Opinion Magazine
Number of visits: 9672121
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોલીસનો રાજકીય ઉપયોગ સઘળા પક્ષો કરે છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 July 2022

કેન્દ્ર અને રાજ્યોના આજના સઘળા સત્તાપક્ષો તેમની મરજી મુજબ પોલીસનો રાજકીય ઉપયોગ કરે છે. અને વિપક્ષો તેની આકરી ટીકા કરે છે. પણ આજના વિપક્ષો જેવા સત્તામાં આવે છે કે તેઓ પણ પોલીસનો રાજકીય ઉપયોગ કરવામાં જરા ય પાછા પડતા નથી. એટલે પોલીસના રાજકીયકરણનો આ સિલસિલો લગાતાર ચાલતો જ રહે છે.

પોલીસના રાજકીય ઉપયોગ કે દુરુપયોગના બે બનાવો તો હમણાના જ છે. ગુજરાતના કાઁગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વડા પ્રધાન સંદર્ભેની એક ટ્વીટ બદલ અસમની બી.જે.પી. સરકારની પોલીસે અડધી રાતે બી.જે.પી.શાસિત ગુજરાતમાં આવી ધરપકડ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સંદર્ભેની ટ્વીટ બદલ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારની પોલીસે દિલ્હીના બી.જે.પી. નેતા તેજિંદર બગ્ગાની દિલ્હી આવી ધરપકડ કરી હતી. આ હરકત બદલ કેન્દ્રની બી.જે.પી. સરકારની દિલ્હી પોલીસે પંજાબની વિપક્ષી પોલીસ સામે બગ્ગાના અપહરણની ફરિયાદ કરી હતી. હરિયાણાની ભા.જ.પા .સરકારની પોલીસની મદદ લઈ બગ્ગાની તત્કાળ શોધખાળ કરી તેમને દિલ્હી લઈ આવી હતી. અહીં પાંચેય રાજ્યોની પોલીસ સત્તાપક્ષની અંગત ફોજ તરીકે વર્તતી માલૂમ પડે છે.

દેશના ક્રિમિનલ પ્રોસિજર કોડમાં પોલીસના અધિકાર ક્ષેત્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ન  માત્ર આંતરરાજ્ય, રાજ્યના આંતર જિલ્લામાં પોલીસ કાર્યવાહી અને ધરપકડના નિયમો છે. તે પ્રમાણે તો મેજિસ્ટ્રેટ પાસેથી ટ્રાન્જિટ રિમાન્ડ લેવા પડે કે સંબંધિત રાજ્ય કે જિલ્લાની પોલીસની મંજૂરી અને મદદ લેવી પડે . પણ કાયદાકીય પ્રક્રિયા અને સામાન્ય શિષ્ટાચારને તડકે મૂકીને પોલીસ વર્તે છે. કહેવાની જરૂર નથી કે પોલીસની આવી કાર્યવાહી તેમના રાજકીય આકાઓના સમર્થનથી અને તેમના ઈશારે જ થઈ શકે છે. સૈયા ભયે કોટવાલની તર્જ પર જો સરકાર આપણી છે તો ડર કોનો કે કાયદો શું કરી લેવાનો છે તેવી બેફિકરાઈ પણ જોવા મળે છે.

મહાનગર મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંઘ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પર આક્ષેપો કરે અને પછી પોલીસ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે ત્યારે તે ભાગેડુ બની જાય તે પોલીસનું કઈ હદે રાજનીતિકરણ થઈ શકે તેનું વરવું ઉદાહરણ છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીના કોમી તોફાનોની પોલીસ તપાસ અને ધરપકડો એટલી તો રાજનીતિપ્રેરિત હતી કે દિલ્હી પોલીસની ભૂમિકા અંગે અદાલતે આકરી ટીકાઓ કરવી પડી હતી. રાજકીય હુકમરાનોના લાભાર્થે થતી આવી પોલીસ તપાસમાં પોલીસ જ ચોર અને ચોકીદારની ભૂમિકા ભજવે છે.

ભારતની પોલીસ વ્યવસ્થા અંગ્રેજોની દેન છે. બ્રિટિશ સરકારે તેની દમનકારી શાસન વ્યવસ્થાના રક્ષણ માટે પોલીસની રચના કરી હતી. પરંતુ આઝાદીના પંચોતેર વરસો પછી સ્વતંત્ર ભારતની પોલીસ તેમાંથી બહાર આવી નથી.  રાજનેતાઓની જીહજૂરી, તેમનું રક્ષણ અને બદલામાં મલાઈદાર પોસ્ટિંગ એ ભારતીય પોલીસની ઓળખ બની ગઈ છે. પ્રજાનું રક્ષણ તેની પ્રાયોરિટીમાં બહુ પાછળ છે.

‘સ્ટેટસ ઓફ પોલીસિંગ ઈન ઈન્ડિયા ૨૦૧૯’માં જણાવ્યા પ્રમાણ ૭૨ ટકા પોલીસકર્મી તેમના કામમાં રાજકીય દખલ થતી હોવાનું કબૂલે છે. નિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી જુલિયો રિબેરો લખે છે તેમ નિમણૂક અને બદલી કરતાં પોલીસ તપાસમાં રાજકીય હસ્તક્ષેપ વધારે હોય છે. કાયદાની અદાલતો આરોપીના ગુનાની સજાનો નિર્ણય પોલીસ તપાસના આધારે કરતી હોય છે એટલે રાજકારણીઓ પોલીસ તપાસને જ પોતાના પક્ષમાં કરવા તમામ પ્રયત્નો કરે છે.

સરકારો વિપક્ષના નેતાઓ સામે જ નહીં તેમના ટીકાકાર કર્મશીલો અને સંસ્થાઓ સામે પણ પોલીસનો રાજકીય ઉપયોગ કરે છે. પોતાના મળતિયા અને સમર્થક અપરાધીઓને છાવરવા અને પોષવા પણ પોલીસનો ઉપયોગ થાય છે. ઉત્તર પ્રદેશનો વિકાસ દુબે તેનું મોટું ઉદાહરણ છે. આવા અપરાધી તત્ત્વો જ્યારે ખુદ સરકારો સામે પડકાર બની જાય છે ત્યારે જ તેમને નાથવામાં આવે છે. ગુનેગારોની મિલકતો પર બુલડોઝર ચલાવી વાહવાહી લૂંટતી સરકારો આવા તત્ત્વોના ગેરકાયદે બાંધકામોને તે કોમી રમખાણોના માસ્ટર માઈન્ડ બને ત્યાં સુધી કેમ નિભાવતી હતી તેવો સવાલ કેમ પૂછાતો નથી ?

દેશમાં લગભગ પચીસ હજાર પોલીસ થાણા અને આશરે અઢી કરોડ પોલીસકર્મીઓ છે. હથિયારધારી અને બિનહથિયારધારી, સીમા સુરક્ષાદળ અને અર્ધ સૈનિક દળ, લોકરક્ષક અને ગ્રામ રક્ષક, ઔધોગિક પોલીસ અને લશ્કર – જેવા જાતભાતના પોલીસ દળોનું પહેલું કર્તવ્ય તો લોકોનું રક્ષણ, કાયદો વ્યવસ્થાની જાળવણી, સરહદોની સુરક્ષા અને કાયદાના પાલનનું છે. પણ નેતાઓની સુરક્ષા અને તેમના પ્રત્યેની વફાદારી જ જાણે કે તેમનું મુખ્ય કામ બની ગયું છે. શા માટે લોકોના મનમાં પોલીસ પ્રત્યે ડર અને અવિશ્વાસ છે ? શું તેના માટે રાજકારણીઓ સાથે ખુદ પોલીસની પણ કોઈ જવાબદારી ખરી કે નહીં?

પૂર્વ પોલીસ અધિકારી પ્રકાશ સિંઘ લિખિત “ધ સ્ટ્રગલ ફૉર પોલીસ રિફોર્મ્સ ઈન ઈન્ડિયા” પુસ્તકમાં  ભારતમાં પોલીસ સુધારનો માર્ગ કેટલો દીર્ઘ અને કઠિન છે તેનું આલેખન છે. રાષ્ટ્રીય પોલીસ આયોગના દળદાર આઠ અહેવાલોમાં પોલીસ રિફોર્મ્સ અંગેની વિગતો છે. સુપ્રીમ કોર્ટ ઑફ ઈન્ડિયાએ છેક ૨૦૦૬માં પોલીસ સુધાર માટે સરકારોને નિર્દેશો આપ્યા હતા. પરંતુ તે દિશામાં રાજકીય પક્ષોને કામ કરવું નથી. દેશના દોઢ ડઝન કરતાં વધુ રાજ્યોએ સર્વોચ્ચ અદાલતના ૨૦૦૬ના નિર્દેશો પછી ઘડેલા પોલીસ અધિનિયમોનો મુખ્ય ઉદ્દેશ જ નિર્દેશોને બિન અસરકારક બનાવવાનો, પોલીસ સુધારથી દૂર રહેવાનો અને સરવાળે પોલીસના મનફાવતા ઉપયોગનો હતો.

પશ્ચિમ બંગાળની રાજકીય હિંસા, બસ્તરની નક્સલી હિંસા અને કશ્મીરની આતંકી હિંસા – એ સૌને નાથવા માટેની રાજકીય ઈચ્છાના અભાવ સાથે પોલીસને તટસ્થ, નિષ્પક્ષ અને પ્રોફેશનલ અભિગમયુક્ત બનતી કોણ અટકાવે છે તે હવે કોઈથી અજાણ્યું નથી. પોલીસની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા ભારતના કાયદા અને બંધારણ પ્રત્યે હોવાને બદલે રાજકીય પક્ષો અને રાજનેતાઓ પ્રત્યે છે. “પોલીસને એક ભ્રષ્ટ અને દમનકારી સંસ્થા તરીકે જોવામાં આવે છે અને તેના પ્રત્યે આખા દેશમાં અસંતોષ છે “, એવું ગુલામ ભારતના, ૨૦૦૨માં લોર્ડ કર્ઝન રચિત, પોલીસ કમિશનનું તારણ હતું. પોલીસે આઝાદ ભારતમાં પણ તેની ભ્રષ્ટ અને પ્રજાપીડક તરીકેની ઓળખ જાળવીને તેમાં રાજકીય ઉપયોગનું છોગું ઉમેર્યું છે  

e.mail : maheriyachandu@gmail.com

Loading

અઘરું તો છે

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|12 July 2022

સહુ કહે; એ માનવું અઘરું તો છે;

જૂઠ પણ સ્વીકારવું અઘરું તો છે.

જેનો પડછાયો ય મંજૂર હોય નહિ,

એની સાથે ચાલવું અઘરું તો છે.

જેઓ હાલી નીકળ્યા હલકટ થઈ,

એમને પડકારવું અઘરું તો છે.

આવતીકાલો વિષે પ્રશ્ર્નો ન કર;

કે કશું પણ ધારવું અઘરું તો છે. 

હું સૂતેલાંને જગાડું ઢંઢોળી,

જાણું છું; કે જાગવું અઘરું તો છે.

હર પળે રંગો બદલતા બહુરૂપી !

કદ કોઈનું માપવું અઘરું તો છે.

સરઘસો, રેલી અને પાગલપણું,

એથી અળગા થઇ જવું અઘરું તો છે. 

ખેસ પ્હેરી જૂઠનો જાહેરમાં,

સત્યને લ્હેરાવવું અઘરું તો છે.

મારું પોતાનું ય કૈં જીવવું પડે,

સહુના જેવું લાગવું અઘરું તો છે.

સ્હેજ હો તો મનને પણ સમજાવીએ,

સાવ પથ્થર થઇ જવું અઘરું તો છે.

રોજ મારી નાગરિકતા તરફડે,

રોજ છાપું વાંચવું અઘરું તો છે.

શાહી ફરમાનો મુબારક હો તને,

એ કહે ત્યાં નાચવું અઘરું તો છે.

ખૈર હો મારા મુલક; તારી હવે,

સત્યને સમજાવવું અઘરું તો છે. 

તું  ‘પ્રણય’, ઘરબાʼરવાળો શખ્સ છે, 

બાળી ઘરને – તાપવું અઘરું તો છે.

તા. ૦૨/૦૬/૨૦૨૨

Loading

લંકાદહન હનુમાન જ નહીં, શ્રીલંકન પ્રજા પણ કરી શકે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 July 2022

રામાયણમાં હનુમાને રાવણની લંકા ફૂંકી હતી, તે વાતને યુગો વીત્યા. તે પછી ફરી એવી સ્થિતિ આવી છે કે શ્રીલંકા ફરી સળગ્યું છે. કોણ જાણે કેમ પણ, રાવણનાં માથાં એટલાં વધ્યાં છે કે આ વખતે શ્રીલંકન પ્રજાએ જ હનુમાનનું કાર્ય કરવાનું આવ્યું છે. એ એટલી ઉશ્કેરાઈ છે કે તે હનુમાનની રાહ જોઈ શકે એમ નથી. પ્રજા એટલી પીડાઈ છે કે તેણે જ સરકારને આગ ચાંપવા માંડી છે. શ્રીલંકન સરકારનો કારભાર એટલો કથળ્યો છે કે તેના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપકસેએ અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજકીય પદો છોડવાં પડ્યાં છે. બે દિવસ પર પ્રજાએ વડા પ્રધાનના નિવાસ સ્થાનને આગ ચાંપી દીધી હતી. પ્રજા એટલી ઉશ્કેરાઈ કે તેણે રાષ્ટ્રપતિ ભવનનો કબજો લઈ લીધો ને રાષ્ટ્રપતિને અંગરક્ષકોએ આર્મી હેડ ક્વાર્ટરમાં ખસેડવા પડ્યા. હેડક્વાર્ટરથી તેમણે 13 જુલાઈએ રાજીનામું આપવાની વાત કરી છે. જો ગોટબાયા રાજીનામું આપે ને બધું બરાબર ચાલે તો નવી નિમણૂક એકાદ મહિનામાં થાય એમ બને.

1948માં લોકતંત્રનો પ્રારંભ થયો, તે પછી શ્રીલંકામાં સૌથી ખરાબ સમય છેલ્લા થોડા મહિનાઓમાં આર્થિક સંકટનો આવ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈ.એમ.એફ.) શ્રીલંકામાં પરિસ્થિતિ બદલાય એની રાહ જુએ છે જેથી પેકેજ અંગે જાહેરાત થઈ શકે. અમેરિકાએ પણ થોડા સમય પર અપીલ કરી હતી કે કોઈ પણ સરકારે પ્રજાના અસંતોષને ઠારી શકે એવાં પગલાં ઝડપથી ભરવાં જોઈએ, પણ હકીકત એ છે કે સરકારને જ આર્થિક સંકટમાંથી ઉગરવાની ઈચ્છા ન હતી એટલે આવવું જોઈતું પરિણામ જ આવ્યું છે. રાજપકસે પરિવાર જે રીતે સરકારમાં વર્ચસ્વ જમાવીને બેઠો હતો તેમાં ભ્રષ્ટતા ન આચરાય એ શક્ય જ ન હતું.

અગાઉ પણ મેની શરૂઆતમાં ઉશ્કેરાયેલા લોકોએ કોલંબોમાં રાજપકસેના ભાઈ અને પૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપકસેના સત્તાવાર નિવાસ સ્થાનને ઘેરી લીધું હતું ને ત્યારે પણ મહિન્દાએ પરિવાર સમેત ભાગવું પડ્યું હતું. આ ઘટના રાષ્ટ્રપતિ નિમિત્તે ફરી બની. એપ્રિલ સુધી સરકારમાં રાજપકસે પરિવારના જ પાંચ સભ્યો સત્તામાં હતા. આ પરિવારનું રાષ્ટ્રીય બજેટ પર 70 ટકા જેટલું સીધું નિયંત્રણ હતું. એના પરથી પણ આ પરિવાર સત્તામાં શું કામ આવ્યો હશે તે સમજી શકાય એમ છે. આ પરિવાર પર 42 હજાર કરોડ દેશની બહાર લઈ જવાનો આરોપ છે. મહિન્દા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ હતા એ દરમિયાન મહિન્દાએ ભાઈ ગોટબાયાને તમિળ ચળવળને કચડી નાખવાનો આદેશ આપ્યો હતો. મહિન્દાનાં શાસન દરમિયાન જ ચીન અને શ્રીલંકા નજીક આવ્યાં અને ચીને 7 બિલિયન ડોલરની લોન આપી. જે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ માટે લોન લેવાઈ તેને નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો. ભૂતપૂર્વ લશ્કરી અધિકારી ગોટબાયા 2019માં રાષ્ટ્રપતિ થયા. એમણે કરવેરામાં કાપ મૂક્યો ને રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. આગળ જતાં આ બાબત આર્થિક સંકટનું કારણ બની. 71 વર્ષના બાસિલ રાજપક્સે નાણા મંત્રી હતા. એમણે સરકારી કમિશન એ હદે ખાધું કે તે ‘મિસ્ટર 10 ટકા’ તરીકે ઓળખાયા. તેમના પર લાખો ડોલરનો ગેરઉપયોગ કરવાનો આરોપ હતો, પણ ગોટબાયા રાષ્ટ્રપતિ થયા કે તમામ કેસોનો વીંટો વાળી દેવામાં આવ્યો.

એક બાજુ પારિવારિક ભ્રષ્ટાચાર અને બીજી બાજુ ચીન, જાપાન, ભારત, જેવા દેશો પાસેથી તથા વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક…માંથી લેવાયેલી ભારે ભરખમ લોન, ગમે તેવા સમૃદ્ધ દેશને પણ નબળો પાડે. એ શ્રીલંકાને નસીબે પણ આવ્યું. બાકી હતું તે રાનિલ વિક્રમસિંઘેએ ચીનની લોન ચૂકવણીના બદલામાં હમ્બનટોટા બંદર 99 વર્ષ માટે લીઝ પર આપ્યું. એનાથી પતનની શરૂઆત થઈ. શ્રીલંકાની કુલ નિકાસ કરતાં આયાત 10 બિલિયન ડોલર વધારે છે. મેના અંત સુધીમાં તેનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને માત્ર 1.92 બિલિયન જ રહી ગયો છે ને તેને માથે 4 બિલિયન ડોલરનું દેવું છે. શ્રીલંકા આમ પણ આયાત પર નિર્ભર છે. દવાઓ, ખાદ્યપદાર્થ, બળતણ જેવી બાબતે તેણે આયાત પર જ આધાર રાખવો પડે છે. દેખીતું છે કે વિદેશી હુંડિયામણની અછત હોય તો ચીજવસ્તુઓની ખરીદી ઘટે ને તેની તંગી ઊભી થાય ને તે મોંઘવારી વધારવામાં જ પરિણમે. આગામી થોડા મહિનાઓમાં દવા, બળતણ, ખાદ્યસામગ્રીની ખરીદી માટે 6 બિલિયન ડોલરની જરૂર છે, પણ હાલના સંજોગોમાં શ્રીલંકાની ક્ષમતા જ એટલી નથી કે તે ખરીદી કરી શકે.

વારુ, કોરોનાએ અને આતંકી હુમલાઓએ શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો માર્યો. એપ્રિલ 2019માં ઈસ્ટર સન્ડે પર, કોલંબોમાં ત્રણ ચર્ચ પર આતંકી હુમલાઓમાં 260 લોકોએ જીવ ખોયા. એની અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ પડી. તેમાં કોરોનાએ ભરડો લીધો ને 2019માં જ પ્રવાસીઓમાં 21 ટકાનો ઘટાડો થયો. આ બધું જોતાં લાગે છે કે શ્રીલંકન સરકારની ભ્રષ્ટતા જ શ્રીલંકાને ડુબાડવામાં કારણભૂત છે. એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ દેશનું રાજકારણ સત્તાધારી રાજકીય પરિવારો બગાડતાં હોય છે. પરિવારવાદ જેમ ભારતને ફળ્યો નથી, એમ જ શ્રીલંકાને પણ ફળ્યો નથી. એમ પણ લાગે છે કે શ્રીલંકામાં વિપક્ષની પણ એવી કોઈ ભૂમિકા જણાતી નથી જે ભ્રષ્ટાચાર અને ઉધારીને પડકારે, વધારામાં શ્રીલંકન સરકારનો ભારત પરનો શંકાશીલ સ્વભાવ પણ ભાગ ભજવી ગયો છે. એક તબક્કે ભારતનો વિરોધ કરવાનું પણ શ્રીલંકા ચૂક્યું નથી, ખાસ કરીને તમિળ ચળવળને દબાવવામાં ભારત સાથેનું શ્રીલંકાનું વલણ આવકાર્ય રહ્યું નથી. એ જ કારણ છે કે શ્રીલંકાએ ભારત જેવો પડોશી હાથવગો હોવા છતાં ચીન પર ભરોસો મૂક્યો ને હમ્બનટોટા બંદર 99 વર્ષના પટે લખી આપ્યું. એ ખરું કે ચીનની રમતનો ભોગ શ્રીલંકા બન્યું છે ને હાલની પરિસ્થિતિનો લાભ લીધા વગર ચીન રહે તો તેને ચમત્કાર જ ગણવાનો રહે. શ્રીલંકાએ એ કદી ભૂલવા જેવું નથી કે ભારત સાથે બગાડયું હોવા છતાં, પડખે તો ભારત જ રહ્યું છે. ગયા એપ્રિલમાં બળતણનું સંકટ ઊભું થયું ત્યારે ભારતે 1.20 લાખ ટન ડીઝલ અને 40 હજાર ટન પેટ્રોલ તથા 2.5 અબજ ડોલરની સહાય શ્રીલંકાને આપવાની વાત કરી હતી. મેમાં જ્યારે મહિન્દા રાજપકસે એ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને 12 સાંસદોના ઘરે આગ લગાવી દેવાઈ ને હિંસામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા, ત્યારે પણ ભારત દવા, અનાજ વગેરે મદદની સાથોસાથ જ 3.5 અરબ ડોલરની મદદ આપી ચૂક્યું હતું. આ ઉપરાંત ગઈ કાલે જ વિદેશ મંત્રી એસ. જયશંકરે જાહેર કર્યું છે કે આર્થિક સંકટને પહોંચી વળવા ભારત, શ્રીલંકાને હર સંભવ મદદ કરશે.

ઘરનાં ઘંટી ચાટે… એ સ્થિતિમાં પણ ભારત પડોશી રાષ્ટ્રોનું ભૂંડું નથી ઇચ્છતું એ જગજાહેર છે. 1962નું યુદ્ધ ભૂલીને ભારત ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને મન મૂકીને આવકારે છે. ભારતના વડા પ્રધાન ઓચિંતા જ નવાઝ શરીફની વર્ષગાંઠ પર અભિનંદન આપવા સીધા પાકિસ્તાન પહોંચી જાય છે કે નેપાળ, ચીનની શરમમાં તણાતું હોય તો પણ ભારત તેનું ભલું જ ઈચ્છે છે. વરસી પડવાની કોઈ જરૂર ન હોય, તો પણ ભારત બીજાં રાષ્ટ્રો જેવું નિષ્ઠુર થઈ શકતું નથી તે માનવતાને કારણે. પોતાના દેશમાં ટીકાને પાત્ર બનતું હોય તો પણ ભારત માણસાઈ ચૂકતું નથી, કારણ તે માણસમાં જ હોય છે, તેની અપેક્ષા પશુ પાસેથી રખાતી નથી. ભારતની વૈશ્વિક સ્તરે એ પ્રતિભા ઉપસી છે કે તે વિશ્વને મદદ કરી શકે. કોરોના કાળમાં રસી, અનાજ વગેરેની મદદ વિશ્વને કરવા ભારતે હાથ લંબાવ્યો છે ને તે માટે તેની થાય એટલી સરાહના ઓછી છે, પણ કેટલીક બાબતે ભારતે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. શ્રીલંકાનો દાખલો સામે જ છે ત્યારે ભારતે એ ભૂલો કરવાથી બચવું જોઈએ જેને લીધે શ્રીલંકાએ પતન નોંતર્યું છે.

ગમે એટલું ભવ્ય રાષ્ટ્ર પણ ભ્રષ્ટ થાય તો તે મોડું વહેલું પડ્યા વગર રહેતું નથી. ભારતમાં ભ્રષ્ટાચાર નથી  એવું કહી શકાશે નહીં. એટલું છે કે રાજપકસે પરિવારે શ્રીલંકા ડુબાડયું, એવો પરિવારવાદ હવે ભારતમાં એટલો પ્રભાવક નથી, પણ કેટલાક રાજકારણીઓ ભ્રષ્ટ છે જ. આ ભ્રષ્ટતા જવી જોઈએ. એ ઉપરાંત ભારતનાં રાજકારણમાંથી વિપક્ષને ખતમ કરવાની યુક્તિઓ અટકવી જોઈએ. શ્રીલંકામાં વિપક્ષનો એવો પ્રભાવ નથી કે તે રાષ્ટ્રને પતન તરફ ધકેલાતું રોકે. લોકશાહીમાં વિપક્ષનું મહત્ત્વ ન સ્વીકારાય તો તે લોકશાહીને જ ખતમ કરે છે. દેશ એક તરફથી ભ્રષ્ટ થતો જાય ને બીજી તરફ અમર્યાદ લોનનો ગુલામ બને તો તે કેવી સ્થિતિએ પહોંચે તેનું તાજું ઉદાહરણ શ્રીલંકાએ પૂરું પાડ્યું છે.

છેલ્લે સૌથી મહત્ત્વની વાત તે જનતાનું મહત્ત્વ. લોકો બહુ સહિષ્ણુ છે. ઘણું વેઠે છે. તે જરૂરી ચીજવસ્તુઓ મોંઘી મળે તો ઓછી ખરીદીને પણ ચલાવી લે છે. રાજકારણીઓને ભ્રષ્ટ થતા જોઈને પ્રજા પણ ભ્રષ્ટ થાય છે, પણ એથી સરવાળે હાનિ રાષ્ટ્રને જ પહોંચે છે. એમાં પણ એક વર્ગ એવો છે જે આ બધાંથી દૂર, પોતાનું શોષણ થવા દે છે. પણ, એની પણ એક મર્યાદા છે. એનો ભંગ થાય છે ત્યારે તે સત્તા તરફ કીડિયારાની જેમ ધસે છે ને અજગર ભરડો લેતી સત્તાને ફોલી ખાય છે. એ સ્થિતિમાં સત્તાને ભાગવા સિવાય આરો રહેતો નથી. આ સ્થિતિ શ્રીલંકાની થઈ છે. ઈચ્છીએ કે શ્રીલંકા જેવી સ્થિતિ બીજા કોઈ દેશની ન થાય …

 000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જુલાઈ 2022

Loading

...102030...1,4621,4631,4641,465...1,4701,4801,490...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved