Opinion Magazine
Number of visits: 9570942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈશ્વિક સ્તરે સર્વોદયની હાજરી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|17 January 2022

‘સર્વોદય’ શબ્દ, ભલા, આવ્યો ક્યાંથી ?

વિકિપીડિયા અનુસાર, ‘સર્વોદય’ શબ્દ મહાત્મા ગાંધી દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો. એનો અર્થ 'દરેકના જીવનની દરેક બાબતની સંપૂર્ણ પ્રગતિ થાય' તેવો છે. ગાંધીના મતે આદર્શ સમાજ કે આદર્શ રાજ્યનું અંતિમ ધ્યેય 'સર્વોદય' છે. જૉન રસ્કિનનું 'અન્‌ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચીને ગાંધીજીએ 'અંત્યોદય'નો ખ્યાલ આપ્યો હતો. આગળ જતાં અંત્યોદયને બદલે 'સર્વોદય' શબ્દ પ્રયોજાયો.

રસ્કિનના ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ને આધારે મો.ક. ગાંધીએ ‘સર્વોદય’ નામે નાની સરખી ચોપડી આપી છે. નવજીવન દ્વારા 1922માં તેની પહેલી આવૃત્તિ થઈ. એ પહેલાં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં આ લખાણ લેવાયું હોય, તેમ બને. ચોપડીની પ્રસ્તાવનામાં, લેખક કહે છે : ‘પશ્ચિમ દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે વધારે માણસોનું(મૅજોરિટી)નું સુખ – તેઓનો ઉદય – એ વધારવાનું માણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું સુખ, એવો અર્થ કરવામાં આવે છે. એવું સુખ મેળવવામાં નીતિના નિયમોનો ભંગ થાય તેની ખાસ દરકાર કરવામાં આવતી નથી. તેમ જ વધારે માણસોનું સુખ જાળવવું એવો હેતુ રાખ્યો છે, તેથી જો થોડાને દુ:ખ દઈને વધારેને સુખ અપાય તો તેમ કરવામાં હરકત છે એમ પશ્ચિમના લોકો માનતા નથી. એવું માનતા નથી તેનું પરિણામ આપણે પશ્ચિમના બધા મુલકોમાં જોઈએ છીએ.’

ઑગસ્ટ – ડિસેમ્બર 1860ના અરસામાં જ્હોન રસ્કિને ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ નામક નિબંધો ‘કૉર્નહિલ મેગેઝિન’માં પ્રકાશિત કર્યા. બધુ મળીને એ કુલ ચાર લેખો હતા. પ્રગટ થતા આ લેખો સામે તે દિવસોમાં વાચકોએ ભારે વિરોધ નોંધાવેલો. આમ જોવા જઈએ તો તે ભારે ઊહાપોહ હતો. પરંતુ રસ્કિને તે વિશે ધ્યાન આપ્યા વિના, મે 1862માં તેને પુસ્તકાકારે પ્રગટ કર્યું. ચિત્તરંજન વોરા સરીખા અભ્યાસી કહે છે તેમ રસ્કિને આ ભાતીગળ પુસ્તકમાં ‘અર્થશાસ્ત્ર સંબંધી એક જીવનકલાનો અભિગમ રજૂ’ કરેલો છે. સત્ય-અહિંસાના સર્વોત્તમ પૂજારી, મો.ક. ગાંધીનું ઘડતર કરવામાં આ પુસ્તકનું ભારે મોટું પ્રદાન છે.

છેવાડાની વાત સમજવા સારુ, જોન રસ્કિનકૃત ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ વાટે, બાઈબલનો સંદર્ભ પણ સમજવો જોઈશે. ઈસુ શિષ્યોને કહે છે કે ઈશ્વરનું રાજ્ય દ્રાક્ષની વાડીની વાર્તા માંહેના એક દ્રષ્ટાન્ત જેવું છે. અને આ ગ્રંથને ગુજરાતીમાં ઉતારનાર ચિત્તરંજન વોરા લખે છે, તેમ આ રસ્કિનકૃત ચોપડીના મથાળાનો ગુજરાતીમાં અર્થ પૂરેપૂરો રજૂ કરવો હોય તો લખવું જોઈએ કે ‘વેતનમાં ન્યાય પામવાનો હક્ક જેટલો પહેલાનો છે, તેટલો જ છેલ્લાનો પણ છે.’

‘હિંદ સ્વરાજ’ને ગાંધીનો મેનિફૅસ્ટો ગણાવતા જાણીતા વિચારક-લેખક-સંપાદક તેમ જ કર્મઠ કર્મશીલ કાન્તિભાઈ શાહે ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન પુસ્તકમાં લખ્યું છે તે ધ્યાનાર્હ છે :

‘તેવામાં 1904માં એક મોટા સીમાચિહ્ન રૂપ ઘટના બની, જેણે ગાંધીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો. ગાંધીની વય ત્યારે 35 વરસની. એકાદ વરસથી એમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું. તે ડરબનથી નીકળતું. આ છાપાના કામ માટે ગાંધીને એક વાર જોહાનિસબર્ગથી ડરબન જવાનું થયું. ચોવીસ કલાકની ટેૃનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજ મિત્ર મિ. હેન્‌રી પોલાક સ્ટેશને મૂકવા આવેલા. “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય એવું છે. તે વાંચી જજો. તમને ગમશે.” − એમ કહી એક પુસ્તક એમણે ગાંધીના હાથમાં મૂક્યું.

‘ટેૃન ચાલી. ગાંધીએ પુસ્તક હાથમાં લીધું. એમના જ શબ્દોમાં : “આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. ટેૃન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. મેં પુસ્તકમાં સૂચવેલા વિચારો મૂકવાનો ઇરાદો કર્યો.”’

‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’

માર્ચ ૧૯૦૪માં જ્યારે ગાંધીએ રસ્કિનનું પુસ્તક 'અન્‌ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચ્યું, ત્યારે તેના વિશે એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે : "આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઇરાદો કર્યો.”

રસ્કિનના આ પુસ્તકમાંથી ગાંધીને નવા દર્શનની પ્રેરણા મળી. આ પુસ્તકના સારરૂપ સર્વોદયના મુખ્ય સિદ્ધાંતો એમણે આ મુજબ સમજાવ્યા છે :

સર્વની ભલાઈમાં આપણી ભલાઈ છે.

વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ કેમ કે સ્વરોજગારી માટે દરેકને એકસરખો અધિકાર મળવો જોઈએ.

સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.

સર્વોદયનો સિદ્ધાંત એવા વર્ગ, જાતિવિહીન અને શોષણવિહીન સમાજની સ્થાપના કરવા ચાહે છે કે જેમાં દરેક વ્યક્તિ અને સમૂહને, દરેકને પોતાનો સર્વાંગી વિકાસ કરવાનો મોકો મળે. અને એમાં પણ ગરીબોનું સ્થાન વિશેષ છે. ગાંધીએ લખ્યું છે કે મારા સ્વરાજ્યનું સ્વપ્ન એ ગરીબોનું સ્વરાજ્ય છે.

પ્રાધ્યાપક એમ.એલ. દાંતવાલા લખે છે, ‘ગાંધીજીએ ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ વાંચ્યા પછી અનુભવ્યું તે, એમણે લખ્યું : “આ પુસ્તકના આદર્શ મુજબ મારું જીવન બદલવાનો મેં નિશ્ચય કર્યો … જે થોડાં પુસ્તકો મેં વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય તેવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ … (આત્મકથા, પાન 272) વળી અન્યત્ર એમણે કહ્યું છે : ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ એ શબ્દોમાં જે આશય છે તેને હું વળગી રહું છું … ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’માં કહેલા સિદ્ધાન્ત પાળવાનું ને તેનો અમલ કરવાનું ખાસ જરૂરી છે, એમ હું માનું છું. તે સિવાય માણસ જાતિ તેના બંધુતા અને સમાનતાનાં ધ્યેયને જીવનમાં ઉતારી શકે નહીં અને આગળ વધી શકે નહીં.”(‘હરિજન, 25 ઑગસ્ટ 1946, પાન 281)

બાઇબલમાં સંત મેથ્યુને નામ એક કંડીકા છે. તે સરસ છે. ચિત્તરંજનભાઈએ તેનું રોચક ગુજરાતી કર્યું છે :

‘ભલા માણસ, હું તને તો કંઈ અન્યાય કરતો નથી,
તેં શું મારી સાથે મહેનતાણાની એક પેની કબૂલી ન હતી ?
તો પછી જેટલું તારું થાય છે તેટલું લઈને તો તારે રસ્તે પડ.
હું તો જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપીશ …’

આમ અહીં છેવાડાના માણસની વાત આવી … ગાંધીએ તદાનુસાર પોતાનું જીવન બદલવાનું રાખ્યું. ‘ઇન્ડિયન ઑપીનિયન’ના સંચાલનમાં ય તેને દાખલ કર્યું. તે સમયે આ જબ્બર ક્રાન્તિકારી પગલું લેખાયું. ડરબન પાસેની ફિનિક્સ વસાહતમાં પણ તે પ્રકારના વિચારને આચરણમાં લાવવામાં આવ્યું. ‘ઇન્ડિયન ઑપીનિયન’માં કામ કરનાર દરેકને વળતર તરીકે એક સરખું વેતન આપવાનું દાખલ થયું. ફિનિક્સ વસાહતમાંના વસવાટીને ય તદાનુસાર વળતર ચૂકવાતું. અને આ પ્રયોગ લાંબા અરસા સુધી કાયમ રહ્યો. જ્હોનિસબર્ગ પાસેની તોસ્લસ્તોય વાડીમાં ય આ પ્રયોગ દાખલ કરાયો હતો.

ગાંધી 1914માં દક્ષિણ આફ્રિકા છોડીને 1915ના આરંભે હિંદ પાછા ફર્યા હતા. તે પછી લાંબા અરસા સુધી તેનું ચલણ ચાલુ હતું. પરંતુ, હવે કદાચ સાપ ગયા અને લિસોટા રહ્યા …

રસ્કિન દીધા છેવાડાના માણસને ધ્યાનમાં લેવાની વાત, કે પછી ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’-નો નાદ  ગજવનાર ટૉલ્સ્ટૉયની વાત કે વળી ગાંધીએ પ્રબોધેલા સર્વોદયની વાત જગતમાં, ભલા, કેટલે નભી હશે ? માર્ક્સવાદ તેમ જ સમાજવાદની અસર ચોમેર વર્તાવા લાગી તેમાં નીચલા સ્તરના સમાજને આવરી લેવાની વાત જરૂર છે, પણ તે બાબત સર્વોદય બનતી નથી. પશ્ચિમના કંઈકેટલા મુલકોમાં ‘કલ્યાણરાજ’ની કલમો રાજ કરતી ભાળીએ તેમાં ય આ સર્વોદય દેખા દેતો નથી. હા, છેવાડાના માણસની વાત નજર અંદાજ કરાઈ નથી, તેમ જરૂર વર્તાય.

આ પરિસ્થિતિ તપાસી લેવી રહી. પૂછીએ, જાણીએ કે અહીં ક્યાં ય સર્વોદયની ભાળ મળે છે કે ? તેની હાજરી વર્તાય છે કે ?

ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકે, ફિનિક્સ આશ્રમમાં, સર્વોદયની પ્રયોગભૂમિ સંવારવામાં હતા તે દિવસોમાં રશિયામાં લેનિન અને તેના સાથીદારો માર્ક્સ દીધા સામ્યવાદનો પરચમ લહેરાવવામાં વ્યસ્ત હતા. એમના એ આંદોલનમાં ગરીબ માણસની વાત કેન્દ્રસ્થ રહી. 1917માં ત્યાં સામ્યવાદ સ્થપાયો. ચોપાસ વિસ્તર્યો. તેમાં છેવાડાના માણસને જોડ્યો જરૂર હતો, પરંતુ તેમાં રસ્કિન, ગાંધી દીધા સર્વોદયની લગીરે ઝાંખી સુદ્ધાં નહોતી. આ સામ્યવાદના બીજાત્રીજા અવતાર ચીન સમેત કેટલેક ઠેકાણે જોવા મળ્યા છે. પરંતુ તેમાં હિંસાનું આચરણ જોડાયું. શાસકે શાસનને સારુ કોઈ પણ માર્ગ અપનાવવાના રાખ્યા છે. હવે તો રશિયામાં ય સામ્યવાદી શાસન નથી પણ તેના લિસોટા વર્તાય છે.

સામાન્ય માણસની વાતને લઈને પશ્ચિમ યુરોપમાં સમાજવાદની અસર વધવા માંડી, અને તેમના પ્રચાર અને પ્રભાવ હેઠળ ક્યાંક કલ્યાણરાજની ગોઠવણ પણ થઈ. સામાન્ય લોકોની સગવડ કેટલેક અંશે સચવાતી લાગે પણ આ આખું તંત્ર ખર્ચાળ બની બેઠું. વરસેવરસે શાસકો તેમાં કાપ મૂકતા ગયા છે. પરંતુ આમાં પણ ક્યાં ય સર્વોદયની હાજરી વર્તાઈ જાણી નથી.

જેમ સામ્યવાદ નિષ્ફળ રહ્યો છે તેમ મૂડીવાદ પણ નિષ્ફળ રહ્યો છે. ગાંધી દીધા હિંદ સ્વરાજને આધારે તેમ જ આ સર્વોદયના પ્રયોગને આ જગતે જોવો બાકી છે. કમભાગ્યે અત્યારે તો આ સઘળું આ વ્યવહારલક્ષી જગતને ચોક કલ્પનામંડિત રાજ્યવ્યવસ્થાથી વિશેષ કંઈ પણ હોય તેમ અનુભવાતું નથી.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

હેરૉ, 26 જૂન 2021 – 21 જુલાઈ 2021

પ્રગટ : “કોડિયું” ‘સર્વોદય’ વિશેષાંક, જાન્યુઆરી 2022; પૃ.  345-347

Loading

મેડિકલ સાયન્સ, એનિમલ ટેસ્ટિંગ, જિનેટિક્સ અને માણસના લોભનાં પેચીદાં સમીકરણો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 January 2022

છેલ્લાં ઘણાં વર્ષોથી મેડિકલ રિસર્ચને મામલે ડુક્કરોનો બહોળો ઉપયોગ થાય છે. આપણને ગમે કે ન ગમે, વાસ્તવિકતા એ છે કે માણસ પોતાનો જીવ બચાવવા કોઇ પણ હદે જઇ શકે છે

ગયા અઠવાડિયે યુ.એસ.એ.ના ડેવિડ બેનેટની તસવીરો અને તેને લગતા સમાચાર પર લોકોએ રસ-નજર રાખી. તેના શરીરમાં જીનેટિકલી મૉડિફાઇડ ડુક્કરનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. બેનેટના સ્વાસ્થ્યની અપડેટ અંગે મેડિકલ સાયન્સ ઉપરાંત આમ લોકોને પણ ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. હાલમાં તેની સ્થિતિ પર USAના ડૉક્ટર્સ બહુ નજીકથી નજર રાખી રહ્યા છે. આ તો ૨૦૨૨ની વાત છે. પણ ૧૯૯૭માં બે સર્જનને એક ભારતીય દરદી પર આવો જ અખતરો કરવા બદલ જેલની સજા થઇ હતી. એ કિસ્સાની વિગતો ફરી ક્યારેક. જો કે અહીં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત નહોતી છતાં ય એક સમયે જે અખતરો હતો તે આજે વિજ્ઞાનનો એક લગભગ સફળ પ્રયોગ બની ચૂક્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો આ સર્જરીનું પરિણામ સ્થિર અને સફળ રહ્યું, તો માનવ અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવાને મામલે જે અછત વેઠવી પડે છે તેમાં બહુ મોટો ફાયદો થશે.

મૂળે જે ડુક્કરને જોઇને આપણાં ભવાં ચઢે, સૂગ ચઢે તેમનાં અવયવો જો માણસના શરીરમાં યોગ્ય કામ આપશે, તો માણસને તેનો ય વાંધો નહીં હોય. આપણે પ્રાણીઓ પર થતાં પ્રયોગોની જાતભાતની વાતો સાંભળી છે. એક રિપોર્ટ અનુસાર માણસોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને મામલે ડુક્કરોની ઉમેદવારી મજબૂત બની રહી છે. મનુષ્ય અને ડુક્કરનાં અંગોમાં ઘણી સમાનતા હોય છે અને ડુક્કરનાં અવયવો તથા જનીન જિનેટિક એન્જિનિયરિંગને વધારે સારો પ્રતિભાવ આપે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી મેડિકલ રિસર્ચને મામલે ડુક્કરોનો બહોળો ઉપયોગ થાય છે. આપણને ગમે કે ન ગમે વાસ્તવિકતા એ છે કે માણસ પોતાનો જીવ બચાવવા કોઇ પણ હદે જઇ શકે છે – હા આ વિજ્ઞાનના વિકાસની વાત પણ છે અને તેને કોઇ નકારતું પણ નથી. પરંતુ પ્રાણીઓને ‘ગ્રાન્ટેડ’ લેવામાં માણસ જાતનું રૂંવાડું પણ ફરકે તેમ નથી. પ્રાણીઓનાં અંગોનો માણસના શરીર માટે ઉપયોગ કરવાના વિજ્ઞાનને ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન કહે છે. વિશેષજ્ઞો ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન તરફ વળ્યાં છે કારણ કે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માણસનાં જ અંગો મળવાં મુશ્કેલ બને છે. જેમ કે ભારતમાં વર્ષે અંદાજે ૩૦ હજાર દરદીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની અનિવાર્યતા હોય છે પણ માંડ ૧,૫૦૦ જેટલાને લીવર મળી શકે છે. વર્ષે ૫૦ હજાર હાર્ટ ફેલનો શિકાર બને છે પણ છતાં ય વર્ષે માંડ ૧૦-૧૫ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પાર પડે છે. માણસના શરીરમાં કંઇ પણ બીજું જાય જેને અંગ્રેજીમાં ફોરેન બૉડી કહેવાય તો તેને અનુકૂલન સાધતાં સમય લાગે પણ ઝેનોટ્રાન્સપ્લાન્ટેશનમાં તબીબી વિશેષજ્ઞો પાસે જનીન તંત્રમાં ફેરફાર કરવાની શક્યતાઓ બચે છે.

માણસો પોતાની જાત બચાવવા માટે પ્રાણીઓ પર આધાર રાખતાં આવ્યાં છે. ૮૦નાં દાયકા સુધી ટાઇપ I ડાયાબિટીસના દરદીઓનાં શરીરમાં બ્લડ ગ્લૂકોઝ લેવલ પ્રમાણમાં રાખવા  પ્રાણીઓના ઇન્સ્યુલિનનો આધાર લેવાતો હતો. હાલમાં તો માણસનું ઇન્સ્યુલિન પણ બજારમાં મળે છે પણ તે ઉપરાંત ડુક્કર અને ગાયના પેનક્રિયાઝમાંથી હોર્મોન લઇને માણસો માટે ઇન્સ્યુલિન બનતું આવ્યું છે. ડુક્કરમાં ઇન્સ્યુલિન બનાવતા ઇસ્લેટ સેલ્સને જો માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તો ઇન્સ્યુલિન શોટ્સની જરૂરિયાત ઘટે જેની પર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

માણસોનો સ્વાર્થ સાધવા પ્રાણીઓ પર થતાં પ્રયોગો જૂની વાત છે. પરંતુ તે માટે પ્રાણીઓ સાથે થતી ક્રૂરતા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જેમ કે બીગલ બ્રીડનાં કૂતરાં પર થતાં પ્રયોગો એવા આકરા હોય છે કે ઘરડાં થયાં પછી લેબમાંથી છૂટેલાં બીગલ્સમાં ડરની લાગણી વણાયેલી હોય છે. આજ કાલ આવા છોડાવાયેલા બીગલ્સ જેની ફ્રીગલ્સ કહે છે તેને દત્તક લેનારાની સંખ્યા વધી છે, પણ તેમને માણસો સાથે ગોઠવતાં વાર લાગે છે કારણ કે તેમને એકલા રહેવાંની ટેવ પડી ગઇ હોય છે. એનિમલ ટેસ્ટિંગનો ધંધો બહુ વિશાળ છે. ચીન, જાપાન અને યુ.એસ.એ.માં સૌથી વધુ એનિમલ ટેસ્ટિંગ થાય છે. યુ.એસ.એ.માં વર્ષે અંદાજે ૧૦૦ મિલિયન જેટલાં જુદાં જુદાં પ્રાણીઓ પર પ્રયોગો થાય છે અને તેનો કોઇ સ્પષ્ટ આંકડો તો છે જ નહીં. વિદેશમાં હાઇ સ્કૂલ્સમાં શિક્ષણમાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે કો કેમિકલ હાઉસહોલ્ડ કોમ્સમેટિક ટેસ્ટિંગમાં પણ પ્રાણીઓ વપારય છે. ડ્રગ અને વેક્સિન ડેવલપમેન્ટમાં પણ પ્રાણીઓનો ભોગ લેવાય છે તો થોડાં વર્ષો પહેલાંના ફેરફાર અનુસાર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હવે પોતાના ડ્રગ અને વેક્સિનનો બે અલગ અલગ પ્રજાતિઓ પર ઉપયોગ કરવો પડશે અને પછી માણસોના ઉપયોગ માટે તે લાયક છે કે નહીં તે નક્કી કરવાનું રહેશે. વળી એક રિપોર્ટ અનુસાર પ્રાણીઓ પર કારગત નિવડેલા વેક્સિન અને ડ્રગ્ઝ માણસો પર નિષ્ફળ જવાના કિસ્સા પણ ઘણા છે તો પછી શા માટે પ્રાણીઓ પરના આ અખતરા ચાલુ રાખવા જોઇએ?

આ તો હજી વાત માંડી છે. પણ ખોરાક માટેથી લઇને દંતશૂળ અને ટાઇગર ટોનિક જેવા ફિતૂર માટે જાત ભાતનાં પ્રાણીઓનો ભોગ લેવાયા કરે છે. સંતુલનની વાતો કરતી થયેલી ‘Woke’ (જાગૃત) જનતાને પ્રાણીઓનાં શોષણની પાતાળ લોક જેવી દુનિયાની સપાટી વિશે જ કલ્પના હશે.  પાળેલાં કે રસ્તે રખડતાં પ્રાણીઓ સાથેના અત્યાચારનો મુદ્દો એનિમલ ટેસ્ટિંગ કરતાં સાવ જૂદો છે, પણ અંતે વાત તો ક્રૂરતાની જ છે.

અવયવ મેળવવાની રાહમાં ગુજરી જનારાઓની સંખ્યા પણ મોટી છે. પ્રાણીઓ પર થતા પ્રયોગો માણસ જાતને બચાવી શકે છે, તે વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે, પણ આપણને એ સવાલ પણ થવો જોઇએ કે આપણે કેટલી હદો પાર કરવી જોઇએ.

બાય ધી વેઃ

આ તો પ્રાણીઓનાં શોષણની વાત થઇ, પણ આપણા સમાજમાં જે આર્થિક ખાઇ છે તેને પગલે વંચિત માણસોને પૈસા આપી તેમની પર વેક્સિન અને ડ્રગ્ઝના પ્રયોગો પણ થતા આવ્યા છે. વળી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના ખેલમાં સાજા દરદીઓની કિડની જેવા અંગો ચોરાઇ જવાના કિસ્સાથી આપણે અજાણ નથી. એ નૈતિક ભ્રષ્ટતા કોઇ બીજા જ સ્તરની છે. જાણીતા લેખક મંજુલા પદ્મનાભનનું એક નાટક છે ‘હાર્વેસ્ટ’ – જેમાં અમેરિકાના ધનિકો ભારતના – ત્રીજા વિશ્વના લોકોના મ્હોંએ પૈસા ફેંકી તેમના શરીરના અંગો ખરીદે છે. એમાં માણસની લાલચ, વરવાં સંજોગો  તેને કઇ હદે લઇ જાય છે તેનું તેમાં બખૂબી વર્ણન છે. આ તમામ વાતો ડૂંગળીનાં સ્તર જેવી છે, ઉતરતાં જશે પણ પૂરાં નહીં થાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  16 જાન્યુઆરી 2022

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|16 January 2022

: ૯ : વ્યાખ્યાનકલા બાબતે કેટલીક ટિપ્સ

= = અધ્યાપકમિત્રો ! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરેનેટ-યુગમાં છીએ. વિદ્યાર્થીને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઈ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો. = =

૧ :

ઉચિત સ્થાને ઉચિત આસને અધ્યાપક અને વિદ્યાર્થીઓ હોય એ પછીની જરૂરિયાત એ છે કે અધ્યાપકે સૅટ થવું. કેટલાક એવા કે એકદમ જ ચાલુ થઈ જાય. ભલા માણસ, તારી પાસે જો પૂરતું જ્ઞાન છે તો એને બીજે રવાના કરી દેવાની ઉતાવળ શું કામ?

૨ :

વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં અધ્યાપકે ઘડીભર શાન્ત થઈ જવું, પ્ર-શાન્ત, coool … મન બુદ્ધિ હૃદયને એક અનુભવવાં. અમુક વિદ્વાનો આંખો મીંચીને મન્ત્રોચ્ચાર કરે છે તે એવી જ શાન્ત-તા માટે. સૌને પ્રસન્નતાથી જોવાં.

૩ :

કવિ વાર્તાકાર ગાયક કે કોઇ પણ કલાકારે તેમ જ વ્યાખ્યાતાએ હમેશાં યાદ રાખવું કે પોતે આનન્દનો સર્જક છે. મૉં પર સ્મિત હોવું જોઇએ. અમારાં બધાંનાં માનીતાં અને લોકલાડીલાં ગાયક ભારતી વ્યાસનો કણ્ઠ તો અનોખો છે જ પણ એમનું ગાયન મને વધારે તો એ કારણે ગમે છે કે તેઓ હમેશાં સ્મિતવદને ગાય છે.

૪ :

અધ્યાપકનું સોગિયું મૉઢું ન ચાલે. સાહિત્યનું જ્ઞાન મૉજથી પ્રગટવું જોઈએ. વિદ્વાન સાહિત્યકારોની વાત જુદી છે. એમના દાખલામાં ગામ્ભીર્ય રસાયન છે. એમનાંમાં, એઓ ગમ્ભીર થાય પછી જ વિચારો દ્રવે.

૫ :

સૌને સમ્બોધન કરવું. હા, વિદ્યાર્થીઓને પણ. કેમ છો બધાં – કરીને શરૂ થવું. હું એક મોટા સાહિત્યકારને જાણું છું – મોટાઇ એવી કે કદી કોઈને સમ્બોધન જ ન કરે ! હવે સુધર્યા છે.

૬ :

અધ્યાપકે કોઇ વિદ્યાર્થીની કદી મશ્કરી ન કરવી. વર્ગમાં ધાક બેસાડવા એકાદ-બેને કારણ વગર ધમકાવી કાઢવા કે ઉતારી પાડવા, ઠીક નથી. સાહિત્યકાર, અધ્યાપક કે કોઇ પણ વક્તા આવુંતેવું કરે એટલે તોછડો લાગવાનો. સભાથી હાથે કરીને છેટો પડી જવાનો. વિદ્યાર્થીઓ કે સભાજનો બોલે નહીં, પણ મનમાં જરૂર બબડે કે – પોતાને આ શું સમજતો હશે !

૭ :

ભારતીય પરમ્પરા પ્રમાણે વ્યાખ્યાન પલાંઠીએ બેસીને કે પદ્માસન લગાવીને કરાય. ટેબલ-ખુરશી હોય તો પણ વ્યાખ્યાન ખુરશીમાં બેસીને કરી જ શકાય છે. તક હોય તો હું તો ખુરશી-ટેબલ છાંડીને વ્યાખ્યાન પલાંઠી વાળીને કરું છું. મૅકોલેના જમાનાથી શરૂ થયેલી સિસ્ટમે શીખવ્યું કે લૅક્ચરરે ઊભા ઊભા બોલવાનું હોય, તો જ પ્રભાવ પડે. રાજકારણીએ એમ કરવું જરૂરી છે કેમ કે ત્યાં ‘વ્યાખ્યાન’ નથી હોતું, તત્કાળ અસર કરે એવું ‘ભાષણ’ હોય છે.

૮ :

બન્યું છે એવું કે આપણે આસન-માંથી ઊભાં-ઊભાં અને ઊભાં-ઊંભાં-માંથી હરતાં-ફરતાં વ્યાખ્યાનો કરવાની નવતર રીતો નીપજાવી લીધી છે. સ્ટેજ ઊંચું હોય ને વક્તાશ્રી પણ ઊંચા હોય તો સભાએ ડોકાં ઊંચાં રાખવાં પડે છે. બધાં ‘જ્ઞાનાય (!) ઉત્કણ્ઠ’ દીસે ! આ છેડેથી પેલે છેડે લટારતા લટારતા બોલતા અધ્યાપક સામે વિદ્યાર્થીનાં ડોકાં ઘડિયાળના લોલક જેમ આમથી તેમ ફરતાં થઈ જાય છે. વર્ગ ‘સક્રિય’ લાગે !

૯ :

લૅક્ચર-મૅથડની જોડે, આપણે ત્યાં પોડિયમ આવ્યું. પોડિયમને હું વ્યાસપીઠ ન ગણું. દીવાલ ગણું – ઠૉડું ! પ્રાચીન ઍમ્ફિ-થીએટરમાં સંગીતના કન્ડક્ટર માટે એક નાની દીવાલ હોય – ટેકો; એને પોડિયમ કહેતા.

પોડિયમની વક્તાને સગવડ એ કે એના ધ્રૂજતા પગની સભાને ખબર ન પડે. સભાને અગવડ એ કે વક્તા પાસે કાગળિયાં કેટલાં છે એ દેખાય નહીં. રાહ કેટલી જોવી પડશે એનો અંદાજ ન આવે.

કેટલીક જગ્યાએ પોડિયમ અક્કલ વગરનાં એવાં કે સભાજનોને વ્યાખ્યાતાનું માત્ર મસ્તક દેખાય. સભાને થાય, કશા દેખીતા વાંક વગર બાપડાને અનાજ ભરવાની કોઠીમાં ખડો કીધો છે.

બૅકેટના ‘એન્ડ ગેમ’ નાટકમાં પાત્રોને એવી કોઠીઓમાં, urns-માં, રાખ્યાં છે, પણ એ તો, જીવનનાં મહા રહસ્યોનાં સંકેત રૂપે ! આમાં તો આયોજન, વ્યાખ્યાતાને હાથપગ સમેત ગળી ગયું લાગે છે.

પોડિયમ, પૂરતાં નીચાં હોવાં જોઇએ જેથી વ્યાખ્યાતા બન્ને હાથના સહજ સેલારા મારી શકે. ત્યાં ફ્લૅક્સિબલ માઇક, ફોકસ લાઇટ, પાણી-ભરેલો પણ ઢાંકેલો ગ્લાસ, બુક્સ અને પેપર્સ રાખી શકાય એવી ખાસ્સી બધી મૉકળાશ હોવી જોઇએ. ટૂંકમાં, આશય એ છે કે કોઇ પણ વક્તા સભાને એની તમામ બૉડિ-લૅન્ગ્વેજ સાથે દેખાવો જોઇએ. વક્તાએ પણ એ લૅન્ગ્વેજનો જરૂરી વિનિયોગ કરવાનો હોય છે.

Pic Courtesy : iStock

કેટલીક હમેશાં યાદ રાખવા જેવી ટિપ્સ :

૧૦ :

માઇક અને મૉં વચ્ચે એકાદ વૅંતનું અન્તર રાખવું – ન ઓછું, ન વત્તું. કેટલા ય વક્તાઓ ગૅલમાં આવી જઈને માઇકથી મૉં ફેરવી લે છે. બોલ્યે રાખે. માઇક નિર્જીવ છે. એની જોડેની દૃષ્ટોદૃષ્ટ, માણસે ટકાવી રાખવી જોઇશે. એ તમારો વ્યાખ્યાન-સાથી છે. સારા વક્તાને માઇક ને મસ્તકનો વિ-યોગ નથી પાલવતો.

૧૧ :

અધ્યાપકમિત્રો ! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરનેટ-યુગમાં છીએ. સામે બેઠેલા વિદ્યાર્થીને જીવન્ત વ્યક્તિ સમજીને એને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઇ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો.

૧૨ :

કચવાઇને વેઠ વાળવા વ્યાખ્યાન કદ્દી ન કરવું. હમેશાં જીવ રેડીને વાત કરવી. મેં એકપણ વાર દિલચોરીથી નથી ભણાવ્યું.

૧૩ :

નોટ્સ રાખવી – પાનાં નમ્બર નાખેલી – પણ એમાં ને એમાં જોયા કરવું પડે તો તમને તો ઠીક પણ વર્ગને ત્રાસ થશે. જો કે હાથ નવરા રાખી મનફાવે બોલવું દુ:સાહસ ઠરશે. નોટ્સ હોય કે ન હોય, વક્તવ્ય આત્મસાત્ થયેલું હોવું જોઇએ.

૧૪ :

ખોટો શબ્દ વપરાઇ ગયો હોય, તો ‘સૉરિ’ કહી ખરો આપો.

૧૫ :

જરૂરી માહિતી ભરપૂર આપો. મસ્તકવગી ન હોય તો કહો કે – કાલે કહીશ.

૧૬ :

તબિયત સારી હોય છતાં, રજા ન લેવી; સ્વાધ્યાય માટે જરૂર લેવી. ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા લખવા યુનિવર્સિટીને મેં એ કારણ દર્શાવીને સી.ઍલ. રજાઓ માગેલી. રજિસ્ટ્રાર હસી પડેલા.

૧૭ :

ઠોઠ કે જડસુ વિદ્યાર્થીને ન-ગણ્ય ગણી કાઢવો ઠીક નથી. અધ્યાપક તો હમેશાં માતાની જેમ વિદ્યાર્થીને સમજાવે – પર્સ્યુસન, અનુનય.

૧૮ :

જો કે જોક્સ વગેરેથી વિદ્યાર્થીની ખુશામત પણ ન કરવી. વર્ગમાં ગામ્ભીર્યનું વહન હળવાશથી કરવું. વાતાવરણ હઁસી-મજાકભર્યું જોઈએ. મને યાદ છે, મારા વર્ગમાં એકાદ વાર તો હાસ્યનું મોજું ફરી વળતું.

૧૯ :

શિસ્તનો આગ્રહ રાખવો એમ કહેવા કરતાં હું એમ કહું કે અ-શિસ્તને ખમી ખાનારો અધ્યાપક વ્યર્થ સહિષ્ણુ છે. વાતો ન જ કરવા દેવાય. બગાસાં ન જ ચાલે.

૨૦ :

વર્ગમાં શારીરિક અને માનસિક એમ બે જાતના ગેરહાજરો હોય છે. શરીરથી ગેરહાજરને વીસરી જવા. મગજથી ગેરહાજરને જગાડવા. કોઈ બાળા ઊંઘી જાય તો વ્યાખ્યાનને પરમ સફળ ગણવું. જાગતાંઓને કહેવું કે જુઓ ને, ઊંઘ બાપડી કેવી નિર્દોષ પ્રવૃત્તિ છે …

૨૧ :

કેટલાક સાહિત્યકારો ઑડિયન્સને પટાવતા હોય છે – મારી પાસે કહેવાનું તો ઘણું છે પણ સમયનું બન્ધન છે, ત્રણ વક્તાઓ બાકી છે, હું સભાને સમયદાન કરું છું, એમ કહીને એ 'વિવેકી મહાપુરુષ' બેસી જાય છે ! આ છેતરામણ જાત-છેતરામણ પણ છે — આત્મપ્રતારણા. એવી ટેવ પોતાને ન પડે એ માટે અધ્યાપકે સાવધ રહેવું.

૨૨ :

વ્યાખ્યાનને પતાવવાની લ્હાય ન રાખવી. સાવધ બેફિકરાઇ રાખવી કે રહી જશે તો ભલે રહી જશે, કાલે વાત!

૨૩ :

આપણે ત્યાં સાહિત્યકાર-વક્તાઓને અધ્યાપકો રોલ-મૉડેલ ગણતા હોય છે. સારી વાત, પણ એમાં સિલૅક્ટિવ રહેવું.

સ્વીકારો કે સામ્પ્રતમાં મોટા ભાગનાં મૉડેલો રોલિન્ગ છે – ગગડતાં, ગબડતાં, આઇ મીન, અનનુસરણીય છે.

= = =

(January 16, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6301,6311,6321,633...1,6401,6501,660...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved