Opinion Magazine
Number of visits: 9676911
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનહાનિના કેસ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રુંધે છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 August 2021

ભારતની અદાલતોમાં માનહાનિ કે બદનક્ષીના કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજનેતાઓ, પત્રકારો, ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગકારો અને કર્મશીલો પર બદનક્ષીના દાવા મંડાયેલા છે. પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં કર્ણાટકની એક અદાલતે માનહાનિ કેસમાં બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આટલો આકરો દંડ ન્યાયતંત્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.

નરેન્દ્ર મોદી મંત્રી મંડળના વિદેશ રાજ્યમંત્રી અને વરિષ્ઠ પત્રકાર એમ.જે. અકબરને ભૂતકાળનાં સાથી મહિલા પત્રકાર પ્રિયા રમાનીના યૌન શોષણના આરોપોથી મંત્રી પદ છોડવું પડ્યું હતું. એટલે તેમણે અપરાધિક માનહાનિનો કેસ કર્યો હતો. પણ ત્રણેક મહિના પહેલાં દિલ્હીની અદાલતે પ્રિયા રમાની સામેની અકબરની બદનક્ષીની ફરિયાદ રદ્દ કરી દીધી છે. કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર સાથેના સોગંદનામામાં તેમની સામેના જે પાંચ પડતર કોર્ટ કેસોની માહિતી આપી હતી તે બધા માનહાનિના જ હતા. અમદાવાદ અને સુરતની અદાલતોમાં પણ રાહુલ ગાંધી સામે માનહાનિના કેસો ચાલે છે. દેશમાં સૌથી વધુ માનહાનિના કેસોનો સામનો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. આ હકીકતો માનહાનિના કેસોની વ્યાપકતા, અદાલતોનું વલણ અને અસરો દર્શાવે છે

બંધારણના અનુચ્છેદ ૨૧માં ભારતના નાગરિકોના જીવન જીવવાના અધિકારમાં માન અને પ્રતિષ્ઠા સાથેના જીવનનો અધિકાર સામેલ છે. વ્યક્તિનાં માન, સન્માન અને ખ્યાતિ પણ અધિકાર મનાય છે. પ્રતિષ્ઠાને ધન-સંપત્તિ બરાબર ગણવામાં આવી છે. એટલે માન, સન્માન, પ્રતિષ્ઠા કે ખ્યાતિને થતી હાનિ, માનહાનિ કે બદનક્ષી છે. વ્યક્તિ, વેપાર, ઉત્પાદન, ધર્મ, સરકાર, સમૂહ કે રાષ્ટ્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતું નિરાધાર અને જુઠ્ઠું, લેખિત કે મૌખિક કથન કે સંકેત માનહાનિ છે. બંધારણમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર ખરો પણ તેનો અમર્યાદિત ઉપયોગ ન થઈ શકે. કોઈ એલફેલ, આધારહીન કે ખોટા આરોપો અને ટીકાઓ ન થાય તે જરૂરી છે. જાહેરમાં અપમાનજનક શબ્દ કે ભાષણ વાંચી-સાંભળીને તે જેના વિશે કહેવાયા-બોલાયા-લખાયા હોય તે વ્યક્તિ વિશે અપમાન, નફરત અને ઘૃણા જન્મે તો માનહાનિનો ગુનો બને છે.

માનહાનિ માટે દીવાની (સિવિલ) અને ફોજદારી (ક્રિમિનલ) ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદ સામાન્ય કાયદા મુજબ અને ફોજદારી ફરિયાદ ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૯ હેઠળ થઈ શકે છે. ઇન્ડિયન પિનલ કોડની ધારા ૫૦૦ અને અન્યમાં બદનક્ષીની અપરાધિક ફરિયાદ માટે સજાની જોગવાઈ છે. તે મુજબ બે વરસની કેદ અને દંડની સજા થઈ શકે છે. માનહાનિની દીવાની અને ફોજદારી એમ બંને કે બે પૈકીની કોઈ એક ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદમાં માનહાનિનું આર્થિક વળતર માંગવામાં આવે છે. પરંતુ ફરિયાદી જેટલી રકમનું વળતર માંગે તેના દસ ટકા કોર્ટ ફી તેણે ચુકવવાની હોય છે. જો કોઈ ૧૦ લાખનો માનહાનિનો દાવો માંડે તો દસ ટકા લેખે એક લાખ અગાઉથી જ કોર્ટ ફી ચુકવવી પડે છે. કોર્ટ ફી પરત ચુકવવાની હોતી નથી તથા તેને ફરિયાદીની હારજીત સાથે કોઈ સંબંધ હોતો નથી.

દસ ટકા કોર્ટ ફી ચુકવીને પણ કરોડોના માનહાનિના દાવા થાય છે. ૨૦૦૮માં ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ તેમના ઉદ્યોગપતિ ભાઈ મૂકેશ અંબાણી પર ૧૦ હજાર કરોડનો દાવો કર્યો હતો. રાફેલ વિમાન સોદા અંગેના લેખ બાબતે અનિલ અંબાણીએ અંગ્રેજી અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ પર ૫,૦૦૦ કરોડનો દાવો કર્યો હતો. કોરોનાની એલોપથી સારવાર વિરુદ્ધના યોગગુરુ બાબા રામદેવના વિધાનો વિરુદ્ધમાં ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ની ઉત્તરાખંડ શાખાએ બાબા રામદેવને રૂ. ૧ હજાર કરોડ માનહાનિ પેટે ચુકવવા કાનૂની નોટિસ આપી છે.

માનહાનિના મોટા ભાગના કેસોમાં કાં તો સમાધાન થાય છે, કેસો પાછા ખેંચાય છે કે આરોપી માફી માંગી લે છે. અનિલ અંબાણીએ મૂકેશ અંબાણી વિરુદ્ધનો દાવો બે વરસ પછી પાછો ખેંચી લીધો હતો. અરવિંદ કેજરીવાલે તેમની સામેના અડધા ઉપરાંતના બદનક્ષીના કેસોમાં માફી માંગી લીધી છે. જો કે અદાલતની પ્રક્રિયા, તેના સમય શક્તિ, કોર્ટ અને વકીલની ફીના પ્રશ્નો રહે છે. કોર્ટોમાં લાખો કેસો પડતર હોય છે ત્યારે માનહાનિના કેસોનો તરત નિકાલ થતો નથી. દેવગૌડા સામેના કેસનો નીચલી અદાલતનો ચુકાદો દસ વરસે આવ્યો છે. દિલ્હી ક્રિકેટ બોર્ડ અને તેના પ્રમુખ અરુણ જેટલી સામેના આરોપો અંગે કેજરીવાલે માફી માંગી લીધી હતી પણ તેમના વકીલ રામ જેઠમલાણીને બે કરોડની ફી ચુકવી હતી. કૈલાસ સત્યાર્થીએ તેમની બદનક્ષી બદલ તેમની સંસ્થા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા દાવો કર્યો હતો. તેમની માનહાનિની ફરિયાદ પડતર હતી તે દરમિયાન જ તેઓ વિશ્વના સૌથી મોટા શાંતિના નોબેલથી પુરસ્કૃત થયા હતા. જો નોબેલ સમિતિ માટે તેમની માનહાનિનો કોઈ અર્થ નહોતો તો પછી આવા દાવાઓ કેટલા મહત્ત્વના ગણાય તે સવાલ છે.

ત્રણ ભિન્ન રાજકીય પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સુબ્રમણ્યમ સ્વામીએ  સર્વોચ્ચ અદાલતમાં અપરાધિક માનહાનિની જોગવાઈ ધરાવતી આઈ.પી.સી.ની કલમો રદ્દ કરવા કે ગેરબંધારણીય  ઠેરવવા અલગ અલગ પિટિશનો મારફતે દાદ માંગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે બાબત નકારી કાઢી હતી.

માનહાનિની ફોજદારી ફરિયાદો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આડખીલી રૂપ છે. માનહાનિના કેસો કરીને કેન્દ્ર અને રાજ્યોના સત્તા પક્ષો પત્રકારો, મીડિયા અને વિરોધ પક્ષોને  વિરોધ કરતાં અટકાવે છે. સરકાર વિરોધી લોકહિતના તથ્યાત્મક અહેવાલો પણ પ્રગટતા અટકે છે. પ્રતિષ્ઠાની આડમાં સત્યનું ગળું દબાવવામાં આવે છે. પ્રેસની આઝાદીના આંકમાં આપણે આમે ય પાછળ છીએ ત્યારે માનહાનિનો ડારો દઈને પત્રકારો અને કર્મશીલોને ચૂપ કરાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ક્ષીણ કરી દેવાય છે.

મૂળે અંગ્રેજોની દેણ એવી માનહાનિની આ જોગવાઈ ભ્રષ્ટાચારને અટકાવવાના પ્રયાસો પર લગામ લગાવે છે. રીઢા રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારો બદનક્ષીના કાયદાનો ઉપયોગ કરીને ટીકાઓથી મુક્તિ મેળવી લે છે. બંગાળના તૃણમૂલ સાંસદે કેન્દ્રના ગૃહ મંત્રી સામે બદનક્ષીની ફરિયાદ કરી છે એટલે જ્યાં જે પક્ષ સત્તામાં હોય ત્યાં તે આ કાયદાનો ઉપયોગ વિરોધી પક્ષ સામેના હથિયાર તરીકે કરે છે. સરકાર વિરોધી ઘણી ન્યૂઝ વેબસાઈટ્સના પત્રકારો માનહાનિના કેસોનો સામનો કરી રહ્યા છે. અગાઉ સાંસદ તથાગત સતપતિએ લોકસભામાં માનહાનિને લગતી અપરાધિક જોગવાઈ રદ્દ કરવા બિનસરકારી વિધેયક રજૂ કર્યું હતું. બોમ્બે યુનિયન ઓફ જર્નાલિસ્ટે પણ આ મુદ્દે ઝુંબેશ ચલાવી હતી. માનહાનિના કાયદાનો વિરોધને ડામવાના હથિયાર તરીકેના ઉપયોગને ખાળવા વધુ મક્કમ પ્રયાસોની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આ જ જો ધર્મ હોય તો અધર્મ આપણે કોને કહીએ છીએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 August 2021

‘નર્મગદ્ય’-ખંડ-2નાં, ‘આપણી દેશજનતા’ નામના નિબંધમાં, નર્મદે 38માં પાનાં પર નોંધ્યું છે :

“મુસલમાનોએ આપણા દેશનું નામ હિન્દ પાડ્યું ને આપણને હિન્દુ કહ્યા. એઓએ ધર્મ-દ્રવ્ય સ્ત્રીહરણ કરવાને માટે આપણા ઉપર સુમાર વિનાનો જુલમ ગુજાર્યો. પોતાના એકસંપી શૌર્ય વડે આપણા કુસંપી શૌર્યને ચાંપી નાખ્યું, આપણે ખૂણે ભરાતા ગયા ને બ્રાહ્મણોનાં કહ્યાં માની વહેમી થયા અને પોતપોતાની નાતથી કામ જેટલી વિદ્યાથી ને સાધારણ રોજીથી રાજી રહ્યા. મરેઠાઓ મુસલમાનને તથા પરદેશીઓને કાઢવાને બહુ મથ્યા પણ તેઓનું ફાવ્યું નહિ. એટલે સર્વ પ્રજા ઉપર રૂડી અસર થઈ નહિ; પણ ઊલટી તેઓની ધાંધલથી પ્રજા વધારે દુ:ખી થઈ … મૂર્તિપૂજા એ આપણો સહુનો ધર્મ છે, રીતભાત આપણ સહુની ઘણું કરીને એક સરખી છે, આપણ સહુને સમદુ:ખીપણું છે અને સંસ્કૃત વિદ્યા તો આપણી જ હતી તથા રામ કૃષ્ણ તે આપણા હિન્દુના દેવ છે એવાં એવાં અભિમાન છે – એટલું પણ છે તેથી આપણી હિન્દુની દેશજનતા હજી મરણ પામી નથી.”

આ ફકરો અહીં ઉતારવાનું એક કારણ એ છે કે આવતી કાલે નર્મદને 188 વર્ષ પૂરાં થાય છે. નર્મદ જેવો સુધારક અને સર્જક ગુજરાતીમાં બીજો થયો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું નહીં, પ્રવચનો પદ્યમાં થતાં. એવા સમયમાં દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા પુનર્લગ્ન, ધર્મ, શબ્દકોશનો વિચાર કરવો પણ શક્ય ન હતો, તેની વિધિવત શરૂઆત નર્મદે કરી. એ સુરતનો હતો. સુરતી હતો. એણે અહીં મૂકેલા ફકરામાં જે કહ્યું છે તે ફરી એક વખત ધ્યાનથી જોઈશું તો સમજાશે કે આ દેશને હિન્દ તરીકે ઓળખવાનું અને પ્રજાને હિન્દુ તરીકે ઓળખાવવાનું મુસલમાનોએ કર્યું છે. હિન્દુ હોવાનું આપણને ગર્વ હોવું જ જોઈએ, પણ નર્મદના મતે એ ગૌરવ આપણને મુસ્લિમોએ આપ્યું છે તે ભૂલવા જેવું નથી. એ સાથે જ મુસલમાનોએ આપણા પર જુલમો ગુજાર્યા છે એની નોંધ લેવાનું પણ એ ચૂક્યો નથી. મુસ્લિમોને તથા પરદેશીઓને કાઢવાના બહુ પ્રયત્નો થયા, પણ તેમાં સફળતા મળી નહીં. નર્મદના કહેવા મુજબ આપણે સમદુખી, મૂર્તિપૂજક અને સંસ્કૃત વિદ્યાના ઉપાસક હોવાને કારણે એક હતા અને એટલે જ આટલાં આક્રમણો પછી પણ ટકી ગયાં છીએ. આપણે ટક્યાં તે રામ, કૃષ્ણને કારણે.

નર્મદે ધર્મમાં ચાલતાં પાખંડો સામે, વિષયી ધર્મગુરુઓ સામે માથું ફેરવીને કામ લીધું છે. તે “યા હોમ કરીને −” પડ્યો છે ને યાહોમ કરનારો નર્મદ હોમ કરવા સુધી પણ પહોંચ્યો છે. તેણે સુધારા કર્યા તેમાં પણ તેની પ્રતીતિ હતી ને તે ફરી હોમ કરવા સુધી આવ્યો તેમાં પણ તેનો ભરોસો હતો. તેણે જે પણ કર્યું, પ્રતીતિ સાથે. એ પ્રતીતિ હવે જણાતી નથી. મંદિરમાં ભૂલ બદલ માફી માંગતા નર્મદે ગાલે તમાચા પણ માર્યા, પછી વહેમ, અંધશ્રદ્ધાની સામે “સુધારાદિત્ય” થઈને ઝળહળ્યો. ભૂતપ્રેતમાં માનતી પ્રજાને તેણે સાફ કહ્યું છે કે ભૂત જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં. હોળીના તહેવારમાં ઘણે ઠેકાણે ગાળો બોલાતી, ધૂળ, કાદવ, પાણીએ તોફાન કરાતાં. નર્મદે તેનો વિરોધ કર્યો છે. તેણે ગાળાગાળી વિરુદ્ધ લખ્યું છે ને આ સ્થિતિ એટલી ખરાબ હતી કે 1856માં ચાલતા દુર્વ્યવહાર સામે સરકારે કાયદો કરવો પડેલો. એટલે તહેવારોની બીજી બાજુ છે જ. એ નર્મદના વખતમાં હતી તેવી આજે પણ છે.

દશામાનો તહેવાર નવો તહેવાર છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે ઉજવાય છે. ઘરમાં મૂર્તિનું સ્થાપન થાય છે. આ રીતે દશેક હજારથી વધુ મૂર્તિઓની સ્થાપના થતી આવી છે ને પછી મૂર્તિઓનું નદીમાં વિસર્જન પણ થતું આવ્યું છે. એમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું પ્રમાણ વધતું આવ્યું અને નદી એમાં ને એમાં પુરાતી ગઈ. આ મૂર્તિઓમાં ગણેશની, કૃષ્ણની, અંબાની એમ જુદી જુદી મૂર્તિઓ રહેતી. એમાં સૌથી વધુ પ્રતિમાઓ ગણેશની હતી. એક અંદાજ મુજબ મુંબઈ, પુના કરતાં પણ સુરતમાં વધુ મૂર્તિઓ, સિત્તેર હજારની આસપાસ સુરતમાં સ્થપાતી. એ પ્રમાણ કોરોનાને કારણે થોડું ઘટ્યું હશે, પણ આ વર્ષે ચાર ફૂટની ગણેશની પ્રતિમાઓ સ્થાપવાની સરકારે છૂટ આપી છે, સાથે એવો આગ્રહ પણ રાખ્યો છે કે મૂર્તિઓનું વિસર્જન ઘરઆંગણે જ થાય. એની કાળજી આપણી પ્રજા નથી રાખવાની તેની સરકારને પણ ખાતરી છે, પણ રાજકીય હેતુઓ પાર પડતાં લાગે છે તો સરકાર ઢીલ મૂકતી રહે છે. નવરાત્રિમાં ગરબાનું આયોજન, આયોજકોએ સ્વેચ્છાએ પડતું મૂક્યું છે, પણ સરકારને માતાજીની કૃપા થાય તો એ દાંડિયા હાથમાં લે પણ ખરી ! 

કોરોનાની ત્રીજી લહેરનું આયોજન થઈ રહ્યું છે એમ કહેવાય છે ત્યારે સવાલ થાય છે કે આયોજન ત્રીજી લહેરને રોકવા થાય છે કે તેડવા તે સમજાતું નથી. એ જે હોય તે, આપણે તો પ્રાર્થના જ કરવાની રહે કે આફત ટળે !

ધાર્મિક ઉત્સવો આનંદ અને આસ્થા માટે થાય છે, પણ એ હેતુ ખરેખર જળવાય છે ખરો? દશામાની મૂર્તિઓની સ્થાપના થઈ ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનરે એવો આગ્રહ રાખ્યો કે મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ થાય. એવું થયું હોત તો આનંદ જ થયો હોત, પણ એવું થયું નહીં. હજારો મૂર્તિઓ કેનાલમાં અને જુદે જુદે ઓવારે ખંડિત અને રઝળતી દશામાં જોવા મળી. જે મૂર્તિનું દિવસો સુધી લાલન પાલન થતું હોય, તેની પૂજા અર્ચના થતી હોય, આરતી-પ્રસાદ થતાં હોય તે માને આમ રઝળતી મૂકી દેતાં ભક્તોને કૈં થતું નથી? માતાજી, ગરજ પતે એટલે એવો કચરો કેવી રીતે થઈ જાય કે તેને નદી કિનારે નાખી આવવો પડે? આ ધર્મ ને ભક્તિ છે? જો આ ધર્મ છે તો અધર્મ આપણે કોને કહીએ છીએ? કોઈ મા કે બાપા આપણને ચોખા મૂકવા આવે છે કે અમારી સ્થાપના કરો? જો નહીં, તો દશામા, આટલી દુર્દશામાં કેવી રીતે વિદાય લે છે? બીજા કોઈ ધર્મમાં ભગવાનની આટલી દુર્દશા જોઈ છે? ને આપણે લવારા કરીએ છીએ કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ! આવા ગર્વિષ્ઠ હિન્દુ છીએ આપણે જે દેવી દેવતાનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન પણ નથી કરી શકતા? આ શરમજનક છે.

આમાં કોર્પોરેશનની હઠ પણ જવાબદાર છે.  મ્યુનિસિપલ કમિશનરે મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ થાય એવો આગ્રહ રાખ્યો, પણ તેમને એ ખબર હતી કે પૂરેપૂરું એવું થવાનું નથી. મૂર્તિઓ બહાર પણ વિસર્જિત થવા આવશે જ. સ્થાપના વખતે કૃત્રિમ તળાવોનું આયોજન વિચારણા હેઠળ છે એવું કમિશનરે કહ્યું ને પછી તળાવની વાત આગળ ચાલી નહીં. તળાવ થયાં હોત તો શું વાંધો આવતે એ નથી સમજાતું. તળાવ થયાં હોત તો પણ મૂર્તિઓ થોડી તો રઝળી જ હોત, પણ પ્રમાણ ઘટ્યું હોત. એ સગવડ ન મળી ને લોકોને મૂર્તિઓ રખડતી મૂકવાનું બહાનું મળી ગયું. આ જ સ્થિતિ ગણેશ વિસર્જન વખતે પણ થઈ શકે છે. બધી મૂર્તિઓનું વિસર્જન ઘરઆંગણે થવાનું નથી જ. એવે વખતે કૃત્રિમ તળાવોનું આયોજન કોર્પોરેશને કરવાનું રહે જ છે, એટલું જ નહીં, એની આગોતરી જાહેરાત પણ કરવી જ જોઈએ, જેથી લોકો ગમે ત્યાં મૂર્તિ રખડતી ન મૂકે. 

કોરોનાનું તો બહાનું છે, અગાઉ પણ ગણેશની પ્રતિમાઓ ખંડિત અને રઝળતી હાલતમાં જોવા મળી જ છે. પછી કોર્પોરેશને એ મૂર્તિઓને એકત્રિત કરીને દરિયામાં પધરાવવી પડે છે. આ વખતે દશામાની મૂર્તિઓ એમ જ એકઠી કરવી પડી અને દરિયામાં વિસર્જિત કરવી પડી. એક સૂચન કરવાનું થાય છે. જો મૂર્તિઓ છેલ્લે ભેગી કરીને વિસર્જિત કરવી જ પડતી હોય તો કોર્પોરેશન વિધિવત એવી જાહેરાત કરી શકે કે મૂર્તિઓ અમુક જગ્યાએ ભક્તો જમા કરાવે જેથી તેનું વિધિવત વિસર્જન થઈ શકે. 

પણ, પ્રજા તરીકે આપણે દંભી પ્રજા છીએ. હિન્દુ, હિન્દુનું કીર્તન કરતાં સજજનોને મૂર્તિઓ રઝળે એનો વાંધો નથી લાગતો, નહિતર બીજી બાબતોમાં આગ્રહ રાખતા ધાર્મિકો મૂર્તિઓનાં રઝળપાટ અંગે ચૂપ કેવી રીતે રહે? સાચી વાત એ છે કે આપણે ધર્મને દેખાડા પૂરતો જ અપનાવ્યો છે. એ પણ કોઈ વિધિના પ્રારંભમાં હોય એટલો જ ! નહિતર વિસર્જન અંગે આટલી બેદરકારી ચાલે કેવી રીતે? બને તો ધર્મને અંગત રાખીએ. ઘરમાં રાખીએ. વિધિવિધાનો કરવાં જ હોય તો ઘર પૂરતાં સીમિત રાખીએ. કોઈ ઈશ્વર કશાનો આગ્રહ રાખતો નથી, એ નથી સ્થાપના ઇચ્છતો કે નથી ઇચ્છતો વિસર્જન ! હવે આપણને રસ હોય તો એટલું કરીએ કે એને માનથી આવકારીએ અને માનપૂર્વક વિદાય આપીએ. કમસેકમ જેને માનીએ છીએ એ ઈશ્વરને અપમાનિત ન કરીએ. ધર્મ આપણું રક્ષણ કરે છે ને આપણે એને રઝળતો કરીએ એ શોભતું નથી. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑગસ્ટ 2021

Loading

૭૫,૦૦૦ તાલિબાનો સામે ૩,૦૦,૦૦૦ અફઘાન સૈનિકો કેવી રીતે હારી ગયા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 August 2021

“અમે યુદ્ધ જીતી ગયા અને અમેરિકા હારી ગયું. અમે બધું કરવા તૈયાર છીએ. અમે શાંતિ માટે તૈયાર છીએ અને જેહાદ માટે પણ પૂરા તૈયાર છીએ.” છઠ્ઠી એપ્રિલે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને જાહેરાત કરી કે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાન છોડી દેશે, તેના એક અઠવાડિયા પછી, અફઘાનિસ્તાનના બાલ્ખ જિલ્લાના તાલિબાન વડા હાજી હેકમતે બી.બી.સી.ના સંવાદદાતાને આ શબ્દો કહ્યા હતા. તેની બાજુમાં બેઠેલા તાલિબાન સૈન્યના કમાન્ડરે એમાં ઉમેર્યું હતું, “જેહાદ અમારા માટે ઈબાદત છે, અને ઈબાદત એવી વસ્તુ છે કે ગમે તેટલી કરો, તો પણ થાકી ન જવાય.”

એ શબ્દોમાં કોઈ જ અતિશયોક્તિ ન હતી. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ, ન્યૂયોર્કનાં ટવીન ટાવર્સ અને પેન્ટાગોન પર ઓસામા બિન લાદેનના અલ-કાયદા આંતકવાદીઓઓ હુમલો કર્યો, તે પછી અમેરિકાએ તેમનો સફાયો કરવા માટે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. આ વીસ વર્ષના યુદ્ધમાં ૧,૦૦૦ બિલિયન ડોલર્સ હોમાઈ ગયા, ૨,૩૦૦ સૈનિકોનાં મોત થયાં અને ૨૦,૬૬૦ સૈનિકો જખ્મી થયા. આ ખાલી અમેરિકા બાજુના આંકડા છે. અફઘાન લોકો અને તાલિબાનોની જાનહાનિ તેમ જ દેશની બરબાદીની કહાણી અલગ જ છે.

૨૦ વર્ષમાં તાલિબાનો તો થાક્યા ન હતા, પણ અમેરિકા એવું થાકી ગયું હતું કે ૧૧મી સપ્ટેમ્બર પહેલાં સૈનિકોની ઘરવાપસી પહેલાં જ તાલિબાનોએ એક પછી એક અફઘાનિસ્તાનનાં શહેરો કબજે કરીને ૧૫મી ઓગસ્ટે કાબુલ પર જે રીતે ફતેહ કરી, તેનાથી દુનિયા દંગ રહી ગઈ. હજુ એક મહિના પહેલાં જ, એક પત્રકાર પરિષદમાં એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને પૂછ્યું હતું, “તાલિબાનો અફઘાનિસ્તાન પર કબજો જમાવે તે હવે અનિવાર્ય છે?” ત્યારે બાઈડને આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું, “ના, કારણ કે ૭૫,૦૦૦ જેટલા તાલિબાનોની સામે ૩,૦૦,૦૦૦ તાલીમબદ્ધ અફઘાન સૈનિકો છે. એ સંભવ નથી.”

બીજા એક પત્રકારે પ્રતિપ્રશ્ન કર્યો હતો, “તમારી પોતાની ઇન્ટેલિજન્સ બિરાદરીનું અનુમાન છે કે અફઘાન સરકાર ગમે ત્યારે પડી ભાંગશે,” તેનો જવાબ પણ બાઈડને કહ્યું હતું, “ના, તેમનું એવું અનુમાન નથી. અફઘાન સરકાર ટકી રહેવા સક્ષમ છે.”

જમીન પરની હકીકત જુદી જ હતી. તાલિબાનો એવી રીતે કાબુલમાં આવી ચઢ્યા કે અમેરિકાએ તેના સ્ટાફને ત્યાંથી એર-લિફ્ટ કરવા માટે વધારાની સૈનિક સહાય મોકલવી પડી. કાં તો જો બાઈડનનું વહીવટીતંત્ર તાલિબાનોની વીજળી જેવી ગતિથી અંધારામાં રહી ગયું, અથવા તો તેમની સાથે તેની ગુપ્ત સમજુતી હતી, જેની દુનિયાને ૨૦-૨૫ વર્ષ પછી કોઈક પુસ્તકમાં ઘટસ્ફોટ થશે ત્યારે ખબર પડશે.

જે આતંકવાદીઓનો અમેરિકા સફાયો કરવા માગતું હતું, એ જ આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ગાદી પર બેસશે. આમાં બે અસલી વિજેતા છે: તાલિબાનો અને તેમને લશ્કરી, રાજકીય, આર્થિક અને નૈતિક આશ્રય આપનાર પાકિસ્તાન. રશિયન લોકો અફઘાનિસ્તાનમાં હતા, ત્યારે પણ પાકિસ્તાને અફઘાન મુજાહીદ્દીનોને તાજા-માજા કર્યા હતા, અને અમેરિકા તાલિબનોનો સફાયો કરવા અહી આવ્યું, તો પાકિસ્તાનના સૈન્યએ ઢાલ પૂરી પાડી હતી. પાકિસ્તાનનાં વ્યૂહાત્મક હિતોમાં અફઘાનિસ્તાન શરૂઆતથી જ સૌથી મહત્ત્વનું રહ્યું છે.

પાકિસ્તાનની કુખ્યાત ઇન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ(આઈ.એસ.આઈ.)ના ભૂતપૂર્વ વડા જનરલ હમીદ ગુલે, ૨૦૧૪માં સાર્વજનિક રીતે એક એકરાર કર્યો હતો, જે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને સમજવા માટે ઉપયોગી છે. આતંકવાદ સામેના અમેરિકાના યુદ્ધમાં પાકિસ્તાનને મળેલી અમેરિકન સહાયના સંદર્ભમાં, હમીદ ગુલે ૨૦૧૪માં એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ઇતિહાસ જ્યારે લખાશે, ત્યારે તેમાં એક નોંધ થશે કે આઈ.એસ.આઈ.એ અમેરિકાની મદદથી અફઘાનિસ્તાનમાંથી સોવિયત યુનિયનને મારી-ભગાવ્યું હતું. એ પછી એમાં એક બીજું વાક્ય ઉમેરવામાં આવશે-આઈ.એસ.આઈ.એ, અમેરિકાની મદદથી, અમેરિકાને મારી-ભગાવ્યા હતા."

અમરિકા અને તેના સાથી દેશોની અત્યાધુનિક વિશાળ ફૌઝ અને આર્થિક તાકાત સામે તાલિબાનો ૨૦ વર્ષથી ઝીંક ઝીલતા રહ્યા અને પાછલા ત્રણ જ મહિનાની અંદર તેજ ગતિએ એક પછી શહેરો, પ્રાંતો અને રાજ્યો સર કરીને કાબુલના રાષ્ટ્રપ્રમુખ મહેલમાં પહોંચી ગયા તે તેમની કુનેહ અને કૌવતનું પરિણામ છે અને દેખીતી રીતે જ તેની પાછળ પાકિસ્તાની સૈન્ય તેમ જ તેના ઊભા કરેલા બિન-લશ્કરી સંગઠન જૈશે-મહોમ્મદ અને લશ્કર-એ-તૈઈબાની મદદ હતી.

અમેરિકાએ લાદેનના અલ-કાયદાને ખતમ કરવા માટે કરોડો ડોલર પાકિસ્તાનમાં ઠાલવ્યા હતા. પાકિસ્તાને એ સહાયનો ઉપયોગ તાલિબાનોને તગડા કરવામાં કર્યો હતો. આજે એ જ તાલિબાનોએ  અમેરિકાનોને હંફાવી દીધા. ૨૦ વર્ષ પહેલાં, ૧૩ નવેમ્બર ૨૦૦૧ના રોજ, અમેરિકન સૈન્યના પીઠબળ સાથે અફઘાન નોર્ધન એલાયન્સના સૈનિકોએ કાબુલમાંથી તાલિબાનોને મારી ભગાવ્યા હતા અને નાગરિક સરકારની સ્થાપના કરી હતી. ગઈ ૧૫મી ઓગસ્ટે, તાલિબાનોએ એ જ કાબુલનો કબજો લઇ લીધો. એક ચક્ર આખું ફરી ગયું હતું.

આગામી મહિને, ૧૧મી સપ્ટેમ્બરે, અમેરિકાના ‘આતંક વિરોધી યુદ્ધ’ની ૨૦મી સાલગિરાહ છે. અફઘાનિસ્તાન છોડી દેવાની અમેરિકન સૈનિકોની આ છેલ્લી તારીખ મુક્કરર થઇ હતી. ૨૦મી સપ્ટેમ્બરે જો બાઈડન અફઘાનિસ્તાનમાં યુદ્ધ પૂરું થયાની જાહેરાત કરે, ત્યારે અખબારોમાં સાચી હેડલાઈન આ પ્રમાણે હોવી જોઈએ :

“વોર ઓન ટેરરનો પરાજય : આતંકવાદનો વિજય.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 ઑગસ્ટ 2021

Loading

...102030...1,8141,8151,8161,817...1,8201,8301,840...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved