Opinion Magazine
Number of visits: 9458820
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેખક અને સ્વતંત્રતા, સુરેશ જોષી વ્યાખ્યાન

મેહુલ દેવકલા|Opinion - Opinion|3 May 2022

‘આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, વલ્લતોલ, નિરાલા, પ્રેમચંદ જેવા, ગુલામ દેશમાં સ્વતંત્ર લેખકો થઈ ગયા. આપણું સાહિત્ય દેશને સ્વતંત્રતા મળી એ પૂર્વેથી જ સ્વતંત્ર રહ્યું છે. લોકશાહીએ સાહિત્યની પ્રશ્નો પૂછવાની, અસહમત થવાની અને સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતાને પોષી છે. દુર્ભાગ્યે, વિગત દિવસોમાં જો કે આ ક્ષમતા દંડિત થઈ રહી છે.’

ખ્યાત હિંદી કવિ અને કલામર્મજ્ઞ અશોક વાજપેયી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તૃતીય સુરેશ જોષી વ્યાખ્યાન અંતર્ગત બોલી રહ્યા હતા. વિષય હતો ‘લેખક અને સ્વતંત્રતા’. સુરેશ જોષીનું કર્મક્ષેત્ર વડોદરા ૧૯મી એપ્રિલે આ પ્રસંગનું સાક્ષી બન્યું.

છેક, ૧૯૬૦માં સુરેશ જોષી ‘ભોંયતળિયાનો આદમી’ નામે એક પરિચય દોસ્તોએવસ્કીની ‘નોટ્‌સ ફ્રૉમ અન્ડરગ્રાઉન્ડ’ વિશે લખે છે. મૂળ તો વાત વ્યક્તિસ્વાતંત્ર્યની જ છે. આપણા સમયની એ બલિહારી જ કહી શકાય કે દાયકાઓ પછી સુરેશ જોષી શતાબ્દીએ યોજાનાર વ્યાખ્યાનની ભૂમિકા આવી કોઈક ભોંયતળિયાની જગ્યાએ મંડાઈ. શિક્ષણધામો સત્તાની જીહજૂરીનાં કેન્દ્રો બન્યાં છે. (‘પૂર્વનિર્ધારિત સ્થળનો પરવાનો કાર્યક્રમનાં બે દિવસ પહેલાં અનિવાર્ય કારણોસર રદ્દ થયો.’)

આર્ક ફાઉન્ડેશનની ગેલેરીનાં ભોંયતળિયે આછા પીળા પ્રકાશના અજવાળે ઘણી ઉજળી વાતો થઈ. નાદુરસ્ત તબિયત છતાં અમદાવાદથી પરિષદપ્રમુખ પ્રકાશ ન. શાહ આવ્યા અને વ્યાખ્યાનનો આગાઝ કરાવ્યો. કોરોના કાળમાં પ્રથમ બે વ્યાખ્યાનો ઑનલાઈન યોજાયાં હતાં. પ્રકાશભાઈના શબ્દોમાં મૂકું તો, ઑનલાઈન પછી ઑફલાઈન માહોલમાં, વિશ્વમાનવ-ક્ષિતિજ પરંપરામાં અને એરિક ફ્રૉમની બાનીમાં મુખોમુખ (ફેસ ટુ ફેસ) એક અદકેરી સાંજ.

સુરેશ જોષીના પરિવારજનો દ્વારા અશોકજીની આવકારવિધિ થઈ. પૂર્વ પ્રમુખ સિતાંશુભાઈએ આવકારમાં સૂર પુરાવ્યો. ગુજરાતનાં વિવિધ ઠેકાણેથી આવેલાં – કાનજી પટેલ, જયદેવ શુકલ, બકુલ ટેલર, માલિની ગૌતમ, શરીફાબહેન સહિત ઘરઆંગણે જ્યોતિ ભટ્ટ, શિરીષ પંચાલ, રમણ સોની, ધ્રુવ મિસ્ત્રી સરીખાં જાણતલોની હાજરીથી ભોંયતળિયાનો એ ખંડ દીપી ઉઠ્યો હતો.

સુરેશ જોષીનું સાંનિધ્ય જેઓ પામ્યાં છે એવા ગુલામ મોહમ્મદ શેખે વક્તા અશોક વાજપેયીનો પરિચય આપતા જણાવ્યું કે, ‘ભારત ભવનની પરિકલ્પનાથી માંડીને હાલમાં ગાલિબ અને કબીરને જોડે કઈ રીતે મૂકી શકાય એ અંગે વિચારતા રહેતા અશોકજી સ્થૂળ વિગતો બહારનું વિરલ વ્યક્તિત્વ છે. તેઓએ ભારતભવન થકી જે અનેરું કામ ભોપાલમાં કરી બતાવ્યું એ ભારતનાં બાકીનાં રાજ્યોમાં પણ ફળીભૂત થતું હોત તો કેવું અદ્દભુત પરિદૃશ્ય રચાત!

અશોકજીએ વ્યાખ્યાનમાં જણાવ્યું કે, જે સમાજમાં લેખક સ્વતંત્ર ન હોય એ સમાજને સ્વતંત્ર ના કહી શકાય. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા આંદોલન દ્વારા વ્યક્તિગત સ્વતંત્રતાની અવધારણાને સામૂહિક સ્વતંત્રતાની સાથે જોડી આપી. પશ્ચિમમાં આધુનિકતા અને સ્વતંત્રતાની અવધારણા પણ પરસ્પર વિક્સી હોવાનું તેમનું તારણ હતું.

એમણે કહ્યું કે સ્વતંત્રતા એક એવી મૂડી છે કે જે ‘બીજા’ની સાથે વહેંચવાથી વધે છે. પરંતુ આપણે એવા ક્રૂર સમયમાં જીવીએ છીએ કે જ્યાં આ ‘બીજા’ને બીજા દરજ્જા પર ઉતારી પાડવાની જોહુકમી ચાલી રહી છે.

અશોકજીએ એક સનદી અધિકારી તરીકેની એમની સુદીર્ઘ કારકિર્દીના અનુભવોથી જણાવ્યું કે, બહુ જ જૂજ એવાં કોમી રમખાણો હોય છે જે ક્ષણિક ઉત્તેજનાથી શરૂ થતાં હોય છે. મોટા ભાગનાં તો પૂર્વયોજિત જ હોય છે. ધર્મ અને રાજકારણનું એક વિકૃતરૂપ અહીં દૃષ્ટિગોચર થાય છે. સત્તાની પગચંપી કરતું મીડિયા પણ એમાં આડકતરી રીતે ભાગીદારી કરતું જણાય છે. મીડિયામાં સાહિત્ય માટે જગ્યા સંકોચાતી જાય છે. સ્વતંત્રતાની રક્ષા કરતા સાહિત્યથી વેગળી દિશા એણે ઝાલી છે. જો કે, મીડિયાનો એક નાનકડો હિસ્સો આજે પણ સત્યને બોલવામાં અને અસહમત થવામાં સાહિત્યની પાસે છે. ટેક્નૉલોજીના દુરપયોગ સામે પણ વાજપેયીજીએ ચિંતા પ્રગટ કરી.

આપણા સમયમાં જે બની રહ્યું છે અને જે રીતે રહ્યું છે એની નોંધ લેવી એ આપણા સમયના સાહિત્યનો આપદ્દ ધર્મ છે. ઓક્તાવિયો પાઝને ટાંકીને એમણે કહ્યું કે પાઝે કવિતાને ‘બીજો ઇતિહાસ’ કહ્યો હતો. બહુ વિકટ સમયમાં પણ કવિ દેખતો, નોંધતો, પ્રશ્નો પૂછતો, શંકા કરતો રહે છે અને એ જ એની સ્વતંત્રતાનાં કામ છે.

સાહિત્યનાં સૌંદર્યબોધ અને સ્વતંત્રતાને જોડી આપીને એમણે એમના વક્તવ્યને વિરામ આપ્યો. વક્તવ્યની શરૂઆત એમણે ગાલિબના શેરોથી કરી હતી તો અંત એમણે સ્વરચિત ‘લિખો’ નામની કવિતાથી કર્યો. આ જ કવિતાની થોડીક પંક્તિઓ ગુજરાતી અનુવાદમાં :

લખ

કારણ, તારા મૃત્યુની સદીઓ પર્યંત
તારા વંશજો એ જાણી શકે કે
ભયાનક ઉન્માદના સમયમાં
એના એક વડવાએ યાદ રાખવાની,
નોંધવાની ને બોલવાની હામ ભીડી હતી.
લખ
કારણ, સર્વત્ર નાશ કરવાના
અપાર ઉત્સાહના સમયમાં
તેં કવિતા માટે સમય બચાવવાની દરકાર કરી
ભલે કવિતા તને ના બચાવી શકી

વ્યાખ્યાનના અંતે, પરિષદના ઉપપ્રમુખ પ્રફુલ્લ રાવલે ખૂબ જ માર્મિક રીતે આખી ઘટનાને મૂકી આપતાં એવો આશાવાદ પ્રગટ કર્યો હતો કે બદલાતા સમય વચ્ચે પણ આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત કરાયેલા મુદ્દાઓ લાંબો વખત સંભારાતા ને ચર્ચાતા રહેશે – અને એ રીતે પડ જાગતું રહેશે. સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ભરત મહેતા છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહી શક્યા એના વિશેષોલ્લેખ સાથે એમણે પીયૂષ ઠક્કરે કરેલા સુચારુ સંચાલન અંગે પણ આભાર ને આનંદની લાગણી પ્રગટ કરી હતી.

E-mail : mehul.41@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 15

Loading

કોલસા કરતાં રાજકારણીઓ વધારે કાળા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 May 2022

કોઈ જૂનાં ઘરનો મોભી વિકાસની પાછળ પડી જાય ને દુનિયાને બધું મોટું મોટું બતાવે, દૂરથી સ્ટેચ્યૂ બતાવે ને સ્ટેડિયમ બતાવે કે ઘર બતાવવા વિદેશથી મોટા માણસોને તેડે ને તેને બધું મોટું મોટું દેખાડે, પણ ઘરની અંદર ન લઈ જાય તો બહારનાને ખબર ન પડે કે અંદર શું ચાલી રહ્યું છે? એ તો બહારનું બધું જોઈને રાજી થઈને મોભીની પીઠ થાબડીને પાછો જાય. મોભી ફૂલીને ફાળકો થઈ જાય કે આજે તો વિદેશમાં પણ આપણો  ડંકો વાગ્યો ! મોભી મહેમાનને ઘરમાં ઘૂસાડે તો ખબર પડે કે સિલિન્ડર મોંઘું થવાને કારણે ચૂલો ઠંડો છે. કોલસો નથી કે ચૂલામાં અજવાળું થાય. પાવર કટને કારણે ઘરમાં લાઇટ નથી એટલે અંધારું છે ને પંખો પાવર ન હોવાને કારણે ફરતો નથી. ઘરનાં માણસો નોટબુકનાં પૂંઠા હલાવી હલાવીને જાતને હવા નાખી રહ્યાં છે ને ઘરમાં ગમે ત્યાં ફરો કે બેસો, ચામડી પરસેવો બનીને રેલાઈ રહી છે ને નાનાં બાળકો 44થી 47 ડિગ્રી તાપમાં બિસ્કિટની જેમ શેકાઈ રહ્યાં છે. આખું ઘર બેકરીની ભઠ્ઠી જેવું ધગધગી રહ્યું છે ને ઘરની બહાર મસ્જિદ કે મંદિર પરથી ઘોંઘાટિયાં ભૂંગળાં ઉતારવાની ગડમથલ ચાલે છે. પેટ્રોલ છાંટીને સળગી મરવું હોય તો ય માંડી વળવું પડે એમ છે, કારણ સ્કૂટર માટે ખરીદાતું ન હોય તો જાત માટે તો કેમ ખરીદવું એની મૂંઝવણ છે. પેટ્રોલવાળા સ્કૂટરને બદલે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું સ્કૂટર ખરીદવાનું સપનું પડે છે, પણ ચિંતા એ છે કે પાવરનાં ઠેકાણાં નથી, ત્યાં સ્કૂટરનાં શું ને કેટલાં ઠેકાણાં રહેશે? ને એ આજે સસ્તું હોય તો પણ મોંઘું નહીં થાય એની કોઈ ખાતરી નથી. ઉપાડ વધે તો એ પણ મોંઘું થાય એમ બને. વારુ, પાવર મોંઘો થાય એવાં પૂરતાં એંધાણ છે. લાગે છે તો એવું કે પાવર મોંઘો કરવા જ કદાચ કોલસાની તંગી ઊભી કરવામાં આવી છે. એવું બની શકે કે થોડા જ દિવસમાં વીજળી, ‘વીજળી’ થઈને ઘર પર પડે. ઘરમાં ચટણી થાય એવું નથી ને બહાર ચૂંટણી વટાયા કરે છે. આ જો ઘરની સ્થિતિ હોય તો દેશની સ્થિતિ એનાથી જુદી લાગે છે?

આખા દેશને મોંઘો કરવા બહુ મહેનત થઈ રહી છે. કદાચ એ રેકોર્ડ કરવો હશે કે જગતમાં ભારતથી મોંઘેરો દેશ બીજો કોઈ નથી. દેશ મોંઘો છે જ ! તે વગર વિદેશનાં મોંઘેરા મહેમાનો ભારત તરફ વિમાન ઉડાડે? એ બધા ભલું કરવા આવે છે ને એમાં આપણું ભલું થઈ રહ્યું છે એવો વહેમ પાળવાનું આપણને ગમે છે. આપણી શરતે ક્રૂડ સસ્તું મળી રહ્યું છે, પણ શરત એ પણ છે કે દેશમાં તો પેટ્રોલ-ડીઝલ સસ્તાં ન જ વેચવાનાં. બાકી હતું તે કોલસો કાળોતરો થયો છે. અત્યાર સુધી ચીન, ઓસ્ટ્રેલિયા ખૂટતો કોલસો પૂરો પાડતાં હતાં, પણ તેણે તે મોંઘો કર્યો એટલે ભારતે આયાત બંધ કરી. ચીન જોડે આટલી મગજમારી થાય છે, પણ એના વગર આપણને ઓડકાર આવતો નથી. એની જોડે લડીને સૈનિકોનાં કોલસા પડે છે તો ય એના કોલસા આપણે આયાત કરતા રહ્યા છીએ. એ હવે ઊંચું ગયું છે તો ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવવો પડે છે. આટલો મોટો ભારત દેશ, પણ કોલસો ઈન્ડોનેશિયા જેવા દેશ પાસેથી આયાત કરે છે, છે ને કમાલ ! એને જ કહેવાય મેરા ભારત મહાન !

હવે અંદરની ગમ્મત જોઈએ. આમ તો કોલસા ભરેલી ગુડ્સ દોડતી રહે છે ને તેની બહુ ખબરે ય પડતી નથી. પણ કોલસાની તંગી ઊભી થઈ છે ત્યારે વધારે ટ્રેનો દોડવા લાગી છે ને તે ય સેંકડો પેસેન્જર ટ્રેન બંધ કરીને ! પેસેન્જર ટ્રેનો એટલે બંધ કરી છે જેથી કોલસાની ટ્રેનો ઝડપથી દોડી શકે ને જે તે સ્થળે વિના વિઘ્ને પહોંચી શકે. આ થઈ બીજી કમાલ ! કોલસો પૂરતો હતો ત્યારે પેસેન્જર ટ્રેનો રોક્યા વગર કોલસાની ટ્રેનો પહોંચતી હતી, હવે તંગી છે તો પેસેન્જર ટ્રેનો બંધ કરીને કોલસા ગાડી દોડાવાય છે. રામ જાણે એમાં કોલસો છે પણ કે પછી એમ જ દોડે છે ! જો કે, રામ પણ નહીં જાણતા હોય, એમને ય ક્યાં ખબર હતી સવારે શું થવાનું છે …

દિલ્હીની હાલત કફોડી છે. એની પાસે એક દિવસ ચાલે એટલો જ કોલસો છે એવું દિલ્હીના ઊર્જા મંત્રીએ કેન્દ્રને પત્ર લખીને જણાવ્યું. એમણે એમ પણ કહ્યું કે કોલસાની વ્યવસ્થા ન થાય તો મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો બંધ કરવાનો વારો આવશે ને લોકો હેરાન પરેશાન થઈ જશે. એની સામે કેન્દ્રીય ઊર્જા મંત્રીએ એમ કહ્યું કે દરેક પાવર સ્ટેશન પાસે પૂરતો કોલસો છે જ. કોલસાની તંગી નથી, પણ રાજ્ય સરકારો કેન્દ્રની કંપની કોલ ઈન્ડિયાને સમયસર નાણાં ચૂકવતી નથી એટલે કોલસો પહોંચતો નથી. આ વાતે દિલ્હીના ઊર્જા મંત્રીએ રોકડું કરી દીધું કે કોલ ઇન્ડિયાને એક પણ રૂપિયો ચૂકવવાનો બાકી નથી. કેન્દ્રીય ઊર્જા મંત્રીએ  એમ પણ કહ્યું કે કોલસો તો પૂરતો છે, પણ ઘણાં રાજ્યો તેમને ફાળવાયેલો કોલસાનો જથ્થો લઈ જતાં નથી. એ કયાં રાજ્યો છે તેનો ફોડ મંત્રીએ પાડ્યો નથી, પણ કોલસાની કાળી તંગી હોય ને રાજ્યો કોલસા ન લે, એ વાત ભેજામાં ઘૂસતી નથી. એમ લાગે છે કે કેન્દ્રીય મંત્રી હોલસેલમાં ફેંકે છે. એક તરફ કોલસાની અછત નથી એવું કેન્દ્રીય ઊર્જા મંત્રી પોતે કહે છે ને એમનું જ ઊર્જા મંત્રાલય બોલે છે કે 147 પ્લાન્ટ્સમાં 25 ટકા કોલસો જ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીનું એમ કહેવું છે કે એમનું મંત્રાલય બકવાસ કરે છે? એવું કેમ થતું હશે કે મંત્રી થયા પછી માણસ કબૂલ કરવાને બદલે બચાવમાં પડી જાય? એ પણ જવા દઇએ, પણ આમાં લોકોની હાલાકી વીજળીને અભાવે વધી છે એનો વિચાર કરવાનો કે કેમ? એ હકીકત છે કે કોલસાની તંગીને કારણે પાવર સ્ટેશનોમાં પૂરતી વીજળી પેદા થતી નથી, એને પરિણામે 16 રાજ્યોમાં વીજળી કાપ આવ્યો છે ને ક્યાંક ક્યાંક તો 10-10 કલાક પાવર બંધ રહે છે. આ અસર અંતરિયાળ ગામો સુધી પડી છે. આમ ભરઉનાળામાં લોકોને બાફવા મૂકવાનું યોગ્ય છે?

પાવર હવે કદાચ મંત્રીઓ પૂરતો જ સીમિત થઈ ગયો છે, બાકી ઉદ્યોગો છે ને પાવર નથી, પરીક્ષાઓ છે ને પાવર નથી, એક તરફ 47.4 ડિગ્રી તાપ સાથે 122 વર્ષમાં ન પડી હોય એટલી ગરમી માણસોને લોહીમાં ઉકાળતી હોય ને મંત્રી કહે કે કોલસો પૂરતો છે તો એ કોલસો શું ‘રાંધવા’ વપરાય છે તેનો ફોડ તો પડે ને ! ચાલો, કોલસો પૂરતો છે તે માની લઇએ, પણ વીજળી નથી ને વીજકાપ ચાલે છે તે તો સાહેબને દેખાય છે કે એમણે ગોગલ્સ પહેરેલાં છે? કે એમ માનવાનું છે કે ‘ભારત બેકરી’માં લોકોને જ શોખ થયો છે તે એમણે લાઇટ, એસી બંધ કરી દીધાં છે? સાદી સમજ તો એમ કહે છે કે કાળઝાળ ગરમીમાં વીજળીનો ઉપાડ વધે જ ! ગયા શુક્રવારે બપોર સુધીમાં જ 2,07,211 મેગાવોટ વીજળીની જરૂર પડી એ ઓલ ટાઈમ હાઇ છે ને હજી વધુ ગરમી પડવાની આગાહીઓ તો ચાલે જ છે. એવામાં દસ કલાકનો વીજ કાપ ફટકારાય તો એ કોઈ પણ રીતે માનવીય નથી. પરીક્ષાઓ ચાલતી હોય ને વિદ્યાર્થીઓએ મીણબત્તી કે બેટરીને અજવાળે વાંચવું પડે કે વીજકાપને કારણે ધંધા ઉદ્યોગો ટાઢા પડે તે શું વિકાસનું લક્ષણ છે? કોલસાની તંગી કુદરતી હોય તે સમજી શકાય, પણ આમાં તો રાજરમતની ગંધ આવે છે …

એ ખરું કે ગુજરાતને 500 મેગાવોટની અછત છે ને એણે પણ અઠવાડિયે એક દિવસ ઉદ્યોગો બંધ રાખવાનું સૂચવ્યું છે, જો કે, સૂચના છતાં, ગુજરાતમાં વીજકાપ નથી ને કમ સે કમ ચૂંટણી પતે ત્યાં સુધી તો આવે એવું લાગતું નથી, છતાં રમત તો ગુજરાતમાં ય થઈ છે. ગયા ફેબ્રુઆરીમાં એવા સમાચાર આવ્યા હતા કે કોલ ઇન્ડિયાથી નીકળેલો કોલસો ગુજરાતનાં ઉદ્યોગો સુધી પહોંચવાને બદલે ગુજરાત સરકારની એજન્સીઓ દ્વારા બારોબાર જ વેચી દેવાયો હતો. આ રીતે 6 હજાર કરોડનું કૌભાંડ આચરાયું હોવાની વાત બહાર આવી હતી. એનું શું થયું તે ખબર નથી.

ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ જેવાં રાજ્યોમાં વીજ તંગી વધુ છે. ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો ત્યાં ત્રણ હજાર મેગાવોટની અછત છે. પંજાબમાં 46 ડિગ્રી તાપમાન છે ને વીજકાપ શહેરોમાં 4થી 5 કલાક અને ગામડાઓમાં 10 થી 12 કલાક ચાલે છે. છેલ્લાં વર્ષમાં વીજળીની માંગ 40 ટકા વધી છે. હકીકત એ છે કે કોલસાની માંગ વધી છે ને સપ્લાયમાં ઘટાડો થયો છે. કોલ ઈન્ડિયાએ પણ એ સ્વીકાર્યું છે કે કોલસાની સપ્લાય 16.4 લાખ ટન છે ને માંગ 22 લાખ ટન સુધી પહોંચી છે. કોલસો નથી ને વિદેશી કોલસો મોંઘો પડવાથી કોલસાની આયાત બંધ થઈ છે. આ સ્થિતિમાં વીજ ઉત્પાદન ઘટે જ ! હજી મેની ગરમીનો સામનો તો બાકી જ છે. જો કેન્દ્ર સરકાર ધ્યાન નહીં આપે તો મુશ્કેલી વધશે એ નિર્વિવાદ છે.

સામાન્ય રીતે કૉલસામાં હાથ કાળા કરવા કોઈ તૈયાર થતું નથી, પણ જો હાથ રાજકારણીઓના હોય તો મોઢું કાળું કરવાનું ય પરવડે એમ બને –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 મે 2022

Loading

ગુજરાતી પત્રકારત્વની ગઈકાલ, આજ અને આવતીકાલ : રાજ ગોસ્વામીની મુલાકાત

આરાધના ભટ્ટ|Opinion - Interview|2 May 2022

[સિડનીમાં આરાધના ભટ્ટે ‘સૂર સંવાદ’ માટે લીધેલો મારો રેડિયો ઇન્ટરવ્યૂ, ‘નવનીત સમપર્ણ’ના સંપાદક દીપક દોશીએ મે મહિનાના અંકમાં પ્રકાશિત કર્યો છે.]

મારું નામ રાજેન્દ્ર જશવંતભાઈ ગોસ્વામી. ઉમાશંકર જોશી ‘ઉ.જો.’ લખે, લાભશંકર ઠાકર ‘લા.ઠા’ લખે, સુરેશ જોશી ‘સુ.જો.’ લખે. એના ચાળે ચઢીને રાજેન્દ્રમાંથી ‘રા’ અને જશવંતમાંથી ‘જ’ને જોડીને ‘રાજ’ બનાવેલું. ઉપરાંત, રાજ કપૂર, રાજ કુમાર, રાજ બબ્બરના નામોનો પણ વહેમ. આણંદ નજીક ગોપાલપુરા નામના નાનકડા ગામમાં 25 જૂન ૧૯૬૩ના રોજ જન્મ થયેલો. ફાટેલાં કપડાં અને ચપ્પલ સાંધીને વર્ષ ચલાવવાં પડે તેવી ગરીબી. એ સામાજિક લઘુતાગ્રંથિમાંથી ઊભરવાનો રસ્તો જ્ઞાનમાં દેખાયો હતો. ગામની આખી લાઈબ્રેરી વાંચી નાખી હતી. એ પછી કોલેજની, મ્યુનિસિપાલિટીની અને ગામની એમ ત્રણ લાઈબ્રેરીઓનાં કાર્ડ મારી પાસે હતાં. એક જ સમયે હું ત્યારે ત્રણથી ચાર પુસ્તકો વાંચતો હતો. રદ્દીઓની દુકાનોમાં ફરતો.

છ ધોરણ સુધી ગામમાં, સાતમું, આઠમું, નવમું અને દશમું બાજુમાં વડોદ ગામ છે ત્યાં કર્યું. અગિયારમું અને બારમું આણંદની ડી.એન. હાઈસ્કૂલમાં. ‘આર્ટસમાં તો છોકરીઓ જાય’ એવું સાંભળી સાંભળીને ભૂલમાં આણંદની કોમર્સ કોલજમાં દાખલ થઇ ગયો, પણ ગણિત આવડે નહિ એટલે કવિતાઓ લખતો રહેતો એટલે પહેલાં જ વર્ષે નાપાસ. હિંમત કરીને વલ્લભ વિદ્યાનગરની નલિની એન્ડ અરવિંદ આર્ટસ કોલેજમાં નવેસરથી દાખલ થયો. ત્યાં અંગ્રેજીમાં ગ્રેજ્યુએટ થયો. દિલાવરસિંહ જાડેજા સાહેબ તેના પ્રિન્સીપાલ હતા. ત્યાં લખવા-વાંચવાની ટેવને મોકળું મેદાન મળ્યું. ભણવા કરતાં ઈતર પ્રવૃત્તિઓમાં વધુ રસ હતો. એ પછી શું થયું તેની વિગતો ઇન્ટરવ્યુમાં છે.

એક પુત્ર દેવ ગોસ્વામી છે, જે દિલ્હીમાં ‘ઇન્ડિયા ટુડે’ના ડિજીટલ ન્યૂઝ પોર્ટલમાં સિનિયર આસિસ્ટન્ટ એડિટર છે. પત્નીનું નામ ઉલ્કા ગોસ્વામી છે.

— રાજ ગોસ્વામી

—————————————————

પ્રશ્ન : રાજભાઈ, આપણે ચર્ચાની શરૂઆત પત્રકારત્વની તમારી યાત્રાથી કરીએ. તમારી આ યાત્રાના મુકામ તમારી દૃષ્ટિએ કયા, અને તમારી આ યાત્રા દરમ્યાન તમે અખબારી પત્રકારત્વને કઈ રીત બદલાતું જોયું, એની વાત પણ કરો.

ઉત્તર : જરૂર. તમારો આ પ્રશ્ન બે ભાગમાં છે. પહેલો ભાગ મારી કારકિર્દીને લઈને છે, અને બીજો ભાગ પત્રકારત્વનું જે સ્વરૂપ છે એને લઈને છે. મને લખવા-વાંચવાનો શોખ નાનપણથી જ ખરો. મારી કારકિર્દીની શરૂઆત થઇ હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે. વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીની આર્ટસ કોલેજમાં હું જ્યારે પહેલા વર્ષમાં હતો ત્યારે કોલેજમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતો અને યુનિવર્સિટીનું સામાયિક હતું એમાં અવારનવાર લખવાનું પણ થાય. નાની-મોટી સ્પર્ધાઓમાં ભાગ લઉં એટલે મિત્રોને અને પ્રોફેસરોને એટલી ખબર કે હું લખું છું અને વાંચું પણ છું.

એ દરમ્યાનમાં આણંદમાંથી ‘નયા પડકાર’ નામનું એક દૈનિક શરૂ થયેલું, અત્યારે પણ છે. ચરોતરના સૌથી મોટા સમાજવાદી નેતા ચીમનભાઈ પટેલ, એમણે એ અખબાર શરૂ કર્યું. એમાં એક અનુવાદકની જરૂર હતી, જે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી શકે. ગુજરાતી પત્રકારત્વની એક અગત્યની વાત એ છે અને અંગ્રેજી પત્રકારત્વથી એ જુદું એટલા માટે પડે છે કે આપણે ત્યાં અનુવાદનું મહત્ત્વ ખૂબ છે, કારણ કે દુનિયાની ઘણી બધી માહિતી અંગ્રેજીમાં હોય છે. એટલે ગુજરાતી પત્રકારની જો કોઈ પહેલી લાયકાત હોય તો એ અનુવાદની છે. એટલે મને એક પ્રોફેસરે કહ્યું કે તારી ઈચ્છા હોય તો અનુવાદ કરવા આવ. એ મને ગમતી પ્રવૃત્તિ હતી એટલે બીજા વર્ષમાં હતો ત્યારે હું ‘નયા પડકાર’માં જોડાયેલો.

ત્યાં દિગંતભાઈ ઓઝા મારા પહેલા એડિટર હતા, એમને હું ત્યારથી ઓળખું. દિગંતભાઈએ મને લખતો કર્યો એવું કહી શકાય. પરિવાર સાથે હું ફરવા દિલ્હી ગયો હતો, તો ત્યાં સાંસદ અમિતાભ બચ્ચનને મળવા ગયો, પણ કોઈક મિટિંગના કારણે મળવાનું ન થયું. પાછો આવ્યો ત્યારે દિગંતભાઈએ મારી પાસે એ લખાવ્યું હતું. મારી એક અઠવાડિક કોલમ પણ દિગંતભાઈએ શરૂ કરેલી. એટલે પત્રકારત્વમાં એ મારા પહેલા ગુરુ હતા. અને બીજા ગુરુ વજ્ર માતરી હતા, જે આપણા મોટા ગઝલકાર જલન માતરીના ભાઈ થાય. એ પણ સારા કવિ હતા અને બીજા એડિટર તરીકે આણંદ આવેલા. પછી વજ્રભાઈ ‘નયા પડકાર’ છોડીને મુંબઈમાં ‘ગુજરાત સમાચાર’માં જોડાયા અને ત્યાંથી એમણે મને મુંબઈ બોલાવ્યો. ભારતના કોઈ પણ ગામડાનાં છોકરાને મુંબઈ જવાનો શોખ હોય. મને પણ હતો. એટલે મારી બીજી નોકરી એમણે મને આપી. પૈસા ઓછા હતા, નાની નોકરી હતી, પણ હું ૧૯૮૬માં ત્યાં ગયો.

ત્યાં મારા કામની વિધિવત્‌ શરૂઆત થઇ એમ કહેવાય. અને પછી તો કામ કામને શીખવે એમ ચાલ્યું. અનુવાદનું કામ, બીજાં પણ ઘણાં કામો હતાં. એ બધું હું શીખતો ગયો, મને જેમ હથોટી આવતી ગઈ એમ હું આગળ વધતો ગયો અને છેક ૨૦૦૩ સુધી હું ત્યાં ‘ગુજરાત સમાચાર’માં હતો. હું ‘ગુજરાત સમાચાર’ મુંબઈમાં એડિટર પણ બન્યો. એ વચ્ચે બે-ત્રણ વર્ષનો મારો કાર્યકાળ વડોદરામાં ‘ગુજરાત સમાચાર’માં પણ ખરો. ૨૦૦૩માં અમદાવાદમાં ‘દિવ્ય ભાસ્કર’ શરૂ થયું અને એમણે મને આમંત્રણ આપ્યું, એટલે હું ત્યાં જોડાયો. પછી વડોદરામાં ‘દિવ્ય ભાસ્કર’ના એડિટર તરીકે હું આવ્યો અને પછી પાછો અમદાવાદમાં ‘સંદેશ’ના આમંત્રણથી હું ત્યાં એડિટર તરીકે ગયો. એમ કરતાં કરતાં ત્રીસેક વર્ષનો ગાળો થયો. મારે ક્રિયેટિવ લખવું હતું એટલે મેં સક્રિય પત્રકારત્વમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને સંપૂર્ણપણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે હવે હું ઘરે બેસીને લખું છું અને વિવિધ અખબારોમાં મારી કોલમો ચાલે છે. અનુવાદ મારો પહેલો પ્રેમ અને હવે ફરી હું એ જ કરી રહ્યો છું અને બીજાં પણ મૌલિક પુસ્તકો પર કામ ચાલે છે.

પ્રશ્ન : હવે મારા પ્રશ્નના બીજા ભાગ પર આવીએ – જે ત્રીસ વર્ષના ગાળાની વાત તમે કરી એ દરમ્યાન તમે પત્રકારત્વમાં પરિવર્તનો જોયાં. પત્રકારત્વ કઈ રીતે બદલાયું?

ઉત્તર : ભારતના બીજા પ્રદેશોનું અથવા તો જે અંગ્રેજી પત્રકારત્વથી આપણે પરિચિત છીએ, એ બૌદ્ધિક અને લોકશાહીના કેટલાક સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. એમાં ખાસ્સું એવું વૈચારિક અને સૈદ્ધાંતિક તત્ત્વ હોય છે. એની સરખામણીમાં, સ્વતંત્રતાનો જે ગાળો હતો એ દરમ્યાન ગુજરાતી પત્રકારત્વ પાસે એક મિશન હતું, એક સામાજિક નિસ્બત હતી. એટલે ગુજરાતમાં ‘ફૂલછાબ’, સુરતમાં ‘ગુજરાતમિત્ર', મુંબઈમાં ‘મુંબઈ સમાચાર’ કે ‘જન્મભૂમિ-પ્રવાસી’, કચ્છમાં ‘કચ્છમિત્ર’, અમદાવાદમાં ‘જનસત્તા', જેવાં અખબારો અલગ અલગ શહેરોમાં હતાં, એમની ભૂમિકા એવી હતી કે સ્વતંત્રતા ચળવળમાં એમણે રાષ્ટ્ર ઘડતરમાં અથવા સમાજ ઘડતરમાં યોગદાન આપવાનું છે એટલે એમની પાસે એક ચોક્કસ પ્રકારનો હેતુ હતો, એક દિશા હતી. ગુજરાતી પત્રકારત્વને સમજવા માટે તમારે ગુજરાતના સમાજને પણ સમજવો પડે. કારણ કે એ બે અલગ નથી.

આપણે નકારાત્મક રીતે એવું કહીએ છીએ કે ગુજરાતી લોકો પૈસાને બહુ માને. ગુજરાતી પરિવારોમાં પૈસાનું મહત્ત્વ ખૂબ છે, આપણી ઓળખ મની-માઈન્ડેડ લોકો તરીકેની છે. હું આને નકારાત્મક મુદ્દો નથી ગણતો, પણ એ આપણી સંસ્કૃતિમાં છે. એટલે એ સાહસવૃત્તિ ગુજરાતમાં છે. એટલે એ બાબત પત્રકારત્વમાં પણ આવી. એને લીધે શું થયું કે સ્વતંત્રતાના સમય પછી તો આપણું પત્રકારત્વ મોટે ભાગે આર્થિક પરિબળો દ્વારા સંચાલિત થયું, એમાં આર્થિક લાભાલાભથી ચાલતું પત્રકારત્વ છે. હું આને નકારાત્મક કે હકારાત્મકની દૃષ્ટિએ નથી મૂલવતો, પણ આ હકીકત છે. એટલે એમાં વ્યવસાયિક હિતો ખૂબ આવ્યાં. એટલે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ જેવાં મોટાં મોટાં અખબારોએ આર્થિક રીતે દૃઢ થવા માટે અમુક પ્રકારના પત્રકારત્વનો અમલ કર્યો. જેમાં લોકોને મજા પડે, લોકોને મનોરંજન મળે, લોકોનો સમય પસાર થાય.

આપણે જ્યારે પત્રકારત્વનો વિચાર કરીએ, ત્યારે આપણા મનમાં એવો વિચાર હોય કે આ એક બહુ ઉમદા વ્યવસાય છે, એમાં ખૂબ આદર્શો હોય છે, ખૂબ સામાજિક નિસ્બત હોય છે, સમાજને બહેતર બનાવવા માટે પત્રકારત્વ કામ કરે છે. આ બધું ઘણે અંશે સાચું છે, પણ આપણા કિસ્સામાં – ગુજરાતમાં પત્રકારત્વ થોડું વ્યવસાયિક થયું, એટલે હું ગમે તેટલું સારું લખું પરંતુ લોકો જો એ ન વાંચવાના હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે સમાચારથી લઈને કોલમ લેખન સુધી લોકભોગ્ય લખાવું જોઈએ, લોકોને જે ગમે છે, એમને જે જોઈએ છે એ આપો. એ એક મોટું પરિબળ કામ કરતું હતું, કામ કરે છે અને મારા સમયમાં તો એ વધારે ને વધારે બળવત્તર થતું ગયું. એટલા માટે જ, બીજાં અખબારો જે ન કરી શક્યાં તે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશે’ કર્યું; ગુજરાતનાં પ્રમુખ શહેરોમાં સ્વતંત્ર આવૃત્તિઓ શરી કરી અને જિલ્લા પ્રમાણે પૂલ-આઉટ શરૂ કર્યાં. હિન્દીમાંથી આવેલા ‘દિવ્ય ભાસ્કર’ને પણ એ જ મોડેલ અનુસરવાની ફરજ પડી.

આજે તમે જુઓ તો ગુજરાતનાં જે મોટાં અખબારો છે એ આર્થિક રીતે ખૂબ સધ્ધર છે. ભારતમાં કોઈ પણ પ્રદેશમાં જોઈએ તો મોટે ભાગે બે અખબારો હોય, એ બે વચ્ચે સ્પર્ધા હોય. કોઈ પણ બજારનો સહજ સ્વભાવ એવો છે કે એમાં બે વચ્ચે જ સ્પર્ધા હોય. પણ ગુજરાતમાં ત્રણ-ત્રણ ચાર-ચાર મોટાં અખબારો ચાલે છે કારણ કે આપણે ત્યાં ખૂબ પૈસા છે.

એવું કહેવાય છે કે બજારમાં કોઈ પણ નવી બ્રાંડ આવે તો એમના પ્લાનિંગમાં સૌથી મોટું પ્લાનિંગ ગુજરાતનું હોય છે કારણ કે સૌથી વધુ પૈસા અહીંથી આવે છે. એટલે હું કહેવા એમ માગું છું કે આપણું પત્રકારત્વ હંમેશાં માર્કેટ દ્વારા સંચાલિત અથવા વાચકો માટેનું રહ્યું છે. એટલે વાચકોને ગમે એવું આપીએ તો વધુ ને વધુ વાચકો આપણી પાસે આવે. દાખલા તરીકે તમે ગુજરાતનાં ત્રણ કે ચાર અખબારોની પૂર્તિ ઉપાડી લો અને તમે જો અખબારોનું નામ કાઢી નાંખો તો તમને ખબર ન પડે કે આ કયું અખબાર છે. કારણ કે એના લેખો સરખા છે, એનાં લખાણો પણ સરખાં છે, એના વિષય પણ સરખા છે, એનો દેખાવ પણ સરખો છે. એટલે મેં એ આખો ગાળો જોયો કે જેમજેમ હું આમાં આગળ વધ્યો એમ એમ અખબારને આર્થિક રીતે સફળ બનાવવાનાં પરિબળો મજબૂત થતાં ગયાં. ગુજરાત કદાચ વધુ સુખી પ્રદેશ છે અને સુખી લોકોમાં જરા મનોરંજન વધારે હોય એવું હોઈ શકે એમ મને લાગે છે.

પ્રશ્ન : તમે તમારી પોતાની વાત કરી એમાં તમે કહ્યું કે તમે હવે સક્રિય પત્રકારત્વમાંથી નિવૃત્તિ લઈને હવે લેખન તરફ વળ્યા છો, એનાથી મને ખુશવંત સિંઘનું એક વાક્ય યાદ આવ્યું. એમણે ‘ખુશવંત નામા’ પુસ્તકમાં પત્રકારત્વ ઉપરના પ્રકરણમાં કહ્યું છે કે ‘જર્નાલિઝમ ઇઝ લિટરેચર ઇન અ હરી’ – પત્રકારત્વ એ ઉતાવળિયું સાહિત્ય છે. આપણા ગુજરાતમાં એવું વારંવાર જોવા મળે છે કે આપણે પત્રકારોને સાહિત્યકારોની પંગતે બેસાડી દેતા હોઈએ છીએ. આ સંબંધે તમારા વિચાર જાણવા છે.

ઉત્તર : ખુશવંત સિંઘે જે વાત કરી હતી એ એક જુદી ભૂમિકા પરથી કરી હતી. તેઓ પોતે અંગ્રેજી પત્રકારત્વના એડિટર રહ્યા હતા, એમની પાસે પ્રાદેશિક ભાષાઓના પત્રકારત્વનો અનુભવ નહોતો. અંગ્રેજી પત્રકારત્વનું પોત જુદા પ્રકારનું છે. ઘણાં બધાં આદર્શો, મૂલ્યો, ઘણી બધી સૈદ્ધાંતિક વિચારધારા, પશ્ચિમના દેશોમાંથી આવેલી ઘણી બધી મુકત વિચારધારાની પરંપરાના એ ભાગ હતા. એટલે એમણે કહેલું કે અંગ્રેજી પત્રકારત્વ એ ઉતાવળે લખાયેલું સાહિત્ય છે તે એ અર્થમાં કે અંગ્રેજી પત્રકારત્વના સ્વરૂપમાં ભાષાનું, વાક્યરચનાનું, શબ્દનું, શૈલીનું, વિષયનું મહત્ત્વ, એમાં જેને લિટરરી ફ્લેર કહેવાય એનું મહત્ત્વ છે.

અખબાર સાત-આઠ કલાકમાં તૈયાર થતું હોય અને દરેક વસ્તુ ડેડલાઇન પ્રમાણે ચાલતી હોય, એટલે એ અર્થમાં એ ઉતાવળમાં લખાયેલું સાહિત્ય છે. ઘણા અંગ્રેજી પત્રકારો સારા સાહિત્યકારો રહ્યા છે, ખુશવંત સિંઘ પોતે સારા સાહિત્યકાર છે. ખુશવંત સિંઘમાં તમે સાહિત્યકાર અને પત્રકારને છૂટા પાડવા જાવ તો તમને ખબર ન પડે કે ક્યાં પત્રકાર પૂરો થાય છે અને ક્યાંથી સાહિત્યકાર શરૂ થાય છે. એટલે ઘણા અંગ્રેજી ભાષાના પત્રકારો સારા લેખકો રહ્યા છે અને એક સારો તંત્રી હંમેશાં એક સારો વાચક હોય છે. એની અસર એના કામ પર પડે, એટલે એના અખબારના લેખનનું સાહિત્યિક મૂલ્ય પણ હોય.

હવે આને જો આપણે ગુજરાતી અખબારો સાથે જોડવા જઈએ તો થોડુંક નિરાશાજનક એટલા માટે છે કે મેં અગાઉ જે જમાનાની વાત કરી એ સમયના પત્રકારો અને તંત્રીઓ સારા સાહિત્યકારો હતા. એટલે એ સમયના પત્રકારત્વ વિષે તમે એવું કહી શકો કે એ ઉતાવળે લખાયેલું સાહિત્ય, પણ પછી જે રીતે વ્યાવસાયિક હિતો વધવા લાગ્યાં એટલે ગુજરાતમાં એવું થયું કે એ પ્રકારના પત્રકારો અને તંત્રીઓ જેમની પાસે ભાષા હોય, જેમની પાસે વિચાર હોય, એમનું મહત્ત્વ થોડું ઘટતું ગયું. અને એવો સમય આવ્યો કે અમારે તો પેપર ચલાવે એવા લોકો જોઈએ. એમાં તમારી ભાષા ખરાબ હોય તો પણ ચાલી જાય. આજે તમે જુઓ લગભગ તમામ છાપાંઓની ભાષામાં તમને એટલી બધી નિરાશા થશે કે આને તો ઉતાવળે લખાયેલું સાહિત્ય પણ ન કહેવાય. આમાં તો ક્રિમિનલ નેગ્લિજન્સ – ગુનાહિત બેદરકારી છે.

મને એક અખબારમાં એવું કહેવામાં આવેલું કે આપણે એક અખબારમાં પાંચ-પાંચ પ્રૂફરીડરોની જરૂર શા માટે છે? હૃસ્વ ‘ઇ’ છે કે દીર્ઘ ‘ઈ’ છે એનાથી શું ફરક પડે છે? જો વાચકને વાત સમજાઈ જતી હોય તો શબ્દની જોડણી અથવા વાક્યરચનામાં ભૂલ હોય તો ચાલશે એવું મને કેહવામાં આવેલું. એટલે ઉતાવળે લખાયેલું સાહિત્ય તો આવું ન હોય કે જ્યાં તમે ભાષાની દરકાર પણ ન કરો અને કહો કે ભાષા ખોટી હોય તો પણ ચાલે. જ્યારે ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદમાં શરૂ થયું ત્યારે એના માલિકો બિન-ગુજરાતી હોવાથી એમને ભાષાશુદ્ધિની ચિંતા હતી અને એમને પ્રૂફરીડર જોઈતો હતો. એટલે જ્યારે બીજાં ગુજરાતી અખબારોમાં પ્રૂફરીડિંગ ડીપાર્ટમેન્ટ બંધ થઇ રહ્યા હતા ત્યારે ‘દિવ્ય ભાસ્કરે’ પ્રૂફરીડિંગનો ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો. એ એમની જરૂરિયાત હતી. પણ ટ્રેજેડી એ થઇ કે એમને પ્રૂફરીડર મળતા નહોતા. ગુજરાતમાં પ્રૂફરીડર મળતા બંધ થઇ ગયા છે.

ગુજરાતમાં પ્રૂફરીડર નામની જે પ્રજાતિ હતી તે આખી ખતમ થઇ ગઈ છે. આજે પણ ગુજરાતી અખબારોમાં પ્રૂફરીડર નથી. તો મારો મુદ્દો એ છે કે ખુશવંત સિંઘે જે વાત કરી હતી તે અંગ્રેજી ભાષા માટે સાચી અને સારી હતી, પણ આજે આપણે ત્યાં જે છે એ તો ઉતાવળે લખાયેલું સાહિત્ય પણ ન કહેવાય.

પ્રશ્ન : તમે ગાંધીયુગના પત્રકારત્વમાં સામાજિક નિસ્બતની વાત કરી. એના પરથી પ્રશ્ન થાય છે કે ૧૯૬૦ના દાયકામાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી દિલીપ પડગાંવકર હતા. અને એ વખતે એમણે કહેલું કે ‘નેક્સ્ટ ટુ ધ પ્રાઈમ મિનિસ્ટર, આઈ હેવ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ જોબ ઇન ધ કન્ટ્રી’ – વડા પ્રધાન પછી મારું કામ દેશમાં સૌથી મહત્ત્વનું છે. આજના પત્રકારો અને તંત્રીઓ એમની જવાબદારી નથી સમજતા એવું એમનું લખાણ વાંચીને લાગે ખરું? આજે આપણી પાસે ફ્રેંક મોરાઈસ કે વર્ગિસ કે કસ્તૂરી રંગા આયંગર જેવા તંત્રીઓ અને પત્રકારો નથી એનું કારણ તમને શું લાગે છે?

ઉત્તર : તમને આમાં થોડી ટીકા જેવું લાગશે. પણ આપણું ભારતનું જે પત્રકારત્વ છે એ આપણે લઇ આવ્યા બહારથી. તમે જે નામો આપ્યાં – ફ્રેંક મોરાઈસ, દિલીપ પડગાંવકર, કલકત્તામાં સી. આર. ઈરાની, ગિરિલાલ જૈન, એમનું પત્રકારત્વ યુરોપિયન દેશોમાંથી અથવા ઇંગ્લેન્ડમાંથી આયાત કરેલું હતું. એક સમયે આપણા મોટા ભાગના અખબારોમાં અંગ્રેજ એડિટર હતા, જેમ કે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ વર્ષો સુધી બ્રિટિશ એડિટરોના હાથમાં હતું. કલકત્તાના ‘સ્ટેટ્સમૅન’માં અત્યાર સુધી અંગ્રેજી એડિટરો હતા.

એટલે કે પત્રકારત્વનું આપણું જે મોડેલ છે એ પાશ્ચાત્ય મોડેલ છે. એને કારણે એવું થયું કે પત્રકારત્વ અને ભારતની જે વાસ્તવિકતા છે, જે સામાન્ય જનજીવન છે એની વચ્ચે એક અંતર રહી ગયું. એવું જ રાજકારણમાં થયું. એક સમયે રાજકારણીઓ લોકોની વચ્ચેથી આવતા હતા, ગામડાંમાંથી આવતા હતા, ખેતરોમાંથી આવતા હતા એટલે કે પહેલાં નેતાઓ નીચેથી ઉપર જતા હતા. હવે નેતાઓ ઉપરથી નીચે આવે છે. એટલે પત્રકારત્વ જ્યારે બ્રિટિશરોનાં હાથમાં હતું ત્યારે નીચેનો, જે બહુ મોટો વર્ગ છે, એની સાથે એ જોડાઈ ન શક્યા. યુરોપના લોકો આપણા કરતાં શિક્ષિત લોકો છે.

પત્રકારત્વનો વ્યવસાય બ્રિટનમાં એટલે વિકસ્યો કારણ કે ત્યાં લોકો શિક્ષિત હતા, લોકો જાગ્રત હતા અને લોકો વાંચતા પણ હતા. એટલે ત્યાંના પત્રકારત્વ અને ત્યાંના સમાજ વચ્ચે એટલું મોટું અંતર નહોતું. આપણે ત્યાં અક્ષરજ્ઞાન ખૂબ ઓછું, ગરીબી વધારે, અને આપણા પ્રશ્નો પણ ખૂબ જુદા પ્રકારના. એટલે હું જો ગામડામાં રહેતો હોઉં અને મુંબઈમાં બેસીને દિલીપ પડગાંવકરની વાત વાંચું, તો એવું લાગે કે મારી વાસ્તિવકતા, મારી આસપાસના જીવન સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે દિલીપ પડગાંવકરે કહ્યું કે એમની જોબ દેશમાં બીજી સૌથી મહત્ત્વની છે, તે સમાજના ઉપલા વર્ગના અથવા સત્તાવાળા વર્ગના સંદર્ભમાં હતી. પણ આજે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની એવી કોઈ ગણતરી નથી. એ એડિટરો પણ રહ્યા નથી, એ પરંપરા પણ રહી નથી, એ અખબારોનો જે પાવર હતો, અથવા ખુશવંત સિંહ જેની વાત કરે છે તે અખબારોનું સાહિત્યિક સ્વરૂપ હતું એ નથી રહ્યું. તમે બીજાં પણ અનેક અંગ્રેજી અખબારો જુઓ તો એ પણ હવે એક વ્યવસાય જ બની ગયો છે, એ બધાં માત્ર પૈસા જ બનાવે છે.

દિલીપ પડગાંવકર એ ‘ટાઈમ્સ’ ના છેલ્લા મોટા ગજાના એડિટર હતા. આજે તમે કોઈને પણ પૂછો કે ‘ટાઈમ્સ’ના એડિટર કોણ છે તો તમને નામ નહીં મળે, મને પોતાને પણ ખબર નથી. કારણ કે એડિટરનો જે હોદ્દો હતો, એની જે સત્તાઓ હતી, એ હવે રહ્યાં નથી. હવે છાપાંના માલિકો એવું કહે છે કે અમે તો એક પ્રોડક્ટ બનાવીએ છીએ. ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના માલિકે એક ઈન્ટરવ્યુમાં કહેલું છે કે “અમે સમાચારના વ્યવસાયમાં છીએ, જેમ તમે સાબુ બનાવો છો કે ટી.વી. બનાવો છો એમ અમારે તો છાપું બનાવવાનું છે.” આ એમનો અત્યારનો અભિગમ છે, એટલે એમને કોઈ એડિટરની જરૂરત નથી, એમને મેનેજર જોઈએ છે. એમને એવા કોઈની જરૂર નથી જેનામાં બહુ જ્ઞાન છે, જેને લખતાં બહુ સરસ આવડે છે, જેને સાહિત્યની સમજણ છે કે જેના વિચારો ખૂબ સરસ છે. પચીસ વર્ષ પહેલાં જે પત્રકારત્વ હતું અને આજે જે છે એમાં ફરક પડી ગયો છે, આજે બધી જગ્યાએ મેનેજરો છે, એડિટરો નથી. આજે એડિટરની ભૂમિકા એવી છે કે વડા પ્રધાનને એડિટર કોણ છે એ જાણવાની જરૂર નથી, વડા પ્રધાન છાપાંના માલિકોને ઓળખે છે. પચીસ વર્ષ પહેલાં ઊંધું હતું. તે વખતે વડા પ્રધાન એડિટરને જ ઓળખતા, માલિકોને નહીં.

પ્રશ્ન : ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશે થોડા સમય પહેલાં એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે ભારતીય પત્રકારત્વમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ હવે રહ્યું નથી. આ વિષે મારે તમારા વિચારો જાણવા છે.

ઉત્તર : હા, સાહેબે કહ્યું, મને ખબર છે એ બોલ્યા છે. પણ એમાં એમનો પણ દોષ છે ને! આજે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરનાર માણસને જ્યારે જેલમાં પૂરી દેવામાં આવે ત્યારે એને બચાવવાનું કામ તો એમનું છે. જો સાહેબ નહીં બચાવે તો કયો પત્રકાર એ જોખમ ઉઠાવશે? એમની વાત સાથે હું સહમત છું. પત્રકારત્વનું કામ એ છે કે સમાજમાં, રાજકારણમાં જે ખોટું થતું હોય એને ખુલ્લું પાડવું જોઈએ કારણ કે એ લોકહિતમાં છે. પણ આજે આ કામ કોઈ કરતું નથી, અખબારોના વ્યવસાયિક હિત એમાં કામ કરે છે. એક જમાનામાં અખબારનું મેનેજમેન્ટ એ અખબાર માટે હતું, એટલે એમનો એક માત્ર ઉદ્દેશ એ હતો કે એમણે સારું અખબાર બહાર પાડવું છે. હવે વ્યવસાયિક હિતો વધ્યાં છે તો જેટલાં પણ માધ્યમો છે એના માલિકોના બીજાં પણ હિતો છે. એ લોકો જે તે શહેરમાં પ્રોપર્ટીમાં પૈસા રોકે છે અથવા તો એમની ફેકટરીઓ છે, એ લોકોની હોટેલની માલિકી છે. એટલે જ્યારે તમારા બીજાં હિતો પણ કામ કરતાં હોય ત્યારે સ્વાભાવિક છે તમારા હિતો ટકરાય અને એટલે ઈન્વેસ્ટિગેશન ન થાય.

આજથી પચીસ-ત્રીસ વર્ષ પહેલાં ‘ઇન્ડિયન એકસપ્રેસ’ દિલ્હીમાં અરુણ શૌરિ એડિટર હતા. એમને ખબર પડી કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર સ્ત્રીઓને વેચવામાં આવે છે ત્યારે અરુણ શૌરિ એમના પત્રકાર રિતુ સરીનને કહે કે તમે ત્યાં જાવ અને ઈન્વેસ્ટિગેશન કરો. રિતુ સરીન ત્યાં જાય, દસ દિવસ રહે અને જુએ કે અહીં તો સ્ત્રીઓનો કારોબાર ચાલે છે. એટલે રિતુ સરીન પોતે ગ્રાહક બનીને જાય, પોતે પૈસા આપીને સ્ત્રીને ખરીદે. ખરીદીને એ દિલ્હીમાં લઇ આવે, પત્રકાર પરિષદ બોલાવે અને પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના પહેલા પાના ઉપર એ સમાચાર છપાય અને આખા ભારતમાં હોહા થઇ જાય. આ કરતાં પહેલાં અરુણ શૌરિએ દિલ્હીના મુખ્ય ન્યાયાધીશને જાણ કરી હતી કે અમે આવું કરવા જઈ રહ્યાં છીએ, અમે ગુનો કરીશું અને અમારી ધરપકડ થશે. આવો એમણે પત્ર લખ્યો હતો. આખરે થયું પણ એવું કે મધ્ય પ્રદેશ પોલિસે સરીન સામે કેસ દાખલ કર્યો અને એની સામે ‘એક્સપ્રેસ’ સુપ્રિમ કોર્ટમાં ગયું અને સુપ્રિમ કોર્ટના જસ્ટિસ પાસે પહેલેથી માહિતી હતી જ એટલે એ કેસ આખો ડિસમીસ થઇ ગયો. એટલે આખી વાત એ છે કે ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે ન્યાયતંત્રના સપોર્ટની પણ જરૂર પડે.

પ્રશ્ન : પત્રકારત્વની તમારી કારકિર્દી દરમ્યાન તમે અનેક યુવા પત્રકારોને માર્ગદર્શન આપતા રહ્યા છો. તાલિમબદ્ધ એટલે કે માન્ય ડિગ્રીવાળા પત્રકાર અને ડિગ્રી વિનાના પત્રકાર વચ્ચે તમે કોઈ ફરક જોયો? શું પત્રકારત્વની કળા અથવા હુન્નર ડિગ્રી લેવાથી આવડી જાય?

ઉત્તર : પત્રકારત્વ તમે જેમજેમ કરો એમ જ તમને શીખવા મળે, પત્રકારત્વ તમને ક્લાસરૂમમાં શીખવા ન મળે. તમને માત્ર જે પાયાનું જ્ઞાન છે, એનું સૈદ્ધાન્તિક પાસું તમને કલાસરૂમમાં જાણવા મળે પરંતુ પત્રકારત્વ એક માત્ર કામ એવું છે જે તમે કરવા જાવ ત્યારે જ તમને આવડે. કારણ કે એમાં અલગ અલગ પ્રકારના પડકારો આવતા હોય છે. મેં તમને વાત કરી એ પ્રમાણે તમારે મધ્ય પ્રદેશની સરહદ પર જઈને તમારે એક સ્ટોરી કરવાની હોય તો એ કરતી વખતે કયા કયા પ્રકારના પડકારો આવશે એ તમને અગાઉથી ખબર ન હોય, એટલે જેમ જેમ તમને એનો અનુભવ થતો જાય એમ એમ તમને એ આવડે. ગુજરાતમાં તમે અત્યારના અને જૂના પત્રકારોની તમે જો વાત કરો તો તમને ખબર પડશે કે દરેકની પાસે માત્ર અનુભવ જ છે, ડિગ્રી નથી. હું પોતે પણ એમાંનો એક છું, મારી પાસે પત્રકારત્વની ડિગ્રી નથી.

આ સ્વિમિંગ જેવું છે. જ્યાં સુધી તમે પાણીમાં પાડો નહીં ત્યાં સુધી તમને એ ન આવડે. પુસ્તકોમાંથી તમને સ્વિમિંગની માહિતી મળે પણ તરવા માટે તમારે પાણીમાં પડવું જ પડે. તમે પત્રકારત્વ ભણો, એના વિષે તમને માહિતી હોય એ બરાબર છે અને હવે તો એ જરૂરી પણ છે. પહેલાં તો જેને લખતાં આવડતું હોય એ પત્રકાર બની જાય, હવે તો ડિગ્રી માંગે છે. મારી કારકિર્દીમાં મેં જેટલા લોકોને નોકરીમાં રાખ્યા હશે તો એમાં પહેલી શરત મારી એ હોય કે સ્નાતક છો કે નહીં, સ્નાતક ન હોય એને નોકરીમાં રાખતા નથી. પણ એ ઉપરાંત પત્રકાર તરીકે તમારે ફિલ્ડ પર જવું પડે, તમારે બહાર નીકળવું પડે, તમારે ડેસ્ક ઉપર બેસીને સાત-આઠ કલાક કામ કરવું પડે, તમારી ભૂલો થાય અને એમ તમે શીખતા જાવ. તો મને લાગે છે કે તમને જ્ઞાન મદદ કરે પણ અનુભવ વધારે મદદ કરે.

પ્રશ્ન : આજના યુવા પત્રકારો માટે સૌથી મોટો પડકાર શું છે, તમારી દૃષ્ટિએ?

ઉત્તર : વાંચનનો મોટો પડકાર છે. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં વાંચન મોટે ભાગે ઓનલાઈન થઇ ગયું છે. એટલે એની પાસે પુસ્તકોનું વાંચન નથી. પત્રકાર થવા માટે તમારી પાસે પુસ્તકોનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. અને પુસ્તકોનું જ્ઞાન નથી, પુસ્તકોનું વાંચન નથી એટલે એમની પાસે ભાષા પણ નથી. આજે જો સૌથી ખરાબ સ્થિતિ હોય તો એ ભાષાની છે. તમારી પાસે એટલું બધું શબ્દભંડોળ હોવું જોઈએ કે તમારે એક લેખ લખવાનો હોય કે એક સમાચાર લખવાના હોય તો દરેક પ્રકારના લેખનમાં તમારે કેવી રીતે ભાષા વાપરવાની છે એ તમને ખબર પડે. સમાચારની ભાષા અલગ હોય છે, લેખની ભાષા અલગ છે, લેખમાં પણ વિષય કયો છે એ પ્રમાણે ભાષા બદલાય છે. તો વિષયને ન્યાય આપવા માટે તમારી પાસે ભાષાનો વૈભવ જોઈએ, તમારી પાસે શબ્દોનું ભંડોળ જોઈએ, તમારી પાસે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ. તમને એની ખબર પડવી જોઈએ કે દુનિયામાં શું થઇ રહ્યું છે. એટલે મારી દૃષ્ટિએ જે ત્રણ મોટા પડકારો આજના પત્રકાર સામે છે એ વાંચનના, જ્ઞાનના અને ભાષાના છે.

પ્રશ્ન : ડિજીટલ મીડિયાએ પરંપરાગત પત્રકારત્વનું રૂખ કઈ રીતે બદલ્યું છે? માહિતીનો અતિરેક પત્રકારત્વને કઈ રીતે અસર કરે છે?

ઉત્તર : એમાં એવું છે કે દર પેઢીએ માધ્યમો બદલતાં રહ્યાં છે. માણસ બદલાય છે, મૂલ્યો બદલાય છે. સમાજ બદલાય છે, તેમ તેનાં માધ્યમો બદલાય છે. યાદ રાખવા જેવું એ છે કે માધ્યમો ટેકનોલોજીનાં મહોતાજ છે. આપણે કાગળ-પેનથી લખતા હતા, પછી ટાઇપ રાઈટર આવ્યું, હવે કૉમ્પ્યૂટર આવ્યું, પછી વોઈસ ટાઈપિંગ આવશે, ટપાલ હતી, રેડિયો આવ્યો, ટેલિવિઝન આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, તો પત્રકારત્વ પણ બદલાયું. તેનાથી પ્રિન્ટ પત્રકારત્વનો વિકાસ અટકી ગયો છે. પ્રિન્ટ રહેશે, પણ ફેલાવો અટકી ગયો છે. જાહેરખબરો સ્થિર છે. સામયિકો તો સાવ જ બંધ થઈ ગયાં છે. ભવિષ્ય ડિજીટલમાં છે. દરેક પ્રિન્ટ ઓર્ગેનાઇઝેશન્સ ડિજીટલમાં જઈ રહ્યાં છે. આંગળીના ટેરવે દુનિયા હોય, તો માહિતી પણ એ પ્રકારે જ હોય ને.

ડિજીટલમાં પણ પડકારો છે. હવે ખાલી માહિતી કે સમાચારથી કામ નથી ચાલતું. તમારે એ માહિતી શા માટે કામની છે તે પણ વિચારવું પડે અને એ રીતે તેને રજૂ કરવી પડે. માહિતીનો અતિરેક અવરોધ નથી, અવસર છે. હવે લોકો પાસે માહિતીઓનો વિકલ્પ છે. તમને જો અખબાર વાંચવાનો અનુભવ યાદ હોય તો ખબર હશે કે તમારે એ જ વાંચવું પડતું હતું જે જ્ઞાની એડિટરો નક્કી કરતા હતા કે તમારા કામનું શું છે. આજે મને પોતાને પણ એમ લાગે છે અખબારોમાં આવું ઘણું આવતું હતું જે મારા માથા પર મારવામાં આવતું હતું.

ડિજીટલમાં માહિતીનું લોકતાંત્રિકરણ થયું છે. એટલી બધી માહિતી છે કે ‘મારા કામનું નથી’ એ ફરિયાદ તો દૂર થઇ ગઈ છે, એક વાચક તરીકે મારે વધુ સજ્જ થવાની ફરજ પડી છે જેથી હું મારા કામની માહિતી તારવી શકું. એના પરિણામે પરંપરાગત પત્રકારત્વએ પણ કસ્ટમાઇઝ્ડ માહિતીઓ આપવાની ફરજ પડી છે.

પ્રશ્ન : તમે ઘણાખરા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છો. સોશિયલ મીડિયાના ગુજરાતી ઉપભોક્તાઓ સાથેના તમારા અનુભવો કેવા છે? સોશિયલ મીડિયા કેટલી આવશ્યકતા જણાય છે અને કેટલી અસારતા?

ઉત્તર : સાચું કહું તો, હું જ્યારે અખબારોમાં હતો ત્યારે એક ભ્રમ કેળવાયો હતો કે ‘આપણને જ બધી ખબર છે’ અથવા ‘આપણને જ બધું આવડે છે.’ ઘણા પત્રકારો એવી ગુરુતાગ્રંથિમાં જીવતા હોય છે. પત્રકારત્વનો એ પાવર છે, જે તમને આ રીતે પણ કરપ્ટ કરી નાખે છે. સોશિયલ મીડિયાએ એ ભ્રમ તોડી નાખ્યો. ઉપર કહ્યું તેમ, ઇન્ટરનેટ અને માહિતીઓના અતિરેકના કારણે લોકો બહુ જાણકાર થઇ ગયા છે. એટલે, સોશિયલ મીડિયા પર સક્રિય ગુજરાતી લોકોને જોઈને મને તો આશ્ચર્ય થયું હતું. મારા જેવા પરંપરાગત પત્રકાર, જેણે ત્રણ દાયકા પ્રિન્ટ મીડિયામાં પસાર કર્યા હોય, તેના માટે એ એક સુખદ આંચકો હતો કે પરંપરાગત માધ્યમોની બહાર પણ આટલી જીવંત દુનિયા છે. ગુજરાતી સોશિયલ મીડિયા ઘણુ વાઇબ્રન્ટ અને ક્રિયેટિવ છે.

સોશિયલ મીડિયાની ત્રુટીઓ ચોક્કસ છે. તેનાં અલગોરિધમ જે રીતે કામ કરે છે, તેમાં જે પ્રકારનું વૈચારિક ધ્રુવીકરણ થાય છે, તેમાં જે પ્રકારનું મેનિપ્યુલેશન થાય છે, તેમાં જે રીતે બિઝનેસ અને રાજકારણનાં હિતો કામ કરે છે, તેનાથી આપણાં માનવીય ગુણો અને મૂલ્યોને ક્ષતિ પહોંચી છે, પરંતુ એ વૈશ્વિક પ્રશ્ન છે. હું એવું કહેતો રહું છું કે આ નવી ટેકનોલોજી વાંદરાના હાથમાં દારુ આપવા જેવી છે. કદાચ આપણે ઘણું બધું ભોગવ્યા પછી આગામી બીજી પેઢી સુધીમાં સોશ્યલ મીડિયા લિટરસી શીખીને સરખી રીતે વર્તતા થઈશું, પરંતુ તમારો પ્રશ્ન ગુજરાતીઓ પૂરતો માર્યાદિત હતો, તો હું તટસ્થ રીતે જોઉં તો તેમાં ઘણી ટેલેન્ટ અને સર્જનાત્મકતા છે, જે પરંપરાગત માધ્યમોમાં નથી.

હું જો આજે કોઈ પ્રકાશન શરૂ કરું તો મને પ્રતિભાઓ શોધવા માટે જાહેરખબર આપવી ન પડે એટલા અને એવા સારા લોકો ત્યાં લખે છે. ઘણા સારા આશાસ્પદ કવિઓ, વાર્તાકારો, કલાકારો સોશ્યલ મીડિયા પર છે. અંગ્રેજીની જેમ આપણે ત્યાં બ્લોગ કલ્ચર એટલું વિકસ્યું નથી, પણ બ્લોગિંગમાં ઘણા ગુજરાતીઓ છે. સાચું કહું તો, સોશિયલ મીડિયામાં જે ગુજરાતીઓ છે તેમણે અખબારોની અનિવાર્યતા ખતમ કરી નાખી છે. રશિયા-યુક્રેન પર ગુજરાતી અખબારોમાં જેટલું નથી લખાયું એટલું સોશ્યલ મીડિયામાં લખાયું છે.

પ્રશ્ન : આપણે હમણાં મહામારીના સમયમાંથી પસાર થયા અથવા થઇ રહ્યા છીએ. કોઈ પણ પ્રકારની કટોકટીના સમયમાં અખબારી પત્રકારત્વની ભૂમિકા શું હોવી જોઈએ અને આ દૃષ્ટિએ તપાસીએ તો ગુજરાતી અથવા તો ભારતીય અખબારોએ કોવિડની મહામારી દરમ્યાન કેટલી હદે એમની જવાબદારી અદા કરી?

ઉત્તર : એમાં તો કબૂલ કરવું જોઈએ કે બીજી સામાજિક કટોકટીઓમાં પત્રકારત્વની ભૂમિકા વખાણવા જેવી નથી. એવી ઘણી બાબતો છે જેમાં અખબારો નેતૃત્વ લઇ શક્યા હોત, પરંતુ મેં આગળ કહ્યું તેમ આપણે ત્યાં મુખ્યત્વે વ્યવસાયિક હિતો પ્રમાણે પત્રકારત્વ થાય છે, એટલે ‘આવું કરીએ તો આપણને શું ફાયદો થાય?’ એવા પ્રશ્નને આગળ ધરીને જ અખબારો તેમની ભૂમિકા નક્કી કરતાં હોય છે. બીજું સમજવા જેવું એ છે કે અખબારો અને રાજનીતિનો સંબંધ ઘેરો છે. બંને વચ્ચે આડા-સંબંધો છે એમ કહો તો વધુ સારી રીતે સમજમાં આવે. એટલે સમાજને સ્પર્શતી ઘણી બાબતોમાં અખબારોની ભૂમિકા ટીકાને પાત્ર છે, અને આ તો પૂરા દેશની સ્થિતિ છે.

પરંતુ કોવિડની મહામારીમાં અમુક મીડિયા અને અમુક પત્રકારોએ ઘણું સારું કામ કર્યું હતું. એ સંકટ અભૂતપૂર્વ હતું. સરકારી વહીવટ (કે તેની ગેરહાજરીના) કારણે આટલા બધા લોકોએ ભોગવવું પડ્યું હોય એવું બીજા કોઈ દેશમાં થયું નહોતું, અને તેનું રિપોર્ટિંગ અદ્દભુત હતું. આપણે હમણાં સોશિયલ મીડિયાની વાત કરી. કોરોનાની મહામારીમાં આખું સોશિયલ મીડિયા લાઈવ રિપોર્ટીંગ કરતું એક તોતિંગ ટેલિવિઝન બની ગયું હતું. ભારતનું ટ્વીટર તો જાણે હેલ્પલાઈન બની ગયું હતું. ત્યાં લગાતાર મદદ માટે પોકાર પડતા હતા અને આસપાસમાં જે કોઈ હોય તે મદદ પહોચાડતા હતા. એમાં ભારત સરકાર સાચે જ ઊંઘતી ઝડપાઈ હતી. સોશિયલ મીડિયા પર ઑક્સિજન કે ઈન્જેકશનની અછતની બૂમો પડી તો સરકારે તેને રાબેતા મુજબ ‘સરકાર-વિરોધીઓ’ની બૂમાબૂમ ગણીને ઉપેક્ષા કરી હતી, પણ સોશિયલ મીડિયાએ માહિતીઓઓનો મારો એટલો ચાલુ રાખ્યો કે આપણે એવું કહી શકીએ કે સરકારે શબ્દશ: આગ લાગી ત્યારે કુવો ખોદવો પડ્યો.

ગુજરાતમાં, ‘દિવ્ય ભાસ્કર,’ ‘સંદેશ,’ ‘ગુજરાત સમાચાર’ અને અન્ય શહેરોનાં નાનાં અખબારોએ જબરદસ્ત કામ કર્યું હતું. જ્યારે સરકાર પાસે માહિતીઓ નહોતી અને હોસ્પિટલોમાં અંધાધૂંધી હતી ત્યારે ગુજરાતી પત્રકારોએ સ્મશાનમાં જઈને કેટલાં લાકડાં વપરાયાં, કેટલી પાવતીઓ ફાટી, કેટલી એમ્બ્યુલન્સ આવી હતી તેના આંકડા મેળવીને તાળો મેળવ્યો હતો. દુર્ભાગ્યે, તેનું જે ફોલોઅપ થવું જોઈતું હતું અથવા તેની જવાબદારી ફિક્સ થવી જોઈતી હતી તે ન થઈ.

પ્રશ્ન : રાજભાઈ, આપણે વાર્તાલાપની શરૂઆત એક અંગત પ્રશ્નથી કરી, સમાપન પણ થોડી અંગત વાતોથી કરીએ. તમારી કારકિર્દીમાં બનેલો સૌથી યાદગાર પ્રસંગ યાદ કરીને કહેશો? અને પત્રકારત્વમાં તમારા આદર્શ કોણ?

ઉત્તર : અલગ-અલગ અખબારોમાં અલગ-અલગ પ્રકારના અનુભવો તો ખૂબ બધા છે. અખબારોમાં તો શું છે કે દરેક દિવસે કંઈને કંઈ બનતું રહેતું હોય. તમે આમ અચનાક પૂછી લીધું એટલે યાદ કરવામાં પણ સમય જાય, પરંતુ પણ અંગત રીતે, એક સારા વાચક તરીકે અને દુનિયાભરની દરેક બાબતમાં રસ હોય એવા એક જિજ્ઞાસાવૃત્તિવાળી વ્યક્તિ તરીકે મને પૂછો તો નાનકડી એક ઘટના છે, જેણે મને સંતોષ આપ્યો હતો. આમ સામાન્ય છે. એ કોઈ જબરદસ્ત પત્રકારત્વ નહોતું. તમને સાચું કહું? મેં કશું એવું કામ કર્યું પણ નથી કે જેની પત્રકારત્વના ઇતિહાસમાં નોંધ લેવી પડે. ગુજરાતમાં બીજા ઘણા સારા અને સનિષ્ઠ પત્રકારો છે જે જેમણે સાચા અર્થમાં સમાજને બહેતર બનાવાનું કામ કર્યું છે.

પણ તમે પૂછ્યું જ છે એટલે કોઈક તો જવાબ અપાવો જોઈએ એટલે એક નાનકડી બિનાની વાત કહું છું- તમે ખગોળશાસ્ત્રી સ્ટીફન હૉકિંગનું નામ સાંભળ્યું હશે, એ આધુનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેવાય છે. બચપણમાં 'સંસાર કેવી રીતે કામ કરે છે' તે સમજવા માટે અધ્યાત્મમાં રસ પડ્યો હતો, તે મોટા થયા પછી બુનિયાદી વિજ્ઞાન (જેમ કે ફિઝિક્સ) તરફ ગયો. એમાં આઇન્સ્ટાઇન પછી જેના નામમાં અને કામમાં દિલચશ્પી પેદા થઇ તે આ હૉકિંગ.

એ પોતે મોટર ન્યુરોન ડિસીઝ નામની બીમારીથી પીડાતા હતા અને કાયમ માટે ખુરશીમાં બેસતા હતા. એક સહાયક તેમને સાથે કાયમ હોય. 2001માં તે મુંબઈ આવ્યા હતા. ભારતની તેમની એ પહેલી અને છેલ્લી મુલાકાત. ૨૦૧૮માં તેમનું અવસાન થયું.

એમની એક માત્ર ભારત મુલાકાત હું જ્યારે મુંબઈમાં હતો ત્યારે થયેલી. એમનો એક જ કાર્યક્રમ મુંબઈમાં છે એની મને ખબર પડી. મુંબઈના ટાટા મેમોરિયલ રિસર્ચ સેન્ટરમાં એમનું વ્યાખ્યાન ગોઠવવામાં આવેલું અને તેઓ લંડનથી ત્યાં આવેલા. મેં અમારી સાથે એક ફોટોગ્રાફર હતા, દિલીપભાઈ ઠાકર. એમને મેં કહ્યું કે મને સ્ટીફન હૉકિંગનો એક ફોટો જોઈએ છે જે અલગ હોય. મેં કહ્યું કે એમના વક્તવ્યના કાર્યક્રમના ફોટા તો મળશે, પણ મારે એક ઑફ-બીટ ફોટો જોઈએ છે. મારે એક એવી ક્ષણનો ફોટો જોઈએ છે જેમાં એ એમની દૈનિક ક્રિયામાં વ્યસ્ત હોય. દાખલા તરીકે કોઈ જગ્યા એ ખાતા હોય કે કોઈની સાથે વાત કરતા હોય.

અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે મુંબઈમાં નરિમાન પૉઈન્ટ પર હોટેલ ઑબેરૉયમાં એ ઊતર્યા હતા. અને અમને એવી પણ ખબર પડી કે સ્ટીવન હૉકિંગ રોજ સવારે એમની ખુરશીમાં બેસીને ચોપાટી પર ટહેલવા નીકળે છે. તો દિલીપભાઈ ચોપાટી પર સવારે આઠ વાગે પહોંચી ગયા અને સ્ટીફન હૉકિંગ અને એમની એક મદદનીશ હતી જે એમની ખુરશીને ધક્કો મારે અને સવારના તડકામાં એમનો આ રીતે ફરતા હોય એવો ફોટો દિલીપ ઠાકરે પાડેલો. એ ફોટો ભારતનાં કોઈપણ ફોટોગ્રાફર પાસે નથી. એ ફોટો અમે ‘ગુજરાત સમાચાર’ના પહેલા પાને છાપેલો અને એ ફોટો આજે મારી પાસે પણ છે અને એ મારે માટે સૌથી યાદગાર પ્રસંગ હતો.

પ્રશ્ન : અને પત્રકારોમાં તમારો આદર્શ કોણ છે?

ઉત્તર : સાચું કહું તો, પત્રકારોમાં મારા આદર્શ ગુજરાતીમાં કોઈ નથી. એને નેગેટિવ અર્થમાં નહીં લેતાં, પણ મને જે વિષયોમાં રસ પડતો હતો એવું કશું લખવાવાળા ગુજરાતીમાં નહોતા. મને દેશ અને દુનિયામાં બહુ રસ હતો અને એ ભૂખ ભાંગી બહારના પત્રકારોએ. એવાં નામો અંગ્રેજી ભાષામાં ખૂબ બધાં છે. એમાં તમે જે નામ બોલ્યા એ ખુશવંત સિંઘ. જેમણે વિભાજન પહેલાંનું અને પછીનું ભારત જોયું હોય તેવા પત્રકારો પૈકીના એ એક હતા. બિનસાંપ્રદાયિકતા, સાહિત્ય, કવિતા અને વિનોદવૃત્તિ માટેનો તેમનો પ્રેમ ગજબનો હતો. એક જમાનામાં તેમની કોલમ ભારતનાં ૬૦ અખબારોમાં છપાતી હતી.

બીજું નામ છે વિનોદ મહેતાનું, જે છેલ્લે આઉટલુક મેગેઝિનમાં એડિટર હતા. પ્લેબોયની તર્જ પરનું ભારતનું પહેલું ‘ગંદુ’ મેગેઝિન ‘ડેબોનેર’ને તેમણે લોકો વાંચી શકે તેવું બનાવેલું. અટલ બિહારી વાજપેઈએ એકવાર મહેતાને કહેલું કે તમારું મેગેઝિન સરસ આવે છે, પણ તકલીફ એ છે કે ઓશિકા નીચે છુપાવી રાખવું પડે છે. મારી પાસે તેના ઘણા અંકો છે. હું ‘ડેબોનેર’ને (ઇન્દ્રિયોત્તેજક નહીં) વિચારોત્તેજક મેગેઝિન કહું છું. વિનોદ મહેતા પહેલા સંપાદક હતા જેમણે ઉઘાડી છોકરીઓના ફોટા વચ્ચે વચ્ચે વી.એસ. નાઇપોલ, નિરદ સી. ચૌધરી, ખુશવંત સિંઘ, વિજય તેંડુલકર, નિસીમ ઇઝીકેલ, અરુણ કોલાટકર અને આર.કે. નારાયણ જેવા ધૂંઆધાર લેખકોના લેખ છાપ્યા હતા.

મુંબઈમાંથી એમણે ‘સન્ડે ઓબ્ઝર્વર’ નામનું અખબારોની સાઈઝનું એક અઠવાડિક શરૂ કરેલું. એ વખતે ભારતમાં માત્ર રવિવારે નીકળતું છાપું હોય એવો કન્સેપ્ટ નહોતો. લંડનમાં આ નામનું એક છાપું છે જે માત્ર રવિવારે જ નીકળે. ભારતમાં આવું છાપું કોઈએ પહેલું શરૂ કર્યું હોય તો એ વિનોદ મહેતાએ શરૂ કરેલું. એમાં લાંબા લેખો હોય. એ અખબાર એમણે ખૂબ સારું બનાવેલું. એટલે તમે જે વાત કરો છો એ સાહિત્યવાળા પત્રકારો, ભારતના સારામાં સારા લેખકો, અને એડિટર એ અખબારમાં હતા. ભાષા, વિષયો, લે-આઉટ, દેખાવ બધી દૃષ્ટિએ એક આધુનિક અખબાર કેવું હોય એનો એ નમૂનો હતો. હું એ જોઈ-વાંચી મોટો થયો હતો.

‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’એ મુંબઇમાં વિનોદ મહેતા પાસે ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’ શરૂ કરાવ્યું ત્યારે શિમોર હર્ષ નામના અમેરિકન પત્રકારે મોરારજી દેસાઇને સી.આઇ.એ.ના ભારતીય જાસૂસ ગણાવેલા તેનો વિવાદ ચાલતો હતો. વિનોદ મહેતાએ ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’માં આઠ કોલમનું ‘એક્સક્લુઝિવ’ મથાળું ઠઠાળેલું : અમેરિકા માટે જાસૂસીના કામમાં મોરારજી દેસાઇ નહીં, વાય.બી. ચવ્હાણ. સ્વતંત્ર મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ બલવંતરાવ ચવ્હાણને ‘બદનામ’ કરવાની મહેતાની જુર્રતથી માલિકો સાથે એવી તનાતની થઇ કે પહેલા પાને માફી માગવી પડી અને નોકરી ય ગઈ.

તેમણે કહેલું, “હું એ સંપાદકોમાં નથી જે પ્રેસ ફ્રીડમની માત્ર વાતો જ કરે. મેં એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વખત નોકરી છોડી છે. એવું ય નથી કે મારી પાસે બીજી નોકરી હતી. લાંબો સમય સુધી હું બેકાર રહ્યો છું. માલિક હોય તો નાની-મોટી વાતો તો માનવી પડે, પરંતુ એક લક્ષ્મણરેખા હોય છે જેને પાર કરવી મુશ્કેલ હોય છે.”

વિનોદ મહેતામાં એ સાહિત્ય અને પત્રકારત્વનું મિશ્રણ હતું અને તમે જે વાત કરી એ પ્રમાણે ‘આઉટલુક’ મેગેઝિનમાં તો એમણે ખૂબ બધા ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કહેવાય, જેને સ્કૂપ કહેવાય, જેમાં કૌભાંડો હોય એવા અહેવાલો છાપેલા. ટેલિકોમ મંત્રી એ. રાજા અને કોર્પોરેટ એજન્ટ નિરા રાડિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતમાં પત્રકારો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની ક્રિમિનલ સાંઠગાંઠ ‘આઉટલૂકે’ ખુલ્લી પડી હતી. એટલે, તમારા પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપું તો, આગલી પેઢીમાં ખુશવંત સિંઘ અને નવી પેઢીમાં વિનોદ મહેતા મારા આદર્શ.

પ્રશ્ન : તમે હવે ફ્રીલાન્સર તરીકે કેટલાંક અખબારોમાં કોલમ લખો છો, એ સિવાય પત્રકારત્વમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થઈને તમે હવે લેખન કરો છો. આ નિર્ણયની ભૂમિકા? સાંપ્રત પત્રકારત્વની નિરાશાજનક સ્થિતિએ આ નિર્ણય લેવા પ્રેર્યા?

ઉત્તર : નિરાશાજનક સ્થિતિના કારણે તો નહીં, પરંતુ વ્યક્તિગત રીતે એવો અભિગમ ખરો કે તમારી વ્યાવસાયિક ઉપયોગિતા ખતમ થઈ જાય તે પહેલાં, વર્ષોથી તમે જે કામ કરતા હતા તેને સામેથી ત્યજીને બીજુ કોઇ કામ સ્વીકારવું જોઈએ, જેથી બીજાં 20 વર્ષ એ રીતે સક્રિય રહી શકો. એ બાબતમાં એક્ટર દિલીપ કુમાર મારા આદર્શ છે. એ માણસ તેની સફળતા અને શોહરતના શિખર પર હતો, ત્યારે સ્વયં નિવૃત્ત થઇ ગયો હતો. અંગ્રેજીમાં તેને ગ્રેસફૂલ એક્ઝિટ કહે છે. મેં એવું નક્કી જ કર્યું હતું કે કોઈ આપણને કહે કે કાલથી નહીં આવતા, તે પહેલાં આપણે આપણો રસ્તો કરી લેવો. અખબારની નોકરીના કારણે લખવા-વાંચવાનું, રચનાત્મક કામ ઘટી ગયું હતું તે સાલતું હતું. એટલે એવું થયું કે આપણે એક વ્યાવસાયિક દૃશ્યમાંથી બીજા વ્યાવસાયિક દૃશ્યમાં શિફ્ટ થવું જોઇએ. એટલે હું સક્રિય પત્રકારત્વમાં નથી, પરંતુ જોડાયેલો તો અખબારો સાથે જ છું. અનેક અખબારોમાં કોલમ લખું છું અથવા ફ્રિલાન્સ કરું છું એટલે દૂર રહીને પણ મુખ્ય ધારાના પત્રકારત્વ સાથે જ જોડાયેલો છું. પત્રકારત્વ જો એક્સપ્રેસ હાઈવે હોય, તો હું બાજુના સર્વિસ રોડ પર છું, એવું કહેવાય.

પ્રશ્ન : વિશ્વસાહિત્યનાં કેટલાંક અગત્યનાં પુસ્તકોના તમે ગુજરાતી અનુવાદ કર્યા છે, કરી રહ્યા છો. અનુવાદ પ્રત્યેનો તમારો અનુરાગ અને અનુવાદની પ્રક્રિયા દરમ્યાન ભાષાઓ સાથેના તમારા અનુભવો વિષે …

ઉત્તર : પત્રકારત્વમાં મેં શરૂઆત કરી હતી અનુવાદથી. આજના પત્રકારોની મુસીબત એ છે કે તેઓ અનુવાદને નીચું કામ ગણે છે. ઍક્ચુઅલી, એ સૌથી ઉત્તમ કામ છે. હું આજે પણ કોઈ છાપાની ઑફિસમાં બેસીને સમાચારોના તરજુમા કરી શકું. જુઓને, આ તરજુમો શબ્દ કેટલો સરસ છે! મને શરૂમાં દિગંતભાઈ ઓઝા, વજ્ર માતરી, ઈશ્વર પંચોલી, નૂર પોરબંદરી જેવા એડિટરો મળેલા તેમની પાસેથી આ શબ્દ મળ્યો હતો. હવે એ કોઈ બોલતું નથી.

અનુવાદ મારો પહેલો પ્રેમ છે. આઈ એમ વેરી કમ્ફર્ટેબલ ઇન ઇટ. મને ગમે છે. મને એક બીજી ભાષાના લેખકે લખેલી વાતને ગુજરાતીમાં ઉતારતી વખતે એવું ગૌરવ અનુભવાય કે “આ કામ તમારું નહીં, આ તો હું જ કરી શકું.” મને એ વાક્ય અથવા શબ્દનો ગુજરાતી પર્યાય બનાવાની મથામણ ગમે છે. હું એ વખતે ઇન્ટરનેટ પર અનેક વિન્ડો ખુલ્લી રાખીને તેને આનુષંગિક વાંચતો પણ રહું છું.

એનાથી એક ફાયદો એ થયો છે કે અંગ્રેજી ભાષાનું વાંચન અને સમજ તો બહેતર બની જ છે, મારી ગુજરાતી ભાષા પણ સુધરી છે. અંગ્રેજી ભાષા બહુ ડાયનેમિક છે. પચીસ વર્ષ પહેલાં હું જે અંગ્રેજી વાંચતો હતો, તે આજે એવીને એવી નથી. બીજું, અલગ-અલગ લેખકોના પરિચયમાં આવો, તો તમારી ભાષામાં પણ સુધાર આવે. બીજી ભાષાની સેન્સિબિલિટી પણ તમારામાં આવે. અનુવાદના પ્રેમના કારણે મારી લખવા, વિચારવા, વાંચવાની શૈલીમાં સકારાત્મક બદલાવ આવ્યો, અને હજુ લાવવો છે. મેં દુનિયાનો એક પણ એવો વિષય નથી, જે વાંચ્યો ન હોય. એમાં હું નિષ્ણાત નહીં હોઉં, પણ બેઝિક સમજણ તો હોય. આ અંગ્રેજીના કારણે સંભવ છે.

પ્રશ્ન : તમે એવા સમયમાં લખવાનું શરૂ કર્યું જ્યારે ગુજરાતી વાચકોની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે એવું પ્રકાશકો કહે છે. તમારાં પુસ્તકો આવા સમયમાં બેસ્ટ-સેલર જેવાં બન્યાં છે. ગુજરાતીઓની વાંચન પ્રત્યેની અભિમુખતા વિષે એક લેખક તરીકેના તમારા અનુભવો શું કહે છે? પત્રકારો નથી વાંચતા એની વાત આપણે અગાઉ કરી.

ઉત્તર : હું પણ એવું માનતો હતો, બીજા ઘણા માને છે, પરંતુ મારા પ્રકાશક, આર.આર. શેઠવાળા રત્નરાજભાઈ અને ચિંતનભાઈ શેઠ કહે છે કે વાચકો નથી વાંચતા એ વાત ખોટી છે. તેમણે મને કહ્યું હતું કે પ્રકાશકો સારાં પુસ્તકો આપવામાં નિષ્ફળ જાય છે એટલે વાચકો વિમુખ થાય છે. તમે વિચાર કરો કે વાચકો નિરાશ કરતા હોય, તો યુવલ નોઆ હરારીના વર્લ્ડ બેસ્ટ સેલર પુસ્તક 'સેપિયન્સ'ને આર.આર. શેઠ ગુજરાતીમાં શા માટે લાવે? તેનો અનુવાદ મેં કર્યો છે.

તમે અગાઉ સોશિયલ મીડિયાની વાત કરી. આ પુસ્તકના મૂળ લેખક હરારીને બહુ ફોલો કરું છું. હું ફેસબુક પર તેમની વાતો અને વિચારો લખતો પણ રહું છું. એ મુંબઈમાં બ્રિટિશ લાઈબ્રેરીમાં એક પ્રવચન માટે આવ્યા હતા. મેં એ સાંભળીને તેનો ગુજરાતી તરજુમો ફેસબુક પર મુક્યો હતો. રત્નરાજ શેઠ એ વાંચીને મારી પાસે આવ્યા હતા, “તમે સેપિયન્સ ગુજરાતીમાં કરશો?” આ સાહસ કહેવાય. અત્યંત રસપ્રદ પરંતુ ગંભીર પુસ્તક છે. શેઠ બંધુઓ કહે છે કે ગુણવત્તાવાળા પુસ્તકો કોઈ આપતું નથી, એટલે વાચકો વિમુખ થઇ ગયા છે. વ્યાવસાયિક સિક્રેટના કારણે હું નામ ન આપી શકું, પરંતુ અમે ગુજરાતીમાં કોઈને કલ્પના ન હોય તેવા અટપટા, પરંતુ વાચકોનું જ્ઞાન વધારે તેવાં, વિષયો પર પુસ્તકો લાવી રહ્યા છીએ. મારું એક લક્ષ્ય એ પણ છે કે હવે મારી પાસે સમયની સમૃદ્ધિ છે તો આવતા વીસ વર્ષમાં આવું કામ પણ કરવું છે.

પ્રશ્ન : આ વર્ષ ગુજરાતી પત્રકારત્વની દ્વિશતાબ્દીનું વર્ષ છે. આવી રહેલાં વર્ષોમાં તમને ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશા કેવી લાગે છે?

ઉત્તર : આપણે આગળ વાત કરી તે પ્રમાણે, પ્રિન્ટ પત્રકારત્વની એક સીમા આવી છે, પણ ડિજીટલનો દાયરો વધી રહ્યો છે. ગુજરાતના મીડિયાના ઇતિહાસમાં આજે સૌથી વધુ ચેનલો છે. તેની ગુણવત્તાના પ્રશ્નો છે, પરંતુ જગ્યાઓ ઘણી છે. ઇવન, ગુજરાતી સિનેમામાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. તમને યાદ હશે કે એક જમાનામાં ગુજરાતી ફિલ્મોને પર ગામ, ગોકીરો અને ગરબાનું મહેણું હતું. આજે અર્બન ગુજરાતી ફિલ્મો બને છે. ઘણા કલાકારો અને કસબીઓ તેમાં પોષાય છે. દર્શકો, વાચકો કે ગ્રાહકો બદલાય એટલે માસ મીડિયાને પણ બદલાવું પડે.

અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ઘણું સારું છે. આપણે વાત કરી એ પ્રમાણે આપણે થોડા વધારે વ્યાવસાયિક થઇ ગયા છીએ, પણ એ ઠીક છે. આખી દુનિયા ટકી રહેવા માટે પ્રયત્નશીલ છે. અને વ્યાવસાયીકરણનાં કેટલાક ફાયદા પણ છે. ગુજરાતનું અખબારી પત્રકારત્વ એ રીતે મજબૂત છે એટલે એ ટકી રહ્યું છે. આપણે અત્યારે મૂલ્યોની વાત ન કરીએ, ગુણવત્તાની વાત ન કરીએ પણ માત્ર વ્યાવસાયિક રીતે જોઈએ અથવા એક ઉદ્યોગ તરીકે જોઈએ તો એ ઘણું મજબૂત છે અને એ ચાલતું રહેશે અને આવનારાં વર્ષોમાં એ ખતમ થઇ જાય કે બંધ થઇ જાય એવું નથી. ગુજરાતીમાં ઘણા પત્રકારો અને સબ-એડિટરોને નોકરીઓ મળવાનાં ઘણાં સ્થાનો છે તે સારી વાત જ કહેવાય.

પ્રશ્ન : તમારી દૃષ્ટિએ જીવન એટલે શું? તમારા લખાણમાં ચિંતન પણ જોવા મળે છે તો પત્રકારત્વ માટે એની ઉપયોગિતા કેટલી?

ઉત્તર : બીજો કોઈ સારો શબ્દ નથી એટલે 'ચિંતન' શબ્દ વાપરો તો ચાલે, પરંતુ હું જે લખું છું તે ચિંતન કે મોટિવેશન કરતાં આઈડિયા વધુ છે. આઈડિયા માટે સારો ગુજરાતી શબ્દ નથી, પરંતુ મને માણસો જે રીતે વિચાર કરે છે, જે રીતે વર્તન કરે છે તેની પાછળ તેમનાં મનોવૈજ્ઞાનિક કારણો શું છે તે સમજવાનું ગમે છે અને પછી હું એમાંથી એક આઈડિયા તારવું છે. પત્રકારત્વમાં અને સાહિત્યમાં સાઇકોલૉજિકલ અને ફિલૉસૉફિકલ સમજ હોવી અનિવાર્ય છે. ખુશવંત સિહ કે વિનોદ મહેતા જેવા પત્રકારોમાં એ સમજ હતી. તમે તેમને વાંચો તો ખ્યાલ આવે કે તેઓ ઘણા ચિંતનશીલ પત્રકાર હતા. ચિંતનનો અર્થ “વિદ્યા વિનયથી શોભે છે” જેવાં સ્કૂલબોર્ડનાં સુવાક્યો નથી. તેનો અર્થ માણસની સાઇકોલૉજિકલ સચ્ચાઈ છે.

તમે જીવનની વાત કરતા હો, ત્યારે તે સપાટી પર જેટલું દેખાય છે તેના કરતાં અનેક ગણું નીચે પેટાળમાં હોય છે. પત્રકારત્વએ જો ઘટનાના ફેક્ટ-ફિગર રિપોર્ટિંગથી આગળ જવું હોય, તો તેના સાઇકોલૉજિકલ અને ફિલૉસોફિકલ ઊંડાણમાં જવું પડે. આટલાં વર્ષો સુધી મેં સમાચારો અને સામાજિક પ્રવાહો પર કામ કર્યું, હવે હું માણસના દિલ અને દિમાગમાં ચાલતા પ્રવાહો પર કામ કરું છું. માણસે બહારની યાત્રા કર્યા પછી એક સમયે ભીતર વળવું પડે. હું બહાર તો છું જ, સાથે ભીતર સાથે પણ સંવાદ કરું છું.

દાખલા તરીકે, તમે મને આ બધું પૂછતાં હતાં અને હું બોલતો હતો, તો હું મારી જાતને દૂર ઊભો રહીને જોતો, સંભાળતો પણ હતો કે હું જે બોલું છું એમાં કેટલું સત્ય છે, તથ્ય છે, કેટલું મોટિવેટેડ છે, કેટલું ઈમ્પ્રેસ કરવા માટે છે?

પોતાની જાતને ઈમાનદારીથી જોવી એને હું ચિંતન કહું છું. એ હોય તો જ હું બહારની દુનિયાને ઈમાનદારીથી જોઈ શકું. અને ઈમાનદારી એ પત્રકારત્વનો પહેલો ગુણ છે.

પ્રગટ : “નવનીત સમર્પણ”, ઍપ્રિલ 2022; પૃ. 65-78 તેમ જ 120-126

Loading

...102030...1,4111,4121,4131,414...1,4201,4301,440...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved