Opinion Magazine
Number of visits: 9670533
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના ન કાયદા હોય કે ન શરતો હોય કે ન સમજૂતી હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|28 August 2022

કોઈનું દિલ દુભાય એવું બોલવું, લખવું કે કરવું એ ગુનો ગણાય કે અસંસ્કાર? કોઈનું દિલ ન દુભાય એ રીતે જીવવું એ (જેમાં ફરજિયાતપણું રહેલું છે એવી) ફરજ ગણાય કે વિવેક? આનો જવાબ તમે શું આપો છો, એનાં આધારે તમારું, તમારાં પરિવારનું, તમારા સમાજનું અને તમે જે દેશમાં રહેતા હો એ દેશનું ભવિષ્ય ઘડાશે.

ગાંધીજીએ અસહકાર અને ખિલાફતનું આંદોલન શરૂ કર્યું અને દેશ અને દુનિયાએ ક્યારે ય ન જોઈ હોય એવી હિંદુ-મુસ્લિમ એકતા નજરે પડી ત્યારે સ્વામી શ્રદ્ધાનંદ જેવા કેટલાક હિંદુઓએ ગાંધીજીને સલાહ આપી હતી કે આ સુવર્ણ અવસરનો લાભ લઈને ગાયની હત્યા કરવામાં ન આવે એ માટે ગોવધ પ્રતિબંધ સારુ મુસલમાનોને સમજાવી લેવા જોઈએ. મુસ્લિમ નેતાઓ માની જશે અને તમારો શબ્દ તો તેઓ નહીં જ ટાળે. મુસલમાનો પણ તમને મહાત્માજી તરીકેનો આદર આપે છે.

જો ગાંધીજીની જગ્યાએ કોઈ બીજો નેતા હોત તો તેણે સો ટકા મુસલમાનો સાથે આવી સમજૂતી કરી હોત કે કરાવી હોત. વળી ગાંધીજી તો ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા માણસ હતા અને પોતાને હિંદુ તરીકે ઓળખાવવામાં ગર્વ લેતા હતા. ગાંધીજી તો પોતાને સનાતની હિંદુ તરીકે પણ ઓળખાવતા હતા. પણ ગાંધી જુદી માટીનો હતો અને માટે તો એ મરતો નથી. તેમણે શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના કાયદા ન હોય કે ન શરતો હોય કે ન સમજૂતી હોય. જો કાયદા ઘડશો કે ફરજ પાડશો તો તેમાં ફાયદા કરતાં નુકસાન વધુ થશે. કેટલીક બાબતો એવી હોય છે જે સદિ્ચ્છા(ગુડવિલ)નાં ક્ષેત્રમાં આવે છે અને તે કેળવણીનો ભાગ છે. ઈબાદત ટાણે મસ્જિદ પાસે વાજિંત્ર નહીં વગાડવાં એમાં હિંદુની સભ્યતા / સદિ્ચ્છા છે અને ગાયની હત્યા નહીં કરવી એમાં મુસલમાનની સભ્યતા / સદિ્ચ્છા છે. સ્મશાનયાત્રા અને વરઘોડો રસ્તામાં સામસામે આવી જાય ત્યારે વરઘોડાવાળા બેન્ડ વગાડતા અટકી જાય એ વિવેક છે. આનાં કોલ-કરાર અને કાયદા ન હોય. જો એ કરવા જશો તો ઊલમાંથી ચૂલમાં પડશો.

આ ગાંધી. જે સહેજે થઈ શકતું હતું એ તેમણે નહીં કર્યું. તેમના અધ્યાત્મિક વારસદાર અને ભાષ્યકાર વિનોબા ભાવે ગોવધપ્રતિબંધનો કાયદો કરાવવાની લાલચ નહીં રોકી શક્યા અને એક વાર ઉપવાસ પણ કર્યા, જ્યારે ગાંધીજી માટે જે સહજસાધ્ય હતું એ તેમણે ધરાર નહીં કર્યું. તેમાં તેમને અર્થ કરતાં અનર્થ નજરે પડતો હતો.

શું અનર્થ નજરે પડ્યો હતો તેમને? અનેક. એક તો એ કે લાગણીની કોઈ વ્યાખ્યા જ ન થઈ શકે ત્યાં તમે લાગણીઓના આઘાત-પ્રત્યાઘાતોને કાયદામાં કેવી રીતે બાંધો? જો તમે તેને બાંધશો અને પ્રજા ઉપર ફરજ પાડશો તો તેમાં તમે ન્યાય કરતાં અન્યાય જ વધુ કરશો. લાગણી દુભવવાને લગતા કાયદાનો દુરુપયોગ થવાનો છે અને મોટાભાગે કાયદાઓનો દુરુપયોગ અસમર્થ લોકો સામે વધુ થાય છે. ગોવધપ્રતિબંધક કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તે કોની સામે થઈ રહ્યો છે એ તો તમે જાણો છો.

બીજું એ કે તેને કારણે અભિવ્યક્તિ રૂંધાશે. ડૉ રામમોહન લોહિયાએ એક જગ્યાએ કહ્યું છે કે દ્રૌપદી સંસારની શ્રેષ્ઠ નારી છે, સીતા કે સાવિત્રી નહીં. તેમણે કારણ આપતાં કહ્યું છે કે દ્રૌપદીએ વડીલો (ભીષ્મપિતામહ) આચાર્યો (દ્રોણ અને કૃપાચાર્ય), બુદ્ધિમાનો (વિદુર), ચક્રવર્તી રાજા (ધૃતરાષ્ટ્ર), મોટી સંખ્યામાં ઉપસ્થિત દુષ્ટો (કૌરવો), કપટીઓ (શકુની), પોતાની પત્નીને દાવ પર લગાડવા જેટલો સ્ત્રી પર અધિકાર ધરાવનાર પતિઓ (પુરુષો) જે દરેકે દરેક કોઈને કોઈ પ્રકારની સત્તા ધરાવતા હતા તેમની સામે ભરી સભામાં અવાજ ઉઠાવ્યો. દ્રૌપદી અવિવેકી સત્તા સામે નારીનો સત્યનો અને અધિકારનો અવાજ છે અને માટે એ સંસારની શ્રેષ્ઠ નારી છે. તે સીતા અને સાવિત્રીની જેમ પતિની પાછળ ચાલીને દુઃખ વેઠી લેવામાં નહોતી માનતી. હવે કોઈ હિંદુ એમ કહે કે ડૉ લોહિયાએ સીતા માતા અને સતી સાવિત્રીનું અપમાન કર્યું છે અને તેમણે હિંદુઓનું દિલ દુભવ્યું છે તો શું થાય? હવે લોહિયાએ જે કહ્યું એને તમે સુંદર મૌલિક નિરીક્ષણ તરીકે જોશો કે પછી સજાને પાત્ર હિંદુવિરોધીનું કથન? લોહિયાનાં નિરીક્ષણ દ્વારા ઇતિહાસ-પુરાણો કે કાવ્યોને જોવાની આપણી સમજમાં વધારો થયો કે ઘટાડો?

આ પ્રકારનાં સુંદર અને મૌલિક નિરીક્ષણો અને અભિપ્રાયો દ્વારા સમાજ સમૃદ્ધ બને છે. આપણી સમજણની ક્ષિતિજનો વિસ્તાર થાય છે. પરિઘ વધુને વધુ મોટો થાય છે. જેની વ્યાખ્યા જ શક્ય નથી એવી લાગણીઓને અને જે પ્રત્યક્ષ નજરે પડતી નથી એવી દુભામણીઓને કાયદે બાંધવા જતાં સમાજને મોટી ખોટ પડવાની છે. બને કે કોઈની અભિવ્યક્તિ અણઘડ પ્રકારની હોય. બને કે કોઈ વિચાર્યા વિના કે સરખો અભ્યાસ કર્યા વિના બોલતું હોય. બને કે કોઈ જાણીબૂજીને બીજાને ઠેસ પહોંચાડવા માટે બોલતું હોય. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવી પ્રકારની અભિવ્યક્તિઓને રોકવા માટે કાયદાઓ ઘડવામાં આવે તો ડૉ લોહિયા જેવાઓનાં અર્થગર્ભ અભિપ્રાયોથી સમાજ વંચિત રહી જાય અને એ ખોટ ન પૂરાય એવી છે. આ સિવાય કલાત્મકતા અને સર્જનાત્મકતાથી પણ સમાજ વંચિત રહે. વળી સંસારનો નિયમ છે કે જે કચરો છે એ કાળના ચાળણામાં ચળાઈ જવાનો છે એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી.

ત્રીજું એ કે જો કાયદા ઘડવામાં આવે અથવા અભિવ્યક્તિની બાબતે અમુક પ્રકારની ફરજ પાડવામાં આવે તો લાગણી અને દુભામણીના ઠેકેદારો પેદા થાય અને તેનું રાજકારણ કરવામાં આવે. દેશમાં અને જગતમાં અત્યારે આ જોવા મળી રહ્યું છે. લાગણી અને દુભામણીના ઠેકેદારોએ અને તેનું રાજકારણ કરનારાઓએ આ જગતમાં જેટલો આતંક મચાવ્યો છે અને હિંસા કરી છે એટલી હિંસા તો જમીન અને સત્તા માટેની લડાઈઓએ પણ નથી કરી. આ હકીકત છે. ઇતિહાસ તપાસી જાવ.

માટે ગાંધીજીએ કહ્યું હતું કે વિવેક અને સદિ્ચ્છાના કાયદા ન હોય એ કેળવવાની ચીજ છે. મોટું મન રાખીને આંખ આડા કાન કરવા એ વિવેક છે. સહિષ્ણુતા કેળવવી એ વિવેક છે. બીજા માણસને બોલવા દેવો એ વિવેક છે. તેની પાસેથી જે ગ્રહણ કરવા જેવું લાગે તે ગ્રહણ કરવું એ વિવેક છે. કબીરે અમસ્તું નથી કહ્યું કે નિંદક નીઅરે રાખીએ. એ વગર પાણીએ હજામત કરી આપે. કાયદાઓ ઘડીને કોઈને રોકશો અને ટોળાંઓ રચીને કોઈને વારશો કે મારશો તો સરવાળે નુકસાન સમાજને થવાનું છે.

પણ આ તો એમને માટેની વાત થઈ જેઓ સદ્ગુણ અપનાવવા અને વિકસાવવા માગે છે. જ્યારે વિનાયક દામોદર સાવરકર કહીને ગયા છે કે સદ્ગુણ એ વિકૃતિ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઑગસ્ટ 2022 

Loading

બાત સરહદ પાર : આઝાદીના અમૃતપર્વની ખરી ઊજવણી!

કિરણ કાપુરે|Opinion - Opinion|27 August 2022

બી.બી.સી. દ્વારા, હાલમાં હિંદી અને ઉર્દૂ ભાષાના ન્યૂઝ પોર્ટલ પર એક સિરીઝ આરંભાઈ છે, અને તેનું નામ છે : ‘બાત સરહદ પાર’. દેશની આઝાદીની અમૃત જંયતી ઉજવાઈ રહી છે ત્યારે તેની ઊજવણી ખરા અર્થમાં આ કાર્યક્રમમાં થઈ રહી છે. અહીંયા ભારત અને પાકિસ્તાનના સાહિત્ય-સિનેમા સાથે જોડાયેલી હસ્તીઓ એકબીજા સાથે સંવાદ કરે છે. દર શુક્રવારે નવા એપિસોડ સાથે આ સંવાદ બી.બી.સી. પોડકાસ્ટ પર સાંભળી શકાય છે. સિરીઝના બીજા એપિસોડમાં 23 જુલાઈના રોજ ભારત વતી જાણીતા ગીતકાર-વ્યંગકાર વરૂણ ગ્રોવર હતા અને પાકિસ્તાન તરફથી ડિરેક્ટર-એક્ટર સરમદ ખૂસટ. આ અગાઉ પ્રથમ એપિસોડમાં ગાયિકા સુનિધી ચૌવ્હાણ અને પાકિસ્તાનનાં ગાયિકા-ગીતકાર ઝેબ બંગાશે વાત કરી હતી. વરૂણ ગ્રોવર અને સરમદ ખૂસટે સાહિત્ય-સિનેમા વિશે તો વાત કરી સાથે તેમણે બંને દેશોના પોતાના અનુભવ રસપ્રદ રીતે કહ્યા. આમ તો આ સંવાદનો લહાવો સાંભળીને વધુ લઈ શકાય, પણ તેમ ન થાય એમ હોય તો અહીં તેના કેટલાક અંશો જરૂરથી વાંચી લેવા જોઈએ.

‘બાત સરહદ પાર’ સિરીઝનું પ્રોડક્શન ખૂબ સરસ રીતે થયું છે. કાર્યક્રમ શરૂ થતાં અગાઉ આવતું મધુર સંગીત, થિમ ગીત અને તે પછી ટૂંકમાં માહિતી પીરસીને કાર્યક્રમનો ઉપાડ કરતાં પ્રેઝેન્ટર રૂપા ઝાનો અવાજ. તુરંત આમંત્રિત હસ્તીઓ સંવાદનો દોર સંભાળે છે અને શરૂ થાય છે બંને દેશો વચ્ચેનો સહિયારો ઇતિહાસ, પેઢી દર પેઢી ચાલી આવતી પોતાના ગામ, શહેરની સ્મૃતિઓ, ખાનપાન, નાચગાન, પહેરવેશ, ભાષા-બોલી, સાહિત્ય-સિનેમાની વાતો, જે માત્ર બે પેઢી અગાઉ એક સરીખી હતી. બીજા એપિસોડમાં સંવાદનો દોર આરંભાયો અને વરૂણ ગ્રોવરે નમસ્કાર, આદાબ અને હેલો કહીને શ્રોતાઓનું સ્વાગત કર્યું. વરૂણ-સરમદ બંને પંજાબી છે એટલે પહેલાં પંજાબી ભાષામાં વાત આગળ વધી અને પછી સરમદે વરૂણે લખેલાં ગીત ‘મોહ મોહ કે ધાગે’ની વાત કરી. તેઓ કહે છે કે પૂરા પાકિસ્તાનમાં એવું કોઈ નહીં હોય જેમણે આ ગીત ન સાંભળ્યું હોય! વરૂણ કહે છે કે, “બંને દેશો વચ્ચે ઘણાં બધા કનેક્શન છે. અને કમનસીબી એ છે કે આપણે પોલિટિકલ માહોલના કારણે વાત નથી કરતાં. બંને દેશોમાં જે અંતર નિર્માણ કરવામાં આવ્યું છે તે અંતરને પ્રોટેટ્ક કરનારાં બંને દેશો તરફ એટલાં મજબૂત છે કે વધુ વાતો થઈ જ શકતી નથી.”

સરમદ ખૂસટનું નામ પાકિસ્તાનની ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સન્માનથી લેવાય છે. તેમણે અભિનય, નિર્દેશન અને લેખક તરીકે ઉમદા કામ કર્યું છે. તેમની ‘મન્ટો’ ફિલ્મ ભારતમાં પણ ખૂબ જોવાઈ છે, જેનો ઉલ્લેખ આ વાતચીતમાં વરૂણે કર્યો છે. સરમદ અહીં વાત મૂકે છે કે : “હિંદુસ્તાન પર રેખા ખેંચીને જ્યારે ભારત-પાકિસ્તાન નિર્માણ થયા ત્યારે તેની સાથે જે મલિન અનુભૂતિ સૌમાં પ્રસરાવામાં આવી કે હવે બધું જ અલગ થઈ ચૂક્યું છે. જે બંને દેશોની માટીમાં ભળેલું છે તેને પણ અલગ કરી દેવામાં આવ્યું છે. આ અકુદરતી છે. કારણ કે તમે કેવી રીતે માહોલ, રંગ, તહેવારને એકબીજાની સ્મૃતિમાંથી કાઢી નાંખશો.” વરૂણ સરમદની વાત સાથે સંમત્તિ દર્શાવીને આગળ કહે છે કે, “જુઓ આપણે બંને અલગ દેશમાં બેઠા છીએ, પરંતુ કોઈ પણ એવો શબ્દ નથી જે તમારો મને નથી સમજાતો, કે મારો તમને. અને આપણે ત્રણ અલગ-અલગ ભાષામાં વાત કરી શકીએ છીએ. જ્યારે અમારા દેશમાં જ એવું છે કે બે અલગ રાજ્યો, જેમ કે કોઈ તમિલનાડુથી છે અને અન્ય કોઈ ઓરિસ્સાથી છે, તો તેમની વચ્ચે ભાષા, આહાર કે સંસ્કૃતિના સંદર્ભ એટલાં નહીં મળતાં હોય જેટલાં આપણી વચ્ચેના એટલે કે દિલ્હી-લાહોરના મળે છે. અથવા તો લાહોર-લખનઉ કે લાહોર-ભોપાલના મળે છે.” આગળ વરૂણ કહે છે કે, “એવી અનેક બાબત છે જેને આપણે કલ્ચર અને નેશન કહીએ છીએ. નેશનની અનેક વ્યાખ્યા મોજૂદ છે, પરંતુ હવે પોલિટિકલ જ ડેફિનેશન આપણી પાસે રહી ગઈ છે કે જે નકશો છે તે જ દેશ છે. બાકી તો આપણી સ્મૃતિ પણ એકસરીખી છે.”

ભારત-પાકિસ્તાનની સંસ્કૃતિ અને સ્મૃતિ કેટલાં હદે એક જેવી છે તે વિશે સરમદ પોતાનો એક કિસ્સો ટાંકતા કહે છે કે, “હું 22-23 વર્ષનો હતો ત્યારે મેં પ્રથમ વાર ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યું, અને હું દિલ્હી આવ્યો હતો. કસમથી જ્યારે હું પહેલીવાર એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મને એ વાતનો ખૂબ અફસોસ થયો કે આને હું ઇન્ટરનેશનલ ટુર ન કહી શકું. આ ટુરના આધારે હું ક્યારે ય એવું નહીં માનું કે મેં ઇન્ટરનેશનલ ટુર કરી છે. મેં જોયું કે અહીંયા તો ચહેરા, ઝાડ-પાન, રસ્તાઓ, રસ્તાઓના નામ બધું સરીખું હતું. મારી સાથે મારા પિતા હતાં તેમને તો મેં ત્યાં સુધી કહ્યું કે પપ્પા અહીંયાની સુંગધ અને દુર્ગંધ પણ આપણા મુલ્ક જેવી છે.” આ વાતને આગળ વરૂણ આ રીતે પૂરી કરે છે : “જેવું મેં કહ્યું હતું કે આપણી સહયારી સંસ્કૃતિની સ્મૃતિઓ તો છે જ, અને બંને દેશો એટલાં બધા એક જેવા છે કે તેમની એફિસિયન્સી તો સરખી છે, ઇનએફિસિયન્સી પણ સરખી છે.”

સરમદ ખૂસટ તે પછી પાકિસ્તાનમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફનું જે આકર્ષણ છે તેની વાત કહે છે. તેમાં અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, મહેશ ભટ્ટની ફિલ્મો જેવાં વિષય પર સંવાદ થાય છે. તે પછી સરમદ વ્યંગનો વિષય છેડે છે. વરૂણના વ્યંગ સરમદે સાંભળ્યા છે અને વ્યંગમાં ધ્યાને રાખવાની બાબતો ઉપરાંત પાકિસ્તાનમાં એ વ્યંગનું ટ્રેડિશન ન રહ્યું જે ભારતમાં છે, તો તે વિશે વરૂણને વાત કરવા કહે છે. વરૂણ કહે છે : “વ્યંગના મુદ્દે પણ આપણાં બંને દેશો સરખા છે. અહીં ઘટનાઓ જ એટલી હાસ્યાસ્પદ હોય છે કે તમે હસ્યા વિના નથી રહી શકતા. અને આ બંને દેશોમાં એક ડાર્ક હ્યુમર એલિમેન્ટ છે. અને આજે તો સેટાયર કરવું એ ખૂબ પડકારજનક થઈ ચૂક્યું છે કારણ કે તેની સ્પર્ધા હવે વાસ્તવિકતા સાથે છે. વાસ્તવિકતા એટલી હાસ્યાસ્પદ છે કે તેની સામે હું શું જોક બનાવું?” આ વાત સમજાવવા વરૂણ એક કિસ્સો ટાંકતા કહે છે કે, “હમણાં મને મારા મિત્રએ એક ન્યૂઝની લિંક મોકલી છે. આ ન્યૂઝમાં પટનાની કોર્ટનો કિસ્સો છે. અહીં એક આરોપીને રજૂ કરવા અર્થે પોલીસ આરોપી સહિત કોર્ટમાં બોમ્બ લઈને આવી હતી. આ બોમ્બ આરોપી બ્લાસ્ટ કરવાનો હતો. થોડી જ વારમાં કોર્ટમાં જ બોમ્બ બ્લાસ્ટ થયો. રાહતની વાત એ છે કે કોઈને નુકસાન થયું નથી. બોમ્બ બ્લાસ્ટ થયા પછી જજે પોલીસને પૂછ્યું કે, ‘તમે આ બોમ્બ અહીં કેમ લાવ્યા છો?’ પોલીસે કહ્યું ‘અમે સત્ય સામે લાવવા માટે બે બોમ્બ લાવ્યા હતા, અને બીજો બોમ્બ પણ ત્યાં જ મૂક્યો છે, જે હજુ સુધી બ્લાસ્ટ થયો નથી’ પછી કોર્ટ ખાલી કરી દેવામાં આવી. હવે તમે જ કહો કે આ દેશમાં કોઈ સેટાઇરિસ્ટ નહીં બને તો ક્યાં બનશે.”

વ્યંગની બાબતે વરૂણ આગળ ભારતના શ્રેષ્ઠ વ્યંગલેખકો શ્રીલાલ શુકલ, હરિશંકર પરસાઈ અને શરદ જોશીની વાત કરે છે અને આજના સમયમાં તેઓ હોત તો આટલી સ્વતંત્રતાથી ન લખતાં હોત તેમ પણ કહે છે. આ વિશે વરૂણ કહે છે કે, “સોશિયલ મીડિયા પર જ્યારે તમે હરિશંકર પરસાઈ, શરદ જોશી કે શ્રીલાલ શુકલનો પેરેગ્રાફ પોસ્ટ કરો તો લોકો એવી કોમેન્ટ કરે છે કે શોધો આમને અને જેલમાં નાંખો. ત્યારે એમને કહેવું પડે છે કે તેઓ તો આઝાદ થઈ ચૂક્યા છે આ દુનિયાની જેલોથી.” તે પછી વરૂણ પાકિસ્તાનના ઉમર શરીફના સંદર્ભે વાત કરે છે, જેમની ‘બકરા કિશ્તોં પર’ નામની હ્યુમર ડ્રામા તેમણે ખૂબ જોઈ. પાકિસ્તાનના હ્યુમરીસ્ટ મોઈન અખ્તર અને અનવર મકસૂદની પણ વાત કરે છે, જે ભારતમાં ખૂબ જાણીતા હતા.

અંતે વરૂણ કહે છે કે, મળતાં રહીશું આ રીતે. આમ તો અંગ્રેજોએ જ આપણને જુદાં કર્યાં છે અને આજે અંગ્રેજો જ આપણો ભેટો કરાવી રહ્યા છે.

e.mail : kirankapure@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—160

દીપક મહેતા|Opinion - Opinion|27 August 2022

ક્યાં કોટન મિલ, ક્યાં ખાણાવળ, પણ બંને વચ્ચે સંબંધ નિકટનો

ખાણાવળ, વીશી, હોટેલ, નામરૂપ જૂજવાં

મરાઠીમાં ખાણાવળ. ગુજરાતીમાં વીશી. પણ આ બે જ નહિ, બીજી પણ ઘણી ભાષામાં આજે લોકજીભે ચડી ગયેલો શબ્દ તે તો હોટેલ. કેટલાક ‘હોટલ’ પણ બોલે. ભગવદ્ ગોમંડળ કોશ ‘હોટેલ’નો અર્થ આ પ્રમાણે આપે છે: “પૈસા આપી ચા, પાણી, નાસ્તો તથા જમવા વગેરે માટે રખાતું જાહેર સ્થળ; ચાખાનું; ચા પાણી ઇત્યાદિ નાસ્તાની દુકાન.” ગુજરાતી અને મરાઠી ઉપરાંત તમિળ, તેલુગુ, બંગાળી, ઉર્દૂ, અરબી, હિન્દી, જેવી ભાષાઓમાં પણ ‘હોટેલ’ શબ્દ વપરાય છે. અને લગભગ એક સરખા અર્થમાં. મૂળ શબ્દ ફ્રેંચ ભાષાનો. તેમાં તથા અંગ્રેજીમાં તેનો જે અર્થ થાય છે તેના કરતાં આપણી ભાષાઓ જૂદા અર્થમાં વાપરે છે. અંગ્રેજી, ફ્રેંચ વગેરે ભાષાઓમાં હોટેલ એટલે જ્યાં રહેવાની તેમ જ ખાવાપીવાની પણ સગવડ હોય તે જગ્યા. આપણે હોટેલ શબ્દ વાપરીએ છીએ જ્યાં ફક્ત ખાવા-પીવાનું મળતું હોય, રહેવાની સગવડ ન હોય એવી જગ્યા માટે પણ. ‘ચાલો, આજ તો હોટેલમાં જઈએ’ એમ કોઈ કહે તો એનો અર્થ ખાણાવળ કે વીશીમાં જઈએ એવો થાય. પણ મુંબઈની બોલીમાંથી આ બે શબ્દો લગભગ ભૂસાંઈ ગયા છે. એની જગ્યાએ આવી ગયો છે શબ્દ હોટેલ. જ્યાં માત્ર ખાવા-પીવાની સગવડ હોય તે જગ્યા માટે અંગ્રેજીમાં સાચો પ્રયોગ છે ‘રેસ્ટોરાં’ અથવા ‘રેસ્ટોરન્ટ.’ આ પણ મૂળ ફ્રેંચ ભાષાનો શબ્દ. પણ આપણે ત્યાં તેને માટે રૂઢ થઈ ગયો છે તે તો ‘હોટેલ.’

ના, જી. કોઈ હોટેલ કે રેસ્ટોરાંની જાહેરાત કરવાનો ઈરાદો નથી, હોં! પણ ઈરાદો છે મુંબઈમાં આ હોટેલની શરૂઆત ક્યારે, શા માટે, કેવી રીતે થઈ તેની વાત કરવાનો. મુંબઈ જેવા મહાનગરનો વિકાસ તાડનાં ઝાડની જેમ થતો નથી, પણ વિશાળ વડલાની જેમ થતો હોય છે. વડવાઈઓ એવી તો ગૂંચવાઈ જાય કે આમાં થડ ક્યાં, ડાળ ક્યાં, શોધવાનું અઘરું બની જાય. 

મુંબઈના મિલ–ઉદ્યોગના પિતા કાવસજી નાનાભાઈ દાવર

હવે કોઈ કહે કે મુંબઈમાં હોટેલના આગમનનો સીધો સંબંધ કોટન મિલ કહેતાં ગિરણીના વિકાસ સાથે છે તો તમે કહેવાશો કે ટાઢા પહોરનાં ગપ્પાં હાંકો માં! પણ હકીકતમાં આ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. મુંબઈમાં મોટા ઉદ્યોગોની શરૂઆત થઈ તે આ કોટન મિલ ઉદ્યોગથી. આજે તો એ નામ લગભગ ભૂલાઈ ગયું છે, કાવસજી નાનાભાઈ દાવર. ૧૮૧૪ના અરસામાં જન્મ. માત્ર ૫૯ વરસની ઉંમરે ૧૮૭૩ના ડિસેમ્બરની ૨૨મી તારીખે બેહસ્તનશીન થયા. મૂળ તો વેપારી. ‘નાનાભાઈ ફરામજીના છોકરાઓની કંપની’ નામે આયાત-નિકાસનો નાનકડો વેપાર. પણ માણસ ચકોર, અથવા પારસીઓ કહે તેમ ‘ચાણાક.’ જોયું કે અહીંના ખેડૂતો પરસેવો પાડીને જે કપાસ ઉગાડે છે તે પાણીના ભાવે ગ્રેટ બ્રિટન જાય છે. ત્યાંની કોટન મિલો તેમાંથી કાપડ વણે છે, અને મોંઘુ દાટ કાપડ પાછું આપણા દેશમાં આવે છે. એટલે વિચાર કર્યો કે આપણા દેશમાં જ કાપડ કેમ વણી ન શકાય? લોકોને કામ મળે, કાપડ સસ્તું થાય તો ઘણા વધુ લોકોને ખરીદવાનું પોસાય. સર વિલિયમ ફેરબેઈમની મદદ લીધી. તેમણે કોટન મિલની ડિઝાઈન તૈયાર કરી આપી. અને તારદેવ વિસ્તારમાં ઊભી થઈ મુંબઈની પહેલવહેલી કોટન મિલ, નામે બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની. ૧૮૫૪ના જુલાઈની સાતમી તારીખે તેનું ઉદ્ઘાટન. પણ તેમાં સુતરાઉ કાપડનું ઉત્પાદન શરૂ થયું તે છેક ૧૮૫૬ના ફેબ્રુઆરીની સાતમી તારીખે.

મુંબઈની પહેલી મિલ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની

(આ ફોટો ૧૮૫૪નો નહિ, પછીના સમયનો છે)

પછી તો મુંબઈમાં મિલોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી ગઈ. ૧૮૭૦માં ૧૩ મિલ, તો પાંચ જ વરસ પછી ૧૮૭૫માં સંખ્યા વધીને ૭૦! ૧૯૧૫ સુધીમાં ૮૩ મિલ. મુંબઈની સ્થાનિક વસતી કોળી, ભંડારી, આગરી. હા, પારસીઓ અને બીજા ગુજરાતીઓ ખરા. પણ એ બધા પાંઢરપેશી. મિલમાં તો આઠ-દસ-બાર કલાકની મજૂરી. આવું કાઠું કદ હોય ખેડૂતોનું. એટલે મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાંથી મિલ મજૂરો આવવા લાગ્યા. મિલોના વિસ્તાર ‘ગિરણગાંવ’માં બંધાયેલી ચાલોમાં રહે (આ ગિરણગાંવ’ તે ગિરગાંવ નહિ). પણ જે આવે તે એકલા. બૈરાં-છોકરાંને પાછળ ‘દેશ’માં મૂકીને આવતા. ચાલની એક-દોઢ ઓરડીમાં એક ગામના કે એક જ્ઞાતના ચાર-પાંચ પુરુષો રહે. કાચી-પાકી રસોઈ કરતાં આવડતી હોય તો ય કરે ક્યારે? દસ-બાર કલાકની મજૂરી પછી? અને ગમે તેમ કરીને પેટનો ખાડો તો રોજેરોજ પૂરવો પડે ને?

એટલે ગિરણગાંવ વિસ્તારમાં શરૂ થઈ ‘ખાણાવળ’. હા, એમાં ય ન્યાત-જાતના ભેદ તો ખરા જ. અને જમવાનું મળે તે એકદમ ઘરઘુતી. જુવાર કે ઘઉંની ભાખરી, ઝણઝણીત, તીખું તમતમતું શાક, ભાત. લોણચં કહેતાં અથાણું, કાંદાનું કોશીમ્બીર કહેતાં કચુંબર. રવિવારે કે તહેવારને દિવસે ‘ફીસ્ટ’માં ગોળનો શીરો, પૂરી, ને ભજિયાં, કાંદાનાં. ભોંય પર પાથરેલા પાથરણા પર બેસવાનું. સામે પિત્તળના થાળી, વાટકા, ગિલાસ. આજની ભાષામાં અનલિમિટેડ ભાણું. હા, આખા મહિનાના પૈસા અગાઉથી આપવાના.

ઉદ્યોગો આવ્યા એને પગલે વેપાર-વણજ વધ્યા. પેઢીઓ, દુકાનો, ગોદામો વધતાં ગયાં. તેમાં કામ કરવા આવ્યા ગુજરાતનાં ગામડાંના અને શહેરના પુરુષો. કાલબાદેવી કે ગ્રાન્ટ રોડ પરની કોઈ ચાલ કે માળામાં રહે. એમના ખાવા માટે ઊભી થઈ ગુજરાતી વીશીઓ. ફરી ભગવદ્ ગોમંડળ કોશ જોઈએ. કહે છે : વીશી એટલે “માસિક અથવા છૂટક નાણું આપવાથી જ્યાં તૈયાર જમવાનું મળે તે ઠેકાણું; ભોજનગૃહ; પૈસા લઈ ને જમવાની સગવડતા આપતું ગૃહ.” અહીં ઘઉંના ફૂલકાનું અને બાજરીના રોટલાનું રાજ. ભાત સાથે દાળ કે કઢી પણ ખરી. શાકમાં રોજ થોડી વિવિધતા. અને હા, છાશનો ગ્લાસ તો ખરો જ. રવિવારે ફીસ્ટમાં લાડુ કે ખીર કે શીરો. બકાલાનાં ભજિયાં કે નાના, થોડા ગળ્યા ગુજરાતી બટાકા વડા. પણ અહીં પણ ‘ઘરના જેવી’ રસોઈનું મહત્ત્વ. સમય કેટલો બદલાતો જાય છે! આજે ઘરની રસોઈ ‘બહારના જેવી’ કે હોટેલના જેવી હોય એ આદર્શ થઈ ગયો છે.

કામધંધા કે નોકરી ખાતર એકલા રહેતા પુરુષોની બીજી જરૂરિયાત તે ચા અને પાનપટ્ટી, બીડી-તમાકુ. એટલે ગુજરાતનાં ઘણાં શહેરોમાં જેને ‘ચાની કીટલી’ કહે છે તેવી નાની નાની દુકાન મુંબઈમાં શરૂ થઈ. મોટે ભાગે રાજસ્થાનના ‘ભૈયા’ ચલાવે. કડક મીઠી ચા, જીભ ચોંટી જાય એટલી ગળી. થોડી થોડી વારે પ્રાઈમસ પર નવી તપેલી ચડે. દૂધ, પાણી, ચાની ભૂકી, ખાંડ, તાજું પીસેલું આદુ ઉમેરાય. ચા બરાબર ગરમ થઈ છે કે નહિ તે જોવા ‘ભટજી’ ડોયામાં થોડી ચા લઈ એક-બે ટીપાં હાથના કાંડા પર મૂકે. પછી હથેળીમાં ચાંગળું લઈને ચાખે. જરૂર લાગે તો ફરી ખાંડ ઉમેરે. પ્રાઈમસને પંપ મારે. એલ્યુમીનિયમની કીટલીમાં ભરી સામે ગોઠવેલાં પિત્તળનાં કપ-રકાબીમાં ઉપરથી રેડીને ફીણ બનાવે. અને મૂકે ઘરાકના હાથમાં.

હજી આજથી ૬૦-૭૦ વરસ પહેલાં મુંબઈ જેવા મુંબઈમાં પણ ‘કાફી’નું ચલણ ઝાઝું નહિ. એ તો ‘મદ્રાસીઓ’ પીએ એમ ગુજરાતીઓ માને. ઘણા ઘરમાં તો કોઈ સાજુંમાંદુ હોય તો તેને માટે કોફીનો પાઉડર આવે. આજના જેવી જાતજાતની અને મોંઘી દાટ બાટલીઓ તો ત્યારે હતી નહિ. પણ કોફીના ‘બુંદ’ તમારી નજર સામે પીસીને તેનો પાઉડર બનાવી આપનારી દુકાનો હતી. અને સાહેબ, શી એ તાજી દળેલી કોફીની સોડમ! તમે રસ્તાની બીજી બાજુ ચાલતાં હો તો ય તમારા નાક પર છવાઈ જાય! દૂધમાં કે દૂધ-પાણીમાં એ પાઉડર નાખીને ઉકાળવાનો. અને ગુજરાતીઓ ઢગલો ખાંડ ન નાખે એવું તો બને જ કેમ?

આજે તો સો-સવાસો રૂપિયાનું અને તેથી ય વધુ મોંઘુ પાન વેચનારી દુકાનો મુંબઈમાં ઠેર ઠેર. એ વખતે પાઈ-બે પાઈમાં પાન. સાવ બેઝિક : પાન પર કાથો, ચૂનો, કાતરેલી કે ટુકડા સોપારી, કાચી કે શેકેલી. માગો તો ઉમેરાય તમાકુ. બસ. પાનને ઝાઝા લાડ-કોડ નહિ. સાથે વેચાય દેશી બીડીની ઝૂડી. લાલ કે લીલા દોરાથી બાંધેલી. પછી આવી બ્રાન્ડેડ બીડી. પાતળા ગુલાબી કાગળ પર મોટા અક્ષરે નામ છાપ્યું હોય : શિવાજી બીડી, કે બીજું કોઈક. ‘ધોળી’ સિગરેટ તો ગોરા કે પારસી સાહેબ લોકો પીએ, મોંઘી દાટ! સિગરેટ કરતાં બીડીને સળગાવતાં વાર લાગે. એટલે દુકાનની બહાર સિંદરીનો ટુકડો બાંધ્યો હોય, એક છેડો સળગતો. એ છેડાને અડાડીને બીડી સળગાવવાની. આજે પણ ઝૂંપડપટ્ટીની કે તેની આસપાસની કોઈ દુકાનમાં આવી બળતી સિંદરી જોવા મળે ખરી. ભલે હવે બીડી કરતાં ‘ધોળી’નું ચલણ વધ્યું હોય.

અફીણીઓનો અડ્ડો પ્રખ્યાત ચિત્રકાર એમ.વી. ધુરંધરની પીંછીએ

આજે હવે જાહેરમાં તો જોવા ન મળે, પણ ઓગણીસમી સદીના મુંબઈમાં ઠેર ઠેર જોવા મળતી ‘ક્લબ.’ આ ક્લબ તે આજની માલેતુજારોની ક્લબ નહિ હો. આમ તો નાનકડો ઓરડો, બહુ બહુ તો બે. અને ત્યાં મળે ફક્ત એક જ ચીજ, અફીણ. ઘણાખરા આવનારા રોજિંદા ઘરાક. એક-બે આનામાં આખી રાત આ દુનિયાને ભૂલીને બીજી જ ભૂમિમાં ખોવાઈ જવાય. કોઈને હુક્કામાં ફાવે, કોઈને ચલમનો ધૂમાડો છાતીમાં ભરવાથી મોજ. કોઈ જીભ પર મૂકી ચગળ્યા કરે. જેને જે જોઈએ તે મળે અહીં. બારીઓ બધી જ બંધ. દરવાજો જાડા પડદાથી ઢાંકેલો. બહાર મોટી મૂછોવાળો ‘ભૈયો’ ચોકીદાર હાથમાં ડાંગ લઈને બેઠો હોય. અજાણ્યા-અનાગતને રોકીને પૂછપરછ કરે પછી જ જવા દે. અંદરનો કોઈ ઘરાક તોફાને ચડે કે પૈસા ચૂકવવામાં અડીબાજી કરે તો બાવડેથી પકડી કે ઘસડી બહારની ફૂટ પાઠ પર ફેંકી દે તેને. સાથે બંને પક્ષે ગાળોનો વરસાદ.

આજે તો હવે સાપ ગયા ને લીસોટા રહ્યા છે. પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાનાં મુંબઈમાં હતી ઈરાની કેફે કહેતાં હોટેલની. પણ એ અંગેની વાત હવે પછી. ત્યાં સુધી શંકરવિલાસ હોટેલમાં જઈ અડધી-અડધી કડક મીઠી પી નાખીએ.

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx 
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”, 27 ઓગસ્ટ 2022 

Loading

...102030...1,4091,4101,4111,412...1,4201,4301,440...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved