Opinion Magazine
Number of visits: 9570623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મામાનું ઘર એટલે …

રમજાન હસણિયા|Opinion - Opinion|22 November 2021

નાના હતા ત્યારથી ગાતા હતા 'મામાનું ઘર કેટલે , દીવો બળે એટલે ..'

સામે જે ઘર દેખાય છે કે જ્યાં દીવો બળી રહ્યો છે તે મામાનું ઘર એવો સીધો સાદો અર્થ ત્યારે ને અત્યારે પણ સમજાય છે.

પણ ક્યારેક લાગે કે જ્યાં આપણા માટે કાયમ દીવો બળે છે, એટલે કે પ્રહ્લાદ પારેખે શીખવ્યું છે તે પ્રમાણે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે તે ઘર એટલે મામાનું ઘર. જે ઘર આપણામાં માટે કાયમ ખુલ્લું હોય તે મામાનું ઘર .. જે ઘરના દીવડાનો પ્રકાશ આપણાં આંગણાને અજવાળવા આવી ચડે તે મામાનું ઘર ..

બાળપણથી મામાના ઘરનું ભારે આકર્ષણ. વેકેશનના પહેલા જ દિવસે અમારી પલટન મામાના ઘરે જવા ઉપડે ને છેલ્લે દિવસ ઢીલા ચહેરા સાથે પરત ફરે. આખ્ખું વેકેશન મામાના ઘરે મજા કરવાની. ઘરથી પણ વિશેષ લાડકોડ. પોતાના સંતાનોને છાસ આપે પણ મામી મને તો સાંજે વાળુમાં દૂધ જ આપે. ત્રણ મામા સાથે ને પાસે પાસે રહે. સુવાનું તો કોઈ એક મામાના ઘરે પણ ઊઠીને ચા ત્રણેય મામાના ઘરે રકાબી રકાબી પીવાની. ને એમાં પણ ખતુમામી એટલે કે નાના મામીની મીઠી ચા આપણી સ્પેશિયલ. મામી-ભાણેજ અલક-મલકની વાતો કરતાં ચાની ચુસ્કી લીધાં કરીએ.

આમ તો મોસાળનું ગામ ખેડોઈ. કચ્છભરમાં જ્યાંની વાડીઓ વખણાય તે ગામની પાદરે કચ્છ ટ્રાન્સપોર્ટમાં ગાડી ચલાવતા અંજારના સીધીક મામાના ખટારામાંથી ઉતરીએ ત્યારે નાની રાહ જોઈને જ બેઠાં હોય. આંખે ઝાંખપ આવ્યાં પછી દૂરથી અમને જોવા નાની આંખ પર હાથની છાંયડી કરે. અમને જોઈને મુખ હરખાઈ ઊઠે ને આંખ છલકાઈ ઊઠે. ચૂમીઓનો વરસાદ વરસી પડે ભલે ને ગમે તે ઋતુ હોય !

નાનાને તો આ આંખોએ ક્યારે જોયા નથી પણ નાનીનાં પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે એમની ખોટ પણ ક્યારે ય વરતાઈ નથી. હું નાનીના ગળાડૂબ પ્રેમમાં છું. એમના વિશે તો વિગતે ચરિત્રલેખ કરવાની ભાવના છે. એમના કરચલીયાળી ચામડીવાળા હાથ પર હું  હાથ ફેરવતો. મને એમ કરવું બહુ ગમતું. વૃદ્ધત્વનું તેજ મેં એમની આંખોમાં ને બોલાતા પ્રત્યેક શબ્દમાં અનુભવ્યું છે. હજી ઘણીવાર  પુછાઈ જાય છે કે નાની કેમ છે ?

મામા જ સઘળા લાડ કરવાની જગ્યા. નવાં કપડાં બાર મહિને એક કે બે વાર મામાના ઘરેથી જ મળે. બાકી તો વાણિયાઓએ આપેલાં કપડાં પહેરવાના. ચંપલ પણ મામા લઈ આપે. મામાના ભાઈબંધની દુકાનેથી અમે બધું લઈ આવીએ, 'હિસાબ હું મામા સાથે સમજી લઈશ' એમ કહેતા દુકાનદાર ભાઈના વાક્યો અત્યારે યાદ આવે છે ત્યારે થાય છે કે મામા આ હિસાબ કઈ રીતે સમજતા હશે. પણ ત્યારે તો કપડાંની સીવેલી થેલીમાં સામાન લઈ રાજી થતા થતા ઘરે આવતા. મામા તો માત્ર ભલે લઈ આવ્યા એટલું જ બોલતા.

નાના ઈશાકમામાની ઘોડાગાડીમાં બેસીને વાડીએ જવાની કંઈક અલગ જ મજા આવતી. વાડીઓની વચ્ચેથી નીકળતી ગાડા વાટે ચાલતી ઘોડાગાડીમાં બેસવાની તો મજા આવે જ પણ એથી પણ વધુ મજા આવતી ચીકુ, કેરી ને જામફળના લચી પડેલા બગીચાઓમાંથી મન પડે તે ખાવાની. મને બરાબર યાદ છે કે એકેય વાડીમાં તારની વાડ નહિ ને કોઈની રોક ટોક પણ નહીં. વેચાતાં ફળ લેવાની ત્રેવડ તો ક્યાંથી હોય એટલે મામાના ગામની વાડીઓમાં ધરાઈને ફળ ખાઈ લેતા, વરસ ભરના સામટા.

વાડીઓની સરહદ પૂરી થાય ને થોડાં બાવળની સીમને વટાવી અમારી સવારી મામાના ઈંટોના ભઠ્ઠા પર પહોંચતી. કુંભારની માટી સાથેની નિસબત બરાબર અનુભવાતી. ઈંટ જો પકવવા મૂકી હોય તો એની એક વિશિષ્ટ સુગંધ નાકને ઘેરી લેતી. હું કામમાં મદદ કરાવવા જાઉં તો એ પણ રમત જેવું લાગતું. વાડીમાં લાલ લાલ તરબૂચ નિંદામણની ખુરપીથી જ ચાર ટુકડા કરીને ખાઈ જતા. પછીથી મામા સપરિવાર વાડીએ રહેવા આવી ગયા ત્યારે દિવસો સુધી આ મજા માણી છે.

હમણાં વેકેશનમાં બે દિવસ મામાના ઘરે જઈ ફરી એ દિવસો પાછા જીવી આવ્યા. માનો વર્ગ એવા ઈસ્માઈલમામા, ઈશાકમામા ને ખુદાને પ્યારા બની ગયેલા દાઉદમામા તરફથી મળેલા અસીમ પ્રેમના પ્રવાહને વહેતો રાખી શકું તો ઘણું !

મારા મામાનું ઘર હવે મારી ભીતર જ બંધાઈ ગયું છે ! અંદર દીવો બળ્યા કરશે ત્યાં સુધી એ ઘર સાવ નિકટ ઝળહળ્યા કરશે !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

આ મુશ્કેલ સમયમાં (65)

સુમન શાહ|Opinion - Opinion|21 November 2021

સ્મરણો ઘેટાંની જેમ ધૂણતાં ધૂણતાં ચાલ્યાં આવે છે. એક વાર શરૂ થાય પછી એમને રોકી શકાતાં નથી. મને તો થાય, હું ‘ગોાવાળ’ની જેમ એમની પાછળ પાછળ ચાલું છું કે મારા ચિત્તમાં એ બધાં જાતે ને જાતે જેમ ફાવે એમ ચાલી આવે છે? મધુર રૂપની અસમંજસતા ઊભી થાય છે …

કોરોનાકાળે વાઇરસની જેમ સ્મરણો પણ અત્ર તત્ર સર્વત્ર સળવળતાં જોવા મળે છે. અનેક લોકો, પહેલાં આમ હતું ને પહેલાં આમ હતું, કરવા લાગ્યા છે. ઘણાઓ તો આત્મકથા કહેવા માંડે છે. કેટલાક તો, ચાલો આજે નાનપણમાં જઈએ – નામનો કાર્યક્રમ બનાવે છે. એવું કહી શકાય કે ક્રાઇસિસ પુશ મેન ઇન્ટુ ધ પાસ્ટ …

વતનમાં ત્યારે લાઈટો આવી ન્હૉતી, એક કૉન્ટ્રક્ટરે – જે ‘કંટ્રાટી’ કહેવાતો – થાંભલા અને તારદોરડાં બંધાવી – કરીને મુખ્ય રસ્તા પર માંડ શરૂ કરેલી. મેં ઘણી વાર એ થાંભલાની લાઇટ નીચે બેસીને, એકડિયા-બગડિયામાં હતો ત્યારે, લેસન કરેલું કેમ કે ઘરમાં ફાણસ ચીમણી દીવેલનાં કોડિયાં ખરાં, પણ થાંભલાની એ ઇલૅક્ટ્રિકની વાત જ ઑર હતી. કંટ્રાટી કુદરતપ્રેમી તે અજવાળિયાના પંદર દિવસ લાઇટો બંધ રાખતો’તો ! એ રાતોની ઠંડકભરી ચાંદની અને નવી નવી ઇલેક્ટ્રિક લાઇટનું મિશ્રણ હજી ભુલાયું નથી.

વતનમાં ત્યારે વૉટરવર્ક્સ પણ નહીં, ખારા અને મીઠા પાણીના કૂવા ને તળાવનાં પાણી. પાણિયારીએ ‘એ ચાર દિવસ’ નહીં આવવાનું તે બા પડોશણો જોડે જાય ને માથે બેડાં મૂકીને દૂરના કૂવેથી પીવાનું પાણી લાવે. ખડકીના કૂવામાં કપડાં, વાસણ કે વસ્તુઓ પડી જાય તો ‘બિલાડી’ ઉતારવાની, વસ્તુને એમાં ફસાવવાની ને આસ્તેથી ઉપર લાવી દેવાની. એ બિલાડીકળાના જાણકારનો ખડકીમાં મહિમા હતો. નજીકના ગામેથી લાકડાં વેચનારા આવતા – ઝાડ કાપીને લાવ્યા હોય, એ લાકડાં લીલાં તો નથી ને, એના જાણકારનો ય મહિમા હતો. કેરીઓનું ગાડું આવે ત્યારે ભાવતાલ કરીને બધું નક્કીચક્કી કરી આપનારા કાબેલ પણ હતા ને એમનો ય મહિમા હતો. ખડકીમાં એ જાતની સોશ્યોલૉજી વિકસેલી.

ફળિયામાં એક જ જણના ઘરે રેડીઓ ને ગામમાં બીજા બે-ત્રણને ત્યાં – બસ ! એ શેઠ વૉલ્યુમ એટલું મોટું રાખે કે ફળિયું આખું સાંભળે. જાતે સાંભળવા કરતાં એઓશ્રી સંભળાવવાની મજા લેતા. દયાળુ લાગતા’તા. ગામમાં ચાર જણને ત્યાં ફોન હતા – ઘડા જેવા પેલા કાળિયા, ત્રણ જ નમ્બરના. પછી એ રંગીન થયા, પછી મોબાઇલમાં પૅઠા, ને આજે તો સાવ સ્માર્ટ થઈ ગયા છે, મારા કે તમારા ‘ફિટબિટ’ કે ‘એપલ’-ના વૉચમાં તો એના નમ્બર પણ સંતાયેલા બેઠા હોય છે. 

દાઢી કરવાનું શીખ્યો એ ઉમ્મરની વાત. બહુ સાદું બ્લેડ મળતું’તું. પણ અમારા વડોદરામાં લારિલપ્પા બજાર, ન્યાયમન્દિર સામે, હવે તો નષ્ટ થઈ ગયું છે, પણ એ બજારમાં અવનવી વિદેશી ચીજો મળતી’તી. દાણચોરીથી આવતી હશે કે કેમ, નથી ખબર. લેટ ફિફ્ટીઝનો જમાનો. ત્યાંથી ‘સેવન ઓ’ક્લૉક’ બ્લેડ આવી મળેલું. વરસો લગી એ જ વાપર્યું. એનાથી દાઢી, પેલા સાદા કરતાં અનેકશ: સુન્દર થાય, ઝડપ લગાવી શકાય. પણ જેવું ‘ફિલિપ્સ’-નું ઇલેક્ટ્રિક રેઝર આવ્યું, એ જ વાપર્યું. એક મિત્ર અમેરિકાથી આવેલા ને લાવેલા, ૧૯૭૭ની વાત. એ જોઈને પછી મેં પણ વસાવેલું. પણ ‘જિલેટ’ ને ’જિલેટ માક’ આવ્યાં; પછી, ડબલ બ્લેડવાળાં, પછી ટ્રિપલ, ને હવે પાંચપાંચ બ્લૅડવાળાં – જેનું નામ છે, ‘જિલેટ ફ્યુઝન’.

મારો એક મિત્ર જિલેટને ‘ગિલેટ’ કહેતો’તો ! એક આશાસ્પદ સાહિત્યકાર ‘કર્નલ’-ને સ્થાને ‘કોલોનલ’ કહેતા. ઘણા સમય લગી વડીલ સાહિત્યકારોએ એમને સુધારેલા નહીં – વડીલ કોને કહો છો !

Picture courtesy : TripAdviser

આ રેઝરનું ડોકું દાઢીના ઉતાર-ચડાવને એની મેળે અનુસરે એવું ડાહ્યું બનાવ્યું છે – યુઝર ફ્રૅન્ડલિ. આફ્ટરશેવ આવ્યાં ન્હૉતાં ત્યારે ફટકડીની ગોટી હતી, હળવેથી ઘસી લેવાની, ઠંડક થાય. હવે તો ‘ઍક્સ-ફૅક્ટર’, હું વાપરું છું એ ‘ઓલ્ડ સ્પાઇસ’, એમ ઘણાં …

લારિલપ્પામાં એક નાનકડી દુકાન હતી, ખોલી. એ ભાઈ બગડેલી ઇન્ડિપેન રીપેર કરી આપે, ભલે ને ગમે એટલી બગડેલી હોય – નીબ, મ્હૉરિયું, લિક થતી હોય તેને બંધ કરી દેવી, ઉપલી ખોલીની ચાંપ બદલી આપવી, વગેરે. ત્યારે વડોદરામાં ‘પ્રતાપ’ પેનનું કારખાનું ખૂલેલું – બ્રાઉન કલરની હોય. બોલપેન હજી આવી ન્હૉતી. પછી તો, હું નીબને સ્થાને નાના તાર જેવું લબડે ને ફ્લુઅન્ટલિ લખાય એવી પેન લાવેલો. પછી, શાહી પાછળના પમ્પથી ભરાય એવી, પછી, ’પિઅરે કાર્ડિન’, ‘લૅમિ’ એમ મૉંઘી અને જાત જાતની લાવેલો. એ બધી પેનો મારી દયા ખાતી પડી છે ઘરમાં ક્યાંક.

પ્રાથમિકમાં સ્લેટ-પેન હતાં, સ્લેટ પૂઠાની પણ હોય. કેટલાક થૂંકીને ભૂંસે, હું પલાળેલું સરસ નાનું પોતું રાખતો. વિદ્યા કહેવાય, વિદ્યાનું અપમાન ન કરાય. એ બૉઘાઓની સ્લેટ ‘ગંધાય’ – એવું લખતી વખતે આ ક્ષણે પણ મને ચીતરી ચડે છે.

પિતાજી એક વાર મારા માટે ૩૦૦ પાનની નોટબુક અને કણ-વાળી પૅન્સિલ લાવેલા. પહેલાં તો, નોટમાં પેન્સિલથી લખવાનો રિવાજ હતો. મેં જ્યારે જાણ્યું કે હૅમિન્ગ્વે પેન્સિલથી લખતા’તા, મને બહુ ગમેલું. પછી, પાછળ રબર-વાળી ક્યારે આવવા લાગી, નથી યાદ. મને ખોટું લખાયેલું જરા પણ ન ગમે, તરત ભૂંસી નાખતો, પેલું છૂટું રબર ન મળે તો ઘાંઘો થઈ જતો. હલકી જાતનું રબર ડાઘા પાડે. એને વારંવાર લૂછ્યા કરતો ત્યારે પણ મને ઉતાવળ ઘણી …

સાહિત્યના લેખ લખતો થયો એટલે ‘સન્લિટ બૉન્ડ’ કાગળ વાપરવા લાગ્યો. કૉપિ રાખવી પડે એટલે કાર્બન પેપર લાવતો થયો. આખું લખાણ કાચું લાગે કે તરત ડૂચો વાળીને ફૅંકી દેતો. રશ્મીતા તીખી નજરે જુએ છતાં સ્મિત કરીને એ ડૂચા વીણવા જાય, પણ ઊઠીને ડસ્ટબિનમાં હું જ નાખી આવું. મારા લખાણનો ‘કચરો’ મારે જ સાફ કરવો જોઈએ – એ પ્રકારનું સૅલ્ફ-ઍડિટિન્ગ ! મારા કોઈ પણ લખાણના એક પણ શબ્દને સુધારવાની ભાગ્યે જ કોઇ તન્ત્રીને ક્યારે ય ચેષ્ટા કરવી પડી છે.

લૅપ્ટૉપ આવ્યાં ન્હૉતાં ત્યાં લગી ડબ્બા જેવું કમ્પ્યૂટર વાપર્યુ. હજી રાખી મૂક્યું છે. મૉનિટર, માઉસ, સી.પી.યુ., સ્પીકર, કમ્પ્યૂ કૅમ, વગેરે દરેક પાર્ટ પસંદ કરીને ઍસેમ્બલ કરાવેલું. ડબ્બો પડ્યો છે હજી. પહેલું લૅપ્ટૉપ ‘એચ.પી.’નું લાવેલો, બીજું ‘મૅકબુક પ્રો’, હવે ત્રીજું, આ, જેના પર લખી રહ્યો છું, એ ‘મૅકબુક ઍર’. હું ભલામણ કરું છું કે લખનારા સૌએ કમ્પ્યૂટર પર જ લખવું જોઇએ. કમ્પ્યુટરના આગમનથી બન્યું એવું કે ડિક્ષનરીઓ ગઈ, ઇન્ડિપેનો ગઈ, કાગળ ને કાર્બન ગયાં, પણ પ્રેસના ટાઇપ જેવા અદ્દલ સુન્દર મારા મરોડદાર હસ્તાક્ષર પણ ગયા – એટલી હદે કે પેન કે બોલપેનથી લખું કશુંક, પણ વાંચતાં જો વાર થઈ હોય તો એ લખાણને હું જ નથી ઉકેલી શકતો – એટલા બધા ઝડપી ને ગૂંચપૂંચિયા …

મારા ‘વસ્તુસંસાર’ નિબન્ધસંગ્રહમાં વસ્તુઓની આવી ઘણી વાતો છે. આ લેખમાં દર્શાવ્યા પ્રમાણે મારા જીવનમાં ઉત્તરોત્તર સારી વસ્તુઓએ જ સ્થાન મેળવ્યું છે. વસ્તુઓની જેમ મારા જીવનમાં વ્યક્તિઓ પણ ઉત્તરોત્તર સારી જ આવી છે. પરન્તુ કેટલીક વ્યક્તિઓ પેલી ઇન્ડિપેનોની જેમ છૂટી ગઈ છે, કેટલીકને મેં પેલા ડૂચાની જેમ વાળીને ફૅંકી દીધી છે.

એટલે, મારું મન્તવ્ય છે કે મારે કે બીજા કોઈએ પણ સર્જનની જેમ હમેશાં કલામય, સુન્દર ને રસાનન્દ આપનારી ચીજો જ સરજવી જોઈએ, અને તે માટે જીવનના હરેક સંવિભાગમાં પણ ચૅંકભૂંસ કરવી જોઈએ.

સમજી શકાવું જોઈએ કે આખ્ખો ખરો દાખલો કદી નથી થવાનો …

= = =

(November 21, 2021: Ahmedabad)

Loading

દરવાજા મોકળા અને ખાળે ડૂચા

અનિલ જોશી|Opinion - Opinion|21 November 2021

આજે સવારે એક મિત્રએ ફોન કરીને મને પૂછ્યું : કિસાન કાયદા રદ્દ થયા એ વિષે તમારો શું પ્રતિભાવ છે ? થોડીવાર અટકીને મેં કીધું : આપણા બાપદાદાઓ કહેવતો રૂપે પ્રતિભાવ આપી ગયા છે. ગુજરાતીમાં એક કહેવત છે : "વાર્યા ન વળે, પણ હાર્યા વળે”. એક કહેવત હિન્દીમાં પણ છે : "બુંદસે ગઈ વો હોજ સે નહીં આતી”.

આજે મારો ઈરાદો "ડ્રગ્સ" વિષે, આપ સહુ દોસ્તો સાથે, પચાસ ગ્રામ જેટલી વાતો કરવાનો છે. અમેરિકામાં ડ્રગના બંધાણીઓ માટે સરકાર રિહેબિટેશન સેન્ટરો ચલાવે છે. થોડાં વર્ષ પહેલાં મેં ફિલાડેલફિયામાં ચાલતા એક મોટા સેન્ટરમાં સૂચી વ્યાસ સાથે અર્ધો દિવસ વિતાવ્યો હતો. કવિતાઓ વાંચી હતી, સારી પ્રેરણાત્મક વાતો કરી હતી, એ સમયની અહીં તસ્વીર મૂકી છે. મારા શ્રોતાઓમાં ડ્રગ માફિયાઓ અને મોટા ક્રિમિનલો હતા. આ સેન્ટરનો એક માત્ર ઉદ્દેશ એટલો જ છે કે ડ્રગ માફિયાઓ સાથે પ્રેમપૂર્વક સંવાદ થાય તો ક્રિમિનલો બદલી શકે છે. અહીં શહેર કે ગામનાં નામ બદલવાની મૂર્ખતા નથી, પણ માણસ બદલવાની પ્રક્રિયા છે. મુદ્દો અહીં મનુષ્ય ગૌરવનો છે. અર્ધો દિવસ હું ડ્રગ માફિયા સાથે રહ્યો. વિદાય લીધી ત્યારે સહુ ઈમોશનલ થઇ ગયા. આપણે ત્યાં પણ જેલોમાં જઈને ક્રિમિનલો સાથે સત્સંગ કરવા અનેક મિત્રો જાય છે તે સરાહનીય છે. આ તો એક આડ વાત થઇ. મુદ્દો એ છે મનુષ્ય શા માટે ડ્રગનો બંધાણી થઇ જાય છે? કઈ લાચારી છે?

વિખ્યાત સર્જક કવિ એડગર એલન પો ખૂબ નશેડી હતા. કવિએ પોતે જ પોતાના નશા વિષે લખ્યું છે : "મને તે ઉત્તેજકોનો બિલકુલ આનંદ નથી કે જેમાં હું ક્યારેક ખૂબ જ પાગલ થઈ જાઉં છું. તે આનંદની શોધમાં નથી કે મેં જીવન અને પ્રતિષ્ઠા અને કારણને જોખમમાં મૂક્યું છે. ત્રાસદાયક યાદોમાંથી, અસહ્ય એકલતાની લાગણી અને કેટલાક વિચિત્ર તોળાઈ રહેલા વિનાશના ભયથી છટકી જવાનો તે ભયાવહ પ્રયાસ રહ્યો છે."

અહીં તમે જુઓ કે વ્યસનની શરૂઆત એવી આશા સાથે થાય છે કે જે કંઈક 'બહાર' છે તે તરત જ અંદરની ખાલીતાને ભરી શકે છે. એકદરે અંદરથી માણસ સાવ ખાલી ખાલી છે. ખાલીપાના ડબ્બામાં તમારે શું ભરવું એ તમારી વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. કચરો પણ ભરી શકો છો અને ડ્રગના પેકેટ પણ ભરી શકો છો. આધુનિક સમાજ લોકોને હતાશ બનાવતી પરિસ્થિતિઓને દૂર કરવાને બદલે તેમને એન્ટીડિપ્રેસન્ટ દવાઓ આપે છે. વાસ્તવમાં એન્ટીડિપ્રેસન્ટ્સ એ વ્યક્તિની આંતરિક સ્થિતિને એવી રીતે સંશોધિત કરવાનું એક માધ્યમ છે કે જેથી તે સામાજિક પરિસ્થિતિઓને સહન કરી શકે, જે અન્યથા તેને અસહ્ય લાગે.ન શો અનેક પ્રકારનો હોય છે એ પછી શિવરાત્રીમાં પીવાતી ભાંગ હોય કે ચલમમાં પીવાતો ગાંજો હોય કે બારમા પીવાતો શરાબ હોય. એ સિવાય અંધભક્તિનો નશો હોય છે, સત્તાનો નશો હોય છે, માલિકીનો નશો હોય છે. આજકાલ અમારા મુંબઈમાં ડ્રગ્સ વિષે બહુ સમાચારો પ્રગટ થાય છે. એક બાજુ હજારો કરોડનું ડ્રગ્સ ગુજરાત અને બીજાં શહેરોમાંથી પકડાય છે એની કોઈ વાત કરતું નથી, અને બીજી બાજુ, પંદર વીસ ગ્રામ ડ્રગ વિષે આખા દેશમાં હો…હો… ગોકીરો થઇ રહ્યો છે. આનો જવાબ ગુજરાતી ભાષાની કહેવત આપે છે : "દરવાજા મોકળા અને ખાળે ડૂચા”.

સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર, 21 નવેમ્બર 2021

Loading

...102030...1,6891,6901,6911,692...1,7001,7101,720...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved