Opinion Magazine
Number of visits: 9673624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી બંસીમાં …

રસદર્શનઃ દેવિકા ધ્રુવ|Opinion - Opinion|24 March 2022

૨૨મી માર્ચ, કવિ શ્રી સુંદરમ્‌ના જન્મદિવસ નિમિત્તે …

મારી બંસીમાં … 

કવિશ્રી 'સુંદરમ્‌'

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા. … મારી o

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. … મારી o

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. … મારી o

https://tahuko.com/?p=431

ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ્‌. ‘સુંદરમ્‌’ તેમનું ઉપનામ અને મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે, વિરાટની પગલીમાં પ્રભુદર્શન કરાવ્યું છે, તો પુષ્પ તણી પાંદડી પ્રકૃતિ સહિત પરમતત્ત્વની અદ્ભુત વાત પણ કરી છે, આવા મહાન કવિ સુંદરમ્‌ની કવિતા ખૂબ કર્ણમંજુલ અને મનોહારી છે.

‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા’થી શરૂઆત કરીને, જરાક રમતિયાળ રીતે ઊંચો અને અસામાન્ય વિષય આરંભ્યો છે અને તરત જ ‘મારી વીણાની વાણી જગાડી તું જા’ કહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા એના ઘટસ્ફોટની ભાગ્યે જ જરૂર રહે છે. એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની આધિવ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય, તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાંયે લેશ માત્ર દર્દનો સૂર સંભળાતો નથી. એટલું જ નહીં, ત્રણે અંતરા તો જુઓ :

ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે? એમ વિચારી કવિ, પાછા પોતે જ મઝાના ઉપાયો પણ સૂચવે છે. એક અતિ પ્રેમાળ માનુનીની જેમ ધીરે ધીરે ખભા ઉલાળી, ડોલતા ડોલતા, રીસાતા, રીઝાતા, મરકતા, સરકતા કહે છે કે,

‘ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.’

કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મક્તા અને કેટલી આબેહૂબ ચિત્રાત્મકતાથી ભરીભરી પંક્તિઓ છે ! પિયાનું સંબોધન કરી ઈશ્વરને પલાળવાની આ તે કેવી પ્રેમભરી પ્રયુક્તિ !

પછી બીજા અને ત્રીજા અંતરામાં એ જ સુંદર લયમાં નાગદમનની, શબરીની, નૈયાપારની વગેરે પ્રખ્યાત અને ચમત્કારિક વાર્તાઓની યાદ અપાવીને, શબ્દે શબ્દમાં મીઠાશ વેરીને ‘તારે તારવા હોય તો તું કોઈ પણ રીતે તારી જ શકે છે’, એવી પોતાની અંતરની શ્રદ્ધા વ્યક્ત કરી દીધી છે. અહીં કવિ ખુદ મથે છે, સ્વયંને જ સમજાવે છે અને સફળ પણ થાય છે. તેથી જ તો છેલ્લે ‘મનના માલિક તારી મોજના હલેસે, ફાવે ત્યાં એને હંકારી તું જા’ કહી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. સમર્પણની સાથે સાથે પોડિંચરીના આશ્રમના એક સાધકની સાચી અનુભૂતિનો રણકાર સંભળાય છે. કવિતા માત્ર નિજાનંદે લખાયેલી નથી તે પરખાય છે. સમાજને એક ઊંચો અને ગર્ભિત સંદેશ મળે છે કે, ફાવે ત્યાં હંકારાતી લાગતી આ હોડીને આખરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને, માલિક જ પાર પાડશે. સફળ જીવનની ચાવી સમું આ મનોબળ અને આત્મશ્રદ્ધા ખૂબ સહજ રીતે પ્રગટ થયાં છે; જે ભાવકના મનમાં દૃઢપણે અંકિત થઈ જાય છે.

આખાયે કાવ્યમાં શરૂઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ મળતો ગયો છે. કોઈ દુન્યવી કારણોસર શાંત અને અચેતન થયેલી શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષા અને અરજનો સ્પષ્ટ ભાવ લઈને કવિની કલમ આગળ ગતિ કરી રહી છે. લય, રૂપકો, સંકેતો, ચિત્રાત્મકતા, અલંકાર, ઉચિત શબ્દ-પ્રયોગો, ખળખળ વહેતાં ઝરણાં જેવો મઝાનો વર્ણાનુપ્રાસ અને આ બધાની વચ્ચે ભાવભર્યું કર્ણપ્રિય સંગીત જાણે ગુંજતું રહ્યું છે. સૃષ્ટિનાં સૌન્દર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે, પ્રિય પાત્રને જેણે સહરાની તરસથી ઝંખ્યું છે અને પરમ તત્ત્વને જેણે સમર્પિત થઈ વાંછ્યું છે, એ જ વ્યક્તિ આવી ઉત્તમ, કાવ્યત્વથી ભરીભરી કલાત્મક રચના સાહિત્ય-જગતને આપી શકે.

વાંચતાં વાંચતાં અને વાંચી લીધાં પછી પણ ગણગણવું ગમે તેવાં મઝાનાં આ ગીત / કાવ્યના સર્જકને અને તેમના કલામય કવિકર્મને સો સો સલામ. 

http://devikadhruva.wordpress.com  

Loading

ભારતમાં ગાંધીજીને થયેલી પ્રથમ જેલના સો વર્ષ …

કિરણ કાપુરે|Gandhiana|24 March 2022


 દેશની આઝાદીની લડતમાં જેલ જવું સામાન્ય હતું, એટલું સામાન્ય કે જેલજીવનને તત્કાલીન આગેવાનોએ સહજતાથી સ્વીકારી લીધું હતું. ગાંધીજીને દેશની આઝાદીની લડત દરમિયાન દસેક વાર જેલમાં જવાનું થયું. ઘણી વાર તો આમાં બેથી વધુ વર્ષની સજા તેમણે ભોગવી. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ, પહેલીવહેલી વાર ગાંધીજીને જેલ 1922માં થઈ. તે અગાઉ 1919માં તેમની પંજાબમાં ન પ્રવેશવા ધરપકડ કરવામાં આવી હતી; પરંતુ તેમની પર વિધિવત્ રીતે કેસ ચાલ્યો હોય અને લાંબા મુદ્દતની સજા થઈ હોય તે વર્ષ 1922નું. આ જ મહિનામાં તેમના પ્રથમ કારાવાસને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

આ ઐતિહાસિક ઘટનાની શરૂઆત તે વખતના અસહકાર આંદોલનથી થઈ હતી અને તે પછી તેમાં ખિલાફત આંદોલન, અંગ્રેજ સરકારના પંજાબના અત્યાચાર અને અન્ય અનેક ઘટનાઓ ઉમેરાતી ગઈ. ભારતમાં આવ્યા બાદ ગાંધીજીનું દેશવ્યાપી આંદોલન અસહકાર હતું. આ દરમિયાન ગાંધીજીએ લખેલા લેખો સંદર્ભે એમનું અમદાવાદના જિલ્લા મેજિસ્ટ્રેટે વૉરંટ કાઢ્યું. અને અમદાવાદમાં તેમની 10 માર્ચના રોજ રાતે દસ વાગ્યે ધરપકડ કરવામાં આવી. 11મી તારીખે તેમને સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા અને ત્રણ લેખો દ્વારા રાજદ્રોહ ફેલાવ્યો છે એ મતલબનું તહોમતનામું મૂકવામાં આવ્યું. આ ત્રણ લેખો હતા : ‘રાજદ્રોહ’, ‘વાઇસરૉયની મૂંઝવણ અને ‘હુંકાર’.

18મી માર્ચે અમદાવાદના સરકીટ હાઉસ પર આ કેસ ચાલ્યો અને તેમાં કેસની શરૂઆત આ રીતે થઈ : “બરોબર બારને ટકોરે સેશન્સ જજ મિ. બ્રૂમફિલ્ડ પૂર રુબાબમાં આવી પહોંચ્યા. મુકદ્દમો શરૂ થયો. રજિસ્ટ્રાર મિ. ઠાકોરે મહાત્માજી અને તેમના સાથી ભાઈ શંકરલાલ સામેનું તહોમતપત્રક ખડા સૂરમાં વાંચી સંભળાવ્યું. લોકોને यंग इन्डियाના ત્રણ રાજદ્રોહી લેખો કોર્ટની વચ્ચે ફરી એક વાર નિરાંતે સાંભળવાની તક મળી.” જજે તહોમત સમજાવ્યું અને તે ગાંધીજીએ પછી લેખી એકરાર વાંચી સંભળાવ્યો. તેમાં સજા કબૂલ કરતાં એક ઠેકાણે તેઓ કહે છે : “હું દયા માંગતો નથી. તેમ મારા ગુનાને હળવા ગણવો એવી પણ દલીલ કરવા ઇચ્છતો નથી. માટે કાયદાની દૃષ્ટિએ જે ઇરાદાપૂર્વક ગુનો ગણાય, પણ મારે મન તો જે દરેક શહેરીની એક ઊંચામાં ઊંચી ફરજ છે તે માટે સખતમાં સખત સજા માગી લેવા અને તેને આનંદથી તાબે થવા હું અહીં બેઠો છું. મારા લેખી એકરારમાં હું જણાવવાનો છું તેમ હે ન્યાયાધીશ! તમારે માટે બે જ માર્ગ ખુલ્લા છે. જો તમને લાગે કે જે કાયદાનો તમારે અમલ કરવાનો છે તે એક પાપી વસ્તુ છે અને ખરું જોતાં હું નિર્દોષ છું તો તમે તમારી જગાનું રાજીનામું આપો અને એમ કરીને પાપનો સંગ તજો; પણ જો તમને એમ લાગે કે જે કાયદાનો તમે અમલ કરો છો અને જે પદ્ધતિ ચલાવવામાં મદદ કરો છો તે સારી વસ્તુ છે અને તેથી મારી પ્રવૃત્તિ પ્રજાહિતને નુકસાનકર્તા છે તો કડકમાં કડક સજા ફરમાવો.”

આ લેખી એકરારમાં ગાંધીજીએ પોતાનો પૂરો પક્ષ મૂકી આપ્યો છે અને તે પછી જજ બ્રૂમફિલ્ડે કેસનો ચૂકાદો આપ્યો, તેમાં તેઓ કહે છે : “મિ. ગાંધી તમે આરોપનો સ્વીકાર કરી એક રીતે મારું કામ સરળ કરી આપ્યું છે, પણ તમને કેટલી સજા આપવી એ નક્કી કરવાનું કામ સહેલું નથી. મને નથી લાગતું કે આ દેશમાં કોઈ પણ જજ આગળ આટલું અઘરું કામ કોઈ વાર આવી પડ્યું હોય. … તમે જુદી જ કોટિના પુરુષ છો તે તરફ મારાથી દુર્લક્ષ કરાય એમ નથી. તમારા કરોડો દેશબંધુઓની દૃષ્ટિમાં તમે મહાન દેશભક્ત છો, મહાન નેતા છો અને એ વસ્તુ તરફ પણ દુર્લક્ષ કરાય તેમ નથી.”

તે પછી જજ સજા સુનાવતાં કહે છે : “સજા કરવાની બાબતમાં બારેક વરસની વાત પર ચાલેલા આવા જ બીજા એક મુકદ્દમાને હું અનુસરવા માંગુ છું. મિ. બાળ ગંગાધર ટિળકને આ જ કલમની રૂએ સજા થયેલી. તે વખતે છેવટે છ વરસની આસાનકેદની સજા તેમને ભોગવવી પડેલી. મને ખાતરી છે કે જો હું તમને મિ. ટિળકની હારમાં બેસાડું તો તેમાં તમને અયોગ્ય નહીં લાગે. તેથી તમને દરેક ગુનાને માટે બબ્બે વરસની આસાનકેદ, એટલે કે બધી મળીને છ વરસની આસાનકેદની સજા ફરમાવવાની મને મારી ફરજ લાગે છે. આ સજા ફરમાવતાં હું એટલું ઉમેરવા માંગું છું કે ભવિષ્યમાં જો હિંદુસ્તાનનું રાજદ્વારી વાતાવરણ શમે અને સરકાર તમારી સજા ઓછી કરી તમને છોડી મેલી શકે તો તે દિવસે મારા જેટલો આનંદ બીજા કોઈને નહીં થાય.”

આ રીતે ‘ધ ગ્રેટ ટ્રાયલ’ થઈ. સજા થયા પછી પણ ગાંધીજીએ પોતાની રચનાત્મક કાર્યની નિર્ધારિત કરેલી ભૂમિકાએ જ આગળ વધવાનું નિશ્ચિત કર્યું. ફેબ્રુઆરી, 1922માં ચૌરીચૌરીમાં લોકોએ આચરેલી હિંસા પછી અસહકારનું આંદોલન થંભાવી દેવામાં આવ્યું હતું. આ પછી ગાંધીજીનું મુખ્ય ધ્યેય રચનાત્મક કાર્યક્રમ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. રચનાત્મક કાર્યક્રમમાં રાષ્ટ્રને પાયામાંથી ઘડતર કરવાની ગાંધીજીની નેમ હતી. તેમાં કોમીએકતા, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી, ખાદી, બીજા ગ્રામોદ્યોગ, ગામસફાઈ, પાયાની કેળવણી, પ્રૌઢશિક્ષણ એવા અઢાર કાર્યક્રમોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અને એટલે જ અદાલતમાંથી વિદાય લેતી વેળાએ ગાંધીજીએ કહ્યું : “ભારતવાસી શાંતિ જાળવે, અને દરેક પ્રયાસ કરીને શાંતિની રક્ષા કરે. કેવળ ખાદી પહેરે અને રેંટિયો કાંતે. લોકો જો મને છોડાવવા માગતા હોય તો શાંતિ દ્વારા જ છોડાવે. જો લોકો શાંતિ છોડી દેશે તો યાદ રાખજો કે હું જેલમાં રહેવાનું પસંદ કરીશ.”

જેલવાસ દરમિયાન પણ ગાંધીજીની પ્રવૃત્તિ સતત ચાલતી રહેતી, તેમાં મુખ્ય લખવા અને વાંચવાનું તેઓએ ખૂબ કર્યું છે. સાબરમતી જેલમાંથી તેઓ ભાણેજ મથુરદાસ ત્રિકમજીને લખેલાં પત્રમાં જણાવે છે : “મારી શાંતિનો પાર નથી. અહીં તો ઘર જ છે. હજુ તો જેલ જેવું કંઈ લાગતું જ નથી. પણ જ્યારે મળનારા આવતા બંધ થશે ને જેલનો કંઈક દાબ પણ આવશે ત્યારે હું વધારે શાંતિ ભોગવવાનો, એ તો ખચીત માનજો.” અન્ય એક મિત્ર રેવાશંકર ઝવેરીને પણ ગાંધીજીએ જેલમાંથી લખેલા પત્રોના શબ્દો છે : “હું તો ભારે શાંતિ ભોગવી રહ્યો છું.” આ જ દરમિયાન તેમણે બાળપોથી લખી હતી. આ બાળપોથી 1951માં પ્રકાશિત થઈ હતી. તે પછી તેમણે હકીમજી અજમલખાનને પત્ર દ્વારા સારું એવું લખાણ લખ્યું છે. આ પત્રમાં એક ઠેકાણે તેઓ લખે છે : “હું ત્રિકોણકાર ખંડમાં છું. એ ત્રિકોણની સૌથી લાંબી બાજુ પશ્ચિમે છે અને તે બાજુએ અગિયાર કોટડી છે. આ ચોગાનમાં મારો એક સાથી, મારા ધારવા પ્રમાણે, એક અરબ રાજકેદી છે. એને હિંદુસ્તાની આવડતું નથી અને દુર્ભાગ્યે મને અરબી નથી આવડતું, એટલે અમારો સંબંધ કેવળ સવારે એકબીજાને સલામ કરવા પૂરતો જ છે. … આખો ત્રિકોણ મારે માટે કસરત સારુ ખુલ્લો છે, અને મને કદાચ 140 ફૂટ જગ્યા મળી રહેતી હશે. હું પેલા દરવાજામાંથી દેખાતી ખુલ્લી જગ્યાની વાત કરી ગયો.” આમ, આબેહૂબ તેમની જગ્યાનું વર્ણન આ પત્રમાં કર્યું છે.

આ જેલવાસ દરમિયાન યરવડા જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખવાનો ક્રમ ગાંધીજીનો રહ્યો છે. તેમણે સુપરિન્ટેન્ડેન્ટને અહીંયા ખાસ્સાં એવા પત્ર લખ્યા છે. આ પત્રોમાં ગાંધીજી તેમને અલગ અલગ બાબતે ધ્યાન દોરી રહ્યા છે. 14 ઑક્ટોબરના રોજ લખાયેલા પત્રમાં તેઓ લખે છે : “मोर्डन रिव्यू પત્ર આપવાની સરકારે મને ના પાડી છે, તો તે સંબંધમાં હું જણાવવાની રજા લઉં છું કે ગઈ ત્રિમાસિક મુલાકાત વખતે મારી સ્ત્રીની સાથે આવેલા મિત્રોએ મને કહ્યું કે સરકારે તો એવું જાહેર કીધું છે કે કેદીઓને સામયિક પત્રો આપવામાં આવે છે. જો આ ખબર સાચી હોય તો મારી માગણી તાજી કરું છું.” સુપરિન્ટેન્ડેન્ટને એક અન્ય પત્રમાં તેઓ ફરી સામયિકની માંગણી કરતાં લખે છે : “वसन्त અને समालोचक નામનાં બે ગુજરાતી માસિકો મને ન લેવા દેવામાં આવે એવો, કારણ જણાવ્યા વિના, ઇન્સ્પેક્ટર જનરલે હુકમ કર્યો છે એમ તમે મને જણાવ્યું છે. समालोचकને વિષે તો હું બહુ નથી જાણતો, પણ वसन्तને હું જાણું છું. .. એ માસિકમાં લખનારાઓ પણ ઘણાખરા એક અથવા બીજી રીતે સરકારની સાથે સંબંધ રાખનારા છે. એમાં શુદ્ધ રાજકીય વિષયોની ચર્ચા આવે છે એવું મારા જાણવામાં નથી.”

આ રીતે ગાંધીજીનો પ્રથમ જેલવાસ પ્રવૃત્તિથી ભર્યોભર્યો રહ્યો છે. 1924ના વર્ષમાં 4 ફેબ્રુઆરીના રોજ તેમને બિનશરતી છોડવાનો હુકમ થયો અને તેઓ છૂટ્યા. આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીમાં આ ઘટનાઓ અગત્યની છે અને તે પ્રજા સમક્ષ મૂકાવી જોઈએ. આ ઘટનાક્રમથી જ આઝાદી કિંમત સમજાશે. અને એ પણ સમજાશે કે વર્તમાન આગેવાનો કેટલાં ક્ષુલ્લક બાબતે ગૌરવ લે છે.

e.mail : kirankapure@gmail.com

Loading

જળને સ્પર્શ કરું

બીજલ જગડ|Poetry|24 March 2022

જો કલમમાં શબ્દોની શાહી પુરાય છે.
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ક્ષિતિજે જ્યાં આદિત્યનો અસ્ત થાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ધરતી જેવી ધીરજ સમુદ્રની ગહેરાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

બે ડાળીનાં ફૂલડાંઓ વચ્ચે વાતો થાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ડોલતું નાવડું કાંકરે કાંકરે પાળ બંધાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ચંદ્રવિના ચકોરીના દિલમાં દુઃખ દેખાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

વાગે ઝાંઝરી ને પગ નદીમાં ઝબોળાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

રાત જેવું રડી મેઘ જેવું મનમાં વર્તાય છે
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

જળથી સફેદ રણ પર અક્ષરો ચિતરાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ચારણી છંદમાં અહર્નિશ ગાન ગવાય છે
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

ઘરમાં ચોકમાં ચારો ધામ રામ રામ બોલાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

આતમ તત્ત્વ જાણી જ્યાં હરિ ગીત ગવાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,5921,5931,5941,595...1,6001,6101,620...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved