
હેમન્તકુમાર શાહ
ગાંધીએ ભગતસિંહને ફાંસીથી બચાવવા પ્રયત્ન કરેલો કે નહીં, ભારપૂર્વક કે દિલોજાનથી પ્રયાસ કરેલો કે નહીં?
મને લાગે છે કે આ ચર્ચા જ વાહિયાત છે. જબરદસ્ત વિદ્વાન એવા ભગતસિંહ મૂર્ખ નહોતા. એમને ખબર હોય જ કે તેઓ જે હિંસક કૃત્ય કરી રહ્યા છે તેની શી સજા હોઈ શકે. એટલે આપણે એમ સમજવું જોઈએ કે ભગતસિંહ પોતાના ગુના વિશેની સજા વિશે બિલકુલ સભાન હતા, ભલે એ દેશભક્તિનું અને આઝાદી મેળવવા માટેનું કૃત્ય હતું. અને હા, એમણે વિનાયક દામોદર સાવરકરની જેમ અંગ્રેજ સરકારની માફીઓ નહોતી માંગી કે આઝાદીનું આંદોલન જ નહીં કરવાનું સાવરકરે અંગ્રેજોને જે વચન આપેલું તેવું કોઈ વચન ભગતસિંહે નહોતું આપ્યું.
ગાંધીની વિચારધારા અહિંસક પરિવર્તનની હતી. એમને એ રસ્તે જ આઝાદી મેળવવી હતી. એમણે ૧૯૧૪-૧૮ના પ્રથમ વિશ્વયુદ્ધ બાદ હિંસાને ઉત્તેજન કે ટેકો આપ્યાં જ નહોતાં. ૧૯૨૨માં ઉત્તર પ્રદેશમાં ચૌરીચોરા ખાતે પોલિસને જીવતા સળગાવી મૂકવાની ઘટના બની ત્યારે તેમણે આઝાદી માટેનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. ગાંધી એમ કહે છે કે લોકોને અહિંસાની તાલીમ આપ્યા વિના એ સત્યાગ્રહ શરૂ કરેલો એ એમની “પહાડ જેવડી ભૂલ” હતી.

ભગત સિંહ
હવે, ગાંધી જે રસ્તે જવા માગતા નહોતા તે રસ્તે કોઈ જાય તો તેને એ રસ્તેથી પાછા વાળવા માટે શું કરી શકે? એ કરવાનો પ્રયાસ ઉપર કહ્યું તેમ ૧૯૨૨માં તેમણે આખા દેશ માટે કરેલો. તેમ છતાં કોઈ હિંસક રસ્તો અપનાવે તો શું? એ તો એ વ્યક્તિની મરજી.
ભગતસિંહે એ રસ્તો અપનાવેલો કે જે ગાંધીને પસંદ નહોતો. એમ કરતાં એમને ફાંસીની સજા થયેલી. હવે બધા એમ કહે છે કે ગાંધીએ કેમ ભગતસિંહની ફાંસી રોકવા માટે પ્રયાસ કર્યો નહિ? ગાંધીએ પ્રયાસ કરેલો જ, એના પુરાવા પણ છે. તેઓ એમાં સફળ ન થયા એ એક જુદો મુદ્દો છે.
પણ, માની લઈએ કે ગાંધીએ તેમને બચાવવા પ્રયાસ નહોતો કર્યો, તો પણ તેથી શું? એમણે પ્રયાસ કરવો અનિવાર્ય હતો? ભગતસિંહ કંઈ વિનોબા ભાવે જેવા અહિંસામાં શ્રદ્ધા રાખનાર નહોતા. તો ભગતસિંહને બચાવવા ગાંધી પ્રયાસ ન પણ કરે. તેમાં ગાંધીનો દોષ શું? ગાંધીનું કહ્યું માનીને જો અંગ્રેજ સરકારે ભગતસિંહને ફાંસીની સજા ન આપી હોત તો એમ પણ કહેવાત કે, જુઓ મોટો અહિંસાનો પૂજારી હિંસક કૃત્યને સમર્થન આપે છે! એવું ન થાત?
ગાંધીએ ભગતસિંહને બચાવવા માટે પ્રયાસ ન કર્યા એવી જે વાતો કરવામાં આવે છે તે એક નિશ્ચિત વર્ગ દ્વારા નિશ્ચિત એજન્ડા સાથે કરવામાં આવતું બૌદ્ધિક દુષ્કૃત્ય છે. એ એજન્ડા છે મહાત્મા ગાંધી નામના એક અહિંસક તત્ત્વને ભારતીય જનમાનસમાંથી નેસ્તનાબૂદ કરવું. આ એજન્ડાને સમજવાની જરૂર છે.
ભગતસિંહ માત્ર હિંસક ક્રાંતિકારી નહોતા, પણ સમાજવાદમાં શ્રદ્ધા ધરાવનાર ધર્મનિરપેક્ષ વ્યક્તિ હતા. સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા એ બે શબ્દો પર અત્યારે ચીડ પ્રવર્તે છે એ બે સિદ્ધાંતો તો ભગતસિંહના પ્રિયતમ હતા. જો ભગતસિંહ જીવતા રહ્યા હોત તો હિન્દુ મહાસભા અને આર.એસ.એસ.ની હિન્દુત્વની અને હિન્દુ રાષ્ટ્રની વિચારધારાનાં છોતરાં ફાડી નાખ્યાં હોત. વાંચો ભગતસિંહને, તો તમને એનું ભાન થયા વિના નહીં રહે.
ગાંધી અને ભગતસિંહનો વિવાદ તદ્દન વાહિયાત ધર્મોક્રસી દ્વારા ઊભો કરાયો છે અને લોકશાહીમાં હિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરીને તેને ખતમ કરવાનો કારસો છે.
તા.૨૪-૦૫-૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર