Opinion Magazine
Number of visits: 9672121
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં ગઈ એ લોકશાહી???

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|31 May 2022

લોકશાહી શાસન-પ્રણાલિમાં શાસક ગમે તેટલો કદાવર, શક્તિશાળી, બુદ્ધિમાન કે કુશાગ્ર રાજનીતિજ્ઞ હોય, તેમ છતાં એ દેશના આમ આદમીથી ઉપર ક્યારે ય હોતો જ નથી, અને શાસક જો રખે એવું માનતો હોય તો એ બહુ મોટા ભ્રમમાં જીવે છે, એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. જે મતદારોના મત થકી શાસક સત્તાસીન થાય છે, એ શાસક એમનાથી ઉપર કેવી રીતે હોઈ શકે? લોકશાહીમાં શાસક નહિ પરંતું શાસન સર્વોપરિ છે અને એ શાસનના પાયામાં દેશના આમ આદમીનો મત રહેલો છે. અહીં મતથી તાત્પર્ય મતદાન વખતે અપાય છે એ મત ઉપરાંત રોજીંદા વહીવટમાં પણ આમ જનતાનો મત એટલે કે અભિપ્રાય છે. આમ જનતાના અભિપ્રાય એટલે કે મતને ભૂલીને શાસક વહીવટમાં જ્યારે પોતાની કહેવાતી વિશિષ્ટ બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરે છે, ત્યારે નિશ્ચિતપણે એ જનતાનું અહિત કરે છે. લોકશાહીમાં શાસક જ્યારે દેશના આમ આદમીના હિતને વિસારે પાડી વ્યક્તિગત શ્લાઘા અને આત્મ-પ્રશંસામાં રચ્યો-પચ્યો રહેવા લાગે અને પોતાની જાતને સર્વોપરિ માનવા લાગે ત્યારે જાણે-અજાણે એ દેશને આપખુદશાહી તરફ ધકેલતો જાય છે. વસ્તુત: આવી શાસનપ્રણાલિ એ લોકશાહીના સ્વાંગમાં પનપતી આપખુદશાહી છે. જેમાં આમ જનતાનો અવાજ સાંભળવામાં આવતો ન હોય કે આમ જનતાની વેદનાભરી વાચા કે યાચનાઓને રુંધવી નાખવા પ્રયાસ કરવામાં આવતો હોય એ લોકશાહી પ્રજા માટે કે પ્રજાના હિતમાં કેવી રીતે હોઈ શકે!!

લોકશાહીમાં શાસકની ખુરશી પ્રજામતના પાયા પર ટકેલી છે. જે દિવસથી પ્રજામતના એ પાયાને લૂણો લાગવાનું શરૂ થાય છે, પછી એ પાયા કડડભૂસ થવામાં ઝાઝી વાર લાગતી નથી. શાસક કદાચ એ ભ્રમમાં હોય કે એ મીઠા-જૂઠા વચનોથી કે બીજાની લીટી કાપીને પોતાની લીટી મોટી બતાવીને જનસમુદાયને ભોળવી પ્રજામતને પોતાની તરફેણમાં કરી શકશે તો એ ખાંડ ખાય છે. જે શાસક દેશની જનતાને તેની તદ્દન પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં પણ નિષ્ફળ જાય એની પાસેથી પ્રજા બીજી અપેક્ષા કેવી રીતે રાખી શકે! શાસક જ્યાં સુધી દેશના આમ આદમીને રોટી, કપડાં અને મકાન જેવી પાયાની સુવિધા પૂરી પાડી શકતો નથી, ત્યાં સુધી કોઇપણ મીઠા કે લાલચી વચનો એની વહારે આવી શકતા નથી. આમ જનતાની અગ્રતા તો રોટી, કપડાં ઔર મકાન જ છે અને એ જ કાયમ રહેવાની છે, બીજી બધી વિકાસની વાતો તો એ પછીના ક્રમમાં આવે છે. ભૂખ્યા પેટ સામે કોઈ અર્થશાસ્ત્ર કામ કરતું નથી. દેશના અદના આદમીને ખાવા રોટી, પહેરવાં કપડાં અને સૂવા માટે ઉપર છત ન હોય એવી સ્થિતિમાં આલીશાન સડક-નિર્માણ કે ગગનચુંબી ઈમારતોના નિર્માણથી દેશનું શું અને કેટલું ભલું થઈ શકે એ વિચારવાની બાબત છે. અર્થતંત્રની આંકડાકીય માયાજાળમાં ફુગાવાનો દર નીચે જાય કે વિકાસનો પારો ઉપર ચઢે એવું બતાવવામાં આવે એમ છતાં જ્યાં સુધી આમ આદમીના ઘરનો ચુલો ત્રણ ટાઇમ સળગી શકતો ન હોય ત્યાં સુધી એ બધું ઠાલા મફતના આશ્વાસનોથી વિશેષ કંઈ નથી. શાસકનો દેખીતો રાષ્ટ્રપ્રેમ, બૌદ્ધિક કૌશલ્ય, તજ્જ્ઞતા કે વહીવટી કુશળતા કે એના આધારે એમણે કરેલા કહેવાતા વિકાસનો સીધો લાભ દેશના આમ આદમીને મળતો ન હોય તો એવા શાસનનો પ્રજાને શું લાભ!!

જે લોકશાહીની કલ્પના સાથે આપણા સ્વાતંત્ર્યવીરોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝૂકાવ્યું હતું અને અનેકોના ત્યાગ અને બલિદાનથી સભર એક પ્રલંબ લડાઈને અંતે સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું હતું એ લોકશાહી તો આજે ખુદના જ રાષ્ટ્રની અંદર દીવો લઈને શોધવા જવી પડે એવી સ્થિતિ પ્રવર્તે છે. આજની લોકશાહીમાં મત આપ્યા પછી પ્રજા બિચારી થઈ જાય છે અને શાસકો સર્વેસર્વા થઈ જાય છે. દિવસે દિવસે ગ્લેમરસ અને વૈભવી બનતી જતી લોકશાહીની ચકાચોંધમાં આમ આદમી અને તેની મુસીબતો વિસરાતા જાય છે, આમ છતાં આપણા કહેવાતા મહાન શાસકો લોકશાહીની દુહાઈ દેતા થાકતા નથી.

વર્તમાનમાં રાજકીય ગ્લેમરના પ્રભાવ તળે નૈતિકતા, સદાચાર, સાદગી, આદર્શ, નિષ્ઠા, કર્મઠતા, પ્રમાણિકતા અને નિખાલસતા જેવા રાજનીતિજ્ઞ ઘરેણાઓને જંગ લાગી રહ્યો છે. આ બધા શબ્દો હવે ભાષાકીય અલંકારોથી વિશેષ કંઈ નથી. તેનો ઉપયોગ હવે જનતાને ભોળવવા માટેના રેડીમેઈડ ભાષણ સુધી સીમિત રહી ગયો છે. રાજકારણમાં બચ્યા કૂચ્યા સત્યપ્રિય, નિષ્ઠાવાન, પ્રામાણિક, અને કર્મઠ વ્યક્તિઓને આયોજનબદ્ધ દુષ્પ્રચાર હેઠળ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. રાજનીતિના સમરાંગણમાં ખોટા સિક્કાઓને મહાન ચીતરી બનાવટી ઢોળ ચઢાવી ચમકાવવાની જાણે કે ફેશન થઈ પડી છે. પક્ષીય લોકશાહીની આજની શાસન-પ્રણાલિમાં સત્તાધારી પક્ષ સિવાયના નેતાઓ જાણે કે દેશના દુશ્મન હોય એ રીતે વર્તવામાં આવે છે. એમાં ય વળી શાસન સામે સવાલ કરનારાને દેશદ્રોહી કે રાષ્ટ્રદ્રોહી ગણાવવાની આયોજનબદ્ધ પ્રવૃત્તિ તો લોકશાહી શાસન-પ્રણાલિ સામે જ સવાલ ઊભા કરે છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ વખતે જેમનો જન્મ પણ નથી એવા નેતાઓ સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓએ કરેલી ભૂલો તરફ અંગૂલિનિર્દેશ કરીને પોતાની જાતે જ પોતાના પર ગુલાલ નાખીને પોતાને મહાન ગણાવી રહ્યા છે!! દેશ માટે પોતાની જાન કુરબાન કરનારા શહીદ-વીરોનો ઉપયોગ પ્રજામતને એન્કેશ કરવામાં થઈ રહ્યો છે. દેશને લૂંટાય એટલો લૂંટી લેવાની એક હોડ ચાલી રહી છે.

દેશનો પ્રત્યેક નાગરિક એ કોઈ સંસ્થા કે પક્ષનો કાર્યકર પછી એ પહેલા એ દેશનો મતદાતા છે અને એક મતદાતાને નાતે શાસક અને શાસન સામે સવાલ કરવાનો અને એનો જવાબ લેવાનો તેનો અબાધિત અધિકાર છે. પ્રશ્ન કરવાથી દેશ પ્રત્યેની આસ્થા કે શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી. આ તે વળી ક્યા પ્રકારની લોકશાહી જેમાં પ્રજા શાસકને પ્રશ્ન ન કરી શકે કે દેશનો એક આમ આદમી પોતાના પ્રશ્નો લઈને શાસક સુધી ન પહોંચી શકે! પ્રશ્ન અંગેની તેની સમજમાં કદાચ ફેર હોઈ શકે પણ તેને લઈને તેની નિયત સામે કેવી રીતે સવાલ થઈ શકે?? ચાર કે પાંચ સભ્યોના પરિવારમાં પણ પારસ્પરિક મતભેદો પ્રવર્તી શકે છે અને પરિવારના સભ્ય પરિવારના વડાને પ્રશ્ન કરી શકે છે પણ એનો મતલબ એ જરા ય નથી કે પ્રશ્નકર્તા વ્યક્તિ પરિવારનો દ્રોહ કરે છે કે તેને પરિવાર પ્રત્યે પ્રેમ નથી!!!

લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાનો અવાજ હંમેશાં આખરી હોવો જોઈએ. રાજાશાહીમાં પણ પ્રજા રાજાને પ્રશ્નો કરતી હતી અને એ પ્રશ્ન સાંભળી રાજા એનો ન્યાય કરતા હતા, નહિ કે પ્રશ્ન સાંભળી રાજા એમ કહેતા કે તમે રાજાનો અને રાજ્યનો દ્રોહ કર્યો છે. જો શાસક પ્રશ્નનો જવાબ નથી આપી શકતા તો એ શાસકની નબળાઈ છે. જે પ્રજાએ એમના પ્રશ્નોનું સમાધાન કરવા શાસકને ચૂંટીને સત્તા સ્થાને બેસાડ્યા હોય એ શાસક જો પ્રજાના પ્રશ્નોનો જવાબ આપી શકતા ન હોય તો એમણે સત્તાનું સિંહાસન ખાલી કરી આપવું જોઈએ, નહિ કે પ્રજાને દેશદ્રોહી કહી દંડવી જોઈએ. જે પ્રજાના મતથી શાસક ચૂંટાઈ આવે છે એ પ્રજાને શાસક દેશદ્રોહી કે રાષ્ટૃ વિરોધી કેવી રીતે કહી શકે! તંદુરસ્ત લોકશાહી શાસન-પ્રણાલિમાં આ પ્રકારની વિચારધારા ફક્ત પક્ષીય વિચારધારાની તરફેણ કરતી સંકુચિત માનસિકતાથી વિશેષ કંઈ નથી.

વર્તમાન લોકશાહી શાસનપ્રણાલિમાં અમુક અપવાદોને બાદ કરતાં આજના કહેવાતા લોકસેવકો નર્યો દંભનો અંચળો ઓઢીને ફરતી ચૂસિયા જીવાતો જેવા છે જે દેશસેવાને નામે વ્યક્તિગત હિતને પ્રાધાન્ય આપી દેશને ચારેકોરથી ચૂસાય એટલો ચૂસવામાં સદાય વ્યસ્ત છે. એમ કહેવાય છે કે સજ્જનોની નિષ્ક્રિયતા જ દુર્જનોને વધુ સક્રિય થવાનું બળ પૂરું પાડે છે. આ બધી ચૂસિયા જીવાતોનો ખાતમો બોલાવી દેશની હરિયાળી સંસ્કૃતિને ફરીથી હરીભરી બનાવવા છેવટે તો પ્રજાએ જ આગળ આવવું પડશે ને સક્રિય થવું પડશે. માત્ર મત આપીને બેસી જવું એ દિવસો હવે રહ્યા નથી. જો પ્રજા મત આપીને કોઈ શાસકને ચૂંટી શકે છે તો પ્રજામાં એ તાકાત પણ છે કે પોતાના મતથી એ શાસકને એનું સ્થાન બતાવી શકે.

સરગાસણ

[આ લેખ અગાઉ પાટનગર સંદેશમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે.]

e.mail : h79.hitesh@gmail.com 

Loading

યુદ્ધમાં ….

નારણ મકવાણા|Poetry|31 May 2022

એક બોમ્બના પ્રતાપે .. 
જીવતા ભૂંજાયેલા, 
ક્ષત-વિક્ષત દટાયેલા, 
નિર્દોષ મરાયેલા
આબાલવૃદ્ધો. 

લાશોના ઢગલા બની, 
સામૂહિક દફનાવાયેલાં
ઊંચી ઇમારતના રહીશો .. 

હવે … 

દૂર કોઈ જીવતા સ્વજન, 
કે 
બચી ગયેલા સ્વજનના
પેઢીનામામાં
ચિતરાશે
ફકત
'મરણ'
નોંધ સાથે …

(કૈંકનો તો કયાં ય ઉલ્લેખ પણ નહીં જોવા મળે) 

એ નોંધમાં
લખાયેલું નહીં હોય … 
યુદ્ધમાં …. 

હા, 
આપણે સર્જવા પડશે
નવા
હિરોશિમા ..
નાગાસાકી … 

29/5/2022

e.mail : naranmakwana20@gmail.com

Loading

માટી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|31 May 2022

પંચતત્ત્વોમાંથી એક એવી માટી દુનિયામાંથી ઝડપથી લુપ્ત થઈ રહી છે. આ આપત્તિને રોકવા માટે માટી બચાઓ Save Soil નામની ઝુંબેશ જગ્ગી વાસુદેવ ચલાવી રહ્યા છે. હમણાં તેઓ અમદાવાદમાં હોવાના સમાચાર છે. જગ્ગી, શ્રીશ્રી કે તેમના જેવા અત્યારના સમયના કે પહેલાંના સમયના કહેવાતા ઉપદેશકો માટે મને માન નથી. પણ જગ્ગીનું આ મિશન મને મહત્ત્વનું લાગે છે. ગઈ કાલ સોમવારના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના પહેલાં બે આખાં પાનાં Save Soilની  જાહેરખબરના છે. આ વિગતસભર જાહેરખબર અંગ્રેજીમાં છે. આ અભિયાનનું મોટા ભાગનુ કામ અંગ્રેજીમાં ચાલે છે, એવું હું જોતો આવ્યો છું. આ દેશની માટીની, ધરતીની, જમીનની વાત કોઈ અંગ્રેજીમાં કેવી રીતે અને કેટલી બહોળી અસરથી કરી શકે, એ અંગે મને સવાલ છે.

*****

માટી માટે મને ઊંડી લાગણી છે. તેના હેતને અનુભવતા રહેવાની કોશિશ કરું છું. વૃક્ષોની જેમ માટીને તેને દિવસમાં કેટલી ય વાર મનોમન વંદન કરું છું. તેના વિશે વાંચતો-વિચારતો-દુ:ખ અનુભવતો રહું છું.

વહાલી મા વસુંધરાની માટી જીવંત છે, જીવનદાયિની છે, એના વિના ન ચાલે.

આપણાં પગને માટી છેલ્લે ક્યારે અડી હતી ? આપણે છેલ્લે ધૂળમાં ક્યારે બેઠા હતા, રગદોળાયા હતા? ઘણાં માટે માટી એટલે તબિયતને બગાડતી, ચોખ્ખાઈને નડતી ધૂળ. ઘણાં માટે માટી એટલે ચકચકીત કાર પર ઊડતી ધૂળ, કારના પાર્કિંગમાં નડતો કીચડ. Dust Free જગત એ આધુનિક દુનિયાનો જાણે એક આદર્શ.

સમગ્ર જીવસૃષ્ટિનું મૂળભૂત અસ્તિત્વ જ માટીને લીધે છે. માટી ખુદ જીવંત છે અને જીવનદાયિની પણ છે. માટીમાં જ પાણી સંઘરાય, તેમાં વનસ્પતિસૃષ્ટિ થાય, તેને લીધે જ ધરતીપટે માનવ અને પ્રાણીજીવો ટકે. આવી માટીથી દુનિયાભરના મોટા ભાગના શહેરીજનો બહુ દૂર જતા રહ્યા છે.

‘ગર્દાબાદ’ અમદાવાદમાં ડસ્ટને લગતી રોજની ચાળીસથી વધુ ફરિયાદો સપ્ટેમ્બર 2019માં કૉર્પોરેશનને મળી હતી. ડામર ને પેવર આપણા સેવિયર છે, કૉન્ક્રિટ આપણી કિસ્મત. એટલે માટીને આપણે સિમેન્ટનાં એક પછી એક પડ હેઠળ ધરબી દીધી છે.

ખરેખર તો કોઈ પણ જાતની માટી એટલે ધરતીમાની ગોદ. માટી એટલે હૂંફ અને ઠંડક, કઠણતા અને કોમળતાનો કંઈક અનેરો સુમેળ. માટી એટલે ધરતી, પૃથ્વી, ભૂમિ, મૃત્તિકા, ભોમકા. માટી માટેનાં અથવા તેની સાથે જોડાયેલા લગભગ બધા શબ્દો સ્ત્રીલિંગી છે. કારણ કે માટી એટલે માતા, મરાઠીમાં ‘માયમાતી’, ‘માતીમાય’, ‘કાળી આઈ’ જેવા શબ્દો વારંવાર વપરાય છે. મા અને માટી બંને સરખાં. બંનેમાં નવાંને જન્મ આપવાની, તેનાં લાલન-પાલન-ધારણની તો અપાર ક્ષમતા છે જ; સાથે વંઠેલાં સંતાનોનાં ત્રાસ વેઠ્યાં જ કરવાની તેની તાકાત પણ અગાધ છે.

માણસો માટી પર થૂકે છે, એને ઊતરડે છે, ખોતરે છે, ખોદે છે, ઉલેચે છે. બાંધકામોનાં પાયા નંખાતા હોય તે પહેલાં વિકરાળ મશીનોનાં લાંબા નહોરથી ખોદાતી જમીન અને પછી કૉન્ક્રિટ હેઠળ ધરબાતી જતી માટીનું દૃશ્ય પીડાકારક હોય છે.

મનુ કોઠારી અને લોપા મહેતાએ ‘નાભિશ્વાસ લેતી ધરતીમાતાનું વસિયતનામું’ નામે પુસ્તકમાં લખ્યું છે : ‘હું ધરતીમાતા તરીકે તમારા બધાં માટે અન્ન પકવું છું. પણ તમે તો મૂર્ખ વાંદરાની જેમ મારી આંતર-ત્વચાને જ ઉખેડી નાખી છે. માટી દ્વારા હું જળ, ક્ષારો અને અન્ય કાર્બનયુક્ત પદાર્થો શોષું છું. જીવાણુઓ દ્વારા નાઇટ્રોજનનો સંગ્રહ કરું છું. આ બધાંને ભેગાં કરી પ્રોટીન બનાવું છું. મારું રહસ્ય, મારું સૌંદર્ય, મારી વિપુલતા એ મારી સોડમભરી કૂણી માટીમાં સમાયેલ છે. આ માટીને તમે ઉખેડી નાખો એટલે અન્ય  ગ્રહોની જેમ હું પણ  જીવજગત-શૂન્ય, પથ્થરોનો બનેલ નિર્જીવ પ્રદેશ બની જાઉં. મારાં માતૃસ્વરૂપને અને મારી કૂણી માટીને એકબીજાંથી અળગાં ન કરી શકાય.’ આપણી ભાષા, આપણાં સંતસાહિત્ય, આપણી લોકસંસ્કૃતિ ઇત્યાદિમાં માટી વિશે જે કંઈ છે તે જાણવા-માણવા-સંઘરવા જેવું છે.

મા વસુંધરા માટેનાં આ વ્હાલ-વંદનમાં કદાચ વેવલાપણું લાગે તેવા ઘણા લોકો હશે. તેમના માટે  શહેરીકરણ અને નગરોમાં રહેનારમાંથી થોડા લાખ માણસોની સુખાકારી એટલે વિકાસ હોય છે. પણ ખરેખર તો માટીની અનિવાર્યતા સનાતન વાસ્તવિકતા છે.

‘માટી નહીં સાચવી શકનારો દેશ જીવી શકતો નથી’ – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિન્ગટનના આ શબ્દોથી ભારતને પર્યાવરણીય સ્થિતિની સમીક્ષાના પહેલવહેલા નાગરિક અહેવાલની શરૂઆત થાય છે. તે પર્યાવરણ બચાવવા માટે ભારતમાં નક્કર અસરકારક કામ કરનાર દિલ્હીની સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એનવાર્નમેન્ટે 1982માં બહાર પાડ્યો હતો.

વૉશિન્ગટને બસ્સો વર્ષ પહેલાં કરેલી વાત સાચી પડતી રહી છે. દુનિયાના દેશોની જમીન ખરાબ થતી રહી છે એટલે કે તેની અંદરનાં પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટતાં તેની ફળદ્રૂપતા ઓછી થતી ગઈ છે અથવા તો તે રણપ્રદેશમાં ફેરવાતી ગઈ છે. આવી હાલત દુનિયાની પચીસથી ચાળીસ ટકા જમીનની થઈ હોવાનું  અને જમીનની ખરાબીને જળવાયુ પરિવર્તનની આપત્તિ સાથે ગાઢ સંબંધ હોવાનું આંતરરાષ્ટ્રીય અભ્યાસો જણાવે છે.

એટલે ગયાં ત્રીસેક વર્ષથી જમીન સાચવવા માટે સંગઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવું પડી રહ્યું છે. તેના ભાગ રૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992થી દર બે વર્ષે યુનાઇટેટ નેશન્સ Convention to Combat Desertification યોજે છે. આવી ચૌદમી પરિષદ સપ્ટેમ્બર 2019માં ગ્રેટર નોઇડા ખાતે યોજવામાં આવી હતી.

2015ના  મે મહિનામા ભારતના હરિત ક્રાન્તિના અગ્રદૂત એવા કૃષિવિજ્ઞાની એમ.એસ .સ્વામિનાથને One Year of Modi governemnt : Farmers await achchhe din' લેખમાં ચેતવણી આપી હતી : ‘જમીન એ સંકોડાતું જતું સંસાધન છે. આપણે ઓછામાં ઓછી જમીનમાં વધુમાં વધુ પાક લેવાનો છે.’ તેમણે સ્પેશ્યલ ઍગ્રિકલ્ચરલ ઝોન(સાઝ)ની રચના અને સૉઇલ હેલ્થ એટલે કે માટીનું આરોગ્ય જાળવવા માટેનાં ઉપક્રમો પણ સરકાર સામે મૂક્યા હતા.

ઘણા લોકોને એ વાત પણ પકડાતી જ નથી કે જમીન ગુમાવવાની સાથે આપણે પાણી પણ ગુમાવીએ છીએ. જમીન પર માણસે લાદેલાં અનેક પડોને કારણે દર વરસાદે હજારો ગૅલન પાણી, જમીનમાં ઊતરવાને બદલે કાં તો વહી જાય છે અથવા તો ભરાઈ જાય છે, ચોમાસામાં શહેરો ડૂબે છે. પાણી માટીમાં થઈને ભૂગર્ભમાં ઊતરે તો કુદરત તે આપણને જ ભૂગર્ભજળ રૂપે પાછું આપે છે.

બીજો એક અપરાધ પણ થાય છે :  માટી કૉન્ક્રિટ હેઠળ દટાય એટલે તેની કૂખમાંથી જન્મતું અત્યંત સમૃદ્ધ જીવનચક્ર ખતમ થઈ જાય. તમામ જાતની વનસ્પતિ, જીવસૃષ્ટિ, વાયુઓ અને ખનિજો બધું જ નષ્ટ થઈ જાય. કહેવું ન ગમે પણ વત્સલા વસુંધરા પ્રજનન શક્તિ ગુમાવે છે.

તો પછી માટીને જાળવવા શું માણસોએ જંગલમાં જ રહેવું જોઈએ ? સંસ્કૃતિ એટલે વિકૃતિ, અને વિજ્ઞાન એટલે વિનાશ ? ભૂમિનાં ભજન ગાતાં આપણે પાકાં ઘરોમાં રહેવાનું અને ગરીબગુરબાં ધૂળમાં રગદોળાય ? ના, આર્થિક અસમાનતા અને કુદરતી અસંતુલનના ઉકેલો પણ જમીનમાં જ છે એ આપણને વિનોબા ભાવે કહી ગયા છે.

એટલું તો થાય કે આપણે જ્યાં છીએ ત્યાં, માટી માટેનાં બહુ જ છીછરા અણગમા છોડી, માટીના ટુકડા સાચવીએ, આપણા પરિસરોને દિવાલથી દિવાલ કૉન્ક્રિટથી ઢાંકી દેવાને બદલે બને એટલી માટી રાખીએ.

માટીમાં વનસ્પતિ ઊગાડીએ, વૃક્ષો માટેનાં છોડ ઊગાડીએ, બાળકોને માટીમાં રમવા દઈએ. રસ્તાની બંને બાજુ માટીના પટ્ટા ન છોડી શકાય ? જમીન પર પાથરવા માટેનાં સિમેન્ટ કૉક્રિટનાં ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલિ વિકલ્પો પરના અભ્યાસોનો ઉપયોગ ન કરી શકીએ ?

જમીન બચશે તો જ આપણા પછીની પેઢીઓની જિંદગી બચશે.

(2019માં લખેલા બે લેખોને આધારે)

31 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5081,5091,5101,511...1,5201,5301,540...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved