આ ચિત્ર જુઓ

સાવ નકામી ચીજ છે ને? ટોયલેટ કાગળની વચ્ચેનું, ફેંકી દેવાનું, સાવ મામુલી બોબિન જ ને?
અને હવે તે ચીજોને ઉપરથી જોઈએ તો આ ફોટો –

ડાબી બાજુ એ એકલી છે. જમણી બાજુએ એવી આઠ ભેગી કરી છે. એની તાકાત પહેલાંની ચીજ કરતાં આઠ ગણી વધારે થઈ ગઈ. જૂની અને જાણીતી લાકડીઓના ભારાની વાત જ ને?
પંચકી લકડી, એકકા બોજ.
એકલી એ સાવ ક્ષુદ્ર, તાકાતહીન, ફેંકી દેવાની ચીજ. પણ આઠ ભેગી કરી તો તાકાતવાન બની ગઈ. એનો કશોક ઉપયોગ કરી શકાય. એની પર રૂપાળું આવરણ લગાવી દઈએ તો, સરસ મજાની ફૂલદાની બની જાય.
અને હવે આ અવલોકન –
આપણે એકલા બહુ સીમિત તાકાત ધરાવતા હોઈએ છીએ. પણ ઘણા ભેગા થઈએ તો? રસ્સા ખેંચની હરીફાઈ જોવા જેવી ખરી! પણ મોટા ભાગે આપણે આપણી શક્તિ પર જ મુસ્તાક હોઈએ છીએ – એનાં બણગાં ફૂંકવામાં માહેર. સમૂહમાં હોઈએ તો પણ એનું નેતૃત્વ લેવાની હોડ. સ્પર્ધા, કાવાદાવા, વિ.
પણ થોડોક અભિગમ બદલીએ તો ઘણી બધી શક્તિઓ વેડફાતી અટકે અને સમૂહપ્રવૃત્તિથી ઘણાં મોટાં કામ થઈ શકે.
સંઘબળ
આ જ વિચાર આગળ વધારીએ તો, સમાજો અને દેશો સહકાર અને સંગઠન કરતા થાય તો કેટલો બધી ખાનાખરાબી અને સંરક્ષણનો ખર્ચ બચી જાય? રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા થાય તો કેટલી બધી કરુણતાઓ, વ્યથાઓ અને વિનાશો અટકી શકે?
અસ્તુ!
e.mail : surpad2017@gmail.com
![]()


મને કપડાંનો, વસ્ત્રોનો, પ્હૅરવેશનો બહુ શોખ. હતો, હવે ખાસ રહ્યો નથી. પણ એ માટે ગમે એટલા પૈસા ખરચી જાણું. વાયદા પર વાયદા કર્યે જતો નરોતમ દરજી યાદ આવે છે. તો પણ, મારા ડભોઇમાં રેડીમેડ ગારમૅન્ટની દુકાન ખૂલી એ મને નહીં ગમેલું.
નગ્નતા પ્રાકૃતિક છે. ૧૯૮૯ના અરસામાં હું અસમના ગામડાંઓમાં ફરતો હતો. ત્યારે મેં શ્રમજીવી સ્ત્રીઓને વિના બ્લાઉઝ જોયેલી, સાડીછેડો બાંધી રાખ્યો હોય. ખેતરમાં નિંદામણ કરતી હોય. અમારા ફળિયામાં સ્ત્રીઓ બ્લાઉઝ નીચે કશું પ્હૅરતી નહીં, સિત્તરેક વર્ષ પરની વાત, પ્રસંગે પ્હૅરે, પણ બ્રા નહીં, કેમ કે ત્યારે એ નવી નવાઈની ચીજ હતી. બા અને બીજી પડોશણો એ માટે મોહન દરજી પાસે ‘બૉડિસ’ સિવરાવી લેતી. કોઈ કોઈ પ્રૌઢો ધોતિયા પર ગંજીફરાકમાં ફરતા, પણ બીજા તો હમેશાં માત્ર ધોતિયામાં જ હોય, ઉપર કશું જ ન હોય, જનોઈ હોય તો મૅલી, કાળી. એ અર્ધનગ્નો આમ તો નિર્દોષ હતા, પણ પ્હૅરવેશને વિશેની એમની વિભાવના – કન્સેપ્ટ – કુણ્ઠિત હતી. એ બધા અત્યારે પણ દેખાય છે, અહીંતહીં ભમતા.