Opinion Magazine
Number of visits: 9459290
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—134

દીપક મહેતા|Opinion - Opinion|26 February 2022

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે

ભવિષ્યમાં ડાબી અને જમણી આંખના ડોક્ટર જુદા હશે

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે,
મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું.

ગુજરાતી સુગમ સંગીતની ગંગોત્રી જેવા અવિનાશભાઈનો આ ગરબો એક જમાનામાં ખાસ્સો લોકપ્રિય. પણ આજે ફૂમતાંવાળી કે વગરની બાંકી પાઘડી પહેરેલો પાતળિયો શોધવાનો આગ્રહ રાખનારી મુંબઈગરી યુવતીને તો કદાચ આજન્મ કુંવારા રહેવાનો વારો આવે! આજથી ૭૫-૮૦ વરસ પહેલાંના મુંબઈમાં પાઘડી કે સાફો, કે ફેંટો કે ટોપી પહેર્યા વગરનો પુરુષ રસ્તા પર તો ભાગ્યે જ જોવા મળે. અને મળે, તો બે-ચાર પરિચિતો પૂછે : ‘કોણ પાછું થયું?’ (કોણ ગુજરી ગયું?) ઘણાં ઘરોમાં ઘરના મોભીની ટોપી કે પાઘડી દિવાનખાનામાં એક ખીંટી પર કાયમ લટકતી જ હોય. ઘરનો મોભી ભલે માત્ર પંચિયું પહેરીને બેઠો હોય, પણ કોઈ બહારનું આવે કે તરત માથે ટોપી કે પાઘડી પહેરી જ લે!

સોળ ટપાલ ટિકિટ પર સોળ પાઘડી

અને પાઘડી કે ફેંટો કે ટોપીમાં પાછી પુષ્કળ વેરાયટી. માત્ર રંગની નહિ, કપડાની, ઘાટની, પહેરવાની રીતની. દરેકનો સંબંધ ધર્મ, પ્રદેશ, જ્ઞાતિ, કે વ્યવસાય સાથે. ૨૦૧૭માં ૧૬ પાઘડીનાં ચિત્રોવાળી ૧૬ ટપાલ ટિકિટનો સેટ ટપાલ ખાતાએ બહાર પાડેલો. પણ પાઘડીની કુલ સંખ્યા તો એનાથી ઘણી મોટી. પાઘડી એટલે એ જમાનાનું આધાર કાર્ડ જ કહોને! આજે આધાર વગર કોઈ કામ ભાગ્યે જ થાય તેમ એ વખતે શિરસ્ત્રાણ વગર કોઈ સારું કામ ન થઈ શકે. કોઈને તેની પાઘડી કે ટોપી ઉતારવા કહેવું એ તો મોટું અપમાન. છેક ૧૮૬૨માં મુંબઈના બે પારસી વેપારીઓ પીરોજશાહ પેસ્તનજી મેહરહોમજી અને ડોસાભાઈ ફરામજી કામાજીએ અમેરિકાની મુસાફરી કરેલી. એ વખતે પ્રેસિડન્ટ અબ્રહામ લિંકનની મુલાકાત લીધેલી. પણ મુલાકાત પહેલાં પ્રમુખના સેક્રેટરીને બંનેએ કહેલું કે મુલાકાત દરમ્યાન અમે અમારી ટોપી નહિ ઉતારીએ કારણ એમ કરવું અમારે ત્યાં અપમાનજનક ગણાય છે. અને આ વાત પશ્ચિમના રિવાજ કરતાં વિપરીત હોવા છતાં સેક્રેટરીએ અને પ્રમુખે સ્વીકારેલી! ૧૮૬૪માં પ્રગટ કરેલા પુસ્તક ‘અમેરિકાની મુસાફરી’માં આવી તો કેટલીયે રસપ્રદ વાતો વાંચવા મળે. અમેરિકાના પ્રવાસ વર્ણનનું એ પહેલું ગુજરાતી પુસ્તક.

૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધી ટોપી વગરના ગાંધીજી

દેશના વિવિધ ભાગોનાં શિલ્પ અને ચિત્ર જોતાં સમજાય છે કે સ્ત્રી-પુરુષ બંને માટે માથું ઢાંકવાની પ્રથા કંઈ નહિ તો સેંકડો વરસ જૂની. પણ વીસમી સદીમાં ધીમે ધીમે પાઘડીની જગ્યા સાદીસીધી સફેદ ગાંધી ટોપીએ લીધી. જો કે ગાંધીજીએ પોતે તો એ ટોપી થોડો વખત જ પહેરેલી. પછી તો ઉઘાડે માથે પોતડીભર જ રહેતા. ૧૯૩૧માં બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં અને મહારાણીની મુલાકાત વખતે પણ ગાંધીજી ઉઘાડે માથે જ રહ્યા હતા. આઝાદીની લડત દરમ્યાન મુંબઈમાં ઠેર ઠેર ગાંધી ટોપી પહેરેલાં સ્ત્રી-પુરુષો જોવા મળતાં. પણ આઝાદી પછી મુંબઈકરને માથેથી ટોપી ગઈ તે ગઈ. હા, હવે નેતાઓ પોતે ટોપી પહેરતા નથી, પણ લોકોને ઘણી બાબતમાં ટોપી પહેરાવે છે ખરા!

* * *

પાટી કહો કે સ્લેટ

આપણા સમર્થ સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણીના અફલાતુન નાટક ‘વડલો’માં વડ નીચે ભેગા થયેલા નિશાળિયા ગાય છે :

દોસ્તો દફતર પાટી મેલો,
વડલે જઈને કૂદો ખેલો.
ગોળ પાઘડી, માથે મેલી,
પતકાળાશું પેટ,
ખોટું પડતું સહેજ પલાખું,
છુટ્ટી મારે સ્લેટ.

આ નાટક છપાયું હતું ૧૯૩૧માં. આજે હવે મુંબઈમાં તો નથી જોવા મળતાં દફતર-પાટી, નથી રહ્યા ગોળ પાઘડી પહેરેલા, પલાખું ખોટું પડે તો સ્લેટ છુટ્ટી મારતા માસ્તર. આજના વિદ્યાર્થીઓને તો પલાખું એટલે શું એ ય ખબર ન હોય. એ તો Two tens are twenty ગોખે. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી શાળાઓએ અગાઉની ધૂડી નિશાળની કેટલીક વસ્તુઓ જાળવી રાખી હતી. તેમાંની એક તે પાટી અથવા સ્લેટ. એક જમાનામાં બાળકો આ સ્લેટ પર જ લખતાં-વાંચતા શીખતાં. ખાસ જાતના પોચા પથ્થરના લંબચોરસને ચારે બાજુ લાકડાની ફ્રેમમાં મઢ્યો હોય. લખવા માટે સફેદ પથ્થરિયા પેન. ડાબલીમાં ભીની કરેલી વાદળી કહેતાં સ્પોંજનો ટુકડો. સ્લેટ પર ફેરવી દો એટલે લખેલું બધું ભૂંસાઈ જાય. સ્લેટ બે-ત્રણ વરસ તો નિરાંતે ચાલે. ઢગલાબંધ નોટ બુકની જરૂર જ નહિ! બધી રીતે પૈસાનો બચાવ, અધમણિયા સ્કૂલ બેગનો ભાર નહિ.

પણ પછી આવી નોટબુક. એ પણ જાતજાતની. સિંગલ લાઈન, ડબલ લાઈન, અંગ્રેજી લખવા માટે ફોર લાઈન, ગણિત માટે સ્ક્વેર બુક. કાચા પૂંઠાની અને પાકા પૂંઠાની. ૪૦થી ૪૦૦ સુધીનાં પાનાંની. સ્કૂલનું નવું વરસ શરૂ થતાં પહેલાં બધી નોટબુકને બ્રાઉન પેપરનાં પૂઠાં ચડાવવાનો સમારંભ ઘરમાં હોંશથી ઉજવાય. ઉપલા ખૂણામાં નામ, ધોરણ, વગેરે લખેલું લેબલ. શરૂઆતનાં ધોરણોમાં પેન્સિલથી લખવાનું ફરજિયાત. ઉપલા ધોરણમાં આવ્યા પછી ફાઉન્ટન પેન. બોલ પોઈન્ટ પેન આવી તે પછી ઘણાં વરસ સુધી સ્કૂલોમાં તે વાપરવા પર પ્રતિબંધ. કેમ? તેનાથી વિદ્યાર્થીઓના અક્ષર બગડી જાય! શરૂઆતમાં બેંકો પણ બોલપેનથી લખેલા ચેક સ્વીકારતી નહોતી! હવે એ જ બેંકો કહે છે કે સલામતી ખાતર ચેક તો બોલ પેનથી જ લખો.

* * *

વસ્તુઓ કે વ્યવસાયો બદલાયા તેની પાછળનું એક મુખ્ય કારણ છે બદલાયેલી જીવનશૈલી, અને નવાં જીવનમૂલ્યો. એક જમાનામાં કરકસરને ત્રીજો ભાઈ કહેતાં. કોઈ વસ્તુ સહેલાઈથી ‘ડિસ્કાર્ડ’ કરાતી નહિ. પાંચ-દસ વરસ પહેલાં ખરીદેલી બનારસી કે કાંજીવરમ્‌ સાડી ક્યાંક ભરાણી, અને થોડીક ફાટી? ચાલો રફૂગર પાસે. મોટા ભાગના મુસ્લિમ બિરાદરો. જે રંગનું કાપડ હોય તે જ રંગના દોરાથી એવું ઝીણવટથી ફાટેલા ભાગ પર કામ કરે કે ધારી ધારીને જુઓ તો જ ખ્યાલ આવે કે સાડી સાંધેલી છે. હવે તો એકની એક સાડી તે કાંઈ પાંચ પાંચ વરસ પહેરાય? એટલે પોતાની દુકાનને બદલે વોશિંગ લોન્ડ્રીની દુકાનના ઓટલા પર બેસતા થયા રફૂગર. અને પછી મધ્યમ વર્ગનાં ઘરોમાં પણ આવ્યાં વોશિંગ મશીન. લોન્ડ્રી ઓછી થતી ગઈ. હવે તો ઓટલા જ રહ્યા ન હોય ત્યાં ક્યાં બેસે રફૂગર? અને બેસે તો ય કોણ આવે ફાટેલું કપડું રફૂ કરાવવા?

* * *

રફૂગર ગયા તેમ ગયા ફેમિલી ડોક્ટર પણ. રફૂગર અને એ વખતના ડોક્ટર બંને એક બાબતમાં સરખા : કુશળતાથી પોતાનું કામ કરે અને ખોટો ખરચ ન કરાવે. ફાટેલું કાપે નહિ, સાંધીને સમું કરી આપે. હા, આજે મુંબઈના કોઈ પણ રસ્તા પર લાઈટના થાંભલા કરતાં ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમની સંખ્યા વધુ હોય છે. એમાંના મોટા ભાગના કોઈને કોઈ શાખાના સ્પેશિયાલિસ્ટ. આપણા સમર્થ હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે કહેતા કે એક વખત એવો આવશે જ્યારે ડાબી આંખ અને જમણી આંખના ડોક્ટર જુદા હશે.

આ લખનારના ઘરે વર્ષો સુધી રોજ સવારે દસેક વાગ્યે ફેમિલી ડોક્ટર શાહ આવતા. એ વખતે અમારું આઠ-દસ જણનું સંયુક્ત કુટુંબ. મહિનામાં બત્રીસ દિવસ કોઈ ને કોઈ મહેમાન હોય જ. જેને જેને નાની-મોટી તકલીફ હોય તે ડોક્ટર પાસે બેસે. પહેલાં સ્ટેથસકોપથી છાતી-વાંસો તપાસે. આંખ-નાક-જીભ તપાસે. ત્રણ-ચાર જગ્યાએ પેટ દબાવતા જાય અને પૂછતા જાય, ‘અહીં દુખે છે?’ બહુ જરૂર હોય તો જ ઇન્જક્ષન આપે. બને ત્યાં સુધી દવા દુકાનમાંથી લાવવી ન પડે. ડોક્ટર જ બાટલીમાં દવા આપે. અમારો નોકર તેમની સાથે મોટરમાં બેસી જાય અને ભૂલેશ્વર પરના દવાખાનામાંથી દવાની આછા ભૂરા—લીલા રંગની બાટલીમાં બ્રાઉનિશ લાલ રંગનું ‘મિક્ષચર’ લઈ આવે. સાથે છાપાંના કાગળના નાના નાના  ટુકડામાં પેક કરેલી ભૂકી કે પાઉડર હોય. અને એ વખતે ડોક્ટરની વિઝીટિંગ ફી કેટલી હતી? પાંચ રૂપિયા. અને એક દિવસની દવાના બાર આના.

ડો. ભાસ્કર યોધ

એક જમાનામાં ડો. ભાસ્કર યોધ (૧૮૯૮-૧૯૭૧) મુંબઈના અત્યંત પ્રતિષ્ઠિત ફિઝીશિયન. એ જમાનામાં ઇંગ્લન્ડ જઈ FRCPની ઉપાધિ મેળવેલી. જે.જે. હોસ્પિટલ અને ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં માનદ્દ અધ્યાપક. બ્રિટનની રોયલ કોલેજ ઓફ ફિઝીશિયનના ફેલો. તરવાના અને સંગીતના ભારે શોખીન. ગુજરાતી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન કેશવ હર્ષદ ધ્રુવનાં પુત્રી સરોજબહેન સાથે તેમણે લગ્ન કર્યાં હતાં. આટલા પ્રતિષ્ઠિત ડોક્ટરની ઘરે આવવાની ફી પચાસ રૂપિયા! ક્યારેક ડોક્ટર એક્સ-રે પડાવવા કહે તો ય ઘરમાં ખળભળાટ મચી જાય. હોસ્પિટલમાં જવું એટલે લગભગ મસાણે જવું. ઓક્સિજન આપે એટલે તો સગાંવહાલાં, અડોશીપડોશી ગૂસપૂસ કરવા લાગે : ‘હવે તો નળી મૂકી દીધી છે. ઘડીઓ ગણાય છે.’

અને હવે આજના લેખની પણ ઘડીઓ ગણાઈ ચૂકી છે.

* * *

બે પ્રતિભાવ :

ડાયસ્પોરા લેખિકા પન્ના નાયક અને પ્રીતિ સેનગુપ્તા

ગયે અઠવાડિયે પ્રગટ થયેલા લેખ અંગે બે પ્રતિભાવ: અમેરિકાથી (મૂળ અંધેરી, મુંબઈ) આપણાં અગ્રણી ડાયસ્પોરા સર્જક પન્ના નાયક લખે છે : ‘ખૂબ સુંદર લેખ. તમારા એકેએક વર્ણન સાથે હું મારી સ્મૃતિને આધારે જોડાઈ ગઈ. સ્મૃતિઓને ફરી સંકોરવાનું ખૂબ ગમ્યું. મારા એક કાવ્યમાં અંધેરીની વિક્ટોરિયા અને એના ચાલક ફકીરનો સંદર્ભ આવે છે. મારાં માતાનો એ માનીતો ગાડીવાળો હતો. પ્યાસા (કે સાહિબ, બીબી, ગુલામ?) ફિલ્મમાં ફકીર અને એની વિક્ટોરિયા જોવા મળે છે. આનંદ અને આભાર.’ તો અમેરિકાથી જ આપણાં બીજાં અગ્રણી લેખિકા પ્રીતિ સેનગુપ્તા લખે છે : ‘સ્મૃતિઓને સંકોરીને તમે ભૂતકાળને આબેહૂબ ખડો કરી દો છો.’ બંને સન્નારીઓનો આભાર.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 ફેબ્રુઆરી 2022 

Loading

એક સુબોધ નિવેદન

યોગેશ ભટ્ટ|Poetry|26 February 2022

ભલો છું
બૂરો છું
મન બુદ્ધિ દિમાગી આકારે, પ્રકારે, પ્રકાશે, અંધારે!
પણ
ગગનલહેરી દિલની ભોંયભીતર સચ્ચાઇની
વધુમાં વધુ કરીબ રહેવાનો જન્મજાત નિર્ધાર છે –
– પાળું પણ છું જ.
– જૂઠ,
– વચનભંગ,
– દંભ,
– બેઈમાની,
– મક્કારીઓ …..
તેજમતેજ ગતિએ દોડતી રહેતી
વારસાઇ લોહીની ટ્રેન સાથે અથડાઈ, ઘસાઈ ને
વિરોધી દિશાઓના પવનોની જેમ સૂસવાટાભેર
ફેંકાઈ જઇ
દૂર … સુદૂર …
ક્ષિતિજોએ ડૂબી ઓઝલ થઇ જતાં રહે છે! …
ભલો છું – આ વાતે;
બૂરો છું  – આ ચૂક્યે!

Loading

સરકારી સ્કૂલોમાં ભણવા હવે બાળકો જન્મતાં જ નથી કે શું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 February 2022

ગુજરાતમાં હવે બાળકોએ જન્મવાનું બંધ કરી દીધું લાગે છે અથવા તો તે હવે સીધાં હાઇસ્કૂલમાં જવાની ઉંમરે જ જન્મે તો નવાઈ નહીં ! થોડાં વર્ષો પછી સીધા કોલેજિયન્સ જ જન્મે તો હાઇ સ્કૂલ સુધીનું શિક્ષણ આપવાનું મટે ને વાલી તથા સરકારને પણ શિક્ષણના ખર્ચા બચે એમ બને. વાલી તો બિચારો ઉધાર-ઉછીનું કરીને પણ બાળકોને શિક્ષણ આપવા મથે કદાચ, પણ બાળકોને ભણાવવાનું હવે સરકારને પરવડતું નથી. આમ સરકાર ભલે ખોટમાં ચાલતી હોય કે લોકોને ખોટમાં નાખતી હોય, તો પણ તેને પ્રાથમિક શિક્ષણ મોંઘું પડતું હોય એમ લાગે છે. તેને જેમ બધું વેચવા કે બંધ કરવાની ટેવ પડી છે તેમ પ્રાથમિક સ્કૂલોને પણ તે દાવ પર લગાવે એમ બને. આજે જ વડોદરા – દહીસરનો હાઇવે વેચીને 20 હજાર કરોડ સરકાર ઊભા કરવા માંગે છે એવા સમાચાર છે. એમ જ એલ.આઇ.સી.નો પણ અમુક ભાગ સરકાર વેચવાની છે એવી વાત છે. આ બધાંમાં લોકો તો તમાશો જુએ કે વીડિયો ઉતારે એમ બને. લોકો આથી વધુ કૈં કરી શકે એમ જ નથી. આઝાદી પછી સૌથી વધુ નિર્માલ્ય અને મતલબી પ્રજા કદાચ આ સમયમાં મળી છે. એ ખૂન થાય તો ય જુએ છે ને ધૂન વાગે તો ય જુએ છે.

લોકડાઉન ને કરફ્યુના લાંબા બે વર્ષ વીત્યાં એ દરમિયાન શિક્ષણ વિભાગે શિક્ષણનો ઘડો લાડવો કરી નાખ્યો છે. જે અગાઉ ન હતું તે ઓનલાઈન શિક્ષણ પેધું પડ્યું અને તેની (કુ)ટેવ પડવાને લીધે કેટલાંક વિદ્યાર્થીઓ ‘ઘેર’હાજર રહીને ગેરહાજર જેવું જ ભણ્યા. પરીક્ષાઓ આપી, પણ પુસ્તકમાંથી ઉતારો કરીને. વાંચીને પરીક્ષા આપવાને બદલે પરીક્ષા વખતે જ વાંચીને ઉતારવું એવું જ્ઞાન તેમને હાથ લાગ્યું. એમાં  વાલીઓ અને મિત્રોએ સહાય કરી એટલે અંતે તો પરીક્ષા સમૂહલેખનનો જ ઉપક્રમ બની રહી. હવે ઓફલાઇન શિક્ષણ ફરજિયાત થયું છે ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી ખેંચાવાનું ભારે પડે છે. શિક્ષકની પ્રત્યક્ષ નજરનો સામનો કરવાની ટેવ છૂટી ગઈ હતી, તે ટેવ ફરી પાડવાની અઘરી લાગે છે ને પ્રત્યક્ષ શિક્ષણ હજી માંડ શરૂ થયું છે ત્યાં તો બોર્ડની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. શિક્ષણ વિભાગને પરીક્ષાની છે એટલી ચિંતા લર્નિંગ લોસની નથી. એને તો પરીક્ષા થાય એટલે ગંગા નાહ્યા ! શિક્ષણ વિભાગ શિક્ષણ વગર પરીક્ષાઓ કેવી રીતે લેવી એમાં પાવરધો છે. મુખ્ય હેતુ તો વિદ્યાર્થીને ઉપર ચડાવવાનો છે ને તે કૃપા ગુણથી ચડી ય જાય છે. આમાં અંતરિયાળ વિસ્તારનું શિક્ષણ સરકારની જેમ જ રામ ભરોસે ચાલે છે. જો કે, હવે મોબાઈલ કે નેટની તકલીફ કદાચ ગામડાંના વિદ્યાર્થીઓને વેઠવાની નહીં આવે, પણ તેણે દૂરની સ્કૂલે ભણવા જવું પડે એમ બને. કારણ શિક્ષણ વિભાગે સ્કૂલોનાં વિલીનીકરણનો રાજ્ય વ્યાપી ઉપક્રમ શરૂ કર્યો છે.

આમ માતૃભાષા દિવસને નામે બધું ગુજરાતી કરવાનું નાટક દર વર્ષની જેમ આ વખતે પણ થયું, પણ ગુજરાતીની હાલત બદથી બદતર થતી જાય છે તે તરફ સરકારનું ધ્યાન જ નથી. તેનું કારણ છે કે ઉજવણું એક જ દિવસ ચાલે છે ને બાકીના દિવસોએ તો ઉઠમણું જ હોય છે. જો ધ્યાન અપાયું હોત તો છેલ્લાં પાંચ વર્ષમાં ધોરણ 10-12માં 7.80 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નાપાસ ન થયા હોત ! ગુજરાતી માધ્યમની જ વાત કરીએ તો એનાં પરિણામમાં 12.44 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતી માધ્યમની 50 સ્કૂલો માત્ર અમદાવાદમાં બંધ થઈ છે. આ બધાં પરથી પણ ગુજરાતીની હાલત સમજી શકાય એમ છે. ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો 1,500 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છે. આમાંની મોટા ભાગની સ્કૂલો સરકારની ગ્રાન્ટ અને ટોકન ફી લઈને ચાલતી હતી. એક અંદાજ પ્રમાણે દર વર્ષે રાજ્યમાં 100 જેટલી સ્કૂલો બંધ થઈ રહી છે તે કદાચ ‘વિકાસ’નું જ પરિણામ છે.

હવે જરા પ્રાથમિક શિક્ષણની દશા જોઈએ. એમાં 14 હજાર શિક્ષકોની જગ્યા જ ભરાઈ નથી. 1થી 5માં 5,868 અને 6થી 8માં 8,173 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એમાં પણ 1,862 જગ્યાઓ તો માત્ર 6થી 8 ધોરણના ભાષાના શિક્ષકોની છે. જે શિક્ષણનો પાયો ગણાય તે પ્રાથમિક શિક્ષણની દશા દયનીય છે. સરકાર બેન્કોની જેમ પ્રાથમિક શાળાઓમાં મર્જર લાવી ચૂકી છે. અત્યાર સુધીમાં ધોરણ 6થી 8ના 1,659 વર્ગો નજીકની સ્કૂલમાં મર્જ કરાયા છે, વાત વર્ગોના મર્જર પૂરતી જ સીમિત નથી, આખીને આખી 472 પ્રાથમિક સ્કૂલો નજીકની સ્કૂલોમાં મર્જ કરી દેવાઈ છે. આ કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. સ્કૂલો બંધ કરવાનું કે મર્જ કરવાનું પ્રાથમિક સ્કૂલોમાં જ છે. એ ખાનગી સ્કૂલોમાં નથી. ખાનગી સ્કૂલો તો ખૂલતી જ જાય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 1,157 ખાનગી પ્રાથમિક સ્કૂલોને માન્યતા મળી છે. એનો અર્થ એ થાય કે પ્રાથમિક સ્કૂલોને ભોગે ખાનગી સ્કૂલો ચાલે છે. દાખલો તો એવો પણ ગણાય છે કે જે યુનિટ ખોટમાં ચાલે છે તેને સરકાર બંધ કરે છે અથવા તો મર્જ કરે છે. એ થિયરી જો સરકાર પ્રાથમિક શિક્ષણમાં લાગુ કરતી હોય તો તે ભીંત ભૂલે છે. જો સરકારની દાનત આવી જ હોય તો જતે દિવસે એક પણ પ્રાથમિક સ્કૂલ નહીં રહે એમ બને. એક બાજુ સરકાર એમ કહે છે કે ધંધો કરવાનું તેનું કામ નહીં, બીજી બાજુએ તે કરે તો ધંધો જ છે. ગંધ તો એવી આવે છે કે સરકાર જ શિક્ષણ માટે ખર્ચ કરવા નથી ઇચ્છતી. તેણે પ્રાથમિક શિક્ષણમાં કમાવાનું નથી તો તે સ્વાભાવિક રીતે જ ઈચ્છે કે પ્રાથમિક શિક્ષણની કોઈક રીતે લપ જાય.

સરકાર બહુ યુક્તિપૂર્વક કહે છે કે પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ થતા નથી એટલે 30થી ઓછી સંખ્યા હોય ત્યાં તે બંધ કરવામાં આવે છે અથવા તો તેને નજીકની સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવે છે. 5,610 પ્રાથમિક સ્કૂલોમાં 100થી ઓછાં બાળકો છે. સરકારે જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરીને પુછાવ્યું છે કે આ સ્કૂલોની આસપાસ એક કિલોમીટર વિસ્તારમાં બીજી સ્કૂલ હોય તો તેમાં જે તે શાળા મર્જ થઈ શકે એમ છે કે કેમ? સરકારે શિક્ષણાધિકારીઓને એમ પણ પૂછ્યું છે કે જો શાળાઓ મર્જ થઈ શકે એમ નથી તો તેનાં કારણો કયાં છે? એ બધું સરકારી રાહે ચાલશે અને નજીકના ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે હજારો સ્કૂલો બંધ થાય એમ બને. મોટી કંપનીઓ પણ કોઈ યુનિટ નબળું ચાલે કે નફો ન કરે તો તેને સુધારવાની કોશિશ કરે છે, પણ તેને બીજી કંપનીને માથે નથી મારતી, જેમ બેન્કોની બાબતમાં થયું છે, નબળી બેંકને બીજી બેન્કોને માથે મારી જ છે કે બંધ કરી છે. આ જ ધંધો સરકાર પ્રાથમિક શિક્ષણમાં કરી રહી છે. આ બરાબર નથી. જો સરકાર ઇચ્છતી હોય કે ગામડાંનું બાળક પણ ભણે, તો તેણે સ્કૂલોને બંધ કરવાનું કે મર્જ કરવાનું પડતું મૂકવું જોઈએ. ગામડાંમાં એક જ સ્કૂલ હોય ને તે બીજામાં મર્જ થાય તો જે તે ગામડાંમાંથી તો સ્કૂલ જશે જ, પણ બાળક દૂર જવા તૈયાર નહીં થાય તો તે ભણતું પણ અટકશે. આ ખોટ ખાવા જેવી ખરી કે ખોટ જતી હોય તો પણ જે તે વિસ્તારમાં સ્કૂલો ચાલુ રાખવી તે સરકારે વિચારવાનું રહે. સરકારની દાનત સાફ નથી લાગતી. જો સ્કૂલો મર્જ થાય તો શિક્ષકો પણ મર્જ થાય. એટલે જે શિક્ષકોની ઘટ પડે છે તે સંખ્યા ઘટે. તેમનો પગાર બચે ને જગ્યા નથી ભરાતી-નો જે હોબાળો થાય છે તે પણ અટકે. બને કે આવી કોઈ ગણતરી સ્કૂલો બંધ કરવા પાછળ રહી હોય, પણ એમ થશે તો શિક્ષિતોની બેકારી વધશે એ ધ્યાને લેવાનું રહે.

વિદ્યાર્થીઓ નથી મળતા એ બહાનું છે. કોલેજોમાં, ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું, ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં પણ મોટી ફી ભરીને વિદ્યાર્થીઓ ભણે જ છે, ત્યાં વિદ્યાર્થીઓની તંગી નથી, તો સરકારી સ્કૂલોમાં મફત ભણવાનું છે ત્યાં વિદ્યાર્થીઓની તંગી કેવી રીતે હોય? સરકારી સ્કૂલો માટે બાળકોએ જન્મવાનું છોડી દીધું છે કે શું? આખા રાજ્યની વસ્તી વધે છે ને બધે જ એડમિશનના પ્રશ્નો છે તો સરકારી સ્કૂલોને જ વિદ્યાર્થીઓ ન મળે એ વાત સમજાતી નથી. સરકારી સ્કૂલોને અસરકારક શિક્ષણ માટે સજ્જ કરવામાં આવે તો રાજ્યમાં એટલા ગરીબો તો છે જ જે પ્રાથમિક સ્કૂલોમાં પોતાનાં સંતાનોને ભણાવવા તત્પર હોય. કોરોના કાળમાં એવું બન્યું છે કે સ્કૂલો બંધ હતી, છતાં ખાનગી સ્કૂલોએ ફીની ઉઘરાણી ચાલુ રાખી ને જેમની આવક જ ન હતી એવા વાલીઓએ તેમનાં સંતાનોને એ સ્કૂલમાંથી ઉઠાડી લઈ સરકારી સ્કૂલોમાં દાખલ કરાવ્યાં. એટલે બધાં જ ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોટી ફી ભરીને ભણાવવા માંગે છે એવું નથી. સરકારે એટલું સમજી લેવાનું રહે કે કોઈ પણ કાળમાં પ્રાથમિક સ્કૂલો ચાલુ રહે એટલા ગરીબો તો રાજ્યમાં રહેવાના જ છે. એટલે વિદ્યાર્થીઓ નથી મળતા એ વાત હમણાં જ નહીં, કોઈ પણ કાળમાં સાચી નથી લાગવાની તે સરકારે સમજી જવાનું રહે. મૂળભૂત સવાલ જ દાનતનો છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,4871,4881,4891,490...1,5001,5101,520...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved