કાવ્યકૂકીઝ
આજે એક માસ્તરનો ઇન્ટરવ્યૂ લીધો
બહુ ભણેલો હતો એટલે પ્રાયમરીમાં ના ચાલે !
મને કહે – બાળકોને મન મૂકીને ભણાવીશ
મને હસવું આવ્યું એના ભોળપણ પર !
અરે, છોકરું ઘોડિયામાં મોબાઈલ રમતું હોય
તેને ભણાવવાની વાત કરે તે તો કેમ ચાલે?
એને કેમ સમજાવું કે હવે
કક્કો નથી ચાલતો, ધક્કો ચાલે છે …
વેકેશન-વેકેશન વચ્ચે એજ્યુકેશન સંકોચાતું હોય
ત્યાં ભણાવવાની વાત જ આઉટડેટેડ લાગે છે
ને માસ્તર કહેતો હતો – ભણાવીશ, હં !
હાવ બોચિયો જ હતો, માસ્તર !
ઓનલાઈન એજ્યુકેશનનું કહ્યું તો કહે –
એ બધાં માટે નથી
ગરીબ સ્માર્ટ ફોન લેવા ક્યાં જાય?
મેં કહ્યું – એ એનો હેડેક છે
આપણે મફત ભણાવીએ ને એ એક ફોન ના રાખે?
આમે ય ભણાવવાનું છે જ કેટલું?
હવે તો પરીક્ષણ એ જ શિક્ષણ છે.
ને પાસ કરવાના જ છે તો
ભણે કે ન ભણે તો શો ફરક પડે છે?
સાચું તો એ છે કે સ્કૂલો શિક્ષણ માટે નથી
શિક્ષકે હવે વર્ગમાં જવાનું જ નથી
હાજરી ને હોજરી હવે ઓનલાઈન જ ભરવાની
પ્રવેશોત્સવ હોય તો સાહેબોની સરભરા કરવાની
ચૂંટણી આવે તો મતદાન મથક સંભાળવાનું
વસતિ ગણતરી વખતે ડેટા ક્લેક્ટ કરવાનો
સમિતિ પરિપત્રો, પત્રકો મોકલે તે ભરવાના
એને બદલે કોઈ શિક્ષણનું કૂટે તો દયા આવે
એને એટલી પણ ખબર નથી કે
પગાર એ ઇતરપ્રવૃત્તિનો લે છે ને
વાત ભણાવવાની કરે છે
ને ભણાવવું જ હોય તો ઓનલાઈન ક્યાં નથી?
છોકરું ઘરે ભણશે તો ગેમ પણ રમી શકશે
જવાબો જોઈને જ લખવાના છે
એટલે ચોરીની તો વાત જ આવતી નથી
ને હું એમ પૂછું કે
મોબાઈલવાળાઓનો ધંધો નહીં થવા દેવાનો?
મારું ચાલેને તો હું તો સ્કૂલો જ બંધ કરાવી દઉં
બધાં ઘરે ભણે તો સ્કૂલો ખોલવાની જરૂર જ શી છે?
ઓનલાઈન ભણો, ફી ભરો, પગાર લો, રિઝલ્ટ લો
પછી સ્કૂલની જરૂર જ ક્યાં રહે છે?
ને માસ્તર કહે – વર્ગમાં ભણાવીશ.
ભણાવીશ, માય ફૂટ !
0
(‘સંદેશ’ની કોલમ)
e.mail : ravindra21111946@gmail.com
![]()


બેએક માસ પહેલાં, અમેરિકાના ટેક્સાસ પ્રાંતની પ્રાથમિક શાળામાં ઘટેલી માસફાયરિંગની ઘટનાએ, ન માત્ર અમેરિકી સરકાર અને સમાજને, વિશ્વ સમાજને હલબલાવી નાંખ્યા હતા. આ ઘટનામાં દસ વરસથી નીચેની ઉમરના ઓગણીસ બાળકો અને તેમના બે શિક્ષકો સહિત એકવીસ નિર્દોષ લોકોને, અઢાર વર્ષીય યુવાને ધડાધડ ગોળીઓ છોડી મારી નાંખ્યાં હતાં. અમેરિકાની ગન વિકૃતિના પરિણામે સર્જાયેલી આ કંઈ પહેલી ઘટના નહોતી અને છેલ્લી પણ નહીં હોય, પરંતુ હવે પ્રેસિડેન્ટ જો બાઈડેનની પહેલથી સંસદે ગન કન્ટ્રોલ બિલ પસાર કરીને તેના પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો છે.
ગયાં વરસે માર્ચમાં એક ફુલ લેન્થ નાટક લખાયું, ‘હરિશ્ચન્દ્રનો દરબાર’. તેનો અનુવાદ રૂપાલીબહેન બર્કે અંગ્રેજીમાં ય કર્યો છે. આ વર્ષના અંતે, લગભગ, અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થશે. લાંબુ 55 પાનનું નાટક છે, ખબર નહીં તમે એને ‘ઓપિનિયન’માં મૂકી શકશો કે કેમ. 2021 દરમિયાન “કુમાર” સામયિકમાં બે હપ્તે છપાયું. પણ તમને લખાણ સામગ્રી મોકલું છું. વાંચવાથી આનંદ થશે. કોવિડ દરમિયાન રાષ્ટ્રે જે જોયું અનુભવ્યું એનું સાહિત્યિક-કલાકીય દસ્તાવેજીકરણ કહી શકાય. કેમ કે ઇતિહાસો તો શાસક લખે છે, પણ એની પછીતે પડેલાં સત્યો તો જે તે સમયનાં સાહિત્યમાં દર્જ થતાં હોય છે.