથા વિદ્યાર્થીઓ પણ સરકારી ધોરણે જ ફી ભરે છે એ બતાવવા ધરમશી દેસાઈ યુનિવર્સિટીનો દાખલો પણ એ પરિપત્રમાં અપાયો છે ને ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ, 2009માં કરવામાં આવેલ સુધારા અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન 6 અનુદાનિત કોલેજો પ્રાઈવેટ યુનિવર્સિટી હેઠળ કાર્યરત થઈ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખાનગી યુનિવર્સિટી સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોની જવાબદારીઓ સરકાર ઉપાડે છે એટલે સરકારમાં અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી.

જો કે સરકારે વહેલી તકે તમામ ખાનગી યુનિવર્સિટીઓને ગ્રાન્ટેડ કોલેજનાં જોડાણને મામલે લેખિત ખાતરી આપવી જોઈએ કે વિદ્યાર્થીઓની ફી અને અધ્યાપકોના પગાર તથા અન્ય લાભોની જવાબદારી સરકાર ઉપાડશે અથવા તો સરકારી યુનિવર્સિટીઓને બધી જ ગ્રાન્ટેડ કોલેજોને, પોતાની સાથે જોડાવાની ફરજ પાડીને વાતાવરણ પૂર્વવત્‌ કરવું જોઈએ. જે રીતે વિદ્યાર્થીઓનો કોલેજ પ્રવેશ અટવાઈ રહ્યો છે એ કોઈ રીતે શિક્ષણનાં હિતમાં નથી. સરકાર માટે આ ડાબા હાથનો ખેલ છે, પણ સરકાર અત્યારે હાથ ઊંચા કરીને બેઠી હોય એવું લાગે છે, પણ તેણે હાથ હેઠા પડે એ પહેલાં હાથ હલાવવા પડશે તે સમજી લેવાનું રહે. અસ્તુ!

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઑગસ્ટ 2021

Loading

ખસવામાંથી હસવું

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 August 2021

'સાહેબ, હજી બી.એ.નું રિઝલ્ટ નથી આવ્યું, ત્યાં એમ.એ.નું ફોર્મ કેવી રીતે ભરું?'

'ભાઈ, બી.એ. પછી કરો તો વાંધો છે?'

•

કેટલાકને ડાયાબિટીસ હોય છે તો કેટલાકને દોઢ ડા'યાબિટીસ !

•

'સાહેબ, શું લાગે છે, ત્રીજી લહેર આવશે?'

'આવે પણ, કારણ મહેનત તો બધાં જ કરી રહ્યાં છે …'

•

'લગ્ન પછી માણસ શું કરે છે?'

'પસ્તાવો.'

•

'મેળાવડામાં 400ને છૂટ ને મરણમાં 40ને, તો મરણમાં 400ને બોલાવવા શું કરવાનું?'

'10 વખત મરવાનું.'

•

'રખાત અને પત્ની વિશે કૈં કહો.'

'રખાત જાણતી હોય છે કે પત્ની છે જ્યારે પત્ની ન પણ જાણતી હોય કે …'

•

'તમે પુન:લગ્નમાં માનો છો?'

'ના. તું?'

'રાહ જોઉં છું.'

•

'અલ્યા, પત્ની ગુજરી જાય તો તું બીજી કરે?'

'એની ક્યાં માંડે છે! મારા વાળી તો વિધવા પુનર્લગ્નનો લાભ લેવા વ્રત કરે છે.'

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,8301,8311,8321,833...1,8401,8501,860...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved