મે મહિનો એટલે કેરીગાળો, મુસાફરીગાળો, અને લગનગાળો
કંકુ છાંટી કંકોતરી મોકલો લગન આવ્યાં ઢૂંકડાં
કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો અમીબેનનાં નામ રે લગન આવ્યાં ઢૂંકડાં
બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનનાં માતાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં
મે મહિનો એટલે કેરીગાળો, મુસાફરીગાળો, અને લગનગાળો. આજે તો લગ્નની ઉજવણી એ ધીખતો ધંધો બની ગયો છે. પણ આપણે વાત કરવી છે આજથી સાત-આઠ દાયકા પહેલાંના લગનગાળાની. જુવાન હૈયાંને પ્રેમ તો એ વખતે પણ થઈ જતો. પણ એનું પરિણામ લગ્નમાં ભાગ્યે જ આવતું. કારણ એ વખતે લગ્ન બે વ્યક્તિનાં નહિ, બે કુટુંબનાં થતાં. એટલે વડીલો નક્કી કરે ત્યાં આંખ મીંચીને પરણી જવાનું. પછી આંખ ખૂલે તો ખૂલે.
૧૯૦૯માં જન્મેલા આપણા પ્રતિષ્ઠિત સર્જક ગુલાબદાસ બ્રોકરનાં લગ્ન ૧૯ વરસની ઉંમરે ૧૭ વરસની છોકરી સુમન સાથે થયેલાં. વર્ષો પછી આ અંગે ગુલાબદાસભાઈ લખે છે : “એ દિવસોમાં પરણ્યા પહેલાં માણસથી પોતાની પત્ની બનનાર કન્યા સાથે વાતચીત પણ ન કરાય. તો એને મળાય તો ક્યાંથી? … ત્યારે ધોળા જંકશન પર પોરબંદરથી મુંબઈ જતી ગાડી બદલવી પડતી. ત્યાં ખાસ્સો સમય રોકાવું પણ પડતું. હું ધોળાના પ્લેટફોર્મ પર આંટા મારી રહ્યો હતો ત્યાં મારી ઓચિંતી નજર ગઈ. પ્લેટફોર્મ પરના નળ પર સુમન પાણી ભરી રહી હતી. મારી નજર ઓચિંતી જ ગઈ. એની પણ ઓચિંતી જ ઊંચી થઈ. એની એ નજરમાં, મને જોતાંવેંત, જે આનંદ ઊભરાયો! આજુબાજુ જોઈ, કોઈ નથી તેની ખાતરી કરી લઈ, તેણે મારી સામે જોયે રાખ્યું, મેં તેની સામે. બોલવાની હિંમત ન ચાલી. પણ એ બે પળ જે નિર્બાધ રીતે એકબીજાંની સામે જોવાઈ ગયું!”

નવદંપતી સુમન અને ગુલાબદાસ બ્રોકર
એ વખતે લગ્નની બધી તૈયારીના કોન્ટ્રેક્ટ અપાતા નહિ. એવું થઈ શકે એવું કોઈએ વિચાર્યું ય નહોતું. બધું કામ ઘરે થાય, બને ત્યાં સુધી ઘરનાં દ્વારા જ થાય. ત્રણ-ચાર મહિના પહેલાંથી તૈયારી શરૂ થઈ જાય. વડી-પાપડ કરવામાં અડોશ-પડોશની બધી સ્ત્રીઓ સાથે જ હોય. મધ્યમ વર્ગના ઘરમાં ભલે થોડુંઘણું, પણ વારસાગત સોનું હોય. ત્યારે આજ જેવાં રોકાણનાં સાધનો નહિ, અને જે હતાં તેમાં લોકોને ઝાઝો વિશ્વાસ નહિ. એટલે બચતનું રોકાણ સોના-ચાંદીમાં. મોતીમાં નહિ, કારણ કહેવત પ્રચલિત હતી : ‘મોતીની મા રોતી.’ વિશ્વાસુ સોનીને ઘરે બોલાવીને જૂના દાગીના ભાંગીને તેમાંથી નવા બનાવવાની વર્દી અપાય. ૧૯૨૨થી ૧૯૩૦ સુધી ૨૪ કેરેટના એક તોલો (૧૧.૬૬ ગ્રામ) સોનાનો ભાવ ૨૦-૨૧ રૂપિયાનો રહ્યો હતો. એટલે જરૂર પડ્યે મધ્યમ વર્ગનું કુટુંબ પણ બે-પાંચ તોલા સોનું ખરીદી શકતું.
પછી આવે કપડાંલત્તાનો વારો. ફરી જૂનો ને જાણીતો દરજી ઘરે બેસે. સ્ત્રી, પુરુષ, બાળકો, બધાંનાં કપડાં સીવી આપે. સાડીઓ માટે દુકાનદારનો માણસ સાડીનાં પોટલાં લઈને ઘરે આવે. એક પછી એક સાડી બતાવે. ભાવ પૂછાય. રકઝક થાય. લેવાની સાડીઓની થપ્પી બાજુએ મૂકાતી જાય. અગાઉની સારી, પહેરી શકાય એવી સાડીઓ ‘રોલિંગ’ માટે અપાય. જતાં જતાં એકાદ સાડી હાથમાં મૂકીને કહે : ‘આ સાડી બહેનને અમારા તરફથી ભેટ આપજો.’
પછી ઘર ધોળાવાય. આજના જેવા જાતભાતના મોંઘાદાટ રંગો ત્યારે નહિ. જાડા ઝાડુ જેવા કૂચડાથી દિવાલો પર ધોળો કે પીળો રંગ થાય. ધોળા રંગ માટે ચૂનો વપરાય. તેમાં થોડી પીળી માટી ઉમેરો એટલે રંગ પીળો. બારસાખ લીલા ઓઈલ પેન્ટથી રંગીને તેના પર રાતા-ધોળા ફૂલની ડિઝાઈન કરાય. જમવા માટેના લાકડાના પાટલા લાલ રંગે રંગાય. એ વખતે બીજો એક રિવાજ. દિવાલો રંગ્યા પછી તેના નીચેના અઢી-ત્રણ ફૂટના ભાગ પર સળંગ ઓઈલ પેન્ટનો અલગ રંગનો પટ્ટો રંગાય. જેને ડેડો કહેતા. શોભા તો વધે, પણ સાધારણ રીતે નીચલો ભાગ જલદી મેલો થાય તે ઓઈલ પેન્ટ હોવાથી ભીના કપડાથી સાફ કરી શકાય.
પછી વારો આવે લાકડાના ફર્નીચરનો. એને માટે પણ વહોરાજી પોલીશનાં ડબલાં લઈને ઘરે આવે. કાળો, લાલ, બ્રાઉન એવા ગણતરીના રંગ. પહેલાં સેન્ડ પેપરથી ઘસીને ફર્નિચર પરનો જૂનો પોલીશ કાઢી નખાય. પછી નવા પોલીશનું પોતું ફેરવાય. સૂકાય પછી બીજો હાથ ફેરવાય. પ્રાઈમસ સળગાવવા માટે વપરાતો તેવો કાકડો સળગાવી તાજા પોલીશ પર જરા દૂરથી ફેરવાય. એમ કરવાથી ચમક વધુ આવે એમ કહેવાતું.

મુંબઈની અનેક વાડીઓમાંની એક વાડી
એ વખતે એક તો ફાઈવ સ્ટાર હોટેલો મુંબઈમાં પણ આંગળીને વેઢે ગણાય એટલી. પણ લગ્ન હોટેલમાં થઈ શકે એવો તો કોઈને વિચાર સુધ્ધાં ન આવે. ઘરની બહાર માંડવો બંધાય એટલી જગ્યા મુંબઈમાં એ વખતે પણ ભાગ્યે જ હોય. એટલે લગ્ન માટે વાડી નોંધાવવાનું કામ કુટુંબના મોટેરાને સોંપાય. એ વખતે ઘણી જ્ઞાતિઓની વાડી હતી મુંબઈમાં. મોટા ઓરડા અને ખુલ્લી જગ્યા તો ખરી જ. પણ સાથે પાંચ-દસ રૂમ પણ હોય, બહારગામનાં મહેમાનોને ઉતારો આપવા માટે. તેમાં ગાદલાં-ગોદડાં પણ હોય. પાણી ભરવા માટે, રસોઈ કરવા માટે, વાસણો હોય. આજની ભાષામાં સેલ્ફ-સફીશિયન્ટ વ્યવસ્થા. ભાડું એકદમ માફકસરનું, મધ્યમ વર્ગને પોસાય એવું. ઘણી વાડીમાં બે ભાગ હોય: એક નાનો, બીજો મોટો. મોટો ભાગ હંમેશાં કન્યા પક્ષને ભાડે અપાય. વર પક્ષને અપાય નાનો ભાગ. કારણ ઘણીખરી વિધિ તો કન્યાવાળાને ત્યાં થાય. જાન આવે ત્યારે ઘણા લોકોને બેસવાની વ્યવસ્થા પણ કરવી પડે. એ માટે લાઈનબંધ ગાદલાં મૂકી ઉપર સફેદ ચાદરો પાથરી દેવાય. બન્ને પક્ષ જુદી જુદી વાડી નોંધાવે એવું પણ બને. એ વખતે ‘કેટરર્સ’નું નામ કોઈએ સાંભળ્યું નહોતું. જ્ઞાતિના જે પાંચ-સાત રસોઇયા કે ‘મહારાજ’ હોય તેમને ખાવાપીવાની વ્યવસ્થા સોંપાય. સીધામાં શું શું જોઈશે, કેટલું જોઈશે, એ નક્કી થાય અને દાણાવાળા અને શાકવાળાને ઓર્ડર આપી દેવાય.

વીસમી સદીની શરૂઆત : કુટુંબની સ્ત્રીઓ સાથે વરરાજા
વાડી પછી વરઘોડાની તૈયારી. તેમાં વર કરતાં ય વધુ મહત્ત્વનો ઘોડો. એટલે પહેલાં ઘોડો ‘બુક’ કરવો પડે. વરઘોડાના ‘ટેમ’ પહેલાં દોઢ-બે કલાકની વર્દી અપાય. એ વખતે મુંબઈમાં મોટરો તો માલેતુજારના ઘરે જ હોય. અને ભાડાની મોટર કરતાં ઘોડો વાપરવાનું વલણ. પછી વારો બેન્ડ-વાજાંનો. બ્રાસ બેન્ડનો જમાનો. લાલ યુનિફોર્મ પહેરેલા બેન્ડવાળા. સૌથી આગળ પિત્તળનાં ભૂંગળાવાળા બે બજવૈયા. પછી મોટું પડઘમ, ફ્લૂટ કે ક્લેરિયોનેટ. પિત્તળના ચમકતા ઝાંઝવાળા. પાંચ, સાત, અગિયાર, પંદર બજવૈયા – જેટલો ગોળ નાખો એટલું વધુ ગળ્યું. જેને બેન્ડનો ખરચ ન પોસાય તે ‘તડતળિયાં’વાળાને બોલાવે. ચાર-પાંચ જણ જુદી જુદી જાતનાં ઢોલ-ત્રાંસા, નગારાં લઈને આવે અને તાલની ધમધમાટી બોલાવી દે.

વરઘોડો મોટે ભાગે સાંજે જ નીકળે. એટલે સાથે ‘કિટસન’ લાઈટ જરૂરી. એમાં કેરોસીન વપરાય અને એક હજારથી બે હજાર કેન્ડલ જેટલું લાઈટ આપે. એનાં નાનાં નાનાં ઝુમ્મર માથે મૂકીને મજૂરણ બાઈઓ વરઘોડાની બંને બાજુ ચાલે, પરસેવે રેબઝેબ. વરઘોડાને અંતે આવી જ લાઈટનો રંગબેરંગી કળા કરતો મોર હોય, જે માથે ઉપાડવા માટે ત્રણ-ચાર બાઈઓની જરૂર પડે. બધી તૈયારી પૂરી થવા આવે એટલે ઘરની કોઈ જવાબદાર વ્યક્તિ નજીકના પોલીસ સ્ટેશને જઈને વરઘોડો કાઢવા માટેની પરમિશન માટે અરજી આપી આવે.
આ બધી તૈયારીની સાથોસાથ કંકોતરી લખવાની તૈયારી શરૂ થાય. પોતાને બહુ ભણેલા માનતા હોય તેઓ ‘કુમકુમ પત્રિકા’ શબ્દો વાપરે. એ વખતે મોટાં સંયુક્ત કુટુંબો. દર બે-પાંચ વરસે કોઈ ને કોઈનાં લગ્ન લેવાય. એટલે એક મોટો ચોપડો ઘણાખરા ઘરમાં હોય. તેમાં જેમને જેમને કંકોતરી મોકલવાની તેમનાં નામ સરનામાં તો હોય જ, પણ સાથે લગ્નમાં કેટલો ચાંદલો કરેલો તે પણ નોંધ્યું હોય. નામ-સરનામાંની યાદીની જેમ કંકોતરીના લખાણનો ખરડો (ડ્રાફ્ટ) પણ તૈયાર જ હોય. વર-વધૂનાં નામ બદલવાનાં હોય. કંકોતરી છપાવવાનો ચાલ તો પછી આવ્યો. પહેલાં તો દરેક કંકોતરી હાથે લખાતી. એ માટે બજારમાંથી લાલ શાહીનો ખડિયો, ટાંકવાળાં ત્રણ-ચાર હોલ્ડર, સફેદ કે આછા ગુલાબી કાગળનું પેકેટ, બ્લોટિંગ પેપર, વગેરે સારો દિવસ જોઈ ખરીદાતું. રાતે જમીપરવારીને કુટુંબના ત્રણ-ચાર જણ કંકોતરી લખવા બેસે : ‘જત લખવાનું કે શ્રી રણછોડરાયની (કે જે કોઈ કુટુંબના ઇષ્ટદેવ હોય તેની) કૃપાથી અમારી દીકરી સૌભાગ્યકાંક્ષીણી ચિ. રમાનાં લગ્ન’ … મુખ્ય લખાણ પછી જુદા જુદા માંગલિક પ્રસંગોની વિગતો હોય. અને પછી હોય કુટુંબનાં વડીલોનાં નામનો લાંબો હારડો. મા-બાપ, ભાઈ-બહેન ઉપરાંત કાકાકાકી, મામામામી, માસામાસી, ફોઈફુઆ, જમાઈઓ, વગેરેનાં નામ લાઈનબંધ લખ્યાં હોય. જેમને કંકોતરી ટપાલમાં મોકલવાની હોય તેમની કંકોતરીમાં છેલ્લું વાક્ય ઉમેરવામાં આવે : ‘આ કંકોતરીને રૂબરૂ મળ્યાતુલ્ય માનીને મંગળ પ્રસંગોએ ઉપસ્થિત રહેવા આગ્રહભરી વિનંતી છે.’ પછી કંકોતરી છપાવવાનો ચાલ શરૂ થયો. પણ આજના જેવી જાતભાતની નહિ. જાડા સફેદ કાર્ડ પર છાપેલું લખાણ. પ્રેસ પાસે સ્વસ્તિક, ગણેશ, રાધાકૃષ્ણ, વગેરેના તૈયાર બ્લોક હોય તેમાંથી એક મૂકીને નીચે લખાણ છપાય.
અને હા, ચાંદલો કે ભેટ લેવામાં નહિ આવે એવા મતલબની સૂચના ક્યારે ય લખાતી નહિ. ચાંદલો કે ભેટની લેવડદેવડ સ્વાભાવિક ગણાતી. હા, ચાંદલો કરવાનો હોય બે, પાંચ, સાત, કે અગિયાર રૂપિયાનો. કોઈ પચીસ રૂપિયા કરે તો તો અધધધ ચાંદલો કર્યો એમ કહેવાતું. નજીકનાં સગાં કુટુંબના વડીલને પૂછીને વરવહુને જરૂરી હોય તેવી કોઈ વસ્તુ ભેટ આપતાં. પણ સાથોસાથ ‘શુકનનો’ ચાંદલો પણ આપતા. રોકડા રૂપિયા કવરમાં મૂકીને આપવાનો ચાલ હજી આવ્યો નહોતો. લગ્ન વખતે બંને પક્ષના ‘ચાંદલો લખવાવાળા’ મંડપમાં બેઠા હોય. તેમની પાસે જઈને રૂપિયા આપીને નામ લખાવાતું.
આવતે અઠવાડિયે ફરી મળશું ચાંદલામાં આપવા માટે કડકડતી નવી નોટો સાથે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 મે 2022
![]()


બિહારના કટિહારની એક શાળાનું વીડિયો દૃશ્ય જોઈએ. શાળાનું નામ છે, ઉર્દૂ પ્રાથમિક વિદ્યાલય. 1956માં સ્થપાયેલી આ શાળાના એક વર્ગમાં ત્રણ શિક્ષકો છે. એમાં એક શિક્ષિકા ટેબલ પર લાકડી પછાડી પછાડીને બાળકોને શાંત કરવા મથી રહી છે. બીજી એક શિક્ષિકા અડધા બ્લેક બોર્ડ પર હિન્દી ભણાવે છે ને તેણે ચાકથી આકાશ, કાજલ, ઈનામ જેવા શબ્દો હિન્દીમાં લખ્યા છે. બીજા અડધા બોર્ડ પર એક શિક્ષક ઉર્દૂમાં કશુંક લખીને ભણાવવાની કોશિશ કરે છે. બાળકોના ઘોંઘાટ પરથી વર્ગ ઠાંસીને ભરેલો છે તે દેખાય છે. હા, ચોક્કસ સંખ્યા નક્કી થઈ શકતી નથી. આ એક જ વર્ગમાં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. શિક્ષકો બોર્ડ પર લખ્યા કરે છે, શિક્ષિકા લાકડી પછાડી પછાડીને બાળકોને શાંત કરવા મથે છે ને બાળકો એમની ધૂનમાં ભણવા સિવાય બધું જ કરી રહ્યાં છે. વીડિયો મનિહારીની પ્રાથમિક શાળાનો છે. ગંગા નદીનાં ધોવાણથી 29 શાળાઓ વિસ્થાપિત થતાં અન્યત્ર ખસેડાઇ. આ શાળા એમાંની એક છે. જિલ્લામાં આવી 271 શાળાઓ છે જેને મકાન કે અન્ય સાધનો નથી ને બિહારની સરકાર કહે છે કે છેલ્લાં 17-18વર્ષમાં શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ક્રાંતિકારી તો ખરું જ ને ! મકાન કે સાધનો વગર શાળાઓ ચાલે તે ક્રાંતિ નહીં તો બીજું શું છે? જિલ્લા શિક્ષણાધિકારી કહે છે કે આવી બિલ્ડિંગ વિનાની શાળાઓને મિડલ સ્કૂલ સાથે ટેગ કરવામાં આવી છે. મકાન માટેના પ્રયત્નો ચાલે છે ને તે ચાલ્યા જ કરશે એમાં શંકા નથી.