Opinion Magazine
Number of visits: 9745069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૌથી શાંત દેશ જાપાનમાં આવી હિંસા કેમ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2022

વિશ્વના સૌથી સલામત દેશોમાં જાપાનનો નંબર એકથી દસમાં આવે છે. ગ્લોબલ પીસ ઇન્ડેકસમાં જાપાન છેલ્લા 13 વર્ષથી ટોપ ટેનમાં રહ્યું છે. દેશમાં અપરાધનો દર, આંતરિક સામાજિક ઘર્ષણ અને રાજકીય આતંક લગાતાર નિમ્ન સ્તરે રહ્યો છે. અમુક ઇલાકાઓ છે, જ્યાં માથાકૂટ ચાલતી રહે છે, પણ તે પાડોશી રાષ્ટ્રોને લઈને છે. જાપાનમાં ઈમિગ્રેશન સૌથી ઓછું છે અને હથિયારો આસાનીથી મળતાં નથી. સ્વ-સુરક્ષા માટે હથિયાર રાખવાનો જાપાનમાં અધિકાર નથી. 1958નો જાપાનનો કાયદો કહે છે કે, “કોઈ વ્યક્તિ હથિયાર કે તલવાર રાખી નહીં શકે.”

2019માં, અમેરિકામાં પ્રતિ 1,00,000 લોકો વચ્ચે, કોકને ગોળીએ દેવાની ચાર ઘટનાઓ બની હતી, ત્યારે એ જ વર્ષે જાપાનમાં એક પણ ઘટના બની નહોતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને શિકાગો યુનિવર્સિટીના અહેવાલ અનુસાર, જાપાનમાં 175 પરિવારો વચ્ચે એક પરિવાર પાસે બંધૂક હોય છે. તેની સરખામણીમાં, અમેરિકામાં દર ત્રણ પરિવારમાંથી એક પાસે બંધૂક હોય છે.

2020માં, હથિયાર ચલાવવા બદલ 21 લોકોની ધરપકડ થઇ હતી, જેમાંથી 12 ઘટનાઓ ગુંડા-ટોળી સંબંધી હતી. 13 કરોડ લોકોના આ દેશમાં, દર વર્ષે બંધૂકથી મરી જનારા લોકોની સંખ્યા ભાગ્યે જ દસથી ઉપર જાય છે. 2014માં, કુલ 6 માણસો હિંસક મોતે મર્યા હતા. 2006માં, માત્ર 2 જ લોકોને ગોળીએ વીંધવામાં આવ્યાં હતા.

2016માં, 19 લોકોનો જેમાં જીવ ગયો હતો તે જાપાનના ઇતિહાસની સૌથી મોટી સામૂહિક હત્યા હતી, અને તેમાં બંધૂક નહીં, પણ ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 30 વર્ષ પહેલાં, ઓમ શિન્રિકો નામના કટ્ટર સંપ્રદાયના અનુયાયીઓ ટોકિયો મેટ્રોમાં સરિન નામનો ઝેરી ગેસ છોડીને 13 લોકોને મારી નાખ્યા હતા, તે ઘટનાને હજુ પણ જાપાનીઓ ભૂલ્યા નથી. ત્યારથી, જાપાનમાં અપરાધનો દર સતત ઘટતો રહ્યો છે.

જાપાનમાં રાજકીય હત્યાઓ તો એથી ય દુર્લભ છે. છેલ્લા 100 વર્ષમાં, કુલ 11 જાપાની નેતાઓની હત્યા થઇ છે. તેની સરખામણીમાં, ભારતમાં ખાલી છેલ્લા 50 વર્ષમાં 37 રાજકીય હત્યાઓ થઇ છે. જાપાનમાં છેલ્લી હાઈ-પ્રોફાઈલ રાજકીય હત્યા 90 વર્ષ પહેલાં થઇ હતી. 15 મે 1932ના રોજ, નૌ સેનાના સશસ્ત્ર ઓફિસરોનું એક જૂથ પ્રધાન મંત્રી સુયોશિ ઈનુકાઈના ઘરમાં ઘુસી ગયું હતું અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે ઈનુકાઈના અંતિમ શબ્દો હતા, “મને બોલવા દેશો તો તમે સમજી શકશો.” હત્યારાઓએ કહ્યું હતું, “સંવાદ બેમતલબ છે.” સેનાની વધતી સત્તા અને અમુક રાજકીય નિર્ણયોને લઈને મતભેદ થતાં તેમની હત્યા થઇ હતી.

એકંદરે, જાપાન બહુ શાંતિપૂર્ણ દેશ છે. તેનાં અમુક કારણો છે. એક સમાજ તરીકે જાપાન સહનશીલ અને અહિંસક છે. ત્યાંના લોકો ક્રોધ અને આક્રમકતાને શરમજનક ભાવ ગણે છે અને વ્યક્તિના અંગત સન્માનને સૌથી ઉચ્ચ ગુણ ગણે છે. ખાસ કરીને, બીજા વિશ્વયુદ્ધ અને હિરોશીમા-નાગાસાકી પર પરમાણું બોમ્બના વિસ્ફોટ પછી જાપાને દેશમાં જ નહીં, પરંતુ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનો માર્ગ અખત્યાર કર્યો છે.

જાપાનના બંધારણમાં શાંતિવાદના વિચારને સામેલ કરવામાં આવ્યો છે. યુદ્ધ પછી અમેરિકન નિયંત્રણના અનુભવ પછી જાપાને બંધારણમાં સુધારો કરીને લખ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકલેવા માટે યુદ્ધ કરવામાં નહીં આવે. શિન્ઝો આબે એમાં સુધારો કરવા માંગતા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન તેમને એમાં સફળતા મળી નહોતી. 

તેના ઇતિહાસમાં, જાપાન અનેક સંકટોમાંથી પસાર થયું છે. ગૃહ યુદ્ધો, દુષ્કાળ, ધરતીકંપો, વાવાઝોડાં, મહામારીઓ જેવી દુર્ઘટનાઓ જાપાનીઝ લોકો માટે આશ્ચર્યજનક નથી. તેમાંથી જ તેઓ મુશ્કેલીના સમયમાં શાંત રહેવાનું શીખ્યા છે. લોકો પરંપરાગત અર્થમાં ધાર્મિક નથી, છતાં બૌદ્ધ અને શિન્તો ધર્મના સિદ્ધાંતોનો તેમના આચાર-વિચાર પર ગહેરો પ્રભાવ છે.

જાપાનના આ ઇતિહાસને જોતાં, કોઇ પણ માણસને એમાં આશ્ચર્ય ન થાય કે, તેના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શિન્ઝો આબે, નારા નામના શહેરના ચાર રસ્તા પર ઊભા રહીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ભૂતપૂર્વ પ્રધાન મંત્રી છોડો, તમે ભારતના કોઈ ભૂતપૂર્વ મંત્રીને સડકના કિનારે ઊભા રહીને ભાષણ કરતા જોયા છે? ભારતમાં આવા નેતાઓ હંમેશાં મંચ પર હોય છે અને શ્રોતાઓથી ઘણા દૂર હોય છે. જાપાનમાં એકંદરે શાંતિ અને સલામતીનો માહોલ છે એટલે એક ભૂતપૂર્વ પ્રધાન મંત્રી, રોડ પર ચાર બેરીકેટ વચ્ચે ઊભા રહીને, કુતૂહલવશ ત્યાં ઊભા રહેલા રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને સંબોધતા હોય તેવું દૃશ્ય સામાન્ય ગણાય છે, અને એટલે જ એક બંધૂકધારીએ તેમની પર બે ગોળીઓ છોડી, એ ઘટના એક શાંતિપ્રિય દેશ (અને બાકી વિશ્વ) માટે આઘાતજનક હતી.

જાપાનની સંસદના ઉપલા ગૃહની ચૂંટણી માટે આબે નારા શહેરના પ્રવાસે હતા, અને 8મી જુલાઈના રોજ સવારે 11 વાગે, શહેરના રેલવે સ્ટેશન બહાર એક ચોક જેવા વિસ્તારમાં તેઓ હાથમાં માઈક પકડીને ભાષણ આપતાં હતા, ત્યારે તેમની પાછળ થોડે દૂર ઊભેલા 41 વર્ષના તેત્સુયા યમાગમી નામના એક માણસે તેમની પર વારાફરતી બે ગોળીઓ છોડી હતી. પહેલી ગોળી નિશાન ચૂકી ગઈ હતી, પણ બીજી ગોળી આબેની ડાબી છાતી પર વાગી હતી.

હત્યારાએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તેણે આબેને ધાર્મિક નેતા સમજીને ગોળી મારી હતી. તેની માતા એ ધાર્મિક પંથમાં દાન આપી-આપીને કંગાળ થઇ ગઈ હતી. તેણે એવું પણ કહ્યું હતું કે આ પંથને જાપાનમાં પ્રોત્સાહન આપવાનું કામ શિન્ઝો આબેએ કર્યું હતું, તેનો તેને ગુસ્સો હતો. આ તેત્સુયા યમાગમી બેરોજગાર હતો. 2020માં તે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરતો હતો. તે પહેલાં તે ત્રણ વર્ષ માટે જાપાનની કોસ્ટ ગાર્ડમાં કામ કરી ચૂક્યો હતો. તેણે આ હત્યા માટે જાતે બનાવેલી ગનનો ઉપયોગ કર્યો હતો.

બંધૂકથી કોઈની હત્યા કરવાની ઘટનાઓ જાપાનમાં બનતી નથી. બહુ બહુ તો ચાકુ વપરાય છે. મોટા ભાગના જાપાનીઓએ તેમના જીવનમાં બંધૂક જોઈ પણ નથી હોતી. પોલીસ પણ જવલ્લે જ રિવોલ્વર ચલાવે છે. સૌથી વધુ વસ્તીવાળા ટોકિયો શહેરમાં ગોળી છૂટવાની ઘટના ભાગ્યે જ બની છે.

ટોકિયોની નિહોન યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટ કોલેજના પ્રોફેસર શિરો ક્વામોટોએ આબેની હત્યા પછી ‘ધ જાપાન ટાઈમ્સ’ સમાચારપત્રને કહ્યું હતું કે, “જાપાની લોકો આઘાતમાં છે. લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે કે જાપાનમાં પણ બંધૂકથી હિંસા થઇ શકે છે. જાપાની રાજકારણીઓની સુરક્ષાની પણ સમીક્ષા કરવાની જરૂર છે. આવો હુમલો ફરી નહીં થાય તેવું માનવું ભૂલ ભરેલું છે.”

ટોકિયોની જ રિસ્શો યુનિવર્સિટીમાં ક્રિમીનોલોજીના પ્રોફેસર નોબુઓ કોમિયાએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ સમાચારપત્રને કહ્યું હતું કે, “જાપાની લોકો લડવા-ઝઘડવામાં માનતા નથી. યુદ્ધની અને બોમ્બની તબાહી જોઈને લોકો હિંસાને સમસ્યાનું સમાધાન માનતા નથી.”

હત્યાનું અસલી કારણ શું હતું તે તો આવનારા સમયમાં બહાર આવશે, પરંતુ બાકી દુનિયાને એ જાણીને આઘાત લાગ્યો છે કે સૌથી ઓછા ક્રાઈમ દર અને બંધૂકોને લઈને કડક નિયમોવાળા જાપાનમાં, એક પૂર્વ પ્રધાન મંત્રીને આવી રીતે ધોળે દિવસે, સૌના દેખતાં મારી નાખવામાં આવે તે બતાવે છે કે આપણે કેવાં નાજુક સમયમાં જીવી રહ્યા છીએ.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 જુલાઈ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘કુસુમાખ્યાન’ : પત્ની પ્રત્યે આભાર તેમ જ અપરાધભાવની વિરલ, વિસ્તૃત અભિવ્યક્તિ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|18 July 2022

કુસુમાખ્યાન, પ્રકાશક : ‘રંગદ્વાર’, જી-15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ, ફોન : 079-27913344, કિંમત રૂ.100/-

'કુસુમાખ્યાન' નામનાં નાનાં પુસ્તકમાં જાણીતા હાસ્યલેખક, અધ્યાપક અને વિવેચક મધુસૂદન પારેખે તેમનાં દિવંગત પત્ની કુસુમબહેનનું ટૂંકું ચરિત્ર આલેખ્યું છે. તેમાં તેમનાં ‘પાંસઠ વર્ષના પ્રસન્ન દામ્પત્યની યાત્રા’ પણ આવી જાય છે.

મધુસૂદનભાઈએ ગુરુવાર 14 જુલાઈએ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો.

તેમનાં જીવનસંગિનીનું સાત વર્ષ પહેલાં એટલે કે ફેબ્રુઆરી 2015માં અવસાન થયું. મધુસૂદનભાઈએ 2017માં પોતાની ચોરાણું વર્ષની ઉંમરે, પુરુષોએ ખાસ વાંચવા જેવું ‘કુસુમાખ્યાન’ લખ્યું. તેમણે નોંધ્યું છે : 'મેં સદ્દગત કુસુમનું ચરિત્ર આરંભે ભીની આંખે લખવા માંડ્યું; પણ પછી હું જાણે એમાં એ જીવન ફરી જીવતો હોવાનો મને અનુભવ થયો.’

'કુસુમાખ્યાન' ગુજરાતી સાહિત્યમાં અને સમાજમાં વિરલ પુસ્તક છે. તેમાં મધુસૂદનભાઈ પત્ની  કુસુમબહેન તરફ  આભાર અને અપરાધનો ભાવ વારંવાર  વ્યક્ત કરે  છે. આવું આપણે ત્યાં જાહેરમાં તો જવા દો, અંગત રીતે પણ જોવા મળતું નથી, અને આ બાબત સામાન્ય લોકો અને જાણીતી વ્યક્તિઓ બંનેને લાગુ પડે છે.

એટલે 'કુસુમાખ્યાન'ને એક ભારતીય પુરુષે કોઈ પણ દંભ વિના, અનૌપચારિક અને અનલંકૃત રીતે, સાચકલાઈના સતત રણકા સાથે વારંવાર, વિગતવાર પોતાની પત્ની પ્રત્યે વ્યક્ત કરેલા આભાર અને અપરાધાભાવની મનભર અભિવ્યક્તિ તરીકે વાંચવું જોઈએ.

અનેક સન્માન – પુરસ્કાર મેળવી ચૂકેલાં મધુસૂદન પારેખ લખે છે :  'હું કુસુમને જ બધો યશ સાચી રીતે આપું. એની છાયામાં જ હું ધીમે ધીમે વિકસ્યો, સમાજમાં પ્રતિષ્ઠા પામ્યો. સમાજનો વિશાળ વર્ગ મને  ‘હું, શાણી અને શકરાભાઈ'ના લેખક તરીકે નવાજતો થયો. અરે, કુસુમને પણ  કેટલાકે 'શાણી' નામથી નવાજી !’

આ કટાર પરથી થયેલાં પુસ્તક માટેનો શ્રેય પણ કુસમબહેનને જ જાય છે. કેમ કે, પુસ્તક કરવાનું સૂચન કુબા(પુસ્તકમાં અનેક વખતે વપરાયેલું હુલામણું નામ)નું, અને તેના માટે છાપાંનાં લેખોનાં કતરણો પણ એમણે જ સાચવી રાખેલાં. મધુસૂદનભાઈ (ઘણાં માટે મધુકાકા) આગળ લખે છે : ‘મેં હાસ્યરસના એકાંકીના સંગ્રહને ‘નાટ્યકુસુમો’ નામ આપીને કુસુમનાં કાર્યને એક અંજલિ આપી.’

1961માં વ્યક્ત થયેલી આ લાગણીની પરાકાષ્ટા પંચાવન વર્ષ બાદ ‘કુસુમાખ્યાન’ને અંતે આ શબ્દોમાં મળે  છે : 'રોજેરોજ હું કુબાની છબિ પાસે ઊભો રહી પ્રાર્થના કરું છું કે ‘કુબા! તમે અંબામાના દિવ્ય અંશ છો. મારી ભૂલો માફ કરીને મને તમારી પાસે રાખો.’ કુબા પુણ્યશાળી હતાં. એમનું ઋણ હું કેમ ચૂકવી શકું ? હું માત્ર તેમને ભાવભરી અંજલિ આપી અહીં વિરમું છું.'

લેખક કુબાના સમર્પણનો જુદા જુદા પ્રસંગે / સંદર્ભે તે એકથી વધુ વખત કૃતજ્ઞતાથી ઉલ્લેખ કરે છે : ‘એણે જાણે એનું જીવન મને જ સમર્પી દીધું હતું. એનામાં સમર્પણ ભાવ હતો જ.’ તેઓ અન્યત્ર લખે છે : ‘એનામાં પ્રેમથી છલોછલ સમર્પણ ભાવના હતી. એની આ સમર્પણ વૃત્તિ સંસારના પ્રત્યેક વ્યવહારમાં હું અનુભવતો.’

કુબાની ન્યોછાવરીની ખૂબ હૃદયસ્પર્શી સ્વીકૃતિ સ્વાસ્થ્યના સંદર્ભે છે. લેખકને શ્વાસની તકલીફ, બીજી બાજુ વાનગીઓનો શોખ. છતાં એમને ભાગ્યે જ કોઈ રોગ થયો જ્યારે કુસુમબહેનમાં અનેક વ્યાધિ ઘર કરી ગયા. એટલે મધુભાઈ લખે છે : 'હું ક્યારેક મજાક કરતો કે કુબાએ મારા બધા રોગ પોતાનામાં  ટ્રાન્સફર કરી દીધા છે. જો કે હું ચોક્કસ માનું છું કે મારાં તમામ દુ:ખો એમણે ભોગવવાનાં હોય તો એ નિ:સંકોચ ભોગવે. મારા માટે એ સતીરૂપ હતાં.' મધુકાકા એમ પણ લખે છે : ‘એમણે મારી મર્યાદાઓની ક્યારે ય ટકોર સુધ્ધા કરી નથી. આર્ય નારીની જેમ એમણે મને હૃદયથી સ્વીકારી લીધો હતો.’  રઘુવંશનો અજ રાજા કહે  છે : ‘અપરાધી સદા હું , તો ય જો મુજ પે તું  ન અભાવ લાવતી …’

પત્નીના ઋણના સ્વીકારની જેમ આપણા સમાજમાં પત્ની પ્રત્યે ભાગ્યે જ વ્યક્ત થતી બીજી લાગણી છે તે અપરાધભાવની. તેની પહેલી નોંધ તો દામ્પત્ય જીવનના આરંભના વર્ણનમાં જ મળે છે. શિક્ષકના કામમાં દિલોદિમાગથી પરોવાયેલા મધુભાઈ લખે છે : '… મને એના  આશાતુર મનને પારખવાની સૂઝ  પણ એ ગાળામાં નહિ. પતિ  તરીકે મારી પત્ની તરફની ફરજો નિશાળના મોહમાં મારાથી વિસરાઈ ગઈ  હતી.’

સંયુક્ત કુટુંબ અને ઘરના નાનામોટા મનદુ:ખ અંગે તેઓ લખે છે : ‘અમારા પરિવારમાં કોઈના ય પ્રગતિશીલ વિચારો નહીં … વહુઓ વિશે ઊંચા ખયાલ ઘરમાં કોઈને નહીં … કુસુમનું સ્વમાન કેટલીક વાર હણાય. કુસુમ મને સુધ્ધા એ વિશે વાત  કર્યા વિના મૂંગે મોઢે એ અપમાનો સહન  કરી  લે .. એ તો બધી માનસિક  યાતનાઓ  વેઠનારી મારી મૂંગી પત્ની  હતી.’

મધુભાઈએ અલગ રહેવા માંડ્યું, એ વખતે તેઓ લખે  છે : ‘… એના પ્રત્યે મારો રાગ વધતો જતો હતો. અગાઉની મારાથી થયેલી એની ઉપેક્ષા હું ભૂલી ગયો હતો.’ પોતાના ઘરકૂકડા સ્વભાવનો ઉલ્લેખ કરીને લેખક નોંધે છે : 'કુસુમને ફરવાનો, પ્રવાસનો બહુ શોખ. એની ઇચ્છા મૂરઝાઈ જતી એણે કદી એ બાબતે બળાપો કે ક્લેશ કર્યો નથી. મનની કેટલીક ઈચ્છાઓ સુષુપ્ત જ રહી હશે. આજે આ લખતી વેળા મને એની સહિષ્ણુતા અને પતિ તરીકે મારી એની ઇચ્છાઓ પ્રત્યેની બેદરકારી માટે ખેદ થાય છે.’ સુંદરજી બેટાઈએ 1958માં અવસાન પામેલાં પત્નીને યાદ કરીને લખેલી સુંદર છાંદસ દીર્ઘ કરુણપ્રશસ્તિ ‘સદ્દગત ચન્દ્રશીલાને’ યાદ આવે : ‘કૂણાં કોડ હશે તારા છેડાયા જ અજાણતા / અનપ્રેક્ષ્યાં કદી હુંથી ઉપેક્ષાતીર પામતાં’.

મધુકાકાએ એક વખત કુબાને પૂછ્યું : ‘તમે બીજા જન્મમાં પતિ તરીકે મને સ્વીકારો ?’ જેનો જવાબ મૌનમાં મળ્યો. એટલે પતિનો ચિત્તસંવાદ ચાલ્યો : ‘તેં  એમના માટે એમને માટે સમગ્ર જીવન દરમિયાન એમને ગમે એવું કશું કર્યું છે ખરું ? એમના ઘવાતા સ્વમાન વખતે તું એમની પડખે ઊભો રહ્યો છું ?એમના બચાવ પક્ષે તે કશી કામગીરી કરી છે ? લગ્નના બંને પ્રસંગે (દીકરા અને દીકરીએ કુબાની ઇચ્છા વિરુદ્ધ અન્ય જ્ઞાતિના જીવનસાથી પસંદ કર્યાં હતાં) તેં વ્યક્તિસ્વાતંત્ર્યનો દંભ કરીને કુબાની ભાવનાને ઠેસ મારી છે. તું નીતિની વાતો કરીને તારી ભીરુતા છૂપાવતો રહ્યો. હા, પતિ તરીકે તેં એમના જીવનમાં થોડો ફાળો આપ્યો. પ્રવાસો કરાવ્યા પણ એમની ધરબાઈ રહેલી આકાંક્ષાઓ વિશે તેં જાણવાની ઇચ્છા કરી? એમના આંતરમનને સમજવા તેં પ્રયત્ન કર્યો ?’

આવા અપરાધભાવ અને ઓશિંગણભાવની મનભર અભિવ્યક્તિ તરીકે ‘કુસુમાખ્યાન’ને વાંચતાં લેખકના મનની વાત અને તેમનું દામ્પત્ય જીવન વધુ આહ્લાદક રીતે ઉજાગર થાય છે. પત્નીના ગુણો માટે આ ‘મુગ્ધ પતિ’ને અનુરાગ છે : ‘અમે એમના બહુમુખી અને પ્રેમાળ વ્યક્તિત્વ પ્રત્યે એટલો આદર થતો કે હું એમને વંદન પણ કરી લેતો.’

જો કે ભક્તિ સુધી પહોંચનારા આદર સાથે મધુકાકાનું મન બીજી અનેક લાગણીઓથી છલોછલ છે. કુબાની શ્રેષ્ઠતા એમણે સ્વીકારી છે : ‘મારાથી એ મૂઠી ઊંચેરા નહિ, ખાસ્સી ઊંચાઈ ધરાવતાં હતાં. એમનાં વ્યક્તિત્વ આગળ હું ઝાંખો હતો.’

લગ્ન, સંયુક્ત પરિવારમાં પતિપત્નીનો શરૂઆતનો ગાળો, કારર્કિર્દીનો તબક્કો, નોકરી, મિલકત અને પૈસાના વ્યવહાર, બાળકોના ઉછેર ઇત્યાદિનાં વાચનીય સંસારચિત્રો લેખક આપે છે છે; અને તેમાંથી લગભગ દરેકમાં કુબાની કાર્યકુશળતાને તેમણે કેન્દ્રમાં રાખી છે. અનેક બાબતો અંગે વાંચવા મળે છે : કુસુમબહેને કરકસરથી પતિના અજાણતા કરેલી બચતને કારણે થઈ શકેલી એક મોંઘી તિજોરીની ખરીદી, મકાન માટે તેમના પલ્લાનું કરેલું વેચાણ, છેક 1950ના દાયકાથી શેરોની બાબતે જાણકારી અને બૅન્કના કામકાજની સજ્જતા, રોજેરોજના હિસાબ, લેખકને ભાવતાં ફરસાણ સાથેની રસોઈ, તેમની બાની આખર સુધી સારસંભાળ, પતિની વિદ્યાર્થિનીઓ માટેનો સ્નેહ, એક દલિત વિદ્યાર્થિની માટેનો સમભાવ જેવી કેટલી ય વાતો અહીં લાઘવથી રસપ્રદ રીતે આલેખાઈ છે.

પુસ્તકના શરૂઆતના પાંચ પાનાંમાં મધુસૂદનભાઈને પત્નીના મૃત્યુ પછીના પોતાની વિદીર્ણ મનોદશાનું વર્ણન કર્યું છે. વળી, તેમણે શબ્દફેરે એકાધિક વખત તેમની જિંદગીનાં કુસમબહેન પરના પૂરેપૂરાં અવલંબનનો અને કુસુમબહેન વિના જીવવું અકલ્પનીય હોવાનું પણ  જણાવ્યું છે.

પુસ્તકમાં વિશિષ્ટ છે તે કુસુમબહેનની પ્રબુદ્ધતાનાં વિવિધ પાસાં. કુબાને કિશોરવયથી જ લાગેલા વાચનશોખને કારણે છાપાંની પૂર્તીઓ, સામયિકો અને પુસ્તકોમાંથી તેમને ખૂબ આનંદ મળતો. છાપાંની પૂર્તિમાં શબ્દોનાં ચોકઠાં ભરવાના ‘અપ્રતિમ શોખ’ને કારણે તેમનું શબ્દભંડોળ માતબર થયું હતું.

સહુથી રોચક છે તે કુસુમબહેનના ભણતરનું નિરૂપણ અને પતિ-પત્નીની તેમાં જોવા મળતી સંવાદિતા. કુબાનાં દેરાણી હંસાબા બી.એ. અને  શાળામાં શિક્ષક. પરિવારમાં તેમનાં ભણતર અને નોકરીનો મોભો સચવાતો. મધુકાકાએ કુબાને એક વખત વાતવાતમાં પૂછ્યું : ‘તને  મેટ્રિકમાં પ્રથમ વર્ગ મળ્યો છે. તું કૉલેજમાં આગળ અભ્યાસ કરે તો કેવું?’ આ સવાલથી કુબાના ‘મુખ પર આશ્ચર્યની સાથે પ્રસન્નતા ઝળકી ઊઠી.’

એ પછી ‘જાન્મજાત શિક્ષક’ પતિએ પત્નીને ગુજરાતી સાહિત્ય શીખવવાની શરૂઆત કરી. લેખક વિદ્યાબહેન અને રમણભાઈ નીલકંઠને સંભારે છે.પછી લખે છે : ‘શિક્ષણ  દરમિયાન એના મુખ પર પ્રસન્નતાનો જે અપૂર્વ પ્રકાશ પ્રગટતો તે મારામાં ખુશીની લહેરો પ્રગટાવતો હતો … અમારાં બંનેના હૃદયના તંતુ દૃઢપણે ગૂંથાતા ગયા.’ પરીક્ષાના દિવસોમાં ઘરેથી ઘોડાગાડીમાં કોલેજ જતી વખતે મધુકાકા કુબા પાસે અગત્યના સવાલોનું પુનરાવર્તન કરાવી દેતા. બાળકોનાં ઉછેર અને ઘરની તમામ જવાબદારીઓની વચ્ચે કુબા બી.એ. થયાં. લેખક કહે છે : ‘મારી ધન્યતાનો પાર ન હતો. હું પત્નીનો શિક્ષક બન્યો. એની ઉચ્ચ શિક્ષણ પામવાની અભિલાષા પોષવામાં અને એને કૃતાર્થ કરવામાં કામયાબ નીવડ્યો તેનો તો મને આનંદ હતો જ. પણ એના મુખ પર જે પરમ સંતોષ ઝળકવા માંડ્યો તે મારા માટે અવર્ણનીય હતો. હું ક્રમશ: કુસુમમય બનતો જતો હતો. એ પોતે મારા પર ઓળઘોળ હતી જ … અમારું દામ્પત્ય પરસ્પરના નિર્વ્યાજ સ્નેહથી વિભૂષિત થવા માંડ્યું.’

કુબા એમ.એ. કરતાં હતાં.મધુકાકા યાદ કરે છે :‘મારે ‘સરસ્વતીચન્દ્ર’ ભણાવવાનો હતો. હું વર્ગમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓની સામે વ્યાખ્યાન આપતો હોઉં અને સામે આગળની પાટલી પર બીજી વિદ્યાર્થિનીઓ સાથે કુસુમબહેન બિરાજ્યાં હોય. અમારાં બંનેને માટે એ અવર્ણનીય આનંદનો પ્રસંગ હતો. કુસુમ માટે જિંદગીનો અકથ્ય કે અકલ્પ્ય અનુભવ હતો. વિશાળ વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે પતિનું વ્યાખ્યાન સાંભળવાનું હોય એનો અપૂર્વ ગૌરવ-આનંદ કેવો હોય!’

મૂળભૂત રીતે તેજસ્વી કુસુમબહેનની આંતરસમૃદ્ધિ વધતી ગઈ. ‘ગુજરાત સમાચાર’ની બાળકો માટેની ‘ઝગમગ’ પૂર્તિમાં તેઓ ઘણાં સમય સુધી અંગ્રેજી વાર્તાઓના અનુવાદ આપતાં રહ્યાં. મધુભાઈનાં પુસ્તકો કરવામાં તો તેમનો ફાળો હતો જ. પણ હવે પતિ જેના તંત્રી હતા તે ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના પ્રૂફ જોવાનું કામ પણ એમણે સંભાળી લીધું. પછીનાં વર્ષોમાં ‘બુદ્ધિપ્રકાશ’ની વાર્ષિક સૂચિનું કામ તેમણે સ્વીકાર્યું તે આખર સુધી ચાલુ રાખ્યું. ‘રઘુવંશ’ના અજ-વિલાપનો જાણીતો શ્લોક યાદ આવે : गृहिणी सचिव: सखी  मिथ: / प्रियशिष्या ललिते कला विधौ.

આવી પતિપરાયણતાની સાથે ‘કુબાના મનમાં સમાજમાં સ્ત્રીપુરુષ સમાનતા માટે પ્રબળ ખ્યાલ હતો … સ્ત્રીઓની સંસ્થામાં એમને કશુંક કરવાની પણ ઇચ્છા કેટલીક વાર  થઈ આવતી.’

એમણે એક વાર મધુકાકાને ‘વેધક અને સમજની કસોટી કરે તેવો સવાલ’ કર્યો હતો : ‘એક જન્મે કોઈ સ્ત્રી બને એટલે પછી દરેક જન્મે એને સ્ત્રીનો જ અવતાર મળ્યા કરે એને પુરુષનો અવતાર મળે જ નહીં?’ આ સવાલ નોંધીને  મધુકાકા ટિપ્પણી કરે છે : ‘આ શબ્દો પાછળ મર્મ હતો. સ્ત્રીનો જન્મ હોવાને કારણે એના કેટલા ય મનોરથ સુષુપ્ત જ રહ્યા. એનો એને રંજ હશે. પુરુષ થઈને એ સ્વતંત્ર વ્યક્તિત્વ માંગતી હતી  એવું મને સમજાયું.’

ગુજરાતીમાં પતિએ પત્નીનું લખેલું પહેલું ચરિત્ર ‘પાર્વતીકુંવર આખ્યાન’ 1881માં લખાયું છે. તેના લેખક મહિપતરામ રૂપરામ (1829-1891) ગુજરાતના સુધારાયુગના અગ્રણી કેળવણીકાર, સાહિત્યકાર, સમાજચિંતક અને જાહેર જીવનના કાર્યકર હતા. આ પૂર્ણ પત્નીકેન્દ્રી અને પ્રગતિશીલ જીવનચરિત્રમાં લેખક ‘પત્નીવ્રત’ શબ્દ પ્રયોજે છે.

તેના પછી ગાંધીજી આત્મકથામાં 1927માં  ‘ધણીપણું’ નામનું અઢી પાનાનું પ્રકરણ લખે છે. પછી છેક  2017માં ‘કુસુમાખ્યાન’ આવે છે.

આ ત્રણ લખાણો પછીનાં વર્ષોમાં ‘પત્નીવ્રત’ અપનાવનાર કે ‘ધણીપણા’ને દૂર રાખનાર પતિ આપણા સમાજમાં અને તેની અભિવ્યક્તિ આપણી ભાષામાં આવી છે કેમ તે સમાજશાસ્ત્ર અને  સાહિત્ય બંને માટે સંશોધન ઉપરાંત ચિંતનનો વિષય  છે.

મધુકાકાના નજીકના મિત્ર, તેમની સાથે ‘બુદ્ધિપ્રકાશ’ના એક સમયના સહતંત્રી અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી રમેશ બી. શાહ પુસ્તકના ચોથા આવરણ પરની નોંધને અંતે લખે છે : ‘ગૃહિણીની મૂક ગૃહસેવાની નોંધ લઈને ભાગ્યે જ એની જાહેરમાં કદર કરવામાં આવે  છે. કુસુમાખ્યાન કરીને મધુભાઈએ ગૃહસ્થોને એક દિશા ચીંધી છે.’

આ દિશામાં ડગ માંડતાં આપણા સદ્દગૃહસ્થોને કેટલો સમય  લાગે છે તે જોવાનું રહે …

(1700 શબ્દો)

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જે સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે જેલમાં પૂરાવી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-3]

હત્યારાઓને ફાંસીએ ચડાવવા તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોધરા હત્યાકાંડનો બદલો અમદાવાદમાં લઈ શકાય નહીં ! પરંતુ જ્યારે લોકોની ધાર્મિક લાગણીઓ ઉપર સવાર થઈને ‘સત્તા’ મેળવી હોય ત્યારે ‘સત્તા’; તોફાનીઓ ઉપર કડક પગલાં લઈ શકે નહીં. સરકાર તરફથી નિર્દોષ લોકોની સલામતી માટે જે પગલાં લેવાવાં જોઈએ તે સરકાર તરફથી લેવાયાં ન હતા. 2002ના તોફાનોમાં 'લાર્જર કૉન્સપીરેસી' છે કે નહીં; તેની ઉપર સુપ્રિમકોર્ટે વિચાર કરવાનો હતો; તેના બદલે ફરિયાદી ઝાકિયા જાફરીને મદદ કરનાર તીસ્તા સેતલવાડ અને IPS અધિકારી આર.બી. શ્રીકુમાર વગેરે ઉપર ધોકો પછાડ્યો છે ! સુપ્રિમકોર્ટને પીટિશનમાં સરકારને બદનામ કરવાનું કાવતરું દેખાયું તે ચિંતાનો વિષય છે !

2009માં સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડ અને 'સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ'ની કામગીરીને બિરદાવી હતી; જ્યારે 24 જૂન 2022ના ચૂકાદામાં, એ જ કોર્ટ તેમને કાવતરાખોર કહે છે ! સુપ્રિમકોર્ટના ચૂકાદાના ફકરા-88માં ગોધરાકાંડ પછીનાં તોફાનોની ચર્ચાને જીવતી રાખવા માટે કોઈ કાવતરું હોય તેવી શંકા વ્યક્ત કરીને તીસ્તા સેતલવાડનું નામ નોંધ્યું છે. આ અંગે ‘તપાસ કર્યા વિના જ’ બીજે જ દિવસે તીસ્તાને અને પૂર્વ IPS અધિકારી આર.બી. શ્રીકુમારને જેલમાં પૂરવામાં આવ્યાં; તે શું સૂચવે છે? એક વેળાએ સુપ્રિમકોર્ટ તીસ્તાની મદદ લેતી હતી; હવે તીસ્તા કાવતરાખોર લાગે છે; આવું કેમ? 2008માં, સુપ્રિમકોર્ટે SITની રચના; ઝાકિયા જાફરી અને તીસ્તા સેતલવાડની રજૂઆતના કારણે જ કરી હતી. તે સમયે સુપ્રિમકોર્ટને લાગ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરી બરાબર નથી, માટે SITની રચના કરી ! તીસ્તાની રજૂઆતના કારણે જ સુપ્રિમકોર્ટે બિલકીસબાનો કેસ / બેસ્ટ બેકારી કેસ ગુજરાત બહાર મુંબઈમાં ટ્રાન્સફર કર્યા હતા ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ હતી; આ બન્ને કેસ ગુજરાતમાં ચાલ્યા હોત તો આરોપીઓને સજા થાત? ઉપરાંત તીસ્તાની રજૂઆતના કારણે SITની રચના થઈ અને SITના કારણે અનેક કેસોમાં આરોપીઓને સખ્ત સજા થઈ છે ! જો SITની રચના થઈ જ ન હોત તો બાબુ બજરંગી / માયા કોડનાણી વગેરેને સજા થઈ હોત? સુપ્રિમકોર્ટને ગુજરાત પોલીસની કામગીરી યોગ્ય નહોતી લાગી; એટલે SITની રચના કરવાની જરૂર પડી હતી; આ બાબત સુપ્રિમકોર્ટ કઈ રીતે ભૂલી શકે? ‘સત્તા’નો ચમત્કાર એ છે કે હવે સુપ્રિમકોર્ટને તીસ્તા ‘ષડયંત્રકારી’ લાગે છે ! હવે તેને લાગે છે કે સરકારને બદનામ કરવા તીસ્તાએ કાવતરું કર્યું હતું ! સવાલ એ છે કે SITએ પોતાનો રિપોર્ટ તો 2012માં સુપ્રિમકોર્ટને સુપ્રત કરી દીધો હતો; છેલ્લાં 10 વર્ષ દરમિયાન સુપ્રિમકોર્ટે આ રિપોર્ટના આધારે તીસ્તા અને બીજા કાવતરાખોરોની ધરપકડ કરવા કેમ કહ્યું નહીં? માની લઈએ કે તીસ્તાએ કાવતરું કર્યું હતું; તો 2000થી વધુ નિર્દોષ લોકોની હત્યા થઈ, એ માટે કોઈની જવાબદારી હોય કે નહીં? હિંસાનો શિકાર બનેલાઓને કે તેમના વતી અવાજ ઊઠાવનારને કાવતરાખોર કહી શકાય? રાજ્યને બદનામ કરવા / રાજ્યને અસ્થિર કરવા / રાજ્ય સામે કાવતરું કરવાનો આરોપ ફરિયાદી સામે મૂકી શકાય? જો રાજ્ય આવો આરોપ મૂકે કે તો કોઈ ફરિયાદી સલામત રહે ખરો? કોર્ટનું વલણ બંધારણ આધારિત હોવું જોઈએ કે ‘સત્તા’ આધારિત? શું ‘રાજ્ય’ અને ‘નેતા’ પર્યાયવાચી બની ગયા નથી? શું કોર્ટ ‘સત્તા’ની એક શાખા છે?

સુપ્રિમકોર્ટને થયું છે શું? 16 આદિવાસીઓની હત્યાની તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર એક્ટિવિસ્ટ હિમાંશુ કુમારને 5 લાખનો દંડ? સુપ્રિમકોર્ટને વામપંથી ચરમપંથીઓને બચાવવાનું કાવતરું દેખાય છે ! 2000થી વધુ મોત અંગે તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર ઝાકિયા જાફરીના સાથીદારોને જેલમાં પૂરવાના? સુપ્રિમકોર્ટને રાજ્યને બદનામ કરવાનું કાવતરું દેખાય છે ! દરેક અરજદાર જે રાજ્ય સામે અદાલતનો દરવાજો ખખડાવે તેની વાત સાંભળવી જ જોઈએ. તેને દંડિત કરી શકાય નહીં કે જેલમાં પૂરી શકાય નહીં ! ફરિયાદીને જ ઠમઠોરવાનો સુપ્રિમ કોનો નવો અવતાર જોવા મળ્યો છે; જે લોકશાહી માટે ભયંકર સંકેત છે. સત્તાની તરફેણમાં મજા / લાભ / પુરસ્કાર / નિમણૂંકો / વાહવાહી મળે છે ! સત્તા વિરુદ્ધ લખવામાં તમને બદનામ કરે /રાષ્ટ્રદોહી ચીતરે / તમારા NGOના ફંડ અંગે તપાસ થાય / કેસ થાય / જેલમાં પૂરે / ભક્તો ટ્રોલ કરે / ગાળો આપે / હિંસક હુમલા કરે / કાળી શાહી ફેંકે ! સત્તા વિરુદ્ધ બોલવું અને લખવું જોખમકારક છે ! આ સ્થિતિને લોકતંત્ર નહી ષડયંત્ર કહી શકાય ! સૌથી મોટો સવાલ એ છે કે શું સુપ્રિમકોર્ટ એવું માને છે કે નાગરિકોને નહીં; રાજ્યને અદાલતી-સુરક્ષાની જરૂર છે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4841,4851,4861,487...1,4901,5001,510...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved