Opinion Magazine
Number of visits: 9571489
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યક્તિ જેમ પ્રગતિની સીડી ચઢે, તેની સહાનુભૂતિ ઘટે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 July 2021

કોરોના કાળમાં, દુનિયાના ૧૦ ધનવાન માણસોની સંપત્તિમાં ૪૫૦ બિલિયન ડોલરનો વધારો થયો છે. આ રકમ એટલી મોટી છે કે તેની મદદ મળે તો દુનિયાના ગરીબ લોકો કોરોનાના કારણે પાયમાલ થતાં બચી જાય અને વધારામાં તે સૌને વેક્સિન ઉપલબ્ધ કરાવી શકે. વૈશ્વિક સ્તરે ગરીબી નાબૂદી માટે કામ કરતી ૨૦ સખાવતી સંસ્થાઓનાં સંગઠન ઓક્સફામના અહેવાલ પ્રમાણે, મહામારીના આ સમયમાં ભારતના ધનિકોની સંપત્તિમાં પણ ૩૫ ટકાનો વધારો થયો છે. આ ધનવાનો ધારે તો ભારતના ૧૩ કરોડ ગરીબ લોકોને ૯૪ હજાર રૂપિયાનો ચેક આપી શકે.

અલબત્ત, આપણે ગરીબ હોઈએ એટલે ધનવાનોના પૈસાની ઈર્ષ્યા ન કરાય, પરંતુ એક વ્યાપક પ્રશ્ન જરૂર થાય કે દુનિયામાં ગરીબો વધુ ગરીબ અને ધનવાનો વધુ ધનિક કેમ થાય છે? કોરોના જેવી મહામારીનો સૌથી વધુ આર્થિક માર ગરીબોને પડ્યો છે, પણ ધનવાનોને તો તેનો ફાયદો થયો છે. શું આપણી સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થા ગરીબો વિરોધી અને ધનવાનો તરફી છે?

દુનિયામાં એક નાનકડા વર્ગ પાસે અમાપ સંપત્તિ હોય, તો તેઓ ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્યની સદીઓ જૂની સમસ્યાઓને ચપટીમાં ઉકેલી ન શકે? ગરીબો અને ધનવાનો વચ્ચેની ખાઈ માત્ર આર્થિક જ નથી, માનસિક અથવા ભાવનાત્મક પણ છે. સમાજનો જે ઉપલો વર્ગ છે, જેની પાસે પૈસા અને પાવર છે, તેની સહાનુભૂતિમાં ઘટાડો થાય છે અને તેને નીચલા, ગરીબ, પછાત વર્ગની પીડાનો સ્પર્શ થતો નથી. આ બહુ બારીક મનોવિજ્ઞાન છે અને તે વ્યક્તિગત સ્તરે અને સામૂહિક સ્તરે જોવા મળે છે.

સામાન્ય રીતે આપણે એવું માનવા પ્રેરાઈએ કે આપણે જેટલા વધુ તવંગર, તેટલા વધુ ઈમાનદાર અને ઉદાર. આફ્ટરઓલ, આપણી પાસે બધું જ હોય તો પછી આપણને આપણા કરતાં જે વંચિત છે તેની જ વધુ ફિકર હોય ને? ખોટું. રિસર્ચ કહે છે કે લોકો જેમ જેમ સામાજિક પ્રગતિની સીડી ઉપર ચઢતા જાય છે, તેમ તેમ એમનામાં બીજા લોકો પ્રત્યેની અનુકંપા નીચે ઊતરતી જાય છે. જે લોકો ધનવાન છે, પાવરફુલ છે અને મોભાદાર છે તે એટલા સ્વ-કેન્દ્રિત હોય છે કે, એમનામાં બીજી વ્યક્તિ પ્રત્યે હમદર્દી (એમ્પથી) ગાયબ હોય છે. બહુ બહુ તો એવા લોકોમાં તરસ કે દયા (સિમ્પથી) જેવો ભાવ હોય છે, જે હમદર્દીથી એક સીડી નીચેની લાગણી છે. 

બર્કલે, કેલિફોર્નિયાના બે મનોવૈજ્ઞાનિકોએ સમૃદ્ધ, શિક્ષિત અને પ્રતિષ્ઠિત વર્ગના લોકો બીજા લોકોની લાગણીઓની કેટલી ફિકર કરે છે એનો અભ્યાસ કર્યો છે. તેમણે શહેરના ચાર રસ્તા ઉપર ઊભા રહીને જોયું તો ખબર પડી કે, મોંઘી મોટરોના ચાલકો એમનો વારો આવે તેની રાહ જોયા વગર આગળ ઊભી રહેલી મોટરને ઓવર-ટેક કરી લેતા હતા. તેમણે એ પણ જોયું કે, રાહદારીના જવા માટેના ઝેબ્રા ક્રોસિંગ પર એમની સ્પીડ વધી જતી હતી, અને આજુબાજુમાંથી આવતા લોકો સાથે નજર મિલાવ્યા વગર પૂરપાટ ઝેબ્રા ક્રોસ કરતા હતા.

ગામડાંના અને શહેરના લોકો પરની એમની છેલ્લી નવલકથા 'ગોદાન'માં મુન્શી પ્રેમચંદ લખે છે કે, "ધન અને કરુણા એકબીજાના વિરોધી છે." ધનિક માણસમાં કરુણા ઓછી થાય છે. વિજ્ઞાનના આધુનિક 'ચિંતકો'એ કહ્યું છે કે, પાવરફુલ લોકોના મગજમાં ગૌરવ અને ઘમંડ હકીકતમાં એક બીમારી તરીકે આકાર લે છે, જેને હ્યુબ્રીસ સિન્ડ્રોમ એવું નામ પણ આપવામાં આવ્યું છે. હ્યુબ્રીસ પૌરાણિક ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થયા છે માનવતાનો અભાવ અને વધુ પડતી આત્મશ્રદ્ધા.

બ્રિટનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ડેવિડ ઓવેને, જે ખુદ ન્યૂરોસાયન્ટિસ્ટ પણ છે, ૨૦૦૯માં બ્રિટિશ મેડીકલ જર્નલ 'બ્રેઈન'માં એક લેખ લખ્યો હતો. હ્યુબ્રીસ સિન્ડ્રોમ શબ્દ આ લેખમાં વપરાયો હતો. આ લેખમાં તેમણે ૧૯૦૮થી શરૂ કરીને ૨૦૦૯ સુધીના અમેરિકન અને બ્રિટિશ લીડરોના વ્યવહાર અને મેડીકલ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. એક સદીના ધાંયધાંય સફળતાવાળા આ લીડરોમાં એક ટેન્ડન્સી સરખી નીકળી હતી-તેમને ટીકાઓની સહેજે ય પડી ન હતી, અને સફળતામાં અંધવિશ્વાસ હતો. 

ઈન્દ્રા નુઈ ૨૦૦૧માં પેપ્સીકોની પ્રેસિડેન્ટ બન્યાં ત્યારનો એક કિસ્સો છે. નુઈનાં માતા ત્યારે તેમની સાથે રહેવા આવ્યાં હતાં. નુઈ ઘરે આવ્યાં અને ઉત્સાહમાં બોલ્યાં, "એક મસ્ત સમાચાર છે." માતાએ શાંતિથી કહ્યું," એ વાત પછી. પહેલાં બહાર જા, અને દૂધ લઇ આવ." નુઈ કહે છે, "હું બહાર ગઈ અને દૂધ તો લઈ આવી, પણ હું ગુસ્સોમાં હતી – ‘હું પેપ્સીકોની પ્રેસિડેન્ટ નિમાઈ છું, અને તને એના બદલે દૂધમાં રસ છે?’ મારી માતાએ એવી જ શાંતિથી કહ્યું -‘સાંભળ. તું ભલે પેપ્સીકોની પ્રેસિડેન્ટ હોઉં. આ ઘરમાં તું પહેલાં પત્ની અને મા છું. એટલે, તારો એ મુગટ ગેરેજમાં મૂકીને આવવાનું."

ઈન્દ્રા નુઈ આ કિસ્સા બતાવે છે કે પાવરફુલ લોકોમાં પોતાનું એટલું મહત્ત્વ હોય છે કે એમને સામાન્ય માણસની જરૂરિયાત નજરમાં નથી આવતી. આધુનિક મનોવૈજ્ઞાન કહે છે કે માણસ પાસે રેલમછેલ હોય ત્યારે એનામાં 'મારે કોઈની જરૂર નથી' એવો ભાવ આવી જાય છે, જે એને બીજા લોકોથી દૂર કરે છે. બીજા પર આપણી નિર્ભરતા જેમ ઓછી, તેમ એના પ્રત્યે આપણી દરકાર ઓછી. આમાંથી આપણે વધુ ને વધુ સ્વ-કેન્દ્રી બની જઈએ છીએ.

૨૦૧૭ના સર્વે પ્રમાણે ભારતની કુલ સંપત્તિનો ૭૩ ટકા હિસ્સો ટોચના ૧ ટકો લોકોના હાથમાં છે. દેશમાં અમીરી-ગરીબીની આ અસમાનતા ઘટવાને બદલે વધી રહી છે, તેને જોતાં દોલત અને દયા વચ્ચેનો સંબંધ બહુ મહત્ત્વનો બની જાય છે. અત્યાર સુધી આ દેશમાં આર્થિક કે રાજકીય પાવરવાળા લોકો વંચિત પરિવેશમાંથી આવતા હતા, એટલે એમનામાં વંચિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ બરકરાર રહી છે. આ સ્થિતિ બદલાશે અને પેલા ૧ ટકા વર્ગમાંથી વધુને વધુ લોકો પાવર ભોગવતા થશે તો, એ લોકોના નિર્ણયો જરૂરતમંદો અને ગરીબોના કલ્યાણ માટે હશે કે પછી સમાજના વગદાર લોકોના કલ્યાણ માટે હશે?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 04 જુલાઈ 2021 

Loading

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો : અલવિદા ફાધર સ્ટૅન સ્વામી

રૂપાલી બર્ક|Opinion - Opinion|6 July 2021

૨૬ એપ્રિલ, ૧૯૩૭માં જન્મેલા ફાધર સ્ટૅન સ્વામી એસ.જે. (સ્ટૅનિસ્લૉસ લૉર્દુસ્વામી), આદિવાસી અધિકાર કર્મશીલ આજે  ૫ જુલાઈ, ૨૦૨૧ના દિને ફાની દુનિયાને ૮૪ વર્ષે અલવિદા કરી ગયા છે. તેઓ હોલી ફેમિલી હૉસ્પિટલમાં પલ્મનરી ઇન્ફૅક્શન, કૉવિડ પશ્ચાત્‌ થયેલા ફેફસાંના કૉમ્પ્લિકૅશન્સ અને ન્યુમોનિયા માટે સારવાર હેઠળ આઈ.સી.યુ.માં હતા. ૪ જુલાઈ, ૨૦૨૧ના રોજ સવારે ૪.૩૦ વાગે એમને કાર્ડિયૅક અરૅસ્ટ આવ્યા બાદ વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાનમાં આવ્યા નહીં.

ફાધર સ્ટૅન ૩૦ મે, ૧૯૫૭ના રોજ ઈસુ સંઘમાં (જેસ્યુઈટ ઑર્ડર) જોડાયા હતા. ૨૨ એપ્રિલ, ૧૯૮૧ના દિવસે એમણે દીક્ષા ગ્રહણ કરી હતી. ઝારખંડના આદિવાસીઓ વચ્ચે રહી એમના હક માટે કર્મશીલતા કરતાં ફાધર સ્ટૅનની જાન્યુઆરી, ૨૦૧૮માં ઍલ્ગર પરિષદ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં રાખવામાં આવેલા. અહીં વિગતો આપવાનો આશય નથી, પરંતુ એક વયોવૃદ્ધ અને પાર્કિન્સન, વગેરે બિમારીઓથી ગ્રસ્ત વ્યક્તિ કારમા જેલવાસ દરમ્યાન વિષમ પરિસ્થિતિમાં પણ સાધુને છાજે એવા ધૈર્ય, શાંતિ, પ્રેમ, અનુકંપા અને આશાનો અમૂલ્ય સંદેશો આપતા ગયા છે, એ નોંધવાનો છે. તલોજા જેલમાંથી પત્ર મારફતે મોકલેલા સંદેશામાં એમણે લખેલું :

પ્રિય મિત્રો,

મારા અને મારા સાથી આરોપીઓ માટે દાખવેલા સુદૃ ઢતાભર્યા સમર્થન માટે તમારો ખૂબ આભાર માનું છું. હું સાચે જ કૃતજ્ઞ છું.

જેલ પ્રશાસન મને સવારનો નાસ્તો, દૂધ, બપોર અને રાતનું ભોજન પૂરું પાડે છે. તે સિવાયની ખાદ્ય સામગ્રી જેલની કેન્ટીનમાંથી મહિનામાં બે વખત ખરીદી શકાય છે. દૈનિકો, સાબુ, વગેરે, લેખન સામગ્રી અને બીજી જરૂરી ચીજો પણ જેલની કેન્ટીનમાં વેચાતી મળે છે.

મારી જરૂરિયાતો સીમિત છે. આદિવાસીઓ અને સોસાયટી ઑફ જીસસે મને સાદગીભર્યું જીવન જીવવાનું શિખવાડ્યું છે, પરંતુ મારે ચા-પાણી પીવાં માટે સિપર-ટમ્બલર લાવવું પડ્યું હતું. ૯ ઑક્ટૉબરે જેલના ઝાંપેથી મારી પાસેથી એ લઈ લેવાયું હતું.

હવે હું જેલની હૉસ્પિટલમાંથી બાળકો માટેનું સિપર ખરીદીને વાપરું છું. મેં મારી આ જરૂરિયાત મારા વકીલને જણાવી છે. સિપર મને મળે એની રાહ જોઉં છું.

વરવરા રાવ ઘણા બિમાર છે, એમના માટે પ્રાર્થના કરજો. તલોજામાં મારા સાથી કેદીઓની જીવન-કહાણીઓ સાંભળવાથી આનંદ મળે છે. એમની પીડા અને સ્મિતમાં મને ઈશ્વરના દર્શન થાય છે.

courtesy : Satish Acharya, Cartoonist

ફાધર સ્ટૅન સ્વામી એસ. જે. જેલમાં ૧૦૦ દિવસ પૂરા થયાના ટાણે ફાધર સ્ટૅને પત્રના અંતે લખેલું : “પિંજરમાં કેદ પંખી પણ ગાઈ શકે છે.”*

પૉલ લૉરૅન્સ ડનબારના કાવ્ય ‘Sympathy’માં ‘caged bird’ના રૂપકથી અશ્વેત કવયિત્રી માયા ઍન્જલો પ્રભાવિત થયેલાં. એમની આત્મકથાનું શિર્ષક છે : ‘I know why the caged bird sings’. એમના એક કાવ્ય ‘Caged Bird’નો અનુવાદ નીચે મુજબ છે :

પિંજરનું પંખી

મુક્ત પંખી પવનની પીઠ પર ઉછળે છે
અને વહેણ અટકે નહીં ત્યાં સુધી
નીચે તરફ વહે છે
કસુંબી સૂર્યકિરણોમાં પાંખ બોળીને
આકાશ હસ્તક કરવાની હિંમત કરે છે.

પરંતુ સાંકડા પિંજરમાં ફરતું પંખી
એના આક્રોશના સળિયાની આરપાર
ભાગ્યે જ નજર કરી શકે છે
એની પાંખો કાપી નાખેલી છે
અને એના પગ બાંધી દીધેલા છે
તેથી ગાવા માટે એ એનો કંઠ ખોલે છે.

પિંજરનું પંખી ગાય છે
ભયભીત સૂરે
અજાણ પણ જેની ઝંખના કાયમ છે
તેવી ચીજો અંગે
ને એનો સૂર સંભળાય છે
દૂરના પર્વત પર
કારણ કે પિંજરનું પંખી
મુક્તિનું ગાયન ગાય છે.

આઝાદ પંખી કોઈ બીજા જ પવનનો વિચાર કરે છે
એક જ દિશામાંથી વાતા પવનો નિસાસા નાખતાં વૃક્ષો વચ્ચેથી અને
પરોઢના પ્રકાશમાં ઘાસ પર રાહ જોતી જાડી ઈયળો મધ્યેથી વહે છે
અને આકાશને એ પોતાના નામે કરે છે.

પરંતુ પિંજરે પૂરાયેલું પંખી સ્વપ્નની કબર પર ઊભું રહે છે
દુ:સ્વપ્નની ચીસ પર એનો પડછાયો બરાડે છે
એની પાંખો કાપી નાખેલી છે
અને એના પગ બાંધી દીધેલા છે
તેથી ગાવા માટે એ એનો કંઠ ખોલે છે.

પિંજરનું પંખી ગાય છે
ભયભીત સૂરે
અજાણ પણ જેની ઝંખના કાયમ છે
તેવી ચીજો અંગે
ને એનો સૂર સંભળાય છે
દૂરના પર્વત પર
કારણ કે પિંજરનું પંખી
મુક્તિનું ગાયન ગાય છે.

~

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

ગુજરાતમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો છે કે પછી …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 July 2021

આમ તો આખા દેશમાં જીવતી પ્રજાનો અનુભવ થતો નથી, પણ ગુજરાતમાં પણ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો જીવંત હોય એવું લાગતું નથી. બહુબહુ તો ફી ઘટાડવાને મુદ્દે ક્યારેક સળવળે છે, પણ શિક્ષણને નામે જે ચાલે છે એની સામે કોઈને કોઈ ફરિયાદ નથી. આચાર્યો કે શિક્ષકો ક્યાંક કચવાતા હશે, પણ મોટે ભાગે તો વિદ્યાર્થીઓ, વાલીઓ માથે પડે છે તે વેઠી લે છે. કોરોનાને કારણે સરકાર પણ મૂંઝવણ અનુભવે છે ને એવા નિર્ણયો લે છે કે તઘલખ ઓછો તરંગી લાગે. ગયું આખું વર્ષ લગભગ એકમ કસોટી કે સત્રાંત કસોટીઓ લેવામાં જ ગયું. ઓનલાઈન શિક્ષણ બધે નથી જ થયું ને જ્યાં થયું ત્યાં નિયમિતતા કે ગંભીરતા ઓછી જ હતી. પરીક્ષાઓમાં વર્ગખંડોમાં જે વ્યવસ્થાઓ હોય છે એનો લાભ ઓનલાઈન પરીક્ષાઓને મળ્યો નથી એટલે વિદ્યાર્થીઓએ મોટે ભાગે ઉતારાઓથી જ ઉત્તરવહીઓ ભરી છે. એમાં જે ખરેખર ભણવા બાબતે ગંભીર હતા એ વિદ્યાર્થીઓ ઓછાં માર્ગદર્શને જાતે પ્રયત્ન કરીને અપડેટ થવા મથ્યા હશે, બાકી તો બધાંએ આ વર્ષ માંડી જ વાળ્યું હતું.

નાછૂટકે બધાં જ ધોરણમાં માસ પ્રમોશન અપાયું. એમાં 10, 12માં આગલાં વર્ષનાં પરિણામોની ચોક્કસ ટકાવારી નક્કી કરીને પરિણામ તૈયાર કરવાનું ઠરાવાયું ને 10નું તો પરિણામ પણ જૂનને અંતે જાહેર થઈ ગયું, જેમાં રાજયમાં 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા. તેમાં પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 2,991 A1 ગ્રેડમાં પાસ થયા. 2020માં એ આંકડો 350નો હતો. 8.57 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ન આપી તો પણ પાસ જાહેર થયા. પરીક્ષા લેવાઈ જ નહીં ને બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા. પરીક્ષા ન આપવાથી 100 ટકા પરિણામ આવે છે એ કોરોનાએ સાબિત કરી આપ્યું.

એ ખરું કે પરીક્ષા લેવાય એવી સ્થિતિ જ ન હતી ત્યારે માસ પ્રમોશન પણ ન લાગે ને વિદ્યાર્થીઓને આગલી પરીક્ષાઓને આધારે પરિણામ પણ મળે એ માટે ફોર્મ્યુલા નક્કી કરાઈ અને તેને આધારે પરિણામ જાહેર થયું, પણ તે આશ્વાસનથી વિશેષ કૈં નથી, કારણ આ, જે તે વર્ષની બોર્ડની ન લેવાયેલી વાર્ષિક પરીક્ષાનું પરિણામ હતું. એ જ એક માત્ર સત્ય હતું. આમાં કોઈનો સીધો વાંક કઢાય એમ નથી, કારણ જે સંજોગોમાં જે થઈ શકે તે જ થયું હતું. વાંક હોય તો ફોર્મ્યુલાનો હતો. આ ફોર્મ્યુલા બધે એક સરખી રીતે લાગુ કરાય એમ ન હતું, કારણ ઘણા વિસ્તારોમાં તો શિક્ષણ કાર્ય કે પરીક્ષા થાય એવી સગવડો જ ન હતી, ત્યાં કેવી રીતે પરિણામ તૈયાર થયું હશે તે તો કદાચ ઈશ્વર પણ નહીં જાણતો હોય ! વારુ, કોઈને નાપાસ તો કરવાના જ ન હતા ને કોઈ થાય તો દરેક વિષયના પાસિંગ 33 ટકા આપવાનો ઇજારો બોર્ડે પોતાની પાસે રાખ્યો હતો, એટલે એક પણ પરીક્ષા આપી ન હોય એવા વિદ્યાર્થીઓના દરેક વિષયમાં પાસિંગ માર્કસ બોર્ડે ઉમેરીને માસ પ્રમોશનનો હેતુ જાળવી રાખ્યો છે.

એ સાથે જ ઓનલાઈન શિક્ષણ 11માં ધોરણનું શરૂ થઈ ગયું છે ત્યારે શિક્ષણ વિભાગને નવો તુક્કો સૂઝયો છે. સાડા આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ તો થઈ ગયા, પણ તેમનું આગલા વર્ષનું શિક્ષણ અધૂરું રહ્યું છે, તો તે વર્ષનું શિક્ષણ પણ થાય એ માટે ચાલુ વર્ષની સાથે જ ગયા વર્ષની પરીક્ષાઓ નિદાન કસોટીને નામે યોજવાનું વિભાગે નક્કી કર્યું છે. આ પરીક્ષાઓ દ્વારા હેતુ લર્નિંગ લોસ જાણવાનો છે. એ જાણવા ધોરણ 9, 10 અને 12માં નિદાન કસોટીઓ 10થી 12 જુલાઈ દરમિયાન યોજાશે. ખરેખર તો નવું સત્ર શરૂ થાય તે સાથે પાછલા વર્ષનો અભ્યાસ 1 મહિનો કરાવવા શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હતો, પણ સ્કૂલોએ ભણાવ્યું નથી ને 10થી 12 જુલાઈ દરમિયાન પરીક્ષા તો આવી લાગી છે. એટલે આ પરીક્ષાઓ પણ નથી ભણાવાયું એની જ લેવાશે. વેલ, નવા વર્ષનું ભણવાનું ચાલુ હોય ત્યાં પાછલા વર્ષની પરીક્ષાનો બોજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મુશ્કેલીઓ વધારે એમ બને. શિક્ષણ વિભાગ પરિપત્રો તો બહાર પાડી દે છે, પછી એનો અમલ થાય છે કે કેમ તેની પરવા કરતો નથી. એ હિસાબે, વિભાગે તો ભણાવ્યા વગર જ ધોરણ 9 માટે 8માંની, 10 માટે 9ની, 12 માટે 11ની ચોક્કસ વિષયની નિદાન કસોટીઓ લેવાનું નક્કી કર્યું છે.

બોર્ડ 7 જુલાઈએ મેઈલથી ડી.ઇ.ઓ.ને પ્રશ્નપત્રો મોકલશે. એ પછી 8મીએ બધી સ્કૂલોને પ્રશ્નપત્રો મોકલવાની વ્યવસ્થા થશે અને 12મી સુધી વિદ્યાર્થી રોજનું એક પેપર લખશે. પછી 13-14 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તરવહીઓ મેળવી લેવાશે, જેનું પરિણામ 30 જુલાઈ સુધી સ્કૂલો તૈયાર કરીને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે અપલોડ કરશે. ટૂંકમાં, ઓગસ્ટના પહેલાં અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓ અને સ્કૂલો આગલા વર્ષની પરીક્ષામાં બિઝી રહેશે ને એટલો સમય ચાલુ વર્ષનું ભણતર ઘોંચમાં પડશે. એમ લાગે છે કે બોર્ડમાં પ્રશ્નપત્રો તૈયાર કરવાનું કારખાનું ચાલે છે. એ કોઈને કોઈ પ્રશ્નપત્ર કાઢ્યાં જ કરે છે ને છાશવારે પરીક્ષાઓ લીધે રાખે છે. ગયા વર્ષનો અભ્યાસ આ વર્ષે પાકો કરાવવાનો હેતુ સારો, પણ તે નવો અભ્યાસ શરૂ થાય તે પહેલાં કરાવવાનો હતો, તે થયું નહીં અને હવે પરીક્ષાનો ખેલ પડવામાં છે. ગયું આખું વર્ષ વિભાગે કસોટીઓ જ લીધે રાખી છે ને જે પરીક્ષા લેવાવી જોઈતી હતી, ત્યાં માસ પ્રમોશનથી ચલાવવું પડ્યું છે. શિક્ષણ વિભાગમાં ગંભીર વિચાર કરી શકે એવું કોઈ છે કે કેમ તે નથી સમજાતું. માત્ર તુક્કાઓ પર આ વિભાગ ટક્યો હોય એવું લાગે છે. બીજું બધું જવા દઈએ ને માત્ર પાછલાં વર્ષોની પરીક્ષાનો જ મુદ્દો વિચારીએ તો તે સમયના દુર્વ્યયથી વિશેષ કૈં નથી. હા, વેકેશનમાં કે નવા સત્રની શરૂઆતમાં પાછલાં વર્ષનો અભ્યાસ કરાવાયો હોત અને પછી નિદાન કસોટીઓ થઈ હોત તો આ આખો ઉપક્રમ લેખે લાગ્યો હોત, તેને બદલે પરીક્ષા લઈને જ સંતોષ માનવો પડે એ સ્થિતિ છે. આ પરીક્ષાઓ પણ વર્ગખંડમાં લેવાય તે રીતની નથી જ, એટલે એ કેવી રીતે લેવાશે તે કલ્પવાનું અઘરું નથી. આ વર્ષની પરીક્ષાઓએ એક નવું સૂત્ર આપ્યું છે ને તે એ કે પરીક્ષા એટલે ઉઠાંતરી. એ પણ કરતાં ન આવડે તેવાઓને પાસ કરવાની જવાબદારી બોર્ડની છે. શિક્ષણને કોઈ ધોરણ હોય તે વાતનો પૂરેપૂરો છેદ આ વર્ષે ઊડી ગયો છે.

ગયા વર્ષનો અભ્યાસ કાચો રહી ગયો હોઈને અભ્યાસ કરાવીને પરીક્ષા લેવાનો ઉપક્રમ પ્રશંસનીય છે જ, પણ તે શિક્ષણ વિભાગની પોલને જ ઉઘાડી પાડનારો છે. અહીં પ્રશ્ન એ થાય કે જો અભ્યાસ કાચો રહ્યાની વિભાગને ખાતરી હોય તો 10માંનું પરિણામ જેને આધારે નક્કી થયું તે કેટલું પાકું હતું? ગયે વર્ષે ઓનલાઈન થયેલો અભ્યાસ પૂરો ને પૂરતો ન હતો તેવું તો વિભાગને પોતાને લાગ્યું છે, એટલે તો વાત નિદાન કસોટી સુધી આવી છે, તો 10માંની પરીક્ષામાં 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા એ અભ્યાસમાં રહેલી કચાશનું પરિણામ છે? ક્યાં તો અભ્યાસ ન થયો એ સાચું છે અથવા તો 17,186 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ શંકાસ્પદ છે ને સાચું તો એક જ છે.

બોર્ડ તો આ જાણે જ છે, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો પણ જાણે છે કે હકીકત શું છે, પણ કોઈ બોલતું નથી. આચાર્યો જૂની, નવી પરીક્ષાઓ લેવાની વાતે મૂંઝાય છે, પણ તેઓ પણ વેઠ ઉતારીને રાજી છે. ખૂણેખાંચરે બબડે છે, પણ દેખાય છે તો એવું કે તેમને પગાર સિવાય બીજા કશામાં રસ નથી. એવું નથી કે સાચું શું છે તે શિક્ષકો જાણતા નથી, વાલીઓ ને વિદ્યાર્થીઓ પણ જાણે છે કે જે મળ્યું છે તેમાં સાચું કેટલું છે, પણ વગર મહેનતે મળ્યું તે ગજવે ઘાલીને સૌ ટાબોટા ફોડે છે. ના, છૂટકે માસ પ્રમોશન લેવું પડે તે લાચારી છે, પણ વગર પરીક્ષાએ આટલા A1 ગ્રેડ આવે તે બરાબર નથી એવું એક વિદ્યાર્થી, એક શિક્ષક, એક વાલી કે એક આચાર્ય કહેતો નથી, એ જ સૂચવે છે કે શિક્ષણનું ધોરણ શું અને કેટલું છે?

10થી 12 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષા લર્નિંગ લોસ જાણવા માટે લેવાઈ રહી છે. એ પણ કમાલ છે ને કે બધાં જાણે છે કે સિલકમાં લર્નિંગ લોસ જ છે, પણ શિક્ષણ વિભાગને જ ખબર નથી. એ પણ ભણાવીને પછી નક્કી થાય તો લેખે લાગે, પણ આ તો ભણાવ્યા વગર માત્ર પરીક્ષાથી નક્કી થાય છે. ઓકે, પરીક્ષા લેવાય અને ઉતારા પણ બરાબર ન થાય ને કોઈ નાપાસ થાય તો તેનું માસ પ્રમોશન રદ્દ થશે? ના, એવું નથી. જે પાસ જાહેર થયા છે તે તો પાસ જ છે. તો, પ્રશ્ન એ થાય કે આ આખો વ્યાયામ કરવાનો કોઈ અર્થ ખરો?

છોડો, અનર્થમાં અર્થ શોધવાનો કોઈ અર્થ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જુલાઈ 2021

Loading

...102030...1,8241,8251,8261,827...1,8301,8401,850...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved