Opinion Magazine
Number of visits: 9671274
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇસ્લામ એની જગ્યાએ સુરક્ષિત છે, મુસલમાન સુરક્ષિત નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|11 September 2022

સલમાન રશ્દી પર હુમલો થયો એ પછી હું આતુરતાથી રાહ જોતો હતો કે એ જઘન્ય ઘટનાની ભારતમાં અને વિશ્વમાં કેટલા મુસલમાનો નિંદા કરે છે, અને જો કરે છે તો કેવી રીતે કરે છે. મારી જેમ તમે પણ નોંધ્યું હશે કે ભાગ્યે જ કોઈ પ્રતિષ્ઠા અને વગ ધરાવનારા મુસલમાનોએ એ ઘટનાની નિંદા કરી હશે. ‘ધ ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સેક્યુલર ડેમોક્રસી’ નામના જૂથે નિવેદન બહાર પાડીને એ ઘટનાની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરી હતી, પણ એમાં એવા લોકો છે જેની કોઈ મોટી ઓળખ નથી અને આમ મુસ્લિમ સમાજ સાથે તેમનો ખાસ સંબંધ નથી.

શા માટે?

એક કારણ એવું આપવામાં આવે છે કે તેઓ ઢોંગી છે. જે દેશમાં મુસ્લિમ લઘુમતીમાં હોય એ દેશ સેક્યુલર હોવો જોઈએ અને જ્યાં મુસ્લિમ બહુમતીમાં હોય ત્યાં એ દેશ ઇસ્લામિક હોય અને વિધર્મીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોય તો તેની સામે તેમને કોઈ વાંધો નથી. તેમની સેક્યુલરિઝમ પરની નિષ્ઠા સ્વાર્થપરક પસંદગીની છે. વિશ્વભરમાં મુસ્લિમ વિચારકો અને વગદાર મુસલમાનોનું વલણ જોતાં આમ માનવાને કારણ છે. પણ તેઓ આવું વલણ શા માટે અપનાવે છે અને તેની પાછળની તેમની મજબૂરી શી છે એ સમજવાની આપણે કોશિશ નથી કરતા. તેમની મજબૂરી એ છે કે માનવતાના પક્ષે ઊભા રહેવા માટે, વિવેકના પક્ષે ઊભા રહેવા માટે, બુદ્ધિગમ્યતાના પક્ષે ઊભા રહેવા માટે, આધુનિક જરૂરિયાતના પક્ષે ઊભા રહેવા માટે  તેમણે પ્રમાણો તો ઇસ્લામમાંથી શોધવાં પડે છે. તેઓ ઇસ્લામના ધર્મવચનો અને પ્રણાલીઓનો સહારો લઈને પ્રત્યેક મુસલમાન આધુનિક સેક્યુલર અને ઉદારમતવાદી બને એવો પ્રયાસ કરતા જ રહે છે. આમ કરવામાં તેમની મજબૂરી એ છે કે પ્રમાણ કે પ્રકાશ ઇસ્લામમાંથી જ એટલે કે શરિયત(કુરાન અને હદીસ)માંથી મળવાં જોઈએ.

પરમ કૃપાળુ ભગવાને સમયે સમયે માનવજાતના ઉદ્ધાર માટે અનેક પેગંબર મોકલ્યા હતા. એ પેગંબરોએ જે તે પ્રજાના ઉદ્ધાર માટે માર્ગ કંડારી આપ્યો હતો અને એ માર્ગે લોકો ચાલ્યા હતા. એ પછી ભગવાનને લાગ્યું હતું કે વિવિધ પેગંબરોએ જે ઉપદેશ આપ્યા છે અને જે માર્ગ બતાવવામાં આવ્યા છે એમાં અનેકવિધતા છે, એકવાક્યતા નથી અને વિરોધભાસો છે. એટલે પરમ કૃપાળુ ઈશ્વરે મહમ્મદને પેગામ (સંદેશ) લઈને પેગંબર તરીકે મોકલ્યા હતા અને મહમ્મદ દ્વારા કહેવડાવ્યું હતું કે આ આખરી પેગામ છે, મહમ્મદ આખરી પેગંબર છે, આ વખતનો પેગામ મીનમેખ વિનાનો સંપૂર્ણ છે, વિશ્વની દરેક પ્રજા માટે એટલે કે સકળ સંસાર માટે છે, અત્યારની અને આવનારી પેઢીઓ માટે છે, એ પેગામને અનુસરવામાં કોઈ મીનમેખ ન થાય એમાં મુસલમાનનું કલ્યાણ છે. (આનો અર્થ એ થયો કે જો મીનમેખ કરવામાં આવશે તો મુસલમાનનું અહિત થશે અને મીનમેખ કરનાર પાપી ગણાશે.)

આ ઇસ્લામનો હાર્દ છે. દરેક મુસલમાન ઈબાદત વખતે આ પઢે છે. ૧૪૦૦ વરસથી આ પઢતો આવ્યો છે એટલે આ ધારણા તેમના જીવનનો હિસ્સો બની ગઈ છે. સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય, માનવીય-અમાનવીય, હિત-અહિત બધું જ ઈસ્લામને અનુસરવામાં અને નહીં અનુસરવામાં છે. ઇસ્લામ સંપૂર્ણ ધર્મ છે, આખરી ધર્મ છે અને મહમ્મદ આખરી પેગંબર છે એટલે હવે તેને નિઃશંક બનીને અનુસરવા સિવાય મુસલમાનો પાસે બીજો વિકલ્પ નથી. ઊલટું જે લોકો હજુ મુસલમાન નથી થયા તેમને મુસલમાન બનાવીને સાચા માર્ગે લઈ આવવા એ મુસલમાનનું કર્તવ્ય છે. સંસારના દારુણ દોજખનો અંત ત્યારે આવશે જ્યારે સંસાર ઇસ્લામનો ઈમાનદારીથી સ્વીકાર કરશે. સરેરાશ મુસલમાન આમ પ્રામાણિકતાથી માને છે, તેઓ આમાં કરુણાભાવ ધરાવે છે અને આપણે તેમની પ્રામાણિકતાનો સ્વીકાર કરવો જોઈએ. ૧૪૦૦ વરસથી આ માન્યતા સાથે તે જીવતો આવ્યો છે.

પણ આ તો મુસલમાનની પેગંબરચિંધ્યી માન્યતા થઈ. ઇસ્લામ ધર્મનો પાયાનો સિદ્ધાંત થયો. ઇસ્લામની ઈમારતનો પાયાના પત્થર થયો. પણ વાસ્તવિકતા આનાથી ઊલટી છે. વાસ્તવિકતા એ છે કે જગતના બીજા તમામ ધર્મોની માફક ઇસ્લામ પણ સ્થળ અને કાળની મર્યાદાઓથી ગ્રસ્ત છે. જગતમાં એવું ઘણું બની રહ્યું છે જેના વિશેના ખુલાસા ઇસ્લામમાં મળતા નથી. બીજી વાસ્તવિકતા એ છે કે છેલ્લા ૧૪૦૦ વરસ દરમ્યાન ઇસ્લામ ધર્મની ઈમારતમાં પણ ઘણી ક્ષતિઓ પ્રવેશી છે. આખરે જે લોકો ધર્મ સાથે કામ પાડે છે એ મૌલાનાઓ અને આલિમો અંતે તો માણસ હતા અને છે. ૧૪૦૦ વરસ દરમ્યાન તેમણે તેમની મર્યાદાઓ અને સ્વાર્થો ઇસ્લામની ઈમારત ઉપર મઢ્યાં છે.

હવે સ્થિતિ જુઓ. મારી દૃષ્ટિએ કરુણ છે. જગતભરમાં મુસલમાનો ઉપર કહી એમાંની પહેલી વાસ્તવિકતાનો સ્વીકાર કરતા નથી, પણ બીજીનો કરે છે. ઇસ્લામ ધર્મ સંપૂર્ણ છે, પણ તેની સાથે કામ પાડનારાઓ અધૂરા છે. આનું પરિણામ એ આવ્યું અને જે તમે જોતા પણ હશો કે મુસલમાનોમાં આપસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. જે ધર્મ અભડાઈ જ ન શકે એ ધર્મને અભડાવવાની ચેષ્ટા કરી કોણે? ઇસ્લામની ચિંતા નથી, એ તો સંપૂર્ણ ધર્મ છે, એ કોઈ પણ સંજોગોમાં અભડાવાનો નથી; પણ તેને અભડાવવાની ચેષ્ટા કરનારને ક્ષમા ન હોય. આમ જગતમાં, ખાસ કરીને મુસ્લિમ બહુમતી દેશોમાં મુસલમાનો એકબીજાને ત્રાજવે તોળે છે અને દંડે છે. ઇસ્લામ એની જગ્યાએ સુરક્ષિત છે, મુસલમાન સુરક્ષિત નથી. ઈસ્લામને નહીં સમજનારા, શરિયતનાં શબ્દાર્થ (અભિધા) છોડીને વ્યંજના દ્વારા પહોળા અર્થઘટન કરનારા, ઈસ્લામને નામે પોતાનો સ્વાર્થ સાધનારા, ઇસ્લામની તોહીન કરનારા, ખુદા અને પેગંબરનું અપમાન કરનારા, નવા ચીલા પાડનારા, ખુદા કે પેગંબરની બરાબરી કરનારા, પોતાને ઇસ્લામના ઈમામ તરીકે સ્થાપનારાઓ ક્ષમાને પાત્ર નથી. મુસ્લિમ વિશ્વમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. સરેરાશ રોજ સો મુસલમાન મુસલમાન દ્વારા મરી રહ્યા છે.

ઇસ્લામરૂપી સૂર્ય તો એની જગ્યાએ સ્થિર છે અને ઝળહળી રહ્યો છે, સૂર્યપ્રકાશને અવરોધનારાઓ મોટી સંખ્યામાં પેદા થયા છે અને એમાંના મોટા ભાગના મુસલમાનો છે. માટે મુસલમાન પાપી મુસલમાનને મારે છે. પાપી પાપી છે કે નહીં તેનો ફેંસલો તે પોતે જ કરી લે છે. સવાલ એ છે કે ખુદાએ પોતે માનવના કલ્યાણની ચિંતા કરી હતી અને તેને એમ લાગ્યું હતું કે માણસને આખરી અને કાયમી રાહ બતાવી દેવો જોઈએ તો પછી એ માર્ગના પ્રવાસીઓ ભટકી કેમ પડ્યા? બીજા અધૂરા ધર્મના અનુયાયીઓ ભટકી પડે એ તો સમજી શકાય એમ છે, સંપૂર્ણ ધર્મના અનુયાયીઓ કેમ ભટકી પડ્યા? તો શું ઇસ્લામ પણ અપૂર્ણ છે? ઇસ્લામ સ્થળ અને કાળના પ્રશ્નોને હાથ ધરવામાં પાછો પડે છે? ખાસ કરીને આધુનિક યુગમાં જે નવા વિશ્વે આકાર લીધો છે એના પ્રશ્નો હાથ ધરવામાં ઇસ્લામ પાછો પડે છે? આધુનિક યુગમાં જગતે જે નવાં મૂલ્યો અપનાવ્યાં છે એ ઇસ્લામ-વિસંગત છે? પણ મુસલમાનને ઇસ્લામ તરફ નજર કરવાની મનાઈ છે અને એ મનાઈ મુસલમાનોએ આત્મસાત કરી લીધી છે.

મુશીરુલ હસને ભારતીય રાષ્ટ્રવાદ અને ભારતીય મુસલમાનો ઉપર અંગ્રેજીમાં જે પુસ્તક લખ્યું છે તેમાં ઉલ્લેખ છે કે ૧૯૧૧થી ૧૯૫૧ના ચાર દાયકામાં મૌલવીઓએ ૧,૪૭,૦૦૦ ફતવાઓ બહાર પાડ્યા હતા. ૪૦ વરસમાં દોઢ લાખ ફતવા? મેં હિસાબ માંડ્યો તો રોજના સરેરાશ દસ ફતવા. અહીં ફતવા શું છે એ સમજી લઈએ. વર્તમાનમાં જીવનારા મુસલમાન સામે વર્તમાનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય અને શરિયતમાં તેનો કોઈ દેખીતો જવાબ ન મળતો હોય તો એક સાચા મુસલમાન તરીકે તેણે શું કરવું? હવે તેના મનમાં આવી દુવિધા પેદા થઈ છે તો તેનાં બે કારણ છે. એક તો એ કે એક સાચા મુસલમાન તરીકે તે ઇસ્લામના માર્ગથી વિપરીત જવા માગતો નથી. બીજું કારણ એ છે કે તે ઈસ્લામને ત્રાજવે એકબીજાને તોળનારાઓ અને દંડનારાઓથી ડરે છે. જોખમ ઉઠાવવા કરતાં મૌલવીની સલાહરૂપી પ્રમાણપત્ર મેળવવું વધારે સારું.

હવે મુશીરુલ હસને ૧૯૧૧-૧૯૫૧નો ફતવાનો જે આંકડો આપ્યો છે એનાં સુચિતાર્થ તપાસો : એક. રોજ સરેરાશ દસ મુસલમાનોને જે તે બાબતને લઈને શરિયતમાંથી જબાવ નથી મળતો. અને આ તો ભારતીય મુસલમાનોનો આંકડો છે અને સો વરસ પહેલાનાં યુગનો આંકડો છે. આજના યુગમાં ભારતમાં અને જગતમાં કેટલા મુસલમાનો આવું ધર્મસંકટ અનુભવતા હશે? આટલી મોટી સંખ્યામાં જો મુસલમાનોને શરિયતમાંથી જવાબ ન મળતો હોય તો વિવેકી મુસલમાનોએ વિચારવું જોઈએ અને કબૂલ કરવું જોઈએ કે ૧૪૦૦ વરસ દરમ્યાન દુનિયા એટલી આગળ નીકળી ગઈ છે જેની કલ્પના ઇસ્લામના પેગંબરે નહોતી કરી. બે. કોઈક કોઈક જગ્યાએ શરિયત ચૂપ હોવા છતાં મૌલવીઓ તેમાં સાંપ્રત સંદર્ભમાં જરૂરિયાત મુજબ અર્થ ભરીને તેને બોલતી કરે છે અને પછી વિવિધ અર્થઘટનો વચ્ચે ધીંગાણાં થાય છે. આમાં કયું ડહાપણ છે?

પણ પહેલ કોણ કરે? ઇસ્લામની સંપૂર્ણતા, તેની સર્વોપરિતા, તેની સર્વકાલીનતા અર્થાત્ તેની સ્થળ-કાળ નિરપેક્ષતા, તેની સાર્વભૌમિકતા વિષે શંકા કરવાની મનાઈ છે. માટે વિચારશીલ મુસલમાનોએ મૂલ્યોની વકીલાત કરતી વખતે શરિયત પાસે જવું પડે છે. ઇસ્લામનો હવાલો આપ્યા વિના કોઈ મૂલ્ય સ્વયંસિદ્ધતા અને પ્રાસંગિકતા ધરાવતા નથી. મૂળભૂત માનવીય મૂલ્ય મૂળભૂત રીતે માનવીય છે અથવા કોઈ ચીજ સાંપ્રત યુગમાં પ્રાસંગિક છે, મુસલમાનો માટે હિતકારી છે એટલે કોઈ પણ પ્રકારનાં પુષ્ટિનાં પ્રમાણો આપ્યા વિના કે માગ્યા વિના તેનો સ્વીકાર થવો જોઈએ એમ કહેવું વિવેકી મુસલમાનો માટે મુશ્કેલ પડે છે.

પણ તો પછી આનો ઉપાય શો? ઉપાય તો દેખીતો છે પણ તે મુસલમાનોએ જ અપનાવવો પડશે. મૂલ્યોને અને આધુનિક યુગનાં કેટલાંક હિતકારી તત્ત્વોને ઇસ્લામનિરપેક્ષ અભિગમ અપનાવીને અપનાવવાની વકીલાત કરવામાં આવે. આ રીતે જોતાં મને ‘ધ ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સેક્યુલર ડેમોક્રસી’એ બહાર પાડેલા નિવેદનમાં એક વાત ગમી. નિવેદન ઉપર સહી કરનારાઓ ભલે વગદાર મુસલમાન નથી પણ, તેમણે સહિષ્ણુતાના મૂલ્યને શરિયતનાં વચનોનો હવાલો આપ્યા વિના કે એવો કોઈ પ્રયાસ કર્યા વિના એક સ્વયંસિદ્ધ મૂલ્ય તરીકે સ્વીકારવાની હિમાયત કરી છે. તેમને આવી પહેલ માટે સલામ. હવે પછી બીજાં મૂલ્યોની પણ આ રીતે હિમાયત થવી જોઈએ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 સપ્ટેમ્બર 2022 

Loading

ટૂંકમાં (૭) : શબ્દભંડોળ અને અર્થચ્છાયા :

સુમન શાહ|Opinion - Literature|10 September 2022

ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે પોતાની નવલકથામાં સરજેલા માકોન્ડો ગામમાં અનિદ્રાનો રોગચાળો ફેલાય છે. લોકો ઊંઘી નથી શકતા. ઉજાગરા ને જાગરણ. એનું દુષ્પરિણામ એ આવે છે કે લોકોની યાદદાસ્ત જતી રહે છે.

સામુદાયિક સ્મૃતિભ્રંશનો એ દાખલો બહુ સૂચક છે. સ્મસ્ત પ્રજા બધું ભૂલવા માંડે છે ત્યારે ક્રમશ: દિશાહીન થઈ જતી હોય છે.

આજે દેશના જ્ઞાનજગતની દશા લગભગ એ જ થઈ છે. આ સ્મૃતિભ્રંશ એટલે ભૂતકાલીન વારસાનું વિસ્મરણ. સંસ્કૃત પરમ્પરાનું બલકે સમગ્ર ભારતીય જીવનદર્શનનું વિસ્મરણ. આ સ્મૃતિભ્રંશ એટલે ભવિષ્યાભિમુખ નવ્ય વિચારધારાઓનું વિસ્મરણ. છેલ્લા અર્ધશતક દરમ્યાનના પશ્ચિમ સાથેના દાર્શનિક અને સાહિત્યિક અનુબન્ધોનું વિસ્મરણ.

સામાન્ય લોકોની વાત જુદી છે પણ બૌદ્ધિકો, બુદ્ધિજીવીઓ, અને ખાસ તો સમકાલીન સાહિત્યકારો કેટકેટલું ભૂલી રહ્યા છે. બહુ ઓછાઓને કાન્ટ કે સાર્ત્રમાં રસ છે. તૉલ્સતોય, ચેખવ, શેક્સપીયર કે કામૂની સૃષ્ટિઓમાં અવારનવાર હરફર કરનારા કેટલા? ભવભૂતિ કાલિદાસ બાણ કે શ્રીહર્ષની સૃષ્ટિઓની વાત કરનારા અને તેને સાંભળનારા કેટલા?

“નાટ્યશાસ્ત્ર”-ના રચયિતા ભરત મુનિથી માંડીને ‘રમણીયાર્થ’ પ્રતિપાદક શબ્દને કાવ્ય કહેનારા “રસગંગાધર”-ના રચયિતા જગન્નાથ સુધીનું કાવ્યશાસ્ત્ર યુનિવર્સિટીઓમાં યથાસંભવ ભણાવાય છે. પણ સૅમિસ્ટર સિસ્ટમમાં તેમાં કેટલો ભલીવાર આવતો હશે તે તો કોઈ સન્નિષ્ઠ અધ્યાપક જ કહી શકે. એના પીએચ.ડી.-પદવીધારીઓ મળે છે, વિકિપીડિયા પર કે અન્ય પ્લૅટફૉર્મ્સ પર એની ઇધરઉધરની માહિતી મળે છે, પણ આજના કેટલા કવિઓ ત્યાં જતા હશે?

(જો કે એ માહિતી ખતરનાક નીવડી શકે એવી પણ હોય છે. એક સ્થળે મેં વાંચ્યું કે આધુનિક ગુજરાતી ગઝલોની શરૂઆત સુરેશ જોષીથી થઈ ! એમાં, શ્રીકાન્ત શાહને કે પ્રબોધ પરીખને ગઝલકાર ગણાવ્યા છે ! એમણે લખી હોય તો બરાબર, પણ મને ખાતરી છે કે નથી જ લખી.)

પાણિની કે પતંજલિ વિશે સમકાલીનો કેટલું જાણે છે? બહુ દૂર ન જઈએ પણ હરિવલ્લભ ભાયાણીનાં ભાષાસંશોધનને વરેલાં પુસ્તકોની કે ઊર્મિ દેસાઈએ લખેલા ગુજરાતી વ્યાકરણગ્રન્થની પણ વાત કોણ કરે છે? ભાષાવિજ્ઞાની પ્રબોધ પણ્ડિતનાં ગુજરાતી ભાષાને વિશેના પ્રદાનની કોને કેટલી ખબર છે? 

Luxembourg Palace, Paris

Pic courtesy : Exploring Our World

ભાષાનું વિજ્ઞાન એક મોટો મહેલ છે. જાણે પૅરીસનો લક્ઝમ્બર્ગ પૅલેસ. એમાં અનેક ઓરડા છે ને દરેક ઓરડાને અનેક બારીઓ છે. એમાં વસતા વર્તમાન વિદ્વાનો, મોટેભાગે પશ્ચિમના, જાણે રોજ નવી નવી બારીઓ ખોલી રહ્યા છે. પણ ગુજરાતમાં ભાષાના વિજ્ઞાનને કોઈ સૂંઘતું ય નથી. ખૂણે બેસીને કોઈ એમાં મચી પડ્યો હોય, તો હોય.

મહત્ત્વનો સવાલ એ છે કે કેટલી યુનિવર્સિટીઓમાં ભાષાવિજ્ઞાનનું ડિપાર્ટમૅન્ટ છે અને તેમાં કેટલા અધ્યાપકો છે, કેટલા વિદ્યાર્થીઓ છે. જે યુનિવર્સિટીઓમાં એ ડિપાર્ટમૅન્ટનો નાશ થયો, તેના પુનરાવતાર માટે કશું થયું કે કેમ એ પણ મોટો સવાલ છે.

સરેરાશ ગુજરાતી માણસ લુખ્ખો વ્યવહારુ હોય છે. એ એમ ક્હૅવાનો કે મારે તો મમ-થી કામ છે, ટપ-ટપથી નહીં. સર્જકો એમ ક્હૅતા હોય કે સર્જનમાં એ બધાંની શી જરૂર, અને જો સમકાલીન લેખકો એમ કહેતા હોય કે ભાષાસુધારની શી જરૂર, ક્હૅવાનું સમજાઇ જાય તો બસ છે, તો એમને ન સાંભળવા, એમની ઉપેક્ષા કરવી. કેમ કે એ આત્મઘાતી માનસિકતા છે.

વિમાનમાં બેઠા પછી એમ ન ક્હૅવાય કે ભલે ખખડ્યા કરતું, ચાલશે !

ગુજરાતી વ્યક્તિ આજે ખાસ તો ગુજરાતી ભાષા ભૂલી રહી છે. એ જોડણી કે વાક્યાન્વયની ભૂલો તો કરે જ છે પણ એનું શબ્દભંડોળ નાનું અને આછુંપાછું થઈ રહ્યું છે. ભૂલો એને એમ દર્શાવે છે કે એ કેવો વરવો છે. પણ એનું શબ્દભંડોળ તપાસવાથી એમ સમજાશે કે એ કેટલો શબ્દધની છે કે કંગાળ છે.

માણસ પાસે જીવનસાધનો કેટલાં છે એમ પૂછીએ છીએ, એ જ રીતે પૂછવું જોઈએ કે જીવવા માટે એની પાસે કેટલા શબ્દો છે. હવે તો શબ્દભંડોળની સાઇઝ કેટલી છે તે માપી શકાય છે. એ ટેસ્ટ આપો એટલે પરિણામ મળી જાય કે તમારા ભંડોળમાં કેટલા શબ્દો છે. ‘વૉકેબ્યુલરી ચૅલેન્જ’ જેવા કાર્યક્રમો પણ યોજાય છે.

ગુજરાતી ભાષકના શબ્દભંડોળમાં સંસ્કૃત અને અંગ્રેજીના તત્સમ તેમ જ તદ્ભવ શબ્દો હોય, અરબી-ફારસીના હોય; તો વળી દેશ્ય શબ્દો પણ હોય. પણ અમુકના ભંડોળમાં સંસ્કૃત તત્સમ કેટલા? દેશ્યની કેટલાને જાણ છે? કોને ખબર છે કે આ શબ્દ અરબી-ફારસી મૂળનો છે કે નથી.

કેટલાકના શબ્દભંડોળમાં થોડાક જ શબ્દો હોય છે. એક-ના-એક શબ્દો વારંવાર વાપર્યા કરે છે. પેલું શું ક્હૅવાય, પેલું શું ક્હૅવાય, એમ ફાંફાં મારે છે. હોય સાહિત્યકાર, બોલે, પણ વાણી પ્રયોજે છે એમ ન લાગે …

હવે જો જેનું શબ્દભંડોળ જ ગરીબડું છે, તો અર્થચ્છાયાનો વૈભવ તો એ ક્યાંથી દાખવી શકવાનો’તો?

ભાષાવિજ્ઞાનમહેલના એક ઓરડાનું નામ છે, સિમૅન્ટિક્સ – શબ્દાર્થવિજ્ઞાન. આમ તો એમાં શબ્દોના અર્થ અને અર્થ વચ્ચેના ફર્કની ચર્ચા થાય; જેને અર્થચ્છાયા કહેવાય. અર્થચ્છાયાને અંગ્રેજીમાં nuance પણ કહેવાય છે. શબ્દાર્થવિજ્ઞાનને સમજવાથી વ્યક્તિની ગ્રહણશક્તિ વિકસી શકે; લોકો કેવી કેવી રીતે એકબીજાને સમજે છે અથવા નથી સમજી શકતા; સમજાવે છે અથવા નથી સમજાવી શકતા; સંક્રમણ સાધી શકે છે અથવા નિષ્ફળ જાય છે, વગેરેનાં કારણો હાથ આવે. પણ શબ્દાર્થવિજ્ઞાન કોણ શીખવે? ક્યારે? કોને?

અર્થચ્છાયાભેદ આછો અને સૂક્ષ્મ હોય છે, દાખલા તરીકે, ‘પાણી’ ‘જળ’ અને ‘અમ્બુ’. ત્રણેયનો અર્થ ‘પાણી’ જ છે છતાં, આપણને અવગત થઈ જાય છે કે ‘જળ’ જરાક જુદું હોય છે, ‘અમ્બુ’ તો ખાસ સંજોગોમાં જ પ્રયોજાય.

આ લેખના પ્રારમ્ભે ‘ઉજાગરો’ અને ‘જાગરણ’ શબ્દો છે, બન્ને શબ્દો ઊંઘનો અભાવ સૂચવે છે, પણ બન્ને વચ્ચે નાનો અર્થચ્છાયાભેદ છે. જિજ્ઞાસુએ શોધી કાઢવો.

માણસમાત્રે ‘પ્રેમ’ ‘પ્યાર’ ‘મહોબત’ ‘દિલ્લગી’ ‘પ્રીતિ’ ‘વ્હાલ’ ‘વાત્સલ્ય’ ‘સ્નેહ’, કે ‘લવ’ વચ્ચે કેવાક અર્થભેદ છે તે જાણી લેવું – ભાન પડશે કે સમ્બન્ધ બાંધતી વખતે કયો શબ્દ વાપરીશ તો લેખે લાગશે.

હું એમ માનું છું કે અર્થચ્છાયાભેદ દર્શાવતા શબ્દો જાણવાથી આપણું ભાષિક સામર્થ્ય – લિન્ગ્વિસ્ટિક કૉમ્પિટન્સ – વિકસે અને તેથી આપણી ભાષિક રજૂઆતો – લિન્ગ્વિસ્ટિક પરફૉર્મન્સિસ – પણ વિકસે. સર્જકને લાભ એ કે ક્યારે કયો શબ્દ વાપરીશ તો ધાર્યું કામ આપશે એ વિશેની એની સૂઝબૂઝ વિકસે.

જેનું શબ્દભંડોળ બચુકડું હોય એને પ્રશ્ન થાય કે અરે, હું મારી જ ભાષાની સમૃદ્ધિથી, આટલી બધી સગવડોથી, વંચિત છું, તે કેમ -? કેમ કે હું મૂરખો છું.

(September 9, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તને મેં ઝંખી છે –

રવીન્દ્ર પારેખ|Opinion - Literature|9 September 2022

આસ્વાદ

તને મેં ઝંખી છે –

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

                                        – સુન્દરમ્

૦

દરેક પ્રેમી તેની પ્રેમિકાને કેટલો પ્રેમ કરે છે ને કેવી રીતે કરે છે તે તેની પ્રેમિકાને કહેવા ઈચ્છતો હોય છે ને એની ખૂબી એ છે કે બધી રીતો ને બધી માત્રા કહેવાઈ ગયા પછી પણ પ્રેમીને સંતોષ નથી થતો.એમ લાગે કે હજી કૈંક રહી ગયું છે અથવા તો આમ કહ્યું હોત તો વધારે ઠીક થયું હોત, એવું લાગે છે ને લાગ્યા જ કરે છે. એવો પ્રેમી પાક્યો નથી જેણે તેના પ્રેમની મહત્તમ માત્રા પ્રગટ કરવા ધારી ન હોય. કહેવાનું તો આટલું જ છે કે હું તને ઝંખું છું. ચાહું છું .પ્રેમ કરું છું … પણ એટલું કહેવામાં ઘણીવાર જિંદગી ટૂંકી પડી જતી હોય છે. મિત્રો, તમે તમારા પ્રિય પાત્રને કેટલું ચાહો છો તે કહેવાના શબ્દો મનમાં ગોઠવો. ગોઠવાઈ તો જશે, પણ કહેવાશે નહીં એટલે કે એકઝેટ જે લેવલે કહેવા માંગશો તે લેવલે કહેવાશે નહીં. એમાં જો કહેનાર કવિ હશે તો તે કહી કહીને થાકશે. દરેક વખતે નવી રીત જડશે ને બીજી જ મિનિટે તે જૂની થઇ જશે. સાધારણ પ્રેમી કહેવાની કોશિશ કરશે ને પછી હથિયાર હેઠાં મૂકતાં કહી દેશે, ’જવા દે, નહીં કહેવાય.’ ને એવી પ્રેમિકા નથી જન્મી જે જાણવા ન ઈચ્છતી હોય કે તેનો પ્રેમી તેને કેટલું ચાહે છે. એવું પ્રેમી કદાચ એટલી તીવ્રતાએ જાણવા ઉત્સુક નથી હોતો. ’તારી છું.’ એટલું કાન પર પડે કે તેને તો વિશ્વવિજયનો આનંદ પ્રગટે. પણ પ્રેમીને ધરવ નથી થતો.

આજે જો કે લાગણી, પ્રેમ સગવડિયાં થઇ ગયાં છે ત્યાં આવી વાતોનો બહુ મતલબ નથી રહ્યો. પણ આંસુ જો મગરનાં આવતા હોય તો પણ આંસુ આવે તો છે જ. જેમ એ નકલી હોય એમ જ એ અસલી પણ હોય. એક પણ સાચું આંસુ ટેરવાં પર સૂર્યકિરણમાં ઝગારા મારતું ઝીલાશે ત્યાં સુધી પ્રેમની ઝંખના કોઈક સ્તરે રહેવાની છે. ભલે નકલી હોય, પણ આંસુ પાપણ પર ન લવાય ત્યાં સુધી તે છેતરી શકતાં નથી. એવું જ પ્રેમનું છે. નકલી પ્રેમ પણ કરવો તો અસલી રીતે જ પડે છે. એટલી સચ્ચાઈ ક્યાંક તો હશે જ. એનું વિચારીએ.

કવિને મન થાય છે તે કેવી રીતે પ્રેયસીને ઝંખે છે તે કહેવાનું ને તે કહે છે, ‘તને મેં ઝંખી છે -‘ સાવ સાદી વાત છે. કોઈ પણ પ્રેમી કહે તેવી. હું તને ચાહું છું – એ જ વાત છે. પણ ત્યાં પૂર્ણવિરામ નથી – ડેશ છે. એનાથી અટકી જવાયું છે, પગ પાસે તીર આવી પડ્યું હોય તેમ. પરાણે લગામ ખેંચાઈ ગઈ જાણે! પછી દોડવીર લાંબું દોડવા બે ડગલા પાછળ જાય ને ધસતો પાછો આવે તેમ પંક્તિ આવે છે –

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

પ્રેમિકા નવરી નથી. વારંવાર પ્રેમીએ કહેવાની કોશિશ કરી છે પણ તે સફળ થયો નથી, કારણ પ્રેમિકા થોભતી નથી – કદાચ ડરે છે, કદાચ માનુની છે .કદાચ સુમાર જુએ છે. ને પ્રેમી અત્યાર સુધી નિષ્ફળ ગયો છે. એ નક્કી કરે છે, આ વખતે તો એવું તંતોતંત કહેવું કે પ્રેયસીને થંભ્યા વગર છૂટકો ન થાય.

પ્રેમિકા આવી છે, વધારે થોભવાની નથી ને જાય તે પહેલાં જીવ રેડીને એટલું કહી દેવાનું છે કે પછી કંઈ કહેવાનું રહે જ નહીં. અહીં બોલતાં તેણે શબ્દો વીણી વીણીને બધી જ લાગણી કહી દેવાની છે ને કહી દે છે, ‘યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’

કેટલા અક્ષર છે? પૂરા સત્તર. સત્તર અક્ષરમાં કવિએ સત્તરસો પંક્તિમાં ન સમાય એટલું ઠાંસીને કહી દીધું છે. શું કહ્યું છે? યુગોથી, એટલે કે લાંબો સમય ખંડ કવિએ પસંદ કર્યો. કેવો છે આ ખંડ? ધીખેલો. બળબળતો. તે ય પ્રખર. ને પેલો સમય ખંડ વિસ્તાર પણ સૂચવે છે. કેવો વિસ્તાર? તો કે સહરાનો. ને સહરા એટલે? રણ. રણ જ નહીં જગતનું મોટામાં મોટું રણ. હવે જે કહેવાયું છે તેને સમજીએ. એવું મોટું રણ જે પ્રખર છે ને ધીખે છે, તે ય આજકાલથી નહીં, યુગોથી ધીખે છે. મતલબ કે યુગોથી ધીખેલા રણના કણેકણની જેવી તરસ હોય, એવી તરસથી તને મેં ઝંખી છે એવું કવિ કહી દે છે .. કઈ એવી અભાગણી પ્રેમિકા હશે જે આવા પ્રેમીને નકારશે? એક મનુષ્ય તેની અતિ ઉત્કટ પ્રેમની લાગણી ઓછામાં ઓછા જેટલા અક્ષરોમાં કહી શકે તે અહીં કહેવાયું છે. ઉત્કટ અભિવ્યક્તિનું આ નાનકડું બ્રહ્માંડ છે.

હવે એમ કહું કે આ છંદમાં છે તો માનશો? હા, તે શિખરિણી છંદમાં છે. ૧૭ અક્ષરી સંસ્કૃત છંદ છે. તેનું લઘુગુરુ – માપ આ છે.

લગાગાગાગાગા લલલલલગા ગાલલલગા

પહેલી પંક્તિમાં  છંદના પહેલા છ અક્ષરો છે.

તને મેં ઝંખી છે –

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

તમને થશે, આ જેટલું કહ્યું તેટલું પૂરતું નો’તું તે છંદનું ય પિંજણ માંડ્યું? ચાલે, એની વાત ન કરીએ તો, પણ જરા નજર માંડીએ તો ખરા.

યાદ કરો, પ્રેમી કહેવા મથે છે ને મહત્તમ માત્રામાં કહેતાં થાકી ગયો છે. બોલી તો દે છે, તને મેં ઝંખી છે – પણ થાકે છે, નિશ્વાસ મૂકાઈ જાય છે ને તે ૧૭ અક્ષરના છંદના બાકીના અગિયાર અક્ષરો પર ફરી વળે છે. એટલે બાકીના અક્ષરો દેખાય ક્યાંથી? શિખરિણીની બીજી પંક્તિ જુઓ : યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી. બરાબર બોલશો તો શિખર ચડવાની અનુભૂતિ એ પંક્તિ બોલવાથી થશે. પ્રેમની તીવ્રતમ અભિવ્યક્તિ શિખર ચડવા જેવી જ નથી? એટલે જ કવિએ દોઢ પંક્તિ શિખરિણીમાં કરી. છંદનો આ આનંદ છંદમાંથી જ મળે, એ અન્ય રીતે શક્ય જ નથી.

@@@

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,3951,3961,3971,398...1,4101,4201,430...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved