Opinion Magazine
Number of visits: 9569613
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્ય-જ્યોત —11

સુમન શાહ|Opinion - Opinion|5 June 2022

જ્યોત ૧૧ : કાવ્યમાધ્યમ :

કાવ્યનાં માધ્યમો જાણીતાં છે : પદરચના. અક્ષરમેળ. પ્રવાહી પદ્યરચના. માત્રામેળ. પરમ્પરિત. અછાન્દસ. વગેરે.

આમ તો કાવ્યમાધ્યમ પદ્યને કે ગદ્યને ઢાળવા માટેનું બીબું કહેવાય. કાવ્યમાધ્યમ અક્ષરમેળથી હોય, માત્રામેળથી કે અછાન્દસમાં હોય છે એવા શકલોથી હોય, પણ હમેશાં જન્માવે છે, લય. અને તેથી એ માત્ર બીબું નથી રહી જતું, સર્જનપ્રક્રિયાનું અવિનાભાવી અંગ બની જાય છે.

કોઈપણ લયમેળથી સિદ્ધ થયેલું પદ્યવહન, તે કાવ્યરચનાનું માધ્યમ છે.

‘લય’ માટે અંગ્રેજીમાં શબ્દ છે, rhythm. રીધમનો અર્થ ‘લય’-ને બિલકુલ સમાન નથી, વળી તે સંગીતકલાની ચર્ચામાં પણ પ્રયોજાય છે અને ત્યાં એનો બીજો અર્થ ’તાલ’ પણ થાય છે, તેમ છતાં, કામચલાઉ ધૉરણે રીધમ શબ્દનો ઉપયોગ કાવ્યમાધ્યમની ચર્ચામાં કરી શકાય.

કેમ કે મૂળે તો એ ધ્વનિના સુયુત એકમોનું નિયમસરનું પુનરાવર્તન હોય છે. જેમ કે, ધ્વનિશાસ્ત્રમાં – ફોનેટિક્સમાં – સ્ટ્રેસ, ટાઇમિન્ગ અને સિલેબલની માત્રાથી અંકિત થયેલી વાણીની ગતિ રીધમ છે. કાવ્યશાસ્ત્રમાં – પોએટિક્સમાં – પદ્યમાં કે વાક્યોમાં આવતા ધ્વનિ અને શાન્તતાનાં લઘુ કે ગુરુ, કોમળ કે પરુષ, વગેરે તત્ત્વોના આવર્તક પરિવર્તનથી અનુભવાય તે રીધમ છે.

ગુજરાતીનો છે તેમ દરેક ભાષાનો પોતાનો લય હોય છે. ભાષાના લય પર સર્જક કામ કરે એટલે એક સર્જનાત્મક લય પ્રગટે છે. કાવ્ય હમેશાં લયમાં હોય, તે ગદ્યમાં હોય તો પણ. સમજવાનું એ છે કે સર્જકને પોતાની ભાષા – નેટિવ લૅન્ગ્વેજ – આત્મસાત્ થઈ હશે તો જ એ કાવ્યભાષાના સ્વરૂપ અને કાર્ય વિશે સરખું વિચારી શકશે, અને તો જ એ પોતાના કાવ્યને અનુરૂપ માધ્યમ શોધી શકશે.

એવું અનુરૂપ માધ્યમ સંગીત પ્રગટાવે છે અને કૃતિને એ સંગીત નિર્વ્યાજ કાવ્યત્વ અર્પે છે. કાવ્ય ગદ્યમાં હોય તો પણ ગદ્યની લુખ્ખાસ ઓગળી જાય છે અને પદ્યની સુંવાળપ અનુભવાય છે.

સમજની એ બેવડ ત્રેવડ ભૂમિકાએ ઊભીને સર્જકે પોતાની રચના કયા માધ્યમમાં કરવી તેનો પાકો નિર્ણય કરવાનો હોય છે. એ નિર્ણય પાકો પુરવાર ત્યારે જ થશે જ્યારે સરજાનારી કૃતિને એ જ માધ્યમ વહી શકતું હશે, કૃતિને આકાર આપવામાં એ જ માધ્યમ કાર્યક્ષમ પુરવાર થતું હશે.

વિચારો કે “મેઘદૂત”-માં કાલિદાસે યક્ષના વિરહની વાર્તા ૧૦૦થી પણ વધુ શ્લોકોમાં પણ એક જ છન્દ મન્દાક્રાન્તામાં કેમ કરી છે. કાલિદાસે “અભિજ્ઞાન શાકુન્તલમ્” નાટક ગદ્યમાં લખ્યું છે પણ તેમાં કાવ્યશીલ શ્લોકો વિવિધ છન્દોમાં મૂક્યા છે, તેથી શું સિદ્ધ થયું છે.

પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોમાં કડવાના રાગ કે ઢાળ સૂચવ્યા છે, તે કેમ.

દલપતરામે રૂડા લખ્યા છન્દ પણ તેથી કાવ્યત્વ પ્રગટ્યું કે કંઈક બીજું.

કાન્તે ‘સાગર અને શશી’ ઝૂલણા છન્દમાં જ કેમ લખ્યું છે. પોતાના ખણ્ડકાવ્યોમાં, બહુશ: દરેકમાં, કાન્તે છન્દવૈવિધ્ય કેમ પ્રયોજ્યું છે.

'ક્લાન્ત કવિ' બાલાશંકરે પ્રયોજેલા શિખરિણી છન્દથી ઉમાશંકરે પ્રયોજેલો શિખરિણી કેમ રસાળ છે. ઉમાશંકરે શિખરિણી વારંવાર વાપર્યો છે, તે કેમ.

શ્રીધરાણીએ ‘ક્રાન્તિનાદ’ અને ‘ભરતી’ પૃથ્વી છન્દમાં લખ્યાં છે, છતાં, બન્નેની કાવ્યપરક ઉપલબ્ધિ જુદી જુદી રીતે આસ્વાદ્ય કેમ છે.

સુરેશ જોષીએ ‘એક રોમાન્ટિક કવિનું દુ:સ્વપ્ન’ કશા સુખ્યાત છન્દમાં કેમ નથી કર્યું.

લાભશંકર ઠાકરના કોઈ કોઈ અછાન્દસ કાવ્યોમાં છન્દના ટુકડા પણ છે, તે શું સાભિપ્રાય છે કે ઘુસાડેલા છે.

વિચારવાથી મુદ્દો બરાબર અવગત થશે.

કાવ્યમાધ્યમ પાકા નિર્ણય પછી પણ પુરવાર થયું કે કેમ તેની ખરાખરી કાવ્યસિદ્ધાન્તોનો કોઈ મતિયો નહીં કરી શકે, કેમ કે એ કામ કાવ્યકલામર્મજ્ઞ સમીક્ષાપુરુષનું છે.

લયમેળ માટે લઘુ-ગુરુની કે માત્રાઓની કે સિલેબલ્સની ગણતરીમાં સર્જક પાવરધો તો હોવો જ જોઈએ. પરન્તુ લાગે કે કાવ્યત્વને કોઇ વર્ણ કે ધ્વનિ કે શ્રુતિ નડે છે તો એણે યથાશક્ય છૂટ લેવી જોઇએ, બલકે, જરૂર જણાય તો નક્કી કરેલા માધ્યમને ફગાવીને અનુકૂળની શોધમાં નીકળી પડવું જોઇએ.

કોઇ પણ કાવ્યમાધ્યમ સર્જન માટે હોય છે, નહીં કે સર્જન કાવ્યમાધ્યમ માટે ! જોડામાં પગ બેસતો ન હોય તો પગને ચૉમેરથી છોલી નથી નાખતા, જોડો મોટો પડતો હોય તો પગ પર પાટા નથી વીંટી લેતા, નવો જોડો શોધીએ છીએ, એના જેવું !

= = =

(June 5, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

અનાજની કટોકટીઃ પર્યાવરણ, યુદ્ધ અને રોગચાળાને કારણે દુનિયા ભર્યા ભંડારે ભૂખી રહેશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 June 2022

ભવિષ્યમાં ભૂખમરો વેઠનારા લોકોની સંખ્યા 276 મિલિયનથી 323 મિલિયન થઇ શકે છે – યુદ્ધો રોકીને પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં જોર લગાડવાની તાતી જરૂર છે.

રાજકીય સ્વતંત્રતાનો અર્થ ત્યાં સુધી નથી સરતો જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતાને મામલે આપણે એક રાષ્ટ્ર તરીકે સધ્ધર હોઇએ. ખાધ્ય અનાજને મામલે આપણે એક દેશ તરીકે, તે પણ ખાસ કરીને આપણે જ્યારે એક ખેતીપ્રધાન દેશ હોઇએ ત્યારે – આત્મનિર્ભર હોઇએ તે સૌથી અનિવાર્ય બાબત છે. સ્વતંત્રતા હાથમાં આવી, પણ ત્યારે આપણે ખાદ્યની તંગીમા જીવનારો દેશ હતા અને સાંઇઠના દાયકામાં આ પરિસ્થિતિ વધુ આકરી બની. આ એ દિવસો હતા જ્યારે આયાત કરાયેલું ધાન – ખાદ્ય સામગ્રી બને એટલી જલદી લોકોના ઘર સુધી પહોંચે તેની સગવડ કરવી એક માત્ર ઉકેલ હતો. અંગ્રેજીમાં હેન્ડ ટુ માઉથના વાક્યપ્રયોગનો ઉપયોગ થાય છે, ત્યારે ‘શિપ ટુ માઉથ’ એવો વાક્યપ્રયોગ થતો – જહાજો મારફતે ધાન ભારત પહોંચતું. પણ એ ત્યારની વાત છે. આજે એવા સંજોગો છે કે ફુડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ગોડાઉન્સ અનાજના ભંડારોથી ઉભરાઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમતો ચુકવવાને મામલે કોઇ ખાતરી નથી આપી શકતી.

આ બદલાવ પણ ઝડપથી નથી આવ્યો. વિચારો કે સાંઇઠના દાયકામાં વડા પ્રધાનને અન્ય રાષ્ટ્રો પાસે અનાજ માંગવુ પડતું – અણગમતી સ્થિતિ ખરી પણ ટાળી ન શકાય એવી હાલત. કૃષિ વિજ્ઞાન પર સતત કામ કરાયું અને અનાજ ઉત્પાદનને મામલે ભારતને આત્મનિર્ભર કરાયો અને ભારતે જોઇ હરિયાળી ક્રાંતિ. 7 જૂનને વર્લ્ડ ફૂડ સેફટી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જ્યારે કંઇ નહોતું ત્યારે પણ પ્રશ્નો હતા અને આજે અધધધ છે ત્યારે પણ પ્રશ્નો છે – સ્વાભાવિક છે કે પ્રશ્નો જુદાં હોય પણ સમસ્યાઓ ઉકલે નહીં તે ઘણું બધું કહી જાય છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો – આ પ્રતિબંધ પણ ત્યારે આવ્યો જ્યારે થોડા દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વ આખું ઘઉંની અછત વેઠી રહ્યું છે ત્યારે ભારતના ખેડૂતો આગળ આવ્યા. આ પ્રતિબંધનો નિર્ણય લેવાનું કારણ હતું હીટવેવ જેને લીધે પાકને નુકસાન થયું. વિદેશ વ્યાપારના ડિરેક્ટોરેટના સરકારી ગેઝેટમાં એક નોટિસ હતી જે અનુસાર વૈશ્વિક સ્તરે ઘઉંની કિંમતોમાં જે વધારો થયો છે તે ભારત અને આસપાસના સંવેદનશીલ દેશોની ફૂડ સિક્યોરિટી – ખાદ્ય સુરક્ષા પર જોખમી સાબિત થશે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલાં આ બન્ને દેશ ઘઉં અને બારલીની નિકાસને મામલે વિશ્વમાં ત્રીજા ક્રમાંકે હતા. યુક્રેનના બંદરો બંધ કરાયેલા છે અને અનાજના ભંડારો – માળખું બધું નાશ પામ્યું છે. આપણે ઘઉંના ઉત્પાદનને મામલે વિશ્વમાં બીજા ક્રમાંકે છીએ પણ સૌથી વધુ ઘઉંનો વપરાશ કરનારા દેશમાં આપણે મોખરે છીએ. ભારતે 2022-23 દરમિયાન 10 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી યુરોપ, આફ્રિકા અને એશિયાના નવા માર્કેટ્સ ખડા થઇ શકે કારણ કે યુદ્ધને કારણે ત્યાં સંજોગો કપરા હતા. જો યુદ્ધ ન થયું હોત તો આ ઘઉં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં પહોંચ્યા હોત. મોસમે તો પાક બગાડ્યો જ પણ રોગચાળા દરમિયાન 800 મિલિયન લોકોને અનાજની નિઃશુલ્ક વહેંચણી કરાઇ છે. પુરવઠા અને માંગને સંતુલિત કરવા માટે સરકારને દર વર્ષે 25 મિલિયન ટન ઘઉંની દર વર્ષે જરૂર પડે છે ખાદ્ય કલ્યાણ યોજના અંતર્ગત જેનાથી 80 મિલિયન લોકોને નિઃશુલ્ક અનાજ પહોંચાડી શકાય.

વૈશ્વિક સ્તરે જોઇએ તો અનાજની કિંમતો આકાશે આંબી છે, ખાદ્ય સુરક્ષાની સ્થિતિ મોટા ભાગના વિકાસશીલ દેશોમાં વણસી છે.  2021માં 200 મિલિયન લોકોએ ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે. આ આંકડો 2016ના આંકડા કરતા બમણો છે. આખરે આ સંજોગો શેને કારણે? પર્યાવરણમાં આવતા બદલાવ, રોગચાળો અને છેલ્લાં બે વર્ષમાં થયેલા રાજકીય સંઘર્ષો આ હાલતના મુખ્ય કારણ છે. ઇથોપિયા, દક્ષિણ સુદાન, દક્ષિણ માડાગાસ્કરમાં ભૂખે મરનારાઓનો આંકડો કૂદકે અને ભૂસકે વધ્યો છે. 2021ની સરખામણીએ ખાદ્યની કિંમતોમાં 26 ટકા વધારો થયો છે. ઘઉંની કિંમતોમાં 61 ટકા વધારો થયો છે અને વર્લ્ડ બેંકની ધારણા છે કે આ કિંમતો હજી વધે તેવી વકી છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાની સમસ્યા જેટલી આકરી બની રહી છે તેટલી જ કપરી સ્થિતિ ભારત માટે થાય કારણ કે મોટા જથ્થામાં અનાજ મોકલવું પડે. આપણે ત્યાં અર્થતંત્ર બરડ બન્યું છે, રોગચાળા પછી લોકોને એક કોળિયો નસીબમાં નથી ત્યારે આપણે નિકાસ કરીએ તો ઘરનાં ભૂખ્યાં મરે. પણ શું આ માત્ર માંગ અને પુરવઠાનો ખેલ છે? એક રિપોર્ટ અનુસાર આ કોમોડિટી માર્કેટ્સ અંગે ધારણાઓ જાહેર કરતી રોકાણકારી સંસ્થાઓ અને ફંડિગ આપતી સંસ્થાઓને કારણે ભાવ વધારો થયો છે. આ હાલત માટે લૉબીઇસ્ટ અને ખાદ્ય ક્ષેત્ર પર કાબૂ રાખનારાઓ પણ જવાબદાર છે. છેલ્લાં બે વર્ષમાં રોકાણકારોએ કૃષિ ઉત્પાદનોમાં પોતાની ભાગીદારી વધારી, હેજ ફંડ્ઝ, ઇવેસ્ટમેન્ટ બેંક્સ, પેન્શન ફંડ તમામે વૈશ્વિક સ્તરે ભૂખ અને ગરીબી વધારી છે. આ એક એવું સટ્ટાબજાર છે જે ભૂખ પર ખેલાય છે.

ઘઉંની ચિંતા આખી દુનિયા કરે છે કારણ કે મકાઇ અને સોયાબીન પછી ઘઉં સૌથી વધુ વપરાતો પાક છે. ખાદ્ય સુરક્ષા માટે તે સૌથી અગત્યનું અનાજ છે. આપણે વૈશ્વિક ખાદ્ય કટોકટીની ધાર પર ઊભા છીએ. રોબિન્સન મેયર નામના વિશ્લેષકે લખ્યું છે કે ઘઉં નથી એ સમસ્યા નથી પણ ઘઉં ખોટા સ્થળોએ છે તે જ મોટી સમસ્યા છે. રશિયા અને યુક્રેન મળીને 55 મિલયન ટન ઘઉં પેદા કરે છે – જે હાલમાં પણ છે – પણ એ પુરવઠાનું થશે શું તેનો કોઇ ઉત્તર નથી.  વળી યુદ્ધ એક માત્ર કારણ નથી. ક્લાઇમેટ ચેન્જને લગતી ઘટનાઓ ખાદ્ય સુરક્ષાનો પ્રશ્ન વધુને વધુ મોટો બનાવે છે. 2021માં વિશ્વમાં ઘઉંની અછત કેનેડા અને યુ.એસ.એ.ના હીટવેવ અને દુકાળને કારણે સર્જાઇ. ચીને પણ ગયા વર્ષે જે વરસાદ વેઠ્યો તેમાં 30 મિલયન એકર જેટલો પાક બગડ્યો અને આ મોસમને કારણે 18 મિલિયન એકર જમીન પર વાવણી મોડી થઇ અને પછી સર્જાઇ ખાદ્ય કટોકટી.

સમય પાક્યો છે કે રાષ્ટ્રો ખાદ્ય સુરક્ષાને મુદ્દે પર્યાવરણમાં આવતા આકરા પરિવર્તનોનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે કારણ કે સત્તાનું જોર, યુદ્ધમાં વિજય કે શસ્ત્રોનું જોર બતાડીને દેશવાસીઓના પેટ નહીં ભરી શકાય.

બાય ધી વેઃ

ભારત પર આખી દુનિયાની નજર છે. એમાં ય આપણે સ્થાનિક બજારને પ્રાધાન્ય આપીને નિકાસ અટકાવી તેની આકરી ટીકા થઇ રહી છે. આપણે સમજવું પડશે કે ઘઉંની અછત માત્ર ખોરાકની વાત નથી. જ્યારે દેશોને સાવ પ્રાથમિક કહી શકાય તેવા ખોરાકના પુરવઠાના પણ વાંધા હોય ત્યારે તેની અસર અર્થતંત્ર અને સમાજ વ્યવસ્થા પર એક સરખી જ પડે છે. ભવિષ્યમાં ભૂખમરો વેઠનારા લોકોની સંખ્યા 276 મિલિયનથી 323 મિલિયન થઇ શકે છે – યુદ્ધો રોકીને પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં જોર લગાડવાની તાતી જરૂર છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  05 જૂન 2022

Loading

હવે ડો. આંબેડકરનું અપહરણ થઈ ગયું છે !

રમેશ સવાણી|Opinion - Opinion|5 June 2022

ડો. આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના રોજ 22 પ્રતિજ્ઞાઓ પોતાના અનુયાયીઓને લેવડાવી હતી. તેમાં ‘બ્રહ્મા/વિષ્ણુ/મહેશ/રામ/કૃષ્ણ/ગૌરી/ગણપતિમાં આસ્થા નહીં રાખું કે પૂજા નહીં કરું’ – એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. વર્ણવ્યવસ્થાના કારણે દલિતો સાથે અપમાનજનક વહેવાર અટકતો ન હતો, એટલે ડો. આંબેડકરે આ પગલું ભર્યું હતું.

ગોડસેવાદી સત્તાપક્ષે અનેક અપહરણો કર્યા છે. વિચારધારાનું નહીં, લોકપ્રિય ચહેરાઓનું અપહરણ કરવાની તેમની મોડસ ઓપરેન્ડી છે; બહુ જ સીફતપૂર્વક આ કામ કરે છે. વિવેકાનંદ/ભગતસિંહ/સુભાષચંદ્ર બોઝ/સરદાર પટેલ પછી ડો. આંબેડકરનું અપહરણ કરી નાંખ્યું છે ! જેમણે હિન્દુઓના દેવી-દેવતામાં આસ્થા નહીં રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી; તેમના જન્મસ્થળ-મહૂમાં વિશ્વ હિન્દુ પરિષદે 21 એપ્રિલ 2022ના રોજ સંગીતમય ‘આંબેડકર-કથા’નું આયોજન કર્યું હતું ! સત્તાપક્ષનો અનુસૂચિત જાતિ મોરચો પણ આ કથામાં જોડાયો હતો. મહુના સત્તાપક્ષના MLA ઉષા ઠાકુર હાજર રહ્યા હતા. 13 માર્ચ 2022ના રોજ, વિશ્વ હિન્દુ પરિષદે આઝાદીનો 75મો અમૃત મહોત્સવ નિમિત્તે ઈન્દોરથી મહુ સુધી 25 કિલોમીટરની મોટરસાયકલ યાત્રા કાઢી હતી. આ યાત્રાનું નામ હતું – ‘સંવિધાન સન્માન યાત્રા !’ એક ખુલ્લી જીપમાં સંવિધાનની પ્રત રાખવાનાં આવી હતી અને જીપને તિરંગાને બદલે, ભગવા ધ્વજથી શણગારેલ હતી! સંવિધાન ઉપર ફૂલમાળાઓ હતી ! ‘જય સંવિધાન’ સાથે ‘જયશ્રી રામ’ના નારા લગાવ્યા હતા!

સવાલ એ છે કે RSS/સત્તાપક્ષને લોકપ્રિય ચહેરાઓના અપહરણ કરવાની જરૂર કેમ પડે છે? RSSની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925ના રોજ થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી – 97 વરસમાં, લોકપ્રિય રાષ્ટ્રીય નેતાઓની અછત હોવાથી, રાષ્ટ્રીય લોકપ્રિય નેતાઓના અપહરણની યોજના તેમણે અમલમાં મૂકી છે. સરદાર પટેલે ગાંધીજીની હત્યા બાદ RSS ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ! છતાં સરદારનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવીને તેમનું અપહરણ કરી નાંખ્યું ! સરદારનું કદ વધારવા પાછળ ગાંધીજી/નેહરુનું કદ ઘટાડવાનો છૂપો એજન્ડા પણ ખરો !

ડો. આંબેડકર દલિતવર્ગ સિવાયના વર્ગોના પણ સ્વીકાર્ય નેતા છે; તેમણે કેટલાંક મુદ્દાઓ પર ગાંધીજી અને નેહરુની આલોચના કરી હતી; આ કારણે RSSને દોડવું હતું અને ઢાળ મળ્યો ! RSS ડો. આંબેડકર ઉપર ભગવો રંગ ચડાવી દે તો સંઘની/સત્તાપક્ષની સ્વીકાર્યતા અનેક ગણી વધી જાય ! આંબેડકરને ભગવા રંગે રંગવા સંધે બે કામ કર્યા; 1970માં, ડો. આંબેડકરના જન્મસ્થળ પર સ્મારક બનાવવાની માંગ કરી અને બૌદ્ધધર્મને હિન્દુધર્મનો ભાગ સાબિત કર્યો ! આ બન્ને કામમાં સંઘને સફળતા મળી છે. 1989 માં, વડા પ્રધાન વી.પી. સિંહે સ્મારક બનાવવા 22,500 ચોરસ ફૂટ આર્મીની જમીન લીઝ ઉપર ફાળવી હતી. સ્મારક 2007માં તૈયાર થયું હતું. હાલની સ્થિતિ એ છે કે મહુ સ્મારકનું સંચાલન સંધના હાથમાં છે. 2016માં, વડા પ્રધાન મહુ આવ્યા ત્યારે તેમણે બાબા સાહેબ સાથે જોડાયેલ પાંચ જગ્યાઓ – જન્મભૂમિ – મહુ / અભ્યાસભૂમિ-લંડન / ચૈત્યભૂમિ-મુંબઈ / દીક્ષાભૂમિ-નાગપુર / નિર્વાણભૂમિ-દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્મારક બનાવવાની – ‘પંચતીર્થ’ની ઘોષણા કરી તે આવકારદાયક પગલું હતું; પરંતુ પંચતીર્થના પ્રચાર-સાહિત્યમાં પાને-પાને વડા પ્રધાનના ફોટાઓ અને તેમના વિચારો મૂકવામાં આવે છે ! આ કેવું સન્માન? વડા પ્રધાને, ડો. આંબેડકરના વિચારોને તિલાંજલિ આપી દીધી છે ! આંબેડકર સાંપ્રદાયિકતાના સખ્ત વિરોધી હતા, જ્યારે વડા પ્રધાને સત્તા માટે સાંપ્રદાયિકતાને અતિ મહત્ત્વ આપ્યું છે ! હિન્દુ કોડ બિલ વેળાએ, ડો. આંબેડકરના પૂતળા સળગાવનાર સંધે, આંબેડકરનો ચહેરો અપનાવ્યો છે; પરંતુ તેમની વિચારધારા પ્રત્યે ભયંકર અછૂતપણું રાખી છેતરપિંડી કરી છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,4611,4621,4631,464...1,4701,4801,490...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved