Opinion Magazine
Number of visits: 9571621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હળહળતાં જૂઠાણાં બોલતા વડા પ્રધાનને નૈતિકતા જેવું છે કે નહીં ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2021

ભારતી પ્રવીણ પવાર નામનાં કોઈ બહેન કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં પ્રધાન છે, અને તેમણે રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે કોવીડ સંક્રમણના બીજા આક્રમણ દરમ્યાન ઓક્સીજનના અભાવમાં દેશમાં એક પણ દરદીનું મૃત્યુ થયું નહોતું. બોલો. આને કહેવાય હિંમત. સાચું બોલવામાં તો હિંમત જોઈએ એવો આપણો અનુભવ છે, પણ એક હદથી વધારે ખોટું બોલવા માટે પણ હિંમત જોઈએ. કાચાપોચાનું કામ નથી. કોઈ વળી કહેશે કે આને નિર્લજ્જતા કેહવાય તો નિર્લજ્જ બનવા માટે પણ હિંમત જોઈએ. કોઈ શું કહેશે અને કોઈ આપણને કેમ મુલવશે એની ચિતા ન હોય, એ લોકો જ આવું ઉઘાડું અસત્ય બોલી શકે અને આ હિંમતનું કામ છે. ગાંધીજી ખરેખર નમાલા હતા. 

ગયા વર્ષે વડા પ્રધાને કેમેરા સામે આખું જગત સાંભળે અને જુએ એમ કહ્યું હતું કે ચીને ભારતમાં પ્રવેશ કર્યો જ નથી અને ભારતની એક ઇંચ જમીન ઉપર કબજો કર્યો નથી. બીજા દિવસે જગતભરનાં મીડિયાઓએ સેટેલાઈટ તસ્વીરો છાપી અને બતાવી હતી જેમાં ચીનાઓ લડાખમાં ભારતની ભૂમિમાં ક્યાં સુધી પ્રવેશ્યા છે અને કઈ રીતનું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે એ જોવા મળતું હતું. એ સિવાય વડા પ્રધાનનાં જૂઠાણાંને પડકારતા અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. કોવીડના ઉપદ્રવ છતાં લોકોની જિંદગીને જોખમમાં નાખીને, જે માણસને અમદાવાદ બોલાવીને ઓવારણા લીધા હતા એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પરમ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાનની આબરૂના કાંકરા કરતું જાહેર નિવેદન કર્યું હતું કે ચીની લશ્કરે ભારતની ભૂમિ ઉપર કબજો કર્યો છે એ વાતે ભારતના વડા પ્રધાન દુઃખી અને ઉદાસ છે.

Cartoon courtesy : Kirtish Bhatt, BBC

આવું સફેદ જૂઠ બોલીને શું ફાયદો થયો? આબરૂના કાંકરા થયા કે આબરૂમાં વધારો થયો? વળી આવું વારંવાર કરવામાં આવે છે. ધરાર! સરકારે પેગેસસ સ્પાઈવેર દ્વારા ભારતમાં કોઈની જાસૂસી કરી જ નથી એમ બેધડક કહેવામાં આવ્યું હતું, પણ પ્રમાણો તેનાથી ઊલટું કહે છે. પેગેસસ સ્પાઈવેર બનાવનારી ઇઝરાયેલની એન.એસ.ઓ. કંપની કહે છે કે અમે માત્ર જે તે દેશોની સરકારોને તેનાં રાષ્ટ્રીય સુરક્ષાના હેતુ માટે સ્પાઈવેર વેચીએ છીએ અને તેની જાણ અમારા દેશ(ઇઝરાયેલ)ની સરકારને કરીએ છીએ. ઇઝરાયેલ સરકારે હજુ સુધી કહ્યું નથી કે પેગેસસ સ્પાઈવેર ભારત સરકારને વેચવામાં આવ્યો છે એની અમને જાણ નથી. 

તો લાખ રૂપિયાનો સવાલ એ છે કે શા માટે વડા પ્રધાન પોતે અને ભારત સરકાર વખતોવખત હળહળતાં જૂઠાણાં બોલે છે? અહીં માત્ર તાજેતરનાં સમયનાં ત્રણ ઉદાહરણ આપ્યાં છે, બાકી આવાં દસ-વીસ ઉદાહરણ સહેજે મળી આવશે. વડા પ્રધાનના મુખારવિંદથી બોલાયેલાં જૂઠાણાંના ઉદાહરણ હાથવગાં છે. વળી સંસદમાં, સરકારી સત્તાવાર બેઠકોમાં, અદાલતમાં જૂઠ બોલવું એ બંધારણીય ગુનો છે અને એનાથી વિશેષ નૈતિક ગુનો છે. રાજકીય રેલીઓમાં અને ચૂંટણીસભાઓમાં જે જૂઠ બોલવામાં આવે છે એને રાજકીય જરૂરિયાત સમજીને ચલાવી લેવામાં આવે છે. હકીકતમાં એ પણ નૈતિક ગુનો છે. તો શા માટે આવાં હળહળતાં જૂઠાણાં બોલવામાં આવે છે? આ તેમની રાજકીય શૈલી છે કે પછી જૂઠ બોલતા પોતાની જાતને રોકી ન શકાય એવી માનસશાસ્ત્રીય સમસ્યા છે?

એ વાત સાચી કે કઢીચટ્ટાઓ જૂઠને સ્વીકારી લે છે અને કેટલાક જો તેને સ્વીકારતા નથી તો પડકારતા પણ નથી. ના, તેઓ બેવકૂફ નથી, તેઓ કઢીને વફાદાર હોય છે. જે કઢી ચટાડે તેને વેચાવા તેઓ તૈયાર રહે છે. કઢીચટ્ટાઓ બે પ્રકારના છે. એક એ જેઓ જૂઠને સત્ય તરીકે પીરસે અને એ પણ બુલંદ અવાજ અને આત્મવિશ્વાસ સાથે. એમાં વડા પ્રધાનને પણ ટપી જાય. ઉપરથી બચાવ પણ કરે અને કોઈ શંકા કરે તો તેને બોલવા જ ન દે. બીજા એ જેઓ બુલંદ રણકારનો ઉમેરો કર્યા વિના જૂઠને એમને એમ પીરસે, પણ શંકા ન કરે. પડકારવાનો તો સવાલ જ નથી. જૂઠ બોલનારાઓને ખબર છે કે જૂઠ ગમે તેવું હોય, આ કઢીચટ્ટાઓ તેને સવાલ કર્યા વિના પીરસવાના છે અને ઉપરથી બચાવ પણ કરવાના છે. કોને પીરસશે? બે પ્રકારના નાગરિકોને. એક એ જેઓ હિંદુ કોમવાદી છે અને બીજા એ જેઓ બેવકૂફ છે અને આ બન્ને મળીને ચૂંટણી જીતાડી આપશે. હિંદુ કોમવાદીઓમાં મુસ્લિમવિરોધી ઝેર એટલું ઠાંસીઠાંસીને ભર્યું છે કે જો મુસ્લિમનું બુરું થતું હોય તો પોતાની સાત પેઢીને તે બરબાદ કરવા તૈયાર છે. બીજો વર્ગ બેવકૂફોનો છે જેને વિચારતા આવડતું જ નથી. જે વિચારે નહીં એ શંકા ન કરે ત્યાં સવાલ તો બહુ દૂરની વાત છે. સ્વાભાવિકપણે તેઓ વફાદાર અને સંગઠિત છે. 

પણ એ પછી પણ પ્રશ્ન તો બચે જ છે કે આખું જગત હસે એવું હળહળતું જૂઠાણું બોલવાનો ખોટનો સોદો તેઓ શા માટે કરતા હશે? સિફતપૂર્વકના અસત્ય અને અર્ધસત્યથી કામ ચાલી જતું હોય ત્યાં આવું સાહસપૂર્વકનું જૂઠ શા માટે  બોલે છે? જગત આખામાં જવાબદાર માણસોને સિફતપૂર્વક જૂઠ બોલતા આપણે જોયા છે, કારણ કે જવાબદાર માણસો જવાબદાર છે માટે હળહળતું જૂઠાણું નથી બોલી શકતા. તેમને તેમના દરજ્જાનું ભાન હોય છે. અહીં આપણને ઊલટું જોવા મળી રહ્યું છે. જો તેઓ સિફતપૂર્વક જૂઠ બોલતા હોત અને હળહળતું જૂઠાણું બોલવાનું ટાળતા હોત તો બિચારા ભક્તોને પણ સુવાણ રહેત. રોજેરોજ અક્કલની પરીક્ષા આપવી પડે છે તેનાથી બચી શકાત. તેમની વફાદારી તો સિફતપૂર્વકનાં જૂઠ બોલવામાં આવે તો પણ કાયમ રહેવાની છે.

તો પછી શા માટે તેઓ ગળે ન ઊતરે એવું જૂઠ બોલે છે? શું આ માનસિક સમસ્યા છે?

ના એવું નથી. તેઓ સમર્થકો ક્યાં સુધી જૂઠ પચાવી શકે છે અને સાથ આપે છે એનું પાણી માપે છે. એ સમર્થનની રાજકીય કીમત છે અને એને વટાવી શકાય છે. લાગતાવળગતાને સંદેશ મળી જાય છે કે સાહેબો તેમના સમર્થકો ઉપર હજુ પણ મજબૂત પકડ ધરાવે છે અને રાજકીય હવા કઈ દિશમાં વહે છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 જુલાઈ 2021

Cartoon courtesy : ‘Poliloquy’ : R Prasad in the “Economic Times”

Loading

છતે સંતાને માબાપો સંતાન વગર જીવે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 July 2021

ઉત્તરપ્રદેશની સરકારે બેથી વધુ સંતાનોનાં માબાપોને નોકરીના ને રાજકારણના લાભો નહીં મળે એ મતલબનો મુસદ્દો કર્યો છે અને તેનો વિરોધ પણ થયો છે, તો ક્યાંક તેને સમર્થન પણ મળ્યું છે. સંતાનો વધુ જન્મે એ હવે આ દેશને પરવડે એમ નથી. વસતિનિયંત્રણ દરેક દેશવાસીએ કરવું જ પડે એ સમયની માંગ છે ને એ રાજકારણ, જ્ઞાતિ, જાતિ, ધર્મને વચ્ચે લાવ્યા વગર વિચારવાની જરૂર છે. એ સાથે જ કોઈક કારણસર જે દંપતી સંતાન મેળવી નથી શકતાં એમની પણ ચિંતા કરવાની રહે. વધુ સંતાનોને કારણે લાભ ન મળે એમ મનાતું હોય તો જેમને ઇચ્છવા છતાં પારણું નથી બંધાતું એમને વિષે પણ વિચારાવું જોઈએ. કેટલાંક માબાપ એકથી વધુ સંતાનની ઇચ્છા નથી કરતાં ને એ એટલાથી જ રાજી છે, એ માબાપે પોતાનાં એક માત્ર સંતાન વિષે પણ વિચારવાનું રહે, કારણ આગળ જતાં એ ઘણી સમસ્યાઓનો ભોગ બને છે.

જે કુટુંબમાં એક જ સંતાન છે, દીકરી કે દીકરો, એનાં માબાપ તો કદાચને રાજી હશે, પણ જે સંતાન છે તે નાનપણથી જ અનેક મૂંઝવણોનો સામનો કરે છે ને એનો ખ્યાલ માબાપને પણ બહુ આવતો નથી. પોતે છોકરો છે તો છોકરી કેવી હોય એની ખબર દીકરાને બહુ મોડી પડતી હોય છે, એવું જ દીકરી પણ છોકરો એટલે શું એ મુદ્દે મૂંઝાતી હોય એમ બને. ઘરમાં મા ને બાપ છે, તે છોકરી કે છોકરો નથી. એટલે બહાર પડ્યા પછી જ સંતાનને દેખાવ પરથી ખ્યાલ આવે છે કે છોકરો શું છે કે છોકરી શું છે ! પોતે છોકરો છે તો છોકરી કેમ નથી કે છોકરી છે તો છોકરો કેમ નથી, અથવા શું હોય તેને છોકરી કહેવાય ને શું હોય તેને છોકરો કહેવાય એ જાણકારી સંતાનને બહુ મોડી મળે છે, મળે છે તે પણ અધકચરી ને એ છેવટે તો ગૂંચ જ વધારે છે. વધારે સારું તો એ છે કે માબાપ જ યોગ્ય સમયે એકના એક સંતાનને છોકરો કે છોકરીની સાચી માહિતી આપે. જે ઘરમાં છોકરી અને છોકરો બંને સાથે જ ઉછરે છે, એ ઘરમાં કેટલીક માહિતી આપોઆપ, રોજિંદા પરિચય અને વ્યવહારમાંથી મળી રહે છે. એનો એક ઉપાય એ પણ છે કે સંતાનને એવી શાળામાં દાખલ કરાય જ્યાં છોકરો ને છોકરી સાથે ભણતાં હોય. આમ થાય તો જે ભેદ છોકરી કે છોકરામાં છે તેનાથી બાળક સારી પેઠે પરિચિત થાય. જે ઘરમાં એક જ સંતાન છે તે કુતૂહલ અને અજ્ઞાનવશ ઘણી સમસ્યાનો ભોગ બને છે. બળાત્કારનું પ્રમાણ વધવામાં કુટુંબનું એક માત્ર સંતાન પણ અન્ય કારણોમાંનું એક હોઈ શકે છે.

એક કે બે સંતાનોને માબાપ જીવ રેડીને ઉછેરે છે ને ભણાવે છે. એમને ભણાવવાનું મોંઘું જ પડે છે, પણ જરૂરી ઉચ્ચ શિક્ષણ મળી રહે એ માટે માબાપો મરી પડે છે. એમને ભણાવવાની લોન પૂરી કરવામાં એ બેવડ વળી જાય છે. પતિ-પત્ની બંને કમાય નહીં તો બે શું એક સંતાન જોગવવાનું પણ અઘરું છે. સરકાર કાયદો કરે કે ન કરે, માબાપને જ વધુ સંતાન પરવડે એમ નથી. સ્ટેટસ પ્રમાણે અમુક રીતે રહેવું જ પડે, સંતાનોને પણ અમુક પ્રકારનું વાતાવરણ આપવું જ પડે ને એ બધું કરવા જતાં માબાપ બધી રીતે વહેલાં ખર્ચાઈ જાય છે ને એમ લાગે કે દીકરા-દીકરી ભણીગણીને, નોકરી-ધંધે લાગીને પોતાને ટેકો કરશે, એ વાત મનની મનમાં જ રહી જાય છે. એવી સ્થિતિ આવે છે કે ટેકો કરવાને વખતે ખભો મળવાનું પણ મુશ્કેલ થઈ પડે છે.

બને છે એવું કે ભણીગણીને દીકરો કે દીકરી નોકરીએ લાગે છે તો તેનું પોસ્ટિંગ જે તે શહેરમાં કે ગામમાં જ મળે એવું ઓછું બને છે. મોટે ભાગે તો દીકરીએ કે દીકરાએ જુદા શહેરમાં જવાનું થાય છે. બાકી હોય તો દીકરીનું લગ્ન દૂર થાય ને તે માબાપથી દૂર રહેવા લાગે છે. સંપર્ક ધીમે ધીમે ઓછો થતો જાય છે ને માબાપને ભાગે એકલતા જ આવે છે. દીકરો ભણીગણીને સારી નોકરીએ લાગે ને માબાપની નોકરી પણ ચાલુ હોય તો તે સ્થિતિ પણ માબાપથી, સંતાનને દૂર કરનારી નીવડે છે. દીકરો ઘરમાં જ હોય ને પરણે પછી વહુને માબાપ જોડે ફાવે તો સોનામાં સુગંધ ભળે, પણ એવું ન થાય તો દીકરાએ મોડાવહેલાં અલગ થવાનું આવે છે. ઘણીવાર તો એક જ શહેરમાં સંતાનો લગ્ન પછી માબાપથી અલગ થઈને દૂર રહેતાં થઈ જાય છે ને ઘરમાં માબાપ એકલાં જ રહી જાય છે. એવું પણ બને છે કે સંતાનો માબાપને કે બેમાંથી જે રહી ગયું હોય તેને ઘરડાંઘરનો રસ્તો બતાવી દે ને એણે બાકીની જિંદગી ત્યાં વિતાવવાની આવે છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે કારણ ગમે તે હોય, પાછલી ઉંમરે માબાપ એકલવાયી જિંદગી જીવવા મજબૂર બને છે. બને કે એમનો ય વાંક હશે, પણ એ એટલો મોટો હોતો નથી કે છતે સંતાને પોતે સંતાન વિહોણાં હોય એમ જીવવાની ફરજ પડે. સૌથી વધુ મદદની જરૂર હોય ત્યારે જ માબાપ એકલાં પડી જાય એ કરુણતા છે. એમને દવાની, સારવારની જરૂર હોય ને એકલાં જવું આવવું પડે કે પોતાનાંની આશ છોડીને બીજાને ભરોસે રહેવું પડે એ સ્થિતિની કલ્પના ને ચિંતા, માબાપ ગમે એટલાં તિરસ્કારને પાત્ર હોય તો પણ, સંતાનોએ તટસ્થતાથી કરવાની રહે જ છે. ઘણીવાર એવું બને છે જે દીકરીની માબાપે ઉપેક્ષા કરી હોય કે તેનાં શિક્ષણ-ઉછેરની જવાબદારી માબાપે પૂરી ઉપાડી ન હોય ને એ જ દીકરી પરણેલી હોય કે કુંવારી, માબાપની પૂરી કાળજી લેતી હોય ને દીકરો માબાપને ભૂલીને બીજી જ જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગયો હોય. માબાપ ત્યારે પસ્તાતાં પણ હોય છે કે દીકરીને અવગણી તે ઠીક ન થયું. પણ, એમ પસ્તાવા કરતાં દરેક માબાપે એક વાતની ગાંઠ વાળી જ લેવાની રહે કે તેઓ દીકરા કે દીકરી વચ્ચે કદી કોઈ ભેદ નહીં જ કરે ને બંનેને સરખું ને પૂરતું મહત્ત્વ આપશે.

માબાપ બીજી પણ કેટલીક ભૂલો કરે છે, તેમાંની એક તે સંતાનોને પરાણે વિદેશ મોકલવાની. વિદેશ ભણવા કે નોકરી કરવામાં વધારે તકો હોય છે. ત્યાં કમાણી વધુ છે, સગવડો વધુ છે, એ સાચું હોય તો પણ પોતાનાં સંજોગો જોઈને માબાપે કે સંતાને યોગ્ય તે નિર્ણયો લેવા જોઈએ. માબાપને એવું લાગે છે કે દીકરો વિદેશ જઈને કમાઈ લાવે તો અહીં તેમનું દળદર ફીટે. એટલે દેવું કરીને માબાપ દીકરાને વિદેશ મોકલે છે. ઘણીવાર સંતાનો વિદેશ જવા રાજી પણ નથી હોતાં, પણ સંતાનોની વધુ કમાણીની આશાએ માબાપ પરાણે વિદેશ ધકેલતાં હોય છે. મોટે ભાગે સંતાનો વિદેશથી પરત આવતાં નથી. ત્યાં જ પરણે છે કે નોકરી-ધંધો કરી લે છે. શરૂઆતમાં દીકરો ઇન્ડિયા આવે પણ છે, પૈસા પણ મોકલે છે, પણ પછી એ બધું ઘટતું જાય છે ને એ પોતે બાપ બને છે તો માબાપને વિદેશ બોલાવી લે છે, તે એટલે કે એમને હાથે બાળકો મોટાં થઈ જાય ને કહેવાતી ભારતીય સંસ્કૃતિ કે રીતભાત વિષે જાણે. એ નથી સમજાતું કે અહીં વિદેશી સંસ્કૃતિની નકલ કરતાં સંતાનો વિદેશમાં પોતાનાં સંતાનોને ભારતીય સંસ્કૃતિ શીખવવાનો આગ્રહ કેમ રાખે છે? માબાપને એટલા માટે વિદેશ પણ તેડાવે છે. એ સાચું પણ હશે, પણ વધારે સાચું તો એ છે કે ત્યાં ઉછેર માટે માબાપ સસ્તાં પડે છે. માબાપને ત્યાં બહુ ફાવતું નથી ને એક વાર સંતાનો મોટાં થઈ જાય એટલે કોઈને જ પછી બહુ ફાવતું નથી ને માબાપ મોડાવહેલાં અહીં જ પરત થાય છે.

જે માબાપને એટલું પણ વિદેશ જવાનું નસીબમાં નથી, એ અહીં જ વિદેશી થઈ ગયેલાં દીકરા-વહુની કે ગ્રાન્ડ ચિલ્ડ્રનની રાહ જુએ છે ને એમાં જ આયખું ખુટાડે છે. હાલત એટલી ખરાબ થઈ જાય છે કે કથળતી જતી તબિયતને જોવાવાળું કોઈ હોતું નથી ને સંતાનોની રાહ જોવામાં જ આંખો મીંચાઈ જાય છે. સંતાનો એટલાં દૂર વસી ગયાં હોય છે કે ઇચ્છા હોય તો પણ અનેક પ્રકારની જવાબદારીઓને લીધે અહીં આવી શકતાં નથી ને ઘણીવાર એવું બને છે કે મા કે બાપ દીકરાનો ખભો પામતાં નથી ને એ ફરજ નજીકના કે દૂરના સંબંધી કે પરિચિતોએ જ બજાવવાની આવે છે. આવું ન બનવું જોઈએ, પણ બને છે ને છેવટે જે રહી જાય છે એને ફાળે પસ્તાવો જ સિલકમાં રહે છે.

બધે જ આવું થાય છે એવું કહેવાનું નથી, પણ ઘણીવાર આવું બને છે. એમાં સંજોગો ને સ્વભાવ કામ કરે છે, પણ શક્ય ત્યાં સુધી સંવેદનાઓ ન સુકાય ને માણસાઈ ન ચુકાય તેટલું થાય તો પણ એ વાતે આનંદ અને સંતોષ રહે કે આખું કોળું દાળમાં ગયું નથી. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

શમ્સુદ્દીન ઇસ્માઈલ આગા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|27 July 2021

ઇંગ્લિસ્તાનના એક એશિયાઈ આગેવાનના નિવાસસ્થાને, ગઈ સદીના આઠમા દાયકામાં, એક મુશાયરાનું આયોજન થયું. નાટ્યલેખક શમ્સુદ્દીન આગા ઉર્દૂ શાયરીના એક સર્વોચ્ચ કવિ મિર્ઝા ગાલિબને [જન્મ : 27 ડિસેમ્બર 1797, આગ્રા − અવસાન : 15 ફેબ્રુઆરી 1869, દિલ્હી] આ મુશાયરામાં લઈ આવે છે. મર્ત્યલોકના માનવીની જેમ આ અમર શાયર પણ મૂંઝાયેલા, ખોવાયેલા હોય તેવો અનુભવ થાય છે. આપણ સૌની જેમ, અહીં પાત્રો પણ, એશિયાઈ સમાજની અધકચરી, ઢંગધડા વિનાની વાતો પેશ કરે છે.

માનવીની સુપ્ત વૃત્તિઓની, વિનોદ તથા કટાક્ષ વાટે, અહીં રજૂઆત થઈ છે. શાયરી, સંગીત, ગપસપ, બોલચાલ અને નાચગાનમાં પણ વ્યસ્ત રહેતી બ્રિટિશ એશિયાઈ જમાતને મન ભાંગડા નૃત્યસંગીત સૌથી અદ્દભુત વસ્તુ છે. તેની મજાક પણ અહીં છે. જાણીતા વિચારક, લેખક યાવ્વર અબ્બાસ લખે છે તેમ, ગાલિબની રચનાઓ ભણી વાચકને, શ્રોતાને દોરી જવાનો જ આશય લેખકનો અહીં નથી; પણ ખુદની મજાક કરવાનો અને જાતતપાસનો મકસદ પણ હોય તેમ લાગે છે.

ગઈ સદીના પાંચમા દાયકામાં કન્હૈયાલાલ કપૂરે ઉપહાસાત્મક રચના કરેલી, નામે, ‘મિર્ઝા ગાલિબ જદીદ શોર કી મહેફિલમેં’. એ ઘૂમ ઉપડેલું. તે મૂળ નાટકનું માળખું કબૂલ કરી, શમ્સુદ્દીન આગાએ, 1982ના અરસામાં, ઉર્દૂમાં એકાંકી લખ્યું. તેના અનેક ખેલ લંડનમાં અને ભારતમાં થયા. ઉર્દૂમાં આ ચોપડી 1984માં પ્રગટ થઈ, અંગ્રેજીમાં 1995માં થઈ. એ નાટકનું ગુજરાતી સંસ્કરણ કરાવવાનું અમારું સૂચન લેખકે સ્વીકાર્યું. હવે, અહીં, તેનું ગુજરાતી રૂપાન્તર આપીએ છીએ. અનુવાદનાં આ કામમાં, રૂપાંતરકાર મનીષ પટેલને, ગુજરાતી સાહિત્યકાર પ્રૉ. જયન્ત પંડ્યાએ પાયાગત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

રમણભાઈ નીલકંઠની અમરકૃતિ ‘ભદ્રંભદ્ર’ના મુખ્ય પાત્રને, ક્યારેક, લાવણ્યનગરી લંડનની સહેલ કરાવવાની જરૂર ખરી ! પ્રાચીનપક્ષવાદી રૂઢિચુસ્ત ભદ્રંભદ્ર ધોતિયું, અંગરખું, ચકરી પાઘડી પહેરી, સખા અંબારામ જોડે, વિમાનમાં બેસી, લંડન આવે અને સ્વભૂમિ પરત થાય ત્યારે, મહામયી નગરીના વિમાનમથકે, સૂટેડબૂટેડ, હેટધારી દેખા દે, એવું પણ બની શકે ! … આ પણ એક ઓરતો છે !! … ખેર !

— વિ.ક. [‘ઓપિનિયન”, 26 જુલાઈ 2006; પૃ. પ્રથમ]

•••••

આ 26 જુલાઈ 2006ના “ઓપિનિયન”ના અંકના અગિયાર અગિયાર પાનાં પર પથરાયું આ નાટક જમાવટ કરી જાય છે. સમાપ્તિ ભણી ધસમસતા આ નાટકનો છેલ્લો અંશ જોવા સમ છે :

મિર્ઝા ગાલિબ :  હૈરાઁ હૂઁ દિલ કો રોઉં કે પીટૂં જિગરકો મૈં
                       મકદૂર હો તો સાથ રખૂઁ નોહાગરકો મૈં

(મિર્ઝા સાહેબ ઊભા થાય છે અને આસપાસ જુએ છે.)

                  મારે હવે સ્વર્ગમાં પાછા જવું પડશે − મારો વખત પૂરો થયો છે. મારી મુલાકાત આનંદ કરતાં દુ:ખ વધારે લાવી. મને પ્રશ્ન થાય છે કે મારું જીવવું નિષ્ફળ તો નથી ગયું ને ?

(જેવા તે સ્વર્ગમાં જવા હાથ ઊંચા કરે છે, કે ગાંધી ટોપી પહેરેલું અને હાથમાં ભારતીય ઝંડો લઈ એક પાત્ર પ્રવેશે છે.)

ભારતીય ઉર્દૂ : મિર્ઝા સાહેબ, ઊભા રહો. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર હિન્દુસ્તાન છે.

(બીજું એક પાત્ર, જિન્નાહ ટોપી પહેરેલું પાકિસ્તાની ઝંડો લઈ પ્રવેશે છે.)

પાકિસ્તાની ઉર્દૂ : હજુ જવાનું નથી, ગાલિબ સાહેબ. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર પાકિસ્તાન છે.

(ત્રીજું એક પાત્ર, બોલર હેટ પહેરેલું અને યુનિયન જેક લઈ પ્રવેશે છે.)

બ્રિટિશ ઉર્દૂ : ગાલિબ સાહેબ, મહેરબાની કરી સાંભળો. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર ગ્રેટ બ્રિટનમાં છે. અમે જ્યાં પણ રહીએ, તમારું સ્થાન અમારા હૃદયમાં છે. તમારી શાયરી અમારી પ્રેરણા છે. જ્યારે અંધકાર હોય ત્યારે તમે પ્રકાશ પાથરો છો. જ્યારે અમે દુ:ખી હોઈએ ત્યારે તમે ઉત્સાહ બનીને આવો છો. જ્યારે અમે નિરાશ થઈએ ત્યારે આશાનું કિરણ બનીને આવો છો. અમારી ભાષા અને સંસ્કૃતિ વિષે તમે ચિંતા ન કરશો. જ્યાં સુધી તમારા જેવા શાયર છે, ત્યાં સુધી તે નાશ નહીં પામે − તેનો નાશ થઈ શકે જ નહીં.

(મિર્ઝા સાહેબ ટટ્ટાર થાય છે અને પોતાનો વિષાદ ભૂલી જાય છે. તે પોતાનાં પુસ્તકની નકલ પાત્રોને આપે છે. ગાલિબની ગઝલ ગવાતી સંભળાય છે : … ‘હૈ બસ કિ હર એક … … ‘ લાઈટ મંદ થતી જાય છે અને સાથે સાથે પડદો પડે છે.)

•••

આ શમ્સુદ્દીન ઇસ્માઈલ આગાનો 21 જુલાઈ 2021ના રોજ અહીં લંડનમાં દેહ પડ્યો. વળતે દિવસે વૉલ્ધમ ફોરેસ્ટના કબ્રસ્તાનમાં એમની દફનવિધિ સમ્પન્ન થઈ હતી. જાહેર જીવનને, નાગરિકી સમાજને, ઉદારમતી કોમને તેમ જ અહીં વસવાટી ભારતીય આલમને ન પૂરાય તેવી ખોટ પડી છે. લાંબા અરસા પહેલાં પત્નીનાં નિધન કેડે હવે શેષ પરિવારમાં પુત્રી, પુત્ર તેમ જ દોહિત્રી છે. 

શમ્સુદ્દીન આગા મૂળ મુંબઈનિવાસી. એમનો જન્મ ભાયખલા ખાતે, સન 1936 વેળા, 19 જૂને થયેલો. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ એમણે નાટક અંગેની તાલિમ પણ લીધી હતી. શિષ્ટ ફારસી તેમ જ અંગ્રેજી વિષયના એ વ્યાખ્યાતા ય હતા.

બીજા અનેક યુવાનોની પેઠે, એ કાળે, રોજગારીની ઉજ્જવળ શોધમાં, સન 1964 દરમિયાન, શમ્સુભાઈએ વિદેશની વાટ પકડી. અને તે દિવસોમાં સઘળાની નજર જેમ વિલાયત પર મંડિત રહેતી તેમ આ બિરાદર પણ વિલાયત આવ્યા. આરંભે જાતભાતની રોજગારી કરતા રહ્યા. લેંકેશરના બોલ્ટન નગરમાં શિક્ષણકામ પણ કર્યું અને ત્યાં ગોઠવાઈ જવાનું વિચાર્યું; પરંતુ છેવટે પાટનગર લંડનમાં જ એમનો મેળ પડ્યો અને પૂર્વ લંડનના વૉલ્ધમ ફોરેસ્ટ વિસ્તારમાં ઠરીઠામ થયા. અંગ્રેજી ઉપરાંત બીજી બેપાંચ ભાષાઓ ય જાણે તેથી લેયટન લાઇબ્રેરીમાં ગ્રથપાલ / વસ્તુપાલ [curator] તરીકે નિયુક્ત થયા. ત્યાર પછી, ન્યુહમ બરૉ કાઉન્સિલના ભાષાન્તર વિભાગમાં વડા અધિકારી તરીકે ય એમણે વરસો લગી સેવાઓ આપેલી અને ત્યાંથી જ પા સદી પહેલાં એ સેવાનિવૃત્ત થયેલા.

શમ્સુભાઈ જોડેનો કુંજને તેમ જ મને લગભગ આ અરસામાં જ પરિચય થયો અને તે અંત લગી મધમીઠો રહ્યો. કુંજને અવારનવાર ચાનક ચડાવી એમની સંગાથે નાટકમાં ઊતરવા ને કામ કરવા ય સૂચવતા.      

પંચ્યાશી વરસની વયને આંબી જનાર આ લેખકે અંગ્રેજીમાં અને ઉર્દૂમાં લખાઈ કેટલીક ચોપડીઓ આપી છે. ‘વહશત હી સહી’, ‘ટીપુ સુલતાન’, ‘મિર્ઝા ગાલિબ ઇન લંડન’ તેમ જ ‘ફ્લાઇટ ડિલેય્ડ’નો તેમાં સમાવેશ છે.

અહીંના વસવાટ દરમિયાન, એમણે 1969 વેળા ‘ઇન્ડિયન મુસ્લિમ ફેડરેશન’ની સ્થાપના કરી હતી અને તે સંસ્થાની એમણે ભરપૂર કાળજી કરી. વરસોથી એ આ સંસ્થામાં અંતિમ ક્ષણ લગી પ્રમુખપદે રહ્યા હતા. સંયુક્ત રાષ્ટૃ સંઘે આ સંસ્થાને સન 1999 વેળા NGOનો અધિકૃત મોભો પણ આપેલો. શમ્સુદ્દીન આગાના વડપણ હેઠળ આ સંસ્થાએ હરણફાળ ભરી અને પોતાનું કાયમી સરનામું પણ ઘડી કાઢ્યું. પોતાના કાર્યકાળ વેળા ફેડરેશન હેઠળ અનેક પરિસંવાદો તેમ જ પરિષદોનાં આયોજન પણ થયાં છે. ભારતીય મુસ્લિમોની દશા વિશે એમને ચિંતા રહ્યા કરતી અને જીનેવા, ન્યુ યોર્ક ખાતે તેમ જ દક્ષિણ આફ્રિકા જઈને પરિસંવાદોમાં અને બેઠકોમાં સક્રિય રજૂઆતો કરી હતી. વળી વિષયને લગતાં અનેક લખાણો ય એમણે કર્યા છે.

આમાંના એક ત્રિદિવસીય પરિસંવાદમાં ભાગ લેવાનો મોકો મને ય મળ્યો હતો. દેશવિદેશના અનેક કર્મઠ કાર્યકરો, વિચારકો તેમ જ આગેવાનો આ પરિસંવાદમાં સામેલ હતા. આમાં પ્રાદ્યાપક રામ પુન્યાની, તીસ્તા સેતલવડનો ય સમાવેશ હતો. ફેડરેશનના મકાનમાં જ સભાખંડની સગવડ. ગુજરાતી સાહિત્ય અકાદમીને કારણે ત્યાં બે’ક વાર સભાબેઠકને સારુ પણ જવાનું બન્યું છે. આ મકાન, આ સભાખંડનું પુનરુદ્ધાર થતું હતું તે દિવસોમાં, જ્યારે જ્યારે હળવામળવાનું થતું, ત્યારે ત્યારે શમ્સુભાઈ મારી કને વચન ઇચ્છતા, અકાદમીની એક સભા દર મહિને આ નવા સભખંડમાં શરૂ થાય !

ખેર ! … રાષ્ટૃીય સ્તરના આગેવાનો જોડે આગા સાહેબને નાતો રહેતો. સ્થાનિક નેતાગીરી અને અધિકારીગણ જોડે ય બેઠકઊઠક રહેતી. મોટે ભાગે વ્યાસપીઠથી દૂર, શ્રોતા વચ્ચે બેઠક કરતા આ આગેવાન સરીખા આજકાલ કેટલા હોય ? પરંતુ આ જણે, જાહેર જીવનનો ક્યારે ય તેવા સંપર્કનો અંગત ફાયદો લીધો જાણ્યો નથી. હંમેશાં કોમની જ સિફારસ; કોમવાદ અને જાતિભેદની સામેની જેહાદ; રૂઢિચુસ્ત વલણ તથા સામંતશાહી રીતિનીતિ સામેની લડત માંડી જ હોય અને વળી મનેખ તરીકે સમાનતા, ધર્મનિરપેક્ષતા અને ઋજુતાનો પરચમ લહેરાવ્યા કર્યો હોય. કોમના આગેવાન તરીકે નિષ્ઠા, પ્રામાણિક્તા, ન્યોછાવરીમાં, ભલા, એમનો જોટો મળવો મુશ્કેલ.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

હેરો, 27 જુલાઈ 2021

સૌજન્ય : "નિરીક્ષક", 01 ઑગસ્ટ 2021; પૃ. 10-11

Loading

...102030...1,8051,8061,8071,808...1,8201,8301,840...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved