Opinion Magazine
Number of visits: 9677546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—117

દીપક મહેતા|Opinion - Opinion|23 October 2021

વાગી ઘર ઘરમાં હાક, ઓ નળ આવ્યો રે!

પ્રાઈમસનો ઠાઠ દેશી રજવાડાના ઠાકોરસાહેબ જેવો

મસાલા વગરની ચાને ગુજરાતી ઘરમાં ‘ચા’ કહેવાય જ નહિ

‘માગ, માગ, વત્સ! હું તારા પર પ્રસન્ન છું.’ આજે સવારે બ્રાહ્મ મૂહુર્તમાં અમને આ શબ્દો સંભળાયા. ના, ના, અમે કાંઈ ‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી’ ત્યારે સૂઈ ન રહેનારા ‘સાધુ પુરુષ’ નથી. પણ અમે અમારા પૂરતો એક નિયમ બનાવ્યો છે કે જાગ્યા ત્યારથી સવાર. સૂતી વખતે અમે ચશ્માં કાઢી નાખ્યાં હતાં એટલે આ બોલનાર કોણ છે એ બરાબર દેખાયું નહિ. એટલે :

‘આપ કોણ છો, અને મારા પર શા કારણસર રીઝ્યાં છો?’

‘મને ન ઓળખી? હું જગદમ્બા.’

‘પેલા ૫૧૫ નંબરના ફ્લેટમાં રહેતા જગતભાઈનાં મા?’

‘અરે અલ્પમતિ! એ પાંચસો પંદરિયા જગતની નહિ, હું તો આખા જગતની, વિશ્વની, મા છું. અને તારા પર પ્રસન્ન થઈ છું એટલે વરદાન આપવા આવી છું. જે માગવું હોય તે ઝટ માગી લે વત્સ, મારે બીજી પણ એપોઈન્ટમેન્ટ હોય ને?’

માન ન માન, મૈં તેરી મહેમાન જેવાં આ માતાજીને ઝટ વિદાય કરવા અમે કહ્યું :

‘બીજું તો કંઈ નહિ, પણ આ કાંદા-ટમેટાના ભાવ નીચા આવે તો ય ઘણું.’

‘વત્સ, ભાવનિયંત્રણ ખાતું મારા હાથમાં નથી, સરકારશ્રીના હાથમાં છે. એટલે બીજું કંઈ ઝટ માગી લે.’

અને કોણ જાણે ક્યાંથી, આપના આ સેવકને તુક્કો સૂઝ્યો : ‘મા, આપવું જ હોય તો મને ટાઈમ મશીન આપો.’

‘આંગ્લ ભાષાના નવલકથાકાર એચ.જી. વેલ્સ પાસે હતું એવું?’

આ સાંભળી અમે તો પથારીમાં બેઠા થઈ ગયા. ‘આપ એચ.જી. વેલ્સ અને એના ટાઈમ મશીન વિષે પણ જાણો છો?’

‘અરે ઓ મંદબુદ્ધિ! તારી આ દુનિયામાં એવું કશું નથી જે હું જાણતી ન હોઉં. અને જે હું પ્રસન્ન થાઉં તો આપી ન શકું.’

‘એટલે મને એ આપશો?’

‘હા, પણ બે શરતે. પહેલી એ કે એ મશીન વડે તું કેવળ ભૂતકાળમાં જ જઈ શકીશ, ભવિષ્યમાં નહિ. કારણ તું ભવિષ્યમાં જા તો સરકારને માટે સિક્યોરીટી પ્રોબ્લેમ થઈ શકે.’

ભાગતા ભૂતની ચોટલી સહી, એમ વિચારી અમે કહ્યું : ભલે, પણ આપો તો ખરાં જ.’

દેવી ઉવાચ : ‘બીજી શરત એ કે ભૂતકાળમાં પણ તું માત્ર ૮૦ વરસ સુધી જ પાછળ જઈ શકીશ.’

‘મંજૂર છે.’ અને જગદંબાએ અમને આપી દીધું ટાઈમ મશીન

ઓ નળ આવ્યો રે!

વાગી ઘર ઘરમાં હાક, ઓ નળ આવ્યો રે!
મૂકો બીજાં ઘરનાં કામ, ઓ નળ આવ્યો રે.

આ પંક્તિઓ એ જમાનામાં ઘરે ઘરે વહેલી સવારે ગિરગામ, કાલબાદેવી, ભીંડી બજાર, પાયધૂની જેવા લત્તાઓના મધ્યમ વર્ગના લગભગ દરેક ઘરમા ગૂંજતી નહિ, ગાજતી. એ વખતે સવાર-સાંજ એકાદ કલાક નળમાં પાણી આવે ત્યારે ઘર ઘરમાં આખા દિવસ માટેનું પાણી ભરી લેવું પડતું. આ નળરાજાની સવારી પણ ધૂમધડાકા સાથે આવતી. નળ ખોલો એટલે પહેલાં તો ભખ્ ભખ્ કરતી જોસબંધ હવાની સવારી આવે. પછી એ અવાજ કોઈ પડછંદ પુરુષ ખોંખારા ખાતો હોય એવો થાય, ખોઉં, ખોઉં, ખોઉં. પછી વધુ હવા ને થોડું પાણી આવે. પછી હવા હારી જાય અને પાણી ધોધમાર વહેવા લાગે. ઘરવાળી પાણી ભરતી જાય, અને ગામડામાં પાછળ મૂકેલું ગીત, બીજું કોઈ જાગી ન જાય એવા હળવા સાદે ગણગણતી જાય :

ભારી બેડાં ને હું તો નાજુકડી નાર,
કેમ કરી પાણીડાં જવાય રે,
ભમ્મરિયા કૂવાને કાંઠડે.

અને હા, બ્રહ્મની જેમ આજે સર્વવ્યાપી બની ગયેલ પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ ત્યારે સાવ અજાણ્યાં હતાં. એટલે મોટું ઘર હોય તો બે-ત્રણ પીપડામાં રબરની ટ્યૂબથી પાણી ભરવું પડે. રસોડાના નળને મોઢે સફેદ માદરપાટનું ગળણું બાંધીને પાણી માટલામાં ભરી લેવાનું. જાત-ભાતનાં વોટર ફિલ્ટર વગરનું પાણી પીવા છતાં લોકો આજ કરતાં વધુ માંદા પડતા નહોતા. માટલાં બે જાતનાં, કાળી માટીનાં અને લાલ માટીનાં. કુંભાર ટુકડાથી વરસે બે વરસે નવાં માટલાં લઈ આવવાનાં. બે પાંદડે સુખી ઘરમાં માટલા પર પિત્તળનું બુઝારું ઢાંક્યું હોય. કેટલાંક ઘરોમાં નળવાળી કોઠી વપરાય, કાં સફેદ, કાં આછી લાલ. તેના પર માટીનું જ ઢાંકણું હોય. એ વખતે પીવાનું પાણી ફ્રીજનું ઓશિયાળું નહોતું, એટલે માટલામાં પણ ઠંડુ રહેતું.

પાણી ભરાઈ જાય એટલે ‘કાલા દંતમંજન’થી દાંત ઘસી ઘસીને સાફ કરવાના. જો કે મોટેરાંઓ તો લીલાંછમ્મ દાતણ જ વાપરે. રાત્રે સૂતાં પહેલાં ઘરની વહુઆરુએ કાપીને ત્રાંબાના કળશામાં પલાળી રાખ્યાં હોય.

રજવાડાના ઠાકોરસાહેબ જેવો પ્રાઈમસ

પછી રસોડામાં પ્રાઈમસ દેવની પૂજા શરૂ થાય. સવારની ચા માટે ઘણાંખરાં ઘરોમાં આ પ્રાઈમસ કહેતાં કેરોસીન સ્ટવ વપરાય. પ્રાઈમસનો ઠાઠ ત્રીજા વર્ગના દેશી રજવાડાના ઠાકોરસાહેબ જેવો. સાથે બે-ચાર હજુરિયા જોઈએ જ. પહેલો તો બે અર્ધ ગોળાકાર ધરાવતો કાળો કાકડો. સાથે હોય દાસી જેવી ઘાસલેટની નાની બાટલી. કાકડાના બંને અર્ધ ગોળાકાર વારાફરતી ઘાસલેટમાં બોળવાના. પછી પ્રાઈમસ ઠાકોરના ગળામાં હાર પહેરાવતા હોઈએ તેમ કાકડો પ્રાઈમસના મોઢિયા આસપાસ મૂકવાનો. પછી આવે માચીસ કહેતાં બાકસનો વારો. મોટે ભાગે પીળા રંગના લેબલવાળું વિમકો કમ્પનીનું. બાકસ હવાઈ ન જાય એટલે તેના પર હલકી ધાતુનું ખોળિયું હોય. દિવાસળી સળગાવીને કાકડાને ચાંપવાની. સાથોસાથ પંપથી હવા ભરવાની, ઠાકોરસાહેબના કાનમાં ખોટાં વખાણની જેમ. એટલે બાપુ રંગમાં આવી જાય, ને ભખ ભખ કરતાં આખા મોઢિયાને અજવાળી દે. એટલે માથે પાઘડીની જેમ મૂકાય ચા માટેના પાણીની તપેલી. ક્યારેક પ્રાઈમસ રાજા આળસુ થઈ જાય તો રાણી જેવી પીન ઘડીના છઠ્ઠા ભાગમાં એને ઠેકાણે લાવી દે. 

ઘર ઘરની ચા બનાવવાની રીત જૂદી. ક્યાંક પહેલાં પાણી, પછી દૂધ, પછી ખાંડ, પછી ચાપત્તી, વારાફરતી નખાય. તો ક્યાંક બધું એક સાથે ચૂલે – સોરી, પ્રાઈમસે – ચડે. અને હા, ચાના મસાલા વગર બનેલી ચાને તો ગુજરાતી ઘરમાં ‘ચા’ કહેવાય જ નહિ. એ તો માંદાને પીવાનું ગરમ પાણી. હા, મસાલાને બદલે ફૂદીનો, લીલી ચા, તાજું પીસેલું આદુ, કે વારતહેવારે એલચી-કેસર ચાલે. ડાયાબિટિસની ઐસીતૈસી. કપ દીઠ બે ચમચી ખાંડ તો હોય જ. કેટલાક મીઠડાઓ તો પાછા ઉપરથી ખાંડ ઉમેરે. ફણફણતી ચા, ગરણીથી ગળાઈને સીધી કપમાં. કપની નીચે રકાબી. બંને એક સરખાં જાત-ભાતનાં હોય એ જરૂરી નહિ. વિધવા થયેલી રકાબી અને વિધુર થયેલા કપનાં પુનર્લગ્ન રોજ થાય. કાચનાં કે ચીની માટીનાં કપ-રકાબી આવી ગયાં હતાં. પણ ગલઢેરાં એને અપવિત્ર માનતાં અને પિત્તળનાં કપ-રકાબીનો આગ્રહ રાખતાં. ઘણાં ઘરમાં એક-બે કાળાં ઘેટાં હોય, ચા ન પીએ, પણ ‘કાફી’ પીએ. ઇન્સ્ટન્ટ કોફી ત્યારે અજાણી. કોફીનો થોડો ખરબચડો પાઉડર દૂધપાણીમાં નાખીને ઉકાળવાનો. સાથે બે ચમચી ખાંડ તો ખરી જ. ઘરનાં બાળકોને મોટે ભાગે શરૂઆતમાં ચા-કોફી ન અપાય. પોસાણ પ્રમાણે અડધો-પોણો કપ ગરમ દૂધ અપાય. પણ પછી ધીમે ધીમે એમાંનાં મોટા ભાગનાં ચા પીતાં થઈ જાય.

નહાવા માટે પિત્તળની બાલદી

ચા પીધા પછી વારાફરતી નહાઈ લેવાનું. મધ્યમ વર્ગના ઘરમાં શાવર બાથ અજાણ્યો. રનિંગ વોટર જ ન હોય ત્યાં શાવર શું કામનો? સવારે પાણી ભર્યા પછી તાંબાનો ‘બંબો’ પેટાવીને પાણી ગરમ કરવા મૂક્યું હોય. તેમાંથી થોડું ગરમ પાણી બાલદીમાં લઈ તેમાં સમોવણ ઉમેરી લોટાથી નહાઈ લેવાનું. અને સમોવણ માટે નરસિંહ મહેતાની જેમ મલ્હાર રાગ ગાવાની જરૂર ન પડે. નળનું પાણી પીપડામાં ભર્યું હોય તેમાંથી લઈ લેવાનું. ટર્કિશ ટુવાલ અજાણ્યા. ગમછા જેવા પાતળા ટુવાલ વપરાય. સાબુ ઘણાખરા ઘરમાં. પણ બજારમાં બે-ચાર બ્રાંડના જ મળે. કપડાં ધોવા માટેના ડિટરજન્ટ પાઉડર હજી આવ્યા નહોતા. કપડાં ધોવાના પીળા રંગના સાબુના લાટા વપરાતા. રોજ થોડો થોડો છીણીને પાણીમાં ઉકાળવાનો. પછી એ સાબુવાળું પાણી બાલદીમાં રેડીને તેમાં કપડાં બાફવાનાં. લાકડાનો ધોકો મારીને ધોવાનાં. ઘરની બહાર બાંધેલી કાથાની દોરી પર લાકડાની કલીપ મારીને સૂકવી દેવાનાં. કપડાં ધોવાનાં મશીન આવશે એવી તો ત્યારે કલ્પના ય નહિ.

ચાની જાહેરખબર

આજના જેવો બ્રેકફાસ્ટનો વિધિ ત્યારે અજાણ્યો. ઘણાં ઘરમાં આઠેક વાગે ‘બીજી વારની ચા’નો રિવાજ. એની સાથે ચવાણું, ગાંઠિયા કે એક-બે ખાખરા ખાઈ લેવાના. હા, આ ખાખરા એ આજે બજારમાં મળતા ચાલીસ-પચાસ જાતના ખાખરા નહિ હોં! કારણ ત્યારે બજારમાં ખાખરા મળતા નહિ. આગલા દિવસની રોટલીને લોઢી પર શેકીને ઘરે બનાવેલા તાજા ખાખરા. ઉપર લગાડવાનું ઘરે બનાવેલું ઘી – એ ‘શુદ્ધ’ હોય એવું કહેવાની જરૂર જ નહિ. ‘ડાયટિંગ’ શબ્દ એ વખતે લગભગ અજાણ્યો. પણ સાદું ખાવું, સારું ખાવું, ઘરનું બનાવેલું ખાવું એવું ઘણાખરા માને. એ વખતે દૂધ તો ગરમ કરીને જ વપરાય તેવો રિવાજ. ફ્રિજ તો હતાં નહિ એટલે ઠંડા દૂધનો  સવાલ જ નહોતો. આને કારણે એક વાર ભારે ગમ્મત થયેલી. છેક ૧૯૯૪માં એક જાણીતી પરદેશી કંપનીએ તેના બ્રેકફાસ્ટ સિરિયલ્સ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં લોન્ચ કર્યા, એક સવારે. મહેમાનો માટે ટેબલ્સ પર સિરિયલ્સ અને ઠંડા દૂધના જગ. હોટેલના મેનેજરે કહેલું કે સાહેબ, સાથે ગરમ દૂધના જગ પણ મૂકો. પણ કંપનીવાળા માન્યા નહિ. પરિણામે અડધા મહેમાનોએ સિરિયલ્સને હાથ પણ ન અડાડ્યો. કારણ એ વખતે આપણા લોકો ગરમ દૂધના જ હેવાયા.

હવે થયો છે ઘરની બહાર નીકળવાનો સમય. સાથોસાથ આજની વાત પૂરી કરવાનો સમય પણ થઈ ગયો છે. એટલે ઘરની બહાર મળશું, હવે પછીના શનિવારે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 ઑક્ટોબર 2021

Loading

મૂળને જાણ્યા વિના…

"પ્રણય" જામનગરી|Poetry|23 October 2021

મૂળને જાણ્યા વિના થડ; ડાળ; પર્ણોની કથા,
માંડી બેઠી વ્યાસપીઠો; એ જ છે મારી વ્યથા !
મોતની યે બાદ ચિંતા મોક્ષની પરીવારને,
કર્મકાંડો સદગતિ માટેની પણ કેવી પ્રથા !
દેહ ક્યાં કોઈ રહ્યો; ને કોણે જોયો આત્‌મા ?
બારમા ને પ્રેતભોજન; એમ ને એમ જ યથા !    
કાં "પ્રણય" અભિગમ હવે અપનાવો વૈજ્ઞાનિક યા,
કાં તો એની એ જ રીતે જીવવાનું અન્યથા !

તા. ૨૨/૧૦/૨૦૨૧

Loading

શાળા શિક્ષણનો સર્વનાશ થઈ રહ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 October 2021

રાજસ્થાનના ચૂરુમાં એક ઘટના ઘટી છે. કોલસર કરીને એક ગામ. તેની એક ખાનગી શાળામાં એક વિદ્યાર્થી 7માં ધોરણમાં ભણે. બુધવારે બપોરે એક શિક્ષકે તેને એટલો માર્યો કે તે તેર વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું.

વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તે હોમવર્ક લાવ્યો ન હતો. આ જ વિદ્યાર્થીએ અગાઉ પણ ફરિયાદ કરી હતી કે તેના શિક્ષક કારણ વગર જ માર, માર કરે છે, પણ તેની વાતને સાબિત કરવા તેણે જીવ આપવો પડ્યો છે. હોમવર્ક ન લાવવાના ગુના સબબ શિક્ષકે તેને જમીન પર અફાળી અફાળીને એટલો માર્યો કે તેના નાકમાંથી લોહી નીકળવા માંડયું ને તે બેભાન થઈ ગયો. વિદ્યાર્થીએ ભાન ગુમાવ્યું ત્યારે શિક્ષક તેને હોસ્પિટલે લઈ ગયો. ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. એ પછી જે રાબેતા મુજબ થવું જોઈએ તે થયું. શિક્ષકની ધરપકડ કરવામાં આવી અને શિક્ષણ મંત્રીએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શાળાની માન્યતા રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. શાળા, આરોપી શિક્ષકના પિતાની છે એટલે શું થયું હશે ને શું થઈ શકે તે સમજી શકાય એમ છે.

બીજી એક ઘટના ગયા સપ્ટેમ્બરની, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક સ્કૂલની છે, જેમાં શિક્ષકે ક્લાસમાં વાતો કરતા એક વિદ્યાર્થીને ઠપકો આપ્યો તો વિદ્યાર્થીએ શિક્ષકને ક્લાસમાં જ મારવાની ધમકી આપી. સ્કૂલ છૂટી તો બાઇક પર જઈ રહેલા શિક્ષક પર એ વિદ્યાર્થી અને તેના બે મિત્રોએ ફાયરિંગ કર્યું. ગોળી શિક્ષકની છાતીને છરકાઇને નીકળી ગઈ એટલે શિક્ષકને સામાન્ય ઇજા થતાં બચાવ થયો હતો. શિક્ષકની ફરિયાદને આધારે પોલીસે વિદ્યાર્થી અને તેના મિત્રો સામે ગુનો નોંધ્યો હતો.

ત્રીજી ઘટના છે વિયેતનામની. એક વિદ્યાર્થી સ્કૂલમાંથી મોકલવામાં આવેલી વીડિયો લિન્ક મારફતે ઘરમાં જ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યો હતો. મોબાઇલને ચાર્જિંગમાં મૂકીને, ઇયરફોન લગાવીને તે અભ્યાસમાં જોડાયો હતો. અચાનક મોબાઈલ ફાટતાં તેનાં કપડાં સળગી ગયાં હતાં ને તેને હોસ્પિટલ ખસેડાયો હતો, પણ ત્યાં તે મૃત્યુ પામ્યો હતો. આમ તો ઓફલાઇન સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી, પણ કોરોનાને કારણે બાળકો અઠવાડિયામાં એક દિવસ ઘરેથી ઓનલાઈન અભ્યાસ કરે છે. 19 ઓકટોબરે, ઓનલાઈન અભ્યાસે, 11 વર્ષનાં એક બાળકનો જીવ લીધો હતો. અભ્યાસને નામે ઉપકરણોનાં બોજ અને  જોખમ આપણે બાળકો પર નાખી દીધાં છે તે દુ:ખદ છે.

આ ત્રણે ઘટનાઓ શિક્ષણ સાથે સંકળાયેલી છે. ત્રણેમાં શિક્ષણ નિમિત્તે ઊભાં થતાં જોખમોની વાત છે. પહેલી ઘટનામાં રાજસ્થાની શિક્ષકની હેવાનિયત ચરમસીમાએ છે. એમ લાગે છે, જગત સંવેદનહીન બનવાની સ્પર્ધામાં છે. ચોમેર મશીનો કામ કરે છે ને પૈસા કેવી રીતે ઊભા કરી લેવાય એની હોડ બકાતી રહે છે. ક્યાં ય કોઈ લાગણી, કોઈ સંવેદના, કોઈ માનવીય અભિગમની વાત જ નથી જાણે ! આમ બન્યું છે કારણ શિક્ષક પોતે માનવીય ભૂમિકામાંથી બાદ થઈ રહ્યો છે. ખરેખર તો શિક્ષકોને અત્યારે સૌથી વધુ માનવીય શિક્ષણની જરૂર છે. શિક્ષણ હવે ધંધાનું જ બીજું નામ છે ને એમાં સરકારથી માંડીને શિક્ષકો, સંચાલકો ને બધાં જ ધંધાદારી અભિગમથી જોડાય છે ને શિક્ષણ સિવાય બીજી બધી જ બાબતોની કાળજી લેવાય છે. અતિશિક્ષણ યાંત્રિકતાને જન્મ આપે છે. વધારે ટ્યૂશન, વધારે પુસ્તકો, વધારે હોમવર્ક એટલો જ અર્થ જાણે શિક્ષણનો બચી ગયો છે ને એ બધાં પછી બને છે શું, વગર પરીક્ષાએ જ બધાંને પાસ કરી દેવાતાં હોય છે, તો પ્રશ્ન થાય કે આટલા વ્યાયામનો કોઈ અર્થ ખરો? કોઈ પણ કાળમાં હોમવર્ક ન કરવું એ એવો મોટો ગુનો નથી જ કે તેને માટે જીવ આપવો પડે. આ પહેલી ઘટના નથી. આવું રાજસ્થાનમાં જ બને છે, એવું પણ નથી. તે કોઈ પણ રાજ્ય કે શહેર કે ગામમાં બની શકે છે.

બીજી ઘટનામાં વિદ્યાર્થી, હત્યા કરવાનો મનસૂબો રાખી શિક્ષકને ગોળી મારે છે. એ તો સારું છે કે શિક્ષકને ઇજા થઈને જ વાત અટકી ગઈ, બાકી જીવ પણ ગયો હોત ! ગોળી મારનાર વિદ્યાર્થી અને તેના મિત્રો સ્કૂલમાં ભણે છે ને એટલી હિંમત રાખે છે કે શિક્ષકને ચાલુ ક્લાસે જ ધમકી આપે, એટલું જ નહીં, ધમકીનો અમલ પણ કરે છે ને આ બધાંમાં સ્કૂલ મેનેજમેન્ટની કોઈ ભૂમિકા નથી જણાતી. એકથી વધુ વિદ્યાર્થીઓ વર્ગમાં હથિયાર રાખે ને સ્કૂલને તેની ભનક પણ ન પડે એવું તો ન જ હોય. શિક્ષકને ક્લાસમાં ધમકી અપાય ને એ શિક્ષક ચૂપ રહે ને તે જ ઘડીએ કોઈ પગલાં ન લે ને વિદ્યાર્થીઓ સ્કૂલ કેમ્પસમાં જ ગોળી મારે એ કઈ હદે વાતાવરણ કથળેલું હશે એની ચાડી ખાય છે. આ બંને ઘટનાઓની ઘોર નિંદા જ કરવાની રહે ને ભારતીય શિક્ષણ કેટલી હદે માંદલું થયું છે એનો અફસોસ જ વ્યક્ત કરવાનો રહે.

ત્રીજી ઘટના અકસ્માત છે. મોબાઈલ ફાટે છે ને વિદ્યાર્થી દાઝી જવાથી મૃત્યુ પામે છે, પણ આ અકસ્માત પણ શિક્ષણ સાથે સંકળાયેલો છે. વિયેતનામમાં સ્કૂલો ખૂલી ગઈ છે ને અઠવાડિયામાં એક દિવસ ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ લે છે. એ એક દિવસ, બાળકનું મોત બનીને આવે છે. સ્કૂલો ખૂલી ગઈ હોવા છતાં અઠવાડિયામાં એક દિવસ ઓનલાઈન શિક્ષણ આપવાનું શું કારણ હતું એ નથી ખબર, પણ કોરોનાએ વિશ્વભરમાં ઓનલાઈન શિક્ષણનો ધંધો પૂરબહારમાં ખીલવી આપ્યો છે ને એને નિમિત્તે બીજા પણ અનેક ધંધાઓનો વિકાસ થયો છે. જેમ કે, મોબાઈલ, લેપટોપ, નેટ વગેરેનો ઉપાડ ઘણા દેશોમાં વધ્યો છે. એને લીધે શિક્ષણની સ્થિતિ કેટલી સુધરી છે એ અલબત્ત ! પ્રશ્ન જ છે. ઓનલાઈન શિક્ષણને કારણે ઓનલાઈન પરીક્ષાઓ લેવાતી થઈ છે. એના સગવડ પ્રમાણે જવાબો આપવાનું પણ ક્યાંક બન્યું છે. વિદ્યાર્થીઓને એની એવી ટેવ પડી છે કે તેઓ ઓફલાઇન પરીક્ષા આપવા હવે બહુ તૈયાર નથી. ઘરેથી પરીક્ષા આપવાની સગવડે ઘણા વિદ્યાર્થીઓને વગર મહેનતે પાસ થવાની તકો પૂરી પાડી છે ને એ પછી પણ વાર્ષિક પરીક્ષાઓ લેવાય જ નહીં ને એનું મેરિટ પ્રમાણે પરિણામ પણ તૈયાર થાય તો ન ભણવાના લાભો વિદ્યાર્થી ન સમજે એટલા મૂરખ નથી.

શિક્ષણ શરૂ થઈ શકે એવા સંજોગો જ ન હતા એવામાં ઓનલાઈન શિક્ષણ એક વિકલ્પ તરીકે સ્વીકારવાનો વાંધો ન હતો, પણ હવે ઓનલાઈન શિક્ષણ બંધ થવું જોઈએ. ધારો કે હજી ક્યાંક ઓનલાઈન શિક્ષણ અનિવાર્ય બનતું હોય તો પણ, પરીક્ષાઓ કોઈ પણ સંજોગોમાં ઓફલાઇન જ લેવાવી જોઈએ. ઓનલાઈન પરીક્ષાએ વિદ્યાર્થીઓને એ માર્ગો બતાવ્યા છે જે મૂલ્યાંકનની કોઈ પ્રમાણિક બાજુ ઉપાસવતા નથી. વર્ગખંડમાં સુપરવાઇઝર્સ હોવા છતાં જો ચોરીનું પ્રમાણ ઘટતું ન હોય તો ઓફલાઇનમાં તો એ પ્રમાણ વધે એની પૂરતી સગવડો છે. જો મૂલ્યમાપનની કોઈ પણ અનિવાર્યતા આપણને જણાતી હોય તો તમામ સ્તરે ઓનલાઈન શિક્ષણ ને પરીક્ષાનું વર્ચસ્વ ઘટાડયે જ છૂટકો છે.

એ પણ સમજી લઈએ કે ઓનલાઈન શિક્ષણ ભારતમાં છેવાડાનાં ગામોમાં આજે પણ શક્ય બન્યું નથી. ત્યાં શિક્ષણની વાસ્તવિક પરિસ્થિતિ શી છે તેનો ફોડ પાડીને કોઈ કૈં કહેતું નથી. શિક્ષણ સમિતિઓમાં હોદ્દેદારો નિમાઈ જાય પછી કોઈ જવાબદારી કદાચ રહેતી નથી ને એ જ રગશિયું ગાડું શિક્ષણનું ચાલ્યા કરે છે. પગાર થતા રહે છે. ફી વધતી રહે છે ને કૈં પણ કર્યા વગર વિદ્યાર્થીઓ પાસ થતા રહે છે. વાલીઓ પોતાના નોકરી ધંધામાં વ્યસ્ત છે. બહુ થાય તો તે ફી ચોપડા આપી છૂટે છે. સ્કૂલો ફી ઉઘરાવીને કે થોડું ઘણું ભણાવીને ફરજ બજાવી લે છે. વિદ્યાર્થીઓ જાણે છે કે નહીં ભણવાથી પણ પાસ તો થવાય જ છે તો ભણીને ય શું ફેર પડી જવાનો છે?

કોઈ માઈના લાલને એ પ્રશ્ન થતો નથી કે ત્રણેક વર્ષથી 1થી 5 ધોરણના પ્રાઇમરીના વિદ્યાર્થીઓ સ્કૂલે જ જતાં નથી ને એક અક્ષર પાડ્યા વગર વિદ્યાર્થીઓ સીધા ત્રીજા ધોરણમાં આવી ગયા છે, એમ જ ઉપર સુધી સૌને ત્રણ ત્રણ વર્ષનું પ્રમોશન મળતું આવ્યું છે. પરીક્ષા વગર જ 8થી 10 સુધી ભણી જવાયું છે. એકથી ત્રણનો પાયાનો અભ્યાસ કાચો છે ને એ વિદ્યાર્થી આગળ વધતો જ જાય છે ને એની કોઈ ચકાસણી કયા સ્તરે થાય છે એની કશી વાતો બહાર આવતી નથી. પ્રાઇમરીમાં 1થી 5 ધોરણ છે કે પછી એ બંધ કરી દેવાયાં છે એની પણ કશી ખબર પડતી નથી. જાણે બધું ઠરી ગયું હોય તેમ ક્યાંય કશી સજીવતાનો અનુભવ જ નથી થતો. કોરોનાએ ઘણી લાશો પાડી એ ખરું, એમાં જે ગયાં તે તો હવે નથી, પણ જે રહ્યાં છે તે પણ છે એની ખાતરી નથી મળતી. જીવતાં ને ધબકતાં માણસો કેવાં હોય એ હવે પુસ્તકોમાંથી જાણવું પડે એવી સ્થિતિ છે ને વિચિત્રતા એ છે કે પુસ્તકો જ ભણવાના નથી ત્યાં કેમ જાણવું એ પ્રશ્ન જ છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7531,7541,7551,756...1,7601,7701,780...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved