Opinion Magazine
Number of visits: 9672660
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરાંભીનાં સ્મરણો (૨)

સુમન શાહ|Opinion - Opinion|18 July 2022

મને કપડાંનો, વસ્ત્રોનો, પ્હૅરવેશનો બહુ શોખ. હતો, હવે ખાસ રહ્યો નથી. પણ એ માટે ગમે એટલા પૈસા ખરચી જાણું. વાયદા પર વાયદા કર્યે જતો નરોતમ દરજી યાદ આવે છે. તો પણ, મારા ડભોઇમાં રેડીમેડ ગારમૅન્ટની દુકાન ખૂલી એ મને નહીં ગમેલું.

ત્યારે નાનપણમાં તો શર્ટને હાફપૅન્ટ પર ઝૂલતું છોડી દેવાનું. મોટપણે પૅન્ટ શરૂ થયા, એટલે ઇનસર્ટ શરૂ થયું અને એટલે બેલ્ટ બાંધવાનું પણ થયું. એ શર્ટ ત્રણેક બટનનું હોય, માથું ઘાલીને પ્હૅરવાનું. પછી અમેરિકન સ્ટાઇલનાં શર્ટ આવ્યાં – બે પડખાં સળંગ ખૂલે ને બંધ થાય, છ બટન હોય. આજે એ જ ચાલે છે. મને હાફ-સ્લીવ શર્ટ ન્હૉતાં ગમતાં, ફુલ્લ-સ્લીવ સિવડાવતો ને કફ-લિન્ક પણ લગાવતો. ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયા પછી ટાઇ પ્હૅરવાનું છોડી દીધું કેમ કે એવું થાય કે આ બધા વિદ્વાનો ‘સારસ્વત’ લાગે ને એમની વચ્ચે હું કેવો લાગું ! એટલે ટાઇપિનો પણ ગઈ ને કફલિન્કો પણ ગઈ. હશે ઘરમાં કોઇ કબાટના ખૂણે ચૂપચાપ સૂતેલી ને નીરવે બબડતી. 

સ્મરણોનું પણ એવું જ છે, મગજના ખૂણે ખૂણે પડી રહ્યાં હોય છે. કઈ ઘડીએ ઊંચાંનીચાં થઈ કેવીક સહજતાથી બેઠાં થઈ જાય છે, નથી સમજાતું. “યુલિસિસ”-ના સર્જક જેમ્સ જૉય્યસનું ‘સ્ટ્રીમ ઑફ કૉન્સ્યસનેસ’ ક્ષણભર મને કૃત્રિમ લાગે. મને ‘મૅમરીલેન’ શબ્દ પણ નથી ગમતો, કેમ કે એમાં તો કલ્પના દાખલ થઈ જાય છે. અને હું કંઈ એ શેરીની લટારે નથી નીકળ્યો હોતો. હું તો ભૂલા પડેલા બાળકની જેમ સ-જીવ અને સાચ્ચાં સ્મરણોને ગોતતો ફરું છું. કોઇ વાર એ પણ પાલતુ પશુની જેમ સાંજે સાંજે પાછાં ફરે છે.

જૂનની ૧૫-મીએ કૉલેજમાં / ડિપાર્ટમૅન્ટમાં નવું સત્ર શરૂ થાય. મારો નિયમ કે તે દિવસે નવાં જ શર્ટ-પૅન્ટ જોઈએ. પૅન્ટનું કાપડ હું આજે પણ ‘રૅમણ્ડ’-નું જ ખરીદું છું. વડોદરામાં લ્હૅરીપુરા પાસે ‘રૅમણ્ડ’-ના એક રીટેઇલરની શૉપ. એની પાસે એક એવું સાધન કે કાપડ પર મૂકે એટલે સૂટ કેવો લાગશે તે નાની સાઈઝમાં જોઈ શકાય. મજા પડતી. અને હા, શૂઝ પણ નવા જ જોઇએ. એ જ વડોદરામાં દાંડિયાબજારમાં એક મોચી મૉંઘો પણ રીયલ લેધરના શૂઝ બનાવી આપે. એની પાસે હું ‘ઑક્સફર્ડ’ સ્ટાઇલના બનાવરાવતો. લાંબો વાયદો કરે પણ તે દિવસે શૂઝ મળે જ મળે. મેં રૂપિયા ૪૦ ખરચ્યા હોય પણ ઘરે કહું કે ૨૦-ના આવ્યા. આજે ૫૫-૫૭ વર્ષ પછી એવા જ શૂઝ અમેરિકામાં મને ૬૦ ડૉલરમાં, રૂપિયામાં ગણું તો લગભગ ૪૮૦૦-માં, તૈયાર મળે છે. એ દુકાન હજી હશે એમ ધારું છું.

મને રેડીમેડ શર્ટ થઈ રહે છે, બને ત્યાં લગી બ્રાન્ડેડ જ લઉં. રેડીમેડ પૅન્ટ નથી થતા, એટલે સિવરાવું છું. પણ આ કોરોનાકાળમાં અમદાવાદના મારા ટેલરની દુકાન ‘સ્ટાઇલો’ ઊઠી ગઇ. એ દુ:ખ સાથે મારે હવે નવો ટેલર શોધવાનો છે.

ત્યારે વડોદરામાં ‘કોઠી’ પાસે એક મૉંઘામાં મૉંઘો ટેલર; દુકાનનું નામ, ‘મૉડર્ન ટેલર્સ’. પોતે લન્ડનમાં ભણી આવ્યો છે એવું એણે સર્ટિફિકેટ લટકાવેલું. એ એટલો ‘મૉડર્ન’ તો ખરો જ. હું એની પાસે શર્ટ બનાવરાવતો. કૉલરને સ્ટેબિલાઈઝ્ડ કેવી રીતે કરાય છે તે બતાવે, પણ એ વિશેષતાના આઠ આના વધારે લે. હમણાં, બે-ત્રણ માસ પહેલાં, ત્યાંથી પસાર થવાનું બન્યું તે બહુ ગમેલું.

દરેક મૉડર્નિસ્ટને વેઠવું તો પડે જ, કાં તો પરમ્પરાગતોથી અથવા નવ્ય આગંતુકોથી. એ કોઠીવાળાને હંફાવવા મંગળબજારમાં ‘ન્યૂ મૉડર્ન ટેલર્સ’ ખૂલ્યું. એનો માલિક મગનભાઈ પેલા જેવો ઠાંસુ નહીં, તે મને ફાવી ગયેલું. બધાં કપડાં એને ત્યાં જ બનાવરાવતો, સૂટ પણ, અરે, મગનભાઈ ‘ન્યૂ’ મૉડર્ન અથવા ‘પોસ્ટ’ મૉડર્ન તે એ જ કાપડમાંથી ટાઈ પણ બનાવી આપતો ! એક હજી છે મારી પાસે. મારે મગનભાઈને મળવું છે, પણ એ હશે ખરો?

વસ્ત્ર સભ્યતાનું પ્રતીક છે. પણ નગ્નતા શું છે? મનુષ્ય સિવાયનાં પ્રાણીઓ વસ્ત્ર નથી પ્હૅરતાં, તેમ છતાં, નાગાં નથી લાગતાં. માણસ તો છતે વસ્ત્રે નાગો લાગી શકે છે. વસ્ત્ર દમ્ભ નથી તો શું છે? અમેરિકામાં વિન્ટરમાં પોતાના ડોગીને એની માકલણ બંડી પ્હૅરાવે છે, ત્યારે એ મને ગમતું હોતું નથી કેમ કે કુદરતી કુરકુરિયું માણસનું બચ્ચું લાગતું હોય છે – નીચી મૂંડીએ બચારું જતું હોય.

નગ્નતા પ્રાકૃતિક છે. ૧૯૮૯ના અરસામાં હું અસમના ગામડાંઓમાં ફરતો હતો. ત્યારે મેં શ્રમજીવી સ્ત્રીઓને વિના બ્લાઉઝ જોયેલી, સાડીછેડો બાંધી રાખ્યો હોય. ખેતરમાં નિંદામણ કરતી હોય. અમારા ફળિયામાં સ્ત્રીઓ બ્લાઉઝ નીચે કશું પ્હૅરતી નહીં, સિત્તરેક વર્ષ પરની વાત, પ્રસંગે પ્હૅરે, પણ બ્રા નહીં, કેમ કે ત્યારે એ નવી નવાઈની ચીજ હતી. બા અને બીજી પડોશણો એ માટે મોહન દરજી પાસે ‘બૉડિસ’ સિવરાવી લેતી. કોઈ કોઈ પ્રૌઢો ધોતિયા પર ગંજીફરાકમાં ફરતા, પણ બીજા તો હમેશાં માત્ર ધોતિયામાં જ હોય, ઉપર કશું જ ન હોય, જનોઈ હોય તો મૅલી, કાળી. એ અર્ધનગ્નો આમ તો નિર્દોષ હતા, પણ પ્હૅરવેશને વિશેની એમની વિભાવના – કન્સેપ્ટ – કુણ્ઠિત હતી. એ બધા અત્યારે પણ દેખાય છે, અહીંતહીં ભમતા.

પશ્ચિમના અનેક દેશોમાં ‘સોશ્યલ ન્યુડિટી’ એક મૂલ્ય છે, એટલું જ નહીં, ઝુંબેશ ચાલે છે કે એને માનવઅધિકારનો દરજ્જો અપાય. નગ્નતા સામુદાયિક વર્તન રૂપે સૅટ થઈ છે. એકલા યુ.ઍસ.એ.માં ૪૮-થી ૫૦ એવાં સ્થળો છે, જ્યાં જઈને સ્ત્રીઓ ને પુરુષો નિર્વસ્ત્ર હરીફરી શકે છે. ન્યુડ બીચીસ પર કે પ્રાઇવેટ રીસોર્ટમાં વસ્ત્રહીન જીવી શકે છે. ત્યાં લોકો ન્યૂડ સ્વીમિન્ગ કરે છે, સનબાથ માટે કલાકોના કલાકો નાગાં પડ્યાં રહે છે. આશય રીક્રીએશનનો બતાવાય છે. શરત એટલી છે કે કોઈને કનડગત ન થવી જોઈએ. જો કે એવો કોઈ બાપડો એ નગ્નોની વચ્ચે કયા લાડવા લેવા જવાનો’તો?

સમજવાનું એ છે કે મારા ફળિયાવાળા અરધા નાગા ફરે અને યુ.ઍસ.એ.વાળા આખ્ખા ફરે એટલે એ વાત રિવાજ થઈ જાય અને ખાસ તો એ કે કોઈને એમાં કશું અજૂગતું તો લાગે જ નહીં ! બુદ્ધિસત્તાધીશોના સમૂહે ભેગા થઈને નક્કી કર્યું હોય કે આમ જીવવાનું ને આમ નહીં જીવવાનું, એટલે એને ‘સમાજ’ કહેવાય ! દરેક વ્યક્તિએ એને અનુસરવાનું. બુદ્ધિસત્તાધીશોના સમૂહે નક્કી કર્યું હોય કે આ નીતિ, આ સદાચાર, એટલે એને ‘સંસ્કૃતિ’ કહેવાય ! દરેક વ્યક્તિએ એને અનુસરવાનું. ન અનુસરે તે આઉટસાઈડર ગણાય અને પેલા એને ધિક્કારે. નથી લાગતું કે સમાજ અને વ્યક્તિ વચ્ચે મસમોટાં પોલાણો છે?

જરા ઓળખીએ એ પોલાણોને …

= = =

(July 18, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જે સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે જેલમાં પૂરાવી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-3]

હત્યારાઓને ફાંસીએ ચડાવવા તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોધરા હત્યાકાંડનો બદલો અમદાવાદમાં લઈ શકાય નહીં ! પરંતુ જ્યારે લોકોની ધાર્મિક લાગણીઓ ઉપર સવાર થઈને ‘સત્તા’ મેળવી હોય ત્યારે ‘સત્તા’; તોફાનીઓ ઉપર કડક પગલાં લઈ શકે નહીં. સરકાર તરફથી નિર્દોષ લોકોની સલામતી માટે જે પગલાં લેવાવાં જોઈએ તે સરકાર તરફથી લેવાયાં ન હતા. 2002ના તોફાનોમાં 'લાર્જર કૉન્સપીરેસી' છે કે નહીં; તેની ઉપર સુપ્રિમકોર્ટે વિચાર કરવાનો હતો; તેના બદલે ફરિયાદી ઝાકિયા જાફરીને મદદ કરનાર તીસ્તા સેતલવાડ અને IPS અધિકારી આર.બી. શ્રીકુમાર વગેરે ઉપર ધોકો પછાડ્યો છે ! સુપ્રિમકોર્ટને પીટિશનમાં સરકારને બદનામ કરવાનું કાવતરું દેખાયું તે ચિંતાનો વિષય છે !

2009માં સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડ અને 'સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ'ની કામગીરીને બિરદાવી હતી; જ્યારે 24 જૂન 2022ના ચૂકાદામાં, એ જ કોર્ટ તેમને કાવતરાખોર કહે છે ! સુપ્રિમકોર્ટના ચૂકાદાના ફકરા-88માં ગોધરાકાંડ પછીનાં તોફાનોની ચર્ચાને જીવતી રાખવા માટે કોઈ કાવતરું હોય તેવી શંકા વ્યક્ત કરીને તીસ્તા સેતલવાડનું નામ નોંધ્યું છે. આ અંગે ‘તપાસ કર્યા વિના જ’ બીજે જ દિવસે તીસ્તાને અને પૂર્વ IPS અધિકારી આર.બી. શ્રીકુમારને જેલમાં પૂરવામાં આવ્યાં; તે શું સૂચવે છે? એક વેળાએ સુપ્રિમકોર્ટ તીસ્તાની મદદ લેતી હતી; હવે તીસ્તા કાવતરાખોર લાગે છે; આવું કેમ? 2008માં, સુપ્રિમકોર્ટે SITની રચના; ઝાકિયા જાફરી અને તીસ્તા સેતલવાડની રજૂઆતના કારણે જ કરી હતી. તે સમયે સુપ્રિમકોર્ટને લાગ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરી બરાબર નથી, માટે SITની રચના કરી ! તીસ્તાની રજૂઆતના કારણે જ સુપ્રિમકોર્ટે બિલકીસબાનો કેસ / બેસ્ટ બેકારી કેસ ગુજરાત બહાર મુંબઈમાં ટ્રાન્સફર કર્યા હતા ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ હતી; આ બન્ને કેસ ગુજરાતમાં ચાલ્યા હોત તો આરોપીઓને સજા થાત? ઉપરાંત તીસ્તાની રજૂઆતના કારણે SITની રચના થઈ અને SITના કારણે અનેક કેસોમાં આરોપીઓને સખ્ત સજા થઈ છે ! જો SITની રચના થઈ જ ન હોત તો બાબુ બજરંગી / માયા કોડનાણી વગેરેને સજા થઈ હોત? સુપ્રિમકોર્ટને ગુજરાત પોલીસની કામગીરી યોગ્ય નહોતી લાગી; એટલે SITની રચના કરવાની જરૂર પડી હતી; આ બાબત સુપ્રિમકોર્ટ કઈ રીતે ભૂલી શકે? ‘સત્તા’નો ચમત્કાર એ છે કે હવે સુપ્રિમકોર્ટને તીસ્તા ‘ષડયંત્રકારી’ લાગે છે ! હવે તેને લાગે છે કે સરકારને બદનામ કરવા તીસ્તાએ કાવતરું કર્યું હતું ! સવાલ એ છે કે SITએ પોતાનો રિપોર્ટ તો 2012માં સુપ્રિમકોર્ટને સુપ્રત કરી દીધો હતો; છેલ્લાં 10 વર્ષ દરમિયાન સુપ્રિમકોર્ટે આ રિપોર્ટના આધારે તીસ્તા અને બીજા કાવતરાખોરોની ધરપકડ કરવા કેમ કહ્યું નહીં? માની લઈએ કે તીસ્તાએ કાવતરું કર્યું હતું; તો 2000થી વધુ નિર્દોષ લોકોની હત્યા થઈ, એ માટે કોઈની જવાબદારી હોય કે નહીં? હિંસાનો શિકાર બનેલાઓને કે તેમના વતી અવાજ ઊઠાવનારને કાવતરાખોર કહી શકાય? રાજ્યને બદનામ કરવા / રાજ્યને અસ્થિર કરવા / રાજ્ય સામે કાવતરું કરવાનો આરોપ ફરિયાદી સામે મૂકી શકાય? જો રાજ્ય આવો આરોપ મૂકે કે તો કોઈ ફરિયાદી સલામત રહે ખરો? કોર્ટનું વલણ બંધારણ આધારિત હોવું જોઈએ કે ‘સત્તા’ આધારિત? શું ‘રાજ્ય’ અને ‘નેતા’ પર્યાયવાચી બની ગયા નથી? શું કોર્ટ ‘સત્તા’ની એક શાખા છે?

સુપ્રિમકોર્ટને થયું છે શું? 16 આદિવાસીઓની હત્યાની તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર એક્ટિવિસ્ટ હિમાંશુ કુમારને 5 લાખનો દંડ? સુપ્રિમકોર્ટને વામપંથી ચરમપંથીઓને બચાવવાનું કાવતરું દેખાય છે ! 2000થી વધુ મોત અંગે તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર ઝાકિયા જાફરીના સાથીદારોને જેલમાં પૂરવાના? સુપ્રિમકોર્ટને રાજ્યને બદનામ કરવાનું કાવતરું દેખાય છે ! દરેક અરજદાર જે રાજ્ય સામે અદાલતનો દરવાજો ખખડાવે તેની વાત સાંભળવી જ જોઈએ. તેને દંડિત કરી શકાય નહીં કે જેલમાં પૂરી શકાય નહીં ! ફરિયાદીને જ ઠમઠોરવાનો સુપ્રિમ કોનો નવો અવતાર જોવા મળ્યો છે; જે લોકશાહી માટે ભયંકર સંકેત છે. સત્તાની તરફેણમાં મજા / લાભ / પુરસ્કાર / નિમણૂંકો / વાહવાહી મળે છે ! સત્તા વિરુદ્ધ લખવામાં તમને બદનામ કરે /રાષ્ટ્રદોહી ચીતરે / તમારા NGOના ફંડ અંગે તપાસ થાય / કેસ થાય / જેલમાં પૂરે / ભક્તો ટ્રોલ કરે / ગાળો આપે / હિંસક હુમલા કરે / કાળી શાહી ફેંકે ! સત્તા વિરુદ્ધ બોલવું અને લખવું જોખમકારક છે ! આ સ્થિતિને લોકતંત્ર નહી ષડયંત્ર કહી શકાય ! સૌથી મોટો સવાલ એ છે કે શું સુપ્રિમકોર્ટ એવું માને છે કે નાગરિકોને નહીં; રાજ્યને અદાલતી-સુરક્ષાની જરૂર છે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-4]

વિક્ટિમને મદદ કરનાર તીસ્તા સેતલવાડ / આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ જેલમાં છે; આદિવાસીઓને મદદ કરનાર હિમાંશુકુમાર 5 લાખનો દંડ નહીં ભરે એટલે સુપ્રિમકોર્ટ તેને જેલમાં પૂરશે ! કોમી તોફાનોના 117 જેટલાં આરોપીઓને સજા કરાવનાર તીસ્તાને જ ઠમઠોરવાનું કોર્ટનું આ વલણ, માનવ અધિકારના ભંગ સમાન છે; ગેરબંધારણીય છે ! ‘રાજ્ય’ શક્તિશાળી હોય છે; તેની પાસે પોલીસ છે / લોકઅપ છે / જેલ છે / CBI-ED-NIA છે / પેગાસસ છે / પેરા મિલિટરી ફોર્સ છે / IT Cell છે / ગોદી મીડિયા છે / ચાટુકાર લેખકો-વિદ્વાનો છે / અઢળક ધન છે ! જ્યારે ફરિયાદી થાકેલો / હારેલો હોય છે ! આ સ્થિતિમાં, અદાલત જ્યારે નાગરિકને બદલે ‘રાજ્ય’ની તરફેણ કરે ત્યારે લોકતંત્ર તાનાશાહીમાં પરિવર્તિત થઈ જાય છે !

‘રાજ્ય’ પાસે ન્યાય માંગનાર ફરિયાદીને બદનામ કરવાની જબરજસ્ત શક્તિ હોય છે. તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ પોલીસે કર્યો તેમાં તીસ્તા સામે આરોપ મૂકેલ છે કે ‘તીસ્તાએ પોતાના NGOમાં ખોટી રીતે વિદેશી ફંડ મેળવ્યું હતું અને તેનો અંગત તથા સરકારને બદનામ કરવા દુરુપયોગ કર્યો હતો !’ આ બાબત ગોદી મીડિયા / સત્તાપક્ષના ભક્તો / સત્તાપક્ષના IT Cellએ સોશિયલ મીડિયામાં તીસ્તાને બદનામ કરવા વહેતી મૂકી ! તીસ્તાને બદનામ જ કરવા હોય તો તીસ્તાની રજૂઆત શું છે, તે જાણવાની દરકાર તેઓ શા માટે કરે? સત્તા સામે અવાજ ઊઠાવનારે; પોતાને મળેલ ફંડ ક્યાં વાપરવું તેનો નિર્ણય ‘સતા’ કરે? દલિતો / વંચિતો માટે કામ કરતી ગુજરાતની પ્રસિદ્ધ NGO – ‘નવસર્જન’ને વિદેશી ફંડ બાબતે હેરાન કરી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ ઇન્ડિયાના પ્રમુખ આકાર પટેલની વિદેશી ફંડ બાબતે હેરાનગતિ ચાલુ છે. આવા તો અસંખ્ય દાખલા છે. બીજી તરફ સત્તાપક્ષ સાથે જોડાયેલ NGOને બધી છૂટછાટ છે ! 2014 બાદ, ગૃહ મંત્રીના પુત્ર જય શાહની કંપનીની આવક એક વર્ષમાં 50,000થી 80 કરોડ થઈ ગઈ; 16,000% વધી ગઈ; તેવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર પત્રકાર રોહિણી સિંહ સામે માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં દાખલ થયો છે ! ‘સત્તા’ હંમેશાં સત્યને નિયંત્રિત કરવાની કોશિશ  કરે છે. ‘સત્તા’ કઈ રીતે ન્યાયનું ગળું ઘોટે છે તેનું એક ઉદાહરણ જોઈએ : 2013માં ‘તહેલકા’એ સ્ટિંગ ઓપરેશનમાં શોધી કાઢ્યું હતું કે ‘બેસ્ટ બેકરી કેસની ફરિયાદી ઝાહીરા શેખને તેની જુબાની બદલવા માટે સત્તાપક્ષના મધુ શ્રીવાસ્તવે; ઝાહીરાને રૂપિયા 18 લાખની ચૂકવણી કેવી રીતે કરી હતી !’ તીસ્તા સેતલવાડના ભૂતપૂર્વ સહાયક રઈસખાન પઠાણે સુપ્રિમકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું કે ‘ગોધરાકાંડ પછીના પાંચ સંવેદનશીલ કેસોમાં સાક્ષીઓના નિવેદનોમાં પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે !’ રઈસખાન પાછળ કોનો હાથ હશે, તે સમજી શકાય તેમ છે ! 68 લોકોની સામૂહિક હત્યા થઈ હતી તે ગુલબર્ગ સોસાયટીના 12 સભ્યોએ તીસ્તા ઉપર ફંડના દુરપયોગ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 2013માં ફરિયાદ કરી હતી ! ‘સત્તા’ તરફથી રમખાણોના પીડિતોને તીસ્તા મદદ ન કરે તે માટે તેમની સામે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ના ભંગ સબબ બીજા કેસો કરવામાં આવ્યા ! તિસ્તાને બદનામ કરવાના સતત ‘કારસા’ થયા; છતાં તીસ્તાએ હિંસાનો ભોગ બનેલ પરિવારોને ન્યાય અપાવવા અહિંસક અને કાનૂની સંઘર્ષ ચાલુ રાખ્યો છે ! ‘ભક્તો’ કહે છે કે તીસ્તાએ ગુજરાતને બદનામ કર્યું ! પરંતુ શું ‘સરકારની આલોચના’ એ ‘ગુજરાતની આલોચના’ છે?

તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે? ફરિયાદીને જ સજા; એનો અર્થ શો છે? માત્ર તીસ્તા સેતલવાડની વાત નથી; મારી તમારી અને ન્યાયના પક્ષે ઊભા રહેતા સૌ નાગરિકની વાત છે. કેટલાક પ્રશ્નો ચિંતામાં મૂકે છે :

[1] ફરિયાદ કરનારને જ ફટકારવાનું સુપ્રિમકોર્ટનું વલણ લોકશાહી વિરુદ્ધનું નથી? શું આ તાનાશાહીનું સમર્થન નથી? શું કોર્ટ અને ‘સત્તા’ એવું માને છે કે “લોકો ‘પ્રજા’ છે, ‘નાગરિક’ નહીં ! પ્રજાને ન્યાય માંગવાનો હક્ક ન હોય?”

[2] કેન્દ્રમાં ગોડસેવાદી સરકાર ન હોત તો હિમાંશુકુમારને 5 લાખનો દંડ ભરવા અદાલતે કહ્યું હોત? ઝાકિયા જાફરીની પીટિશન રદ્દ કરતી વેળાએ તીસ્તા સેતલવાડ / IPS અધિકારી આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ સામે કાર્યવાહી કરવાનું કહ્યું હોત?

[3] PM CARES Fundનો હિસાબ લોકોને આપવો નથી; પરંતુ NGO પોતાનું ફંડ ન્યાય મેળવવા વાપરે તો જેલમાં પૂરવાના?

[4] ‘સત્તા’નો વિરોધ કરે, તેને તો હેરાનગતિ કરવાની? સત્તાની તરફદારી કરો તો રાજ્યસભામાં નિમણૂંક / ગવર્નર તરીકે નિમણૂંક મળે? શું બંધારણ પ્રત્યે વફાદારી નહીં; પરંતુ ‘સતા’ પ્રત્યે વફાદારી મહત્ત્વની? મેઘા પાટકર વિરુદ્ધ ખોટા આક્ષેપ સબબ કેસનો સામનો કરનાર વિનયકુમાર સક્સેના, દિલ્હીના ઉપ-રાજ્યપાલના પદે આરૂઢ થયા, તે શું સૂચવે છે?

[5] શું ‘રાજ્ય’ને અદાલતની સ્વતંત્રતા પચતી નથી? શું ‘સત્તા’ કિસાન આંદોલનથી દાઝી ગઈ હોવાથી ડરી રહી છે? શું ‘સત્તા’ પોતાની ‘તપસ્યા’માં કોઈ ખામી ન રહે તે માટે સામાજિક કાર્યકરોને હેરાન કરી રહી છે?

[6] સત્તાને સવાલ કરનારને, કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જેલમાં પૂરવાના? શું આ ‘due process of law’નો ઉલાળિયો નથી?

[7] મૂકાયેલ આરોપ સાબિત થાય તેમાં ‘સત્તા’ને રુચિ કેમ હોતી નથી? શું તેમને જેલમાં પૂરી સોશિયલ મીડિયાના ઉપયોગથી વંચિત કરવાનો જ હેતુ હોય છે? શું ડરાવવા / હેરાનગતિ માટે / બદનામ કરવા જ જેલમાં પૂરવામાં આવે છે?

[8] ‘સત્તા’ ટેક્સનાં નાણાંથી સારા વકીલો રોકી તમને જેલમાં રખાવે છે; જ્યારે તમારે જામીન ઉપર છૂટવા વકીલનો ખર્ચ ભોગવવો પડે ! આ કેવી યોજના?

[9] તમારી મહેનતના કારણે 117 આરોપીઓને સજા થઈ હોય તે મુદ્દો અગત્યનો નથી? શું તમે ‘સત્તા’ સામે કેમ છો; તે મુદ્દો કોર્ટે જોવાનો હોય છે?

[10] તીસ્તાને જેલમુક્ત કરવા; 92 જેટલા નિવૃત જજ / પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ / પૂર્વ વિદેશ સચિવ / પૂર્વ મુખ્ય સૂચના આયુક્ત / પૂર્વ IAS / IPS અધિકારીઓએ સુપ્રિમકોર્ટને ખૂલ્લો પત્ર લખ્યો છે; છતાં પણ સુપ્રિમકોર્ટની નિંદર કેમ ઉડતી નહીં હોય?

[11] ‘સત્તા’નો વિરોધ કરો તો તમે અર્બન નકસલવાદી છો / વામપંથી ચરમપંથી છો / ખાલિસ્તાની છો / રાષ્ટ્રવિરોધી છો / આંદોલનજીવી છો ! કાવતરાખોર છો ! વિદેશી ફંડનો દુરુપયોગ કરનાર છો ! ભલે તમને રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળેલ હોય /પદ્મશ્રી મળેલ હોય તેની કોઈ કિંમત ‘સત્તા’ને કે સુપ્રિમકોર્ટને કેમ હોતી નથી?

[12] કોર્પોરેટ કંપનીઓ આદિવાસીઓનાં જંગલ પચાવી પાડે તેની સામે અવાજ ઊઠવો ન જોઈએ તેવું ‘સત્તા’ ઈચ્છતી હશે? વિકાસ લોકોનો કે કોર્પોરેટ મિત્રોનો? ‘વિપક્ષમુક્ત સત્તા’ પછી; ‘જનશક્તિ જગાડનાર’ હિમાંશુકુમાર / સુધા ભારદ્વાજ / મેઘા પાટકર / તીસ્તા સેતલવાડને હેરાન કરી કોર્પોરેટ મિત્રોની સેવા કરવાનો ઉદ્દેશ હશે? ‘ઈશ્વરીય-દિવ્યશક્તિ’ની નિષ્ફળતાને ઢાંકવાનો હશે? ભારતમાં દલિતો / વંચિતો / આદિવાસીઓ / લઘુમતીઓને ન્યાય અપાવવા સામાજિક નિસબત રાખનાર સામાજિક કાર્યકરો શું ગુનેગાર છે? તેમને જેલમાં પૂરવાથી રાષ્ટ્રહિત જળવાશે?

[પૂર્ણ]

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4551,4561,4571,458...1,4701,4801,490...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved