Opinion Magazine
Number of visits: 9570176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રીલંકાઃ રેઢિયાળ નીતિ, પરાવલંબી માનસિકતા અને વણવિચાર્યા અમલને કારણે આ ટાપુને ડુબવાનો વારો આવ્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 April 2022

દેશને આત્મનિર્ભર કરવાના પ્રયાસોમાં શ્રીલંકાની સરકાર પાછી પડી છે. દેવાનો બોજ, ખેતીવાડીમાં યોજના વિનાનું પરિવર્તન, મર્યાદિત વિદેશી હુંડિયામણ જેવી સમસ્યાઓ શ્રીલંકાને ડુબાડી રહી છે

પ્રલયનો દિવસ, કયામતનો દિવસ, ડૂમ્સ ડે, જજમેન્ટ ડે કે પછી આખેરાતનો દિવસ – આ બધાનો અર્થ આમ તો એક જ થાય છે. મૂળ આ દિવસ સુધી પહોંચવા માટે દુનિયાનો સર્વનાશ થવો જરૂરી છે. અત્યારે જે ચાલી રહ્યું છે તે જોતાં આ દિવસ ભણી માણસ જાત ધીમા (ક્યાંક ઝડપી) પણ મક્કમ પગલાં ભરી રહી છે. વાઇરસ, ક્લાઇમેટ ચેન્જ, રશિયા યુક્રેન, પાકિસ્તાન અને હવે એમાં શ્રીલંકાનો ઉમેરો થયો છે. ૫ એપ્રિલે, મધરાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકામાં કટોકટી જાહરે કરી. આર્થિક સંકટના બોજમાં પડી ભાંગેલા શ્રીલંકામાં રાષ્ટ્રવ્યાપી વિરોધની પકડ મજબૂત બની છે. ૧૯૪૮માં શ્રીલંકાના આઝાદી મળી, પછી પહેલીવાર આ રાષ્ટ્રએ આટલા ખરાબ દા’ડા જોયા છે. ૧૩ કલાક સુધી વીજળી ન હોય, ખાવા-પીવાનાં સાંસાં હોય, આવામાં આકળી થયેલી પ્રજા કંઇ પણ કરી બેસે અને એવું જ થઇ રહ્યું છે.

શ્રીલંકાની આ હાલત આખરે કેવી રીતે થઇ? શ્રીલંકામાં બેવડી અછત છે. બેવડી અછત એટલે કે જેટલી રાષ્ટ્રીય આવક છે તેના કરતા કંઇ ગણો વધારે રાષ્ટ્રીય ખર્ચ છે. આ સાબિત કરે છે કે એવી માલ-મત્તા અને ઉત્પાદનો જેની પર વ્યાપાર થઇ શકે તથા સેવાઓ જે રાષ્ટ્રની કમાણીમાં ઉમેરો કરે તેવી સેવાઓની શ્રીલંકામાં ભારે અછત છે. જો કે હાલમાં જે સંજોગો ખડા થયા છે તેનું સીધું કારણ છે ૨૦૧૯ની ચૂંટણીમાં મોટી કર છૂટના કરાયેલાં ઠાલાં વચનો. આ પછી ૨૦૨૦માં કોરોનાવાઇરસ રોગચાળાએ શ્રીલંકાના પગ નીચેથી ચાદર ખેંચી લીધી. આ દેશના અર્થતંત્ર પર પાણી ફરી વળ્યું. રોગચાળાને કારણે સહેલાણીઓ આવવાના બંધ થઇ ગયા અને ટુરિઝમ જેની જીવા દોરી હતી તેવા દેશને ક્રેડિટ એજન્સીઝે તળિયો મુક્યો. આખરે શ્રીલંકા આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટની સર્કિટમાંથી બહાર ફેંકાઇ ગયો. છેલ્લાં બે વર્ષમાં શ્રીલંકાનાં વિદેશી નાણાં ભંડોળનું પણ તળિયું દેખાવા માંડ્યું. શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કટોકટી સર્જાઇ તેની પાછળ ૨૦૨૧માં કૃત્રિમ – રાસાયણિક ખાતરના ઉપયોગ પર મુકાયેલા પ્રતિબંધને પણ કારણભૂત ઠેરવી શકાય. જો કે આ પ્રતિબંધ પછી હટાવી લેવાયો હતો, પણ ત્યાં સુધીમાં તો શ્રીલંકા માટે અગત્યના ગણાતા ચોખાના પાકમાં નોંધાપાત્ર ઘટાડો થઇ ચુક્યો હતો.

શ્રીલંકાની સરકારનું કહેવું છે કે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાંના (IMF) કરજામાંથી છૂટવાનો તરફડાટ કરે છે અને સાથે ચીન અને ભારત પાસેથી નવેસરથી લોન લેવાની ભાંજગડમાં છે. કટોકટી રાતોરાત નથી ખડી થતી, આ સમસ્યાના એંધાણ તો શ્રીલંકાની સરકારને મળી રહ્યા હતા. મહિનાઓ સુધી સરકારી વહીવટી તંત્ર અને સેન્ટ્રલ બેંક ઑફ શ્રીલંકાએ IMFમાંથી મદદ લેવાનાં સૂચનોને ગણતરીમાં ન લીધા. આ તરફ રશિયાએ યુક્રેન પર ચઢાઇ કરી અને ઓઇલના ભાવ આસામાને પહોંચ્યા ત્યારે ફેબ્રુઆરી મહિનાનો અંત નજીક હતો. આ બધું માથે તોળાતું હોવા છતાં છેક એપ્રિલમાં શ્રીલંકાની સરકારે IMF સાથે વાટાઘાટો કરવાનો નિર્ણય લીધો. હવે IMFની મદદ માંગતા પહેલાં શ્રીલંકાએ પોતાનાં નાણાંની કિંમત કોડીની કરી નાખી જેને કારણે ફુગાવામાં ધરખમ વધારો થયો. શ્રીલંકાને ભારત પાસેથી ઇંધણની મદદ જોઇતી હતી. ફેબ્રુઆરીમાં ભારત સાથે આ માટે ૫૦૦ મિલિયન ડૉલરના ક્રેડિટ પર ડીઝલ શીપમેન્ટ મંગાવવા અંગે કાર્યવાહી પણ થઇ, જે હવે શનિવારે શ્રીલંકા પહોંચે તેમ છે. ભારત પાસેથી શ્રીલંકાએ તોતિંગ રકમની મદદ ઉછીની લીધી છે. ચીન પણ શ્રીલંકાને ૧.૫ બિલિયન ડૉલર્સની ઉધારી અને ૧ બિલિયન ડૉલર્સની લોન આપવાની વિચારણા કરી રહ્યું છે. એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે શ્રીલંકાને તેનું પરાવલંબીપણું જ નડી ગયું. ત્યાંની સરકાર તો સતત પોતાનો બચાવ કરવામાં પડી છે. તેમના મતે વિદેશી ભંડોળની કટોકટી તેમના કારણે નથી સર્જાઇ અને આર્થિક મંદીનું કારણ માત્રને માત્ર રોગચાળો છે, જેને કારણે સહેલાણીઓ પર નભતા આ દેશની દશા બેઠી. શ્રીલંકા માટે એક સાંધો અને તેર તૂટેની હાલત થઇ છે.

શ્રીલંકામાં જે ફુડ ક્રાઇસિસ છે તેમાં અચાનક જ ઓર્ગેનિક ફાર્મિંગ પર મુકાયેલું જોર પણ જવાબદાર છે. શું શ્રીલંકાના ખેડૂતો આ પ્રકારના ધરમૂળથી કરાયેલા પરિવર્તન માટે તૈયાર હતા? ઓર્ગેનિક ફાર્મિંગનો અર્થ માત્ર રસાયણોની ગેરહાજરી નથી. તેનો અર્થ એમ પણ થાય કે પાકનુ્ં પ્રમાણ વધારવું પડે કારણકે કુદરતી રીતે ઊગાડાયેલો પાક નિષ્ફળ જાય તો પુરવઠાનો વાંધો પડે. ઓર્ગેનિક ફાર્મિંગથી જમીનને ફાયદો થાય અને ખેડૂતનો પણ ફાયદો થાય તેની ના નહીં, પણ આ પરિવર્તન રાતોરાત લાગુ પડે તો શું હાલત થાય? ઓર્ગેનિક ફાર્મિંગ લાગુ કરવા માટેની પૂર્વ તૈયારીઓ શ્રીલંકામાં કરાઇ હતી ખરી? ભારતમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ (ZBNF) આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં સફળ રહ્યું છે કારણ કે તે તબક્કા વાર, યોગ્ય તાલીમ અને તૈયારી સાથે શરૂ કરાયું હતું. શ્રીલંકાની સરકારનો હેતુ યોગ્ય હતો, પણ તે લાગુ કરવામાં આંધળુકિયા કરાયા અને એક પદ્ધતિ પરથી બીજી પદ્ધતિ પર જવાની કાર્યવાહી કોઇ પણ પ્રકારના પ્લાનિંગ વગર થઇ. રાતોરાત કરાયેલી જાહેરાતને પગલે લોકોએ પોતે સ્ટોક ભેગો કરી રાખ્યો, કાળા બજાર પણ થયા અને ખેડૂતોમાં સખત તાણ પેદા થઇ. બદલાઇ રહેલા સમયમાં લોકો અશ્મિગત ઇંધણ પરનું પોતાનું પરાવલંબન ઘટાડવા માગે છે પણ તે કરવા માટે જે પરિવર્તનો કરવા પડે છે તે ઉપરછલ્લાં ન હોઇ શકે. યોજના વગરનું પરિવર્તન માથે પસ્તાળ બનીને જ પડશે એ ચોક્કસ.

શ્રીલંકામાં જે થઇ રહ્યું છે તેમાંથી ઘણું શીખવા જેવું છે. મર્યાદિત ચીજોની નિકાસ કરનારા શ્રીલંકાનું આયાતનું લિસ્ટ બહુ લાંબું છે. દેશને આત્મનિર્ભર કરવાના પ્રયાસોમાં શ્રીલંકાની સરકાર પાછી પડી છે. દેવાનો બોજ, ખેતીવાડીમાં યોજના વિનાનું પરિવર્તન, મર્યાદિત વિદેશી હુંડિયામણ જેવી સમસ્યાઓ શ્રીલંકાને ડુબાડી રહી છે.

બાય ધી વેઃ

શ્રીલંકાની સરકારનું તંત્ર રેઢિયાળ છે. દેશને મદદ મળી જ રહે છે એમ માનીને વહીવટ ચલાવ્યા કર્યો હોવાનું આ પરિણામ છે. મદદ પર રાષ્ટ્રો ન ચલાવી શકાય, આશ્રમ ચલાવાય. લોન પાછી ભરવાની ત્રેવડ ન હોય પણ લોન લીધા કરીએ ત્યારે માણસ અંતે તો ડિફોલ્ટર જ બને, શ્રીલંકાના મામલામાં આવું જ થયું છે. કમાણીથી ભંડોળ ભરવાને બદલે ઉછીને પૈસે ભંડોળ ભરેલા રાખવાની દાનત, વિદેશી હુંડિયામણથી દેવું ભરવાની યોજનાએ રાષ્ટ્રની હાલત કથળાવી દીધી છે. જો શ્રીલંકાએ મદદ પર જીવવાને બદલે પોતાના અર્થતંત્રને મજબૂત કરવા પર ધ્યાન આપ્યું હોત તો આટલા ખરાબ દિવસ ન આવત.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  10 ઍપ્રિલ 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—140

દીપક મહેતા|Opinion - Opinion|9 April 2022

એક નાટક કંપની જે જન્મી અમદાવાદમાં પણ જીવી મુંબઈમાં

થિયેટર એક, અવતાર ત્રણ : ટ્રીવોલી, ગેઈટી, કેપિટોલ 

અંક ત્રીજો

માનશો? છેક ૧૮૯૩-૯૪ સુધી અમદાવાદમાં એક પણ થિયેટર નહોતું! અને છતાં નાટક પાછળ ઘેલા થયેલા એક જણ, કેશવલાલ શિવરામે જૈન ધર્મકથા પરથી લખેલું પોતાનું નાટક ‘સંગીત લીલાવતી’ ભજવ્યું. કઈ રીતે? તાડપત્રીનો માંડવો બાંધ્યો. સાદા, સફેદ કપડાના બે પડદા, તાડપત્રીની વિંગ, થોડા મોટા દીવા અને કપાસિયાના દીવાની ‘ફૂટ લાઈટ્સ’. અને પાત્રોના ડ્રેસ? કેટલાક ‘આશ્રયદાતા’ઓ પાસેથી વાપરવા માટે ઉધાર આણેલ સાડી, સેલાં, અંગરખાં, ખેસ, વગેરે. માત્ર બે સાજિન્દા : સારંગીવાળો અને તબલાવાળો. નાટક જોવા માટે ટિકિટ વેચવાનો તો સવાલ જ નહોતો. અને છતાં ત્રણ મહિનામાં નાટકના ડબ્બા ડૂલ. એ નાટક ભજવતી વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગી. પણ વીસેક વરસનો એક યુવાન, નામે ડાહ્યાભાઈ ધોળશાજી એ નાટક જોવા આવતો. એને આ નાટકનાં ગીતો એટલાં તો ગમી ગયેલાં કે નાટક વીસેક વાર જોયેલું. એક વાર તેમણે એક ગીત માટે ત્રણ-ચાર વન્સ મોર માગ્યા. આથી કંટાળીને ગાનાર કલાકારે કહ્યું કે ‘એક વાર નાટક કંપની કાઢી જુઓ તો ખબર પડે કે વન્સ મોર કેમ અપાય છે. આ વાત તેમના મનમાં ઘર કરી ગયેલી.

કેશવલાલ શિવરામ અને તેમનું નાટક

વારંવાર આ નાટક જોવા જતા એટલે કેશવલાલ સાથે ઓળખાણ. વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગ્યા પછી કેશવલાલ અને ડાહ્યાભાઈએ ભેગા મળીને નવી નાટક મંડળી શરૂ કરી, જેને નામ આપ્યું શ્રી દેશી નાટક સમાજ. ૧૮૯૧-૧૮૯૨ના અરસામાં કેશવલાલ તેમાંથી છૂટા થયા અને ડાહ્યાભાઈ એક માત્ર માલિક બન્યા. પણ કેશવલાલનું નાટક એ પછી વરસો સુધી સતત ભજવાતું રહ્યું. ૧૯૨૬ સુધીમાં તેની કુલ ૨૬ આવૃત્તિ છપાયેલી. દરેક આવૃત્તિની પાંચ હજાર નકલ! નાટક સતત ભજવાતું રહ્યું ન હોય તો આમ બનવું શક્ય જ નથી.  

પ્રિય વાચક! તમને થતું હશે કે આજે આ મુંબઈ નગરીની ગાડી અવળે પાટે ચડીને કાળુપુર સ્ટેશન તરફ કેમ ધસી રહી છે! ના, જી. આપણી ગાડી બોમ્બે સેન્ટ્રલ જ આવી રહી છે. વરસ હતું ૧૮૯૬નું અને મહિનો હતો મે. મુંબઈમાં કાળઝાળ ગરમી. ટ્રેનમાં છે ડાહ્યાભાઈની શ્રી દેશી નાટક સમાજના કલાકારો. મુંબઈની રંગભૂમિની જાહોજલાલીની, તેના દરિયાદિલ પ્રેક્ષકોની, વ્યવસ્થિત રીતે બાંધેલા થિયેટરોની વાતો અમદાવાદ બેઠાં સાંભળવા મળેલી. એટલે વિચાર્યું કે ચાલો, મુંબઈ જઈને નાટક ભજવીએ. નસીબ પાધરાં તે ગેઈટી થિયેટરમાં પેટા ભાડૂત તરીકે રહેવાની અને નાટકો ભજવવાની સગવડ થઈ ગઈ.

આ ગેઈટી થિયેટરનો પણ નાનકડો ઇતિહાસ છે. ૧૮૭૯માં કુંવરજી પગથીવાલા નામના વેપારીએ બોરી બંદર સામે નાટકો ભજવવા માટે ટ્રીવોલી નામનું થિયેટર બંધાવેલું. એ વખતે વિક્ટોરિયા ટર્મિનસ હજી બંધાઈને પૂરું થયું નહોતું. ૧૮૭૮માં તેનું બાંધકામ શરૂ થયેલું, પણ તેને પૂરું થતાં દસ વરસ લાગેલાં! અહીં પારસી-ગુજરાતી, મરાઠી, હિન્દુસ્તાની, ગુજરાતી નાટકો ભજવાતાં. પછીથી તેનું નવીનીકરણ થયું અને નામ બદલાઈને થયું ગેઇટી. કુંવરજી નાઝર તેના માલિક બન્યા. કુંવરજી એટલે નાટકનો જીવ. શરૂઆતમાં ત્યાં અંગ્રેજી નાટકો ભજવ્યાં, પણ તેમાં સારી સફળતા ન મળતાં ‘દેશી’ ભાષાનાં નાટકો માટે થિયેટર ભાડે આપવાનું શરૂ કર્યું. જયપુરમાં નાટકો ભજવવા ગયા હતા ત્યારે ૧૮૯૯ના મે મહિનાની ૧૫મી તારીખે ૫૫ વરસની ઉંમરે નાઝરનું અચાનક અવસાન થયું હતું.

પણ પહેલાં મૂંગી ફિલ્મ અને પછી બોલતી ફિલ્મ આવતાં નાટકની માગ ઘટી. એટલે ૧૯૨૮માં તે નાટક માટેના થિયેટરમાંથી સિનેમા માટેનું થિયેટર થયું. સાથોસાથ તેનું નામ પણ બદલાયું. નવું નામ કેપિટોલ. આ નામ સાથે એ જૂની, જર્જરિત ઈમારત આજે પણ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામે ઊભી છે.

પ્રિન્સેસ થિયેટર ગયું, હાથી રહી ગયો

ગેઈટીમાં ભજવાતાં નાટકોમાંથી થયેલી આવકમાંથી કંપનીએ મુંબઈમાં એમ્પાયર થિયેટરની બાજુની જગ્યા ઉપર ‘દેશી નાટકશાળા’ નામનું કાચું નાટ્યઘર ૧૯૦૦માં બાંધ્યું. એ પછી શેઠ ત્રિભુવનદાસ મંગળદાસે ૧૯૦૫માં પાકું નાટ્યઘર કાલબાદેવી વિસ્તારમાં બાંધ્યું. એ વરસે પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ૨૯ ઓક્ટોબરે મુંબઈ આવ્યાં હતાં. તેમની મુલાકાતના માનમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ બાંધવાનું નક્કી થયું હતું. તેનો પાયો પ્રિન્સ અને પ્રિન્સેસે ૧૧મી નવેમ્બરે નાખ્યો હતો. તો મરીન લાઈન્સ રેલવે સ્ટેશનથી શરૂ થતા રસ્તાને પ્રિન્સેસ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું. આજે તેનું સત્તાવાર નામ શામળદાસ ગાંધી માર્ગ છે. પણ એ નામે ભાગ્યે જ કોઈ એ રસ્તાને ઓળખે છે. એ જમાનામાં આપણા ઘણા લોકોમાં બ્રિટિશ રાજ પ્રત્યેની વફાદારી જાહેર કરવાની ફેશન હતી. એ રીતે પ્રિન્સેસ સ્ટ્રીટથી બહુ દૂર નહિ આવેલા આ થિયેટરને પ્રિન્સેસ થિયેટર નામ અપાયું હશે. પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ૧૯૦૫ના ઓક્ટોબરના અંતે મુંબઈ આવેલાં, એટલે એ અરસામાં આ નામકરણ થયું હોય.

પ્રિન્સેસ સ્ટ્રીટ નામ જેમ લોકજીભે ન ચડ્યું તેમ આ પ્રિન્સેસ થિયેટર પણ ન ચડ્યું. લોકો તો તેને ભાંગવાડી થિયેટર તરીકે જ ઓળખતા, કારણ તે એ નામની ગલ્લીમાં આવ્યું હતું. એક જમાનામાં અહીં ભાંગ વેચતી ઘણી દુકાનો આવેલી હતી. ગુજરાતી બ્રાહ્મણો આ દુકાનો ચલાવતા. અહીં બે પૈસાથી માંડીને બે આના સુધીમાં જુદી જુદી જાતની  ભાંગનો એક કટોરો મળતો. દૂધ અને ખાંડવાળી સાદી ભાંગ બે પૈસામાં. તો વાટેલાં બદામ-પિસ્તાં, એલચી, કેસર મિશ્રિત ભાંગના બે આના. મહાશિવરાત્રીના દિવસે તો આ દુકાનો પર લાંબી લાઈન લાગતી. આસપાસનાં શિવ મંદિરોમાં પણ શિવ લિંગ પર ભાંગનો અભિષેક થતો.

ડાહ્યાભાઈ ધોળશાજી

ડાહ્યાભાઈ ધોળશાજીનું કુટુંબ ઝવેરીનું. આવો મોભાદાર ધંધો છોડીને દીકરો ‘નાટકિયો-ચેટકિયો’ બને એ પિતા ધોળશાજી કઈ રીતે સહન કરી શકે? તેમણે દીકરાને કહી દીધું : એક બાજુ છે કુટુંબનો પ્રતિષ્ઠિત ધંધો, મોભો, સુખ-સમૃદ્ધિ, બીજી બાજુ છે તારાં નાટકચેટક. બેમાંથી એકની પસંદગી કરી લે. ડાહ્યા ડાહ્યાભાઈએ નાટકનો રસ્તો લીધો એટલું જ નહિ કુટુંબની બધી મિલકત ઉપર પોતાનો કોઈ હક્ક નથી એવી ફારગતી લખી આપી. મુંબઈમાં નાટકના ધંધામાં પૈસા અને પ્રતિષ્ઠા મળ્યાં. પણ માત્ર ૩૫ વરસની ઉંમરે ૧૯૦૨ના એપ્રિલની ૩૦મી તારીખે ડાહ્યાભાઈનું મુંબઈમાં અવસાન થયું. એક અઠવાડિયા સુધી દેશી નાટક સમાજનાં નાટકો બંધ રહ્યાં. મે મહિનાની સાતમી તારીખે ડાહ્યાભાઈનું જ લખેલું ‘વીણાવેલી’ નાટક ભજવાયું ત્યારે મેન ડ્રોપ કાળા રંગનો હતો અને તેની બંને બાજુ ડાહ્યાભાઈના ફોટા મૂકવામાં આવ્યા હતા.

જે દીકરા સાથેનો બધો જ સંબંધ તોડી નાખ્યો હતો એ દીકરાની કમાઉ દીકરા જેવી નાટક કંપની અને તેના ઘરનો ધોળશાજીએ બળજબરીથી કબજો લઈ લીધો. એટલે ડાહ્યાભાઈનાં પત્ની મણિબહેને બોમ્બે હાઈ કોર્ટમાં કેસ માંડ્યો. ધોળશાજી કેસ હારી ગયા. પછી ધોળશાજીએ મણિબહેન સાથે સમજૂતી સાધી. રોકડ રકમ આપીને કંપનીનો કારભાર જાણીતા લેખક જયંતી દલાલના પિતા ઘેલાભાઈ દલાલને સોંપ્યો. પણ થોડો વખત ચલાવીને ઘેલાભાઈએ કંપનીનો કારભાર ડાહ્યાભાઈના કાકાના દીકરા ચંદુલાલ દલસુખ ઝવેરીને સોંપ્યો. મણિબહેને પોતાનો તમામ હક્ક ઉઠાવી લીધો અને ચંદુલાલ દેશી નાટક સમાજના એકમાત્ર માલિક બન્યા.

ચંદુલાલ ઝવેરી અને હરગોવિંદ શાહ

કંપનીને વધુ ને વધુ આગળ વધારવાની લાહ્યમાં ચંદુલાલ દેવું કરતાં ગયા. તેમાં કેટલાંક નાટક નિષ્ફળ ગયાં. વીસ વરસ કંપની ચલાવ્યા પછી ટૂંકી માંદગીમાં ચંદુલાલનું અવસાન થયું. તેમની નાટક કંપની મુંબઈ હાઈ કોર્ટનાં રિસીવર નાનાભાઈ મૂસને સોંપાઈ. પણ થોડા અનુભવ પછી મૂસને સમજાયું કે કોઈ નાટક કંપની ચલાવવી એ હાઈ કોર્ટના રિસીવરનું કામ નથી. એટલે કોર્ટે નાટક કંપનીનું લિલામ જાહેર કર્યું. કાઠિયાવાડના સાહસિક વેપારી હરગોવિંદદાસ શાહે ૩૫ હજાર રૂપિયામાં દેશી નાટક સમાજ કંપની ખરીદી લીધી. તેમણે ઘણા ફેરફાર સાથે જૂનાં નાટક ફરી ભજવ્યાં. નવાં પણ લખાવ્યાં. ‘વીર પૂજન’ નાટક સતત નવ મહિના સુધી ભજવાયું. પ્રિન્સેસ થિયેટરના ચોગાનમાં આરામ ખુરસી પર શેઠ આખો દિવસ બેઠા હોય. સફેદ લાંબો કોટ અને ધોતિયું. બેંગલોરી ગોળ ટોપી બાજુની ટીપોય પર પડી હોય. બાજુમાં હોય હુક્કો. નોકર ગંગારામ વખતોવખત હુક્કો ભરતો જાય. શેઠ કંપનીમાં નવા નવા ચહેરા લાવતા ગયા : માસ્ટર કાસમભાઈ, આણંદજી કબૂતર, કેશવલાલ કપાતર, નાટ્યલેખક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, મૂળચંદ મામા, સંગીતકાર માસ્ટર ભગવાનદાસ, પ્રાણસુખ એડીપોલો, વગેરે. કારવાં બનતા ગયા. ‘સોરઠી સિંહ’ નાટક વખતે દેશી નાટક સમાજે એક હિંમતભર્યું પગલું ભર્યું. નાટકમાં પહેલી વાર સ્ત્રીની ભૂમિકા સ્ત્રી પાસે કરાવી. એ નટી તે મરાઠી અભિનેત્રી શ્યામાબાઈ.

બધું સમુંસૂતરું ચાલતું હતું ત્યાં ફરી અણધારી આફત. હરગોવિંદદાસ રંગભૂમિની સાથોસાથ શેર (બજાર) ભૂમિની ઉપાસના પણ કરતા. યાત્રામાં ગયા હતા ત્યારે એકાએક શેરના ભાવ ગગડ્યા. ૪૦ હજાર રૂપિયાનું નુકસાન. પૈસા કાઢવા ક્યાંથી? કરો નવું નાટક. પ્રભુલાલ દ્વિવેદીએ તાબડતોબ નવું નાટક લખ્યું. રાત-દિવસ રિહર્લસર ચાલે. ૧૯૩૮, માર્ચ ૩૧. એ નાટકનું ગ્રાંડ રિહર્લસર. પણ જોતાંવેંત બધાને લાગ્યું કે આ નાટક તો ડબ્બો છે. હરગોવિંદદાસ શેઠ બબડ્યા : ‘મારું મોત બગાડ્યું.’ રાતોરાત નબળી કડીઓને સુધારી, મઠારી. પછી બીજી એપ્રિલે તેની પહેલી નાઈટ. શેઠ તો માંદગીને લીધે જોવા આવ્યા નહોતા. પણ નાટક ખૂબ ઊંચકાયું. પડોશી પૂનમભાઈએ આ ખબર શેઠને આપ્યા અને કહ્યું : ‘નાટક સોળ નહિ, વીસ આની સફળ.’ નાટક પૂરું થયા પછી બધા મુખ્ય કલાકારો પણ શેઠને ઘરે ગયા અને સારા ખબર આપ્યા. શેઠ કહે : હવે મારું શેર બજારનું વલણ ચૂકવાઈ જાય એટલે મારા જીવને શાંતિ. નાટકની પાંચ નાઈટની આવકમાંથી જ વલણ ચૂકવાઈ ગયું. પણ તે જ રાત્રે, ૧૯૩૮ના એપ્રિલની અગિયારમી તારીખે રાત્રે બાર વાગ્યે હરગોવિંદદાસ શેઠનું અવસાન થયું.

એ નાટક તે કયું? એની વાત હવે પછીના ચોથા અંકમાં. અને હા, દેશી નાટક સમાજ અંગેની એક વણઊકલી ગૂંચની વાત પણ હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 ઍપ્રિલ 2022

Loading

ચાલો, જાતને સવાલો કરીએ (૩)

સુમન શાહ|Opinion - Literature|9 April 2022

સંસ્કૃત કાવ્યમીમાંસા રસ-કેન્દ્રે વિકસેલી છે. પશ્ચિમમાં ઍરિસ્ટોટલ-પ્રણીત સાહિત્યમીમાંસા અનુકરણ-કેન્દ્રે વિકસેલી છે.

વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ-ના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. ભરત મુનિએ આપેલું એ રસસૂત્ર એવું જ કેન્દ્ર છે – રસસૂત્ર મૂળે ભલે માત્ર નાટ્યરસને વિશે હતું. અનુકરણ – માયમેસિસ – ઍરિસ્ટોટલપ્રણીત માયમેટિક થીયરિનું – અનુકરણશીલ સાહિત્યવિચારનું – કેન્દ્ર છે. મૂળે એ ભલે માત્ર ટ્રેજેડી સંદર્ભે હતું.

બન્ને મીમાંસા અનુકરણશીલ છે – માયમેટિક. અનુભવ-વાદી અને ભોગ-લક્ષી. બન્નેની વિચાર-વિભાવ ત્રિજ્યાઓ વિસ્તરેલી છે.

સાહિત્યકલામીમાંસાની આ બન્ને પરમ્પરાઓને હું મૅટા-નૅરેટિવ્ઝ ગણીને ચાલું છું – સાહિત્યકલાજગતનાં ચિરકાળથી ચાલ્યાં આવેલાં મહા-વૃત્તાન્ત.

એકને રસવાદ અને બીજાને અનુકરણવાદ કહી શકાય. જો કે ફાસિઝમ, ફન્ડામૅન્ટાલિઝમ કે કૅપિટાલિઝમ જેવાં મૅટા-નૅરેટિવ્ઝની હોડે હોડે ગાંધી-ઇઝમ કે ગાંધી-વાદ કહેવું ન રુચે તેમ આ બન્નેને રસ-ઇઝમ કે રસ-વાદ અને અનુકરણ-ઇઝમ કે અનુકરણ-વાદ કહેવાનું પણ ન જ રુચે … છતાં કામચલાઉ ધોરણે ભલે કહીએ.

બન્ને નૅરેટિવ્ઝ મૅટા લાગે તેનાં કારણો છે : રસવાદ અને અનુકરણવાદ ભવ્યાતિભવ્ય અને સુવ્યાપ્ત ભાસ્યાં છે. બન્ને ગ્લોબલ છે. પહેલું ભારતવ્યાપી છે અને બીજું જગવ્યાપી છે. વ્યાપ્તિની આ વાતને હાલ રસવાદ પૂરતી સીમિત રાખું :

સંસ્કૃત કાવ્યમીમાંસામાં પ્રવર્તેલા લગભગ બધા સમ્પ્રદાયોએ રસ તત્ત્વની સર્વોપરીતા સ્વીકારી છે.

કાવ્યના ગુણ-દોષની ચર્ચા માટે જાણીતા આલંકારિક ભામહ (૬ઠ્ઠી સદી) રસની અભિ વ્યંજના-ની મનોહરતાને અલંકારના આકર્ષણથી ચડિયાતી ગણે છે.

આનન્દવર્ધન (૯મી સદી) વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ સમા સંવિભાગો દર્શાવે છે ખરા, એ પ્રકારે રસવાદની સીમાઓને વિસ્તારે છે ખરા, પણ શ્રેષ્ઠ તો રસધ્વનિ-ને જ ગણે છે.

પોતાના ગ્રન્થને ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ નામ આપતા આલંકારિક ઉદ્ભટ (૯ મી સદી) બધા અલંકારોની પોતાની રીતે વ્યાખ્યાઓ કરે છે ખરા, પણ સ્થાયીના રસમાં થનારા રૂપાન્તરના મુદ્દાને નથી ભૂલતા. છોગામાં, જે રચનામાં શૃંગાર વગેરે રસનો ઉદય સ્પષ્ટ હોય તેને તેઓએ ‘રસ’વત્ અલંકારનું બિરુદ આપ્યું  છે.

વક્રોક્તિ-ને સાહિત્યકલાનું ‘જીવતમ્’ લેખ્યા પછી પણ કુન્તક (૧૧મી સદી) દર્શાવે છે કે તે જીવિત ખરું પણ ‘રસ’સિધ્ધ કાવ્યનું જીવિત.

વાક્ય લગી પહોંચી ગયેલા વિશ્વનાથ (૧૪મી સદી) તેને ‘રસાત્મકમ્’ ગણ્યા પછી જ કહે છે કે તે કાવ્ય છે.

રમણીયાર્થ-નું પ્રતિપાદન કરી આપતા શબ્દને કાવ્ય ગણનારા જગન્નાથે (૧૭મી સદી) પણ રસનો અસ્વીકાર નથી કર્યો : બીજાઓ જેને ચર્વણા કહે છે તેને જગન્નાથ પુન:પુન: અનુધાવન  કહે છે, પણ જેનું અનુધાવન કરવા કહે છે, તે તો ‘રસ’ છે.

ગુજરાતી સહિતની બધી જ ભારતીય ભાષાઓમાં રચાયેલા સાહિત્યવિચારની મૂળ ભૂમિકા અર્વાચીન સમયોથી માંડીને આજ સુધી રસવાદની રહી છે.

++

બન્ને મીમાંસા મહદંશે ઑર્ડર – વ્યવસ્થા – પરક, અને ટોટલાઇઝિન્ગ – સર્વસમાવેશી અને સર્વહારા – લાગ્યાં છે.

બન્નેનું ફિલોસૉફિકલ મૉડેલ – ચિન્તનપરક વિચારનિદર્શન – દેહ અને આત્માનું છે. એ પણ એટલું જ સાર્વત્રિક છે.

તેથી બન્નેમાં શરીર અને જીવ, દેહ અને આત્મા, જેવાં રૂપકો સાથે જોડાયેલી પરિભાષા પ્રયોજાઇ છે – ઑર્ગેનિઝ્સ્મીક મૅટાફોરિકલ વૉકેબ્યુલરી : રસવાદ કાવ્યશરીર અને આત્માસ્વરૂપ રસને ચિન્તવે છે. વળી, રસ-ભોગ અને આનન્દ-સમાધિ બન્નેની વાત કરે છે. અનુકરણવાદ ઑર્ગેનિક હોલને – સાવયવ અખણ્ડતાને – આગળ કરે છે. વળી, કૅથાર્સિસ, વિરેચક વિશોધન, અને તેથી લાધતા મનો-સ્વાસ્થ્યની વાત કરે છે.

Pic courtesy : SlideShare.

સાહિત્યકલાને વિશેના માનવીય જ્ઞાનરાશિમાં જમાનાઓથી બન્નેની અકાટ્ય ભૂમિકા રહી છે. કહો કે સાહિત્ય-જ્ઞાનપરક કોઇ પણ મુદ્દાનું આકલન અને તેનો બુધ્ધિગમ્ય ખુલાસો બન્ને પાસેથી લગભગ હમેશાં મળે એવી એમાં સમ્પૂર્ણતા અને સનાતનતા છે.

સવાલ : રસવાદ અને અનુકરણવાદનું આ ચિરકાલીન વર્ચસ્ વિચારણીય નથી? દેહ અને આત્મા જેવી રૂઢ ફિલસૂફીઓના આધારે ક્યાં લગી વિચારીશું? ક્યાં લગી, નવલકથાને જન્મી, વિકસી ને મરી, કહ્યા કરીશું? ભોગ અને સમાધિ જેવાં ઑપોઝિશન્સમાં ક્યાં લગી આવ-જા કર્યા કરીશું? બન્ને મૅટાનૅરેટિવ્ઝથી મુક્ત થઇને કશા માઇક્રો-નૅરેટિવને વિચારવાનો સમય ક્યારનો ય પાકી ગયો નથી?

અનુ-આધુનિક ઝંખના એમ છે કે આવી ટેવજડ પરિસ્થતિનું નિરસન થાય, તેમને ઇરેઝર હેઠળ મુકાય  – એટલે કે, તેમને ન-નિવાર્ય છતાં અ-પર્યાપ્ત ગણાય; તેમને નવ્ય સંદર્ભો સાથે / સામે મૂકીને જોવાય. અનુ-આધુનિક દર્શન એમ કહે છે કે તેમનાં વિઘટનપરક – ડિકન્સ્ટ્રકશનલ – અધ્યયનો મંડાય. વિચારક જીવો નૅરેટિવ્ઝ રચે.

નૅરેટિવ એટલે ‘વૃત્તાન્ત’. કેમ કે આવી રૂઢ અને ભવ્યાતિભવ્ય ફિલસૂફીઓના શ્રધ્ધાપૂર્વકનાં અનુસરણો કે ભક્તિભાવભર્યાં અનુકરણો, ઘણીવાર તો તારસ્વરે, એવો જે અર્થ-ભાવ મૅટા-નૅરેટિવ્ઝથી સૂચવાતો રહ્યો છે, તે, ‘વૃત્તાન્ત’-માં નથી.

‘વૃતાન્ત’-નો એક અર્થ, કીર્તન છે. કીર્તનમ્ એટલે જીવનનું સ્તોત્ર, ગાન. કીર્તનમાં અનુસરણ અને અનુકરણનો ભાવ છે. પણ તે જીવનોપયોગી આદર્શોને તાકે છે, ઉચ્ચાશયી અભિવ્યક્તિ અને ઊર્ધ્વગામી આશા-અપેક્ષાની ચિન્તા કરે છે.

આ સમય છે, નવ્ય વૃતાન્તોનો.

જાતને પૂછીએ કે ‘મહા’-થી ‘નવ્ય’-માં  દાખલ થવાની મનીષા જાગી છે કે કેમ. નથી જાગી કે નથી જાગતી, તો એવું કેમ છે?

= = =

(April 7, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5341,5351,5361,537...1,5401,5501,560...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved