Opinion Magazine
Number of visits: 9672660
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે કોને વિજયી જોવા ઈચ્છો છો,અસત્યનો પ્રચાર કરનારાઓને કે ઈશ્વરને ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 July 2022

અમારાં ગામમાં એક દરજી હતો. એ બહેરો હતો એટલે અમે નિશાળિયાઓ નિશાળે જતાં અને આવતાં તેને બેરો (બહેરો) કહીને ચીડવતા અને તે ચીડાતો. એ પછી એવું થયું કે તે નિશાળે જવાને અને છુટવાને ટાણે હાથમાં લાકડી લઈને ઓટલે બેસતો એટલે અમે દૂરથી બેરો કહીને મહાલક્ષ્મીના ચોકનો આંટો વાઢીને નિશાળે જતા. એક દિવસ કંટાળીને તેણે મારા કાકાને (પિતાશ્રીને અમે કાકા કહેતા) ફરિયાદ કરી. મારા કાકા મને લઈને તેની દુકાને ગયા. તેમણે મને કહ્યું કે તમે આ ભાઈને ચીડવીને જે મજા લઈ રહ્યા છો એ વિકૃત મજા છે. કોઈને પીડા આપીને મેળવેલું સુખ એ સુખ નથી. આ વિકૃતિ આગળ જતાં નીચતામાં પરિણમી શકે છે અને હું નથી ઈચ્છતો કે મારો દીકરો નીચ નીવડે. તેમણે પેલા દરજીને કહ્યું કે આ લોકો તને ત્યાં સુધી જ ચીડવી શકશે જ્યાં સુધી તું ચિડાઈશ. તું ચિડાવાનું બંધ કરી દઈશ એ ક્ષણે આ લોકોના હાથ હેઠા પડશે.

 આ વાત સમાજને પણ લાગુ પડે છે. કેટલાક લોકોને કોઈને (વ્યક્તિ કે ચોક્કસ પ્રજાસમૂહને) ચીડવવામાં કે નિંદા કરવામાં એક પ્રકારનું સુખ મળતું હોય છે જે અનિવાર્યપણે વિકૃત હોય છે. બીજી બાજુ કેટલાક લોકો ખરેખર ચીડાતા પણ હોય છે. મેં મારા બાળપણનો પ્રસંગ ટાંકીને કહ્યું એમ ચીડવનારનું અસ્તિત્વ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી ચીડનાર હોય છે. સંબંધિત વ્યક્તિ ચીડવાનું બંધ કરે એટલે ચીડવનારાના હાથ હેઠા પડે. પણ એવું બનતું નથી. સમાજનો એક સારો એવો મોટો વર્ગ સંયમ જાળવી શકતો નથી. ઘણાં લોકોને આવી વિકૃતિમાં એટલું બંધુ સુખ મળતું હોય છે કે તેઓ તે રોકી શકતા નથી તો બીજી બાજુ ઘણાં લોકો વિકૃત પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરીને ઉપેક્ષાવૃત્તિ કેળવી શકતા નથી.

વિકૃતિનો આ એક ચહેરો થયો. વિકૃતિનો એક બીજો ચહેરો પણ છે જે છેતરામણો છે. મૂલ્યાંકનના નામે અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે વિકૃતિને વાચા આપવામાં આવે છે. એ મૂલ્યાંકન નથી હોતું, ચારિત્ર્યહનન હોય છે. બહુ વ્યવસ્થિત રીતે કોઈ એક વ્યક્તિ કે ચોક્કસ સમાજ કે ચોક્કસ ધર્મ-સંપ્રદાય વિષે માફક આવે એવી માહિતી એકઠી કરવામાં આવે છે અને ન હોય તો પેદા કરવામાં આવે છે. એ પછી પ્રચારયંત્રણા દ્વારા તેને વહેતી કરવામાં આવે છે. એને સતત વહેતી રાખવામાં આવે છે તે ત્યાં સુધી કે લોકો તેને સત્ય માનીને એક કાનથી બીજા કાને કહેતા ન થાય. લોકો જ્યારે કર્ણોપકર્ણ સાંભળેલી વાત સાચી માનીને આગળ વહાવતા જાય અને ઉપરથી પોતાનાં કૃત્યનો બચાવ કરતા થાય ત્યારે આવું કરાવનારાઓ સત્ય પર થયેલા અસત્યના વિજયનો ઓડકાર ખાય છે.

તો બે પ્રકારની વિકૃતિ સમાજમાં જોવા મળે છે. એક ભલે વિકૃતિ પણ એકંદરે નિર્દોષ વિકૃતિ. કોઈને હેરાન કરીને હલકી મજા લેવા સિવાય તેમનો ખાસ કશો એજન્ડા હોતો નથી અને બીજી વિકૃતિ સદોષ વિકૃતિ હોય છે. ગણતરીપૂર્વક એજન્ડાના ભાગરૂપે કોઈને બદનામ કરવાના. સત્ય ઉપર અસત્યનું આરોપણ જેને અંગ્રેજીમાં પોસ્ટ-ટ્રુથ તરીકે ઓળખાવવામાં આવે છે. આવું કરનારાઓને સત્ય પરવડતું નથી અને અસત્યમાં તેમનો સ્વાર્થ હોય છે. તેઓ તેમાં વિવેક કરવાની ક્ષમતા નહીં ધરાવનારાઓનો અને કોઈની બદબોઈ કરીને વિકૃત મજા લેનારાઓનો ઉપયોગ કરે છે.

આજકાલ મારા મનમાં સતત એક પ્રશ્ન ઘુમરાયા કરે છે. મૂંડકોપનિષદમાં કહેવાયેલા વચનનું શું? મૂંડક ઉપનિષદમાં કહ્યું છે : सत्यमेव जयते नानृतं सत्येन पन्था: विवतो देवयान: । येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् परमम् निधानम् ।। ઋષિ કહે છે: “હંમેશાં સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. સત્યના માર્ગે ચાલવાથી યાત્રીનો માર્ગ મોકળો અને સુલભ થાય છે અને એ રીતે જ્યાં સત્યનું ધામ છે ત્યાં પહોંચી શકાય છે.” ઋષિ માત્ર એટલું કહીને નથી અટકતા કે સત્યનો વિજય થાય છે. તે તો કહે છે માત્ર સત્યનો જ વિજય થાય અને અસત્યનો કદાપી વિજય નથી થતો. હજુ આગળ વધીને કહે છે કે જો તમારે પરમ સત્ય પામવું હોય તો સત્યનો જ માર્ગ અપનાવવો પડશે અને જો તમે સત્યનો માર્ગ અપનાવશો તો તમારો માર્ગ અર્થાત્ જીવનયાત્રા સુલભ થતી જશે.

તો કસોટી આપણી અર્થાત્ માનવસમાજની થઈ રહી છે કે ઋષિવચનની જે સનાતન ધર્મની માન્યતા મુજબ ઈશ્વરે કહેલાં વચન છે? સનાતન ધર્મીઓની માન્યતા મુજબ વેદો અને ઉપનિષદો અપૌરૂષેય છે એટલે કે કોઈ પુરુષની રચના નથી, પણ ખુદ ઈશ્વરે ઋષિઓનાં મોઢે કહેલાં વચનો છે. બીજું સનાતન ધર્મની માન્યતા મુજબ વેદો અને ઉપનિષદો સનાતન ધર્મનો પાયો છે. એના વિના સનાતન ધર્મ સંભવી જ ન શકે. તો પછી કસોટી કોની થઈ રહી છે? આપણી કે ઈશ્વરની? વાસ્તવમાં તમે સાયબર સેલ અને સોશ્યલ મીડિયા દ્વારા ગાંધીજીને પરાજીત કરી રહ્યા છે તમારા ઈશ્વરને? તમે જ્યારે જાણતા હોવાં છતાં જૂઠાણાં ફેલાવો છો ત્યારે તમે ગાંધીદ્રોહ કરી રહ્યા છો કે ઈશ્વરદ્રોહ? કે પછી સનાતન ધર્મદ્રોહ? સાચો હિંદુ કોણ? તમે કે ગાંધી?

તો કસોટી ગાંધીની નથી થઈ રહી, ઈશ્વરની થઈ રહી છે. ઋષિવચનની થઈ રહી છે, અપૌરૂષેય વેદો અને ઉપનિષદોની થઈ રહી છે અને સનાતન ધર્મની થઈ રહી છે. તમે કોને વિજયી જોવા ઈચ્છો છો; અસત્યનો પ્રચાર કરનારાઓને કે ઈશ્વરને?

ટૂંકમાં આજે હિંદુઓ સામૂહિક રીતે તેમના ઈશ્વરની અને ઈશ્વરે ચિંધેલા માર્ગની અર્થાત્ ધર્મની જ પરીક્ષા કરી રહ્યા છે. સામૂહિક રીતે એ નવું છે. ધર્માભિમાનીઓ સામૂહિકપણે તેમના વહાલા ધર્મને ખાઈમાં ધકેલી રહ્યા છે. આવું માત્ર હિંદુઓ જ નથી કરતા, બધા જ ધર્મના ધર્માભિમાનીઓ આ કરી રહ્યા છે. અભિમાન અને સત્ય સાથે ન રહી શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 જુલાઈ 2022 

Loading

ક્લિનિકલ ટ્રાયલ્સઃ કૌભાંડ, નૈતિકતા, માનવાધિકાર, અર્થતંત્રની ભેદરેખાઓનું કોકડું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 July 2022

બે અઠવાડિયા પહેલાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ ડ્રગ્ઝ, મેડિકલ ડિવાઇસિસ અને કૉસ્મેટિક્સ બિલ 2022નો કાચો ડ્રાફ્ટ રજૂ કર્યો. આ નવા ડ્રાફ્ટને 1940ના ડ્રગ્ઝ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના વિકલ્પ તરીકે રજૂ કરાયો છે અને તેની સાથે જ હાલમાં જે રીતે ડ્રગ અને મેડિકલ ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે તેમાં કેટલાક મોટા ફેરફારની ચર્ચા કરાઇ છે. આ ડ્રાફ્ટમાં બીજી બધી જોગવાઇની વાત તો છે જ પણ જેની આપણે આજે ચર્ચા કરવાની છે તે છે ક્લિનિકલ ટ્રાયલમાં થતાં મોત અંગેની. આ ડ્રાફ્ટ અનુસાર ક્લિનિકલ ટ્રાયલમાં જો કોઇને ઇજા થાય અથવા કોઇનું મોત થાય તો દંડ અને જેલવાસની સજા ફટકારવાની વાત કરાઇ છે.

માણસો પર થતાં ક્લિનિકલ ટ્રાયલની વાત કરતી એક વેબ સિરીઝ ‘હ્યુમન્સ’ થોડા મહિનાઓ પહેલા રિલીઝ થઇ હતી. પૈસા મળતા હોય એટલે ક્લિનિકલ ટ્રાયલ માટે જાત ધરી દેતા ગરીબોની આપણા દેશમાં કોઇ ખોટ નથી. એવા જ મુદ્દા પર મેડિકલ ફ્રેટર્નિટીની પહોંચેલી વ્યક્તિઓ કઇ રીતે સાચી ખોટી દવાઓની ટ્રાયલ્સ માણસો પર કરે છે, અને તેની તેમની જિંદગી પર શું અસર થાય છે તે આ વેબ-સિરીઝનું કથાનક હતું. સ્વાભાવિક છે કે મેડિકલ ક્ષેત્રે થતા ભ્રષ્ટાચારને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ સિરીઝને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો. જો કે આ તો સ્ક્રીન પર બતાડાયેલી બાબત છે, તેમાં નાટ્યાત્મકતા માટે પણ ઘણું બધું ઉમેરાયું હોય. પરંતુ માણસો પર થતા ડ્રગ ટ્રાયલ એક વાસ્તવિકતા છે. આ નવા ધારાના ડ્રાફ્ટમાં એ જોગવાઇ પણ ઉમેરાઇ છે કે ડ્રગ ટ્રાયલ ચાલુ હોય ત્યારે કોઇ પણ દુર્ઘટના ઘટે ત્યારે જે સંશોધન કરી રહ્યા છે તેમની સલામતી ખાતર પણ મેડિકલ મેનેજમેન્ટ હાજર હોવું જોઇએ. નવી જોગવાઇ કરાઇ કારણ કે પહેલાં આવું કશું જ હતું નહીં. જો આ નવો પ્રસ્તાવ મંજૂર થઇ જાય તો અત્યારે જે રીતે ક્લિનિકલ ટ્રાયલ્સ થાય છે તેમાં મોટો ફેર આવશે.

એક રિપોર્ટ અનુસાર 2011થી 2020ના દાયકામાં ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારાઓમાંથી 311 જણા મોતને ભેટ્યા હતા. આમ તો ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારા 4,506 લોકો મોતને ભેટ્યા હતા પણ તેમાંથી ટ્રાયલને કારણે મોત થયા હોય તેવા 311 જણા હતા. તેમના પરિવારને 8 લાખની આસાપાસ જેટલું વળતર પણ આપવામા આવ્યું હતું. આ દાયકામાં ક્લિનિકલ ટ્રાયલ્સને કારણે બહુ ભારે નહીં તેવી આડઅસરોનો ભોગ બનાવ્યા હોય તેવા લોકોની સંખ્યા 22,176 છે. ભારતમાં ક્લિનિકલ ટ્રાયલનો ભૂતકાળ પહેલેથી જ ખરડાયેલો છે. 15 જૂન 2009થી એ ફરજિયાત બનાવાયું કે જે પણ ક્લિનિકલ ટ્રાયલ કરતા હોય તેવી ફાર્મા કંપનીઓએ ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટરી ઑફ ઇન્ડિયા પર નોંધણી કરાવવી પડશે અને તે વિગતો જાહેર રખાશે. કોરોનાવાઇરસ રોગચાળાની શરૂઆતમાં ક્લિનિકલ ટ્રાયલ્સનું પ્રમાણ વધ્યું. ધી વાયર સાયન્સને મળેલા ડેટા અનુસાર 2011થી 2020 સુધી 28 હજારથી વધુ ટ્રાયલ્સ રજિસ્ટર થઇ અને તેમાંથી સાડા સાત હજાર જેટલી ટ્રાયલ્સ 2020માં જ નોંધાઇ હતી. આ પહેલાનાં ચાર વર્ષનના આંકડા જોઇએ તો ક્લિનિકલ ડ્રગ ટ્રાયલને લીધે 2008માં 288ના મોત થયાં, 2009માં 637ના મોત થયાં, 2010માં 668 તો 2011માં 438 જણનાં મોત થયાં. નવી દવાઓ, વેક્સિન, નવા મેડિકલ મશીન્સ, સર્જિકલ ટેકનિક્સ, દાંતની સારવારને લગતી પ્રક્રિયાઓ અને આયુષ ટ્રીટમેન્ટ્સની ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવે છે. આ મોતનો આંકડો જેટલો છે તેની સામે વળતર મેળવનારાઓનો આંકડો નહિવત્ છે. જો કે ફાર્મા કંપનીઓનો દાવો રહ્યો છે કે આ તમામ મોત માત્રને માત્ર ક્લિનિકલ ટ્રાયલને કારણે નથી થયા, અમુક કિસ્સામાં દરદીઓ પહેલેથી જ કોઇ બિમારીનો ભોગ બનેલા હોવાથી મોતને ભેટ્યાં છે.

ભારત બાયોટેકની કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 15 જણાની મોત થઇ હતી જો કે એવી કોઇ ખરાઇ કે ખાતરી નહોતી કરાઇ કે આ મોત કોવેક્સિનના ઉપયોગને કારણે જ થયાં હતાં. ક્લિનિકલ ટ્રાયલ કરનારાઓએ આ તમામ સિરિયસ એડવર્સ ઇવેન્ટ – એસ.એ.ઇ. – અંગે માહિતી જાહેર કરવી જ પડે છે. આવાં મોત થયાં હોવાની ખબર પડે પછી તેનું પૂરું સંશોધન કરાય છે.

વૈશ્વિક સ્તરે ક્લિનિકલ ટ્રાયલ્સની વાત કરીએ તો તેના આંકડા મેળવવા આસાન નથી પણ વૈશ્વિકરણે ક્લિનિકલ ટ્રાયલ્સ કયા દેશમાં થવી જોઇએ તેના પરિમાણ બદલ્યાં છે. વિદેશી ફાર્મા કંપનીઓ પણ નિમ્ન અને મધ્ય સ્તરીય આવક ધરાવતા દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાનું પસંદ કરે છે. આ ચલણને કારણે આર્થિક રીતે સદ્ધર દેશોના ફાયદા માટે આર્થિક રીતે વંચિત દેશોના નાગરિકોનું શોષણ થઇ રહ્યું હોવાની ચિંતા પણ એક્સપર્ટ્સે વ્યક્ત કરી છે. ફાર્મા કંપનીઝના આર્થિક સ્વાર્થ અને સંશોધનની અનિવાર્યતા વચ્ચેની પાતળી ભેદરેખા સચવાય તે બહુ જરૂરી છે નહીંતર માનવાધિકારના પ્રશ્નો ખડા થાય. પરંતુ મેલેરિયાની વેક્સિનની ટ્રાયલ ઉત્તર અમેરિકા કે યુરોપમાં કરવાનો અર્થ નથી કારણ કે ત્યાં આ બિમારીના પૂરતા દરદીઓ પણ નહીં મળે. વળી ટ્રાયલ કરનારાઓને ખબર હોય છે કે ઓછી કે મધ્યમ આવક ધરાવનારા દેશોમાં આ પ્રકારની ટ્રાયલ્સ માટે નોંધણી કરાવનારાઓની ખોટ નહીં હોય – ઘણી વાર તો આ ટ્રાયલ્સ એક માત્ર રસ્તો હોય છે જેનાથી અમુક દેશના નાગરિકોને મેડિકલ કૅર મળી શકે.

ક્લિનિકલ ટ્રાયલ્સમાં કૌભાંડ પણ બહાર આવ્યા છે – જેમ કે સાંઇઠના દાયકામાં જર્મનીમાં જન્મેલા કેટલાં ય બાળકો શારીરિક વિકૃતિઓ સાથે જન્મ્યાં હતાં. સંશોધન કરતા જાહેર થયું કે જર્મન કંપની વિકસાવેલી સેડેટિવ (ઊંઘ આવે તેવી દવા) થેલિડોમાઇડના પ્રયોગોનું આ પરિણામ હતું. જનતાએ મચાવેલા હોબાળાને પગલે એ પણ બહાર આવ્યું કે આ ડ્રગ માર્કેટમાં મુકાઇ તે પહેલાં તેની પૂરતી ચકાસણી નહોતી કરાઇ અને એફ.ડી.એ. (યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) સાથે આકરી ચર્ચાઓ બાદ નવી ડ્રગ્ઝના ટેસ્ટિંગને લગતી સલામતીઓ વધારાઇ. કોઇ પણ દવાની અસરકારકતા અને સુરક્ષાની ખરાઇ કર્યા બાદ જ તે માર્કેટમાં મૂકવી તેવો ધારો પણ બહાર પડાયો. સમયાંતરે સલામતી અને નીતિ પણ બદલાયાં. યુ.એસ.એ.માં 1932થી 1972 સુધી ટસ્કગી સિફિલીસ સ્ટડી હેઠળ આફ્રિકન અમેરિક શેરક્રોપર્સને સિફિલીસની સારવાર માટે અપાતી પેનિસિલિનની રસી ફિઝિશ્યન્સે ન આપી કારણ કે તેઓ જોવા માગતા હતા કે સિફિલિસ એડવાન્સ સ્ટેજમાં કેવી રીતે વકરે છે – આ કૌભાંડને પગલે યુ.એસ.એ.માં બેલમોન્ટ રિપોર્ટ તૈયાર થયો જે અંતર્ગત માણસ જેમાં સંશોધનનો વિષય હોય ત્યારે અમુક ધારાધોરણો અનુસરવા પડે. એફ.ડી.એ.એ પણ સખતાઇ અપનાવી અને જે યુ.એસ.એ.માં દર વર્ષે 40 નવી ડ્રગ્ઝ બહાર પડતી તે આંકડો સાવ 16 પર પહોંચ્યો. એફ.ડી.એ. સખતાઈ ન રાખે તો માનવાધિકારના પ્રશ્નો ખડા થાય અને રાખે તો ડ્રગ બહાર પડવાની પ્રક્રિયા ધીરી પડી જાય. એફ.ડી.એ. દ્વારા અમુક ધારાધોરણોમાં જરૂરી બાંધછોડ પણ સમયાંતરે કરાઇ છે. વિદેશી રાષ્ટ્રો માટે જરૂરી છે જે કે જે દેશમાં તેઓ ટ્રાયલ્સ કરે છે ત્યાંના નાગરિકોની મેડિકલ સેવાઓ સાચવી લેવાની જવાબદારી તેઓ ઉપાડે.

બાય ધી વેઃ

ક્લિનિકલ ટ્રાયલ્સ જરૂરી છે પણ નૈતિકતા અને માનવાધિકારનો ભોગ ન લેવાય તે રીતે જ તે થાય તે વધારે જરૂરી બાબત છે. આપણે એક રાષ્ટ્ર તરીકે જો વિદેશી રાષ્ટ્રોને આપણે ત્યાં ટ્રાયલ્સની પરવાનગી આપીએ તો એ ગણતરી રાખવી રહી કે તેનાથી આપણા નાગરિકોને ફાયદો થાય, હેલ્થકૅર મળે, સ્થાનિક બિમારીઓની સારવાર મળે માત્ર બીજા રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત કરવામાં આપણે હાથો ન બની જઇએ તે જરૂરી છે. વળી સ્થાનિક ટ્રાયલ્સમાં માનવાધિકારનો ભંગ ન થાય, કમનસીબે જો કોઇનો ભોગ લેવાય તેને લગતા કેસિઝ – તપાસ ઝડપી બને અને તેમને સમયસર વળતર મળે તેવી તંત્ર વ્યવસ્થા મેડિકલ સંશોધનની પ્રક્રિયાને પણ સરળ બનાવશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 જુલાઈ 2022

Loading

જ્યારે સરકાર ખોટી હોય ત્યારે તમારી સચ્ચાઈ તમને જેલમાં પહોંચાડે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|17 July 2022

[પાર્ટ-1]

હંમેશાં સત્યના પડખે ઊભા રહેનાર તીસ્તા સેતલવાડ શા માટે જેલમાં છે? શા માટે તેઓ વડા પ્રધાનને આંખના કણાની જેમ ખૂંચે છે? જે સુપ્રિમકોર્ટે તીસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે તેને જેલમાં પૂરાવ્યા? તીસ્તા જેલમાં છે, તેનો અર્થ શું છે? વગેરે બાબતો દરેક જાગૃત નાગરિકોએ જાણવી જરૂરી છે. તીસ્તા સેતલવાડની ઉંમર 60 વર્ષની છે; તીસ્તા સેતલવાડનો જન્મ મુંબઈમાં, ગુજરાતી પરિવારમાં, 09 ફેબ્રુઆરી 1962ના રોજ થયો હતો. તેમના પિતા અતુલ સેતલવાડ પ્રસિદ્ધ વકીલ હતા. માતાનું નામ સીતા હતું. તીસ્તાના દાદા એમ.સી. સેતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. તીસ્તા પત્રકાર અને હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ છે. તેમણે પત્રકાર અને માઈનોરિટી રાઈટસ એક્ટિવિસ્ટ જાવેદ આનંદ સાથે લગ્ન કરેલ છે અને સંતાનમાં દીકરી-દીકરો છે.

તીસ્તાએ કોલેજમાં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો, પણ તે અભ્યાસ છોડી દીધો. પછી 1983માં બોમ્બે યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને પત્રકાર તરીકે કામ શરૂ કર્યું. ‘ધ ડેઈલી’ (ઈન્ડિયા) અને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારોની મુંબઈ આવૃત્તિઓ અને પછી ‘બિઝનેસ ઈન્ડિયા’ મેગેઝિનમાં કામ કર્યું. 1984માં ભિવંડી રમખાણો અંગે લખ્યું. 1993માં, મુંબઈમાં હિંદુ-મુસ્લિમ રમખાણોના પ્રતિભાવરૂપે, તેણે પતિ સાથે ‘કોમ્યુનલિઝમ કોમ્બેટ’ નામનું માસિક સામયિક શરૂ કર્યું, જે નવેમ્બર 2012 સુધી ચાલું હતું.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડની પાશવી હિંસા બાદ, ગુજરાતમાં અનેક જગ્યાએ સામૂહિક હિંસાની ઘટનાઓ બની. 01 એપ્રિલ 2002ના રોજ, તીસ્તા / તેમના પતિ / ફાધર સેડ્રિક પ્રકાશ (કેથોલિક પાદરી) / અનિલ ધારકર (પત્રકાર) / અલીક પદમસી / જાવેદ અખ્તર / વિજય તેંડુલકર / રાહુલ બોઝ તથા અન્ય લોકો સાથે મળીને CJP-Citizens for Justice and Peace નામની NGO સ્થાપી. ગુજરાતની સામૂહિક હિંસા માટે તત્કાલિન મુખય મંત્રી અને સરકારના અધિકારીઓ સામે વિવિધ અદાલતોમાં કેસો કર્યા. એપ્રિલ 2004માં સુપ્રિમકોર્ટે ‘બેસ્ટ બેકરી કેસ’ને ગુજરાતમાંથી પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો અને 27 જૂન 2003ના રોજ, નીચલી કોર્ટે 21 આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો તે રદ્દ કર્યો અને આદેશ આપ્યો કે તપાસ અને ટ્રાયલ નવેસરથી હાથ ધરવામાં આવે ! બેસ્ટ બેકરીની ઘટનામાં 01 માર્ચ 2002ના રોજ, વડોદરામાં 14 મુસ્લિમોને સળગાવી દીધા હતા. જાહિરા શેખ સાક્ષી હતી. કેસ ચાલતો હતો તે દરમિયાન તે ફરી ગઈ અને તીસ્તા સામે ખોટા આક્ષેપ કરેલ ! સુપ્રિમકોર્ટે જાહિરા શેખને કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબ 1 વર્ષની સજા કરી હતી ! 09 જુલાઈ 2012ના રોજ બોમ્બે હાઈકોર્ટે બેસ્ટ બેકરી કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. જાહિરા શેખનો કિસ્સો એ દર્શાવે છે કે આરોપીઓને સજા ન થાય તે માટે સત્તાપક્ષના લોકો દ્વારા સાહેદોને ફેરવી નાખવામાં આવતા હતા !

તીસ્તાનું મુખ્ય કામ સમાજમાં પ્રેમ / શાંતિ / સદ્દભાવને પ્રોત્સાહન આપવાનું છે. ‘કોમ્યુનલિઝમ કોમ્બેટ’ માસિક એનું સાક્ષી છે. પત્રકારત્વ કેટલો શ્રમ માંગે છે, તેનો ખ્યાલ આ મેગેઝિન જેમણે વાંચ્યું હોય તેને જ ખબર પડે ! સાંપ્રદાયિક ધૃણા / હિંસા ફેલાવતા સંગઠનોનો તીસ્તા મક્કમતાપૂર્વક વિરોધ કરે છે. આ કારણસર ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન તીસ્તા સાથે નારાજ છે ! તીસ્તા લોકોને જાગૃત કરે / નાગરિક સભાનતા પ્રગટાવે તે ગોડસેવાદી સરકારને કઈ રીતે ગમે? તીસ્તાએ 10 જૂન 2002ના રોજ ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ’માં ગોધરા પછીની સાંપ્રદાયિક હિંસામાં ગુજરાતની તત્કાલિન સરકારની ભૂમિકા અંગે જુબાની આપી હતી; સરકારથી આ સહન થાય? તીસ્તા એક પ્રખર નારીવાદી છે. દલિતો, મુસ્લિમો અને મહિલાઓના અધિકારો અને વિશેષાધિકારો માટે ઝૂંબેશ ચલાવે છે. તીસ્તા પતિ સાથે ‘સબરંગ કોમ્યુનિકેશન’ ચલાવે છે; જે માનવ અધિકારો માટે લડે છે. તીસ્તા ‘CJP’ના વડા / ‘PUHR – પીપલ્સ યુનિયન ફોર હ્યુમન રાઈટ્સ’ના જનરલ સેક્રેટરી / ‘Pakistan – India People's Forum for Peace and Democracy’નાં સભ્ય છે. તીસ્તાનાં ઉમદા કાર્યને સમજવા માટે એક નજર કરીએ : [1] 1993માં PUCL જર્નાલિઝમ ફોર હ્યુમન રાઈટ્સ એવોર્ડ મળ્યો. [2] 1993માં ઉત્કૃષ્ટ મહિલા મીડિયાપર્સન માટે ચમેલી દેવી જૈન પુરસ્કાર. [3] 1999માં મહારાણા મેવાડ ફાઉન્ડેશનનો હકીમ ખાન સુર એવોર્ડ. [4]  2000માં દલિત લિબરેશન એજ્યુકેશન ટ્રસ્ટનો માનવ અધિકાર પુરસ્કાર. [5] 2002માં  રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર. [6] 2003માં, ન્યુરેમબર્ગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવોર્ડ. [7] 2004 ડિફેન્ડર ઓફ ડેમોક્રેસી એવોર્ડ. [8] 2004 M.A. થોમસ નેશનલ હ્યુમન રાઈટ્સ એવોર્ડ. [9] 2006માં, નાની એ. પાલખીવાલા એવોર્ડ. [10] 2007માં, માતોશ્રી ભીમાબાઈ આંબેડકર એવોર્ડ. [11] 2007માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર. [12] 2009માં, કુવૈતમાં FIMA – ફેડરેશન ઓફ ઈન્ડિયન મુસ્લિમ એસોસિયેશન દ્વારા એક્સેલન્સ એવોર્ડ. [13] પેક્સ ક્રિસ્ટી ઇન્ટરનેશનલ પીસ એવોર્ડ. [14] 2020માં, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા તરફથી માનદ્દ ડોક્ટરેટ !

જ્યારે સરકાર ખોટી હોય, ત્યારે તમારી સચ્ચાઈ તમને જેલમાં પહોંચાડે છે ! તમે સમાજમાં શાંતિ /ભાઈચારો જળવાઈ રહે તે માટે ક્ષણે ક્ષણે જાગૃત રહેનાર; વંચિતો / ગરીબો / દલિતો  /આદિવાસીઓ / લઘુમતીઓના માનવ હકોની રખેવાળી કરનાર અને તેમને મદદ / હૂંફ આપનાર તીસ્તા સેતલવાડ તથા પ્રમાણિકતા-સચ્ચાઈમાં જેનો જોટો ન જડે તેવા IPS અધિકારી આર.બી. શ્રીકુમારને સાબરમતી જેલમાં પૂરીને સરકાર નાગરિકોને શું સંદેશ આપવા માંગે છે?

16 જુલાઈ 2022

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4561,4571,4581,459...1,4701,4801,490...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved