Opinion Magazine
Number of visits: 9671277
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શરીરમાં લખલખું પસાર થઈ જાય તેવી સ્થિતિ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2022

આ વસ્તીમહિમાનો યુગ છે. ઉપભોગ કરનારાઓની સંખ્યા જેટલી વધુ એટલો ધંધો બહોળો. એમાં પણ ૧૯૯૦ પછી બે ચીજ ધંધામાં ઉમેરાઈ. એક છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માહિતીનું અર્થતંત્ર. એના દ્વારા ચીજવસ્તુ તો ઠીક, હાસ્યથી લઈને હિંસા (જી હાં, હિંસા) સુધી કાંઈ પણ વેચી શકાય છે. મનોભાવ પણ વ્યાપાર માટેની જણસ છે. વપરાશકારને તેની જરૂર ન હોય તો પણ તેને જરૂરતનો અહેસાસ કરાવી શકાય છે અને વાપરતો કરી શકાય છે. બીજી ચીજ છે સેવાઓનું વ્યવસાયીકરણ અર્થાત્ ખાનગીકરણ. જગત આખામાં કલ્યાણરાજ્યનો અંત આવી રહ્યો છે. સરકારોએ લોકોનું કલ્યાણ કરવાની જવાબદારી છોડી દીધી છે અને તેને ખાનગી હાથોમાં આપવામાં આવી રહી છે. કેળવણી, આરોગ્ય, તાર-ટપાલ, ટ્રાન્સપોર્ટ, સસ્તા અનાજનો પુરવઠો એમ દરેક સેવા હવે સેવા નથી રહી; ખાનગી હાથોમાં સોંપવામાં આવેલો ધંધો છે. આ જ્યાં સુધી સેવા હતી અને શાસકો સેવા કરવાનો ધર્મ સમજતા હતા ત્યાં સુધી એ જવાબદારી હતી. એ જ્યાં સુધી જવાબદારી હતી ત્યાં સુધી શાસકો તેને એક પ્રકારનો બોજો સમજતા હતા,  અને માટે વસ્તી ઘટાડવાની વકીલાત કરતા હતા. હવે આ બધી સેવાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે એટલે શાસકો જવાબદારીમુક્ત થઈ ગયા છે. ખાનગી માલિકી માટે પ્રત્યેક માણસ ગ્રાહક છે. જેટલા ગ્રાહકો વધુ એટલો ધંધો બહોળો.

હમણાં કહ્યું એમ અ-સરકારી અસરકારીનો મહિમા કરીને શાસકોએ લોકોનાં કલ્યાણની જવાબદારી છોડી દીધી છે એટલે શાસકો માટે પ્રજા હવે જેનું કલ્યાણ કરવું જ રહ્યું એવો બોજો મટીને સત્તા સુધી પહોંચાડનારી અને સત્તામાં ટકાવી રાખનારી સંખ્યા અર્થાત્ સાધન બની ગઈ છે. પ્રજાને કોઈને કોઈ ઓળખ પકડાવીને સમૂહમાં ફેરવો એટલે એ સંખ્યા બની જાય અને સંખ્યા સાધન બની જાય. ટૂંકમાં કોર્પોરેટ કંપનીઓ ગ્રાહક(કસ્ટમર – જે પોતાની જરૂરતોને કસ્ટમાઈઝ્ડ કરે તે કસ્ટમર)ને ઉપભોક્તા(કન્ઝ્યુમર – જે જરૂર હોય કે ન હોય કન્ઝયુમ કરે તે કન્ઝયુમર)માં ફેરવી રહ્યા છે અને શાસકો નાગરિકને સમૂહમાં ફેરવી રહ્યા છે. ગ્રાહક પોતાની જરૂરિયાત પોતે નક્કી કરે છે, જ્યારે ઉપભોક્તાની જરૂરિયાત કોઈ બીજા નક્કી કરે છે. માટે આજકાલ કસ્ટમરની જગ્યાએ કન્ઝ્યુમર શબ્દ વધારે પ્રચલિત છે. આવું જ નાગરિકનું. નાગરિક પાસે અપેક્ષા છે કે તે પોતે સારાસાર વિવેક કરે, જ્યારે સમૂહ અનિવાર્યપણે બીજા દ્વારા દોરવાય છે. આનો અર્થ એ થયો કે પૂંજીપતિઓ અને શાસકો એમ બંને માટે પ્રજા એક સંખ્યા માત્ર છે અને પોતાને અનુકૂળ આવે એવા લોકોની જેટલી સંખ્યા વધુ એટલો ફાયદો વધુ.

પણ આમાં કેટલાંક જોખમ છે અને જોખમ ખૂબ મોટાં છે. બે જોખમની વાત અહીં કરવી રહી અને એનાં તરફ આંખ આડા કાન કરી શકાય એમ નથી. જો કરવામાં આવશે તો વિસ્ફોટ થવાની શક્યતા છે. યુનોના જાગતિક વસ્તીનાં આંકડા બહાર પડ્યા એનાં બે વરસ પહેલાં ૨૦૨૦ના જુલાઈ મહિનામાં ભારત સરકારના વસ્તીગણતરી વિભાગે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં ૨૦૧૧-૨૦૩૬ એમ પચીસ વરસ દરમિયાન ભારતની વસ્તીમાં થનારા ફેરબદલના આંકડા જોવા મળે છે. એનો અભ્યાસ કરતાં જે જોખમ નજરે પડે છે એ તરફ ધ્યાન દોરવું જરૂરી છે.

ભારત સરકારના પોતાના આંકડા મુજબ કમાવાની વયના (૧૫થી ૫૯ વરસ) લોકોમાં મોટો વધારો થવાનો છે. ૨૦૧૧થી ૨૦૩૬નાં પચીસ વરસ દરમિયાન ભારતની વસ્તીમાં જે ૩૧ કરોડ લોકોનો વધારો થવાનો છે એમાં કમાવાની વયના લોકોનું પ્રમાણ ૮૧.૪ ટકાનું હશે. આ તો વધનારી વસ્તીની વાત થઈ, ભારતની ૨૦૩૬ની કુલ વસ્તીમાં કમાવાની વયના લોકોનું પ્રમાણ ૬૦.૭ ટકાથી વધીને ૬૪.૯ ટકા થશે. આનો અર્થ એ થયો કે ૨૦૩૬ની સાલમાં ભારતની દોઢ અબજની વસ્તીમાં કમાઈ શકવાની ઉમરના અને કામ માંગનારા લોકોની કુલ સંખ્યા ૯૭થી ૯૮ કરોડ હશે. એક અબજ માણસો પકડો ને! ત્રણમાંથી બે માણસને રોજગારી આપવી પડશે અને રોજગારી છે ક્યાં? બીજું ૬૦ વરસની વયે હવે કોઈ નિવૃત્ત થતું નથી અને ગરીબ પ્રજાનાં બાળકોને આજે પણ ૧૫ વરસનો થાય એ પહેલાં બાળપણમાં કમાવું પડે છે. આમ સોમાંથી અંદાજે ૭૫ જણને અર્થાત્ સવા અબજ લોકોને કામ આપવું પડશે. જો કામ આપવામાં નહીં આવે તો વિસ્ફોટ થવાની પૂરી શક્યતા છે.

બીજું એટલું જ મોટું અને કદાચ વધારે મોટું જોખમ રાજ્યોમાં વસ્તીના અસમાન પ્રમાણનું છે. ૨૦૩૬માં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એમ આ ચાર રાજ્યોની વસ્તી ભારતની કુલ વસ્તીમાં અડધોઅડધ હશે. ભારતની કુલ વસ્તીમાં ઉત્તર પ્રદેશની વસ્તીનું પ્રમાણ ૧૯.૨ ટકા હશે. બિહારની વસ્તીનું પ્રમાણ ૧૪.૫ ટકા હશે, મધ્ય પ્રદેશની વસ્તીનું પ્રમાણ ૮.૨ ટકા હશે અને રાજસ્થાનની વસ્તીનું પ્રમાણ ૭.૨ ટકા હશે. માત્ર આ ચાર રાજ્યોની વસ્તી હશે ૪૯.૧ ટકા. આની સામે ભારતનાં દક્ષિણનાં પાંચ રાજ્યોની વસ્તીનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં માત્ર ૯.૬ ટકા હશે. રાજ્યવાર જોઈએ તો તામીલનાડુ ૧.૯ ટકા, કેરળ ૧.૨ ટકા, કર્ણાટક ૩.૫ ટકા, તેલંગાણા ૧.૫ ટકા અને આંધ્ર પ્રદેશ ૧.૫ ટકા. આવી જ રીતે ઓડીસા, પશ્ચિમ બંગાળ, આસામ અને ઇશાન ભારતનાં તમામ રાજ્યોની વસ્તીનો સરવાળો કરો તો એ પણ ભારતની કુલ વસ્તીમાં દસ ટકાથી વધુ નહીં હોય. એ પછી જમ્મુ, કાશ્મીર, લડાખ, પંજાબ, દેશનાં આદિવાસીબહુલ રાજ્યોની વસ્તી પણ પાંચ ટકાની અંદર હશે.

વસ્તીની રાજ્યવાર વહેંચણી જોતાં સવાલ ઉપસ્થિત થાય છે કે શું સમગ્ર ભારત ઉપર એક જ ભાષા બોલનારી અને ચોક્કસ સાંસ્કૃતિક ઓળખ ધરાવનારી પ્રજા રાજ કરશે? ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળતી ભાષા સિવાયની બીજી ચોક્કસ સાંસ્કૃતિક ઓળખને ઘણે અંશે સ્વીકારનારાં ગુજરાત (૬.૮ ટકા) અને મહારાષ્ટ્ર(૭.૯ ટકા)ની વસ્તી ઉમેરો તો ભારતની કુલ વસ્તીમાં આ છ રાજ્યોની વસ્તીનું પ્રમાણ ૬૩.૮ ટકા થવા જાય છે.

જેને હિન્દુત્વવાદીઓ ગર્વથી આર્યાવર્ત કહે છે, જેને અંગ્રેજીમાં કાઉ બેલ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે, જેને વિકાસની પરિભાષામાં બીમારુ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેની વધતી વસ્તી અને પછાતપણું ચિંતાનો વિષય માનવામાં આવતો હતો, જેને વિકાસના મોરચે દક્ષિણનાં રાજ્યોની પ્રજાની સમકક્ષ લઈ જવાનો એક જમાનામાં શાસકો મનસૂબો ધરાવતા હતા અને પડકાર ઉઠાવતા હતા એ રાજ્યોની પ્રજા માત્ર સંખ્યાના જોરે ભારતનાં બાકીનાં રાજ્યોની પ્રજા ઉપર શાસન કરશે? (લોક-પ્રતિનિધિત્વમાં સત્તાકીય અસમાનતા પેદા ન થાય એ માટે આ ચાર રાજ્યોનું લોકસભામાંનું પ્રતિનિધિત્વ બહોળી વસ્તીવાળાં મતદારક્ષેત્રો રચીને નિયંત્રિત રાખવામાં આવે છે પણ એ ક્યાં સુધી રાખી શકાશે?)

આ જે હકીકત આકાર લઈ રહી છે એની ગંભીરતા સમજાય છે કે પછી નશામાં જ રહેવું છે? વળી ૨૦૩૬ની સાલ કોઈ દૂર પણ નથી. આવતા પાંચેક વરસમાં આનો તાપ નજરે પડવા લાગશે અને સાચું પૂછો તો ઉત્તર ભારતની આર્યાવર્તીય દાદાગીરી સામે દક્ષિણમાં અત્યારે જ અસંતોષ નજરે પડવા લાગ્યો છે. આ સિવાય દક્ષિણ ભારતમાં વસ્તી વધારાનું પ્રમાણ નિયંત્રિત હોવાને કારણે અને આરોગ્ય સહિત વિકાસના મોરચે અગ્રેસર હોવાના કારણે એ રાજ્યોમાં નહીં કમાઈ શકનારા વૃદ્ધોનું પ્રમાણ ઉત્તર ભારત કરતાં વધુ હશે. દક્ષિણમાં પેદા થનારા અસંતોષનું આ પણ એક વધારાનું કારણ હશે.

અને પૂર્વ ભારત (પશ્ચિમ બંગાળ અને ઓડીસા), ઇશાન ભારત (આસામ અને આજુબાજુનાં સિક્કિમ સહિત સાત રાજ્યો), આદિવાસી ભારત (મુખ્યત્વે ઝારખંડ અને છત્તીસગઢ), પહાડી ભારત (ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ), વિધર્મી ભારત(કાશ્મીર, લડાખ અને પંજાબ)માં પણ અસંતોષ પેદા થશે. એક વાત નોંધી લે જો; કોઈ પ્રજા કોઈનું આધિપત્ય લાંબો સમય ચલાવી લેતી નથી અને એ પણ આ યુગમાં તો અસંભવ છે.

અત્યારે વસ્તીને સંખ્યામાં પરિવર્તિત કરવામાં આવી રહી છે અને નાગરિકને સમૂહમાં-ટોળાંમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે એ ખતરનાક ખેલ છે. એમાં ઉપર કહ્યું એમ કોર્પોરેટ કંપનીઓનો અને શાસકોનો સ્વાર્થ છે. પ્રજાને ઓળખ પકડાવીને સંખ્યામાં પરિવર્તિત કરવામાં આવે એમાં ધર્મગુરુઓનો બાવાઓનો પણ સ્વાર્થ છે. માટે તમે જોયું હશે કે આ ત્રણેયની ધરી રચાઈ છે.

વિચાર કરતાં શરીરમાં લખલખું પસાર થઈ જાય એવી સ્થિતિ નજરે પડી રહી છે.

પણ તો પછી આનો ઉપાય શું? ઉપાય એક જ છે, વિવેક. વિવેક કેળવો. રાંડ્યા પછી ડહાપણ આવે એનાં કરતાં પહેલાં ડહાપણ અપનાવી લઈએ તો રંડાપો ટાળી શકાય. એક દિવસ ડહાપણ તો આવવાનું જ છે અને છેલ્લો વિજય ડહાપણનો જ થવાનો છે એ નક્કી વાત છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2022

Loading

આઝાન બની છે

બીજલ જગડ|Opinion - Opinion|28 July 2022

શ્રાવણી ઝરમારોની અસર છે

મૌસમ કેવી આ માતબર છે

પરિમલ પેઠે પુષ્પોનો જીવ છે

સર્વ બંધ કળીમાં ઉપવન છે

ઝાકળ સૂર્યઝલકને પામી

ફૂલો ય ચમનના ડાક ઘર છે.

હું કફસમાં છું, દિલ ચમનમાં છે

વાસ ને ગુલ, જ્યોત ને દીપક

ચમકતાં તારલા કોને ઘર છે ?

વસંતો જીવનમાં બધી ઉજવી છે

ગજબની જમાને ય હિંમત કરી,

ફરી એકથી કંઈ હકીકત કરી છે.

જ્યારથી નમણી નઝર થઈ છે,

દર્દ જીવનની તાન બની,

સકળ આલમની આઝાન બની છે.

ઘાટકોપર, મુંબઇ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

હું મોદી ભક્ત નથી પણ ભારત બદલાઈ રહ્યું છે 

દિવ્યાશા ડી દોશી|Opinion - Opinion|27 July 2022

ફેસબૂક પર જોયું કે ભારતને વખોડવા માટે એક કારણ કોમન છે : ભ્રષ્ટાચાર અને સરકાર. સરકાર ગમે તે હોય પણ જો સામાન્ય વ્યક્તિને સુવિધા મળતી હોય તો ભારત બદલાયું છે એવું કહીશ. હું સામાન્ય વ્યક્તિ છું. હવે પત્રકાર તરીકે કામ કરતી નથી. ત્રણેક વરસથી મને રોકડે વ્યવહાર કરવો પડતો નથી. સરકારી કામો પણ ઓનલાઈન થઈ જાય છે. છેલ્લે ક્યારે હું બેન્કમાં કે સરકારી ઓફિસમાં કામ માટે ગઈ હતી તે યાદ નથી. બીલ ભરવા કે ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા નથી રહેવું પડતું. હજી હમણાં જ પાસપોર્ટ રિન્યુ કરાવ્યો. તો દશ મિનિટમાં ઓનલાઈન ફોર્મ ભર્યું, પૈસા ભર્યા અને ડોક્યુમેન્ટ એક જ આધાર જોડ્યું. તરત જ એપોઈન્ટમેન્ટ મળી તેનું ઈન્ટિમેશન મેઈલ પર અને એસ.એમ.એસ. પર પણ મળ્યું.

મળેલી તારીખે અને સમયે પાસપોર્ટ ઓફિસ જે મારા વિસ્તારમાં સેન્ટર છે ત્યાં પહોંચી. દસેક વરસ પહેલાં આખા મુંબઈમાં એક જ પાસપોર્ટ ઓફિસ હતી વરલીમાં. ત્યાં લાંબી લાઈન લાગતી. એક દિવસમાં કામ પૂરું થાય તે લગભગ અશક્ય હતું. વળી ત્યાં જવા આવવા માટે મારા ઘરથી એક કલાક લાગતો. બીજા જે વધુ દૂર રહેતા હોય તેને વધુ સમય પણ લાગતો. હવે મુંબઈમાં અનેક વિસ્તારોમાં પાસપોર્ટ ઓફિસ છે. તમારે પસંદ કરવાનું કે તમે કઈ ઓફિસમાં જવા માગો છો. પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા બાદ રાહ જોયા સિવાય તરત જ અંદર જવા દે. એક બારીએથી બીજી બારીએ જવાનું પણ લાઈનમાં ઊભા નહીં રહેવાનું. એ.સી. ઓફિસમાં બેસીને તમે પાંચેક મિનિટ રાહ જુઓ કે તરત જ નંબર આવે. કોફી પીતાં પીતાં તમે આ દરેક કામ કરી શકો. તમારો ફોટો પાડે તે પણ તમને બતાવી મંજૂર કરાવે. ન ગમે તો ફરીથી પાડે. વધુમાં વધુ પંદર મિનિટમાં તમે પાસપોર્ટ ઓફિસની બહાર હો. ઘરે પહોંચો એ પહેલાં તમને એસ.એમ.એસ. આવી જાય કે તમારી એપ્લિકેશન પ્રોસેસમાં છે. બીજા દિવસે મેસેજ આવ્યો કે પોલીસ વેરિફિકેશન માટે તમારી ફાઈલ પોલીસ સ્ટેશનમાં મોકલી છે બે કે ત્રણ દિવસમાં પોલીસ તમને સંપર્ક કરશે. ત્રીજા જ દિવસે પોલીસનો ફોન આવ્યો અને મારી અનુકૂળતા મુજબ તે વેરિફિકેશન માટે ઘરે આવ્યો. પાણી પણ ન પીધું. કાગળિયા તપાસી કહ્યું કે બધું બરાબર છે પણ  ઘર અમારા નામ પર ન હોઈ તેને માટે ઓફિસની પરમિશનનો લેટર જોઈશે. જો હું ઈચ્છું છું તો એ કાગળ આપવાની ના પાડી શકું. ને પોલીસ બાકીના મારા કાગળિયા આગળ મોકલી આપે. પણ પોલીસે કહ્યું કે જો એ કાગળ હોય તો મારો પાસપોર્ટ બનવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.  એટલે મેં કહ્યું કે મારે એ કાગળ તમને બે દિવસ પછી ક્યાં પહોંચાડવાનો? તો કહે કે તમારે ક્યાં ય નહીં જવાનું. અમે આવીને લઈ જઈશું. મને નવાઈ લાગી. શરમ પણ આવી કે બીજીવાર ધક્કો ખવડાવવાનો …. તો કહે આ તો અમારું કામ છે. એ પોલીસભાઈ બે દિવસ બાદ ફોન કરીને ઘરે આવી કાગળ લઈ ગયા. કોઈ લાંચ ન માગી. ત્રણ દિવસ પછી મને પાસપોર્ટ ઓફિસનો મેસેજ આવે છે કે કાગળિયાં પહોંચી ગયા છે. તમારો પાસપોર્ટ પ્રિન્ટિંગમાં છે. ત્રણેક દિવસ પછી પોસ્ટ થયાનો મેસેજ અને બે દિવસ પછી પાસપોર્ટ મારા હાથમાં.

દસ વરસ પહેલાં મારા પતિ દીપકના પાસપોર્ટની અરજી બે વાર નકારાઈ. મામૂલી કારણો કે બે સર્ટિફિકેટમાં તેના પિતાના નામ જુદા હતા. એકમાં પિતાના નામ પાછળ ભાઈ હતું અને બીજામાં કુમાર વિશેષણ હતું. ખેર, દિવસો બગાડ્યા બાદ, લાઈનમાં ઊભા રહ્યા બાદ આવા કારણોને લીધે દીપકે નક્કી કર્યું કે પાસપોર્ટ નથી જોઈતો. ત્રણેક વરસ પહેલાં ખબર પડી કે હવે પાસપોર્ટ સરળતાથી મળે છે. અમે ફરીથી પ્રયત્ન કર્યો. અમારા આશ્ચર્ય વચ્ચે કોઈ તકલીફ સિવાય પંદર મિનિટમાં એની અરજી પાસ થઈ ગઈ. અને દસેક દિવસમાં પાસપોર્ટ ઘરે આવી ગયો. ભારત બદલાયું તેનો આનંદ થયો.

છેલ્લાં કેટલાં ય વરસોથી હું મોટાભાગના કામ ઓનલાઈન કરી શકું છું. જેમ કે પાંચેક વરસથી હું ધરમપુરના ઘરનું લાઈટબીલ, ગેસ બીલ ભારતના કોઈ પણ ઠેકાણેથી ઓનલાઈન ભરી શકું છું. મુંબઈના ઘરના બીલ પણ બધા ઓનલાઈન ભરું છું. બેએક વરસથી તો દાણાવાળા અને મોલમાં હું રોકડામાં બીલ આપતી નથી. એકાદ બે શાકવાળા સિવાય ફળવાળા અને શાકભાજીવાળા પણ ઓનલાઈન પેમેન્ટ લે છે. રોકડા રૂપિયા મારે મહિનામાં એકાદ બે વાર જ એ.ટી.એમ. દ્વારા લેવા પડે છે. કેટલાક રિક્ષાવાળા પણ એપ્પ દ્વારા પેમેન્ટ સ્વીકારે છે. ડ્રાઈવિંગ લાઈસન્સ કે પેન કાર્ડ કે આધાર કાર્ડ માટે હવે ભાગ્યે જ ઓફિસોમાં જવું પડે. ઓનલાઈન કામ થઈ જાય છે. મુંબઈની લોકલ ટ્રેનની ટિકિટ માટે છેલ્લાં ત્રણ વરસથી હું ટિકિટબારી પર નથી ગઈ. મોબાઈલ દ્વારા મારું કામ થઈ જાય છે. એટલે જ્યારે પ્રવાસ કરવો હોય ત્યારે અડધો કલાક મારો બચે છે. ઘરથી નીકળતાં રસ્તામાં મોબાઈલ પર ટિકિટ ખરીદું અને બે મિનિટમાં મારા મોબાઈલમાં ટિકિટ સેવ થઈ જાય. કાગળની ટિકિટ હવે બહારગામ જતાં પણ નહીં અને લોકલ ટ્રાવેલ કરતાં પણ પ્રિન્ટ કરવાની રહેતી નથી.

હા, કેટલીક ફરિયાદ પણ છે. જેમ કે રસ્તા પરના ખાડાઓ. મુંબઈના રોડ ખૂબ જ ખરાબ છે. તે વિશે કોઈ સરકાર દિલથી કામ નથી કરતી. થાગડ થીગડ કામ થયા કરે. બીજું પ્લાસ્ટિક બેનનું કામ પણ નકામું જ છે. સ્વચ્છતા વિશે પણ સરકાર કડક હાથે કામ નથી લેતી. ભીનો સૂકો કચરો જુદો નથી લેવાતો. આમ કેટલાક કાયદાઓ ફક્ત કાગળ પર જ રહી જાય છે. ઈન્કમટેક્ષનું રિટર્ન સરળતાથી ભરી નથી શકાતું. એ ફોર્મ સરળ થાય તો ગમે. આમ અનેક કામ નથી પણ થતાં તે છતાં ઉપર જણાવેલા અનેક કામ સરળ થઈ ગયા છે એ વિશે પણ કહેવું જરૂરી હતું. આ લખવા માટે મને કોઈ સરકારે ખરીદી નથી. આ લેખ લખવાનું એક જ કારણ કે ભારતમાં બધું જ ખરાબ છે અને ભારત બહાર બીજા દેશોમાં બધું જ સારું છે એ માન્યતા ખોટી છે એટલું જ કહેવું છે. મુંબઈમાં મને અંગત ગાડીની જરૂર પડતી નથી. પબ્લિક વાહનો સરળતાથી મળી રહે છે. ઘણું કહેવું છે પણ થોડો સંયમ રાખી અહીં જ વિરમું છું. અને હા, હું ક્યારે ય લાંચ આપીને કામ કરાવવામાં માનતી નથી. હા ટ્રેનમાં પહેલાં રિઝર્વ બર્થ માટે ટી.સી.ને પૈસા આપ્યા છે અને તેનું મને દુ:ખ છે. હવે એવું નથી કરવું પડતું કારણ કે સિસ્ટમ બદલાઈ છે.

સૌજન્ય : દિવ્યાશાબહેન દોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4411,4421,4431,444...1,4501,4601,470...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved