Opinion Magazine
Number of visits: 9674736
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આશ્રમનું ભાવિ

થૉમસ વેબર ચાર્લ્સ ડિસાલ્વો અને ડેનિસ ડાલ્ટન|Opinion - Opinion|29 August 2021

મહાત્મા ગાંધીના જીવન અને વિચારના અભ્યાસીઓ તરીકે અમને ગયા કેટલા ય દાયકા દરમિયાન અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝમાં કામ કરવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. આશ્રમ આર્કાઇવ્ઝ ગાંધીએ લખેલાં અને તેમને મળેલા પત્રોનો સહુથી મોટો ભંડાર છે.

અમે આશ્રમની પવિત્ર ભૂમિમાં ફર્યા છીએ; ગાંધી એમનાં પત્ની કસ્તૂરબા સાથે ૧૯૧૭થી માંડીને ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી કૂચ માટે અહીંથી નીકળ્યા સુધી જ્યાં રહ્યા તે ઘર પણ અમે જોયું છે.  અમને સવાલ થતો રહ્યો છે કે એકવીસમી સદીમાં આ આશ્રમ કઈ દિશામાં આગળ વધી શકે. અમારા અભ્યાસનાં વર્ષો દરમિયાન અમે સાબરમતી

આશ્રમ શું બની શકે, ગાંધીના સંદેશનો ફેલાવો કરવામાં તેની શી ભૂમિકા હોઈ શકે અને વિશ્વકક્ષાની મહત્તા ધરાવતા આ સ્થળનો સહુથી અસરકારક ઉપયોગ કઈ રીતે થઈ શકે તે અંગે પણ વિચારતા રહ્યા છીએ.

અલબત્ત, ભારતના એક સહુથી મહત્ત્વનાં ઐતિહાસિક સ્થળ તરીકે, એક સંગ્રહાલય તરીકે અને એક યાત્રાધામ તરીકે સાબરમતી આશ્રમની મોટી ભૂમિકા છે. સત્યની શોધ માટે પ્રેરણા આપનારી આ જગ્યા છે. પર્યાવરણની પડતી અને હાજરાહજૂર આર્થિક અસમાનતાના આ કાળમાં, ઝીણું જોનાર મુલાકાતીને આ જગ્યા અહિંસા અને સાદગીનું મૂલ્ય બતાવે છે. એટલા માટે ગાંધીએ શીખવેલા અને આ આશ્રમમાં સાકાર થતા વિચારો પહેલાં કોઈ પણ તબક્કે હતા એટલા જ આજે પણ મહત્ત્વના છે.

ગાંધીએ નમૂના તરીકે રજૂ કરેલાં ઊંચા સ્તરના વિચાર અને જીવન માટે આશ્રમની પ્રકૃતિ અનુકૂળ છે. ગાંધી આશ્રમના પરિસરની અત્યારની સાદગી અને સુઘડતામાં એટલી બધી શક્તિ છે કે સંવેદનશીલ મુલાકાતી એની અસરથી દૂર રહી જ ન શકે. જુદો ચીલો પાડનાર વિચારક ઇવાન ઇલિચે ૧૯૭૦ના દાયકાના આખરી વર્ષોમાં સેવાગ્રામની ગાંધી કુટિર વિશે નોંધ્યું છેઃ ‘ગાંધીની આ કુટિર દુનિયાને બતાવે છે કે સાધારણ માણસનું ગૌરવ પણ શી રીતે ઊંચું લાવી શકાય. આપણે સાદગી, સેવા અને પ્રામાણિકતાના આચરણથી કેવી રીતે સુખી થઈ શકીએ એનું પણ કુટિર પ્રતીક છે.’

ઇલિચે આ વાત આટલી જ સહજતાથી હૃદયકુંજ માટે પણ કહી હોત. હૃદયકુંજ એટલે ગાંધી અને કસ્તૂરબા આશ્રમમાં જ્યાં રહેતાં હતાં તે મૂળ ઘર. પણ ઇલિચે કહ્યું તેવું સુખ સમય જતાં, ધીમી ગતિએ તેમ જ શાંતિથી કરેલાં મનન-ચિંતનમાંથી આવે છે. આવું સુખ ટોળાં હોય ત્યાંથી મળવું અશક્ય જ છે.

ભવિષ્યની દૃષ્ટિએ આશ્રમની પ્રસ્તુતતા જળવાય તેના બે રસ્તા શક્ય જાણાય છે. એક દેખીતો રસ્તો છે કે જેમાં નફા કરતાં નુકસાન વધુ હોય એમ અમને લાગે છે. એ રસ્તો પસંદ કરીએ તો આશ્રમ ‘વર્લ્ડ ક્લાસ’ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એટલે કે વિશ્વ કક્ષાનું પ્રવાસન મથક બનશે. આશ્રમના રિડેવલપમેન્ટના પ્રસ્તાવ અંગેના અખબારી અહેવાલો જો બરાબર હોય તો આશ્રમ પ્રવાસીઓનું કેન્દ્ર બનશે. આ બનવાની સાથે, ત્યાં મોટરો પાર્ક કરવા માટેની વિશાળ જગ્યા, ફૂડ કોર્ટ, દુકાનો, વી.આઈ.પી લાઉન્જ હશે અને ‘૧૯૪૯નો અનુભવ લઈ શકાય શકાય તેવું આરોગ્યપ્રદ, શાંત અને ભીડભાડ વિનાનું વાતાવરણ’ પણ ફરીથી ઊભું કરવામાં આવ્યું હશે. આમાંથી સરકારને આવક પણ થશે અને કદાચ મહાત્મા અત્યારે છે તેના કરતાં ઘણાં વધુ લોકોમાં જાણીતા થશે.

એ બાબતનો પણ વિચાર થવો જોઈએ કે આશ્રમને ચોંકાવનારી સાદગીવાળી, ખાણીપીણીની દુકાનો તેમ જ વી.આઇ.પી. લાઉન્જ (આના વિશે ગાંધીએ શું કહ્યું હોત ?) વિનાની અને બીજી જગ્યાઓની સરખામણીમાં પહોંચવામાં થોડીક મુશ્કેલી પડે તેવી જગ્યા તરીકે જાળવી રાખવામાં એક વધુ ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય છે. ડિસ્નેલૅન્ડ જેવું આકર્ષણ ઊભું કરી શકે તેવો ગાંધી થીમ પાર્ક સેલ્ફી લેનારા લોકોને ખૂબ ગમે એમ બને. મરતાં પહેલાં એક વાર જોવા જેવાં સ્થળોની યાદીમાં ગાંધી આશ્રમને મૂકનારા પ્રવાસીઓને પણ અહીં આવ્યાનો સંતોષ મળે.(ગાંધીને ફરીથી દાંડી જવાનું થાય તો એ શું કહેશે ?) 

જો કે બીજો પણ એક અભિગમ છે. તેની પરિકલ્પના કરવી કંઈક અઘરી છે, પણ તેમાં આશ્રમ એવી જગ્યા બને (ખરેખર તો, એવી જગ્યા તરીકે ટકી રહે) કે જ્યાં ગાંધીવાદી વાતાવરણ અનુભવી શકાય.અમદાવાદનો સાબરમતી આશ્રમ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીએ સાધનશુદ્ધિના પ્રયોગો કર્યા અને તારણો તારવ્યાં. અહીં સમૂહજીવન અને સમૂહભોજન એટલે નાતજાતના ભેદનો અંત. અહીં નિવાસીઓ એક સામ્રાજ્ય સાથે બાથ ભીડતા શીખ્યા.

આશ્રમની કાયાપલટનો અત્યારનો સૂચિત પ્રસ્તાવ ગાંધીના વિચારો અને સંદેશને ભૂસી નાખવામાં નહીં પરિણમે ? આ પ્રસ્તાવનું અમલીકરણ થયા પછી શું આપણે આશ્રમમાં ગાંધીચેતના અનુભવી શકીશું ? નુકસાન થશે તે માપી શકાય તેવું નક્કર નહીં હોય ; એ અમૂર્ત હશે, પણ એ પ્રચંડ હશે.

ગાંધીને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તેમણે અમેરિકાની મુલાકાત શા માટે લીધી નથી, ત્યારે તેમણે એવો ડર વ્યક્ત કર્યો હતો  કે લોકો એમને નવરાશમાં જોવા જેવી બાબત તરીકે મળવા માટે આવશે : ’ચાલો ને ભારતીય પ્રાણીબાગના ઓલા પ્રાણીને  જોતાં આવીએ.’ ગાંધીને એવા લોકો જોઈતા હતા કે જેમને એ ખરેખર શું કહે છે તે સમજવામાં રસ હોય, એમણે એવા લોકોને  આશ્રમમાં આવીને પોતાની શીખનો વિગતવાર અભ્યાસ કરવા માટે આમંત્રણ આપ્યું.

આશ્રમના પુનઃવિકાસ પ્રકલ્પમાં તેને માત્ર સહેલાણીઓને આકર્ષવા માટેના ટૂરિસ્ટ હબ બનાવવા કરતાં બીજો ઘણો અવકાશ છે. ગાંધી જ્યાં ચાલ્યા, જ્યાં તેમણે કામ કર્યું; જેના પરિસરના  બાગમાં, ઘરમાં, પ્રાર્થના-મેદાનમાં ગાંધી ચેતના અનુભવી શકાતી હોય એવું આ સ્થળ – ગાંધી અને તેમના સંદેશને સમજવા માટેનું  જીવંત, ધબકતું સ્થાનક બનાવવાની આ તક છે.

એમ બને કે ગાંધીવિચારના અભ્યાસી તરીકે અમારો દૃષ્ટિકોણ સાંકડો હોય. એટલે એનાથી વ્યાપક રીતે જોઈએ તો આશ્રમને એવું મથક બનાવી શકાય કે જ્યાં એકઠા કરેલ Gandhianaનું – એટલે કે ગાંધીવિચારના રાશિનું – અભ્યાસીઓ અને શાંતિસૈનિકો આદાનપ્રદાન કરી શકે. આ મથક થકી ગાંધીવિચારના અભ્યાસ તેમ જ પરિપક્વ અમલીકરણને પ્રોત્સાહન મળે, જેમાંથી કદાચ ગાંધીવિચારથી પ્રેરણા પામેલા લોકોનો એક વિશ્વવ્યાપી સમુદાય ઊભો થાય.

આશ્રમમાં ગાંધીને લગતા દસ્તાવેજો અને માહિતી ગાંધી હેરિટેજ પોર્ટલ થકી વિજાણુ માધ્યમથી પૂરા પાડવામાં આવે છે. એટલે હવે આશ્રમ ગાંધી સંશોધનનું આંતરરાષ્ટ્રીય હબ ન બની શકે ?

ગાંધી આશ્રમ અભ્યાસીઓ અને સંશોધકો માટે એકઠા થવાનું, મળવાનું, કામ કરવાનું, એકબીજાને મળવાનું, માહિતીની આપ-લે કરવાનું, ચર્ચા કરવા માટેનું  દુનિયાનું સહુથી મહત્ત્વનું સ્થળ બની શકે. આવું સ્થળ ગાંધી વિચારના નિષ્ણાતોના પરસ્પર સંપર્ક ઘનિષ્ઠ બનાવે, ગાંધી પરનો સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતો અભ્યાસ અહીં થઈ શકે. આ એવી જગ્યા ન બની શકે કે જ્યાં દુનિયાભરના અભ્યાસીઓ-સંશોધકો આવે અને બાહોશ સ્થાનિક વિદ્વાનો તેમ જ કર્મશીલો સાથે કામ કરે, એકાબીજા પાસેથી પ્રેરણા મેળવે?

ધ્યાનમાં રહે કે દસ્તાવેજો મળવા અને કાર્યરત સમવિચારીઓનું એકબીજાને એક સ્થળે મળવું એ બંને જુદી બાબતો છે. કોઈ જગ્યા સાદું વિદ્યાકીય ગ્રંથાલય અને આર્કાઇવ પૂરાં પાડી શકે. એ આશ્રમ પણ પૂરાં પાડે જ છે. પણ મહત્ત્વનું છે તે ગાંધી નામનું અદ્દભુત, અજોડ વાતાવરણ – એ આ  ભારતના સાબરમતી આશ્રમમાં છે. એટલે આશ્રમ થકી ભારત દુનિયા માટે સત્ય અને અહિંસાના  શોધક તરફનો પ્રકાશસ્તંભ બની શકે.

અનુવાદ : સંજય સ્વાતિ ભાવે

[આ લેખના એક લેખક થૉમસ વેબરે ‘ઑન ધ સૉલ્ટ માર્ચ : ધ હિસ્ટોરિઓગ્રાફી ઑફ ગાંધીઝ માર્ચ ટુ દાંડી’ પુસ્તક લખ્યું છે. ચાર્લ્સ ડિસાલ્વો ‘ધ મૅન બિફોર ધ મહાત્મા : એમ.કે ગાંધી ઍટર્ની ઍટ લૉ’ પુસ્તકના અને ડેનિસ ડાલ્ટન ‘મહાત્મા ગાંધી : નૉનવાયોલન્ટ પાવર ઇન ઍક્શન’ પુસ્તકના લેખક છે.]

સૌજન્ય : “ધ ઇન્ડિયન એક્સપ્રેસ”, 25 ઑગસ્ટ 2021

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 06-07

Loading

બાપુ, હમણાં અહીંયાં આવીશ નહીં

પ્રશાંત|Opinion - Opinion|29 August 2021

પ્રિય બાપુ,

હું અમદાવાદમાં વર્ષોથી રહું છું, છતાં તમારા હૃદયકુંજની મુલાકાતે ભાગ્યે જ હું આવ્યો છું. હું જ નહીં, મોટા ભાગના અમદાવાદીઓ અને ગુજરાતીઓની આ સ્થિતિ છે. ૧૯૧૭માં તે કોચરબ આશ્રમ છોડી અમદાવાદના સીમાડે (ત્યારે આ સીમાડો જ હતો) સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરી હતી, જેને આજે લોકો ગાંધી આશ્રમ તરીકે ઓળખે છે. આમ તો હવે આશ્રમ શબ્દ કાને પડે એટલે મન અનેક તર્કર્વિતક કરવા લાગે. કારણ છેલ્લાં વર્ષોમાં અનેક બાબાઓએ પોતાના આશ્રમ ખોલી કઈ પ્રવૃત્તિઓ કરી તેનાથી બધા વાકેફ છે, પણ આ બધા કરતાં તારો આશ્રમ ખૂબ જુદો છે. કારણ જે આશ્રમની માટીમાં તમે, સરદાર, મહાદેવભાઈ, કૃપાલાણીજી જેવા અનેક સત્યાગ્રહીઓ ચાલ્યા તે માટીમાં હજી પણ સત્યાગ્રહની મહેક છે. હું સોમનાથ મંદિર પણ ગયો છું અને દ્વારકા પણ ગયો છું અને હું તારા  આશ્રમના હૃદયકુંજ સામે પણ હું ઊભો રહ્યો છું, પરંતુ સોમનાથ અને દ્વારકા કરતાં અહીંયાં જુદો જ અનુભવ થયો છે.

સોમનાથ અને દ્વારકામાં જ નહીં, કોઈ પણ મંદિરમાં હું તો કાયમ યાચક બનીને જ ઊભો રહું છું, પરંતુ હૃદયકુંજમાં આવ્યા પછી તારી પાસે માંગવાની હિંમત થતી નથી, કારણ તારી ફકીરી, સાદગી, તારો પ્રેમ, તારી સહિષ્ણુતા અને સારી સમજ ઝીલવાની મારામાં હિંમત નથી, એટલે જ કદાચ હું અને મારા જેવા અનેકો તારાથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. મને ખબર છે, એક વખત તારી પાસે આવ્યા પછી તારાથી છૂટવું અશક્ય છે એટલે જ મારા જેવા લોકો પોતાનાં સંતાનોને સત્યાગ્રહ આશ્રમ બતાવવાને બદલે રિવરફ્રન્ટ, સાયન્સસિટી અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી બતાવે છે, પણ તારું હૃદયકુંજ દેખાડતા નથી. અમને ડર લાગે છે કે ક્યાંક અમારો માંહ્યલો જાગી જશે, તો  અમને તું ગમે છે પણ તારા રસ્તે ચાલવું પરવડે તેમ નથી.

બાપુ તું કહીશ, એમાં શું, બહુ સરળ રસ્તો છે. પણ અમને ખબર છે તારો રસ્તો સરળ નથી કારણ તું જે રસ્તે ચાલ્યો, તે રસ્તે ચાલવામાં તેં ઘણી કિંમત ચૂકવી છે. તારા જ દીકરા તારાથી નારાજ હતા, અને કસ્તૂરબાએ તો માત્ર તમારી સંગિની હોવાની કિંમત ચૂકવી છે. તું ઈશ્વર નથી. તેની મને ખબર છે, પણ હવે તને ઈશ્વર બનાવવો જ પડશે, તેવું કેટલાક લોકોએ નક્કી કર્યું છે. તને ઈશ્વર બનાવી તેઓ અમને તારાથી દૂર કરવા માગે છે. મને ખબર છે જો તને ગોળીઓથી નહીં પણ તોપથી ફૂંકી માર્યો હોત તો પણ તું મરવાનો નહોતો. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અબજો લોકોનાં હૃદયોમાં, તું આજે પણ જીવે છે, એટલે જ તારી સાદગી, તારી ફકીરી અને તારી લડાયકતા અનેકોને ખટકે છે. તેમણે નક્કી કર્યું કે તારી પાસેથી તારી ફકીરી અને સાદગી છીનવી લેવી છે, એટલે તારા હૃદયકુંજને હવે વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.

તારા ખંડેર થઈ રહેલા હૃદયકુંજના મેદાનમાં રહેલી માટીથી કોઈના પગ ગંદા થશે નહીં. ત્યાં વિદેશી માર્બલ બિછાવી દેવામાં આવશે, વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ટ, વિશ્વનાં ઉત્તમ એમપી થિયેટર, વિશ્વમાં જે કઈ ઉત્તમ છે. તેવું બધું અહીંયાં બનાવી દેવામાં આવશે. જે રસ્તે દાંડી ગયો હતો, તેને ભવ્ય બનાવી દેવામાં આવશે, કારણ તારી સાદગીની ભવ્યતા અમને રાઝ આવતી નથી. તારી સાદગી અને સહિષ્ણુતા અમને સતત અમે હીન અને ઊતરતા છીએ, તેની યાદ અપાવે છે. એટલે જ તારું અને તારા ઘરનું રિડેવલપમેન્ટ કરવાનો અમે નિર્ણય કર્યો છે. અમને ખબર છે, તને આ જરા પણ ગમશે નહીં, કારણ તને તો તારી પ્રતિમાઓ મુકાય તે પણ મંજૂર નહોતું, પણ અમારા પ્રેમ સામે તારે કાયમ લાચાર રહેવાનું છે, હવે તારા આશ્રમને અમે નવાં વર્લ્ડ ક્લાસ બનાવીશું.

બાપુ, હું તને એટલા માટે આ પત્ર લખી રહ્યો છું કે ક્યાંક તું પાછો ફરે અને તને તારો આશ્રમ મળે જ નહીં. કદાચ તને એવું લાગે નહીં તે માટે તને જાણ કરી રહ્યો છું કે હમણાં રિડેવલમેન્ટનું કામ ચાલુ છે, એટલે પાછા ફરવાની ઉતાવળ કરતો નહીં. તારા આશ્રમવાસીઓને ઘરના બદલે ઘર આપવાનું કામ ચાલુ છે, એટલે તેમની ચિંતા કરતો નહીં, બાકીના લોકોની ચિંતા કરવાની જરૂર નથી, કારણ તેમની સંપન્નતાને કોઈ આંચ આવે તેમ નથી. તેમણે તારા નામે તેમની સાત પેઢીની વ્યવસ્થા કરી રાખી છે. ચાલ, મારી પાસે બીજાં પણ કામ છે. હું કઈ તારી જેમ ફુલટાઇમ સત્યાગ્રહી નથી. મારા ઘરે પણ હરિ અને કસ્તૂરબા છે. પાછાં તે ક્યાંક નારાજ થઈ જશે. સમય મળે પત્ર દ્વારા હું તને અહીંયાં શું ચાલી રહ્યું છે, તેનાથી અપડેટ કરીશ. સરદાર, નહેરુ સહિત તારા બધા સાથીઓને મારા રામરામ કહેજે.

તારો

પ્રશાંત

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 07

Loading

ગાંધીના આશ્રમ અને ઇતિહાસ સાથે ચેડાંની પૂંઠે મંશા શું છે

રાજમોહન ગાંધી|Opinion - Opinion|28 August 2021

અમદાવાદના સાબરમતી આશ્રમને ‘વિશ્વકક્ષાના સ્મારક”(વર્લ્ડ ક્લાસ મેમોરિયલ)માં તબદીલ કરવાની સરકારી પરિયોજનાના રાષ્ટ્રવ્યાપી વિરોધનો આરંભ કરનારા પ્રકાશ ન.શાહ, ગણેશ દેવી અને આનંદ પટવર્ધનના જાહેર નિવેદન પર મેં પણ સહર્ષ હસ્તાક્ષર કર્યા છે. હું ગાંધીનો વંશજ છું કે ગાંધીનું મેં વિશદ અધ્યયન કર્યું છે એટલા માટે મેં તેના પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ સાબરમતીના તટે સહેલાણીઓને આકર્ષવા સતત ઊભાં કરાતાં માળખાં ગાંધીના આશ્રમને ગળી તો નથી જતાં, પણ તેને નગણ્ય બનાવી દે છે તે વિચાર મારા વિરોધપત્ર પર હસ્તાક્ષરનું મુખ્ય કારણ છે.

બીજા લાખો લોકોની જેમ મને પણ આશ્રમની આશ્ચર્યજનક સાદગી ખૂબ ગમે છે. નદી, વૃક્ષો અને એક સદી જૂના નાની કુટિરો જેવા આવાસોની નળિયાંવાળી છતો, જ્યાં ગાંધીજી અને કસ્તૂરબા રહેતાં હતાં તે હૃદયકુંજ – અમદાવાદ આવનારાઓ માટે જોવાલાયક છે. ૧૯૬૦ના દાયકામાં ચાર્લ્સ કોરિયાએ જેની પરિકલ્પના કરી હતી, તે આશ્રમ સાથેની ઇમારતો પણ એટલી જ ગરિમાપૂર્ણ છે, જેમાં મુલાકાતીઓ આશ્રમ અને તેની સાથે જોડાયેલાં આંદોલનોનાં ઇતિહાસના ચિત્રો જોઈ શકે છે.

આ એ જ સાબરમતી આશ્રમ છે જ્યાં નિર્ભીકતા, અસ્પૃશ્યતાનાબૂદી, સર્વધર્મ સદ્‌ભાવ અને શ્રમ કરીને આજીવિકા રળવાની સુંદરતા જેવી નવી મુખ્ય પ્રતિજ્ઞાઓ જોડીને – પ્રાચીન, નૈતિક, આધ્યાત્મિક સંકલ્પોને નવા અર્થ આપવામાં આવ્યા. ફલતઃ આ સીધો-સાદો, સાફ-સ્વચ્છ આશ્રમ સામાજિક ક્રાંતિની ક્યારી બની ગયો. ઇતિહાસને બદલી નાંખનારાં ત્રણ આંદોલનોને જન્મ આપનારા આ જ આશ્રમમાં એક રાજકીય ક્રાંતિ પણ થઈ હતી. આ દરેક આંદોલન આઝાદી માટે મહત્ત્વનાં હતા. ૧૯૧૯માં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર લગામ મૂકનારા રૉલેટ ઍક્ટ વિરુદ્ધનો રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ, એવો વિદ્રોહ હતો જેનો જવાબ બ્રિટિશ રાજે જલિયાંવાલા કાંડ રૂપે આપ્યો. ૧૯૨૦થી ૧૯૨૨ સુધીનું બ્રિટિશ સામ્રાજ્ય સામેનું અસહકાર આંદોલન અને ૧૯૩૦થી ૩૩ની દાંડીયાત્રા અને સવિનય કાનૂનભંગ.

શું આપણે આ પવિત્ર ઇતિહાસ સાથે વગર વિચાર્યે ચેડાં થાય તેમ ઈચ્છીએ છીએ?

મારો સૌથી મોટો વાંધો કે નારાજગી આ જ વાતે છે.

હું એ માની નથી શકતો કે નરેન્દ્ર મોદીની સરકાર ગાંધીના વિચારોને અમલી બનાવવા ઇચ્છે છે. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના સર્વોચ્ચ નેતા શી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ જવા અને તેમની સાથે હૃદયકુંજમાં તસવીરો પડાવવી તે મહાત્માની નહીં, મોદીની વાહવાહી માટેની કવાયત હતી.

ગાંધીનાં કોઈ ધ્યેય છદ્મ કે ગુપ્ત નહોતાંઃ ન તો સાબરમતીમાં, ન તો દાંડીકૂચ દરમિયાન, ન તો અંગ્રેજોએ તેમને કેદ કરીને રાખ્યા હતા એ જેલોમાં, ન તો ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન’ દરમિયાન. ન નોઆખલી અને બિહારમાં. હિંદુ નોઆખલી રહેતા હતા અને મુસલમાન બિહારમાં- સંકટગ્રસ્ત જિંદગીઓને બચાવવા માટે ૧૯૪૬-૪૭ની તેમની તીર્થયાત્રાઓમાં – ન તો એમના જીવનના અંતિમ નિર્ણાયક વર્ષ ૧૯૪૭-૪૮માં, જ્યાં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના સમર્થનથી ગાંધીએ નિશ્ચિત કરી દીધું હતું કે સ્વતંત્ર ભારત બધા ધર્મોનું રાષ્ટ્ર હશે, માત્ર હિંદુ બહુમતીનું નહીં. સમાનતા અને વિવિધતાની આ વચનબદ્ધતા ડૉ. આંબેડકર રચિત બંધારણમાં પ્રતિષ્ઠા પામી છે.

આ વચન (સમાનતા અને વિવિધતા) પ્રત્યેની નરેન્દ્ર મોદી સરકારની નિષ્ઠા પર મને સંદેહ છે. વડા પ્રધાન તરીકેનાં સાત કરતાં વધુ વરસો અને તે પૂર્વેના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના દીર્ઘ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી સમક્ષ અસંખ્ય વાર આ વચન દોહરાવવાનું આવ્યું હતું. ભીડ દ્વારા હુમલા અને હત્યાના અવસરે, પોલીસે ધર્મના કોઈ ભેદ વિના તમામના જીવનની રક્ષા કરવી, તમામ અપરાધીઓ પર પોલીસ અને અદાલતી કાર્યવાહીના હુકમ કરવા, લોકોને ભરોસો અપાવવાની અને અપરાધીઓની નિંદા કરવાની જરૂર હતી ત્યારે મોદીનું વર્તન તેથી વિરુદ્ધનું હતું.

શું આવો કોઈ હુકમ, દિલાસો કે ટીકા (મોદીના મોંએ) એક પણ વાર આપણે સાંભળી છે કદી ?તમે એક બાજુ બહુમતીને પાંખમાં લો અને બીજી બાજુ ગાંધીની પ્રતિમાએ માથું ટેકવો શું એ શક્ય છે ? તમે લોકોને (સી.એ.એ. એન.આર.સી. વિરોધી આંદોલનકારો કોણ છે તે) “તેમના પહેરવેશ પરથી ઓળખો” એમ કહીને ‘ઈશ્વર અલ્લા તેરો નામ’ ગાતા ગાંધીનાં ગુણગાન ગાઈ શકો ખરા ? આ પાખંડ ઘૃણાસ્પદ છે.

ગાંધી માટે વાણીની સ્વતંત્રતા જેટલી જ પાયાની બાબત બધા ભારતીયોની સમાન સુરક્ષા હતી. અસંખ્ય નિઃસ્વાર્થ કાર્યકરોને જેલમાં ગોંધી રખાયા હોય અને હત્યા તથા બળાત્કારના સમાચારો મેળવવા જતા પત્રકારની ધરપકડ થાય. ત્યારે તમે શું ચૂપ રહી શકો ? તો પણ તમે દાવો કરો છો કે તમે ગાંધીને દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છો ? એ ગાંધીને જે જિંદગીનો મોટો ભાગ એક પત્રકાર હતા ?

સાબરમતી આશ્રમને જાહેર સરકારી નાણાંની જરૂર છે અને રહેશે. આશ્રમમાં કોઈ સુધારા કરવાની જરૂર હોય, તો આશ્રમના ટ્રસ્ટીઓ, ગાંધીવિચારકો, તમામ સ્થાપત્યવિદો અને પર્યાવરણવિદોને સાથે લો. કોઈ સરકાર કે કોઈ (રાજકીય) પક્ષ (સાબરમતી) આશ્રમનું ‘નિર્માણ’ (કે કાયાપલટ) કરી શકે નહીં. ગાંધીનાં મૂળ ધ્યેયોના વિરોધીઓ તો તેનું નિર્માણ કે કાયાપલટ ન જ કરે.

અનુવાદ : ચંદુ મહેરિયા

કાર્ટૂન અને લેખ સૌજન્ય : ‘ઇન્ડિયા ટુ ડે' – હિંદી

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 01-02

Loading

...102030...1,8091,8101,8111,812...1,8201,8301,840...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved