Opinion Magazine
Number of visits: 9674041
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લુચ્ચા અને લોંઠ પુતિનનું હ્યુબ્રિસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 March 2022

લંડનના 'ધ ટાઈમ્સ' સમાચારપત્રમાં એક કિસ્સો છપાયો છે. જૂન ૨૦૦૫માં, અમેરિકાનું એક બિઝનેસ પ્રતિનિધિમંડળ સેન્ટ પીટર્સબર્ગ ગયું હતું. ત્યાં તેમની મુલાકાત પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે હતી. એ મંડળમાં ન્યૂ ઈંગ્લેંડ પેટ્રિયોટ્સ ફૂટબોલ ટીમનો માલિક રોબર્ટ ક્રાફટ હતો. પુતિને તેની આંગળી પર ડાયમન્ડની બનેલી સુંદર વીંટી જોઈ. એ વર્ષે સુપર બાઉલ સ્પર્ધામાં ફિલાડેલ્ફીઆ ઈગલ્સને હરાવવા બદલ એ વીંટી મળી હતી. પુતિનને એ જોતા વેંત ગમી ગઈ. તેમણે એ વીંટી ટ્રાય કરવા માગી, પછી બોલ્યા, “આના વડે તો હું કોઈકનું ખૂન કરી શકું,” અને વીંટીને ખિસ્સામાં મૂકીને રૂમની બહાર નીકળી ગયા.

ત્રણ મહિના પછી, પુતિન ન્યૂયોર્કમાં મોડર્ન આર્ટના ગુગનહાઈમ મ્યુઝિયમમાં હતા. ત્યાંનો ક્યુરેટર પ્રેસિડેન્ટને ચીજવસ્તુઓ સમજાવતો હતો. એમાં એક કલાકૃતિ કાચની બનાવટની રશિયન કલાશનિકોવ બંદૂક હતી, જેમાં રશિયન વોડકા ભરેલો હતો. પુતિને તેમના એક સુરક્ષા જવાન તરફ જોઇને ડોકું હલાવ્યું. પેલો આગળ આવ્યો અને કલાકૃતિને પોતાની પાસે લઇ લીધી.

યુક્રેનની લોકતાંત્રિક ઢબે ચુંટાયેલી સરકારને ઉથલાવીને તેના સ્થાને કઠપૂતળી સરકારને બેસાડવા માટે લાવલશ્કર સાથે એ ટચુકડા દેશ પર પર ચઢાઈ કરવાની સરખામણીમાં પુતિનની આ ચોરી-ચપાટી તો ફિક્કી લાગે, પરંતુ બંને કિસ્સા પુતિનની માનસિકતાને સમજવા માટે ઉપયોગી છે. પુતિન લુચ્ચા અને લોંઠ છે. તેમણે તેમની યુવાનીમાં કરેલી અનેક બાથંબાથ અને ગાળાગાળીના કિસ્સાઓ કહેવામાં મજા આવે છે.

પુતિનમાં એક તાનાશાહનાં પૂરતાં લક્ષણો છે. યુક્રેન પર આક્રમણ કરતા પહેલાં, ૨૧મી ફેબ્રુઆરીના રોજ, ક્રેમલિનમાં મળેલી સુરક્ષા પરિષદની બેઠકમાં પુતિને કેવી રીતે તેમની ગુપ્તચર એજન્સીના વડાનું અપમાન કર્યું હતું તેનો એક વીડિયો ઘણો વાઈરલ થયો હતો. યુક્રેનના બે બળવાખોર પ્રાંતને સ્વતંત્ર ઘોષિત કરવા માટેના પુતિનના વડપણ હેઠળના આ બ્રિફિંગમાં, ફોરેન ઇન્ટેલિજન્સના વડા સર્ગેઈ નાર્યશ્કીને કહ્યું કે યુક્રેનના અલગતાવાદી પ્રાંતોને માન્યતા આપવાની ભલામણનું તેઓ “સમર્થન કરશે” (“વિલ સપોર્ટ”). પુતિને સ્કૂલ ટીચરની જેમ તેના કાન આમળ્યા, “સમર્થન કરશો કે સમર્થન કરો છો? મને સીધી ભાષામાં કહો” (“વિલ સપોર્ટ ઓર ડુ સપોર્ટ?).

દુનિયાભરમાં જેમણે પણ આ વીડિયો જોયો હતો તેમને એમાં કોઈ શંકા રહી ન હતી કે પુતિન મતભેદ કે અસહમતીની વાત તો બાજુએ રહી, ચર્ચા-વિચારણામાં પણ માનતા નથી. “હું કહું એમ જ કરવાનું, મારો શબ્દ જ આખરી ગણાશે” એવી માનસિકતા કોઈ વિવેકશીલ, ઉદાર, અને લોકતાંત્રિક નેતાની નહીં, તાનાશાહની જ હોય.

નેતામાં જ્યારે સત્તાનો નશો મગજ પર ચઢી જાય, ત્યારે પોતાની તાકાત અને માન્યતાઓની સચ્ચાઈ પ્રત્યે અતિ આત્મવિશ્વાસ આવી જાય. એમાં વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરવાની વૃત્તિ પણ આવી જાય. આ સત્તાના નશા કે અહંકાર કરતાં પણ આગળની માનસિકતા છે. તે માટે મનોવિજ્ઞાનમાં હ્યુબ્રિસ સિન્ડ્રોમ શબ્દ છે. એ એક એવી માનસિક અવસ્થા છે જેમાં રાજકારણ, બિઝનેસ કે અન્ય ક્ષેત્રોમાં કોઈ અવરોધ કે નિષ્ફળતા વગર લાંબો સમય સુધી માણસની સત્તા અને પ્રભાવ બરકરાર રહે તો તેના આચાર-વિચારમાં દુષ્ટતા વધતી જાય.

હ્યુબ્રિસ ગ્રીક શબ્દ છે. અર્થ છે, માનવતાનો અભાવ અને વધુ પડતી આત્મશ્રદ્ધા. પ્રાચીન એથેન્સમાં, કોઈ વ્યક્તિનું અપમાન કરવા માટે અથવા તેને નીચો પાડવા માટે હેતુપૂર્વક હિંસાનો ઉપયોગ થાય તો તેને હ્યુબ્રિસ વૃત્તિ કહેતા હતા. આધુનિક સમયમાં માણસને પોતાની શક્તિમાં અતાર્કિક વિશ્વાસ અને ઘમંડ હોય તેને હ્યુબ્રિસ કહે છે.

બ્રિટનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ન્યૂરોસાયન્ટિસ્ટ ડેવિડ ઓવેને ૨૦૦૯માં બ્રિટિશ મેડીકલ જર્નલ 'બ્રેઈન'માં તેમના એક લેખમાં હ્યુબ્રિસ સિન્ડ્રોમ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. એ લેખમાં તેમણે ૧૯૦૮થી ૨૦૦૯ સુધીના અમેરિકન અને બ્રિટિશ લીડરોના વ્યવહાર અને તેમના મેડીકલ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. ઇતિહાસમાં સફળતમ ગણાતા આ લીડરોમાં એક વૃત્તિ સરખી નીકળી હતી : તેમને ટીકાઓની સહેજે ય પડી ન હતી, અને ખુદની સફળતામાં અંધવિશ્વાસ હતો.

પાવરમાં હોવાથી આ વ્યક્તિઓની પર્સનાલિટી અને નિર્ણય-શક્તિ 'વાંકી' થઇ ગઈ હતી, તેઓ તેમની સત્તા અને તેનાં (કુ)પરિણામોનો વિકૃત આનંદ લેતા હતા, અને બીજા લોકો પ્રત્યે હમદર્દી ઓછી થવાથી તેઓ વિચારે અહંકારી નિર્ણયો લેતા હતા.

બ્રિટિશ ફિલોસોફર બર્ટ્રાન્ડ રુસેલે કહેલું કે, "પાવર મીઠો હોય. એ એવું ડ્રગ છે કે એની જેમ જેમ આદત પડે, તેમ તેમ એમ ચસકો વધતો જાય." સફળ નેતાઓ સાથે કરિશ્મા, લોકોને પ્રેરણા આપે તેવું વ્યક્તિત્વ, સાહસિક મહત્ત્વાકાંક્ષા, જોખમ વહોરવાની હિમ્મત અને આત્મ-વિશ્વાસ જેવા ગુણ જોડાયેલા છે, પરંતુ આ જ ગુણો એક નેતાને અતાર્કિક અને વિવેકશૂન્ય બનાવી દે છે. જર્મન તાનાશાહ હિટલર પર લખાયેલા એક જીવનચરિત્ર્યનું શીર્ષક છે, “હિટલર : ૧૮૮૯થી ૧૯૩૬ સુધીનું હ્યુબ્રિસ.”

આ માણસના ઈશારે નાઝીઓએ યુરોપના ૬૦ લાખ યહૂદીઓ અને બીજા ૫૦ લાખ યુદ્ધકેદીઓનો સંહાર કર્યો હતો. હિટલર જ્યારે યુદ્ધ હારી ગયો, ત્યારે જીવતા ન પકડાઈ જવાય તે માટે પત્ની સાથે આત્મહત્યા કરી હતી. મરતાં પહેલાં તેણે તેનું એક ‘રાજકીય સ્ટેટમેન્ટ’ લખાવ્યું હતું. તેમાં એક છેલ્લું વિધાન હતું : “આ બધા ઉપરાંત, હું રાષ્ટ્રની સરકાર અને જનતાને સૂચના આપું છું કે આંતરરાષ્ટ્રીય યહૂદીઓઓનો નિર્દયી રીતે સામનો કરવા માટે અને તેમને રોકવા માટે વંશીય કાનૂનોનું રક્ષણ કરે.”

હિટલર જીવતે જીવ ઉપરાંત મૃત્યુમાં પણ હ્યુબ્રિસ સિન્ડ્રોમથી પીડાતો હતો.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 માર્ચ 2022

Loading

કાઁગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 March 2022

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ઉપર નજર કરીએ તો બે નિષ્કર્ષ કાઢી શકાય. ખરું પૂછો તો અત્યારે આને અનુમાન કહેવું જોઈએ, નિષ્કર્ષ પર આવવાને હજુ વાર છે.

એક તો એ કે જો ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા સરકારી રાહત બેંકમાં આવ્યા કરે અને જેમ તેમ બે ટંકનો રોટલો નીકળી રહે તો મુસલમાનોને સીધા કરવા માટે હિંદુ મતદાતાઓ પોતાની એક પેઢી કુરબાન કરવા તૈયાર છે. રોજગારીનો અભાવ, યુવાનોનું અંધકારમય ભવિષ્ય, પેટ્રોલના ભાવ, મોંઘવારી, કોરોનાસંકટનું જગતમાં નાક કપાય એવું મિસમેનેજમેન્ટ, વિકાસ, કાયદાનું રાજ, સહિયારું ભારત, સહિયારો પુરુષાર્થ, ગરીબ અને ખેડૂતવિરોધી નીતિઓ એમ બધું જ ભૂલવા તૈયાર છે. અન્યથા ઉત્તર પ્રદેશમાં તો કમસેકમ બી.જે.પી.ને જીતવા માટે કોઈ કારણ જ નહોતું.

ભારતમાં દરેક નાગરિક એક દુશ્મનને લઈને જીવે છે અને એ દુશ્મન ગરીબી અને અજ્ઞાન  નથી, કોઈ વ્યક્તિ પણ નથી પણ કોઈને કોઈ સમૂહ છે. છેલ્લા દાયકા સુધીનું ભારતીય રાજકારણ એક સમૂહના બીજા સમૂહ સામેના અણગમા કે દુશ્મનીના ગણિત ઉપર ચાલતું હતું. એ સમૂહ જ્ઞાતિના સ્વરૂપમાં હતા, ભાષાના સ્વરૂપમાં હતા, પ્રદેશના સ્વરૂપમાં હતા, વગેરે. આને કારણે જ્ઞાતિકીય કે ભાષાકીય અસ્મિતાઓ પર આધારિત અનેક પ્રાદેશિક પક્ષો સ્થપાયા હતા. તેમની રાજકીય જીવાદોરી એક સમૂહના બીજા સમૂહ સામેની દુશ્મનીના ગણિત અને સમીકરણો પર આધારિત હતી. ડો રામમનોહર લોહિયાએ સામાજિક સમૂહોના સશક્તિકરણના નામે સમૂહોની દુશ્મનીનું ચૂંટણીકીય ગણિત રચી આપ્યું હતું.

હવે એ દુશ્મની મુસલમાનની સામે કોમી સ્વરૂપમાં કાયમ થઈ છે અને એ ભારતીય જનતા પક્ષની અને નરેન્દ્ર મોદી – અમિત શાહની અને એકંદરે સંઘ પરિવારની ઉપલબ્ધિ છે. અત્યંત ગણતરીપૂર્વક હિંદુ માનસ ઉપર કબજો કરીને ભારતીય નાગીરિકોની દુશ્મનીની ભાવનાને એક સમૂહ ઉપર કેન્દ્રિત કરી છે. જો ગુજરાન ચાલે એટલા પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા મળી જતા હોય તો બંદો મુસલમાનને સીધો દોર કરવા ઉપલબ્ધ છે. પાછું ડાયરેક્ટ ટ્રાન્સફરની સુવિધાને કારણે કોઈ કચેરીનાં પગથિયાં ઘસવાના નથી, કોઈ અમલદારને ઘૂસ આપવી પડતી નથી અને ઉપરથી વખત બચે છે. મહેનત કર્યા વિના અને અપમાનો સહન કર્યા વિના લહેરથી ભલે જેમતેમ પણ ગુજરાન ચાલે છે. ડેવલપમેન્ટ કેન વેઇટ. સદીઓ જૂનો મુસલમાન સામેનો પૂર્વગ્રહ આધારિત હિસાબ ચૂકતે કરવાનો મોકો મળ્યો છે.

તો વાતનો સાર એ કે ભારતીય રાજકારણમાં ‘દુશ્મન’ની કલ્પનામાં પરિવર્તન થયું છે અને એ પરિવર્તન નિર્ણાયક છે. ડૉ લોહિયાનું હિંદુ બનામ હિંદુની જગ્યા હવે હિંદુ બનામ મુસલમાને લીધી છે. હિંદુ બનામ હિંદુ, હિંદુ બનામ મુસલમાનના કોમી ધ્રુવીકરણને ખાળશે અને ભા.જ.પ.ને ક્યારે ય એકલા હાથે સત્તા સુધી પહોંચવા નહીં દે એ ધારણા ખોટી પડી છે. ભા.જ.પ.ને એકલા હાથે કેન્દ્રમાં બે મુદ્દતથી શાસન કરે છે. દેશનાં કેટલાંક મહત્ત્વનાં રાજ્યોમાં શાસન કરે છે અને હવે ઉત્તર પ્રદેશમાં બીજી મુદ્દત મળી છે જે મળવા માટે કોઈ કારણ નહોતું. ઉત્તર પ્રદેશે સાબિત કરી આપ્યું છે કે હિંદુ બનામ હિંદુની પરંપરાગત દુશ્મનીની ભલે ગમે એટલી વાતો થતી હોય, ભલે મનુવાદનો ભય બતાવવામાં આવતો હોય, ભલે બ્રાહ્મણી સાંસ્કૃતિક વર્ચસ્વ કે સાંસ્કૃતિક આક્રમણની વાતો થતી હોય; અત્યારે તાત્કાલિક દુશ્મન મુસલમાન છે. મોકો મળ્યો છે તો બધું જ બાજુએ. ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા ગુજરાન તો ચાલે જ છે. આમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાત સાચી છે કે ૨૦૨૪ની ચૂંટણી બી.જે.પી.ની છે અને એનો સ્વીકાર રાજકીય પંડિતોએ કરવો જોઈએ. મુસલમાન દુશ્મન અને ગુજરાન ચલવવાની ગેરંટી આપનારી ડાયરેક્ટ ટ્રાન્સફરની વિનિંગ ફોર્મ્યુલા હજુ કામ કરવાની છે.

અત્યારે બી.જે.પી.નો અને આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય અને ગયા મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાઁન્ગ્રેસનો ભવ્ય વિજય જોતા બીજો નિષ્કર્ષ એ છે કે દાયકાઓ જૂના રાજકીય પક્ષોને હવે તેનો અતિત નડે છે. જે તે રાજકીય પક્ષનું નામ પડતા ચોક્કસ પરિવાર, ચોક્કસ જ્ઞાતિઓની દાદાગીરી, પક્ષપાત, એકનું એક રાજકારણ વગેરેની યાદ આવે છે. તમે કહેશો કે ભારતીય જનતા પક્ષ પણ દાયકાઓ જૂનો પક્ષ છે અને એ પણ એકનું એક રાજકારણ કરે છે, પણ એક હકીકત નોંધવી જોઈએ કે નરેન્દ્ર મોદીના આગમન પછીનો ભા.જ.પ. અલગ છે અથવા અલગ ભાસે છે. નરેન્દ્ર મોદીએ ભા.જ.પ.નો ભૂતકાળ ભુલાવી દીધો છે. એ ભારતનો જયજયકાર હોય કે હિંદુરાષ્ટ્ર હોય ભારતના નાગરિકને કશુંક નવું નજરે પડી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને તૃણમુલ કાઁન્ગ્રેસ અતીતના બોજાથી મુક્ત છે. બન્ને પક્ષ પરિવાર, પક્ષપાત, ચોક્કસ પ્રજાસમૂહની દાદાગીરી અને તેનાં લાંબા કટુ સંસ્મરણોથી મુક્ત છે.

આને કારણે પશ્ચિમ બંગાળમાં મુકાબલો તૃણમૂલ કાઁન્ગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે હતો. કાઁન્ગ્રેસ અને ડાબેરી પક્ષો હોવા છતાં ન હોવા જેવા હતા. ઉત્તર પ્રદેશમાં મુકાબલો ભા.જ.પ. અને સમાજવાદી પક્ષ વચ્ચે હતો. બહુજન સમાજ પક્ષ અને કાઁન્ગ્રેસ હોવા છતાં ન હોવા જેવા હતા. અખિલેશ યાદવ ઠીકઠીક પ્રમાણમાં નવા સમાજવાદી પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ હજુ લોકો સમાજવાદી પક્ષનો અતીત ભૂલ્યા નથી. અખિલેશ યાદવે એ ભૂતકાળ ભૂલાવવો પડશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ તમામ પરંપરાગત રાજકીય પક્ષોના સુપડા સાફ કર્યા છે. ટૂંકમાં અતીતબોજથી મુક્ત નવા શાસકો સામેની નાગરિકોની ફરિયાદો એક તરફ અને તેમની જગ્યા લેવા માગનારા રાજકીય પક્ષોનો ભૂતકાળ એક તરફ. નવા શાસકોની તાત્કાલિક ક્ષતિઓ મતદાતા ભૂલીને માફ કરવા તૈયાર છે, પણ દાયકાઓ જૂનો ભૂતકાળ ભૂલવા તૈયાર નથી. 

જો આ નિષ્કર્ષ કે અનુમાન સાચાં હોય તો કાઁગ્રેસે પોતાના ભવિષ્ય વિષે વિચારવું જોઈએ. રાહુલ ગાંધી કે ગાંધીપરિવારનો કોઈ સભ્ય નવી કાઁન્ગ્રેસનું પ્રતિનિધિત્વ નથી કરતો અને કાઁન્ગ્રેસને અતીત ભૂલાવે એવા નવા નેતૃત્વની જરૂર છે. કદાચ એવું પણ બને કે નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ કાઁન્ગ્રેસમાં સમૂળગા પરિવર્તનનું કારણ બને અને જો એમ નહીં બને તો જે સ્થિતિ બહાદુરશાહ ઝફરની અને મુઘલ સામ્રાજ્યની બની હતી એવી સ્થિતિ ગાંધી પરિવાર અને કાઁન્ગ્રેસની થશે. કાઁન્ગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 માર્ચ 2022

Loading

સિરિયા, અફઘાનિસ્તાન પછી યુક્રેનઃ શરણાર્થીઓનો પ્રશ્ન વિશ્વ માટે ભડકામાંથી દાવાનળ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 March 2022

છેલ્લા એક દાયકામાં આખી દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કાળમુખા જંગલો, હાડ થીજાવી દેતી ઠંડી, સામાન, બાળકો, પહાડો અને નદીઓ પણ આ બધું પાર કરીને જનારા શરણાર્થીઓને કોઇ ખાતરી નથી હોતી કે તેઓ સામે પાર – સલામત સ્થળે જીવતેજીવ પહોંચી શકશે કે કેમ?

યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યારથી માંડીને આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ૧.૫ મિલિયન લોકોએ દેશની સરહદ પાર કરી છે. જીવ બચાવવા માટે બીજા રાષ્ટ્રની શરણે જનારાઓની આ સંખ્યા એક નવી કટોકટી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરણાર્થીઓનો પ્રશ્ન બહુ મોટો હતો અને બીજા વિશ્વ યુદ્ધના સમય પછી પહેલીવાર શરણાર્થીઓનો પ્રશ્ન યુરોપ માટે અણધારી ગતિએ ઝડપી બની રહ્યો છે. યુક્રેનના રહેવાસીઓ કિવના પરામાંથી છટકીને સરહદ પાર કરવાના પ્રયત્નમાં હતા અને તેમાં રશિયાના બોમ્બિંગને કારણે જીવવા માટે જહેમત કરી રહેલો પરિવાર મોતને ઘાટ ઉતરી ગયો. રેફ્યુજી ક્રાઇસિસ – શરણાર્થીઓનો પ્રશ્ન વૈશ્વિક છે.  પહેલાં સિરિયા, અફઘાનિસ્તાન અને હવે યુક્રેનમાં ખડી થયેલી કટોકટીને પગલે આ પ્રશ્ન વધારે ઘેરો બન્યો છે. રેફ્યુજીની સમસ્યા માત્ર એ બીજા રાષ્ટ્રો માટે નથી હોતી, જ્યાં પહોંચવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ જે લોકો જીવ બચાવવા સરહદ પાર કરી રહ્યાં હોય છે તેમને હેમખેમ લાવવા લઇ જવા-વાળા સ્મગલર્સ – દાણચોરોનું તંત્ર પણ આ આખી ગોઠવણનો ભાગ હોય છે.

યુક્રેનની હાલત કફોડી છે. કલ્પના કરો એક તરફ તમારા ઘર પર બોમ્બમારો થયો છે, જે હાથમાં આવ્યું તે લઇને તમે સરહદ તરફ દોટ મૂકી રહ્યા છે, તમે બીજા દેશની સરહદે કે ટ્રેન સ્ટેશન પર પહોંચો છો તો બીજા રાષ્ટ્રના લોકો કાર્ડ બોર્ડ લઇને તમને તેમના ઘરમાં, તેમના દેશમાં આવકારી રહ્યાં છે. નરકમાંથી છૂટીને માણસાઇ ભણી દોડતા લોકોની વ્યાકૂળતા શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. છેલ્લા એક દાયકામાં આખી દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કાળમુખા જંગલો, હાડ થીજાવી દેતી ઠંડી, સામાન, બાળકો, પહાડો અને નદીઓ પણ આ બધું પાર કરીને જનારા શરણાર્થીઓને કોઇ ખાતરી નથી હોતી કે તેઓ સામે પાર – સલામત સ્થળે જીવતેજીવ પહોંચી શકશે કે કેમ? જેની સાથે નીકળ્યા છે તે બધાં પણ રસ્તામાં જીવતા રહેશે કે નહીં તેનું પણ કંઇ નક્કી નથી હોતું. અફઘાનિસ્તાનમાંથી યુ.એસ.એ પોતાનું સૈન્ય ખસેડી લીધું અને તાલીબાનીઓ ફરી વળ્યા ત્યારે પણ જે દૃશ્યો સર્જાયા તે અકલ્પનિય છે. ટર્કીની પૂર્વમાં આવેલા વાન પ્રદેશમાં પહોંચેલા અફઘાની નાગરિકોમાં સ્ત્રીઓએ તો તાલીબાનીઓનો માર પણ ખાધો, ઇરાન પહોંચ્યા પછી માનવ દાણચોરી કરનારાઓને હજારો ડૉલર્સ ચુકવ્યા પછી પણ જો ટર્કીની બોર્ડરે ન પહોંચાય તો ફરી પ્રયત્ન કરવાના પૈસા પણ ચૂકવ્યા. સરહદો પરની દિવાલો પર ચઢીને કૂદી જવાય પણ પછી બીજા રાષ્ટ્રની પોલીસથી જીવ બચાવવો પડે. સિરિયાથી લાખો લોકો ટર્કી પહોંચ્યા અને અફઘાનિસ્તાનમાં સંજોગો બદલાયા એટલે ત્યાં પણ શરણાર્થીઓએ ટર્કી જવામાં સલામતી જોઇ.

૨૦૨૨માં દુનિયાએ જે દસ મોટા રેફ્યુજી ક્રાઇસિસનો સામનો કરવો પડશે તેની પર એક નજર

3,69,000 – નાઇજિરીયન્સ હોસ્ટ કોમ્યુનિટીઝમાં શરણાર્થી છે

4,92,000 – ઇરિટ્રિયાના લોકો હિંસા, રાજકીય સામાજિક અસ્થિરતાને કારણે શરણાર્થી બન્યા છે

7,13,000 –  જેટલા સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના લોકો સાંપ્રદાયિક હિંસાનો ભોગ બન્યા છે અને શરણાર્થી તરીકે રહ્યા છે

79,000 – સોમાલિયન શરણાર્થીઓ વિશ્વ આખામાં ફેલાયેલા છે – સોમાલિયા દુકાળ, વિષમ આબોહવા અને સૈન્ય સંઘર્ષોમાં ફસાયેલો દેશ છે.

8,05,000 – સુદાન શરણાર્થીઓને સમાવનારો પાંચમો સૌથી મોટો દેશ છે છતાં ય આ દેશમાંથી પેદા થનારા શરણાર્થીઓની સંખ્યા વધી રહી છે.

8,64,000 – કોંગલિઝ રેફ્યુજી પોતાના દેશમાં ચાલતી હિંસાને કારણે વિખેરાયા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો એ વિશ્વનો સૌથી મોટો ભૂલાઇ ગયેલો પ્રશ્ન ગણાય છે.

1,10,000 – રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશના કોક્ઝ બાઝારના રેફ્યુજી કેમ્પ્સમાં છે.

2,60,000 – દક્ષિણ સુદાનીઓ હોસ્ટ કોમ્યુનિટીઝમાં રહ્યાં છે. ૪૦ લાખ લોકો દક્ષિણ સુદાનમાંથી વિસ્થાપન થયું છે.

2,60,000 – થી વધારે અફઘાનીઓ શરણાર્થી તરીકે જીવી રહ્યાં છે, છેલ્લા ચાર દાયકામાં અફઘાનીઓએ પોતાનું વતન છોડવાની જે તક મળે તે ઝડપી લીધી છે.

67,00,000 – સિરિયાની સંઘર્ષને કારણે પેદા થયેલા શરણાર્થીઓનો આંકડો આખા વિશ્વના શરણાર્થીઓના ૨૫ ટકા જેટલો છે. લેબનન, જોર્ડન, ઇરાક, ઇજીપ્ત અને ટર્કીમાં આ સિરિયન્સ વહેંચાયેલા છે.

**આ યાદીમાં હજી યુક્રેન છોડીને બીજા દેશોમાં શરણ માગવા ગયેલા શરણાર્થીઓનો આખરી આંકડો નથી ઉમેરાયો.

ભૌગોલિક કારણોસર ટર્કી આ બન્ને રાષ્ટ્રોના શરણાર્થીઓની પહેલી પસંદ રહી છે. પરંતુ શું ટર્કીનું તંત્ર આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને સમાવવા માટે, તેમની રોટી – કપડાં – મકાનની મૂળભૂત જરૂરિયાતો સાચવવા માટે સક્ષમ છે ખરું? વળી આ કંઇ એક દેશની વાત નથી. મ્યાનમારમાં માનવસંહાર અને એથનિક ક્લિન્ઝિંગનને પગલે રોહિંગ્યા મુસલમાનોએ ૨૦૧૭ના ઑગસ્ટ પછી બાંગ્લાદેશની વાટ પકડી. ૧.૧ મિલિયન કરતાં વધુ રોહિગ્યાઝ બાંગ્લાદેશમાં છે અને દર વર્ષે આ સંખ્યામાં નવાં જન્મનારાં બાળકોને કારણે વધારો પણ થતો રહે છે. મ્યાનમાર માનવસંહારને પાંચ વર્ષ થવા આવ્યાં છે પણ હજી સુધી રોહિંગ્યા શરણાર્થીઓનો પ્રશ્ન નથી ઉકેલી શકાયો. જાતભાતના પ્રયાસ કરાયા છે, પ્રસ્તાવો મુકાયા છે પણ ક્યાં ય ઉકેલ દેખાયો નથી. લાખો લોકો સ્થિરતા અને સલામતી વગર, ભવિષ્ય અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા વગર જીવી રહ્યાં છે.

આ તરફ પોલેન્ડની વાત કરીએ તો યુક્રેનથી પોલેન્ડ પહોંચી સરહદ પાર કરી ચૂકેલોનો આંકડો બહુ મોટો છે.  ગયા શનિવારે એક જ દિવસમાં ૧ લાખ ૨૯ હજાર લોકોએ સરહદ પાર કરી હતી. અત્યાર સુધીમાં આ આંકડો ૯ લાખ ૨૨ હજારે પહોંચ્યો છે. બોમ્બ ધડાકાના અવાજો વચ્ચે બંકરમાં બેસી રહેવા કરતાં જીવ બચાવવા બીજે ચાલ્યા જવામાં લોકોને ભલાઇ લાગે એમાં કંઇ ખોટું નથી. યુક્રેનિયન્સ સ્લોવાકિયા, હંગેરી અને ઉત્તર રોમાનિયા સુધી પણ સલામતીથી પહોંચ્યા છે.

ભાગલા, યુદ્ધ, આર્થિક અવગણના, ભૌગલિક પરિસ્થિતિ જેવું કેટલુંય શરણાર્થીઓની સમસ્યાઓ વધારે છે. જે રાષ્ટ્રમાં તેઓ આશરો લે છે તે રાષ્ટ્રને રાજનૈતિક, સામાજિક અને આર્થિક સ્તરે બેવડ વળી જવું પડતું હોય છે. સત્તાના મોહમાં જેની પર સત્તા કરવાની છે તે પ્રજાને નકરી હેરાનગતિ સિવાય સરકારો બીજું કંઇ નથી આપતી.

બાય ધી વેઃ

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી દુનિયા આખીના સમીકરણો અણધાર્યા બદલાયા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી કોઇ પણ યુરોપિયન દેશ પર થયેલો આ સૌથી મોટો હુમલો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આનાથી વધુ ભડકે બળતો પ્રશ્ન કોઇ જ નથી. આ ભડકાને દાવાનળ બનતા જરા ય વાર લાગે તેમ નથી અને તેની સાથે જ શરણાર્થીઓની સમસ્યા વધુને વધુ મોટી થતી જશે. આર્થિક યુદ્ધ પણ વધુ આકરું થતું જશે. મૂળિયાં સોતાં ઉખડી જઇને લાચારીમાં જીવાતી જિંદગીઓ આગામી પેઢીઓને સલામતી શું છે તે ક્યારે ય પણ સમજાવી શકશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  13 માર્ચ 2022

Loading

...102030...1,6041,6051,6061,607...1,6101,6201,630...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved