Opinion Magazine
Number of visits: 9570630
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણના ઘડતરમાં ડૉ. આંબેડકરનું અનન્ય પ્રદાન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 December 2021

બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની જહેમતભરી કામગીરીથી તૈયાર થયેલું ભારતનું બંધારણ, બંધારણસભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર કર્યું હતું. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. બાબાસાહેબ આંબેડકરનું બંધારણના ઘડતરમાં અનન્ય પ્રદાન હતું. તેથી તેમના અનુયાયીઓ અને ચાહકો વરસોથી ૨૬મી નવેમ્બરનો દિવસ ‘બંધારણ દિન’ તરીકે મનાવે છે. બાબાસાહેબના જન્મના સવાસોમા વરસ, ૨૦૧૫થી, કેન્દ્ર સરકારના આદેશ મુજબ હવે સરકારી રાહે રાષ્ટ્રીય કક્ષાએ ‘બંધારણ દિન’ ઉજવાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં જણાવ્યું હતું તેમ, આ દિવસની ઉજવણીનો સરકારનો ઉદ્દેશ બંધારણ પ્રત્યે તો લોકોમાં જાગૃતિ કેળવવાનો છે જ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના અણમોલ પ્રદાન પ્રત્યે પણ લોકોને  જાગ્રત કરવાનો છે.

ડૉ. આંબેડકર માટે દલિતોના અધિકારો માટે લડવાનું અંતિમ ક્ષેત્ર બંધારણસભા હતું. પરંતુ કાઁગ્રેસ તેમના બંધારણસભા પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી. બંધારણસભાના સભ્યોની પરોક્ષ ચૂંટણી પ્રાંતિક ધારાસભાઓ મારફત થતી હતી. મુંબઈ ધારાસભામાં ડૉ. આંબેડકરની ઉમેદવારીને સમર્થન આપનાર કોઈ નહોતું. એટલે બંગાળમાંથી તેઓ બંધારણસભાના સભ્ય બન્યા હતા.

ભાગલા પૂર્વેના અખંડ ભારતની બંધારણસભાની પ્રથમ બેઠક ૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ મળી હતી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા નહોતા. તેમની ગેરહાજરીમાં બંધારણસભાનું કામ થોડો સમય મુલત્વી રાખવા ડૉ. એમ.એમ. જયકરે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવની તરફેણ અને વિરુદ્ધમાં ઘણી દલીલો થઈ હતી. ડૉ. આંબેડકરે પણ પોતાનું પ્રથમ પ્રવચન બંધારણસભાના પ્રમુખની વિનંતીથી આ વિષયે આપ્યું હતું. ડો. આંબેડકરના જીવનચરિત્રકાર ધનંજય કીરે લખ્યું છે. ‘વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઊભું થયું. અત્યંત ગંભીરતાથી, ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને હિંમત સાથે ડો. આંબેડકરે પ્રવચન આપ્યું.’ બૌદ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ બાબાસાહેબે બંધારણસભાના સભ્યો પર અમીટ છાપ પાડી હતી.

૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભૌમ બની. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો. બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટતાં ડૉ. આંબેડકર બંધારણસભાના સભ્ય મટી ગયા.

આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિંગ્સ પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ ‘ઘર આંગણે આંબેડકર છે ને’ એવો આદેશ કરેલો. ડૉ. આંબેડકરને બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર તેમને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્ય મંત્રી બી.જી. ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, ‘તમારે ૧૪મી ઓગસ્ટ પહેલાં ડૉ. આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે.’ (સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પૃષ્ઠ-૧૩૯) મુંબઈ  વિધાનસભામાંથી કાઁગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણસભાના સભ્ય બન્યા હતા.

નવમી ડિસેમ્બર ૧૯૪૭ના રોજ સ્વતંત્ર ભારતની બંધારણસભાની પ્રથમ બેઠક મળી હતી. બંધારણનો મુસદ્દો ઘડનારી સાત સભ્યોની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. ‘માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાનસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.’ આમ કહેનાર ડૉ. આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કરીને બંધારણના મુખ્ય ઘડવૈયા બન્યા હતા. બંધારણસભાની વિવિધ સમિતિઓ અને સમગ્ર બંધારણસભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ મુસદ્દા સમિતિના સભ્યોના અન્યત્ર રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડૉ. આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એક એક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ ઊભી કરવાનું કપરું કામ તેમણે કર્યું હતું. બંધારણસભાના બાર અધિવેશનો અને સમિતિઓની અનેક બેઠકો યોજાઈ હતી. બંધારણના મુસદ્દામાં ૭,૬૩૫ સુધારા સૂચવાયા હતા અને ચર્ચાઓના અંતે ૨,૪૭૩ સ્વીકારાયા હતા. અંતે ૨૨ ભાગ, ૩૯૫ અનુચ્છેદ અને ૧૨ પરિશિષ્ઠ સાથેનું બંધારણ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર થયું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી તેનો અમલ થયો.

અંતિમ બેઠકમાં ડૉ. આંબેડકરના અદ્દભુત, અતુલનીય અને અણમોલ કામની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું, ‘બંધારણસભાની મુસદ્દા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું. મુસદ્દા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, ચીવટ અને નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે તેની ખાતરી બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં મને સવિશેષ છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. આપણે સાત સભ્યોની મુસદ્દા સમિતિમાં નિમણૂક કરી હતી. એક સભ્યે રાજીનામું આપી દીધું અને તે બેઠક કદી ભરવામાં ન આવી. એક સભ્યનું મૃત્યુ થયું અને તે બેઠક પણ ખાલી રહી. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા અને તેમની બેઠક પણ ખાલી રહી. બીજા એક સભ્ય દેશી રજવાડાંના પ્રશ્નમાં ગૂંચવાયેલા રહ્યા. એટલે વાસ્તવિક રીતે તો તે તે બેઠક પણ ખાલી જ હતી. એક બે સભ્યો આરોગ્ય અને બીજા કારણસર હાજર રહેતા નહોતા. એટલે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી ડૉ. આંબેડકરના માથે જ આવી પડી હતી. અને તેમણે આવી પરિસ્થિતિ છતાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. આ બંધારણસભા તે માટે તેમની ઋણી છે.’ બંધારણસભાના ઘણાં સભ્યોએ પણ બાબાસાહેબના યોગદાનને મુક્ત રીતે બિરદાવ્યું હતું.

ડૉ. આંબેડકર દલિતોના હક અને હિત માટે બંધારણસભામાં આવ્યા હતા. બંધારણસભાને પોતાના સંગઠન ‘શિડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન’ તરફથી બંધારણમાં સમાવવાના દલિતોના અધિકારોનું આવેદનપત્ર, બંધારણની કલમો પ્રમાણે તેમણે આપ્યું હતું. ‘સ્ટેટ એન્ડ માઈનોરિટી’ તરીકે ગ્રંથસ્થ એ આવેદનપત્રની, ડૉ. આંબેડકરના સમગ્ર જીવનકાર્યના એજન્ડા સમી, એ માંગણીઓમાંથી કેટલીક જ બંધારણમાં સમાવવામાં આવી છે ! જો કે ડૉ. આંબેડકર દલિતોને અનામત સહિતના અધિકારો અપાવી, આભડછેટની નાબૂદી બંધારણ મારફત કરાવી શક્યા છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજના આદર્શની સદંતર અવહેલના કરી તેમણે બંધારણના કેન્દ્રમાં ગામડાંને નહીં વ્યક્તિને મૂક્યો છે. પંચાયતી રાજને માર્ગદર્શક સિદ્ધાન્તોમાં સમાવી દલિતોને રંજાડનાર ગામડાં અને પંચાયતોને તેમણે મહત્ત્વ આપ્યું નહોતું. ભારતના બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા સાથે બંધુત્વ બાબાસાહેબની દેન છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્ત વયના તમામ નાગરિકોને બંધારણ થકી મતદાનનો અધિકાર મળ્યો તેમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. બંધારણ દિને બંધારણીય મૂલ્યોનાં સ્મરણ સાથે તેના શિલ્પીને પણ યાદ કરીએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બે હાથ જોડીને વિનંતી છે કે મુસ્લિમો હિન્દુઓની અને હિન્દુઓ મુસ્લિમોની ઉશ્કેરણી કરવાથી દૂર રહે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 December 2021

એ હકીકત છે કે હિન્દુ રાજાઓનું શાસન હિન્દુસ્તાનમાં હોવા છતાં મોગલો ને અંગ્રેજો આ દેશ પર સેંકડો વર્ષો સુધી શાસન કરવામાં સફળ રહ્યા. અંગ્રેજોને આ દેશમાં શાસનની સગવડ કરી આપનારા મીરજાફર અને અમીચંદ આ જ દેશના હતા. જે પણ પ્રજાએ આ દેશમાં હુમલાઓ કર્યા તેનાં કરતાં આ દેશના લોકોની સંખ્યા વધારે જ હતી, છતાં સેંકડો વર્ષોની ગુલામી કરમે લખાઈ. આંતરિક વિખવાદો જ એટલા હતા કે એક થઈને સામનો કરવાનું સામર્થ્ય જ ન હતું. 1947માં આપણે આઝાદ થયા ને દાયકાઓ સુધી આ દેશ પર કાઁગ્રેસનું શાસન રહ્યું. એ શાસન દરમિયાન, બહુમતીને ભોગે લઘુમતીને આગળ કરવાનું જ ચાલ્યું અને બીજું સારું થયું હોય તો પણ, લઘુમતીનાં મતો મેળવવાનું રાજકારણ તો ભારતમાં પેધું પડ્યું જ ! એનું પરિણામ એ આવ્યું કે બહુમતીની અવમાનના વધતી જ ગઈ. મોગલોનાં શાસનમાં સારું થયું હશે, પણ હિન્દુઓને વટલાવવાનું ને મંદિરો તોડીને મસ્જિદો સ્થાપવાનું પણ થયું જ ! આ કોઈ પણ શાસક માટે ગૌરવની ઘટના ન હતી.

બાબરી મસ્જિદ તૂટી ત્યાં સુધી હિન્દુઓ માર ખાતા આવ્યા છે ને મતોનું રાજકારણ ચાલતું રહ્યું છે. મતોનું રાજકારણ ભા.જ.પ.નાં શાસનમાં પણ છે જ, પણ તેનું ટાર્ગેટ બદલાયું છે. હિન્દુત્વનો મહિમા વધ્યો છે, પણ વિધર્મીઓ મંત્રી કે રાષ્ટ્રપતિ નથી જ બન્યા તેવું નથી. આઝાદી પછી અન્ય મુસ્લિમ રાષ્ટ્રોની નજર ભારત પર રહી છે ને અહીં લઘુમતીનું રક્ષણ થાય છે કે નહીં, તેની ચોકી થતી રહી છે. એ રાષ્ટ્રો પોતાને ત્યાં લઘુમતીનું કેટલું રક્ષણ કરે છે તે દુનિયા જાણે છે. જમ્મુ-કાશ્મીર કાઁગ્રેસી શાસનમાં અલગ મુસ્લિમ રાષ્ટ્રની જેમ જ વર્ચસ્વ ભોગવતું રહ્યું. 370મી કલમ લાગુ હોવાથી અન્ય રાજ્યનો કોઈ નાગરિક કાશ્મીરમાં મિલકત વસાવીને રહી શકતો ન હતો. કાશ્મીર વિશિષ્ટ રાજ્ય હોવાનો લાભ પાકિસ્તાને લીધો ને તેણે કાશ્મીર પર કબજો મેળવવાની કોશિશ કરી જોઈ. એમાં ફાવટ ન આવી તો તેણે આતંકી પ્રવૃત્તિઓ ને હુમલાઓ વધાર્યા. પાકિસ્તાન અલગ થયું તે વખતે પણ ઓછું લોહી રેડાયું નથી. એ પછી પણ અહીં એવી માનસિકતા વર્ષો સુધી રહી, જેણે કોમી હુલ્લડોને જન્મ આપ્યો ને એમાં અનેક હિન્દુ-મુસ્લિમોનાં લોહી રેડાયાં. બંનેનું લોહી લાલ જ હતું, છતાં રેડાયું. એમાંથી કોને શું મળ્યું તેનો કોઇની પાસે જવાબ નથી. હા, કોણે શું ગુમાવ્યું તે બધાં જાણે છે. કેટલાંક વિધર્મીઓ આ દેશમાં પેઢીઓથી રહે છે, છતાં ભારતને પોતીકું રાષ્ટ્ર માનતા નથી એ દુ:ખદ છે. બીજી બાજુએ કેટલા ય મુસ્લિમો એવા પણ છે જેણે આ દેશને ગૌરવ અપાવવામાં કોઈ કસર રાખી નથી. અન્ય વિધર્મીઓને હિન્દુઓ સામે વાંધો નથી, પણ કેટલાક મુસ્લિમોને હજી હિન્દુઓ કાફર લાગે છે. તેમને તો મુસ્લિમો સિવાય બધાં જ કાફર લાગે છે ! આ સ્થિતિ માટે એમના ધાર્મિક નેતાઓ ને મૌલવીઓ જવાબદાર છે. આ દેશમાં ફરી એક વખત મુસ્લિમ શાસન સ્થાપવાની તેમની મુરાદ છે. એમને આ દેશમાં રહીને અનેક આડખીલી ઊભી કરવામાં જ રસ છે. વસ્તી નિયંત્રણમાં તેમનો કોઈ સહકાર નથી, આખા દેશમાં રસીકરણનો ઉપક્રમ ચાલતો હોય તો તેઓ સાથે નથી જોડાતા. હિન્દુ છોકરીઓને, પોતાની ઓળખ છુપાવીને પ્રેમ કે લગ્નમાં ફસાવવાનું નથી જ થતું એમ કહી શકાશે નહીં. પાકિસ્તાન જીતે તો ભારતમાં ફટાકડા ફોડનારા કોણ છે તે શોધવા દૂર જવું પડે એમ નથી. એકદમ તાજો જ દાખલો સી.ડી.એસ. બિપિન રાવત અને તેમની અધિકારી ટીમનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં કરુણ મૃત્યુ થયું તેનો છે. આખો દેશ આઘાતમાં હતો. કોઈનું મૃત્યુ થાય, ભલે તે દુશ્મનનું જ કેમ ન હોય, પણ આનંદ નથી થતો, પણ અહીંના કેટલાક મુસ્લિમોએ રાવતની મજાક ઉડાડતા મેસેજ કર્યા ને સ્માઈલીથી આનંદ પ્રગટ કર્યો. આવું એકાદ બેએ ન કર્યું, એ આંકડો હજારો પર પહોંચ્યો. પાકિસ્તાનના પૂર્વ અધિકારીએ પણ રાવત અને અન્ય અધિકારીઓનાં મૃત્યુ બદલ શોક પ્રગટ કર્યો ને એવું ઘણાં દેશોએ કર્યું, ત્યારે અહીંના કેટલાંક મુસ્લિમોએ મૃતકોની મજાક ઉડાવી ને આખી કોમને બદનામ કરી.

એનું સીધું પરિણામ એ આવ્યું કે દક્ષિણના ફિલ્મમેકર અલી અકબર અને તેમની પત્ની લ્યુસીઅમ્માએ ઇસ્લામ છોડવાનું એલાન કર્યું. અલી અકબર સી.ડી.એસ. બિપિન રાવતના મૃત્યુ પર હસવાવાળાઓથી નારાજ થયા. અલી અકબર જન્મે મુસ્લિમ છે ને કોઈ મુસ્લિમ એકાએક પોતાનો ધર્મ છોડવા ભાગ્યે જ તૈયાર થાય. આ સાહેબ સાધારણ માણસ નથી, ફિલ્મમેકર છે, તે તેમના જ ધર્મના લોકોના હસવાથી નારાજ થયા ને હિન્દુ ધર્મ સ્વીકારવાનું જાહેર કર્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે મુસ્લિમ ધર્મમાં તેમને વિશ્વાસ રહ્યો નથી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના નિધનની ખબર મીડિયામાં આવી તો ઘણાં મુસ્લિમોએ હસતાં ઇમોજી રિએક્ટ કર્યાં. એનો અર્થ એ થાય કે રાવતના નિધનથી તેઓ ખુશ છે. ઘણાં મુસ્લિમોએ આપત્તિજનક કોમેન્ટ્સ પણ કરી. આ વાતે અલી અકબર આહત થયા છે. તેમને એ વાતનો પણ વાંધો પડ્યો છે કે મુસ્લિમોની આવી હરકતનો તેમના ધર્મગુરુઓએ કોઈ વિરોધ ન કર્યો. આવું કરીને તેમણે દેશના વીરોનું અપમાન કર્યું છે. આવું ભાગ્યે જ બને કે કોઈ મુસ્લિમ તેના જ બિરદારોથી આટલો નારાજ થાય ! આમ તો જન્મથી મળેલો ધર્મ છોડવાનું કોઈને ગમતું હોતું નથી, છતાં અલી અકબર એ છોડવા તૈયાર થયા તેના પરથી તેઓ કેટલા દુ:ખી થયા હશે તે સમજી શકાય એવું છે. અન્ય કિસ્સાઓમાં પણ કેટલાંક મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યાની વાત છે. એ એમનો નિર્ણય છે, પણ એ પણ છે કે બધા જ મુસ્લિમોથી નારાજ થઈ શકાય નહીં.

આમ તો મસ્જિદ પર માઇક મૂકીને અજાન પઢવામાં ઘણાને ધ્વનિ પ્રદૂષણ લાગે છે. એ, એ રીતે સાચું છે કે બધા જ ધર્મવાળા માઇક પરથી એક સાથે સૂત્રો પોકારવા લાગે તો કાન કોતરાય તેમાં નવાઈ નથી. એનો ઈલાજ કેટલાક ધાર્મિકોએ એમ શોધ્યો કે ત્યાં અજાન થાય તો આપણે પણ માઇક પરથી હનુમાન ચાલીસા મૂકો. હવે આ કૈં ઉકેલ નથી. જો માઈકથી પ્રદૂષણ થતું હોય તો બીજું માઇક ચાલુ થાય તો પ્રદૂષણ વધે કે ઘટે? પણ અહીં ઈલાજ કરતા રોગને વકરાવવાનું વધારે મનમાં છે. જો કે જલપાઈગુડીના એક મસ્જિદના ઈમામ નજીમુલ હકે એટલું કર્યું કે તેણે અજાન પઢવાનું માઇક પરથી બંધ કરાવ્યું. તે એટલે કે માઈકના અવાજથી નજીકની શાળાના વિદ્યાર્થીઓના ભણતરમાં વિક્ષેપ પડતો હતો. એટલે આવું પણ છે. બધાં જ અહીનું ખાઈને અહીં જ ખોદે છે એવું નથી.

આમ તો ધર્મ અંગત બાબત છે, પણ આપણને તેના જાહેર પ્રદર્શન કે દેખાડાઓ વગર ચાલતું નથી. સંસારીઓના વરઘોડા ઓછા છે તે સાધુઓના પણ નીકળે છે ! હરિયાણાના મુખ્ય મંત્રીએ જાહેરમાં નમાજ પઢવા પર રોક લગાવી છે, તેને બિહારના ભા.જ.પ.ના ધારાસભ્યે સમર્થન આપતાં બિહારમાં ય લાગુ કરવાની વાત કરતાં ઉમેર્યું કે જાહેરમાં નમાજ પઢવાને કારણે ટ્રાફિક રોકાય છે. મુસ્લિમો જાહેરમાં નમાજ પઢતાં હશે, પણ ચાલુ ટ્રાફિકે પઢતાં હશે એ વાત ગળે ઊતરે એમ નથી. ખરેખર તો તમામ ધર્મના તમામ ધાર્મિક ઉપક્રમો જાહેર પ્રદર્શનથી મુક્ત રાખવા જોઈએ, પણ એવું થતું નથી. એવે વખતે એકને છૂટ ને બીજાને બંધી કરવા જતાં કચવાટ જ પેદા થાય એમાં શંકા નથી.

કેટલાક વિધર્મીઓ કટ્ટરવાદી ગણાયા છે. એની વટાળ પ્રવૃત્તિ કે ધાર્મિક ઝનૂનની હિન્દુઓ આજ સુધી ટીકા કરતા આવ્યાં છે. એ ઝનૂન હવે હિન્દુઓ પાળી રહ્યા હોય એવું તો નથીને? એટલું છે કે આપણે અનેક કોમ, ધર્મના લોકો સાથે નોકરી-ધંધાથી જોડાયેલા છીએ. કબીર, રહીમ, રસખાન ને બીજા ઘણાં કવિઓએ રામની ભક્તિ ગાઈ છે. કેટલા ય મંદિરોના પૂજારીઓ મુસ્લિમો છે. અયોધ્યા રામમંદિરમાં મુસ્લિમ રામભક્તો ભૂમિપૂજનમાં જોડાયા હતા. ફાફડા-જલેબી ખાતી વખતે એ યાદ નથી રહેતું કે જલેબી કોની મીઠાઇ છે? કોલ્ડ ડ્રિંક્સની હોટેલો, હાઇવે પરની હિન્દુ નામ ધરાવતી હોટેલોમાં નાસ્તો કર્યો છે, એમાંની બધી હિન્દુ હોટેલો છે? હવે એ હોટેલોનો બહિષ્કાર કરવાનું જ્ઞાન અપાય છે. મુસ્લિમ કંપનીઓની વસ્તુઓ ન ખરીદવાનું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. કોઈને ન ગમે તો ન જાય, પણ ત્યાં ન જવાનું ભણાવવામાં આવે તે ઠીક નથી. બીજી તરફ મુસ્લિમો પણ લારીઓ પર વસ્તુઓ વેચે છે ત્યારે તેને ભ્રષ્ટ કરીને વેચે છે કે હિન્દુ મહિલાઓને કાવતરાનો ભોગ બનાવવાની રીતે જોવાય એ અક્ષમ્ય છે. કોઈને કોઈનાં વગર ચાલવાનું નથી, તો આટલું ઝેર કોઇના હિતમાં નથી. કોઈ અન્ય ધર્મી પ્રજામાં આટલો ભેદ નથી, તો આ બે કોમ સાથે રહે તો કોને હાનિ પહોંચે તે સમજાતું નથી.

હિન્દુ હોવાનું એ રીતે પણ ગૌરવ લેવાતું આવ્યું છે કે હિન્દુ ધર્મ જેવો ખુલ્લો બીજો ધર્મ નથી ને હિન્દુઓ જેવી બીજી સહિષ્ણુ પ્રજા નથી. પણ આ પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે. આપણે ધર્મ પ્રીતિ માટે નહીં, પણ બીજાને બતાવી દેવા વધુ ધર્મ પ્રચાર, વધુ મંદિરો ને વધુ ઉત્સવોની હિમાયત કરતા થયા છીએ. આ કુદરતી નથી. કોઈ સ્વેચ્છાએ સંધ્યાપૂજા કરે કે માળા ફેરવે તેનો તો શો વાંધો હોય, પણ એની ફરજ પડે તેવી સ્થિતિ ઊભી કરવાનું બરાબર નથી. એ તો બીજાની દેખાદેખીથી વિશેષ કૈં નથી. ત્યાં પાંચ નમાજ પઢે છે એટલે આપણે પણ પૂજન અર્ચન કરવું જ જોઈએ એવો આગ્રહ ધર્મને સીમિત કરે છે. જે જન્મે હિન્દુ છે તે પરાણે પૂજા કરે તો જ હિન્દુ રહે એવું નથી. હિન્દુ ધર્મની વ્યાપકતા તેનાં ખુલ્લાપણામાં ને સહિષ્ણુતામાં છે. અતિ ધાર્મિકતાને રવાડે ચડાવીને આપણા કહેવાતા સાધુઓએ આશ્રમોમાં જે અનાચાર કર્યા છે તે જગજાહેર છે. એનું પુનરાવર્તન થાય તો જ હિન્દુ ધર્મ બચે એવું નથી. ધર્મ પાળવાનું નાટક કરીને કોઈ હિન્દુ મટે એના કરતાં પારદર્શી રહીને કોઈ હિન્દુ રહે એ વધારે ઇચ્છનીય છે. આપણે કોઈને બતાવવા કૈં કરવાની જરૂર નથી.

એ પણ સમજી લઇએ કે આ દેશ અનેક ધર્મ, જાતિ, કોમમાં વહેંચાયેલો છે. કોઈ દેશમાં આટલી જાતિ ને આટલા ધર્મ કે સંપ્રદાયો નથી. એક જ ઈશ્વરને માનનારા જુદી જુદી પરંપરા અને વૈવિધ્યને માને છે. એને કારણે આપણામાં એકતા નથી એવું પણ મનાય છે, પણ એ સાચું નથી. આ એકતા વૈવિધ્યપૂર્ણ છે એટલે બધાં એક ન લાગે, પણ એ વૈવિધ્યને કારણે જ અનેક સંપ્રદાયો ટકેલા છે તે ભૂલવા જેવું નથી. દરેકની પોતાનામાં આસ્થા છે. એ કોઈ પણ દબાણ વગર છે એ મહત્ત્વનું છે. હવે બધાં હિન્દુઓ એક છે એવું બતાવવામાં ફરજિયાત વિધિવિધાન પેલી વિવિધતાને ખતમ કરશે ને સરવાળે નુકસાન તો ધર્મને જ થશે. કોઈ પણ પ્રજા આટલાં વિદેશી આક્રમણો પછી તો ખતમ થઈ જાય, પણ નથી થઈ, તે પેલી વિવિધતામાં રહેલી એકતાને કારણે. એને બીજાને બતાવી આપવા ખતમ ન કરીએ. જો મુસ્લિમોની કટ્ટરતાનો વાંધો હોય તો હિન્દુઓની કટ્ટરતા પણ પરિણામ તો એ જ આપશે જે એણે આપ્યું છે. એટલું સ્પષ્ટ છે કે કોઈ પણ ધાર્મિક કટ્ટરતા ધર્મને તો ઉપકારક નથી જ ! વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ડિસેમ્બર 2021

Loading

સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 December 2021

જે દિવસે, ૩૦મી ઓકટોબરે, ભારતીય મૂળના, ૩૭ વર્ષીય, અમેરિકન પરાગ અગ્રવાલની, માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સી.ઈ.ઓ.) નિમણૂક થયાના સમાચાર આવ્યા, તે જ દિવસે લોકસભામાં કેન્દ્ર સરકારે માહિતી આપી કે છેલ્લાં પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ તેમનું નાગરિકત્વ ત્યજી દીધું છે. વિદેશી બાબતોના મંત્રાલયે એક લેખિત જવાબમાં કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૧માં એક લાખથી વધુ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું હતું. મંત્રાલયે કહ્યું કે 1,33,83,718 ભારતીયો વિદેશોમાં વસે છે.

એક જ દિવસનો આ યોગાનુયોગ હોઈ શકે, પરંતુ બંને સમાચારોમાં એક બાબત સામાન્ય છે કે જેમનામાં ક્ષમતા છે તેવા ભારતીવાસીઓ ઉજળા ભવિષ્ય માટે વિદેશને પસંદ કરે છે, અને પરાગ અગ્રવાલ એવા ભારતીયોની સોચની સાબિતી પૂરી પાડે છે.

પરાગની નિમણૂંકની જાહેરાત થઇ, તેના ગણતરીના કલાકોમાં ટ્વિટર એક મીમ વાઈરલ થયું હતું; તેમાં એક મધ્યમ વર્ગના ઘરની સ્ત્રી એક હાથમાં ચપ્પલ લઈને બીજા હાથે તેના બેરોજગાર દીકરાના વાળ પકડીને ગરજી રહી હતી, "ઉધર અગ્રવાલજી કા બેટા ટ્વિટર સી.ઈ.ઓ. બન ગયા, ઔર તુ બસ ડેઈલી ટ્વિટર પે બોયકોટ ધીસ ધેટ વાલા ટ્રેન્ડ ચલાતા હૈ."

ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે, ત્યારે અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે, તેની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી.

બેંગલોર સ્થિત ફાયનાન્સિયલ ટેકનોલોજી સ્ટાર્ટ-અપ કંપની 'ક્રિડ'ના સી.ઈ.ઓ. કુણાલ શાહે પરાગના સમાચાર પર ટ્વીટ કરતાં લખ્યું હતું, "ગૂગલ, માઈક્રોસોફ્ટ, અડોબ, આઈ.બી.એમ., પાલો, અલ્ટો નેટવર્ક અને હવે ટ્વિટરનું સંચાલન ભારતીય મૂળની વ્યક્તિના હાથમાં હશે. આપણે એક તરફ વૈશ્વિક ટેક કંપનીઓમાં કેવી રીતે ભારતીયો સી.ઈ.ઓ. બની રહ્યા છે. તેની ખુશી મનાવી રહ્યા છીએ, ત્યારે બીજી તરફ ભારતીયો તરીકે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા શ્રેષ્ઠ લોકો શા માટે દેશ છોડી જાય છે, અને એ લોકો અહીં જ રહેવાનું પસંદ કરશે. જે દેશની ઉત્તમ પ્રતિભા બહાર જતી હોય, તે દેશ કેવી રીતે મોટી સફળતા મેળવશે?"

છેલ્લા ઘણા સમયથી ભારતીય મૂળના લોકો વૈશ્વિક કંપનીઓમાં સી.ઈ.ઓ. બની રહ્યા છે તેના સંદર્ભમાં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાના ચેરમન આનંદ મહેન્દ્રાએ રમૂજમાં, પણ આ જ વાત કરી હતી; "આપણને આ એક મહામારીનું ગૌરવ છે, જે ભારતમાંથી શરૂ થઇ છે. તેને ઇન્ડિયન સી.ઈ.ઓ. વાઇરસ કહે છે … તેની સામે કોઈ વેક્સિન બની નથી."

આનંદ મહેન્દ્રાએ ભલે મજાકમાં તેને મહામારી કહ્યું હોય, પરંતુ ભારતની આઝાદી પહેલાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લંડન જવાનું ચલણ હતું અને આઝાદી પછી ઘણા પ્રતિભાશાળી ભારતીય ડોકટરો અને એન્જિનિયરો ઉત્તમ જીવન-કારકિર્દીની તલાશમાં લંડન, યુરોપ અને પાછળથી અમેરિકા ઉપડી જતા હતા. તેના માટે બ્રેઈન ડ્રેઈન શબ્દ હતો. એ જાણે એક બીમારી હતી. આજે પણ એક ઉચ્ચ મધ્યમ વર્ગનાં ગુજરાતી છોકરા-છોકરીઓ લંડન, ન્યુયોર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જતા રહેવાનાં સપનાં સેવતાં હોય છે.

"સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા" એવું વર્ષમાં એકાદ બે પ્રસંગોએ બોલી લેવાથી દેશભક્તિનું સાર્વજનિક કેથાર્સિસ થઇ જાય એટલું જ, બાકી મોટા ભાગના લોકો પહેલી ફ્લાઈટ પકડીને ન્યુયોર્ક જતા રહેવાની ફિરાકમાં હોય છે. તેમને ખબર છે કે ત્યાં તેમની મહેનત અને આવડતની કદર વધુ થાય છે. આવી ફિરાક સાધારણ લોકોને જ છે એવું નથી. ભણેલા-ગણેલા અને સાધન-સંપન્ન ભારતીયો પણ બહેતર ભવિષ્ય માટે પરદેશી બનવા તત્પર છે.

હેન્લે એન્ડ પાર્ટનર્સ નામની વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મનો તાજેતરનો એક સર્વે કહે છે કે અગાઉ કરતાં પણ વધુ સંખ્યામાં હાઈ નેટ-વર્થવાળા ભારતીયો બીજા દેશમાં ઘર વસાવી રહ્યા છે. એ લોકો ઇન્વેસ્ટમેન્ટનાં નામે વિદેશમાં ઘર ખરીદી રહ્યા છે. સર્વે કહે છે કે ૨૦૨૦માં કોવિડની મહામારીમાં સરહદો બંધ હતી, ત્યારે પણ તેમની પાસે વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની પૂછતાછમાં ૬૨ ટકાનો વધારો થયો હતો.

આ જ સર્વેના ભાગ રૂપે જારી થયેલા ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટના ડેટા પ્રમાણે, ૨૦૧૯માં ભારતના હાઈ નેટ-વર્થ વ્યક્તિઓમાંથી ૭ ટકા, એટલે કે ૭,૦૦૦ લોકો વધુ ઉત્તમ જીવનની શોધમાં દેશ છોડી ગયા હતા. એ જ વર્ષે, ચીનમાંથી ૧૬,૦૦૦ અને રશિયામાંથી ૫,૫૦૦ અમીરો વિદેશમાં સ્થાયી થઇ ગયા હતા.

આઝાદી પછી ઘણા સમય સુધી વિદેશ જવું સામાજિક ગૌરવની નિશાની હતું. મોટા ભાગનાં સંતાનો અને પેરન્ટસનું એ સ્વપ્ન રહેતું હતું, કારણ કે ભારત એ જીવન અને કારકિર્દી આપી શકતું ન હતું, જે બીજા દેશો આપી શકતા ન હતા, પરંતુ ૧૯૯૧ના ઉદારીકરણ પછી આપણે દુનિયાનું જે પણ શ્રેષ્ઠ છે તેને ભારતમાં આવકાર આપ્યો છે છતાં, બ્રેઈન ડ્રેઇનમાં રુકાવટ નથી આવી, તે એક વિચારવા જેવો મુદ્દો છે.

જાહેરમાં કોઈ એકરાર કરે કે ન કરે, ઘરની ચાર દીવાલોમાં બધાં એકબીજાને કહેતાં હોય છે કે, “આના કરતાં તો ફોરેન જતા રહેવું જોઈએ.” આપણા સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણની આ કરુણ વાસ્તવિકતા છે કે ભારતના એક સામાન્ય નાગરિકથી લઈને એક અમીર બિઝનેસમેનને વિદેશની ભૂમિ પર જે સુખ-સુવિધા અને શાંતિ દેખાય છે, તે ભારતમાં નજર નથી આવતી.

એક આંકડા પ્રમાણે, ૧૯૯૯માં અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોની સંખ્યા ૧,૩૭,૨૩૦ હતી, જે ૨૦૧૫માં ૪,૪૫,૨૮૧ થઇ ગઈ હતી, મતલબ તેમાં ૨૨૫ ગણો વધારો થયો હતો. ૨૦૦૯ પછીથી અમેરિકા જવામાં તેજી આવી છે. અમેરિકાની ટેક રાજધાની સિલિકોનવેલીમાં તો જોક પણ છે કે ત્યાં સુધી વધુ હિન્દી અને તેલુગુ ભાષા બોલાય છે.

ભારતની પ્રતિભાઓ અમેરિકામાં નામ અને દામ કમાઈ રહી છે તે વાતને લઈને ભલે આપણે કોલર ઊંચા કરીએ, પણ ભારત દેશ તેમની કિંમત નથી કરી શકતો એ પણ એ જ સિક્કાની બીજી બાજુ છે. પરાગ અગ્રવાલની ટ્વિટરમ નિમણૂંક થઇ, ત્યારે એક બીજું મીમ પણ વાઈરલ થયું હતું : તેમાં આઈ.બી.એમ.ના ચેરમેન-સી.ઈ.ઓ. અરવિંદ ક્રિશ્ના, માઈક્રોસોફ્ટના ચેરમેન-સી.ઈ.ઓ. સત્યા નંડેલા અને ગૂગલના સી.ઈ.ઓ. સુંદર પિચાઈની તસ્વીરો સાથે લખેલું હતું, “પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા અમેરિકા.” (મૂળ આ ભારત સરકારનું સર્વશિક્ષા અભિયાનનું સૂત્ર હતું; પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા)

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6681,6691,6701,671...1,6801,6901,700...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved