Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સો સત્તાવીસ પાનાનું મહાકાવ્ય 

દીપક મહેતા|Opinion - Literature|3 September 2025

ગ્રંથયાત્રા – 12

ક્યુબામાં રહેતો એક બુઢ્ઢો માછીમાર. એનું નામ સાંતિઆગો. પહેલાં જુવાન હતો ત્યારની વાત જુદી, પણ હવે … છેલ્લા ૮૪ દિવસથી તે એક પણ માછલી પકડી શક્યો નથી. વસ્તીમાંના બીજા માછીઓ, કોઈ હસે છે તેને જોઇને, કોઈ દયા ખાય છે. પહેલાં મેનોલિન નામનો એક છોકરો મદદ માટે સાથે આવતો, જ્યારે બુઢ્ઢો માછલી પકડવા જતો ત્યારે. પણ હવે છોકરાના માબાપે તેને મનાઈ ફરમાવી છે. ખબરદાર છે, જો એવા કરમ બુંધિયાળ બુઢ્ઢા સાથે દરિયે ગયો છે તો. હા, રોજ સાંજે માછીમાર ખાલી હાથે પાછો આવે ત્યારે કિનારે આવી પેલો છોકરો તેને શઢ બાંધવામાં, જાળ વીંટાળવામાં, અને એવાં નાનાં મોટાં કામોમાં મદદ કરે છે. ખાવાનું લઈ આવે છે. અને અમેરિકન બેઝ બોલની મેચમાં આજે શું થયું તેનો અહેવાલ આપી બુઢ્ઢાનું મન બીજી વાતમાં વાળવા મથે છે. પણ વધુ મોટું કામ તો છોકરો કરે છે રોજ બુઢ્ઢા માછીમારને સધિયારો આપવાનું. રોજ કહે : “આજે માછલી ન પકડાઈ જાળમાં, તો શું થયું? આવતી કાલે ચોક્કસ મોટી બધી માછલી સપડાશે તારી જાળમાં.” 

પણ રોજ સવારે તો દરિયો, હોડી, અને બુઢ્ઢો. માછીમાર થઈને માછલી પકડવા ન જાય એ તો કેમ બને? એટલે ૮૫મા દિવસની સવારે પોતાની હોડીમાં બેસી એકલો નીકળી પડે છે બુઢ્ઢો. મનમાં ગાંઠ વાળી છે આજે : ભલે ગમે તેટલા દૂર જવું પડે દરિયામાં. પણ આજે તો માછલી પકડીને જ ઘરે જવું છે. એટલે ટાપુનો કિનારો પાછળ છૂટી જાય છે, વધુ ને વધુ ઊંડાં પાણીમાં હોડી હંકારે છે. પછી દરિયામાં ગલ નાખે છે – સો ફેધમની ઊંડાઈએ. રાહ જોતો બેસે છે બુઢ્ઢો. સૂરજ માથે આવ્યો છે. ત્યાં તો મોટો ઝટકો લાગે છે. હા, લાગમાં આવી ગઈ છે માછલી. અને એ પણ કાંઈ જેવી તેવી નહિ, મોટી બધી માર્લિન માછલી છે આ તો. પણ તે માછલીને ખેંચી શકતો નથી. એને બદલે આ તો માછલી હોડીને અને તેમાં બેઠેલા બુઢ્ઢાને ખેંચવા લાગે છે. આખો દિવસ, આખી રાત માછલી બુઢ્ઢાને અને તેની હોડીને ખેંચ્યા કરે છે. બીજો દિવસ, બીજી રાત. હજી માછલી ખેંચે છે હોડીને. પહેલાં ઉત્તર-પશ્ચિમ દિશામાં ખેંચી રહી હતી, હવે દરિયાના પ્રવાહ સાથે તરીને પૂર્વ દિશામાં ખેંચે છે. ગલની દોરી પકડી પકડીને બુઢ્ઢાના હાથ તો ઘવાયા છે પણ ખભા, બાવડાં, અરે, પગ પણ ઘવાયા છે. પણ તેને ગુસ્સો નથી આવતો માછલી પર. ઊલટાની દયા આવે છે: જીવ બચાવવા, ભાગી છૂટવા, કેવાં વલખાં મારે છે બચાડો જીવ, કેવા ધમપછાડા મારે છે.

ત્રીજો દિવસ. માછલી થોડી થાકી છે, બુઢ્ઢો નહિ. બધું બળ એકઠું કરી હાર્પુનનો ઘા કરે છે. મરેલી માછલી દરિયાની સપાટી પર તરવા લાગે છે. અરે! આ તો અધધધ મોટી માછલી છે. આવી મોટી માછલી તો મેં મારી જિંદગીમાં જોઈ નથી. મહા મહેનતે માછલીને હોડીની બાજુ સાથે બાંધે છે અને પછી હોડીનો મોરો ફેરવે છે ઘર તરફ. વિચારે છે : આવી મોટી માછલીના તો કેટલા બધા પૈસા ઉપજશે. પણ જે ગામલોકો આ માછલી ખાશે તે તેને લાયક નથી. રોજ મારી કેવી હાંસી ઉડાવતા હતા, જ્યારે હું પાછો ફરું ત્યારે! હોડી અને તેની સાથે બંધાયેલી માછલી દરિયામાં આગળ વધે છે. પાછળ માછલીના લોહીની લાલ ધાર વહી રહી છે. લોહીની વાસથી શાર્ક માછલીઓ આકર્ષ્યાય છે. પહેલાં એક માકો શાર્ક હુમલો કરે છે. પોતાના હાર્પુનથી બુઢ્ઢો તેના તો રામ રમાડી દે છે. પણ પોતાનું હાર્પુન અને તેની સાથે બાંધેલું લાંબુ દોરડું ગુમાવે છે. અને બીજી શાર્ક માછલીઓ આવી પહોંચે છે. હલેસાં સાથે એક છરો બાંધીને કામચલાઉ ભાલો બનાવે છે અને તેના ઘા ઝીંકે છે. થોડી શાર્કને આ રીતે મારી શકે છે, પણ પછી વધુ ને વધુ શાર્ક માછલીઓ આવતી જાય છે. હવે બુઢ્ઢો નિરુપાય બન્યો છે. શાર્ક માછલીઓ તેણે પકડેલી માછલીને ફડફોલી ખાય છે. બાકી રહે છે માત્ર હાડપિંજર, માથું, અને પૂંછડી.

બુઢ્ઢો માછીમાર વિચારે છે : મારે એકલાએ આ સફર નહોતી ખેડવી જોઈતી. સાથે પેલો છોકરો હોત તો … સવારનું અજવાળું થાય તે પહેલાં જ તે કિનારે આવી જાય છે. લથડતી ચાલે પોતાની ઝૂંપડીમાં જાય છે. એક જૂનું છાપું પાથરી તેના પર સૂઈ જાય છે. સવાર પડે છે ને ગામ લોકો દરિયા કિનારે ટોળું વળે છે. બુઢ્ઢાની હોડી સાથે બાંધેલું હાડપિંજર જોઈ સૌ આશ્ચર્યમાં ગરક થઈ જાય છે. આવી મોટી માછલી! પણ મેનોલિનને તો ચિંતા છે માછીમારની. એ ક્યાં? શું થયું હશે એનું? ક્યાં ય પત્તો મળતો નથી. ત્યારે બુઢ્ઢાની ઝૂંપડીએ જાય છે. બુઢ્ઢો હજી ઊંઘે છે. એ હેમખેમ છે એ જોઈને છોકરાને ‘હાશ’ થાય છે. વિચારે છે : જાગશે ત્યારે એને કોફી જોઈશે, સવારનું છાપું જોઈશે. બહાર જઈ લઈ આવે છે. થોડી વારે માછીમાર જાગે છે. બન્ને નક્કી કરે છે કે હવે પહેલાંની જેમ ફરી સાથે જ દરિયો ખેડવા જશું. પણ માછીમાર સારું એવું થાક્યો છે એટલે ફરી સૂઈ જાય છે. જે સપનું એ અગાઉ પણ ઘણી વાર જોઈ ચૂક્યો છે તે જ સપનું ફરી એક વાર જુએ છે : આફ્રિકાના દરિયા કિનારે સિંહો રમી રહ્યા છે.

આ કથા છે અર્નેસ્ટ હેમિંગ્વેની વિખ્યાત નવલકથા ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ની. તેના કથાનકનું મૂળ ‘એસ્ક્વાયર’ નામના સામયિકના એપ્રિલ ૧૯૩૬ના અંકમાં પ્રગટ થયેલી હેમિંગ્વેની પોતાની માત્ર ૨૦૦ શબ્દની ‘ઓન ધ બ્લુ વોટર’ નામની લઘુકથામાં રહેલું છે. ૧૯૫૦ના દાયકામાં સચિત્ર સામયિક ‘લાઈફ’ની બોલબાલા હતી. છતાં ૧૯૫૨ના સપ્ટેમ્બરના તેના અંકની પચાસ લાખ – હા, ભૂલ નથી, પચાસ હજાર નહિ, પચાસ લાખ – નકલ વેચાઈ એ વાત તેના પ્રકાશકોની ધારણા બહારની વાત હતી. આ અંકની આટલી બધી નકલો ખપી તેનું કારણ એ હતું કે તેમાં ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ આખેઆખી પ્રગટ થઈ હતી. એ અંકની સાથોસાથ જ આઠમી સપ્ટેમ્બરે એ પુસ્તકાકારે પણ પ્રગટ થઈ અને પુસ્તકની પચાસ હજાર નકલ વેચાઈ ગઈ! આ નવલકથાની હસ્તપ્રત પ્રકાશકને મોકલતી વખતે સાથેના પત્રમાં હેમિંગ્વેએ લખ્યું હતું કે આ નવલકથા મારા લેખક તરીકેના જીવનની સર્વોત્તમ નીપજ છે એટલું જ નહિ, મારી બધી કૃતિઓ માટે તે ભરતવાક્ય – એપિલોગ – ની ગરજ સારે તેવી છે. માત્ર ૧૨૭ પાનાંની – પણ ઘણા વિવેચકોને મતે મહાકાવ્યની કક્ષાએ પહોંચતી – આ કૃતિએ ૧૯૫૨માં સાહિત્ય માટેનું પુલિત્ઝર પ્રાઈઝ મેળવી આપ્યું અને ૧૯૫૪નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ પણ હેમિંગ્વેને મળ્યું. વિદેશી નાગરિકને અપાતો સર્વોચ્ચ ખિતાબ પણ ક્યૂબાની સરકારે હેમિંગ્વેને આપ્યો તે પણ આ નવલકથા પ્રગટ થયા પછી. 

રવીન્દ્ર ઠાકોરે કરેલો તેનો અનુવાદ ૧૯૭૫માં અને જયા મહેતાએ કરેલો અનુવાદ ૧૯૯૨માં પ્રગટ થયો હતો. આ નવલકથાનો અફલાતૂન મરાઠી અનુવાદ પ્રસિદ્ધ સારસ્વત પુ.લ. દેશપાંડેએ કર્યો હતો.

XXX XXX XXX

03 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

વડા પ્રધાન એટલે શું? 

તન્મય તિમિર|Opinion - Opinion|3 September 2025

15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો, ત્યારે દેશનાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની એક કલ્પના હતી કે, દેશનાં એક પણ નાગરિકની આંખોમાં આંસુ ન હોય! 

દેશનાં નાગરિકોની આંખોમાં આંસું ન હોય તેને માટે સૌપ્રથમ પગલું દેશનાં વડા પ્રધાનની આંખોએ ભરવું પડે. એક એવી વ્યક્તિ કે જેની પાસે દુનિયાની તમામ આફતોની સામે લડવાની તાકાત હોય, અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ એ દેશના નાગરિકોને હિંમત આપી રહી હોય!

દેશના વડા પ્રધાનની આંખોમાં આંસુ હોવાં એ દેશના નાગરિકોને રડાવવા સમાન છે. એક ડરપોક અને નબળો માણસ પોતાને ટકાવી રાખવા માટે રડીને દેશના નાગરિકોને ઈમોશનલ બ્લેકમેઇલ કરે છે. દેશની સારી પરિસ્થિતિને પણ નબળી બનાવી દે છે.

ઇતિહાસ હંમેશાં એવી વ્યક્તિઓ સર્જી શકે છે, જેમની પાસે ભવિષ્યમાં દેશ કેવો હશે તેનું ચિત્ર હોય, અને એ વ્યક્તિ પોતાના શબ્દોથી દેશના નાગરિકોને એ ચિત્ર બતાવી શકતી હોય.

જે વ્યક્તિ માત્ર ભૂતકાળનું ચિત્ર બતાવીને દેશના નાગરિકોને ભ્રમિત કર્યાં કરે, અને ભવિષ્યની કલ્પના ન કરાવી શકે એવી વ્યક્તિ દેશની સાથે સાથે દેશના ઇતિહાસને પણ બરબાદ કરી નાખે છે.

વડા પ્રધાન એટલે એક એવી વ્યક્તિ જેની પાસે દૂરનું જોઈ શકવાની ક્ષમતા હોય, એવી આંખો જે આંખોમાં આંસુ નહીં પણ સપનાં આવતાં હોય દેશને દુનિયાના અન્ય દેશો સાથે ચલાવવાના, આગળ વધવાનાં! વડા પ્રધાન એટલે અન્ય દેશની ચાર પૈસાની ધમકીથી ડરીને ડાયપર ભીનું કરનાર વ્યક્તિ નહીં.

વડા પ્રધાન એટલે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજની સમજ ધરાવતી હોય, એવી નાગરિકોનાં શરીર અને મનની કેળવણી માટે મથતી વ્યક્તિ! નાગરિકોને ધર્મ અને અંધશ્રદ્ધામાં ડૂબોળી અંધકારનું સર્જન કરનાર નહીં.

વડા પ્રધાન શબ્દનો અર્થ સમજવા માટે નાગરિકોએ પોતાની જાતને અરીસામાં જોઈને સવાલ કરવો રહ્યો, કે આ આંખોમાં આંસુ લાવે એ વડા પ્રધાન કે, આંખોમાં આંસું ન લાવે તે? વડા પ્રધાન એટલે શું?

(03-09-2025)
સૌજન્ય : તન્મયભાઈ તિમિરની ફેઇસબૂક દીલાથી સાદર

Loading

બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 September 2025

ચંદુ મહેરિયા

આઝાદી પછી તરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઊઠી હતી. સૌ પહેલા ૧૯૪૮માં તેનો વિચાર થયો હતો. પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વરસ પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૬૯ના દિવસે,  ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે  નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં મોરારજી દેસાઈ લખે છે : (૧૯મી જુલાઈ ૧૯૬૯ની) બપોરે ત્રણ-ચાર વાગ્યાના સુમારે (નાણાં મંત્રી તરીકેનું) મારું રાજીનામું એમણે સ્વીકારી લીધું છે,  એવો પ્રધાન મંત્રીનો (ઈન્દિરા ગાંધીનો) મને પત્ર મળ્યો. એનો જવાબ પણ મેં એમને લખી મોકલ્યો હતો. એ જ સાંજે એમણે (વડા પ્રધાન શ્રીમતી ગાંધીએ) ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એની જાહેરાત પણ કરી હતી. (પૃષ્ઠ ૫૨૨) 

દેશે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી બિનજોડાણવાદી વિદેશનીતિ અને મિશ્ર અર્થતંત્રની આર્થિક નીતિ અપનાવી હતી. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોને અવકાશ હતો. પરંતુ ખાનગી અને વેપારી બેંકોનો મુખ્ય ઉદ્દેશ નફાનો હતો તેના પર મોટા ઉદ્યોગપતિઓનું વચર્સ હતું. વળી તે શહેરો અને ઉચ્ચ વર્ગો માટે જ હતી. દેશના ગ્રામીણો અને ગરીબો જ્યારે નાનકડી રકમ માટે પણ શાહુકારો પર નિર્ભર હતા ત્યારે બેંકોની પ્રાથમિકતા ન તો ખેડૂતો હતા, ન ગરીબો, ન શ્રમિકો. આ સ્થિતિમાં બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ થવી સ્વાભાવિક હતી. 

બેંકોનું રાષ્ટ્રીયકરણ (Nationalisation) એટલે વેપારી કે ખાનગી બેંકોની માલિકી અને નિયંત્રણ સરકાર હસ્તક હોવું. બેંકોના રાષ્ટ્રીયકરણનો દીર્ઘ ઇતિહાસ છે. ૨૭મી જાન્યુઆરી ૧૯૨૧ના દિવસે ત્રણ બેંકો(મુંબઈ, બંગાળ અને મદ્રાસની પ્રેસિડેન્સી બેંકો)ને એકત્ર કરીને અખિલ ભારતીય સ્તરની ઈમ્પીરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી. ૧લી જુલાઈ ૧૯૫૫ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરીને ધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવું નામકરણ કર્યું હતું. ૧૯૩૫માં સ્થાપિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ૧૯૪૯માં નેશનલાઈઝેશન થયું હતું. ૧૯૪૮થી સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ કરતા હતા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ માથે હતી ત્યારે જ બેંકો અને વીમાના રાષ્ટ્રીયકરણની માંગ બળવત્તર બની હતી. મે-૬૭માં મળેલી કાઁગ્રેસ વર્કિંગ કમિટી(CWC)માં આ મુદ્દો ચર્ચાયો હતો. તત્કાલીન વિત્ત મંત્રી મોરારજી દેસાઈનો મત હતો કે તેઓ રાષ્ટ્રીયકરણને એક સિદ્ધાંત તરીકે માનતા નથી પરંતુ સાધન માને છે. ‘કાઁગ્રેસે મિશ્ર આર્થિક નીતિ સ્વીકારેલી છે અને વારંવાર તેની જાહેરાત કરી છે અને તેથી રાષ્ટ્રીયકરણને હું કોઈ સિદ્ધાંત તરીકે સ્વીકારતો નથી, તેમ જ રાષ્ટ્રીયકરણની જરૂર હોય તો હું એના પક્ષમાં છું’, એમ પણ તેમણે કહ્યું હતું. તરફેણ-વિરોધની લાંબી ચર્ચાઓ પછી સમાધાનરૂપે બેંકો પર સામાજિક નિયંત્રણની યોજના સ્વીકારવામાં આવી. જો કે તે લાંબુ ન ટકી અને રાષ્ટ્રીયકરણ થઈને જ રહ્યું. 

ઐતિહાસિક અને યુગપ્રવર્તક ઘટના ગણાતા બેંકોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય મોરારજીભાઈ પાસેથી નાણાખાતું પોતાના હસ્તક લઈને તરત જ ત્યારનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ લીધો હતો. સંસદનું સત્ર મળવાને આડા અડતાળીસ કલાક જ હતા તો પણ વટહુકમ મારફતે તેમણે રૂ. પચાસ કરોડથી વધુની થાપણો ધરાવતી ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેનો હેતુ સ્પષ્ટ કરતાં સરકારે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય પ્રાથમિકતા અને ઉદ્દેશો સાથે સુસંગત રહીને અર્થતંત્રના વિકાસની આવશ્યકતાઓ વધુ સારી રીતે સંતોષી શકાશે’.  ૧૯મી જુલાઈ ૧૯૬૯ના આ વટહુકમની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી. પરંતુ તે સંસદમાં ચર્ચાઈને કાયદો બની ગયો. કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને ૧૦મી ફેબ્રુઆરી ૧૯૭૦ના સર્વોચ્ચ અદાલતના બહુમતી(૧૦ વિ.૧) ચુકાદાથી તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો. જો કે કેન્દ્રે હાર ન માની અને ૧૯૭૦ના ફેબ્રુઆરીની ૧૪મીએ બીજા વટહુકમથી બેંકોના પુર્નરાષ્ટ્રીયકરણનો માર્ગ લીધો. સર્વોચ્ચ અદાલતે જે વાંધા લીધા હતા તેને તેમાં દૂર કરાતાં તે કાયદેસર બન્યો અને ૩૧મી માર્ચ ૧૯૭૦ના રોજ બેંકોના રાષ્ટ્રીયકરણનો વિધિવત કાયદો બની શક્યો. જો કે આ કાયદો પશ્ચાદવર્તી અસરનો હોઈ ખરેખર ૧૯મી જુલાઈ ૧૯૬૯થી બેંકોનું રાષ્ટ્રીયકરણ  માન્ય ગણાયું. ઇન્દિરા ગાંધીએ તેમના વડા પ્રધાન તરીકે ૧૯૮૦ના કાર્યકાળમાં  ૨૦૦ કરોડથી વધુ થાપણો ધરાવતી બીજી ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. એટલે કુલ ૨૦ રાષ્ટ્રીયકૃત બેંકો થઈ. ૨૦૧૯-૨૦માં વર્તમાન સરકારે કેટલીક બેંકોનો અન્યમાં વિલય કરતાં હાલમાં ૧૨ નેશનલાઈઝ બેંક્સ છે.

બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે રાષ્ટ્રીયકરણના ઉદ્દેશો અને બેંકોની વર્તમાન સ્થિતિ તપાસવા જેવી છે. વેપારી બેંકો કેટલાક મૂડીપતિઓએ સ્થાપી હતી અને તેના પર તેમનો કાબૂ હતો. તેથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું. પહેલા તબક્કે ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણ સાથે જ આ વર્ચસ તૂટ્યું હતું અને બેંકિંગ ક્ષેત્રનો લગભગ ૮૦ ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળ આવી ગયો હતો. એટલે આર્થિક કેન્દ્રીકરણને તેણે નાબૂદ કર્યું હતું. 

બેંકોના વ્યાપનો હેતુ મોટાપાયે સફળ થયો છે. જુલાઈ ૧૯૬૯માં ૮,૨૬૨ બેંક શાખાઓ હતી. જે આજે ૯૦,૦૦૦ છે. એટલે બેંક શાખાઓમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ તેનું કારણ રાષ્ટ્રીયકરણ છે. નેશનલાઈઝેશન પહેલા ૧૯૫૧ થી ૧૯૬૮માં બેંકોના ધિરાણમાં ૬૮ ટકા ધિરાણ ઉદ્યોગોને અને માત્ર ૨ ટકા જ ખેતીને થયું હતું. હવે બેંક ધિરાણ તો વધ્યું જ છે પરંતુ તે નાના ખેડૂતો, સ્વરોજગાર ચાહતા લોકો, નાના અને મધ્યમ ઉદ્યોગોને મળી રહ્યું છે. અર્થાત બેંક રાષ્ટ્રીયકરણનો જે હેતુ હતો કે બેંકોની લોન ગરીબો, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને નબળા વર્ગોને મળી રહે તે હેતુ બર આવ્યો છે. 

નેશનલાઈઝેશન પછી જ બેંકિંગસ્ટાફમાં અનામતનીતિનો અમલ થયો છે. તેને કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બેંક કર્મચારીથી લઈને મેનેજર થવાની તક મળી છે. મૂડીપતિઓના વર્ચસ હેઠળની બેંકોમાં આ શક્ય નહોતું. ગ્રામીણ ક્ષેત્રે પણ બેંકો પહોંચી છે. જો કે હજુ અંતરિયાળ ગામડાં કે આદિજાતિ વિસ્તારો સુધી તેની પહોંચ નથી. બેંકો સરકારી યોજનાઓના અમલ માટે તો ધિરાણ આપતી થઈ છે પરંતુ સાધન સહાય પણ આપે છે. એટલે રોકડ આર્થિક  ધિરાણ ઉપરાંત ખેતી કે વ્યવસાયના સાધનો માટે બેંક લોન મળતી થઈ છે. બેંક મેનેજમેન્ટનું વ્યવસાયીકરણ થયું છે અને તેમાં સમાજના કથિત નિમ્ન વર્ગોને સ્થાન મળ્યું છે. ખાનગી બેંકો ફડચામાં જાય ત્યારે થાપણદારને માથે જોખમ આવતું હતું. પરંતુ સરકાર હસ્તક બેંકો હોઈ થાપણદારોનો એ ભય દૂર થયો છે એટલે લોકો પોતાની બચત અને થાપણો બેંકોના હવાલે મોટા પાયે કરે છે. આજે બેંકોમાં રૂ.૧૪૦ લાખ કરોડ જમા છે. બેંકો એટલે નાણાની લેવડ-દેવડ, ધિરાણ-થાપણ, લાભ-નફો, અમીરો-ઉદ્યોગો એ છાપ ભૂંસાઈ ગઈ છે. સમાજના ગરીબ, વંચિત, નબળા વર્ગોના લોકો તેનું પગથિયું ચઢતા થયા છે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનની ચિંતા સેવી તેને સક્ષમ બનાવવાવું કામ બેંકો કરતી થઈ છે.

જો કે રાષ્ટ્રીયકરણ પછી રાજકીય હસ્તક્ષેપ અને દબાણને કારણે ધિરાણો કરવામાં આવ્યા છે અને તે મોટા ધિરાણો પરત ન આવતાં એન.પી.એ. (નોન પરફોર્મિગ એસેટ્સ) વધી છે. વળી બેંક એમ્પ્લોઈઝ યુનિયનો મજબૂત હોઈ તેને કારણે કાર્યક્ષમતા અને કામની ગુણવત્તા જોખમાઈ હોવાની છાપ ઊભી થઈ છે. રાષ્ટ્રીયકરણે બેંકોના વહીવટમાં નોકરશાહી વલણો વધાર્યાં છે તે તેની મોટી મર્યાદા છે. એકંદરે ૧૯૯૧ના આર્થિક ઉદારીકરણ પછી અને ખાનગીકરણના વાયરા વચ્ચે બેંકોનું રાષ્ટ્રીયકરણ અકબંધ રહ્યું છે તે તેની મોટી સિદ્ધિ છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...154155156157...160170180...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved