Opinion Magazine
Number of visits: 9570376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શેરબજારમાં કોણ લુંટાય છે ? કોના ઈશારે લુંટાય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 February 2022

આવી ઘટના તો માત્ર ભારતમાં જ બની શકે, અને ઘટના પછી જે ઘટનાઓ બની રહી છે એ પણ માત્ર ભારતમાં જ બની શકે!

પહેલાં કથાનક :

ચિત્રા રામકૃષ્ણન્‌ નામનાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહેનની એપ્રિલ ૨૦૧૩માં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એન.એસ.ઈ.)નાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સી.ઈ.ઓ.) તરીકે નિમણૂક કરવામાં આવે છે. હવે એન.એસ.ઈ. કેટલું મોટું એક્સચેન્જ છે એ તો તમે જાણો છો અને એમાં આ બહેન તો તેની સ્થાપના કરવામાં આવી એ પહેલાંથી તેની સાથે સંકળાયેલાં હતાં. નવા કોમ્યુટર યુગમાં ઓનલાઈન ટ્રેડીંગ કરી શકાય એવું એક એક્સચેન્જ સ્થાપવું જોઈએ એમ નાણાં મંત્રાલયને લાગ્યું હતું અને તેના સ્વરૂપની કલ્પના કરવાનું કામ જેમને સોપવામાં આવ્યું હતું એમાં એક ચિત્રાબહેન પણ હતાં. ખરું પૂછો તો ચિત્રા રામકૃષ્ણન્‌ મુખ્ય હતાં. શેરબજારની રિંગમાં દલાલો રાડો પાડીને સોદા કરતા હોય એની જગ્યાએ, એટલે કે રિંગની જગ્યાએ, એક સર્વર હોય, એક બેકઅપ સર્વર હોય અને દલાલો પણ પોતપોતાનાં સર્વર ધરાવતા હોય અને એન.એસ.ઈ. સાથે જોડાયેલા હોય તો કોઈને સદેહે શેરબજારની રિંગમાં આવવાની જરૂર ન પડે. આમ નેશનલ સ્ટોક એક્સચેન્જની કલ્પના કરનારાઓમાં ચિત્રા રામકૃષ્ણન્‌ એક અને મુખ્ય હતાં. એન.એસ.ઈ.નો ઢાંચો તૈયાર કરવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.

એન.એસ.ઈ.ના સર્વર સાથે દલાલોનાં સર્વર જોડાયેલાં હોય એ તો જાણે સમજ્યા, પણ પ્રશ્ન હતો દલાલોના સર્વરના લોકેશનનો. જૂનાં શેરબજારમાં એક જ સ્થળે (શેરબજારની રિંગ) દલાલો એકત્ર થતા હતા, માર્કેટની રુખની એક સાથે જાણકારી મેળવતા હતા, તેના આધારે સોદાઓ કરતા હતા અને શેરબજારમાં લખાવતા હતા. નવા ઢાંચામાં દલાલોએ શેરબજારમાં આવવાનું નહોતું, પણ પોતાનાં સ્થળેથી ધંધો કરવાનો હતો, સર્વર દ્વારા. એન.એસ.ઈ.નું મુખ્ય સર્વર એ લોકેશન અને દલાલોનાં સર્વર એ કો-લોકેશન. હવે લોકેશન અને કો-લોકેશન વચ્ચે જે અંતર હોય એનાથી ધંધામાં કોઈ ફરક પડે ખરો? મિલિયન ડોલર ક્વેશ્ચન આ છે.

એન.એસ.ઈ. અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ કો-લોકેશન વિષે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. હાઈ ફ્રિકવન્સી હોય અને કો-લોકેશન મુખ્ય લોકેશનની નજીક હોય તો શેરબજારની મુવમેન્ટની જાણકારી એવા લોકોને બે-ચાર સેકન્ડ વહેલી મળે અને બે-ચાર સેકંડનો ફરક અબજો રૂપિયાના નફા-નુકસાનનો ફરક પેદા કરી શકે. માટે નાના દલાલો અને ધંધામાં સમાન તકની નૈતિકતાનો આગ્રહ રાખનારા પારકી છઠ્ઠીના જાગતલો (વ્હીસલ બ્લોઅર્સ) વારંવાર સત્તાવાળાઓનું ધ્યાન દોરતા હતા કે કો-લોકેશનમાં અસમાનતા એક કૌભાંડ છે. એમાં એવી ટેકનોલોજી દાખલ કરવી જોઈએ કે જેથી માહિતી ક્યારે મળે તેની અસમાનતાને કારણે કેટલાક લોકોને મળતા લાભ નિવારી શકાય.

સતાવાળાઓ એટલે એન.એસ.ઈ.ના સંચાલકો, શેરબજારનું નિયમન કરનારી સંસ્થા સેબી (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ના હોદ્દેદારો અને નાણાં પ્રધાન સહિત નાણાં મંત્રાલયના મૂડીબજારનો હવાલો ધરાવનારા અધિકારીઓ. હવે બને છે એવું કે ચિત્રા રામકૃષ્ણન્‌ લોકેશન અને કો-લોકેશનવાળા એન.એસ.ઈ.ના ઢાંચાની યોજના બનાવે છે અને દાખલ કરે છે. વાત અહીં પૂરી થતી નથી. સેબીએ શેરબજારનું નિયમન કઈ રીતે કરવું એની રૂપરેખા બનાવવામાં પણ ચિત્રા રામકૃષ્ણન્‌ મુખ્ય ભૂમિકાએથી કામ કરે છે. જે વ્યક્તિ કેસીનોનો ઢાંચો વિકસાવે એ વ્યક્તિ કેસીનો ઉપર નજર કેમ રાખવી એની સંહિતા પણ વિકસાવે. આ થોડુંક વિચિત્ર હતું, પણ કદાચ એવી ગણતરી હશે કે જે વ્યક્તિએ ઢાંચો વિકસાવ્યો છે એ વ્યક્તિ ઢાંચાની બારીકીઓ વધારે જાણતી હોય એટલે એ વ્યક્તિ નિયમનોનું સ્વરૂપ પ્રમાણમાં વધારે અસરકારકપણે વિચારી શકે. અને આવે છે ૨૦૧૩ની સાલ. ચિત્રા રામકૃષ્ણન્‌ની એન.એસ.ઈ.ના સી.ઈ.ઓ. તરીકે નિમણૂક કરવામાં આવે છે.

ચિત્રા રામકૃષ્ણન્‌ને સોંપવામાં આવેલી આ ત્રણેય ભૂમિકા (અત્યંત નિર્ણાયક ભૂમિકા) સદ્દહેતુનું પરિણામ હતું અને એમાં કોઈ કૌભાંડ નહોતું એમ આપણે માની પણ લઈએ તો પણ સવાલ તો બચે જ છે કે એન.એસ.ઈ.ના લોકેશન અને કો-લોકેશનમાંની ક્ષતિ બાબતે નાના દલાલો અને વ્હીસલ બ્લોઅરો ધ્યાન દોરતા હતા તો તેના તરફ ધ્યાન કેમ આપવામાં ન આવ્યું? કોના હિતમાં એ વ્યવસ્થા કાયમ રાખવામાં આવી છે અને સુધારવામાં આવતી નથી? આ પ્રશ્ન જ્યારે કરો ત્યારે ચિત્રા રામકૃષ્ણન્‌નું ત્રણેય જગ્યાએ હોવું એ કોઈ અજ્ઞાત હાથ કે હાથોનું ભારતના સામાન્ય જનોના પૈસા લૂંટવાનું કાવતરું હોય એમ ભાસે છે.

અજ્ઞાત હાથ! ચિત્રા રામકૃષ્ણન્‌ જેવા એન.એસ.ઈ.ના સી.ઈ.ઓ. બને છે કે તરત તેઓ હિમાલયના કોઈ સિદ્ધ યોગીની સલાહ લે છે અથવા એ સિદ્ધ યોગી સલાહ આપે છે. એ સિદ્ધ યોગી સદેહે કોઈને મળતા નથી. એ યોગી પોતાનું સરનામું કોઈને આપતા નથી. એ યોગી ટેલિફોન રાખતા નથી એટલે કોઈ તેમનું લોકેશન જાણી ન શકે. એ યોગીનું નામ શું છે એ કોઈ જાણતું નથી. ચિત્રા રામકૃષ્ણન્‌ પણ નામ જાણતાં નથી. તેઓ માત્ર એટલું જ કહે છે કે વર્ષો પહેલાં તેઓ એ યોગીને મળ્યાં હતાં અને તેમની દેવીશક્તિથી પ્રભાવિત થયાં હતાં. જે શક્તિનો પરિચય થયો એ દૈવી હતી અને જ્યારે જરૂર હોય ત્યારે માર્ગદર્શન આપતા રહે છે એટલે નામ-ઠામ જેવા સ્થૂળ પરિચય નિરર્થક છે. એ યોગી ચિત્રા રામકૃષ્ણન્‌ને સપનાંમાં પણ મળતા નથી, પણ ઈમેઈલ દ્વારા સલાહ આપે છે. તેમનું ઈમેઈલ એકાઉન્ટનું નામ પણ અધ્યાત્મિક છે : રીગયજુરસામ@આઉટલુક.કોમ. રીગયજુરસામ એટલે ઋગ્વેદ, યજ્રુવેદ અને સામવેદ. વળી આ યોગી ચિત્રા રામકૃષ્ણન્‌ને માત્ર શેરબજારના કામકાજને લગતી જ સલાહ આપે છે. યોગી અસાર સંસારમાં શેરબજારના ધંધામાં રસ લે છે.

ચિત્રા રામકૃષ્ણન્‌ સી.ઈ.ઓ. બન્યાં એ પછી યોગી ચિત્રા રામકૃષ્ણન્‌ને સલાહ આપે છે કે તેઓ બાલમેર લૉરી નામની કંપનીમાં વરસે ૧૫ લાખના પગારની નોકરી કરતા આનંદ સુબ્રમણ્યમ્‌ નામના માણસને એન.એસ.ઈ.માં સલાહકાર તરીકે નિયુક્ત કરે. યોગીએ જ પગાર ઠરાવ્યો એક કરોડ ૪૬ લાખ અને એ પણ સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવા માટે. બાલમેર લૉરી ટ્રાવેલ અને લોજિસ્ટિકના ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે અને તેને નાણાંક્ષેત્ર સાથે કોઈ સંબંધ નથી એટલે દેખીતી રીતે આનંદ સુબ્રમણ્યમ્‌ને ફાયનાન્સનું કોઈ જ્ઞાન નહોતું. ચિત્રા રામકૃષ્ણન્‌ યોગીના આદેશને માથે ચડાવે છે અને નિમણૂકો માટેની જરૂરી વિધિ કર્યા વિના બારોબાર આનંદ સુબ્રમણ્યમ્‌ની સલાહકાર તરીકે નિયુક્તિ કરે છે. હવે યોગીનો માણસ ચિત્રા રામકૃષ્ણન્‌ની સાથે એક જ કેબિનમાં બેસતો હતો અને યોગીના નામે ચિત્રાબહેનને સલાહ આપતો હતો. એક રીતે એન.એસ.ઈ.નું સંચાલન યોગીએ સીધું પોતાના હાથમાં લઈ લીધું. વરસ પછી યોગીએ ચિત્રા રામકૃષ્ણન્‌ને સલાહ આપી કે આનંદ હવે ત્રણની જગ્યાએ ચાર દિવસ આપશે અને તેનો પગાર ચાર કરોડ ૬૦ લાખ કરી આપવામાં આવે. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે આનંદ ત્રણ દિવસ ઑફિસમાં હાજર રહેશે અને એક દિવસ એ ગમે ત્યાંથી કામ કરશે. તેને વિદેશયાત્રા માટે ફર્સ્ટ ક્લાસનું અને ભારતમાં પ્રવાસ કરવા માટે એક્ઝીક્યુટીવ ક્લાસનું ભાડું આપવામાં આવે. ચિત્રા રામકૃષ્ણને એન.એસ.ઈ.ના બોર્ડને પૂછ્યા વિના પગાર પણ વધારી આપ્યો અને ભાડાની વ્યવસ્થા પણ કરી આપી. 

આધ્યાત્મિક બાબતોની જગ્યાએ માત્ર ધંધાકીય સલાહ આપનાર યોગી હવે ચિત્રા રામકૃષ્ણન્‌ને આજે તેઓ કેવાં સુંદર દેખાય છે, આજે વાળની લટ કેવી દેખાય છે અથવા તેમાં કેવો ફેરફાર કરવો જોઈએ, પહેરેલાં કપડાંનો રંગ અને મેચિંગ વગેરે વિષે પણ કમેન્ટ્સ કરતી પોસ્ટ ઈમેઈલ્સ દ્વારા મોકલતો થાય છે. ચિત્રા રામકૃષ્ણન્‌ તો એમ જ માને છે કે આ બાબાની દિવ્યદૃષ્ટિનું પરિણામ છે.

માન્યામાં ન આવે એવી વાત લાગે છે ને! કોઈ સિદ્ધહસ્ત લેખક પણ કલ્પના ન કરી શકે એવો પ્લોટ વાસ્તવમાં ભજવાયો અને એ પણ ત્રણ વરસ સુધી. એ દરમ્યાન વ્હીસલ બ્લોઅર્સ વારંવાર સરકારનું અને સેબીનું ધ્યાન દોરતા હતા કે કોઈક કો-લોકેશનનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેમને ક્યાં ખબર હતી કે કો-લોકેશન તો એન.એસ.ઈ.ની સાવ નજીક હતું. ખરું પૂછો તો લોકેશન અને કો-લોકેશન વચ્ચે અદ્વૈત રચાયું હતું. જીવ અને શિવ એક જ હતા. આ અર્થમાં આધ્યાત્મિકતા ખરી! તેમને લેવામાં આવનારા નિર્ણયો, લેવામાં આવેલા નિર્ણયો એમ બધી જ માહિતી આ કો-લોકેશનથી મળતી હતી અને તેનો લાભ ઉઠાવવામાં આવતો હતો. આમ છતાં નહોતી સરકાર જાગી કે નહોતા સેબીના સત્તાવાળાઓ જાગ્યા. કોઈને એવો પ્રશ્ન નહોતો થયો કે નાણાંકીય બાબતોની કોઈ જાણકારી ધરાવનારા માણસને અધધધ ભાડાં-ભથ્થાં મળીને પાંચ કરોડનો પગાર શા માટે આપવામાં આવે છે?

અને ૨૦૧૬માં ચિત્રા રામકૃષ્ણન્‌ સામેથી રાજીનામું આપી દે છે. એ અજ્ઞાત યોગીને અને ચિત્રાબહેનને લાગ્યું હશે કે વધારે લોભ કરવામાં ક્યારેક ભાંડો ફૂટી જાય એનાં કરતાં લૂંટેલ માલ લઈને ચાલતા થવામાં વધારે માલ છે.

વાર્તા પૂરી થઈ, હવે કેટલાક સવાલો.

સવાલ એક. કોણ છે આ યોગી? આનંદ સુબ્રમણ્યમ્‌ પોતે? કે પછી કોઈ દલાલ કે કોર્પોરેટ કંપની? કે પછી શાસકોમાંથી કોઈ? આનંદ સુબ્રમણ્યમ્‌ પોતે એકલે હાથે આટલું મોટું સાહસ કરે એ માની શકાય એવી વાત નથી. કોઈક અજ્ઞાત હાથે આનંદ સુબ્રમણ્યમ્‌ને એન.એસ.ઈ.માં દાખલ કર્યો હોવો જોઈએ.

સાવલ બે. ચિત્રા રામકૃષ્ણન્‌ અંધશ્રદ્ધાળુ બેવકૂફ છે કે પછી તેઓ પોતે પણ કૌભાંડમાં ભાગીદાર હતાં? તેમની ઉજ્વળ કારકિર્દી ઉપર નજર કરો તો માનવું મુશ્કેલ બને કે તેઓ આટલાં અંધભક્ત હોય.

સવાલ ત્રણ અને સૌથી મોટો સવાલ. ૨૦૧૪-‘૧૬ની આ ઘટના વિષે સેબીએ એક-બે નહીં છ વરસ સુધી કોઈ તપાસ ન કરી એનું શું કારણ? અંદેશો તો હતો જ. સેબીનું અને સરકારનું ત્યારે વારંવાર ધ્યાન પણ ખેંચવામાં આવ્યું હતું. શા માટે?

અને આખરી સવાલ :

અનૈતિકતાની તાકાત ધરાવતા અને ઉપરથી શાસકો દ્વારા રક્ષણ મેળવતા સાંઢોના કેસીનો (શેરબજાર)માં કોના પૈસાનું ધોવાણ થાય છે? કોણ લૂંટાય છે? એક બેવકૂફ મતદાતાથી વધુ છે તમારી કોઈ કિંમત? ભલા માણસ, તમારું નહીં તો તમારાં સંતાનનાં ભવિષ્યનો તો વિચાર કરો! આ દેશમાં આવું પણ બને! કોઈ અજ્ઞાત માણસ યોગી બનીને શેરબજાર ચલાવે? જગતના પછાતમાં પછાત દેશમાં પણ આવું નહીં બનતું હોય.

પણ ફરક શો પડે છે. એક દિવસ કહેવામાં આવશે કે જવાહરલાલ નેહરુ તેમના ધોબીને કપડાં ધોવાનું મહેનતાણું નહોતા આપતા. બેવકૂફો ગેલમાં આવી જશે અને આયખું ધન્ય થઈ જશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ફેબ્રુઆરી 2022

Loading

ગાંધીનું દૂધ પીધેલા

પ્રકાશ ન. શાહ|Profile|24 February 2022

‘ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિગ્રંથ : અગ્નિપુષ્પ’ – પ્રવેશલેખ

‘ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિગ્રંથ : અગ્નિપુષ્પ’; સંપાદન : કેતન રૂપેરા; પરામર્શન : ઇલાબહેન પાઠક, પ્રકાશ ન. શાહ; પ્રકાશન : ગુજરાત લોકસમિતિ; પ્રથમ આવૃત્તિ – 19 ડિસેમ્બર 2015;  ISBN: 978-93-83814-51-0; પૃ. 256 (પાકું પૂંઠું); કિં. રૂ. 250/-

આપણે સૌ સદ્ગત ઇલાબહેન પાઠક અને સંજય શ્રીપાદ ભાવેની પહેલકારી મથામણના તેમ જ આ કામગીરી સાથે સક્રિય મનોયોગપૂર્વક સંપાદકીય કાર્યબોજ ઉઠાવનાર અને પાર પાડનાર કેતન રૂપેરાના એ વાતે ઓશિંગણ રહીશું કે એક સમૃદ્ધ જીવનયાત્રાની ઝલક ઠેકઠેકાણેથી ઝિલાઈ ગુજરાતસુલભ બની રહી છે.

ચુનીકાકાની આ જે સમૃદ્ધિ, એનું રહસ્ય શી વાતે હશે વારુ? સંઘર્ષ અને રચનાનાં જે પણ કામો એમને ખોળતાં આવ્યાં અગર એમણે ખોળી કાઢ્યાં એ સૌ થકી એમની સમૃદ્ધિ તમને અને મને પમાય છે એ સાચું; પણ એનાં વિકસન પ્રફુલ્લનનું રહસ્ય ખરું જોતાં ગાંધીયુગે સરચાર્જ થયેલી એ સંસ્કાર પરંપરામાં રહેલું છે જેનો વિશેષ સાધારણ માણસમાં રહેલી અસાધારણતાને બહાર આણવાનો હતો.

આ લખું છું ત્યારે સાંભરે છે કે ‘ભૂમિપુત્ર’ની કીર્તિદા કામગીરી છોડીને લોકશક્તિ સંગઠનના મનભાવન કામમાં સીધા પરોવાવાનું એમણે નક્કી કર્યું ત્યારે વડોદરામાં અરુણાબહેન લાખાણી વગેરે મિત્રોએ એક વિદાયમિલન યોજ્યું હતું; કેમ કે ઠીક ઠીક વરસોના વડોદરાવાસ પછી હવે એ લોકસમિતિની સીધી જવાબદારીસર અમદાવાદમાં થાણું નાખવાના હતા. એમને લેવા તો શું પણ આ મિલનમાં સામેલ થવાના સહજ ઉમળકાને વશ વરતી હું અમદાવાદથી વડોદરા પહોંચી ગયો એ મને પાછળથી બહુ સારું લાગ્યું : ચુનીભાઈ વૈદ્ય અને સુરેશ જોષી, બેઉનો એકસાથે કેમ જાણે નવો જ પરિચય થયો. શો વિષય કરવો આ અવસરે, એવું કંઈક કાકાએ પૂછ્યું હશે તો શી ખબર કેમ સુરેશભાઈએ લાગલું જ સૂચવ્યું કે અધ્યાત્મ વિશે તમારો અભિગમ શો છે એ કહો. કાકાની આબરૂ એક લડવૈયાની અને સુરેશભાઈનો પણ ધમાકાબંધ પ્રવેશ તો ગુજરાતી સાહિત્યના એમને સમજાયેલ અયલાયતનની દુર્ગભેદ મુદ્રાનો. એમને અધ્યાત્મ મુદ્દે રસ પડવો અને એ માટે નોટ્સ કમ્પેર કરવા લાયક ઠેકાણું કાકામાં જડી રહેવું! પણ મને નોંધ લેવાની ખાંખત નહીં અને કાકાનું કહ્યું તો કે’ દીનું સ્મૃતિમાંથી સરી ગયું છે. છતાં ચિત્ત પર જે છવિ રહી ગઈ છે તે તો રહી જ ગઈ છે. પોતપોતાની તરેહના બે તીખા તરુણોની, આ ગામમાં હું પણ એક ‘ક્યારેક્ટર’ છું તરેહની ખોપરીઓની, ભલે કદાચ કૌતુકરાગી પણ અધ્યાત્મજિજ્ઞાસાનું.

ગમે તેમ પણ, ચુનીકાકાના વ્યક્તિત્વમાં અને કર્તૃત્વમાં (એમને ખુદને સુધ્ધાં વહેમ ન હોય એ રીતે) કોઈને અધ્યાત્મનાં ઓસાણ વરતાય તો હું એનો અર્થ એટલો જ ઘટાવું છું કે આપણો સમય મૂર્ત એવા માનવ્યને સેવવા અને ઉપાસવાનો સમય છે, અને એ દૃષ્ટિએ સંઘર્ષ ને રચનાનાં જે પણ કામોમાં કાકા ખેંચાયા તે એમનો આ અભિનવ ચૈતન્યબોધ દર્શાવે છે. રામકૃષ્ણ પરમહંસની સર્વધર્મસાધના અને વિવેકાનંદની મઠ-અને-મિશન-પ્રવૃત્તિ, આપણે સારુ તો દરિદ્રનારાયણની ગાંધીસાધના થકી જ પ્રત્યક્ષ થાય છે ને? ગાંધીજગવ્યા વાયુમંડળે જે નવું રાજકારણ, નવું સંઘર્ષકારણ, નવું રચનાકારણ – બલકે, ખાનાંગિનતીથી હટીને કહું તો, ખરેખર તો, નવું ધર્મકારણ પ્રેર્યું, જે મંથન મનોરથ મથામણ જગવ્યાં એને સારુ દરબદર ભટકતો, દેખીતો ઉત્પાતિયો, સતપતિયો, અવગતિયો જો કે ખરેખર તો સદ્દગતિએ સુખિયો જીવ એ હતા.

જીવ મુમુક્ષુનો પણ રાજ્ય તો નહીં જ મોક્ષ સુધ્ધાં ન જોઈએ, જોઈએ દુઃખતપ્ત પ્રાણીઓના કષ્ટનો નાશ, એવી જે મહાયાન પરંપરા એમાં આવેલા ગાંધીએ પશ્ચિમદીધા લિબરલ લોકશાહી વિચારને સત્યાગ્રહની કલમ કરી જાણી. અને એ જ પરંપરામાં, પોતાની રીતે, શોધનવિવેકપૂર્વક જયપ્રકાશે લોકસંઘર્ષનું આવાહન કીધું. અહીં એ આંદોલનની તપસીલ અને તવારીખમાં નહીં જતાં એટલું જ કહીશું કે એને પગલે બીજા સ્વરાજ શો જોગસંજોગ ઊભો થયો અને લોકશાહીની પુનઃપ્રતિષ્ઠા થઈ. આજે પાછળ નજર કરું છું ત્યારે એ જોગાનુજોગ કેવળ જોગાનુજોગ નથી લાગતો કે લાંબા આસામવાસ પછી બરાબર જેપી આંદોલનનાં વરસોમાં અને તે પછીનાં વરસોમાં ચુનીકાકા પાછા ગુજરાતવાસી બની રહ્યા.

વાત એમ છે કે જેપી આંદોલનમાં સીધી સર્વોદયી ભરતી બાદ કરતાં મારા જેવાઓ જે આવ્યા એમનો ઉછેર લિબરલ ડેમોક્રસીનાં મૂલ્યો અને પ્રક્રિયાનો વધુ તો હશે. અમને અભિવ્યકિત સ્વાતંત્ર્ય જેવા મુદ્દાઓ જેટલી ઝડપથી પકડાતા હશે; ન્યાયતંત્રની સ્વતંત્રતા, અખબારી આઝાદી, એ બધી બાબતે ક્વૉટૅબલ ક્વૉટ્સ જેવાં ને જેટલાં ધાણીફૂટ ફૂટતાં આવતાં હશે, સત્યાગ્રહનો ઍકૅડૅમિક મહિમા પણ વસ્યો હશે એટલી તળ આંદોલનની રગ કદાચ નહોતી. જરી અવિનય વહોરીને મારી પોતાની વાત કરું તો હવે તો એ વાતને ખાસાં પંચાવન વરસ થયાં જ્યારે ગુજરાતભરની ત્યારે તો કદાચ એકની એક હશે એવી મહાદેવ દેસાઈ વક્તૃત્વસ્પર્ધામાં પ્રથમ પારિતોષિકને પાત્ર ઠરેલા વક્તવ્યમાં મેં સંસદીય લોકશાહી અને સીધાં પગલાંનાં આંદોલનો સાથે જઈ શકે એવી ભૂમિકા લીધી હતી. અને તે પણ કોઈ ડિબેટિંગ પવિત્રા તરીકે નહીં પણ કાલીઘેલી કાચીપાકી જે પણ સમજ બંધાઈ હશે, એને ધોરણે. વડા નિર્ણાયક જયન્તિ દલાલ હતા જેમની સાથેના પરિચયનો આ યોગ, પછીનાં વરસોમાં મને જયપ્રકાશજી સાથે પહેલી વ્યક્તિગત મુલાકાત લગી લઈ જવાનો હતો. મારી આ ભૂમિકા છતાં મુદ્દાની વાત આપણી ચર્ચા પૂરતી એ છે કે પ્રત્યક્ષ વ્યવહારમાં લિબરલ ડેમોક્રસીના ઔપચારિક ખયાલમાળખાની બહાર મારી જેમ અનેકને મૂકી આપનારો પારસધક્કો જેપી આંદોલનનો અને જેપી આંદોલનનો જ હશે.

બીજા સ્વરાજ પછી પણ પ્રત્યક્ષ રાજકીય સત્તા અને રાજકીય પક્ષ બેઉની બહાર છાત્ર યુવા સંઘર્ષ વાહિની તથા લોકસમિતિ સરખાં સંગઠનોની તેમ જ તળ આંદોલનોની જરૂરત જેપીએ વાજબીપણે પ્રીછી હતી. આ બીજા ને નવા તબક્કા માટે ચુનીકાકાની હોઈ શકતી હતી એવી ને એટલી સહજ ગતિ અમારા જેવાઓની નહોતી. એમાં પણ દેખીતી મોટી લડાઈથી કંઈક હટીને ગ્રાસરુટ જમાવટ એ તો વળી એક નવો જ ઈલાકો હતો. આ સંદર્ભમાં જોતાં ચુનીકાકા ભલે ને કેટલીક વાર દેખીતા નિષ્ફળ પ્રયોગોના પણ સફળ સમાજવિજ્ઞાની રહ્યા છે, અને એ રીતે ગુજરાતમાં એમના પુનરાગમનનો જોગાનુજોગ કેવળ જોગાનુજોગ નહોતો એમ માનવું મને હંમેશ ગમ્યું છે.

બેશક, સંસદીય લોકશાહીનાં મૂલ્યો અને પ્રક્રિયા આસપાસનો વિમર્શ કંઈ ખોટો નથી. કતલને બદલે કાનૂનનો, અરાજકતાને બદલે કાયદાના શાસનનો વિકલ્પ મનુષ્યજાતિની યાત્રામાં એક સીમાચિહ્ન ખસૂસ છે. સ્વરાજ પછી તરતનાં વરસોમાં વિનોબાના અનન્ય આંદોલને કાનૂનની સાથે કરુણાનું વાનું પણ રૂડું ઘૂટ્યું. પણ કાનૂન ને કરુણા છતાં પરિવર્તનનાં ચક્રો ધાર્યાં ઉંજાતાં નથી અને ઘડિયાળના કાંટા કદાચ પાછા પણ જઈ શકે છે એમ પમાતાં જયપ્રકાશે આપણા જાહેરજીવનના ચેતાકોશમાં સંઘર્ષના પરિમાણનું પુનઃ આવાહન કીધું. ગાંધીપ્રણીત સત્યાગ્રહની એ સુલભ લોકઆવૃત્તિ હતી. આ લોકસંઘર્ષ, પાછો, લિબરલ ડેમોક્રસીનાં મૂલ્યો, પ્રક્રિયાઓ અને સંસ્થાઓના જતનને જાણનારો હતો. એની આ બાલાશ અને આ બૂજ, જેમ એનું સંઘર્ષનું પાસું, એને વિનોબાના આંદોલન કરતાં એક જુદી પીઠિકાએ મૂકી આપતી બાબત હતી. નાગરિક ચેતનાને ત્યારે મળી રહેલું સૌભાગ્ય પેલા વૃક્ષનું હતું જે કાલિદાસની નાયિકાના પાદપ્રહારે કુસુમિત થઈ ઊઠે છે.

૧૯૭૪થી નવનિર્માણે સરચાર્જ માહોલમાં લોકસ્વરાજ આંદોલન, લોકશક્તિ સંગઠન, લોકસંઘર્ષ સમિતિ, જનતા મોરચો, જનતા પક્ષ, લોકસમિતિ એ બધા જે તબક્કા ગુજરાતના જાહેરજીવનમાં આવ્યા એમાં પોતપોતાને છેડેથી ઉભરી રહેલાં બે સર્વાગ્ર વ્યક્તિત્વ ભોગીભાઈ ગાંધી અને બાબુભાઈ જશભાઈ પટેલનાં હતાં. બાબુભાઈ સોજ્જો પ્રજાચહેરો હતા. સ્વરાજસંધાનપૂર્વકની સંસ્થા કૉંગ્રેસના પ્રમુખ તરીકે એમની ચોક્કસ સ્વીકૃતિ પણ હતી. દેખીતા ઓછા જાણીતા ભોગીભાઈ ગુજરાતમાં જેપી નાગરિક સંગઠનાનો સમો બાંધી શકનારી અનન્ય બિનપક્ષીય પ્રતિભા હતા. લો પ્રોફાઈલ પર કામ કરનારા, યથાર્હ સંગઠન બાંધનારા અને સંગઠકમાં નયે હોય એવી બૌદ્ધિક વિશદતા ધરાવતા સમર્પિત જીવ હતા. બાબુભાઈનું વ્યક્તિત્વ જનતા મોરચાની સરકારના નિર્ભીક વડા અને પ્રજાપરક રાજકારણી તરીકે ખાસ કરીને જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ના ગાળામાં ઉભરી રહ્યું.

બીજા પણ પ્રત્યક્ષ-અર્ધપ્રત્યક્ષ સંકળાયેલા વડીલ સાથીઓ હતા. બી.કે. મઝુમદાર, ઉમાશંકર જોશી, ચન્દ્રકાન્ત દરૂ, મનુભાઈ પંચોળી, ઇશ્વર પેટલીકર, પુ.ગ. માવળંકર. દરૂસાહેબ તો ‘ભૂમિપુત્ર’નો ઐતિહાસિક કેસ લડનારા ધારાશાસ્ત્રી પણ ખરા અને ચુનીકાકા તંત્રી. વકીલ અને અસીલ બેઉ જેલમાં ભેગા થઈ ગયા. એમને પોંખવા સારુ મારા જેવાઓ તો જેલમાં આગળથી હતા જ. (બાય ધ વે, થોરો-એમર્સનનો કારા-સંવાદ સાંભરે છે ને?) વડોદરા જેલના ૧૯૭૬ના એ મહિનાઓ! એવી ઓપન યુનિવર્સિટી થઈ નથી ને થાવી નથી … અને એક મીઠી અંગત સાંભરણ. કાકાએ વડોદરા જેલમાં વકીલ જ્યોતીન્દ્ર ભટ્ટની ઘટતી કુમકથી બિનકેફ અવસ્થામાં એમનું વિલ કરેલું અને મને વારસ જાહેર કર્યો હતો. ભાઈદાસ પરીખ કે નવલભાઈ શાહ તો હવે આપણી વચ્ચે નથી. પણ હસમુખ પટેલ અને અતુલ મહેતા જરૂર સાખ પૂરશે કે કાકાએ ઠરાવેલો વારસ હું અને હું જ હતો. (ત્યારે નીતા પંડ્યા – હવે નીતા મહાદેવ – હજુ ચિત્રમાં નહોતાં) પણ કાકાએ આ વિલ જ્યારે એમની પાસે ખાસ કશું નહોતું ત્યારે કરેલું – અને બહાર આવ્યા પછીનાં વરસોમાં પણ ખાસ કંઈ ફેર પડ્યો નહોતો. ચિરસિનિક વાસુદેવ મહેતા ત્યારે મૂર્છિત થતા માંડ બચ્યા હતા જ્યારે હસમુખે અને મેં ૧૯૭૯માં એમને કહ્યું કે પ્રેસ કમિશને જુબાની સબબ ૧,૫૦૦ રૂપિયાનો ચેક ચુનીભાઈ વૈદ્યને નામજોગ મોકલેલો. પણ ખાતું હતું જ કોનું કે એ ભરાય. જો કે, પછીથી, ૨૦૦૧ના ઑક્ટોબરમાં એમને વિશ્વપ્રતિભા ઍવૉર્ડ-ખાસો અઢી લાખ રૂપિયાનો અને ગુજરાતમાં ત્યાં સુધીમાં તો સૌથી મોટો – મળ્યો ત્યારે આ નાચીજ વારસને તરત ચીત કર્યો હતો, એવી જાહેરાત કરીને કે આ રકમ ટ્રસ્ટમાં જશે.

૧૯૭૪-૭૫થી ગુજરાતના જાહેરજીવનમાં ઊભરી રહેલા નેતૃત્વની ચર્ચા કરતે કરતે ઑક્ટોબર ૨૦૦૧ના પ્રથમ વિશ્વ પ્રતિભા ઍવૉર્ડ લગી સેલારા મારતે આજે ૨૦૧૫માં સંભારું છું ત્યારે જોઉં છું કે છેલ્લા ત્રણેક દાયકા દરમિયાન આપણા જાહેરજીવનમાં બિનસરકારી-બિનપક્ષીય એવું સૌથી વડું નેતૃત્વ કદાચ ચુનીકાકાનું હતું. નહીં કે વિશ્વ પ્રતિભા તરીકે પોંખી શકાય અને ગુજરાત બહાર ધરી શકાય એવાં બીજાં નામો નહોતાં. પણ લોકપ્રશ્નોમાં સીધી લડત આપનારું નામ તો એકમાત્ર આ અને આ જ છે.

ચુનીકાકા નર્મદા અને સીપુ આંદોલનોથી ઓળખાયા, અને છેલ્લે છેલ્લે કનુભાઈ કળસરિયાના મહુવા આંદોલનને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં મૂકવા સાથે ઊંચકાયા. ભાનુભાઈ અધ્વર્યુએ ડૂબમાં જતી અને ખુલ્લી થતી જમીનોના ન્યાયી ભોગવટાહકનો સવાલ ઉપાડ્યો ત્યારે એના પહેલા તબક્કામાંયે લોકસમિતિનું યોગદાન હતું. વડોદરાઝાલાને મોચાથી ઉમરગામ સહિત ક્યાં ક્યાં ને કેટલે કેટલે કાકા જોવા નથી મળતા? જળ, જમીન ને જંગલ કોનાં, એ સવાલના જવાબનું ગુજરાત ખાતેનું આંદોલનવાર્તિક જાણે. નહીં કે શહેરના સવાલોમાં પણ એમની હાજરી બોલતી નથી. આશ્રમ પરિવારોના રહેણાકની વાત હોય કે પછી રિવરફ્રન્ટના રહેવાસીઓની અગર તો મીઠાખળી શાળા નંબર વીસની, બધે જ તમને એમની પહેલ નહીં તો સક્રિય સંડોવણી માલૂમ પડશે. પ્રાકૃતિક સંસાધનોનો સવાલ એમણે હાથમાં લીધો તે સાથે જેને સામાન્યપણે રાજની માલિકી કહેવાનો ચાલ છે એ વાનાં વસ્તુતઃ સરકારને પક્ષે ટ્રસ્ટીશિપનો અભિગમ માગી લે છે, તે બંધારણની ભાવનામાં અનુસ્યૂત મુદ્દો કેમ જાણે આળસ મરડીને બેઠો થયો. નર્મદા બચાવો આંદોલન એક છેડે હશે, કાકાએ છેડેલ કોઈક આંદોલનો બીજે છેડે હશે, પણ તે બંને પોતપોતાને છેડેથી અહીં એકત્ર આવી પ્રાકૃતિક સંસાધનોની લોકમાલિકી ઘૂંટતા નવ્ય વિમર્શને ઉપસાવી આપે છે.

જ્યાં સુધી બીજા સ્વરાજના સંગોપન અને સંવર્ધનનો સવાલ છે, જનતા અવતાર છાંડીને ભા.જ.પ.રૂપે નવરચિત જનસંઘે (તેમ જ એકંદર સંઘ પરિવારે) અયોધ્યાજ્વર વાટે અને સાથે લીધેલો રાહ છે તો જનવિરોધી, પણ ઇંદિરાઈ એકાધિકાર સામેની લડાઈનો જનસંઘ એક સાથી હતો એ કારણે કશાક વ્યામોહવશ એની સામે સ્પષ્ટ ભૂમિકા લેવા બાબતે જેઓ મોળા અને મોડા પડ્યા, કાકા તે પૈકી નહોતા. એ જ રીતે સંઘ પરિવારની કથિત ધર્મભાવનાવશ એને અંગેના સમ્યક્‌ આકલનમાં ગોથું ખાનારા પૈકી પણ એ નહોતા. આજે છઠ્ઠી ડિસેમ્બરે (૧૯૯૨ પછી તેવીસ વરસે) આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે ૧૯૯૩ના ફેબ્રુઆરીમાં સેક્યુલર લોકશાહી આંદોલન(મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમોક્રસી)ના સ્થાપના અધિવેશનમાં જુદે જુદે છેડેથી સૌને એકમંચ કરવામાં મિત્રોના સહયોગથી હું નિમિત્ત બન્યો – ‘ઇન્ડિયા ટુડે’એ ‘બાય ફાર ધ મોસ્ટ કૉન્સર્ટેડ ઍકશન’ તરીકે જેની નોંધ લીધી – એમાં ચુનીકાકાની અને નારાયણ દેસાઈની પ્રતિબદ્ધ હિસ્સેદારી હતી.

જેમ નવી આર્થિક નીતિ તેમ સંઘ પરિવારની હિંદુત્વ રાજનીતિ, બેઉ સામે એકસરખા જોસ્સાથી બહાર આવેલા ચુનીકાકાના કિસ્સામાં ખાસ કરીને બીજો નિર્ણય અત્યંત નોંધપાત્ર હતો. સર્વોદયી ગોત્રને કારણે સાધારણપણે એ અધ્યાત્મભાવના અને સર્વધર્મસમભાવ આદિથી પરિચાલિત થતા હોય એ સહજ હતું … અને સરળભોળી માનવતાનું ખેંચાણ તો કોને નથી હોતું! પણ હિંદુ ધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેક કરવો અને ધર્મ તેમ જ અધ્યાત્મ વચ્ચે વિવેક કરવો એ સૌના વશની વાત નથી હોતી. ચુનીભાઈ વૈદ્ય, નારાયણ દેસાઈ, કાન્તિ શાહ, જગદીશ શાહ આદિએ ૧૯૯૨ અને ૨૦૦૨ પછીના ગાળામાં આ મોરચે સતત રૂડો હિસાબ આપ્યો, અલબત્ત પોતપોતાની રીતેભાતે.

કાકા ઘટનાનું ઓઠું લઈને હું આ મુદ્દે થોડીક વધુ ચર્ચા કરવા ઇચ્છું છું; કેમ કે ગુજરાતમાં વ્યામોહવશ ખવાતું રહેલ વિમર્શગોથું દુરસ્તી માગે છે. નમૂના દાખલ, વિમલાતાઈ ગુજરાતનાં સર્વોદય વર્તુળોમાં જ નહીં પણ એને વટી જતી વ્યાપક બિરાદરીના શ્રદ્ધાભાજન રહ્યાં છે. એમનું એક પ્રિય પ્રતિપાદન ‘આધ્યાત્મિક લોકશાહી’ રહ્યું છે. સામાન્યપણે એમની વાત સ્વીકારવામાં હું વાંધો નથી જોતો; કેમ કે એમાં સંગઠિત ધર્મસંસ્થાથી ખસીને માનવમાત્રમાં રહેલ સત્ત્વના સમાદરની અને લોકશાહી રાહે નાનાંમોટાં સૌ સરખાં છીએ એવી આધ્યાત્મિક ભૂમિકાનો મહિમા છે. મુશ્કેલી જોકે એ છે કે કેટલી વાર ‘સેક્યુલર ડેમોક્રસી’ના વિકલ્પે ‘સ્પિરિચ્યુઅલ ડેમોક્રસી’ને મૂકીને વૈચારિક ગોંધળ જગવવાનો ભય રહે છે. દર્શકે તાઈના સંદર્ભમાં ‘નિરીક્ષક’માં આ મુદ્દો ઊભો કર્યો હતો, અને કહ્યું હતું કે લોકશાહી રાજવટ એક દુન્યવી બાબત છે. તેમાં સેક્યુલર કહેતાં બિનસાંપ્રદાયિક અગર ધર્મનિરપેક્ષ અભિગમ અપેક્ષિત છે. એટલે ‘સ્પિરિચ્યુઅલ’ જેવા પ્રયોગોથી આ સંદર્ભમાં બચીને ચાલીએ તે ઠીક રહેશે. ઊલટ પક્ષે, તાઈ અલબત્ત આ બાબતે સભાન હશે જ, કેમ કે ગોધરા અનુગોધરા દિવસોમાં છેક જ શરૂઆતને તબક્કે એમણે એક પત્રમાં એ મતલબનું લખ્યું હતું કે કેટલાક લોકો ધર્મનિરપેક્ષતાને નહીં ચાલવા દેવા પર ઉતારુ છે.

વિમલાતાઈના પ્રતિપાદનને ખોટી રીતે આગળ ધરીને વિમર્શને ગોટે ચડાવવાના વલણ કે નરી નિર્દોષતા જેવું જ એક વાનું ધર્માંતર ચર્ચાનું પણ છે. કાકાના નિધન પછી કેટલાકે ધર્માંતરનિષેધની એમની હિમાયતનો સવિશેષ ઉલ્લેખ કર્યો. પંદરસત્તર વરસ ઉપર ડાંગનો મુદ્દો ઉછળ્યો ત્યારે ય કાકાએ ધર્માંતરનિષેધની હિમાયત કરી હતી. તે કારણે તેઓ ક્યાંક વિશેષ પ્રીતિપાત્ર બની ઊંચકાયા હશે તો ક્યાંક ટીકાપાત્ર લેખાઈ પટકાયા હશે. ગમે તેમ પણ, વડા પ્રધાન વાજપેયીની ડાંગની મુલાકાત વેળાએ કેટલેક અંશે તો ‘ગેટક્રેશ’ કરીને એ પહોંચી ગયા અને ત્યાં પણ એમણે ધર્માંતરનિષેધનો મુદ્દો કીધો. વાજપેયીએ એક બિનપક્ષીય સર્વોદય સેવકની આ વાતમાં ‘સેફ પેસેજ’ની સંધિ જોઈ અને ‘રાષ્ટ્રીય સ્તરે સંવાદ અને ચર્ચા’ની જરૂરત ઉત્સ્ફૂર્તપણે જાહેર કરી.

એક વાત મારે અહીં નિઃસંકોચ કહેવી જોઈએ. કાકાને મન, ૧૯૮૪માં, લોકસમિતિના હોદ્દેથી ભાઈદાસભાઈ, હસમુખભાઈ અને હું વિધિવત્‌ છૂટા થયા – રાજકીય વિકલ્પમાં સીધી સંડોવણી ‘ઇષ્ટ’ જણાતાં – તે પછી પણ લગભગ બધો વખત અહેતુક પક્ષપાતવશ હું વાતવિસામો તો કવચિત્ ‘કોન્શ્યન્સકીપર’ જેવો રહ્યો. ડાંગ દિવસોમાં ય તેઓ ધર્માંતરનિષેધનો મુદ્દો લેવા માગતા હતા એની પૂર્વચર્ચા એમણે મારી સાથે કરી હતી. મેં આવી ચર્ચા જરૂર કરી શકાય એવું કહ્યું હતું, પણ સાથે અધોરેખિતપણે ઉમેર્યું હતું કે આ એનો સમય નથી. ડાંગ ઘટના હિંદુત્વ રાજનીતિ પોતાનો વક્કર સ્થાપવા સક્રિય બની એને કારણે છે. જો કે કાકા બીઇંગ કાકા, એમણે આ સંદર્ભ ગણકાર્યો નહીં, કેમ કે એમને મતે ‘લોઢું જ્યારે ગરમ હોય ત્યારે જ ટીપી શકાય’ એ ન્યાયે અહીં એક નિમિત્ત હતું. અને કાકા બીઇંગ કાકા, ટીકા વહોરતાં એ બીને પણ શાના.

હશે. એમણે ટીકા વહોરી તે વહોરી. કેટલાંક વર્તુળોમાં આવકાર મેળવ્યો તે મેળવ્યો. પણ વાજપેયીને દેશના લિબરલ મત અને કટ્ટર હિંદુત્વ મત બેઉ છેડેથી ‘સેફ પેસેજ’, ‘ચાલો ડાયલોગ ડાયલોગ, ડિબેટ ડિબેટ’ રમીએની તરજ પર મળ્યો તે મળ્યો. વસ્તુતઃ ચુનીકાકાને માટે, તેઓ વાજપેયી રૂબરૂ પહોંચ્યા એ એક સાક્ષાત્કારક ક્ષણ હતી, કેમ કે એક અન્ય સર્વોદયી સાથી, ઘેલુભાઈ નાયક પણ ત્યાં હાજર હતા. આ બંને સર્વોદયીજનોને આગળ કરીને ગુજરાતની હિંદુત્વ રાજનીતિ પોતાની રમત રમી ગઈ, એમ જ કહેવું જોઈશે. કારણ, પાછલાં વરસોમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે સંધાન ધરાવતા મનાતા ઘેલુભાઈ સાથે એકકૌંસ થવા કાકા રાજી ન જ હોય. ઘેલુભાઈના સમર્પિત જીવન વિશે સમાદરપૂર્વક પણ અહીં એમની આ મર્યાદાનો ઉલ્લેખ એટલા વાસ્તે કર્યો છે કે યથાશક્ય સમ્યક્પરિપ્રેક્ષ્ય શક્ય બને. થાય છે, સફાઈની રીતે એક પૂરક વિગત પણ જોડી દઉં. ૨૦૦૧ના ઑગસ્ટના પહેલા અઠવાડિયાની કોઈક તારીખ હશે. વસ્ત્રાગારમાં દર્શક ફાઉન્ડેશનના સૌ સાથીમિત્રો મળ્યા હતા. દર્શક પણ ઉપસ્થિત હતા. ઍવૉર્ડ માટે, સંબંધિત સમિતિ તરફથી ઘેલુભાઈનું નામ આવ્યું હશે (કે અન્યથા સૂચવાયું હશે). ટ્રસ્ટે વિકલ્પો વચ્ચે આખરી પસંદગી કરવાની હોય એ તબક્કે મેં સસંકોચ પણ ઘેલુભાઈના આ સંધાનવશ વણછાની જિકર કરી હતી. પોતપોતાની જાણકારી અગર નહીં જાણકારીવશ કે ગમે તે કારણે તરત તો કોઈ જ કશું બોલ્યું નહીં. પણ કર્ણસુખિયા દર્શક ધ્યાનબહેરા નહોતા. એમણે મારા સંકોચનું સમર્થન કર્યું. ચૌદ વરસને અંતરે, દર્શક અને ઘેલુભાઈ બંને નથી ત્યારે, આ વિગત જાહેરમાં મૂકવાનો આશય એ મુદ્દો સવિશેષ સ્ફુટ કરવાનો છે કે વ્યામોહ આપણે કલ્પીએ છીએ એના કરતાં વધુ વ્યાપેલો હોઈ શકે છે, અને એની વચ્ચે ‘સ્ટૅન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડ’ એવા ખુદાના બંદા પણ પ્રસંગે મળી રહેતા હોય છે.

કાકાએ ધર્માંતર ઊહાપોહ માટે ખોટો સમય પસંદ કર્યો હતો એ સાચું, પણ એમને જે ખાસ ચાહકો ડિસેમ્બર ૨૦૧૪માંયે અંજલિ નિમિત્તે મળી રહ્યા હતા એમના શ્રેયાર્થે અને લોકમતના શોધનની દૃષ્ટિએ મારે એમના ધર્મચિંતન વિશે જરી તસ્દી લઈને એકબે વાતો અહીં લખવી જોઈએ. એ જ્યારે ધર્માંતરનો વિરોધ કરતા ત્યારે એમાં રિકન્વર્ઝન ઉર્ફે ઘરવાપસીનો પણ વિરોધ અભિપ્રેત હતો. અમારે એકવાર વાત થતી હતી, એમના આસામ દિવસોની – ત્યારે એમણે ઇશાન ભારતમાં કોઈક ઠેકાણે રામકૃષ્ણ મિશનના કોઈક આયોજનમાં એક આદિવાસી મહિલાને ‘હિંદુ’ બનાવવા જેવી ચેષ્ટા જોયાનું અને એથી પોતે અકળામણ અનુભવ્યાનું યાદ કર્યું હતું. જ્યાં જે છે, ધર્મમુદ્દે, ત્યાં તે સહજ છે. મેં એમને યાદ કરાવ્યું કે નાગાલૅન્ડમાંથી રેવરંડ માઇકલ સ્કોટ રજા લે તેવું એક તબક્કે ખુદ જયપ્રકાશે ઇચ્છ્યું હતું. એમણે કહ્યું કે વાત જ્યારે રાજકીય પરિમાણ પકડે ત્યારે તે જુદો મુદ્દો બને છે. ધર્મસમ્પ્રદાય બદલાવવાની – અને તે જ રસ્તે મુક્તિ હોવાની – વાતમાં હું માનતો નથી. ઈશ્વરનો ને મારો સંબંધ પોતાને ઠેકાણે છે. જન્મતાંવેંત મનુષ્યબાળને ગળે અમુકતમુક ધર્મનું પાટિયું લાગી જાય એવું શા માટે. માણસ પુખ્ત બને ત્યારે પોતાનો ધર્મ પોતે પસંદ કરી શકે છે. જન્મગત ફરજિયાતપણું શા માટે, એ એમનો સવાલ હતો. અને હા, ધર્મને આધારે રાષ્ટ્રની વ્યાખ્યા કરવાનું તો એ સ્વીકારે જ શાના. એક તબક્કે આખી વાતને નો-નોન્સેન્સ ઢબે સવિગત સમ્યક્પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાની સિંહજવાબદારી દેશના ગાંધીજનોમાં એક ચુનીકાકાએ જ ઉઠાવી હતી. નારાયણ દેસાઈના ગાંધીચરિત્ર પૂર્વે ગાંધીહત્યા વિશે આટલી સટીક સંદર્ભગૂંથણી ભાગ્યે જ થઈ હશે. ‘સૂરજ સામે ધૂળ’ના લેખન પૂર્વે અને તે દરમિયાન અમારી વચ્ચેનો સતત ચર્ચાદોર આ ક્ષણે તીવ્રપણે સાંભરે છે અને (મહાત્મા માફ કરે) મીઠી વલૂરનું સુખ આપે છે. દર્શકે આ મોરચો સંભાળ્યા બદલ એમને અંગે અભિનંદન જ નહીં કૃતજ્ઞતાનો ભાવે વ્યક્ત કર્યો હતો એ એક રૂડી સાંભરણ મારે અહીં નોંધવી જોઈએ. બંગસાહેબ આદિએ રસ લીધો અને અંગ્રેજી-હિંદી સહિત વિવિધ ભાષાઓમાં આ પુસ્તિકા ગઈ એ એક થવા જેવું કામ હતું, જેમ ૧૯૯૨ પછીના સાંપ્રદાયિક દૌરમાં કાકાએ ‘હિંદુઓની મૂંઝવણના ખુલાસા’ રૂપે પણ કર્યું હતું.

વાત કરતાં કરતાં જરા પાછળ જાઉં?

ડાંગ ઘટનાનાં સત્તરઅઢાર વરસ પહેલાં પણ ચુનીકાકાએ વાજપેયી સાથે ચર્ચાનો અવસર મેળવવાની કોશિશ કરી હતી, એનું અહીં સ્મરણ થાય છે. નિમિત્ત, જનસંઘે જનતા અવતાર છાંડીને ભારતીય જનતા પક્ષરૂપે ‘ગાંધીવાદી સમાજવાદ’નો એક નિષ્ઠા તરીકે સ્વીકાર કરી આગળ ચાલવાનું નક્કી કર્યું એ હતું. ખાસાં પાંત્રીસેક વરસ થયાં એને જ્યારે કાકાએ ગાંધી કહેતાં શું શું સમજાય છે એની છણાવટ કરતો એક વિગતવિશદ પત્ર લખ્યો હતો. એમાં હ્રસ્વ ઇ – દીર્ઘ ઈ ઉપરાંત શબ્દફેરે ઝોકફેરે, કંઈક કાકુ, બાબતે મેં પણ આવડ્યો એવો હાથ બટાવ્યો હતો. વાજપેયીની અમદાવાદ મુલાકાતની પૂર્વસંધ્યાએ તે હાથોહાથ પહોંચાડવા પક્ષની ગુજરાત ઑફિસને મોકલાવ્યો હતો. એમને તે મળ્યો કે કેમ એવી કોઈ પહોંચનો ખયાલ નથી, પણ પાછળથી હિંદીભાષી વિસ્તારોમાં તે સપ્રેસ મારફતે ઠીક ઠીક પ્રસર્યો એમ યાદ આવે છે.

ગોડસેની ભૂમિકાએથી ‘ગાંધીવધ’ને વાજબી ઠરાવતું નાટક મરાઠીમાં લખાયું અને ગુજરાતીમાં પણ ભજવાયું ત્યારે આખી કોમવાદ-ફાસીવાદ સબબ કાકા જેટલું બોલ્યાલડ્યા એટલું એ મુદ્દે કેમ નહીં બોલ્યાલડ્યા હોય કે મુસલમાનો સામે રાજકીય ધોરણે ગોળબંદ થઈ શકતા હિંદુઓ ઘરઆંગણે દલિત સમાજ સાથે સામાજિક ધોરણે ગોળબંદ થઈ શકતા નથી? અસ્પૃશ્યતા ન રહેવી જોઈએ એ વિશે કાકાના મનમાં સ્વાભાવિક જ આનાકાની નહોતી પણ તે માટેની લડતમાં એમને પક્ષે પ્રામાણિક પણ દ્વિધાભાવનું એક તત્ત્વ કદાચ ભળતે રસ્તેમુદ્દે દાખલ થઈ ગયું હતું, અને તે અનામતના સવાલમાં મેરિટના સંભવિત ભોગની બાબતે. જેમ ધર્માંતર ઊહાપોહ તેમ આ મુદ્દે પણ કાકાએ સંદર્ભની પરવા નહોતી કરી. ગુજરાતમાં જે અનામત વિરોધી આંદોલન ઉર્ફે ઉત્પાત બીજા સ્વરાજ પછી તરતનાં વરસોમાં આવ્યો એને માત્ર હિંસા-અહિંસાની રીતે વખોડવાનો જ સવાલ નહોતો. સામાજિક અન્યાયરૂપે અંતર્નિહિત હિંસાના એક આવડ્યા એવા વારણરૂપે આવેલી અનામત જોગવાઈ સામેના વિરોધની અસલિયત પ્રીછી લોકમતને પડકારભેર જાગ્રત કરવાનો સવાલ હતો.

આ લખું છું ત્યારે અનામત વિરોધી આંદોલન આવ્યું તેનાં થોડાં વરસ આગમચ, ૧૯૭૭ના ઐતિહાસિક બીજા સ્વરાજ ચુકાદા પછી તરતનાં વરસોમાં, પાટડી-દસાડાના ધારાસભ્ય, અમારા સૌના મિત્ર ભીમાભાઈ રાઠોડ જે એક રાવ લઈને આવ્યા હતા એ સાંભરે છે. સુરેન્દ્રનગરનાં ગામડાંમાં સ્થાપિત હિતો ‘તમારી મા (ઇંદિરા ગાંધી)’ ગઈ, હવે તમને કોણ બચાવવાનું હતું?’ એવા યુદ્ધઘોષ સાથે હરિજનો પર તૂટી પડવા તૈયાર હોવાનું એમનું કહેવું હતું. અસ્પૃશ્યતા સરખા અન્યાયનિવારણ બાબતે લગીરે દિલચોરી વગરના ચુનીકાકા આખી ચર્ચા મેરિટના કુંડાળામાં ગોટવાઈ ન જાય તે બાબતે કેમ પૂરતા સભાન નહીં હોય?

છતાં, આ જ કાકા – તમે જુઓ કે અનામત આંદોલન દરમિયાન દાદા ધર્માધિકારીએ સામાજિક સમતાની દૃષ્ટિએ મેરિટના કુંડાળામાં પડ્યા વગર વિચારવાની રીતે બેબાકપણે મૂકેલી ભૂમિકાનો એકેએક શબ્દ કેડે કાંકરો મેલી ‘લોકસ્વરાજ’માં ઉતારવાનું ચૂક્યા નહોતા. અમે ‘લોકસ્વરાજ’માં સ્વામી આનંદનો ઐતિહાસિક લેખ ‘હિંદુઓના હાડનું કેન્સર’ ત્યારે જ ઉતાર્યો હતો અને દયા પવારને પણ મૂક્યા હતા. એ રીતે કાકા ચાલતા ખુલ્લાપણાથી હતા. જો કે, ઘણીવાર એવું લાગે છે કે ભૂદાન આંદોલનના ચાહકો અને ટીકાકારો બેઉને, વિનોબાએ મેળવેલું પહેલું ભૂમિદાન અને પહેલો આંદોલનધક્કો હરિજનો માટે જમીન સુલભ કરવાના ખયાલે હોવા વિશે બૂજ નથી તે નથી. જેને આપણે ભૂમિહીન કિસાન કહીએ છીએ તે ઘણુંખરું દલિત જ હોય છે અને એક આખો સમુદાય આમ વર્ણ ને વર્ગ બેઉં ધોરણે વંચિત છે તે મુદ્દે લડવાપણું હતું, છે અને રહેશે. ઢેબરભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર સરકારે લીધેલું પ્રગતિશીલ પગલું, સાઠહજાર સગરપુત્રો લગી પહોંચે તે પૂર્વે જહ્નુની જંઘામાં કેમ અટવાઈ ગયું હશે? અલબત્ત, સાંથણીની જમીનમાં ઉત્તર કાકાએ લીધેલો ઉત્કટ રસ નિરાયાસ પણ ઇતિહાસન્યાયની રીતે દુરસ્તી અને સંતુલનની દિશામાં હતો, અને એમનું કાળજું ઠેકાણે હોવાની સાહેદીરૂપ પણ!

છેલ્લાં વરસોમાં દેશ આખામાં સર્વોદય ક્ષેત્રે બે ગુજરાતી ચહેરા સર્વાધિક સુખ્યાત અને સુપ્રતિષ્ઠ રહ્યા, ચુનીકાકા અને નારાયણભાઈ. ૨૦૦૨ સાથે ઊભો થયેલો પડકાર બંનેએ પોતપોતાને છેડેથી ઝીલી જાણ્યો. વયના જે મુકામ પર, નારાયણ દેસાઈએ કોમવાદ સહિતના પડકારો સામે નોળવેલરૂપે આકર ગાંધીચરિત્રનું કામ લીધું અને પાર પાડ્યું તે નિઃશંક એક પ્રતિમાન છે. કાકા, સેક્યુલર લોકશાહી આંદોલન સાથે અને પોતાની રીતેભાતે, સવિશેષ અલબત્ત જમીન મોરચે રચનાત્મક રાહે તેમ સંઘર્ષને રસ્તે સક્રિય રહ્યા. પ્રત્યક્ષ પડકાર વખતે કથાથી શું નીપજે, એવી હાડના આંદોલકની ફરિયાદ હશે. ચાલો, મૂળ વાત સમજીએ અને સમજાવીએ એવી હાડના શિક્ષકની લોકાયની ભૂમિકા હશે.

કુલપતિ નારાયણ દેસાઈની એ વિવેકદક્ષતા જ લેખાશે કે એમણે ચુનીકાકાને વિદ્યાપીઠમાં દીક્ષાંત અભિભાષણ સારુ સંયોજ્યા, સંડોવ્યા. આયુર્યાત્રાના અંતિમ તબક્કે કાકાને પક્ષે હંસગાન શી જે વાણી ચાલી આવી તે અલબત્ત આંદોલનના સંદેશની હતી, અને વિદ્યાપીઠના પદવીધરે સદા સન્નદ્ધ રહેવાની હતી. તે દિવસે નારાયણ દેસાઈનાં કુલપતિવચનોમાં હૃદયસોંસરી વહી આવેલી એક અપીલ એ હતી કે વિદ્યાપીઠ વરસમાં ઓછામાં ઓછા એક આંદોલનમાં તો પડે જ પડે. નઈ તાલીમનું એ એક સાર્થક્ય હશે. ગાંધીનું દૂધ પીધેલા બે ભિલ્લુઓનું એકસ્વર થવું, અને એ સંગમતીર્થે આપણે પ્રત્યક્ષ સહભાગી હોવું, એથી વધુ શું માગવું?

આશા છે, ચુનીકાકાના જીવનકાર્ય વિશેના સ્મરણલેખો તેમ એમના વિચારમંથનના પસંદ કરેલા અંશો સાથેનો આ સંગ્રાહ્ય ને સેવ્ય સ્મૃતિગ્રંથ સૌને હૃદ્ય થઈ પડશે.

ડિસેમ્બર ૫-૬-૭, ૨૦૧૫

***

સૌજન્ય : કેતન રુપેરા – મુદ્રાંકન તથા છવિ

Loading

માએ નેત્રમણિ મુકાવ્યા!

આશા બૂચ|Opinion - Opinion|24 February 2022

હા, સાચ્ચે જ.

બંને આંખમાં નેત્રમણિ મુકાવ્યા જાણીને પુત્રો અને પુત્રીઓ સપરિવાર માની ખબર લેવા આવી પહોંચ્યાં. પૌત્રો અને દોહિત્રીઓ હોંશે હોંશે દાદી-નાનીને હાથ પકડીને જમવા લઇ જવા દોડી આવ્યાં. સગાં-સંબંધીઓએ વારાફરતી મુલાકાત લઈને ખાતરી કરી લીધી કે હવે માસીને ‘નવી’ આંખે તેઓ બધાં વધુ નમણાં અને સુંદર દેખાવા લાગ્યાં છે! જનોઈ આપે પછી કાશીએ ભણવા જવાનો પરવાનો મળતો તેમ નેત્રમણિ  મુકાવ્યા પછી જાણે ‘માજી’ કહેવડાવવાનો લ્હાવો મળ્યો, તેનો હરખ કરવા સહુ આવી ચડ્યાં!

સહુથી મોટી વાત તો એ બની કે ઘણાં વર્ષે માને પોતાનાં સંતાનો સાથે વાત કરવાનો સમય મળ્યો કેમ કે થોડા દિવસ ઘરકામમાંથી મુક્તિ મળી. મા રજા પર ગઈ! ભણેલાં સંતાનો અને તેમાં ય આ ઇન્ટરનેટની યુનિવર્સિટીના સભ્ય હોવાને નાતે એ લોકોને આપણી આંખમાં કીકીની પાછળ એક પારદર્શક લેન્સ હોય, જેમાંથી પ્રકાશ કિરણો પસાર થઈને રેટિનામાં જાય અને આપણે બધા પદાર્થો, લોકો અને દ્રશ્યો જોઈ શકીએ એ સમજાવવાની જરૂર ન રહે. નાનાં ભૂલકાંઓને રસ હતો, નવી આંખ કેવી રીતે મળી એ જાણવામાં. જ્યારે કહ્યું કે ઉંમર મોટી થતાં લેન્સની પારદર્શકતા ઓછી થઇ, બધું ઝાંખું દેખાવા લાગ્યું એટલે ઓપરેશન કરવું પડ્યું, ત્યારે દાદી-નાની અમારી સાથે દોડા દોડી કરતી રહી. એ હવે આખરે ‘મોટી’ થઇ ખરી, એમ કબુલ્યું એટલે મર્માળું હસવા લાગ્યાં. મોટો પૌત્ર તો તેની વિગતો જાણવા આતુર એટલે માએ પણ ચિત્રો દોરી બતાવ્યું. પહેલા આંખમાં ટીપાં નાખી એનેસ્થેસિયા આપ્યું, કોર્નિયામાં બે નાના કાપ મૂકી લેન્સ સુધી પહોંચી, લેન્સનો ધૂંધળો થઇ ગયેલ પડ કાઢી, લેન્સના બારીક ટુકડા કરી એક ટ્યુબથી શોષી લીધા અને બરાબર માપનો કૃત્રિમ નેત્રમણિ નાખી આપ્યો અને એ સમગ્ર પ્રક્રિયા માત્ર દસ મિનિટમાં પૂરી થઇ એ જાણીને એ તો ખુશ થતો રમવા ચાલ્યો ગયો. એ તો સ્થૂળ ચક્ષુની વાત હતી, નજર અને દૃષ્ટિની વાત બાકી હતી.

….. અને માએ વાત માંડી, “મારાં મા-પાપાના ખોળામાં હતી ત્યારે તેમની આંખો દ્વારા આસપાસના લોકો અને વસ્તુઓનો પરિચય થયો. ફળિયામાં અને શેરીમાં રમતી થઇ, ત્યારે જાત અનુભવે બધાને અલગ અલગ રૂપમાં જોવા લાગી. ભણતર અને ઘડતરે હકીકતો અને માહિતીઓમાં સમજણના રંગ પૂર્યા. ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયમાં જોડાવાની સાથે તો જાણે દૃષ્ટિને પાંખ આવી. નજર ઘર, ફળિયા અને ગામને ઠેકીને છેક પોતાના પ્રાંત, રાજ્ય, દેશ અને છેવટ દુનિયાના બનાવો ઉપર ફરી વળી. દૃષ્ટિ વિશાળ થઈ, કેટલાક મંતવ્યો ઘડાયા, કેટલાક વિચારો ચુસ્ત થયા, પણ છતાં હજુ નજરને નજીકનો વર્તમાન અને દૂરનું ભાવિ જોવાની ક્ષમતા હતી. ચાલીસી વટાવતાં જાણે જોવા-જાણવા જેવું બધું જોઈ-જાણી લીધું હોય તેમ માનવા લાગી. અને નજીકનું જોતાં તકલીફ થઇ, વાંચવા માટે ચશ્માં પહેરવાં પડ્યાં. પ્રૌઢ થયાનો સંકોચ થયો.”

આટલું બોલીને મા અટકી. જાણે આંખ આગળ દૃષ્ટિકોણમાં આવેલ પરિવર્તનને કારણે પોતાના વ્યક્તિત્વમાં આવેલ બદલાવ દેખાયા. ફરી માની નજર અને દૃષ્ટિના પરિવર્તનની કહાની શરૂ થઇ, “હવે સાંભળો, સાઈંઠના ઉંબરે પહોંચતાં તો જાણે આંખ સામે દેખાય તે જરા ધૂંધળું લાગવા માંડ્યું. પરણેલાં સંતાનો જાણે મારી કાળજી નથી કરતા, મારો આદર ચૂકે છે એવું લાગે. નિવૃત્ત થયા બાદ કોઈ મારી વાત સાંભળતું નથી, એનો રંજ રહ્યા કરે. દેશ-દુનિયાના બનાવોને તેના સાંપ્રત સંદર્ભને બદલે પોતાના અનુભવોને આધારે મૂલવવા લાગી. હવે જાણે અમારા જમાનામાં હતું તે બધું સારું હતું અને આ નવો જમાનો ખરાબ આવ્યો એવું રોજેરોજ ભાસવા લાગ્યું. બસ, ત્યારે આંખના ડોકટરે કહ્યું, બે’ન, તમને મોતિયો આવ્યો છે, ઉતરાવી લો, બધું સારું થઇ જશે.

અને થયું પણ એવું. નેત્રમણિ મુકાવી ઘેર આવી, ભગવાનનો પાડ માનવા દીપ પ્રગટાવી બે હાથ જોડ્યા, પ્રાર્થના શરૂ કરી કે તરત થયું, હું દીવો કરું, પેલો જ્હોન કેંડલ કરે અને વૉરન (જુઇશ) સાત મીણબત્તી સળગાવે. મેં બે હાથ જોડયા, એન્ડ્રુ બે હાથના આંકડા ભીડીને ગોઠણિયે બેસે અને મુસ્તફા બે હાથ આકાશ તરફ ઊંચા કરે. હું રુદ્રાક્ષની માળા ફેરવું, જૂલી પ્રેયર બીડ્સ લે, ફાતિમા તસ્બી પકડે. હું હર હર મહાદેવનો ઉચ્ચાર કરું, ઇબ્રાહિમ અલ્લાહ હો અકબર બોલે અને બલવીર સિંહ વાહે ગુરુદી કી ફત્તેહ લલકારે. આ બધામાં શો ફર્ક એવું લાગવા માંડ્યું.

ઘરકામમાંથી મળેલી મુક્તિને કારણે મન ફરી વિચારે ચડ્યું. આ નવા નેત્રમણિની કમાલ તો જુઓ, મારાં માસીએ માથે ઓઢેલું છે, મને મળવા આવેલી અમ્રિત કૌરના માથે ઢાંકેલ દુપટ્ટો અને ફરીદાનો હિજાબ મને તો પોતપોતાની રીતે નારીની માન મર્યાદા રાખવાનો તરીકો જ લાગે છે. મારા હિંમતકાકા મંદિરમાં પૂજા કરી તિલક કરીને આવ્યા, મારી સાથે કામ કરતા માર્કના ગળામાં ક્રોસ છે, જગતાર સિંગની પઘડી બડી ચંગી લાગે, મારો કોલેજ સમયનો દોસ્ત હસન દાઢી રાખે છે તો પીઢ લાગવા માંડ્યો અને અમારો વકીલ જોની (જુઇશ) માથા પર નાની કેપ પહેરે એ જોઉં છું, તો વિચાર આવે કે અહા, આ દુનિયા કેવી સુંદર જુદા જુદા પ્રકારના લોકોથી ભરપૂર છે! આખી દુનિયા માત્ર કરેણના ફૂલોથી છવાઈ ગઈ હોત તો આપણને ન ગમત. એટલે તો કુદરતે અસંખ્ય રંગ, રૂપ, સુગંધવાળાં ફૂલો બનાવ્યાં.

મને આ કોણ જાણે શું થઈ ગયું છે, આ પશુ, પક્ષીથી માંડીને માનવી સુધ્ધામાં વિવિધતા દેખાવા માંડી, પણ પેલી ‘જુદાઈ’ જાણે મારા જૂના લેન્સ સાથે ગાયબ થઇ ગઈ! મને લાગે છે કે હવે હું તમને બધાંને તમારી દૃષ્ટિથી જોતી થઈશ અને દુનિયાના તમામ લોકો, તેમના પહેરવેશ, ખાન-પાન, તેઓના ધર્મ અને સંસ્કૃતિ અને રીત રિવાજો તેમ જ બધી ઘટનાઓને પારદર્શક લેન્સથી જોતી થઈશ. આ કહેવાતા ‘નેતાઓ’ અને ‘વડાઓ’ને કહું છું, તમારે જો કઇં કામ કરવું હોય તો અમને સારી શિક્ષણ અને સ્વાસ્થ્યની વ્યવસ્થા પૂરી પાડો, પીવાનું પાણી અને રોજગાર પૂરા પાડો, બાકી અમારા ભાઈ ભાંડરુઓમાં ભંગ પડાવવા જશો તો તમને ખસેડીને મારા જેવી નવા નેત્રમણિ મૂકાવેલી મહિલાઓ અને સજજનોને વહીવટ કરવા બેસાડી દઈશું જેથી સ્વકેન્દ્રી, સ્વાર્થી અને સંકુચિત દૃષ્ટિવાળી જૂની આંખોના પડળને દૂર કરીને પારદર્શક નેત્રમણિ દ્વારા જોતી આંખો દ્વારા સાચું ભાળી શકે તેવું તંત્ર મળે.”

નેત્રમણિ મુકવાથી આવો જાદુ થાય? માને તો ફાયદો થયો જ પણ તેમના સંતાનોને પણ લાભ થયો. 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,5861,5871,5881,589...1,6001,6101,620...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved