Opinion Magazine
Number of visits: 9569136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“રાજકારણમાં નૈતિકતા જેવું કશું હોતું નથી. એક નીચ એટલા માટે જ કામનો હોય છે કારણ કે તે નીચ છે.”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 July 2022

ગ્રુપ ઓફ સેવન (જી-7) દેશોની શિખરમંત્રણામાં ભાગ લેવા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જર્મનીમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતાં કહ્યું હતું કે, “આપણે ભારતીયો ક્યાં ય પણ રહેતાં હોઈએ, આપણી લોકશાહીનું કાયમ ગૌરવ કરીએ છીએ. દરેક ભારતીય ગર્વથી કહે છે કે ભારત લોકશાહીની માતા છે. સંસ્કૃતિ, આહાર, વેશભૂષા, સંગીત અને પરંપરાનું વૈવિધ્ય આપણી લોકશાહીને જીવંત બનાવે છે. ભારતે એ બતાવ્યું છે કે લોકશાહી કારગત નીવડે છે.”

જી-7 મંત્રણા પછી ‘રિઝિલિયંટ ડેમોક્રસી’ નામનું એક સ્ટેટમેન્ટને રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં લોકશાહીને મજબૂત કરવા અને ઓનલાઈન-ઓફલાઈન અભિવ્યક્તિનું રક્ષણ કરવા માટે તમામ દેશોએ હામી ભરી હતી. વડા પ્રધાન જ્યારે પરદેશમાં લોકશાહીનાં વખાણ કરતા હતા, ત્યારે ભારતમાં બે ઘટના બની, જે લોકશાહી માટે ચિંતાજનક છે. એક, મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ આઘાડી સરકારના સહયોગી પક્ષ શિવ સેનાના વિધાયકોનું એક જૂથ પહેલાં સુરત અને પછી ગૌહાટી નાસી ગયું અને ત્યાંથી દાવો કર્યો કે તેમણે આઘાડી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે.

બીજી ઘટના ઉદેપુરમાં બની. ભારતીય જનતા પાર્ટીની (હવે સસ્પેન્ડેડ) પ્રવક્તા નૂપુર શર્માએ મહોમ્મદ પયગંબર માટે અમુક વિધાનો કર્યાં તે પછી દેશ-દુનિયામાં તેના પડઘા પડ્યાં હતાં. જેમાં ઉદેપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશ્યલ મીડિયા પોસ્ટ મુકવા બદલ એક હિંદુ દરજીની બે મુસ્લિમોએ હત્યા કરી નાખી અને પછી અપરાધનો એકરાર કરતો વીડિયો જારી કર્યો. ભારતમાં ઘણા વખતથી હિંદુ-મુસ્લિમ સોહાર્દ ડહોળાયેલું છે. તેને લઈને દેશમાં અનેક ઘટનાઓ સતત બનતી આવી છે. ઉદેપુરની ઘટના ઘણી આઘાતજનક હતી.

મુખ્ય મંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરતાં એમ પણ કહ્યું કે, “આ  શરમજનક અને દુખદ ઘટના છે. દેશમાં અત્યારે તનાવનું વાતાવરણ છે. પી.એમ. અને અમિત શાહ દેશને કેમ સંબોધતા નથી? લોકોમાં દહેશત છે. પી.એમ.એ લોકોને સંબોધવા જોઈએ અને લોકોને શાંતિની અપીલ કરીને કહેવું જોઈએ કે આવી હિંસા ચલાવી નહીં લેવાય.”

દેશના અલગ-અલગ ભાગોમાં હિંસાની અને નફરતની જે ઘટનાઓ બનતી રહી છે તે જોતાં દેશના વડા તરીકે નરેન્દ્ર મોદી કોમી સદ્દભાવની અપીલ કરે તે ઇચ્છનીય જ નહીં, અનિવાર્ય છે. વિદેશમાં જઈને લોકશાહી અને સહિષ્ણુતાનું ગર્વ લેવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી તેનું જતન કરવા માટે નક્કર પગલાં લેવાનું છે. નૂપુર શર્માનો વિવાદ થયો ત્યારે પણ વિરોધ પક્ષોએ વડા પ્રધાનને અપીલ કરી હતી કે તેઓ તેમનું મૌન તોડે.

ઉદ્ધવની શાલીનતાથી વિદાય

વડા પ્રધાન જર્મનીમાં લોકશાહીનાં ગુણગાન ગાતા હતા, ત્યારે મહારાષ્ટ્રમાં તેનું છડેચોક હરણ થઇ રહ્યું હતું. 2019માં, 80 કલાક માટે બીજીવાર મુખ્ય મંત્રી બનેલા દેવેન્દ્ર ફડણવિસે ત્યારે કહ્યું હતું કે “મી પરત યેણાર’ (હું પાછો આવીશ). તે વખતે તો એન.સી.પી.ના અજીત પવારને તોડીને તેમણે ઉતાવળ કરી નાખી હતી, પણ આ વખતે એકનાથ શિંદેના વિદ્રોહના બધા છેડા (સુરત, ગૌહાટી, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટ) એવી રીતે ગૂંથી રાખ્યા હતા કે પાછા આવવામાં જરા ય કચાસ રહી નહોતી. આ વખતે એવી રીતે પાછા આવ્યા કે શિવ સેનાના વિધાયક દળને જ ઉપાડી ગયા અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લઘુમતીમાં મૂકી ગયા.

અંગ્રેજીમાં કહે છે રિવેન્જ સ્વીટ હોય છે. 29મીની રાતે સુપ્રીમ કોર્ટે, ૨૪ કલાકમાં વિધાનસભામાં વિશ્વાસ લેવા માટે રાજ્યપાલે કરેલા આદેશ સામે ઉદ્ધવ ઠાકરેના જૂથને મનાઈ હુકમ ન આપ્યો અને ઠાકરેએ ફેંસલાને માથે ચઢાવીને રાજ્યપાલને રાજીનામું આપી દીધું, ત્યારે મહારાષ્ટ્ર ભા.જ.પ.ના અધ્યક્ષ ફડણવિસને મોઢું મીઠું કરાવતા હોય એવો એક ફોટો ફ્લેશ થયો હતો. 

નંબરની રમતમાં પડવાને બદલે અથવા વિદ્રોહી વિધાયકોને સામ-દામ-દંડ-ભેદથી પાછા ‘માતોશ્રી’માં લાવવાની કવાયતમાં પડવાને બદલે, ઉદ્ધવે શાલીનતાથી જતા રહેવાનું પસંદ કર્યું. જે લોકશાહી માટે દરેક ભારતીય ગૌરવ અનુભવે છે, તેનું રક્ષણ કરવા માટે ઉદ્ધવે રાજ્યપાલ કોશ્યારીનો આભાર પણ માન્યો! એ શ્લેષ સમજાય તેવો હતો.

ઉદ્ધવ ઠાકરે રાજનીતિની રમત હારી ગયા, પરંતુ નૈતિક રહીને દિલ જીતી ગયા છે. ઉદ્ધવના જાની દુશ્મનો પણ એ વાતની ગવાહી આપશે કે અઢી વર્ષનો તેમનો કાર્યકાળ ખરાબ નહોતો. તો, લોકશાહીનું ગૌરવ શેમાં હતું? તેમના અઢી વર્ષના એ કાર્યકાળમાં કે પછી તેમના વિધાયકોને બહાર મોકલી દઈને તેમને બહુમત સિદ્ધ કરવાનું કહેવામાં? જતાં-જતાં ઉદ્ધવ શિવ સેનાના કાર્યકરોને કહેતાં ગયા કે, “આવતીકાલે નવી લોકશાહીનો જન્મ થશે, નવી શરૂઆત થશે, નવી સરકાર બને ત્યારે અવરોધ ઊભો ન કરતાં.”

લોકશાહીની ‘હત્યા’ શબ્દ બોદો બની ગયો છે

લોકશાહીનું જતન કરવાની જવાબદારી નેતાઓની છે, કારણ કે ભારતમાં લોકશાહીનો વિચાર આઝાદીના ઘડવૈયાઓના મનમાં આવ્યો હતો. તેમણે જનતાને કહ્યું હતું કે આ તમારા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે અને જાનતાએ તેનો સ્વીકાર કર્યો હતો. એટલા માટે ભારતની લોકશાહીને ટોપ ડાઉન- ઉપરથી આવેલી વ્યવસ્થા કહેવાય છે. દેશના લોકો એટલા ગરીબ અને અભણ છે કે તેમના માટે તેમની રોજી-રોટી સૌથી મોટી પ્રાથમિકતા છે. એવા સંજોગોમાં નેતાઓની એ ફરજ બને છે કે તો લોકશાહીનાં મૂલ્યોની રક્ષા કરે.

મહારાષ્ટ્રમાં જે થયું તેને લોકશાહીની હત્યા કહેવી અતિશયોક્તિ નથી (‘લોકશાહીની હત્યા’ એ શબ્દ એટલીવાર વપરાઈ ગયો છે કે તે હવે બોદો બની ગયો છે). રાજકારણની અને લોક પ્રતિનિધિત્વના કાયદા-કાનૂનની આંટીઘૂંટીઓ આગળ ધરીને કોઈ તેને ભલે શિવસેનામાં બળવો કહીને ઉચિત ઠેરવે, પણ મોટાભાગના લોકોને ખબર જ છે કે તેની પાછળ સામ-દામ-દંડ-ભેદનાં અનેક પરિબળો કામ કરી ગયાં છે. આવું પહેલીવાર થયું છે? ના. ભારતીય રાજકારણમાં એવાં અનેક પ્રકરણો છે, જ્યાં સત્તા માટે આનાથી વરવા ખેલ થયા છે. ‘આયારામ-ગયારામ,’ ‘હોર્સ ટ્રેડિંગ’ અને ‘ભાવતાલ’ આજકાલના શબ્દો નથી.

ભારતમાં છેલ્લાં 70 વર્ષમાં એક બાબત જો નિરંતર ‘પ્રગતિ’ કરી રહી હોય, તો તે છે રાજકારણની અનૈતિકતાની. આપણા રાજકારણની ગુણવત્તાનું દિન પ્રતિદિન પતન થઇ રહ્યું છે. રાજકારણ માટે એક સભ્ય શબ્દ ‘રાજનીતિ’ છે. જેનો અર્થ થાય છે શાસન કરવાની નીતિ. મતલબ કે શાસન વ્યવસ્થામાં નીતિ, નિયમ અને નૈતિકતા હોવી જોઈએ. આપણે જે જોઈ રહ્યા છે તેમાં આ ત્રણેની ગેરહાજરી છે. આપણે જેને જોઈ રહ્યા છીએ તે રાજનીતિ નથી, રાજઅનીતિ છે.

તમને યાદ છે આપણા પહેલા રેલવે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આંધ્ર પ્રદેશમાં 112 લોકોનો ભોગ લેનાર એક ટ્રેન અકસ્માતની નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું? આજે કયો મંત્રી આવું નૈતિક સાહસ બતાવે? મહાત્મા ગાંધી બહુ આસાનીથી આઝાદ ભારતની સરકારમાં સત્તાની ખુરશીમાં બેસી શક્યા હોત, પણ તેઓ સત્તા કરતાં તેમના અમુક આદર્શોને વધુ વફાદાર હતા. આવું આજે કોણ કરે?

પ્રસિદ્ધ વકીલ અને બંધારણના નિષ્ણાત ફાલી એસ. નરીમાને એકવાર લખ્યું હતું કે, “અમેરિકન પત્રકારત્વના ભીષ્મપિતામહ ગણાતા જેમ્સ રેસ્ટોને તેમની કારકિર્દીની શરૂઆત સ્પોર્ટ્સ પત્રકાર તરીકે કરી હતી. તેમનું અવસાન થયું તેના થોડાં વર્ષ પહેલાં ધ વોશિંગ્ટન પોસ્ટને તેમણે કહ્યું હતું કે સ્પોર્ટ્સમાં તો તમને દિવસના અંતે એ ખબર પડી જાય કે કોણ જીત્યું અને કોણ હાર્યું; રાજકારણમાં તમારે એ જાણવા માટે સાઈઠ વર્ષ રાહ જોવી પડે. આપણે સાઈઠ વર્ષ રાહ જોઈ છે અને હજુ ય ખબર નથી પડતી કે શું થવાનું છે.”

નૈતિકતાનું પતન

રશિયન નેતા વ્લાદિમીર લેનિને કહ્યું હતું કે, “રાજકારણમાં નૈતિકતા જેવું કશું હોતું નથી. એક નીચ એટલા માટે જ કામનો હોય છે કારણ કે તે નીચ છે.”

આપણે ઈચ્છા તો હોય છે કે આપણા રાજકારણીઓ એક ઉમદા માણસ સાબિત થાય અને નૈતિક વ્યવહાર કરે, પરંતુ આપણી આંખ સામે તેઓ આપણી અપેક્ષાઓના લીરા ઉડાવે છે. આપણે આવું નિયમિત જોતા આવ્યા છીએ અને પછી આપણેને એની ટેવ પડી જાય છે કે રાજકારણીઓ તો ભ્રષ્ટ, બેઈમાન અને સ્વાર્થી જ હોય, એવું આપણે સ્વીકારી લઇએ છીએ. એ જુઠ્ઠું બોલે, જવાબદારી ન લે, ભૂલોનો સ્વીકાર ન કરે, ગેરમાર્ગે દોરે, સવાલોના જવાબ ન આપે તો એ આપણને નોર્મલ લાગે છે. એ જ રાજકારણીઓ સફળતાનો યશ લેવા સૌથી આગળ હોય છે. એટલા માટે જ આપણી રાજકીય વ્યવસ્થાઓ અને તેને ચલાવતા લોકોમાંથી આપણો વિશ્વાસ ઘટી ગયો છે.

ભારતમાં લોકશાહીને જોઈ કોઈ ચીજનો લૂણો લાગ્યો હોય, તો તે છે અનૈતિકતાનો. એક સમાજ તરીકે પણ આપણામાંથી નૈતિક મૂલ્યો ખોવાતાં જઈ રહ્યાં છે અને તેનું જ પ્રતિબિંબ રાજકારણમાં જોવા મળે છે. જેમ એક ઘરમાં સંતાન તેના પેરેન્ટ્સ અને પરિવારજનોના વિચારો અને આચરણ જોઇને મોટું થયા પછી એવો જ વ્યવહાર કરતું થાય છે, તેવી રીતે આપણી પેઢી પણ તેના વડીલોના નકશે કદમ પર ચાલે છે.

ભારતીય રાજકારણમાં એવું મનાય છે કે નૈતિક મૂલ્યોનાં પતનની શરૂઆત ઇન્દિરા ગાંધીના સમયથી થઇ હતી. ઇન્દિરાના પુરોગામી અને પિતા જવાહરલાલ નહેરુ નવી નવી લોકશાહીને નૈતિકતાના ખીલે બાંધીને ઉછેરી રહ્યા હતા. તેમની બીજી અનેક નિષ્ફળતાઓ હશે, પણ તેમની રાજકીય નૈતિકતા સંદેહથી પર હતી. ઉપર વાત કરી તે લાલબહાદુર શાસ્ત્રી તો નહેરુ કરતાં ય આદર્શવાદી હતા. નહેરુ તો રઈસ ખાનદાનના હતા, પણ શાસ્ત્રી એક ગરીબ ખેડૂતના સંતાન હતા અને ગૃહ પ્રધાન તેમ જ વડા પ્રધાન બન્યા હોવા છતાં ગરીબીમાં જ મૃત્યુ પામ્યા હતા.

તેઓ ‘ગૃહ વગરના ગૃહ પ્રધાન’ તરીકે ઓળખાતા હતા. શાસ્ત્રી સાદું જીવન અને ઉચ્ચ વિચારનું જીવતું ઉદાહરણ હતા. તેઓ બે રૂમના સરકારી ઘરમાં રહેતા હતા. રેલવે મંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી તેમણે તેમની સરકારી કાર જમા કરાવી દીધી હતી અને બસમાં ફરતા હતા. આજે દિલ્હીમાં મંત્રીપદ છોડનારા રાજકારણીઓ તેમના સરકારી બંગલાઓ ખાલી કરતા નથી.

ઇન્દિરા પછી સાદગીની જગ્યાએ રઈસી આવી. રાજકીય વિચારક એસ. ગુરુમૂર્તિ એક જગ્યાએ લખે છે કે ઇન્દિરા ગાંધીએ રાજકીય નૈતિકતાને પદભ્રષ્ટ કરીને રાજકીય સત્તાનો રાજ્યાભિષેક કર્યો હતો. ઇન્દિરાની એ ‘નવીન રાજનીતિ’નો સૌથી પહેલો પ્રયોગ 1969માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયો હતો. એ વખતે, રાષ્ટ્રપતિ ઝાકીર હુસેનના અવસાન પછી, કાઁગ્રેસ પાર્ટીના જ, સિન્ડીકેટ નામથી જાણીતા જૂથે નીલમ સંજીવ રેડ્ડીનું નામ સૂચવ્યું હતું. ઇન્દિરાએ પાર્ટી પર પોતાની પકડ મજબૂત કરવા માટે ઉપ-રાષ્ટ્રપતિ વી.વી. ગિરિને ઊભા કર્યા હતા. કાઁગ્રેસના જ બે ઉમેદવાર! છેલ્લે, ઇન્દિરાએ ‘આત્માના અવાજ’ પ્રમાણે મત આપવા સંસદ સભ્યોને અપીલ કરી હતી અને ગિરિ એમાં ચૂંટાઈ ગયા હતા.

એ પછી ઇન્દિરાએ કાઁગ્રેસના જ વિરોધીઓની મદદ લઈને કાઁગ્રેસ પક્ષમાં બે ફાડિયાં કર્યા હતાં અને આજની કાઁગ્રસ(આઈ)નો તેમાંથી જન્મ થયો હતો. પાર્ટી પર પોતાની લોખંડી પકડ મજબૂત કરવા બંધારણ બદલી નાખ્યું હતું. જાણીતા અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ બંધારણનું મોઢું ‘કાળું’ કર્યું હતું. ગુરુમૂર્તિ કહે છે, “ઇન્દિરા ગાંધીએ રાજકારણમાં રાજકીય નૈતિકતા નહીં, પણ રાજકીય સફળતાને માપદંડ બનાવ્યો હતો.”

ઇન્દિરા પહેલાં વડા પ્રધાન હતાં જેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ થયો હતો. સસ્તી કાર(મારુતિ)ના નામે તેમની સરકારે તેમના દીકરા સંજય ગાંધીને બધી જ સવલત કરી આપી હતી અને તેમાં સંજયે બહુ રૂપિયા બનાવ્યા હતા. એ પહેલાં વડા પ્રધાન હતાં, જેમનું નામ ખૂન કેસમાં ઊછળ્યું હતું. તેમના જેવો જ અવાજ કાઢીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 60 લાખ રૂપિયા ઉપાડી લેનારા રુશ્તમ સોહરાબ નગરવાલાનું જેલમાં સંદેહાસ્પદ અવસાન થતાં ઇન્દિરા તરફ આંગળી ચિંધાઈ હતી. આ આખી ઘટના પર સરકારે તપાસ પંચ બેસાડ્યું હતું.

‘આયારામ-ગયારામ’ અને પાટલી બદલવાના રાજકારણની શરૂઆત પણ ઇન્દિરા વખતે જ થઇ હતી. તેમની અનૈતિક રાજનીતિનું ‘ભવ્ય’ ઉદાહરણ 1975ની કટોકટી હતી, જ્યારે તેમણે લોકશાહીના તમામ સિદ્ધાંતોને નેવે મૂકી દઈને એકહથ્થુ શાસન ચલાવ્યું હતું.  ઇન્દિરાએ જેલમાં પૂરી દીધેલા તેમના વિરોધી જયપ્રકાશ નારાયણે જેલમાંથી લખ્યું હતું કે, “ઇન્દિરાને લોકશાહીની મહાન વ્યવસ્થાઓ અને મૂલ્યો વારસામાં મળ્યાં હતાં, પણ તેમણે તેને કાટમાળ બનાવી દીધો હતો.”

આપણે લોકશાહીનું નહીં, લોકશાહીના કાટમાળનું ગૌરવ લઇએ છીએ.

પ્રગટ : ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકશાહી, ઠોકશાહી ને ઠોકાઠોકશાહી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 July 2022

લોકશાહી વિષે ભણવાનું થયેલું ત્યારે એવું ભણાવાયેલું કે લોકશાહી લોકો માટે, લોકો દ્વારા ને લોકોની છે. આમ તો રાજાશાહી કે સરમુખત્યારશાહીમાં પણ લોકો તો હોય જ છે. એ જુદી વાત છે કે તે લોકો દ્વારા કે લોકોની નથી હોતી, પણ લોકો તેને માટે હોય છે. લોકો હોય તો તેને લૂંટી શકાય, તેનું અનેક રીતે શોષણ થઈ શકે. એ રીતે લોકો આપખુદશાહી માટે જરૂરી છે. રાજાઓને ગુલામ જરૂરી હોય, એમ જ લોકશાહીમાં લોકો જરૂરી હોય છે. ભારતમાં લોકશાહી છે એની ના નથી, પણ તે લોકો દ્વારા કે લોકોની હોય એવું દરેક વખતે સાચું નથી. એ ખરું કે લોકો બહુમતી આપીને પ્રતિનિધિઓને ચૂંટે છે. ચૂંટણી થાય છે ને એમ જે જીતે છે તે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ … થાય છે, પણ વડા પ્રધાન, મુખ્ય મંત્રી કે મેયર લોકો ચૂંટતા નથી. મંત્રીઓ પણ લોકો ચૂંટતા નથી. એમને જીતેલા લોક પ્રતિનિધિઓ ચૂંટે છે, અમેરિકામાં લોકો પ્રેસિડેન્ટ ચૂંટે છે, એવું ભારતમાં નથી. વડા પ્રધાન, મુખ્ય મંત્રી કોણ બને, કયા મંત્રીને કયું ખાતું મળશે જેવી બાબતોમાં લોકોનો સીધો ફાળો હોતો નથી. લોકોને વડા પ્રધાન ન ગમે કે મંત્રીઓને સોંપાયેલું ખાતું યોગ્ય ન હોય તો લોકો કૈં કરી શકતા નથી. લોકો ચૂંટે ખરા, પણ હોદ્દાઓ કે ખાતાઓની ફાળવણીમાં તેમનો હાથ નથી. લોકોને મંત્રી ન ગમે તો તે બદલી શકતા નથી. એનો અર્થ એ થયો કે ભારતીય લોકશાહીમાં લોકોને પ્રતિનિધિઓ ચૂંટવાનો અધિકાર છે, પણ મંત્રીઓ ચૂંટવામાં તેમનો મતજરૂરી નથી. એ તો ઠીક, પણ સરકાર બનાવવા જરૂરી સંખ્યાબળ એકઠું કરવાનું હોય ત્યારે જે પક્ષનો સહકાર લેવાય છે ત્યારે પણ લોકો તો બાજુ પર જ મુકાય છે. જરૂરી સંખ્યાબળ માટે જે પક્ષનો સહકાર લેવાય છે તે પક્ષને લોકો ઈચ્છે જ છે એવું દર વખતે નથી પણ બનતું. લોકો આવી મિશ્ર સરકાર માટે જવાબદાર ખરા, કારણ તેમણે જે તે પક્ષને ક્લિયર કટ મેજોરિટી આપી નથી. આપી હોત તો બીજા પક્ષનો સહકાર લેવાની વાત જ ઉપસ્થિત થઈ ન હોત. તાજાં ઉદાહરણથી આ વાત જોઈએ.

મહારાષ્ટ્રમાં જે સરકાર સામે આવી રહી છે, તે લોકોની ઈચ્છાની સરકાર ન હોય એમ બને અથવા ઠાકરેની જે સરકાર ગઈ તે પણ લોકોની ઈચ્છાની સરકાર જ હતી એવું પણ ક્યાં હતું? મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનું જે વર્ચસ્વ એક સમયે હતું તેનું સ્વરૂપ હવે બદલાયું છે. શિવસેના સામે અનેક વાંધા હોય તો પણ, શિવસેનાનો આદર્શ હિંદુત્વનો જ હતો, કદાચ છે. મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ તો એને લીધે હિન્દુત્વ જ ઈચ્છે એમ બને. કેટલા ય લોકોએ એ મુદ્દે જ મત આપ્યા હોય ને જ્યારે સરકાર બનાવવામાં સંખ્યા ઘટે ને બીજા એવા પક્ષ સાથે જોડાણ કરવું પડે જેની માન્યતા શિવસેનાથી વિપરીત હોય તો એવું સમાધાન મતદારો ઇચ્છતાં હતા, માટે મત આપ્યા એમ કહી શકાય નહીં. શિવસેનાનું હિન્દુત્વ એન.સી.પી. ને કાઁગ્રેસ સાથે જાય ખરું? એ ન જતું હોય તો એવું જોડાણ કરીને શિવસેના તેની પોતાની આઈડિયોલોજીથી વિપરીત રીતે વર્તે તો એ ઘણાંને ન ગમે એમ બને. શિવસેનાના આટલા સૈનિકો સરકાર બનાવવાની લાલચમાં સામે ચાલીને દાંત-નખ એવા પક્ષોને હવાલે કરી દે જે એક પંગતે બેસી શકે એમ જ ન હોય ને છતાં બેસે તો એમાં કેવળ સત્તા સ્વાર્થ જ છે એ કહેવાની જરૂર નથી. દેખીતું છે કે એકનાથ શિંદે જેવા ચુસ્ત હિન્દુત્વવાદી નેતાને આ સમાધાન ખૂંચે ને તે એવી જ માન્યતા ધરાવતા ધારાસભ્યોને પાંખમાં લઈને વિદ્રોહ કરે તેમાં નવાઈ નથી.

એ પછી પણ એકલો એક પક્ષ સરકાર રચી શકે એમ ન હોય ને તેણે પણ ભા.જ.પ. જેવાને આશરે જવું પડે ત્યારે એટલો ફેર પડે કે સમાન વિચારસરણીવાળા સરકાર રચે, પણ અહીં પણ સમય જતાં શરતો વધે ને ત્યારે મૂળ પક્ષે સમાધાન જ સ્વીકારવાનું આવે અથવા તો સરકારથી હાથ ધોઈ નાખવા પડે એમ બનવાનું. શિવસેનાના એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવાય ત્યારે ભા.જ.પ. મહેરબાની કરે છે, ઉદારતા દાખવે છે એમ માનવું મુશ્કેલ છે. ભા.જ.પ. પોતાના જ મુખ્ય મંત્રી બનાવવાને મુદ્દે શિવસેના સાથે અગાઉ છેડો ફાડી શકતો હોય તો તે આ વખતે પોતાનો મુખ્ય મંત્રી મૂકવાને બદલે શિવસેનાના શિંદેને મુખ્ય મંત્રીનો તાજ પહેરાવવા સામે ચાલીને તૈયાર થાય એ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. આ સંઘ કાશીએ પહોંચે તો એ ચમત્કાર જ ગણવાનો રહે.

શિંદે કે ફડનવીસનું મંત્રીપદું અત્યારે તો કોર્ટના નિર્ણય પર અવલંબે છે. એ જ કારણ છે કે દેવેન્દ્ર ફડનવીસને ભા.જ.પે. મુખ્ય મંત્રી નથી બનાવ્યા, કારણ 2019માં થોડા સમયનું મુખ્યમંત્રીપદ શોભાવવાનો અનુભવ તેમની પાસે ઓલરેડી છે જ ને ભા.જ.પ. ફરી એવો ટૂંકજીવી અનુભવ લેવા તૈયાર ન થાય તે સમજી શકાય એવું છે. એના કરતાં શિંદેને મુખ્ય મંત્રી બનાવાય તો એટલું તો બહાર આવે કે ભા.જ.પ.ને મુખ્યમંત્રીપદનો મોહ નથી ને ભા.જ.પ.નો હાથ ઉપર રહે તે નફામાં. એકનાથ શિંદેના બળવાખોર ધારાસભ્યો શિવસેના તરીકે સત્તા પર રહે ને એ શિવસેના મંજૂર રાખે એ મુશ્કેલ છે. શિવસેના સામે બળવો કરનાર શિવસેનાનો પણ સભ્ય ગણાય એવી ઉદારતા ઉદ્ધવ ઠાકરે દાખવે એ અશક્યવત છે. એટલે શિંદેના સાથીદારોનું સ્ટેટસ પણ સ્પષ્ટ કરવું પડે. 1991માં છગન ભુજબળે બળવો કરેલો ત્યારે તે જૂથને શિવસેના-બીની ઓળખ મળેલી એવું એકનાથ શિંદેનું જૂથ પણ જુદી ઓળખ પામે એમ બને. ગંધ તો એવી પણ આવે છે કે બળવો કરાવીને પ્રાદેશિક પક્ષનું વર્ચસ્વ તોડવાનો આ પ્રયત્ન હોય. એમ થાય તો રાષ્ટ્રીય પક્ષની બોલબાલા વધે. હવે જો શિંદે મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહે છે તો બેકસીટ ડ્રાઇવિંગ કરતાં ભા.જ.પ.ને કોણ રોકે એમ છે એટલે 106 સભ્યો ધરાવતા ભા.જ.પ.ને વારે વારે શિંદેનું નાક દબાવવાની તકો તો ઊભી જ છે. શિંદે પાસે 39 વિધાયકો છે. એમણે સુરતથી ગુવાહાટી અને ત્યાંથી ગોવા ને ત્યાંથી મુંબઈ એમ તેમના સમર્થકોને ફેરવ્યા છે. એમાં ઘણાં ‘ફરી ગયા’ હોય એમ પણ બને, કારણ પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનું માનવું છે કે શિંદેના કેટલાક સમર્થકોનું મન બદલાયું છે. જો એ સાચું હોય તો એ ધારાસભ્યોની દયા ખાવાની રહે જે બળવો પોકારીને ગુવાહાટી ઊડ્યા. એ તો જે થવાનું હશે તે થશે, પણ આ આખો ખેલ સત્તાની સાઠમારીનો છે. આમાં લોકો ક્યાં ય નથી ને કમાલ એ છે કે આ બધું લોકોને નામે થાય છે.

સરકાર કામ કરતી જ નથી એવું નથી. રેલવે, વીજળી, પાણી, રસ્તા, ખેતી વગેરેમાં સારી નબળી સૌ સરકારોએ ઓછુંવત્તું કામ કર્યું જ છે. તે વગર આટલી સગવડો લોકો ભોગવી શકે નહીં, પણ સરકારને મોટાં કામોમાં હોય છે એટલો રસ સાધારણ પ્રજાના કામોમાં હોતો નથી. સ્થાનિક કક્ષાએ રસ્તાની હાલત ખરાબ જ હોય છે. બંધો બંધાય, પણ હેન્ડપંપમાં પાણી નથી જ આવતું. અન્નમાં વિશ્વને મદદ કરવા જેટલું સ્વાવલંબન કેળવાયું હોય, પણ લોકોને રેશનિંગમાં અનાજના ફાંફાં પડે જ છે. આવું થવામાં સત્તાધીશોનો પ્રમાદ અને અહંકાર ભાગ ભજવતો હોય છે. મોટે ભાગે મંત્રીઓ ફાળવાયેલા ખાતાંઓમાં પહેલાં તો પોતાનું કલ્યાણ કરતાં હોય છે. એમ કરતાં થોડી ઘણી સમાજ સેવા થઈ જતી હોય તો તેમને બહુ વાંધો નથી, કારણ તેમને  જિતાડે તો લોકો જ છે. લોકો, લોકશાહીમાં એકદમ ગૌણ થઈ જતા હોય છે. એમાં કોઈ મંત્રી ખરેખર લોકસેવામાં માનતો હોય તો લોકો એટલા લાભમાં રહે છે. લોકશાહીની વ્યાખ્યામાં લોકો કેન્દ્રમાં હોય છે, પણ વ્યવહારમાં લોકો છેલ્લે હોય છે.

એવું નથી કે લોકોનો લોકશાહીમાં ખપ નથી. ખપ છે જ. રેલી, રેલા કાઢવા લોકો જોઈએ છે. મત આપવા લોકો ન હોય તો લોકશાહીના ચહેરે શાહી ફરી વળે. ગોળીઓ છૂટે તો વીંધાવા લોકો જોઈએ જ છે. વિરોધ કરવા લોકો ન હોય તો આટલા બધા પથ્થરો પોલીસ પર ફેંકશે કોણ? લોકો નહીં હોય તો લાઇન પણ નહીં લાગે. બેકારીનો આંક નક્કી કરવા પણ લોકો તો જોઈએ જ છે. ટ્રેન સળગાવવાનું નિમિત્ત ભલે કોઈ પણ હોય, પણ તેને ભડકે બાળવા તો લોકો જોઇએ જ છે. લોકશાહી હોય અને લોક જ નહીં હોય તો શાહી જ રહે કે બીજું કૈં?

લોકશાહીને લીધે ઠોકશાહી પણ ટકી ગઈ છે. દંડાશાહી પણ લોકશાહીનો જ ભાગ છે. ખરાખોટા કેસ કરવા પણ લોકો તો જોઈએ જ ને ! મોંઘવારીની બૂમો પાડવા, પગાર વધારો માંગવા, નોકરીની ઉઘરાણી કાઢવા, કસ્ટમ ડ્યૂટી વધારવા, જી.એસ.ટી.ની આવકનો લાખો કરોડનો વિક્રમ તોડવા, લાગણી દુભાવવા, લાગણી ભડકાવવા, કરફ્યુ નાખવા લોકો જોઈએ જ. લોકો વગર લોકશાહી વિધવા જેવી છે. સરકાર લોકદ્રોહ કરતી હશે, પણ દેશદ્રોહ નથી કરતી. દેશદ્રોહ તો લોકો જ કરતા હોય છે. હવે તો સરકારનો વિરોધ પણ દેશદ્રોહ  ગણાય છે. દેશદ્રોહને નામે ગમે તેને એક વખત સળિયા પાછળ ધકેલી શકાય એવી લોકશાહીમાં સરકાર પ્રેરી અનુકૂળતા હોય છે.

દેશમાં ઠોકશાહી છે એમ જ ઠોકાઠોકશાહી પણ છે. સરકાર કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટી હોય, મંત્રી હોય કે નેતા હોય, પણ બફાટ કરવામાં બધા જ સ્પર્ધામાં છે. એમાં સૌથી હાથવગું કોઈ હોય તો તે મહાત્મા ગાંધી છે. એને ગોડસેથી પણ નાના ચીતરી શકાય છે. એક નેતાએ તો ગાંધીને સુભાષચંદ્ર બોઝના હત્યારા પણ ઠેરવી દીધા. પછી હોબાળો થયો તો વાત એમણે વાત બદલતાં બોઝને, નહેરુને બદલે વડા પ્રધાન બનાવી શકાયા હોત એવો બીજો બફાટ કર્યો. એ વાત જુદી છે કે નહેરુ 1947માં આઝાદી મળી ત્યારે વડા પ્રધાન થયા હતા ને બોઝનો તો 1944 પછી કોઈ પત્તો જ ન હતો, તો એમને કેવી રીતે વડા પ્રધાન બનાવાયા હોત તે તો એ વિદ્વાન નેતા જ કહી શકે. ભારતમાં એટલું છે કે કોઈ પણ સત્તા પર આવે છે કે તેને બધું જ આવડી જાય છે. તે ખુરશી પર બેસે છે તે સાથે જ નાણાં ખાતું આવડી જાય છે. દિવાળીમાં ફટાકડી ય ન ફોડી હોય, પણ સંરક્ષણ મંત્રી બનવાનું અઘરું નથી.

વારુ, બોલવામાં તો આપણા નેતાઓને કોઈ પહોંચે એમ નથી. એક વિપક્ષી નેતાએ મે મહિનામાં જ જણાવ્યું હતું કે ગાંધી, નહેરુની જેમ જ આઝાદી અપાવવામાં મોહમ્મદ અલી ઝિન્નાનું પણ યોગદાન હતું. કર્ણાટકના એક પૂર્વ મંત્રીએ તો સંઘના ધ્વજમાં રાષ્ટ્રધ્વજ કલ્પીને ઉમેર્યું પણ કે સંઘના ધ્વજનું સન્માન આજે જ નથી થતું, હજારો વર્ષથી થાય છે. કમાલ છે ને કે હજાર વર્ષ થયા એની સંઘને જ ખબર નથી ! ગુજરાતના શિક્ષણ મંત્રીએ થોડા વખત પર લોકોનું અપમાન કરતાં કહ્યું જ હતું કે જેમને ગુજરાતનું શિક્ષણ ન ફાવતું હોય તે બીજે જઈ શકે છે. કર્ણાટકના કાઁગ્રેસના એક ધારાસભ્યે તો બેશરમ થઈને કહ્યું હતું કે રેપ રોકી ન શકો તો તેને માણો ને એ નિવેદનને ગૃહમાં એટલી જ બેશરમીથી સ્પીકરે આનંદ લેતાં લેતાં અનુમોદન પણ આપ્યું હતું. આવું તો એટલું બધુ છે કે તેનું સ્વતંત્ર પુસ્તક થઈ શકે. આ નેતાઓ એમ જ માને છે કે આ દેશની પ્રજામાં અક્કલ જ નથી અને કૈં પણ બકવાસ કરીશું તો આ પ્રજા સાંભળી લેશે. એ સાચું પણ છે, કારણ આ દેશની પ્રજા એવા કોઈ નિવેદનનો વિરોધ કરતી ભાગ્યે જ જણાય છે.

… પણ આ પ્રજાને બહુ મૂરખ સમજવાની જરૂર નથી. એ બહુ ઝડપથી બદલાતી નથી, પણ તે સરકાર બદલી શકે છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જુલાઈ 2022

Loading

અલ્યા

યોગેશ પટેલ|Poetry|4 July 2022

અલ્યા
રૉબિન,
આ શું માંડ્યું છે?
ઝાડમાં છુપાઇને
સિટી મારે છે?
ખબર નથી,
વાવાઝોડું ચાલે છે?
 
બદમાશ,
આમ છેડછાડ ના કરાય !

e.mail : skylarkpublications@gmail.com

Loading

...102030...1,4301,4311,4321,433...1,4401,4501,460...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved