Opinion Magazine
Number of visits: 9746318
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—126

દીપક મહેતા|Opinion - Opinion|1 January 2022

દેશનું પહેલવહેલું રેડિયો સ્ટેશન મુંબઈમાં

જનાબ બુખારીની રગેરગમાં લોહીની સાથે બ્રોડકાસ્ટિંગ વહેતું

ઝવેરચંદ મેઘાણી અને બુખારીનો મેળાપ

‘ઓલ ઇન્ડિયા રેડિયોનું આ મુંબઈ કેન્દ્ર છે …’ હા, એક જમાનો હતો જ્યારે મુંબઈનાં ઘરોમાં રોજેરોજ આ અવાજ ગુંજી રહેતો. ‘લોકોના મનોરંજન માટે તેમ જ શિક્ષણ માટે રેડિયો સામે અપાર શક્યતાઓ રહેલી છે. આ શક્યતાઓ વિષે આજે આપણને કદાચ પૂરેપૂરો ખ્યાલ નથી. આજે હિન્દુસ્તાનમાં બ્રોડકાસ્ટિંગ પા પા પગલી ભરી રહ્યું છે, પણ મને ખાતરી છે કે થોડાં જ વરસોમાં તેના શ્રોતાઓની સંખ્યા અનેકગણી વધી જશે. એટલું જ નહિ, વિજ્ઞાનની આ નવી શોધના ચાહકો આખા દેશમાં પથરાયેલા જોવા મળશે.’ આ શબ્દો છે હિન્દુસ્તાનના વાઈસરોય લોર્ડ ઇર્વિનના. ૧૯૨૬થી ૧૯૩૧ સુધી તેઓ આ પદે રહ્યા હતા. અને આ શબ્દો બોલાયા હતા ૧૯૨૭ના જુલાઈની ૨૩મી તારીખે, મુંબઈમાં આપણા દેશના પહેલવહેલા રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કરતી વખતે. અને એ દિવસથી દેશમાં વ્યવસ્થિત રીતે બ્રોડકાસ્ટિંગની શરૂઆત થઈ. એ વખતે આ રેડિયો સ્ટેશન સરકારી નહિ, પણ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની ખાનગી માલિકીનું હતું.  તેની પહેલાં જુલાઈની ૧૫મી તારીખે રેડિયોના મુખપત્ર ‘ધ ઇન્ડિયન રેડિયો ટાઈમ્સ’નો પહેલો અંક પ્રગટ થયો હતો જેમાં ૨૩મીથી શરૂ થનારા દેશના પહેલવહેલા રેડિયો સ્ટેશન અંગેની વિગતો આપવામાં આવી હતી. પછીથી તેનું નામ બદલીને ‘ઇન્ડિયન લિસનર’ કરવામાં આવ્યું અને તેનું પ્રકાશન મુંબઈથી દિલ્હી ખસેડાયું.

૧૯૩૦ની આસપાસનો રેડિયો સેટ

શરૂઆતથી જ રેડિયો સેટ રાખવા માટે ફી ભરીને સરકાર પાસેથી લાઈસન્સ મેળવવું પડતું, જે દર વરસે રિન્યુ કરાવવું પડતું. ૧૯૨૭ના અંતે આખા દેશમાં બધું મળીને ૩,૫૯૪ રેડિયો લાઈસન્સ આપવામાં આવ્યાં હતાં. ૧૯૩૦ના માર્ચની પહેલી તારીખે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની ફડચામાં ગઈ, અને એક મહિના પછી, પહેલી એપ્રિલે બ્રોડકાસ્ટિંગ સેવાને સરકારે પોતાને હસ્તક લઈ લીધી. ત્યારે તેને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લેબર નીચે ‘ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ’ એવું નામ અપાયું હતું. ૧૯૩૬ના જૂનની આઠમી તારીખથી તેનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. એ વરસના ડિસેમ્બરની ૩૧મી સુધીમાં રેડિયો લાઈસન્સની સંખ્યા વધીને ૩૭,૭૯૭ સુધી પહોચી હતી. શરૂઆતમાં રેડિયો પરથી સમાચાર માત્ર અંગ્રેજીમાં અપાતા. પછી હિન્દુસ્તાની અને બંગાળીમાં પણ અપાયા. ૧૯૩૯ના ઓક્ટોબરની પહેલી તારીખથી તમિળ, તેલુગુ, ગુજરાતી, મરાઠી અને પુશ્તો ભાષાઓમાં પણ સમાચાર આપવાનું શરૂ થયું.

કેવા હતા એ વખતના રેડિયો સેટ? સાચું કહીએ તો લાકડાનાં ખોખાં જેવા. આગલા ભાગમાં કાચનું ડાયલ, જેનો કાંટો ફેરવીને જુદાં જુદાં સ્ટેશન ‘પકડી’ શકાય. નાનું લાઉડ સ્પીકર, સારા, રંગીન કાપડથી મઢેલું. મોટે ભાગે ચાર ચકરડાં (નોબ). રેડિયો સિગ્નલ ‘પકડવા’ માટે એરિયલ લગાડવાનું અનિવાર્ય. ખોખામાં બીજી યંત્ર સામગ્રી ઉપરાંત પાંચ કે સાત ટ્યૂબ કે ‘વાલ.’ સળંગ લાંબો સમય રેડિયો ચાલે તો ઘણી વાર આ ટ્યૂબ ગરમ થઈ જાય અને રેડિયો ઠપ. બરાબર યાદ છે : અમારા એક પડોશી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીના જબરા રસિયા. મેચના પાંચ દિવસ એમના ઘરમાં ૧૪૪મી કલમ લાગી જાય. પણ પાંચ-છ કલાક રેડિયો ચાલે તો પેલી ટ્યૂબ ગરમ થઈ જવાની બીક, એટલે રેડિયોને થોડો આગળ ખસેડે, પાછળનું કવર કાઢી નાખે, અને રેડિયોની પાછળ નાનો ટેબલ ફેન ગોઠવી દે! મગદૂર છે રેડિયોની કે રિસાઈને મૂંગો થઈ જાય!

જનાબ ઝુલ્ફીકાર અલી બુખારી

ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની વાત આવે ત્યારે કેટલાંક નામ અચૂક યાદ આવે. તેમાંનું પહેલું નામ જનાબ ઝુલ્ફીકાર અલી બુખારી. એમની રગેરગમાં લોહીની સાથોસાથ બ્રોડકાસ્ટિંગ વહે. ૧૯૦૪ના જુલાઈની છઠ્ઠી તારીખે પેશાવારમાં જન્મ. એ વખતે પેશાવર બ્રિટિશ ઇન્ડિયામાં. અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો અને પંજાબી ભાષા જાણે. એટલે અંગ્રેજ અફસરોને ‘દેશી’ ભાષાઓ શીખવવા માટેની શિમલાની સંસ્થામાં પહેલી નોકરી. પછી ઓલ ઇન્ડિયા રેડિયોનું દિલ્હી કેન્દ્ર શરૂ થયું ત્યારે પ્રોગ્રામ ડિરેક્ટર. ૧૯૩૯માં બોમ્બે સ્ટેશનના ડિરેક્ટર બન્યા. પણ દેશના ભાગલા વખતે તેમણે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું અને ત્યાં જઈને રેડિયો પાકિસ્તાનના પહેલા ડિરેક્ટર જનરલ બન્યા. ૧૯૫૯માં નિવૃત્ત. ૧૯૭૫ના જુલાઈની ૧૨મી તારીખે કરાચીમાં જન્નતનશીન થયા. 

બુખારીસાહેબ સાથે વર્ષો સુધી કામ કરનાર આપણા ચંદ્રવદન મહેતાએ લખ્યું છે : ‘ઝુલ્ફીકાર અવાજના બાદશાહ. સચોટ, સ્પષ્ટ, મુલાયમ, નજાકતથી ભરેલો ગંભીર તેમ જ હળવા ભાવોને યથાર્થ પ્રગટ કરનારો અવાજ રજૂ કરનાર, તેમ જ ક્યાંક ક્યાંક રમૂજ, કંઇક ટીખળ, ક્યાંક કટાક્ષ પણ કરી શકે એવી આવડત ધરાવનાર એક વ્યક્તિ. વળી પોતે સંગીતના જાણકાર. સવારના જેવા સ્ટુડિયોમાં દાખલ થાય એટલે એનો મનવો ગણગણવા લાગે. એમાં મુંબઈ મથકેથી શરૂઆતમાં સવારના આઠ વાગ્યાથી એ રેકર્ડ વગાડતા બેસે ત્યારે સૌથી વધારે સાંભળનારા પોતપોતાના ઘરમાં રેડિયો ચાલુ કરે. રેકર્ડ તો ગમે તેની હોય, પણ એ ઉપરનું નામ, એમાંનો રાગ, એ ગીત માટે કોઈ છોટી સી કહાની, એ બધાની તારીફ એટલા રસથી કરે કે ગીત ઉપરાંત એની પોતીકી વિવેચના જ શ્રોતાઓનાં દિલ જીતી લે. કોઈ લખાણ નહિ, કોઈ રેડ ટેપનો હાઉ કે ભય નહિ, ફક્ત એક જ નેમ કે શ્રોતાઓનું મન જીતી લેવું.’

બુખારી સાહેબ જેટલા કલાપ્રેમી તેટલા જ ચતુર વ્યવહારદક્ષ. સીધી આંગળીએ ઘી ન નીકળે તો સરકારી તુમારશાહી સાથે કેવી રીતે વર્તવું એ બરાબર જાણે. મુંબઈ સ્ટેશન પાસે એક જ મોટર, એ પણ જૂના ખટારા જેવી. નવી મોટરની માગણી અંગે દિલ્હીના સાહેબો આંખ આડા કાન કરે. એવામાં એક વાર બ્રોડકાસ્ટિંગ સેક્રેટરી પી.સી. ચૌધરી મુંબઈ સ્ટેશનની મુલાકાતે આવ્યા. બીજે દિવસે સવારની ફ્લાઈટથી પાછા જવાના હતા. બુખારી સાહેબે ડ્રાઈવરને બોલાવ્યો. સ્ટેશન પર કામ કરતા ચંદ્રવદન મહેતાને પણ સાથે બોલાવ્યા. ચંદ્રવદનભાઈને કહે કે તમે સાહેબને એરપોર્ટ મૂકવા જજો. બીજી કેટલીક સૂચના બંનેને આપી. બીજે દિવસે ચૌધરીસાહેબનો વરઘોડો દાદર પહોંચ્યો ત્યાં ડ્રાઈવર કહે કે ગાડી ખોટકાઈ છે. રિપેર કરાવતાં બે-ત્રણ કલાક સહેજે થઈ જશે. ચૌધરીસાહેબ ચંદ્રવદનભાઈને કહે કે તમે ગમે ત્યાંથી તાબડતોબ ટેક્સી લઈ આવો. અડધા પોણા કલાકે ટેક્સી આવી. સંઘ એરપોર્ટ પહોંચ્યો ત્યારે ફ્લાઈટ તો ઉપડી ગઈ હતી. આવું કરવાનો આખો ત્રાગડો રચેલો બુખારીસાહેબે પોતે. પરિણામે આઠ-દસ દિવસમાં જ મુંબઈ સ્ટેશનને નવી નક્કોર મોટર મળી ગઈ, એક નહિ બે!

ઓલ ઇન્ડિયા રેડિયો, મુંબઈના સ્ટુડિયોઝનું પ્રવેશદ્વાર

જનાબ બુખારી સાથે ઘણાં વરસ કામ કરનાર ગિજુભાઈ વ્યાસે એક પ્રસંગ આ લખનારને કહ્યો હતો. ઝવેરચંદ મેઘાણી રેડિયો પર કાર્યક્રમ આપવા જતા નહિ તેમ જ પોતાનાં ગીતો રેડિયો પર ગાવાની પરવાનગી આપતા નહિ. એટલે બુખારીએ પહેલાં તો તેમને લાંબો પત્ર લખ્યો. પછી સમજાવવા ચંદ્રવદન મહેતાને બોટાદ મોકલ્યા. પણ મેઘાણી માન્યા નહિ. પછી એક વાર મુંબઈ આવેલા ત્યારે મેઘાણી બુખારીને મળવા રેડિયો સ્ટેશન પર ગયા. બુખારીની ઓફિસમાં બેઠા. રેડિયોનો સ્ટાફ બહાર ઊભો રહેલો. થોડી વારે અંદરથી ગાવાનો અવાજ આવ્યો. પહેલાં મેઘાણીભાઈએ ગીતો ગાયાં. પછી બુખારીએ પુશ્તુ ગીતો ગાયાં. લગભગ કલાક પછી બંને બહાર નીકળ્યા. બુખારી લિફ્ટ સુધી વળાવીને પાછા આવ્યા ત્યારે ચંદ્રવદનભાઈએ પૂછ્યું : સાહેબ, ‘મેઘાણીભાઈ માની ગયા?’ જવાબ : ‘અમે બંને ગાવામાં એટલા મગ્ન થઈ ગયા કે એ વિષે તો વાત જ ન કરી. પણ સી.સી., એટલું લખી રાખજો કે આ માણસ ઓલ ઇન્ડિયા રેડિયોનાં પગથિયાં ક્યારે ય નહિ ચડે.’ વાત છેડ્યા વગર જ બુખારીએ મેઘાણીભાઈને પારખી લીધા હતા. 

એનાઉન્સર બૂથમાંથી દેખાતો મ્યુઝિક સ્ટુડીઓ

હિન્દુસ્તાનની નોકરીનો છેલ્લો દિવસ. રાત્રે કુટુંબ સાથે ફ્રન્ટિયર મેલમાં લાહોર જવાનું હતું. એ વખતે ફ્રન્ટિયર મેલ બોમ્બે સેન્ટ્રલથી છેક પેશાવર સુધી જતો. રેડિયો સ્ટેશનનો મોટા ભાગનો સ્ટાફ તેમને વિદાય આપવા સ્ટેશને પહોંચી ગયેલો. સ્ટેશનમાં માંડ પાંચ-છ જણ હાજર. તેમાંના એક ગિજુભાઈ. સાંજે બુખારી આવ્યા. કહે, ચાલો સ્ટુડિયોમાં જઈએ. સ્ટેશનના એકેએક સ્ટુડિયો પાસે જઈને બારણાનાં હેન્ડલને પંપાળતા જાય અને વચમાં વચમાં બોલતા જાય : ‘આ બધું હવે તમારે સૌએ સંભાળવાનું છે.' એ વખતે સુંદરાબાઈ નામનાં એક સ્ટાફ આર્ટિસ્ટ ગાયિકા હાજર. એમને એવી ટેવ કે જે કોઈ આવે તેને ચોકલેટ આપે. બધા સ્ટુડિયોમાં ફર્યા પછી બુખારી એમની પાસે ગયા. સુંદરાબાઈએ બુખારીના હાથમાં ચોકલેટ મૂકી. બુખારીએ સુંદરાબાઈની બંને હથેળી પકડી લીધી અને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

ઉત્તમ બ્રોડકાસ્ટર ઉપરાંત બુખારી અચ્છા લેખક પણ હતા. ‘જો કુછ મૈને કહા’ તેમનો કાવ્યસંગ્રહ. તો ‘રાગ દરિયા’માં તેમણે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના શાસ્ત્રીય સંગીત વિષે વિસ્તારથી લખ્યું છે. તેમણે પોતાની આત્મકથા પણ ઉર્દૂમાં લખી છે. બુખારીના નિકટના મિત્ર અને પાકિસ્તાન રેડિયો પરના સાથી સૈયદ ગુલામ હુસેન જાફરીએ લગભગ બે વરસ સુધી બુખારી સાથે કરેલી વાતોને આધારે તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

આજે હવે લાકડાના ખોખા જેવા રેડિયો નથી રહ્યા. ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આઝાદી પછી ‘આકાશવાણી’ થઈ ગયું છે. ક્વિન્સ રોડ પર આવેલા એ સ્ટુડિયો, એ જમાનાનાં મોટાં માઈક્રોફોન, સ્પૂલવાળાં મસ મોટાં રેકોર્ડર નથી રહ્યાં. અને સૌથી વધુ તો, એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોનો, તેના કાર્યક્રમોનો, તેમાં કામ કરનારાઓનો જે દબદબો હતો તે નથી રહ્યો. છતાં કેટલા ય વયસ્કોના મનમાં તેના એ સોનેરી દિવસોનાં ભીનાં ભીનાં સ્મરણો રહ્યાં છે. ઓલ ઇન્ડિયા રેડિયોના બોમ્બે સ્ટેશન સાથે સંકળાયેલી બીજી કેટલીક વ્યક્તિઓ વિશેની થોડી સાંભરણો  હવે પછી.

e.mail deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2022

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|1 January 2022

= = મારી એક લાગણી દૃઢ થયા કરી છે કે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન ખાડે ગયું છે ને એ દુખ:દ સ્થિતિ-પરિસ્થતિ સુધાર માગે છે = =

= = ક્લાસરૂમને હું ઘણા વખતથી ‘સીક’ ગણું છું – વર્ગખણ્ડ માંદો છે. એ મંદવાડને નીરખવાનું યુનિવર્સિટી-સત્તાધીશોની પ્રાયોરિટીઝમાં નથી આવતું = =

: ૧ : ક્લાસરૂમ સીક છે :

કવિસમ્મેલનો કે ગઝલના મુશાયરા પોતાની શક્તિમર્યાદામાં સફળ થતા હોય છે. સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓને વિશેના વ્યાખ્યાન-કાર્યક્રમોમાં બારોબારિયાં વખાણ કે ખાસ વાગે નહીં એવી મીઠી મુસ્કાનવાળી ટીકાટિપ્પ્ણીઓ થતી હોય છે.

અઘરા વિષયને વક્તાએ કેવોક ન્યાય આપ્યો તેની ખબર તો કોને પડે? સિવાય કે સભામાં જાણકારો બેઠા હોય અને મુક્ત ચર્ચાની જોગવાઇ હોય. આજકાલ એ જોગવાઇ ભાગ્યે જ હોય છે. વક્તાએ આસ્વાદ અને સમીક્ષા પછી કામચલાઉ મૂલ્યાંકન પીરસવાનું હોય. પણ એવું તો બહુ ઓછા કાર્યક્રમોમાં થતું હોય છે.

કેમ કે સાહિત્ય માટે સૌ પહેલાં તો ‘સહૃદયત્વ’ જોઇએ – અમસ્તો શૉખ કે કાર્યક્રમવેડા ન ચાલે. સાહિત્યની નાની કે મોટી વાત કરનાર વ્યક્તિ ‘રસાનુભવી' હોવી જોઇએ. નર્મદનો શબ્દ વાપરું તો, એને ‘રસજ્ઞાન' હોવું જોઈએ. મધુસૂદન ઢાંકીસાહેબ જેને ‘રસકારણ' ક્હૅતા તેની એને સૂઝબૂઝ હોવી જોઈએ. ’રાજકારણ’-વાળાને એમાં લાંબી સફળતા ન મળે.

આ તો જાણે, સમજ્યા. પણ માની લઈએ કે યુનિવર્સિટી-ડિપાર્ટમૅન્ટ્સમાં ને કૉલેજોના વર્ગોમાં તો સાહિત્યનું બધું બરાબર જ ચાલતું હશે. કેમ કે વર્ગખણ્ડ તો સાહિત્યવિદ્યાને માટેનું સુઆયોજિત અધિષ્ઠાન છે. વિધિવિધાન અનુસાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બધું યોગ્ય જ કરતા હશે. હા, કરે તો છે. અધ્યાપકો અભ્યાસક્રમ-નિયત બધું ભણાવે છે. વિદ્યાર્થીઓ ભણે છે. પરીક્ષાઓ લેવાય છે. પરિણામો આવે છે. દરેક યુનિવર્સિટીમાં બે-ત્રણ જણાંને ગોલ્ડ મૅડલ મળે છે. અનેકને ફર્સ્ટ ક્લાસ અને મોટા ભાગનાંઓને સૅકન્ડ ક્લાસ. ચોરીઓ કરીને પાસ થનારાં વધતાં ચાલ્યાં છે. પકડાતાં નથી કે પકડતા નથી. કોક નસીબફૂટલો જ નાપાસ થાય છે !

તો પછી દુખાવો શો છે? દુખાવો જાણવા વર્ગખણ્ડને અંદરથી જોવાની અને વાસ્તવમાં ત્યાં જે બને છે તેનો ખુલ્લા મનથી સ્વીકાર કરવાની જરૂર છે. આખી વાતને હું ગુજરાતી સાહિત્યના અધ્યયન-અધ્યાપન પૂરતી સીમિત રાખું છું અને જે કહું છું એ એના સન્નિષ્ઠ અધ્યાપકો અને વિદ્યાર્થીઓના અપવાદે કહું છું. એઓ માટે મને માન-પ્રેમ છે.

પહેલી વાસ્તવિકતા એ કે વર્ગમાં અધ્યાપક મુક્ત નથી. ટાઇમટેબલ અનુસાર વ્યાખ્યાનો કરે. અભ્યાસક્રમ પૂરો કરે. પરીક્ષાઓ. પ્રશ્નપત્રો. સુપરવિઝન. વગેરે ક્રિયાકાણ્ડમાં જ બધો સમય વપરાઈ જાય. વિષયમાં અધ્યાપકને ઊંડા ઊતરવું હોય, કોઈ વિદ્યાર્થીને વધારે જાણવું હોય, તો વર્ગમાં એ માટેનો અવકાશ નથી. સૅમિસ્ટર સિસ્ટમમાં એ અવકાશ ઝીરો ડિગ્રીએ છે. ‘સૅમિ’-નો અર્થ છે, ગૌણ, અરધુંપરધું. ‘સ્ટર’-ને ‘સ્તર’ ગણીએ તો સૅમિસ્ટરમાં બધાં સ્તર અરધાંપરધાં થઈ ગયાં છે.

બીજી મોટા કદની વાસ્તવિકતા એ છે કે વર્ગમાં અમુક અધ્યાપકો વિ-મુક્ત હોય છે. પોતાનાં કર્તવ્યો માટે તેઓએ ભ્રાન્ત ઉપાયો અજમાવી લીધા છે : બહારના વિદ્વાનોનાં પુસ્તકોમાંથી નૉટો ઉતરાવી દેવી. મટિરિયલનાં ઝેરોક્ષ પકડાવી દેવાં. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર લખાવી દેવા. કહે છે, કેટલાક તો ગાઇડોમાંથી ભણાવે છે. અમુક કૉલેજોની લાઇબ્રેરીઓમાં ગાઇડો જ ભરપૂરે હોય છે.

એક ત્રીજી વાસ્તવિકતા પણ છે : ગામડાંગામની કૉલેજો. બહુ ઓછા લોકોને જાણ છે કે ગુજરાતીના મોટા ભાગના અધ્યાપકો ગામડાંની કૉલેજોમાં છે. ત્યાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ મુખ્ય વિષય તરીકે ગુજરાતી રાખે છે. જ્યારે, શહેરોની કૉલેજોમાં ગુજરાતી વિષય લેનારાંની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે.

કવિ ઉમાશંકર વર્ગને ‘સ્વર્ગ’ કહેતા. કેટલાક મિત્રો પોતાનાં વિદ્યાકીય પુણ્યોને પ્રતાપે સ્વર્ગીય વિદ્યાનન્દ અચૂક પામતા હોય છે. એનો મને ગર્વ છે. પણ ઘણી વાર પ્રશ્ન થાય કે ગામડાની કૉલેજના સરેરાશ અધ્યાપકને કયું સ્વર્ગ? એને વાતાવરણ કેવુંક મળ્યું હોય? કઈ સગવડો? વર્ગને સ્વર્ગમાં બદલી નાખનારું જ્ઞાનબળ ધારો કે એનામાં હોય, પણ એ બળનું ત્યાં શું ઊપજે? ૪૫ મિનિટને ઍળેબૅળે જ રોડવતો હશે ને? સઘળું પ્રતિકૂળથી પ્રતિકૂળ. બને કે એની કારકિર્દી ત્યાં ને ત્યાં ઠિંગરાઇ જતી હોય.

આ વિસ્તરતું પલાયન છે : અધ્યાપક અને વિદ્યાર્થી બે ય એકદમના બદલાઈ રહ્યા છે. બન્નેનો આત્મા મૂરઝાઈ રહ્યો છે. બન્નેના આત્મવિશ્વાસનો ક્ષય થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ ટૅક્સ્ટ-બુક લાવે નહીં. ભાગ્યે જ લાઇબ્રેરીમાં જાય. અધ્યાપક એને જવલ્લે પૂછે કે સ્વાધ્યાય માટે તું શું કરું છું. વિદ્વત્તાની છત ધરાવનારા અધ્યાપકોની સંખ્યા ઘટી રહી છે. કહે છે, કોઈ કોઈ તો નછૂટકે ભણાવે છે. ચીડાયેલા રહે. નિયમ ફરમાવે – કોઈએ મને પ્રશ્ન નહીં પૂછવાનો, મારી ‘લિન્ક’ તૂટી જાય. ગુજરાતી સાહિત્યજગતને મૂંગા ને ઠાવકા શ્રોતાઓ જે મળ્યા છે એ આમ યુનિવર્સિટીઓની દૅણ છે.

એટલે ક્લાસરૂમને હું ઘણા વખતથી ‘સીક’ ગણું છું -વર્ગખણ્ડ માંદો છે. એ મંદવાડને નીરખવાનું યુનિવર્સિટી-સત્તાધીશોની પ્રાયોરિટીઝમાં નથી આવતું. પરિણામો સમયસર જાહેર નથી કરી શકાતાં એ વાતે ડખો છે : આન્સરબુક્સ તપાસનારા મળે, ન મળે; આવે, ન આવે. આમ તો એ અધ્યાપકની પાયાની ફરજ છે -શીખવે તે પરખે કે નહીં? જોકે, ૨૪ પેજની આન્સરબુક ૨૪-થી ઓછી સૅકન્ડમાં તપાસી આપનારા મળે છે ! કહેવાય છે કે પરિણામો બાબતે કાર્યાલયમાં ય ખાસ્સી અટવામણ છે.

ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસ માટે ચિન્તાળુ જીવાત્માઓએ આ ત્રણેય વાસ્તવિકતાઓ પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે – ગુજરાતી વિષય લેનારાં અલોપ થઈ જાય અને વિષયને યુનિવર્સિટીઓ તાળાં મારી દે, એ પહેલાં.

Picture courtesy : Reader's digest

આ બધું આવું બધું છે, તેમ છતાં, હું આશાવાદી છું. મારું પહેલેથી માનવું રહ્યું છે કે ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસશીલ ભવિષ્યનો આધાર માત્ર યુનિવર્સિટીઓ જ હોઈ શકે. ગુજરાતી ભાષા-સાહિત્યની એક વિષય તરીકે યુનિવર્સિટી-કક્ષાએ થયેલી આ કાયદેસરની જોગવાઈ છે. એને રોળાતી જોયા કરીએ તો અપરાધી કહેવાઈએ.

જુઓ, રોજ સવારે એ અધ્યાપક, જેવો હોય એવો, સાહિત્ય વિશે, સવિશેષે ગુજરાતી સાહિત્ય વિશે, જેવું આવડે એવું બોલતો હોય છે. એ વિદ્યાર્થી, જેવો હોય એવો, જે સાંભળે એ, હમેશાં સાહિત્ય બાબતે સાંભળતો હોય છે. સાહિત્યશિક્ષણની એ રોજિંદી ઘટમાળમાં મંદવાડ જરૂર છે, પણ એને ચાહત અને નિસબતથી જોવાની જરૂર છે. મને એ કંજૂસ બાપની આછીપાતળી પણ મૉંઘી મૂડી લાગે છે – એવી કે જેમાંથી એક દિ એનાં સન્તાનો અને ભાવિ પેઢીઓ બ્હૉળા વેપારનાં ધણીધોરી બનવાનાં હોય. આ થઈ, દુખાવાની વીતકવારતા. ઇલાજ શું?

(હવે પછી)

(January 1, 2022 : Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ઉજવણાં ઉઠમણાં ન બને એટલી ચિંતા તો કરીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 December 2021

કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આફતો આવે છે તો સરકારને જીવનું જોખમ ઊભું થતું નથી, પણ લોકો તો મરે જ છે ને ઘણીવાર તો એવાં મરે છે કે તેમનું રડતાં પાર નથી આવતો. જેમનો કોઈ વાંક નથી હોતો એવાં મરે છે ત્યારે પીડા વધુ હોય છે. એની વે, બહુ મહેનતને અંતે આપણે કોરોનાની ત્રીજી લહેર લાવવામાં સફળ થયાં છીએ ને હવે જે થાય તેની તૈયારી રાખવાની રહે જ છે. સરકારે રોગ ન વધે એની ચિંતા કરવા કરતાં  હોસ્પિટલોને સુસજ્જ કરવાનું શરૂ કરી દીધું છે ને બીજી લહેર વખતે પણ બધું સુસજ્જ જ હતું તો ય હજારો માણસો બેડ વિના, ઇન્જેકશન વિના, ઓક્સિજન વિના એટલી સંખ્યામાં મર્યાં કે સ્મશાનો ખૂટી પડ્યાં.  ગુજરાત સરકારે ચામડી બચાવવા મોતના આંકડા છુપાવ્યાં હતાં તે તો તે વખતના મુખ્ય મંત્રીએ ખુદ કબૂલ્યું હતું. એની તીવ્ર પ્રતીતિ તો એના પરથી થાય છે કે સુપ્રીમ કોર્ટે મૃતકોનાં સ્વજનોને 50,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો ત્યારે 67,388 અરજીઓ આવી. સરકારે જો 10,116 મૃત્યુ થયાનું જાહેર કર્યું હોય તો આટલી અરજીઓ આવી કેવી રીતે? એમાંથી 45 હજારથી વધુ અરજીની 226 કરોડથી વધુ રકમ તો મંજૂર પણ કરી દેવાઈ છે ને એમાં પણ, 41 હજારથી વધુ અરજદારના ખાતામાં તો રકમ પણ જમા કરી દેવાઈ છે. એ બતાવે છે કે આ આંકડાઓ સરકારે સ્વીકાર્યા છે. મોતની એટલી સંખ્યા તો હવે સરકારને ગળે પણ ઊતરી છે, નહિતર એ કરોડો રૂપિયા વળતર તરીકે મૃતકોનાં સ્વજનોને ચૂકવે નહીં. એ સાથે જ એ વાત પણ સરકારે જ પુરવાર કરી છે કે કોરોનાથી થયેલ મોતનો આંકડો તેણે છુપાવ્યો છે. સાથે જ એ પણ માનવું પડે કે સરકાર ખોટું બોલી શકે ને ખોટું કરી પણ શકે. મતલબ કે સરકાર વિશ્વનીય ન પણ હોય એય માનવું પડે. આ જ સરકારે કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા ઘણી તૈયારીઓ કરી હોવાના દાવાઓ પણ કરેલા ને પછી જે તકલીફો થયેલી તે લોકોને થયેલી ને સરકારે પણ પછી તો બદલાવું પડેલું. કોરોનાને કારણે એમ થયેલું એવું કદાચ ન પણ હોય, પણ એ વખતના મુખ્ય મંત્રી, કોરોનામાં જે હાલત ગુજરાતની થઈ એ કારણે સહાનુભૂતિ ગુમાવી ચૂકેલા એ વાત નિર્વિવાદ છે.

હવે ત્રીજી લહેરે ગુજરાતનું બારણું ખખડાવ્યું છે ત્યારે તેને આવકારવા સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, કેમ જાણે વિદેશથી કોઈ મંત્રી પધારવાના હોય ! પણ ત્રીજી લહેર ખાલી હાથે પાછી નહીં ફરે એટલું સરકારે અને લોકોએ સમજી લેવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે સરકાર કોઈ પગલાં ભરે કે ન ભરે, લોકોને બેદરકાર રહ્યે પાલવે એમ નથી. લોકો ભીડ કરી રહ્યાં છે એની ના પાડી શકાય એમ નથી. માસ્ક ન પહેરવાનું અને અંતર ન જાળવવાનું પરિણામ લોકો જોઈ ચૂક્યાં છે. એ બેદરકારી આપણાં સ્વજનોને ભારે પડે એવું ફરી થવા દેવા જેવું નથી. સરકાર ભીડ કરે એટલે લોકોએ પણ કરવી જ એવું ક્યાં ય લખેલું નથી. બીજું કે સરકાર બદલાતી નથી, ત્યાં સુધી તેને વ્યક્તિગત ખોટ બહુ પડતી નથી, પણ કોરોના કે ઓમિક્રોનમાં કોઈ સગું ગુમાવીશું તો એ ખોટ આપણી હશે ને એ ખાવા જેવી નથી.

એક વાત સમજી લેવાની રહે કે જોખમી સ્થિતિમાં સરકાર વધુ મતલબી જ પુરવાર થઈ છે. એક તરફ વડા પ્રધાન યુ.એ.ઈ.ની પોતાની મુલાકાત મુલતવી રાખે છે, પણ ગુજરાતનાં મુખ્ય મંત્રી રોડ શો રોકી શકતા નથી. આજે રાજકોટમાં મુખ્ય મંત્રી સવારે નવથી એકનો રોડ શો યોજી રહ્યાં છે ને એને માટે થઈ શકે એટલી ભીડ એકઠી કરવાનો ઉપક્રમ યોજ્યો છે. તંત્રોને પૂરી શક્તિથી કામે લગાડાયાં છે. એ ખરું કે કોરોના રાત્રે જ ફેલાય છે એટલે કરફ્યુ રાત્રે લાગુ થાય છે, પણ દિવસે કોઈ ભય નથી, એટલે ભીડ કરવાનો વાંધો નહીં ! એ ન્યાયે સરકાર ભીડ કરે તો તેનાં પર તો કરફ્યુ ન નખાય ને ! એવું નથી કે કોરોના કે ઓમિક્રોન રાજકોટમાં નથી. કોરોનાના 150થી વધુ ને ઓમિક્રોનના પાંચ કેસ છે જ, પણ સરકારને કે તંત્રોને બહુ વાંધો આવતો નથી. આમે ય મરશે તો લોકો, સરકારને તો ઊની આંચ પણ નહીં આવે ! એટલે એ તો ચૂંટણી ય કરશે ને રોડ શો ય કરશે. એ કોઈ કામ અટકાવે એમ જ નથી. કૈં અટકાવવાનું જ હોય તો લોકો ક્યાં નથી? એમને 144થી, ગાઈડલાઇન્સથી કે કરફયુથી રોકી જ શકાય, પણ સરકારને કોણ રોકે?

કાલે સાંજની મુખ્ય મંત્રીની બેઠકમાં 7 જાન્યુઆરી સુધી 8 મહાનગરોમાં કરફ્યુ યથાવત રખાયો છે તે સિવાય ખાસ કૈં નક્કી થયું નથી. એટલે ગુજરાત વાઇબ્રન્ટ અને ઉત્તરાયણને બહુ વાંધો આવે એમ લાગતું નથી. કદાચ કરફ્યુનો સમય વધે કે ઠુમકા મારવા પર રોક લાગે એમ બને, પણ ગુજરાત વાઇબ્રન્ટ વર્ચ્યુઅલ થાય એમ લાગતું નથી, કારણ દેશ-વિદેશના પ્રતિનિધિઓને ગુજરાત સરકાર આકર્ષવા ને ઇમ્પ્રેસ કરવા માંગે છે, એટલે એ તો ઈચ્છે જ કે વધુ વિદેશીઓ આવે, પણ વિદેશથી અહીં આવનાર પ્રતિનિધિઓને 7 દિવસ ફરજિયાત કવોરન્ટાઇન રહેવાની અનુકૂળતા કરવાનું ફાવશે કે એમાં બાંધછોડ થશે તે વિચારવાનું રહે. એમ કરવા જતાં જોખમો વધે પણ ખરાં. આમ તો આ બધું દેખાડવા, દેખાડા માટે થાય છે, એમાં તો કોઈ સરકાર પાછળ પડે એમ નથી, બલકે, દેખાડી દેવા તો તે પાછળ પડી જાય એમ છે. વાઇબ્રન્ટ માટે તો ગાંધીનગરને ચાર દિવસ રોશનીથી શણગારવાની વાત પણ છે, એને માટે ટેન્ડર પણ બહાર પડાયું છે. સરકારનો ઇરાદો માત્ર ચાર દિવસની રોશની માટે સાડા સાત કરોડનો ધુમાડો કરવાનો છે. એ સ્થિતિમાં બીજા ખર્ચની તો કલ્પના જ કરવાની રહે છે.

કોરોના અને ઓમિક્રોનનાં આક્રમણનું જોખમ એકદમ વધી ગયું છે ત્યારે આવા લહાવા લૂંટવાની અનિવાર્યતા કેટલી તે વિચારવા જેવું છે. રાજકોટનો રોડ શો જીવન મરણનો પ્રશ્ન નથી જ. એ ન થાય કે લંબાવાય તો કરોડોના ધુમાડા તો બચે જ, પણ ભીડથી ઉત્પન્ન થતું મોટું જોખમ પણ નિવારી શકાય, પણ લાગે છે એવું કે બધું જ થશે, બ્રેક જ  લાગવાની હશે તો લોકોને લાગશે. એમાં સરકારે ખાસ કૈં ગુમાવવા જેવું નથી.

એમ પણ લાગે છે કે ફરી એક વાર ઘડિયાળ ઊંધી ફરવાની છે. જે કરેલું તે ફરી કરવાનું આવે એમ બને. શિક્ષણ મંત્રી ઓફલાઇન સ્કૂલોનો આગ્રહ રાખે છે, પણ કોરોનાનું જોર અનેકગણું વધી રહ્યું હોય ત્યારે ફરી સ્કૂલો બંધ થાય એમ બને. ફરી કોર્સ 30 ટકા કાપવાની વાત આવે, ફરી ઓનલાઇનનો આગ્રહ વધે, પરીક્ષાઓ ઓનલાઈન લેવાય ને બોર્ડ ઓફલાઇન પરીક્ષાઓ લેવાની વાત કરીને પ્રમોશનની એ જ ગયા વર્ષની ફોર્મ્યુલા કામે લગાડે એમ બને. આમાંનું કૈં જ ઈચ્છવા જેવું નથી, પણ કોરોના નરમ નહીં પડે તો આ જ થાય એમાં શંકા નથી. આ અંગેનો વિચાર ઘણો વહેલો થવો જોઈતો હતો, પણ આપણે તો ત્રીજી લહેર લાવવી જ હતી, તો બીજું થાય શું? નથી સરકારને પડી શિક્ષણની કે નથી લોકોને પડી, તો શિક્ષણની ઘોર ન ખોદાય એવું તો બને જ કેમ? જેટલા દિવસ સ્કૂલો ચાલી છે એમાં પણ શિક્ષણનું કામ તો ઓછું જ થયું છે ને ઇતરપ્રવૃત્તિઓ જ વધુ ચાલી છે. લર્નિંગ લોસની ચિંતા કોઈએ કરી નથી. કોઈને કોઈ મહાનુભાવની તિથિઓ ઉજવવામાં જ પ્રાથમિક સ્કૂલો સક્રિય રહી છે. ખરેખર તો જે ભણાયું જ નથી, તે કેવી રીતે ભણાવાય ને ખોટ કેવી રીતે ભરપાઈ થાય એ વિચારાવું જોઈતું હતું, તેને બદલે આચાર્યો ને શિક્ષકો પરિપત્રો ને પત્રકોમાંથી જ ઊંચા ન આવે એવી સ્થિતિ સરકારી સ્કૂલોની થઈ છે. શિક્ષણ સમિતિઓ એ રીતે જ જીવી શકે એમ છે તો બીજું તો શું થઈ શકે? પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેલાં બાળકો બિચારા જાણતા જ નથી કે તેમણે શું ગુમાવ્યું છે ને એથી વધુ અબૂધ તો એ સમિતિઓ છે જેણે શિક્ષણ સિવાયનું જ બધું મહત્ત્વનું ગણ્યું છે. હોય, શિક્ષણ સમિતિમાં તો શિક્ષણ ન જ હોય ને !

બીજી તરફ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની જ છે. ચૂંટણી આયોગને તમામ પક્ષોએ વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું સ્પષ્ટ કરી દીધું છે. એ મામલે શાસક પક્ષ કે વિપક્ષ વચ્ચે કોઈ ભેદભાવ નથી. 5 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થાય કે મતદાર યાદીઓ બહાર પડે એમ બને. ટૂંકમાં, કોઈ ચમત્કાર જ હવે આ બધું રોકી શકે એમ છે. બાકી, ચૂંટણીઓ થવાની છે, કોરોના વધુ વકરવાનો છે, તબીબી સગવડો ખૂટવાની છે, સ્મશાનોમાં રાહ જોવાવાની છે, આંસુઓ ખૂટવાનાં છે ને એમ ફરી એક વખત માથે હાથ દેવાનો વારો આવવાનો છે. આવું કદી ન બને એમ ઇચ્છીએ, પણ જે ગતિ છે તે આવો ભય ઊભો કરે છે. એક વાત નક્કી છે કે રાજકારણ સિવાય ભારતમાં હવે કશું જ મહત્ત્વનું નથી. હવે રાજકારણ જ લોકોનું, લોકો દ્વારા ને લોકો માટે ચાલે છે. કમ સે કમ એ કહેવાના દિવસો કોરોના ન લાવે તો સારું કે મેરા ભારત મહાણ –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ડિસેમ્બર 2021

Loading

...102030...1,7161,7171,7181,719...1,7301,7401,750...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved