Opinion Magazine
Number of visits: 9570891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તા ભોગવે એ શું હિંદુરાષ્ટૃ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|13 February 2022

તમે ટ્રેડ્સ (Trads) અને રાઈતાઝ (Raitas) વિષે કાંઈ સાંભળ્યું છે? આ શું છે એ વિષે તમે કાંઈ ન જાણતા હોય તો જાણી લેવું જરૂરી છે. ખાસ કરીને હિન્દુત્વવાદીઓએ આ જાણી લેવું ખાસ જરૂરી છે.

ટ્રેડ્સ અને રાઈતાઝ હિન્દુત્વવાદીઓનાં બે ધડા છે. ટ્રેડ્સ એવા હિંદુઓ છે જે પોતાને ટ્રેડીશનાલીસ્ટ એટલે કે પરંપરાવાદી તરીકે ઓળખાવે છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમના સમર્થક હિન્દુત્વવાદીઓને રાઈતાઝ તરીકે ઓળખાવે છે. રાઈતાઝ એટલે કે (right-wing Hindutvawadis) અર્થાત્ જમણેરી હિન્દુત્વવાદીઓ. હિન્દી ભાષામાં ‘ઇસને રાયતા ફેલા દિયા’ એવો નિંદાવાચક વાક્યપ્રયોગ કરવામાં આવે છે એ તો તમે જાણતા હશો. ટ્રેડ્સના મતે  રાયતાઝ હિન્દુત્વવાદીઓની એવી જમાત છે જે સાચવીને ચાલે છે, જે પોચટ છે, જે આક્રમક અને કઠોર બનતા ડરે છે, જે સત્તાલક્ષી છે અને હિન્દુત્વવાદી થઈને હિંદુઓના જ એક વર્ગના મત ગુમાવવાથી ડરે છે, વગેરે. તેમનો સૌથી મોટો આરોપ એ છે કે નરેન્દ્ર મોદી બ્રેન્ડ હિંદુરાષ્ટ્ર મુસલમાનોને ડરાવી તેમ જ દબાવી રાખવામાં અને હિંદુઓને ‘આપણે પણ કાંઈક છીએ’ એનો અહેસાસ કરાવવામાં ચરિતાર્થ થઈ જાય છે. મુસલમાનોને ડરાવીને અને હિંદુઓને પોરસાવીને તેઓ સત્તા ભોગવે છે.

ટ્રેડ્સ કહે છે કે હિંદુઓનું શાસન અને હિંદુઓનું માથાભરેપણું એ હિંદુરાષ્ટ્ર નથી. સાચું હિંદુરાષ્ટ્ર ત્યારે સ્થાપાશે જ્યારે હિંદુઓની પારંપારિક વ્યવસ્થા ફરી લાગુ કરવામાં આવશે. સનાતન ધર્મે ચીંધેલો માર્ગ અપનાવવામાં આવશે. ટ્રેડ્સ અને રાઈતાઝ વચ્ચે ફરક એ છે કે રાઈતાઝ હિંદુઓની મહાનતાના પાઠ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ભણીને ધન્યતાનો અનુભવ કરે છે, જ્યારે ટ્રેડ્સ એ ઇતિહાસને વર્તમાનમાં પાછો જીવતો કરવા માગે છે. તેઓ માને છે કે સનાતન ધર્મ આધારિત હિંદુરાષ્ટ્ર સ્થાપવામાં માત્ર મુસલમાન આડખીલીરૂપ નથી; સામાજિક ન્યાય અને સમાનતાની માગણી કરતાં દલિતો (જેમને તેઓ ભીમતાઝ તરીકે ઓળખાવે છે), ઉદારમતવાદી હિંદુઓ, લૈંગિક સમાનતા અને ન્યાયની વાતો કરનારી નારીવાદી હિંદુ સ્ત્રીઓ અને સત્તાકાંક્ષી નરેન્દ્ર મોદી જેવા હિન્દુત્વવાદીઓ પણ પણ આડખીલીરૂપ છે.

આ વાંચીને એમ નહીં માનતા કે ટ્રેડ્સ ધોતિયાં પહેરતાં હશે, તેમનાં કપાળે તિલક હશે અને શીખાધારી હશે. ના, તેઓ વિચારો છોડીને દરેક અર્થમાં આધુનિક (જો તેને આધુનિકતા કહેવાતી હોય તો) છે. તેઓ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે, તેઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે, ફૅક એકાઉન્ટ્સ ધરાવે છે, ‘બુલ્લી બાઈ’ જેવી ઍપ તૈયાર કરે છે, ‘ભીમતાસ’, ‘કોમીઝ’, ‘લિબ્ઝ’, ‘મૌલાનામોદી’ જેવા હેશટેગના લેબલ ચલણી કરે છે, ઠઠ્ઠા કરનારા કાર્ટૂનો અને કેરીકેચર બનાવે છે. માત્ર દિમાગથી પાછળ છે, બાકી દરેક રીતે સમય સાથે અથવા સમય કરતાં આગળ છે.

હવે જો તમે હિન્દુત્વવાદી હો તો કહો કે તમે કોની સાથે છો? ટ્રેડ્સ સાથે છો કે પછી ટ્રેડ્સ જેને રાઈતાઝ તરીકે ઓળખાવે છે એવા રાયતા છો? ટ્રેડ્સનો મુદ્દો તો બિલકુલ સાચો છે કે મુસલમાનોને ડરાવી-દબાવી રાખીને કેવળ હિંદુઓનાં માથાભારેપણાં દ્વારા હિંદુ સર્વોપરિતાનો અહેસાસ અનુભવે અને એવો અહેસાસ કરાવનારા એના દ્વારા સત્તા ભોગવે એ શું હિંદુરાષ્ટ્ર છે? એ તો સત્તા માટેનું હિંદુ રાજકારણ થયું, હિંદુરાષ્ટ્ર તો જુદી જ વાત છે. સાચા હિન્દુત્વવાદીને હિંદુરાષ્ટ્રથી ઓછું કશું ન ખપે. હિન્દુત્વવાદી હોવા છતાં જો તમને ટ્રેડ્સની દલીલો ગળે ન ઉતરતી હોય તો તમારી પાસે વળતી દલીલો હોવી જ જોઈએ.

અને જો વળતી દલીલ ન હોય તો? તો આફતથી ઓછું કાંઈ ન હોય!

એ વાત સમજવા માટે ૭૫ વરસ સુધી સમયને રિવાઈન્ડ કરવો પડશે, જ્યારે પાકિસ્તાનની સ્થાપના થઈ હતી. નવા સ્થપાયેલા પાકિસ્તાનના ટ્રેડ્સ પ્રકારના મુસલમાનોએ મહમ્મદ અલી ઝીણાને સવાલ પૂછ્યો હતો કે મુસલમાન માટે પાકિસ્તાનની રચના કરવામાં આવી છે ને, તો ઇસ્લામની બાદબાકી કરીને મુસલમાનની વ્યાખ્યા કરી બતાવો? તેમણે સવાલ પૂછ્યો હતો કે હિંદુઓથી અલગ થઈને મુસ્લિમ બહુમતી દેશની સ્થાપના તમે સહેલાઈથી સત્તા ભોગવી શકાય એ માટે કરી છે કે પછી મુસલમાનના કલ્યાણ માટે? મુસલમાનનું કલ્યાણ તો ઇસ્લામનિષ્ઠામાં છે અને માટે પાકિસ્તાન દરેક અર્થમાં ઇસ્લામિક દેશ બનવો જોઈએ. તેમણે સવાલ પૂછ્યો હતો કે પાકિસ્તાનમાં હિંદુ હાંસિયામાં હોય, ઓશિયાળો હોય અને મુસલમાનનો હાથ ઉપર હોય એવી આભાસી સર્વોપરિતા માટે પાકિસ્તાનની સ્થાપના કરવામાં આવી છે કે મુસલમાનને ખરા અર્થમાં સમર્થ બનાવવા માટે? મુસલમાન માત્ર ઇસ્લામના માર્ગે જ સમર્થ થઈ શકે અને જો સેક્યુલર માર્ગે મુસલમાન સમર્થ થઈ શકતો હોત તો અવિભાજિત ભારતમાં હિંદુની સાથે મુસલમાન પણ સમર્થ થઈ શક્યો હોત, એને માટે મુસલમાનનાં કલ્યાણનાં નામે અલગ દેશ સ્થાપવાની ક્યાં જરૂર પડી? તેમણે એવો પણ સવાલ પૂછ્યો હતો કે તમારા રાજકારણના કેન્દ્રમાં મુસલમાન છે કે પછી સત્તા?

મહમ્મદ અલી ઝીણા પાસે એ સમયના પાકિસ્તાની ટ્રેડ્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ નહોતા. જો ગળે ઉતરે એવા જવાબ હોત તો પાકિસ્તાનનો ઇતિહાસ જુદો હોત. સાચી વાત તો એ હતી કે માત્ર સત્તા ભોગવવા માટે ઝીણા અને અન્ય મુસલમાન નેતાઓએ મુસ્લિમ કોમવાદી રાજકારણ કરીને પાકિસ્તાન મેળવ્યું હતું, તેને ઇસ્લામ સાથે કોઈ સંબંધ નહોતો. આ જ વાત સંઘપરિવારને પણ લાગુ પડે છે. તેઓ સત્તા માટે હિંદુ કોમવાદી રાજકારણ કરી રહ્યા છે, બાકી તેને હિંદુ ધર્મ કે પરંપરા સાથે કોઈ લેવાદેવા નથી.

પણ સમસ્યા એ છે કે કોમવાદ એક દિવસ મૂળભૂતવાદને જન્મ આપે છે. અનિવાર્યપણે. ૭૫ વરસ પહેલાં, પાકિસ્તાનના જન્મ સાથે જ પાકિસ્તાનમાં મૂળભૂતવાદનાં બીજ રોપાયાં અને તેનું પરિણામ આપણી સામે છે. ધીરેધીરે સત્તા માટે કોમવાદી રાજકારણ કરનારાઓના હાથમાંથી પાકિસ્તાન સરકી ગયું અને પાકિસ્તાની મુસલમાનો ટ્રેડ્સને ત્રાજવે તોળાવા લાગ્યા. તેમણે લિબ્સ, કોમિઝ, ભીમતાસ (શિયા અને અહમદિયા મુસલમાનો ત્યાંના ટ્રેડ્સ માટે ભીમતાસ છે) અને નારીવાદી મહિલાઓને તેમની જગ્યા બતાવવાનું શરૂ કર્યું. ઇસ્લામિક રાષ્ટ્રની સ્થાપનામાં આ બધા અડચણરૂપ છે. આજે પાકિસ્તાનમાં મુસલમાન મુસલમાનને મારી રહ્યાં છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ફેબ્રુઆરી 2022

Loading

હિજાબ અને ભગવોઃ ચૂંટણી ટાણે ધર્મનાં રાજકારણનું તાપણું કરવા વપરાયેલા ચકમક પથ્થર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 February 2022

પહેરવેશ કોઇને પ્રગતિશીલ કે પછાત નથી બનાવતો; માનસિકતા બનાવે છે એ વ્યાપક વિચારને સમજી વિદ્યાર્થીઓનો વિભાજન માટે ઉપયોગ ટાળીએ ત્યારે આપણે બહેતર બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનીએ

આ લખાઇ રહ્યું છે ત્યારે કર્ણાટક, હિજાબ, મુસ્કાન, ટોળાં, પ્રતિબંધ જેવું ઘણું બધું ચર્ચાઇ ચૂક્યું છે અને ચર્ચાઇ રહ્યું છે. બીજાં રાજ્યોમાં હિજાબ પર પ્રતિબંધની વાતો થઇ, પાછી ખેંચાઇ, રાજકીય ટિપ્પણીઓ આવી અને ઊહાપોહ હજી ચાલુ છે.

ગયા મહિને કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાને હિજાબ પહેરીની આવનારી મુસલમાન વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાની ના પાડી અને પછી તણખામાંથી ભડકો થયો. પહેલી વાત તો એ સમજવી રહી કે તણખો પણ ચકમક ઘસવાથી પેદા થાય છે અને ભડકો કરાવવાના ઇરાદાથી જ ચકમક ઘસાય એવી નોબત ખડી કરાય છે. પ્રજાસત્તાક દિવસે બંધારણની વાતો કરીને ફાંકા મારનારાઓએ બંધારણનો એક ફકરો પણ નહીં વાંચ્યો હોય કારણ કે એવું હોત તો ‘બિનસાંપ્રદાયિકતા’ની બહોળી વ્યાખ્યા તેમને ખબર હોત. બંધારણની કલમ 25(1)નો મૂળભૂત અર્થ એમ છે કે રાજ્યએ તેની ખાતરી કરવી જોઇએ કે વ્યક્તિ ચાહે તે ધર્મનું પાલન કરી શકે અને તેમાં કોઇ દખલ ન આવે. જો કે બધા મૂળભૂત અધિકારોની માફક ધર્મના પાલનના અધિકાર પર રાજ્ય ત્યારે પ્રતિબંધ મૂકી શકે જ્યારે તેના થકી સભ્યતા, નૈતિકતા, સ્વાસ્થ્ય અને રાજ્યનાં બીજા હિતને નુકસાન થતું હોય. ભારત આઝાદ થયું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં હિજાબ પહેરનારી વિદ્યાર્થિનીઓને કારણે આવાં કોઇ નુકસાન થયાં હોવાનું સાંભળ્યું નથી (ધિક્કારને ગળે વળગાડનારાઓએ વિદ્યાર્થિનીઓની વાત થાય છે એટલું ધ્યાનમાં રાખવું).

હિજાબના વિરોધની શરૂઆત થઇ જ્યારે ઉડુપીની સરકારી કૉલેજમાં છ છોકરીઓને હિજાબ પહેરવા બદલ ક્લાસમાં પ્રવેશ ન આપ્યો. વાત પહોંચી ઉડુપી ભા.જ.પા.ના ધારાસભ્ય સુધી અને પછી બેઠકો પછી ‘ડ્રેસ કૉડ’ અનુસરવાની વાત કરાઇ. હિજાબ પર પ્રતિબંધ મુકાતા આ છ છોકરીઓએ વિરોધ નોંધાવવા વર્ગ ન ભરવાનું નક્કી કર્યું, હાઇકોર્ટમાં અરજી કરી અને માનવ અધિકાર પંચનો સંપર્ક કર્યો. આ વિવાદને પગલે કુંડાપુરની સરકારી પ્રિ-યુનિવર્સિટી કૉલેજમાં કેટલાક છોકરાઓ ભગવા રંગની શાલ પહેરીને આવ્યા અને હિજાબ પહેરેલી છોકરીઓનો તેમણે વિરોધ કર્યો. આ હતી ચકમકથી તણખો પેદા કરવાની શરૂઆત. કર્ણાટકની બે કૉલેજમાં આ બબાલ થઇ તો ચિકમંગલુરમાં સરકારી કૉલેજના વિદ્યાર્થીઓએ ભૂરા રંગની શાલ પહેરી જય ભીમના નારા લગાડી મુસલમાન વિદ્યાર્થિનીઓને ટેકો આપ્યો. અહીં લઘુમતી, હાંસિયામાંના લોકોએ એક થવાની કોશિશ કરી અને બીજી તરફ સત્તાધીશોએ કૉલેજ માટે ડ્રેસકૉડનું દબાણ કર્યું. રાજકીય આંટીઘૂંટીઓને જરા બાજુમાં મૂકીએ તો આપણે ત્યાં શાળાઓમાં બાર વર્ષ સુધી યુનિફોર્મ પહેરનાર દરેક છોકરું કૉલેજમાં જવા થનગને છે કારણ કે ત્યાં યુનિફોર્મ કે ડ્રેસકૉડ નથી હોતો અને તેઓ પોતાની ઓળખ-પસંદ પ્રમાણે તૈયાર થઇ શકે. કૉલેજનું શિક્ષણ અને માહોલ વિદ્યાર્થીમાં સ્વતંત્રતાના વિચારને વિકસવાની છૂટ આપનારું જ હોવું જોઇએ. યુનિવર્સિટી કેમ્પસ અને કૉલેજિઝ હંમેશાંથી રાજકારણના અખાડા હોય છે કારણ કે ત્યાંથી ભવિષ્યના નેતાઓ ઘડાય છે. કોઇ જમણેરી હોય તો કોઇ ડાબેરી તો કોઇનો રાજકીય મત આ બન્નેની વચ્ચેનો હોય એવું પણ બને, પણ એ વિકસે તે માટેની મોકળાશ માટે કોઇ પણ તરફનાં કટ્ટરવાદી દબાણમાં ન વિકસી શકે.

અત્યારે આપણા દેશમાં જે થઇ રહ્યું છે તેની પાછળ નકરું રાજકારણ છે અને તેની આગ પર પરસ્પર વિરોધી વિચારધારાના બન્ને તરફના ખેલંદાઓ પોતાની રોટલી શેકી રહ્યાં છે. વળી ચૂંટણીનો માહોલ છે એટલે અત્યારે જ આ બધાં ગતકડાં કરવા જરૂરી છે. આ છોકરીઓ કંઇ તે દિવસે પહેલીવાર હિજાબ પહેરીને તો કૉલેજ નહીં ગઇ હોય? એ દિવસે અચાનક જ એવું તે શું થઇ ગયું કે વાત વણસી ગઇ અને હિજાબ સામે વાંધો પડ્યો? કૉલેજને તાત્કાલિક નવા નિયમો બનાવવાની શું જરૂર પડી? નવા નિયમો લાગુ કરાય તો વિદ્યાર્થીઓને તે જણાવવાની કોઇ યોગ્ય પદ્ધતિ હોય છે કે તે અચાનક જ જાહેર કરી દેવાય છે? તમને ખબર જ હશે કે વિદેશમાં શીખોને પાઘડી ન પહેરવા દેવાના મુદ્દે વિવાદ થયા છે અને જ્યારે શીખો પોતાના હક માટે લડ્યા અને જીત્યા છે ત્યારે આપણે પણ ખુશ થયા છીએ. કિરપાણ કૉલેજમાં ન લઇ જવા દેવાય, સમજી શકાય પણ કડું અને પાઘડી તેમની સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મનો એવો ભાગ છે જેનાથી બીજા કોઇને નુકસાન નથી થતું. હું જે સ્કૂલમાં ભણી ત્યાં મને યાદ છે કે અમુક વિદ્યાર્થીઓ દેરાસર જઇને આવે તો પીળો ચાંદલો કર્યો હોય, કોઇ સ્વામીનારાયણનો ચાંદલો પણ કરતા, અમુક વિદ્યાર્થીઓ જનોઇ પહેરતા અને તેમનો ક્યારે ય કોઇ વિરોધ નહોતો થયો. હા છોકરીઓને શણગારના ભાગ રૂપે ચાંદલા કરવાની ના પડાતી પણ ધાર્મિક માન્યતાઓ પર પ્રહાર ક્યારે ય નહોતો થયો. સ્કૂલમાં જ ગવડાવતા કે ‘મઝબહ નહીં સિખાતા આપસ મેં બેર રખના’ પણ માળું હવે બધે અવળી ગંગા ચાલી છે. આપણને ગમે કે ન ગમે પણ વાસ્તિવકતા એ છે કે ભાગલા પાડો અને રાજ કરો-વાળું અંગ્રેજોનું ગણિત આપણા સત્તાધીશોને આજે પણ માફક આવે છે અને ખાસ કરીને ચૂંટણી ટાણે તો એ હાથવગું હથિયાર બની જાય છે. આ કોઇ એક પક્ષની વાત નથી, બધાં ખેલાડીઓ આ સરકસમાં કૂદી પડે છે અને જેના ઠેકડામાં દમ હોય, જેની પાસે વધારે સત્તા હોય એનો ઘોંઘાટ વધુ મોટો હોય છે.

શિક્ષણ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે હોય છે, તેમનો હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે નહીં. વિદ્યાર્થીઓમાં જ વિભાજન થઇ રહ્યું છે. હિજાબ પહેરેલી એક છોકરી સામે ભગવી શાલ ઓઢેલા છોકરાઓનું ટોળું કેટલું બેહૂદું લાગતું હતું. હિજાબ તેની સભ્યતાનો હિસ્સો છે. શહેરોમાં એવી મુસલમાન છોકરીઓ પણ છે જેમણે ક્યારે ય હિજાબ નથી પહેર્યો – ભલે તે તેમના ધર્મની નિશાની છે – આ તેમની અંગત પસંદગી છે. હિંદુમાં પણ એવી સ્ત્રીઓ કે યુવાન છોકરીઓ છે જેમાંથી કેટલીકને માથે ઓઢવાનું ગમે છે તો કેટલીક નથી ઓઢતી – તે તેમની સભ્યતા, જે શહેર, ગામ કે કુટુંબનો તે હિસ્સો છે તે પ્રમાણે અપનાવે છે –  વળી આ માથે ઓઢવું હિંદુ ધર્મની ઓળખ નથી. પસંદગી પ્રમાણેનો પહેરવેશ સ્વતંત્ર, બિનસાંપ્રદાયિક ભારત દેશના બંધારણનો હિસ્સો છે. પહેરવેશ કોઇને પ્રગતિશીલ કે પછાત નથી બનાવતો, માનસિકતા બનાવે છે. હિજાબ પહેરેલી છોકરીઓનો શિક્ષણનો હક છીનવી લેવાનું પગલું પછાત છે કે પ્રગતિશીલ એ તમને સારી પેઠે સમજો છો.

બાય ધી વેઃ 

વિશ્વના અમુક દેશોમાં હિજાબ, નકાબ કે બુરખા પર નિયંત્રણ છે, પણ તેનો સંબંધ સુરક્ષા સાથે છે, ધર્મ સાથે નહીં. કેમરૂનમાં બુરખા પહેરેલી સ્ત્રીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો, શ્રીલંકામાં પણ આતંકી હુમલા પછી પ્રતિબંધ મુકાયો, ચીનમાં તો ધાર્મિકતા છતી કરતા કોઇપણ પ્રકારના પોશાક પર શાળા અને સરકારી કચેરીઓમાં નિષેધ છે, આવો જ નિયમ ફ્રાંસમાં પણ છે અને નેધરલેન્ડમાં પણ છે. આ તમામ રાષ્ટ્રોમાં વાત સુરક્ષાની છે, ધર્મંની નથી. વળી આ રાષ્ટ્રો  પહેલેથી જ ભારત જેવા ‘વિવિધતામાં એકતા’ પ્રકારના છે એવું પણ નથી. બલ્ગેરિયા, રશિયા, બેલ્જિયમ બધા દેશોમાં ચહેરો ઢંકાય તેવા પહેરવેશને લઇને અમૂક નિયમો છે જે આતંકવાદના ફેલાવા પછી છેલ્લા દસ – પંદર વર્ષમાં લાગુ કરાયા છે. ઇજીપ્ત અને સિરિયા જેવા મુસલમાન દેશોમાં પણ ચહેરો પૂરેપૂરો ઢાંકવાની મનાઇ છે. ભારતની વાત કરીએ તો એક રાષ્ટ્ર તરીકે આપણે ધિક્કારના રાજકારણની ઉપર ઊઠવું પડશે. સત્તા હાથમાં આવે પછી ચકમક પથ્થરો વાપરી તણખામાંથી ભડકો કરાવનારા રાજકારણીઓ આ પથ્થરો ખિસ્સામાં સંતાડી દેશે. રામ અને અલ્હાના નામનો ઉપયોગ નારા માટે કરનારાઓ થોડો વખત મળેલી વાઇરલ સ્પેસમાંથી બહાર ધકેલાઇ જશે. ‘ખુદા કે લિયે’ – એક પાકિસ્તાની ફિલ્મમાં નસીરૂદ્દીન શાહના પાત્રનો એક સંવાદ છે – દીન મેં દાઢી હૈ, દાઢી મેં દીન નહીં – એટલે કે ધર્મમાં દાઢીની માંગ છે પણ તેનો અર્થ એમ નથી કે જે બધા દાઢી રાખે છે તે ધાર્મિક છે. ધાર્મિક અને કટ્ટરવાદી શબ્દોનો ભેદ આપણે જાણવો રહ્યો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  13 ફેબ્રુઆરી 2022

Loading

મહેશ દવે : એ ગુજરાતી લેખક, જે સાંપ્રદાયિક દમન અને લોકોના અધિકારો માટે સતત સક્રિય રહેતા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 February 2022

સદ્દગત મહેશ દવે નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક અને સંપાદક હોવાની સાથે કર્મશીલતાનો પાસ ધરાવતા નાગરિક હતા. નાગરિક સમાજના ઉપક્રમોમાં તેમની સક્રિયતાની કેટલીક યાદો છે.

2 ફેબ્રુઆરી 2022માં 90 વર્ષની વયે તેમનું અવસાન થયું છે.

અમદાવાદમાં 1995થી પંદરેક વર્ષ દરમિયાન પ્રમાણમાં ઓછાં નિયંત્રણો હેઠળ વિરોધપ્રદર્શનો થઈ શકતાં હતાં. તેના અનેક કાર્યક્રમોમાં મહેશભાઈ જોડાતા.

અમદાવાદના મીઠાખળી વિસ્તારની મ્યુનિસિપલ શાળા ખાનગી સંચાલકના હાથમાં જતી બચાવવા માટે ત્યાંની નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરથી જે આંદોલન ચાલ્યું, એ સમયથી મહેશભાઈની સક્રિયતા આ લખનારે જોઈ છે.

શિક્ષણનાં ખાનગીકરણ અથવા સ્વનિર્ભર શિક્ષણવ્યવસ્થા સામે તેમણે વારંવાર લખ્યું હતું. 'શિક્ષણ બચાઓ સમિતિ' ગુજરાતમાં યોજેલાં સભા-સંમેલનોમાં એ વક્તવ્યો આપ્યાં હતાં.

વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટસના એક વિદ્યાર્થીએ કરેલા ચિત્ર નિમિત્તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના બચાવમાં કે પછીના વર્ષે કૉમન યુનિવર્સિટી ઍક્ટના વિરોધ માટેની સભાઓમાં તેમનો હંમેશાં ટેકો રહેતો.

એમની વધતી ઉંમરે પણ માનવ અધિકાર દિનના અને બીજા કેટલાં ય ધરણાં-દેખાવોમાં તેમ જ મીઠાખળીના બગીચામાં સેક્યુલર લોકશાહી આંદોલનના ઉપક્રમે યોજાતાં નવા વર્ષના સ્નેહમિલનમાં પણ મહેશભાઈ અચૂક હાજર રહેતા.

ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપ અને રમખાણો દરમિયાન રાહત-પુનર્વસન-ન્યાય માટે નાગરિક પહેલ મંચ અને નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરથી જે કામ થતાં તેમાં પણ મહેશભાઈનો સહયોગ રહેતો.

એક નાગરિક પક્ષ ઊભો કરીને ચૂંટણી લડવાનો વિચાર પણ તેમણે કેટલાક સમવિચારીઓ સામે મૂક્યો હતો.

આ લખનારની છાપ એ પણ છે કે તેઓ જે પ્રતિષ્ઠિત 'ઇમેજ' પ્રકાશનગૃહમાં મહત્ત્વની જવાબદારી સંભાળતા હતા તેમાંથી છૂટા પડવાનું કારણ પણ 'ઇમેજ'માં પ્રવેશી રહેલો ભારતીય જનતા પક્ષ, અને એમાં ય નરેન્દ્ર મોદી તરફી ઝુકાવ હતો.

ત્યાર બાદ તેમણે પોતાનું 'સ્વમાન પ્રકાશન' શરૂ કર્યું અને તેની ઑફિસ આશ્રમ રોડ પરના સેલ્સ ઇન્ડિયાની પાછળના વિસ્તારમાં રાખી હતી.

દેશમાં વધતાં જતાં દમન, સાંપ્રદાયિકતા, બેરોજગારી, આપખુદશાહી સામે તેઓ સતત વ્યથિત રહેતા. અલબત્ત, તેમની અભિવ્યક્તિ હંમેશાં તેમના કંઈક તીણા અવાજમાં અને સંયત રહેતી. એક વર્ષે ગુજરાત સ્થાપના દિનની સંધ્યાએ રાજ્ય સરકારે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ પર શકિતપ્રદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.

એને સમાંતરે કેટલાંક સંગઠનોએ ગૂજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમમાં યોજ્યો હતો. મહેશભાઈ એમાં વક્તવ્ય આપતી વખતે દેશની દુર્દશા અંગે અત્યંત લાગણીવશ થઈ ગયા હતા.

એ કાર્યક્રમમાં તેમણે શેક્સપિયરના યથાર્થ રીતે પ્રસ્તુત નાટક 'જ્યુલિયસ સિઝર'માંથી પોતે અનુવાદિત કરેલાં અંશોનું નિમેષ દેસાઈના નાટ્યવૃંદ થકી, ઐતિહાસિક વેશભૂષા સાથે મંચન કરાવ્યું હતું. ભજવણી માટેનો ખર્ચ મહેશભાઈએ ઉઠાવ્યો હતો.

આવું જ તેમણે સાને ગુરુજીના અમર પુસ્તક 'શ્યામચી આઈ'માંથી ચૂંટેલા પ્રસંગોની ભજવણી વખતે કર્યું હતું. મહેશભાઈએ ખુદના 'સ્વમાન પ્રકાશને' બહાર પાડેલા 'શ્યામચી આઈ'ના અરુણા જાડેજાએ કરેલા અનુવાદના પ્રકાશન સમારંભમાં આ મંચન થયું હતું.

પ્રગતિશીલ વિચારોના કાયમી સમર્થક એવા મહેશભાઈએ 1981 અને 1985 એમ બંને અનામત વિરોધી આંદોલનો વખતે અનામતનીતિનું કાયદાકીય દૃષ્ટિએ અને મનોસામાજિક પૃથક્કરણ કરી તેની તરફેણ કરતી ત્રણ પુસ્તિકાઓ લખી હતી એવી માહિતી જાણીતા સામાજિક વિશ્લેષક ચંદુ મહેરિયા આપે છે.

તેમણે લખેલી 'પરિચય પુસ્તિકા'માં રૅડિકલ રાજકારણી રામ મનોહર લોહિયા પરની પુસ્તિકાનો સમાવેશ થાય છે. તેમણે જુલાઈ 2010માં 'રાઇટ ટુ એજ્યુકેશન'ની વિગતવાર માહિતી આપતું પુસ્તક 'શિક્ષણમાં નવક્રાન્તિનો અવસર' સ્વમાન પ્રકાશનમાંથી બહાર પાડ્યું હતું.

આ પુસ્તકનાં મુખપૃષ્ઠ પરથી તેના મહત્ત્વનો અંદાજ આવતો હતો, કારણ કે પોતાના એક હોદ્દાનો ક્યારે ય ઉલ્લેખ નહીં કરનારા મહેશભાઈએ તેમાં લેખક તરીકે પોતાના નામ નીચે લખ્યું હતું : 'પૂર્વ-ન્યાયમૂર્તિ', ગુજરાત રાજ્ય શિક્ષણ ટ્રિબ્યુનલ'.

મહેશભાઈ ઊંઝા જોડણીના પણ સમર્થક હતા. તેમનું સમર્થન કેટલું સક્રિય અને મક્કમ હતું તેનો દાખલો તેમણે જયંત ગાડીતની ગાંધીજી પરની બૃહદ્ નવલ 'સત્ય'નું પ્રકાશન કર્યું તેની પરથી મળે છે.

આ નવલકથા અતુલ ડોડિયાનાં અલગઅલગ આવરણચિત્રો સાથેના ચાર ખંડોના કુલ 1,111 પાનાંમાં છપાયેલી છે. ગાડીતને પુસ્તક ઊંઝા જોડણીમાં જ છપાવવું હતું. પણ એ માટે સંભવત: પ્રકાશકો વૈચારિક/વ્યાપારિક ભૂમિકાએ તૈયાર ન હતા.

મહેશ દવેએ આર્થિક જોખમ લીધું, આગોતરી યોજના જાહેર કરીને 'સત્ય'ના ખંડો પ્રસિદ્ધ કર્યા. નોંધપાત્ર વાત એ છે કે અરૂઢ જોડણીમાં મોટું પુસ્તક બહાર પાડવાના વ્યાવસાયિક કે વૈચારિક સાહસના દાવા કે હિરોઇઝમ તો બાજુ પર, મહેશભાઈએ પ્રકાશક તરીકે નોંધ સુધ્ધાં લખી નથી.

દરેક ખંડના ઊઘડતા શીર્ષક પાનાના છેડે, વચ્ચેના ભાગમાં સ્વમાન પ્રકાશનનું નામ છે અને તેની નીચે એક વાક્ય છે : 'લેખકના સૈદ્ધાંતિક આગ્રહને કારણે સમગ્ર ગ્રંથના ચારે ભાગ એક દીર્ઘ ઈ અને એક હ્રસ્વ ઉવાળી ઊંઝા જોડણીમાં છાપ્યા છે.'

જો કે ગાડીતસાહેબનાં પત્ની મંજુલાબહેનના શબ્દો હૃદયસ્પર્શી છે : 'લેખકને અંતિમ દિવસોમાં પુસ્તકના પ્રકાશનની ચિંતા હતી. પરંતુ પ્રકાશનનો ભાર ઉપાડીને, લેખકને સાંત્વના આપીને મહેશભાઈ દવેએ મોટું કામ કર્યું છે. જેમને ભરોસે માનવી દેહ છોડે એ ભરોસો આપનારાના અમે ખૂબ આભારી છીએ.'

જ્યારે સ્વમાન માટે 'ઇમેજ' હંમેશ માટે છોડી દીધું

ઇમેજ કૅપ્શન, મહેશ દવેનું પુસ્તક

નખશીખ સદગૃહસ્થ (a thorough gentleman) મહેશભાઈ સાથેનાં વ્યક્તિગત સંભારણાં ભાવુક બનાવે છે. ડૉ. પ્રકાશ આમટેની 'પ્રકાશવાટા' નામની મરાઠી આત્મકથાનો અનુવાદ 'પ્રકાશની પગડંદીઓ'ની પહેલી આવૃત્તિ સ્વમાન પ્રકાશને ઊલટભેર પ્રસિદ્ધ કરી તેનું ઋણ મારી પર છે.

'ઇમેજ' પ્રકાશનના આંબાવાડી ખાતે આવેલા પુસ્તકભંડાર-વત્તા-કાર્યાલયમાં મહેશભાઈ બેસતા. ત્યાં પુસ્તકો, પ્રૂફો, હસ્તપ્રતો, છબિઓની વચ્ચે બેસીને ચા પીતાં પીતાં તેમની સાથે દુનિયાભરની વાતો થતી.

પ્રકાશ આમટેનું મરાઠી પુસ્તક વાંચીને પૂરું કર્યું અને તેના વિશે તરત બીજા જ દિવસે મહેશભાઈને મેં હરખભેર વાત કરતાં કરતાં કહ્યું કે 'મને એમ થાય છે કે આનો અનુવાદ કરી જ નાખું'.

મહેશભાઈ દેશ-દુનિયાની બાબતે એકંદરે મહિતગાર રહેનાર મહેશભાઈ આમટે પરિવારના કામથી પરિચિત હતા જ. એટલે તરત એમણે કહ્યું : 'આપો ત્યારે, આપણે છાપીએ.'

એ વખતે એમણે 'ઇમેજ'ના સમાંતરે હરીફાઈ તરીકે નહીં, પણ સહજભાવે સંપૂર્ણપણે પોતાના હોય તેવા અલાયદા પ્રકાશન તરીકે 'સ્વમાન' નવું શરૂ કર્યું હતું, અને એ બંને પ્રકાશનગૃહો સંભાળતા હોય તેવો ગાળો હતો. એમણે મારી સામે પસંદગી મૂકી.

એ વખતે મારા મહેશભાઈ સાથેના પરિચયને ત્રણ-ચાર વર્ષ થઈ ગયાં હતાં. તેમની પ્રગતિશીલ વિચારસરણી અને સહૃદયતા મને ગમી ગયાં હતાં. એટલે મેં 'ઇમેજ' નહીં પણ 'સ્વમાન' પસંદ કર્યું, ને તે પછી તો તેમણે 'ઇમેજ' હંમેશ માટે છોડી દીધું.

હવે વાતો અને અનુવાદ માટેની અમારી બેઠકો સ્વમાનની ઑફિસમાં થતી. મહેશભાઈએ પ્રકાશક તરીકે પોતાનો હાથ સહેજે ય ઉપર રાખ્યા વિના લાક્ષણિક ઉમદા વર્તન અને સ્વચ્છ વ્યવહાર સાથે પુસ્તક પ્રસિદ્ધ કર્યું.

'પ્રકાશની પગદંડીઓ' અનુવાદના પ્રકાશન સમારંભ માટે, મારા નિમંત્રણની માન આપીને, ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા આમટે આવ્યાં હતાં. તેમનું વિમાનભાડું આપવાની મહેશભાઈએ આગ્રહપૂર્વક તૈયારી બતાવી હતી.

ઊંચી હોટલમાં તેમના નિવાસની વ્યવસ્થા કરવા પણ તેઓ તત્પર હતા. પણ આમટે દંપતીએ અમારા ઘરે અને ગૂજરાત વિદ્યાપીઠના અતિથિગૃહમાં રહેવાનું પસંદ કર્યું. તેમને વિમાનઘર પર આવકારવા મહેશભાઈ મને તેમની મોટરમાં લઈને ગયા હતા એટલું જ નહીં પણ એમણે એમની મોટર ત્રણેક દિવસ માટે ચાલક સહિત આમટે દંપતી માટે આપી દીધી હતી.

'પ્રકાશની પગદંડીઓ' પહેલાંનાં વર્ષોમાં મારી પાસે મહેશભાઈએ 'ઇમેજ'ના 'મારું પ્રિય પુસ્તક', 'ધરતીનો છેડો ઘર', 'મૈત્રીનો સૂર્ય' જેવાં સંપાદનોમાં લેખો લખાવ્યા હતા. એમનાં સમજ અને લેખનકૌશલ હું જાણતો, એટલે એમને મારા લેખો ગમતાં એ બાબત મને શાબાશી સમી લાગતી.

વળી, મારા લેખોમાં કાપકૂપ કરવાની કોઈ ચેષ્ટા એ કરતાં નહીં. માત્ર વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિઓના પરિચય લેખોના સંચય 'બહુરત્ના વસુંધરા'માં દરેક લેખની શબ્દમર્યાદા નક્કી હતી.

મારે જોતીરાવ ફુલે અને લોકમાન્ય ટિળક વિશે લખવાનું હતું. મેં લગભગ દોઢ ગણા શબ્દોમાં લખ્યું. મને એમ કે ચાલશે. પણ મહેશભાઈએ બહુ પ્રેમથી એ ન ચલાવ્યું.

મારી પાસે બે વખત લખાવ્યું ને પછી થોડું પોતે ટૂંકાવ્યું. એ વખતે મારામાં લેખનશિસ્ત ઓછી હતી. કૉલમ લખવાનું શરૂ થયું ન હતું. જે વિચારપત્રોમાં લખતો તેમનું સ્વરૂપ, સંપાદકોની ઉદારતા અને કંઈક અંશે મારા લખાણની ગુણવત્તાને કારણે મારાં લાંબાં લખાણો છપાતાં.

શબ્દમર્યાદામાં લખવાનો કદાચ પહેલવહેલો પાઠ મહેશભાઈ પાસેથી 'બહુરત્ના' નિમિત્તે મળ્યો.

હું એ પાઠ ભણ્યો તેમાં મારી નમ્રતા કરતાં સંપાદક તરીકે મહેશભાઈની લેખક પાસે કામ લેવાની મિત્રતાભરી કુનેહનો હિસ્સો વધારે હતો.

મહેશભાઈએ મને તેમનાં કેટલાં ય પુસ્તકો બહુ ભાવપૂર્વક ભેટ આપ્યાં છે. તે પુસ્તકો વિશે હું લખું એવી કોઈ અપેક્ષા વ્યક્ત ન થઈ જાય તેની તકેદારી રાખવી એ કદાચ તેમના વાગ્મિતા વિનાના સ્વમાની સ્વભાવનો હિસ્સો હતો.

તેમણે મને આપેલું પહેલું ભેટ પુસ્તક એટલે વાર્તાસંગ્રહ 'કેન્દ્રબિંદુ' જેમાંની બધી વાર્તાઓ મને ઘણી તાજગીસભર લાગી હતી. ત્યાર બાદ તેમણે મને અનેક પુસ્તકો ભેટ આપ્યાં. તેમનાં નામ વાંચતાં મહેશભાઈના લેખનના વૈવિધ્યનો પણ નિર્દેશ મળશે.

એ પુસ્તકો છે : રવીન્દ્રનાથનું મૌલિક ગુજરાતી જીવનચરિત્ર 'કવિતાનો સૂર્ય', તેમના જ જીવનને લગતું 'રવીન્દ્ર-ઑકામ્પો પત્રાવલી', કાવ્યાનુવાદોના સંચયો 'અનુરણન' અને 'અનુધ્વની', વિશ્વવિખ્યાત ફ્રેંચ નવલકથા 'લે મિઝરાબ્લ'નો તેમણે 'ગુનેગાર' નામે કરેલો ઠીક ઓછો જાણીતો સંક્ષેપ, 'પાંદડે પાંદડે' સંવેદનકથા શ્રેણીનાં ત્રણ પુસ્તકો અને મુલ્લા નસરુદ્દીન તેમ જ પુસ્તકોનાં ગામ હે-ઑન-વાય પરની પરિચય પુસ્તિકાઓ.

મહેશભાઈ વિશ્વનો ઇતિહાસ ગુજરાતીમાં લખ્યો છે જેની સામગ્રી 'ગુર્જર' પ્રકાશન પાસે છે એવી માહિતી રમેશ તન્નાએ તેમના અવસાન પછી ટૂંકા ગાળામાં અને વિસ્તારથી લખેલા અંજલિલેખમાં મળી.

થોડાંક વર્ષો પૂર્વે 'મહાભારત'ની કથા પણ તેમણે પોતાની રીતે લખવાની શરૂઆત કરી હતી અને તેનાં કમ્પોઝ કરેલાં પચીસેક પાનાં મને વાંચવા માટે મોકલ્યાં હતાં.

શાબાશી આપનારા અને વસમી મનસ્થિતિમાં નજર સામે રહેનારા વડીલોથી કોવિડને કારણે અનિચ્છાએ દૂર રહેવાનું આવ્યું. તેમાંથી જે હંમેશ માટે દૂર ચાલ્યાં ગયાં તેમાંના એક તે મહેશભાઈ દવે.

09 ફેબ્રુઆરી 2022

સૌજન્ય : બીબીસી ગુજરાતી : https://www.bbc.com/gujarati/india-60303020

Loading

...102030...1,6001,6011,6021,603...1,6101,6201,630...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved