Opinion Magazine
Number of visits: 9570021
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમારા હિસ્સાનો છાંયડો ક્યાં છે ? – અમદાવાદીઓનો સવાલ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|6 May 2022

અમદાવાદના વાહનોથી ધમધમતા રસ્તાઓ પર આજકાલ લગભગ દરેક ચાર રસ્તા પર લાલ લાઇટ થાય એટલે સ્કુટર કે કારવાળા સ્ટૉપલાઇનની નજીક જઈને અટકવાને બદલે આસપાસ જે ઝાડ હોય તેના છાંયડા હેઠળ એકઠા થાય છે.

શહેરી તાપમાનના દુનિયાભરના અભ્યાસીઓએ સૂચવ્યું છે કે ફૂટપાથ પર ઊભી રહેલી વ્યક્તિ કરતાં ઝાડ નીચે ઊભી રહેલી વ્યક્તિ 5થી 7 સેન્ટિગ્રેડ ઓછું તાપમાન અનુભવે છે. જળવાયુ પરિવર્તનના ક્ષેત્રે આ પ્રકારના અભ્યાસ ‘આઇલૅન્ડ ઇફેક્ટ’ અથવા ‘ફૉસ્ટર્સ રુલ’ નામની વિભાવના હેઠળ કરવામાં આવે છે.

વૃક્ષ નીચે ઓછું તાપમાન જોવા મળે એ બાબત શિન્જિ યોશિદા નામના અભ્યાસીના Adaptation Measures for Urban Heat Islands નામના પુસ્તકમાં વાંચવા મળે છે. એમાંથી પસાર થતાં એમ થાય છે કે આ વર્ષે શહેરે તેના રહીશોને કાળઝાળ ગરમીથી રક્ષણ આપવા માટે શું કર્યું ?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનો દાવો છે કે તેણે 2019 અને 2021 એમ બે વખત ‘મિશન મિલિયન ટ્રીઝ’ (દસ લાખ વૃક્ષારોપણ ઝુંબેશ) નામની ઝુંબેશ કરીને 27.72 લાખ છોડ ઊગાડ્યાં છે.

જો કે ઊગાડેલાં આ છોડમાંથી કેટલાં ટક્યાં છે એનો આંકડો કૉર્પોરેશન આપતી નથી.

જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બહાર પડેલાં ફૉરેસ્ટ સર્વે ઑફ ઇનિયા 2021ના આંકડા મુજબ વીતેલા દાયકામાં અમદાવાદ શહેરના વૃક્ષાવરણમાં (ટ્રી કવરમાં) 8.55 ચો.કિલોમીટરનો ઘટાડો થયો છે. આ ઘટાડો દેશના બધાં મુખ્ય શહેરોનાં વૃક્ષાવરણમાં ગયા દાયકામાં થયેલા ઘટાડા કરતાં વધારે છે.

તદુપરાંત, અમદાવાદમાં દરેક અમદાવાદીને મળતી માથાદીઠ શહેરી હરિત ભૂમિ (Uraban Green Space – UGS) 3.91 ચોરસ મીટર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન(WHO)ના ધોરણ મુજબ દરેક શહેરવાસીને માથાદીઠ ઓછામાં ઓછી 9 ચોરસ મીટર હરિત ભૂમિ મળવી જોઈએ. ચંડીગઢ, દિલ્હી અને બંગળુરુ જેવાં થોડાંક જ શહેરો WHOના ધોરણો જાળવી શક્યાં છે, અને મુંબઈ, અમદાવાદ, સૂરત, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવાં શહેરો આ ધોરણથી ઘણાં દૂર છે.

બંગળુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના અભ્યાસમાં 2020માં ચેતવણી આપવામાં આવી છે કે ગયા બે દાયકામાં અમદાવાદનું વૃક્ષાવરણ (tree-cover) 46%થી ઘટીને 24% પર આવ્યું છે, અને વિકાસનાં દબાણો હરિત ભૂમિ(green space)નો ભોગ લેતાં તો 2030માં વૃક્ષાવરણ 3% પર પહોંચી જશે.

વનસ્પતિશાસ્ત્રી સંતોષ યાદવ કહે છે : ‘મુંબઈ અને પુણેમાં થયું છે તેવું tree mapping અમદાવાદમાં થવું જરૂરી છે. અમદાવાદીઓએ એ જાણવાની જરૂર છે કે વૃક્ષારોપણ ઝુંબેશ બાદ કયાં ઝાડ ટક્યાં છે અને ક્યાં ટક્યાં નથી. વૃક્ષનું આર્થિક મૂલ્ય ધ્યાનમાં લેવાતું નથી, અને એટલે સત્તાવાળાઓ વૃક્ષોના વિનાશની નોંધ લેતા નથી.’

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સાથે વાત કરતાં એક કૉર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું : ‘અત્યારના આપણાં બાંધકામ પેટાનિયમો મુજબ, બાંધકામ કરવામાં 10% ખુલ્લી જગ્યા open space છોડવાની હોય છે. આ જગ્યા બાંધકામ વિસ્તારમાં વસ્તીની ગીચતાનું પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. અમદાવાદની 2021ની વિકાસ યોજના મુજબ થોડાંક તળાવોની આસપાસ green spaces બતાવવામાં આવી છે. નગર આયોજનની જુદી જુદી યોજનાઓમાં થોડીક સંખ્યામાં land pooling system  દ્વારા થોડીક સંખ્યામાં open spaces માટેની જોગવાઈ કરવામાં આવી છે.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નું કહેવું છે કે 1965થી લઈને અત્યાર સુધીની અમદાવાદની દરેક વિકાસ યોજનામાં શહેરને હરિયાળું બનાવવા અને open spaces વધુ સંખ્યામાં રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ વીતેલા ચારેક દાયકામાં સુધરાઈએ આ દિશામાં ભાગ્યે જ કંઈ કર્યું છે.

શહેરી વિકાસ આયોજનમાં સંખ્યાબંધ યોજનાઓ એવી છે કે જેમાં ગુજરાત ટાઉન પ્લાનિન્ગ ઍક્ટમાં ફરજિયાત બનાવવામાં આવેલી સંખ્યામાં વૃક્ષો અને open spaces નથી. હવે શહેર આયોજનની પ્રક્રિયામાં શહેરના લોકોને સામેલ કરવા એ મહત્ત્વની બાબત છે. જાહેર જનતાની ભાગીદારી સાથેના કાર્યક્રમોનું વિચારપૂર્વક આયોજન કરવું જોઈએ અને તે અંગેની જાણકારી આ યોજનાઓની સાથે સંકળાયેલા સહુને આપવી જોઈએ.

(સૌજન્ય : ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’, 01મે 2022)

05 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મન્તવ્ય-જ્યોત

સુમન શાહ|Opinion - Opinion|6 May 2022

— 1 —

(મારી આ નવતર લેખશ્રેણીમાં અવારનવાર મન્તવ્ય-જ્યોત પ્રગટાવતો રહીશ.)

આ મન્તવ્ય-જ્યોત અને સાહિત્યદીપ પ્રજ્વલિત રહે ને પ્રકાશ વધુ ને વધુ પ્રસરે એવી આશા છે.

જ્યોત ૧ : સાહિત્ય, ભાષિક હસ્તી છે :

સાહિત્ય, ભાષિક હસ્તી છે – લિન્ગ્વિસ્ટિક ઍન્ટિટી. એ શબ્દોનું બનેલું છે. મનુષ્ય, મનુષ્યનો સંસાર, મનુષ્યના વિચારો, મનુષ્યની ભાવનાઓ કે લાગણીઓ સાહિત્યમાં ક્યારે ય પણ શબ્દ રૂપે જ હોઇ શકે છે, ન અન્યથા; અરે, તેનાં કાર્યો પણ.

જીવન છે તો શબ્દ છે એ સાચું છે, પણ સમજવાનું એ છે કે શબ્દ છે તો જીવન છે એ પણ એટલું જ સાચું છે.

શબ્દ અને જીવનનું આ તળનું જોડાણ આપણે કદી ભૂલવું ન જોઈએ.

પણ એ જોડાણ ઘણા લોકોને ગળે નથી ઊતરતું; એટલે તેઓ જીવનની તરફેણ કરે છે અને શબ્દસૃષ્ટિરૂપ સાહિત્યને તકલાદી ગણતા થઇ જાય છે. છેલ્લે તેઓ સાહિત્યને મિથ્યા – નકામું – ગણવા લગી પ્હૉંચી જતા હોય છે. કેટલાક તો સાહિત્યકારોને ‘વેવલા’ વગેરે ગણીને મશ્કરીઓ કરતા હોય છે.

પરન્તુ સાહિત્ય સાથે જોડાયેલા આપણે સૌએ એ દ્વેષ્ટાઓને ઓળખી લેવા જોઈશે તેમ જ શબ્દ અને જીવનનું, બેયનું, હમેશાં જતન કરવું જોઈશે, ગૌરવ કરવું જોઇશે.

= = =

(May 3, 2022: USA)

— 2 —

જ્યોત ૨ : તમામ લેખનો સર્જન છે :

જગવિખ્યાત ભાષાવિજ્ઞાની નૉમ ચૉમ્સ્કીએ એમ કહેલું કે વર્તનપરક સિદ્ધાન્તથી – બીહેવિયરલ થીયરીથી – એમની લિન્ગ્વિસ્ટીક થીયરી અલગ છે. એમનું મન્તવ્ય હતું કે માણસને ભાષાપ્રાપ્તિ થાય છે, ભાષાનું નિયન્ત્રણ થાય છે, તે કોઇ એક ભાષાના વ્યાકરણથી નહીં પણ સર્વ ભાષા અન્તર્ગત રહેલા સાર્વત્રિક વ્યાકરણી નિયમોથી થાય છે – યુનિવર્સલ ગ્રામેટિકલ રુલ્સથી થાય છે; ઉપરાન્ત, એ નિયમો સૌ વિકાસશીલ મનુષ્યો વચ્ચે સમાન છે.

આપણે જાણીએ છીએ કે સંસ્કૃતિઓ ભિન્ન ભિન્ન હોય છે છતાં કેટલાક ભાષિક વિકાસો તેમની વચ્ચે સમાન હોય છે. ચૉમ્સ્કીએ એ સામ્યો માટે માણસના મગજમાં સ્થિત ઇન્નેટ લૅન્ગ્વેજ – ઍક્વિઝિશન મિકેનિઝમને જવાબદાર ગણ્યું છે – ભાષાપ્રાપ્તિને માટેની ચિત્ત-અન્તર્ગત યાન્ત્રિકતા. ભાષાવિજ્ઞાનીઓ એને LAD કહે છે – લૅન્ગ્વેજ-ઍક્વિઝિશન ડીવાઇસ.

ચૉમ્સ્કી જણાવે છે કે એથી ભાષા-પ્રક્રિયાનો પ્રારમ્ભ અને વિકાસ થાય છે. માણસ બાળક હોય ત્યારથી ભાષાના શબ્દો ઉચ્ચારી શકે છે, ભાષા શીખી શકે છે. ચૉમ્સ્કીનું મન્તવ્ય એમ હતું કે LADની બક્ષિશ માત્ર મનુષ્યજીવોને જ મળી છે, જન્મતાંવેંત મળી છે. તેઓ ભાષાને માનવીય, એટલે કે સ્પિશીઝ સ્પેસિફિક, અને અનન્ય, એટલે કે યુનિક લેખે છે.

પોતાની એ સિદ્ધાન્તસરણી અનુસાર, ચૉમ્સ્કી ભાષિક સર્જકતાની વાત કરે છે. એ સર્જકતાને તેઓ મનુષ્યની એક પ્રાથમિક પ્રવૃત્તિ ગણે છે. પ્રવૃત્તિની પ્રાથમિકતા એ કે દરેક બોલનારો નવા શબ્દાર્થો સરજે છે અને દરેક સાંભળનારો તે શબ્દાર્થોને ફરી એક વાર ઘટાવે છે, તેનું ફરી એક વાર સર્જન કરે છે. એ પ્રકારે અને એ રીતે ભાષિક સાતત્ય મનુષ્યોમાં સંતતની ઘટના બની છે.

આ ભાષિક સર્જકતાનો સાર જ એ છે કે મનુષ્ય જો થંભે નહીં તો અમાપ લંબાઇનું દીર્ઘતમ વાક્ય સરજી શકે છે …

હું આ ભૂમિકાએ કહું છું કે તમામ લેખનો સર્જન છે; સાહિત્ય ભાષિક હસ્તી છે એ ખરું પણ ભાષા પોતે જ એક માનવીય સર્જન છે. તેથી યાદ રાખવું જોઈશે કે કાવ્ય, કથા કે નાટક વગેરે તો સર્જન છે જ, પરન્તુ નિબન્ધ વિવેચન કે સમીક્ષા વગેરે તમામ લેખનો પણ સર્જન છે.

આ ઊંડું સત્ય છે. અમુકોથી એ વીસરાઈ જાય છે ત્યારે સર્જક ઊંચો ને વિવેચક નીચો જેવા ભેદ-ભાવ પ્રગટે છે.

એ મિથ્યાચારીઓથી આપણે બચવું જોઈશે.

= = =

(May 5, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ભારતમાં તબીબી શિક્ષણની દશા અને દિશા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 May 2022

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી અઢારેક હજાર ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા, તેમાં મુખ્યત્વે મેડિકલ સ્ટુડન્ટ હતા. એશિયાની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા ધરાવતા અને ફાઈવ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવાનાં સપનાં જોઈ રહેલા વિશ્વગુરુ ભારતના હજારો વિદ્યાર્થીઓ ડોકટરીની પઢાઈ માટે યુક્રેન જાય છે તે જાણીને નવાઈ લાગે છે. પરંતુ દર વરસે આઠ લાખ ભારતીય છાત્રો મેડિકલ એજ્યુકેશન માટે વિદેશની વાટ પકડે છે અને ઘણા બધાં ત્યાં જ સ્થાયી થઈ જાય છે તે જાણીને તો આપણું આશ્ચર્ય આઘાતમાં પરિણમે છે.

આજે પણ મોટા ભાગના વિધાર્થીઓનો “ભણીને શું બનવું છે?’ એવા સવાલનો જવાબ “ડોકટર” જ હોય છે. કેમ કે તે દુનિયાનો સૌથી સન્માનિત વ્યવસાય મનાય છે. ડોકટરની રોજી લોકોની બીમારી પર ભલે આધારિત હોય આ વ્યવસાય સાથે પ્રતિષ્ઠા અને પૈસા ઉપરાંત દરદીઓનો આદર અને પ્રેમ પણ જોડાયેલો છે. જો કે ડોકટર બનવું આસાન નથી, તબીબી શિક્ષણ અઘરું પણ છે અને મોંઘું પણ છે. ભારતમાં તબીબી શિક્ષણની મર્યાદિત તકો અને ખાનગી કોલેજોની આસમાન આંબતી ફીને કારણે ગરીબોનાં બાળકો માટે ડોકટર બનવું સ્વપ્નવત્‌ છે.

વિજ્ઞાન પ્રવાહની ચોક્કસ વિષયો સાથેની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા (૧૨-સાયન્સ) પાસ કર્યા પછી સાડા પાંચ વરસના સ્નાતક કક્ષાના તબીબી શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડે છે. દેશની આશરે ૫૮૬ મેડિકલ કોલેજોની ૮૯,૮૭૫ બેઠકો માટે ગયા વરસે સોળ લાખ વિદ્યાર્થીઓએ નેશનલ એલિજીબિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (નીટ) માટે અરજી કરી હતી.૧ ૯૯૦માં કાયદામાં સુધારો કરીને સરકારે મેડિકલ એજ્યુકેશનના દ્વાર ખાનગી કોલેજો માટે ખોલી દીધાં છે. એટલે દેશમાં સરકારી કરતાં ખાનગી મેડિકલ કોલેજોની સંખ્યા વધારે છે.

સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો માટે ‘નીટ’ની પ્રવેશ સમાન પરીક્ષા પાસ કરવી  અનિવાર્ય છે. પરંતુ બંનેની ફી અને ખર્ચમાં જમીન-આસમાનનું અંતર છે. વળી સરકારી મેડિકલ કોલેજોમાં માંડ ૩૦,૦૦૦ બેઠકો જ છે જ્યારે ખાનગી કોલેજોમાં તેથી બમણી બેઠકો છે. ભારતમાં સરકારી તબીબી કોલેજમાં વાર્ષિક એક-બે લાખ રૂપિયાનો ફી સહિતનો ખર્ચ થાય છે, પણ ખાનગીમાં તે ફી અનેક ગણી વધારે છે. એક અંદાજ મુજબ સરકારી કોલેજમાં પચીસેક લાખના ખર્ચે ડોકટર બની શકાય છે પણ ખાનગી કોલેજોમાં તે ખર્ચ એક-દોઢ કરોડનો થઈ જાય છે. ભારતમાં મર્યાદિત બેઠકો અને ખાનગી કોલેજોની મોંઘી ફી કરતાં વિદેશમાં મેડિકલ શિક્ષણ માટેની વધુ તક અને ઓછો ખર્ચ હોવાથી મોટા પાયે ભારતીય વિદ્યાર્થીઓ યુરોપ, અમેરિકા જ નહીં રશિયા, ચીન, યુક્રેન, ફિલિપાઈન્સ, કઝાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધ્ધાંમાં ભણવા જાય છે.

તબીબી શિક્ષણમાં પ્રાદેશિક અસમાનતા પણ ભારોભાર છે. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં એક પણ મેડિકલ કોલેજ નથી. આશરે પાંસઠ કરોડની વસ્તીના હિંદીભાષી રાજ્યોના ફાળે મેડિકલ કોલેજોની ત્રીસ ટકા જ બેઠકો છે, જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર અને તેલંગણાના ફાળે અડતાળીસ ટકા બેઠકો છે. સૌથી વધુ બેઠકો કર્ણાટકને મળી છે. પાંચ હજાર કરતાં વધુ મેડિકલ કોલેજોની સીટ્સ ધરાવતા રાજ્યોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર, ગુજરાત, તમિલનાડુ, તેલગંણા અને ઉત્તર પ્રદેશ છે. એટલે ઉત્તર ભારતના વિધાર્થીઓને મેડિકલ એજ્યુકેશનમાં ઓછી તક મળતાં તેમણે ડોકટર બનવા વિદેશોમાં ભણવા જવું પડે છે.

લગભગ ભારત જેટલી જ વસ્તીના ચીનમાં ભારત કરતાં ત્રણ ગણી મેડિકલ કોલેજોની સીટ્સ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડે એક હજારની વસ્તીએ એક ડોકટર હોવો જોઈએ. ભારતમાં તેનાથી અગિયાર ગણા ઓછા ડોકટરો છે. એટલે તબીબોની તીવ્ર અછત છતાં નવી મેડિકલ કોલેજની સ્થાપના માટે ચારસો કરોડ જેટલો મોટો ખર્ચ અને ફેકલ્ટીનો અભાવ હોવાથી મેડિકલ કોલેજો અને બેઠકોમાં વધારો થતો નથી.

તબીબી કોલજના પ્રવેશમાં ૮૫ ટકા રાજ્ય અને ૧૫ ટકા નેશનલ ક્વોટા નિર્ધારિત કર્યો છે. આરોગ્ય રાજ્યનો વિષય હોવા છતાં તબીબી શિક્ષણ સંપૂર્ણ કેન્દ્રને આધીન હોય તેવી પરિસ્થિતિ છે. તેને કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ રહે છે. તમિલનાડુએ કાયદો ઘડીને ‘નીટ’ની પરીક્ષામાંથી તેમને બાકાત રાખવાનું નક્કી કર્યું છે. આ કાયદાનું એક કારણ તમિલનાડુના કેટલાક તેજસ્વી વિધાર્થીઓએ નીટની પરીક્ષામાં નિષ્ફળ જતાં કે તેના ડરથી કરેલા આપઘાત છે. સૌને માટે શિક્ષણના બંધારણીય આદર્શ છતાં જેમ તબીબી શિક્ષણ સૌને માટે સહજ નથી તેમ તે કથિત ઉચ્ચ વર્ગ અને અમીરો માટેનું શિક્ષણ પણ છે. તબીબી શિક્ષણનું અંગ્રેજી માધ્યમ અને મોંઘા ખર્ચા અનામત નીતિ છતાં વંચિત વર્ગો માટે અશક્ય જેવું બની ગયું છે.

બાર સાયન્સના ટ્યૂશન, નીટ માટેનું કોચિંગ અને ખાનગી કોલેજમાં ડોનેશન, મોંઘી ફી  અને બીજા દૂષણોને કારણે સેવાભાવનાને વરેલો મનાતો તબીબ પછીથી વેપારી બની જતો જોવા મળે છે. તબીબી શિક્ષણના ખાનગીકરણને કારણે તેનું વેપારીકરણ થયું છે. તે પણ તે માટે કારણભૂત છે. પોણા ભાગનું ભારત ગામડાં કે નાના નગરોમાં વસે છે અને પોણા ભાગના ડોકટરો મહાનગરોમાં છે તેના લીધે પણ આરોગ્ય સેવાઓ સૌને સુલભ નથી. આજે પણ ૨૮ ટકા દરદીઓ ડોકટરના અભાવે મરણ પામે છે.

કેન્દ્ર સરકારે તેની રાજકીય વિચારધારાને અનુરૂપ ડોકટર્સ માટેના ઓથમાં સુધારો કર્યો છે પણ દુનિયામાં રોગો વિશેના તાજા સંશોધનો સાથે તબીબી શિક્ષણના પુરાણા અભ્યાસક્રમને અપડેટ કરવાનું સૂઝતું નથી. સરેરાશ આયુષ્યમાં વધારા સાથે મોટી ઉંમરના દરદીઓના રોગોને મહત્ત્વ આપવાનું મેડિક્લ કોર્સમાં ઉમેરણ થવું જોઈએ. તબીબોનું સામાજિક ઉત્તરદાયિત્વ જેમાં દરદીઓ પ્રત્યે સંવેદનાસભર, સમાન અને સહાનૂભૂતિપૂર્ણ વ્યવહારનો સવાલ કાયમ વણઉકલ્યો રહે છે તેને પણ અભ્યાસક્રમમાં સ્થાન નથી. માત્ર સારવારમાં પારંગત બનાવવા સાથે ડોકટરો આરોગ્યનું અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નીતિ, નિયમો, પ્રબંધન, માનવીય વર્તણૂંક અને જાહેર આરોગ્ય પણ શીખે તેવો અભ્યાસક્રમ ઘડાવો જોઈએ.

રાષ્ટ્રીય કક્ષાએ તબીબી કોલેજોમાં પ્રવેશ માટે ‘નીટ’ની જેમ અભ્યાસક્રમની સમાપ્તિએ ‘નેક્સ્ટ’ (નેશનલ એલિજિબિટી કમ એકઝિટ ટેસ્ટ) માટે રાષ્ટ્રીય સર્વસંમતિ સાધવાનો પ્રયાસ થતો નથી. એલોપેથિકની સાથે આયુષ ડોકટરોની સંખ્યા ઉમેરી ડોકટર્સની અછત ન હોવાનું ચિત્ર ઊભું કરીને સરકાર વાસ્તવિકતા સ્વીકારતી નથી.

ખાનગી તબીબી કોલેજોમાં ભણેલા ડોકટરોની તુલનાએ સરકારી કોલેજોમાં ભણેલા ડોકટરોની ગુણવત્તા અને કૌશલ ચડિયાતાં મનાય છે. સરકારનું ખાનગી કોલેજો પર નિયંત્રણ ન હોવાનું આ પરિણામ છે. વિદેશોમાંથી ડોકટરીનું ભણી આવેલા માટે પ્રેકટિસ શરૂ કરતાં પૂર્વે ભારતમાં પરીક્ષા આપવી પડે છે, તેમ અહીંના તબીબોની દક્ષતાનું પરીક્ષણ, સાતત્યપૂર્ણ તબીબી શિક્ષણ અને વ્યવસાયનો પરવાનો દર દસ વરસે તાજો કરાવવાની જોગવાઈ કરવી જોઈએ. કોરોના મહામારીમાં ડોકટરો, નર્સો અને અન્ય મેડિકલ સ્ટાફે અવિસ્મૃત એવી યોદ્ધાની ભૂમિકા ભજવી છે તેમનો આ સેવાભાવ મહામારી પૂરતો મર્યાદિત ન હોય તેવું તબીબી શિક્ષણ હોવું જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,5041,5051,5061,507...1,5101,5201,530...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved