Opinion Magazine
Number of visits: 9458821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગટર અને ગુલાલ

સુરેશ જાની|Opinion - Opinion|10 May 2022

છી…છી… છી… આવી તે કાંઈ જુગલબંધી હોતી હશે?

હા! મૈસૂર શહેરમાં રહેતો એકસઠ વર્ષનો સૈયદ ઈશાક હમણાં જ નજીકની સુખી માણસોની સોસાયટીના બંગલાની ગટર સાફ કરીને ઘેર પાછો આવ્યો છે. એને ઘર કહેવું હોય તો કહેવાય. આમ તો એ રસ્તા પરની ઝૂંપડી જ છે. કાથીના ખાટલા પર એ ‘હાહ’ ખાતો બેઠો છે. પણ એનો થાક તો ઝૂંપડીની અંદર બેઠેલા માણસોને જોઈને ક્યારનો ય ઊતરી ગયો છે.

એની ઝૂંપડીની ઓરડીમાં ચારે બાજુ દેશભક્તોનાં ચિત્રો લટકે છે. બાજુના એક ઘોડામાં થોડીક ચોપડીઓ, દૈનિક અખબારો અને સામાયિકો પડ્યાં છે. ચાર જણા નીચે બીછાવેલી જાજમ પર બેસીને ધ્યાનથી વાંચી રહ્યા છે. દિવાલ પરની એક માત્ર ટૂટલ ફૂટલ બારીમાંથી બાજુના ક્યારામાં ઈશાકે રોપેલા, ગુલાબના ચાર છોડની ઉપર લાલ અને ગુલાબી રંગનાં ગુલાબ હવાની લહેરખીઓ સાથે ઝૂલી રહ્યાં છે.

આ દૃષ્યની કલ્પના ગંદું કામ કરતા ઈશાકને પાંચ વર્ષ પહેલાં આવી હતી. ગંદકી સાફ કરવામાં  જ તો એની કમાણી હતી ને? માંડ પેટિયું રળતા એના બાપે એ બે છેડા ભેગા કરવા ઈશાક દસ વર્ષનો થયો ત્યારથી, નજીકના ચાના ગલ્લા પર કામે લગાડી દીધો હતો. એની આખીયે જુવાની આમ છૂટક કામ કરતાં પસાર થઈ ગઈ હતી. ભણી ન શકવા માટે ઈશાકને હમ્મેશ અફસોસ થતો. પણ હવે પાકા ઘડે કાંઠા શી રીતે ચઢે? આખા દિવસની કમરતોડ મજૂરી પછી, બે અક્ષર શીખવાની હામ એ શી રીતે લાવે?

પણ ૨૦૧૧ની સાલમાં રમઝાનના રોજા કરતાં એના મગજમાં ગેડ બેસી ગઈ. ‘ભલે હું ભણ્યો નથી, પણ મારી ઝૂંપડીમાં લોકો આવે, કાંઈક વાંચે અને એ વાંચેલી વાતો મને કહે તો આ ગંદી ગોબરી ઝૂંપડી બેહિશ્તની જેમ ઝળહળી ઊઠે.’

પછીના રવિવારે ઈશાક થોડેક દૂર ભરાતી ગુજરીમાં પહોંચી ગયો, અને ચોપડીઓ વેચતા એક પાથરણાવાળા પાસેથી ચાર ચોપડીઓ પાણીનાં મૂલે ખરીદી લાવ્યો. ભંગારવાળા પાસે લોખંડની પટીઓનો જૂનો ઘોડો પણ સાવ સસ્તામાં મળી ગયો. પસ્તીવાળાની દુકાનેથી થોડીક બીજી ચોપડીઓ વજનના ભાવથી ખરીદી લીધી. એની ઝૂંપડીની પાછળ જ આવેલા બંગલાવાળી શેઠાણીએ થોડાંક જૂનાં છાપાં સાવ મફતમાં આપી દીધાં. એમ જ બીજાં થોડાંક છાપાં શનિવારે જે બંગલામાં એ ગટર સાફ કરીને આવ્યો હતો, એ શેઠે રાજી ખુશીથી આપી દીધાં – કચરો ઓછો કરવા જ તો !  એમાંથી ‘મેગેઝિન’ વિભાગનાં આકર્ષક અને રંગીન પાનાંની થોકડીઓ ઈશાકે જૂદી પાડી દીધી.

અને બાપુ! ઇશાકની લાયબ્રેરી ચાલુ થઈ ગઈ. રસ્તા પરથી મળી આવેલા એક મોટા ખોખાને વાળીને એની ઉપર ચાકથી લખી દીધું …

‘સૈયદ પબ્લિક લાયબ્રેરી’

થોડી વારમાં તો બાજુનાં ઝૂંપડાંવાળા આ નવું કૌતૂક જોવા ભેગા થઈ ગયા. એમને ‘સલામ આલેકૂમ’ કરી સૈયદે ઝૂંપડીમાં આવવા કહ્યું. ચાર જણા અંદર આવીને બેઠા પણ ખરા. એમણે છાપાંઓનાં મેગેઝિનમાંથી વાર્તાઓ વાંચવા માંડી. એકે એક રમૂજી વાર્તા ઈશાકને વાંચી સંભળાવી.

ઈશાકની એ રવિવારી સાંજ સુધરી ગઈ.

બસ … એ ઘડીથી ઈશાકની ‘પબ્લિક લાયબ્રેરી’ ધમધોકાર ચાલવા માંડી. એક દિલદારે વારંવાર ઊડી જતા પૂંઠાના પાટિયાની જગ્યાએ એક સરસ બોર્ડ ચીતરાવી દીધું. ઈશાકની લાયબ્રેરી સવારના છથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી હોય છે – અઠવાડિયાના સાતે સાત દિવસ અને … બાવને બાવન અઠવાડિયા માટે !

બંગલાઓમાં ઊભરાતી ગટર અને પાઈપો સાફ કરી આપવાનું કામ કરતા ઈશાકને કામ મળે ત્યારે ૩૦૦ – ૪૦૦ રૂપિયા તો સહેજમાં મળી જાય છે. કામ ન મળે ત્યારે કડિયાકામ કે મકાન ધોળવા કે રંગવાનું કામ ચાલતું હોય ત્યાં મજૂરી કરી ઈશાક રોજની કમાણી કરી લે છે.

ઈશાકની લાયબ્રેરીમાં ‘ખાનદાન’ કહી શકાય એવી તો ચાર જ ચોપડીઓ છે! ગુજરી બજારમાંથી કેટલા માન સાથે તેણે એ ખરીદી હતી? એમાંની એક કન્નડા ભાષાના રાષ્ટ્રકવિ ગણાતા ‘કુવેમ્પુ’ની કવિતાઓની છે. ઈશાક એમાંનો એક શબ્દ પણ વાંચી શકે તેમ નથી. માંડ માંડ એ ‘કુવેમ્પુ’ શબ્દ પર મમતાથી આંગળી ફેરવી એ મહાન કવિને સલામ ભરી લે છે. મીઠી, મધુરી કન્નડ ભાષાનું એને ગજબનું વળગણ છે.

આ પાંચ વર્ષ પછી ઈશાક વરસે પાંચેક હજાર રૂપિયા આ કામ માટે ખર્ચે છે. એ કોઈનું દાન લેતો નથી. પણ કોઈ ચોપડીઓ દાનમાં આપે તો હરખથી સ્વીકારી લે છે. એને મન ચોપડીઓ ‘પાક’ ઝવેરાત છે.

ઈશાકનું ‘પાક’ સ્વપ્ન છે – ’કોઈક દિવસ પાકી ઈંટોવાળા મકાનમાં લોખંડના ચમકતા કબાટોમાં ઢગલાબંધ ચોપડીઓ ભરેલી હશે. બે ટેબલની આજુબાજુ ડઝન જેટલી ખુરશીઓ હશે, અને ઉપર વીજળીનો પંખો ઠંડી હવા ફેંકતો હશે.’

ઈશાક કહે છે, ‘ભણતર બહુ મોટો ખજાનો છે. ભલે મારા નસીબમાં એ નથી. પણ આટલું કરીને મને સંતોષનો નાનકડો ખજાનો મળી ગયો છે.’

ઈશાકની ઝૂંપડી નાની છે, પણ એનું દિલ વિશાળ છે. ૧૦,૦૦૦ માણસોની એ ગંદી બસ્તીમાં ઈશાકની આ મદ્રેસાની સુવાસ એ ગુલાબની સુવાસને આંટી મારી દે તેવી છે. લોકોને મફતમાં અને નજીકમાં વાંચવાની સગવડ કરી આપી, ગટરિયા ઈશાકે ગમતાંનો ગુલાલ કર્યો છે.  

સાભાર –  ઐશ્વર્યા સુબ્રહ્મણ્યમ, બેટર ઇન્ડિયા

http://www.thebetterindia.com/83657/mysuru-drainage-pipe-cleaner-runs-free-library-house/

સંદર્ભ

http://bangaloremirror.indiatimes.com/news/state/read-a-book-in-this-hut-look-at-roses-through-its-windows/articleshow/56742380.cms

https://youtu.be/lJzDTmXTtAk

e.mail : surpad2017@gmail.com

Loading

છપ્પા સંગ્રહ ‘અંગ-પચીસી’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|10 May 2022

‘ધીરુ પરીખ છે મારું નામ, અક્ષર સાથે પાડું કામ’

અગ્રણી વિવેચક, સંપાદક અને કવિ ધીરુ પરીખની આજે પહેલી પુણ્યતિથિ છે. તેમનો છપ્પા-સંચય ‘અંગ-પચીસી’(‘કવિલોક’ પ્રકાશન,1986) મને ગમતાં પુસ્તકોમાંથી એક છે. અહીં કવિએ પચીસ વિષયો પર નર્મમર્મભર્યા છપ્પા રચ્યા છે, જે વાંચવામાં બહુ આનંદ પડે છે.

સંગ્રહના પ્રાક્ કથનમાં રાજેન્દ્ર શાહ આ કાવ્યોને ‘આપણા સમાજની અત્યારની અવસ્થા ઉપર આંગળી ચીંધામણ સમાં’ ગણાવે છે .‘અખાની પરંપરાને જાળવીને’ કવિએ કરેલાં હાસ્યકટાક્ષનો ઉપયોગનો ઉલ્લેખ કરીને કવિના આ સર્જન અંગે રાજેન્દ્ર શાહ એક મહત્ત્વનો મુદ્દો નોંધે છે: ‘એમણે પ્રતિકાવ્ય(પૅરડિ)નો આશ્રય લીધો નથી. આ એમનું મૌલિક પ્રદાન છે.’

કવિએ અંત્યાનુપ્રાસ સાથેની ત્રણ-ત્રણ પંક્તિનું એકમ સ્વીકાર્યું છે. દરેક અંગમાં આવાં પાંચ એકમ છે. પચીસ અંગોમાંથી કેટલાંક અંગોનું, આ લખનારને સહુથી ચોટદાર જણાયેલું, પ્રાસયુક્ત ત્રિપંક્તિ એકમ અહીં ટાંક્યું છે, જે તેના વિષય અને કવિની  ઝાંખી આપશે.

અક્ષર અંગ

એક હસ્તનું એવું ચેન,       કાગળ દેખી પકડે પેન,
પેન મહીંથી દદડે શાહી,     એને અક્ષર ગમતો ચાહી,
ટીપાં એમ સૌ ટોળે વળે,     પછી હસ્તને આખો ગળે

આચાર્ય અંગ

ઑફિસ મધ્ય બિરાજે જંત, સકલ આચરે એવો ખંત,
નીજનું પોત ન જુએ લગીર, પરનાં ધોવા નીકળ્યો ચીર
મુખથી વહેતો સૂક્તિ ધોધ, હૃદય મહીં ક્યાં કરવી શોધ

અધ્યાપક અંગ

ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઇડ મહીં ત્યાં બૂડે જ્ઞાન !

વિદ્યાર્થી અંગ

ભણવું નામે ઊઘડ્યો દેશ, વસ્તીનો તોટો ન્હૈ લેશ;
માંહોમાંહે બકતા હોડ :         ‘પુસ્તકિયા દુનિયાને છોડ’.
થોડાં વર્ગે ઝાહા બહાર, વિદ્યાર્થી કોણ ઊતર્યું પાર ?

કલાકાર અંગ

એક જીવ આ ભમતો ફરે, ચિત્ત એનું તો ક્યહીં ન ઠરે :
કલા કાજ લીધો અવતાર, હું છું એનો તારણહાર’.
પતંગિયાને ફૂલ નહિ એક, રંગ રંગ પર ઊડણ-ઠેક.

તંત્રી અંગ

થઈ બેઠો મોટો તંત્રી :        ‘હું સહુનો સાચો સંત્રી’.
ખટ્ટ ખટાખટ બોલે યંત્ર, રોલર-કૂખથી પ્રસવે મંત્ર,
ફાવે તે લખવાની છૂટ,        સોયનાકેથી કાઢે ઊંટ
.

પ્રકાશક અંગ

અક્ષરની દુનિયાનો દેવ, અક્ષર પાડ્યાની ક્યાં ટેવ?
અક્ષરનાં થોથાં એ કરે, થોથાંથી તો હાટ જ ભરે,
લખનારો ત્યાં આવે જાય, મંદિરમાં જ્યમ જન ઉભરાય.

સેવક અંગ

એક જીવના એવા ઢંગ,  કાચિંડો જ્યમ બદલે રંગ,
રંગ બદલતો મન હરખાય,  ના કોઈનાથી એ પરખાય,
’સેવક સેવક’ સહુ કો કહે, મનથી ઝાઝું તન લહલહે.

ડૉક્ટર અંગ

વસંત દર્દોની લહેરાય,  હરખ વૈદ્યનો ખિસ્સે માય !
’મડદાં ચીર્યાં એ ભૂતકાળ’,   તબીબ વિચાર છે તત્કાળ:
’પ્રગતિ સાચી તો જ ગણાય,    જો જીવતાંને ચીરતો થાય.’

રાજકારણી અંગ

કંજ-કાનને ભમતો ફરે,        ભૃં ભૃં કરતો ડોઝું ભરે,
ઘડીમાં અહીં તો ઘડીમાં તહીં, મર્કટને તરુ નિજનું નહીં,
દિશા બદલતી ડુગડુગી વાય, ગુલાંટ ખાતો એ ગમ ધાય.

પ્રધાન અંગ

એક ઈસમનો અક્કડ વેશ,     ખુરશી દેખી ઢીલો ઘેંશ,
’ખુરશી મા ને ખુરશી બાપ’,    રૂંવે રૂંવે એ જપતો જાપ,
પહોંચ્યો ખુરશીની જ્યાં કને   માણસ મટીને મતીરું બને.

નગર અંગ

ઝાઝાં રસ્તા ઝાઝાં ધામ, ધામથી ઝાઝાં માણસરામ,
માણસરામની હડિયાદોટ, પગને ક્યાં પગલાંની ખોટ ?
ખોટ હોય તો કેવળ એક, પચી’ કલાકનો દિન ના છેક !

વિવેચક અંગ

એક જંતનો એવો તંત:        વાંચું તેનો આણું અંત’.
ઘૂમે કાગળિયે મેદાન,         વ્યંઢળ ને વળી કાઢી જાન !
કલમ સબોડે પાડે ત્રાડ, ખીલીથી ખોતરવો પ્હાડ !

નીજ અંગ

ધીરુ પરીખ છે મારું નામ, અક્ષર સાથે પાડું કામ,
કામ કામથી કાગળ ભરું,  જળ વિનાની સરિતા તરું,
અક્ષર નામે લખતો ઘણું, પ્રગટે જો કંઈ પોતાપણું !

અહીં ટાંકેલાં પંદર અંગો ઉપરાંતના અંગો છે : વિદ્યા, ક્રાન્તિકાર, શહીદ, માણસ, વ્યક્તિત્વ, સત્તા, વેપારી, લોકશાહી, ખુશામદ અને રૂપિયા.

બધા વિષયોના બધા છપ્પા જામે જ છે એવું નથી. ક્યારેક વિષય બરાબર ઉપસતો નથી, તો ક્યારેક ભાષાકર્મની કૃતકતા જણાય છે.

પણ આપણા એક તત્ત્વચિંતક, તેજસ્વી અને છતાં હસતા કવિના પગલે ચાલીને, હાસ્ય-કટાક્ષ સાધવો, અને તે ય પદ્યમાં – એ મોટો પડકાર છે. ધીરુભાઈએ તે ઝીલ્યો છે.

તેમના છપ્પા પ્રાસ સાથે, હસતા-હસતા આપણને આપણી આસપાસના પાત્રો સાથે, સાંપ્રત સાથે જોડે છે.

ગુજરાતી સાહિત્યપરિષદના પરિસરમાં આવેલ ‘ગ્રંથવિહાર’ પુસ્તકભંડારના ઉદ્દઘાટનદિને 2014ની ગાંધી જયંતીએ મળેલું આઠ રૂપિયાની કિંમતનું આ નાનકડું પુસ્તક મારા પુસ્તકસંગ્રહની અમૂલ્ય જણસ છે.

09 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મન્તવ્ય-જ્યોત — 3

સુમન શાહ|Opinion - Opinion|9 May 2022

આ મન્તવ્ય-જ્યોત અને સાહિત્યદીપ પ્રજ્વલિત રહે ને પ્રકાશ વધુ ને વધુ પ્રસરે એવી આશા છે.

જ્યોત ૩ : વાણી અને લેખન :

આપણા પ્રાચીનોએ ‘વાચા’ ‘વાણી’ કે ‘વાક્’-નો ઘણો મહિમા કર્યો છે. ‘સંસ્કૃતા વાક્’ તે ‘સંસ્કૃત’ એમ કહેવાયું છે. કાલિદાસે વાક્ અને અર્થની સમ્પૃક્તિની વાત કરી છે.

વાક્ એટલે અંગ્રેજીમાં ‘સ્પીચ’. પ્લેટોએ, રૂસોએ કે સંકેતવિજ્ઞાની સૉસ્યૂરે એમની આગવી રીતેભાતે વાક્-નો મહિમા કર્યો હતો.

વાક્-ને વિશેના મહિમાને આજે વિદ્વાનો phonocentrism સંજ્ઞા હેઠળ વર્ણવે છે. એમાં ‘ફોનો’ તે અવાજ, ધ્વનિ, શ્રુતિ. મહિમા કેવોક દર્શાવે છે? એ જ કે વાક્ અથવા વાણી ભલે પ્રાથમિક છે પણ લખાણથી તો ચડિયાતી છે. કહે છે કે વિચારો ભાવો વગેરેને બીજા લગી પ્હૉંચાડવા માટેની પાયાની સંક્રમણપદ્ધતિ લખાણ નથી, પણ વાણી છે. કેમ કે લખાણ, વાણીને અનુસરવાનો કૃતક ઇલાજ છે. બોલાયું હોય તેને આ કે તે લિપિમાં 'ચિહ્નિત' કે ‘અંકિત’ કરીએ છીએ, એટલું જ ! લિપિ તો ચિત્રો છે, લીટાળા છે.

મનુષ્ય ધૂળ પર આંગળીથી ચીતરતાં શીખ્યો હશે, પોતાનું બોલ્યું લખતાં પણ શીખ્યો હશે. તાલપત્ર તામ્રપત્ર કે શિલા પર લખવા માંડ્યો હશે. લિપિ નક્કી થઇ હશે. કોઈ કાળે પાઠશાળાઓ શરૂ થઈ હશે. પાટી-પૅણ કાગળ-કલમ શાહી-ઇન્ડિપેન ને પેન્સિલ-રબરની શોધ થઇ હશે. છેલ્લે, ટાઇપરાઇટર શોધાયું ને માણસ ટાઇપ કરતાં શીખ્યો. આજે તો એ કમ્પ્યૂટર પર ઝટપટ ટાઇપિન્ગ કરે છે.

પણ નૉંધો કે આ બધા જ પ્રસંગોમાં એ લ-ખ-તો હતો, લ-ખે છે.

તાત્પર્ય, મનુષ્યવાણી હવે લેખન બની છે. લેખનતન્ત્ર માનવસભ્યતામાં બહુ મોટો પ્રગતિ-પડાવ છે. તેમ છતાં, વાણીના હિમાયતીઓ એ પ્રગતિને શંકાની નજરે જુએ છે. કેમ કે લખાય છે ભાષામાં એટલે બધું logocentric બની જાય છે. ‘લૉગો’ અથવા ‘લૉગોસ’ એટલે વાણી નહીં પણ ચિહ્નો, પ્રતીકો, લિખિત શબ્દો. દેરિદાએ આખી યુરોપીયન સભ્યતાને લૉગોસેન્ટ્રિક કહી છે વૉલ્ટર ઑન્ગ અમેરિકન સંસ્કૃતિને નૉન-ફોનોસેન્ટ્રિક કહે છે.

આમ, મનુષ્ય આજે વાણી અને વાણીના ગુણોની તુલનાએ લેખન અને લેખનની વ્યવસ્થાઓમાં વધારે વ્યસ્ત છે – એ કમ્પૂટર લૅન્ગ્વેજીસ ઘડવા લગી પ્હૉંચી ગયો છે.

માબાપો સન્તાનોને પહેલું તો લખતાં-વાંચતાં શીખવે છે, કક્કો-બારાખડી પહેલી શીખવે છે. માબાપો માને છે કે બેબીને બોલતાં કે બાબાને બોલાયેલું સાંભળતાં નહીં આવડે કે પછીથી આવડશે, તો ચાલશે.

સાહિત્ય પણ લેખન બની ગયું છે. કાવ્યનું કવન, કથાનું કથન કે નાટકનું મંચન થાય એ પહેલાં, એ લખાય છે. સાહિત્યકારો લખ્યે રાખે છે, સાહિત્યને પુસ્તકોમાં બાંધ્યે જાય છે. સાહિત્યકારો લખેલું વાંચે પણ છે.

ખરેખર સાહિત્યકારોએ વધારે ધ્યાન શેના પર આપવું જોઇએ? લેખન પર કે વાણી પર? શેને મુખ્ય ગણવું જોઇએ – લેખનને કે વાણીને?

વિચારીશું.

= = =

(May 8, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,4001,4011,4021,403...1,4101,4201,430...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved