Opinion Magazine
Number of visits: 9671846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 

બકુલા ઘાસવાલા|Diaspora - Reviews, Opinion - Opinion|5 August 2022

‘આંતર ખોજ’ 

મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ. 

— બકુલા ઘાસવાલા

પદ્મા દેસાઈને વધારે સમજવાં હોય તો તારે અનુરાધાનું આત્મકથન ‘Unbecoming : A Memoir of Disobedience’ : ખાસ વાંચવું જોઈએ. મારા નિકટના સ્વજને મને ભારપૂર્વક કહ્યું. આમ પણ મેં હાલમાં જ પદ્મા દેસાઈનું આત્મકથન ‘Breaking Out : મુક્તિયાત્રા’ વાંચ્યું હતું. પદ્માબહેનને તો પદ્મભૂષણની નવાજેશ પણ થઈ છે તેનો ઉલ્લેખ એમની આત્મકથામાં નથી, કારણ કે તે આત્મકથા પ્રકાશિત થયા પછીની વાત છે. લલિતાબહેન અને કાલિદાસ દેસાઈથી અનુરાધા ભગવતીની ત્રણ પેઢીને સમજવાની સાથે મૂળસોતાં ક્ષેત્રથી આંતરરાષ્ટ્રીય સ્તરની વિદ્વત્તાને સમજવાનો અમૂલ્ય મોકો અહીં મળે છે. પદ્મા દેસાઈની મુક્તિયાત્રા સાથે અનુરાધાની આંતર ખોજનું અનુસંધાન થતું હોય એવું મને વાંચતી વખતે લાગતું રહ્યું હતું. અનુરાધાની સમગ્ર યાત્રામાંથી પસાર થતાં એની પેઢીનાં સંતાનો માટે ખાસ્સી સમજણ વિકસી એમ કહેવું મને વધારે ગમે છે.

અનુરાધા ભારતીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી વિદ્વાન માતા-પિતા પદ્મા દેસાઈ અને જગદીશ ભગવતીની દીકરી છે, પરંતુ એ હોવાનું કે એની Reflected Gloryમાં રાચવાનું કોઈ મિથ્યાભિમાન એના પર સવાર થયું નથી. એના મનનો કોઈ અહમ્‌ પણ વાચક તરીકે મેં અનુભવ્યો નથી. આત્મકથન છે એટલે બાળપણથી પુસ્તક પ્રગટ થયું તે સમયખંડ આવરી લેવાયો છે. ૧૯૭૫માં અમેરિકામાં માતાની ૪૨-૪૩ વર્ષની વયે એનો જન્મ થયેલો. હાલ એની ઉંમર ૪૭ વર્ષની અને પુસ્તક પ્રકાશિત થયું ત્યારે ૪૪ વર્ષની. આમ તો દરેક સંતાન પોતાનાં માતાપિતા માટે અણમોલ અને અનન્ય હોય જ છે એવું આપણે માનીએ છીએ. અનુરાધા પણ એ જ રીતે જોઈતી અને વહાલા દીકરી એમ માની લઈએ. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવતો જાય કે અમેરિકામાં જન્મીને મોટાં થતાં અને સ્વતંત્રતપણે વિચારતાં સંતાનો પોતે શું અનુભવે અને વ્યક્ત કરે. અનુરાધાની અનુ તરીકે ઓળખ પણ બની છે એટલે અનુ લખું તો એ અનુરાધા જ છે તે ખ્યાલ રહે એ જરૂરી છે. માતાપિતા સાથે બાળપણથી આજ પર્યંત પોતાના સંબંધો કેવા રહ્યા એ વિશે અનુ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટપણે લખે છે; સાથે વયોવૃદ્ધ માતાપિતાને પોતે જે રીતે સમજ્યાં તે વિશે પણ લખે છે.

અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન ‘અસહ્ય સ્થિતિ : આજ્ઞાભંગનાં સ્મૃતિચિત્રો’ જે મારી દૃષ્ટિએ તો ‘હૈયે તે હોઠે’ તરીકે ઝિલ્યું છે. જ્યારે એણે નક્કી કર્યું કે હું મરીન શાખામાં કારકિર્દી બનાવીશ ત્યારે તો કોઈ ખ્યાલ ન હતો કે ભાવિ શું હશે પરંતુ અહીં તો ડગલું ભર્યું કે ના હઠવું એટલે કડક તાલીમ તો પછી આવી તે પહેલાં સ્નાતક હોવાથી સીધી ભરતી ઓફિસર તરીકે જ થઈ. અત્યંત મહેનતથી ભરચક તાલીમ લઈ લેફ્ટનન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન રંગભેદ અને લિંગભેદના જે કાંઈ અનુભવો થયા છે તેનો સઘળો ચિતાર પુસ્તકમાંથી પસાર થતા મળે છે. અમેરિકન નાગરિક તરીકે જન્મ, ઉછેર અને વ્યક્તિત્વનો વિકાસ છતાં કેવા અનુભવો થયા છે તે તો એમાંથી પસાર થઈએ ત્યારે જ સમજાય. પ્રેમની વિભાવના, શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો સંદર્ભે અવારનવાર બંધાતા સંબંધો, ઓફિસરોની ક્રમિક સત્તાકીય ભાંજણી અને મિલિટરી દબદબા સાથે જન્મજાત મૌન રહેવાના સંસ્કારનો સીલસીલો છતાં એવી સરહદને અતિક્રમી જઈ નીડરતાપૂર્વક પોતે જે છે તે રીતે વ્યક્ત થવું એ બે વાક્યમાં લખાય કે સમજાય તેવી ગાથા તો ન જ હોય ને ! કારકિર્દીમાં પોતે જે ફરજો અદા કરવાની છે તે અને જાત સાથે સંઘર્ષ દ્વારા આંતર ખોજ થકી પોતે શારીરિક-માનસિક રીતે જે અનુભૂતિ કરે છે તેનું નગ્નસત્ય ઉજાગર કરવાનું અનુને સહેજ પણ કઠિન લાગ્યું નથી. મેલ બેકલેશ અને ધવલવર્ણીય અધિકારીઓ કે સહકર્મીઓનો પ્રતિઘાત કે પ્રતિક્રિયાનો સામનો કરવાનો બેવડો બોજો કેવી રીતે વેંઢાર્યો તેનું યથાવત્ વર્ણન કરવામાં અનુનાં ટેરવાંને જરાપણ હિચકિચાટ થયો નથી.

SWANની સ્થાપના અને પછી ક્રમબદ્ધ રજૂઆતો દ્વારા મુખ્ય પ્રવાહમાં મિલિટરીમાં કાર્યરત સ્ત્રીઓની સમસ્યાઓને વાચા આપવી, પ્રેસ અને પોલિટિશિયનો સાથે રહી કે સામે રહીને પણ સેનેટ સુધી રજૂઆતો કરવી, સામાજિક જાગૃતિ માટે લખી અને બોલીને અવિરત પ્રયત્નો કરવા, પીડિતોને સંગઠિત કરવા એમની કેફિયતનું દસ્તાવેજીકરણ કરવું અને સચ્ચાઈ દર્શાવવી આ કાર્ય પણ અનુએ પૂરી નિષ્ઠા અને નિસબત સાથે પ્રતિબદ્ધતાપૂર્વક કર્યું છે. સહકર્મીઓનો સહયોગ મળે તેમ એમની રોજ બ રોજની ગમતી-અણગમતી રીતભાત કે ઈર્ષ્યાનો સામનો પણ કરવો જ પડે એ કડવું સત્ય પણ અનુએ જીરવ્યું છે. મોટાભાગે બધાં જ એનો સામનો કરતાં હોય છે એ ય સાચું. ક્યારેક બે ડગલાં આગળ અને ક્યારેક બે ડગલાં પાછળ હસીને પણ પોતાની સચ્ચાઈનો અહેસાસ કરતાં ને કરાવતાં રહેવાનો સ્ત્રીયાર્થ – પુરુષાર્થ-માનવાર્થ અનુ અને એની ટીમે કર્યો છે. એમાં સફળતા સાથે નિષ્ફળતા પણ મળી. થાકી અને હારી જવાય તેવો સંઘર્ષ છતાં અનુ અડગ રહી શકે છે તો એણે તનતોડ મહેનત સાથે મનતોડ વ્યથા – હતાશા પણ ભોગવી છે અને તે માટે માનસિક સારવાર પણ લીધી છે. અનુ પોતાના દરેક અનુભવનું વર્ણન તટસ્થતાથી કરતી વખતે પોતાનો ધારદાર મિજાજ તો બતાવે જ છે પરંતુ પોતાની અનુભૂતિની હળવાશભરી અભિવ્યક્તિ પણ કરી શકે છે. જો કે એમની ટીમે જે ભીંત સાથે માથાં અફાળવાનાં છે તે અસહનીય છે તો મારા જેવા સામાન્ય વાચક માટે તો અકલ્પનીય પણ છે.

પુસ્તક વાંચતી વખતે મને કેટલાક પ્રશ્નો થતા જ હતા કે અનુએ આ મુદ્દે લખ્યું તો આ વાત કેમ ન લખી અને ત્યાં એણે લખી જ હોય જેમ કે ઘરેલુ હિંસાનો મુદ્દો. અધિકારીઓનાં બાળકો અને પત્ની વિષયક કે મિલિટરીમાં કામ કરતી સૈનિકાઓને થતાં ઘરેલુ હિંસાના અનુભવો વિષયક દાસ્તાનનું આલેખન એણે કર્યું જ છે. શિસ્તબદ્ધ કર્મશીલની જેમ સૈદ્ધાંતિક રીતે મુદ્દાસર આંકડા અને હકીકતનું બયાન તો આંખે ઊડીને વળગે એવું મને તો લાગ્યું છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય અને કોઈપણ સરકાર હોય, નેતા હોય એનું અગત્યના મુદ્દા પર ધ્યાન દોરવા માટે જે જરૂરી કુશળતા જોઈએ તે SWAN ટીમે કેળવી એટલે એમને ક્યાંક સફળતા મળી તો જ્યાં ન મળી ત્યાં એનું તાર્કિક વિશ્લેષણ પણ અહીં વાંચવા મળ્યું છે. અનુએ પોતાના બંને શ્વાન અને નિકટના મૈત્રીસંબંધો વિશે લખ્યું ત્યારે મને સહજ વિચાર આવતો હતો કે એણે ક્યારેક રસોડું જોયું હશે કે ? અનુના ઉત્ક્રાંતિ આલેખમાં એની SWANમાંથી નિવૃત્તિ અને યોગ-વિપશ્યનામાં પ્રવૃત્તિ ઉપરાંત માંસાહારથી શાકાહાર જ નહીં પણ વિગન કે વેગન જેઓ દૂધનો ઉપયોગ પણ ન કરે તેનો ઉલ્લેખ કર્યો છે. અહીં એ યોગ શિક્ષક તો બને છે સાથે સો માણસની રસોઈ બનાવવાની ટીમમાં જોડાઈને નિષ્ણાત તરીકે આશ્ચર્યચકિત પણ કરે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોગ ચળવળની અનુ પ્રશંસક છે તે એની વિલક્ષણતા છે.

મને એક બીજો વિચાર સતત આવ્યો છે કે આપણે માટે ભારતીય સૈનિકો ભારતમાતાના પુત્રો છે. એમની શહાદત, ત્યાગ, બલિદાનની ગાથાઓ સાંભળીને મોટાં થયાં છીએ અને બાળકો પણ મોટાં થાય છે. ભારતીય સેનામાં સ્ત્રીઓની સંખ્યા કેટલી સ્ત્રીઓ હશે ? કોઈએ ભારતની સાચી પરિસ્થિતિ વિશે અનુભવગાથા લખી હશે ? દુનિયાભરમાં નારીવાદીઓ Militarisationનો વિરોધ કરતી આવી છે. અહીં મને શર્મિલા ઈરોમની યાદ આવી. મિલિટરીમેન અને ટેરરિસ્ટોની માનસિકતા વિશે તો લખાતું પણ રહ્યું છે, ગુજરાતીમાં કેટલું સાહિત્ય છે તે વિશે મને ખાસ જાણ નથી. પરંતુ અનુએ જે લખ્યું છે તેવી હિંમતથી ભારતમાં કોઈ મિલિટરી વુમને-સ્ત્રીએ લખ્યું હોય તો મને ખબર નથી. તો પણ જુઓ કે અનુનાં વંશીય મૂળ ભારતમાં છે. અનુ તો વર્ગ, વર્ણ, જ્ઞાતિથી પર છે અને queer છે. સ્વતંત્રમિજાજી, સ્વનિર્ભર, ઉદ્દામવાદી વ્યક્તિત્વનું ઉમદા, પ્રેમાળ અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિત્વમાં રૂપાંતર થવું એ પ્રલંબ પ્રક્રિયા ભલે હોય પણ એવું પરિવર્તન શક્ય છે એ અનુની આંતરખોજનું દર્શન કરાવે છે.

ત્રીજો વિચાર એ હાવી થઈ ગયો હતો કે અનુના સ્ત્રી-પુરુષના જન્મજાત Conditioning વિશે ક્યા વિચારો હશે. કદાચ એ Conditioning શબ્દપ્રયોગ ન કરે તો પણ જે જડબેસલાક માનસિકતા રોપાઈ જતી હોય છે જે સહેલાઈથી છૂટે નહીં તે વિશે તો એણે વિચાર્યું જ હશે ! એણે એ શબ્દપ્રયોગ સાથે જ વિચાર્યું છે. પદ્મા દેસાઈની પોતાના જમાનાની માનસિકતાથી મુક્ત થઈ પોતે બળવો કરનાર પણ લાગે તે હદે વર્તન કરવાની ચેષ્ટા એક વર્તુળ પર પરિક્રમા શરૂ કરે છે. અનુ એ પરિક્રમાને પોતાના જમાના પ્રમાણે બળવો લાગે તે રીતે આગળ વધારે છે. માતા-પુત્રી પોતપોતાના હિસ્સાનો સંઘર્ષ કરે છે. ક્યાંક સફળ-નિષ્ફળ પણ જાય છે છતાં બન્ને સિદ્ધિને પણ વરે છે. અંતે અનુની ખોજ અંતર્યાત્રામાં પરિણમે છે અને એ સત્યમ્-શિવમ્-સુંદરમ્‌ના માર્ગે યોગસાધના તરફ વળીને વર્તુળની પરિક્રમા પૂર્ણ કરે છે.

આ બીજું પુસ્તક મને કિન્ડલ પર વાંચવાં મળ્યું અને મને એ ફાવી ગયું કારણ કે આઈપેડ પર ફોન્ટ્સ મોટા કરી વાંચી શકી. વાર તો લાગી પણ ગમ્યું. એમેઝોન પર મળે છે. પુસ્તક મેળવવા માટે ઈન્ટરનેટ સર્ફિંગ કરતાં હું અનુરાધા દેસાઈ ટાઈપ કરતી રહી અને અલગ વિગત મળતી રહી પછી યાદ આવ્યું કે ભગવતી ટાઈપ કરું અને તરત વિગતો મળી. પછી મને વિચાર આવ્યો કે અનુરાધા પોતાની અટક વિદ્રોહી કે ક્રાન્તિ રાખતે તો ? એવો વિચાર પણ આવ્યો કે કેટલા Facebook Friends એ વાંચ્યું હશે ? તરલિકાબહેન, રવીન્દ્ર પારેખ, ખેવના, વિભૂતિ, નંદિતા, કિરણ, મહાશ્વેતા, ગૌરાંગ, મનીષી, પ્ર.ન. શાહ, વિપુલ કલ્યાણી, ફાલ્ગુની, દિવ્યાશા ….. વાંચી હશે તેવાં અનેક નામો યાદ આવે છે એટલે હવે યાદી મૂકતી નથી ……… કોઈ મિત્ર આ પુસ્તક વિશે મંતવ્ય આપશે તો ગમશે.

સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસને ખસેડીને આપણે રોબોટ્સની ગુલામી કરવા તરફ જઈ રહ્યાં છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 August 2022

ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ 6થી 12 ધોરણ દરમિયાન જ રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણે એ હેતુથી અમદાવાદની સી.બી.એસ.ઈ. અને મ્યુનિસિપલ સ્કૂલોમાં કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. આ વિષય સ્કૂલોમાં પોલિટેક્નિકના વિદ્યાર્થીઓ ભણાવશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ શિક્ષણ મળે તે હેતુથી ગવર્નમેન્ટ પોલિટેકનિકની ફેકલ્ટિઝ નક્કી કરવામાં આવેલી સ્કૂલોમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવશે અને કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપશે. આ કોર્સની જુદા જુદા કલાકોની અવધિ માટે 3,300થી 6,300 સુધીની ફી નક્કી કરવામાં આવી છે. અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલોમાં 6થી 8ના વિદ્યાર્થીઓને આ કોર્સ વિનામૂલ્યે કરાવવામાં આવશે. ગમ્મત એ છે કે અઢી વર્ષ કોરોનાને કારણે પ્રાઇમરી  શિક્ષણ પૂરું થયું નથી, માસ પ્રમોશનથી સૌ પાસ થયા છે, લર્નિંગ લોસની ચિંતા નથી અને રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવવાની વાતો ચાલે છે. છેને કમાલ !

બીજી તરફ નેચરલ ઇન્ટેલિજન્સની સમાંતરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એ.આઈ.)નો મહિમા વધ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોમ્પ્યુટર સાયન્સની એવી શાખા છે જે એવાં મશીનોને વિકસિત કરે છે જે માણસની જેમ વિચારી શકે અને તેની જેમ કાર્ય કરી શકે. જેમ કે અવાજની ઓળખ, સમસ્યાનો ઉકેલ, શીખવું, વિચારવું, આયોજન … વગેરે. આમ તો આ માણસ કે પ્રાણી દ્વારા પ્રગટતી કુદરતી બૌદ્ધિકતાથી અલગ, એવી મશીનો દ્વારા પ્રગટતી બૌદ્ધિકતા છે. એમાં કૉમ્પ્યુટર દ્વારા નિયંત્રિત રોબોટ કે સોફ્ટવેરને એવી રીતે વિકસાવવાની વાત છે જે બિલકુલ એ રીતે વિચારી શકે જેમ માનવ મગજ વિચારે છે. ટૂંકમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એવાં મશીનો વિકાસવાઈ રહ્યાં છે જે પોતાનાં વાતાવરણની સાથે ઇન્ટરેક્ટ કરીને જે ડેટા પ્રાપ્ત થાય છે તેનાં પર પોતાની બુદ્ધિથી નિર્ણય લે. જો માણસને કોઈ સમસ્યા ઊભી થાય તો તેનો ઉકેલ એ.આઈ. આપે એમ બને. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેવલપ માણસ કરશે અને માણસનું માર્ગદર્શન એ.આઈ. કરશે. અત્યારે તો એ પ્રારંભિક તબક્કામાં છે, પણ ટેકનોલોજીના જમાનામાં તે માણસથી આગળ નીકળે એમ બને. Siri વિષે ઘણાં જાણતા હશે. તે એપલ દ્વારા પ્રસ્તુત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ – આભાસી સહાયક છે. તે મેસેજ મોકલી શકે છે, માહિતી મેળવી આપે છે, ફોન કરી શકે છે, ટાઈમર સેટ કરે છે, કેલેન્ડરમાં ઇવેન્ટ સેવ કરી શકે છે … વગેરે. એક રીતે તો આ વોઇસ એક્ટીવેટેડ કોમ્પ્યુટર છે. આવી જ ડિવાઇસ alexa કે google assistant પણ છે. બીજી પણ ઘણી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનક તરીકે અમેરિકન વૈજ્ઞાનિક જહોન મેકાર્થીનું નામ લેવાય છે. વિશ્વને અને માનવ ઇતિહાસને બદલવામાં એ.આઈ. ઉપયોગી થશે એમ માનવામાં આવે છે. એ.આઈ.માં એક મશીનમાં ડેટા સેટને ફીડ કરવામાં આવે છે ને એ એવી સ્વ શિક્ષિત પેટર્ન બનાવે છે, જે માનવ બુદ્ધિની જરૂર હોય એવાં વિચાર, સમજણ, શિક્ષણ, સમસ્યા નિવારણ…. જેવાં કામ કરે. ભારત એ.આઈ.નો ઉપયોગ આર્થિક વિકાસ, ક્ષેત્રીય પ્રગતિ અને સમાવેશી વિકાસ અર્થે કરવા માંગે છે. એ.આઈ. વ્યૂહ રચનાઓ, સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવે છે અને વ્યવસાયને અપનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. 2017માં વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે એ.આઈ.નો લાભ લેવા નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. 2018માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાગુ કરવા પાંચ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં. એમાં આરોગ્ય, કૃષિ, શિક્ષણ, સ્માર્ટ શહેરો અને તેનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, સ્માર્ટ પરિવહનનો સમાવેશ થાય છે. પી.એમ. – એસ.ટી.આઈ.એ.સી.નું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટેકનોલોજી માનવ બુદ્ધિને પૂરક બનવા વિકસાવાઈ છે.

આમ જોઈએ તો વિજ્ઞાન માત્ર, માનવ સમુદાયને મદદ કરવાં જ વિકસ્યું છે. જુદી જુદી ટેકનોલોજીએ માનવ વ્યવહાર સરળ અને સાર્થક કરી આપ્યો છે. સરકારે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે મોટાં  બજેટ ફાળવ્યાં છે ને પ્રજાને તેનો લાભ પણ મળ્યો છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ભવિષ્યમાં ખપમાં આવનારી અન્ય ડિવાઇસિસ માનવ હિત માટે જ છે, પણ આપણે જાણીએ છીએ કે જેમ ટેકનોલોજીનો ઉપયોગ છે, એમ જ તેનો દુરુપયોગ પણ છે. કોઈ એવી પ્રાઇમરી સ્કૂલની કલ્પના કરીએ જેને શિક્ષણ સમિતિ પરિપત્રો મોકલે છે ને પત્રકોમાં વિગતો માંગે છે. એ સ્કૂલનો આચાર્ય પત્રકોમાં વિગતો ને આંકડાઓ મોકલે છે. બધી સ્કૂલો એમ જ ઓનલાઈન કે મેલથી પત્રકોમાં ડેટા મોકલે છે. સમિતિ અધ્યક્ષ પછી એ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલે છે ને એ જિલ્લાનો ડેટા રાજ્યને મોકલે છે ને રાજ્ય એ વાતે ખુશ થાય છે કે તેનાં પ્રાઈમરીના વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં આગળ છે. રાજ્ય આવી વાત ડેટા પરથી નક્કી કરે છે. બધાં આચાર્યોએ પ્રમાણિકતા દાખવી હોય ને સાચો ડેટા મોકલ્યો હોય તો વાંધો જ નથી, પણ અહીં કલ્પ્યો એવો એક આચાર્ય ધારો કે એવું નક્કી કરે કે કોઈ શિક્ષકને વર્ગમાં ભણાવવા મોકલવા જ નથી ને શિક્ષકોને કાલ્પનિક ડેટા તૈયાર કરવા જોતરાય ને એ જ ડેટા આચાર્ય મોકલી આપે ને સમિતિ પણ એ જ આગળ જવા દે તો રાજ્યને સાચું ચિત્ર પહોંચે એમ લાગે છે? ડેટા તે શિક્ષણ નથી, પણ સમિતિને કે રાજ્યને તો ડેટા જ જોઈએ છે. સ્કૂલો પણ એ જ આપે છે જે જોઈએ છે ને આમ વર્ગમાં ભણ્યા વગર જ વિદ્યાર્થીઓ ખોટા ડેટા પરથી હોંશિયાર ગણાય એમ બને. શિક્ષણ વિભાગ પણ ઓન પેપર ‘ફેક્ટ્સ’ એન્ડ ફિગર્સથી રાજી થાય એમ બને. કહેવાનું તાત્પર્ય એ છે કે આ વર્ગ શિક્ષણનું સાચું ચિત્ર નથી. ટેકનોલોજીના ઉપયોગે એ સ્થિતિ સર્જી છે કે કોઈ સાવ ખોટું કોઈ કરે ને વિગતો મોકલી આપે તો તે સાચું મનાય એવું જોખમ છે. આ ગંભીર બાબત છે.

એટમની શોધ થઈ એમ જ એટમબૉમ્બ પણ બન્યો ને તેણે જે પરિણામો આપ્યાં છે તેની અસરોથી આજે પણ માનવ જાત મુક્ત નથી. ટેકનોલોજીએ માણસનો વ્યવહાર વધુ સરળ કરી આપ્યો ને સમય બચાવ્યો એ ખરું, પણ સમયનો વધુ સારો ઉપયોગ કરવાને બદલે માણસ ટેકનોલોજીમાં જ વધુ વ્યસ્ત રહેવા લાગ્યો. મોબાઈલે સંપર્ક સરળ કરી આપ્યો, પણ એમ થતાં ઘરના સભ્યો મોબાઇલમાં જ વધુ બિઝી થઈ ગયા. દુનિયા ઘરમાં આવી ગઈ ને ઘર દુનિયામાં ખોવાઈ ગયું.

જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી એ વિચારવા જેવું છે કે આ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભારતને અનિવાર્યતા કેટલી છે? અહીં ટેકનોલોજીનો કે વિજ્ઞાનનો વિરોધ નથી. વિદેશમાં ખપ છે માટે ભારતમાં પણ તે જરૂરી છે એમ માનીને તો આપણે બધું દાખલ કરી રહ્યાં નથી ને તે ગંભીરતાથી વિચારવા જેવું છે. ઉદાહરણ તરીકે એ જોઈએ કે રોબોટિક્સ એન્જિનિયરિંગની અનિવાર્યતા કેમ ઊભી થઈ? તો, એનો જવાબ આ કે ઉદ્યોગો મેન પાવરને ઘટાડવા અને ઓટોમેટિક મશીનોનો ઉપયોગ વધારવા માંગે છે, એમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ઉપયોગી થાય એમ છે. ધારો કે બધા ઉદ્યોગો એનો ઉપયોગ વધારે છે તો માણસનું કામ મશીનો કરી લેશે ને એટલા માણસો ફાજલ પડશે. આખા દેશમાં અસહ્ય મોંઘવારી વચ્ચે માણસો બેકાર થાય ને કરોડો બેરોજગારોમાં વધારો થાય એ ઈચ્છવા જેવું ખરું? એક બાજુ સરકાર રોજગારી ઊભી કરવામાં હાંફી જઈ રહી હોય ત્યાં ઉદ્યોગો મશીનો વધારીને માણસોને નવરા પાડે એ કોઈ રીતે ઉપકારક નથી તે સમજી લેવાનું રહે.

આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હેતુ માણસની મદદમાં રહેવાનો જ છે, પણ જરા વિચારો કે રોબોટ્સ કે મશીનો માણસની બુદ્ધિ કરતાં વધુ વિચારતા ને પરફેક્ટ નિર્ણયો લેતાં થાય તો કોઈ માણસનો ભાવ પૂછે એવું લાગે છે? ક્ષતિ રહિત અને ત્વરિત નિર્ણયો અનેક માનવ કલાકોને વિકલ્પે, રોબોટ્સ કરતાં થાય તો માણસોનો કોઇ ઉપયોગ જ ન રહે એમ બને. આવા ઉપયોગી ન રહેલા માણસોથી બેકારી વધશે કે ઘટશે? વધુ વિચારતાં એમ લાગે છે કે મશીનો માણસોને મર્યાદિત કરે તે પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે પુનર્વિચાર થવો જરૂરી છે. એમ લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની શોધ હોય તો પણ તેની ક્ષમતા બધી રીતે માણસને પાછળ પાડે તેવી છે. મશીનો માણસને ખસેડીને ગોઠવાઈ જાય ને માણસ કોઈ કામનો ન રહે એવું મશીનો કરે તો આઘાત ન લાગવો જોઈએ. કોણ જાણે કેમ પણ સ્વાર્થને કારણે સજીવ માણસ કરતાં આપણને નિર્જીવ મશીનો વધુ ઉપયોગી લાગવા માંડ્યાં છે. આમ પણ પ્રત્યક્ષ શિક્ષણનું સ્થાન ઓનલાઈન શિક્ષણે લેવા જ માંડ્યું છે. અત્યારે પણ ઓનલાઈન ભણાવે તો છે માણસો જ, પણ કાલે એવું બને કે મશીન જ ભણાવે. વર્ગમાં શિક્ષક નહીં, રોબોટ ભણાવે એવા દિવસો દૂર નથી. જો મશીનો માણસને વિકલ્પે સક્રિય થાય તો બાળકોને ભણાવવાની જરૂર જ કેટલી રહે? કામ તો મશીનો લાગવાના છે, તો માણસોને કે તેનાં બાળકોને ભણાવવાની જરૂર ખરી? સો બાળકો ભણાવવા તેનાં કરતાં એક મશીનને ભણાવવું વધારે સહેલું નહીં? ને એ જ સો માણસનું કામ કરી આપવાનું હોય તો ફેક્ટરીમાં કે અન્ય સંસ્થાઓમાં સો માણસો કરતાં એક મશીન વસાવવું જ વધારે સહેલું ને સસ્તું નહીં? માણસોનો છેદ મશીનો જ ઉડાડે એવું પૂરું જોખમ છે. માણસો જોઈશે તો ખરા, પણ મશીનો ચલાવવાં પૂરતાં જ, પછી તો મશીનો જ વધારાના માણસોને હાંકી કાઢશે. આમાં કોઈને અતિશયોક્તિ લાગે કદાચ, પણ આ સાવ અશક્ય પણ નથી.

જરા વધારે અતિશયોક્તિ કરી જોઈએ? જો મશીનો જ હાવિ થવાનાં હોય તો થોડી રાહત પણ થાય. જેમ કે ઓફિસો મશીનો સંભાળે એમ જ જોખમી જગ્યાએ રોબોટ્સ પણ ગોઠવી શકાય. બધા જ દેશો એવું કરી શકે કે બધી સરહદો પર સૈનિકોને બદલે રોબોટ્સ જ ગોઠવી દે. સામસામે રોબોટ્સ લડે. કોઈ સૈનિક શહીદ જ ન થાય. થાય તો રોબોટ્સ થાય. ક્યાં ય માણસો હોય જ નહીં કે જનમ-મરણના આંકડાથી ખાનાં ભરવાં પડે. રેલ આવે, ધરતીકંપ થાય, અકસ્માતો થાય, આગ લાગે કે પર્વતો તૂટી પડે, કોઈ માનવ હાનિ જ નહીં ! કોઈ વળતર જ આપવાનું નહીં, માણસો જ નહીં, તો મોંઘવારી પણ શું બગાડી શકે? સાંસદ રોબોટ્સ જ હોય, ચૂંટણી લડે રોબોટ્સ, પ્રચાર કરે રોબોટ્સ, મત આપે રોબોટ્સ, ચૂંટાય રોબોટ્સ, ડોકટરો રોબોટ્સ, દરદીઓ રોબોટ્સ, નો વસતિ, નો વસતિ ગણતરી, નો કોરોના, નો ડેથ. માણસ જ ન હોય તો કોરોના થાય કોને? હસવું આવે છે ને ! પણ, હસવા જેવું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ઑગસ્ટ 2022

Loading

દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ

પંચમ શુક્લ|Poetry|4 August 2022

કિશોરવયને ન્યાલ કરી’તી અવતારીને ‘કોન-ટિકિ’ને,

સાહસ ને વિસ્મયની દુનિયા દેખાડી’તી મારી કીકીને. 

વિચારવાનું શીખ્યો અરધુંપરધું વાંચી વાચનયાત્રા,

શીખ્યો ફેરવવાનું પાનું અક્ષરઅક્ષર ટીકીટીકીને. 

પકડાવીને કાવ્યકોડિયાં હેતભર્યાં આ હથેળીઓમાં, 

અચરજના અજવાળે આણી નાજુક નમણી નઝદીકીને. 

પુસ્તકના પંખાળા ઘોડા અલકમલકમાં રમતા મેલ્યા,

ઉડણપાવડીની સાધી લઈ કોઈ અજાયબ તકનીકીને. 

એમ જડયો’તો આમ-ખાસ ને અબાલ-વૃદ્ધોનો વાચનરસ,

જેમ જડયો’તો શોક મહીંથી શ્લોક ઋષિજન વાલ્મીકિને.

4/8/22

Loading

...102030...1,4331,4341,4351,436...1,4401,4501,460...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved