Opinion Magazine
Number of visits: 9569864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત, ૧ મે ૨૦૨૨

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 April 2022

પૂરાં ત્રણ વીસું, ને લટકામાં બે : શું કહીશું ગુજરાત વિશે ને મિશે, ત્રેસઠમે પ્રવેશતાં. ચિહ્‌નો તો ઘણાંબધાં, કમનસીબે, સાઠે નાઠે સ્કૂલનાં છે.

નમૂના દાખલ પટેલ ટેબ્લો જુઓ તમે. ખોડલધામખ્યાત નરેશ પટેલ રાજકારણપ્રવેશ વિશે સર્વેક્ષણ કરાવે કે હાર્દિક પટેલ કાઁગ્રેસમાં અસ્વસ્થતા અનુભવે અને હવે પ્રભારી સ્તરેથી એમને આશ્વસ્ત કરવામાં આવે કે ઉમેદવારપસંદગીમાં તમારી ભૂમિકા રહેશે.

જરી ઉતાવળે, કંઈક બાંધે ભારે અને કંઈક જાડી રીતે પણ, ત્રણ પટેલ મુખ્યમંત્રીઓને આ સંદર્ભમાં સંભારું ? બાબુભાઈ જશભાઈ, ચિમનભાઈ અને કેશુભાઈ. ચિમનભાઈ-કેશુભાઈએ પોતપોતાની રીતે પટેલ હોવા પર ભાર મૂક્યો હશે, બાબુભાઈએ સ્વરાજ કાઁગ્રેસના ઉછેરવશ સહજ નાતજાતને વટતી રાજનીતિ કરી. કેશુભાઈની સુવાંગ ભા.જ.પ. રાજવટમાં જોડતત્ત્વ તરીકે હિંદુત્વ ઓછું ને પાછું પડ્યું, ઊણું ઊતર્યું અને પટેલ ને બીજા એ રાજનીતિએ એક પા કેશુભાઈ તો બીજી પા કાશીરામ રાણા અને સવિશેષ તો શંકરસિંહ વાઘેલા એવી વિરોધછાવણીઓ વકરાવી. કહે છે કે કેશુભાઈ  વિ. શંકરસિંહ એવો ખજુરાહો તબક્કો આવ્યો એમાં પૂર્વસ્તરે નરેન્દ્ર મોદીએ બંને વચ્ચે જન્માવેલ અંતરનો નોંધપાત્ર ફાળો હતો. ગમે તેમ પણ, મોદીપ્રવેશમાં એમનો જે વેશ ભાગ ભજવી ગયો તેનું આંતરરહસ્ય મંદિરમંડલ સંયોજનમાં હતું એ નિઃશંક.

મોદી વિશે, અલબત્ત ગુજરાતની રાજકીય સમજ ને રૂખ સંદર્ભે થોડીક વિશેષ ચર્ચા અસ્થાને નહીં ગણાય; કેમ કે ઑક્ટોબર ૨૦૦૧માં દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે અહીં એ ‘વન ડે’ રમવા આવ્યા ત્યારથી આજ સુધી તો લગભગ મોદી સંવતનો જ માહોલ છે. એમના સુપ્રતિષ્ઠ ‘હ્યુબ્રિસ’થી નિરપેક્ષપણે પણ એક ઇતિહાસવસ્તુ તરીકે આ નોંધવું રહે છે.

અહીં હું એમની ગુજરાત પ્રતિષ્ઠા પ્રસંગે ‘ધણીની જાતિદેખરેખ’ હેઠળ પ્રસારિત જીવનઝલકનો ઉલ્લેખ જરૂરી સમજું છું. એમણે પોતાના પરિચયમાં લખાવ્યું ને ઘુંટાવ્યું હતું કે પોતે પછાત તબકામાંથી આવે છે. વળી અંબોળાવ્યું હતું કે જયપ્રકાશના આંદોલનમાં એમણે ગુજરાતમાં અગ્રભૂમિકા ભજવી હતી – અને તે પૂર્વે નવનિર્માણમાં પણ. (જો કે આ દાવા પાછળથી એમની સત્તાવાર વેબસાઈટ પર મુકાયા ત્યારે દસ્તાવેજી વિગતો સાથે પડકારાયા હતા.)

ગમે તેમ પણ, હિંદુ ચહેરાને પછાત ઝુર્‌રીઓ સાથે જે.પી. રંગલપેડામાં ૧૯૭૪-૭૫ની ગુજરાતબિહાર પરંપરામાં તેમ ૧૯૮૮-૮૯ના વી.પી.ઉત્તર રાજકારણમાં કયો ને કેવો માલ સ્વીકૃતિ રળી શકે એની પાક્કી સમજ ખસૂસ હતી. મોદીનાં આરંભિક ગુજરાતવર્ષોમાં પ્રાદેશિક અપીલ પર પણ ભાર મુકાયેલો એ અહીં નોંધવું જોઈએ – કેમ કે કેન્દ્રમાં ૧૯૯૮થી ૨૦૦૪નાં વાજપેયી વર્ષો છતાં રાષ્ટ્રીય સ્તરે હજુ કાઁગ્રેસ પ્રથા પ્રવર્તતી હતી (વળી ૨૦૦૪થી ૨૦૧૪નો એક દાયકો હજુ સોનિયા-મનમોહનનો હોવાનો હતો.) આ ગાળામાં એકવાર દૂરદર્શનની ચેનલ પર ચૂંટણીની આચરસંહિતા સંદર્ભે જે તે પક્ષનાં સત્તાવાર વક્તવ્યો જોવાતપાસવાનું બન્યું ત્યારે ભા.જ.પ.ના સઘળા ખરીતાઓમાં બે વાનાં અચૂક નોંધવાના બન્યાં હતાં : ‘મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં’ અને ‘જય જય ગરવી ગુજરાત’.

આ એકંદર કોકટેલે જન્માવેલ ઘેનગાફેલ ઉન્માદી અવસ્થા (એટલે કે અનવસ્થા) વિશે હજુ લંબાણ નહીં કરતાં માત્ર એટલું જ કહીશું કે પ્રસ્તુત સંમિશ્રપેયમાં એક એકરાર સમાયેલો હતો અને છે કે હિંદુત્વ પોતે થઈને સર્વાંગ અપીલ તરીકે કારગત નથી. ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી ૧૯૭૫ અને ૧૯૯૫ એ બે વર્ષો આપણા એકંદર રાજકીય વિમર્શની રીતે સીમાચિહ્નરૂપ છે તે લક્ષમાં રહેવું જોઈશે. ૧૯૭૪-૭૫માં નવનિર્માણબિહાર ઉન્મેષ ગુજરાતના રાજકારણમાં જનતા મોરચા રૂપે ઉદય પામ્યો. જે.પી. જનતા ગાળાને જનસંઘની પ્રવેશસુવિધા રૂપે ખતવી નાખવાનો ચાલ છે, પણ આ ગાળો ઉત્તરોત્તર આભા મંડળવિરહિત થતી આવતી ઇંદિરા કાઁગ્રેસ સામે સ્વરાજ કાઁગ્રેસની ક્ષીણદુર્બળ પણ પ્રતિષ્ઠાનોયે હતો તે આજકાલ આપણા ખ્યાલમાં ઝટ આવતું નથી. તે સાથે, જનસંઘની કથિત પ્રવેશસુવિધા એણે ત્યારે આ સ્વરાજવેશનો આછોપાતળોયે અંગીકાર કર્યો એને અને ઇંદિરા કાઁગ્રેસમાં અધિકારવાદ સહિતના મુદ્દે કરોડરજ્જુ વગરના પુરવાર થયેલ કાઁગ્રેસજનોને આભારી હતી તે પણ પાધરું પકડાતું નથી.

વાત જો કે આપણે જે.પી. જનતા ઉન્મેષની કરતા હતા. ગુજરાતમાં જે પણ ક્ષીણદુર્બળ જનાદેશ ત્યારે મળ્યો જનસંઘ સહિતના જનતા મોરચાને તે કોઈ હિંદુમુસ્લિમ કે પટેલપછાત એવી ધૃવીકૃત સમજ કરતાં વધુ તો વ્યાપક નાગરિક અપીલ ભણી ઢળતો હતો. ૧૯૭૫ પછી તરતનાં વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરે ૧૯૭૭નો જે ચુકાદો આવ્યો તે સાંકડી ને સુતીવ્ર ઓળખોને ઓળાંડી જઈ નાગરિક ઓળખ ભણી ઢળી શકતો ચુકાદો હતો. જનસંઘ ૧૯૭૪-૭૭નો, ગુજરાતબિહારનો લાભાર્થી  છે : પણ હમણાં અહીં જે જે.પી. જનતા જનાદેશની જિકર કરી તેની કસોટીએ એની કારકિર્દી કેવળ ભટકાવની અને જાહેરજીવનના પોતની રીતે વિખરાવની છે. આ સંદર્ભમાં સાઠે નાઠે એ કુળકહેતીને સાચી કહેવામાં હરકત નથી.

૧૯૭૯માં દિલ્હીમાં જનતા સરકાર તૂટી અને ૧૯૮૦માં જનતા પાર્ટીએ ચૂંટણી ખોઈ ત્યારે ભીમાભાઈ રાઠોડે મને એક માર્મિક (એટલી જ ખેદજનક) વાત કહી હતી કે જનતા કાર્યકરોના પરિવારોએ પણ જનતા પક્ષને મત નહોતા આપ્યા; કેમ કે એનું નેતૃત્વ બાબુ જગજીવનરામ કરી રહ્યા હતા. આ અંતર અને અંટસ બાબુજીના લાંબા કટોકટીસંધાનને કારણે નહીં પણ એમના દલિત હોવાને કારણે હતું. તે પછી તરતનાં વરસોમાં ભીમાભાઈની આ છાપ બહુ વરવી રીતે સાચી પડી હતી. આપણે અનામતવિરોધી ઉત્પાત જોયા, અને ૧૯૭૪-૭૫ની ધારામાં સંભવિત નાગરિક પ્રકર્ષની ઘોર અવગતિ પણ જોઈ. હમણાં જનસંઘના ભટકાવની વાત કરી એ સળંગ જારી છે, પણ બીજાં જનતા બળો ય હક્કાબક્કા બાવરાં તો માલૂમ પડતાં જ રહ્યાં છે.

હું જાણું છું કે આપણે ૨૦૨૨માં ગુજરાતના ત્રેસઠમા વર્ષપ્રવેશ નિમિત્તે લખી રહ્યા છીએ અને આ પિછવાઈ દેખીતી હદસે જ્યાદા લંબાઈ ગયેલી પણ લાગી શકે છે. તેમ છતાં, કેમ કે આપણે નવી રાજનીતિ ભણી દોરી શકતા સ્વરાજસંસ્કારને સંકોરવો રહે છે, થોડીક પૂર્વસમજ હોવી જરૂરી છે. જે સમજ ભા.જ.પ.ના ધીટ નેતૃત્વને પણ નથી તે લબરમૂછ પાયદળને અને ફાસ્ટફૉરવર્ડિયા જમાતને તો ક્યાંથી હોય. આ પક્ષને બળ ક્યાંથી મળ્યું એ સવાલનો જવાબ અનામતવિરોધી ઉત્પાતને કોમી વળાંક આપવામાં મુસ્તાક પરિબળોથી માંડી ૨૦૦૨માં મળી શકે છે. પણ પાયાનો મુદ્દો અલબત્ત એ અને એ જ રહે છે કે ન તો આપણા પક્ષો, ન તો આપણા મતદારો ૧૯૭૫-૭૭ના જે.પી. જનતા જનાદેશને આત્મસાત્‌ કરી શક્યા છે.

આ બુનિયાદી વિગત પર વ્યાપક અને સઘન કામગીરીને અવકાશ છે એટલું જ નહીં તે આવશ્યક બલકે અનિવાર્ય પણ છે એટલું કહીને ચર્ચા લગીર ઉતાવળે સમેટવા ધારું છું. આ ગાળામાં કાઁગ્રેસને હજુયે કળ ન વળી હોય એવું સતત લાગતું રહ્યું છે. ભા.જ.પ. પણ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી આવતે આવતે હાંફી ગયેલ માલૂમ પડેલ છે. કાઁગ્રેસે જિજ્ઞેશ મેવાણી ને હાર્દિક પટેલ જેવા યુવા નેતૃત્વને સાથે લેવાની કોશિશ કીધી છે પણ કલપ અને કાયાકલ્પ વચ્ચેનું અંતર કપાય ત્યારે સાચું. સંભવિત વિકલ્પ તરીકે આપના પ્રવેશની ભૂમિકા સુરત કોર્પોરેશનના પરિણામ પછી જરૂર બની છે, પણ અંતર તો એણે પણ ખાસું કાપવું રહે છે.

૧૯૭૪-૭૫ પછી ગુજરાતની રાજકીય વિમર્શચર્ચામાં ગાંધી-જયપ્રકાશ પછી ઉમેરાયેલાં નામોમાં ગાંધીનહેરુથી જુદા પાડેલા સરદાર ઉપરાંત વિંગમાંથી બહાર કઢાયેલ સાવરકર છે – અને તે સાથે આંબેડકર ને ભગતસિંહ છે. નરેન્દ્ર મોદી કરે છે એવી કોઈ વળતી કોકટેલની રીતે આ બધાં નામો ઉછાળી તો શકાય, પણ લાંબા ગાળાની રાજનીતિની રીતે એ તલાવગાહી તપાસ માગી લે છે.

જિજ્ઞેશે એના આપ અવતારથી માંડી ઉના ઉઠાવ સહિતનું જે અંતર કાપ્યું છે એમાં રચના ને સંઘર્ષના સ્વરાજસંસ્કારનો ચમકાર જોઈ શકાય છે. ઈલાબહેન અને સેવાની લાંબી કામગીરીના પાંચ દાયકા આપણી નાગરિક ચેતનાનું એક નવું જ પ્રજાસૂય પ્રતિમાન છે. દસપંદર વરસ પર હવે સાવરકરખ્યાત માહિતી કમિશનર ઉદય માહુરકરના નિમંત્રણથી ‘ઇન્ડિયા ટુડે’ માટે ઈલાબહેન અને સેવા વિશે લખવાનું બન્યું ત્યારે મેં કૌતુક કીધું હતું કે પ્રચલિત અર્થમાં રાજકીય સંઘર્ષથી કિનારો કરવા છતાં ‘સેવા’ને પણ સત્તારૂઢ પરિબળો તરફથી વેઠવાનું બનતું રહ્યું છે. મુદ્દે, નાગરિક સત્તા વિકસે તે સ્થાપિત સત્તાને સોરવાતું નથી. જેને આપણે રચના ને સંઘર્ષની નરવીનક્કુર રાજનીતિ કહી શકીએ એવા રાજપથ જનપથની જરૂર સમજાય ને ડગ બે ડગ મંડાય તો સાઠેનાઠે એ કહેવત ભોંઠી પડવાની શરૂઆત કેમ ન થાય, વિનોબા કહેતા કે વય વધ્યાથી વૃદ્ધ થવાય એવું કોણે કહ્યું, મામલો છેવટે તો લાંબા દાયકાઓને કારણે સમજની વૃદ્ધિનો છે!

એપ્રિલ ૨૯, ૨૦૨૨       

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 01-02

Loading

ગુજરાત ડ્રગ્સનું ગેટ-વે બન્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 April 2022

ચીન અને પાકિસ્તાન જેવા નબળા પડોશીઓની વચ્ચે જ ભારતે હંમેશાં ટકવાનું આવ્યું છે. ચીન સરહદી રમતો કરવામાંથી ઊંચું નથી આવતું તો પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ દ્વારા ઉપદ્રવ કરતું જ રહે છે. તેનાં પોતાનાં ટાંટિયાં ભાર નથી ઝીલતાં, પણ તે ભારતનાં અર્થતંત્રને અટકચાળું કરવાથી માંડીને ડ્રગ્સ કે આતંકીઓ ઘુસાડવાનું કાવતરું પણ કરતું રહે છે. પંજાબની અટારી સરહદેથી 700 કરોડનું ડ્રગ્સ 25 એપ્રિલે ઝડપાયું. એમ લાગે છે કે કાશ્મીર અને પંજાબની બોર્ડરો સીલ થવાથી, ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવા ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ થવા લાગ્યો છે. જખૌની જળસીમામાંથી ગુજરાત એ.ટી.એસ. અને કોસ્ટ ગાર્ડની ટીમે બાતમીને આધારે પાકિસ્તાની ડ્રગ માફિયા મુસ્તુફાની બોટને આંતરીને 280 કરોડનું હેરોઇન પકડી પાડ્યું હતું. આંતરરાષ્ટ્રીય જળસીમાથી 14 નોટિકલ માઈલ અંદર ફિશિંગ બોટને પડકારવામાં આવી હતી ને નવ પાકિસ્તાની ખલાસીઓ સહિત 56 કિલો હેરોઇન હાથ લાગ્યું હતું. ફિશિંગ ટ્રોલરે પાકિસ્તાન તરફ ભાગવાની કોશિશ તો કરી, પણ ફાયરિંગ થતાં છેવટે શરણાગતિ સ્વીકારવી પડી હતી. હેરોઇનનો આ જથ્થો ઉત્તર ભારતમાં, ખાસ તો પંજાબમાં પહોંચાડવાની ગણતરી ડ્રગ માફિયાની હતી, પણ બાજી ઊંધી વળી ગઈ હતી. હવે કઇ રમત ડ્રગ માફિયાઓ કરે છે તે જોવાનું રહે છે.

એ સારી વાત છે કે છેલ્લા આઠેક મહિનામાં ગુજરાતના દરિયેથી 25,000 કરોડનું ડ્રગ્સ એ.ટી.એસ. અને કોસ્ટ ગાર્ડની સતર્કતાથી પકડાયું છે ને ગુનેગારોને સળિયા પાછળ ધકેલી દેવાયા છે. પોલીસ તંત્રને અને સરકારને, ખાસ તો ગુજરાતના ગૃહ મંત્રીને એને માટે અભિનંદનો આપવાં ઘટે તે એટલે કે આટલું ડ્રગ્સ ગુજરાતનાં દરિયે અગાઉ ચડ્યું હોવાનું લાગતું નથી ને જેટલું ડ્રગ્સ ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાઓમાં ઝડપાયું છે તે એક રેકોર્ડ છે. પાકિસ્તાની ડ્રગ માફિયાઓ પર ગુજરાત એ.ટી.એસ., કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય એજન્સીનો સકંજો બરાબરનો કસાયેલો હોવાને કારણે જ આટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે તે સ્પષ્ટ છે. તંત્રોની આ સક્રિયતાને આવકારવાની જ રહે, પણ છેલ્લા થોડા મહિનામાં જે રીતે ગુજરાતનો જ દરિયા કિનારો ડ્રગ્સ ઉતારવા માટે ખપમાં લેવાઈ રહ્યો છે એ બાબત ચિંતા ઉપજાવનારી છે. એ ખરું કે પાકિસ્તાની માછીમારો લાલપરી માછલી પકડવા ગુજરાતના કાંઠા સુધી ખેંચાઇ આવે છે ને એ બહાને ડ્રગ માફિયાઓ ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે. એ એકાદ બે કિસ્સાઓ પૂરતું સાચું લાગે, પણ છેલ્લા થોડા મહિનાઓમાં જેટલા પ્રયત્નો થયા છે તે આ પ્રયત્નોને આકસ્મિક રહેવા દેતા નથી. એવી પૂરી શક્યતાઓ છે કે ગુજરાતનો દરિયો ડ્રગ્સથી છલકાવવા વ્યવસ્થિત આયોજન થયું હોય.

ગયા સપ્ટેમ્બરમાં કંડલા પોર્ટ પર આવેલાં 17 કન્ટેનરમાંના એકમાંથી 205.6 કિલો હેરોઇન મળી આવ્યું હતું. એ હકીકત છે કે અફઘાનિસ્તાનમાં ચરસ, ગાંજા જેવા નશીલા પદાર્થોની ખેતી થાય છે. એમાં તાલિબાનનું જોર વધતાં અફઘાનિસ્તાનને હેરોઇનને સગેવગે કરવાની ફરજ પડી છે. એના એક ભાગ રૂપે હેરોઇન ગુજરાત મારફતે બહાર મોકલવાનું ગોઠવાયું હોવાનું લાગે છે. ગયા સપ્ટેમ્બરની 21મી તારીખે મુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું ત્રણ હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એ પછી 23સપ્ટેમ્બરે પોરબંદરના દરિયા કિનારેથી 150 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. એ પછી પણ 24 સપ્ટેમ્બરે સુરતમાંથી 10 લાખનું, 27 સપ્ટેમ્બરે બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું. વાત આટલેથી જ અટકતી નથી. ઓક્ટોબરની 10મીએ સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું ને 12મીએ બનાસકાંઠાથી 117 ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. આ ઉપરાંત વડોદરા, અમદાવાદ, મોરબી, દ્વારકા, જેવામાંથી કરોડોનું સેંકડો કિલો ડ્રગ્સ ઝડપાયું છે. જૂનાગઢમાંથી તો પચીસેક લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મોકલનાર પણ ઝડપાયો છે. વલસાડ મરીન પોલીસ પણ અ બાબતે એલર્ટ થઈ છે અને તેણે દરિયામાં પેટ્રોલિંગ વધાર્યું છે. આ જોતાં લાગે છે કે તંત્ર સતર્ક થયું છે ને તે સારી બાબત છે.

કાલે વધુ વિગતો બહાર આવી છે. જખૌની જળસીમામાં 280 કરોડનું ડ્રગ્સ પકડાયું તેનું નેટવર્ક હાથ લાગ્યું છે. એના છેડા દિલ્હી, યુ.પી. અને પંજાબને અડેલા છે. ગુજરાત એ.ટી.એસ. અને દિલ્હી એન.સી.બી.ની સંયુક્ત તપાસમાં કેટલીક વિગતો બહાર આવી છે. દિલ્હી, યુ.પી.માં દરોડા પાડીને ચારેક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એકાદ ગોડાઉનમાંથી ડ્રગ્સનો 35 કિલોનો જથ્થો પણ હાથ લાગ્યો છે ને પ્રોસેસિંગ માટેનું કેમિકલ પણ કબજે લેવાયું છે. પાકિસ્તાનથી મુસ્તુફા અને અન્ય માફિયાઓ કરોડો રૂપિયાનું ડ્રગ્સ મોકલતા હતા ને આ જથ્થો કચ્છ, રાજસ્થાન, જયપુર, દિલ્હીથી મુઝફ્ફરનગર પહોંચતું હતું ને અહીંની ફેક્ટરીમાં પ્રોસેસ થતું હતું. તે પછી તે મૉર્ફિન ને હેરોઇન તરીકે બજારમાં પહોંચતું હતું. અબ્દુલ રાબ નામનો માણસ ચારેક વર્ષથી દિલ્હીમાં જ રહેતો હતો ને તે પ્રોસેસિંગ માટે જ આવ્યો હતો. રાજી હૈદર નામનો માણસ દિલ્હી અને યુ.પી.નું નેટવર્ક સંભાળતો હતો, જ્યારે અવતારસિંહ પંજાબમાં ડ્રગ્સ મોકલવાની કામગીરી સંભાળતો હતો. એ વાત પહેલી વખત બહાર આવી છે કે પાકિસ્તાનથી કચ્છ ઉતારાતું ડ્રગ્સ ત્રણેક રાજ્યોમાં થઈને પંજાબ પહોંચતુ હતું. પેલા નવ પાકિસ્તાનીઓ ને બીજા ચાર દિલ્હીથી પકડાયેલા માણસોની પૂછપરછ થશે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે એમ બને. આમાં પાકિસ્તાન તો દુ:શ્મન દેશ તરીકે ભારતને પાયમાલ કરવાના નાપાક ઈરાદાઓ રાખે તે સમજી શકાય એવું છે, પણ બીજા જે પકડાયા છે તે તો આ દેશના છે ને એમની વફાદારી ભારત કરતાં પાક તરફી વિશેષ છે. આપણે ત્યાં રાજકીય હેતુસર કોઈને પણ દેશદ્રોહી કહી દેવાની ફેશન છે, પણ કોઈ એક પક્ષ કે મંત્રીનો વિરોધ તે પક્ષ કે મંત્રીનો વિરોધ હોઈ શકે, તે દેશનો દ્રોહ નથી, સાચા દેશદ્રોહીઓ તો આ લોકો છે જે પાકિસ્તાનનું ડ્રગ્સ ભારતમાં લાવીને અહીંની પ્રજાનો સર્વનાશ કરવામાં શત્રુ દેશની મદદ કરે છે. આવા લોકોને થઈ શકે તેટલી મહત્તમ સજા થવી જોઈએ.

આ તો પકડાયું તેની વાત છે, પણ એવું તો ઘણું ડ્રગ્સ હશે જે પકડાયું નહીં હોય ને તેનો ગુજરાતનાં જ શહેરો ને ગામડાઓમાં ઉપયોગ થતો હશે. ડ્રગ્સે જે ખાનાખરાબી પંજાબમાં કરી છે તેની શરૂઆત ગુજરાતમાં થઈ જ નથી એમ કહી શકાશે નહીં. એટલે સરકાર હર્ષઘેલી થાય તે પૂરતું નથી. એ વિચારવાનું રહે જ છે કે ગુજરાતનો દરિયો વાપરનારા માત્ર અહીંથી ડ્રગ્સ બીજે મોકલવાનો જ ઇરાદો રાખે છે કે તે ગુજરાતને પણ પંજાબની જેમ ‘ઊડતા ગુજરાત’ કરવા માંગે છે? જો એવું હોય તો ગુજરાતે ડ્રગ્સ પકડીને જ હરખાઈ રહેવા જેવું નથી. કોઈ પણ રીતે ગુજરાતનો દરિયો ડ્રગ્સ માટે માધ્યમ ન બને તે તંત્રોએ અને સરકારે જોવાનું રહે જ છે. મુંબઇમાં આતંકી હુમલા થયા ત્યારે પણ ગુજરાતનો દરિયો આતંકીઓએ ખપમાં લીધો છે ને હવે ફરી એક વાર ગુજરાતનો દરિયો ડ્રગ્સને મામલે ચર્ચામાં છે. ગુજરાત ડ્રગ્સના દરિયામાં ડૂબે નહીં તેવી પ્રાર્થના કરવાની રહે.

એ પણ સમજી લેવાનું રહે કે ગુજરાતનો માત્ર દરિયો જ ડ્રગ્સ માટે ખપમાં લેવાયો નથી. ડ્રગ્સ સુરત, અમદાવાદ, વડોદરા, મોરબી, દ્વારકા જેવાં નગરોમાંથી પણ ઝડપાયું છે. ડ્રગ્સના વાહકો મહિલાઓ અને હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ બને છે તે વધારે ચિંતાજનક છે. ઉપયોગ થાય કે ન થાય, પણ ડ્રગ્સ મહિલાઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે એનો અર્થ જ એ કે તે ગુજરાતનાં લોહીમાં પહોંચ્યું છે ને એ જે પેઢીઓનો શિકાર કરશે એની અસર અત્યંત ગંભીર અને જોખમી હશે. કમ સે કમ ગુજરાત ડ્રગ્સની ચુંગાલમાં ન ફસાય એ દિશામાં સરકારે અત્યંત કડક રીતે વર્તવાનું રહે જ છે. આમ ગુજરાતમાં દારૂબંધી છે, પણ તે કેવી છે તે સૌથી સારી રીતે સરકાર જાણે છે. કમ સે કમ એવી ડ્રગ્સબંધી ગુજરાત નથી ઇચ્છતું. એ દુ:ખદ છે કે ડ્રગ્સને માટે પાકિસ્તાન ગુજરાતને વાપરી રહ્યું છે ને સરકાર ડ્રગ્સને મામલે સતર્ક છે, પણ તે જરા પણ ગાફેલ રહે તો ગુજરાતને તે કોઈ રીતે પરવડવું ન જોઈએ. એ વિચિત્ર છે કે ડ્રગ્સ મોકલનાર પાકિસ્તાની માફિયાઓની આપણને ખબર છે, પણ ગુજરાતમાં કોના કહેવાથી હજારો કરોડનું ડ્રગ્સ ગુજરાતનાં દરિયા કાંઠે ને ત્યાંથી તેનાં નગરોમાં ઊતરે છે એની ખબર ખાસ પડતી નથી અથવા તો મોડી પડે છે. સરકાર વધારે પડતી હર્ષઘેલી ન થાય ને વધુ ગંભીરતાથી ડ્રગ્સ ગુજરાતને દરિયે ઊતરે જ નહીં એ દિશામાં સક્રિય થાય તે અપેક્ષિત છે. ડ્રગ પેડલર્સ ઝડપાય એટલું પૂરતું નથી, ખરેખર તો મૂળ ને મોટાં માથાં સપડાય એ જરૂરી છે. કોઈ પણ રીતે ગુજરાત ટ્રાન્ઝિટ પોઈન્ટ બનતું અટકવું જોઈએ એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઍપ્રિલ 2022

Loading

યુદ્ધ દરેક નિષ્ફળતાનું અંતિમ બહાનું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2022

ચૂંટણીઓ તો લોકશાહી દેશોમાં સમયાંતરે યોજાતી જ રહે છે, પણ કેટલીક ચૂંટણીઓ ઐતિહાસિક હોય છે. ફ્રાન્સમાં યોજાયેલી પ્રમુખપદ માટેની આ વખતની ચૂંટણી આવી ઐતિહાસિક હતી. એટલા માટે નહીં કે બે દાયકા પછી કોઈ પ્રમુખને બીજી વખત સત્તા મળી, પણ એટલા માટે કે ફ્રાંસના નાગરિકોના એક વર્ગે સંકલ્પ કર્યો હતો કે પોતાને ફ્રેંચ રાષ્ટ્રવાદીઓ તરીકે ઓળખાવતા અંતિમવાદી જમણેરીઓથી દેશને બચાવવો. તેમને યુરોપના બીજા દેશોના ઉદારમતવાદી નાગરિકોનો ટેકો હતો, પછી ભલે તેઓ ફ્રાંસની ચૂંટણીમાં નાગરિક તરીકે મત આપવાનો અધિકાર નહોતા ધરાવતા. હકીકત તો એ પણ છે કે ફ્રાંસના લાખો નાગરિકો વર્તમાન પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન [Emmanuel Jean-Michel Frédéric Macron] માટે તીવ્ર અણગમો ધરાવે છે.

 નાગરિકોના એક વર્ગની સક્રિયતા માટે કેટલાંક કારણ હતાં :

એક તો એ કે તાજેતરનાં વર્ષોમાં કેટલાક દેશોમાં જમણેરી રાષ્ટ્રવાદીઓએ વાળેલા નખોદની તેમને જાણ છે. કેટલાક દેશોનો અનુભવ એમ કહે છે કે તેઓ લોકતાંત્રિક માર્ગે ચૂંટાઈને લોકતંત્રનાં મૂળિયાં ઊખાડે છે. લોકતંત્રના રખેવાળ સમાન લોકતાંત્રિક સંસ્થાઓને નિર્બળ કરે છે. લોકતંત્ર સરવાળે કમજોર બને છે અને નાગરિક તેના મૂળભૂત અધિકારો ગુમાવીને હાંસિયામાં ધકેલાતો જાય છે, પછી ભલે તે નાગરિક બહુમતી સમાજનો હોય. બીજું તેઓ સમાજની અંદર દ્વેષ અને ધિક્કારની ભાવના પેદા કરીને ઊભી તિરાડ પાડે છે અને સમાજમાનસને ઝેરીલું બનાવીને તેના પર કબજો કરે છે. ત્રીજું, તેઓ પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે દરેક પ્રકારના (અભદ્ર સુધ્ધાં) નુસખા અપનાવે છે અને જૂઠ બોલતા શરમાતા નથી. અંગ્રેજીમાં આને પોપ્યુલિસ્ટ પોલિટીકસ કહે છે. ચોથું તેમની પ્રાથમિકતા નક્કર સામાજિક-આર્થિક વિકાસ હોતી નથી. પ્રજાને જ્યારે લડાવીને, ડરાવીને અને રડાવીને સત્તા ભોગવી શકાતી હોય તો વિકાસની પળોજણમાં પડવાની જરૂર શું છે? એમાં બહુમતી સમાજનો એક વર્ગ નારાજ થાય જે રીતે આપણે ત્યાં ખેડૂતો નારાજ થયા હતા. આનું પરિણામ એ આવે છે કે દેશની પ્રજા પુરુષાર્થી બનવાની જગ્યાએ તે તેની ઉર્જા અનુત્પાદક નિરર્થક પ્રવૃત્તિમાં વેડફે છે.

બીજું કારણ હતું વ્લાદિમીર પુતિનનો પુતિનવાદ. પુતિન માત્ર વ્યક્તિ નથી એક પ્રકારની પ્રવૃત્તિ છે. જ્યારે પ્રજાને આપવા માટે કાંઈ ન હોય તો રાષ્ટ્રવાદ અને મહાન ભૂતકાળને પાછો જીવતો કરવાના નામે પ્રજાના હાથમાં યુદ્ધ પણ પકડાવી શકાય એ પુતિનવાદ. યુદ્ધ એ દરેક નિષ્ફળતાનું અંતિમ બહાનું છે. ફ્રાંસના જમણેરી નેતા અને વર્તમાન પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના પ્રતિસ્પર્ધી લી પેન પુતિનનાં પ્રસંશક છે અને ઉઘાડેછોગ પુતિનવાદનો બચાવ કરે છે. અત્યારે રશિયા ઉક્રેન સામે યુદ્ધે ચડ્યું છે એ સમયે જ ફ્રાન્સમાં ચૂંટણી યોજાઈ ત્યારે યુદ્ધજ્વરનો પ્રભાવ ચૂંટણી ઉપર પડ્યો હતો.

ત્રીજું કારણ યુરોપિયન યુનિયન છે. “આપણી” મહાન અસ્મિતા યુરોપિયનોના ભૌતિક વિકાસ કરતાં વધારે કિંમતી છે અને એ મહાન અસ્મિતા યુરોપના સંઘની વેદી ઉપર બલિ ચડાવવા માટે નથી એવી યુરોપની એકતાના વિરોધીઓ દલીલ કરે છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના યુરોપિયન એકતાના વિરોધીઓ સંકુચિત રાષ્ટ્રવાદીઓ છે. એક તરફ દેશઅંતર્ગત સહિયારાપણું, યુરોપના સ્તરે વ્યાપક સહિયારાપણું અને બીજી તરફ ભાગીદારીની ઐસીતૈસી, “આપણે અને માત્ર આપણે જ મહાન”. આમ માત્ર બ્રિટન કે ફ્રાન્સમાં જ નહીં, સમગ્ર યુરોપમાં પ્રજાકીય ઊભી તિરાડ પડી છે. પરસ્પર સહકાર અને શાંતિ વિના ભૌતિક વિકાસ શક્ય નથી, એમ માનનારા સમજદાર લોકો સહયોગની ભૂમિ બચાવી લેવા માગે છે. અસ્મિતાઓથી પેટ ભરાતું નથી.

અને ચોથું કારણ વધારે મહત્ત્વનું હતું. ઉદારમતવાદી ફેંચ નાગરિકોને ભય હતો કે કદાચ મરિન લી પેન [Marion Anne Perrine "Marine" Le Pen] આ વખતે મેદાન મારી શકે એમ છે, કારણ જગતની પ્રજા ગાંડપણનો શિકાર બની છે અને જગતના કેટલાક દેશોમાં બની રહ્યું છે એ ફ્રાન્સમાં પણ બની શકે એમ છે. આને માટે કારણ પણ હતું. ૧૯૭૨માં જીન લી પેન [Jean Louis Marie Le Pen] નામના અંતિમે જઇને જમણેરી રાષ્ટ્રવાદી રાજકારણ કરનારા માણસે નેશનલ ફ્રન્ટ (અત્યારનું નવું નામ નેશનલ રેલી) નામના પક્ષની સ્થાપના કરી હતી. એ પક્ષ જી લીન પેનના નેતૃત્વમાં ખાસ કાંઈ ગજું નહોતો કાઢી શક્યો. અલબત્ત, ત્યારે સમય પણ બહુ અનુકૂળ નહોતો જેમ આપણે ત્યાં ભા.જ.પ. માટે ત્રણ દાયકા પહેલાં સમય અનુકૂળ નહોતો. ૨૦૧૧ની સાલમાં તેમની નાની પુત્રી મરિન લી પેનના હાથમાં નેતૃત્વ આવ્યું અને જે પક્ષ હાંસિયામાં હતો એ ગજું કાઢવા માંડ્યો. મરિન લી પેન બાપ કરતાં પણ વધારે આક્રમક છે, પ્રભાવી વક્તા છે અને ચોવીસે કલાક ઝેર ઓકતાં રહે છે. વળી સમય પણ આવા રાજકારણ માટે અનુકૂળ છે. ૨૦૦૨ની પ્રમુખપદ માટેની ચૂંટણીમાં નેશનલ ફ્રન્ટને ૧૮ ટકા મત મળ્યા હતા. ૨૦૧૭માં મરિન લી પેને પ્રમુખપદ માટે ઉમેદવારી કરી અને તેમને ૩૪ ટકા મત મળ્યા હતા. મેક્રોનને ત્યારે ૬૬ ટકા મત મળ્યા હતા. સમય બદલાયો, જે પક્ષ હાંસિયામાં હતો એ મુખ્ય વિરોધ પક્ષ બની ગયો. આ વખતે નેશનલ રેલીના પ્રમુખપદના ઉમેદવાર મરિન લી પેનને ૪૧.૫ ટકા મત મળ્યા છે અને મેક્રોનને ૫૮.૫ ટકા મત મળ્યા છે.

આમ ઉદારમતવાદી ફ્રેન્ચોનો ભય અસ્થાને નહોતો. પાંચ વરસમાં લી પેનના મતોમાં સાડા સાત ટકાનો વધારો થયો છે અને મેક્રોનના મતોમાં એટલો જ સાડા સાત ટકાનો ઘટાડો થયો છે. આ ઉન્માદના યુગમાં કાંઈ પણ બની શકે છે અને એને ટાળવા નાગરિકોએ સક્રિયતા બતાવી હતી. ફ્રાન્સના બંધારણ મુજબ પ્રમુખ માત્ર બે મુદ્દત માટે જ ઉમેદવારી કરી શકે એટલે હવે પછી ૨૦૨૭માં યોજાનારી ચૂંટણીમાં મેક્રોન ઉમેદવાર નહીં હોય, અને પાંચ વર્ષ દરમ્યાન લી પેનની લોકપ્રિયતામાં હજુ કેટલો વધારો થશે એ કહેવું મુશ્કેલ છે. આ સિવાય ૨૮ ટકા મતદાતાઓએ મતદાન જ નહોતું કર્યું. ફ્રાંસ માટે આ આંકડો ઘણો મોટો છે.

માટે મેક્રોનનું વિજય પછીનું ભાષણ સૂચક છે. તેમણે કહ્યું હતું કે મરિન લી પેનને મત આપનારા ૪૧ ટકા ફ્રેંચ નાગરિકો કઈ વાતનો ગુસ્સો ધરાવે છે કે તેઓ પોતાનું ભવિષ્ય દાવ પર લગાડવા તૈયાર થઈ ગયા છે? તેમને જુઠ્ઠી મહાનતા જોઈએ છે, વેર વાળવા છે અને નક્કર વિકાસ નથી જોઈતો. આ ૪૧ ટકા નાગરિકોને પરાવૃત્ત કરવા પડશે. ઠેકડી ઉડાડવી એ તેનો ઈલાજ નથી. બીજી વાત તેમણે એ કહી કે જે ૨૮ ટકા મતદાતાઓએ લી પેનને સુદ્ધાં મત નથી આપ્યા એ રાહતની વાત નથી. પ્રશ્ન એ છે કે શા માટે તેમણે ભૌતિક સુખાકારીના પક્ષે મત ન આપ્યા? એ ૨૮ ટકા મતદાતાઓ બીજી દિશામાં જઈ શકે છે.

મેક્રોને કહ્યું છે કે આનો ઈલાજ એ છે કે જે માર્ગમાં આપણી નિષ્ઠા છે એ માર્ગે વધારે પ્રામાણિકતાપૂર્વક અને વધારે દૃઢતાથી ચાલવું પડશે. અહીં મેક્રોન તેમના ભારતના મેક્રોન અર્થાત્ અરવિંદ કેજરીવાલથી નોખા પડે છે. કેજરીવાલ મૂંગા રહીને, પીઠ ફેરવીને કાયરનું રાજકારણ કરે છે. જુઓ ફ્રાન્સમાં આગળ શું થાય છે. આજના યુગમાં પ્રત્યેક દિવસ આશાની જગ્યાએ ભય સાથે ઊગે છે. ખબર નહીં, આજે શું થશે!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2022

Loading

...102030...1,5111,5121,5131,514...1,5201,5301,540...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved