Opinion Magazine
Number of visits: 9670960
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 September 2022

દેશમાં પ્રવર્તતા વિકરાળ સામાજિક-આર્થિક ભેદ ઘણીવાર જીવનના સાવ જ અકલ્પનીય લાગે તેવા ક્ષેત્રોમાં જોવા મળે છે. કોઈ વ્યક્તિની ઉંમર અને ઊંચાઈ તેની સામાજિક-આર્થિક સ્થિતિ મુજબની હોય છે તેવું માનવું અઘરું છે. પરંતુ સંશોધનો પરથી પુરવાર થયું છે કે ઉંમર અને ઊંચાઈને પણ ભેદ નડે છે.

આઝાદી મળી ત્યારે, ૧૯૪૭માં, ભારતીયોનું સરેરાશ આયુષ્ય માત્ર ૩૨ વરસ હતું. આજે તે બમણા કરતાં વધુ એટલે કે ૬૯.૭ વરસનું છે. પરંતુ તમામ ભારતીયોને માટે આ સાચું નથી. સમાજના છેવાડાના વર્ગો કે જેમના માટે આમે ય જીવન દોહ્યલું છે તેમની આવરદા પણ ટૂંકી હોય છે. યુ.એન. વુમન રિપોર્ટ ૨૦૧૮માં સમાવિષ્ટ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ દલિત સ્ટડીઝ’ના ૨૦૧૩ના મહિલાઓ સંબંધી અભ્યાસ મુજબ કથિત ઉચ્ચ વર્ણની મહિલાઓ અને દલિત મહિલાઓની સરેરાશ ઉંમર વચ્ચે મોટો ફરક હોય છે. દલિત મહિલાઓ સમાજની ઉચ્ચ વર્ણીય મહિલાઓ કરતાં લગભગ સાડા ચૌદ વરસ વહેલી મરી જાય છે. કથિત સવર્ણ મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૨૦૧૩માં ૫૪.૧ વરસ હતું જ્યારે દલિત મહિલાઓનું ૩૯.૫ વરસ હતું ! શા માટે દલિત મહિલાઓ ઓછું જીવે છે તેનાં કારણો જગજાહેર છે. કુપોષણ, દલિતથી અદકી દલિત હોવું, જીવનની જદ્દોજહદ અને સંઘર્ષોને કારણે તેમનું આયખું અન્ય મહિલાઓ કરતાં ટૂંકુ હોય છે.

દલિત મહિલાઓ સહિત સમાજના દલિત, આદિવાસી, પછાત અને મુસ્લિમ જેવા વંચિત સમુદાયની સરેરાશ આવરદા પણ કથિત ઉજળિયાત વર્ણ અને આર્થિક સમૃદ્ધ વર્ગ કરતાં ઓછી હોય છે. જાણીતા અર્થશાસ્ત્રી વાણીકાંત બરુઆના ૨૦૧૮માં પ્રકાશિત સંશોધન, ‘કાસ્ટ, રિલિજિયન એન્ડ હેલ્થ આઉટકમ્સ ઈન ઇન્ડિયા, ૨૦૦૪-૧૪’માં ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચેના ભારતીયોના મૃત્યુ સમયના સરેરાશ આયુષ્યનું અધ્યયન, નેશનલ સેમ્પલ સર્વે(૨૦૦૪-૨૦૧૪)ના આધારે, કરવામાં આવ્યું છે. આ અધ્યયનના તારણો પ્રમાણે ૧. આદિવાસીઓ બહુ ઓછું જીવે છે. દેશમાં સૌથી ઓછું સરેરાશ આયુષ્ય આદિવાસીઓનું છે. ૨. આદિવાસી પછીના ક્રમે ઓછું આયુષ્ય દલિતોનું છે. ૩. આદિવાસી અને દલિત પછીના ક્રમનું સરેરાશ આયુષ્ય પછાત વર્ગના લોકોનું છે. અને ૪. કથિત ઊંચી જ્ઞાતિના લોકો દલિત-આદિવાસી-પછાત કરતાં વધુ જીવે છે.

વંચિતો અને સમાજના ઉપલા વર્ણોના લોકોના આયુષ્ય વચ્ચે મોટું અંતર છે. ૨૦૧૪માં ભારતના આદિવાસીઓની મૃત્યુ સમયની ઉંમર ૪૩ વરસ, દલિતોની ૪૮ વરસ, પછાત મુસલમાનોની ૫૦ વરસ, પછાત બિનમુસ્લિમોની ૫૨ વરસ હતી. જ્યારે આ વરસે ઉપલા વર્ણના હિદુઓની ૬૦ વરસ અને બિનપછાત મુસલમાનોની ૪૯ વરસ હતી. ૨૦૦૪માં ઉપલા વર્ણના હિંદુઓ સરેરાશ ૫૫, બિનમુસ્લિમ પછાત ૪૯, પછાત મુસલમાન ૪૩, બિનપછાત મુસલમાન ૪૪, દલિતો ૪૨ અને આદિવાસીઓ ૪૫ વરસનું સરેરાશ આયુષ્ય ભોગવતા હતા. ૨૦૦૪માં ૪૨ વરસનું સૌથી ઓછું સરેરાશ આયુષ્ય ધરાવતા દલિતોના આયુષ્યમાં ૨૦૧૪માં ૬ વરસનો વધારો થઈને ૪૮નું થયું હતુ. પરંતુ ૨૦૦૪માં ૪૫ વરસની આવરદા ધરાવતા આદિવાસીઓની જીવન રેખા ૨ વરસ ઘટીને ૪૩ થઈ ગઈ હતી! ૨૦૦૪ અને ૨૦૧૪ના સરેરાશ આયુષ્યમાં સર્વાધિક ૭ વરસની વૃદ્ધિ પછાત મુસલમાનોમાં જોવા મળી હતી. તેમની સરેરાશ ઉંમર આ દાયકામાં ૪૩ વરસથી વધીને ૫૦ વરસની થઈ હતી.

ભારત રાજ્યોનો સંઘ છે. પરંતુ તમામ રાજ્યોનો વિકાસ એકસરખો નથી. તેથી વિકસિત અને અવિકસિત રાજ્યોના લોકોનું સરેરાશ આયુષ્ય પણ એકસરખું નથી. અવિકસિત રાજ્યોના લોકો વિકસિત રાજ્યોના લોકો કરતાં સાત વરસ વહેલાં મરે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ૨૦૧૫-૧૯ના ડેટા પરથી જણાય છે કે દેશમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય દિલ્હીના લોકોનું છે. દિલ્હીના પુરુષો સરેરાશ ૭૪.૩ વરસ અને સ્ત્રીઓ ૭૭.૫ વરસ જીવે છે. સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢના લોકોનું (પુરુષો ૬૫.૩ અને સ્ત્રીઓ ૬૩.૭ વરસ) છે.

વ્યક્તિની ઊંચાઈ જેનેટિક કન્ડીશન પર આધાર રાખે છે. પણ ભારતમાં સામાજિક-આર્થિક સ્થિતિ પણ વ્યક્તિની ઊંચાઈ પર અસર કરે છે. ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈના, પાંચ વરસ કરતાં ઓછી વયના, સૌથી વધુ બાળકો ભારતમાં છે. દુનિયાના ઓછી ઊંચાઈનાં કુલ બાળકોમાં એકતૃતીયાંશ બાળકોના હિસ્સા સાથે ભારત ઠીંગણાં બાળકોનું ઘર ગણાય છે. ભારતમાં જ્ઞાતિ અને સામાજિક-આર્થિક કારણોની બાળકોની ઊંચાઈ પર સારી-નરસી અસરો તપાસતા સંશોધન “ધી મિસિંગ પીસ ઑફ પઝલ : કાસ્ટ ડિસ્ક્રિમિનેશન એન્ડ સ્ટન્ટિંગ’ના તારણો ચોંકાવનારા છે. હાઈડેલબર્ગ યુનિવર્સિટી, જર્મનીના રાજેશ રામચન્દ્રન અને અશોકા યુનિવર્સિટી, નવી દિલ્હીના અશ્વિની દેશપાંડેનો અભ્યાસ જણાવે છે કે દલિત બાળકો સામાજિક ભેદભાવનો સૌથી વધુ ભોગ બને છે. સામાજિક સમાનતા અને સામાજિક સલામતીની દૃષ્ટિએ તેઓ સૌથી વધુ અસુરક્ષિત હોઈ તેમની ઊંચાઈ ઉપલા વર્ણનાં અન્ય બાળકોની તુલનામાં ઓછી જોવા મળે છે. દલિતો અને ઉપલા વર્ણનાં બાળકોની ઊંચાઈનો આ તફાવત આભડછેટ અને સામાજિક ભેદભાવના કારણે છે. દેશના જે જિલ્લાઓમાં અસ્પૃશ્યતાનું ચલણ વધારે છે તે જિલ્લાનાં દલિત બાળકોની ઊંચાઈ ઓછી રહી જવા પામે છે. જ્યારે જે જિલ્લાઓમાં આભડછેટ ઓછી છે તે જિલ્લાનાં બાળકો  પ્રમાણમાં સામાન્ય ઊંચાઈ ધરાવે છે.

ઊંચાઈના આ તફાવતનું કારણ આભડછેટ ઉપરાંત શૌચાલય સહિતની સ્વચ્છતાનો અભાવ, કુપોષણ, માતાનું ઓછું શિક્ષણ, પરિવારનું મોટું કદ અને નબળી આર્થિક સ્થિતિનાં કારણે છે. અભ્યાસ હેઠળનાં દલિત માતા સરેરાશ ૫.૨૬ વરસ અને અન્ય માતા સરેરાશ ૯.૪૭ વરસ શાળા શિક્ષણમાં  ગાળતાં જોવાં મળ્યાં છે. કથિત અવર્ણ માતાઓનો સાક્ષરતા દર ૫૧ ટકા જેટલો નીચો અને સવર્ણ માતાઓનો સાક્ષરતા દર ૮૩ ટકા જેટલો ઊંચો છે તેની અસર બાળકોના લાલનપાલન પર પડે છે. સામાજિક પરિવેશમાં ફરક પણ આ ઊંચાઈના તફાવતના મૂળમાં રહેલો છે.

ઉંમર અને ઊંચાઈની બાબતમાં જોવા મળતા તફાવતનું સામાન્યીકરણ કરવાની જરૂર નથી. વંચિત વર્ગના બાળકોનાં ઠીંગણાપણાના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે તેમ જ્યાં આભડછેટનું આચરણ વધુ છે ત્યાં સામાજિક અસલામતીથી દલિત બાળકોનું કદ ઓછું છે પણ તેમના પ્રત્યે આભડછેટ આચરનારા વર્ગના બાળકોનું કદ કંઈ વધારે નથી. એ જ રીતે સામાજિક-આર્થિક વંચિત સમુદાયના બધા જ ભારતીયો ઓછું જીવે છે અને તેનાથી વિપરીત સ્થિતિના બધા જ લોકો હંમેશાં લાંબુ જ જીવે છે તેવું નથી હોતું. સહિતો અને રહિતો વચ્ચેનો આ ભેદ દેશમાં કેવી ભયાવહ સામાજિક-આર્થિક અસામનતા પ્રવર્તે છે અને તે કેવી કેવી અસરો જન્માવે છે તે દર્શાવીને સર્વસમાવેશી એવા સૌના વિકાસની જરૂરિયાત ચીંધે છે.

(તા.૨૪.૦૮.૨૦૨૨)
e.mail : maheriyachandu@gmail.com

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૮)

સુમન શાહ|Opinion - Literature|13 September 2022

સ્મરણીય છે આ નવલના જન્મસમયની કથા. લખીને પૂરી કરતાં માર્ક્વેઝને ૧૮ મહિના લાગેલા.

પૂરી થઈ એટલે હસ્તપ્રત પ્રકાશકને મોકલી આપવા માર્ક્વેઝ પોસ્ટઑફિસે ગયા. પણ પ્રતના વજન સામે ચૂકવવા જેટલા પૈસા હતા નહીં. 

તો એમ વિચાર્યું કે અર્ધો ભાગ મોકલી આપું.

માર્ક્વેઝે ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ’-ના બે ટુકડા તો કર્યા, બે ભાગ, પણ ભૂલમાં બીજો ભાગ પહેલો મોકલી દીધો !

પ્રકાશક શાણો તે છેવટે એણે બન્ને ભાગ મેળવી લીધા.

ઘર ખાલી જોઈને માર્ક્વેઝને આશ્ચર્ય થાય છે. પણ ઘરમાં આવકનું સાધન ગણો તો સાધન માર્ક્વેઝ; એમના સિવાયનું કોઈ નહીં. એટલે એ સમય દરમ્યાન પત્ની મર્સિએ એક પછી એક ફર્નિચર વેચીને ઘર ચલાવેલું.

પણ આ કીર્તિવન્ત કૃતિએ પછી તો માર્કવેઝને અનેકાનેક પ્રકાશકો મેળવી આપ્યા અને છેવટે મૅક્સિકોનું નવું ઘર ઍરકન્ડિશન્ડ તો હતું જ પણ કહેવાય છે કે એ સમયે ત્યાં ભાગ્યે જ કોઈ ઘર એવું હતું …

•

પ્રકરણ : ૮ :

(આ પ્રકરણનાં ૧૮ પેજ છે. એમાં, યૌવન ભણી વિકસી રહેલા તરુણ અને એકલવાયી પણ પરિપક્વ સ્ત્રી વચ્ચેના નિર્દોષ છતાં જાતીય સમ્બન્ધનું એટલું જ સહજ નિરૂપણ થયું છે.)

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા અને પિલાર તરનેરાનો દીકરો ઔરેલિયાનો હોસે કિશોરાવસ્થાને પામે છે.

સગી ફોઈ અમરન્તાનું એને આકર્ષણ થાય છે. અમરન્તા ય બેસી નથી રહેતી, એને પ્રતિભાવ આપવાને જવાય એટલી નજીક જાય છે. બન્ને એકમેકને સ્પર્શે છે ને નગ્ન થઇને સાથે સૂવે છે.

યૌવન ભણી વિકસી રહેલા તરુણ અને એકલવાયી પણ પરિપક્વ સ્ત્રી વચ્ચેના નિર્દોષ છતાં જાતીય સમ્બન્ધનું એટલું જ સહજ નિરૂપણ એ આ પ્રકરણની વિશેષતા છે. જોઈએ :

અમરન્તા નેતરની હેલકારા-ખુરશીમાં બેઠી’તી, એના ખૉળામાં એનું અધૂરું કામ પડ્યું’તું, અને એણે ઔરેલિયાનો હોસેને જોયો.

ઔરેલિયાનો પોતાની પહેલવહેલી દાઢી કરતો’તો, દાઢી પર બધે ફોમ હતું, ટપટપી પર એણે અસ્ત્રાની ધાર કાઢેલી. એટલે, કે ગમે એમ, જુવાનીના એના ખીલ કપાઈ ગયા, લોહી નીકળ્યું. મૂછને અમુક આકાર આપવા જતાં ઉપલા હોઠને પણ વગાડી બેઠો. છેવટે, સરખો થઈ ગયો. દાઢીમૂછની એની મહેનત જોઈને અમરન્તાને એ ઘડીએ તો એમ જ લાગ્યું કે પોતે ઘરડી થવા માંડી છે.

ઔરેલિયાનો તારી ઉમ્મરના હતા ત્યારે જેવા દેખાતા’તા, તું એવો જ દેખાઉં છું, જુવાન થઈ ગયો, અમરન્તાએ કહ્યું.

એ તો તે દા’ડાનો એમ હતો – જ્યારની અમરન્તા એને બાળક ગણીને એની સામે નિર્વસ્ત્ર થઈને ન્હાતી’તી. પિલાર તરનેરાએ ઉછેરીને મોટો કરવા સૉંપ્યો ત્યારથી અમરન્તા એમ જ ન્હાતી’તી.

ઔરેલિયાનોએ અમરન્તાને પહેલી વાર જોયેલી ત્યારે એનું ધ્યાન માત્ર એક જ વસ્તુ તરફ ખૅંચાયેલું, અને તે હતાં અમરન્તાનાં સ્તન. બન્ને સ્તન વચ્ચે ઘેરો અવસાદ ભાસતો’તો, ડીપ ડીપ્રેશન. ઔરેલિયાનો સહજપણે પૂછી બેઠો – આવું કેમ? શું થયેલું? અમરન્તાએ બન્ને સ્તન પર ટેરવાં ટપટપાવીને અમસ્તો જવાબ વાળેલો કે એ તો એ લોકોએ ઊંડા કાપ મૂકેલા એટલે …

કેટલાક સમય પછી, અમરન્તા ક્રેસ્પીના આપઘાતના દુ:ખમાંથી બ્હાર આવે છે. તે પછી, એક વાર એ એની સામે ન્હાતી હોય છે ત્યારે ઔરેલિયાનોનું ધ્યાન પેલા અવસાદ પર નથી જતું પણ અમરન્તાના પ્રભાવક સ્તન અને સ્તનની બદામી ડીંટીઓ પર જાય છે. જોઈને એને લખલખું આવી ગયેલું.

એણે એને ધારી-ધારીને જોયા કરી; તસુ-તસુમાં અમરન્તા સાથેની નિકટતાનો જાદુ ઢૂંઢ્યા કર્યો. અમરન્તાના શરીરે પાણી પડ્યું ને એને ઝણઝણાટી થઈ, એ જોઈને એને પણ ઝણઝણાટી થઈ. નાનો હતો ત્યારે એને અંધારાની બીક લાગતી; જાગે નહીં ત્યાં લગી હૅમક છોડે નહીં ને અમરન્તાને વળગીને સૂઈ રહે, એને હૂંફ મળતી. પણ તે દિવસથી પોતાની નગ્નતાની એને પ્રતીતિ થઈ ગઈ, અને એટલે, ઘૂસી જતો ખરો પણ અંધારાની બીકથી નહીં, મળસ્કા લગી અમરન્તાના ઊના ઉચ્છવાસો માણવા મળે એવી લાલસાથી.

Pic courtesy : Timetoast

એક વહેલી સવારે અમરન્તા કર્નલ જેરિનેલ્ડોને આગળ વધવા ના પાડતી હોય છે. ત્યારે ઔરેલિયાનોને લાગ્યું કે પોતાને ગૂંગળામણ થઈ રહી છે અને એ જાગી ગયો. એને લાગ્યું કે અમરન્તાની આંગળીઓ એના પેટ આસપાસ બ્હાવરી ઇયળોની જેમ સળવળી રહી છે. એણે ઊંઘી જવાનો ડૉળ કર્યો, પોતાની સ્થિતિને વધારે સહજ કરી, અને, પોતાની આતુરતાની શેવાળમાં અમરન્તાના પેલા કાળા પાટા વિનાના હાથને કશી આંધળી શેલફિશની જેમ નીચેની તરફ ડૂબકી મારતા અનુભવ્યા.

બન્ને જણાં એ વાતની ઉપેક્ષા કરતાં રહ્યાં કે બન્ને કેટલું જાણે છે અને દરેક જણું બીજાને કેટલું જાણે છે, પણ એ રાત્રિ પછી ખોટું નહીં કરવાની સહિયારી સામેલગીરીમાં જોતરાયેલાં રહ્યાં. જો કે પાર્લર ડૉકેથી ૧૨-ના ડંકા ન થાય ત્યાં લગી ઔરેલિયાનોને ઊંઘ ન્હૉતી આવતી.

પાકટ વયની યુવતી અમરન્તાની ત્વચા નિર્માલ્ય થવા માંડેલી. પોતે જેને ઉછેરીને મોટો કરેલો એ સ્લીપવૉકર છોકરાની જ્યાંલગી મચ્છરદાનીમાં ઘૂસણ ન અનુભવે ત્યાંલગી એ બેચૅન રહેતી. ત્યારે ઔરેલિયાનોને ગમ નહીં કે પોતે અમરન્તાની એકાન્તવ્યથાનું શામક ઔષધ બની બેઠો છે.

પછીના સમયોમાં, બન્ને સાથે સૂતાં, નગ્ન, અને પ્રેમભર્યા સ્પર્શોની આપ-લે કરતાં થાકતાં નહીં, એટલું જ નહીં, એકબીજાંનો પીછો કરતાં ઘરના ખૂણે ખૂણે ફરી વળતાં. દિવસના ગમે એટલા વાગ્યા હોય, તેઓ એકધારી અથાગ ઉત્તેજનાનાં માર્યાં ક્યાં ય લગી બેડરૂમોમાં પુરાઈ રહેતાં.

બપોરે એક વાર બન્ને ચુમ્બન કરવા જતાં’તાં, ને ઉર્સુલા જોઈ ગઈ. ઉર્સુલા અનાજના કોઠાર તરફ જતી’તી. બહુ સાદી રીતે એણે ઔરેલિયાનોને પૂછ્યું : તારી ફોઈને તું બહુ ચાહું છું, ખરું? : ઔરેલિયાનોએ કહ્યું : હા એમ જ છે : સારી વાત છે, કહીને ઉર્સુલાએ બ્રેડને માટેના લોટને જોખવાનું કામ પતાવ્યું, ને રસોડામાં ચાલી ગઈ.

એ ઘટનાવલિએ અમરન્તાને એના ઉન્માદમાંથી ઉગારી લીધી. એને સમજાયું કે પોતે બહુ આગળ વધી ગયેલી, તરુણ ઔરેલિયાનોને અકારણ ચુમ્બન કે બચ્ચીઓ ન્હૉતી કરતી, પણ સુખદ એવા પાનખરી આવેશ માટેનો (ઑટમ્નલ પૅશન) સંઘર્ષ કરતી’તી. એને સમજાઈ ગયું કે એ એક ભયાનક અને કશા જ ભવિષ્ય વિનાનો સંઘર્ષ હતો. અમરન્તાએ એ બધું એક ઝાટકે કાપી નાખ્યું.

ઔરેલિયાનોને વાસ્તવિકતાનું ભાન થયું. પોતાની મિલિટરી ટ્રેઇનિન્ગ પૂરી કરવામાં હતો ને હવે બરાક્સમાં સૂતો’તો. શનિવારે શનિવારે સૈનિકો સાથે કૅત્રિનાના સ્ટોરે જવા માંડેલો. જીવનમાં એકાએક આવી ચડેલા એકાન્તનું અને પોતાની કાચી તરુણાવસ્થાનું ત્યાં આશ્વાસન શોધતો’તો. મરી ગયેલાં ફૂલોની વાસ જેવી સ્ત્રીઓને એણે અંધારામાં આદર્શ બલકે કલ્પનાના ચૂંથારાને લીધે અમરન્તા ગણી લીધેલી.

ઔરેલિયાનો બળવો કરનારા વિદ્રોહી સૈન્યનો ત્યાગ કરે છે અને ઘરે પાછો ફરે છે – એવા વિચારથી કે પોતે અમરન્તાને પરણી લેશે. પણ અમરન્તા એને સતત અવગણે જ છે, કેમ કે નજીકનાં સગાં વચ્ચેના જાતીય સમ્બન્ધોથી એ ઉબાઈ ગયેલી.

સવિનય અસહકારના દિવસોમાં કૉન્ઝર્વેટિવ પાર્ટીનો એક સૈનિક ઔરેલિયાનોની હત્યા કરે છે અને એથી એ સમગ્ર પરિસ્થતિનું કરુણ સમાપન થાય છે. 

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાથી જન્મેલા પેલા ૧૭ પુત્રોને બાપ્તિસ્મા માટે માકોન્ડોમાં લવાય છે, અને એ દરેકનું નામ ઔરેલિયાનો રખાય છે.

(September 13, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીજી પહેલાંના ‘રાષ્ટ્રપિતા’: દાદાભાઈ નવરોજી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 September 2022

“હું ચાહે એક હિંદુ હોઉં, એક મોમેડીયન હોઉં, એક પારસી હોઉં, એક ક્રિશ્ચિયન હોઉં કે પછી બીજા કોઈપણ પંથનો હોઉં, હું એ બધાથી ઉપર એક ભારતીય છું. આપણું રાષ્ટ્ર ભારત છે, અને આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે.”

૧૮૯૩માં કાઁગ્રેસની સભામાં દાદાભાઈ નવરોજીના આ શબ્દો હતા. આધુનિક ભારતના એક મહત્ત્વના સ્થપતિની, અને ખાસ કરીને તેમના રાષ્ટ્રવાદની સ્મૃતિ નામશેષ ના થઇ જાય, તે માટે એક પારસી લેખક દિન્યાર પટેલે (આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇતિહાસ, યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના) લખેલા દાદાભાઈના જીવનચરિત્ર્ય, ‘નવરોજી : પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનાલિઝમ’ને કમલાદેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.

બીજા સમાચાર એ છે કે લંડનમાં તેઓ જ્યાં રહેતા હતા તે નિવાસસ્થાનને “બ્લુ પ્લાક” લગાવવાનો બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો છે. લંડનમાં રહીને નોંધપાત્ર કામ કરનારી હસ્તીઓનાં સન્માનમાં તેમના ઘર બહાર બ્રિટિશ હેરિટેજની ભૂરા રંગની તકતી મારવાની પરંપરા છે. દાદાભાઈ બ્રિટિશ સંસદમાં ચૂંટાનારા પહેલા એશિયન સાંસદ હતા. અગાઉ આવું સન્માન રાજા રામ મોહન રોય, મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ, જવાહરલાલ નહેરુ અને ડો. આંબેડકરનાં નિવાસસ્થાનોને પણ આપવામાં આવ્યું છે.

આજે કોઈને એ કલ્પના પણ ના આવે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલથી પહેલાં એક ભારતીયએ રાષ્ટ્રીય છેક લંડનમાં એકતાનો પાયો નાખ્યો હતો. આજે રાજકીય અસ્મિતાની હરીફાઈમાં દરેક પક્ષ અનુકૂળ આવે તે રીતે રાષ્ટ્રપુરુષને મંચ પર ચઢાવવાની હોડ કરે છે, પણ દાદાભાઈ એમાં ક્યાં ય ક્ષિતિજ પર પણ દેખાતા નથી. એનું કારણ એ પારસી હતા, એટલે?

આજે આપણે ભલે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહેતા હોઈએ, પણ ગાંધીજીએ દાદાભાઈને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા. લંડનથી ડર્બન પાછા જતી વખતે, દસ દિવસમાં, જહાજયાત્રા દરમિયાન ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું હતું, તેમાં તે લખે છે, “હિન્દના આ દાદાએ જમીન તૈયાર ના કરી હોત, તો આપણા નૌજવાનોએ સ્વ-રાજની માંગણી ના કરી હોત.” ૧૮૯૪માં મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના હાથે અપમાન થયું, ત્યારે તેમનાથી ૪૪ વર્ષ મોટા દાદાભાઈને તેમણે લખ્યું હતું, “મને આપ દીકરા જેવો ગણીને સલાહ આપશો તો આભારી થઈશ.”

દાદાભાઈ નવરોજી દક્ષિણ ગુજરાતમાં નવસારીના સમૃદ્ધ જરથોસ્તી પરિવારના વંશજ હતા. દિન્યાર પટેલના કહેવા પ્રમાણે દાદાભાઈ નવસારીમાં નહીં, પણ મુંબઈમાં ખડક શેરી(પાયધુની)માં જન્મ્યા હતા. દાદાભાઈના પૂર્વજોમાં બે મોબાદ (પારસી પાદરી) રહી ચુક્યા હતા. તેઓ અન્ય વેપારીઓની આગેવાની કરીને ૧૬૧૮માં મોઘલ બાદશાહ જહાંગીરને મળ્યા હતા અને દક્ષિણ ગુજરાતમાં વેપાર-ધંધો કરવાની પરવાનગી માગી હતી.

દાદાભાઈના દાદાના સમય સુધીમાં નવરોજી પરિવાર ગરીબ થઇ ગયો હતો અને તેમના દાદા અને પિતા નવરોજી પાલનજી દોરદી ધરમપુરનાં ખેતરોમાં મજદૂરી કરતા હતા. ૧૮૨૦ની આસપાસ નવરોજી પાલનજી અને તેમની પત્ની માણેકબાઈએ રોટલો કમાવા મુંબઈની વાટ પકડી હતી. ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ના રોજ દાદાભાઈનો જન્મ મુંબઈના સૌથી ગરીબ ગણાતા ખડક વિસ્તારમાં થયો હતો. દાદાભાઈ એકનું એક સંતાન હતા.

દાદાભાઈ ચાર વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થઇ ગયું. નાની ઉંમરે આવેલી અનાથાવસ્થા અને રોજી-રોટીની મોહતાજી દાદાભાઈના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવવાની હતી. માણેકબાઈએ દાદાભાઈને સાર્વજનિક સ્કૂલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમણે એક ઉદાહરણરૂપ વિધાર્થી તરીકે નામના કાઢી હતી. દિન્યાર પટેલ લખે છે કે ’છપ્પન ભાષાઓ, અઢાર જ્ઞાતિઓ અને અનેક પાઘડીઓ’વાળા મહાનગર મુંબઈનું જીવન નવસારી કે ધરમપુર કરતાં અલગ હતું.

દાદાભાઈએ જો કે નવસારીમાં રહેતા અન્ય પરિવારજનો સાથે મજબૂત સંબંધ રાખ્યો હતો અને તે નિયમિત ત્યાં જઈને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓમાં રસ લેતા હતા. એટલા માટે એવી પર્ચાલિત માન્યતા છે કે દાદાભાઈ નવસારીના જમ્યા હતા. જો કે દાદાભાઈએ ખુદ અનેક વખત એવી સ્પષ્ટતા કરી હતી કે તે મુંબઈના પાયધુની વિસ્તારમાં ખડકમાં જન્મ્યા હતા. ખડકમાં તેમના ઘરનું અસ્તિત્વ રહ્યું નથી અને નવસારીમાં જે ઘર છે તે તેમના પૂર્વજોનું છે.

મુંબઈમાં રહેવાનો ફાયદો એ થયો કે અન્ય પારસી સાથીદારોની જેમ દાદાભાઈ પણ દેશ-દુનિયાથી પરિચિત થયા. જેમ એક ગુજરાતી બીજા ગુજરાતીની દેખા-દેખી પરદેશ જાય છે, તેમ દાદાભાઈ પણ અન્ય પારસીઓની જેમ ૧૮૫૫માં ઇંગ્લેન્ડ ભણવા ગયા અને ત્યાં લંડનની હવામાં તે ખીલી ઉઠ્યા. પાંચ દાયકા સુધી તે લંડન રહ્યા અને પાછા આવ્યા ત્યારે દેશ અને સમાજ કેવો હોવો જોઈએ, શહેરની રચના કેવી હોવી જોઈએ, ગરીબી અને અસમાનતા કોને કહેવાય, શિક્ષણનું શું મહત્ત્વ છે અને ગુલામી કોને કહેવાય, તેની સ્પષ્ટ સમજ વિકસી ચૂકી હતી.

૧૮૯૨માં ઈંગ્લેંડની સંસદમાં તેઓ ચૂંટાયા તો દાદાભાઈએ ખુદને ભારતીયોના પ્રતિનિધિ તરીકે ઘોષિત કરેલા. સાથી સંસદ સભ્યો તેમના પર હસતા કે એક પારસી કેવી રીતે ભારતીય હિંદુ બહુમતી અને મુસ્લિમોનો પ્રતિનિધિ હોય! ૧૮૯૩માં તે લાહોર કાઁગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ તરીકે ભાગ લેવા ભારત આવ્યા ત્યારે તેમને વધાવવા માટે ૫,૦૦,૦૦૦ મુંબઈવાસીઓ, જેમાં હિંદુ સાધુઓ અને મુસ્લિમ કાજીઓ હતા, ભેગા થયા હતા. તે સ્ટેશને-સ્ટેશને રોકાતી ટ્રેનમાં મુંબઈથી લાહોર ગયા હતા. પાછળથી ગાંધીજી પણ આવી જ રીતે ભારત ભ્રમણ કરવાના હતા.

લાહોરમાં દાદાભાઈ મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓની મુલાકતે ગયા હતા. કાઁગ્રેસ અધિવેશનના અધ્યક્ષ અને સભ્યોને વધવવા મુસ્લિમ શાયરોએ ઉર્દૂ કવિતાઓ અને હિંદુ મહિલાઓએ ભજન ગાયાં હતાં. દિન્યાર પટેલ લખે છે કે અહીં આં લાહોર અધિવેશનમાં દાદાભાઈએ કાઁગ્રેસ સભ્યોને કહ્યું હતું કે તે ગમે તે જ્ઞાતિના હોય, તેઓ સૌથી પહેલા ભારતીય છે. એક બંગાળી સમાચારપત્રમાં ત્યારે લખાયું હતું, “આ વખતે હિંદુ, મુસ્લિમ, શીખ, બંગાળી, હિન્દુસ્તાની, મરાઠી, પારસી, પંજાબી અને મદ્રાસી એક અવાજમાં બોલ્યા છે.”

દાદાભાઈ નવરોજીના રાષ્ટ્રવાદની તે શરૂઆત હતી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3931,3941,3951,396...1,4001,4101,420...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved