Opinion Magazine
Number of visits: 9664535
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 September 2025

રમેશ ઓઝા

પહેલાં શ્રીલંકા, એ પછી બાંગ્લાદેશ અને હવે નેપાળ. ભારતના ત્રીજા પાડોશી દેશમાં લોકવિદ્રોહ થયો છે અને સત્તાધીશોએ માત્ર ખુરસી નથી ખાલી કરવી પડી, જીવ બચાવવા નાસવું પડ્યું છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયામાં પ્રજા આંદોલિત છે અને ગોદી મીડિયાનું સેવન કરનારા વાચકોને જાણકારી નહીં હોય, ઇઝરાયેલમાં પણ લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.

પણ શ્રીલંકા અને બાંગ્લાદેશની તુલનામાં નેપાળનો લોકવિદ્રોહ અલગ પ્રકારનો છે અને ભારતે ચેતવા જેવું છે. શ્રીલંકાનો વિદ્રોહ મુખ્યત્વે મોંઘવારી સામે હતો. અલગતાવાદી તમિળોનો ભય બતાવીને મહિંદા રાજપક્ષ અને તેનો ભાઈ ગોટાબાયા જોહુકમી કરતા હતા. બાંગ્લાદેશનો વિદ્રોહ બાંગ્લા વફાદાર અને બાંગ્લા ગદ્દાર વચ્ચે તિરાડ પાડીને શેખ હસીના વાજેદના એકહથ્થુ શાસન સામે હતો. હસીનાને સાથ આપનારા બાંગ્લા વફાદાર અને તેમને દરેક પ્રકારના લાભ આપવામાં આવતા હતા. એક દિવસ લોકોની ધીરજ ખૂટી અને શેખ હસીનાએ દેશ છોડીને નાસવું પડ્યું.

નેપાળી પ્રજાના વિદ્રોહમાં પ્રચંડ, વ્યાપક અને સર્વાંગી હતાશા છે. કશી જ આશા બચી નથી, લોકતાંત્રિક નેપાળનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે અને તેને માટે દરેક રાજકીય પક્ષ જવાબદાર છે. ન્યાયતંત્ર પર ભરોસો નથી, સંસદ પર ભરોસો નથી અને મીડિયા પર પણ ભરોસો નથી. લોકોએ આ ત્રણેય સંસ્થાઓને ટાર્ગેટ કર્યા છે. આગ લગાડવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર અંકુશ મૂકનારો આદેશ જે મીડિયા ન સ્વીકારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે એમાં કશું ખોટું નથી એવો ચુકાદો નેપાળની સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો. અર્નબ ગોસ્વામીઓ નેપાળમાં પણ છે અને તેઓ ઘાટા પાડીને સરકારનું સમર્થન કરતા હતા. લોકોએ નેપાળના ગોદી મીડિયાના સંસ્થાનોને આગ લાગાડી. સંસદભવનને આગ લગાડી, કારણ કે તેમાં પણ નપાવટ રાજકારણીઓ બેસે છે. તેમનાં દરેકનાં સંતાનો લહેર કરે છે, કિંગ સાઈઝ જિંદગી જીવે છે, કેટલાક વિદેશમાં ઠરીઠામ થયા છે અને પ્રજાને નેપાળ મહાન, નેપાળી પ્રજા મહાનનો અમલ પિવડાવવામાં આવે છે.

મને જાણીતા અને ભરોસેમંદ યુ ટ્યુબર ધ્રુવ રાઠીનો વીડિયો સાંભળીને આશ્ચર્યજનક હકીકત જાણવા મળી કે ૧૫ હજાર નેપાળી યુવકો યુક્રેન સામે લડવા રશિયાના લશ્કરમાં ભરતી થયા હતા. તેમાંના કેટલાક ગોળીએ મર્યા અને કેટલાક ઠંડી સહન નહી થવાથી માર્યા ગયા. જે પાછા આવ્યા એની હાલત ખરાબ હતી. નકલી રાષ્ટ્રવાદ અને એટલા જ નકલી દેશપ્રેમની આ કિંમત હતી. કિંમત ચૂકવે છે કોણ? સામાન્ય પ્રજા. નેતાઓનાં સંતાનો (નેપો કિડ્ઝ) મસ્તી કરે છે. તેઓ ક્યારે ય ઝંડા લઈને રસ્તા પર ઉતરતા નથી.

શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી? કારણ કે બહુ વ્યવસ્થિતપણે શૂન્યાવકાશ પેદા કરવામાં આવ્યો છે. દરેકને અનુકૂળ બનાવો અને લોકતાંત્રિક સંતુલન ખોરવી નાખો. પ્રશ્ન કરનારો જશે ક્યાં? મીડિયા સાંભળશે નહીં, જજ ન્યાય નહીં આપે અથવા વિરોધમાં આપશે, વિરોધ પક્ષો વિરોધ પક્ષની ફરજ નથી નિભાવતા અને સંસદમાં ચર્ચા નથી થતી. ઊભા રહેવા માટે કોઈ જગ્યા જ નથી રહેવા દીધી. પ્રજા પાસે વાચા હતી, કાન નહોતા. કહેવા માટે એમ કહી શકાય કે નેપાળમાં લોકતંત્ર સાબૂત છે, કારણ કે પ્રજા વાણીસ્વાતંત્ર્ય ધરાવે, પણ કાન વ્યવસ્થિતપણે ફોડી નાખવામાં આવ્યા કાં બહેરા કરી નાખવામાં આવ્યા.

એક કાન બચ્યા હતા જેને સોશ્યલ મીડિયા કહેવામાં આવે છે. લોકો (ખાસ કરીને યુવકો) ગુસ્સો કરીને અથવા ઠઠ્ઠા મશ્કરી કરીને પોતાની ભડાશ કાઢતા હતા. ઘરમાં હવાદાની (વેન્ટીલેટર) બહુ જરૂરી હોય છે, નહીં તો ગુંગળામણ થાય. ૧૮૫૭માં ભારતમાં વિરોહ થયો એ પછી અંગ્રેજોએ પોતાની પહેલથી ભારતના નેતાઓને એકઠા કરીને ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાંગ્રેસની સ્થાપના કરાવી હતી. લોકોના મનમાં શું ચાલે છે એ સાંભળવા કાન જોઈએ અને કાઁગ્રેસ અંગ્રેજો માટે સામેથી ઉપલબ્ધ કરાવેલો કાન હતો. આવો અમે સાંભળવા તૈયાર છીએ. સાંભળવાનો અર્થ એવો નથી કે અમે તમારી વાત માની લેશું, પણ સાંભળશું ઈમાનદારીથી. ક્યારેક વાત સ્વીકારે પણ ખરા. શાસન કેમ કરાય એ અંગ્રેજોને આવડતું હતું. એટલે તો અડધું જગત કબજે કર્યું હતું અને ભારત પર બસો વરસ (૧૭૫૭-૧૯૪૭) રાજ કર્યું હતું.

નેપાળમાં ૩૨ સોશ્યલ મીડિયાને નોટિસ આપવામાં આવી કે તેઓ સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવે અને સરકારની ગાઈડલાઈન્સ સ્વીકારે. શા માટે? ફેક ન્યુઝ, દેશવિરોધી પ્રચાર, મહાન નેતાઓનાં ચારિત્ર્યહનનથી પ્રજાને બચાવે. પ્રજાનાં હિતમાં. ૩૨માંથી ૨૬ મીડિયાએ સરકારનો આદેશ સ્વીકાર્યો નહીં અને એમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટર (એક્સ) વગેરેનો સમાવેશ થતો હતો. ચીનના ટીકટોકે આદેશ સ્વીકાર્યો હતો, પણ લોકો બાકીના મીડિયામાં વધુ સક્રિય હતા. બાંગ્લાદેશમાં જેમ શેખ હસીનાએ પોતાનાં પક્ષના વફાદારોને અનામતનો ફાયદો કરાવવા ત્યાંની સુપ્રીમ કોર્ટનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો એમ નેપાળની સરકારે ત્યાંની સુપ્રીમ કોર્ટનો સોશ્યલ મીડિયા પર અંકુશ લાદવા ઉપયોગ કર્યો. બસ, છેલ્લો અને ભરોસેમંદ કાન છીનવાયો અને લોકો રસ્તા પર ઉતરી પડ્યા. લોકોને લાગ્યું કે બધું જ મેનેજ કરવામાં આવી રહ્યું છે. ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, મીડિયા અને એકંદરે લોકતંત્ર. આ સિવાય શાસકો સામે નિવૃત્તિ પછી કાનૂની કારવાઈ ન થઈ શકે એવો કાયદો પણ ઘડવામાં આવ્યો છે. કામ ધંધો છે નહીં, ત્યાં યુવાનો હસીમજાક, ઠઠ્ઠા મશ્કરી અને ક્વચિત ગુસ્સો કરીને પોતાને અભિવ્યક્ત કરતા હતા એ પણ છીનવી લેવામાં આવ્યું.

વિકલ્પનો શૂન્યાવકાશ કોઈ પણ સમાજ કે દેશ માટે ખતરનાક નીવડે છે. ડાહ્યા શાસકો સામેથી વિકલ્પ આપે છે જે રીતે અંગ્રેજોએ કાઁગ્રેસની સ્થાપના કરાવીને ભારતની પ્રજાને તેનાં પોતાનાં પ્લેટફોર્મનો વિકલ્પ આપ્યો હતો. જે રીતે ઇન્દિરા ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લાને જેલમાંથી છોડીને તેમની સાથે સમજૂતી કરીને કાશ્મીરની પ્રજાને લોકતાંત્રિક વિકલ્પ આપ્યો હતો. પણ આ ડાહ્યા અને દુરન્દેશી ધરાવનારા શાસકોનાં લક્ષણો છે. રાજીવ ગાંધીમાં આટલી દુરન્દેશી નહોતી અને તેમણે ૧૯૮૭માં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં વિકલ્પ સાથે ચેડાં કર્યાં અને દેશ તેમ જ મુખ્યત્વે કાશ્મીરની પ્રજા આજ પણ તેની કિંમત ચૂકવી રહી છે.

છેલ્લે હિન્દી કવિ રાજેશ જોશીની પ્રસિદ્ધ કવિતા યાદ આવે છે, જેનું શીર્ષક છે ‘ઈત્યાદિ’.

કુછ લોગોં કે નામોં કા ઉલ્લેખ કિયા ગયા થા જિનકે ઓહદે થે બાકી સબ ઈત્યાદિ થે.
ઈત્યાદિ તાદાદ મે હંમેશાં હી જ્યાદા હોતે થે
ઈત્યાદિ ભાવતાલ કર કે સબ્જી ખરીદતે થે ઔર ખાના વાન ખા કર ખાસ લોગોં કે ભાષણ સુનને જાતે થે
ઈત્યાદિ હર ગોષ્ટિયોં મેં ઉપસ્થિતિ બઢાતે થે
ઈત્યાદિ જુલૂસ મેં તખ્તિયાં ઉઠાતે થે નારે લગાતે થે
ઈત્યાદિ લંબી લાઈનોં મેં લગ કર મતદાન કરતે થે
ઉન્હેં લગાતાર ઐસા ભ્રમ દિયા ગયા થા કિ વો હી
ઇસ લોકતંત્ર મેં સરકાર બનાતે થે
ઈત્યાદિ હંમેશાં હી આન્દોલનોં મેં શામિલ હોતે થે
ઇસલિએ કભી કભી પોલીસ કી ગોળી સે માર દિએ જાતે થે
જવ વે પુલિસ કી ગોલી સે માર દિએ જાતે થે
તબ ઉનકે વહ નામ ભી હમેં બતલાયે જાતે થે
જો સ્કૂલ મેં ભરતી કરવાતે સમય રખે ગએ થે
કુછ તો ઐસી દુર્ઘટના મેં ભી ઈત્યાદિ રહ જાતે હૈ.
ઈત્યાદિ યૂં તો હર જોખિમ સે ડરતે થે
લેકિન કભી કભી જબ વો ડરના છોડ દેતે થે
તો બાકી સબ ઉનસે ડરને લગતે થે.
ઈત્યાદિ હી કરને કો વો સારે કામ કરતે
જિનસે દેશ ઔર દુનિયા ચલતી થી
હાલાંકી ઉન્હેં ઐસા લગતા થા કિ વો એ સારે કામ
સિર્ફ અપના પરિવાર ચલાને કો કરતે હૈં
ઈત્યાદિ હર જઘ શામિલ થે પર ઉનકે નામ કહીં ભી
શામિલ નહીં હો પાતે થે
ઈત્યાદિ બસ કુછ સિરફિરે કવિયોં કી કવિતા મેં અક્સર દિખ જાતે થે.

                                                                                         − રાજેશ જોશી

ઇત્યાદિને વિકલ્પહીન કરશો તો તે એક દિવસ નહીં ડરવાનો વિકલ્પ અપનાવી લેશે અને કવિ કહે છે કે ઈત્યાદિ જબ ડરના છોડ દેતે થે તો બાકી સબ ઉનસે ડરને લગતે થે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 સપ્ટેમ્બર 2025

Loading

ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|14 September 2025

ગુરુવારે જૂનાગઢ ખાતેના ગુજરાત કાઁગ્રેસના ૪૫ જેટલા જિલ્લા અને શહેર પ્રમુખો સમક્ષ તેમની પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાત મોડેલની વાત કરતાં જણાવેલા મુખ્ય મુદ્દા : 

નરેન્દ્ર મોદીએ ૨૦૦૧ પછી ગુજરાતમાં પાંચ પ્રકારના વર્ગો ઊભા કર્યા કે જેને ગુજરાત મોડલ તરીકે દેશમાં અને દુનિયામાં રજૂ કરવામાં આવ્યું :

(૧) એક છે લાભાર્થી વર્ગ : કહેવાતા વિકાસનો લાભ જેમને થયો તે આ વર્ગ. તેમાં છે બીલ્ડરો, ઉદ્યોગપતિઓ, હોટલપતિઓ, ઇવેન્ટ મેનેજરો, કાર્યક્રમના ઉદ્ઘોષકો, કેટરર્સ, દેશીવિદેશી ટેકનિકલ નિષ્ણાતો અને ચમચા અધ્યાપકો, સાહિત્યકારો, કથાકારો, મોટીવેશનલ સ્પીકરો વગેરે. તેમને સીધી કે આડકતરી રીતે જોરદાર આર્થિક લાભ થયો એટલે તેઓ મોદીની કથા કરે એ સ્વાભાવિક છે. 

(૨) બીજો છે અભિભૂત વર્ગ : આ વર્ગ કહેવાતા વિકાસથી અંજાઈ જાય છે. રિવર ફ્રન્ટ, અટલ બ્રિજ, સરદારનું પૂતળું, ફ્લાય ઓવર, સ્ટેટ હાઈવે, કાંકરિયા લેકફ્રન્ટ, કાયમી અને હંગામી રોશની વગેરે. આ બધું જોઈને બધાને એમ થાય છે કે વાહ શું વિકાસ થયો છે. બધા જ લોકો આ વિકાસથી અભિભૂત થઈ જાય છે. આખા દેશના ખેડૂતોને બોલાવીને ગુજરાત સરકાર મહાત્મા મંદિરમાં હજારો રૂપિયાનું ઇનામ આપે, સોમનાથ અને દ્વારકા ફરવા લઈ જાય અને ફાઇવ સ્ટાર હોટેલમાં રાખે એટલે એના રાજ્યમાં જઈને એ મોદીનો પ્રચાર જ કરે ને! 

(૩) ત્રીજો છે ડરી ગયેલો વર્ગ : જેઓ આ વિકાસ સાથે સંમત ન થાય, સરકારની નીતિઓની ટીકા કરે એ બધાને ડરાવી દેવામાં આવ્યા. એમની સામે પોલિસમાં કે અદાલતમાં કેસ થયા, એમને જેલમાં નાખવામાં આવ્યા, જુદી જુદી રીતે ધમકીઓ આપવામાં આવી. આવા થોડા વિરોધીઓની સામે આ તાનાશાહી રીત અપનાવો એટલે બાકીના બધા ડરી જાય એ સ્વાભાવિક છે. વિરોધીઓને અવગણવામાં પણ આવે. સરકારની કોઈ સમિતિઓમાં રાખવામાં આવે નહીં, કે કોઈ કોલેજ કે યુનિવર્સિટી તમને બોલાવે નહીં; ભલે તમે નિષ્ણાત કે વિદ્વાન હોવ. 

(૪) ચોથો વર્ગ છે ભક્ત વર્ગ : મોદીની આરતી ઉતારનારો આ વર્ગ છે. તેને માટે મોદી ભગવાન છે, અવતાર છે. એ જે કંઈ કરે તે સારું જ કરે છે એમ તે માને છે. મોદીની ટીકા કરનારા બધા દેશદ્રોહીઓ, હિન્દુદ્રોહીઓ, અર્બન નક્સલ, પાકિસ્તાનીઓ છે એમ તે કહે છે. આ ભક્ત વર્ગને બરાબરનું સિંદૂર કાળજીપૂર્વક પિવડાવવામાં આવ્યું છે. એટલે આ વર્ગે પોતાની બુદ્ધિ સાવ કચરાટોપલીમાં નાખી દીધી છે. તે કશું જ બુદ્ધિપૂર્વક વિચારવા માટે તૈયાર છે જ નહીં.

(૫) પાંચમો વર્ગ છે ધર્મને આધારે ધિક્કાર કરનારો અને ધિક્કાર ફેલાવનારો વર્ગ. એ હિંદુમુસલમાન કરવામાંથી ઊંચો આવતો જ નથી. દેશની જે કોઈ સમસ્યાઓ છે તે બધી જ મુસ્લિમોને કારણે છે એમ તે સમજે છે અને તેમને તેઓ દેશદ્રોહી સમજે છે. આ ધિક્કાર એટલો બધો જામ થઈ ગયો છે એમના દિમાગમાં કે કોઈ પણ જાતનું ઓપરેશન એ દિમાગને સુધારી શકે તેમ નથી. આ ધિક્કાર ગાંધી અને નેહરુ સુધી વિસ્તર્યો છે. 

આ પાંચ વર્ગ આ હકીકતો જોવા તૈયાર નથી : 

(૧) ગુજરાતનો સરેરાશ વિકાસ દર ૧૯૮૦-૯૫ના ગાળા દરમ્યાન ૧૪.૫૦ ટકાની આસપાસ રહ્યો. પણ ૨૦૦૧-૨૫ના ગાળામાં તે ૯.૫ ટકાની આસપાસ રહ્યો. 

(૨) ગુજરાત ભારતના વિકાસનું એન્જિન હતું, ૧૯૯૫ પહેલાં, પછી નહીં. ભારતનો વિકાસ દર હવે ગુજરાત પર આધાર રાખતો જ નથી.

(૩) ગુજરાતમાં આજે ખાનગી શિક્ષણની બોલબાલા છે. ૪૪ લાખ બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે. વાલીઓ પર એનો ભયંકર આર્થિક બોજો પડે છે. પૂરતા શિક્ષકો અને અધ્યાપકો વિનાની શિક્ષણ પ્રથા વિકસાવાઈ છે. ગુજરાત સરકાર જી.ડી.પી.ના દોઢ ટકા કરતાં પણ ઓછું ખર્ચ શિક્ષણ માટે કરે છે.

(૪) આરોગ્ય ક્ષેત્રે સારવાર ખર્ચ અત્યંત વધી ગયું છે. સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી. ગુજરાત સરકાર જી.ડી.પી.ના અર્ધા ટકા કરતાં પણ ઓછું ખર્ચ આરોગ્ય માટે કરે છે! 

(૫) ઉદ્યોગોને બહુ બધી સબસિડી આપવામાં આવે છે પણ તેના દસમા ભાગનું પણ જો ગરીબોને આપવામાં આવે તો તેને રેવડી કહીને બદનામ કરવામાં આવે છે.

(૬) ગરીબી ભયંકર છે ગુજરાતમાં. ૧૯૯૮-૯૯માં ૨૬.૧૯ લાખ પરિવારો ગરીબ હતા. આજે ૭૦.૪૦ લાખ પરિવારો ગરીબ છે કે જેમને દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે. 

આ ગુજરાતનું debateless development model છે. ચર્ચા કરવાની જ નહીં, ચર્ચા કરો તો સરકારની અને મારી પ્રશંસા કરો એવી જાતનો સમાજ બનાવી દેવાનો ઉદ્દેશ ગુજરાત મોડલમાં રખાયો છે. 

તા.૧૩-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—306

દીપક મહેતા|Opinion - Opinion|14 September 2025

કમાન્ડર નાણાવટીના કેસ અંગે પંડિત નેહરુએ પાર્લામેન્ટમાં શો ખુલાસો આપ્યો?      

“In exercise of the powers conferred on me by Article 161 of the Constitution of India, I, Shri Prakasha, Governor of Bombay, am pleased hereby to suspend the sentence passed by the High Court of Bombay on Commander K. M. Nanavati …”

બોમ્બે પોલીસની ટીમ બોમ્બે હાઈ કોર્ટના જજમેન્ટની નકલ અને વોરંટ સાથે આઈ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવલ પોલીસની જેલને બારણે પહોંચી ગઈ. અને અદાલતનો હુકમ તથા વોરંટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી. ત્યારે તેના જવાબમાં નેવલ પોલીસના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીની સોંપણી કરવાને બદલે બોમ્બે પોલીસના હાથમાં એક કાગળ મૂક્યો. એ કાગળના શરૂઆતના શબ્દો ઉપર પ્રમાણે હતા. ભારતના બંધારણની કલમ ૧૬૧ દ્વારા ગવર્નરને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ગવર્નર શ્રીપ્રકાશે બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ‘સસપેન્ડ’ કર્યો હતો. ક્યાં સુધી? નાણાવટી તરફથી સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી અપીલ દાખલ ન થાય ત્યાં સુધી. અને સાથોસાથ ત્યાં સુધી કમાન્ડર નાણાવટીને આઈ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવલ જેલમાં રાખવાનો આદેશ ગવર્નરે આપ્યો હતો.

ગવર્નર શ્રી શ્રીપ્રકાશ

ગવર્નર શ્રીપ્રકાશનો જન્મ ૧૮૯૦ના ઓગસ્ટની ત્રીજીએ, વારાણસીમાં. અવસાન, ૧૯૭૧ના જૂનની ૨૩મી તારીખે. ઉચ્ચ અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. આઝાદી પછી તરત, ૧૯૪૭થી ૧૯૪૯ સુધી, તેઓ પાકિસ્તાન ખાતેના ભારતના હાઈ કમિશનરના પદે રહ્યા. ત્યાર બાદ આસામ અને મદ્રાસ રાજ્યોના ગવર્નર બન્યા. ૧૯૫૬માં તે વખતના બોમ્બે સ્ટેટના ગવર્નર બન્યા. ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તે પછી તેઓ ૧૯૬૨ સુધી મહારાષ્ટ્રના ગવર્નરપદે રહ્યા.     

બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો જાહેર થયો એ પછી બીજી જ મિનિટથી ઇન્ડિયન નેવીનાં ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં. આ અંગે નેવીના વડા નામદાર ગવર્નરને અપીલ કરવા માગે છે એમ સૌથી પહેલાં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણને જણાવવામાં આવ્યું. તેમણે તો મંજૂરી આપી, પણ તાકડો એવો થયો કે એ વખતે ગવર્નર મુંબઈમાં નહોતા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. એટલે ગોધરામાં તેમનો સંપર્ક કરીને બધી વિગતો જણાવાઈ અને ગવર્નરે વટહુકમ પર સહીસિક્કા કર્યા. અને કમાન્ડર નાણાવટીની ધરપકડ કરવા આવેલી બોમ્બે પોલીસના હાથમાં આ વટહુકમની નકલ પકડાવી દેવામાં આવી. 

આઈ.એન.એસ. કુન્જાલી

આઈ.એન.એસ. કુન્જાલીની બહાર અને આર્થર રોડ જેલના દરવાજા બહાર લોકોની જબરદસ્ત ભીડ જામી હતી. તેમને આશા હતી એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવાતા નાણાવટીનાં અલપઝલપ ‘દર્શન’ કરવાની. અખબારોના રિપોર્ટર ‘સાચા’ સમાચાર મેળવવા દોડાદોડી કરી રહ્યા હતા અને ફોટોગ્રાફરો કેમેરાનું નિશાન બન્ને જેલોના દરવાજા પર તાકીને ઊભા હતા. પણ મુંબઈ પોલીસ, મુંબઈ સરકાર, અને ઇન્ડિયન નેવીના બધા જ અફસરો મોઢે તાળાં મારીને બેસી ગયા હતા. આ ઘટના અંગે બોલવાનો અધિકાર કેવળ નેવીના રિયર એડમિરલ બી.એસ. સોમણને જ આપવામાં આવ્યો હોવાની જાણ થતાં રિપોર્ટરોએ તેમની ઓફિસ તરફ દોટ મૂકી. પણ પત્રકારોના ઢગલાબંધ સવાલોના જવાબમાં રિયર એડમિરલ સોમણ માત્ર એક જ વાક્ય બોલ્યા : “આ અંગે અત્યારે તમને આપવા માટે મારી પાસે કશી જ માહિતી નથી.”

પંડિત જવાહરલાલ નેહરુ, પાર્લામેન્ટમાં

પણ બીજે દિવસે વિરોધ પક્ષના સભ્યોએ પાર્લામેન્ટમાં ‘દેકારો બોલાવ્યો’ (એ જમાનાનાં છાપાંનો પ્રિય પ્રયોગ) અને વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પોતે જવાબ આપવા ઊભા થયા. તેમણે જણાવ્યું કે આવું પગલું લેતાં પહેલાં મુંબઈના ગવર્નર દ્વારા કેન્દ્ર સરકારનાં લાગતાંવળગતાં ખાતાંનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. એ ખાતાંએ તે અંગે મને જણાવ્યું હતું અને મારો અભિપ્રાય માગ્યો હતો. મુંબઈ રાજ્યના ગવર્નરને કેન્દ્ર સરકાર દ્વારા જે સલાહ આપવામાં આવી, અને એ સલાહને અનુસરીને ગવર્નરે જે અધ્યાદેશ પર સહી કરી, તે અંગેની પૂરેપૂરી જવાબદારી દેશના વડા પ્રધાન તરીકે હું સ્વીકારું છું. ગવર્નરે જે અધ્યાદેશ બહાર પાડ્યો તે બંધારણની દૃષ્ટિએ પૂરેપૂરો વાજબી છે, તેમાં કશું જ અજુકતું થયું નથી, અને આવો અધ્યાદેશ જારી કરવાથી ન્યાયતંત્રનો કોઈ રીતે અનાદર થયો નથી. આવું પગલું શા માટે ભરવાનું જરૂરી બન્યું હતું એ સમજાવતાં વડા પ્રધાન નેહરુએ જણાવ્યું કે જો થોડા દિવસ માટે પણ કમાન્ડર નાણાવટીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે તો ઇન્ડિયન નેવીના નિયમોને કારણે કમાન્ડર નાણાવટીની નેવીની નોકરી પર ઘણી માઠી અસર થાય. આ અંગે ઇન્ડિયન નેવીના વડા એડમિરલ કટારીએ, અને નહિ કે કમાન્ડર નાણાવટીના કોઈ સંબંધીએ, મુંબઈ રાજ્યના ગવર્નરને દખલ કરવાની અપીલ કરી હતી. કેન્દ્ર સરકાર સાથે વાતચિત કર્યા પછી મુંબઈના ગવર્નરે અધ્યાદેશ પર સહી-સિક્કા કર્યા હતા જેની નકલ બને તેટલી જલદી લાગતાવળગતા સૌને પહોંચાડવામાં આવી હતી. પંડિત નેહરુએ ઉમેર્યું કે મુંબઈના ગવર્નરને જવાબ આપતાં પહેલાં મેં કાયદા પ્રધાન શ્રી અશોક સેન સાથે ચર્ચા કરી હતી. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ થાય ત્યાં સુધી બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને કામચાલાઉ ધોરણે સ્થગિત કરવામાં ભારતના બંધારણની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. વળી ગવર્નરને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અધ્યાદેશ પર સહી કરતાં પહેલાં તેમણે એ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણ સાથે વાતચીત કરવી. ગવર્નરે આ પ્રમાણે કર્યું હતું અને મુખ્ય પ્રધાને ગવર્નરને આપવામાં આવેલી સલાહ સ્વીકારવાનું સૌજન્ય બતાવ્યું હતું. છેવટે પંડિત નેહરુએ કહ્યું કે આ આખા મામલા અંગે ભારત સરકારે અને વડા પ્રધાન તરીકે મેં જે કાંઈ કહ્યું તે મુંબઈ રાજ્યના ગવર્નર અને મુખ્ય પ્રધાનને ‘સલાહ’ આપવાના રાહે, અને નહિ કે આદેશ આપવાના રાહે કહ્યું હતું. અને એ બન્નેએ અમારી સલાહ સ્વીકારવાનું સૌજન્ય બતાવ્યું હતું. તેમને જે સલાહ આપવામાં આવી તે ‘અનૌપચારિક’ હતી. અને એટલે એ સલાહને બંધારણની કલમ ૨૫૬ લાગુ પડતી નથી, અને એટલે વિરોધ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી સભામોકૂફીની દરખાસ્ત દાખલ થઈ શકે તેમ નથી. મુંબઈ રાજ્યના ગવર્નરે અમારી સલાહથી જે અધ્યાદેશ જારી કર્યો તેની પાછળ બોમ્બે હાઈ કોર્ટનો, તેના માનનીય ન્યાયાધીશોનો, કે દેશના ન્યાય તંત્રનો અનાદર કરવાનો હેતુ મુદ્દલ નથી. 

ચીફ મિનિસ્ટર યશવંતરાવ ચવ્હાણ

ગવર્નરના વટહુકમ અંગે વધુ સ્પષ્ટતા કરતાં પંડિત નેહરુએ કહ્યું કે હાઈ કોર્ટના હુકમની અમલબજાવણીને સ્થગિત કરવામાં આવી છે તે માત્ર કમાન્ડર નાણાવટી તરફથી કરવામાં આવનાર અપીલ સુપ્રિમ કોર્ટમાં દાખલ થાય ત્યાં સુધીની મુદ્દત માટે જ છે. એ પછી આ આખા પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટ અથવા બોમ્બે હાઈ કોર્ટ યોગ્ય નિર્ણય લેશે. 

વિરોધ પક્ષના કેટલાક સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે કમાન્ડર નાણાવટીને વડા પ્રધાન નેહરુ અને તેમના કુટુંબ સાથે અંગત સંબંધો હોવાને કારણે ભારત સરકારે અધ્યાદેશ જારી કરવાની સલાહ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન અને ગવર્નરને આપી હતી. આ વાતનો રદિયો આપતાં વડા પ્રધાન નેહરુએ કહ્યું કે હું અંગત રીતે કમાન્ડર નાણાવટીને નહિ જેવું ઓળખું છું. બીજા સિનિયર ઓફિસરોને મળવાનું થાય તેમ હું કમાન્ડર નાણાવટીને પણ મળ્યો છું. તેમના વિશેના જે અહેવાલો મને મળ્યા છે તે ઉપરથી મારા મનમાં એવી છાપ ઊભી થઈ છે કે તેઓ એક કાર્યદક્ષ અને વફાદાર અફસર છે. પણ તેમને મદદરૂપ થવાનો નથી મારો આશય કે નથી એવી કોઈ જરૂર. મેં અને ભારત સરકારે જે કાંઈ કર્યું તેને કદાચ ‘અસાધારણ’ કહી શકાય, પણ કોઈ રીતે ‘અયોગ્ય’ કે ‘અવૈધ’ કહી શકાય એમ નથી. 

વિરોધ પક્ષના સભ્યોને, વડા પ્રધાન નેહરુને, અન્ય પ્રધાનોને તથા અન્ય સભ્યોને સાંભળ્યા પછી સ્પીકરે વિરોધ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી સભા મોકૂફીની દરખાસ્ત ખારીજ કરી હતી. 

પણ પાર્લામેન્ટમાં ચર્ચા થઈ ગઈ એટલે વાત પૂરી થઈ એમ ન માની લેવું. બોમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકની ડિવિઝન બેન્ચે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો અને કમાન્ડર નાણાવટીને આજીવન કારાવાસની સજા કરી હતી. ઉપરાંત તેમને નેવલ જેલમાંથી કાઢીને આર્થર રોડ જેલમાં ખસેડવા માટે વોરંટ જારી કર્યું હતું. પણ ઇન્ડિયન નેવીના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીનો કબજો બોમ્બે પોલીસને સોંપવાની ના પાડી એટલે ન તો હાઈ કોર્ટે કરેલી સજાની કે ન તો જારી કરેલા વોરંટની અમલબજાવણી થઈ શકી. કોઈ ‘કોમ્પિટન્ટ ઓથોરિટી’એ બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ‘ઓવર રૂલ’ કર્યો ન હતો. પરિણામે  હાઈ કોર્ટનો ચુકાદો અને હાઈ કોર્ટે લીધેલા નિર્ણયો ‘અધ્ધર લટકતા’ રહ્યા હતા. આ સંજોગોમાં હવે શું થઈ શકે એ અંગે બોમ્બે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના બંને નામદાર ન્યાયાધીશોએ બોમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી તેમની સલાહ માગી. પરિણામે સુપ્રીમ કોર્ટમાં જતાં પહેલાં નાણાવટી મર્ડર કેસ ફરી પહોંચ્યો બોમ્બે હાઈ કોર્ટ પાસે. પણ આ વખતે ડિવિઝન બેંચ પાસે નહિ, પણ ફુલ બેંચ પાસે. 

એ વખતે શું થયું? એ અંગે વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 સપ્ટેમ્બર 2025

Loading

...102030...142143144145...150160170...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved