Opinion Magazine
Number of visits: 9671277
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીકળે છે !

"પ્રણય" જામનગરી|Poetry|21 July 2022

કાં તો રેલી; કાં તો સરઘસ નીકળે છે ! 

સંગઠિત થઇને જો સાહસ નીકળે છે ! 

રુંવે – રુંવે એવી તો લાગી અગન; કે,

શબ્દે-શબ્દોમાંથી એ બસ, નીકળે છે ! 

કોઇ પણ ચહેરો જૂઓ અમથો તો એમાં,

ટ્રેજેડી અથવા તો ફારસ નીકળે છે ! 

રોજ અગિયારસનું વ્રત અનશન સહિતનું,

રોજ કેલેન્ડરમાં બારસ નીકળે છે ! 

કોઇ કોઈ વાર પૂનમ નીકળે છે,

બાકી તો બસ ! કાળી ચૌદસ નીકળે છે ! 

બંધ મુઠ્ઠી ખોલું; તો એમાંથી કાયમ,

એની એ કાળી અમાવસ નીકળે છે ! 

વરસાદી મોસમ સદે છે ક્યાં બધાને ?

તાવ-શરદી સાથે ઉધરસ નીકળે છે ! 

જોઇʼતી જેને નજર ભૂખી વડે પણ,

સ્વપ્નમાં કેસર ને હાફૂસ નીકળે છે ! 

એમ રાજીપો ય ફળતો કોઇ વેળા,

લાડવા પર જેમ ખસ ખસ નીકળે છે ! 

રોજ ગંગા આંખમાં પરગટ થતી; ને,

રોજ સપનામાં બનારસ નીકળે છે !   

હું મથું છું સૂર્ય પ્રગટે એને માટે,

ચારે બાજુ ગાઢ ધુમ્મસ નીકળે છે ! 

ગાંધીજી પણ છે; ને સાથે ગોડસે પણ,

જોઉં છું, તું કોનો વારસ નીકળે છે ! 

જ્યાં સવારો પડતી; કે ઘરથી ‘પ્રણય’,

આંખમાં લઇ ખૂની ખુન્નસ નીકળે છે ! 

તા. ૧૭-૧૮/૦૭/૨૦૨૨  

Loading

ન્યાયની દેવડી બાબતે કોને ધા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 July 2022

નામદાર ન્યાયાધીશની દેશદેવડીએ એક નાગરિકને નાતે ધા નાખવાનો તકાજો અને તાકીદ – ખરેખર તો એને અંગે ધા નાખવાની અનિવાર્યતા – આજના દિવસોમાં કેમ જાણે ભીંત પરના અક્ષર પેઠે કે નિયોનઝબૂક જેમ સાફ વંચાય છે. આ લખું છું ત્યારે કરોડરજ્જુમાંથી ટાઢી કંપારી પસાર થતી અનુભવું છું.

ટાઢી કંપારી વચાળે લગરીક હૂંફનો અનુભવ આ ક્ષણે છત્તીસગઢના સર્વોદય કાર્યકર હિમાંશુ કુમારની એ સોજ્જી રણક – બલકે નાગરિક ડણક – થકી કરું છું કે ચાહે જેલ જવું પડે, મારા કુટુંબના સભ્યોનીયે મને સંમતિ છે કે ભલે જેલ જવું પડે, દંડ ભરવાનો નથી. છત્તીસગઢમાં નક્સલ પ્રતિકાર ને નાબૂદીના અભિયાનમાં ઉચ્ચસ્તરીય પોલીસ કારવાઈ કે અર્ધલશ્કરી કામગીરીમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાતો રહ્યો છે. વિનાયક સેન સરખા તબીબી સેવાકર્મીને કથિત નક્સલ સંડોવણી સબબ વરસો લગી જામીનછૂટ નહોતી તે તો હવે ઇતિહાસવસ્તુ થઈ. પણ નિર્દોષ નાગરિક હત્યા વાટે ‘નક્સલ નિકંદન’ની જુમલાબાજીનું જે રાજકારણ ત્યાં ચાલે છે એની સામે અને બીજાં અનર્થકારણ સામે પણ હિમાંશુ કુમાર ને સોની સોરી સરખી નરવીનક્કુર હાજરી હોવાની હકીકત સત્તા-પ્રતિષ્ઠાનને સોરવાતી નથી. 

હિમાંશુ કુમારનું એક અવલોકન આ અનર્થકારણને હસ્તામલકવત્‌ સ્પષ્ટ કરી આપનારું છે : તમારા પર નકસલ ભય ઝળુંબે છે એટલે તમને સલામત સ્થળે ખસેડીએ છીએ એમ કહીને ગામો ખાલી કરાવાય છે, અને પછી એ ખુલ્લી જમીનો પર ‘ઓમ કોર્પોરેટાય સ્વાહા’નો સત્તાવાર જગન મંડાય છે. ગમે તેમ પણ, છત્તીસગઢમાં નક્સલ પડકારને ખાળવાને નામે નાગરિક સતામણીનો એક સત્તાવાર રવૈયો રહ્યો છે, અને પ્રસંગે અદાલતને પણ એમાં લોકતરફે દરમ્યાન થવાનું બન્યું હશે. તેમ છતાં, સત્તા-પ્રતિષ્ઠાન અને સર્વોચ્ચ ન્યાયાલય સ્તરે કેટલીકવાર જે અણચિંતવ્યું સંધાન માલૂમ પડે છે તે ચિંતાજનક છે. હિમાંશુ કુમાર પરનો તાજેતરનો દંડફટકાર એનું તરતનું ઉદાહરણ છે. કટોકટીકાળે સર્વોચ્ચ અદાલતે હેબિયસ કોર્પસને હવે કોઈ લોકસ સ્ટૅન્ડાઈ નથી એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા અને ‘નિર્બલ કે બલરામ’ની નાગરિક આરતને ભોંયપછાડનો અનુભવ કરાવ્યો હતો એનું આ ભલે અણચિંતવ્યું પણ સંધાન જણાય છે. 

કહેવું જોઈએ કે જુલાઈનું પહેલું પખવાડિયું જ આ રીતે બેઠું છે. હિમાંશુ ઘટનાએ સંકેલાતું પખવાડિયું તીસ્તા અને બીજાઓ સાથે બેઠું હતું. ઝકિયા ઝાફરીના કેસમાં સર્વોચ્ચ અદાલતે કર્મશીલ સંડોવણી વિશે જે ટીકા કરી તેમાંથી સંકેત (ખરું જોતાં વાચાળ સૂચના કે સૂચન) મળી રહ્યું અને તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ, શ્રીકુમાર સૌને પકડવા સારુ ઘડિયા કારવાઈ થઈ.

જ્યાં સુધી ગુજરાત ૨૦૦૨ના ઘટનાક્રમનો સવાલ છે, શાંતિ ને સ્વસ્થતાથી વિચારીએ તો સાફ સમજાય છે કે સામે પૂરે કર્મશીલોએ જે પહેલ ને પ્રયાસ કીધાં તે પછી, રિપીટ, તે પછી જ, અદાલતો જાગી અને કાનૂની કારવાઈ શક્ય બની. પક્ષપરિવાર સાથે સીધુ સંધાન ધરાવતાં પબ્લિક પ્રોસીક્યુટરોને અને રાજ્ય સરકારની ધરાર નામરજીને વટીને કર્મશીલ મથામણે અદાલતી રાહે ન્યાયનો પથ પ્રશસ્ત કર્યો. જસ્ટિસ ક્રિષ્ણા અય્યરના વડપણ હેઠળના નાગરિક પંચે, ખુદ માનવ અધિકાર પંચે કર્મશીલોની સક્રિયતાને પગલે ન્યાયિક પ્રક્રિયા શક્ય બનાવી એ હકીકત છે. બેસ્ટ બેકરી પ્રકરણમાં તો માનવ અધિકાર પંચના તત્કાલીન અધ્યક્ષ જસ્ટિસ આનંદે કહ્યું તેમ ‘ન્યાયની કસુવાવડ’નોયે અનુભવ એક તબક્કે થયો હતો. કર્મશીલો મારફત શક્ય બનેલી કાનૂની સક્રિયતા અને વિશાળ માનવ સાંકળ પ્રકારનાં નાગરિક નિદર્શનોએ બાજી પલટી હતી. શ્રીકુમાર તીસ્તા પેઠે સીધા કર્મશીલ ખાનામાં ન આવે, પણ એક શુર્ચિદક્ષ પોલીસ અધિકારી તરીકે એમને હસ્તકની અધિકૃત વિગતોએ પણ ન્યાયની પ્રક્રિયામાં કંઈક સુવાણ જરૂર સરજ્યું હશે. આપણી આખી આ વ્હિસલબ્લોઅર સંભાવના સર્વોચ્ચ અદાલતની તાજેતરની ટિપ્પણીઓ અને આદેશવશ પ્રકારાન્તરે ગેરબંધારણીય રાહે દંડાઈ રહી છે એ કોણ કોને કહેશેસમજાવશે. ન જાને.

અદાલતો પાસે, સન્માન્ય ન્યાયમૂર્તિઓ પાસે એમના નિર્ણય પૂંઠે ટેકનિકલ ખુલાસા ખસૂસ હશે. પણ નકરી ટેક્નિકલ સમજૂતમાં ખેંચાઈ અને ખોવાઈ જવું તો હેબિયસ કોર્પસ જેવા હેબિયસ કોર્પસને નકારવાનું લૉજિક પૂરું પાડે છે – અને એકવાર આવું ઉલાળિયું થયું કે હું અગર તમે કે ખુદ તેઓ પણ હોતે છતાં નથી હોવાના, એ સમજાય છે ? વ્હિસલબ્લોઅરનું દંડાવું તે નાગરિકમાત્રને વાસ્તે છતે બંધારણે, છતે ન્યાયતંત્રે કેવી મોસમનાં એંધાણ છે એ કહેવા વાસ્તે કોઈ જોષીનજૂમીની કે ભડલીવાક્યવેત્તાની જરૂર ખરું જોતાં હોવી તો ન જોઈએ. કરોડસોંસરી ટાઢી કંપારી પૂરતી છે. 

તીસ્તા વગેરે વિશે ઘડિયા પકડના હુકમો થ્રી નોટ થ્રીની પેઠે છૂટ્યા ત્યારે ક્યાંક એવી પણ નુક્તેચીની જોવા મળી હતી કે ‘નિરીક્ષક’નીયે તપાસ કેમ નહીં. ભાઈ, જે કેસો નવેસર ઉઘાડી શકાયા એમાંથી મળતું ચિત્ર ઝોકફેરે ‘નિરીક્ષક’ દીધું નથી તો શું છે. રાજ્યપ્રેરિત અગર રાજ્યસમર્થિત કે શાસનને પક્ષે આંખ આડાકાનગત હિંસા તપાસનો વિષય હતો, છે અને રહેશે.

જુલાઈ ૧૬, ૨૦૨૨
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 01-02 

Loading

સનદી સેવા અને સનદી સેવા પરીક્ષા બદલાવ માંગે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 July 2022

સનદી સેવાની શરૂઆત પરતંત્ર ભારતમાં અંગ્રેજોએ કરી હતી. ઇન્ડિયન સિવિલ સર્વિસની આ પરીક્ષા લંડનમાં લેવાતી હતી અને ભારતના કથિત ઉચ્ચ વર્ણો માટે તેમાં અનામત બેઠકોની જોગવાઈ હતી. ઈ.સ. ૧૮૬૪માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર પહેલા ભારતીય હતા જેમણે આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરી હતી. ઈ.સ. ૧૯૨૨માં આઈ.સી.એસ.ની પરીક્ષા પ્રથમ વખત ભારતના અલ્હાબાદમાં લેવાઈ હતી, તે ઘટનાને આ વરસે સો વરસ થયાં. સ્વતંત્ર ભારતમાં ઇન્ડિયન સિવિલ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ બની છે. દેશની આ સૌથી મોભાદાર અને મહત્ત્વની સરકારી સેવાની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાય છે. ૨૦૨૧ની યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં આઝાદીના પંચોતેર વરસ બાદ પ્રથમ વખત ત્રણ મહિલા ટોપર બન્યાં છે.

પ્રિલિમ, મેઈન અને વાઈવા એવા ત્રણ ચરણોમાં લેવાતી આઈ.એ.એસ. અને અન્ય સેવાઓની પરીક્ષા લાખો ઉમેદવારો આપતા હોય છે. તેમાંથી બહુ થોડા જ સફળ થાય છે. ૨૦૨૨માં યુ.પી.એસ.સી.ની પ્રિલિમ પરીક્ષામાં ૧૧.૫૨ લાખ ઉમેદવારો હાજર હતા. ૧,૦૧૧ જગ્યાઓ માટેની આ પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત સાડા અગિયાર લાખમાંથી માત્ર ૧૩,૦૯૦ ઉમેદવારો જ પાસ થયા છે. આવું વરસોવરસ જોવા મળે છે. તેના પરથી દેશના લાખો યુવાનોનું આ નોકરી માટેનું આકર્ષણ અને માંડ હજારેકનું સફળ થવું જણાય છે.

આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., આઈ.આર.એસ. જેવી સનદી, પોલીસ, વહીવટી, વિદેશી સેવાઓની પરીક્ષા જેમ ગુલામ ભારતમાં લંડનમાં લેવાતી હતી તેમ આઝાદ ભારતમાં માત્ર અંગ્રેજીમાં જ લેવાતી હતી. છેક ૧૯૭૯માં મોરારજી દેસાઈના પ્રધાન મંત્રી કાળમાં યુ.પી.એસ.સી.ની પરીક્ષાઓ સ્થાનિક ભાષામાં લેવાનું નક્કી થયું હતું. આઝાદીના ચારેક દાયકા બાદ ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ ભાષાઓમાં ઉમેદવારો પરીક્ષા આપી શકે છે, તેવો જે સુધારો થયો છે તે ભારતીય ભાષાઓને પૂર્ણ ન્યાય કરનારો નિર્ણય નથી પણ ભાષાકીય અન્યાય છે. 

યુ.પી.એસ.સી.ની સિવિલ સેવા પરીક્ષામાં ઘણા ફેરફારો જરૂરી છે. તેમાં મહત્ત્વનો ફેરફાર તો અંગ્રેજીનું વર્ચસ અને ભાષાના મુદ્દે થયેલો અધૂરો સુધારો છે. ઉમેદવારો સ્થાનિક ભાષામાં ઉત્તરો આપી શકે છે પરંતુ પ્રશ્નપત્રો તો માત્ર અંગ્રેજી અને હિન્દી બે જ ભાષામાં હોય છે. વળી મૂળે અંગ્રેજી પ્રશ્નપત્રોના હિન્દી અનુવાદ એટલા તો ક્લિસ્ટ હોય છે કે બિન-હિન્દી, બિન-અંગ્રેજીભાષી માટે બાવાના બેઉ બગડ્યાનો ઘાટ થાય છે. ઉમેદવારો સ્થાનિક ભાષામાં જવાબો ત્યારે જ યોગ્ય રીતે આપી શકે જ્યારે તેને પ્રશ્નો તેની ભાષામાં આપવામાં આવ્યા હોય. ખરેખર તો આઈ.એ.એસ. જેવી પરીક્ષા પણ માતૃભાષામાં લેવાતી હોવાનો ભ્રમ ઊભો કરી અંગ્રેજીનું વર્ચસ કાયમ રાખ્યું છે. 

પરીક્ષા માટેની મહત્તમ વયમર્યાદા અને તક પણ આ પરીક્ષા સંદર્ભે ચર્ચાસ્પદ મુદ્દો છે. ઓગણીસ વરસની મહત્તમ વયમર્યાદા હવે બત્રીસે પહોંચી ગઈ છે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટેની ત્રણ તકો ડબલ કરવામાં આવી છે અને અનામત વર્ગો માટેની તકો અમર્યાદિત છે. આટલી મહત્ત્વની પરીક્ષા માટે આટલી બધી ઉંમર અને તક બંનેમાં ફેરફારની જરૂર છે. જો દેશની સરહદોની સુરક્ષા માટે લશ્કર યુવા જોઈએ છે તો દેશની અંદર વહીવટ માટે યુવા કેમ નહીં તેવા સવાલો થાય છે. 

સિવિલ સેવા પરીક્ષાના ત્રણ ચરણોની પરીક્ષાઓ વચ્ચે પણ કોઈ તાલમેલ જોવા મળતો નથી. જો પ્રાથમિક કસોટીને એક મોટી ચાળણી ગણીએ તો આ પરીક્ષા ઉત્કૃષ્ટ પ્રતિભાની પસંદગી માટેની છે કે નિકૃષ્ટને બાદ કરવાની તેવો સવાલ ઊઠે છે. અલગ અલગ વિદ્યાશાખાના ઉમેદવારોની એક સરખી પરીક્ષા કઈ રીતે શ્રેષ્ઠ પ્રતિભાની પસંદગી કરે છે, તેનો જવાબ પણ આપવાનો રહે છે. 

દેશના સર્વોચ્ચ વહીવટી પદની ગરિમા, મહત્ત્વ અને પ્રતિષ્ઠા ઘસાઈ રહ્યાનું ચર્ચાય છે. રાષ્ટ્રનિર્માણના વિરાટ કાર્ય અને દેશને વધુ પ્રભાવશાળી બનાવવાના ઉદ્દેશથી આઈ.એ.એસ.નું વહીવટી પદ ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ આઝાદીના સાડા સાત દાયકે આ પદે તેની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે અને મૂળ ઉદ્દેશ બર આવ્યો નથી. ઉદાસીન, અકર્મ્ણ્ય અને ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાની છાપ ઊભી થઈ છે. 

નરેન્દ્ર મોદી જેવા મજબૂત અને વહીવટી તંત્ર પર કડક અંકુશ ધરાવતા વડા પ્રધાનના નાક નીચે પણ આઈ.એ.એસ. અધિકારીઓ મનમાની કરતા જોવા મળ્યા છે. દિલ્હીનું સરકારી ત્યાગરાજ સ્ટેડિયમ ખેલાડીઓની સુવિધા માટે છે. રાતના દસ સુધી ત્યાં પ્રેકટિસ કરી શકાય છે. પણ કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી અને તેમના આઈ.એ.એસ. પત્ની રોજ સાંજે તેમનાં કૂતરાં સાથે સ્ટેડિયમમાં ટહેલવાં આવે તે પહેલાં તે ખાલી કરાવી દેવાતું હતું. આઈ.એ.એસ. દંપતીની આ સામંતી માનસિકતા અને બાબુશાહી વલણ છાપે ચડ્યું તો સરકારને તેમની દૂરના સ્થળે બદલી કરવી પડી. પણ એમની આ લોકવિરોધી મનમાનીનું શું ?

યુ.પી.ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એકાદ વરસથી કાર્યરત ઉત્તર પ્રદેશના ડી.જી.પી. મુકુલ ગોયલની તાજેતરમાં બદલી કરી નાંખી. બદલીનું સત્તાવાર કારણ અધિકારીની કામમાં રુચિ ન હોવાનું  જણાવાયું. મુખ્ય મંત્રીના આ સાહસિક અને અભૂતપૂર્વ પગલાંની પ્રસંશા થઈ રહી હતી એ જ દિવસોમાં ફતેહપુરના જિલ્લા કલેકટર અપૂર્વા દુબેની બીમાર ગાયની સારવાર અને સંભાળ માટે જિલ્લાના સાત વેટરનરી ડોકટરોની કલેકટર બંગલે તહેનાતીના સરકારી આદેશના ખબર ફેલાયા ! કલેકટરની માલિકીની અંગત ગાયની સારવાર માટે સરકારી ખર્ચે સાતસાત ડોકટરોની ડ્યુટી, કૂતરાને લઈને  ટહેલવા માટે સરકારી સ્પોર્ટસ સ્ટેડિયમને બાપીકી મિલકતની જેમ ખાલી કરાવવું એ હદની શક્તિ અને સંવેદનહીનતા આ બાબુઓમાં ક્યાંથી આવતી હશે ?

આઈ.એ.એસ.ની અસરકારતા અંગેનું ૨૦૧૭નું અધ્યયન, “આ સેવા ઘણાં પડકારો છતાં રાષ્ટ્રીય એકતા અને બંધારણીય શાસન સ્થાપવામાં ઉત્કૃષ્ટ રીતે કાર્ય કરતી હોવાનું” જણાવે છે. એટલે તે સાવ અપ્રાસંગિક સેવા નથી. ૧૯૯૧ની નવી આર્થિક નીતિ અને ઉદારીકરણ પછી કે છેલ્લા બે દાયકામાં રાજનેતાઓ સાથેના મેળાપીપણાને કારણે તેણે તટસ્થતા ગુમાવી છે તે સ્વીકારવું રહ્યું. જો કે આજે પણ ઘણા સનદી અધિકારીઓ આદર્શવાદી, લોકાભિમુખ, સંવેદનશીલ અને સ્વતંત્ર મિજાજના છે. પરંતુ તે હવે અપવાદ બનતા જાય છે. તેમની સંખ્યા ટકે અને વધે તથા કતર્વ્યવિમુખ અધિકારી દંડાય તે દિશામાં રાજકીય નેતાગીરીની ઈચ્છાશક્તિ જાગ્રત થાય તો ઈચ્છિત પરિણામ મેળવવું અઘરું નથી. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,4501,4511,4521,453...1,4601,4701,480...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved