Opinion Magazine
Number of visits: 9458891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઁગ્રેસ તો ડૂબી મરે એમ પણ નથી, કારણ કે ‘પાણી’ જ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 March 2022

પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ એમાં સૌથી ભૂંડી હાલત કાઁગ્રેસની થઈ છે. ભૂંડી હાલત ન થઈ હોત તો આઘાત લાગ્યો હોત ! કાઁગ્રેસ આત્મહત્યાને માર્ગે છે તેવું ગાંધી પરિવારને ભલે ન લાગ્યું હોય, બાકી, પીઢ કાઁગ્રેસી નેતાઓને તો ઘણા વખતથી લાગી રહ્યું હતું ને તે હવે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ તો બતાવી પણ આપ્યું છે. કાઁગ્રેસના નહેરુ, ગાંધી ખાનદાનમાંથી ત્રણ-ત્રણ વડાપ્રધાનો દેશને મળ્યા હોય એને  ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 403 ઉમેદવારોમાંથી બે જ સીટ મળે એનાથી બીજી નાલેશી કઈ હોય? 2014માં નવ રાજ્યોમાં કાઁગ્રેસની સરકાર હતી તે હવે બે રાજ્યો – રાજસ્થાન અને છત્તીસગઢ – પૂરતી રહી ગઈ છે. ટૂંકમાં, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કાઁગ્રેસનો દેખાવ બધી રીતે દયનીય રહ્યો.

એ ખરું કે કેટલાક ધારાસભ્યો વિરુદ્ધ હતા, તો પણ પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહને છેડવાની જરૂર ન હતી. 2017માં કાઁગ્રેસ, કેપ્ટન અમરિન્દરની મહેનતથી જ સત્તા પર હતી, એ ભૂલી જઈને, રાહુલ – પ્રિયંકાએ અમરિન્દરને ઢીલા કરવા નવજોતસિંહ સિધ્ધુને આગળ કર્યા, પણ સિધ્ધુ જેવા વાચાળ મુખ્ય મંત્રી ન ખપે એવું જાણતા રાહુલે આજ્ઞાંકિત મુખ્ય મંત્રી તરીકે ચરણજિતસિંહ ચન્નીને ગોઠવી દીધા. દેખીતું છે કે ‘સિધ્ધુ’ વાંકું જ જુએ. જોયું ને પહેલાં જ દિવસથી ચન્નીની સામે દાંતિયા કરવાનું શરૂ થઈ ગયું. ખરું તો એ છે કે કાઁગ્રેસનો આમાં કોઈ ગ્રેસ ન હતો ને પંજાબની પ્રજા આ ખેલ જોઈ રહી હતી. પરિણામ એ આવ્યું કે ન અમરિન્દર સચવાયા કે ન તો ચન્ની-સિદ્ધુએ કૈં ઉકાળ્યું ને એનો લાભ આપને મળ્યો. આપ પાર્ટીએ ધાર્યું ન હતું એવી જીત તેને ભાગે આવી. આપની પંજાબી જીતે અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઉભારી દીધા છે તે વળી પંજાબની ચૂંટણીનો આડ લાભ છે.

એક વાત સ્પષ્ટ છે કે કાઁગ્રેસ, ગાંધી પરિવારમાંથી મુક્ત નહીં થાય તો ગાંધી પરિવાર, કાઁગ્રેસ મુક્ત ભારતનું  ભા.જ.પ.નું સપનું, પોતે જ પૂરું કરી આપશે. કાઁગ્રેસમાં અગાઉ કદી ન હતી એવી ખોટ અત્યારે અક્કલની વર્તાય છે. દીકરો, માને અને મા, દીકરાને આગળ કરે કે બચાવે તે ઓછું હતું તે એમાં દીકરી પણ ઉમેરાઈ. સોનિયા ગાંધીએ પોતે જ નાહી નાખ્યું હોય તેમ એ કાઁગ્રેસના સીધા પ્રચારથી દૂર રહ્યાં છે. રાહુલ પંજાબને બગાડે એટલું પૂરતું હતું એટલે ઉત્તર પ્રદેશમાં દીકરી પ્રિયંકા વાડ્રાને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ઉતારવામાં આવી. પ્રિયંકાએ ઇન્દિરા ગાંધીની ઊભી થયેલી પોતાની આભાનો પૂરો લાભ પણ ઉઠાવ્યો, પણ હિન્દુત્વવાદી ભા.જ.પ.ના પ્રચારની સામે ને બીજી તરફ અખિલેશ યાદવનાં સ્વસ્થ સમાજવાદી વલણ સામે પ્રિયંકાનો પનો ટૂંકો પડ્યો ને કાઁગ્રેસની હાલત ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી થઈ. 403 બેઠકો પરથી ઊભા રખાયેલા ઉમેદવારોમાંથી બે જ જીત્યા. એ પણ પોતાની તાકાત પર. એમાં કાઁગ્રેસનો ફાળો ન હતો. બ્રાહ્મણ નેતા પ્રમોદ તિવારીની દીકરી આરાધના મિશ્ર રામપુર ખાસથી જીત્યાં, તેમાં પિતાનો નવ વખત વિધાનસભાની ચૂંટણીમાં થયેલો વિજય અને તેમનું યુ.પી.માં સન્માનનીય સ્થાન જવાબદાર હતું. કાઁગ્રેસની બીજી બેઠક મળી વીરેન્દ્ર ચૌધરીને. તેઓ માત્ર 1087 મતથી જીત્યા છે, એમાં પણ તેમની પોતાની મહેનત જ રંગ લાવી છે. મતલબ કે કાઁગ્રેસની કોઈ જ અસર ઉત્તર પ્રદેશમાં વર્તાઈ નથી.

પંજાબમાં સત્તા ગઈ અને ગોવા, ઉત્તરાખંડમાં સરકારમાં વાપસીની ઉમ્મીદ હતી તેમાં પણ ના’વાનું જ થયું એટલે સંસદીય ટીમના સ્ટ્રેટેજી ગ્રૂપની મીટિંગ કાલે આત્મનિરીક્ષણ-પરીક્ષણ-પ્રાયશ્ચિત માટે બોલાવાયેલી. એમાં બધાં કાઁગ્રેસી મોવડીઓ રાજીનામું આપે એવી દહેશત હતી, પણ એમાં શું થયું તે જાણવા મળ્યું નથી.  રાજીનામું મૂકવા કરતાં ખરેખર તો સોનિયા ગાંધીએ સંતાનોનો મોહ મૂકીને નીવડેલા નેતાઓની રાષ્ટ્ર વ્યાપી શક્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરવાની જરૂર છે. કાઁગ્રેસ હશે તો સોનિયા કે રાહુલ-પ્રિયંકાનો પણ કોઈ અર્થ હશે, કાઁગ્રેસ જ નહીં હોય તો સંતાનોનો પણ શો અર્થ રહે તે વિચારવયનું રહે. આમ તો આ ઘણું વહેલું કરવાની જરૂર હતી. કાઁગ્રેસ ઉત્તરોત્તર પડતી જ ગઈ છે તે સોનિયા કે રાહુલને નથી દેખાતું એવું નથી. તો એવું કયું કારણ છે કે રાજકારણમાં પક્ષ કરતાં પુત્ર વધુ મહત્ત્વનો થઈ પડે, તે પણ ખબર હોય કે પુત્રથી બફાટ સિવાય બીજું ખાસ કૈં થતું જ ન હોય, ત્યારે?

એવું નથી કે કાઁગ્રેસ કૈં કરતી નથી. તે હારવા માટે મહેનત તો કરે જ છે. ગાંધી પરિવાર એટલે કાઁગ્રેસ એ સમીકરણ જૂનું થઈ ગયું છે. એમાં પરિવર્તન જરૂરી છે. બીજું, ભા.જ.પ. ઘણું ઊંધું મારે છે છતાં, લોકમત તેની તરફનો છે, કેમ? એ સારું છે કે નબળું તે જુદી વાત છે, પણ જીત મેળવી આપે એવું લાગતાં ભા.જ.પે.  હિન્દુત્વનું કાર્ડ ગુજરાત, ઉત્તર પ્રદેશમાં તો સફળતાપૂર્વક ખેલ્યું જ છે. હિન્દુ મતો મળે જ એ માટે કાશી, અયોધ્યામાં મંદિરોનો જે રીતે મહિમા થયો છે તે હિન્દુઓને મત આપવા ન પ્રેરે એવું તો કેમ બને? હિન્દુ રાષ્ટ્રની સીધી જાહેરાત વગર મંદિરોનો જે રીતે મહિમા થયો તેણે એ સ્થિતિ તો ઊભી કરી કે હિન્દુઓને ભા.જ.પ. પોતાનો પક્ષ લાગ્યો. એ જ કારણ છે કે ભા.જ.પ. સામે અનેક વાંધા હોવા છતાં હિન્દુમતો તો ભા.જ.પ.ના ઉમેદવારોના ખાનામાં જ પડ્યા છે. એ ઉપરાંત અન્ય જાતિ, કોમના મત મેળવવા વડા પ્રધાને ઉત્તર પ્રદેશમાં અનેક રાષ્ટ્રીય માર્ગો ખુલ્લા મૂકવાની જાહેરાતો કરી. એને લીધે બીજી કોમને પણ ભા.જ.પ.ને મત આપવાનું કારણ મળ્યું. આ પ્રભાવમાં મુસ્લિમોના મત ન મળે તો તે ગુમાવવાની ભા.જ.પ.ની તૈયારી હતી, કારણ યુ.પી.માં હિન્દુત્વની લહેર વધુ વ્યાપક હતી અને એનો જેટલો લાભ લેવાય એટલો વડા પ્રધાન મોદીએ અને મુખ્ય મંત્રી યોગીએ લીધો. એ લહેર મોદી-શાહની સખત મહેનત છતાં પશ્ચિમ બંગાળમાં ન જ ચાલી, બિલકુલ એમ જ, જેમ મમતાની ઉત્તર પ્રદેશમાં હાજરી ન ચાલી. બિનસાંપ્રદાયિક હોવાનો આદર્શ લઈને ફરતી કાઁગ્રેસને હિન્દુની વાતે અભડાઈ જવાનો ડર હોય તો દેખીતું છે કે એ મુસ્લિમ મતો તરફ જ આંખો ઠેરવે. એણે ઉત્તર પ્રદેશમાં એવી હવા ઊભી કરી કે કાઁગ્રેસ તો મુસ્લિમોનો પક્ષ છે. અત્યાર સુધી હિન્દુ મતદારો મત આપવા જતા ન હતા ને જે જતા હતા તે બીજો વિકલ્પ ન હતો એટલે કાઁગ્રેસને મત આપતા હતા ને કાઁગ્રેસ જીતતી હતી. હવે હિન્દુ મતોની ટકાવારી વધી છે ને એને લીધે પણ કાઁગ્રેસના મતો ઘટે એમ બને. જે સ્થિતિ 2014 પહેલાં કાઁગ્રેસની હતી તે અત્યારે ભા.જ.પ.ની છે ને જે ભા.જ.પ.ની હતી તે અત્યારે કાઁગ્રેસની છે.

હવે કાઁગ્રેસે જીતવું હોય તો નહીં, પણ જીવવું હોય તો જે નેતાઓ નારાજ છે તેને પાંખમાં લઈને એ સ્થિતિ ઊભી કરવાની રહે કે તે બીજા પક્ષમાં જવા લલચાય નહીં. ગાંધી પરિવાર ભલે મોખરે રહે, પણ સારો નેતા ઉપેક્ષાનો ભોગ ન બને એ જોવાય તે જરૂરી છે. કાઁગ્રેસ મુસ્લિમોનો કે મુસ્લિમોના મત માટેનો જ પક્ષ છે એ સમજ દૂર ન થાય ત્યાં સુધી કાઁગ્રેસનો દા’ડો વળવાનો નથી. ઉત્તર પ્રદેશ પાસે ભા.જ.પ.ને મત ન આપવાનાં પૂરતાં કારણો હતાં. કૃષિકાનૂન સંદર્ભે ખેડૂતોની નારાજગી, લખીમપુરમાં ખેડૂતો પર પ્રધાનપુત્રની જીપ ચડાવી દેવાની ઘટના કે હાથરસની ગેંગ રેપની ઘટના યોગીના ઉત્તર પ્રદેશમાં જ બની હતી ને તેનાથી ઘણા નારાજ હતા, પણ ભા.જ.પ.ની વિરુદ્ધ ન પડે એવી હિન્દુત્વની લહેર પ્રબળ હતી એટલે ભા.જ.પ.ને બીજી વખત ઉત્તર પ્રદેશમાં શાસનની તકો ઊભી થઈ. એમ લાગે છે કે જે પણ પક્ષ હવે હિન્દુ મતદાતાઓની ચિંતા કરશે તેમને જીતની તકો વધશે. પ્રાદેશિક પક્ષો પણ મુસ્લિમ મતો ઉપરાંત દલિતોના ને સવર્ણોના મતની ગણતરીઓ મૂકે જ છે. એ નીતિ જો કાઁગ્રેસ નહીં અપનાવે તો હવે જીતવાનું તેને માટે અઘરું છે. કાઁગ્રેસે નેતાગીરી જ નહીં, વિચારસરણી પણ બદલવાની રહે છે. જે કારણોસર કાઁગ્રેસને મતો મળતા હતા એ જ કારણોસર હવે મતો મળે એમ નથી, કારણ મુસ્લિમો પણ હવે તેને મત આપતા વિચારે છે. કાઁગ્રેસને મત આપ્યા પછી પણ જો તેની હાર નિશ્ચિત લાગતી હોય તો મુસ્લિમો તેને મત નહીં આપે એમ બને. જો કે, એ સ્થિતિ બધાં જ રાજ્યોને લાગુ ન પણ પડે, પણ એટલું નક્કી છે કે હવે હિન્દુ મતોની અવગણના કોઈ પણ પક્ષને પરવડે એમ નથી. ભા.જ.પ.ને એ સમજાઈ ગયું છે, અન્ય પક્ષોએ સમજવાનું રહે. ભા.જ.પ.ને જે હરાવવા માંગે છે તેણે એટલું સમજી લેવાનું રહે કે હીરો જ હીરાને કાપે એ ન્યાયે હિન્દુ મતો આંચકી લેવાનો વ્યૂહ જે પક્ષ અપનાવશે તેની જીતની તકો વધશે.

દિલ્હી, પંજાબ પછી ગુજરાતમાં ને તેમાં ય સુરતમાં આપનું ખાતું ખૂલેલું છે. આપને ગુજરાતમાં તકો વધી શકે એમ છે, કારણ કાઁગ્રેસનો ‘ગાંધી ભક્તિ સંપ્રદાય’ એટલી જલદી બદલાય એવું લાગતું નથી. એ સ્થિતિમાં આપે ગંભીરતાથી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવાનું રહે. અહીં પાટીદારોના મતોનું પણ વિશેષ મૂલ્ય છે ને ભા.જ.પે. મોદીની નિશ્રામાં ગુજરાત ઉપરાંત લોકસભાની ચૂંટણી માટેનો શંખ તાજો જ ફૂંક્યો છે. મોદી સાથે સંમત થઈએ કે ના થઈએ, પણ જીતનાં સમીકરણો તેઓ બરાબર જાણે છે ને કયાં કઈ નીતિ ચાલશે એનો  પૂરો અભ્યાસ તેઓ કરે છે. તેમનું એક પણ પગલું ભોળપણમાં લેવાતું નથી. બધે જ બધાં કામ કરે છે એવું દૃશ્ય તેઓ રચાવા દે છે, પણ સત્તા સૂત્રો પોતાના હાથમાં હોય છે. નિર્ણયોની સત્તા રાજ્યોને નથી એવું નથી, પણ એક પણ નિર્ણય એમની જાણ બહાર કોઈ લઈ શકતું નથી ને એ નિર્ણયો લે છે એની તો કોઈને ગંધ સરખી ય આવતી નથી. ખાતરી કરવા દૂર જવાની જરૂર નથી. છેલ્લા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નીમાયા એની ખબર એમને આગલી મિનિટ સુધી ન હતી. ખાતરી ન થતી હોય તેમણે એ વખતનાં વર્તમાનપત્રો જોઈ લેવાં.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 માર્ચ 2022

Loading

લુચ્ચા અને લોંઠ પુતિનનું હ્યુબ્રિસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 March 2022

લંડનના 'ધ ટાઈમ્સ' સમાચારપત્રમાં એક કિસ્સો છપાયો છે. જૂન ૨૦૦૫માં, અમેરિકાનું એક બિઝનેસ પ્રતિનિધિમંડળ સેન્ટ પીટર્સબર્ગ ગયું હતું. ત્યાં તેમની મુલાકાત પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે હતી. એ મંડળમાં ન્યૂ ઈંગ્લેંડ પેટ્રિયોટ્સ ફૂટબોલ ટીમનો માલિક રોબર્ટ ક્રાફટ હતો. પુતિને તેની આંગળી પર ડાયમન્ડની બનેલી સુંદર વીંટી જોઈ. એ વર્ષે સુપર બાઉલ સ્પર્ધામાં ફિલાડેલ્ફીઆ ઈગલ્સને હરાવવા બદલ એ વીંટી મળી હતી. પુતિનને એ જોતા વેંત ગમી ગઈ. તેમણે એ વીંટી ટ્રાય કરવા માગી, પછી બોલ્યા, “આના વડે તો હું કોઈકનું ખૂન કરી શકું,” અને વીંટીને ખિસ્સામાં મૂકીને રૂમની બહાર નીકળી ગયા.

ત્રણ મહિના પછી, પુતિન ન્યૂયોર્કમાં મોડર્ન આર્ટના ગુગનહાઈમ મ્યુઝિયમમાં હતા. ત્યાંનો ક્યુરેટર પ્રેસિડેન્ટને ચીજવસ્તુઓ સમજાવતો હતો. એમાં એક કલાકૃતિ કાચની બનાવટની રશિયન કલાશનિકોવ બંદૂક હતી, જેમાં રશિયન વોડકા ભરેલો હતો. પુતિને તેમના એક સુરક્ષા જવાન તરફ જોઇને ડોકું હલાવ્યું. પેલો આગળ આવ્યો અને કલાકૃતિને પોતાની પાસે લઇ લીધી.

યુક્રેનની લોકતાંત્રિક ઢબે ચુંટાયેલી સરકારને ઉથલાવીને તેના સ્થાને કઠપૂતળી સરકારને બેસાડવા માટે લાવલશ્કર સાથે એ ટચુકડા દેશ પર પર ચઢાઈ કરવાની સરખામણીમાં પુતિનની આ ચોરી-ચપાટી તો ફિક્કી લાગે, પરંતુ બંને કિસ્સા પુતિનની માનસિકતાને સમજવા માટે ઉપયોગી છે. પુતિન લુચ્ચા અને લોંઠ છે. તેમણે તેમની યુવાનીમાં કરેલી અનેક બાથંબાથ અને ગાળાગાળીના કિસ્સાઓ કહેવામાં મજા આવે છે.

પુતિનમાં એક તાનાશાહનાં પૂરતાં લક્ષણો છે. યુક્રેન પર આક્રમણ કરતા પહેલાં, ૨૧મી ફેબ્રુઆરીના રોજ, ક્રેમલિનમાં મળેલી સુરક્ષા પરિષદની બેઠકમાં પુતિને કેવી રીતે તેમની ગુપ્તચર એજન્સીના વડાનું અપમાન કર્યું હતું તેનો એક વીડિયો ઘણો વાઈરલ થયો હતો. યુક્રેનના બે બળવાખોર પ્રાંતને સ્વતંત્ર ઘોષિત કરવા માટેના પુતિનના વડપણ હેઠળના આ બ્રિફિંગમાં, ફોરેન ઇન્ટેલિજન્સના વડા સર્ગેઈ નાર્યશ્કીને કહ્યું કે યુક્રેનના અલગતાવાદી પ્રાંતોને માન્યતા આપવાની ભલામણનું તેઓ “સમર્થન કરશે” (“વિલ સપોર્ટ”). પુતિને સ્કૂલ ટીચરની જેમ તેના કાન આમળ્યા, “સમર્થન કરશો કે સમર્થન કરો છો? મને સીધી ભાષામાં કહો” (“વિલ સપોર્ટ ઓર ડુ સપોર્ટ?).

દુનિયાભરમાં જેમણે પણ આ વીડિયો જોયો હતો તેમને એમાં કોઈ શંકા રહી ન હતી કે પુતિન મતભેદ કે અસહમતીની વાત તો બાજુએ રહી, ચર્ચા-વિચારણામાં પણ માનતા નથી. “હું કહું એમ જ કરવાનું, મારો શબ્દ જ આખરી ગણાશે” એવી માનસિકતા કોઈ વિવેકશીલ, ઉદાર, અને લોકતાંત્રિક નેતાની નહીં, તાનાશાહની જ હોય.

નેતામાં જ્યારે સત્તાનો નશો મગજ પર ચઢી જાય, ત્યારે પોતાની તાકાત અને માન્યતાઓની સચ્ચાઈ પ્રત્યે અતિ આત્મવિશ્વાસ આવી જાય. એમાં વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરવાની વૃત્તિ પણ આવી જાય. આ સત્તાના નશા કે અહંકાર કરતાં પણ આગળની માનસિકતા છે. તે માટે મનોવિજ્ઞાનમાં હ્યુબ્રિસ સિન્ડ્રોમ શબ્દ છે. એ એક એવી માનસિક અવસ્થા છે જેમાં રાજકારણ, બિઝનેસ કે અન્ય ક્ષેત્રોમાં કોઈ અવરોધ કે નિષ્ફળતા વગર લાંબો સમય સુધી માણસની સત્તા અને પ્રભાવ બરકરાર રહે તો તેના આચાર-વિચારમાં દુષ્ટતા વધતી જાય.

હ્યુબ્રિસ ગ્રીક શબ્દ છે. અર્થ છે, માનવતાનો અભાવ અને વધુ પડતી આત્મશ્રદ્ધા. પ્રાચીન એથેન્સમાં, કોઈ વ્યક્તિનું અપમાન કરવા માટે અથવા તેને નીચો પાડવા માટે હેતુપૂર્વક હિંસાનો ઉપયોગ થાય તો તેને હ્યુબ્રિસ વૃત્તિ કહેતા હતા. આધુનિક સમયમાં માણસને પોતાની શક્તિમાં અતાર્કિક વિશ્વાસ અને ઘમંડ હોય તેને હ્યુબ્રિસ કહે છે.

બ્રિટનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ન્યૂરોસાયન્ટિસ્ટ ડેવિડ ઓવેને ૨૦૦૯માં બ્રિટિશ મેડીકલ જર્નલ 'બ્રેઈન'માં તેમના એક લેખમાં હ્યુબ્રિસ સિન્ડ્રોમ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. એ લેખમાં તેમણે ૧૯૦૮થી ૨૦૦૯ સુધીના અમેરિકન અને બ્રિટિશ લીડરોના વ્યવહાર અને તેમના મેડીકલ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. ઇતિહાસમાં સફળતમ ગણાતા આ લીડરોમાં એક વૃત્તિ સરખી નીકળી હતી : તેમને ટીકાઓની સહેજે ય પડી ન હતી, અને ખુદની સફળતામાં અંધવિશ્વાસ હતો.

પાવરમાં હોવાથી આ વ્યક્તિઓની પર્સનાલિટી અને નિર્ણય-શક્તિ 'વાંકી' થઇ ગઈ હતી, તેઓ તેમની સત્તા અને તેનાં (કુ)પરિણામોનો વિકૃત આનંદ લેતા હતા, અને બીજા લોકો પ્રત્યે હમદર્દી ઓછી થવાથી તેઓ વિચારે અહંકારી નિર્ણયો લેતા હતા.

બ્રિટિશ ફિલોસોફર બર્ટ્રાન્ડ રુસેલે કહેલું કે, "પાવર મીઠો હોય. એ એવું ડ્રગ છે કે એની જેમ જેમ આદત પડે, તેમ તેમ એમ ચસકો વધતો જાય." સફળ નેતાઓ સાથે કરિશ્મા, લોકોને પ્રેરણા આપે તેવું વ્યક્તિત્વ, સાહસિક મહત્ત્વાકાંક્ષા, જોખમ વહોરવાની હિમ્મત અને આત્મ-વિશ્વાસ જેવા ગુણ જોડાયેલા છે, પરંતુ આ જ ગુણો એક નેતાને અતાર્કિક અને વિવેકશૂન્ય બનાવી દે છે. જર્મન તાનાશાહ હિટલર પર લખાયેલા એક જીવનચરિત્ર્યનું શીર્ષક છે, “હિટલર : ૧૮૮૯થી ૧૯૩૬ સુધીનું હ્યુબ્રિસ.”

આ માણસના ઈશારે નાઝીઓએ યુરોપના ૬૦ લાખ યહૂદીઓ અને બીજા ૫૦ લાખ યુદ્ધકેદીઓનો સંહાર કર્યો હતો. હિટલર જ્યારે યુદ્ધ હારી ગયો, ત્યારે જીવતા ન પકડાઈ જવાય તે માટે પત્ની સાથે આત્મહત્યા કરી હતી. મરતાં પહેલાં તેણે તેનું એક ‘રાજકીય સ્ટેટમેન્ટ’ લખાવ્યું હતું. તેમાં એક છેલ્લું વિધાન હતું : “આ બધા ઉપરાંત, હું રાષ્ટ્રની સરકાર અને જનતાને સૂચના આપું છું કે આંતરરાષ્ટ્રીય યહૂદીઓઓનો નિર્દયી રીતે સામનો કરવા માટે અને તેમને રોકવા માટે વંશીય કાનૂનોનું રક્ષણ કરે.”

હિટલર જીવતે જીવ ઉપરાંત મૃત્યુમાં પણ હ્યુબ્રિસ સિન્ડ્રોમથી પીડાતો હતો.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 માર્ચ 2022

Loading

કાઁગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 March 2022

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ઉપર નજર કરીએ તો બે નિષ્કર્ષ કાઢી શકાય. ખરું પૂછો તો અત્યારે આને અનુમાન કહેવું જોઈએ, નિષ્કર્ષ પર આવવાને હજુ વાર છે.

એક તો એ કે જો ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા સરકારી રાહત બેંકમાં આવ્યા કરે અને જેમ તેમ બે ટંકનો રોટલો નીકળી રહે તો મુસલમાનોને સીધા કરવા માટે હિંદુ મતદાતાઓ પોતાની એક પેઢી કુરબાન કરવા તૈયાર છે. રોજગારીનો અભાવ, યુવાનોનું અંધકારમય ભવિષ્ય, પેટ્રોલના ભાવ, મોંઘવારી, કોરોનાસંકટનું જગતમાં નાક કપાય એવું મિસમેનેજમેન્ટ, વિકાસ, કાયદાનું રાજ, સહિયારું ભારત, સહિયારો પુરુષાર્થ, ગરીબ અને ખેડૂતવિરોધી નીતિઓ એમ બધું જ ભૂલવા તૈયાર છે. અન્યથા ઉત્તર પ્રદેશમાં તો કમસેકમ બી.જે.પી.ને જીતવા માટે કોઈ કારણ જ નહોતું.

ભારતમાં દરેક નાગરિક એક દુશ્મનને લઈને જીવે છે અને એ દુશ્મન ગરીબી અને અજ્ઞાન  નથી, કોઈ વ્યક્તિ પણ નથી પણ કોઈને કોઈ સમૂહ છે. છેલ્લા દાયકા સુધીનું ભારતીય રાજકારણ એક સમૂહના બીજા સમૂહ સામેના અણગમા કે દુશ્મનીના ગણિત ઉપર ચાલતું હતું. એ સમૂહ જ્ઞાતિના સ્વરૂપમાં હતા, ભાષાના સ્વરૂપમાં હતા, પ્રદેશના સ્વરૂપમાં હતા, વગેરે. આને કારણે જ્ઞાતિકીય કે ભાષાકીય અસ્મિતાઓ પર આધારિત અનેક પ્રાદેશિક પક્ષો સ્થપાયા હતા. તેમની રાજકીય જીવાદોરી એક સમૂહના બીજા સમૂહ સામેની દુશ્મનીના ગણિત અને સમીકરણો પર આધારિત હતી. ડો રામમનોહર લોહિયાએ સામાજિક સમૂહોના સશક્તિકરણના નામે સમૂહોની દુશ્મનીનું ચૂંટણીકીય ગણિત રચી આપ્યું હતું.

હવે એ દુશ્મની મુસલમાનની સામે કોમી સ્વરૂપમાં કાયમ થઈ છે અને એ ભારતીય જનતા પક્ષની અને નરેન્દ્ર મોદી – અમિત શાહની અને એકંદરે સંઘ પરિવારની ઉપલબ્ધિ છે. અત્યંત ગણતરીપૂર્વક હિંદુ માનસ ઉપર કબજો કરીને ભારતીય નાગીરિકોની દુશ્મનીની ભાવનાને એક સમૂહ ઉપર કેન્દ્રિત કરી છે. જો ગુજરાન ચાલે એટલા પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા મળી જતા હોય તો બંદો મુસલમાનને સીધો દોર કરવા ઉપલબ્ધ છે. પાછું ડાયરેક્ટ ટ્રાન્સફરની સુવિધાને કારણે કોઈ કચેરીનાં પગથિયાં ઘસવાના નથી, કોઈ અમલદારને ઘૂસ આપવી પડતી નથી અને ઉપરથી વખત બચે છે. મહેનત કર્યા વિના અને અપમાનો સહન કર્યા વિના લહેરથી ભલે જેમતેમ પણ ગુજરાન ચાલે છે. ડેવલપમેન્ટ કેન વેઇટ. સદીઓ જૂનો મુસલમાન સામેનો પૂર્વગ્રહ આધારિત હિસાબ ચૂકતે કરવાનો મોકો મળ્યો છે.

તો વાતનો સાર એ કે ભારતીય રાજકારણમાં ‘દુશ્મન’ની કલ્પનામાં પરિવર્તન થયું છે અને એ પરિવર્તન નિર્ણાયક છે. ડૉ લોહિયાનું હિંદુ બનામ હિંદુની જગ્યા હવે હિંદુ બનામ મુસલમાને લીધી છે. હિંદુ બનામ હિંદુ, હિંદુ બનામ મુસલમાનના કોમી ધ્રુવીકરણને ખાળશે અને ભા.જ.પ.ને ક્યારે ય એકલા હાથે સત્તા સુધી પહોંચવા નહીં દે એ ધારણા ખોટી પડી છે. ભા.જ.પ.ને એકલા હાથે કેન્દ્રમાં બે મુદ્દતથી શાસન કરે છે. દેશનાં કેટલાંક મહત્ત્વનાં રાજ્યોમાં શાસન કરે છે અને હવે ઉત્તર પ્રદેશમાં બીજી મુદ્દત મળી છે જે મળવા માટે કોઈ કારણ નહોતું. ઉત્તર પ્રદેશે સાબિત કરી આપ્યું છે કે હિંદુ બનામ હિંદુની પરંપરાગત દુશ્મનીની ભલે ગમે એટલી વાતો થતી હોય, ભલે મનુવાદનો ભય બતાવવામાં આવતો હોય, ભલે બ્રાહ્મણી સાંસ્કૃતિક વર્ચસ્વ કે સાંસ્કૃતિક આક્રમણની વાતો થતી હોય; અત્યારે તાત્કાલિક દુશ્મન મુસલમાન છે. મોકો મળ્યો છે તો બધું જ બાજુએ. ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા ગુજરાન તો ચાલે જ છે. આમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાત સાચી છે કે ૨૦૨૪ની ચૂંટણી બી.જે.પી.ની છે અને એનો સ્વીકાર રાજકીય પંડિતોએ કરવો જોઈએ. મુસલમાન દુશ્મન અને ગુજરાન ચલવવાની ગેરંટી આપનારી ડાયરેક્ટ ટ્રાન્સફરની વિનિંગ ફોર્મ્યુલા હજુ કામ કરવાની છે.

અત્યારે બી.જે.પી.નો અને આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય અને ગયા મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાઁન્ગ્રેસનો ભવ્ય વિજય જોતા બીજો નિષ્કર્ષ એ છે કે દાયકાઓ જૂના રાજકીય પક્ષોને હવે તેનો અતિત નડે છે. જે તે રાજકીય પક્ષનું નામ પડતા ચોક્કસ પરિવાર, ચોક્કસ જ્ઞાતિઓની દાદાગીરી, પક્ષપાત, એકનું એક રાજકારણ વગેરેની યાદ આવે છે. તમે કહેશો કે ભારતીય જનતા પક્ષ પણ દાયકાઓ જૂનો પક્ષ છે અને એ પણ એકનું એક રાજકારણ કરે છે, પણ એક હકીકત નોંધવી જોઈએ કે નરેન્દ્ર મોદીના આગમન પછીનો ભા.જ.પ. અલગ છે અથવા અલગ ભાસે છે. નરેન્દ્ર મોદીએ ભા.જ.પ.નો ભૂતકાળ ભુલાવી દીધો છે. એ ભારતનો જયજયકાર હોય કે હિંદુરાષ્ટ્ર હોય ભારતના નાગરિકને કશુંક નવું નજરે પડી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને તૃણમુલ કાઁન્ગ્રેસ અતીતના બોજાથી મુક્ત છે. બન્ને પક્ષ પરિવાર, પક્ષપાત, ચોક્કસ પ્રજાસમૂહની દાદાગીરી અને તેનાં લાંબા કટુ સંસ્મરણોથી મુક્ત છે.

આને કારણે પશ્ચિમ બંગાળમાં મુકાબલો તૃણમૂલ કાઁન્ગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે હતો. કાઁન્ગ્રેસ અને ડાબેરી પક્ષો હોવા છતાં ન હોવા જેવા હતા. ઉત્તર પ્રદેશમાં મુકાબલો ભા.જ.પ. અને સમાજવાદી પક્ષ વચ્ચે હતો. બહુજન સમાજ પક્ષ અને કાઁન્ગ્રેસ હોવા છતાં ન હોવા જેવા હતા. અખિલેશ યાદવ ઠીકઠીક પ્રમાણમાં નવા સમાજવાદી પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ હજુ લોકો સમાજવાદી પક્ષનો અતીત ભૂલ્યા નથી. અખિલેશ યાદવે એ ભૂતકાળ ભૂલાવવો પડશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ તમામ પરંપરાગત રાજકીય પક્ષોના સુપડા સાફ કર્યા છે. ટૂંકમાં અતીતબોજથી મુક્ત નવા શાસકો સામેની નાગરિકોની ફરિયાદો એક તરફ અને તેમની જગ્યા લેવા માગનારા રાજકીય પક્ષોનો ભૂતકાળ એક તરફ. નવા શાસકોની તાત્કાલિક ક્ષતિઓ મતદાતા ભૂલીને માફ કરવા તૈયાર છે, પણ દાયકાઓ જૂનો ભૂતકાળ ભૂલવા તૈયાર નથી. 

જો આ નિષ્કર્ષ કે અનુમાન સાચાં હોય તો કાઁગ્રેસે પોતાના ભવિષ્ય વિષે વિચારવું જોઈએ. રાહુલ ગાંધી કે ગાંધીપરિવારનો કોઈ સભ્ય નવી કાઁન્ગ્રેસનું પ્રતિનિધિત્વ નથી કરતો અને કાઁન્ગ્રેસને અતીત ભૂલાવે એવા નવા નેતૃત્વની જરૂર છે. કદાચ એવું પણ બને કે નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ કાઁન્ગ્રેસમાં સમૂળગા પરિવર્તનનું કારણ બને અને જો એમ નહીં બને તો જે સ્થિતિ બહાદુરશાહ ઝફરની અને મુઘલ સામ્રાજ્યની બની હતી એવી સ્થિતિ ગાંધી પરિવાર અને કાઁન્ગ્રેસની થશે. કાઁન્ગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 માર્ચ 2022

Loading

...102030...1,4691,4701,4711,472...1,4801,4901,500...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved