કેન્દ્ર સરકાર(નરેન્દ્ર મોદી-અમિત શાહ વાંચો)નું અભિમાનગ્રસ્ત માથાભારેપણું વધુને વધુ આક્રમક થઈ રહ્યું છે અને હવે તો એ વાત અંગત વાતચીતમાં ભક્તો પણ સ્વીકારવા લાગ્યા છે. તેમને પણ આશ્ચર્ય થાય છે કે તોછડાઈ અને માનમર્યાદાની ઐસીતૈસી કરનારું વલણ તેઓ શા માટે અપનાવી રહ્યા છે! મેં અનેકવાર લખ્યું છે કે માથાભારેપણામાં અને શક્તિમાં ફરક છે. માથાભારેપણા દ્વારા શક્તિનો પાત થાય છે અને જરૂરી મર્યાદા જાળવીને વિવેકપૂર્વક શક્તિ સંવર્ધન કરવાથી શક્તિ હજુ વધુ ખીલે છે. અંગ્રેજોનું અને કાઠિયાવાડના ભાયાતોનું ઉદાહરણ પણ મેં આપ્યું છે. અંગ્રેજોએ શક્તિનું સંવર્ધન કર્યું હતું અને દુનિયા જીતી હતી અને કાઠિયાવાડી ભાયાતોએ તુમાખી અને માથાભારેપણા દ્વારા શક્તિ તો દૂર રહી, આબરૂ પણ ગુમાવી હતી. કવિ દલપતરામે ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ નામની કવિતા રચીને અંગ્રેજીરાજનું સ્વાગત કર્યું હતું એના પરથી ખ્યાલ આવશે કે લોકો જવાબદાર રાજ માટે કેટલા તલસતા હશે! ભક્તો જરા વિચારે કે શું દલપતરામ દેશદ્રોહી હતા? તમારા જેટલી બુદ્ધિ તેઓ નહોતા ધરાવતા?
મને એમ લાગે છે કે તુમાખી અને માથાભારેપણાનું રાજકારણ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને ૨૦૨૪માં તેની કસોટી થવાની છે. કસોટી આખા દેશની થવાની છે. ન્યાયતંત્ર સહિત લોકશાહી સંસ્થાઓની થવાની છે, વિરોધ પક્ષોની થવાની છે, સમવાય ભારતની થવાની છે, પ્રજાની થવાની છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ થવાની છે. જી હા, સંઘની પણ થવાની છે, બલકે તેની સૌથી વધુ થવાની છે. હકીકતમાં ઘણા સમયથી ઉપર કહેલ દરેકની કસોટી થઈ રહી છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હવે ઉમેરો થયો છે. સંઘની સો વરસની (૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ હતી) નજીક પહોંચેલી તપસ્યા દાવ પર છે. મને ખબર નથી કે સંઘના નેતાઓ શું વિચારે છે. આ હિંદુરાષ્ટ્રનું સાફલ્યટાણું છે કે પછી હિંદુરાષ્ટ્રની કસુવાવડ છે? સંઘના નેતાઓ માટે જરૂર આ અકળાવનારો સવાલ હશે. અને જો ન થતો હોય તો સો વરસની તપસ્યા એળે ગઈ જાણવી!
વડા પ્રધાન આઝાદીના અમૃતમહોત્સવના પૂર્ણાહુતિના દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરીને દેશની પ્રજાને સલાહ આપે કે સભ્ય સમાજ એ કહેવાય જે મહિલાઓનો આદર કરે અને એ પછી ગણતરીના કલાકોમાં એક યુવતી ઉપર સામૂહિક બળાત્કાર કરનારાઓને અને તેનાં પરિવારના સભ્યોની સામૂહિક હત્યા કરનારાઓને છોડી મુકાયા. આ કોઈ આરોપ હેઠળના કાચા કેદીઓ નહોતા, વડી અદાલતમાં સજા પામેલા ગુનેગાર હતા. કમકમાં આવે એવાં દૃશ્યો તો ત્યારે જોવાં મળ્યાં જ્યારે બળાત્કારી હત્યારાઓની આરતી ઉતારવામાં આવી, તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને મીઠાઈ વહેંચવામાં આવી. આવું કરતી વખતે બિલ્કીસબાનુ તો ઠીક, પોતાની બહેન દીકરીનો ચહેરો નજરે નહીં પડ્યો હોય!
માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ અવશ્ય વિચારતા હોવા જોઈએ કે આ હિંદુરાષ્ટ્રનું સાફલ્યટાણું છે કે પછી હિંદુરાષ્ટ્રની કસુવાવડ? જો ન વિચારતા હોય તો તેઓ દયાને પાત્ર છે. તેમણે જ્યારે એક આખી સદીની સાધના કરી છે તો જરૂર વિચાર્યું હશે કે તેઓ કેવું રાજ્ય સ્થાપવા માગે છે? એક સમયે ભારતમાં અંગ્રેજોએ સ્થાપેલા અંગ્રેજીરાજ્ય (તેમની દૃષ્ટિએ ખ્રિસ્તીરાજ્ય) જેવું? કે ઇઝરાયેલમાં યહૂદીઓએ સ્થાપેલા જેવીશરાજ્ય જેવું કે પછી કાઠિયાવાડમાં અનુભવ થયો હતો એવું ભાયાતોનું રાજ્ય? ભારતમાં અંગ્રેજોનું કહેવાતું ખ્રિસ્તીરાજ્ય શક્તિશાળી હતું, માથાભારે નહોતું. ઇઝરાયેલમાં યહૂદીઓનું રાજ્ય ઘરઆંગણે માથાભારે નથી. ઈઝરાયેલનું માથાભારેપણું પાડોશી દેશો સાથે છે. આની સામે ભાયાતોનું માથાભારેપણું ઘરઆંગણેનું હતું. આમ સંઘના નેતાઓ સામે આઝાદી પહેલાનાં કાઠિયાવાડનું ઉદાહરણ છે.
જો અનુભવમાંથી શીખવું હોય તો સંઘના નેતાઓ મુખ્યત્વે જે પ્રાંતમાંથી આવે છે એ મહારાષ્ટ્રમાંથી પણ ધડો મળી શકે એમ છે. ૧૭મી અને ૧૮મી સદીમાં મરાઠાઓએ દેશનો ઘણો ભાગ કબજે કર્યો હતો. મરાઠાઓ વતી વહીવટ પૂનાના (મૂળ કોંકણના) બ્રાહ્મણો કરતા હતા. મરાઠાઓ પ્રાંતો કબજે કરે અને બ્રાહ્મણો વહીવટ કરે. એક દિવસ વહીવટ કરનારાઓ રાજ કરતા થઈ ગયા અને અને પ્રાંતો કબજે કરનારા બહાદુર મરાઠાઓ પેશ્વાઓ દ્વારા આપવામાં આવતા વર્ષાસન કે ચોથાઈ પર જીવતા થઈ ગયા. ઊંધું થયું. તે એટલે સુધી કે રમેશચન્દ્ર મઝુમદાર જેવા હિંદુ પક્ષપાત ધરાવનારા ઇતિહાસકારો પણ કબૂલ કરે છે કે બ્રાહ્મણ પેશ્વાઓને રાજ કરતાં નહોતું આવડ્યું. મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારતમાં હિંદુઓનું રાજ્ય સ્થાપવાની અને અંગ્રેજોને ભારતમાં પગપેસારો કરતા રોકવાની સુવર્ણ અવસર પેશ્વાઓ ચૂકી ગયા. તેઓ સત્તાના મદમાં છકી ગયા. તુમાખી અને માથાભારેપણાને કારણે ઠેરઠેર ઘાસીરામ કોતવાલ પેદા થવા લાગ્યા. વિજય તેડુંલકરના નાટક ‘ઘાસીરામ કોતવાલ’માં જે ઘાસીરામનું પાત્ર છે એ દૂરન્દેશી વિનાના માથાભારેપણાના રાજની પેદાશરૂપ કોઈ એક ઘાસીરામનું પાત્ર નથી, પણ ઠેરઠેર પેદા થયેલા ઘાસીરામોનું પ્રાતિનિધિક પાત્ર છે.
આમ સંઘના નેતાઓએ જો ધડો લેવો હોય તો તેમનાં પોતાનાં પ્રાંતનું ઉદાહરણ સામે છે. દૂરન્દેશીના અભાવને કારણે અને તુમાખી અને માથાભારેપણાને કારણે તેમણે હાથમાં આવેલી તક ગુમાવી દીધી. આમ બીજા તો ઠીક, આર.સી. મઝુમદાર જેવા હિંદુ પક્ષપાતી ઇતિહાસકારો કહે છે. એની સામે અંગ્રેજોનો ઇતિહાસ જુઓ. પાંચ હજાર માઈલ્સ દૂરથી આવેલા મુઠ્ઠીભર અંગ્રેજોએ ભારત ઉપર કબજો કરી લીધો. અંગ્રેજોએ તેની દરેક લડાઈ (જેમાં ૧૮૫૭ના વિદ્રોહનો પણ સમાવેશ થાય છે) ભારતીય સૈનિકો (જેમાં હિંદુ સૈનિકો મોટા પ્રમાણમાં હતા) દ્વારા જીતી છે. શા કારણે? તર્કનિષ્ઠા, વિજ્ઞાનનિષ્ઠા, દૂર ભાગવાનું મન થાય એવી અકળાવનારી વાસ્તવિકતાઓને સ્વીકારનારી કઠોર વસ્તુનિષ્ઠા, શિસ્ત, વ્યવસ્થા (ઑર્ડર), જવાબદેહી (એકાઉન્ટેબિલીટી) વગેરેને કારણે. આ બધાં શક્તિવર્ધક પદાર્થો છે. તેમણે ખ્રિસ્તીઓનાં અને ખ્રિસ્તી ધર્મની મહાનતાનાં હાલરડાં નહોતાં ગાયાં. તેમણે ભૂતકાળના સાચા કે ખોટા ઘાવોને યાદ કરીને રુદન નહોતું કર્યું. તેમણે ખોટાં સપનાઓ નહોતાં જોયાં કે બતાવ્યાં. તેમણે તુમાખી નહોતી બતાવી. તેમણે ઘાસીરામ કોતવાલો પેદા નહોતા થવા દીધા. પેદા તો કર્યા જ નહોતા. માટે કવિ દલપતરામે ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ લખીને અંગ્રેજી રાજનું સ્વાગત કર્યું હતું.
કેટલાક સમાજશાસ્ત્રીઓનું એવું વિવેચન છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પેશ્વાઓની શોકાંતિકાનું પરિણામ છે. મહારાષ્ટ્રના બ્રાહ્મણો શક્તિશાળી હિંદુ ભારતની રચના ન કરી શક્યા, એક સુવર્ણ અવસર ગુમાવ્યો અને તેની જગ્યાએ માથાભારે ફૂહડ રાજ્ય આપ્યું એ નિષ્ફળતાનું કલંક તેમને સતાવે છે. છેવટે ૧૮૧૮ની સાલમાં અંગ્રેજોએ પૂના નજીક ખડકીની લડાઈમાં પેશ્વાઓને પરાજીત કરીને રાજ્ય છીનવી લીધું. એ સમયે દલપતરામની જેમ મહારાષ્ટ્રમાં પણ કવિઓએ કવિતા રચીને અંગ્રેજી રાજ્યનું સ્વાગત કર્યું હતું અને દસ્તાવેજી પ્રમાણો એમ કહે છે કે મહારાષ્ટ્રમાં બહુજન સમાજે જે દિવસે પૂનાના શનિવારવાડા ઉપર યુનિયન જેક ફરકાવવામાં આવ્યો એ દિવસે રાતે દીવા કર્યા હતા. (પ્રમાણ જોઈતું હોય તો વી.ડી. સાવરકરનું ચરિત્ર લખાનારા સાવરકરવાદી ધનંજય કીરે લખેલું મહાત્મા ફૂલેનું જીવનચરિત્ર જોઈ શકો છો.) હિન્દુત્વવાદની ફિલસૂફી વિકસાવવામાં, દેશમાં હિન્દુત્વવાદી રાજકારણ દાખલ કરવામાં અને ગાંધીના સહિયારા ભારતને નકારવામાં મહારાષ્ટ્રના બ્રાહ્મણો અગ્રેસર હતા એનું કારણ કેટલાક સમાજશાસ્ત્રીઓના મતે પેશ્વાઓની નિષ્ફળતાનું લાંછન છે. તેઓ નવેસરથી હિંદુરાષ્ટ્ર સ્થાપવાનો પ્રયોગ કરવા માગે છે અને માટે ૧૯૨૫માં સંઘની સ્થાપના કરવામાં આવી હતી.
૨૦૨૫માં સંઘને સો વરસ થશે અને તેની સામે જે હિંદુરાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે એ તમે પણ જોઈ શકો છો. તો સવાલ એ છે કે આ હિંદુરાષ્ટ્રનું સાફલ્યટાણું છે કે પછી હિંદુરાષ્ટ્રની કસુવાવડ છે? સંઘના નેતાઓના મનમાં જરૂર આ અકળાવનારો સવાલ થતો હશે. અને જો ન થતો હોય તો સો વરસની તપસ્યા એળે ગઈ જાણવી! તેઓ દયાને પાત્ર છે.
પણ સવાલ એ છે કે શા માટે તુમાખીવાળું માથાભારેપણાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે? સ્વભાવવશ કે પછી રાજકીય મજબૂરી છે? સત્તાનું પ્રદર્શન કરવા કે પછી સત્તા બચાવવા? વિચારી જુઓ, તમને શું લાગે છે?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 ઑગસ્ટ 2022
![]()


પ્રસિદ્ધ અને લોકપ્રિય નામ સાથેના જોડાણમાં એક મોટું જોખમ રહે છે. કોઇ નવી ઓળખાણ થાય અને સવાલ આવે. ‘તમે ફલાણાના કાંઇ સગા?’ શરમાવે એવા બીજા સવાલ પણ આવે. ‘સગા દીકરા?’ કાંઇ લખો છો કે નહીં? એ તો તમારા લોહીમાં જ હોવું જોઇએ.’ આ બધાથી ટેવાયા વગર તો છૂટકો જ નહીં, પણ એક વાત કહેવાનું મન થાય છતાં કહેવાતી નથી. લોહીના જે સંસ્કારની આશા દર્શાવાતી હોય છે એ કાંઇ એક જ બાજુથી આવી શકે એવું થોડું છે?
1947માં મારા બાપુજીના અકાળ અવસાને 37 વર્ષના બાને બીજી વાર વૈધવ્ય આપ્યું. તેર વર્ષના એ લગ્નજીવન દરમ્યાન જન્મેલાં અગિયાર અને અઢી વરસ વચ્ચેની ઉમરનાં પાંચ બાળકોને એકેલે હાથે ઉછેરવાનું કામ બાને માથે આવ્યું. હું ત્યારે હજી ચાર વરસનો પણ નહતો. પણ બાએ એ પછી જે અસામાન્ય સ્વમાન સાથે અને હિંમતથી અમને મોટા કર્યા એનો હું સાક્ષી છું. આજના જમાનાની ‘એકલ માત’ને ભોગવવી પડતી મુશ્કેલીઓની વાત સાંભળું ત્યારે હું 62 વર્ષ પહેલાંના ગુજરાતમાં યુવાન વિધવા બાની શી કપરી હાલત હશે એની કલ્પના પણ કરી શક્તો નથી.
જન્મજાત સંસ્કાર વિશેની ખૂબ પ્રચલિત માન્યતા મેં કદી સ્વીકારી નથી. સંસ્કારી મા-બાપનાં અસહ્ય સંતાનો આપણે બધાએ ઘણાં જોયા હશે. સંતાનનું ખરું ઘડતર મા-બાપે પોતે જ બેસાડેલા દાખલા વગર થઇ ન શકે એવી મારી નમ્ર માન્યતા છે. અમારા ઘડતરમાં બાપુજીની પરોક્ષ અસર જરૂર હશે. પણ પ્રત્યક્ષ અને સતત અસર તો એક બાની જ. સાચા-ખોટાની સમજણ મળવાની શરૂઆત બાને ખોળે બેસીને સાંભળેલી ‘મહાભારતનાં પાત્રો’ની – ખાસ કરીને ભીષ્મની – વાતોમાંથી મળી અને પછી એમની દેખરેખ નીચે જ આકાર પામી. બાએ પોતાના વર્તનથી કે વાણીથી ખોટી કેળવણી આપી હોય એવું મને યાદ નથી. એટલું જ બસ ન હોય તેમ અમારાથી જાણવા છતાં ખોટું કાંઇ થાય તો બા પાસેથી શારીરિક શિક્ષા પણ મળી છે. સંસ્કાર આપવામાં એમણે કદી પાછી પાની નથી કરી. એમણે આપેલાં શિક્ષણની જ્યાં જાળવણી નથી થઇ એ તો મારી પોતાની નબળાઇનું પરિણામ હશે.
પચાસેક વરસની ઉંમરે બાને વિધિસર હિંદી શીખવાનું મન થયું. ‘પ્રારંભિક’થી શરૂ કરીને ધીમે ધીમે કરતાં ‘કોવિદ’ પાસ થયાં. ઘરનું બધું કામ થઇ જતાં જાડાં પાઠ્યપુસ્તકો (‘ઉપન્યાસ’ નહીં) સાથે પથારીમાં ઊંઘા પડી વાંચતાં-લખતાં અને મોડી રાત સુધી ‘રત્ન’ની પરીક્ષાની તૈયારી કરતાં બા આજે પણ નજર સામે તરવરે છે. દુ:ખની વાત એ છે કે ભણવા-શીખવાનું જ જેમનું કામ હતું એવા ઘરના અમે કોઇએ એમનો દાખલો લઇ એવી મહેનત કદી કરી નહીં.